ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18



આપ્તવાણી

શ્રેણી-૧૪ ભાગ-૪

[10]

સ્વક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ

[10.1]

સ્વક્ષેત્ર-પરક્ષેત્ર

‘આત્મા’ સ્વક્ષેત્ર, ‘મન-વચન-કાયા’ પરક્ષેત્ર

પ્રશ્નકર્તા : સ્વક્ષેત્ર અને પરક્ષેત્રનું જરા સમજાવીને કહોને, દાદા.

દાદાશ્રી : આત્માની બહાર રહેવું એ પરક્ષેત્ર. ‘મન-વચન-કાયા’ એ પરક્ષેત્રમાં છે, ‘હું’ સ્વક્ષેત્રમાં છે. બન્નેના ક્ષેત્રો જુદા જ છે. સ્વક્ષેત્રનું અસ્તિત્વ અવિનાશી, પરક્ષેત્રનું અસ્તિત્વ વિનાશી. પરક્ષેત્રે બેઠા છે એટલે ભ્રાંતિ વર્તે છે, સ્વક્ષેત્રે આવે તો ભ્રાંતિ ભાંગે.

જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં પરક્ષેત્રનું જ સ્વરૂપ છે. એમ તો આ જગતમાં, દેહમાં રહો કે સંસારમાં બધું પરક્ષેત્ર જ છે અને આત્મામાં આવ્યો એ સ્વક્ષેત્ર. આ આરોપિત ભાવ એ પરક્ષેત્ર. આરોપિત ભાવ, ‘હું ચંદુલાલ છું’ એવું બોલે એ પરક્ષેત્ર કહેવાય.

પોતાના સ્વરૂપમાં ‘હું છું’ બોલ્યા એ અહંકાર નથી, પણ જ્યાં ‘હું’ પરક્ષેત્રે બોલાય એ અહંકાર છે.

પરક્ષેત્રે નિરંતર દુઃખ-ભય, સ્વક્ષેત્રે નિર્ભય

પરક્ષેત્રે આત્મા ગયો એટલે ઉપાધિ-ઉપાધિ જ થયા કરે, પણ આ ગાયો-ભેંસોને મહીં આવરણ એટલે ઉપાધિ ના થાય. તે પરક્ષેત્રેય જેમ આવરણ વધારે તેમ ઉપાધિની અસર તેને ઓછી લાગે.

એક સમય પણ મારો એવો નથી ગયો કે મને આ સંસાર દુઃખદાયી ન લાગ્યો હોય. કારણ કે હું એક્ઝેક્ટનેસ શોધતો’તોને ! હું માંકણ આવે તો માંકણને (કરડવા દેતો હતો), એટલે એક્ઝેક્ટનેસ અને માંકણને ખસેડી નાખીએ એટલે સંસાર દુઃખદાયી લાગે જ નહીંને ! અને (સંસાર) દુઃખદાયી હોવા છતાં દુઃખદાયી લાગતો નથી એ કયા પ્રકારનો મોહ છે ? ક્ષણે ક્ષણે દુઃખદાયી, ક્ષણે ક્ષણે ભયવાળો, નિરંતર ભય ! એક સમય પણ ભય વગરનો નહીં એવું આ જગત, કારણ કે પરક્ષેત્રે બેઠેલો છે અને સ્વક્ષેત્ર ત્યાં આગળ કોઈ ભય જ નથી.

પરની આ ચાર ભૂલોથી અનંતી ભટકામણ

પોતાના ઘરમાં કોઈકને બીક લાગે ? ના લાગે. તેમ તમે તમારા ઘરમાં જ નથી બેઠા. પરક્ષેત્રે બેઠા છો, ને પાછા ક્ષેત્રાકાર થઈ ગયા. આત્મા સંકોચ-વિકાસ થવાના ભાજનવાળો છે. તું ક્ષેત્રજ્ઞ ને ક્ષેત્રાકાર થઈ ગયો છું. તે મોટી ભૂલ નહીં ? પરાઈ ચીજનો તું સ્વામી થઈ બેઠો છું. તે પાછી તારી સાથે રહેતી નથી. પરાઈ સત્તાને પાછા તમે તમારી સત્તા માનો છો. પોતે જ બધું કરે છે તેવું તમને ભાન છે. અને પરાઈ ચીજોના ભોક્તા થઈ બેઠા છો. આ ચાર ભૂલોથી જ અનંત અવતારથી (ચોર્યાસી લાખ યોનિમાં) ભટક ભટક કરે છે.

પરસત્તા, પરભોક્તા, પરક્ષેત્ર, પરના સ્વામી થઈને બેઠા છે. ‘સ્વ’ના સ્વામી થાય તો મરણ નથી, પોતે જ પરમાત્મા છે.

આખું જગત પરક્ષેત્રે બેઠું છે અને સત્તાય પરસત્તા વાપરે છે. ‘સ્વ’ને, સ્વક્ષેત્રને અને સ્વસત્તાને જાણતા જ નથી.

