ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15


ક્યાં ભ્રાંત માન્યતા ! ક્યાં વાસ્તવિકતા !

આ તો સોય અને લોહચુંબકનાં ખેંચાણને લઈને તમને એમ લાગે છે કે મને પ્રેમ છે તેથી મારું ખેંચાય છે. પણ એ પ્રેમ જેવી વસ્તુ જ નથી.

પ્રશ્શનકર્તા : તો આ લોકોને એવી ખબર ના પડે કે આપણો પ્રેમ છે કે નહીં ?

દાદાશ્રી : પ્રેમ તો બધાંને ખબર પડે. દોઢ વર્ષના બાળકનેય ખબર પડે, એનું નામ પ્રેમ કહેવાય. આ બીજું બધું તો આસક્તિ છે. ગમે તેવા સંજોગોમાંય પ્રેમ વધે નહીં ને ઘટે નહીં, એનું નામ પ્રેમ કહેવાય. બાકી, આને પ્રેમ કહેવાય જ કેમ ? આ તો ભ્રાંતિનો છે. ભ્રાંત ભાષાનો શબ્દ છે.

આસક્તિમાંથી ઉદ્ભવે વેર !

એટલે જગતે બધું જ જોયું હતું પણ પ્રેમ જોયો નહોતો અને જગત જેને પ્રેમ કહે છે એ તો આસક્તિ છે. આસક્તિમાંથી આ ડખા ઊભા થાય છે બધા.

અને લોક સમજે છે કે પ્રેમથી આ જગત ઊભું રહ્યું છે. પણ પ્રેમથી આ જગત ઊભું નથી રહ્યું, વેરથી ઊભું રહ્યું છે. પ્રેમનું ફાઉન્ડેશન જ નથી. આ વેરના ફાઉન્ડેશન પર ઊભું રહ્યું છે, ફાઉન્ડેશન જ વેરનાં છે. માટે વેર છોડો. એટલે તો અમે વેરનો નિકાલ કરવાનો કહીએ છીએ ને ! સમભાવે નિકાલ કરવાનું કારણ જ એ છે.

ભગવાન કહે છે કે, દ્વેષ પરિષહ ઉપકારી છે. પ્રેમ પરિષહ કદી જ નહીં છૂટે. આખું જગત પ્રેમ પરિષહમાં ફસાયેલું છે. માટે દરેકને જાળીએ રહીને 'જય શ્રીકૃષ્ણ' કરીને છૂટી જજો. કોઈના તરફ પ્રેમ રાખશો નહીં અને કોઈના પ્રેમમાં ફસાશો નહીં. પ્રેમને તરછોડીને પણ મોક્ષે ના જવાય. માટે ચેતજો ! મોક્ષે જવું હોય તો વિરોધીઓનો તો ઉપકાર માનજો. પ્રેમ કરે છે તે જ બંધનમાં નાખે છે જ્યારે વિરોધીઓ ઉપકારી-હેલ્પિગ થઈ પડે છે. જેણે આપણી ઉપર પ્રેમ ઢોળ્યો છે તેને તરછોડ ના લાગે તેમ કરી છૂટવું. કારણ કે પ્રેમની તરછોડથી સંસાર ઊભો છે.

'પોતે' અનાસક્ત સ્વભાવી જ !

બાકી, 'તમે' અનાસક્ત છો જ. અનાસક્તિ કંઈ મેં તમને આપી નથી. અનાસક્ત 'તમારો' સ્વભાવ જ છે અને તમે એમ માનો, દાદાનો ઉપકાર માનો કે દાદાએ અનાસક્તિ આપી. ના, ના, મારો ઉપકાર માનવાની જરૂર નથી. અને 'હું ઉપકાર કરું છું' એમ માનીશ તો મારો પ્રેમ ખલાસ થતો જાય. મારાથી 'હું ઉપકાર કરું છું' એવું ના મનાય. એટલે પોતે પોતાની પૂરી સમજમાં રહેવું પડે, સંપૂર્ણ જાગૃતિમાં રહેવું પડે.

એટલે અનાસક્ત તમારો પોતાનો સ્વભાવ છે. તમને કેમ લાગે છે ? મેં આપ્યું છે કે તમારો પોતાનો સ્વભાવ જ છે ?

પ્રશ્શનકર્તા : પોતાનો સ્વભાવ છે ને !

દાદાશ્રી : હા, એવું બોલોને જરા. આ તો બધું યે 'દાદાએ આપ્યું. દાદાએ આપ્યું' કહો, તે ક્યારે પાર આવશે ?

