ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15


ન હોય મારી.....

એક માણસને એમનાં વાઈફ વીસ વર્ષ પર મરી ગયાં હતાં. તે એક જણ મને કહે કે, 'આ કાકાને હું રડાવું ?' મેં કહ્યું, 'શી રીતે રડાવશો ? આટલી ઉંમરે તો ના રડે.' ત્યારે એ કહે છે, 'જુઓ, એ કેવા સેન્સિટિવ છે !' પછી પેલા ભત્રીજા બોલ્યા, 'શું કાકા, કાકીની વાત તો થાય નહીં. શું એમનો સ્વભાવ !' આવું એ બોલતો હતો, ત્યાં પેલા કાકા ખરેખર રડી પડ્યા ! અલ્યા, શું આ ચક્કરો ! સાઠ વર્ષે હજુ વહુનાં રડવાં આવે છે ?! આ તો કઈ જાતનાં ચક્કરો છો ? આ પ્રજા તો ત્યાં સિનેમામાં હઉ રડે છે ને ? એમાં કંઈ મરી ગયું હોય તો જોનાર હઉ રડી ઊઠે.

પ્રશ્શનકર્તા : તો એ આસક્તિ છૂટતી કેમ નથી ?

દાદાશ્રી : એ તો ના છૂટે. 'મારી, મારી' કરીને કર્યું ને તે હવે 'ન્હોય મારી, ન્હોય મારી' એનો જાપ કરીએ એટલે બંધ થઈ જાય. એ તો જે આંટા વાગેલા હોય, તે તે છોડવા જ પડે ને !

મતભેદ વધે, તેમ પ્રેમ વધે ?

મતભેદ થાય છે કે નહીં વહુ જોડે ? 'વાઈફ' જોડે મતભેદ ?

પ્રશ્શનકર્તા : એ મતભેદ વગર તો હસબંડ-વાઈફ કહેવાય નહીંને ?

દાદાશ્રી : હેં એમ ? એવું છે, એવો કાયદો હશે ? ચોપડીમાં એવો કાયદો લખ્યો હશે કે મતભેદ પડે તો જ હસબંડ એન્ડ વાઈફ કહેવાય ? ઓછા-વધતા મતભેદ થાય ખરા કે નહીં ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : તો પછી હસબંડ એન્ડ વાઈફ ઓછું થતું જાય, નહીં ?

પ્રશ્શનકર્તા : પ્રેમ વધતો જાય.

દાદાશ્રી : પ્રેમ વધતો જાય તેમ મતભેદ ઓછા થતા જાય, નહીં ?

પ્રશ્શનકર્તા : જેટલા મતભેદ વધતા જાય, જેટલા ઝઘડા વધતાં જાય. એટલો પ્રેમ વધતો જાય.

દાદાશ્રી : હા. એ પ્રેમ નથી વધતો, એ આસક્તિ વધે છે. પ્રેમ તો જગતે જોયો જ નથી. ક્યારેય પણ પ્રેમ શબ્દ જોયો જ નથી જગતે. આ તો આસક્તિઓ છે બધી. પ્રેમનું સ્વરૂપ જ જુદી જાતનું છે. આ તમે મારી જોડે વાત કરી રહ્યા છોને, આ અત્યારે તમે પ્રેમ જોઈ શકો છો, તમે મને ટૈડકાવો તોય તમારી ઉપર પ્રેમ રાખીશ. ત્યારે તમને લાગશે કે ઓહોહો ! પ્રેમ સ્વરૂપ આવા હોય છે. વાત સાંભળવામાં ફાયદો ખરો કશો આ ?

પ્રશ્શનકર્તા : પૂરેપૂરો ફાયદો છે.

દાદાશ્રી : હા, ચેતી જજે. નહીં તો મૂરખ બની ગયા જાણવું. અને પ્રેમ હોતો હશે ? તમારામાં છે પ્રેમ, તે એનામાં હોય ? આપણામાં પ્રેમ હોય તો સામાનામાં હોય. આપણામાં પ્રેમ નથી, અને સામાનો પ્રેમ ખોળીએ આપણે કે 'તમારામાં પ્રેમ નથી દેખાતો ?' મૂઆ પ્રેમ ખોળું છું ? એ પ્રેમી ન્હોય ! આ તો પ્રેમ ખોળે છે ? ચેતી જા. અત્યારે પ્રેમ હોતો હશે ? જે જેના લાગમાં આવે તેને ભોગવે, લૂંટબાજી કરે છે.

