ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15


પ્રેમ, સર્વે પર સરખો !

આ પ્રેમ તો ઈશ્વરીય પ્રેમ છે. એવું બધે હોય નહીં ને ! આ તો કોઈક જગ્યાએ આવું હોય તો બને, નહીં તો બને નહીં ને !

હમણે શરીરે જાડો દેખાય તેની ઉપરેય પ્રેમ, ગોરો દેખાય તેની પરેય પ્રેમ, કાળો દેખાય તેની ઉપરેય પ્રેમ, લૂલો-લંગડો દેખાય તેની પરેય પ્રેમ, સારા અંગવાળો માણસ દેખાય તેની પરેય પ્રેમ. બધે સરખો પ્રેમ દેખાય. કારણ કે એના આત્માને જ જુએ. બીજી વસ્તુ જુએ નહીં. જેમ આ સંસારમાં લોકો માણસનાં કપડાં જોતા નથી, એનાં ગુણ કેવાં છે એવું જુએ, એવી રીતે 'જ્ઞાની પુરુષ' આ પુદ્ગલને ના જુએ. પુદ્ગલ તો કોઈનું વધારે હોય, કોઈનું ઓછું હોય, કંઈ ઠેકાણું જ નહીં ને !

અને આવો પ્રેમ હોય ત્યાં બાળકો પણ બેસી રહે. અભણ બેસી રહે, ભણેલા બેસી રહે, બુધ્ધિશાળીઓ બેસી રહે. બધા લોકો સમાય. બાળકો તો ઊઠે નહીં. કારણ કે વાતાવરણ એટલું બધું સુંદર હોય.

એવું પ્રેમસ્વરૂપ 'જ્ઞાની'નું !

એટલે પ્રેમ 'જ્ઞાની પુરુષ'નો જ જોવા જેવો ! આજે પચાસ હજાર માણસ છે, પણ કોઈ પણ માણસ સહેજે ય પ્રેમરહિત થયો નહીં હોય. એ પ્રેમથી જીવી રહ્યા છે બધા.

પ્રશ્શનકર્તા : એ તો બહુ અઘરું છે.

દાદાશ્રી : પણ તે અમારામાં આ પ્રેમ પ્રગટ થયેલો છે. તે કેટલાય માણસ અમારા પ્રેમથી જ જીવે છે. નિરંતર દાદા, દાદા, દાદા ! ખાવાનું ના મળે તો યે કશો વાંધો નહીં. એટલે પ્રેમ એવી વસ્તુ છે આ.

હવે આ પ્રેમથી જ બધાં પાપો એમનાં ભસ્મીભૂત થઈ જાય. નહીં તો કળિયુગનાં પાપ શું ધોવાનાં હતાં તે ?

છતાં રહ્યો ફેર ચૌદશ - પૂનમમાં !

એટલે જગતમાં ક્યારેય પણ જોયો ના હોય એવો પ્રેમ ઉત્પન્ન થયો છે. કારણ કે પ્રેમ ઉત્પન્ન થતો હતો, પણ તે જગ્યા વીતરાગ થઈ ગયેલા હતા. જ્યાં પ્રેમ ઉત્પન્ન થાય એવી જગ્યા હતી, તે સંપૂર્ણ વીતરાગ હતા. એટલે ત્યાં પ્રેમ દેખાય નહીં. અમે કાચા રહી ગયા, તે પ્રેમ રહ્યો ને સંપૂર્ણ વીતરાગતા ના આવી.

પ્રશ્શનકર્તા : આપે કહ્યું કે અમે પ્રેમ સ્વરૂપ થયા પણ ત્યારે સંપૂર્ણ વીતરાગતા ના ઉત્પન્ન થઈ. એ જરા સમજવું હતું.

દાદાશ્રી : પ્રેમ એટલે શું ? કિંચિત્માત્ર કોઈના તરફ સહેજ પણ ભાવ બગડે નહીં, એનું નામ પ્રેમ. એટલે સંપૂર્ણ વીતરાગતા એનું નામ જ પ્રેમ કહેવાય.

પ્રશ્શનકર્તા : તો પ્રેમનું સ્થાન ક્યાં આવ્યું ? અહીં કઈ સ્થિતિમાં પ્રેમ કહેવાય ?

દાદાશ્રી : પ્રેમ તો, જેટલો વીતરાગ થયો એટલો પ્રેમ ઉત્પન્ન થયો. સંપૂર્ણ વીતરાગ ને સંપૂર્ણ પ્રેમ ! એટલે વીતદ્વેષ તો તમે બધા થઈ ગયેલા જ છો. હવે વીતરાગ ધીમે ધીમે થતા જાવ દરેક બાબતમાં, એમ પ્રેમ ઉત્પન્ન થતો જાય.

પ્રશ્શનકર્તા : ત્યારે અહીં આપે કહ્યું કે અમારે પ્રેમ કહેવાય. વીતરાગતા ના આવી એ શું ?

