ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18



આપ્તવાણી

શ્રેણી-૧૪ ભાગ-૪

[2]

અનંત જ્ઞાન-દર્શન

[2.1]

જ્ઞાયક : જ્ઞાન : જ્ઞેય

જ્ઞેય અનંત, માટે જ્ઞાન અનંત

પ્રશ્નકર્તા : ‘હું અનંત જ્ઞાનવાળો છું’, એમ બોલીએ છીએ, એ સમજાવો.

દાદાશ્રી : ‘હું’ તો જ્ઞાનવાળો છે, પણ અનંત જ્ઞાનવાળો છે એટલે એની લિમિટ ના હોય. બહારની ચીજો અનંત છે. જાણવાની ચીજો, જ્ઞેય વસ્તુઓ અનંત છે, માટે ‘હું’ અનંત જ્ઞાનથી જ્ઞેયને જાણનાર છું.

પ્રશ્નકર્તા : જ્ઞાનનો અર્થ જાણપણું થાય ?

દાદાશ્રી : હા, જ્ઞાયકપણું. દેહ ઉપર માર પડે પણ પરમાનંદ ના જાય. તેને જાણ્યા જ કરે. (એનો) જ્ઞાતા-જ્ઞેયનો સંબંધ છે. અનંત જ્ઞેય છે માટે અનંત જ્ઞાનવાળો છે.

અનંત જ્ઞાન દેખે પ્રત્યેક જ્ઞેયને

પ્રશ્નકર્તા : આત્મા જ્ઞાયક હોય, એને જ્ઞેય અનેક પ્રકારના હોય કે નહીં ?

દાદાશ્રી : જ્ઞાયક છે તે અનંત જ્ઞાનવાળો છે, એટલે જ્ઞેયો પણ અનંત હોય. જ્ઞાયક સ્વભાવ છે તે કેવો છે ? અનંત જ્ઞાનવાળો છે. શાથી અનંત જ્ઞાન ભાગ ? જ્ઞેયો પણ અનંત છે એટલે.

આત્મા સ્વ-પર પ્રકાશક એવો છે કે એમાં દરેક જ્ઞેયો દેખાય તેવો છે. તેથી અનંત જ્ઞાન છે.

આ બધા મનુષ્યમાં જેટલું જ્ઞાન છે ને, એટલું એક આત્માનું જ્ઞાન છે. આ બધા જીવ માત્ર છે ને, એ બધા જ જીવનું જ્ઞાન એક જ આત્માનું છે. પણ એ પ્રગટ થવું જોઈએ. આ જ્ઞાનથી જગત ચાલી રહ્યું છે. પુદ્ગલમાં જ્ઞાન નથી. બીજી કોઈ વસ્તુમાં જ્ઞાન નામનો ગુણ જ નથી.

જ્ઞેય ખૂટે પણ જ્ઞાન ન ખૂટે

પ્રશ્નકર્તા : બરોબર છે, જ્ઞેય અનંત હોવાથી જ્ઞાન પણ અનંત છે ?

દાદાશ્રી : આ જગતમાં જ્ઞેય પાર વગરના છે. સંખ્યાત જ્ઞેય હોત તો સંખ્યાત જ્ઞાન હોત. અનંત જ્ઞેય છે માટે અનંત જ્ઞાન છે. તેથી અમે કહીએ છીએ કે પોતે અનંત જ્ઞાનવાળો છે. કારણ કે જ્ઞેયો અનંત છે માટે. આ જગતમાં જ્ઞેયો કેટલાં છે ? જ્ઞેયો સંખ્યાત નથી, અસંખ્યાત નથી, અનંત છે.

આ શરીર ખોલો, તે ઘડીએ કેટલી જગ્યાએ જ્ઞેય છે ?

પ્રશ્નકર્તા : જ્યાં જુઓ ત્યાં બધે જ જ્ઞેય છે.

દાદાશ્રી : માટે આત્માનું જ્ઞાન પણ અનંત છે. અહીં આત્માનું જ્ઞાન ખૂટે તો આત્મા હારી ગયો કહેવાય. આ આત્મા શું કહે છે કે જ્ઞેય ખૂટે પણ મારું જ્ઞાન નહીં ખૂટે !

અમે ફોડ પાડીએ છીએ કે ભઈ, જ્ઞેયો અનંત છે માટે જ્ઞાન અનંત છે. કોઈ કહે, જથ્થાબંધ કહેવામાં વાંધો શો હતો ? તે હોલસેલ છે આ તો કંઈ ? જ્ઞેય બધા અનંત છે, ગણાય નહીં. સંખ્યાત હોય તો સંખ્યાત કહેવાય. સંખ્યાતથી વધારે હોય, ગણી ના શકાય એવા હોય તો અસંખ્યાત કહેવાય. અને અસંખ્યાતેય છે તે કો’ક દહાડો ચોગરદમ ગણવા બેસે, તો કોઈ નિવેડો લાવે વખતે, તોલ કરે, પણ આ તો અનંત છે. અનંતમાં થોડા કાઢી લે સંખ્યાત ને અસંખ્યાત, તો એ રહે કેટલા ? ત્યારે કહે, અનંત ને અનંત જ રહે.

જાણવા જેવું બધુંય જ્ઞેય

પ્રશ્નકર્તા : જ્ઞેય એટલે શું સમજવું ?

દાદાશ્રી : આ જ્ઞેય એટલે જાણવાની જે ચીજો છે, જે જાણવાની વસ્તુઓ એ બધી જ્ઞેયો કહેવાય અને જોવાની વસ્તુઓ તે દ્રશ્યો કહેવાય. આત્માનો સ્વભાવ શું ? કે જાણવું અને જોવું. પણ શું જાણે ? ત્યારે જ્ઞેયોને જાણે. હંમેશાં જ્ઞેય હોય એટલે આવી જ જાય જાણવામાં એમના. જેમ અરીસા પાસે કોઈ માણસ જાય કે મહીં ઝળકી જાય. એવું આમાં આવી જાય.

દ્રશ્ય ને જ્ઞેય વિનાશી હોય. દ્રષ્ટા-જ્ઞાતા અવિનાશી હોય. દ્રશ્ય ને જ્ઞેય, અવસ્થા સ્વરૂપે દેખાય આપણને, એ વિનાશી હોય અને મૂળ સ્વરૂપે એય પણ અવિનાશી.

આ બધું જે બહાર દેખાય છે ને એ બધા જ્ઞેય છે આમાં. અને આ વાળેય જ્ઞેય છે ને આંખોય જ્ઞેય છે ને કાનેય જ્ઞેય છે ને આ બધું, જગતમાં જ્ઞેય ને આ તમે જ્ઞાતા.

આત્મા છૂટો પડ્યા પછી એ જ્ઞાતા કહેવાય. અને આ વિનાશી ચીજો બધી દેખાય છે એ જ્ઞેય દેખાય. વિનાશીયે બહાર દેખાય અને અંદર અવિનાશીયે દેખાય, બધું દેખાય જેને. અંદરેય બધા બહુ જ્ઞેયો છે, પણ બહારના લોકોને તો ઈન્દ્રિજ્ઞાન પૂરતું જ સમજણ પડે. મનનું ને આંખનું ને બુદ્ધિનું એટલી સમજણ પડે. એથી આગળનો ભાગ સમજણ પડે નહીં.

‘અનાદિથી જ્ઞેયને જ જ્ઞાતા સમજી વર્તે છે લોક.’ ‘હું ચંદુ છું’ એ તો જ્ઞેય છે, એને જ્ઞાતા માને તો ક્યારેય ઉકેલ આવે નહીં. જ્ઞાતા એ જ્ઞાતા ને જ્ઞેય એ જ્ઞેય. ચંદુભાઈનું રૂપ, ઊંચાઈ, જાડાઈ બધું તમે જાણો. એમના વિચાર, મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધાને તમે જાણો. પણ આ તો કહેશે, મેં જાણ્યું ને મેં કર્યું ! મૂઆ, તે કર્યું શી રીતે ? જાણે એ કરે નહીં ને કરે એ જાણે નહીં, પણ કોઈ પ્રકારનું ભાન જ નથી.

એ જે કલ્પનાથી દેખાય છે, એ બધું દ્રશ્ય અને જ્ઞેય છે. અને નિર્વિકલ્પ દેખાય છે, એ જ્ઞાતા-દ્રષ્ટા. એટલે જ્ઞાતા-દ્રષ્ટા એ ભગવાન છે અને દ્રશ્ય જ્ઞેય તો જગતમાં છે જ. આ બધું દેખાય છે એ બધું દ્રશ્ય જ છે, ને જ્ઞેય જ છે.

અનંતા જ્ઞેયોમાં કેટલા બધા જ્ઞેયો ? આંબાને જોઈએ તો પાંદડા એકલા દેખાય છે ? કેરીઓ હઉ એટલી દેખાયને ? તે આમ લટકતી હઉ દેખાયને ? એ જ્ઞેય કહેવાય ને આપણે જ્ઞાતા છીએ.

ક્રિયા નહીં પણ સંસારી જ્ઞાન તે જ્ઞેય

પ્રશ્નકર્તા : દાદા હવે આ જ્ઞેયો વિશે વધુ સૂક્ષ્મતાએ ફોડ પાડશો ?

દાદાશ્રી : આ બધા જ્ઞેયો, આ વકીલાતના જ્ઞેયો, ફલાણાના જ્ઞેય, એ બધા જ્ઞેય છે. મોચી જે સીવે છે એ ક્રિયા જ્ઞેય નથી, જે જ્ઞાનથી સીવે તે જ્ઞેય. આ વકીલાત કરે છે તે ક્રિયા નહીં, પણ જે જ્ઞાનથી એ વકીલાત કરે છે એ જ્ઞાન જ જ્ઞેય છે.

પ્રશ્નકર્તા : આમાં જે (વકીલાતનું) જ્ઞાન પ્રગટ થયું, એ આ બધા જ્ઞેયોને (વકીલાતની ક્રિયાને) જોઈ શકે છે એવું થયું ?

દાદાશ્રી : જે પ્રગટ થયું તે (વકીલાતના) જ્ઞેયને ખુલ્લું કર્યું એણે. જ્ઞેયને જાણે અને જાણે એટલે પેલા ભઈ આ વકીલાત કરે.

પ્રશ્નકર્તા : એટલે વકીલાતની ક્રિયા કરે છે, એ ભઈ જે જાણેને એ કયું જ્ઞાન ?

દાદાશ્રી : વકીલાત જે કરે છે તેને જે જાણે છે, વકીલાત કેવી રીતે કરાય, કેવી રીતે નહીં, એ બધામાં પાછી વકીલ પોતે પોતાની ભૂલ કરે છે તે પેલા (બુદ્ધિ) જ્ઞાનથી કાઢે કે આ ભૂલ થઈ ગઈ, આવું ના હોવું જોઈએ. પણ શેના આધારે ? કયા થર્મોમિટરના આધારે આ ભૂલ તમે જોઈ શક્યા ? ત્યારે કહે, એ (બુદ્ધિ) જ્ઞાનના આધારે. જે જ્ઞાન પ્રગટ થયું છે તે એવું બને કે ના બને ? એ બુદ્ધિ જ્ઞાન છે.

ક્રિયાજ્ઞાનને અહંકાર જાણે ને એનેય સ્વસત્તા જાણે

પ્રશ્નકર્તા : તમામ ક્રિયા માત્ર પરસત્તા છે. ક્રિયાવાળું જ્ઞાન એ પણ પરસત્તા છે, તો ક્રિયાવાળા જ્ઞાનને જે જાણે છે એ સ્વસત્તા છે ? આમાં પેલું મોચીનું જ્ઞાન છે એ જ્ઞાનને જે જાણે છે એ સ્વસત્તા થઈ ?

દાદાશ્રી : એ જ્ઞાનને જાણનારો અહંકાર છે.

પ્રશ્નકર્તા : એટલે આ મોચીનું તમામ જ્ઞાન જાણનારો અહંકાર છે ?