સ્વક્ષેત્રે સ્વસત્તા-અનંત શક્તિ, પરક્ષેત્રે પરસત્તા-અશક્તિ

સ્વક્ષેત્ર જાણતો નથી એટલે પરક્ષેત્રમાં નિવાસ કર્યો. એટલે વસ્તુસ્થિતિમાં પરક્ષેત્રને પોતાનું ક્ષેત્ર માનવામાં આવ્યું અને પરક્રિયાને, પરસત્તાને પોતાની સત્તા માનવામાં આવી, એનું નામ સંસાર. સ્વક્ષેત્રે બેસે તો સ્વસત્તાનો ઉપયોગ થાય. લોકો પરાઈ સત્તાને પોતાની સત્તા માની ભટકે છે.

પોતાની જગ્યામાં બેસે પછી ખસે નહીં. પોતાની જગ્યામાં જાય તો પોતે પરમાત્મા જ છે.

બે જાતની શક્તિઓ : પોતાની, સ્વક્ષેત્રની ને પરક્ષેત્રની. સ્વક્ષેત્રે બ્રહ્માંડ ધ્રુજાવાની શક્તિ છે, જ્યારે પરક્ષેત્રે પાપડ ભાંગી શકવાની શક્તિ નથી. એ તો વ્યવસ્થિત ચલાવે છે. એ ભાંગવાનો (પોતે) કર્તા નથી.

સ્વક્ષેત્રમાં હોય ત્યાં સુધી અમૃત ટપક ટપક કરે, નહીં તો નિરંતર વિષ ટપક્યા કરે.

છૂટ્યું સ્વામીપણું પરક્ષેત્રનું, મળ્યું સ્વક્ષેત્રનું

જગત આખું પરક્ષેત્રને સ્વક્ષેત્ર માની બેઠું છે. આ જ હું છું ને આ જ મારું ક્ષેત્ર. અમે તમને જ્ઞાન આપીએ એટલે પરક્ષેત્ર સમજતા થયા કે પરક્ષેત્રમાં હુંપણું હતું તે સ્વક્ષેત્રમાં રહેવું જોઈએ. પણ તમને એકદમ રહે નહીંને પાછું ? પેલા નિકાલ કરવાનાને બધા ? નિવેડા લાવવાનાને બધા ? મારે નિવેડા ઘણા ખરા આવી ગયેલા.

(મારે આ) દેહના અંદર સ્વક્ષેત્રમાં જ મુકામ છે. પાછો ડ્રામાય ચાલે છે આખો દહાડો અને અંદર પોતાના ક્ષેત્રમાં જ મુકામ છે.

સ્વ અને પરની વચ્ચે સંપૂર્ણ જાગ્રત રહીને પરમાં ના પેસવું, એ જ અદીઠ તપ. આ માર્ગ તો સ્વ-પરનો માર્ગ છે. બહાર તો સ્વ અને પરનું ભાન જ નથીને !

અહીં સ્વ-પરનો વિવેક થયો. ભેદ પડ્યા, આ સ્વક્ષેત્ર ને આ પરક્ષેત્ર. તે અહીં પરક્ષેત્રનું સ્વામીપણું છોડાવીને સ્વક્ષેત્રનું સ્વામીપણું આપી દેવાય છે.

સ્વક્ષેત્રે પુરુષ પદે, થાય પુરુષાર્થ-પરાક્રમ શરૂ

આપણું ‘હું’ પહેલા પરક્ષેત્રે ને પરસત્તામાં હતું, હવે એ ‘હું’ સ્વક્ષેત્રે ને સ્વસત્તામાં બેઠું. એટલે પુરુષાર્થ ને પરાક્રમ શરૂઆત થશે.

બાકી હવે કોઈ પણ મૂંઝામણ થાય તો જાણવું કે આપણે સ્વક્ષેત્રની બહાર પરક્ષેત્રમાં હાથ ઘાલ્યો છે. એટલે તરત જ કહી દેવું કે આ ‘મારું સ્વરૂપ ન્હોય’, તેની સાથે જ છૂટ્યું.

પ્રશ્નકર્તા : આ મારું નથી, એની સાથે છૂટ્યું.

દાદાશ્રી : હા, મારું ન્હોય. મારા સ્વરૂપમાં આ છે નહીં અને છે એ મારું સ્વરૂપ ન્હોય આ. ઘડભાંજ મારા સ્વરૂપમાં છે જ નહીં. નિરંતર પરમાનંદી છે. જ્યાં સંસારનો સહેજ પણ, કિંચિત્માત્ર દુઃખનો અભાવ વર્તે છે, એટલે આપણે પુરુષ થયા પછીનો આવો પુરુષાર્થ હોવો જોઈએ.

