ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18



આપ્તવાણી

શ્રેણી-૧૪ ભાગ-૪

 [8] 

સ્વભાવ-સ્વપરિણતિ-સ્વપરિણામ

[8.1]

સ્વભાવ : પરભાવ

આત્મભાવ એ સ્વભાવ, પુદ્ગલભાવ એ પરભાવ

પ્રશ્નકર્તા : પરભાવ એટલે શું ? સ્વભાવ કોને કહેવો, જ્ઞાનીની ભાષામાં ?

દાદાશ્રી : પરભાવ એટલે આત્મભાવ નહીં એ. આત્મા સિવાય બીજા બધાય પરના ભાવ, એટલે સંસારીભાવ એ પરભાવ કહેવાય.

અને સ્વભાવભાવનો અર્થ શું ? આત્મભાવના. સ્વભાવભાવ એટલે કોઈ ચીજનો પોતે કર્તા નહીં. સ્વભાવભાવમાં બીજો કોઈ ભાવ જ નહીં. એમાં તો જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદ જ રહે.

પ્રશ્નકર્તા : પરભાવો પુદ્ગલના છે ?

દાદાશ્રી : હા, પરભાવ પુદ્ગલના. પરભાવ એટલે બંધન કરાવનાર અને સ્વભાવ એ છોડાવનાર. જે બને છે તે પુદ્ગલનો સ્વભાવ છે અને જોવા-જાણવાનો આત્માનો સ્વભાવ છે.

પ્રશ્નકર્તા : સ્વભાવ ભાવ એ ધ્રુવભાવ છે ?

દાદાશ્રી : સ્વભાવ ભાવ ધ્રુવભાવ છે, સનાતન ભાવ છે.

જ્ઞાની પોતે સ્વભાવમાં રહી, પરભાવને જાણે

પ્રશ્નકર્તા : સ્વભાવ-પરભાવ વિશે વધારે સમજાવશો ?

દાદાશ્રી : ‘હું શુદ્ધાત્મા’ એ સ્વભાવ કહેવાય. ‘હું ચંદુભાઈ’ ને ‘આ મારું’ એ બધો પરભાવ. ‘હું ચંદુ છું અને આ ભાવ કરું છું, પૈસા કમાવવાનો ભાવ કરું છું’ એ પરભાવ કહેવાય. અને હું ચંદુ નહીં ને હું શુદ્ધાત્મા છું એટલે પૈસા કમાવવાનો ભાવ છે એ છે તે પરભાવ નથી ગણાતો. એ છે તે ડિસ્ચાર્જ છે. અને તેને આપણે જોયા કરવાનું, કે ચંદુ શું કરે છે.

પ્રશ્નકર્તા : એવું કેમ, દાદા ?

દાદાશ્રી : આત્મજ્ઞાની પરભાવમાં કેમ કરીને આવે ? આત્મજ્ઞાની થયો એટલે પોતે સ્વભાવમાં હોય. પરભાવ એને ઉત્પન્ન થાય ખરા, તે પરભાવને જાણે.

આત્મા ન કરી શકે પરભાવ, રહે સ્વભાવનો જ કર્તા

પ્રશ્નકર્તા : એટલે શુદ્ધાત્મા લક્ષ થયા પછી આવા ભાવો પરભાવ નથી ગણાતા ?

દાદાશ્રી : હા, કારણ કે આ આત્મા પરભાવ કરી શકતો જ નથી. આત્મા સ્વભાવનો જ કર્તા છે. કોઈ દહાડો પરભાવનો કર્તા છે જ નહીં. પરભાવનો કર્તા કોણ ? ત્યારે કહે, અજ્ઞાન, ‘હું ચંદુ છું’ એ પરભાવનો કર્તા, ‘હું શુદ્ધાત્મા છું’ એ સ્વભાવનો કર્તા. આત્મા કોઈ દહાડો પરભાવનો કર્તા થયો નથી, થશે નહીં અને થવાનોય નથી. પોતાના ધર્મની બહાર આત્મા ગયો નથી. કોઈ પણ વસ્તુ પોતાના ધર્મની બહાર હોતી નથી. કોઈ પણ વસ્તુ પોતાના ધર્મની આઉટ સાઈડ (બહાર) રહી શકતી જ નથી. એના નિજધર્મમાં હોય. આત્મા પોતાના નિજધર્મમાં જ છે.

આ તો પરભાવો એ બિગિનિંગ ઑફ કોઝીઝ છે. આ ભાવકર્મ ‘મને’ થાય છે એ જ બંધન છે, એ જ પરભાવ છે. પરભાવને સ્વભાવ માને એ જ બંધન. પરભાવ કેમ ? પરસત્તાને આધીન છે. શાસ્ત્રોમાં શું લખ્યું છે, કે (આત્મા) સ્વભાવથી અકર્તા છે. આ વિભાવથી, વિશેષભાવથી કર્તા છે અને માટે ભોક્તા છે.

જ્ઞાન પછી રાગ-દ્વેષ એય ડિસ્ચાર્જ

પ્રશ્નકર્તા : રાગ-દ્વેષને ભાવ કહે છે એ બરાબર નથી ?

દાદાશ્રી : આ જ્ઞાન પછી રાગ-દ્વેષ એય છે તે ડિસ્ચાર્જ વસ્તુ છે. તમારે કરવાનું ના ગમતું હોય છતાંય કરવું પડે, તે પહેલાનો રાગ હતો તેથી. બધી ડિસ્ચાર્જ થતી વસ્તુઓ છે.

ખરાબ વિચાર આવતા હોય, તે તમને ના ગમતા હોય, તો તમને એના કર્મ બંધાય નહીં. મહીં વિચાર આવતા હોય ને તમે એમ કહો કે આ આમ જ કરવા જેવું છે, તો કર્મ બંધાય.

બાકી, મનેય ડિસ્ચાર્જ થયા કરે છે, વાણીયે ડિસ્ચાર્જ થયા કરે છે અને આ બૉડીયે (કાયાયે) ડિસ્ચાર્જ થયા કરે છે. ત્રણેવ બૅટરીઓ ડિસ્ચાર્જ જ થયા કરે છે.

દ્રવ્ય એ ડિસ્ચાર્જ થનારી વસ્તુ છે અને ભાવ એ અંદર ઉત્પન્ન થતી વસ્તુ છે. એ અંદર આપણો અભિપ્રાય હોય તે વખતે ભાવમાં.

આજ્ઞાપાલન ત્યાં ના રહે પરભાવ

પ્રશ્નકર્તા : વ્યવહારમાં જો અતિક્રમણ થઈ જાય તો તુરંત પ્રતિક્રમણ કરી નાખવાનું આપે સૂચન કર્યું છે, પણ જો નિજ સ્વભાવમાંથી પરભાવ કે પરદ્રવ્યમાં ખેંચાઈ જવાય કે તેમાં જ તન્મયાકાર થઈ જવાય તો શું કરવું ? પરભાવ કે પરદ્રવ્યમાં તન્મયાકાર થવું એ શુદ્ધાત્માનું અતિક્રમણ થયું કહેવાય ? કૃપા કરીને સમજાવશો.

દાદાશ્રી : અમારી જે આજ્ઞા પાળે તે પરભાવમાં જઈ શકે નહીં. એને જવું હોય તોય નહીં જવાય. પરદ્રવ્યમાં ખેંચાય જ નહીં.

જો આજ્ઞા પાળશો તો પરભાવ ને પરદ્રવ્યની ભડક રાખશો નહીં. એ જો ભડક રહી હોતને તો આ માર્ગ કહેવાત જ નહીં કે મેં તમને મોક્ષ આપ્યો છે એવું. એટલે એ ભડક નથી, માટે તમારે કોઈએ ભડકાટ રાખવાનો નહીં.

એટલે કોઈ ગભરાશો નહીં. એમાં તન્મયાકાર થાય તોય એ પરભાવમાં કે પરદ્રવ્યમાં નથી. જો આજ્ઞા પાળો છો તો આ નથી અને આ છે તો આજ્ઞા પાળી શકાય નહીં. એટલું બધું વૈજ્ઞાનિક છે આ તો બધું. વિજ્ઞાન આખું પૂરું કરે તો એક જ માણસ આખા બ્રહ્માંડને એ (આશ્ચર્ય) કરી નાખે.

પ્રશ્નકર્તા : આવો વિચાર આવ્યો એટલે મારી જાગૃતિ ઓછી અને આજ્ઞાનું પાલન ઓછું થાય છે એવો અર્થ થયો ?

દાદાશ્રી : ના, એવું કશું નહીં. આ તો આ સમજણનો ખુલાસો થયેલો નહીંને એટલે આવું થાય. આ સમજણનો એક ફેરો ખુલાસો થઈ ગયો એટલે ફરી ના થાય.

પ્રશ્નકર્તા : પરભાવમાં ચાલ્યું જવાય છે એટલે આજ્ઞામાં નથી રહેવાતું એમ કહેવાય ?

દાદાશ્રી : હવે પરભાવમાં જતું જ નથી. પરભાવ વસ્તુ જુદી છે. બીજું જાય છે એ. પરભાવ હોતો નથી.

(હવે) એ કર્મની નિર્જરા જ થયા કરે. કંઈ વાંધા જેવું નથી એમાં. પરભાવ તો કર્મ બંધાય, ચાર્જ થાય અને ચાર્જ થાય એટલે ચિંતા શરૂ થઈ જાય. અને ચિંતા થાય એટલે ભટકવાનું દુનિયામાં, સંસાર મંડાયો. આ વિજ્ઞાન એમાં પરદ્રવ્ય અને પરભાવ છે જ નહીં. જો હોત તો એ સમાધિ આપે જ નહીં.

પ્રશ્નકર્તા : એટલે આજ્ઞા પાળવી એ જ મુખ્ય છે ?

દાદાશ્રી : બસ, બીજું કશું જ નહીં. આપણે આજ્ઞા પાળશોને, એ એનું ફળ જ આ છે. પરભાવથી મુક્તિ અને સ્વભાવમાં રહેવું એ જ આ આજ્ઞાનું ફળ જ છે. એટલે તમારે એ ફળ લાવવાની જરૂર નથી, તમારે તો આજ્ઞા પાળવાની જરૂર છે.

સ્વભાવથી છે જ અપ્રતિબદ્ધ, હવે જરૂર દ્રઢતાની

‘હું શુદ્ધાત્મા છું’, સ્વભાવ ભાવ સિવાય બીજો ભાવ જ ઉત્પન્ન ના થાય, પરભાવ જેને ઉત્પન્ન જ ના થાય, એ અપ્રતિબદ્ધ કહેવાય. નહીં તો પ્રતિબદ્ધ છે જ, બંધાયેલો જ છે ને પરભાવમાં !

પ્રશ્નકર્તા : દાદા, આપે તો બહુ સાદો અર્થ કર્યો. આ અપ્રતિબદ્ધપણું એટલે તો સ્વભાવમાં આવવું.

દાદાશ્રી : હા, ભાવથી સ્વભાવમાં રહેવું. પરભાવથી પ્રતિબદ્ધ અને સ્વભાવથી અપ્રતિબદ્ધ. તમે સ્વભાવમાં જ આવેલા છો, છોયે સ્વભાવમાં. પણ હવે શું થાય ?

પ્રશ્નકર્તા : દાદા, અમે અપ્રતિબદ્ધ દશામાં છીએ ?

દાદાશ્રી : હા, છો ને, પણ એ તમને એટલી દ્રઢતા આવવી જોઈએને કે નહીં, હું અપ્રતિબદ્ધ જ છું, પુરાવા સહિત. પુરાવા સહિત હોવું જોઈએ પાછું. એ દશા મેં આપેલી છે તમને, પ્રાપ્ત થયેલી છે. તમે કારખાના ચલાવો છો ને અપ્રતિબદ્ધપણે વર્તો છો, જુઓને ! એ કેવી અજાયબી આ કાળમાં ! પછી શું ?

પ્રશ્નકર્તા : દાદા, હજુ અપ્રતિબદ્ધ દશાની તો શરૂઆત છે.

દાદાશ્રી : શરૂઆત છે. એટલે એ ગાઢ થવું જોઈએ. એ માન્યતા ગાઢ થવી જોઈએ. તમે આ છો, પણ એ માન્યતા હજુ ગાઢ થઈ નથી. એ બિલીફ ગાઢ થવી જોઈએ, સમ્યક્ દર્શન ! છો તો એ જ, પણ હજુ ગાઢ થયું નથીને ! ગાઢ તો પહેલાનું, તે પહેલાનું પાછું યાદ આવ્યા કરે.

v v v v v

[8.2]

સ્વપરિણતિ-પરપરિણતિ

પરિણતિ એટલે શું ?

પ્રશ્નકર્તા : પરિણતિ એટલે શું, દાદા ? પરિણતિનો અર્થ સમજાવો.

દાદાશ્રી : પરિણતિ એટલે પરિણામને પોતાના માનવા. પરિણતિ બે પ્રકારની : એક ક્રિયા પરિણતિ છે અને એક જ્ઞાન પરિણતિ છે. ક્રિયા પરિણતિ એ મિકેનિકલ છે, જ્ઞાન પરિણતિ દરઅસલ હોય. જગત આખું પરપરિણતિમાં છે, સ્વપરિણતિ જોઈ જ નથી.

પુદ્ગલ પરિણામને પોતાના માનવા તે પરપરિણતિ

પ્રશ્નકર્તા : સ્વપરિણતિ-પરપરિણતિ એટલે શું એ સમજાવો.

દાદાશ્રી : પરપરિણતિ એટલે શું કે પુદ્ગલના પરિણામ પુદ્ગલ કરી રહ્યું છે તેને આપણે કહીએ છીએ, ‘હું કરી રહ્યો છું.’ એટલે કરે છે બીજો અને કહે છે કે ‘હું કરું છું.’ બીજાના પરિણામને ‘હું કરું છું’ એમ કહે છે, ‘પોતાના પરિણામ છે’ એમ કહે છે. છે પુદ્ગલના પરિણામ, તેને કહે છે કે ‘આ મારા પરિણામ છે.’ એ તો પુદ્ગલ જ થઈ ગયોને ! તારા આત્મ પરિણામ જુદા હોય. પુદ્ગલને, ક્રોધ-માન-માયા-લોભને પોતાના માનવા તે પરપરિણતિ.

તે લોકો પુદ્ગલ પરિણતિમાં છે. પુદ્ગલ પરિણામને પોતાના પરિણામ માને છે. એટલે પરપરિણામના માલિક આ લોકો. પોતાના પરિણામની ખબર જ નથી.

આ શરીરમાં આત્મા સિવાય બીજા જે પરિણામ થાય છે, તેને મારા જ પરિણામ છે માને તે પરપરિણતિ છે.

પ્રશ્નકર્તા : પરપરિણામ અને પરપરિણતિમાં શું ફરક ?

દાદાશ્રી : આ જે ચંદુભાઈ કરે એ બધું પરપરિણામ કહેવાય. એને ‘હું કરું છું’ એવું જો થાય તો પરપરિણતિ કહેવાય.

‘માથું દુઃખે છે’ એ પરપરિણામ કહેવાય અને તેને ‘મને દુખ્યું’ એમ કહ્યું એને પરપરિણતિ કહી. જેણે સ્વપરિણતિ, સ્વપરિણામ જોયા નથી, તે પરપરિણતિ સિવાય બીજું શું જુએ ?

પરપરિણતિ એટલે, ઈટ હેપન્સ આ બધું થઈ રહ્યું છે, બીજી શક્તિ કરે છે, પરશક્તિ કરે છે ને પોતે માને છે ‘હું કરું છું.’ આ કરે છે બીજો એટલે ઉદયકર્મ કરે છે, આ વ્યવસ્થિત કરે છે અને આ કહે છે કે ‘હું કરું છું’ તે પરપરિણતિ. પારકાના પરિણામ પોતે કર્યા છે એવું બોલવું, આરોપ કરવો. પરદ્રવ્યના પરિણામ છે એ, તેને સ્વદ્રવ્યના પરિણામ માનવા એનું નામ પરપરિણતિ.

પ્રશ્નકર્તા : પરપરિણતિ ઉત્પન્ન કોણ કરે છે ?

દાદાશ્રી : પરપરિણતિ કોણ ઉત્પન્ન કરે છે ? જીવતો ઈગોઈઝમ. એ પરપરિણતિને સ્વપરિણતિ માને છે. અમે કહ્યું, પરપરિણતિને પરપરિણતિ માનો ને સ્વપરિણતિને સ્વપરિણતિ માનો.

પરને પર ને સ્વને સ્વ માને એ સ્વપરિણતિ

પ્રશ્નકર્તા : અને સ્વપરિણતિ એટલે શું ?

દાદાશ્રી : સ્વપરિણતિ એટલે પુદ્ગલના પરિણામને પરપરિણામ માનવા અને પોતાના પરિણામને પોતે પોતાના માનવા, એ સ્વપરિણતિ.

આ જે થઈ રહ્યું છે તેને કહે છે કે ‘હું કરી રહ્યો છું’ તે પરપરિણતિ. આ જે કંઈ થઈ રહ્યું છે તે ‘હું કરતો નથી’ તે નિજપરિણતિ. કર્તાપદને પરપરિણતિ કહેવાય અને જ્યાં પરપરિણતિ નથી ત્યાં સ્વપરિણતિ છે.

પ્રશ્નકર્તા : સ્વપરિણતિ કેવી રીતે ઉત્પન્ન થાય ?

દાદાશ્રી : ‘કોણ કરે છે’ એ સમજાઈ જાય તો સ્વપરિણતિ ઉત્પન્ન થાય. જેમ છે તેમ જાણવું એ સ્વપરિણતિમાં આવે.

મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર એ જ સંસારમાં રખડાવનારા છે. મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકારથી પર થાય તો જ શુદ્ધ પરિણતિ આવે. આ તો જે પોતે જ અશુદ્ધ છે, તે શુદ્ધ પરિણામ ક્યાંથી લાવે ? આખુંય જગત અશુદ્ધ પરિણતિમાં જ છે. શુદ્ધ પરિણતિમાં તો કોણ રહી શકે ? જ્ઞાનીઓ સિવાય કોઈ શુદ્ધ પરિણતિમાં રહી શકે જ નહીં.

એક મિનિટ પણ સ્વપરિણતિમાં આવે ત્યાંથી એનો મોક્ષમાર્ગ ખુલ્લો થઈ ગયો. સ્વપરિણતિ એ મોક્ષનો હેતુ. પરપરિણતિ એ સંસાર !

પરપરિણતિથી તો ઊલટાનો સંસાર બગાડે છે અને સ્વપરિણતિથી તો સુંદર સંસાર ચાલે.

‘હું શુદ્ધાત્મા’ ને ‘ના કોઈ કર્તા’ એ શુદ્ધ પરિણતિ

પ્રશ્નકર્તા : શ્રીમદ્નું એક વાક્ય છે કે શુદ્ધ પરિણતિ હોય નહીં, ત્યાં સુધી પરમ વિશ્વાસ પ્રાપ્ત થાય નહીં, પરમ શ્રદ્ધા પ્રાપ્ત થાય નહીં. તે સમજાવશો.

દાદાશ્રી : શુદ્ધ પરિણતિ એટલે ‘હું શુદ્ધ આત્મા છું’, પોતાનું લક્ષ એ. ‘આ દેહ હું ન્હોય, હું શુદ્ધાત્મા છું’ અને બીજા પણ ‘શુદ્ધાત્મા છે’ એવી એને ખાતરી થઈ જવી જોઈએ ત્યારે શુદ્ધ પરિણતિ ઉત્પન્ન થાય. જો બીજાને, શુદ્ધાત્માને કર્તા દેખે તો શુદ્ધ પરિણતિ ના કહેવાય. બીજાને અકર્તા દેખે. પોતે અકર્તા, સામોય અકર્તા. હું કરું છું, તું કરું છું અને તેઓ કરે છે, એ ત્રણેવ છે તે કર્તાપદ ના હોવું જોઈએ.

એક કર્તાપદ ને બીજું અકર્તાપદ. કર્તાપદમાં ‘હું ચંદુલાલ ને હું જ આ બધું કરું છું’ તે પરપરિણતિ ને તે અનંત અવતાર સંસારમાં ભટકામણ જ કરાવનારી છે ને બીજું અકર્તાપદ તે સ્વપરિણતિ. સ્વપરિણતિ મોક્ષમાં લઈ જાય. સ્વપરિણતિને ભગવાને ‘મોક્ષ’ કહ્યો છે. એક અશુદ્ધ પરિણતિ ને તે પ્રસવધર્મી છે. તે નર્યા બચ્ચા જ જન્મ્યા કરે. અને બીજી શુદ્ધ તે સ્વધર્મી પરિણતિ, તે મોક્ષ તરફ પ્રગતિ કરે. બે જ પરિણતિ છે.

શુભ-અશુભ બન્ને પુદ્ગલ પરિણતિ : શુદ્ધ એ સ્વપરિણતિ

પ્રશ્નકર્તા : તમે બે જ પરિણતિ છે એમ કહ્યું, એક અશુદ્ધ ને બીજી શુદ્ધ પરિણતિ કહી, તો ત્રીજી શુભ પરિણતિ નહીં ?

દાદાશ્રી : શુભ અને અશુભ તે બધી પુદ્ગલ પરિણતિ છે અને શુદ્ધ ભાવ મોક્ષ છે. શુદ્ધ ભાવ તો એનું નામ કહેવાય કે ક્યારેય પણ જાય નહીં, અવિનાશી ભાવ. એ સ્વભાવભાવ છે, વિભાવભાવ નથી.

પ્રશ્નકર્તા : અધ્યવસાયમાં શુભ-અશુભતા હોય ? અધ્યવસાયમાં શુભ અને અશુભ એવું ભેદાંકન હોય ?

દાદાશ્રી : હા, એ તો હોય. શુભ-અશુભ હોય જ. એ તો એમાં દીવા જેવી વાત. પણ આ પરિણતિ શુભ-અશુભ હોતી હશે ? પરિણતિ એટલે બે પ્રકારની પરિણતિ; એક પુદ્ગલ પરિણતિ છે અને એક આત્મ પરિણતિ છે. સ્વપરિણતિ અને પરપરિણતિ બે જ હોય.

જેને મોક્ષે જવું હોય તેને બે જ પરિણતિ છે; એક અશુદ્ધ પરિણતિ ને બીજી શુદ્ધ પરિણતિ. અશુદ્ધ પરિણતિથી સંસાર છે ને શુદ્ધ પરિણતિથી મોક્ષ છે.

સમકિતીને જ ‘પરિણતિ’ બોલવાનો અધિકાર

પ્રશ્નકર્તા : અમે એવું સાંભળ્યું હતું કે અશુભ પરિણતિ છોડો અને શુભ પરિણતિ કરો તો એ શું ? ?

દાદાશ્રી : આ અશુભ પરિણતિ છોડો અને શુભ પરિણતિ કરો, કહેશે. હવે એને ખરેખર પરિણતિ નથી ગણાતી, પણ છતાં આ પરિણતિનો અર્થ નીચો લાવ્યા. બે જ પ્રકારની પરિણતિ; એક સ્વપરિણતિ ને બીજી પરપરિણતિ. બીજે પરિણતિ ના વપરાય.

કેટલાક કહે છે કે આ ભાઈની પરિણતિ બરાબર નથી, પણ પરિણતિ વસ્તુ જુદી જ છે. તેને લોક જ્યાં ત્યાં વાપરે છે.

આ ‘પરિણતિ’ શબ્દ જ કોઈથીયે ના બોલાય. આ તો બધા જ ‘પરિણતિ’ શબ્દ બોલે છે ને શબ્દ વાપરે છે. એ શબ્દ તો જ્ઞાનીનો છે. જ્ઞાની જ ‘પરિણતિ’ શબ્દ બોલી શકે.

ધર્મમાં હોય કે ગમે ત્યાં પરપરિણતિ શબ્દ ના વપરાય. વ્યાખ્યાનમાં જાય ત્યાં સંસારનો વિચાર આવે તો તેને પરપરિણતિ માને અને ધર્મના કાર્યને સ્વપરિણતિ માને. પણ એ પોતે જ મૂળથી પરપરિણતિમાં છે.

‘પરિણતિ સારી નથી’ એવું કહે છે ને, એ શું હશે ? ભગવાનની ભાષા જુદી છે. ભગવાનની ભાષા રહી જ નથી. આ તો કહેશે, મનના શુદ્ધ પરિણામ રહે. આ કોણે અર્થ કર્યો છે તે જ નથી સમજાતું. એક મહારાજ સમજણ પાડતા કે પરિણતિ સારી રાખ. આ પરિણતિ બોલવાનો અધિકાર જ ના હોય. પરિણતિ તો તીર્થંકર કે જ્ઞાની બેને જ બોલવાનો અધિકાર છે.

એ સમકિતી માણસને જ પરિણતિ બોલવાનો અધિકાર, બીજા કોઈને બોલવાનો અધિકાર જ નથી. કારણ કે એ જ પરપરિણતિમાં છે ને એને પરિણતિ બદલવાનું ક્યાં રહ્યું ? પરપરિણતિમાં છે, કાદવમાં જ છે ને પછી ‘કાદવને અડશો નહીં’ એમ કહે, એના જેવી વાત છે.

ભાવની પરિણતિ સારી રહેતી નથી એવું કહે છે ને ? એ પરિણતિ શબ્દ વપરાય જ નહીં. છતાં ચોથા ગુંઠાણા પછી વપરાય. પણ પરપરિણતિને સ્વપરિણતિ માને તો સમકિત આગળ વધે નહીં. મનની, બુદ્ધિની પરિણતિ એ બધી પરપરિણતિ છે.

આત્મપરિણતિ જાણે, તો સ્વ-પર પરિણતિ ખ્યાલમાં આવે

આ બધા પરપરિણતિમાંય નથી. કારણ કે સ્વપરિણતિને ઓળખે તો પરપરિણતિમાં રહ્યો કહેવાય. સ્વપરિણતિને ઓળખતો નથીને, તો પરપરિણતિ શાને ?

પ્રશ્નકર્તા : સ્વપરિણતિમાં નથી, પરપરિણતિમાંય નથી તો પછી શેમાં છે ?

દાદાશ્રી : પરિણતિ તો આત્માની પરિણતિને જાણે, તેમાં ન રહેવાય તો પોતે પરપરિણતિમાં છે એમ ખ્યાલમાં રહે અને આ તો વાત-વાતમાં પરિણતિ બોલે.

પ્રશ્નકર્તા : આખા દિવસમાં પચાસેક વખત તો આવતું હશે, શુભ પરિણતિ, અશુભ પરિણતિ એવું બધું.

દાદાશ્રી : હવે પરિણતિમાં શુભ ને અશુભ હોતું નથી. આ નવી જાતનું તોફાન !

પ્રશ્નકર્તા : સ્વ અથવા તો પર બેમાંથી એક હોય છે.

દાદાશ્રી : બસ, સ્વ-પર પરિણતિ છે. જો આત્માની પરિણતિમાં છે તો સ્વપરિણતિ અને નહીં તો પુદ્ગલ પરિણતિમાં છે. એ જે જાણે છે કે આ આત્મ પરિણતિ છે, માટે મારી આ પુદ્ગલ પરિણતિ છે. તેને પરિણતિ છે, બાકી બીજાને પરિણતિ કેવી ?

પ્રશ્નકર્તા : આ પરપરિણામ જાણે તો તરત જ પાછો સ્વપરિણામમાં આવી જાયને ?

દાદાશ્રી : સ્વપરિણામમાં ના આવી શકે તોય વાંધો નહીં પણ સ્વપરિણતિને જાણતો હોય એ પરપરિણતિ ક્યારે ખસે તેવા પ્રયત્નમાં હોય. ક્યારે પરપરિણતિ જાય એવા પ્રયત્નમાં હોય.

પ્રશ્નકર્તા : તો દાદા, એ લોકો બીજાને કહે કે તમે પરપરિણતિમાં છો, તો પોતે ના હોય ત્યારે જ કહેને ?

દાદાશ્રી : પણ એનું નામ જ ભ્રાંતિને ! એ પોતે પિત્તળ લઈને બેઠેલા હોય અને આપણા સાચા સોનાને કહે છે કે તમે પિત્તળ લઈને આવ્યા છો. એટલે સાચા સોનાવાળો સમજતો હોય કે મારું સાચું છે, એનું પિત્તળ છે, પણ એને સમજણ નથી એટલે બિચારો આવું બોલે છે. એટલે પછી એ એને સહન કરે. સહન કોને કરવાનું છે ? આ દુનિયામાં જે સાચા છે એને સહન કરવાનું છે.

કર્તાપદે જપ-તપ-ત્યાગ-ધર્મ એ બધું પરપરિણતિ

આ બધા જે લોકો જપ, તપ, ત્યાગ જે જે બધું કરે છે એ બધી પરપરિણતિ છે. એટલે સંસારમાં જ ભટકવાનું સાધન ખોળી કાઢ્યું છે.

એ સાધુ હોય કે સંન્યાસી હોય, સમાધિમાં રહેતો હોય કે ઉપાધિમાં રહેતો હોય પણ ચિંતા વગર કોઈ માણસ ના હોય. ચિંતા એટલે શું ? મહીં આકુળતા-વ્યાકુળતા રહ્યા જ કરતી હોય આમ. કારણ કે પરપરિણતિમાં છે. સ્વપરિણતિ ઉત્પન્ન થાય તો જ દહાડો વળે.

‘હું આ કરું છું, હું આ ભોગવું છું, હું આ ધર્મ કરું છું’ ત્યાં સુધી પરપરિણતિ. ‘હું સંડાસ જઉ છું, હું ઊંઘી જઉ છું’ તેય પરપરિણતિ. આ બધી પરપરિણતિ હોય ત્યાં સુધી સ્વપરિણતિનો છાંટોય પણ ન દેખી શકે. પરપરિણતિ જોયેલી ખરી કોઈ વખત ?

પ્રશ્નકર્તા : પરપરિણતિમાં જ છીએ ને.

દાદાશ્રી : હવે સ્વપરિણતિમાં આવીએ તો સ્વાદ જુદી જ જાતનો હોય. આ અત્યારે પરપરિણતિમાં જે સ્વાદ આવે છે એના કરતા સ્વપરિણતિનો સ્વાદ જુદો જ હોય.

આ અમૃતમય હોય, પેલું વિષપાન હોય. પેલી વિષમસ્થિતિ હોય, આ સમસ્થિતિ હોય. સ્વપરિણતિમાં સમસ્થિતિ હોવી જ જોઈએ, અમૃતપાન હોવું જ જોઈએ. વિષપાન કદી પણ, એક સેકન્ડ પણ ન આવે, એનું નામ સ્વપરિણતિ. સ્વપરિણતિમાં જાગૃતિનું પ્રમાણ ઓછું-વત્તું હોય !

સ્વપરિણતિમાં છે એ સંન્યસ્ત

પ્રશ્નકર્તા : આપે જે સંન્યાસી શબ્દ કહ્યોને, તો એ ખરા સંન્યાસીનો અર્થ સમજાવો. એમની સ્વપરિણતિ, સ્વપરિણામ કેવા હોય ?

દાદાશ્રી : પરપરિણામને અને સ્વપરિણામને સમજીને ચાલતા હોય તે સંન્યાસી કહેવાય. પરપરિણામને અને સ્વપરિણામને જે જાણી શકે તે સંન્યાસી.

પ્રશ્નકર્તા : અને દાદા, સંન્યાસનો અર્થ સમજાવો, સંન્યસ્ત !

દાદાશ્રી : સંન્યાસ તો પરપરિણતિને ખસેડ ખસેડ કરે. ક્રમિક માર્ગમાં પરપરિણતિને ખસેડ ખસેડ કરે. અને એને આ સંસાર ડખામાં પડેલી ના હોય કશી.

જે સંસારમાં રહે છે, બધી રીતે સંસારી છે, પણ સંસારના ભાવમાં એટલે પરભાવમાં નથી, જે સ્વપરિણતિમાં છે એ સંન્યસ્ત છે. અગર સ્વપરિણતિમાં જેની શરૂઆત થઈ છે, હજુ પૂર્ણાહુતિ નથી થઈ એ સંન્યસ્ત.

આચાર્ય ભગવંતને હોય ઘણી ખરી સ્વપરિણતિ

પ્રશ્નકર્તા : આચાર્ય ભગવાનની પરિણતિ કેવી હોય ?

દાદાશ્રી : આચાર્ય ભગવાન તો કેવા હોય ? કે પોતે સ્વ-પરનું જ્ઞાન ધરાવતા હોય અને પરપરિણતિમાં થોડા કાચા હોય. સ્વપરિણતિ જ હોય ઘણી ખરી.

પ્રશ્નકર્તા : પરપરિણતિમાં થોડા કાચા હોય એ ના સમજાયું.

દાદાશ્રી : પરપરિણતિમાં થોડા કાચા હોય એટલે એ શું કરે કે બીજા બાબતમાં ‘કર્તા છું’ એવું ના કહે, પણ આ ભણીએ છીએ, ભણાવડાવીએ છીએ એ બધામાં અમે કર્તા છીએ. આચાર પળાવડાવીએ છીએ તેમાં અમે કર્તા છીએ. એ પરપરિણામના એટલા ભાગના કર્તા રહેલા હોય છે. એ તો ચાલી શકે, એ ક્રમિક માર્ગમાં થોડાઘણા પરપરિણામના કર્તા હોય તો જ આચાર્ય કહેવાય.

‘સ્વપરિણતિ’ અક્રમે બે કલાકમાં જ

પરપરિણતિ ને સ્વપરિણતિની સમજ ઉત્પન્ન ના થાય ત્યાં સુધી અહીં સત્સંગમાં આવીને ખુલાસા કરી લેવા જોઈએ. આ પરપરિણતિ ને સ્વપરિણતિને જુદા પડે એવું આ ભેદકજ્ઞાન છે. જે સ્વપરિણતિ ને પરપરિણતિ વીતરાગની ભાષામાં સમજ્યો, તેને ભેદજ્ઞાન થયું એમ કહેવાય.

પ્રશ્નકર્તા : દાદા, અમારે સ્વપરિણતિ કેવી રીતે થાય ?

દાદાશ્રી : આ જે જ્ઞાન છે એ તો અજાયબ વિજ્ઞાન છે ! તેનાથી પહેલી ‘વસ્તુ’ની પ્રતીતિ બેસે, ‘જ્ઞાની પુરુષ’ની કૃપાથી. પછી પ્રતીતિ આગળ વધતી વધતી સંપૂર્ણ દર્શનમાં પહોંચે. સંપૂર્ણ દર્શનમાં પહોંચે એવું આ ‘અક્રમ જ્ઞાન’ છે. ત્યાર પછી ‘સ્વપરિણતિ’ શરૂ થાય. ‘વસ્તુ’માં જ્યારે પુરુષાર્થ જાગે, ‘વસ્તુ’નો સ્વાભાવિક પુરુષાર્થ જાગે, ‘વસ્તુ’ સ્વરૂપે થાય, ત્યારે ‘સ્વપરિણતિ’ ઉત્પન્ન થાય ! સ્વપરિણતિ એ અલૌકિક વસ્તુ છે ! લૌકિકમાં જોવામાં કે સાંભળવામાં નથી આવી એવી આ વસ્તુ છે !