દાદાશ્રી : મોચીનું જે જ્ઞાન થયેલું છે, એ જ્ઞાનનો જાણકાર કોણ ? ત્યારે કહે, બુદ્ધિ. બુદ્ધિ એટલે માલિક કોણ ? ત્યારે કહે, એ અહંકાર. તે અહંકાર એટલે અહીંયા સ્વસત્તા તો હોય જ નહીં, સ્વસત્તાને લાગતું-વળગતું નથી. આટલા બધા જ્ઞાન તું જાણીશ, આખા જગતના મનુષ્યોનું બધું જ્ઞાન જાણીશ તોય સ્વસત્તામાં આવીશ નહીં, કહે છે. એ તો પાછો ઈગોઈઝમ જાય તો (સ્વસત્તામાં આવે). કારણ કે એ અમુક જગ્યાએ જે બાકી રહ્યું હોય, તેના આધારે બધું કાચું રહી જાય. ‘હું જાણું છું’ ત્યાં સુધી સ્વસત્તા નહીં. હું જાણું છું, એવું એ જાણેને ! એટલે અમે કહ્યુંને, આખા જગતના તું સબ્જેક્ટ્સ જાણું તોય એ બુદ્ધિમાં જાય અને આ ભઈ છે તે એક આત્મા જાણી ગયો, કશું આવડે નહીં, ડફોળ હોય, તે જ્ઞાનમાં જાય. પેલા સાહેબ આવડા મોટા હતા તોય એ બુદ્ધિમાં જાય.

પ્રશ્નકર્તા : એટલે આમાં મોચીને જે જ્ઞાન ઉત્પન્ન થયું છે, એનાથી એ મોચીની ક્રિયા કરી શકે છે, તો મોચીની ક્રિયા જાણનાર, એ મોચીની ક્રિયા જે જ્ઞાનના આધારે થાય છે...

દાદાશ્રી : એ અહંકાર જાણે અને અહંકારને સ્વસત્તા જાણે. આ અહંકારી જ્ઞાનને સ્વસત્તા જાણે.

પ્રશ્નકર્તા : એટલે આ મોચીનું જ્ઞાન, વકીલાતનું જ્ઞાન, ડૉક્ટરીનું જ્ઞાન એ બધું અહંકારી જ્ઞાન.

દાદાશ્રી : એ અહંકારી છે.

પ્રશ્નકર્તા : અને એ અહંકારને પણ જે જાણે છે તે સ્વ.

દાદાશ્રી : અહંકારને જે જાણે છે તે સ્વસત્તા.

પ્રશ્નકર્તા : અત્યારે અહીંયા સામો કબાટ છે. મારા જ્ઞાને જાણ્યું કે આ કબાટ છે, તો એ જ્ઞાન આત્માનું નહીં ?

દાદાશ્રી : ના. જ્ઞાન કબાટને ના જાણે. એ તો ઈન્દ્રિયજ્ઞાન જાણે છે અને આ ઈન્દ્રિયજ્ઞાને શું જાણ્યું તે પોતે જાણે. પણ આ બધું જાણે ઈન્દ્રિયજ્ઞાન. કારણ કે આ ઈન્દ્રિયો છે ને, તેના આધારે આ દેખાય છે. આત્માને સીધું ના દેખાય પોતાના જ્ઞાનથી.

પ્રશ્નકર્તા : જ્ઞેય બધે જુએ એટલે ત્યાં બધેય આત્માનું સીધું જ્ઞાન નહીં ?

દાદાશ્રી : ના, ના, આ જે દેખાય છે ને, એ તો બધું છે તે ઈન્દ્રિયજ્ઞાન છે. એ તો બહારના લોકો અજ્ઞાનીનેય છે. અજ્ઞાનીને ને જ્ઞાનીને ઈન્દ્રિયજ્ઞાનમાં ફેર નથી. અતીન્દ્રિય જ્ઞાનમાં ફેર છે બન્નેના. અતીન્દ્રિય જ્ઞાનમાં જે આંખે દેખાતી નથી એવી વસ્તુને જોઈ શકે છે. મનના પર્યાય જે છે, બુદ્ધિના પર્યાય એને જગતના લોકો ઈન્દ્રિયજ્ઞાનથી જોઈ શકતા નથી, તેને આ આત્મા અતીન્દ્રિય જ્ઞાનથી જાણે છે. એ દેહમાં તમામ પ્રકારના પર્યાયને એ આત્મા જાણે છે.

પ્રશ્નકર્તા : એટલે જાણે, સહજ છે એ વસ્તુ. ઈન્દ્રિયજ્ઞાનને પણ આત્માનું જ્ઞાન જાણે.

દાદાશ્રી : આત્મા ઈન્દ્રિયજ્ઞાનને, આ કોનું જ્ઞાન છે એ પોતે જાણે કે આ ઈન્દ્રિયોનું જ્ઞાન છે. એ પણ આત્મા જાણ્યા કરે.

‘હું’ પોતે જ્ઞાનવાળો, પણ મૂળ આત્મા એ પોતે જ જ્ઞાન

પ્રશ્નકર્તા : દાદા, આપે કહ્યું ‘હું’ જ્ઞાનવાળો છે તો સાથે સાથે મૂળ આત્મા તો જ્ઞાનવાળો જ છે ને ?

દાદાશ્રી : એ પોતે જ જ્ઞાન છે. પોતે જ્ઞાનવાળો નહીં, જ્ઞાન જ પોતે છે. જ્ઞાનવાળો એને કહીએ તો ‘જ્ઞાન’ અને ‘વાળો’ એ બે જુદું થયું કહેવાય. એટલે મૂળ આત્મા પોતે જ જ્ઞાન છે, એ પ્રકાશ જ છે પોતે. તે પ્રકાશના આધારે આ બધું જ દેખાય છે. એ પ્રકાશના આધારે આ બધું સમજણેય પડે છે અને જણાય છેય ખરું.

પ્રશ્નકર્તા : એટલે હું અનંત જ્ઞાનવાળો છું, એવું આપણે બોલીએ પણ કોઈ વસ્તુનું પઝેશન મૂળ આત્મા કરતો નથી. એ પોતે જ્ઞાનસ્વરૂપ જ છે.

દાદાશ્રી : જ્ઞાનસ્વરૂપ જ છે, બીજું કશું નથી. એબ્સૉલ્યૂટ જ્ઞાન છે.

મૂળ આત્મા શુદ્ધ જ છે. શુદ્ધ જ્ઞાન સિવાય બીજી કોઈ વસ્તુ નથી. પણ શુદ્ધ જ્ઞાન કોને કહેવું ? કયા થર્મોમિટર ઉપર શુદ્ધ જ્ઞાન કહેવાય ? ત્યારે કહે, જે જ્ઞાનથી રાગ-દ્વેષ ને ભય ના થાય તે જ્ઞાન શુદ્ધ જ્ઞાન. અને શુદ્ધ જ્ઞાન, પરમ જ્યોતિસ્વરૂપ તે જ પરમાત્મા. પરમાત્મા કંઈ સ્થૂળ વસ્તુ નથી, જ્ઞાનસ્વરૂપ છે, એબ્સૉલ્યૂટ જ્ઞાન માત્ર છે. એબ્સૉલ્યૂટ એટલે જ માટે કે એમાં બીજી કોઈ વસ્તુ ભળેલી નથી, અને ભળે તેમ છેય નહીં.

આત્મા ગુણધર્મે અભેદ ને જ્ઞાનરૂપે અખંડ

પ્રશ્નકર્તા : જ્ઞાન ભેદવાળું છે કે અભેદ છે ?

દાદાશ્રી : ભેદવાળું હોય જ નહીં. જ્ઞાન-દર્શન બધું અભેદ આત્મારૂપે છે. જેમ સોનું છે તે તેનો રંગ પીળો છે, તે એનો ગુણ છે, પછી વજનદાર છે એ બીજો ગુણ, કાટ નથી ચડતો એ એનો ગુણ. એટલે સોનાના આ બધા ગુણધર્મ છે તેમ આત્માનેય ગુણધર્મો છે. જેમ સોનું એના ગુણધર્મોમાં અભેદભાવે સોનું જ છે, તેમ આત્માના બધા જ ગુણોમાં અભેદભાવે આત્મા જ છે, ત્યાં ભેદ નથી.

પ્રશ્નકર્તા : જ્ઞાન આપણા વિચારમાં આવે છે ત્યારે તો એના ટુકડે ટુકડા થઈ જાય છે, અભેદસ્વરૂપે રહેતું નથી. જાણીએ છીએ અભેદસ્વરૂપે, પણ શબ્દમાં વર્ણન કરવું હોય તો પછી ભેદસ્વરૂપે થઈ જાય છે.

દાદાશ્રી : વર્ણન કરવું હોય તો ભેદ દેખાય જ. ‘સોનું પીળું છે’ તે બોલવું પડે, પણ એટ એ ટાઈમ બધા ગુણધર્મ ના બોલાય. ‘એ વજનદાર છે’ એ ફરી બોલવું પડે. એવી રીતે ‘હું અનંત જ્ઞાનવાળો છું’ છતાંય ભેદ નથી, અભેદસ્વરૂપે છે. વસ્તુ એક જ છે.

પ્રશ્નકર્તા : પોતાના આત્માના બધા ગુણોનું લક્ષ બેસેને, પછી પોતાને અખંડ જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે એ કામ થાય કહે, એટલે આ જ્ઞાન અખંડ જ હોય કે પછી ખંડ ખંડ પણ હોય ?

દાદાશ્રી : જ્ઞાન ખંડ હોતું જ નથી, અખંડ જ હોય છે. બુદ્ધિ ખંડ હોય અને જ્ઞાન અખંડ હોય. પ્રતીતિ ખંડ હોય, લક્ષ પણ ખંડ હોય પણ અનુભવ ખંડ ના હોય, અખંડ હોય અનુભવ. એટલે જ્ઞાન ખંડ ના હોય.

અનંત દર્શન, તેથી પહોંચી વળે અનંત દ્રશ્યોને

પ્રશ્નકર્તા : પછી અનંત દર્શન એટલે શું ?

દાદાશ્રી : એવું છે ને, દ્રશ્યો કેટલા છે ? એને ગણાય એવા છે ?

પ્રશ્નકર્તા : નહીં.

દાદાશ્રી : એટલે દ્રશ્યો અનંત છે, માટે દર્શનેય અનંત છે. દ્રશ્યો અનંત હોય ને દર્શન અનંત ના હોય તો શું દશા થાય ? દ્રશ્યો અનંત હોય ને આપણે થોડુંક જ દર્શન હોય શી રીતે ચાલે ? આને પહોંચી વળાય ? દ્રષ્ટાના દર્શન કેટલા ? ત્યારે કહે, અનંત દર્શન છે.

પ્રશ્નકર્તા : આ બાજુ અનંત દર્શન છે, અનંત જ્ઞાન છે અને વચ્ચે જ્ઞાનાવરણ છે, દર્શનાવરણ છે એના સંબંધમાં કહો. દર્શનાવરણ કોને કહેવાય ?

દાદાશ્રી : આ જગતના બધા લોકોને દર્શનનું આવરણ છે, મિથ્યાત્વનું. સમ્યક્ દર્શનનું આવરણ હોય તેને મિથ્યાત્વ કહેવાય. સમ્યક્ જ્ઞાનનું આવરણ મિથ્યાજ્ઞાન હોય ત્યારે જ્ઞાનાવરણ કહેવાય.

અન્ડિસાઈડેડ તે દર્શન, ડિસાઈડેડ તે જ્ઞાન

પ્રશ્નકર્તા : જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત જ્ઞાનવાળો છું. દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દર્શનવાળો છું. જ્ઞેયો અને દ્રશ્યોમાં તફાવત શું છે તે સમજાવવા કૃપા કરશો.

દાદાશ્રી : જ્ઞાન અને દર્શનમાં ભિન્નતા ગુણ છે. નક્કી થયા પહેલા દર્શન, નક્કી થયા પછી જ્ઞાન.

દર્શન એટલે શું ? તમે અંધારામાં કોઈ જગ્યાએ બેઠા છો પાંચ-છ જણ અને બગીચામાં કંઈક અવાજ આવ્યો. એટલે તમારા છ-સાત જણમાં એક જણ બોલી ઊઠે, અલ્યા કંઈક છે ! એવું બોલે કે ના બોલે આપણા લોક, અવાજ આવે એટલે ? ત્યારે બીજો કહેશે, હા, કંઈક છે ! તો બધાય કહેવા માંડ્યા, હા, કંઈક છે ! ત્યારે મારા જેવાએ કો’કે પૂછયું કે પણ શું છે એ કહેને ? ત્યારે કહે, એ તો શી રીતે ખબર પડે ? કંઈક છે ખરું. એ ‘કંઈક છે’ એ જ્ઞાન થયું એનું નામ દર્શન. જો તીર્થંકર કેવા ડાહ્યા હતા, નહીં ? આને દર્શનમાં મૂક્યું.

