ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15

 

પ્રેમ તો વીતરાગોનો જ !

આ છોકરીઓ ધણી પાસ કરે છે, આમ જોઈ કરીને પાસ કરે છે, પછી વઢતી નહીં હોય ? વઢે ખરી ? તો એને પ્રેમ કહેવાય જ નહીં ને ! પ્રેમ તો કાયમનો જ હોય. જ્યારે જુએ ત્યારે એ જ પ્રેમ, એવો જ દેખાય. એનું નામ પ્રેમ કહેવાય અને ત્યાં આશ્વાસન લેવાય.

આ તો આપણને પ્રેમ આવતો હોય અને એક દહાડો એ રીસાઈને બેઠી હોય, ત્યારે બળ્યો તારો પ્રેમ ! નાખ ગટરમાં અહીંથી. મોઢું ચઢાવીને ફરતાં હોય, તેના પ્રેમને શું કરવાનો ? તમને કેમ લાગે છે ?

પ્રશ્શનકર્તા : બરાબર છે.

દાદાશ્રી : ક્યારેય પણ મોઢું ના બગાડે એવો પ્રેમ હોવો જોઈએ. એ પ્રેમ અમારી પાસે મળે.

ધણી ટૈડકાવે તોય પ્રેમ વધઘટ ના થાય એવો પ્રેમ જોઈએ. હીરાના કાપ લાવી આપે તે ઘડીએ પ્રેમ વધી જાય, તેય આસક્તિ. એટલે આ જગત આસક્તિથી ચાલી રહ્યું છે. પ્રેમ, એ તો 'જ્ઞાની પુરુષ'થી તે ઠેઠ ભગવાન સુધી હોય, એ લોકોને પ્રેમનું લાયસન્સ હોય. એ પ્રેમથી જ લોકોને સુખી કરી દે. એ પ્રેમથી જ બાંધે પાછા, છૂટાય નહીં. તે ઠેઠ 'જ્ઞાની પુરુષ'ની પાસે, ઠેઠ તીર્થંકર સુધી બધા પ્રેમવાળા, અલૌકિક પ્રેમ ! જેમાં લૌકિકતા નામે ય ના હોય.

અતિ પરિચયાત્ અવજ્ઞા !

જ્યાં બહુ પ્રેમ આવે ત્યાં જ અણગમો થાય એ માનવ સ્વભાવ છે. જેની જોડે પ્રેમ હોય ને માંદા થઈએ ત્યારે તેની જોડે જ કંટાળો આવે. એ ગમે નહીં આપણને. 'તમે જાવ અહીંથી, આઘા બેસો' કહેવું પડે અને ધણી જોડે પ્રેમની આશા રાખવી નહીં અને એ આપણી પાસે પ્રેમની આશા રાખે તો એ મૂરખ છે. આ તો આપણે કામ પૂરતું કામ ! જેમ હોટલવાળાને ત્યાં ઘર માંડવા જઈએ છીએ આપણે ? ચા પીવા માટે જઈએ તો પૈસા આપીને પાછા ! એવી રીતે કામ પૂરતું કામ કરી લેવાનું આપણે.

પ્રેમની લગનીમાં નભાવે સર્વ ભૂલો !

ઘરનાં જોડે નફો થયો ક્યારે કહેવાય કે ઘરનાંને આપણા ઉપર પ્રેમ આવે, આપણા વગર ગમે નહીં ને ક્યારે આવે, ક્યારે આવે એવું રહ્યા કરે. લોકો પરણે છે પણ પ્રેમ નથી, આ તો માત્ર વિષય આસક્તિ છે. પ્રેમ હોય તો ગમે તેટલો એકબીજામાં વિરોધાભાસ આવે છતાં પ્રેમ ના જાય. જ્યાં પ્રેમ ના હોય તે આસક્તિ કહેવાય. આસક્તિ એટલે સંડાસ ! પ્રેમ તો પહેલાં બધો હતો કે ધણી પરદેશ ગયો હોયને, તે પાછો ના આવે તો આખી જિંદગી એનું એમાં જ ચિત્ત રહે, બીજા કોઈ સાંભરે જ નહીં. આજે તો બે વરસ ધણી ના આવે તો બીજો ધણી કરે ! આને પ્રેમ કેમ કહેવાય ? આ તો સંડાસ છે, જેમ સંડાસ બદલે છે તેમ ! જે ગલન છે તેને સંડાસ કહેવાય. પ્રેમમાં તો અર્પણતા હોય !