આ તો ઈલેવન્થ વન્ડર ઑફ વર્લ્ડ ! અગિયારમા આશ્ચર્ય તરીકે બહાર પડશે આ. બે કલાકમાં આખી પરિણતિ જ ફેરફાર થઈ જાય. પરપરિણતિમાં હતો તે સ્વપરિણતિમાં આવી જાય. પરપરિણતિ આખી ઊડી જાય છે. પછી ગમે તે નાતનો હોય તેનો વાંધો નથી.

તમારે તો આ બે કલાકમાં જ કરેક્ટ, અને આવું બનેલું નહીં આ. વિધિન ટુ અવર્સ આટલું બધું કામ થાય છે, એવું બનેલું જ નહીં અને તે ક્ષાયક સમકિત. આ કાળમાં શાસ્ત્રોએ ના પાડી છે એવું ક્ષાયક સમકિત તૈયાર થઈ જાય છે.

પરપરિણતિથી થયા મુક્ત, ક્ષાયક સમકિતે

પ્રશ્નકર્તા : ક્ષાયક સમકિત વિશે ફોડ પાડશો.

દાદાશ્રી : ક્ષાયક સમકિત એટલે શું ? પરપરિણતિ જ નહીં, નિરંતર સ્વપરિણતિ જ રહે તે !

વિનાશી ચીજોમાં સુખબુદ્ધિ કોઈ જગ્યાએ રહે નહીં. વિનાશી ઉપર બધી પરિણતિ ખલાસ થઈ ગઈ છે, એને ક્ષાયક સમકિત કહ્યું.

સમ્યકત્વ એ દ્રષ્ટિ છે અને તેનાથી સ્વપરિણતિ ઉત્પન્ન થાય. જ્યાં સુધી ઉપશમ સમ્યકત્વ છે, ક્ષયોપશમ છે, ત્યાં સુધી એને ક્ષાયક ના કહેવાય. અને ક્ષાયક થઈ એટલે પરપરિણતિ જ ના હોય. આ મહાત્માઓને પરપરિણતિ નથી. એ પોતે સમજતા નથી કે અમને (પરપરિણતિ) નથી પણ છતાં હું કહું છું કે નથી. સ્વપરિણતિમાં જ મુકામ છે અને સ્વપરિણતિ એ જ શુક્લધ્યાન. એને શુક્લધ્યાન ને ધર્મધ્યાન બે રહે, કારણ કે મારી આજ્ઞામાં રહેવાનું. આખો દહાડો સંસાર વ્યવહારમાં, છોકરાં બધું પૈણાવવાનું. એટલે ત્યાગ તો એમણે બધો જ કરી નાખ્યો છે. આ સાધુ-સંન્યાસીઓએ ત્યાગ અડધો કર્યો છે અને આમણે તો બધો જ કરી નાખ્યો છે, અહંકાર ને મમતા બેઉ ગયેલી છે.

પ્રશ્નકર્તા : શુક્લધ્યાન એ આત્માનું પરિણામ કહેવાય છે ?

દાદાશ્રી : હા, સ્વાભાવિક પરિણામ એ ચોથું ધ્યાન, સ્વાભાવિક પરિણતિ.

પ્રશ્નકર્તા : તો પછી પહેલા જે ત્રણ ધ્યાન, આર્ત-ધર્મ અને રૌદ્રધ્યાન એ પુદ્ગલ પરિણતિ કહેવાય ને ?

દાદાશ્રી : હા, પુદ્ગલ પરિણતિ અને તે (મહાત્મા માટે) ત્રણ ધ્યાન પુદ્ગલના પરિણામ છે, અહંકારના પરિણામ.

જ્ઞાનપ્રાપ્તિ પછી પરપરિણામને ન માને પોતાના

આપણું વિજ્ઞાન તમને પહેલે દહાડે સ્વપરિણતિમાં મૂકે છે. આ ‘અક્રમ જ્ઞાન’ મળ્યા પછી પરપરિણતિ થતી જ નથી. તેને જૈનોએ બહુ મોટામાં મોટું કહેલું છે. પરપરિણતિ ના ઉત્પન્ન થાય એ બહુ મોટું કહેવાય. તે તો આપણે જ્ઞાન આપીએ ત્યારથી જ નથી રહેતી પરપરિણતિ. તમારે રહે છે પરપરિણતિ ?

પ્રશ્નકર્તા : આમ તો સ્વપરિણતિમાં આવી ગયા પણ પછી પ્રવૃત્તિમાં એ ધ્યાન ન રહે. પ્રવૃત્તિ વખતે એ ભૂલી જવાય એટલું જ.

દાદાશ્રી : ના, પણ પરપરિણતિ રહેતી નથીને ?

પ્રશ્નકર્તા : ભૂલી જાય તે વખતે પરપરિણતિ ન કહેવાય ને ?

દાદાશ્રી : કેમ ?

પ્રશ્નકર્તા : બીજી પ્રવૃત્તિમાં આ લક્ષ ન રહે ?

દાદાશ્રી : પણ બીજી પ્રવૃત્તિ મહાવીર સ્વામી નહીં કરતા હોય ? ચાલતા હોય, દેશના આપતા હોય, એ બધી પ્રવૃત્તિ તો એમને ન્હોતી ?

પ્રશ્નકર્તા : એ વખતે પરપરિણતિ ન કહેવાય ?

દાદાશ્રી : ના.

પ્રશ્નકર્તા : ભાવમાં તો વધઘટ નહીં થતી હોય ?

દાદાશ્રી : જે ભાવ વધઘટ થાય છે એ બધા પરપરિણતિના ને જે ભાવ વધઘટ થતા નથી તે બધી સ્વપરિણતિ.

‘હું કરું છું’ તે પરપરિણતિ કહેવાય. ‘આ આમણે મારું બગાડ્યું’, એમ કહે તો એ પરપરિણતિ કહેવાય. આ કંઈ પણ પરપરિણામ ઊભા થાય, એ પરપરિણામને પોતાના પરિણામ માનવા એનું નામ પરપરિણતિ. તે આપણે જ્ઞાન આપીએ ત્યારથી તમારે સ્વપરિણતિ ઉત્પન્ન થઈ છે. હવે પરપરિણામને પોતાના પરિણામ માનતો જ નથી. એટલે આ તો પરપરિણતિ છે જ નહીં. સ્વપરિણામને માનવાવાળા છે. પોતાના પરિણામોને જ માને છે.

અમને નિરંતર સ્વપરિણામ રહે. પરપરિણતિ અમને ઉત્પન્ન જ થતી નથી. તમનેય થતી નથી પણ તમને હજુ જરા મહીં ડખો રહ્યા કરે છતાં તમે મને કહો કે મને પરપરિણતિ ઉત્પન્ન થઈ તો હું માનું જ નહીં, કારણ કે આ જ્ઞાન જ એવું છે કે પરપરિણતિ ઉત્પન્ન જ ના થવા દે. પણ અક્રમ છે એટલે ગૂંચાય પણ પરપરિણતિ સ્વપરિણતિ થતી નથી ને સ્વપરિણતિ પરપરિણતિ થતી નથી.

સ્વપરિણતિમાં જ રહે એ સ્વરૂપ સ્થિતિ

પ્રશ્નકર્તા : શ્રીમદ્ રાજચંદ્રજીએ સદ્ગુરુદેવના લક્ષણો બતાવ્યા છે. સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચરે ઉદય પ્રયોગ, તો તે સ્વરૂપ સ્થિત એટલે આમાં શું કહેવા માગે છે એ કહો.

દાદાશ્રી : એ શું કહેવા માગે છે કે એ પોતાના સ્વરૂપમાં જ સ્થિત થયેલા છે. હોમ ડિપાર્ટમેન્ટમાં જ બેઠેલા છે, ફોરેનમાં છે જ નહીં. પરપરિણતિમાં નામેય નથી, સ્વપરિણતિમાં જ રહે છે એ સ્વરૂપ સ્થિત કહેવાય. નિરંતર એ જ લક્ષ રહે. નિરંતર લક્ષ રહેવું એનું નામ સ્વરૂપ સ્થિતિ.

પ્રશ્નકર્તા : આપણને કાયમ, અખંડ સ્વરૂપ સ્થિતિ રહે એવા થવું છે, તો એને માટે શા ઉપાય કરવાના ?

દાદાશ્રી : અખંડ સ્વરૂપ સ્થિતિ એને કહેવાય કે એક ક્ષણ પણ પ્રાપ્ત થઈ જાય તો પછી નિરંતર અખંડ જ રહે. જે એક ક્ષણ પણ, એક સમય પણ પ્રાપ્ત થઈ જાય તો નિરંતર રહ્યા કરે. પછી આઘીપાછી ના થાય.

આપણે તો અહીં આત્મા અનુભવમાં આવ્યો, શુદ્ધાત્મા. આ સ્વરૂપ સ્થિતિ કહેવાય છે. આ તો પરમેનન્ટ સ્થિતિ છે. આ તો ચેતક હાથમાં આવ્યો, ચેતવનારો. તે સ્વરૂપ સ્થિતિ કાયમની સ્થિતિ થઈ ગઈ. હવે બીજી જાતની સ્થિતિ ના હોય. આપણે જે કલ્પીએ એવી સ્થિતિ ના હોય.

સ્વરૂપ સ્થિતિ ક્રમિકમાં શબ્દથી, અક્રમમાં શબ્દાતીત

આ તો કાયમની સ્થિતિ થઈ ગઈ. ક્ષાયક સમકિત થયું. ક્ષાયક સમકિતનો અર્થ કેવો ? મિથ્યાત્વ ક્ષય થઈ ગયું, બિલકુલ ક્ષય થઈ ગયું. અને પેલું તો સ્વરૂપ સ્થિતિ એ તો કોઈને કલાક આવે, અરધો કલાક, પા કલાક આવીને જતી રહે.

ક્રમિક માર્ગમાં હોય એ શબ્દોથી સ્થિતિ હોય. આ સંસારમાં ચિત્ત ને બધું એમાં રહે, તે પેલા શબ્દોથી આત્માને જાણવાનો. એ શબ્દોથી જે જાણેલો હોયને, એને સ્વરૂપ સ્થિતિ કહે છે. તેમાં સ્થિર થાય. તે આમાં સ્થિરપણું મટી જાય અને પેલામાં જેટલો વખત સ્થિર થાય એટલી સ્વરૂપ સ્થિતિ કહેવાય.

જે માનેલી સ્વરૂપ સ્થિતિ હોય તે સ્થિરતાને રખાવડાવે, સ્થિરતા લાવવા દે. પણ એ ખરેખર સ્વરૂપ સ્થિતિ નથી. પણ તે તો શબ્દોની સ્થિતિ છે. હજુ તો દરઅસલ આત્મા તો જુદો રહ્યો. શબ્દોય નથી હવે, એ દરઅસલ આત્મા કહેવાય. તેથી જ ક્ષાયક સમકિત કહેવાય ને !

આ તો ક્ષાયક સમકિત છે. એ સ્વરૂપ સ્થિતિ બહુ ઊંચી જાતની છે.

આજ્ઞાપાલને રહે સ્વરૂપ સમાધિ

આ તો જેટલો વખત તમે આજ્ઞામાં રહોને તો સ્વરૂપ સ્થિતિ નહીં, સ્વરૂપ સમાધિ રહે છે.

પ્રશ્નકર્તા : સમાધિ રહે ?

દાદાશ્રી : હા, કેટલો વખત આજ્ઞામાં રહ્યા ? ત્રણ કલાક આજ્ઞામાં રહ્યા તો ત્રણ કલાક સમાધિ રહે ! કોઈ દહાડો કલાક રહેલા કે નહીં રહેલા આજ્ઞામાં ? રસ્તામાં રિલેટિવ-રિયલ જોતા જોતા ફરો ખરા ? મેં કહ્યું છે એવું રિયલ ને રિલેટિવ જોતા જોતા ચાલજો કલાક. એવું કલાક કોઈ વખત ચાલો છો ?

પ્રશ્નકર્તા : ચાલવાનું નહીં પણ એ ખ્યાલ રહે, એનો ખ્યાલ રહે.

દાદાશ્રી : હા પણ ખ્યાલ રહે એટલે મહીં સમાધિ જેવું રહ્યા કરે આપણને. એ સ્વરૂપ સમાધિ કહેવાય. બહુ ઊંચી વસ્તુ છે આ તો.

આ સ્વરૂપ સ્થિતિ કાયમની છે. પણ તમને પેલા બહારના કર્મ ખરાને, તે સમભાવે નિકાલ કરવા જાવ એટલે પછી સ્થિતિ સ્થિતિની જગ્યાએ રહે, પણ તમારે બહાર નિકાલ કરવો પડેને, તો ઉપયોગ બહાર લઈ જવો પડે. સમભાવે ફાઈલનો નિકાલ કરવા જાવ ત્યારે પેલું સુખ ના આવે. આ તો ફાઈલોના નિકાલ જેમ જેમ ઓછા થશે, તેમ તેમ પોતાની આત્મશક્તિઓ પ્રગટ થતી જાય. પોતે આત્મારૂપ થતો જાય. જેમ જેમ ફાઈલ ઓછી થતી જાય તેમ તેમ ઉપયોગ વધતો જાય. એ ફાઈલ પૂરી થઈ ગઈ એટલે ઉપયોગ શુદ્ધ થયો, આખો સંપૂર્ણ થઈ ગયો.

કર્તાપદ એ પરપરિણતિ, અકર્તાપદ એ નિજપરિણતિ

પ્રશ્નકર્તા : નિજપરિણતિ એ આત્મભાવના છે અને ‘હું શુદ્ધાત્મા’ તે આત્મભાવના નથી તે સમજાવો.

દાદાશ્રી : શુદ્ધાત્મા એ નિજપરિણતિ નથી, શુદ્ધાત્મા તો સંજ્ઞા છે. અમે તમને જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન છે અને એ જ્ઞાન પછી ઉપયોગમાં આવે તો એ નિજપરિણતિ કહેવાય.

શુદ્ધાત્મા એ શબ્દમાં છે, એ જાગૃતિમાં છે. જાગૃતિ ખરી પણ શબ્દમાં છે જાગૃતિ અને નિજપરિણતિ એ તો આત્મભાવ કહેવાય. હવે આપણે ‘આ આનો કર્તા હું નથી’, એ જ્ઞાન જ નિજપરિણતિ કહેવાય છે.

નિજપરિણતિનું આ જ્ઞાન એટલું બધું સજ્જડ બેસાડી દીધું છે અને નિજપરિણતિ ક્રમિકમાં તો ઉત્પન્ન જ ના થાય. કારણ કે કર્તાભાવ છૂટે જ નહીંને ! કોઈ દહાડોય કર્તાભાવ છૂટે નહીં. ઠેઠ જ્ઞાનીઓનેય કર્તાભાવ છૂટે નહીં. ધીમે ધીમે ઓછો થતો જાય પણ છૂટે નહીં અને છૂટી ગયો એનું નામ નિજપરિણતિ કહેવાય.

અક્રમમાં સ્વપરિણતિ પરપરિણતિને જુએ ને જાણે. પરપરિણતિ એની ફિલમ ભજવ્યા કરે. આપણને, દેરાસર સારું બંધાવવું છે, દાદાની સેવા કરવી છે, સત્સંગમાં જવું છે એ બધી પરપરિણતિ. આ મારી પરિણતિ નથી એવું જાણે, આ સ્વપરિણતિ છે ને આ પરપરિણતિ છે એવું જે જાણે એ જ્ઞાની.

આ જે થઈ રહ્યું છે એને ‘હું કરું છું’ એમ કહેવું એનું નામ પરપરિણતિ અને આ થઈ રહ્યું છે તે ‘હું નથી કરતો’ એનું નામ નિજપરિણતિ. છેવટે સાવ સહેલું જ કરી આપ્યું છે ને ?

પ્રશ્નકર્તા : સહેલું થઈ ગયું હવે.

દાદાશ્રી : એની મેળે જ નિજપરિણતિ રહે પણ તે એને સમજણ પડે નહીં કે મને રહે છે. તે સમજણ ના પડે. પોતે પણ દવા પીવે એટલે મટી જ જાયને ! સમજ પડે કે ના પડે પણ દવા પીવે એટલે મટી જાય. (બાકી) કર્તાપદ છૂટે નહીં. કોઈ પણ એવી દવા નથી કે જેનાથી કર્તાપદ છૂટે. કર્તાપદને પરપરિણતિ કહેવાય છે અને જ્યાં પરપરિણતિ નથી ત્યાં નિજપરિણતિ છે.

પાંચ આજ્ઞા-શુદ્ધ ઉપયોગ એ જ નિજપરિણતિ

પ્રશ્નકર્તા : આપની પાંચ આજ્ઞામાંથી એક આજ્ઞામાં હોય તો નિજપરિણતિ કહેવાય કે નહીં ?

દાદાશ્રી : હા, એ નિજપરિણતિ કહેવાય. અમારી આજ્ઞા નિજપરિણતિમાં રહેવા માટે જ છે, એમાં બીજી પરિણતિ નથી.