પ્રશ્નકર્તા : દર્શનમાં.

દાદાશ્રી : હવે એ બધા ઊઠીને ગયા શું છે એ જોવા માટે અને ત્યાં જઈને એક જણ કહે છે, અરે ! આ તો ગાય છે. ત્યારે બીજો કહેશે, હા, ગાય છે. ત્યારે એનું નામ જ્ઞાન. ‘કંઈક છે’ એનું નામ દર્શન અને ‘આ છે’ એ જ્ઞાન. ગાય છે એનું નામ જ્ઞાન. ડિસાઈડેડ થયું, ડિસાઈડેડ એ જ્ઞાન કહેવાય અને અન્ડિસાઈડેડ એ દર્શન કહેવાય.

પ્રશ્નકર્તા : એ સંજોગોમાં ગાય એ જ્ઞેય બને છે ને એ પછી ?

દાદાશ્રી : હા, ગાય જ્ઞેય છે, પહેલા દ્રશ્ય હતી.

દ્રષ્ટાએ દ્રશ્યને જોયું એટલે દર્શન ઊભું થાય. જ્ઞાતાએ જ્ઞેયને જાણ્યું એટલે જ્ઞાન ઊભું થાય.

પોતાના અનંત ગુણધર્મો થકી પોતે સંપૂર્ણ શુદ્ધ

પ્રશ્નકર્તા : આત્માના અનંત ગુણો છે કે આ જ્ઞાન અને દર્શન છે તેના અનંત ગુણો છે ?

દાદાશ્રી : ના, આત્માના. જ્ઞાન-દર્શન મોટા ગુણો એટલે ‘જ્ઞાન-દર્શન આદિ અનંતા ગુણો થકી’ એવા બીજા અનંતા ગુણો થકી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું.

પ્રશ્નકર્તા : એનો દાખલો શું ?

દાદાશ્રી : આ પ્રકાશ છે એના જેવું. આ પ્રકાશ બહાર બધો છે, તે અહીંયા આગળ લીલો રંગનો કાચ મૂકે, પીળો મૂકે તો નીચે પ્રકાશ લીલો-પીળો દેખાય છતાંય એ કહે છે કે હું શુદ્ધ જ છું. આ તો લીલા-પીળાને લીધે રંગ બધા જુદા બદલાયા છે, બાકી હું તો પોતે શુદ્ધ જ છું. એવી રીતે આત્મા શુદ્ધ જ છે. બીજા બધા જાતજાતની પ્લેટો (આવરણ) આવે છે એટલે અવળું દેખાય છે, છતાં પોતે શુદ્ધ છે.

મારા પોતાના ગુણધર્મ એટલે જ્ઞાન-દર્શનાદિ અનંત ગુણો થકી પણ હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. ગુણે કરીને શુદ્ધ છું એવું કહેવા માગે છે. તત્ત્વે કરીને શુદ્ધ છે જ. ગુણ જે એની મહીં રહેલા છે પોતાનામાં, એ ગુણો સહિત પોતે શુદ્ધ જ છે. હા, એ ગુણોયે શુદ્ધ છે ને એય શુદ્ધ છે.

ગુણ એટલે જ્ઞાન-દર્શન એવા અનંતા ગુણો. જ્ઞાન-દર્શન-ચારિત્ર, શક્તિ, વીર્ય. પછી આનંદ-બાનંદ બધા બહુ ગુણો, એ બધા ગુણોથી શુદ્ધ છું.

v v v v v

[2.2]

અનંતા જ્ઞેયોને જાણવામાં... શુદ્ધ છું

મૌલિક વાક્ય આ દાદાનું, સમજ્યે થાય પૂર્ણાહુતિ

પ્રશ્નકર્તા : પેલું વાક્ય છે ને, ‘અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું.’ તો એ સમજાવશો ?

દાદાશ્રી : વાક્યનો અર્થ તો કરો ? આ વાક્યનો અર્થ, જે યથાર્થ કરે તે પરમાર્થસ્વરૂપ થઈ જાય. આ વાક્ય શાસ્ત્રનું નથી, મારું વાક્ય છે. એક શબ્દનો અર્થ યથાર્થ કોઈ કરી શકે નહીં. અર્થ ઉપર તો પરમાર્થના સો છેડા છે. અજ્ઞાની માટે તો લાખો છેડા છે.

અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી, અનંતી અવસ્થામાં... એટલે આ એક-એક શબ્દ છે તે, આ આગળની કહેવત ન્હોય. આ તો નવા શબ્દો છે. પણ એ યથાર્થ સમજવા માટે કેટલો ટાઈમ જોઈએ ?

પ્રશ્નકર્તા : બહુ ટાઈમ જોઈએ.

દાદાશ્રી : છતાં એ વાક્ય સમજવું મુશ્કેલ પડે છે. ગમે તે આ બુદ્ધિવાળાયે પાછા પડી જાયને જાતે સમજવામાં.

જે વખતે જે જ્ઞાનમાં ભાસ્યું તે જ મેં પ્રકાશમાં મૂક્યા છે. બુદ્ધિનું આમાં કામ નથી. આમાં આ એક વાક્ય બહુ ઊંડું છે. જ્ઞાન લીધા પછી આ વાક્ય બહુ લોકો સમજ્યા વગર ગાય છે, પણ ગાય છે ખરા. સમજાય નહીંને હમણે. હવે એ સમજવું સહેલું ઓછું છે ?

પ્રશ્નકર્તા : દાદા, કૃપા કરી આ વાક્ય સમજાવોને !

દાદાશ્રી : એ તો સમજાવીએ ખરા પણ એ તો ભાષામાં (સંપૂર્ણ) સમજાવાય નહીં. ભાષાના શબ્દોથી સમજાવીએ એ તો, પણ આ વાક્ય એવું છે કે એ ત્યાં પોતાની જાતે પહોંચવું પડશે સમજવા માટે. એ વાક્ય સમજાશે ત્યારે તો દાદાના આ જ્ઞાનની પૂર્ણાહુતિ થશે.

આ સો ટકા, એક્ઝેક્ટ સાયન્સ છે ! ‘અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું.’ આ વાક્ય સમજી જાય તે અહીંયા પરમાત્મા થઈ જાય. અત્યારે મહાત્માઓને ગોખાવ્યું છે. ખુદ પરમાત્મા સિવાય આ વાક્ય કોઈ બોલી ન શકે. સંસારથી અબંધ રહેવાની બધી જ સામગ્રીઓ આપી દીધી છે.

આ તો જે આત્માના અનુભવમાં રહેતા હોય તે જ સમજે. અને એ સમજાવી શકે ખરા, પણ લોકોને ના સમજણ પડે. જેને સમજણ પડે, એ બીજાને સમજાવી શકે.

જગત ભરાયેલું છે અનંત જ્ઞેયોથી

પ્રશ્નકર્તા : હવે એક-એક શબ્દ લઈ અને એને (વિસ્તારથી) કહો. અનંતા જ્ઞેયોને વાળું વાક્ય સમજાવો.

દાદાશ્રી : આ બધી જેટલી વસ્તુઓ છે ને, એ બધી જ્ઞેયો છે. કેટલાક તો નથી દેખાતા આપણને, થોડા-ઘણા જ દેખાય છે. આ જગત બધું જ્ઞેયોથી જ ભરેલું છે. અનંતા જ્ઞેયો, સંખ્યાત નહીં, સંખ્યાત હોય તો ગણી કાઢીએ. અસંખ્યાતેય નહીં, અનંતા.

પ્રશ્નકર્તા : અંત જ નહીં ?

દાદાશ્રી : હા. જ્ઞેય કેટલીક ચીજો હશે ? અનંતી છે. ગણતરી ના થાય. અગણિત નથી, સંખ્યાત નથી, અસંખ્યાત નથી, માટે એને ‘અનંત’ કહી. એટલે અનંતા જ્ઞેયોને જાણે આત્મા.

જ્ઞેય પ્રમાણે બદલાય અવસ્થા, છતાં જ્ઞાન રહે શુદ્ધ જ

પ્રશ્નકર્તા : એ અનંત જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થા એટલે શું ?

દાદાશ્રી : આખું જગત જ્ઞેયોથી ભરેલું છે, અનંતા જ્ઞેયો છે. હવે એ જ્ઞેયોને જાણવામાં આત્માના જ્ઞાનની અનંતી અવસ્થાઓ ઉત્પન્ન થાય છે અને એ અવસ્થા ઉત્પન્ન થાય છે તોય પણ એ અવસ્થા ‘એને’ ચોંટતી નથી. ચોંટે નહીં, તો પછી શુદ્ધ રહે.

પ્રશ્નકર્તા : શું શુદ્ધ રહે ?

દાદાશ્રી : જ્ઞાન અવસ્થા ‘એને’ ચોંટતી નથી. હમણે કેરી જોઈ એટલે આપણું જ્ઞાન કેરીના આકારે થઈ જાય. આપણું જ્ઞાન જ્ઞેયાકાર થાય. કેરીના આકારે થઈ જાય, જેવડી હોય એવડું. ઉપર ડીંટું-બીંટું બધું એક્ઝેક્ટ થઈ જાય. પણ જ્ઞાન છૂટું ને કેરીયે છૂટી. એટલે જ્ઞેય છૂટું અને જ્ઞાતાયે છૂટો. પછી અહીંથી દ્રષ્ટિ આમ ફરી કે પેલું દર્શન બંધ થઈ જાય ને બીજા જ્ઞેયમાં જાય. એટલે ચોંટતું નથી. ચોંટતું નથી એ શુદ્ધ જ્ઞાન કહેવાય અને આ બુદ્ધિજન્ય જ્ઞાન ચોંટે. બુદ્ધિનું જ્ઞાન કેરી દેખે, દેખે એટલે એય દેખે. પણ એ કેરી કેટલી દેખે ? જેમ આ લાઈટ હોય છે ને, એ લાઈટ બેઉ બાજુ દેખી શકે ? તમને આ બાજુની લાઈટ એ ફેંકે તો આ બાજુ દેખાય, પાછલું તો ના દેખાયને લાઈટનું ?

પ્રશ્નકર્તા : ન દેખાય.

દાદાશ્રી : એવું બુદ્ધિને પાછલું ના દેખાય અને આત્માનું તો ચોગરદમ બધે ફરી વળે. સ્વ-પર પ્રકાશક બધે ફરી વળે. એટલે આ બુદ્ધિ કેરીને જોતાની સાથે જ તે એક જ બાજુ જોઈ શકે અને પછી મહીં જીભમાં પાણી આવે. ત્યાં આગળ કેરી છે ને અહીં જીભમાં પાણી આવે. ઈફેક્ટિવ એટલું બધું. એ જુદું ના રહી શકે અને આ જુદું રહે.

પછી કેરી ના હોય ત્યારે પાછો આવતો રહું, મારું લાઈટ મારા ઘરમાં. કેરીને જોવા ગયું હોય તેથી મારું બગડતું નથી. કેરી ખાટી હોય તો હું કાંઈ ખાટો થતો નથી.

પાછું શું કહે છે ? કેરીના આકારનો થાઉ છું, એટલે જ્ઞેયોને જાણવામાં જ્ઞેયાકાર થઉ છું. જ્ઞેયાકાર થાઉ છું છતાં જ્ઞેય થતો નથી.

પ્રશ્નકર્તા : ટૂંકમાં હું કેરી થયો નથી.

દાદાશ્રી : આ લાઈટ કંઈ આમ અડે, તેથી કંઈ લાઈટ ચોંટી નથી જતું પેલાને. આ તો એના મનમાં એમ થાય છે કે મને જ ચોંટ્યું આ. કશુંય ચોંટ્યું નથી. જ્ઞેયને જ્ઞાન ચોંટે જ નહીં કોઈ દહાડોય, એનું નામ જ્ઞાન કહેવાય. આ બે વાક્ય સમજાય તો બહુ કલ્યાણ કરી નાખે.

હવે આ તો પાંચસો કેરીઓ પણ એવી અનંતી અવસ્થાઓમાં સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. અને એવી જો શુદ્ધિ ના રહી, તેથી તો આ જગત ઊભું થઈ ગયું છે.

ભાસે તદ્રુપતા ‘રોંગ માન્યતા’થી, એ તૂટતા થાય જાગૃત

પ્રશ્નકર્તા : આ શુદ્ધિ ન રહેવાનું કારણ શું ?