ન કરવી ડખલ કશી, ખાલી જોવા મન-બુદ્ધિ-ચિત્તને

તમે જ્ઞાતા-દ્રષ્ટા એટલે ચંદુભાઈનું કેમ ચાલે છે એ તમારે જોયા કરવાનું. અને ચંદુભાઈનું મન શું કરે છે તે જોયા કરવાનું. કારણ કે મન તમારા તાબે રહ્યું નહીં, બુદ્ધિ તમારા તાબે રહી નહીં, ચિત્ત તમારા તાબે રહ્યું નહીં. બધું જ આ બાજુ આવી ગયું ને તમે જુદા રહ્યા. એટલે તમારે તમારા ક્ષેત્રમાં જ રહેવું. હવે ક્ષેત્રની બહાર નીકળાય નહીં. પરક્ષેત્રે હતા તે સ્વક્ષેત્રે આવ્યા. એટલે પરક્ષેત્રમાં ડખલ નહીં થવી જોઈએ. એટલે ચંદુભાઈના મનને-બુદ્ધિને-ચિત્તને એ બધા શું કરે છે એ જોયા કરવાનું. ખરાબ કરતું હોય, ખોટું કરે એ જોવાનું (નોંધ લેવાની) નહીં આપણે, પણ એ શું કરી રહ્યું છે એને જોયા જ કરવાનું. સારું-ખોટું હોતું જ નથી ભગવાનને ત્યાં. સારું-ખોટું સમાજને આધીન છે.

આત્મા સિવાય બધી સડેલી વસ્તુ છે. આત્મા એકલો જ સડે નહીં. એને કશું થાય નહીં એવો છે. તે આપણે આત્મસ્વરૂપ થઈ ગયા તો કામ થઈ જશે, નહીં તો કામ બધું નકામું. આત્મસ્વરૂપ થવાની જરૂર છે, બીજું કશું નહીં. આ દેહ કપાય કે ગમે તે થાય, આપણે દેહસ્વરૂપ થવું નહીં. પરક્ષેત્રમાં પેસે તો સંસાર કડવો ઝેર જેવો લાગે.

સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળ-સ્વભાવમાં આવે ત્યારે થાય મુક્તિ

પ્રશ્નકર્તા : દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એ વિસ્તૃતરૂપે સમજાવો.

દાદાશ્રી : તમે જે જગ્યા પર બેઠા છો એ ક્ષેત્ર છે, સ્પેસ. દ્રવ્ય તમે પોતે. પણ અજ્ઞાનતામાં બન્ને પરદ્રવ્ય, પરક્ષેત્ર છે.

અજ્ઞાનતામાં આ પુદ્ગલને ‘હું છું’ એમ કહે છે તે પરદ્રવ્ય કહેવાય. પરદ્રવ્ય એ પોતાની જાતને માને છે. પછી પરક્ષેત્ર, આ ક્ષેત્ર તો પુદ્ગલનું છે ને તે પોતાનું ક્ષેત્ર જુદું છે. તે આ પરક્ષેત્રને એવું કહે છે કે આ મારું ક્ષેત્ર છે. પરભાવ એટલે પોતાનો જે મૂળ સ્વભાવ છે તેનાથી જુદો જે વિભાવ છે, વિશેષભાવ છે, તેમાં પોતે ‘હું છું’ માને.

એટલે અત્યારે અહીં ભાવ ઉત્પન્ન થયોને, એ પુદ્ગલભાવ છે, એ આત્મભાવ નથી. અને પરકાળ, કાળેય જુદો. અત્યારે પૂછવામાં આ ટાઈમ છે તે પરકાળ કહેવાય.

એટલે પરભાવ, પરદ્રવ્ય, પરક્ષેત્ર અને પરકાળ બધુંય પરાયું છે, અને સ્વભાવ, સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર અને સ્વકાળમાં આવવાનું ત્યારે મુક્તિ થાય.

પ્રશ્નકર્તા : દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ, મહાત્માઓને કેવી રીતે બદલાયા ?

દાદાશ્રી : આપણે હવે શું થયું ? પરદ્રવ્ય સ્વરૂપ હતા, તે સ્વદ્રવ્ય સ્વરૂપ થયા. પરક્ષેત્રમાં હતા તે સ્વક્ષેત્રમાં આવ્યા. પરકાળમાં હતા તે સ્વકાળમાં આવ્યા. સ્વકાળ કેવો છે ? સનાતન છે ને પરકાળમાં વિનાશી હતું. અને સ્વભાવમાં આવ્યા, પરભાવથી છૂટા થયા. અને પેલા જે ગલન છે એમાં તો કંઈ ફેરફાર થાય નહીં. એ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જે ભાવે ગલન થવાના હોય, એ પ્રમાણે થયા કરે. બની ગયેલી વસ્તુ છે, એમાં કોઈ ફેરફાર થાય નહીં.

સ્વક્ષેત્રમાં રહેવાનું છે, સ્વદ્રવ્યમાં રહેવાનું છે, સ્વભાવમાં રહેવાનું છે અને સ્વકાળમાં રહેવાનું છે. સ્વકાળ એટલે મરણ જ ના આવે અને પરકાળ એટલે મરણનું કારણ, એ સમજી ગયા તો નિવેડો આવેને, નહીં તો નિવેડો શી રીતે આવે ?