પરપરિણતિ ઉત્પન્ન થાય પણ એનો પોતે જ્ઞાતા રહે. એટલે પરઉપયોગમાં રહેતો નથી, સ્વઉપયોગમાં રહે. એટલે હવે ઉપયોગ જ શુદ્ધ રાખવાનો છે. આ સંસાર તેવો ને તેવો જ ચાલવા દેવાનો છે. પહેલા શુભાશુભ ઉપયોગ હતો. તપ કરું, જપ કરું, ફલાણું કરું, સ્વાધ્યાય કરું એ શુભાશુભ ઉપયોગ કહેવાય. એ ઉપયોગ તે દહાડે હતો અને તે અત્યારે શુદ્ધ ઉપયોગ રાખવાનો છે. તે એને ભૂલાય નહીં એનું નામ જાગૃતિ, જ્ઞાન કહેવાય. શુદ્ધ ઉપયોગ એ નિજપરિણતિ કહેવાય છે અને શુભાશુભ ઉપયોગ એ પરપરિણતિ કહેવાય. પરપરિણતિથી સંસાર ભટકવાનું અને શુદ્ધ ઉપયોગથી અહીં ને અહીં જ મોક્ષ. (એનાથી) દેહમાં બેઠા નિર્વાણ છે.

આ તમને તો ઉપયોગમાં સ્વઉપયોગ રહે. પરપરિણતિ તો ઉત્પન્ન નથી જ થતી, પરઉપયોગેય જતો નથી. આ (કારણ) કેવળજ્ઞાન આપ્યું છે તેનું આ તમને રહે છે.

પ્રશ્નકર્તા : કેવળજ્ઞાનમાં નિજપરિણતિ કેવી હોય ?

દાદાશ્રી : જ્યાં સુધી નિજપરિણતિની સાથે છે ને પરપરિણતિને ઠેલે છે ત્યાં સુધી પરિણતિ રહે, પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પરિણતિ રહેતી નથી.

સ્વપરિણતિ ઉત્પન્ન થઈ એ સમયસાર

એક ક્ષણ પણ સ્વપરિણતિ ઉત્પન્ન થાય એને સમયસાર કહ્યો. એક સમય પણ સમયસાર ઉત્પન્ન થયો તેને કાયમને માટે એ થઈ ગયું, કહે છે. તેને કાયમ એ રહે જ.

અને આ સમયસાર ને નિયમસાર સમજી શકે એવો વર્લ્ડમાં કોઈ માણસ જન્મ્યોય નથી અત્યારે. એ સમયસારનો અર્થ જુદો જ કરી નાખ્યો ! એને પછી તપસારમાં લઈ ગયા.

પ્રશ્નકર્તા : સમય એટલે આત્મા કહે છે ?

દાદાશ્રી : સમયસાર કોને કહેવાય કે નિરંતર નિજ ઉપયોગમાં રહ્યો. નિજપરિણતિ એને સમયસાર કહેવામાં આવે છે. એ તમને ઉત્પન્ન થયેલો છે. આ તમને ધર્મસાર તો પ્રાપ્ત થઈ ગયો પણ સમયસારેય પ્રાપ્ત થઈ ગયો.

આ જગતમાં બે પ્રકારના સાર છે; સમયસાર અને ધર્મસાર. આર્તધ્યાન-રૌદ્રધ્યાન ગયા એટલે ધર્મસાર પ્રાપ્ત થઈ ગયો. અને સ્વાભાવિક પરિણતિ ઉત્પન્ન થઈ, સ્વપરિણતિ એટલે સમયસાર ઉત્પન્ન થયો.

સમયસાર એટલે, આ મિનિટનો બહુ નાનામાં નાનો ભાગ. તેનો સાર પ્રાપ્ત થયો, કહે છે. તે તમને સમયસાર પ્રાપ્ત થયો છે. પણ હવે તમારે શું, કે આ આપણું કાયમ માટે રહે એવું કરવું છે. તેમાં જે પાછલું દેવું છે તે તો તમારે આપવા જવું પડે. એ તો દાવા માંડે મૂઆ. કોઈ વાણિયો હોય, કોઈ લુહાણો હોય, છોડે કે કોઈ ? અને એ છોડી જાય તોય પાછું ચાલે નહીં. એને આપી દેવા પડે.

પણ આ સમયસાર પ્રાપ્ત થયો તે તેનું તો આપણને મનમાં એ થયા કરે કે હવે આ પૂરું કરીએ, સમયસાર. એ પૂરું થઈ જાય તો બહુ થઈ ગયું. આ તમને એક સમય થઈ ગયો છે, તેથી તો તમે મારી પાછળ પડ્યા છો કે આ અમને જે સમય થયો છે તે સર્વ સમય ક્યારે થાય ? અને મારે સર્વ સમય રહે છે.

v v v v v

[8.3]

મહાત્માઓની સ્વપરિણતિ

નાટકીય અહંકારે હવે પરપરિણતિ રહી નિર્જીવ

પ્રશ્નકર્તા : દાદા, કોઈવાર અહંકાર હજુ ઊભો થતો હોય એવું લાગે છે, તો એ પરપરિણતિ થઈ ?

દાદાશ્રી : આ જ્ઞાન પછી તમારો મૂળ અહંકાર તો જતો રહ્યો છે પણ દુનિયાને દેખવાનો ડિસ્ચાર્જ અહંકાર રહ્યો છે. તમારે કર્મ બંધાતા હતા, તે ચાર્જ અહંકાર ગયો.

અહંકાર એ પૌદ્ગલિક વસ્તુ છે. પુદ્ગલમાંથી આ અહંકાર ચાલુ રહે છે ને માણસને ના કરવો હોય તોય થયા કરે. હવે તમને અહંકાર તો રહેવાનો પણ તોય અહંકાર કેવો ? નિર્જીવ રહેવાનો. પહેલા સજીવ હતો. અને આત્માની જે મૂળ ચૈતન્ય શક્તિનો પ્રવાહ આમ વહી રહ્યો’તો, તે પ્રવાહ આમ સ્વપરિણતિમાં ઉત્પન્ન થયો. એટલે પરપરિણતિ રહી તો ખરી પણ નિર્જીવ રહી હવે. નિર્જીવ એટલે નાટકીય અહંકાર જેવો ડ્રામેટિક અહંકાર, બધું ડ્રામેટિક રહ્યું હવે.

મહાત્માને પરપરિણામ હવે વ્યવસ્થિતને તાબે

આપણે ત્યાં આ જ્ઞાન લીધા પછી અહંકાર વ્યવસ્થિતના તાબે છે. તેને ડિસ્ચાર્જ કરવાનું કામ વ્યવસ્થિતનું છે.

આ પુદ્ગલની જે ક્રિયા છે, જે વ્યવસ્થિત કરે છે તે ‘હું કરું છું’ એવું ભાન ઉત્પન્ન ના થવું જોઈએ. એ વ્યવસ્થિત કરે છે. એ વ્યવસ્થિત પરિણામ છે, એને ભગવાને ‘પરપરિણામ’ કહ્યા.

હું શુદ્ધાત્મા, ચંદુ નહીં. ચંદુના જે પરિણામ તે પોતાના ના માને એ, એ વ્યવસ્થિતના માને. વ્યવસ્થિત કરે છે ને હું જોઉ છું ને જાણું છું, એનાથી આપણી સ્વપરિણતિ.

આત્મા જ્ઞાતા-દ્રષ્ટા રહે અને પોતાનો કર્તાભાવ ના રહે, એટલે સ્વપરિણતિ. અને કર્તાભાવ ઉત્પન્ન થાય, કોઈ પણ જાતની ક્રિયા, પોતે ‘હું કરું છું’ એવું માને તો એ પરપરિણતિ કહેવાય. અને (હવે) ‘હું નથી કરતો, કોણ કરે છે’ એ સમજી ગયો. ‘હું નથી કરતો’ એવો ભાવ આવે ક્યારે, કે ‘કોણ કરે છે’ એ સમજી જાય ત્યારે. હવે તમે નથી કરતા એ વાત નક્કી છે ને ?

પ્રશ્નકર્તા : એ તો સિદ્ધ થઈ ગયું, દાદા.

દાદાશ્રી : એ સ્વપરિણતિ કહેવાય.

તું તારી જાતને ‘હું શુદ્ધાત્મા છું’ એવું ભૂલી જઈને બોલું કે ‘આ મેં કર્યું’ તો પરપરિણતિ કહેવાય અને તું ‘હું શુદ્ધાત્મા છું’ એમ જાણીને કહું કે ‘ચંદુએ કર્યું’ એ જ સ્વપરિણતિ કહેવાય. એને જેમ છે એમ બોલવું એનું નામ સ્વપરિણતિ અને નથી એનું આરોપણ કરવું એ પરપરિણતિ.

હવે તમે શુદ્ધાત્મા છો એ સ્વપરિણતિ કહેવાય અને પરપરિણતિ તમને રહેશે, એ તો વ્યવસ્થિતને તાબે થઈ. એ પરપરિણતિ જુદી જ છે.

પોતે કર્તા તો પરપરિણતિ, વ્યવસ્થિત કર્તા તો સ્વપરિણતિ

એટલે ‘આ વ્યવસ્થિત કર્તા છે’ એનું ભાન રહેવું જોઈએ.

પ્રશ્નકર્તા : એટલે પરિણામ શુદ્ધ થયા કહેવાય.

દાદાશ્રી : હં, એ પરિણામ શુદ્ધ જ રહેવાના, એ શુદ્ધ જ પરિણતિ રહેવી જોઈએ. શુદ્ધ પરિણતિ ત્યારે રહે કે, હું કર્તા નથી, આ કર્તા નથી, ગાળો ભાંડે છે તે એ કર્તા નથી, એવું એને ભાન થાય. એના ઉપર સહેજ પણ દોષ ઊભો ન થાય અને વ્યવસ્થિત સમજાય, તો કામ થાય.

પ્રશ્નકર્તા : આ બહારના વાતાવરણથી પરિણતિઓ પર કંઈ અસર થાય ખરી ?

દાદાશ્રી : પરિણતિમાં ફેર ના થાય. પરિણતિમાં ફેર કોને કહેવાય છે, કે ‘હું કર્તા છું’ કે આ બીજો કોઈ કર્તા છે. કર્તા બાબતમાં પરિણતિ છે. એટલે જો આપણે કર્તા છીએ તો પરપરિણતિ અને આપણે કર્તા નથી, વ્યવસ્થિત કર્તા છે તો સ્વપરિણતિ.

જ્ઞાન પછી સ્વ-પર પરિણતિ વર્તે ભિન્ન-ભિન્ન

તમે શુદ્ધાત્મા અને ચંદુભાઈ જરા અકળાય કો’કની જોડે, તે ઘડીએ તમારા પરિણામ કેવા હોય કે આવું ન હોવું જોઈએ. એવું થાય કે ના થાય ? અનુભવમાં આવે કે નહીં ?

પ્રશ્નકર્તા : આવું ના હોવું જોઈએ, એ આવે.

દાદાશ્રી : એ આવે છે મહીં, પાછું આ ગુસ્સોય થાય છે. બેઉ સાથે થાય છે ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એટલે તમે તમારી સ્વપરિણતિમાં છો અને પુદ્ગલ પુદ્ગલની પરિણતિમાં છે. પોતપોતાના પરિણામને ભજે છે. એમાં જોયા કરવાનું છે. બાકી ક્રોધ-માન-માયા-લોભ, બિલકુલ હંડ્રેડ પરસેન્ટ ગયા છે. સંજ્વલન કષાયેય નથી રહ્યા. હંડ્રેડ પરસેન્ટ ગયા છે. કારણ કે ક્રોધ કોનું નામ કહેવાય કે જેની પાછળ હિંસકભાવ હોય. હિંસકભાવ નહીં હોવા છતાં તમારા મનમાં એમ થાય છે કે આ કેમ થાય છે ? એવું થાય છે ને એવું દેખાય છે ને આમ ના હોવું ઘટે એવું થાય છે ને ? તાંતો જતો રહે અને હિંસકભાવ જતો રહે, એનું નામ ક્રોધ-માન-માયા-લોભ સપૂચું ગયું કહેવાય. ત્યારે કહે છે, આમાં વ્યવહારમાં (હજી) કેમ છે ? ત્યારે કહે કે વ્યવહારમાં જે પુદ્ગલ છે ને, એ જે પૂરણ કરેલું છે એ ગલન થાય છે તેમાં તમને શું વાંધો ?

એટલે આ સમજી લેજો બરોબર, પૂરેપૂરું. કારણ કે થાય જ નહીં આ. હવે જડ જડ ભાવે પરિણમે અને ચેતન ચેતન ભાવે પરિણમે. એટલે ગુસ્સો જે છે એ જડ ભાવનો છે અને એ ના નીકળે તો પછી મહીં રહી જાય, શરીરમાં રહે. પૂરણ થયેલો ગલન થઈ જવો જોઈએ. એટલો બોજો ઓછો. ક્રોધ-માન-માયા-લોભ સંપૂર્ણ ગયા છે. હવે શું રહ્યું છે ? ત્યારે કહે છે, હજુ આ ચંદુભાઈમાં જે દોષો દેખાય છે ને, તે દોષો આપણે જોઈએ એટલે આપણે એનાથી છૂટ્યા. કારણ કે કૃપાળુદેવે શું કહ્યું કે અજ્ઞાને બાંધેલા જ્ઞાને કરીને કાઢ્યા એટલે ફરી આપણે જવાબદારી નહીં. એટલે આ છૂટે ત્યારે આપણે જોઈએ તે જ્ઞાને કરીને થયું, એટલે ચોખ્ખું થઈને ગયું.

આપણને અંદર સંકલ્પ-વિકલ્પ, તરંગો, કલ્પનાઓ અથવા બીજું જે જે કંઈ ઊથલપાથલ થતું જણાય છે તે તો કોઠીમાં દારૂ જેવું જ છે. જેમ કોઠીને ફૂટતી જોવાથી આપણી આંખ કંઈ દાઝતી નથી, તેમ તેમને જોવાથી અને તેમાં એકતા નહીં કરવાથી, કેવળ સ્વસ્વભાવ અને સ્વપરિણતિમાં પરિણમવાથી નિર્વિકલ્પ સમાધિ રહે છે. ઊડતા પરમાણુને આત્મા વાંચે છે અને તે વાંચીને તે રૂપ ના થાય તો તે નિર્વિકલ્પ દશા જ છે.

મન-વચન-કાયા એ પરપરિણામ, તેને જાણે તે સ્વપરિણતિ

અમે શું કહ્યું ? પરિણામ ગમે તે થયા હોય પણ પરિણામ માથે લેવું નહીં. બહારનું જે પૂરણ થયું છે તે જ ગલન થશે. બીજું કશું થવાનું નથી. મનના બધા જ ગલન, દેહના બધા જ ગલન, વાણીના બધા જ ગલન એ પરપરિણામ છે.

આ દેહથી જે પ્રવર્તન થાય તે પરપરિણામ તે સ્વાભાવિક છે. જોડે જોડે મનના, ચિત્તના બધા પરિણામ પરપરિણામ છે. વિચાર એય પરપરિણામ છે. કોઈને માટે ‘આવું કેમ કરે છે’ એ વિચાર આવે તે પણ પરપરિણામ. તે કોઈ તમારા માટે ખરાબ વિચારે કે સારું વિચારે પણ ‘તમે’ જાણો કે આ પરપરિણામ છે તે સ્વપરિણતિ. તમે નિશ્ચયમાં બારમા ગુંઠાણે બેઠા એટલે તમને ખબર પડી જાય કે આ પરપરિણામ છે, મારા નથી.

શુદ્ધાત્મા લક્ષે ને વ્યવસ્થિતના જ્ઞાને, ઊડે પરપરિણતિ

આ જ્ઞાન અક્રમ વિજ્ઞાન છે ને, એટલે પરિણતિ બદલાતી નથી. પરિણતિ બદલાય એટલે કાચું પડી જાય.

આ સમકિતી જીવને વ્યવહારમાં, આમાં ક્રમિક માર્ગે સ્વપરિણતિ રહે અને પાછી પરપરિણતિ વધારે રહે, આખો દહાડો. એમાં થોડો વખત સ્વપરિણતિમાં આવે. એટલે સ્વપરિણતિ-પરપરિણતિ ભેદ પાડેલા. તે સમકિતી બહુ જ જૂજ સ્વપરિણતિમાં હોય, નહીં તો આખો દહાડો પરપરિણતિમાં હોય. સમકિતી હોય તોય જેટલો વખત મહીં આત્માનું ભેદ પડે, તેય શબ્દથી, શબ્દની પ્રતીતિ...

પ્રશ્નકર્તા : સમકિત જેને થયું એ સ્વપરિણામને જ માનેને ?

દાદાશ્રી : હં.. અંશે અંશે રહેવાનું એને, સર્વાંશે ના રહે. બહુ અંશે પરપરિણામ રહે, ‘હું કર્તા’ એ ભાવ જાય નહીંને ! અને સામો કર્તા એ ભાવ ના જાય. (એણે) આમ કર્યું, તેમ કર્યું. ઠેઠ સુધી ડખો, ઠેઠ છેલ્લા અવતારમાંય ડખો, ત્યાંય પરપરિણતિ હોય. છેલ્લે મોક્ષે જતા પહેલા પંદર-વીસ વર્ષ પરપરિણતિ ના હોય, ત્યાં સુધી એ ડખો.

અહીં તો પરપરિણતિ જ નથી રહેતી. આ વ્યવસ્થિતના જ્ઞાનને લઈને પરપરિણતિ ઊડી ગઈ છે. શુદ્ધાત્માનું લક્ષ બેઠું ને વ્યવસ્થિતનું જ્ઞાન બેઠું એટલે આ કરે છે, એવુંય થઈને એની ઉપર દ્વેષ નથી થતો.

પ્રશ્નકર્તા : કર્તાભાવ પહેલેથી કાઢી લીધો.

દાદાશ્રી : કર્તાભાવ તમારો તો નહીં, પણ બીજા પ્રત્યેનોય કર્તાભાવ ઊડી ગયો. બીજો કરે છે, તે કરે છે, તેઓ કરે છે, એ બધુંય ઊડી ગયું. ‘હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે’, એ બધુંય ઊડી ગયું. નિમિત્તભાવ આવી ગયો.