દાદાશ્રી : સફરજન જુઓ એટલે જ્ઞેય પ્રમાણે જ્ઞાન થાય. એટલે તે જ્ઞેયાકાર થઈ જાય, તે ચોંટતું નથી. પણ ત્યાં તે રૂપ, તદ્રુપ થઈ જાય છે તેનો વાંધો છે. ત્યાં તે છૂટે શેનાથી ? તે તદ્રુપ શેનાથી થાય છે ? માન્યતાથી. ખરી રીતે તદ્રુપેય નથી થતો પણ ‘રોંગ માન્યતાઓ’થી તદ્રુપતા ભાસે છે. માન્યતા સવળી થાય ત્યારે ‘તે’ પોતાના અસલ સ્વરૂપમાં જ હોય.

પ્રશ્નકર્તા : એટલે અત્યાર સુધી પેલું હતું, એટલે પુદ્ગલની અવસ્થા પ્રમાણે ‘હું છું કે મારી છે’ તે રૂપ થયા કરતું હતું. એની સામે આખી આ અવસ્થાઓ બદલાય એમાં પણ ‘હું શુદ્ધ છું’, એવું થયુંને ?

દાદાશ્રી : એ પુદ્ગલની અવસ્થામાં પણ શુદ્ધ એટલે એમાં મારી જ્ઞાનની-જાણવાની અવસ્થા બદલાય પણ છતાં ‘હું શુદ્ધ ચેતન છું.’

પ્રશ્નકર્તા : આ પુદ્ગલની અવસ્થામાં ‘હું શુદ્ધ છું’ એવું શુદ્ધત્વની જાગૃતિ રાખે તો ચેતનની અવસ્થા ક્યાં હોય ?

દાદાશ્રી : કેરીને જ્ઞેયાકારે જોવું અને પોતે શુદ્ધ છે એ જ ચેતનની અવસ્થા. પુદ્ગલની અવસ્થામાં કેરી ચેતને જોઈ એટલે ચેતન શુદ્ધ જ છે. પછી પાછું કેરીને બદલે બીજું જુએ તો એ તેવું થાય, છતાંય શુદ્ધ જ છે.

એટલે અનંતા જ્ઞેયને જાણવામાં પરિણમેલી, એટલે જ્ઞેયને જાણવામાં તદાકાર થઈ ગયેલી, જ્ઞેયાકાર થઈ ગયેલી, એવી અવસ્થામાંય પણ હું શુદ્ધ જ છું, કહે છે. મને કંઈ જ્ઞેય અડતું નથી, પણ જ્ઞેયાકાર જ્ઞેયના આકાર થઈ જઉ. કેરી આવે તો, એ આકાર થાય અને પપૈયું હોય તો પપૈયાના આકારે થઈ જાય અને હાથી જોતો હોય તો હાથીના આકારે થઈ જાય.

જ્ઞેયાકાર થઈ ચોગરદમથી એક્ઝેક્ટ પ્રકાશે

પ્રશ્નકર્તા : આત્માના પર્યાય જ્ઞેયાકારે પરિણમે, હવે એ કેવી રીતે સમજવું ?

દાદાશ્રી : આ લાઈટ છે ને, એવો આત્મા પ્રકાશ સ્વભાવનો છે. હવે એને આવું એક નાળિયેર આમ ધરીએ તો પ્રકાશ શું કરે ? આ નારિયેળ છે જ્ઞેય પણ આ પ્રકાશ જ્ઞેયાકાર થઈ શકે નહીં, એનું શું કારણ ?

પ્રશ્નકર્તા : એ સ્વ-પર પ્રકાશક નથીને એટલે આવરણને લીધે અટકે છે ને ?

દાદાશ્રી : ના, આ જે પૌદ્ગલિક પ્રકાશ છે ને, બાહ્ય પ્રકાશ, જે ભૌતિક પ્રકાશ, તે જ્ઞેયને જ્ઞેયાકાર રૂપે જોઈ શકે નહીં. કારણ કે એક બાજુ હોયને, તો સામી બાજુ અંધારું હોય. અને પેલો આત્માનો પ્રકાશ તો કશુંય બાકી ના રહે. જ્ઞેયને એક્ઝેક્ટ સ્વરૂપે પ્રકાશિત કરે. જ્ઞેયાકાર થઈ જાય. નાળિયેર હોય તો નાળિયેર જેવો થઈ જાય. કેરી હોય તો કેરી જેવું થઈ જાય, જાંબું હોય તો જાંબુંડા જેવું થઈ જાય. પાંદડું હોય તો પાંદડા જેવું આ જ્ઞાન થઈ જાય છે. કોઈ બાકી ના રહે. આટલોયે એનો છાંયો ના પડે. એ આત્માનો પ્રકાશ એવો છે.

જ્ઞેય પ્રમાણે જ્ઞેયાકાર થયા કરે નિરંતર

પ્રશ્નકર્તા : આત્માના એ જ્ઞેયાકાર પરિણામ પાછા સતત બદલતા રહે છે ?

દાદાશ્રી : કેરી દેખાડે એટલે આત્માનો પર્યાય કેરીના આકારરૂપ થઈ જાય. પછી બીજું જોવા મળે એટલે એના આકારે થઈ જાય ને પહેલું જતું રહે, એમ નિરંતર ચાલ્યા જ કરે.

હવે અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી જે હું કહું છું ને, તે સહુ સહુની ભાષામાં સમજે. હું સમજુ તે જુદું અને તમે તમારી ભાષામાં સમજી જાઓ તે જુદું. સહુ પોતાની ભાષામાં સમજે. પણ છતાં થોડું થોડું સમજશે તોય બહુ થઈ ગયું.

આ જ્ઞેયાકાર પરિણમું છું, એમાં પરિણમું શબ્દ બહુ ઊંચી વસ્તુ છે. આ બધા લોકોને સમજાય નહીં. આ તો બધા હા એ હા કહે. ગાય ખરા પણ બધાને સમજાવું મુશ્કેલ છે, પરિણમવું !

પરિણમેલી : જ્ઞેયની અનંતી અવસ્થાઓને પ્રકાશે

પ્રશ્નકર્તા : પરિણમેલીનો ખરો અર્થ કયો તે કહોને. આપ કયા અર્થમાં સમજ્યા છો એ કહો અમને.

દાદાશ્રી : એવું છે ને, આ જ્ઞેય છે અને જ્ઞાન તો પ્રકાશ જ હોય છે. પ્રકાશ આમ ફેલાઈ જાય છે બધે. પણ જ્યારે આ જ્ઞેયને જુએ છે ત્યારે એના આકારે થઈ જાય છે. એટલે આ જ્ઞેયના આકારે જ જ્ઞાન થઈ જાય છે, એનું નામ પરિણમેલી કહેવાય. જ્ઞેયના આકારે થઈ જાય બોલવું, તેના કરતા પરિણમેલી કહેવાય. એમાં પરિણમેલી એટલે આ જોયું એટલે આ જ્ઞેય ખરુંને, એને જાણવા માટે આની અવસ્થા ઊભી થાય. જ્ઞેયાકાર અવસ્થા હોય. એટલે આ જ્ઞેયને જાણવામાં પરિણમેલી અવસ્થા. અવસ્થા કઈ પરિણમેલી ? ત્યારે કહે, જેવું જ્ઞેય છે તેવી અવસ્થા પરિણમેલી.

પ્રશ્નકર્તા : જેવું જ્ઞેય હોય એવી અવસ્થા એને દેખાય. તો એમાં જો એની ખામી હોય, દોષો કે ત્રુટિ હોય તો એવું જ એને દેખાય ને પરફેક્ટ હોય તો પરફેક્ટ દેખાયને ?

દાદાશ્રી : બસ, જેવું જ્ઞેય હોય એવું દેખાય. બીજી કશી ભાંજગડ નહીં. જ્ઞેય અધૂરું હોય તો અધૂરું દેખાય, આખું હોય તો આખું દેખાય.

આપણું જ્ઞાન તો જ્ઞાન જ છે, પણ કેરી લટકે છે એને જાણવામાં જે ઘડીએ પરિણમે ત્યારે કેરીની આજુબાજુ જ્ઞાન ફરી વળે. કેરીની હાઈટ કેટલી, લંબાઈ કેટલી, પહોળાઈ કેટલી, બધું એનું મેઝર (માપ), ડીંટું-બીંટું બધુંય જોઈ શકાય, આ દેખાવો-બેખાવો બધુંય દેખાય.

પ્રશ્નકર્તા : ઈન્દ્રિય પ્રત્યક્ષ પણ દેખાય છે ?

દાદાશ્રી : એ બધુંય દેખાય. એટલે કેરીનો આકાર કેવો છે, કેવો રંગ છે, આટલા ભાગમાં લાલ રંગ છે, આટલા ભાગમાં લીલો રંગ છે, બધું દેખાય.

પ્રશ્નકર્તા : તે પરિણમેલી ?

દાદાશ્રી : પરિણમેલી. એ પરિણમેલી એ શું કહેવા માગે છે ? એ કેરી જુએ અને તેમાં એને જાણવામાં જ્ઞાન પરિણમેલું હોય, જ્ઞેયાકાર થાય. સર્વત્ર પ્રકાશ, કેરીની ચોગરદમ બાજુએથી જ્ઞેયાકાર થાય, જ્ઞેયના આકારે થઈ જાય. કેરી હોય તેના આકારે જ્ઞાન થઈ જાય એ પરિણમેલી કહેવાય.

પ્રશ્નકર્તા : ફૂલ હતું, મરવો થયો, એની કેરી થઈ, એની સાખ થઈ, પણ મારે કોઈ લેવાદેવા નથી, હું શુદ્ધ છું. હા, જોડે હતો બધાની.

દાદાશ્રી : કેરીની એકુંય દશા એવી ના હોય કે જેમાં આત્માનો પ્રકાશ ન હોય. કેરી જોતાની સાથે બધું જ પરમાણુસ્વરૂપે જુએ. પોતે એ પ્રકાશ કેવો થઈ જાય ? કેરીસ્વરૂપ જ થઈ જાય. એ કેરીના બધા જ ભાગને એ જ્ઞેયાકારે પરિણમેલી હોય. શું પરિણમેલી ? ત્યારે કહે, અનંતી અવસ્થાઓમાં, જ્ઞેયની જેવી અવસ્થા, તેવી એની અવસ્થા ઊભી થઈ જાય.

પ્રશ્નકર્તા : એ જ્ઞાનમાં કેરી દેખાણી એટલે એનો પર્યાય થયોને ?

દાદાશ્રી : હા, એટલે ખરી રીતે પર્યાય જ્ઞેયાકાર થાય. આત્માના પર્યાય છે એ જ્ઞેયાકાર રૂપે થઈને ઊભા રહે.

જ્ઞાનના પર્યાય જ્ઞેયાકાર થાય. જ્ઞાન પોતે જ્ઞાનાકાર રહે, પોતે જ્ઞેયાકાર ના થાય.

પરિણમે જ્ઞેયાકારે, છતાંય ન બને જ્ઞેયરૂપ

પ્રશ્નકર્તા : પણ જ્ઞેયાકાર તો આત્માના પર્યાય થઈ જાય છે ને ? કોઈ પણ પુદ્ગલમાં જ્ઞેયાકાર થઈ જાય છે ને ?

દાદાશ્રી : પણ જ્ઞેયાકાર થાય છે, તો જ્ઞેયાકારને ને એને વાંધો શો ? સિનેમા જોવા ગયા તેમાં તમે જોનાર. સિનેમા જ્ઞેય, તમે જ્ઞાતા અને તમારું જ્ઞાન જ્ઞેયાકાર થાય. તમે જ્ઞાતા છો પણ તમારું જ્ઞાન જે છે તે જેવું સિનેમાનું જ્ઞેય છે ને, તેવો આકાર થઈ જાય છે. તે એ આકાર ત્યાં બંધ થયો કે પેલોય આકાર બંધ થયો. એટલે આને કંઈ બંધ કરવાની જરૂર નથી. આકાર ઉત્પન્ન થાય છે, તે જેવો દેખાય એવો આકાર થઈ જાય, જ્ઞેયાકાર થઈ જાય.

‘જ્ઞાન’ જ્ઞેયાકારે પરિણમે પણ જ્ઞેયરૂપે ના પરિણમે. ચોંટે ક્યારે કે ‘આ પરવળ સારા છે’ એમ બોલે કે ચોંટે ત્યાં અને બીજે બધે સામાન્યપણે રહે.