સ્વક્ષેત્ર-સ્વદ્રવ્ય-સ્વભાવ-સ્વકાળ ચારેય શુદ્ધાત્મા પોતે જ

પ્રશ્નકર્તા : આ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જે ચાર છે, એમાં આત્મા એ ક્ષેત્રથી કઈ રીતે રહેલો છે ?

દાદાશ્રી : જેટલો ભાગ અસ્તિત્વનો અવકાશને રોકે છે ને, એટલું ક્ષેત્ર કહેવાય એમનું. અવકાશ એટલે આકાશ કહે છે ને, એટલા ભાગને ક્ષેત્ર કહે છે. એટલે એ ક્ષેત્ર બદલાયા કરે પાછું. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવ બદલાયા કરે. ભવ તો એમ કે એક મનુષ્યનો આવ્યો હોય તો મનુષ્યનો ભવ પાંચ, પચાસ, સો વરસ નભેય ખરો, પણ આ ચાર તો બદલાયા જ કરે નિરંતર.

પ્રશ્નકર્તા : આત્માનું દ્રવ્ય પણ બદલાય ?

દાદાશ્રી : આત્માનું દ્રવ્ય નહીં, આત્માને જે પરદ્રવ્ય લાગુ થયા છે આ સંસારભાવથી, તે બધા બદલાયા કરે. ક્ષેત્ર બદલાયા કરે, તેના આધારે કાળ બદલાયા કરે ને તેના આધારે ભાવેય બદલાયા કરે. હમણે નિર્ભયભાવ ઉત્પન્ન થાય. ભયવાળી જગ્યાએ જાય તો ભય ઉત્પન્ન થાય. સમયે સમયે બદલાયા જ કરે, નિરંતર. જીવ માત્રને બદલાયા કરે.

પ્રશ્નકર્તા : દાદા, આ તમે વાત કરો છો ને તે પરક્ષેત્રની છે, મારે સ્વક્ષેત્રનું પૂછવું છે. આત્મા સ્વક્ષેત્રે કેવી રીતે રહેલો છે ?

દાદાશ્રી : એ એવું છે ને કે પોતાના સ્વક્ષેત્ર-સ્વદ્રવ્ય-સ્વભાવ અને સ્વકાળ એ ચાર ભાવેય પોતે છે એ શુદ્ધાત્મા જ છે, બીજું કશું છે નહીં. આ તો ફક્ત આ પરક્ષેત્રમાંથી કાઢવા માટે સ્વક્ષેત્રનું વર્ણન કરેલું છે. ક્ષેત્ર એટલે પોતાનો જે અનંત પ્રદેશી ભાગ છે એ ક્ષેત્ર ખરેખર ક્ષેત્ર નથી કહેતા, પણ પેલું સમજાવવા માટે આ સમજમાં મૂક્યું છે. એની જરૂર નથી. આપણે શુદ્ધાત્મા એટલું જ જરૂર છે. બીજું એમાં બહુ ઊંડા ઊતરવાનું નથી. એમાં કાળેય નથી એવો હોતો. આત્માને કાળ લાગુ હોતો નથી. આત્માને ભાવ હોતો નથી, સ્વભાવ જ હોય છે. પોતે જ સ્વભાવથી જ જ્ઞાતા-દ્રષ્ટા છે. પણ આ બહારના ચાર સમજાવવા માટે પેલું સ્વ એટલે પરમાંથી સ્વમાં આવો.

બાકી, શુદ્ધાત્મા જ છે. સર્વ રીતે સ્વભાવ એટલે સ્વભાવ બીજો પોતાનો હોતો જ નથી, એ જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદી એ જ એનો સ્વભાવ એટલે પોતાનો નિજ સ્વભાવ. અને એ ભાવ પુદ્ગલમાં નથી અને જે ભાવ આત્માનો નથી, તે ભાવ પરભાવ કહ્યો છે. આત્માનો નથી છતાં આત્માનો માનવામાં આવે છે તે પરભાવ, પરક્ષેત્રને આધીન છે. પરભાવને જ્યાં સુધી માન્ય કર્યો છે ત્યાં સુધી પરક્ષેત્ર કહેવાય. દ્રવ્યેય પર કહેવાય બધું. એટલે સ્વમાં લઈ જવા માટે આ બધો હેતુ સમજાવ્યો છે. અને શુદ્ધાત્મા સમજાયો એટલે થઈ ગયું, બધું કામ થઈ ગયું. બાકી એને કંઈ ક્ષેત્ર-બેત્ર હોતું નથી. સ્વક્ષેત્ર એ તો વર્ણન કર્યું છે ખાલી શાસ્ત્રકારોએ.

પરભાવ જતા સ્વક્ષેત્રે રહી, છેવટે સિદ્ધક્ષેત્રે સ્થિત

પ્રશ્નકર્તા : જ્યારે જુઓ ત્યારે આપ એવા ને એવા જ લાગો છો, ફેર નથી લાગતો એ શું છે ?

