ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15


વ્યવહારમાં માનો પ્રેમ ઉત્કૃષ્ટ !

ખરો પ્રેમ તો કોઈ પણ સંજોગોમાં તૂટવો ના જોઈએ. એટલે પ્રેમ એનું નામ કહેવાય કે તૂટે નહીં. આ તો પ્રેમની કસોટી છે. છતાં કંઈક પ્રેમ છે તે માતાનો પ્રેમ છે.

પ્રશ્શનકર્તા : આપે એમ કહ્યું કે માનો પ્રેમ હોઈ શકે, બાપને ન હોય. તો આમને ખોટું નહીં લાગે ?

દાદાશ્રી : છતાં પણ માનો પ્રેમ છે, એની ખાતરી થાય છે. મા છોકરાને જુએ એટલે ખુશ. આનું કારણ શું છે ? કે ભઈએ આપણે ઘેર જ, આપણા શરીરમાં જ નવ મહિના મુકામ કર્યો હતો. એટલે માને એમ લાગે કે મારે પેટે જન્મ્યો છે અને પેલાને એમ લાગે કે માને પેટે હું જન્મ્યો છું. એટલી બધી એકતા થઈ ગઈ છે. માએ જે ખાધું તે જ એનું લોહી થાય છે. એટલે આ એકતાનો પ્રેમ છે એક જાતનો. છતાં ખરેખર 'રિયલી સ્પિંકિંગ' પ્રેમ નથી આ. 'રિલેટિવલી સ્પિકિંગ' પ્રેમ છે. એટલે ફક્ત પ્રેમ કોઈ જગ્યાએ હોય તો માની સાથે હોય. ત્યાં પ્રેમ જેવી કંઈક નિશાની દેખાતી હોય. તેય પણ પૌદ્ગલિક પ્રેમ છે અને એ પ્રેમ છે તેય કેટલા ભાગમાં ? કે જ્યારે મધરને ગમતી ચીજ હોય, તેની પર છોકરાની તરાપ પડે તો એ બે લડે, તો પ્રેમ ફ્રેકચર થઈ જાય. છોકરો જુદો રહેવા જતો રહે. કહેશે, 'મા, તારી જોડે નહીં ફાવે.'

આ 'રિલેટિવ' સગાઈ છે, રિયલ સગાઈ નથી. સાચો પ્રેમ હોય ને તો બાપ મરી ગયોને, તેની સાથે છોકરો વીસ વર્ષનો હોય તેય જોડે જાય. એનું નામ પ્રેમ કહેવાય. એવું જાય ખરો એકુય છોકરો ?

પ્રશ્શનકર્તા : કોઈ ગયો નથી.

દાદાશ્રી : અપવાદ નહીં કોઈ ? બાપ મરી જાય એટલે છોકરાને 'મારા બાપા મરી ગયા', તે એટલી બધી અસર થાય અને એ પણ એની જોડે મરી જવા તૈયાર થઈ જાય. એવું અહીં મુંબઈમાં દાખલા બનેલા ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : ત્યારે સ્મશાનમાં શું કરે ત્યાં જઈને પછી ?

પ્રશ્શનકર્તા : બાળી નાખે.

દાદાશ્રી : એમ ? પછી આવીને ખાતો નહીં હોય, નહીં ? ખાય ને ! તે આ એવું છે, ઔપચારિકતા છે, બધા જાણે કે આ રિલેટિવ સગાઈ છે. ગયો એ તો ગયો. પછી ઘેર આવીને નિરાંતે ખાય.

પ્રશ્શનકર્તા : તો પછી કોઈ વ્યક્તિ મરી જાય તો આપણે એના પરના મોહને લીધે રડીએ છીએ કે શુધ્ધ પ્રેમ હોય એટલે રડીએ છીએ ?

દાદાશ્રી : શુધ્ધ પ્રેમ કોઈ જગ્યાએ હોતો જ નથી દુનિયામાં. આ બધું મોહનું જ રડે છે. સ્વાર્થ વગર તો આ દુનિયા છે જ નહીં અને સ્વાર્થ છે ત્યાં મોહ છે. મા જોડેય સ્વાર્થ છે. લોકો એમ જાણે કે મા જોડે શુધ્ધ પ્રેમ હતો. પણ સ્વાર્થ વગર તો માય નથી. પણ એ લિમિટેડ સ્વાર્થ છે એટલે વખાણ્યો છે એને, ઓછામાં ઓછો-લિમિટેડ સ્વાર્થ છે. બાકી, એય મોહનું જ પરિણામ છે.