પરપરિણામ ન ગમે, એને ન માને પોતાના તે જ સ્વપરિણતિ

આ જ્ઞાન આપતા પરપરિણતિ બંધ થઈ જાય. પણ અક્રમ વિજ્ઞાન છે ને, તે તમને પેલો બહાર ડખો થાય એટલે મનમાં એમ થાય કે આ શું ? પણ તમને પરપરિણતિ ઉત્પન્ન થતી નથી. પરપરિણતિ ઉત્પન્ન થાય કે ચિંતા શરૂ થઈ જાય. અહંકાર હોય તો િંચતા ઊભી થાય, પણ તમને સફોકેશન થાય. ચિંતા-સફોકેશન બે જુદી વસ્તુ છે. ચિંતા તો ચળ ચળ જીવ બળ્યા કરે અને સફોકેશન તો અકળામણ કરાવે, આ બધા પરમાણુ ઊડે, ડિસ્ચાર્જ થાય તે વખતે ગૂંગળામણ કરાવે.

એ જુદું જોતા ના આવડે એટલે (પોતે) મનના, બુદ્ધિના પરિણામોમાં, સફોકેશનમાં ગૂંચાય. બાકી આપણી સ્વપરિણતિ ઉત્પન્ન થઈ તેને પરપરિણામ અડે જ નહીં, પણ આ તો ગૂંચાઈ જાય છે એ જગ્યાએ. એ ટૉપ પરની જગ્યાએથી જોતા નથી. એ જગ્યા જ ટૉપ વસ્તુ છે. પોતે શેમાં છે અત્યારે ? સ્વપરિણતિમાં છે કે પરપરિણતિમાં છે, એ ટૉપ પરથી જુએને તો પોતાને ખબર પડે. બીજું બધું જોવાનું નથી. બીજા બધા મનના સ્પંદનો, બુદ્ધિના સ્પંદનો, ચિત્તના સ્પંદનો એ તો પૂરણ-ગલન છે. ભગવાનનેય પૂરણ-ગલન હતું ને આમનેય પૂરણ-ગલન છે. પૂરણ-ગલન જોડે આપણે લેવાદેવા નહીં. જે પૂરાયેલું છે તે ગલન થયા જ કરશે. જે પૂરણ થયું છે તેનું ગલન થયા વગર રહેશે નહીં, એનું નામ પુદ્ગલ. સ્વપરિણતિ ને પરપરિણતિ એ બેનું જ ધ્યાન રાખવાનું છે.

આ કયા દ્રવ્યના પરિણામ છે તે સમજી લેવાનું. પુદ્ગલ દ્રવ્યના કે ચેતન દ્રવ્યના પરિણામ છે તે સમજી લેવાનું. ચાંચ બોળતાની સાથે જ પરપરિણામ ને સ્વપરિણામ છૂટા પડવા જોઈએ.

જેને આ બહારના પરપરિણામ ગમતા નથી, ‘યૂઝલેસ’ (નકામા) લાગે છે ને તેને પોતાના સ્વપરિણામ માનતો નથી તે જ આત્માની હાજરી છે, તે જ સ્વપરિણતિ છે.

આત્મા શું અને આ અનાત્મા શું એ બધું ચરણવિધિમાં લખેલું છે ને, તે બધું સમ્યક્ જ્ઞાન છે. તે સમ્યક્ જ્ઞાન અંદર રહેવું જોઈએ આપણે. બેઉ જુદું જુદું, આ પરપરિણતિ, આ સ્વપરિણતિ. આ ચરણવિધિમાં લખ્યું છે ને, તે પરિણતિ દેખાડવા માટે. આના પરથી પરિણામ ખબર પડે કે આ પરિણામ શાનું છે. એ સમ્યક્ જ્ઞાન કહેવાય.

પરપરિણતિને જુદી જોવી ત્યાં તપ

આત્મા સિવાય બધું પરપરિણતિ છે અને સ્વપરિણતિમાં રહેવું તે જ જ્ઞાનનું લક્ષણ બધું. વિચાર આવવો તેય પરપરિણામ છે.

પરપરિણતિને જુદા રહીને ના જુઓ, તન્મયાકાર થાવ તો ચોથો પાયો (તપ) ઊડી જાય. હવે ચોથો પાયો (પાકો) કરવાનો છે. મન જે કરે તેને જોયા કરવાનું છે. મન નથી હેય કે ઉપાદેય.

તપ એટલે શું ? મન દેખાડે તેને જોયા કરો તે તપ છે. અને તપ તો મહીં આવ્યા જ કરવાનું. તે ઘડીએ તપવું પડે મહીં થોડીવાર. જ્ઞાતા-દ્રષ્ટા રહેવાય નહીં તે ઘડીએ તપ કરવું પડે.

ભગવાન હોય કે જ્ઞાની હોય તોય પણ જ્ઞાન-દર્શન-ચારિત્ર ને તપ, આ ચાર પાયા સિવાય મોક્ષે કોઈ જઈ શકે નહીં. ચાર પાયા હોવા જોઈએ. તે ભગવાન જે તપ કરે એ તપ ગરમ ના હોય એ. એ તપ ઠંડું હોય, બાળે નહીં. તપ એટલે બાળવું. ભગવાનનું તપ ઠંડું હોય. એટલે એ તપને જો કદી આ લોકો આવું કહેતા હોય, તો આમની લખવામાં ભૂલ છે. એ તપ શું હોય છે ? જ્ઞાન, એટલે પહેલું ‘હું શું છું’ એ ભાન. પછી દર્શન, એની પ્રતીતિ, કાયમ પ્રતીતિ રહે. પછી ચારિત્ર. ચારિત્ર એટલે તે રૂપે વર્તન થવું. જ્ઞાન-દર્શન છે અને તપ તો, પુદ્ગલ પરિણામને ‘હું કરું છું’ એવું ઉત્પન્ન ન થાય, એટલું જ એમણે જોયા કરવાનું, જાગૃતિ રાખવાની. ઊંઘ ના આવી જાય, એને તપ કહ્યું ભગવાને. એટલે જાગૃતિ ના જવી જોઈએ.

અમારું તપ અમને સંસારમાં ઘડીવાર ના રહેવા દે એવું તપ હોય. એક ક્ષણવાર સંસારમાં ટકવા ના દે અમને એ તપ અમારું. તપ એટલે હોમ ડિપાર્ટમેન્ટમાંથી ફોરેનમાં ક્યારેય પણ જાય નહીં. ફોરેનમાં જરાક મોઢું ઘાલ્યું હોય તે પહેલા અંદર બૂમ મારે. એટલે હોમ અને ફોરેન વચ્ચેનો જે સાંધો છે, ત્યાં અમારું તપ ઊભું રહેવાનું. એટલે અમારે, પરપરિણતિ એક સેકન્ડ પણ ના થાય.

અમારે પરપરિણતિ ઉલેચવી ના પડે. પરપરિણતિ ઉત્પન્નેય થાય નહીં ને હોયેય નહીં અને આ બધાને પરપરિણતિ ઉલેચવી પડે. પરપરિણતિ થાય નહીં, સ્વપરિણતિમાં જ રહે પણ પરપરિણતિના પરિણામ ઊભા થાય તેને ઉલેચવા, ખસેડવા પડે.

પ્રશ્નકર્તા : દૂર કરવા જ પડે, ધક્કા મારી મારીને બહાર કાઢવા પડે.

દાદાશ્રી : ધક્કા મારી મારીને. કારણ કે આ એક અવતારમાં અનંત અવતારનું સાટું વાળી દેવાનું છે.

‘દાદા ભગવાન’ એ નિજસ્વરૂપ, માટે સ્વપરિણતિ

 જ્યાં સુધી કિંચિત્માત્ર કોઈનું આલંબન છે ત્યાં સુધી પરપરિણતિ છે. મૂર્તિ, ગુરુ, શાસ્ત્રો, ત્યાગનું આલંબન છે ત્યાં સુધી પરપરિણતિ છે. શુદ્ધાત્માનું ભાન ઉત્પન્ન થયું એટલે પરપરિણતિ ભાગી, નહીં તો બહાર લોકોને પરપરિણતિ જાય નહીં અને શુદ્ધાત્માનું અવલંબન એ અવલંબન નથી, પોતાનું જ સ્વરૂપ છે એટલે સ્વપરિણતિ છે. એટલે પરપરિણતિ આપણને ના કહેવાય. પરપરિણતિ હોયને ત્યાં સુધી કઢાપો-અજંપો થયા જ કરે.

પ્રશ્નકર્તા : અમને બધાને દાદાનું અવલંબન છે એનું શું ?

દાદાશ્રી : દાદાનું અવલંબન છે ને, તે આ દાદાનું નથી તમને. એટલે એ તમારો જ આત્મા છે. કૃપાળુદેવે તેથી કહ્યુંને કે જ્યાં સુધી આપણે આત્મા યથાર્થ જોયો નથી, યથાર્થ એટલે પ્રતીતિ છે, શ્રદ્ધામાં છે પણ યથાર્થતા ઉત્પન્ન થઈ નથી, ત્યાં સુધી જ્ઞાની પુરુષ એ પોતાનો જ આત્મા છે. આ અવલંબન ના કહેવાય. તેથી અમે કહીએ છીએને કે ‘અરે ! દાદા, દાદા કરજોને, તમારું કામ થઈ જશે.’ આ અજાયબી છે આ કાળની ! અગિયારમું આશ્ચર્ય !

‘દાદા ભગવાન’ એ સ્વપરિણતિ કરવાનું જ્ઞાન. અને હમણે બીજા કોઈ ભગવાન હોય તો પરપરિણતિ ઉત્પન્ન થાય. આ તો દાદા ભગવાન આપણે કોને ઉદ્દેશીએ છીએ ? મહીં જે પ્રગટ થયા છે તેને ઉદ્દેશીએ છીએ. માટે એ જ મુખ્ય વસ્તુ છે. એ સ્વપરિણતિ છે.

‘દાદા ભગવાન’ સાધન નથી, આલંબન નથી, પોતાનું જ સ્વરૂપ છે. તમારું સ્વરૂપ જ ‘દાદા ભગવાન’ છે. જો આલંબન હોય તો તો પરપરિણતિ ઊભી જ છે. એ આલંબન નથી, માટે એ સ્વપરિણતિ છે. કો’ક જ વખત આવું બને છે. તીર્થંકરોને માટે ખરું. કારણ કે એમનામાં અહંકાર નહીંને ! અને ક્રમિક માર્ગના જ્ઞાનીમાં તો અહંકાર રહે એટલે પરપરિણતિ રહે. એ એમનું અવલંબન ને નિદિધ્યાસન એ પરપરિણતિ કહેવાય. અને આ સ્વપરિણામી ચીજ છે.

પ્રશ્નકર્તા : ‘જ્ઞાની પુરુષ એ જ તમારો આત્મા છે’ એવું કહો છો તો તેમનું નિરંતર નિદિધ્યાસન રહે તો એને સ્વપરિણતિ કહેવાય ?

દાદાશ્રી : હા, એ સ્વપરિણતિ કહેવાય.

v v v v v

[8.4]

સ્વપરિણામ-પરપરિણામ

નિજધારા-પરધારા વહે જુદી, પણ અજ્ઞાની કરે ભેગી

મહાવીર ભગવાને બે ભાગ પાડ્યા : 1. પ્રકૃતિના પરિણામ, 2. શુદ્ધાત્માના પરિણામ. તે બન્નેવ જુદી ધારાઓ વહે છે.

જીવ માત્રને બે જાતની ધારા વહ્યા જ કરે છે. બન્નેવ જુદી જુદી પણ પોતાને ભાન જ નથી. મનુષ્ય, તિર્યંચ, દરેકને સ્વની અને પરની, નિજપરિણામની અને પરપરિણામની બન્ને ધારા અંદર નિરંતર વહ્યા કરે છે. પણ જગતના લોકોને તેનું ભાન નથી. એટલે ભેગી થઈ જાય છે, એટલે અજ્ઞાનીઓ એક જ માને છે.

દરેક જીવ માત્રમાં સ્વપરિણામ અને પરપરિણામ બેઉ પરિણામો ઉત્પન્ન થયા જ કરે છે. પણ બિલીફ રોંગ છે ને, એટલે પરપરિણામને સ્વપરિણામ માને છે અને સ્વનેય સ્વ માને છે. આખા પરિણામને પોતાના માન્યા બધા. એટલે પછી કહે છે શું ? જુઓ, આ દાળ-ભાત, શાક-રોટલી મેં જાતે જ બનાવ્યા છે. આપણે કહીએ કે તમને આ રોટલી બનાવવાનું જ્ઞાન હતું ? ત્યારે કહે, હા, એ જ્ઞાન તો હતું જ ને મને. એટલે જ્ઞાનેય હું જાણું છું અને ક્રિયાય હું કરું છું. એટલે આ બેઉ પરિણામ ભેગા વર્તે છે અજ્ઞાનીમાં અને જ્ઞાની બે પરિણામમાં ના હોય, એક પરિણામમાં હોય. હું જ્ઞાનક્રિયાનો કર્તા છું, અજ્ઞાન ક્રિયાનો કર્તા નથી. કંઈ પણ ક્રિયા એ અજ્ઞાન ક્રિયા કહેવાય છે.

જ્ઞાની દેખાડે નિજધારા, પછી વર્તાય બન્ને ધારા જુદી

જ્ઞાની મળે એટલે નિજ પરિણામની ધારાની ખબર પડે. જેમ અંધારામાં કોઈ શિખંડનો પ્રસાદ આપે તોય તે ખબર પડે કે ખાટો છે કે મોળો, ચારોળી છે કે નહીં, ઈલાયચી છે કે નહીં, તેમ જ્યારે જ્ઞાની મળે ત્યારે શુદ્ધાત્મા પ્રાપ્ત થાય ત્યારે નિજધારા ખબર પડે અને તે સાથે પરપરિણામની ધારા પણ ખબર પડે.

જેને સ્વનું ભાન નથી, તેની સ્વપરિણામની ધારા વહે તેનું (એને) ભાન જ નથી. પણ મેં તમને સ્વમાં બેસાડ્યા, તમોને ભાનમાં આણ્યા એટલે તમારી બન્નેવ ધારા તમને જુદી વર્તાય.

શુદ્ધાત્માના ભાને થયા શુદ્ધ પરિણામી

આ તમને ‘અક્રમ વિજ્ઞાન’ને કારણે ચેતન પરિણતિ ઊભી થઈ છે. પહેલા ચેતન પરિણામ ને પુદ્ગલ પરિણામની બન્ને ધારાઓ ભેગી રહેતી હતી. દીવો સળગતો હોય પણ આંધળાને માટે શું ? જેને ‘હું શુદ્ધાત્મા છું’ અને ‘હું ચંદુલાલ નથી’ એ વિભાજન નથી થયું, તેને નિરંતર પુદ્ગલ પરિણતિ જ રહે. અને જેને વિભાજન થયું એ શુદ્ધ પરિણામી કહેવાય. શુદ્ધાત્મા નિજ પરિણામવાળો જ હોય.

બન્ને ધારા નિજ-નિજ રૂપે રહે એનું નામ જ્ઞાન. બન્ને ધારા પોતપોતાના સ્વભાવમાં જ રહે. જોનારી ધારા જોયા કરે, તે જોવાનું અને દ્રશ્ય, દ્રશ્યભાવને છોડે નહીં.

અચળ-અવિનાશી સિવાયના બધા પરપરિણામ

પહેલા ચેતન અને જડ બન્ને પરિણામો ઉત્પન્ન થતા (અને તે) મારા લાગતા, હવે પરમાત્માપદ પ્રાપ્ત થયું તેથી સ્વપરિણામ અને પરપરિણામ ઓળખાય. જે પરિણામ ચંચળ અને વિનાશી હતા તે બધા પરપરિણામ. જે અચળ છે અને ચેતન છે તે સ્વપરિણામ. અત્યાર સુધી પરને પોતાના જાણી ચાલ્યા તેથી દુઃખ ભોગવ્યા. હવે પરમહંસ થયો એટલે જ્ઞાન-અજ્ઞાન જુદું પડે.

હવે પરિણામ કયા છે તે જાણ્યા પછી શંકિત થઈશ નહીં. સંગી પરિણામો બધા વિનાશી છે, એ બધાને ઓળખ્યા એ મારા નથી. હું તો અવિનાશી અને અવિનાશી પરિણામ, સ્વપરિણામ સિવાયના બધા જ પરપરિણામ છે. દેહ જે કરે તેમાં ભ્રાંતિ ન થવી જોઈએ.

પરપરિણામ તે આપણા હાથમાં નથી, સ્વપરિણામ આપણા હાથમાં છે. ઊંઘ એ પરપરિણામ છે, એ આપણી સત્તાની વાત નથી. એને આપણે મહીં ડખો શું કામ કરીએ ? આપણે આપણા પરિણામમાં રહી કામ કર્યા જવું.

તાવ આવ્યો તો ગમે નહીં, ભોગવ્યે જ છૂટકો. કારણ કે પરપરિણામ. સારું ભોજન ગમે તેય પરપરિણામ. ગમવું અને ના ગમવું બધા મનના પરિણામ છે, પરપરિણામ છે, આત્માના પરિણામ નથી. આ પરાયા પરિણામ પૂર્વે પોતાના કરી લીધેલા. ‘મેં કર્યું’ એવું, તેના આ ફળ આવ્યા છે. પારકા પરિણામને ‘હું કરું છું’ એવું ભાન થવાથી આ બધું ઊભું થયું છે જગત.

કર્મ છે તે પુદ્ગલ સ્વભાવના છે. એ એના પરપરિણામ બતાવ્યા જ કરશે. આપણે શુદ્ધાત્મા એ સ્વપરિણામ છીએ. પરપરિણામ ‘જ્ઞેયસ્વરૂપ’ છે અને પોતે ‘જ્ઞાતાસ્વરૂપે’ છે.

