ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15

 

અશ્રુથી વ્યકત એ નહીં ખરી લાગણી !

પ્રશ્શનકર્તા : સંસારમાં રહેવા માટે લાગણીની જરૂર છે. લાગણી પ્રદર્શિત કરવી જ પડે. લાગણી પ્રદર્શિત ન કરો, તો મૂઢ કહે છે. હવે જ્ઞાન આવે, જ્ઞાનની સમજ ઉતરે, પછી લાગણી એટલી પ્રદર્શિત નથી થતી. હવે કરવી જોઈએ, વ્યવહારમાં ?

દાદાશ્રી : શું થાય છે એ જોવાનું.

પ્રશ્શનકર્તા : દાખલા તરીકે છોકરો બહારગામ ભણવા ગયો. અને એરપોર્ટ ઉપર મા ને બાપ બન્ને ગયાં, અને માની આંખમાંથી આંસુ પડ્યા અને બાપ રડ્યો નહીં. એટલે તું કઠણ પથ્થર જેવો છું, કહે છે.

દાદાશ્રી : ના, હોય નહીં, લાગણી આવી. બહારગામ જતો હોય તો શું ? એના આંખમાં આંસુ પડે તો એને વઢવી જોઈએ કે ઢીલી આવી કંઈ સુધી રહીશ, મોક્ષે જવું છે તો.

પ્રશ્શનકર્તા : ના, એટલે એમ કે એ જો લાગણી ના હોય, તો એટલો માણસ છે તો કઠોર થઈ જાય છે. એ લાગણી વગરનો માણસ બહુ કઠોર હોય છે.

દાદાશ્રી : લાગણી તો જેને આંખમાં આંસુ નથી આવતાં તેની સાચી છે અને તમારી ખોટી લાગણી છે. તમારી દેખાવની લાગણી છે અને એની સાચી લાગણી છે. સાચી લાગણી હાર્ટિલી હોય. એ બધું ખોટું-ઊંધું માની બેઠેલું. લાગણી કંઈ જબરજસ્તી થાય નહીં. એ તો નેચરલ ગિફ્ટ છે. એવું કહેતા હોય કે કઠણ પથ્થર જેવો છું, તો લાગણી ઉત્પન્ન થતી હોય તોય બંધ થઈ જાય. એ કંઈ રડવું અને પછી તરત ભૂલી જવું એ લાગણી કહેવાય નહીં. લાગણી તો રડવુંય નહીં અને યાદ રહેવું, એનું નામ લાગણી કહેવાય.

લાગણીવાળા તો અમેય, કોઈ દહાડોય રડીએ નહીં, પણ છતાંય બધાંને માટે લાગણી કાયમની. કારણ કે જેટલાં વધુ મળે એટલાં તો રોજ અમારા જ્ઞાનમાં આવતાં જ હોય બધાં.

પ્રશ્શનકર્તા : મા-બાપ પોતાના બાળકો માટે જે રીતે લાગણી બતાવે છે, તો ઘણી વખત લાગે છે કે ખૂબ બતાવતાં હોય છે.

દાદાશ્રી : એ ઈમોશનલ જ છે બધું. ઓછી બતાવનારેય ઈમોશનલ કહેવાય. નોર્મલ જોઈએ. નોર્મલ એટલે ખાલી ડ્રામેટિક ! ડ્રામાની સ્ત્રી જોડે ડ્રામા કરવાનો તે અસલ, એક્ઝેક્ટ. લોકો એમ સમજે કે સહેજ ભૂલ નથી કરી. પણ બહાર નીકળતી વખતે એને કહીએ, હેંડ મારી જોડે, તો ના આવે એ. આ તો ડ્રામા પૂરતું જ હતું, કહે. એ સમજાયું ને ?

પ્રશ્શનકર્તા : હા, સમજાય છે.

દાદાશ્રી : એટલે છોકરાને કહીએ, 'આય ભાઈ, બેસ બા. તારા વગર મારું બીજું કોણ છે ?' અમે તો હીરાબાને કહેતા'તા કે મને તમારા વગર ગમતું નથી. આ પરદેશ જઉં, પણ તમારા વગર મને ગમે નહીં.

પ્રશ્શનકર્તા : બાને સાચુંય લાગે.

દાદાશ્રી : હા, સાચું જ હોય. મહીં અડવા ના દઈએ.

પ્રશ્શનકર્તા : પહેલાંના જમાનામાં મા-બાપને છોકરાંઓ માટે પ્રેમ કે એની સરભરા એ બધી કરવાનો ટાઈમ જ નહોતો અને કંઈ પ્રેમ આપતાય નહોતા. બહુ ધ્યાન નહોતા આપતા. અત્યારે મા-બાપ છોકરાઓને બહુ પ્રેમ આપે, બધું ધ્યાન રાખે, બધું કરે તોય છોકરાંઓને મા-બાપ માટે બહુ પ્રેમ કેમ નથી હોતો ?

દાદાશ્રી : આ પ્રેમ તો, જે બહારનો મોહ એવો જાગ્રત થયેલો છે કે એમાં જ ચિત્ત જતું હોય છે. પહેલાં મોહ બહુ ઓછો હતો ને અત્યારે તો મોહના સ્થળ એટલાં બધાં થઈ ગયાં છે.

