ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15


'પ્રેમ', ત્યાં જ પરમાત્મા !

પ્રશ્શનકર્તા : તો સાચો પ્રેમ એટલે વધઘટ ના થાય ?

દાદાશ્રી : સાચો પ્રેમ વધઘટ ના થાય એવો જ હોય. આ તો પ્રેમ થયેલો હોય તો જો કદી ગાળો ભાંડીએ તો એની જોડે ઝઘડો થઈ જાય, અને ફૂલો ચઢાવીએ તો પાછો આપણને ચોંટી પડે.

પ્રશ્શનકર્તા : વ્યવહારમાં ઘટે-વધે એવી રીતે જ હોય.

દાદાશ્રી : આ લોકોનો પ્રેમ તો આખો દહાડો વધઘટ જ થયા કરે ને ! છોકરા-છોડીઓ બધાં પર જો વધઘટ જ થયા કરે ને ! સગાંવહાલાં, બધેય વધઘટ જ થાય છે ને ? અરે, પોતાની જાત ઉપરેય વધઘટ જ થયા કરે ને ! ઘડીમાં અરીસામાં જુએ તો કહે, 'હવે હું સારો દેખાઉં છું.' ઘડી પછી 'ના, બરોબર નથી' કહેશે. તે જાત ઉપરેય પ્રેમ વધઘટ થાય. આ જવાબદારી નહીં સમજવાથી જ આ બધું થાય છે ને ! કેટલી મોટી જવાબદારી !

પ્રશ્શનકર્તા : ત્યારે આ લોકો કહે છે ને, પ્રેમ કેળવો, પ્રેમ કેળવો !

દાદાશ્રી : પણ આ પ્રેમ જ ન્હોય ને ! એ તો લૌકિક વાતો છે. આને પ્રેમ કોણ કહે તે ? લોકોનો પ્રેમ જે વધઘટ થાય એ બધી આસક્તિ, નરી આસક્તિ ! જગતમાં આસક્તિ જ છે. પ્રેમ જગતે જોયો નથી. અમારો શુધ્ધ પ્રેમ છે માટે લોકોને અસર થાય, લોકોને ફાયદો થાય, નહીં તો ફાયદો જ ના થાય ને ! એક ફેરો 'જ્ઞાની પુરુષ' કે ભગવાન હોય ત્યારે પ્રેમ દેખે, પ્રેમમાં ઘટવધ ના હોય, અનાસક્ત હોય, એ જ્ઞાનીઓનો પ્રેમ એ જ પરમાત્મા છે. સાચો પ્રેમ એ જ પરમાત્મા છે, બીજી કોઈ વસ્તુ પરમાત્મા છે નહીં. સાચો પ્રેમ, ત્યાં પરમાત્માપણું પ્રગટ થાય !

સદા અઘટ, 'જ્ઞાની'નો પ્રેમ !

પ્રશ્શનકર્તા : તો પછી આ પ્રેમના પ્રકાર કેટલા છે, કેવા છે, એ બધું સમજાવો ને !

દાદાશ્રી : બે જ પ્રકારના પ્રેમ છે. એક વધઘટવાળો, ઘટે ત્યારે આસક્તિ કહેવાય ને વધે ત્યારે આસક્તિ કહેવાય. અને એક વધઘટ ના થાય એવો અનાસક્ત પ્રેમ, એ જ્ઞાનીઓને હોય.

જ્ઞાનીનો પ્રેમ તે શુધ્ધ પ્રેમ છે. આવો પ્રેમ ક્યાંય જોવા નહીં મળે. દુનિયામાં જ્યાં તમે જુઓ છો તે બધો જ પ્રેમ ઘાટવાળો પ્રેમ. બૈરી-ધણીનો, મા-બાપનો, બાપ-દીકરાનો, મા-દીકરાનો, શેઠ-નોકરનો દરેકનો પ્રેમ ઘાટવાળો હોય. ઘાટવાળો છે એ ક્યારે સમજાય કે જ્યારે એ પ્રેમ ફ્રેક્ચર થાય. જ્યાં સુધી મીઠાશ વર્તે ત્યાં સુધી કાંઈ ના લાગે, પણ કડવાટ ઊભી થાય ત્યારે ખબર પડે. અરે, આખી જિંદગી બાપની સંપૂર્ણ આમન્યામાં રહ્યો હોય ને એક જ વખત ગુસ્સામાં, સંજોગવશાત જો બાપને બેટો 'તમે અક્કલ વગરના છો' એમ કહે, તો આખી જિંદગી માટેનો સંબંધ તૂટી જાય. બાપ કહે, તું મારો બેટો નહીં ને હું તારો બાપ નહીં. જો સાચો પ્રેમ હોય તો તો એ કાયમ માટે તેવો ને તેવો જ રહે, પછી ગાળો ભાંડો કે ઝઘડો કરે. એ સિવાયના પ્રેમને તો સાચો પ્રેમ શી રીતે કહેવાય ? ઘાટવાળો પ્રેમ તેને જ આસક્તિ કહેવાય. એ તો વેપારી અને ગ્રાહક જેવો પ્રેમ છે, સોદાબાજી છે. જગતનો પ્રેમ તો આસક્તિ કહેવાય. પ્રેમ તો તેનું નામ કહેવાય કે, જોડે ને જોડે રહેવાનું ગમે. તેની બધી જ વાત ગમે. તેમાં એક્શન એન્ડ રીએક્શન ના હોય. પ્રેમ પ્રવાહ તો સરખો જ વહ્યા કરે. વધઘટ ના હોય, પૂરણ-ગલન ના હોય. આસક્તિ પૂરણ-ગલન સ્વભાવની હોય.