એક ક્રિયાની ધાર છે અને એક જ્ઞાતા-દ્રષ્ટાની ધાર છે, જે ‘જ્ઞાની’માં છૂટી વર્તે, ત્યારે અજ્ઞાનીને એક કડવું અને એક મીઠું એમ ‘મિક્ષ્ચર’ ધાર વર્તે. તેથી તેને બેભરમી કઢી જેવો સ્વાદ આવે. પરપરિણામ ને સ્વપરિણામ આ બેઉ ભેળું કરવાથી સ્વાદ બેસ્વાદ થઈ જાય છે. એટલે તૃપ્તિ વળે નહીં. લોક કહે છે કે સંતોષ થાય છે, તે સંતોષેય શાનો થાય છે ? સાયકોલૉજિકલ પરિણામ છે.

પોતે નિજ થયા બાદ કયા પ્રકારની ધારા વહી રહી છે તે જોવું. પરની ધારા હોય તો (એને) જોવું ને જાણવું. જેવી ભજના કરીએ તેવું થવાય.

ખોખામાં પરિણમશે તો અનંત માલિકીપણામાં પાર્ટનર થશે. અને સ્વમાં પરિણમશે તો આખાય જગતનું માલિકીપણું ધરાવશે. એક સ્વરૂપે અનંત સ્વરૂપને ભોગવશે.

પરપરિણામ એ પરસત્તાધીન, જો રહે વીતરાગ તો થાય બંધ

પ્રશ્નકર્તા : એટલે વ્યવહાર આખો પરપરિણામ ?

દાદાશ્રી : હા, એ બધું જ પરપરિણામ છે ને પાછું આપણા હાથમાં નથી, પરાશ્રિત છે. આખો વ્યવહાર પરાશ્રિત છે. બાકી પરાશ્રિત વ્યવહારમાં ક્રોધ-માન-માયા-લોભ શી રીતે બંધ થાય ? જગત એને બંધ કરવા જાય છે. આપણું ‘અક્રમ વિજ્ઞાન’ શું કહે છે તે તમને આ બૉલના દાખલા ઉપરથી સમજાવું.

આપણે આ બૉલ અહીંથી નાખીએ પછી આપણે કહીએ, ‘હેય, અહીંથી આઘો ના જઈશ હવે, નાખ્યો ત્યાં પડી રહેજે.’ ત્યારે કહે, ‘ના, પછી એના પરપરિણામમાં જાય.’ એટલે જેવો નાખ્યો હશેને, ત્રણ ફૂટ ઊંચેથી નાખ્યો હશે, તો પરપરિણામ બે ફૂટના આવશે અને જો દસ ફૂટ ઊંચેથી નાખ્યો હશે તો પરપરિણામ સાત ફૂટ આવશે. હવે એ પરપરિણામ, આપણે જો ફરીથી એમાં હાથ નહીં ઘાલીએ તો એની મેળે બંધ જ થઈ જવાના છે.

પ્રશ્નકર્તા : પરપરિણામ સમજાયું, હવે આમાં પરિણામ કોને કહેવું તે સમજવું છે.

દાદાશ્રી : આપણા પરિણામથી (બૉલ) નાખવાનો ભાવ થવો, ત્યાંથી પછી હાથમાં આવ્યું તે પરપરિણામ. હાથથી નખાયું તેય પરપરિણામ. પણ આપણે નવો ભાવ બંધ કરી દો, એમ કહીએ છીએ.

પ્રશ્નકર્તા : એ ભાવ કેવી રીતે બંધ થાય ?

દાદાશ્રી : એ ‘જ્ઞાની પુરુષ’ને સોંપી દીધા એટલે એનાથી છૂટાય. તમે ભાવ મને સોંપી દીધા છે. દ્રવ્યકર્મ, નોકર્મ એ બધા પરપરિણામ છે, તે બધા મને સોંપી દીધા છે. હવે તમારે કશું લેવાદેવા નથી. તમે બધા ખાલી આ આજ્ઞામાં જ રહો અને નિરંતર સમાધિવાળો માર્ગ અને તરત ફળ આપનારો છે. અને વિજ્ઞાન છે આ, પ્રત્યક્ષ વિજ્ઞાન છે.

પરપરિણામ થાય બંધ, માત્ર જુદા જોવાથી

બૉલને ફેંક્યા પછી બંધ કરવું ને બૉલ નાખવાની પ્રક્રિયા ચાલુ રાખવી એ ‘સાયન્ટિફિક’ રસ્તો નથી. ક્રમિક માર્ગમાં આ ફેંક્યા પછીના ઉછળતા બૉલને બંધ કરવા જાય છે ને બીજી બાજુ નવા ભાવથી બૉલ નાખવાનું ચાલુ રાખે છે. એટલે પાછળ બંધ કરતો જાય ને આગળ નાખતો જાય. એ તો ક્યારે પાર આવે ? આપણે શું કરીએ છીએ કે (નવા) બૉલને નાખવાનું બંધ કરી દઈએ છીએ અને પછી જે પરિણામ (રૂપે) ઉછળે છે, તેને ‘જોયા’ કરવાનું કહીએ છીએ. આ પરિણામ તો ‘ડિસ્ચાર્જ’ સ્વરૂપે છે.

એટલા માટે મેં શાસ્ત્રો ઉડાડી દીધા. તું જ બંધ થઈ જાને. ‘તું કોણ છું’ એ તને નક્કી કરી આપું. તારી લગામ તારા હાથમાં આપું હું. હવે તું ફરી નવા ભાવથી નાખતો બંધ થઈ જાને. અહીંથી ભાંજગડ મટે અને ખાલી જોયા જ કરજે, શું થાય છે તે ! એની મેળે બંધ થઈ જશે. બીજી કશી ભાંજગડ નહીં કરવાની.

આપણે અજ્ઞાનતામાં હોઈએ ત્યાં સુધી આ બૉલને ફેંકીએ, એના પરિણામને જાણીએ નહીં. હવે આપણને જ્ઞાન થયા પછી નવા ભાવથી બૉલ નાખવાનું બંધ કરી દીધું, પણ એને પહેલા ફેંકેલો એટલે એ ઉછળવાનો તો ખરો. પણ તે પછી આપણે ફેંક્યો તે એક જ પરિણામ આપણું. પચીસ-પચીસ વાર ઉછળે. પણ હવે તે બૉલ નાખવાનો બંધ કર્યો એટલે પેલું એની મેળે બંધ થશે જ ! પરપરિણામ સમજ પડીને ? આ બૉલને કશું બંધ કરવાની જરૂર છે ?

પ્રશ્નકર્તા : ના, એની મેળે બંધ થશે.

દાદાશ્રી : એને બંધ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, એનું નામ વ્યવહાર. જે પરપરિણામમાં છે, જે ડિસ્ચાર્જ રૂપે છે, તેમાં વીતરાગતા રાખવાની છે. બીજો (કોઈ) ઉપાય જ નથી !

પરપરિણામ થાય બંધ, એની મેળે

પ્રશ્નકર્તા : દાદા, પણ એ બૉલને અટકાવવા જાય છે, ઉછળતો બંધ કરવા જાય છે.

દાદાશ્રી : એટલે એના પરિણામ બંધ કરવાનો પ્રયત્ન કરે છે એ. અલ્યા, એના પરિણામ તો બંધ થઈ જ જવાના છે, એની મેળે જ. ફરી તું નાખવાનો બંધ કરી દે, એટલું અમે કહીએ છીએ. નાખવાના બંધ કરે એટલે કર્તા-કર્મ બંધ થઈ જાય. જેટલા કર્તા થઈ ગયા છે, એ તો એની મેળે ફૂટબૉલ ઊંચા ઉછળ ઉછળ ઉછળ કરીને ટાઢું થઈ જાય.

પેલું ફૂટબૉલ તો આ બાજુ તમે અહીં જોશો તોયે એના પરિણામ બંધ થવાના છે. જે ટાઈમે બંધ થવાના છે તે ટાઈમે. અને નહીં જુઓ તોય એ બાજુ બંધ થવાના છે. એ તો પરપરિણામ છે, પરિણામ ઉત્પન્ન થયા છે. એ પરિણામ એની મેળે બંધ થઈ જવાનું. હું જાણું કે કો’ક હજુ એકદમ ખૂબ ક્રોધ કરતો હોય તો ધીમે ધીમે એ ક્રોધ નરમ થતો થતો થતો એ ઓગળતો જશે.

પ્રશ્નકર્તા : દાદા, પણ હજુ ક્રોધ થઈ જાયને ત્યારે શંકામાં પડી જવાય છે કે મારું જ્ઞાન બગડી ગયું ?

દાદાશ્રી : તમને આ જ્ઞાન પછી આ બધા પરિણામ આટલા બદલાયા, તેમાંનું એક જ બદલાયું હોય તો પણ જગત કાચું ના પડી જાય, એવું જગત છે ચોક્કસ. એક જ જો અનુભવ થઈ ગયો હોયને, એક જ ! એમાંથી ચિંતા બંધ થઈ ગઈ, ત્યાં સુધીનું જો બંધ થઈ ગયું હોય તો પછી પાછો જ ના પડે. આ તો બધા કેટલા (ફેરફાર) ! લક્ષ બેઠું, ચિંતા ઊડી ગઈ, ફલાણું ઊડી ગયું, બધું કેટલું ! પરિણામમાં તો ગમે એટલો ક્રોધ થાય તોય આપણે જોયા કરવું. ઓહોહો ! ચંદુભાઈ, તમારા પરિણામ તો ભારે લાગે છે, કહીએ. એમ કહેવું ઊલટું. આપણે જોનારા રહ્યા.

અહંકાર ન રહેતા, પરપરિણામના ન રહ્યા જવાબદાર

હવે આ જ્ઞાન પછી ક્રોધ એ વાળી લેવાય એવો થયો છે ને ? અને લોભેય વાળી લેવાય એવો થયો છે ?

પ્રશ્નકર્તા : લોભ તો હતો નહીં ખાસ.

દાદાશ્રી : હતો જ નહીં પહેલેથી, નહીં ? ત્યારે શું હતું ?

પ્રશ્નકર્તા : કામ (વિષય) છે.

દાદાશ્રી : કામ એ વસ્તુ જુદી છે, પણ તેમાં અહંકાર ના રહ્યો. આ કામમાંથી અહંકાર કાઢી લીધો. કામ એટલે શું, કે અબ્રહ્મચર્ય પ્લસ અહંકાર, એને કામ કહે છે. પછી કામમાંથી અહંકાર કાઢી લીધો તો રહે શું ? અબ્રહ્મચર્ય. એ તો પરપરિણામ છે.

તમે આ બધું તાવડો મૂકો અને એમાં એક વસ્તુ નાખો, બીજી નાખો, ત્રીજી વસ્તુ નાખો. તો એ એકદમ લીલો રંગ થઈ જાય તો તમે ના સમજો કે આ શેનું પરિણામ છે ? આ શેનું પરિણામ છે એ સમજી જાવને તમે ? અગર તો એકદમ ઊભરાવા માંડે તો તમે જાણો કે આ શું વસ્તુ પડી ?

પ્રશ્નકર્તા : હા, ખબર પડી જાય.

દાદાશ્રી : એવી રીતે આ પરપરિણામ ને એ બધું સમજવું પડે. આ સ્વપરિણામ અને આ પરપરિણામ. જેટલા ક્રિયાવાળા છે, એ બધાય પરપરિણામ છે. એ પછી મનની ક્રિયા હોય કે વાણીની ક્રિયા હોય કે દેહની ક્રિયા હોય, એ બધા પરપરિણામ છે અને તે ડિસ્ચાર્જ છે. આ શરીરમાંથી જે કંઈ ચીજો ખરી પડે, તે બધી પરપરિણામ છે. એટલે આ બધા પરપરિણામને સમજવા જોઈએ. પરપરિણામને પરપરિણામ જાણે અને સ્વપરિણામને સ્વપરિણામ જાણે. ક્રોધ થાય એ આપણે જાણીએ કે આ પરપરિણામ છે. લોભ થાય તેય જાણીએ કે પરપરિણામ છે અને આ મારા પરિણામ ન્હોય.

પરપરિણામની મૂળ ભૂલો તે આપણી પહેલાની ખરી. એ તો આપણે સમજીએ કે એ અહંકાર, એ અજ્ઞાનતા અને એ બધું ભેગું થઈને આ પરિણામ ઊભું થયેલું છે. આજે આપણે એ અહંકારેય નથી અને એ અજ્ઞાનેય નથી. આજે આપણે એના રિસ્પોન્સિબલ નથી.

પરપરિણામ સાથે રહ્યો પોતાનો જ્ઞેય-જ્ઞાતા સંબંધ

મહીં ચંદુભાઈને ક્રોધ થાયને, ઉકળાટ થાય તો તમે જાણો કે ના જાણો કે ભૂલી જાઓ છો ?

પ્રશ્નકર્તા : જાણે.

દાદાશ્રી : તો ઉકળાટ વધ્યો છે કે ઉકળાટ ઘટી ગયો તે ખબર પડે ? ઉકળાટ બંધ થઈ ગયો તોય ખબર પડે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તો પછી તમે જ્ઞાતા છો અને એ દ્રશ્ય એ જ્ઞેય છે. જ્ઞાતા-જ્ઞેયનો સંબંધ છે. તમને સમજાઈ એ વાત ?

પ્રશ્નકર્તા : એ થાય, એનું જ્ઞાન તો પોતાને થાય છે.

દાદાશ્રી : એને (ઉકળાટને) બંધ કરવાનો નથી, બંધ કર્યો થાય નહીં.

કદાચ કો’ક ગાળ દે ને ત્યારે મહાત્માને બહાર સમતા રહે પણ મહીં મશિનરી ચાલ્યા કરે તો તે પરપરિણામ છે, જ્ઞેયસ્વરૂપે છે. તે વખતે કહી દીધું કે અમારે-તમારે તો જ્ઞેય-જ્ઞાતા સંબંધ છે, શાદી સંબંધ નથી. એમ કહે કે માંહ્યલા બધા જ જ્ઞેય રઘવાયા થઈને નાસી જાય કે ભૂગર્ભમાં પેસી જાય !

હવે ક્રોધ-માન-માયા-લોભ એ પરપરિણામ છે. એ સ્વપરિણામ નથી. પરપરિણામ એ તો મહીં જેવો માલ ભરેલો હોય એવો ફૂટે. ફૂટે એટલે જાણીએ કે આ છે તે ફટાકડાનો માલ. જેવો દારૂ ભર્યો છે એવું ફૂટે. એ બધાના જ્ઞાતા-દ્રષ્ટા આપણે છીએ. આને (ચંદુને) આકર્ષણ થાય એ લોભ નથી. લોભ આત્મા મહીં ભળે તો. આ તો તમને ખબર પડે ઓહોહો, હજુ તો આમને ઈચ્છા છે. તમને તરત ખબર પડે કે આની ઈચ્છા છે, આની ઈચ્છા નથી. આમાં આ વસ્તુનો ભાવ છે ને (આનો) ભાવ નથી એ બધી તમને ખબર પડી જાય. અને અજ્ઞાની માણસ તો ક્રોધ ઉત્પન્ન થતા પહેલા પોતાનું જ ભાન ખોઈ નાખે. એટલે પોતે તન્મયાકાર થઈ જાય. ભાનેય ના રહે એને. પોતાના આત્માએ કરીને ભાન નથી રહેતું કોઈ જાતનું.

સ્વપરિણતિમાં રહે તો ઉપજે સંયમ પરિણામ

કષાયોનું નિર્વાણ થાય પછી (વ્યવહાર) આત્માનું નિર્વાણ થાય. હવે કષાય જોર નથી કરતાને ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : કષાય કરવાની જગ્યાએ કષાય ના થવા દે, એ આત્મપરિણામ. આત્મપરિણામ પોતાના હાથમાં આવ્યું, પછી શું રહ્યું ?

પ્રશ્નકર્તા : આત્મપરિણામ તે જ સંયમ પરિણામ ?

દાદાશ્રી : સંયમ પરિણામ એટલે શું ? પુદ્ગલમાં આત્મા ભળે નહીં, એનું નામ સંયમ પરિણામ. જુદો ને જુદો વર્ત્યા કરે. તમે ભળવા દો છો ? ભળવા દો તો હિંસકભાવ થઈ જાય. આ તો િંહસકભાવ નથી, આ સંયમ પરિણામ કહેવાય. સંયમ પરિણામ એટલે પુદ્ગલમાં ગમે એટલી ભાંજગડ, ઘડભાંજ થઈ રહી હોય પણ સ્વપરિણતિ ના છોડે. કેવો આ સુંદર હિસાબ છે ! ઘડભાંજ થઈ રહી હોય બહાર તો, ધમાચકડી થઈ રહી હોય, તોય સ્વપરિણામ ના છોડે.

સ્વપરિણતિથી શરૂ સંયમ, પછી વધતો જ જાય સડસડાટ

અંદરના ગમે તેવા પરિણામો ઊભા થાય, ગમે તેવી અંદર ઝંઝાવાત જાગે છતાં બહાર કોઈનેય ખબર જ ના પડે તે સંયમ. ઈન્દ્રિય સંયમને સંયમ જ નથી કહેવાતો. કષાયો મંદ પડે એને જ સંયમ કહેવાય છે.