જ્ઞેયોને જાણવામાં કોઈ જાતની હરકત નથી. આત્માને જ્ઞેયો જોડે રાગ-દ્વેષથી બંધન છે અને વીતરાગતાથી છૂટો છે. ભલે દેહ હોય, મન હોય, વાણી હોય, પણ જ્ઞેયોની મહીં આત્મા વીતરાગતાથી છૂટો છે.

જ્ઞેયાકારે પરિણમવા છતાં ‘હું સંપૂર્ણ શુદ્ધ છું.’ (પણ બન્નેનો) સામીપ્ય ભાવ એટલો બધો છે કે શાદી થઈ જ જાય, છતાંય હું સંપૂર્ણ શુદ્ધ છું.

ચોંટે જ્ઞેયમાં અશુદ્ધ ઉપયોગથી

બાકી જ્ઞેયો નડતા નથી.

પ્રશ્નકર્તા : એમ જ્ઞેય નથી નડતા પણ આપણે જ્ઞેયોમાં જે આસક્તિ થાય છે તે નડે છે ?

દાદાશ્રી : હા, બસ. એના ઉપર એને આકર્ષણ છે. એટલે આપણે રાગને શું કહીએ છીએ ? આસક્તિ.

જ્ઞાનની અવસ્થાઓ થાય તેય જ્ઞેયના આકારે, જ્ઞેયાકાર થાય. કેરી જેવો આકાર થઈ જાય, માણસ આવતો હોય તેનો આકાર થઈ જાય, બધાના આકાર થઈ જાય. છતાંયે એ ચોંટે નહીં, છૂટી જાય. જગતમાં અશુદ્ધ ઉપયોગ હોવાથી એમાં ચોંટી પડે.

તે જગત શું કહે છે કે આત્મા ચોંટ્યો, મૂઆ નથી ચોંટ્યો. ચોંટે એ આત્મા ન્હોય અને આત્મા ચોંટે નહીં.

પ્રશ્નકર્તા : ચોંટે એ અહંકાર ?

દાદાશ્રી : અહંકાર. આપણે ચોખ્ખું જ કહ્યું છે ને !

જ્ઞાનમાં જોઈને બોલે દાદા, એ ક્યાંય ના જડે શાસ્ત્રોમાં

એટલે આ બધું અમે જોઈને બોલીએ છીએ. કેવડું મોટું બોલે છે, આ આખું જગત જોઈને ! એમાં તે અવસ્થામાં પાછો પરિણમતો હોઉ, એ કેરી દેખીને કેરી જેવો આકાર થઈ જઉ છું, છતાંય પણ હું તેમાં તન્મયાકાર થતો નથી, એકાકાર થતો નથી. જોવા છતાં લેપાયમાન થતો નથી. આ હું અહીં બેઠો છું ને મને જ્ઞેયમાં બધું દેખાય. તેથી કંઈ મને ચોંટે નહીં આ. એટલે જ્ઞેયને જાણવામાં પરિણમે તોય સંપૂર્ણ શુદ્ધ છું અને સંસારીઓને ચોંટે. એમને તો જો કંઈ જીભને સ્વાદ આવે એવું હોય તો મનમાં ઈચ્છા થાય, અગર તો બીજું હોય ત્યારે ગુસ્સો આવે.

હવે આ શાસ્ત્રોમાં ખોળવા જાય તો ક્યાં જડે ? હવે કેરીને જાણવા ફરે છે ! જાણવામાં પરિણમેલી એ અવસ્થામાં પણ (પોતે) શુદ્ધ જ છે. અશુદ્ધતા થતી નથી એને. તે જોવાથી શુદ્ધિ કંઈ તૂટી જતી નથી. જ્ઞેયાકારમાં દશા પરિણમે પણ આ છૂટો ને છૂટો. કેટલી જબરજસ્ત શક્તિઓ ધરાવે છે !

અનંતા જ્ઞેયો, તે જ્ઞેય કેટલા પ્રકારના ? ઓહોહો ! જ્યાં જુઓ ત્યાં જ્ઞેય દેખાયા. એમાંય છે તે (પોતે) સંપૂર્ણ શુદ્ધ. આત્માનો પ્રકાશ જ્યોતિસ્વરૂપ, તે જ્ઞેય જુએ અને પોતે જ્ઞેયાકાર થાય પાછો. પણ છતાં અડે-કરે નહીં. એમાંય શુદ્ધતા. હવે ત્યાં માની બેઠો છે કે આ મને કર્મ અડ્યું. એ માની બેઠો. માનેલું શી રીતે છૂટે ? એ માને છે શાથી ? ત્યારે કહે, મહીં પુણ્ય-પાપના જે પર્યાયો છે ને, એ પર્યાયો એને આવું કરાવડાવે છે, મનાવડાવે છે. એ પર્યાયો અમે તોડી નાખીએ છીએ હડહડાટ, એટલે ભૂમિકા ક્લિયર થઈ જાય છે. પછી જાગૃતિ આવી જાય.

જ્ઞેયોમાં પરિણમે છે છતાંય હું શુદ્ધ જ છું. કોઈ કહેશે, ત્યાં ચોંટી ગયું નથી ? ત્યારે કહે, ના, બા. હું શુદ્ધ જ છું. માટે ગભરાશો નહીં. કંઈ ‘હું’ (આત્મા) બગડ્યો નથી, તમારી (અહંકારની) માન્યતા બગડી છે

પર્યાય થયા કરે વિનાશ, ગુણ રહે પરમેનન્ટ

પ્રશ્નકર્તા : અને આ બધું જોનારી તો જ્ઞાનશક્તિ જ ને ?

દાદાશ્રી : હા, જ્ઞાનથી જોઈએ છીએ. પણ જ્ઞાનથી જે જોઈએ છીએ એ વસ્તુ જ્ઞેય છે, જાણવાની વસ્તુ છે. જાણવાનું જ્ઞાનથી અને જ્ઞાનથી જાણવાનું તો કેવી રીતે જાણ્યું ? ત્યારે કહે, એની અવસ્થાઓ ઉત્પન્ન થઈ. તે કેરી જોઈ એટલે કેરી રૂપ થઈ ગયું. તે કેરી તૂટી પડી તે આ એવું થઈ ગયું. કારણ કે વસ્તુઓ વિનાશી, માટે આ પર્યાય વિનાશી છે. પણ જ્ઞાન વિનાશી નથી, જ્ઞાન તો જ્ઞાન જ છે, પરમેનન્ટ છે.

વિનાશી વસ્તુનું પરિવર્તન થાય છે, એમાં આત્માની જ્ઞાનશક્તિ પરિવર્તન પામે છે. કારણ કે અવસ્થાને જોનાર જ્ઞાન છે. તે અવસ્થા બદલાય છે તેમ જ્ઞાન પર્યાય બદલાય છે. પર્યાયોનું નિરંતર પરિવર્તન થયા જ કરે છે. અનંતા જ્ઞેયોને જાણવા જ્ઞાન ફરતું હોય. અવસ્થાઓ જેમ ફરે તેમ જ્ઞાન ફરે છતાં જ્ઞાન શુદ્ધ રહે છે, સંપૂર્ણ શુદ્ધ રહે છે, સર્વાંગ શુદ્ધ રહે છે. પર્યાય ફેરફાર થાય છે.

પ્રશ્નકર્તા : જ્ઞાન પર્યાયસ્વરૂપે ફરે છે ?

દાદાશ્રી : હા, અને પોતાના પર્યાયને પણ જે જાણે છે તે પોતે છે, શુદ્ધાત્મા છે.

આત્મા એ શુદ્ધ ચિત્ત સ્વરૂપ છે, પણ એના પર્યાય વિનાશી છે. જેટલો વખત જ્ઞેય રહે તેટલો વખત જ્ઞાનના પર્યાય રહે છે ને જ્ઞેયો વિનાશી હોવાથી પર્યાય વિનાશી રહે છે. આ કેરી જુએ તો તેટલો વખત પર્યાય ઊભો થાય અને કેરી જાય એટલે પર્યાય વિનાશ થાય.

પણ જ્ઞેયનો ફેરફાર થયા કરે છે નિરંતર. એટલે જ્ઞેય પરિવર્તનશીલ હોવાથી આ જ્ઞાનને પર્યાય ઊભા થાય છે, અવસ્થાઓ બધી. જ્ઞેય ને દ્રશ્ય પરિવર્તનશીલ હોવાથી જ્ઞાતાનું જ્ઞાન અને દ્રષ્ટાનું દર્શન એ ફેરફાર પર્યાય-અવસ્થા રૂપે થયા કરે છે. કારણ કે જોવાનું શું ? ત્યારે કહે, પોતાની જાતને જોવાની. પોતાની જાત તો સત્ છે, અવિનાશી જ છે અને આ જ્ઞેયોને જોવાના છે. એ જ્ઞેયો પરિવર્તનશીલ છે બધાય. એ પરિવર્તનશીલને જુએ તે ઘડીએ એની, જ્ઞાનની અવસ્થાઓ ઊભી થાય છે.

ગુણ વપરાય ત્યારે કહેવાય ધર્મ

પ્રશ્નકર્તા : જ્ઞેયોને જોવામાં-જાણવામાં જ્ઞાન-દર્શન એ ધર્મ કહેવાય કે ગુણ કહેવાય ?

દાદાશ્રી : જ્ઞાન એ ગુણ કહેવાય. જ્ઞાન-દર્શન-સુખ એ બધા ગુણ કહેવાય. કારણ કે ‘હું છું, એ કાયમનો છું’ એવું કહેવા માગે છે. પછી એ જ્ઞાન વપરાય અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં, ત્યારે એ ધર્મ કહેવાય. જ્ઞાનનો ધર્મ કહેવાય. જ્ઞાન એ તો ગુણ છે, કાયમનો ગુણ. એનો ધર્મ શું ? જ્ઞેયોને જાણવાનો.

જ્ઞેયમાં ન જાય આત્મા, જાય જ્ઞાન પર્યાય

પ્રશ્નકર્તા : આત્માનો જે જ્ઞાન ગુણ છે, એનાથી આ જાણ્યું. હવે અતીન્દ્રિય જ્ઞાન અને ત્યાં આત્મા હોય. હવે મારા અતીન્દ્રિય જ્ઞાનથી મેં આ જાણ્યું કે આ વસ્તુ આ છે. ત્યાં મારો આત્મા જ્ઞેયમાં જાય છે ખરો કે નહીં ?

દાદાશ્રી : આત્મા જ્ઞેયમાં જાય નહીં. એ જ્ઞાનનો પર્યાય જાય છે. પર્યાયથી જોઈ શકાય આ. અને જ્ઞેય આઘાપાછા થાય એટલે પર્યાય પણ આઘોપાછો થાય. જ્ઞેય ઓછા-વધતા થાય તો પર્યાય ઓછો-વધતો થાય. એ જ્ઞેયના આધારે પર્યાય થાય.

જ્ઞેયોના અને જ્ઞાનના પર્યાયોને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, ત્યારે તો બે ભેગા થાય.

પણ જ્ઞેય ને જ્ઞાતા એકાકાર ના થાય એનું નામ જ્ઞાન.

પર્યાયને યથાર્થ ઓળખાવ્યા જ્ઞાનીએ

પ્રશ્નકર્તા  : દાદા, હવે આ પર્યાય જે છે, એ કોને દેખાય ? જોનારો કોણ ?

દાદાશ્રી : એ પ્રજ્ઞાને !

પ્રશ્નકર્તા : હવે એ પર્યાય જ્યારે બહાર જાય એટલે જ્ઞેયને જુએ.

દાદાશ્રી : પર્યાય ઉત્પન્ન થવું, એ પાછું દેખાતું શરૂ થાય.

પ્રશ્નકર્તા : હવે એ જ પર્યાય અંદર જાયને ? જે પર્યાય બહાર હતા, જ્ઞેયોને જોતા’તા, એ પર્યાય પાછા ફર્યા. અને જ્ઞાનમાં કે દર્શનમાં ક્યાં જઈને સમાય ?