દાદાશ્રી : વીતરાગતા એટલે આ અમારો પ્રેમ છે, તે આમ પ્રેમ દેખાતો હોય ને આ વીતરાગોનો પ્રેમ આમ દેખાય નહીં. પણ ખરો પ્રેમ તો એમનો જ કહેવાય અને અમારો પ્રેમ લોકોને દેખાય. પણ તે ખરો પ્રેમ ના કહેવાય. એક્ઝેક્ટલી જેને પ્રેમ કહેવામાં આવે છેને, એ ના કહેવાય. એક્ઝેક્ટલી તો સંપૂર્ણ વીતરાગતા થાય ત્યારે સાચો પ્રેમ અને અમારે તો હજુ ચૌદશ કહેવાય, પૂનમ ન્હોય !!

પ્રશ્શનકર્તા : એટલે પૂનમવાળાને આના કરતાં પણ વધુ પ્રેમ હોય ?

દાદાશ્રી : એ પૂનમવાળાનો જ સાચો પ્રેમ ! આ ચૌદશવાળામાં કોઈ જગ્યાએ કચાશ હોય. એટલે પૂનમવાળાનો જ સાચો પ્રેમ હોય.

પ્રશ્શનકર્તા : સંપૂર્ણ વીતરાગતા હોય ને પ્રેમ વગરનો હોય, એવું તો બને જ નહીં ને ?

દાદાશ્રી : પ્રેમ વગર તો હોય જ નહીંને એ !

પ્રશ્શનકર્તા : એટલે દાદા, ચૌદશ અને પૂનમમાં આટલો ફેર પડી જાય છે, આટલો બધો તફાવત એમ ?

દાદાશ્રી : ઘણો તફાવત ! આ તો આપણને પૂનમ જેવો લાગે પણ તે ઘણો તફાવત ! અમારા હાથમાં કશું છે જ શું તે ? અને એમના, તીર્થંકરોના હાથમાં તો બધું જ !! અમારા હાથમાં શું છે ? છતાં પણ અમને સંતોષ રહે પૂનમ જેટલો ! અમારી શક્તિ, પોતાના માટે શક્તિ એટલી કામ કરતી હોય કે પૂનમ આપણને થયેલી હોય એવું લાગે !!

'જ્ઞાની' બંધાયા 'પ્રેમથી' !

પ્રશ્શનકર્તા : હવે આ જ્ઞાન લીધા પછી બે-ત્રણ ભવ બાકી રહે તો તેટલા સમય પૂરતી તો સંપૂર્ણ કરુણા-સહાય કરવાને તો આપ બંધાયેલા છો કે નહીં ?

દાદાશ્રી : બંધાયેલા એટલે જ કે અમે પ્રેમથી બંધાયેલા છીએ. તે તમે જ્યાં સુધી પ્રેમ રાખો ત્યાં સુધી બંધાયેલા. તમારો પ્રેમ છૂટયો કે અમે છૂટા. અમે પ્રેમથી બંધાયેલા છીએ. તમારો સંસાર પ્રતિ પ્રેમ વળી ગયો તો છૂટા થઈ જશો અને આત્મા પ્રતિ પ્રેમ રહ્યો તો બંધાયેલા છીએ. કેમ લાગે છે તમને ? બંધાયેલા તો ખરા જ ! પ્રેમથી તો બંધાયેલા જ છીએ ને !

શુધ્ધ પ્રેમ સ્વરૂપ, એ જ પરમાત્મા !

અહંકારીને ખુશ કરવામાં કંઈ વાર લાગે એવું નથી, ગલીપચી કરો તોય ખુશ થઈ જાય અને જ્ઞાની તો ગલીપચી કરો તોય ખુશ ના થાય. કોઈ પણ સાધન, જગતમાં એવી કોઈ ચીજ નથી કે જેનાથી 'જ્ઞાની' ખુશ થાય. ફક્ત આપણા પ્રેમથી જ ખુશ થશે. કારણ કે એ એકલા પ્રેમવાળા છે. એમની પાસે પ્રેમ સિવાય બીજું કશું છે નહીં. આખા જગત જોડે એમને પ્રેમ છે.

'જ્ઞાની પુરુષ'નો શુધ્ધ પ્રેમ જે દેખાય, આમ ઉઘાડો દેખાય, એ જ પરમાત્મા છે. પરમાત્મા એ બીજી કોઈ વસ્તુ જ નથી. શુધ્ધ પ્રેમ જે દેખાય છે, જે વધે નહીં, ઘટે નહીં, એકધારો જ રહ્યા કરે, એનું નામ પરમાત્મા, ઉઘાડા-ખુલ્લા પરમાત્મા ! અને જ્ઞાન એ સૂક્ષ્મ પરમાત્મા, એ સમજતાં વાર લાગે. એટલે પરમાત્મા બહાર ખોળવા જવાના નથી. બહાર તો આસક્તિ છે બધી. જે પ્રેમ વધે નહીં, ઘટે નહીં એ પ્રેમ, એ જ પરમાત્મા છે !!!

જય સચ્ચિદાનંદ

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15