સંયમમાં કોણ આવી શકે ? સ્વપરિણતિવાળો જ. એ સંયમી કહેવાય. પરપરિણતિવાળાને સંયમ (હોય) નહીં. વૃત્તિઓ પોતાના ગામ ભણી પાછી ફરવા માંડી. અંશરૂપે શરૂઆત થઈ તે સંયમ

પછી તો વાર જ નથી લાગતી. છેલ્લા અવતારમાં પાંચ વર્ષમાં બધી જ ચીજ આવી જાય છે. કેટલું લાંબું હશે એટલું બધું ? કારણ કે સંયમ પરિણામ એટલો બધો વધતો જાય, એટલો બધો વધતો જાય, એટલો બધો વધતો જાય, ન પૂછો વાત. સંયમ પરિણામ કરોડ અવતાર સુધી એક માણસને ના થાય એટલા એક જ્ઞાની પુરુષને એક કલાકમાં સંયમ પરિણામ વર્તે. ત્યારે તેથી પણ આગળ જાય તો કેવળજ્ઞાનીને શું થાય ? બહુ જ સંયમ પરિણામ.

મહાત્મા સ્વપરિણતિમાં, દાદા સ્વપરિણામમાં

સંયમ પરિણામ એટલે આત્મપરિણામ અને પુદ્ગલ પરિણામ બન્ને યથાર્થપણે જુદા રહેવા. પુદ્ગલ પરિણામને જોવા એ આત્મપરિણામ.

પ્રશ્નકર્તા : પુદ્ગલના માલિક નથી ત્યાં પછી દેહની ક્રિયાઓ ને મનને જોવાનો શું અર્થ ?

દાદાશ્રી : તમેય દેહના માલિક તો નથી. પણ તમારાથી બોલાય નહીં એવું, કારણ કે હજુ પરપરિણામમાં છો. પણ છતાં પરપરિણતિ નથી તમને. શું કહું છું હું ? પરપરિણામમાં તો ખરા ! આમાં મજા કરો છો, ટેસ્ટ કરો છો, છતાં તમને પરપરિણતિ નથી.

પ્રશ્નકર્તા : જ્ઞાન મળ્યું એટલે અમારે સ્વપરિણતિ અને સ્વપરિણામ જ રહ્યાને ?

દાદાશ્રી : પરિણતિ તો, તમને બધાને સ્વપરિણતિમાં જ મૂક્યા છે. તમે ‘હું કરતો નથી’ એવા જ ભાવમાં છો, પણ સ્વપરિણામ નથી થયું. સ્વપરિણામ જોઈએ. તમને સ્વપરિણતિ છે, સ્વપરિણામ નથી. અમે સ્વપરિણામમાં છીએ. સ્વપરિણામ એ જ પરમાત્મા પદ.

મહાત્માનું જોવું-જાણવું બુદ્ધિનું, સ્વપરિણામનું હોય સ્વાભાવિક

પ્રશ્નકર્તા : હવે પુદ્ગલ પરિણામને જુદું જોઈએ છીએ, તો એ જ્ઞાનથી છે તો એ પણ રિયલ જ્ઞાનથી છે ?

દાદાશ્રી : હં, રિયલ ન્હોય. પણ છતાં લોકોને સંતોષ છે અને સાચો સંતોષ છે. પહેલા જે જાણવા-જોવાથી એને રીસ ચઢતી’તી, તે નથી ચઢતી જોવા-જાણવાથી.

પ્રશ્નકર્તા : છતાંય આ બુદ્ધિનું જ થયું ?

દાદાશ્રી : તે બુદ્ધિ નહીં તો બીજું શું ત્યારે ? તું એમ જાણે આત્માનું આવી ગયું મહીં ? એવો કંઈ આત્મા સહેલો હશે ?

પ્રશ્નકર્તા : એટલે અત્યાર સુધીનું છે એ બધું બુદ્ધિનું જ થયું તો પછી આત્માનું જોવા-જાણવાનું કેવું હોય તેમાં ?

દાદાશ્રી : આ બુદ્ધિથી જાણવા-જોવાનું છે એ પરપરિણામ છે એવું જાણે ત્યારે સ્વપરિણામને સમજે.

આમાં જે જોવા-જાણવાનું થાય છે તે આ પણ પરપરિણામ છે, એવું જાણે કે ત્યારે એ સ્વપરિણામ ખોળે છે કે સ્વપરિણામ ભણી પાછો ચાલી રહ્યો છે. પણ આ તો બધા સ્વપરિણામ માને છે, જોવું-જાણવું થાય છે તેને.

પ્રશ્નકર્તા : હા, તો તો એ સ્વપરિણામ તરફ ગયો એવું કહ્યું, એટલે સ્વપરિણામ તો પણ નથી આવ્યા.

દાદાશ્રી : સ્વપરિણામ શી રીતે હોય ? સ્વપરિણામ ચોખ્ખા હોય. સ્વપરિણામ સ્વાભાવિક હોય.

પ્રશ્નકર્તા : સ્વપરિણામ સ્વાભાવિક એટલે શું ?

દાદાશ્રી : એના દ્રવ્યના ગુણ, દ્રવ્યના પર્યાય બધાય જાણવા. મહાત્માઓ મને કહે છે કે ‘દાદા, (હું) જ્ઞાતા-દ્રષ્ટા રહું છું.’ મેં કહ્યું, ‘બહુ સારું.’ હા, પણ એ સારું છે ને, એને રાગ-દ્વેષ થતા નથી. જ્ઞાતા-દ્રષ્ટા ન રહે તો ચિઢાય પેલાની ઉપર. એટલે એ તો પુરુષાર્થ છે ને !

ભયંકર વેદનામાંય પરપરિણતિ ઉત્પન્ન ન થાય એ તપ

પ્રશ્નકર્તા : તો પછી સ્વપરિણામ માટે શું ખૂટે છે ?

દાદાશ્રી : તપ જોઈશે, ત્યારે કહે છે કે જે વેદના થતી હોય ! આ તો માથું દુઃખવું ને એ બધું છે, એ બધી વેદના એ વેદના જ ગણાય નહીં. એ તો જાણ્યામાં જતી રહે છે. જાણ્યા જ કરે એટલું. એમાં જતી રહે એવી છે આ વેદના તો. પણ બીજી, હાથ કાપતા હોય આમ ઘસી ઘસીને, એકદમ કાપી નાખે તો તો જાણે કે આ પતી ગયું. પણ ઘસી ઘસીને હાથ કાપતા હોય ત્યારે દુશ્મનને કંઈ એમ વિનંતી કરાય કે ભઈ, એકદમ કાપી નાખ ? વિનંતી કરીએ તોયે એકદમ ના કાપે એ તો મૂઓ. એવા સંજોગોમાં આવ્યા હોય ત્યારે વેદના કહેવાય. તે ઘડીએ તપ કરવાનું છે. ભગવાને કહ્યું કે તું હોમ ડિપાર્ટમેન્ટમાં છું, સ્વપરિણતિમાં છું તો પરપરિણતિ ઉત્પન્ન ના થાય. એ તપ કરવાનું છે. આ પરપરિણામ છે અને આ મારા પરિણામ નથી, એમ સ્વપરિણામમાં મજબૂત રહેવું એનું નામ તપ.

પરપરિણતિ આપણા મહાત્માઓને બંધ થઈ છે. પણ સ્વપરિણામમાં રહેતા નથીને ? હજુ તો કાગળના વેપાર કરો, બીજું કરો, ત્રીજું કરો. ડખા છે ને ? અને અમારે થોડોક ડખો ચાર ડિગ્રીનો છે, તેથી જ અમનેય ત્રણસોને છપ્પને રહ્યું. ત્રણસો સાંઈઠ ના થયું. અને તમારે વધારે ડખો હશે, નથી વધારે ? તમને સમજાય છે આ બધું ?

પ્રશ્નકર્તા : હા જી.

દાદાશ્રી : હં, ચોક્કસ ? એટલે આ બધું સમજવા જેવું છે. સમજ્યા વગર બાફીએ. અને આ લોકો તો અત્યારે શું કરે છે કે બાફવાનું કાચું રાખે છે ને કાચું રાખવાનું બાફી નાખે છે. પછી એના વિટામિન શી રીતે મળે તે, બળ્યા ? મળે વિટામિન ?

પ્રશ્નકર્તા : ના.

સંસારી વેશે અગિયારમું ધીટ આશ્ચર્ય !

પ્રશ્નકર્તા : દાદા, તમે કહ્યું અમે સ્વપરિણામમાં છીએ એ સમજાવશો ?

દાદાશ્રી : આ ‘એ.એમ.પટેલ’ દેખાય છે તે તો મનુષ્ય જ છે, પણ ‘એ.એમ.પટેલ’ની જે વૃત્તિઓ છે અને જે એમની એકાગ્રતા છે તે ‘પરરમણતા’ય નથી ને ‘પરપરિણતિ’ પણ નથી. નિરંતર ‘સ્વપરિણામ’માં જ મુકામ છે ! નિરંતર ‘સ્વપરિણામ’ વર્લ્ડમાં કો’ક વખત, હજારો-લાખો વર્ષે હોય ! ‘સ્વરમણતા’ અમુક અંશે થાય, પણ સર્વાંશે સ્વરમણતા અને તેય સંસારી વેશે ના હોય. એટલે આશ્ચર્ય લખ્યું છે ને ! ‘અસંયતિ પૂજા’ નામનું ધીટ આશ્ચર્ય છે આ !

અમે સંસારમાં જ રહેતા નથી, એક ક્ષણવાર પણ અમે સંસારમાં રહ્યા નથી. સંસારમાં રહેવું એટલે પરપરિણતિ કહેવાય. અમે સ્વપરિણામમાં હોઈએ, નિરંતર મોક્ષમાં જ હોઈએ. ઉઘાડી આંખે જ હોઈએ, જ્યારે આખું જગત બંધ આંખોમાં છે.

‘અમારે’ તો ‘આત્મા’ આત્મપરિણામમાં રહે અને ‘મન’ મનના પરિણામમાં રહે. ‘આત્મા’ સ્વપરિણામમાં પરમાત્મા છે. બન્ને પોતપોતાના પરિણામમાં આવે અને પોતપોતાના પરિણામને ભજે, તેનું નામ મોક્ષ.

પ્રશ્નકર્તા : અમને દાદા ભગવાનના દર્શન કરવાનો ભાવ થયો હોય એ ભાવ સ્વભાવમાં આવે ખરો ?

દાદાશ્રી : સ્વભાવમાં લાવવાના પરિણામ છે. એયે પરિણામ છે, પરપરિણામ છે. સ્વભાવમાં લાવવાના પરિણામ છે, એટલે એ હિતકારી કહેવાય.

v v v v v

[8.5]

પારિણામિક ભાવ

આત્માનો સ્વાભાવિક ભાવ તે પારિણામિક ભાવ

પ્રશ્નકર્તા : પારિણામિક ભાવ એટલે શું ?

દાદાશ્રી : પારિણામિક ભાવ તો બહુ જુદી વસ્તુ છે. પારિણામિક ભાવ એ તો આપણે જે છીએ તે રૂપે ભાવ ઉત્પન્ન થવો.

પારિણામિક ભાવ એટલે મોક્ષ ભાવ. પારિણામિક ભાવ એ આત્માનો સ્વભાવ છે, એ છેલ્લો ભાવ છે. આત્માનો મૂળ સ્વભાવ ભાવ- એ પારિણામિક ભાવ છે. એક મિથ્યાત્વ ભાવ છે, બીજા ઉપશમ ભાવ છે, ક્ષયોપશમ ભાવ છે, ક્ષાયક ભાવ છે. સન્નિપાત ભાવ છે. સનેપાત એય ભાવ છે. જ્ઞાનીને પણ સનેપાત થાય ત્યારે શુંય કરે, પણ એમનું જ્ઞાન જરાય આઘુપાછું ના થાય. અને છેલ્લો પારિણામિક ભાવ છે. આ બધામાં પારિણામિક ભાવ એકલો જ આત્માનો છે, બીજા બધા પૌૈદ્ગલિક ભાવો છે.

પારિણામિક ભાવ છે તે તત્ત્વને હોય, બીજા કોઈને અડે નહીં. બીજા કોઈને લાગુ ના થાય.

પારિણામિક ભાવ : આત્માનો ઊર્ધ્વ, પુદ્ગલનો અધો

પ્રશ્નકર્તા : પારિણામિક ભાવ ખરેખર કઈ રીતે ઉત્પન્ન થાય ?

દાદાશ્રી : આ પાંચ ઈન્દ્રિયથી જે દેખાય છે એ મારો ભાવ નથી તો પારિણામિક ભાવ ઉત્પન્ન થાય. આત્માનો પોતાનો જ ભાવ, પોતાના જ ગુણધર્મ એનું નામ પારિણામિક ભાવ. પોતાના જ ગુણધર્મ, આ તો પારકા ગુણધર્મને હજુ પોતાના માનીએ છીએ.

જગતનો પારિણામિક ભાવ નીચે ખેંચી લાવે અને આત્માનો પારિણામિક ભાવ ઊંચે લઈ જાય. આ (બન્નેના) પારિણામિક ભાવ જુદા જુદા છે. તેથી જ આ બન્નેના રગડા-ઝઘડા છે ને તેનો જ સંસાર છે. આ બન્નેના પારિણામિક ભાવમાં ડખો કરવાથી સંસાર ઊભો છે. ડખો ના થાય તો ફક્ત જગતનો પારિણામિક ભાવ અને આત્માનો પારિણામિક ભાવ. એ બે જ જગતમાં છે. જગતનો, પુદ્ગલનો પારિણામિક ભાવ નિરંતર નીચે લઈ જવાનો છે અને આત્માનો પારિણામિક ભાવ નિરંતર મોક્ષે લઈ જવાનો છે. પુદ્ગલ પારિણામિક ભાવની પુષ્ટિ મળે તો અધોગતિમાં લઈ જાય અને આત્માના પારિણામિક ભાવને પુષ્ટિ મળે તો ઊર્ધ્વગતિએ લઈ જાય.

પરમ પારિણામિક ભાવ એ પરમાત્મા

પ્રશ્નકર્તા : પરમ પારિણામિક ભાવ કોને કહેવાય છે ? આત્મા માટે એવું બોલે છે કે હું પરમ પારિણામિક ભાવ છું.

દાદાશ્રી : એટલે સ્વભાવમાં છું. એ પરમ પારિણામિક એટલે સ્વભાવ. એટલે શુદ્ધ ઉપયોગ, સ્વ-ઉપયોગમાં, વીતરાગતામાં !

પ્રશ્નકર્તા : પરમાત્મા છું, એનો શું ભાવાર્થ થાય ?

દાદાશ્રી : હા પણ, પરમાત્મા છે જ ને ! પારિણામિક ભાવ એ રૂપે પરમાત્મા જ છે. જો પારિણામિક ભાવ ઉત્પન્ન થયા તો પરમાત્મા છો. પારિણામિક ભાવ એટલે સ્વભાવ. જો આત્મા સ્વભાવમાં આવે તો પરમાત્મા જ છે. એ વિભાવમાં હોય તો જીવાત્મા છે.

ક્ષાયક ભાવે બેઉ સહજ વર્તે પારિણામિક ભાવમાં

પ્રશ્નકર્તા : આપે ઉપશમ ભાવ, ક્ષયોપશમ ભાવ, ક્ષાયક ભાવ કહ્યું તો એ વિશે વધુ સમજાવશો.

દાદાશ્રી : એવું છે ને, આખું જગત ઔદયિક ભાવમાં છે, જાનવરો ને મનુષ્યો બધાય. હિન્દુસ્તાનમાં બહુ ઓછા માણસ ઉપશમમાં આવ્યા છે ને કોઈક જ ક્ષયોપશમ ભાવમાં આવેલા હોય. એવો (કોઈ) હોય તે આ બે લીટી વાંચેને કે :

સોનું મઢ્યા હીરાજડિત દરવાજા તોતિંગ,

બંધ હતા બ્રહ્માંડમાં ગુપ્તજ્ઞાન ગોપિત.

તો તેને દરવાજા તોતિંગ સોના-હીરા જડેલા દેખાય, તે બંધ છે એવું દેખાય. જ્યારે આ ઔદયિકમાં વાંચવું એટલે વાંચવું, એને દેખાય નહીં.

એટલે જે ક્ષયોપશમ ભાવમાં આવેલા હોયને, એને જેવું બોલે એવું દેખાય. બોલવું ને એવું દેખવું એ સાથે થાય તે ક્ષયોપશમ ભાવ કહેવાય. આ ‘દાદા શરણં ગચ્છામિ’ બોલે તે દાદા દેખાય, શરણું લીધેલું દેખાય. આ બોલતાની સાથે ચિત્તવૃતિ તે પ્રમાણે બતાવે. શુદ્ધાત્મા બોલે તેવું મહીં બોલતાની સાથે લક્ષમાં બેસી જાય. બોલતાની સાથે તે રૂપ થઈ જાય, એવું ક્ષાયક ભાવવાળાને દેખાય. જ્યારે આપણે તો શુદ્ધાત્મા થયા, તો તો એથી ઘણું ગજબનું રહે.

ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ.

ગુણ તમારા ગાતા, થાય અમારું કામ.

એમ આ છોકરાં રોજ ગાય. તે સમજાય નહીં કે ઓ ઈશ્વર શું ? ભજીએ શું ? થાય અમારા કામ એ શું ? કશું ભાન ના હોય એવા ઔદયિક ભાવમાં જગત છે. એમાંથી નીકળે તો ઉપશમમાં આવે ને પછી જો ઊંચે જાય તો ક્ષયોપશમ ભાવમાં આવે. તે અમુક ભાવ ક્ષય થઈ ગયા હોય. આ ક્ષયોપશમવાળાને કેટલાક ભાવ થાય જ નહીં. તે જગતના લોકોને જેની કિંમત હોય, જેના ભાવ ઊંચા બોલાતા હોય, તેને આ ક્ષયોપશમવાળા મફતેય ના લે. એની અમુક પ્રકૃતિ ઉપશમ થઈ હોય. તે તો ઉદયકર્મના ઉદયે આવે, બાકી ભાવો શાંત હોય.