દાદાશ્રી : આ કંઈ ફૂલ છે કે કરમાય ? આ તો મહીં પરમાત્મા પ્રગટ થઈને બેઠા છે ! નહીં તો ખખડી ગયેલા દેખાય ! જ્યાં પરભાવનો ક્ષય થયો છે, નિરંતર સ્વભાવ જાગૃતિ રહે છે, પરભાવ પ્રત્યે જેને કિંચિત્માત્ર રુચિ રહી નથી, એક અણુ-પરમાણુ જેટલી રુચિ રહી નથી પછી એને શું જોઈએ ?

પરભાવના ક્ષયથી ઓર આનંદ અનુભવાય છે. એટલે તમે એ ક્ષય ભણી દ્રષ્ટિ રાખજો. જેટલો પરભાવ ક્ષય થયો એટલો સ્વભાવમાં સ્થિત થયો. બસ, આટલું જ સમજવા જેવું છે, બીજું કશું કરવા જેવું નથી. જ્યાં સુધી પરભાવ છે ત્યાં સુધી પરક્ષેત્ર છે. પરભાવ ગયો કે સ્વક્ષેત્રમાં થોડોક વખત રહી અને સિદ્ધક્ષેત્રમાં સ્થિતિ થાય. સ્વક્ષેત્ર એ સિદ્ધક્ષેત્રનો દરવાજો છે !

v v v v v

[10.2]

ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ

વિનાશી એ ક્ષેત્ર, અવિનાશી એ ક્ષેત્રજ્ઞ

પ્રશ્નકર્તા : ગીતામાં કૃષ્ણ ભગવાને ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ અને જ્ઞાતા અને જ્ઞાન કહ્યું છે એ સમજાવો.

દાદાશ્રી : ક્ષેત્ર એટલે આ શરીરમાં જે વિનાશી ભાગ છે તે ક્ષેત્ર છે. અને શરીરમાં જે અવિનાશી ભાગ છે તે ક્ષેત્રજ્ઞ છે.

અવિનાશી છે તે ક્ષેત્રજ્ઞ છે અને તે પોતે જ જ્ઞાતા છે. જ્ઞાતા ક્યારે થાય કે જ્યારે આ જાણે કે આ વિનાશી છે અને તેમાંથી મુક્ત થાય ત્યારે. દેહાધ્યાસ છૂટી જાય ત્યારે જ્ઞાતા થાય એ. નહીં તો પછી અવિનાશી તો હોય પણ પેલું જ્ઞાતાપણું ના હોય. અત્યારે તમારે જ્ઞાતા(પણું) ના હોય.

મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર એ બધું ક્ષેત્ર છે, એના આપણે ક્ષેત્રજ્ઞ છીએ. આ દેહ ક્ષેત્ર કહેવાય અને પોતે ક્ષેત્રજ્ઞ કહેવાય. અહીં ક્ષેત્રજ્ઞ એ જ આત્મા અને એને કરવાનું ના હોય, ક્ષેત્રને સમજવાનું હોય. જ્યાં કરવાનું હોય ત્યાં આગળ ભ્રાંતિ ઊભી થાય અને ત્યાં આગળ બધું તેથી તો બંધન છે. જે જે કહ્યું નથી તે કરવાથી બંધન છે.

પોતે તો ક્ષેત્રજ્ઞ છે પણ પરક્ષેત્રે મુકામ છે અને પોતાની સત્તા શું તે જાણતો નથી તેથી જ ચિંતા થાય છે.

ક્ષેત્રજ્ઞ શક્તિ, પોતાની જબરજસ્ત શક્તિ અનંત છે. પોતાની શક્તિ સ્વક્ષેત્રમાં છે. પોતાની શક્તિ ક્ષેત્રજ્ઞ છે. એ ક્ષેત્રજ્ઞ શક્તિ ઉત્પન્ન થઈ ગઈ એટલે કામ થઈ ગયું. સંપૂર્ણ શક્તિ ક્ષેત્રજ્ઞ છે. આ બધી ભ્રાંતિ છે.

પોતાના ક્ષેત્રમાં હોય તો ક્ષેત્રજ્ઞ છે, ભગવાન છે અને પોતાના ક્ષેત્રમાં નથી અને ‘હું ચંદુ છું’ એ બધું ઈગોઈઝમ છે.

આત્મા ક્ષેત્રજ્ઞ, પ્રકૃતિ ક્ષેત્ર

પ્રશ્નકર્તા : ગીતાના તેરમા અધ્યાયમાં કહ્યું છે કે ‘ક્ષેત્રજ્ઞ્’ ‘ક્ષેત્રજ્ઞ્ અભિચમાવીદ સર્વ ક્ષેત્રે.’ એટલે કે આ બધા ક્ષેત્રો જાણવાવાળો જે ક્ષેત્રજ્ઞ છે તે હું છું એવું હે અર્જુન તું જાણ, એમાં શું કહેવા માગે છે ?