પ્રશ્શનકર્તા : એ બરોબર. પણ માનો પ્રેમ તો નિઃસ્વાર્થ હોઈ શકે છે ને ?

દાદાશ્રી : હોય છે જ નિઃસ્વાર્થ ઘણે ખરે અંશે. તેથી તો માના પ્રેમને પ્રેમ કહ્યો.

પ્રશ્શનકર્તા : છતાં એને આપ 'મોહ છે', એમ કહો છો ?

દાદાશ્રી : એવું છે, કોઈ કહેશે, 'ભઈ, પ્રેમ જેવી વસ્તુ આ દુનિયામાં નથી ?' તો પુરાવા તરીકે દેખાડવું હોય તો મા નો પ્રેમ એ પ્રેમ છે. એવું દેખાડાય, કે અહીં કંઈક પ્રેમ છે. બાકી, બીજી વાતમાં કશો માલ નથી. છોકરા પર માનો પ્રેમ હોય છે અને અત્યારે બધા પ્રેમ કરતાં એ પ્રેમ વખાણવા જેવો છે. કારણ કે એ પ્રેમમાં બલિદાન છે.

પ્રશ્શનકર્તા : મધરની જો આ પ્રમાણે હકીકત હોય, તો પિતાજીનો કેવો ભાગ હોય, આ પ્રેમ....

દાદાશ્રી : પિતાજીનો ઘાટવાળો પ્રેમ. મારું નામ કાઢે એવો છે, કહેશે. એક માનો એકલો સહેજ પ્રેમ, તેય સહેજ જ પાછો. તેય મનમાં હોય કે મોટો થશે, મારી ચાકરી કરશે અને શ્રાધ્ધ સરાવશે તોય બહુ થઈ ગયું મારું. એક લાલચ છે, કંઈ પણ એની પાછળ લાલચ છે ત્યાં પ્રેમ નથી. પ્રેમ એ વસ્તુ જ જુદી છે. અત્યારે તમે અમારો પ્રેમ જોઈ રહ્યા છો, પણ જો સમજણ પડે તો. આ દુનિયામાં કોઈ ચીજ મને ખપતી નથી, તમે લાખો ડૉલર આપો કે લાખો પાઉન્ડ આપો ! આખા જગતનું સોનું આપો તો મારે કામનું નથી. જગતની સ્ત્રીસંબંધી મને વિચારે ના આવે. હું આ શરીરથી જુદો રહું છું, પડોશી તરીકે રહું છું. આ શરીરથી જુદો, પડોશી 'ફર્સ્ટ નેબર'.

પ્રેમ સમાયો નોર્માલિટીમાં !

મા એ માતાનું સ્વરૂપ છે. આપણે માતાજી માનીએ છીએ ને, એ માનું સ્વરૂપ છે. માનો પ્રેમ સાચો છે. પણ એ પ્રાકૃત પ્રેમ છે અને બીજું, ભગવાનમાં એવો પ્રેમ હોય. અહીં જેને ભગવાન કહેતા હોય ત્યાં આપણે તપાસ કરવી. ત્યાં અવળું કરો, ઊંધું બોલો તોય પ્રેમ કરે અને બહુ ફૂલાં ચઢાવે તોયે એવો જ પ્રેમ કરે. એ ઘટે નહીં, વધે નહીં એવો પ્રેમ હોય. એટલે એને પ્રેમ કહેવાય અને એ પ્રેમસ્વરૂપ એ પરમાત્મ સ્વરૂપ છે.