પ્રશ્શનકર્તા : હા. અને મા-બાપ પણ પ્રેમનાં ભૂખ્યાં હોય કે અમારા છોકરાઓ છે, વિનય-બિનય રાખે.

દાદાશ્રી : પ્રેમ જ, જગત પ્રેમાધીન છે. જેટલી મનુષ્યોને ભૌતિક સુખની નથી પડી એટલી પ્રેમની પડેલી છે. પણ પ્રેમ ટકરાયા કરે છે. શું કરે ? પ્રેમ ટકરાવો ના જોઈએ.

પ્રશ્શનકર્તા : છોકરાઓમાં મા-બાપ પ્રત્યેનો પ્રેમ ઘણો છે.

દાદાશ્રી : છોકરાનેય ઘણું છે ! પણ છતાં ટકરાયા કરે.

આસક્તિ, ત્યાં સુધી ટેન્શન !

પ્રશ્શનકર્તા : જેમ લાગણી વધારે તેમ તેનામાં પ્રેમ વધારે એવી માન્યતા છે.

દાદાશ્રી : પ્રેમ જ નથી હોતો ને, આસક્તિ છે બધી. આ જગતમાં પ્રેમ શબ્દ હોતો નથી. પ્રેમ બોલવો એ ખોટી વાત છે. એ મહીં આસક્તિ હોય છે.

પ્રશ્શનકર્તા : તો આ લાગણી અને લાગણીવેડા, એ સમજાવવા કૃપા કરશો ?

દાદાશ્રી : લાગણી ને લાગણીવેડા એ 'ઈમોશનલ'માં જાય. માણસ 'મોશન'માં ના રહી શકે એટલે 'ઈમોશનલ' થાય.

પ્રશ્શનકર્તા : અંગ્રેજીમાં 'ફિલિંગ' અને 'ઈમોશન' બે શબ્દો છે.

દાદાશ્રી : હા, પણ 'ફિલિંગ' એ જુદી જ વસ્તુ છે અને 'ઈમોશનલ' વસ્તુ જુદી છે. લાગણી ને લાગણીવેડા 'ઈમોશનલ'માં જાય.

કંઈ પણ લાગણી છે, આસક્તિ છે ત્યાં સુધી માણસને 'ટેન્શન' ઊભું થાય અને 'ટેન્શન'થી પછી મોઢું બગડેલું હોય. અમારે પ્રેમ છે, તેથી તો 'ટેેન્શન' વગર રહી શકીએ છીએ. નહીં તો બીજો માણસ 'ટેન્શન' વગર રહી શકે નહીં ને ! 'ટેન્શન' હોય જ બધાને, જગત આખું 'ટેન્શન'વાળું !

લાગણીઓનું વહેણ, 'જ્ઞાની'ને !

અમને 'જ્ઞાની પુરુષ'ને લાગણીઓ હોય. હા, જેવી હોવી ઘટે એવી રીતે હોય. અમે તેને 'હોમ'માં અડવા ના દઈએ. એવો કાયદો નથી કે મહીં 'હોમ'માં સ્પર્શ થવા દેવો. લાગણી ના હોય તો મનુષ્ય જ કેમ કહેવાય ?

પ્રશ્શનકર્તા : આપે કહ્યું કે લાગણી તો અમને પણ હોય. તમને જેવી હોય, એનાં કરતાં અમને ઊંચી લાગણી હોય, બધાને માટે હોય.

દાદાશ્રી : લાગણી હોય. અમે લાગણી વગર હોઈએ નહીં.

પ્રશ્શનકર્તા : પણ છતાંય આપને એ લાગણી 'ટચ' નથી થતી.

દાદાશ્રી : જ્યાં કુદરતી રીતે બેસાડવી જોઈએ ત્યાં જ અમે બેસાડીએ અને તમે અકુદરતી જગ્યાએ બેસાડો.

પ્રશ્શનકર્તા : એ 'ડિમાર્કેશન', જરા ફોડ પાડો ને !

દાદાશ્રી : 'ફોરેન'ની વાત 'ફોરેન'માં જ રાખવાની ને, 'હોમ'માં નહીં લઈ જવાની. લોક 'હોમ'માં લઈ જાય છે. 'ફોરેન'માં મૂકી અને આપણે 'હોમ'માં પેસવાનું.

પ્રશ્શનકર્તા : પણ એ લાગણીનો પ્રવાહ હોય ત્યારે 'એને' 'ફોરેન'નું ને 'હોમ'નું ડિમાર્કેશન ના થવા દે ને ? બે ભાગ જુદા પડે નહીંને, તે વખતે ?

દાદાશ્રી : 'જ્ઞાન' લીધેલું હોય, તેને કેમ ના પડે ?

પ્રશ્શનકર્તા : એ સમજવું છે કે આપ કઈ રીતે 'એપ્લાય' કરો છો !

દાદાશ્રી : અમે લાગણીને 'ફોરેન'માં મૂકીને 'હોમ'માં પેસીએ. તે લાગણી મહીં પેસતી હોય તો કહીએ, 'બહાર બેસ.' અને તમે તો કહેશો, 'આવ ભઈ, આવ, આવ, મહીં આવ.'

 

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15