દાદાશ્રી : કૃષ્ણ ભગવાને કહ્યું’તું, આત્મા છે એ ક્ષેત્રજ્ઞ છે અને તે જ હું છું. અને આ બહાર પ્રકૃતિ એ ક્ષેત્ર છે. આત્મા સિવાય પ્રકૃતિ ભાગ એ ક્ષેત્ર છે અને હું ક્ષેત્રજ્ઞ છું. આ ક્ષેત્રનો બધો જાણનારો હું છું, કહે છે.

અર્જુન ક્ષેત્રને ક્ષેત્રજ્ઞ જાણતો’તો. ત્યારે કહે છે, તું આ ભૂલો પડ્યો છું. માટે આ ક્ષેત્ર છે અને તું ક્ષેત્રજ્ઞને જાણ. હું ‘ક્ષેત્રજ્ઞ’ છું એટલે તું મને જાણ-ઓળખ, કહે છે.

તું ક્ષેત્રજ્ઞ છે ને પ્રાકૃત ક્ષેત્ર છે તેનો તું ક્ષેત્રજ્ઞ છું. પ્રાકૃત એ પુરુષ નથી. જો તું સ્વક્ષેત્રમાં રહે તો તું ક્ષેત્રજ્ઞ છું.

આત્મા ક્ષેત્રજ્ઞ છે. પોતે ક્ષેત્રજ્ઞ પુરુષ પરક્ષેત્રે બેઠો છે એટલે તે પછી જાણનાર રહ્યો નહીં. એટલે ‘હું છું, હું છું, હું છું’ કહે છે.

પરક્ષેત્રે એ નહીં ચેતન, ક્ષેત્રજ્ઞ એ ચેતન

પ્રશ્નકર્તા : કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું એમાં ‘સર્વક્ષેત્ર’ શબ્દ આવે છે, તો સર્વક્ષેત્ર એટલે જડ ક્ષેત્ર અને ચેતન ક્ષેત્ર એ બન્ને કહેવાય કે એક જ ?

દાદાશ્રી : ચેતન છે એ ક્ષેત્રજ્ઞ છે એટલે ચેતનનું ક્ષેત્ર જ નથી. ચેતન એ ક્ષેત્રજ્ઞ છે અને ક્ષેત્રજ્ઞ સિવાય એ પોતે કોઈ જગ્યાએ હોતો નથી. ક્ષેત્રમાં હોય નહીં. ક્ષેત્રને જાણે અને જુએ. એટલે ક્ષેત્રને જાણે એ ક્ષેત્રજ્ઞ અને તે ક્ષેત્ર સ્વરૂપે ક્યારે થાય નહીં એનું નામ ક્ષેત્રજ્ઞ !

એટલે જાણ્યા જ કરવાનું છે નિરંતર. આ ક્ષેત્રમાં શું થઈ રહ્યું છે, તે ક્ષેત્રજ્ઞ થઈને આ બધું જાણવાનું છે.

પરાઈ ચીજના માલિક બનતા ક્ષેત્રજ્ઞ થયો ક્ષેત્રાકાર

આ તો લોકોની બુદ્ધિ દેહાત્મબુદ્ધિ છે, તે આત્મબુદ્ધિ થાય તો ઉકેલ આવે. આત્મામાં આત્મબુદ્ધિ નહીં ને દેહમાં આત્મબુદ્ધિ તે દેહાત્મબુદ્ધિ. તે આખુંય જગત દેહાત્મબુદ્ધિમાં જ છે. એટલે તે ક્ષેત્રાકાર છે ને આત્મામાં આત્મબુદ્ધિ રહે તો તે ક્ષેત્રજ્ઞ છે.

તમે ક્ષેત્રજ્ઞ છો, જ્ઞાનાકાર છો પણ તમે પરાઈ ચીજોના સ્વામી થઈ બેઠા છો. બુદ્ધિ-ચિત્ત-મન અને અહંકારના સ્વામી થઈ બેઠા છો. પણ સ્વની ઓળખાણ થવી જોઈએ. એટલે થઈ ગયું. (આ તો) પરાઈ સત્તામાં છો અને ‘મેં કર્યું, મેં કર્યું’ કરો છો.

પરભારી મિલકત, પરભાર્યું ઘર હોય, તે એમાં આપણે જઈને બેસાય, રહેવાય ? એ ઘરના આપણાથી માલિક થવાય ? ના થવાય. પણ આ તો પરભારી સત્તા ને પરાઈ ચીજો પોતાની માની બેઠો છે ને પાછો ક્ષેત્રાકાર થઈને ફરે છે. ક્ષેત્રજ્ઞ પુરુષ ક્ષેત્રાકાર થઈ ગયો છે.

સ્વક્ષેત્રે ક્ષેત્રજ્ઞ, પણ અજ્ઞાને થયો ક્ષેત્રાકાર

પ્રશ્નકર્તા : ક્ષેત્રાકાર વિશે વધુ સમજાવશો ?