બાકી, જગતે પ્રેમ જોયો જ નથી. ભગવાન મહાવીર ગયા પછી પ્રેમ શબ્દ જ જોયો નથી. બધી આસક્તિ છે. આ સંસારમાં પ્રેમ શબ્દ વપરાય છે એ તો આસક્તિને માટે વપરાય છે. પ્રેમ જો એના લેવલમાં હોય, નોર્માલિટીમાં હોય ત્યાં સુધી એ પ્રેમ કહેવાય ને નોર્માલિટી છોડે એટલે એ પ્રેમ પછી આસક્તિ કહેવાય. મધરનો પ્રેમ એને પ્રેમ કહેવાય ખરો. પણ એ 'નોર્માલિટી' છૂટી જાય એટલે આસક્તિ કહેવાય. બાકી, પ્રેમ એ પરમાત્મા સ્વરૂપ છે. નોર્મલ પ્રેમ એ પરમાત્મ સ્વરૂપ છે.

ગુરુ-શિષ્યનો પ્રેમ !

શુધ્ધ પ્રેમથી બધા જ દરવાજા ખૂલે. ગુરુ સાથેના પ્રેમથી શું ના મળે ? સાચા ગુરુ ને શિષ્ય વચ્ચે તો પ્રેમનો આંકડો એવો સરસ હોય કે ગુરુ જે બોલે એ એને ગમે બહુ. એવો તો પ્રેમનો આંકડો હોય. પણ અત્યારે તો આ બન્નેમાં ઝઘડા ચાલ્યા કરતા હોય.

એક જગ્યાએ તો શિષ્ય ને ગુરુ મહારાજ, બેઉ મારામારી કરતા'તા. તે મને એક જણ કહે છે, 'હેંડો ઉપર.' મેં કહ્યું, 'ના જોવાય, અલ્યા મૂઆ, ખોટું દેખાય. એ તો બધું ચાલે. જગત આવું જ છે. સાસુ-વહુ નહીં લડતાં ? એવું આ ય ! વેર બંધાયેલાં, તે વેર પૂરાં થયા કરે. વેર બંધાયેલાં હોય. જો પ્રેમનું જગત હોય તો તો આખો દા'ડોય એની જોડેથી ઊઠવાનું ના ગમે. લાખ રૂપિયાની કમાણી હોય તોય કહેશે, બળ્યું રહેવા દોને ! આ તો કમાણી ના હોય તોય બહાર જતો રહે મૂઓ ! કેમ બહાર જતો રહે છે ? ઘેર ગમતું નથી. ચેન પડતું નથી !

ધણી ? નહીં, 'કમ્પેનિયન' !

આ તો બધી 'રોંગ બિલિફો' છે. 'હું ચંદુભાઈ છું'. એ રોંગ બિલિફ છે. પછી ઘેર જઈએ ત્યારે આપણે કહીએ, 'આ કોણ છે ?' ત્યારે એ કહે છે, 'ના ઓળખ્યા ? એ બઈનો હું ધણી થઉં.' ઓહો, મોટા ધણી આયા ! જાણે ધણીનો ધણી જ ના હોય એવી વાતો કરે છે ને ? ધણીનો ધણી કોઈ નહીં હોય ? તો પછી ઉપલા ધણીની વળી ધણીયાણી થયાં ને આપણા ધણીયાણી આ થયાં, આ શું ધાંધલમાં પડીએ ? ધણી જ શું કરવા થઈએ ? અમારા 'કમ્પેનિયન' છે, કહીએ. પછી શું વાંધો ?

પ્રશ્શનકર્તા : 'દાદા' એ બહુ 'મોર્ડન' ભાષા વાપરી.

દાદાશ્રી : ત્યારે શું ? ટસલ ઓછી થઈ જાય ને ! હા, એક રૂમમાં 'કમ્પેનિયન' અને એ, બે રહેતા હોય, તે પેલો એક જણ ચા બનાવે ને બીજો પીવે, ત્યારે બીજો એને માટે એનું બીજું કામ કરી આપે. એમ કરીને 'કમ્પેનિયન' ચાલુ રહે.

પ્રશ્શનકર્તા : 'કમ્પેનિયન'માં આસક્તિ હોય કે નહીં ?

દાદાશ્રી : એમાં ય આસક્તિ હોય. પણ એ આસક્તિ આના જેવી નહીં. આ તો શબ્દો જ એવા આસક્તિવાળા ! આ શબ્દો ગાઢ આસક્તિવાળા છે. 'ધણીપણું ને ધણીયાણી' એ શબ્દોમાં જ એટલી ગાઢ આસક્તિ છે ને 'કમ્પેનિયન' કહે તો આસક્તિ ઓછી થઈ જાય.

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15