દાદાશ્રી : ના, પર્યાય તો જ્ઞેયોઓમાં જ જવાના. પર્યાય તો અત્યારે ત્યાં આગળ સિદ્ધ લોકોના છે ને, તે જ્ઞેયોમાં જ જવાના. એ જ્ઞેયો સિવાય જોઈ શકે નહીં બીજી વાત. અને જુએ નહીં અને જાણે નહીં ત્યાં સુધી આનંદ બંધ થઈ જાય. જુએ-જાણે તો જ એનો આનંદ ઉત્પન્ન થાય. એટલે ત્યાં આગળ એ સિદ્ધને પણ પર્યાયમાં જોવાનું ને જાણવાનું.

પ્રશ્નકર્તા : આ ફોડ પાડવો છે કે જે પર્યાય બહાર જાય છે જ્ઞેયોમાં, હવે એ પર્યાય જો અંદર જાય, તો જ્ઞાનમાં કે દર્શનમાં સમાય ? જો એ પર્યાય જ્ઞાનનો હોય તો જ્ઞાનમાં સમાય, દર્શનનો હોય તો દર્શનમાં સમાય...

દાદાશ્રી : જરૂર જ નથી.

પ્રશ્નકર્તા : તો એ શું છે ?

દાદાશ્રી : પર્યાય એ તો બહારનું જોવા માટે છે. કેમ ? ત્યારે બહાર જોવાની જે ચીજો છે ને, તે પરિવર્તનશીલ છે એટલે પર્યાય પણ પરિવર્તનશીલ છે. અને એ મૂળ ગુણ છે તે આઘાપાછા ના થાય કાંઈ.

પ્રશ્નકર્તા : આત્માનું જ્ઞાન તો પર્યાયમાં જ આવે છે ને બીજે ક્યાં જાય ?

દાદાશ્રી : હા, પર્યાયમાં જાય છે પણ પર્યાયને આત્મા ના કહેવાય. દ્રવ્ય-ગુણ ને પર્યાય ત્રણ ભેગા થયા ત્યારે વસ્તુ કહેવાય, તત્ત્વ કહેવાય અને એ તત્ત્વ આખું જ જોઈએ. એકલા પર્યાયનું ચાલે નહીં. ગુણ વગર પર્યાયેય ના હોય. પણ પર્યાય વિનાશી છે. લોકો શું સમજ્યા છે કે આત્મા કોઈ વસ્તુ બીજી હશે, જ્ઞાન સિવાય. એટલે અમે શું કહીએ છીએ કે એ એબ્સૉલ્યૂટ જ્ઞાન માત્ર જ છે.

દ્રષ્ટા પોતે જ મુખ્ય, દ્રષ્ટિ એ તો દ્રષ્ટાનો પર્યાય

પછી અનંત દ્રશ્યોને જોવામાં પરિણમેલી, એટલે પોતે દ્રશ્યસ્વરૂપ થઈ જાય છે, છતાં પોતે છે દ્રષ્ટા.

પ્રશ્નકર્તા : દ્રષ્ટિ એ જ દ્રષ્ટા છે ને, જે ચેતન આપણે કહીએ ?

દાદાશ્રી : દ્રષ્ટિ તો એનો પર્યાય છે, દ્રષ્ટાનો પર્યાય છે.

પ્રશ્નકર્તા : પર્યાયમાંયે દ્રવ્ય તો સમાયેલું જ છે ને ?

દાદાશ્રી : પર્યાય તો દ્રવ્યનો ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતો ભાવ છે. ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતી અવસ્થા છે. એટલે આ દ્રષ્ટાએ આ દ્રશ્ય જોયું, આ જોયું, આ જોયું, આ જોયું. દ્રષ્ટા દ્રષ્ટિથી જુએ છે. એ ક્ષણે ક્ષણે બદલાયા કરે છે. કીડી દેખાય છે, પછી વાઘ દેખાય છે. ફલાણું એ પાછું એટલે એ અવસ્થાઓમાં પર્યાય નિરંતર બદલાયા કરે, દ્રષ્ટા ના બદલાય.

પ્રશ્નકર્તા : પર્યાયમાં તત્ત્વદ્રષ્ટિથી તો દ્રવ્ય દેખાયને ? પર્યાયમાં તત્ત્વદ્રષ્ટિ એ જ દ્રવ્યને ?

દાદાશ્રી : ના. એ પર્યાયમાં તત્ત્વદ્રષ્ટિ ના હોય, તત્ત્વમાં તત્ત્વદ્રષ્ટિ હોય.

આ કિરણ એ સૂર્ય નથી, સૂર્ય એ સૂર્ય છે, એવું આ પર્યાયો કિરણસ્વરૂપ છે. એ તો કંઈક એ વાદળ આવે તો બંધ થઈ જાય પણ સૂર્ય કંઈ ગયો નથી. અગર તો આ કિરણ તો અમથા અહીં આગળ કશું કપડું બાંધીએ તોય ના દેખી શકે. સૂર્ય એ મુખ્ય વસ્તુ છે. ગુણો એ કાયમના હોય, પર્યાય બદલાયા કરે.

જ્ઞેય થકી જ્ઞાન, પણ પ્રગટે સ્વતંત્રપણે

પ્રશ્નકર્તા : ‘જ્ઞેયાકારે પ્રગટતું પોતાનું પરિણામ એ મૂળ પોતાને કારણે જ પ્રગટે છે ?’

દાદાશ્રી : પોતાને જ કારણે પ્રગટે છે.

પ્રશ્નકર્તા : જ્ઞાન જે પ્રગટ્યા કરે છે, એ સ્વતંત્ર રીતે પ્રગટે છે ને કે જ્ઞેયના કારણે પ્રગટે છે ?

દાદાશ્રી : જ્ઞાન સ્વતંત્ર છે, પણ જ્ઞાન ઓર્ડર (અમલ)માં ક્યાં સુધી હોય ? ત્યારે કહે, જ્ઞેય હોય તો જ આ જ્ઞાન હોય, નહીં તો હોય જ કેવી રીતે ?

પ્રશ્નકર્તા : જ્ઞેય હોય તો જ્ઞાન હોય, એ બરાબર છે પણ જ્ઞાન જે પ્રગટ થયું એ સ્વતંત્ર રીતે થયું કે જ્ઞેયને લીધે થયું ?

દાદાશ્રી : ના, સ્વતંત્ર રીતે પ્રગટ થયું. પ્રગટ થયા પછી જ્ઞેયને જોઈ શકે.

પ્રશ્નકર્તા : હવે જે જ્ઞાન પ્રગટ થયું એ અવસ્થા પૂર્વનિશ્ચિત છે ?

દાદાશ્રી : ના, એ અવસ્થા પૂર્વનિશ્ચિત નથી.

પ્રશ્નકર્તા : તો પછી એ જ્ઞેયને કારણે પ્રગટ થયું એમ થયુંને ? એવો અર્થ થાય.

દાદાશ્રી : જ્ઞેયને લેવાદેવા નહીંને ! જ્ઞેયને અને એને લેવાદેવા નહીં.

તત્ત્વ હોય ગુણ-અવસ્થા સહિત જ

પ્રશ્નકર્તા : હવે એ કહોને, અનંતી અવસ્થા એટલે ?

દાદાશ્રી : જ્ઞેયો અનંતા એટલે અવસ્થાઓ અનંતી થાય.

પ્રશ્નકર્તા : બરોબર, પણ એને અનંતી અવસ્થા કેમ કીધી ?

દાદાશ્રી : આત્માનેય અવસ્થાઓ છે, અનંત અવસ્થાઓ છે. અનંત જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. ભગવાન કહે છે, જેટલા તત્ત્વો છે તે બધાનેય ગુણ હોય અને તેની અવસ્થા હોય. જો અવસ્થા ના હોય તો તે તત્ત્વ નહીં. આત્માની અનંત અવસ્થાઓ છે. દહાડે અહીં મોટરો-ઘોડાગાડી, દોડધામ ચાલુ હોય ત્યારે સિદ્ધ આત્માની અવસ્થાઓ ઘણી બધી વધી જાય ને રાત્રે ટાઢું પડે ત્યારે ઓછું થઈ જાય. અનંત જ્ઞેયો એટલે અનંત અવસ્થાઓ.

સામાન્યભાવે જોયું તો છૂટ્યું, વિશેષભાવે ચોંટ્યું

અને તે અવસ્થાઓ બદલાયા જ કરે છે, જાનમાં, લગ્નમાં, ઘરમાં, માર્કેટમાં પણ દરેક અવસ્થાઓમાં મારું જ્ઞાન મેલું થતું નથી. અવસ્થાઓ નિરંતર ફર્યા કરે છે. એક આમ આ કેરીને જોઈ અને પછી પાછું બીજું જુએ, ત્રીજું જુએ, ચોથું જુએ એ પર્યાય. અવસ્થાઓ બધી ફર્યા કરે છે. એ જ્ઞાનની અવસ્થાઓ શુદ્ધ ને શુદ્ધ જ રહે છે.

આ બધા જ્ઞેયો જોઈએ તેથી કરીને બધી એવી અવસ્થા થઈ જાય, પણ આપણે શુદ્ધ જ છીએ. આપણી શુદ્ધતાને કશી હરકત આવતી નથી. જલેબી જોઈ કે ગમે તે જોયું તેથી શુદ્ધતાને હરકત આવતી નથી. એ જલેબી જુએ ને એમાં તમે મારાપણું કરો ને મોહ કરો તો જ નુકસાન થાય. જુએ ને પછી મોઢું બગડેને, તે નુકસાન કરે. કારણ કે વિશેષ કર્યું, સામાન્ય ભાવથી ના જોયું. રીંગણા સારા હોય તેને જોઈ તેમાં તન્મય થઈ જાય ને તેવા જ આકારનો થાય છે. જ્ઞેયાકાર થાય છે તો ભગવાને કહ્યું કે, તું જ્ઞેયાકાર થઈશ તોય તેનો વાંધો નથી પણ ફક્ત તું તે અવસ્થાને જાણ, તો તું છૂટ્યો. બધી જ વસ્તુ સામાન્યભાવે જોવી જોઈએ, વિશેષભાવે ના જોઈશ. વિશેષભાવે જોયું કે વળગ્યું જ છે.

ખાલી તમને જ્ઞેયને જાણવાનો જ અધિકાર છે.

પ્રશ્નકર્તા : એનો અર્થ કે સહજભાવ રહે તો એનો વાંધો નહીં ?

દાદાશ્રી : સહજભાવ જ બસ. દેહ જલેબી ખાય અને તમે તમારા સહજભાવમાં, તમે જ્ઞાતા-દ્રષ્ટા રહો એ જ.

સર્વાંગ : સર્વ પ્રદેશે સંપૂર્ણ શુદ્ધ

પ્રશ્નકર્તા : એ જે સંપૂર્ણ શુદ્ધ અને પછી સર્વાંગ શુદ્ધ એ લખ્યું છે, એ શા માટે લખ્યું છે ?

દાદાશ્રી : લોકોને ખ્યાલમાં આવે કે બધી રીતે શુદ્ધ થઈ ગયેલો છે. એટલે આ સમજવા માટે લખેલું છે.

પ્રશ્નકર્તા : એટલે આત્માના અંગો હોય છે તે સર્વાંગ ?

દાદાશ્રી : અંગ ના હોય, આત્માના પ્રદેશો હોય. સર્વ પ્રદેશોથી શુદ્ધ હોય પણ પ્રદેશો ના સમજણ પડે એટલે સર્વાંગ કહ્યું. સર્વાંગ એટલે સંપૂર્ણ. સમજાઈ જાય માણસને. પ્રદેશો સમજણ ના પડે.

પ્રશ્નકર્તા : સંપૂર્ણ શુદ્ધ અને સર્વાંગ શુદ્ધ એ બેમાં શું ફેર ?

દાદાશ્રી : સંપૂર્ણ શુદ્ધ છું એટલે એક્ઝેક્ટલી શુદ્ધ જ છું, એવું પાછા બધા અંગો સહિત, બધા અંગોએ કરીને શુદ્ધ છું, એવું વિગતવાર કહે છે. સર્વાંગ એટલે બધા અંગોથી, અંગ-ઉપાંગ બધામાં શુદ્ધ છું. અશુદ્ધતા હવે કોઈ જગ્યાએ રહી નથી હવે. ખરેખર શુદ્ધ જ છું. કોઈ દહાડો અશુદ્ધિ મારામાં આવી જ નથી. સર્વાંગ શુદ્ધ છે. બધા અંગે શુદ્ધ છું. હું સંપૂર્ણ શુદ્ધ છું અને સર્વાંગ શુદ્ધ છું, મને કશું અડતું નથી, એટલે લોકો કહેશે, ‘આ બધું જુઓ-કરો છો તો તમને કશું કર્મ ના બંધાય ?’ ત્યારે કહે, ‘ના બા, મારે તો કર્મ કશું ના બંધાય.’