પ્રેમ એટલે લગની લાગે તે. અને તે આખો દહાડો યાદ આવ્યા કરે. શાદી બે રૂપે પરિણામ પામે, કોઈ વખત આબાદીમાં જાય, તો કોઈ વખત બરબાદીમાં જાય. પ્રેમ બહુ ઊભરાય તે પાછો બેસી જાય. જે ઊભરાય છે તે આસક્તિ છે. માટે જ્યાં ઊભરાય તેનાથી દૂર રહેવું. લગની તો આંતરિક હોવી જોઈએ. બહારનું ખોખું બગડી જાય, કહોવાઈ જાય તોય પ્રેમ એટલો ને એટલો જ રહે. આ તો હાથ દઝાયો હોય ને આપણે કહીએ કે 'જરા ધોવડાવો' તો ધણી કહેશે કે, 'ના, મારાથી નથી જોવાતું'! અલ્યા, તે દહાડે તો હાથ પંપાળ પંપાળ કરતો હતો, ને આજે કેમ આમ ? આ ઘૃણા કેમ ચાલે ? જ્યાં પ્રેમ છે ત્યાં ઘૃણા નથી ને જ્યાં ઘૃણા છે ત્યાં પ્રેમ નથી. સંસારી પ્રેમ પણ એવો હોવો જોઈએ કે જે એકદમ ઓછો ના થઈ જાય કે એકદમ વધી ના જાય. નોર્માલિટીમાં હોવો જોઈએ. જ્ઞાનીનો પ્રેમ તો ક્યારે પણ વધઘટ ના થાય. એ પ્રેમ તો જુદો જ હોય, એને પરમાત્મ પ્રેમ કહેવાય.

પ્રેમ બધે હોવો જોઈએ. આખા ઘરમાં પ્રેમ જ હોવો જોઈએ. જ્યાં પ્રેમ છે ત્યાં ભૂલ ના કાઢે કોઈ. પ્રેમમાં ભૂલ ના દેખાય. અને આ પ્રેમ નથી, ઈગોઈઝમ છે, હું ધણી છું એવું ભાન છે. પ્રેમ એનું નામ કહેવાય કે ભૂલ ના લાગે. પ્રેમમાં ગમે તેટલી ભૂલ હોય તો નભાવી લે. તમને સમજાય છે ?

પ્રશ્શનકર્તા : હાજી.

દાદાશ્રી : એટલે ભૂલચૂક થાય કે પ્રેમની ખાતર જવા દેવી. આ છોકરા પર તમને પ્રેમ હોયને, તો ભૂલ ના દેખાય છોકરાની. હશે બા, કશો વાંધો નહીં. પ્રેમ નભાવી લે બધું. નભાવી લે ને ?

બાકી, આ તો આસક્તિ બધી ! ઘડીમાં વહુ છે તે આ ગળે હાથ વળગાડે ને ચોંટી પડે અને પછી ઘડીમાં પાછા બોલમ્બોલ કરે. 'તે આવું કર્યું, તેં આમ કર્યું.' પ્રેમમાં કોઈ દહાડો ભૂલ ન હોય. પ્રેમમાં ભૂલ દેખાય નહીં. આ તો પ્રેમ જ ક્યાં છે ? ના જોઈએ, ભઈ ?

આપણને ભૂલ ના દેખાય તો આપણે જાણીએ કે આની જોડે પ્રેમ છે આપણને ! ખરેખર પ્રેમ હશે આ લોકોને ?

એટલે આને પ્રેમ કેમ કહેવાય ?

બાકી, પ્રેમ જોવા નહીં મળે આ કાળમાં. જેને સાચો પ્રેમ કહેવામાં આવે છે ને, એ જોવા નહીં મળે. અરે, એક માણસ મને કહે છે કે 'આટલો બધો મારો પ્રેમ છે તોય તે તરછોડ મારે છે !' મેં કહ્યું, 'ન્હોય એ પ્રેમ. પ્રેમને તરછોડ કોઈ મારે જ નહીં.'

ધણી ખોળે અક્કલ, બૈરી જુએ વેતા !

ત્યારે જે પ્રેમમાં પોતાની જાત જ હોમી દે, જાતને 'સેફસાઈડ' રાખે નહીં ને જાતને હોમી દે, એ પ્રેમ ખરો. એ તો અત્યારે મુશ્કેલ છે વાત.

પ્રશ્શનકર્તા : એવા પ્રેમને શું કહેવાય ? અનન્ય પ્રેમ કહેવાય ?

દાદાશ્રી : આને પ્રેમ કહેવાય સંસારમાં. આ આસક્તિમાં ના ગણાય અને એનું ફળેય બહુ ઊંચું મળે. પણ એવું પોતાની જાતને હોમવી, એ બને નહીં ને ! આ તો પોતાની જાતને 'સેફસાઈડ' રાખીને કામ કર્યા કરે છે. ને 'સેફ સાઈડ' ના કરે એવી સ્ત્રીઓ કેટલી ને એવા પુરુષો કેટલા ?

