ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15

 

સર્વમાં હું ભાળે તે પ્રેમમૂર્તિ !

હવે જેટલો ભેદ જાય, તેટલો શુધ્ધ પ્રેમ ઉત્પન્ન થાય. શુધ્ધ પ્રેમને ઉત્પન્ન થવા માટે શું જવું જોઈએ આપણામાંથી ? કંઈક વસ્તુ બાદ થાય તો પેલી વસ્તુ આવે. એટલે આ વેક્યુમ રહી શકતું નથી. એટલે આમાંથી ભેદ જાય. એટલે શુધ્ધ પ્રેમ ઉત્પન્ન થાય. એટલે જેટલો ભેદ જાય એટલો શુધ્ધ પ્રેમ ઉત્પન્ન થાય. સંપૂર્ણ ભેદ જાય ત્યારે સંપૂર્ણ શુધ્ધ પ્રેમ ઉત્પન્ન થાય. આ જ રીત છે.

તમને સમજાયું 'પોઈન્ટ ઓફ વ્યૂ' ? આ જુદી જાતનું છે અને પ્રેમમૂર્તિ બની જવાનું. બધા એક જ લાગે, જુદાઈ લાગે જ નહીં. કહેશે, 'આ અમારું ને આ તમારું.' પણ અહીંથી જતી વખતે 'અમારું-તમારું' હોય છે ? એટલે આ રોગને લીધે જુદાઈ લાગે છે. એ રોગ નીકળી ગયો એટલે પ્રેમમૂર્તિ થઈ જાય.

પ્રેમ એટલે આ બધું જ 'હું' જ છું, 'હું' જ દેખાઉં છું. નહીં તો 'તું' કહેવું પડશે. 'હું' નહીં દેખાય તો 'તું' દેખાય. બેમાંથી એક તો દેખાય જ ને ? વ્યવહારમાં બોલવાનું આમ કે 'હું, તું.' પણ દેખાવું જોઈએ તો 'હું' જ ને ! તે પ્રેમસ્વરૂપ એટલે શું ? કે બધું અભેદભાવે જોવું, અભેદભાવે વર્તન કરવું, અભેદભાવે ચાલવું. અભેદભાવ જ માનવો. 'આ જુદાં છે' એવીતેવી માન્યતાઓ બધી કાઢી નાખવી, એનું નામ જ પ્રેમસ્વરૂપ. એક જ કુટુંબ હોય એવું લાગે.

જ્ઞાનીનો અભેદ પ્રેમ !

વિખૂટા નહીં પડવું, એનું નામ જ પ્રેમ. ભેદ નહીં પાડવો, એનું નામ પ્રેમ ! અભેદતા થઈ એ જ પ્રેમ. એ પ્રેમ નોર્માલિટી કહેવાય છે. ભેદ હોય તો સારું કામ કરી આવે ને, તો ખુશ થઈ જાય. પાછો થોડીવાર પછી નબળું કામ, ચાના પ્યાલા પડી ગયા તો ચિડાઈ જાય એટલે એબૉવ નોર્મલ, બિલો નોર્મલ થયા કરે. પેલું એ કામ જુએ નહીં. મૂળ સ્વભાવનાં દર્શન કરે. કામ તો આપણે નોર્માલિટીમાં પ્રોબ્લેમ ના થાય એવાં જ કામ થાય.

પ્રશ્શનકર્તા : અમને આપને માટે જે ભાવ જાગતો હોય એ શું છે ?

દાદાશ્રી : એ તો અમારો પ્રેમ તમને પકડે છે. સાચો પ્રેમ બધે આખા જગતને પકડી શકે. પ્રેમ ક્યાં ક્યાં હોય ? પ્રેમ ત્યાં હોય કે જ્યાં અભેદતા હોય. એટલે જગત જોડે અભેદતા ક્યારે કહેવાય ? કે પ્રેમસ્વરૂપ થાય તો. આખા જગત જોડે અભેદતા કહેવાય. એટલે ત્યાં આગળ બીજું કશું દેખાય નહીં, પ્રેમ સિવાય.

