ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18



આપ્તવાણી

શ્રેણી-૧૪ ભાગ-૪

 [12]

અવ્યય-અક્ષય

નાશ ન થાય એ અક્ષય

પ્રશ્નકર્તા : આપણે આ વિધિમાં બોલીએ છીએને ‘હું અક્ષય છું’ તો અક્ષયનો એક્ઝેક્ટ મીનિંગ શું છે ?

દાદાશ્રી : અક્ષય એટલે જે નાશ નથી થનારા, અવિનાશી. ક્ષય થવું એટલે નાશ થવું અને અક્ષય એટલે અવિનાશી. આત્મા અક્ષય છે.

ખર્ચાય નહીં, વધે-ઘટે નહીં એ અવ્યય

પ્રશ્નકર્તા : આત્મા અવ્યય છે કહ્યું તો અવ્યય એટલે શું ?

દાદાશ્રી : વ્યય ના થાય તે.

પ્રશ્નકર્તા : વ્યય એટલે શું ? ડિસ્ટ્રૉઈ ના થાય ?

દાદાશ્રી : વ્યય એટલે ખર્ચો. એટલે ઓછું થાય એ વ્યય કહેવાય અને આ ક્યારેય ઓછું ને વધતું ન થાય, ઘટે નહીં એનું નામ અવ્યય.

પ્રશ્નકર્તા : ઘટેય નહીં ને વધેય નહીં !

દાદાશ્રી : હા, અવ્યય એટલે જેને કશું ફેરફાર ના થાય, વ્યય ના થઈ જાય, નાશ ના થઈ જાય.

અનંત અવતાર થયા તોય આત્મા અવ્યય

અવ્યય એટલે આત્માનો ક્યારેય પણ વ્યય ના થાય એવી વસ્તુ. અનંતકાળથી આપણે જોડે રહ્યા, કેટલાય અવતારમાં બાળી મેલ્યા, કૂવામાં પડ્યા. કૂતરામાં, ગધેડામાં ગયો પણ આટલોય આત્માનો વ્યય નથી થયો. તે આટલા અવતારથી ભટકે છે પણ એનો વ્યય થાય નહીં, આટલોય બગડે નહીં, કશું થાય નહીં.

મન-વચન-કાયાનો વ્યય થનાર, આત્મા અવ્યય

આપણે સમજણ પાડી કે મન-વચન-કાયા એ નિરંતર વ્યય જ થઈ રહ્યા છે અને આત્મા અવ્યય છે. એનો વ્યય નહીં થાય.

આ મન-વચન-કાયા વ્યય છે. વ્યય થયા જ કરે નિરંતર. જેમ રૂપિયાનો વ્યય થાય છે ને, એવું આનો વ્યય થાય છે. પૈસા આવે તેનો વ્યય થઈ જાય કે ના થઈ જાય ? રૂપિયો આવશે તેનોય વ્યય થઈ જશે. આ બધો વ્યય થયા જ કરે છે નિરંતર !

શરીર તો, એ તો વ્યય થયા જ કરે છે નિરંતર, અને પછી મરતી વખતે ખલાસ થઈ ગયો હોય. તે આવું ભરાવદાર શરીર હોય પણ મરતી વખતે પાતળું થઈ ગયું હોય, વ્યય થયા જ કરે.

આ સંસારની સર્વ સંપત્તિનો, સંબંધનો, સ્વરૂપનો વ્યય થનાર છે. હું અવ્યય છું. મારામાંથી કંઈ વ્યય થઈ શકે નહીં, કંઈ ઓછું-વત્તું થઈ શકે નહીં.

પ્રશ્નકર્તા : અવ્યય એટલે નો એન્ડ.

દાદાશ્રી : આ મન-વચન-કાયા એન્ડ (અંત)વાળા છે અને પેલું (આત્મસ્વરૂપ) છે તે નો એન્ડ (અંતહીન) છે. એટલે આપણે બોલીએ છીએને, ‘મન-વચન-કાયાનો વ્યય થનાર છે, હું અવ્યય છું.’

અવ્યય થયા પછી ના થાય વ્યય

પ્રશ્નકર્તા : અવ્યયભાવ હજુ નથી આવ્યો.

દાદાશ્રી : (અજ્ઞાનદશામાં) અવ્યય (ભાવ) શી રીતે આવે ? અચ્યુતભાવ આવ્યો છે ?

પ્રશ્નકર્તા : અચ્યુતભાવ પણ હજુ નથી આવ્યો.

દાદાશ્રી : અવિનાશીભાવ નથી આવ્યો, અવ્યયભાવ નથી આવ્યો, અચ્યુતભાવ નથી આવ્યો, કશું જ ક્યાં આવ્યું છે તે ! પણ અમથા માની બેઠા છો બધું.

પણ અવ્યય આવે, અચ્યુત આવે, અવિનાશી આવે ત્યારે આપણું બધું ફેર પડેને ! પછી વ્યય થાય જ નહીંને ! આ તો અવ્યય થયું નથી ત્યાં સુધી વ્યય થયા જ કરે.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18