પ્રશ્શનકર્તા : પણ એનું ભાન તો તમે કરાવ્યું ને ?

દાદાશ્રી : હા, પણ ભાન કરાવ્યું એટલું જ ! બાકી 'બધું મેં આપ્યું છે' એમ કહો પણ તે તમારું છે ને તમને આપ્યું છે.

પ્રશ્શનકર્તા : અમારું છે એ આપે આપ્યું. પણ અમારું હતું એવું અમે જાણતા ક્યાં હતા ?

દાદાશ્રી : જાણતા નહોતા, પણ જાણ્યુંને છેવટે ! જાણ્યું એનો રોફ તો જુદો જ ને ! એનો રોફ કેવો પડે ? નહીં ! કોઈક ગાળ ભાંડે તોય એનો રોફ ના જાય. હા, રોફ કેવો પડે ?! અને પેલો રોફવાળાનો ? 'આમ આમ' ના કર્યું હોયને, તો ટાઢોટપ ! 'આમ આમ' કરવાનું રહી ગયું 'રિસેપ્શન'માં, તો ટાઢોટપ !! 'બધાને કર્યું ને હું રહી ગયો.' જો આ રોફ અને એ રોફમાં કેટલો ફેર ?

પ્રશ્શનકર્તા : એટલે પહેલાં આસક્ત જેમાં હોઈએ છીએ, ત્યાં જ પછી અનાસક્ત પર આવશે.

દાદાશ્રી : હા, એ તો રસ્તો જ છે ને ! એ એનાં સ્ટેપિંગ જ છે બધાં. બાકી છેવટે અનાસક્ત યોગમાં આવવાનું છે.

અભેદ પ્રેમ ત્યાં બુધ્ધિનો અંત !

ભગવાન કેવા છે ? અનાસક્ત ! કોઈ જગ્યાએ આસક્ત નહીં.

પ્રશ્શનકર્તા : અને જ્ઞાની યે અનાસક્ત જ ને ?

દાદાશ્રી : હા. તેથી અમારો નિરંતર પ્રેમ હોય ને તે બધે સરખો, સમાન પ્રેમ હોય. ગાળો ભાંડે તેની પર સમાન, ફૂલ ચઢાવે તેની પર સમાન અને ફૂલ ના ચઢાવે તેની પરે ય સમાન. અમારા પ્રેમમાં ભેદ ના પડે અને અભેદ પ્રેમ છે, ત્યાં તો બુધ્ધિ જતી રહે પછી. હંમેશાં પ્રેમ પહેલાં, બુધ્ધિને તોડી નાખે અગર તો બુધ્ધિ પ્રેમને આસક્ત બનાવે. એટલે બુધ્ધિ હોય ત્યાં પ્રેમ ના હોય ને પ્રેમ હોય ત્યાં બુધ્ધિ ના હોય. અભેદ પ્રેમ ઉત્પન્ન થાય કે બુધ્ધિ ખલાસ થઈ એટલે અહંકાર ખલાસ થયો. પછી કશું રહ્યું નહીં અને મમતા ના હોય ત્યારે જ પ્રેમ સ્વરૂપ થઈ શકે. અમે તો અખંડ પ્રેમવાળા ! અમારે આ દેહ ઉપર મમતા નથી. આ વાણી ઉપર મમતા નથી અને મન ઉપરે ય મમતા નથી.

વીતરાગતામાંથી પ્રેમ ઉદ્ભવે !

એટલે સાચો પ્રેમ ક્યાંથી લાવે ? એ તો અહંકાર ને મમતા ગયા પછી જ પ્રેમ હોય. અહંકાર ને મમતા ગયા સિવાય સાચો પ્રેમ હોય નહીં. સાચો પ્રેમ એટલે વીતરાગતામાંથી ઉત્પન્ન થયેલી એ વસ્તુ છે. દ્વંદ્વાતીત થયા પછી વીતરાગ થાય. દ્વૈત ને અદ્વૈત તો દ્વંદ્વ છે. અદ્વૈતવાળાને દ્વૈતના વિકલ્પો આવ્યા કરે. 'એ દ્વૈત, એ દ્વૈત, એ દ્વૈત !' તે દ્વૈત વળગે ઊલટું. પણ તે અદ્વૈતપદ સારું છે. પણ અદ્વૈતથી તો એક લાખ માઈલ જશે ત્યાર પછી વીતરાગતાનું પદ આવશે અને વીતરાગતાનું પદ આવ્યા પછી મહીં પ્રેમ ઉત્પન્ન થશે અને એ પ્રેમ ઉત્પન્ન થાય એ પરમાત્મ પ્રેમ છે. બે ધોલ મારો તોયે એ પ્રેમ ઘટે નહીં અને ઘટે તો આપણે જાણવું કે આ પ્રેમ નહોતો.