કોઈ છોકરો અક્કલ વગરની વાત કરે કે 'દાદાજી, તમને તો હું હવે ખાવાય નહીં બોલાવું અને પાણીય નહીં પાઉં', તોય 'દાદાજી'નો પ્રેમ ઊતરે નહીં અને એ સારું જમાડ જમાડ કરે તોય 'દાદાજી'નો પ્રેમ ચઢે નહીં, એને પ્રેમ કહેવાય. એટલે જમાડો તોય પ્રેમ, ના જમાડો તોય પ્રેમ, ગાળો ભાંડો તોય પ્રેમ અને ગાળો ના ભાંડો તોય પ્રેમ, બધે પ્રેમ દેખાય. એટલે ખરો પ્રેમ તો અમારો કહેવાય. એવો ને એવો જ છે ને ? પહેલે દહાડે જે હતો, તેનો તે જ છે ને ? અરે, તમે મને વીસ વર્ષે મળોને, તોય પ્રેમ વધે-ઘટે નહીં, પ્રેમ તેનો તે જ દેખાય !

સ્વાર્થ સિવાયનો સ્નેહ નહીં સંસારમાં !

પ્રશ્શનકર્તા : માતાનો પ્રેમ વધારે સારો ગણાય, આ વ્યવહારમાં.

દાદાશ્રી : પછી બીજા નંબરે ?

પ્રશ્શનકર્તા : બીજા કોઈ નથી. બીજા બધા સ્વાર્થના પ્રેમ.

દાદાશ્રી : એમ ? ભાઈ-બઈ બધાય સ્વાર્થ ? ના, તમે અખતરો નહીં કરી જોયો હોય ?

પ્રશ્શનકર્તા : બધાય અનુભવ છે.

દાદાશ્રી : અને આ લોક રડે છે ને, તે ય સાચા પ્રેમનું રડતા નથી, સ્વાર્થનું રડે છે. અને આ તો પ્રેમ જ નહોય. આ તો બધી આસક્તિ કહેવાય. સ્વાર્થથી આસક્તિ ઉત્પન્ન થાય. ઘરમાં આપણે બધાની જોડે વધઘટ વગરનો પ્રેમ રાખવો. પણ એમને શું કહેવું કે 'તમારા વગર અમને ગમતું નથી.' વ્યવહારથી તો બોલવું પડે ને ! પણ પ્રેમ તો વધઘટ વગરનો રાખવો.

આ સંસારમાં જો કોઈ કહેશે, 'આ સ્ત્રીનો પ્રેમ એ પ્રેમ નહોય ?' ત્યારે હું સમજાવું કે જે પ્રેમ ઘટે-વધે એ સાચો પ્રેમ જ નહોય. તમે હીરાના કાપ લાવી આપો, તે દહાડે બહુ પ્રેમ વધી જાય અને પછી કાપ ના લાવે તો પ્રેમ ઘટી જાય, એનું નામ પ્રેમ ના કહેવાય.

પ્રશ્શનકર્તા : સાચો પ્રેમ વધઘટ ના હોય, તો એનું સ્વરૂપ કેવું હોય ?

દાદાશ્રી : એ વધઘટ ના થાય. જ્યારે જુઓ ત્યારે પ્રેમ એવો ને એવો જ દેખાય. આ તો તમારું કામ કરી આપે ત્યાં સુધી એનો પ્રેમ તમારી જોડે રહે અને કામ ના કરી આપે તો પ્રેમ તૂટી જાય, એને પ્રેમ કહેવાય જ કેમ ?

એટલે સાચા પ્રેમની વ્યાખ્યા શું ? ફૂલ ચઢાવનાર અને ગાળ દેનાર, બન્ને પર સરખો પ્રેમ હોય, એનું નામ પ્રેમ. બીજી બધી આસક્તિઓ. આ પ્રેમની ડેફિનેશન કહું છું. પ્રેમ એવો હોવો જોઈએ. એ જ પરમાત્મ પ્રેમ છે અને જો એ પ્રેમ ઉત્પન્ન થયો તો બીજી કશી જરુર જ નથી. આ તો પ્રેમની જ કિંમત છે બધી !

મોહવાળો પ્રેમ, નકામો

પ્રશ્શનકર્તા : માણસ પ્રેમ વગર જીવી શકે ખરો ?

દાદાશ્રી : જેની જોડે પ્રેમ કર્યો એણે લીધો ડાઈવોર્સ, તો પછી શી રીતે જીવે એ ? કેમ બોલ્યા નહીં ? તમારે બોલવું જોઈએ ને ?