દાદાશ્રી : આ શરીરમાં (આત્મા) તમારું સ્વક્ષેત્ર છે. તમારા સ્વક્ષેત્રમાં રહો તો તમે ક્ષેત્રજ્ઞ છો અને સ્વક્ષેત્રમાં ના રહો તો ક્ષેત્રાકાર થઈ જાવ.

પોતાના સ્વક્ષેત્રમાં આત્મા ક્ષેત્રજ્ઞ છે અને જો પરાયા ક્ષેત્રમાં બેઠા, અનાત્મ વિભાગમાં તો ક્ષેત્રાકાર થઈ જાય. આ પરક્ષેત્રમાં પેઠેલા છે.

મન-વચન-કાયાના ક્ષેત્રમાં બેઠેલો ક્ષેત્રજ્ઞ આત્મા તે તેનો જાણકાર છે. તે જ્ઞાનાકાર હોવો ઘટે પણ મન-વચન-કાયાના દેહાકાર ક્ષેત્રાકાર થઈ ગયો છે.

પોતે ક્ષેત્રિય છે ને ક્ષેત્રાકાર થઈ ગયો છે. પોતે સ્વક્ષેત્રમાં રહીને ખાલી જાણ્યા જ કરવાનું છે. જે ક્રિયા કરે તે ક્ષેત્રાકાર અને જે જુએ ને જાણે તે ક્ષેત્રજ્ઞ. મૂળ ક્ષેત્રજ્ઞ છે પણ અજ્ઞાને કરી ક્ષેત્રાકાર થઈ ગયો છે. આત્મા જ્ઞાનાકાર છે, સ્વ-પર પ્રકાશક છે.

બ્રહ્માંડનો ઉપરી પણ ક્ષેત્રાકારે થયો ભિખારી

‘હું ચંદુભાઈ’ એટલે મન-વચન-કાયા અને નામ ઉપર આરોપ કરે છે કે ‘હું છું’ તેથી મરવું પડે છે. પોતે સ્થાનભ્રષ્ટ થયો. ક્ષેત્રજ્ઞ પુરુષ ક્ષેત્રાકાર થયો.

એટલે હું ચંદુભાઈ, આમનો સસરો થઉ, આનો મામો થઉ, આનો કાકો થઉ એ બધા આરોપિત ભાવો, કલ્પિત ભાવો. પોતે નિર્વિકલ્પ અને આમ કલ્પનાનો પાર નહીં.

જ્યાં પોતે નથી ત્યાં આરોપ કર્યો, તેથી સંસાર ઊભો થઈ ગયો છે. હવે પોતાના સ્વરૂપનું ભાન ના રહ્યું, આત્માના સ્વરૂપનું એટલે પછી પોતે ક્ષેત્રાકાર થઈ ગયો છે. આખી ભ્રાંતિ જ ઉત્પન્ન થઈ છે અને પાછો ‘હું કરું છું’ એમ બોલે છે.

જેમ હાથી ક્ષેત્રાકાર થઈને ફરે છે તેમ આખા જગતના લોકો (મનુષ્યો) ક્ષેત્રાકાર થઈને ફરે છે. તે ક્ષેત્રાકારમાં તારું મરણ છે.

 પરક્ષેત્રમાં ના બેસે તો પોતે જ ક્ષેત્રજ્ઞ છે પણ પરક્ષેત્રમાં બેસે તો તે ક્ષેત્રાકાર છે. પોતે ક્ષેત્રજ્ઞ આખા બ્રહ્માંડનો ઉપરી તે આજે ક્ષેત્રાકાર થઈને ભિખારીની પેઠે ભમે છે. છેવટે આમાંથી દગો ઉત્પન્ન થશે. તું તારા મૂળ ક્ષેત્રમાં આવી જા. આ બધા ટેમ્પરરીમાં જ રાચી રહ્યા છે. ટેમ્પરરી એટલે તકલાદી.

આત્મજ્ઞાને પમાય ક્ષેત્રજ્ઞપદ

હું ને મારું એ વિકલ્પ-સંકલ્પ છે. એ ગયું તો થઈ જાય ક્ષેત્રજ્ઞ. જ્ઞાની જ્ઞાન આપે ત્યારે ક્ષેત્રજ્ઞ બનાવે. એ તમારું ક્ષેત્ર અને પરાયું ક્ષેત્રની વચ્ચે લાઈન ઑફ ડિમાર્કેશન કરી આપે અને બતાવે કે આ તમારું ક્ષેત્ર અને પેલું પરાયું ક્ષેત્ર. હજી તો તમે પોતાના ક્ષેત્રમાં બેઠા જ નથી. હજી તો પોતાનું ક્ષેત્ર જોયું નથી. અરે ! પૂંજોય વાળ્યો નથીને !

પ્રશ્નકર્તા : આત્માનો સંયોગ થાય પણ આત્માનો વિયોગ ના થાય એની ચાવી ?

