ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15


પ્રેમથી જ સુધરે જગત !

અને પ્રેમથી સુધરે. આ બધું સુધારવાનું હોયને, તો પ્રેમથી સુધરે. આ બધાને હું સુધારું છુંને, એ પ્રેમથી સુધારું છું. આ અમે પ્રેમથી જ કહીએ છીએને ! પ્રેમથી કહીએ એટલે વસ્તુ બગડે નહીં અને સહેજ દ્વેષથી કહીએ કે એ વસ્તુ બગડી જાય. દૂધમાં દહીં પડ્યું ના હોય અને અમથી જરા હવા લાગી ગઈ, તોય એ દૂધનું દહીં થઈ જાય.

એટલે પ્રેમથી બધું બોલાય. જે પ્રેમવાળા માણસ છે ને, તે બધું બોલી શકે. એટલે અમે શું કહેવા માગીએ છીએ ? પ્રેમ સ્વરૂપ થાવ તો આ જગત તમારું જ છે. જ્યાં વેર હોય ત્યાં વેરમાંથી ધીમે ધીમે પ્રેમ સ્વરૂપ કરી નાખો. વેરથી આ જગત આવું બધું 'રફ' દેખાય છે. જુઓને, અહીં પ્રેમસ્વરૂપ, કોઈને જરાય ખોટું લાગતું નથી ને કેવો આનંદ બધાં કરે છે !

કદર માગે ત્યાં પ્રેમ કેવો ?

બાકી, પ્રેમ જોવા નહીં મળે આ કાળમાં. જેને સાચો પ્રેમ કહેવામાં આવે છેને, એ જોવા નહીં મળે. અરે, એક માણસ મને કહે છે, 'આટલો બધો મારો પ્રેમ છે તોય તે તરછોડ મારે છે.' મેં કહ્યું, 'ન્હોય એ પ્રેમ. પ્રેમને તરછોડ કોઈ મારે જ નહીં.'

પ્રશ્શનકર્તા : આપ જે પ્રેમની વાત કરો છો, એમાં પ્રેમની અપેક્ષાઓ હોય ખરી ?

દાદાશ્રી : અપેક્ષા ? પ્રેમમાં અપેક્ષા ના હોય. દારૂ પીતો હોય તેની પરેય પ્રેમ હોય ને દારૂ ના પીતો હોય તેની પરેય પ્રેમ હોય. પ્રેમમાં અપેક્ષા ના હોય. પ્રેમ સાપેક્ષ ના હોય.

પ્રશ્શનકર્તા : પણ દરેક માણસને મારે માટે બે શબ્દ સારા બોલે, એવી કદરની હંમેશાં ઇચ્છા હોય. કોઈને ગાળ સહન કરવી ગમતી નથી.

દાદાશ્રી : એની કદર થાય એવી આશાઓ રાખે એટલે એ પ્રેમ જ ન્હોય. એ બધી આસક્તિ છે. આ બધો મોહ જ છે.

લોકો પ્રેમની આશા રાખે એ મૂરખ છે બધાં, 'ફૂલીશ' છે. તમારું પુણ્ય હશે તો પ્રેમથી કોઈ બોલાવશે. એ પુણ્યથી પ્રેમ છે અને તમારા પાપનો ઉદય થયો એટલે તમારો ભઈ જ કહેશે, 'નાલાયક છે તું, આમ છે ને તેમ છે.' ગમે તેટલા ઉપકાર કરો તો ય. આ પુણ્ય ને પાપનું પ્રદર્શન છે અને આપણે જાણીએ કે એ જ આવું કરે છે.

એટલે આ તો પુણ્ય બોલી રહ્યું છે, માટે પ્રેમ તો હોય જ નહીં. 'જ્ઞાની પુરુષ' પાસે જાય ત્યારે પ્રેમ જેવી વસ્તુ દેખાય. બાકી, પ્રેમ તો જગતમાં કોઈ જગ્યાએ ના હોય.

અંદરની સિલક સાચવો !

આ તો લોકો બહાર કંઈ ભાંજગડ પડી કે ભાઈબંધી છોડી નાખે. પહેલાં ભાઈબંધી હોય અને બહુ પ્રેમથી વર્તતા હોય તો બહારેય પ્રેમ અને અંદરેય પ્રેમ ! અને પછી જ્યારે ભાંજગડ પડે ત્યારે બહારેય ભાંજગડ અને અંદરેય ભાંજગડ. અંદર ભાંજગડ નહીં કરવાની. પેલો જાણે નહીં પણ અંદર પ્રેમ રહેવા દેવાનો. અંદર સિલક હશેને, ત્યાં સુધી મનુષ્યપણું નહીં જાય. અંદરની સિલક ગઈ એટલે મનુષ્યપણુંય જતું રહે.