આસક્તિ ક્યારે કહેવાય છે ? કે જ્યારે કોઈ સંસારી ચીજ લેવી હોય ત્યારે. સંસારી ચીજનો હેતુ હોય ત્યારે. આ સાચા સુખને માટે તો ફાયદો થશે, એનો વાંધો નહીં. અમારી ઉપર જે પ્રેમ રહે છે તેનો વાંધો નહીં. એ તમને હેલ્પ કરશે. બીજે આડી જગ્યાએ વપરાતો પ્રેમ ઉઠી જશે.

પ્રશ્શનકર્તા : એટલે અમારામાં જાગતો ભાવ એ આપના હ્રદયના જ પ્રેમનું પરિણામ છે એમ જ ?

દાદાશ્રી : હા, પ્રેમનું જ પરિણામ છે. એટલે પ્રેમના હથિયારથી જ ડાહ્યા થઈ જાય. મારે વઢવું ના પડે.

હું, લડવા કોઈને માગતો નથી, મારી પાસે તો એક જ પ્રેમનું હથિયાર છે 'હું પ્રેમથી જગતને જીતવા માગું છું.'

કારણ કે હથિયાર મેં નીચે મૂકેલાં છે. જગત હથિયારને લઈને એ સામા થાય છે. ક્રોધ-માન-માયા-લોભના એ હથિયાર મેં નીચે મૂકેલાં છે એટલે હું વાપરતો નથી. હું પ્રેમથી જગતને જીતવા માગું છું. જગત જે સમજે છે તે તો લૌકિક પ્રેમ છે. પ્રેમ તો તેનું નામ કે તમે મને ગાળો દો તો હું ડિપ્રેસ ન થઉં ને હાર ચડાવો તો એલીવેટ ન થઉં, એનું નામ પ્રેમ કહેવાય. સાચા પ્રેમમાં તો ફેર જ ના પડે. આ દેહના ભાવમાં ફેર પડે પણ શુધ્ધ પ્રેમમાં નહીં.

મનુષ્યો તો રૂપાળા હોય તો ય અહંકારથી કદરૂપા દેખાય. રૂપાળા ક્યારે દેખાય ? ત્યારે કહે, પ્રેમાત્મા થાય ત્યારે. ત્યારે તો કદરૂપોય રૂપાળો દેખાય. શુધ્ધ પ્રેમ પ્રગટ થાય ત્યારે જ રૂપાળો દેખાવા લાગે. જગતના લોકોને શું જોઈએ છે ? મુક્ત પ્રેમ. જેમાં સ્વાર્થની ગંધ કે કોઈ પ્રકારનો ઘાટ ના હોય.

આ તો કુદરતનો 'લૉ' છે, નેચરલ લૉ ! કારણ કે પ્રેમ એ ખુદ પરમાત્મા છે.

પ્રેમ ત્યાં જ મોક્ષમાર્ગ !

એટલે જ્યાં પ્રેમ ના દેખાય ત્યાં મોક્ષનો માર્ગ જ નથી. આપણને ના આવડે, બોલતાંય ના આવડે તોય એ પ્રેમ રાખે તો જ સાચું.

એટલે એક પ્રમાણિકપણું અને બીજું પ્રેમ કે જે પ્રેમ વધઘટ ના થાય. આ બે જગ્યાએ ભગવાન રહે છે. કારણ કે જ્યાં પ્રેમ છે, નિષ્ઠા છે, પવિત્રતા છે, ત્યાં જ ભગવાન છે.

આખું 'રિલેટિવ ડિપાર્ટેમેન્ટ' ઓળંગી જાય ત્યારે નિરાલંબ થાય, ત્યારે પ્રેમ ઉત્પન્ન થાય. 'જ્ઞાન' ક્યાં સાચું હોય ? જ્યાં પ્રેમથી કામ લેવામાં આવતું હોય ત્યાં અને પ્રેમ હોય ત્યાં લેવડદેવડ ના હોય. પ્રેમ હોય ત્યાં એકતા હોય. જ્યાં ફી હોય ત્યાં પ્રેમ ના હોય. લોક ફી રાખે છેને, પાંચ-દસ રૂપિયા ? કે 'આવજો, તમારે સાંભળવું હોય તો, અહીં નવ રૂપિયા ફી છે' કહેશે. એટલે ધંધો થઈ ગયો ! ત્યાં પ્રેમ ના હોય. રૂપિયા હોય ત્યાં પ્રેમ ના હોય. બીજું, જ્યાં પ્રેમ ત્યાં ટ્રિક ના હોય ને જ્યાં ટ્રિક ત્યાં પ્રેમ ના હોય.