પ્રશ્નકર્તા : એવી રીતે બધા જ દ્રવ્ય પોતાનાથી સર્વાંગી શુદ્ધ છે ને ?

દાદાશ્રી : આ બધા જ દ્રવ્યો શુદ્ધ જ છે.

પ્રશ્નકર્તા : આ અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. તો કહે, ‘આ જ્યારે આપણે બોલીએ ત્યારે મહીં શું પરિણામ થવા જોઈએ ?’

દાદાશ્રી : કશું પરિણામ થવા ના જોઈએ. એને જાણવું જોઈએ. આટલી બધી વસ્તુઓ જાણવાની હોવા છતાં, એને જાણું છું છતાં મારી શુદ્ધતાને બગાડતું નથી એવું કહેવા માગે છે. ગટરને જોઉ છું ને જાણું છું તોય મારું એ બગડતું નથી અને અત્તરને જોઉ છું, જાણું છું, બીજું કરું છું, ખરાબ કે સારું જોઉ છું પણ તેથી કરીને આ જ્ઞાન મારું એમાં નથી ભળતું. એટલે લોક મહીં ગૂંચાય છે કે આ જોઈએ એટલે મહીં આત્મા બગડ્યો.

પ્રશ્નકર્તા : દ્રવ્ય-ગુણ-પર્યાયથી સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું, તો આ દ્રવ્યથી, ગુણથી અને પર્યાયથી એનું શુદ્ધત્વ કેવી રીતે સમજાય ? અને આ બોલવાનું બહાર ફળ આવ્યું એ કેવી રીતે ખબર પડે ?

દાદાશ્રી : ચિંતા ના થાય એટલે. ઉપાધિના પરિણામ આવે તોય ચિંતા ના થાય, એ ઉપરથી ખબર પડે. પાસ થયો તો ના ખબર પડે કે ભઈ, સારું લખ્યું હશે ! અને પૂછ પૂછ કરે ત્યારે કહીએ, ભાઈ, માર્ક જોઈ આવો મારા.

જ્ઞાન સમજવાથી પરિણમશે અનુભવમાં

પ્રશ્નકર્તા : દાદા, કોઈવાર આ વાતો અઘરી લાગે ને, એવું થાય છે જો આ બધું નહીં સમજીએ તો આપણો મોક્ષ થશે કે નહીં ?

દાદાશ્રી : આ ભાઈ પર્યાયને ના સમજે, તેથી કંઈ મોક્ષે નહીં જવાના ? ત્યારે કહે, ના, એવું નથી. કારણ કે જ્ઞાની પુરુષના આશ્રયથી જવાનું છે ને ? જાણવા જાય તો કો’ક ફેરો બફાઈયે જાય, એના કરતા અજાણ રહ્યા એ સારું. આ તો આટલુંય સમજાયું છે. પેલા વાક્યો મૂક્યા છે ને બધા. વાક્યોને આધારે સમજાયું છે.

undefinedપ્રશ્નકર્તા : એમાં એવું છે ને દાદા, આ જ વસ્તુ બોલવાની પણ સમજણપૂર્વક જો બોલીએ...

દાદાશ્રી : તો ફળ મળે, બહુ સારું મળે અને જ્યારે ત્યારે સમજવું જ પડશે ને ? તેથી હું કહું છું કે કંઈક સમજજો. વિચાર આવતા હોય, પૂછવું હોય તે પૂછજો. પણ પેલી ઠંડક એવી રહે છે ને, પૂછવાની વાત થઈ રહેશે, હઉ થઈ રહેશે. કારણ કે ઠંડક છે ને ! હંમેશાંય માંદો માણસ હોય ને તેને આપણે કહીએ કે ‘સંડાસ ?’ ત્યારે કહેશે, બે જણ ઝાલે ત્યારે મારાથી જવાય છે. પણ જ્યારે એની પાછળ વાઘ પડે તો ? દોડે તે ઘડીએ. બે જણ ઝાલવા-કરવાનું કશું નહીં. એ દોડે દરઅસલ, સરસ ! તેવું પેલો વાઘ પાછળ પડ્યો નથી, તેની આ ભાંજગડ છે.

છતાંય વાંધો નથી, દાદાનું જ્ઞાન છે ને ! પણ બને એટલો અસંતોષ રાખવો, થોડો થોડો. મનમાં એમ રાખવું કે આ જાણવું છે, વિશેષ પ્રકારે. અને એવું જાણવું છે તેથી તો આવે છે બધા લોક. અમસ્તા કંઈ આવે છે ? ઘેર જ નિરાંતે બેસી રહે, અહીં આગળ શા માટે આવતો હશે ? કારણ કે એની ઈચ્છા છે, ભાવના છે કે આ જાણીએ ને પૂરું કરી લઈએ.

વાત સમજે તો કામ લાગે. આ જ્ઞાન સમજવાનું જ છે, કરવાનું કશું જ નથી. સમજમાં આવ્યું, એનું પરિણામેય આવી જાય. આ સમજેય પારિણામિક છે અને પરિણામેય પારિણામિક છે. એટલે તરત જ પરિણામમાં આવી જાય. અને જે સમજથી પરિણામ ના આવે, એને સમજ જ ના કહેવાય.

પ્રશ્નકર્તા : પણ એ તો એમ કરતા કરતા અહીં આપ સમજાવો છો તો સમજાય છે.

દાદાશ્રી : આ તો આમ કરતા કરતા ટુકડે ટુકડે સમજાવાય જરા. પછી એમ કરતા કરતા ગેડ બેસી જાય.

શાસ્ત્રોથી પર વાત, અક્રમ વિજ્ઞાન મહીં

પ્રશ્નકર્તા : જ્ઞાનવિધિમાં આપ બોલો છો તે વખતે બોલી તો જઈએ છીએ પણ...

દાદાશ્રી : બોલવાની જ જરૂર. બોલ્યો એટલે કો’ક દહાડો ઊગશે. મહીં છપાઈ ગયું છે ને ! એટલે જે કહું છું ને, પછી જાણશે એ કો’ક દહાડો. બોલ્યો જ ના હોય તો શું થાય ?

પ્રશ્નકર્તા : છતાં દાદા, આપ જે બોલાવો છે એની પાછળ કોઈ ગૂઢ વૈજ્ઞાનિક કારણ દેખાય છે.

દાદાશ્રી : હા, બોલાવું છું. એ બોલાવું નહીં ત્યાં સુધી આત્મા મહીં છૂટો પડે નહીંને ! આ અક્રમ વિજ્ઞાનની એ જ છે બધી અજાયબી ! નહીં તો છૂટો પડે નહીં આત્મા કોઈ દહાડો. એક્ઝેક્ટ ભેદજ્ઞાન જોઈએ. શાસ્ત્રમાં ભેદજ્ઞાન હોય નહીં. આવું વાક્ય હોય કદીયે શાસ્ત્રમાં ?

પ્રશ્નકર્તા : ના, ન જ હોય.

દાદાશ્રી : આ વાક્ય અનુભવ સિદ્ધ થઈ જાય તો અહીં ને અહીં મુક્તિ થઈ જાય. અને આવાં વાક્યો સિવાય છુટકારો થાય નહીં ને આત્મા જુદો પડે નહીં કોઈ દહાડોય. મૂળ દ્રવ્ય અને એની મૂળ વાત જોઈએ. મૌલિક વાત જોઈએ, શાસ્ત્રની વાત ચાલે નહીં.

અજાયબ વસ્તુ પ્રાપ્ત થઈ જ્ઞાનીકૃપાએ

પ્રશ્નકર્તા : આમાં તો પ્રગટ પુરુષનો આધાર જોઈએ. એની પ્રગટતા, એનું જ જ્ઞાન, આપણું નહીં, એની જ અનુભૂતિ તો કામ થાય.

દાદાશ્રી : ત્યારે અમે કેવા છીએ એવી પછી ખબર ના પડી ? આવું હોવા છતાં, આટલી બધી ધમાલ હોવા છતાંય શુદ્ધતા જતી નથી, આનું નામ અક્રમ અને ક્રમમાં તો સંગ છોડો તો અસંગ થશો.

આ વાત કોઈ જગ્યાએ હોય નહીં. આ વાત કોઈ જગ્યાએ ચર્ચાય નહીં. કારણ કે જ્ઞેયને પણ એ નથી સમજતા. ના સમજી શકે એ માણસ. સમજી શકે જ નહીં ને ! કોઈનું ગજું નહીં આ તો ! આ વાત જ અજાયબી કહેવાય.

અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી એ વાક્યનો અર્થ કરવો હોય તોય ના જડે. એ શું કહેવા માગે છે તેય સમજણ ના પડે. આપણે આત્મા પ્રાપ્ત થઈ ગયોને ? લક્ષમાં બેસી ગયોને ? પછી એથી વધારે શું જોઈએ ? અને એ આત્મા એના પોતાના ગુણધર્મો સહિત છે જ !

પ્રશ્નકર્તા : પણ તોય દાદા, એવું થાય કે તમારા જેવું ક્યારે થશે ?

દાદાશ્રી : ગુંઠાણું (નિશ્ચયનું) તો તમને દાદા જેમાં છે એ જ પ્રાપ્ત થયું છે. બાકી, દાદા તો બધો સામાન પહેલેથી ભરી લાવેલા છે.

તમને એવી જ દશા થઈ છે પણ આ જ્ઞાન રસ્તે જતા મળ્યું છે. એટલે બહાર ધૂળ ઊડી કે ધ્યાન ત્યાં ગયું, પણ એ જોવાનું નહીં. ધૂળ ઊડે, કાંકરા ઊડે, બધું ઊડે. પણ એ જ્ઞેય છે અને આપણે જ્ઞાતા છીએ. આપણે જ્ઞાતાપદમાં બેસીને જ્ઞેય જાણવાનું છે. જગત આખું ઊડે, મા-બાપ-દીકરા મરવા પડ્યા હોય ને ત્યાં જ્ઞેય-જ્ઞાતાનો સંબંધ રાખીને રહે ત્યારે આ વિજ્ઞાન ઉત્પન્ન થાય. એ મરશે એ વ્યવસ્થિત ખરુંને !

પોતે જ્ઞાન સત્તામાત્ર છે. જ્ઞાતાસત્તામાં રહ્યા તો મુશ્કેલી ઊડી ગઈ. જેટલો પૂર્વનો અભ્યાસ અવળો હોયને એટલું અડે. તમારે આત્મજ્ઞાન થયું એ ઓછું કહેવાય ? વર્લ્ડમાં પૂજ્ય થયા એવું પદ પ્રાપ્ત થયું છે. બાકી તમારે આત્મા ખખડે જ છે. આત્મા લક્ષમાં બેઠો એ ખખડે જ છે. ખખડે એટલે ડબામાં ગોળો ઘાલીને ખખડાવીએ તો અવાજ આવે, એવું નહીં. એ અવાજવાળી વસ્તુ નથી.

એનું લક્ષ કોઈને એક ક્ષણ બેઠેલું ના હોય ને તમારે આ કાયમનું લક્ષ બેઠું. હવે લક્ષ કોઈ દહાડો ના ચૂકે એ જ વિજ્ઞાન છે.

સર્વે જ્ઞેયો દેખાય પૂર્ણતાએ, કેવળજ્ઞાનમાં

પ્રશ્નકર્તા : જેવી રીતે કેરીનો દાખલો આપ્યોને, તો એવી રીતે કોઈ પણ મનુષ્ય કે કોઈ વ્યક્તિ કે કોઈ જીવ કે કોઈ પ્રાણી એની પણ તમામ અવસ્થાઓ અમને ખ્યાલમાં આવે ? અંદરનું બધુંય ખ્યાલ આવે ?

દાદાશ્રી : બધી ખબર પડે. અંદર-બહાર બધુંય ખબર પડે.

પ્રશ્નકર્તા : એ સ્ટેજ આવે ત્યારેને પણ ?

દાદાશ્રી : એ તો કેવળજ્ઞાન થાય ત્યારે.

પ્રશ્નકર્તા : કેવળજ્ઞાન થાય ત્યારે આ દેખાય આપણને અથવા તો આ સમજ પડે એટલે આપણને કેવળજ્ઞાન થવા માંડ્યું છે, એવું આપણને ખ્યાલ આવેને ?