પ્રશ્શનકર્તા : સાચો પ્રેમ હોય તો જીવી શકે. જો મોહ થતો હોય તો ન જીવી શકે.

દાદાશ્રી : ખરું કહ્યું આ. આપણે પ્રેમ કરીએ ત્યારે એ ડાઈવોર્સ લે, તો બળ્યો એ પ્રેમ ! એને પ્રેમ કહેવાય કેમ કરીને ? આપણો પ્રેમ ક્યારેય ના તૂટે એવો હોવો જોઈએ, ગમે તે થાય તોય પ્રેમ ના તૂટે. એટલે સાચો પ્રેમ હોય તો જીવી શકે.

પ્રશ્શનકર્તા : ફક્ત મોહ હોય તો ન જીવી શકે.

દાદાશ્રી : મોહવાળો પ્રેમ તો નકામોને બધો. ત્યારે આવા પ્રેમમાં ના ફસાશો. વ્યાખ્યાવાળો પ્રેમ હોવો જોઈએ. પ્રેમ વગર માણસ જીવી શકે નહીં એ વાત સાચી છે પણ પ્રેમ વ્યાખ્યાવાળો હોવો જોઈએ.

એટલે પ્રેમની વ્યાખ્યા તમને સમજણ પડી ? એવો પ્રેમ ખોળો. હવે આવો પ્રેમ ના ખોળશો કે કાલે સવારે એ 'ડાઈવોર્સ' લઈ લે. આમનાં શાં ઠેકાણાં ?

પ્રશ્શનકર્તા : પ્રેમ અને મોહ, એમાં મોહમાં ન્યોછાવર થવામાં બદલાની આશા છે અને અહીં પ્રેમમાં બદલાની આશા નથી. તો પ્રેમમાં ન્યોછાવર થાય તો પૂર્ણપદને પ્રાપ્ત કરે ?

દાદાશ્રી : આ દુનિયામાં કોઈ પણ માણસ સત્ય પ્રેમની શરુઆત કરે તે ભગવાન થાય. સત્ય પ્રેમ નિર્ભેળ હોય. એ સત્ય પ્રેમમાં વિષય ના હોય, લોભ ના હોય, માન ના હોય. એવો નિર્ભેળ પ્રેમ એ ભગવાન બનાવે, સંપૂર્ણ બનાવે. રસ્તા તો બધા સહેલા છે, પણ એવું થવું મુશ્કેલ છે ને !

પ્રશ્શનકર્તા : એવી જ રીતે કોઈ પણ મોહ પાછળ જીવન ન્યોછાવર કરવાની શક્તિ લે તો પરિણામે પૂર્ણતા આવે ? તો એ ધ્યેયની પૂર્ણતાને પ્રાપ્ત કરે ?

દાદાશ્રી : જો મોહની પાછળ ન્યોછાવર કરે તો તો પછી મોહ જ પ્રાપ્ત કરે ને મોહ જ પ્રાપ્ત કર્યો છે ને લોકોએ !

પ્રશ્શનકર્તા : આ છોકરા-છોકરીઓ પ્રેમ કરે છે અત્યારના જમાનામાં, તે મોહથી કરે છે એટલા માટે ફેઈલ થાય છે ?

દાદાશ્રી : એકલો જ મોહ ! ઉપર મોઢું રૂપાળું દેખાય છે એટલે પ્રેમ દેખાય. પણ એ પ્રેમ કહેવાય નહીં ને ! હમણે અહીં આગળ ગૂમડું થાયને તો પાસે જાય નહીં પછી. આ તો કેરી મહીંથી ચાખી જુએને તો ખબર પડે. મોઢું બગડી જાય તો બગડી જાય, પણ મહિના સુધી ખાવાનું ના ભાવે. અહીં બાર મહિના સુધી આવડું ગુમડું થાયને તો મોઢું ના જુએ, મોહ છૂટી જાય ને જ્યારે ખરો પ્રેમ હોય તો એક ગુમડું, અરે બે ગુમડાં થાય તો ય ના છૂટે. તે આવો પ્રેમ ખોળી કાઢજો. નહીં તો શાદી જ ના કરશો. નહીં તો ફસાઈ જશો. પછી એ મોઢું ચઢાવશે ત્યારે કહેશે, 'આનું મોઢું જોવાનું મને નથી ગમતું.' 'ત્યારે અલ્યા, સારું જોયું હતું તેથી તને ગમ્યું હતું ને હવે આવું નથી ગમતું ?' આ તો મીઠું બોલતા હોયને એટલે ગમે. અને કડવું બોલે તો કહે, 'મને તારા જોડે ગમતું જ નથી.'

પ્રશ્શનકર્તા : એ પણ આસક્તિ જ છે ને ?

દાદાશ્રી : બધી આસક્તિ. 'ગમ્યું હતું ને ના ગમ્યું, ગમ્યું હતું ને ના ગમ્યું' એમ કકળાટ કર્યા કરે. એવા પ્રેમને શું કરવાનો ?

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15