આ તો સિનેમામાં જતી વખતે આસક્તિનાં તાનમાં ને તાનમાં. ને આવતી વખતે 'અક્કલ વગરની છે' કહેશે. ત્યારે પેલી કહેશે, 'તમારામાં ક્યાં વેતા છે ?' એમ વાતો કરતાં કરતાં ઘેર આવે. પેલી વેતા જોતી હોય !

પ્રશ્શનકર્તા : આ તો આમ આ બધાનો અનુભવ છે. કોઈ બોલે નહીં, પણ દરેક જણ જાણે કે 'દાદા' કહે છે એ વાત સાચી છે.

પ્રેમથી જ જીતાય !

પ્રશ્શનકર્તા : સંસારમાં રહ્યા પછી કેટલીક જવાબદારીઓ બજાવવી પડે છે અને જવાબદારીઓ અદા કરવી એ એક ધર્મ છે. એ ધર્મ બજાવતાં, કારણે કે અકારણે કટુવચન બોલવાં પડે છે, તો એ પાપ કે દોષ ગણાય ? આ સંસારી ધર્મો બજાવતી વખતે કડવાં વચન બોલવાં પડે, તો એ પાપ કે દોષ છે ?

દાદાશ્રી : એવું છે ને, કડવું વચન બોલીએ તે ઘડીએ આપણું મોઢું કેવું થઈ જાય ? ગુલાબનાં ફૂલ જેવું, નહીં ? આપણું મોઢું બગડે તો જાણવું કે પાપ લાગ્યું. આપણું મોઢું બગડે એવી વાણી નીકળી ત્યાં જ જાણવું કે પાપ લાગ્યું. કડવાં વચન ના બોલાય. ધીમે રહીને, આસ્તે રહીને બોલો. થોડાં વાક્યો બોલો, પણ આસ્તે રહીને સમજીને કહો, પ્રેમ રાખો, એક દહાડો જીતી શકશો. કડવાથી જીતી નહીં શકો. પણ એ સામો થશે ને અવળાં પરિણામ બાંધશે. એ છોકરો અવળાં પરિણામ બાંધે. 'અત્યારે તો નાની ઉંમરનો છું, તે મને આવું ટૈડકાવે છે. મોટી ઉંમરનો થઈશ એટલે આપીશ.' એવાં પરિણામ મહીં બાંધે. માટે આવું ના કરો. એને સમજાવો. એક દહાડો પ્રેમ જીતશે. બે દહાડામાં જ એનું ફળ નહીં આવે. દસ દહાડે, પંદર દહાડે, મહિના સુધી પ્રેમ રાખ્યા કરો. જુઓ, આ પ્રેમનું શું ફળ આવે છે એ તો જુઓ ! તમને ગમી આ વાત ? કડવું વચન બોલીએ તો આપણું મોઢું ના બગડી જાય ?

પ્રશ્શનકર્તા : આપણે અનેક વાર સમજાવીએ છતાં એ ના સમજે તો શું કરવું ?

દાદાશ્રી : સમજાવવાની જરૂર જ નથી. પ્રેમ રાખો. છતાં આપણે એને સમજણ પાડીએ ધીમે રહીને. આપણા પડોશીને ય એવું કડવું વચન બોલીએ છીએ આપણે ?

પ્રશ્શનકર્તા : પણ એવી ધીરજ હોવી જોઈએ ને ?

દાદાશ્રી : હમણે ડુંગર ઉપરથી ઢેખાળો પડે ને એ તમારા માથે પડે તો તમે ઉપર જોઈ લો ને પછી કોની ઉપર ક્રોધ કરો ? તે ઘડીએ શાંત રહો ને ? કોઈ દેખાય નહીં એટલે આપણે જાણીએ કે આ કોઈએ નથી નાખ્યો. માટે એની મેળે પડ્યો છે. એટલે એનો આપણે ગુનો નથી ગણતા. ત્યારે પેલોય એની મેળે જ પડે છે. એ તો, નાખનાર તો, વ્યક્તિ દેખાય છે એટલું જ છે. બાકી, એની મેળે જ પડે છે. તમારા જ હિસાબ ચૂકતે થાય છે બધા. આ દુનિયામાં બધા હિસાબ ચૂક્તે થઈ રહ્યા છે. નવા હિસાબ બંધાઈ રહ્યા છે ને જૂના હિસાબ ચૂક્તે થઈ રહ્યા છે. સમજ પડીને ? માટે સીધું બોલજો છોકરાં જોડે, સારી ભાષા બોલજો.

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15