આમાં પ્રેમ ક્યાં રહ્યો ?

ધણી અને બૈરીના પ્રેમમાં ધણી જો કદી કમાઈ ના લાવે તો પ્રેમની ખબર પડી જાય. બીબી શું કહે ? 'ક્યા ચૂલેમેં મૈં તુમ્હારા પાઁવ રખું ?' ધણી કમાતો ના હોય તો બીબી આવું ના બોલે ? તે ઘડીએ એનો પ્રેમ ક્યાં ગયો ? પ્રેમ હોતો હશે આ જગતમાં ? આ તો આસક્તિ છે. જો આ ખાવાનું-પીવાનું બધું હોય તો એ પ્રેમ (!) દેખાય અને ધણી યે જો બહાર ક્યાંક લપટાયેલો હોય તો એ કહેશે કે, 'તમે આવું કરશો તો હું ચાલી જઈશ.' તે વહુ ઉપરથી ધણીને ટૈડકાવે. તે પેલો તો બિચારો ગુનેગાર છે એટલે નરમ થઈ જાય. ને આમાં શું પ્રેમ કરવા જેવો છે તે ? આ તો જેમતેમ કરીને ગાડું ધકેલવાનું છે. ખાવા-પીવાનું બીબી કરી આપે અને આપણે પૈસા કમાવી લાવીએ. એમ જેમતેમ કરીને ગાડી આગે ચાલી મીયાં-બીબીકી !

આસક્તિ ત્યાં 'રિએક્શન' જ !

પ્રશ્શનકર્તા : પણ ઘણી વખત આપણે દ્વેષ ના કરવો હોય તો યે દ્વેષ થઈ જાય છે, એનું શું કારણ ?

દાદાશ્રી : કોની જોડે ?

પ્રશ્શનકર્તા : વખતે ધણી જોડે એવું બને તો ?

દાદાશ્રી : એ દ્વેષ નથી કહેવાતો. હંમેશાં ય જે આસક્તિનો પ્રેમ છેને, એ રિએક્શનરી છે. એટલે જો ચિડાય ત્યારે આ પાછા અવળા ફરે. અવળા ફર્યા એટલે પાછા થોડોક વખત છેટા રહ્યા કે પાછો પ્રેમ ચઢે. અને પાછો પ્રેમ વાગે, એટલે અથડામણ થાય. ને એટલે પછી પાછો પ્રેમ વધે. જ્યારે વધારે પડતો પ્રેમ હોય ત્યાં ડખો થાય. તે જ્યાં કંઈ પણ ડખો ચાલ્યા કરતો હોયને, ત્યાં અંદરખાને પ્રેમ છે આ લોકોને ! એ પ્રેમ હોય તો જ ડખો થાય. પૂર્વભવનો પ્રેમ છે તો ડખો થાય. વધારે પડતો પ્રેમ છે. નહીં તો ડખો થાય જ નહીં ને ! આ ડખાનું સ્વરૂપ જ એ છે.

એને લોકો શું કહે છે ? 'અથડામણથી તો અમારો પ્રેમ થાય છે.' ત્યારે વાત સાચી છે પણ. એ આસક્તિ અથડામણથી જ થયેલી છે. જ્યાં અથડામણ ઓછી ત્યાં આસક્તિ ના હોય. જે ઘરમાં સ્ત્રી-પુરુષને અથડામણ ઓછી થાય ત્યાં આસક્તિ ઓછી છે એવું માની લેવું. સમજાય એવી વાત છે ?

પ્રશ્શનકર્તા : હા. અને બહુ આસક્તિ હોય ત્યાં અદેખાઈ પણ વધારે હોય ને ?

દાદાશ્રી : એ તો આસક્તિમાંથી જ બધી ભાંજગડ ઊભી થાય છે. જે ઘરનાં બેઉ જણ સામસામી બહુ લડતાં હોયને તો આપણે જાણીએ કે અહીંયાં આસક્તિ વધારે છે. એટલું સમજી જવાનું. એટલે પછી અમે નામ શું પાડીએ ? 'વઢે છે' એવું ના કહીએ. તમાચા મારે સામાસામી, તોય અમે એને 'વઢે છે' એવું ના કહીએ. અમે એને પોપટમસ્તી કહીએ. પોપટ આમ ચાંચ મારે, પેલો આમ ચાંચ મારે, ત્યારે બીજો પોપટ આમ મારે. પણ છેવટે લોહી ના કાઢે. હા, એ પોપટમસ્તી ! તમે નહીં જોયેલી પોપટમસ્તી ?