જ્યાં સૂઈ ગયા ત્યાંનો જ આગ્રહ થઈ જાય. ચટાઈમાં સૂતો હોય તો તેનો આગ્રહ થઈ જાય ને ડનલોપના ગાદલામાં સૂતો હોય તો તેનો આગ્રહ થાય. ચટાઈ પર સૂવાના આગ્રહવાળાને ગાદલામાં સૂવાડો તો તેને ઊંઘ ના આવે. આગ્રહ તે જ વિષ છે અને નિરાગ્રહતા એ જ અમૃત છે. નિરાગ્રહીપણું જ્યાં સુધી ઉત્પન્ન ના થાય ત્યાં સુધી જગતનો પ્રેમ સંપાદન ના થાય. શુધ્ધ પ્રેમ નિરાગ્રહતાથી પ્રગટે છે અને શુધ્ધ પ્રેમ તે જ પરમેશ્વર છે.

એટલે પ્રેમસ્વરૂપ ક્યારે થવાય ? કાયદા-બાયદા ના ખોળો ત્યારે. જો કાયદા ખોળશો તો પ્રેમસ્વરૂપ થવાય નહીં ! 'કેમ મોડા આવ્યા ?' કહે એ પ્રેમસ્વરૂપ ના કહેવાય અને પ્રેમસ્વરૂપ થશો ત્યારે લોકો તમારું સાંભળશે. હા, તમે આસક્તિવાળા તો તમારું કોણ સાંભળે ? તમને પૈસા જોઈએ છે, તમારે બીજી સ્ત્રીઓ જોઈએ છે, એ આસક્તિ કહેવાય ને ? શિષ્યો ભેળા કરવા એય આસક્તિ કહેવાય ને !

પ્રેમમાં 'ઈમોશનલ'પણું નથી !

પ્રશ્શનકર્તા : આ પ્રેમ સ્વરૂપ જે છે એ પણ કહેવાય છે કે હ્રદયમાંથી આવે છે અને ઈમોશનલપણું પણ હ્રદયમાંથી જ આવે છે ને ?

દાદાશ્રી : ના, એ પ્રેમ ન હોય. પ્રેમ તો શુધ્ધ પ્રેમ હોવો જોઈએ. આ ટ્રેનમાં બધા માણસો બેઠાં છે અને ટ્રેન ઈમોશનલ થાય તો શું થાય ?

પ્રશ્શનકર્તા : ગરબડ થઈ જાય. એક્સિડન્ટ થઈ જાય.

દાદાશ્રી : લોક મરી જાય. એવી રીતે આ માણસ ઈમોશનલ થાય છે ત્યારે મહીં એટલી બધી જીવાત મરી જાય છે અને એની જવાબદારી પોતાને માથે આવે છે. અનેક જાતની આવી જવાબદારીઓ આવે છે, ઈમોશનલ થઈ જવાથી ?

પ્રશ્શનકર્તા : 'ઈમોશન' વગરનો માણસ પથ્થર જેવો ના થઈ જાય ?

દાદાશ્રી : હું 'ઈમોશન' વગરનો છું, તે પથ્થર જેવો લાગું છું ? બિલકુલ 'ઈમોશન' નથી મારામાં. ઈમોશનવાળો મિકેનિકલ થઈ જાય. પણ મોશનવાળો તો મિકેનિકલ થાય નહીં ને !

પ્રશ્શનકર્તા : પણ જો પોતાનું 'સેલ્ફ રિયલાઈઝ' ના થયું હોય તો પછી આ 'ઈમોશન' વગરનો માણસ પથ્થર જેવો જ લાગે ને ?

દાદાશ્રી : એ હોય જ નહીં. એવું બને જ નહીં ને ! એવું કોઈ દહાડો બનતું જ નથી. નહીં તો પછી એને મેન્ટલમાં લઈ જાય છે. પણ એ મેન્ટલો ય બધા ઈમોશનલ જ હોય છે. આખું જગત જ ઈમોશનલ છે.

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15