પ્રેમમાં સંકુચિતતા ના હોય !

મારામાં પ્રેમ હશે કે નહીં હોય ? કે તમે એકલા જ પ્રેમવાળા છો ? આ તમે તમારો પ્રેમ સંકુચિત કરેલો છે કે 'આ વાઈફ ને આ છોકરાં.' જ્યારે મારો પ્રેમ વિસ્તારપૂર્વક છે.

પ્રશ્શનકર્તા : પ્રેમ એટલો સંકુચિત હોઈ શકે કે એક જ પાત્ર પ્રત્યે સીમિત જ રહે ?

દાદાશ્રી : સંકુચિત હોય જ નહીં, એનું નામ પ્રેમ. સંકુચિત હોયને, કે આટલા 'એરિયા' પૂરતું જ, તો તો આસક્તિ કહેવાય. તે સંકુચિત કેવું ? ચાર ભાઈઓ હોય અને ચારેયને ત્રણ-ત્રણ છોકરાં હોય અને ભેગા રહેતા હોય, તો ત્યાં સુધી બધા ઘરમાં 'અમારું, અમારું' બોલે. 'અમારા પ્યાલા ફૂટ્યા' બધા એવું બોલે. પણ ચાર જ્યારે જુદા થાય તેને બીજે દહાડે, આજ બુધવારને દહાડે છૂટા થાય તો ગુરુવારને દહાડે એ જુદું જ બોલે 'એ તમારું ને આ અમારું.' આમ સંકુચિતતા આવતી જાય. એટલે આખા ઘરમાં પ્રેમ જે વિકાસ હતો, તે હવે આ જુદું થયું એટલે સંકુચિત થઈ ગયું. પછી આખી પોળ તરીકે, યુવકમંડળ તરીકે કરવો હોય, તો પાછો એનો પ્રેમ ભેગો હોય. બાકી પ્રેમ, ત્યાં સંકુચિતતા ના હોય, વિશાળતા હોય.

રાગ અને પ્રેમ

પ્રશ્શનકર્તા : તો પ્રેમ અને રાગ એ બન્ને શબ્દો સમજાવો.

દાદાશ્રી : રાગ એ પૌદ્ગલિક વસ્તુ છે અને પ્રેમ એ સાચી વસ્તુ છે. હવે પ્રેમ કેવો હોવો જોઈએ ? કે વધે નહીં, ઘટે નહીં, એનું નામ પ્રેમ કહેવાય. અને વધે-ઘટે એ રાગ કહેવાય. એટલે રાગમાં અને પ્રેમમાં ફેર એવો છે કે પેલું એકદમ વધી જાય તો એને રાગ કહેવાય, એટલે ફસાયો પછી. જો પ્રેમ વધી જાય તો રાગમાં પરિણામ પામે. પ્રેમ ઊતરી જાય તો દ્વેષમાં પરિણામ પામે. એટલે એનું નામ પ્રેમ કહેવાય જ નહીં ને ! એ તો આકર્ષણ ને વિકર્ષણ છે. એટલે આપણા લોકો જેને પ્રેમ કહે છે, તેને ભગવાન આકર્ષણ કહે છે.

રાગ 'કોઝિઝ', અનુરાગ 'ઈફેક્ટ' !

પ્રશ્શનકર્તા : પણ દાદા, રાગ થાય છે એમાંથી અનુરાગ થઈ જાય છે અને પછી એમાંથી આસક્તિ થાય છે.

દાદાશ્રી : એવું છે, રાગ એ કોઝિઝ છે અને અનુરાગ ને આસક્તિ એ 'ઈફેક્ટ' છે. એ 'ઈફેક્ટ' બંધ કરવાની નથી, કોઝિઝ બંધ કરવાનાં છે. કારણ કે આ આસક્તિ કેવી છે ? એક બહેન કહે છે, 'તમે મને જ્ઞાન આપ્યું અને મારા પુત્રનેય જ્ઞાન આપ્યું છે. છતાંય પણ મને એની પર એટલો બધો રાગ છે કે આ જ્ઞાન આપ્યું છતાંય રાગ જતો નથી.' ત્યારે મેં કહ્યું, 'એ રાગ નથી, બેન. એ આસક્તિ છે.' ત્યારે એ કહે છે, 'પણ એવી આસક્તિ ના રહેવી જોઈએ ને ? આસક્તિ 'તમને' 'શુધ્ધાત્મા'ને નથી.