દાદાશ્રી : આ જ્ઞાન મળ્યા પછી બે-એક અવતારમાં પેલો ખાલી થઈ જાય જ્યારે, ભરેલો માલ. એ ફાઈલો ખલાસ થઈ કે ફુલ ગવર્મેન્ટ. ત્યાં સુધી ઈન્ટ્રિમ ગવર્મેન્ટ. ફાઈલો ખલાસ થઈ ગઈ એટલે ફુલ ગવર્મેન્ટ. ફાઈલો એટલે શું ? મનમાં બધી આવ્યા કરે. તે મનમાં, બુદ્ધિમાં જે આવ્યા કરે. જો ક્રોધ આવે ત્યારે ક્રોધ-માન-માયા-લોભ થયા કરે, એ બધી ફાઈલો.

પ્રશ્નકર્તા : હું એવી રીતે લઉ કે બીજાનું મારે અનંતી અવસ્થાઓનું જ્ઞાન નથી જોઈતું, મારી અનંતી અવસ્થાઓનું મારે જ્ઞાન જોઈએ છે તો ?

દાદાશ્રી : એ તો એય થાય ને આયે થાય, બે સાથે જ હોય. એવું ટૂંકું ના હોય. સવાર થાય કે બધે સામટા સૂર્યનારાયણ ઊગ્યા. એટલે આપણા એકલા પૂરતું ના ઊગે એ, બધા માટે ઊગે.

પહેલા સ્થૂળ દેખે પછી થતું જાય સૂક્ષ્મ, છેલ્લે નિરાલંબ

પ્રશ્નકર્તા : જ્ઞાનીને બધા જ્ઞેયોનો ખ્યાલ આવે, પણ એ કોઈને કહી ના શકે ?

દાદાશ્રી : એમાં શબ્દ જ ના હોય, અવર્ણનીય, અવક્તવ્ય.

પ્રશ્નકર્તા : તમે જ્ઞાની છો તે કોઈ એક વ્યક્તિને જુઓ એટલે એની તમામ અવસ્થાઓનો તમને ખ્યાલ આવી જાય. હવે એ અમને જ્ઞેયોને જેમ છે તેમ જાણવાની આ શરૂઆત ક્યારે થાય ?

દાદાશ્રી : એ તો શરૂઆત થઈ ગઈ છે. અત્યારે આ મન-બન બધું દેખાય, વંચાય. એ બધું જ્ઞેય છે અને તમે જ્ઞાતા છો. બુદ્ધિ શું કૂદાકૂદ કરે છે ને આ બધું શું થઈ રહ્યું છે, એમ જે છે એ બધું જાણો. એ જ્ઞેય છે અને તમે જ્ઞાતા છો. પણ પેલું જ્યારે અત્યંત સૂક્ષ્મ થાય ત્યારે બહુ પ્રકારે જાણે. આ ઉપરનો સ્થૂળ ભાગ દેખાય છે, પણ સ્થૂળ ભાગ દેખાય એટલે જ્ઞેય-જ્ઞાતાનો સંબંધ થઈ ગયો. ત્યારથી એ મુક્તિ પામવાનો. બાકી જ્ઞેય-જ્ઞાતાનો સંબંધ ક્યારે થાય ? આત્મા પ્રાપ્ત થયા પછી. અને પછી બધા જ પર્યાય શુદ્ધ થયે અનંત જ્ઞાન કહેવાય. સૂક્ષ્મ સંયોગો તો તે જ્ઞાનના શુદ્ધ પર્યાયો ઉત્પન્ન થાય ત્યારે જ ઝળકે અને બધા જ પર્યાયો શુદ્ધ થાય તે અનંત જ્ઞાની, પરમાત્મા સ્વરૂપ !

એટલે હંમેશાં પર્યાય સૂક્ષ્મ થતા જાય દહાડે દહાડે. આ સંસારની બધી અવસ્થાઓ જોવાની જોવાઈ જાય ત્યાર પછી છે તે સૂક્ષ્મ થાય, જલદી, ઝપાટાબંધ. અને પછી જે દશા આવે તે અવલંબન રહિત હોય, નિરાલંબ હોય. જ્ઞાની નિરાલંબ હોય. અમને કોઈ પણ અવલંબન, શુદ્ધાત્મા શબ્દનું કે કોઈ જાતનું અવલંબન ના હોય. શબ્દનું અવલંબન તમને આપ્યું છે, અમને અવલંબન ના હોય. તમને મુશ્કેલી આવે તો તમે શુદ્ધાત્મામાં પેસી જાવ. અને અમારે તો મુશ્કેલી હોયને, તો અમે નિરાવલંબનમાં જ હોઈએ. પછી અમારે અવલંબનની જરૂર જ નહીંને ! એ તમારી સ્થિતિ ઉત્પન્ન થાય પછી, પહેલો આ માલ ખપી જાય તો.

સિદ્ધાત્મા ન કરે મહેનત ફરવાની, ઝળકે સઘળું મહીં જ

પ્રશ્નકર્તા : પછી સિદ્ધક્ષેત્રમાં આખા બ્રહ્માંડના જ્ઞેયોનું બધું જાણવાનું, તે બધે મારો આત્મા ફરે છે ?

દાદાશ્રી : ના ફરતો નથી, મહીં ઝળકે છે. ફરવા માટેની જરૂર નથી, ઝળકે છે અંદર. જેમ આ અરીસો એની જગ્યાએ ઊભો રહે છે અને લોકો જેટલા આવેને, એ બધા મહીં ઝળકે. હા, જ્ઞાનમાં જ ઝળકે.

પ્રશ્નકર્તા : હવે જ્ઞાન ત્યાં આત્મા હોય, ત્યારે બધે જે કંઈ ઝળકે છે ત્યાં મારો આત્મા બધે છે ?

દાદાશ્રી : આત્મા છે જ. જ્યાં જ્ઞાન નથી, ત્યાં આત્મા નથી.

પ્રશ્નકર્તા : આપણે જેટલા જેટલા જ્ઞેયો જોઈએ એટલે જ્ઞાનથી જ્ઞેય જોવાય તો જ્યાં આપણે દૂરદૂરના જ્ઞેયો જોઈએ, તો આત્મા મારો ત્યાં ત્યાં બધે જાય ?

દાદાશ્રી : ના, ના, કંઈએ જવાની જરૂર નહીં. એ જ્યાં આગળ બેઠા છે ને, ત્યાં આગળ સિદ્ધક્ષેત્રમાં બેઠા છે, ત્યાં અંદર બધું ઝળકે. મેં હાથ ઊંચો કર્યોને, તે એમને એમના જ્ઞાનમાં અંદર ઝળકે. એમને જોવા જવું પડે નહીં, ઉપયોગ દેવો ના પડે. ઉપયોગ દેવા જાય તો મહેનત થાય. ઉપયોગ તો આપણે દેવાનો હોય છે. કારણ કે દુરુપયોગ કરેલો, તે શુદ્ધ ઉપયોગમાં આવવું પડે છે. પણ એમને શુદ્ધ ઉપયોગ કશું રહ્યું નહીંને !

નિજ અવસ્થાને જ્ઞેયરૂપ જોતો, પોતે તત્ત્વસ્વરૂપ પરમાત્મા

પ્રશ્નકર્તા : દાદા, છેલ્લે તો નિજ અવસ્થાને પણ જ્ઞેય તરીકે જોતો તત્ત્વસ્વરૂપી જ્ઞાન પરમાત્મા પોતે થાય છે ને ?

દાદાશ્રી : બસ, આ ‘ચંદુભાઈ’ને તમે જોયા કરો. પોતાની નિજ અવસ્થા, ચંદુભાઈ તમારી નિજ અવસ્થા છે. એને તમે જોતાં જ, અવસ્થારૂપે જુઓ તો તમે પોતે જ પરમાત્મા છો. નિજ અવસ્થાને પણ જ્ઞેય તરીકે જોતો, આ અત્યારે એને જ્ઞેય તરીકે જુદો જુએ, તે તત્ત્વસ્વરૂપ પરમાત્મા જ છે. આમ જોવું-જાણવું એ તમારું કામ અને ચંદુભાઈનું ક્રિયાનું કામ, આ વાક્ય એવું કહેવા માગે છે.

આ નિજ અવસ્થાને એટલે આ તમારી જે અવસ્થા છે, આ ચંદુભાઈ, એને ‘જ્ઞેય’સ્વરૂપે એટલે આ તમે તો પોતે ‘જ્ઞાતા’ ને આ ‘જ્ઞેય’ છે, એવી રીતે જોતો...

પ્રશ્નકર્તા : જોતો, તત્ત્વસ્વરૂપી જ્ઞાન પોતે જ પરમાત્મા છે.

દાદાશ્રી : બરોબર છે.

આ ચંદુભાઈ હોય તે જ્ઞેય, એ નિરંતર પરિવર્તન થયા કરે છે. પણ એક ભવના માટે (એનો) આકારેય નક્કી હોય છે. પણ છતાં નિરંતર ફેરફાર થયા કરે છે.

હવે ન રહ્યું ચાળવાનું ફરી

મૂળ આત્માનો એક શબ્દ બોલું, ‘અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થામાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું.’ આ એની સમજણમાં બેસે, આવું કેટલીયવાર એની સમજમાં બેસે ત્યારે તો ફિટ થાય.

ચાળવું હોય ત્યાં સુધી ચાળવાનું. બાકી બધું ચાળી નાખ્યું છે. હવે પછી ઘઉં-કાંકરા ફરી ચાળવાની જરૂર નથી. આ તો કો’ક ફેરો વાત નીકળે સાધારણ, તો એ વાત જુદી છે. બાકી એક ફેરો આત્મા જુદો પડ્યો, પછી એ બધું ફરી ચાળવાનું રહ્યું નહીં. તો હવે એ આજ્ઞામાં રહે. આજ્ઞા જે પાળવાની હોય તેમાં જ રહેવાનું રહ્યું છે. પણ છતાંય મનનો સ્વભાવ છે તે કો’ક વાત હોય તો ઊંધી ઘાલે, તેનો ઉકેલ લાવવો પડે. નહીં તો કંઈ જરૂર નથી. ક્યાં સુધી જરૂર ? જ્યાં સુધી જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપના ભેદ છે, ત્યાં સુધી જરૂર છે. જ્યાં અભેદ થયુંને એટલે કંઈ જરૂર નથી. આપણું અભેદસ્વરૂપ છે, આત્મા આપણો અભેદસ્વરૂપ છે અને પેલું દર્શન પહેલું શીખવું પડે, પછી જ્ઞાન શીખવું પડે.

પ્રશ્નકર્તા : પછી તપ કરવું પડે. પછી સમજીને સમાઈ જવાની વાત આવે છે.

દાદાશ્રી : એ તો હજુ કચાશ હોયને, તેને સમજીને સમાઈ જવાનું. બીજાને આજ્ઞા સમજાઈ ગઈ હોય અને આજ્ઞા જ પળાતી હોય, પછી વાંધો નહીંને ! જરૂર જ નહીંને ! છતાં મન કૂદાકૂદ કરતું હોય તો બેસાડીએ, થોડીવાર વાતચીત કરીએ. સમજવાનું કંઈક બાકી રહ્યું હોય, તે સમજી લઈએ એટલે સમાઈ જાય. આ બહુ ઝીણી વાત છે.

હવે જગત ક્યાં પહોંચી વળે ? સમકિત-બમકિતને તો પહોંચી ના વળે. કેવળજ્ઞાન સ્વરૂપી આત્મા આપેલો છે. એ વાક્ય છે એ જ કેવળજ્ઞાન સ્વરૂપ છે. ‘અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું.’ એ કેવળજ્ઞાન વાક્ય છે. દ્રવ્ય-ગુણ-પર્યાયથી સમજે એટલે બધું આખું કેવળજ્ઞાન સમજી ગયો.

અનંતા જ્ઞેયોને જાણવામાં... આ અમારા વાક્યમાં એટલું બધું બળ છે કે બોલતાની સાથે જ ફુલ કેવળજ્ઞાન સ્વરૂપ થઈ જાય. આ વાક્ય સમજવામાં છે બહુ અઘરું પણ બોલે તો ફુલ કેવળજ્ઞાન સ્વરૂપ થઈ જાય. કારેલાનું નામ ના જાણતો હોય પણ શાક ખાય તો સ્વાદ તો આવી જાયને ?

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18