સામાનો ગોદો આપણને વાગી જાય તેનો વાંધો નથી. પણ આપણો ગોદો સામાને ના વાગે એ આપણે જોવાનું. તો પ્રેમ સંપાદન થાય. બાકી, પ્રેમ સંપાદન કરવો હોય તો એમ ને એમ ના થાય.

ધીમે ધીમે બધા જોડે શુધ્ધ પ્રેમ સ્વરૂપ થવાનું છે.

પ્રશ્શનકર્તા : શુધ્ધ પ્રેમ સ્વરૂપ એટલે કેવી રીતે રહેવું ?

દાદાશ્રી : કોઈ માણસ હમણાં ગાળ ભાંડીને ગયો અને પછી તમારી પાસે આવ્યો તોય તમારો પ્રેમ ઘટી જાય નહીં, એનું નામ શુધ્ધ પ્રેમ. એવો પ્રેમનો પાઠ શીખવાનો છે, બસ. બીજું કશું શીખવાનું નથી. હું જે દેખાડું એ પ્રેમ હોવો જોઈએ. આ જિંદગી પૂરી થતાં સુધીમાં આવી જશેને બધું ? તે પ્રેમ શીખો હવે !

રીત, પ્રેમસ્વરૂપ થવાની !

ખરી રીતે જગત જેમ છે તેમ એ જાણે, પછી અનુભવે તો એને પ્રેમસ્વરૂપ જ થાય. જગત જેમ છે તેમ શું છે ? કે કોઈ જીવ કિંચિત્માત્ર દોષિત નથી, નિર્દોષ જ છે જીવમાત્ર. કોઈ દોષિત દેખાય છે તે ભ્રાંતિથી જ દેખાય છે.

સારા દેખાય છે તેય ભ્રાંતિ અને દોષિત દેખાય છે તેય ભ્રાંતિ. બન્ને એટેચમેન્ટ-ડિટેચમેન્ટ છે. એટલે કોઈ દોષિત ખરેખર છે જ નહીં અને દોષિત દેખાય છે એટલે પ્રેમ થાય જ નહીં. એટલે જગત જોડે જ્યારે પ્રેમ થશે, જ્યારે નિર્દોષ દેખાશે ત્યારે પ્રેમ ઉત્પન્ન થશે. આ મારા-તારા એ ક્યાં સુધી લાગે છે ? કે જ્યાં સુધી બીજાને જુદા ગણીએ છીએ હજી. એની જોડે ભેદ છે ત્યાં સુધી આ મારા લાગે છે તેથી. તે આ એટેચમેન્ટવાળાને મારા ગણીએ છીએ ને ડિટેચમેન્ટવાળાને છે તે પારકાં ગણીએ છીએ, એ પ્રેમ સ્વરૂપ કોઈ સાથે રહે નહીં.

એટલે આ પ્રેમ એ પરમાત્મા ગુણ છે એટલે આપણને ત્યાં આગળ પોતાને ત્યાં બધું જ દુઃખ વિસારે પડી જાય એ પ્રેમથી. એટલે પ્રેમથી બંધાયું એટલે પછી બીજું કશું બંધાવાનું રહ્યું નહીં.

પ્રેમ ક્યારે ઉત્પન્ન થાય ? જે અત્યાર સુધી ભૂલો થઈ હોય, તે માફી માંગી લઈએ. ત્યારે પ્રેમ ઉત્પન્ન થાય.

એમનો દોષ એકુય નથી થયો પણ મને દેખાયો એટલે મારો દોષ હતો.

જેની જોડે પ્રેમ સ્વરૂપ થવું હોયને તે આ રીતે કરવું. તો તમને પ્રેમ ઉત્પન્ન થશે. કરવો છે કે નથી કરવો પ્રેમ ?

પ્રશ્શનકર્તા : હા દાદા.

દાદાશ્રી : અમારી આ રીત હોય બધી. અમે જે રીતે તર્યા છીએ એ રીતે તારીએ બધાને.

તમે પ્રેમ ઉત્પન્ન કરશો ને ? પ્રેમ સ્વરૂપ થઈએ ત્યારે સામાને અભેદતા હોય. બધા અમારી જોડે એ રીતે અભેદ થયેલા છે. આ રીત ખુલ્લી કરી નાખી.

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15