દાદાશ્રી : આત્માનો વિયોગ થઈ શકે એમ નથી. કોઈને કરવો હોય તોય નહીં થાય. એક ફેરો એ સ્પર્શ કરી ગયા પછી ફરી એ વિયોગ થાય એવો નથી. જ્યાં સુધી સ્પર્શ નથી કર્યો, જ્યાં સુધી આપણે એ ક્ષેત્રમાં ગયા નથી ત્યાં સુધી દુઃખ છે. એને જો એક ફેરો સ્પર્શ થઈ ગયો સ્વક્ષેત્રની જોડે, પછી એને વાંધો ના આવે, પણ હજુ સ્પર્શ જ નથી થયો ને !

અમે જ્ઞાન આપીએ છીએ ને, તે એને સ્પર્શ કરાવડાવીએ. પછી વાંધો ન આવે. એને કૃષ્ણ ભગવાન પોતે જ હાજર થઈ જાય. પછી શું ? પછી જાય જ નહીં. વૈષ્ણવોને કૃષ્ણ ભગવાન હાજર થાય અને જૈનોને મહાવીર ભગવાન હાજર થઈ જાય.

આ જ્ઞાન પછી આપણા અનંત જ્ઞાન, અનંત દર્શન એવા ગુણો વડે આપણે આપણા ક્ષેત્રને જાણ્યું. એથી આપણે ક્ષેત્રજ્ઞ બન્યા.

હવે આપણે મહીં બે ભાગ, એક હોમ ડિપાર્ટમેન્ટ છે અને એક ફોરેન ડિપાર્ટમેન્ટ છે. હોમ ડિપાર્ટમેન્ટ સ્વક્ષેત્ર છે અને પરક્ષેત્રે, ‘હું ચંદુ છું’ પરક્ષેત્રતા. પોતાના ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ છે. (પોતે) ક્ષેત્રજ્ઞ અને આ ક્ષેત્ર છે. હવે ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ બેના ભેદ પડી ગયા. જે ક્ષેત્ર છે તે ફોરેન ડિપાર્ટમેન્ટ છે અને સ્વક્ષેત્ર છે તે હોમ ડિપાર્ટમેન્ટ છે. હોમ ડિપાર્ટમેન્ટમાં નિરંતર રહેવું અને ફોરેનમાં સુપરફલુઅસ રહેવું.

આપણે વહેંચણ કરી નાખી કે આ પ્રકૃતિનો ભાગ, આ તમારો ભાગ. આ (તમારા) ભાગમાં તમે રહેશો તો ક્ષેત્રજ્ઞ અને આ (પ્રકૃતિ) ક્ષેત્ર છે, એ ક્ષેત્રના તમારે ક્ષેત્રજ્ઞ તરીકે રહેવાનું છે. ક્ષેત્રજ્ઞ એટલે ક્ષેત્રમાં શું શું થઈ રહ્યું છે એ જાણવાનું.

જાણનાર અને જાણવાની વસ્તુ એક જ હોય કે જુદી જુદી ? જુદી જુદી. એક આંખ ગઈ હોય તો તે ક્ષેત્ર જાણે કે ક્ષેત્રજ્ઞ ? ક્ષેત્રજ્ઞ જાણે.

જ્ઞાની વર્તે નિરંતર ક્ષેત્રજ્ઞપદે

એક આત્મા જ જાણવા જેવો છે. ક્ષેત્રો અને ક્ષેત્રિય બન્નેવ જુદા છે. ક્ષેત્રથી અપ્રતિબદ્ધતા જોઈશે. ક્ષેત્રથી, ભાવથી, દ્રવ્યથી ને કાળથી અપ્રતિબદ્ધ રહે છે, તે જ્ઞાની. અપ્રતિબદ્ધ એટલે મુક્ત. એ દેહના માલિક જ નથી રહેતા, મનના માલિક નહીં, વાણીના માલિક નહીં. પોતે પોતાના ક્ષેત્રમાં રહીને ક્ષેત્રજ્ઞ તરીકે રહે.

પ્રશ્નકર્તા : આપને દ્રષ્ટાભાવની સ્થિતિ કાયમ રહે ?

દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા સ્થિતિ કાયમ રહે. આ વાત ટેપરેકર્ડ કરે છે અને અંદર શુદ્ધ ઉપયોગ રહે. આ શું બોલ્યા ને શું નહીં, એટલું જ જોયા કરીએ. આ વાતેય ચાલતી હોય ને શુદ્ધ ઉપયોગ રહે.

પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટા ભાવ સાથે પરમાનંદ ભાવ હોયને ?

દાદાશ્રી : પરમાનંદ જ હોય, નિરંતર પરમાનંદ. એટલે નિરંતર જુદા જ રહેવાનો વ્યવહાર છે. અમે એક સેકન્ડ પણ પુદ્ગલ ભાગમાં રહેતા નથી. હું તો ક્ષેત્રજ્ઞ તરીકે જોયા કરું છું. ‘હું’ મારા ક્ષેત્રમાં જ રહું છું.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18