હવે આવી સાચી વાત સાંભળીએ ત્યારે આપણને આપણી ભૂલો ઉપર ને આપણી મૂર્ખાઈ ઉપર હસવું આવે. સાચી વાત સાંભળે ત્યારે માણસને વૈરાગ આવે કે આપણે આવી ભૂલો કરી ? અરે, ભૂલો જ નહીં, પણ માર હઉ બહુ ખાધા !

દોષ, આક્ષેપ ત્યાં પ્રેમ ક્યાંથી ?

જગત આસક્તિ ને પ્રેમ ગણીને મૂંઝાય છે. સ્ત્રીને ધણી જોડે કામ ને ધણીને સ્ત્રી જોડે કામ, આ બધું કામથી જ ઊભું થયું છે. કામ ના થાય તો મહીં બધા બૂમો પાડે, હલ્લો કરે. સંસારમાં એક મિનિટ પણ પોતાનું કોઈ થયું જ નથી. પોતાનું કોઈ થાય નહીં. એ તો જ્યારે અટકે ત્યારે ખબર પડે. એક કલાક છોકરાને આપણે ટૈડકાવીએને ત્યારે ખબર પડે કે છોકરો આપણો છે કે પારકો છે. દાવો માંડવા હઉ તૈયાર થઈ જાય. ત્યારે બાપેય શું કહે ? 'મારી જાત કમાણી છે. તને એક પાઈ નહીં આપું' કહેશે. ત્યારે છોકરો કહેશે, 'હું તમને મારી ઠોકીને લઈશ' આમાં પોતાપણું હોતું હશે ? એક જ્ઞાની પુરુષ જ પોતાના થાય.

બાકી, આમાં પ્રેમ જેવી વસ્તુ જ નથી. આ સંસારમાં પ્રેમ ખોળશો નહીં. કોઈ જગ્યાએ પ્રેમ હોય નહીં. પ્રેમ તો 'જ્ઞાની પુરુષ' પાસે હોય. બીજે બધે તો પ્રેમ ઊતરી જાય ને પછી વઢવાડ થાય પાછી. વઢવાડ થાય કે ના થાય ? એ પ્રેમ ના કહેવાય. એ આસક્તિ બધી. એને આપણાં જગતના લોકો પ્રેમ કહે છે. ઊંધું જ બોલવું એ ધંધો ! પ્રેમનું પરિણામ, ઝઘડો ના થાય. પ્રેમ એનું નામ કે કોઈનો દોષ ના દેખાય.

પ્રેમમાં કોઈ દહાડો ય આખી જિંદગીમાં છોકરાનો દોષ ના દેખાય, બૈરીનો દોષ ના દેખાય, એનું નામ પ્રેમ કહેવાય. પ્રેમમાં દોષ દેખાય જ નહીં એને અને આ તો લોકોને કેટલા દોષ દેખાય ? 'તું આવી ને તું એમ !' અલ્યા, પ્રેમ કહેતો હતો ને ? ક્યાં ગયો પ્રેમ ? એટલે ન્હોય પ્રેમ. જગતમાં વળી પ્રેમ હોતો હશે ? પ્રેમનો એક વાળ જગતે જોયો નથી. આ તો આસક્તિ છે.

અને જ્યાં આસક્તિ હોય ત્યાં આક્ષેપો થયા વગર રહે જ નહીં. એ આસક્તિનો સ્વભાવ છે. આસક્તિ થાય એટલે આક્ષેપો થયા જ કરેને કે, 'તમે આવા છો ને તમે તેવા છો.' 'તમે આવા ને તું આવી' એવું ના બોલો, નહીં ? તમારા ગામમાં ત્યાં ના બોલે કે બોલે ? બોલે ! એ આસક્તિને લીધે. પણ જ્યાં પ્રેમ છે ત્યાં દોષ જ ના દેખાય.

સંસારમાં આ ઝઘડાને લીધે જ આસક્તિ થાય છે. આ સંસારમાં ઝઘડો તો આસક્તિનું વિટામિન છે. ઝઘડો ના હોય તો તો વીતરાગ થવાય.

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15