દ્ષ્ટિફેરથી આસક્તિ !

પ્રશ્શનકર્તા : માણસને જગત પ્રત્યે શા માટે આસક્તિ હોય છે ?

દાદાશ્રી : આખું જગત આસક્તિમાં જ છે. જ્યાં સુધી 'સેલ્ફ'માં રહેવાની શક્તિ ઉત્પન્ન ના થાય, 'સેલ્ફ'ની રમણતા ઉત્પન્ન ના થાય, ત્યાં સુધી આસક્તિમાં જ બધું પડેલું છે. સાધુ-સંન્યાસીઓ-આચાર્યો, બધા આસક્તિમાં જ પડ્યા છે. આ સંસારની, બૈરી-છોકરાંની આસક્તિ છૂટે તો પુસ્તકની આસક્તિ ચોંટે, નહીં તો 'હમ' 'હમ'ની આસક્તિ ! એ બધી આસક્તિઓ જ છે, જ્યાં જાય ત્યાં.

આસક્તિ એટલે વિકૃત પ્રેમ !

જે પ્રેમ વધઘટ થાય એ આસક્તિ કહેવાય. અમારો પ્રેમ વધઘટ ના થાય. તમારે વધઘટ થાય તેથી તે આસક્તિ કહેવાય. વખતે ઋણાનુબંધી આગળ પ્રેમ વધઘટ થાય તો 'આપણે' તેને 'જાણીએ.' હવે પ્રેમ વધઘટ ના થવો જોઈએ. નહીં તો પ્રેમ એકદમ વધી ગયો તોય આસક્તિ કહેવાય અને ઘટી ગયો તોય આસક્તિ કહેવાય અને આસક્તિમાં હંમેશાં રાગ-દ્વેષ થયા કરે. જે આસક્તિ છે એને જ પ્રેમ ગણે છે, એ લોકભાષા ને ! પાછાં બીજાં યે એવું જ કહે, એને જ પ્રેમ કહે. આખી લોકભાષા જ એ થઈ.

પ્રશ્શનકર્તા : આમાં પ્રેમ અને આસક્તિનો ભેદ જરા સમજાવો ને !

દાદાશ્રી : જે વિકૃત પ્રેમ, એનું નામ જ આસક્તિ. આ જગત એટલે વિકૃત છે, એમાં જે પ્રેમ આપણે કહીએ છીએ એ વિકૃત પ્રેમ કહેવાય છે અને એને આસક્તિ જ કહેવાય.

એટલે આસક્તિમાં જ જગત બધું પડેલું છે. હેય... મહીં બેઠા છેને, તે અનાસક્ત છે અને તે અકામી છે પાછા અને આ બધા કામનાવાળા. આસક્તિ ત્યાં કામના. લોક કહે છે કે, 'હું નિષ્કામ થયો છું.' પણ આસક્તિમાં રહે છે એ નિષ્કામ કહેવાય નહીં. આસક્તિ જોડે કામના હોય જ. ઘણાં લોક કહે છેને, કે 'હું નિષ્કામ ભક્તિ કરું છું.' મેં કહ્યું, 'કરજે ને, તું અને તારી વહુ બેઉ કરજો (!) પણ આસક્તિ ગઈ નથી, ત્યાં સુધી તું શી રીતે આ નિષ્કામ ભક્તિ કરીશ ?'

આસક્તિ તો એટલે સુધી ચોંટે, તે સારા પ્યાલા-રકાબી હોયને તો તેમાંય ચોંટી જાય. અલ્યા, અહીં ક્યાં જીવતું છે ? એક વેપારીને ત્યાં હું ગયો હતો, તે દહાડામાં પાંચ વખત લાકડું જોઈ આવે ત્યારે એને સંતોષ થાય. હેય ! એવું આમ સુંવાળું રેશમ જેવું ગોળ !! અને આમ હાથ અડાડ અડાડ કરે ત્યારે તો એને સંતોષ થાય. તો આ લાકડાં ઉપર કેટલી આસક્તિ છે ! કંઈ સ્ત્રી જોડે જ આસક્તિ થાય એવું કશું નથી. વિકૃત પ્રેમ જ્યાં ચોંટ્યો ત્યાં આસક્તિ !

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15