એવું છે ને કે જ્યાં સુધી આ જ્ઞાન હું ના આપું ત્યાં સુધી આત્મા ઉદયાધીન છે, ઉદયને આધીન છે. એને પછી ઘડીમાં ઉદયભાવે હોય ઘડીમાં ઉપશમ ભાવે હોય, ઘડીમાં ક્ષયોપશમ ભાવે હોય. એ ક્ષાયકભાવ એને થાય નહીં. આ ક્ષાયકભાવ આપણે કરી આપીએ છીએ ત્યારે એ પછી હવે થવાનું શું રહ્યું બાકી ? ક્ષાયકભાવ એટલે ભાવો ક્ષય થઈ ગયા બધા. પણ હવે આનું પરિણામ શું આવશે ? ત્યારે કહે છે કે સહજ પરિણામી પુદ્ગલ અને સહજ પરિણામી આત્મા એટલે પારિણામિક ભાવમાં બેઉ આવી જશે.

શુદ્ધાત્માના પારિણામિક ભાવો એ જ્ઞાતા-દ્રષ્ટા

તમને પારિણામિક ભાવ વર્તે, તે શુદ્ધાત્માનો પારિણામિક ભાવ તમને આપેલો છે. તેથી તે વર્તે. શુદ્ધાત્માનો પારિણામિક ભાવ ને પુદ્ગલનો પારિણામિક ભાવ બેઉ જુદા છે. વાણીથી જે બોલી જવાય તે જેવું બોલાય તેવું આપણે તો જાણનારા.

શુદ્ધાત્માના પારિણામિક ભાવો એ તો જ્ઞાતા-દ્રષ્ટા જ છે. આ બહાર ઔદયિક ભાવમાં આડુંઅવળું બોલી જવાયું તે આ ચંદુલાલ જોડે પાડોશી સબંધ રહ્યો છે, માટે ચંદુલાલ પાસે પ્રતિક્રમણ કરાવવું. આ તો પાડોશી ભાવમાં નહીં રહેતા, નિકટભાવમાં આવી જવાથી આવું લાગે છે. આ પૌદ્ગલિક પરિણામોની ઈચ્છા ના હોય તોય તે આવે, ના ઈચ્છા હોય તોય બોલી જવાય.

પ્રશ્નકર્તા : ઘણી વખત ના બોલવું હોય છતાં બોલી જવાય, પછી પસ્તાવો થાય.

દાદાશ્રી : વાણીથી જે કંઈ બોલાય છે તેના આપણે ‘જ્ઞાતા-દ્રષ્ટા.’ પણ જેને એ દુઃખ પહોંચાડે તેનું પ્રતિક્રમણ ‘આપણે’ ‘બોલનારા’ પાસે કરાવવું પડે. પારિણામિક ભાવ છોડે નહીં. આ તો પુદ્ગલના પારિણામિક ભાવો છે.

આત્મા-અનાત્મા બેઉ પારિણામિક ભાવોમાં તો કેવળજ્ઞાન

જેમ દહાડા જાય છે ને, તેમ ફાઈલોના નિકાલ થતા જાય છે. આત્મા અને અનાત્મા બેઉ પારિણામિક ભાવમાં આટલા દિવસમાં આવતા જાય છે. જેટલી ફાઈલોનો નિકાલ થાય એટલો પારિણામિક ભાવ ઉત્પન્ન થાય. અને બેઉ પારિણામિક ભાવમાં આવ્યા, બેઉ પરિણામ ભાવી થઈ ગયા એનું નામ કેવળજ્ઞાન છે.

પ્રશ્નકર્તા : બન્ને પોતાના ભાવમાં રહી ગયા એટલે કેવળજ્ઞાન.

દાદાશ્રી : સ્વપરિણામ ને સ્વપરિણામી હોય તો થઈ રહ્યું, ખલાસ થઈ ગયું. એવું આ જગત છે, બહુ સમજવા જેવું.

વ્યવસ્થિત નથી પારિણામિક ભાવ

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે આ વ્યવસ્થિત એ પારિણામિક ભાવ નથી એ સમજાવો.

દાદાશ્રી : વ્યવસ્થિત તે પારિણામિક ભાવ નથી. ઈટ ઈઝ ધી રિઝલ્ટ ઑફ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિન્ડસ. તમે ક્લાસિસવાળા શું અર્થ કરો આનો, રિઝલ્ટ ઑફ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિન્ડસ ?

પ્રશ્નકર્તા : રિઝલ્ટનો અર્થ આમ તો પરિણામ થાય.

દાદાશ્રી : સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિન્ડસનું એ રિઝલ્ટ છે અને પારિણામિક ભાવ તો બહુ ઊંચી વસ્તુ, જુદી વસ્તુ છે. તમને સમજાયા પારિણામિક ભાવ ?

પ્રશ્નકર્તા : જી, એ છ તત્ત્વને જ હોય.

દાદાશ્રી : હવે આ વિશેષણ ક્યાં લાગુ થાય ? તે અમુક જગ્યાએ જ લાગે.

પારિણામિક શક્તિ-સત્તા દાદાની, ત્યાં કામ કાઢી લો

પ્રશ્નકર્તા : દાદા પાસે સતત ચિત્ત રહે છે એનું કારણ શું ?

દાદાશ્રી : એ બધી અલૌકિક શક્તિઓ છે. પણ હવે આપણે એ રહે છે એનો લાભ ઉઠાવી લેવાનો.

પ્રશ્નકર્તા : એ પારિણામિક શક્તિ છે ?

દાદાશ્રી : હંઅ, એ જગતે જોઈ નથી એવી પારિણામિક શક્તિ છે.

પ્રશ્નકર્તા : પારિણામિક શક્તિ કામ કરે છે ?

દાદાશ્રી : હા, જગત ઉપશમ શક્તિમાં, ક્ષયોપશમમય શક્તિમાં, ઉદય શક્તિમાં, સનેપાત શક્તિમાં છે, ત્યારે આ પારિણામિક શક્તિમાં છે. એટલે જગતે જોઈ નથી એવી શક્તિ. માટે (જ્ઞાની) આપણને એ શક્તિ જોડે બેસાડે, ધીમે ધીમે પરિચયમાં રહીએ તો.

આ કહ્યુંને, કરોડો અવતારમાં ન બને તે એક કલાકમાં બને છે. માટે કામ કાઢી લેજો. ફરી ફરી આ તાલ બેસવાનો નથી. એક મિનિટ પણ ફરી ફરી દાદાનો તાલ બેસે નહીં, બીજું બધું બેસશે. કારણ કે આ પારિણામિક સત્તા છે. મહાવીર ભગવાનની પારિણામિક સત્તા હતી, આય પારિણામિક સત્તા છે. ફક્ત કેવળજ્ઞાનમાં ભેદ છે. ભગવાનનું કેવળજ્ઞાન સંપૂર્ણ, સર્વાંશે હતું અને આ કેવળજ્ઞાનમાં અંશે કમી છે. પારિણામિક સત્તા આમ સંપૂર્ણ છે. એ (આ કાળમાં) બને નહીં ને ! એ પારિણામિક સત્તા હોય નહીં.

v v v v v

[8.6]

સ્વસમય-સ્વપદ

‘હું’ પરક્ષેત્રે પ્રવેશે નહીં એ સ્વસમય પદ

પ્રશ્નકર્તા : દાદા, આ જે સ્વસમય અને પરસમય કહે છે તે શું ?

દાદાશ્રી : આખુંય જગત પરસમયમાં રહે છે. સ્વસમય તે જ મોક્ષ. અજ્ઞાનતામાં ‘હું નગીનભાઈ છું’ માનીને રાત્રે સૂઈ જાય તોય તે નગીનભાઈ છે. એ પરસમયમાં જ રહે છે, જ્યારે આપણે રાત્રે સૂઈ જઈએ તોય શુદ્ધાત્મા યાદ રહે તે સ્વસમય.

પ્રશ્નકર્તા : એવું સ્વસમય પદ કેવી રીતે પ્રાપ્ત થાય ?

દાદાશ્રી : એક દારૂડિયો હોય, તેને કોઈ કહેશે, તમારામાં જેવો દારૂડિયો છે આત્મા, એવો મને દારૂડિયો બનાવો. તે દારૂ પીએ, (એટલે) શીખી જાય એટલે દારૂડિયો થઈ જાય. વાર શી લાગે ? એવું આત્મામાં, જ્ઞાનીની આજ્ઞામાં રહે સંપૂર્ણ, એટલે (એવું પદ પ્રાપ્ત) થઈ જાય. સંપૂર્ણ આજ્ઞામાં રહે, સંસારની કોઈ અડચણમાં પડે નહીં, પોતાના સ્વરૂપમાં એકલામાં જ રહે, બીજામાં, પરક્ષેત્રે પેસે નહીં, સ્વસમયમાં જ રહે, એક સમય એટલે સેકન્ડના અમુક નાનામાં નાના ભાગનું પણ બગડે નહીં ત્યારે એ થાય. પરસમય એ ફોરેન. હોમનો, નિરંતર સ્વસમય રહે ત્યારે એ થાય. એ તો ચા મોળી આવી ને પછી પરસમય પાછો બગાડે ઊલટો. એ ચા મોળી છે, મોળી છે. તે પી જતો નથી પાંસરી રીતે અને ‘મોળી મોળી’ કરીને પાછો બે મિનિટ એમાં બગાડે, પછી શી રીતે થાય ?

પ્રશ્નકર્તા : એટલે એ સ્વસમયવાળો પુદ્ગલમાં ભળે જ નહીં ?

દાદાશ્રી : પરની, આ દેહની પંચાત, મનની પંચાતમાં પડે નહીં. સ્વ સિવાય બીજી બધું પારકું ને આ જગત પારકી પંચાત કોને કહે ?

પ્રશ્નકર્તા : આ બીજાની.

દાદાશ્રી : બીજાની. જ્યારે આ (સ્વસમયવાળો) પારકી પંચાત એટલે આ દેહ માંદો છે કે સાજો છે, એવી તેવી કશી પંચાતમાં પડે નહીં.

‘હું શુદ્ધાત્મા’ એ સ્વપદ, વર્તાવે સ્વાનુભવપદ

પ્રશ્નકર્તા : અપદ-સ્વપદ વિશે સમજાવશો.

દાદાશ્રી : ‘અપદ’ એ મરણપદ છે. ‘હું ચંદુભાઈ છું’ એ ‘અપદ’ છે. અપદમાં બેસીને જે ભક્તિ કરે તે ભક્ત અને ‘હું શુદ્ધાત્મા’ એ ‘સ્વપદ’ છે, એ ‘સ્વપદ’માં બેસીને ‘સ્વ’ની ભક્તિ કરે એ ‘ભગવાન.’

સ્વપદ એ નિર્લેપપદ છે અને બીજું બધું નાશવંતપદ છે. સ્વપદમાં અમરતા છે. જ્ઞાની પુરુષે સ્વપદમાં બેસાડી તમને અમર બનાવ્યા.

સેલ્ફનું રિયલાઈઝ થયું એટલે બધા અવતારનું ફળ મળ્યું. આ તો લિફ્ટ માર્ગ છે, વૈભવવાળો માર્ગ છે. લાખ અવતાર ભટક ભટક કરે તોય આમાંનો એક અક્ષરેય ના પામે એવી આ વાત છે. આ તો સ્વ-પરની, હોમ અને ફોરેનની વાત છે.

અંતિમ હેતુ સિદ્ધકવાણી, હોય જ મંત્રસ્વરૂપે,

ઈ મંતરને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવપદ સિદ્ધ વરતે. -નવનીત

અમે શુદ્ધાત્માનો (અંતિમ હેતુ સિદ્ધક) મંત્ર તમને આપ્યો છે તે સ્વાનુભવ વર્તે. આ અજપાજાપ તે મહીં પોતાના લક્ષની, સ્વપદની સ્થિરતા સ્થાપે.

સ્વાનુભવપદ એટલે ‘હું તે જ છું’ અને ‘તેમાં જ રહું છું’ અને ‘આ (દેહ) પાડોશી છે’ એવું પદ ચાખેને, એ સ્વાનુભવપદ કહેવાય.

દાદાની ભજના સ્થિત કરાવે સ્વપદમાં

પ્રશ્નકર્તા : સ્વપદમાં જ રહેવાય તે માટે શું કરવું ?

દાદાશ્રી : દાદાની ભજના કરવાથી દાદા જેવું થવાય. કારણ કે દાદા સ્વપદમાં જ રહે છે. એટલે તેમની ભજના વધુ કરવાથી સ્વપદમાં રહેવાય.

આખા જગતમાં જે આનંદ છે તે આકુળતા-વ્યાકુળતાવાળો આનંદ છે અને જ્ઞાની પુરુષ પાસે નિરાકુળ આનંદ ઉત્પન્ન થાય છે. પુદ્ગલની કંઈ લેવાદેવા નથી, તો પછી આ સુખ ઉત્પન્ન ક્યાંથી થયું ? ત્યારે કહે કે એ સ્વાભાવિક સુખ, સહજ સુખ ઉત્પન્ન થયું, તે જ આત્માનું સુખ છે અને એટલું જેને ફિટ થઈ ગયુંને, એ સહજસુખના સ્વપદમાં રહ્યો, તે પછી ધીમે ધીમે પરિપૂર્ણ થાય !

અનંત અવતારથી અહંકારપદમાં જ બેઠા હતા. તે આ સ્વપદમાં બેઠા. સ્વપદમાં સ્વાનુભવ હઉ વર્તે, પણ આ ફાઈલો પાર વગરનીને એટલે જંપ વળવા ના દે. ફાઈલો કેટલી બધી !

બહાર ફાઈલોના નિકાલ કરવાના હોય ત્યારે આત્મા દ્વૈત છે ને સ્વપદમાં પેઠો તો અદ્વૈત છે. એટલે ખરી રીતે આત્મા દ્વૈતાદ્વૈત છે. જ્યારે ફાઈલોનો નિકાલ કરવાનો હોય ત્યારે અનેકાંતમાં છું અને સ્વપદમાં હોય ત્યારે ‘હું’ એકત્વમાં છું.

અપદે રહે અસ્વસ્થ, સ્વપદે રહે સ્વસ્થ

સ્વપદ સિવાય એવું કોઈ પદ નથી કે જે નિર્લેપ રાખી શકે. તપ-ત્યાગ એ બધા જ ભ્રાંતિના સ્ટેશન છે. એને એની ભ્રાંતિ છે, પણ ક્યાં સુધી એને સંઘરે ? જ્યાં સુધી એને સમજાય નહીં કે આ મારું નાણું જૂઠું છે.

વ્યવહારમાં લોકો સ્વસ્થ રહેવા માગે છે પણ લોકો નિરંતર અસ્વસ્થ રહે છે. કારણ કે તેઓ અપદમાં રહે છે. અપદમાં છે એટલે અસ્વસ્થ છે. પરક્ષેત્રે બેઠેલા છે. પરના સ્વામી થઈને બેઠેલા છે. તે સ્વસ્થ ક્યારેય પણ ના થાય. જે ચીજો ક્યારેય આપણી ના થાય તેવી છે તેમાં જ આપણે માન્યતા કરેલી છે. એટલે અસ્વસ્થ રહે. સ્વપદ પ્રાપ્ત થાય ત્યારે જ સ્વસ્થ થઈ શકે. અને સ્વમાં જ સ્વસ્થ થાય તો સ્વસ્થતા અનુભવે, નહીં તો અસ્વસ્થતા.

નિશ્ચય સ્વપદમાં અને વ્યવહાર નિકાલી

પ્રશ્નકર્તા : સ્વપદમાંથી જો તું ખસે તો કાળિયો વિષધર તુજને દંશે !

દાદાશ્રી : હા, સ્વપદમાંથી ખસ્યો એટલે ! તે આપણા બધા પ્રશ્નો સ્વપદમાંથી ખસવાને લીધે છે. સ્વપદમાં એને ફિટ કર્યા કરોને, એ જ પુરુષાર્થ. ખસે કે તરત ફિટ થઈ જવું, ખસે કે તરત ફિટ થઈ જવું. બીજું બધું જોવાની જરૂર જ ક્યાં છે તે ?

‘સ્વપણું’ ‘સ્વ’માં વર્તે તે જાગ્રત કહેવાય. પોતાનું સ્વરૂપ અને ડ્રામેટિકપદ હોવું જોઈએ. બે પદ સિવાય આ જગતમાં બીજું છે જ નહીં. તે લોક જાણતા નથી. એક જ પદને પકડી લે છે. વ્યવહારમાં પડે છે તો ધર્મ બંધ થઈ જાય છે ને ધર્મમાં પડે છે તો વ્યવહાર બંધ થઈ જાય છે. વ્યવહાર અને ધર્મ બન્નેય પદ સાથે જ હોવા જોઈએ. જગતના લોકોએ નિશ્ચય પોતાની બાઉન્ડ્રીમાં (સંસારી સ્વાર્થ) રાખ્યો અને વ્યવહાર બાઉન્ડ્રીની બહાર રાખ્યો છે (હું ચંદુ, કુટુંબ પોતાનું, એ સિવાય બધું પારકું એ વ્યવહાર) એટલે માર ખાય છે. આપણે જ્ઞાન થયા પછી હવે આપણો નિશ્ચય સ્વપદમાં હોવો જોઈએ અને વ્યવહાર તે પરાર્થ હોવો જોઈએ. (હું શુદ્ધાત્મા, એ સિવાય બધું પારકું એ વ્યવહાર) આપણે સ્વાર્થને ઓળખતા નહોતા. તે સ્વાર્થની બાઉન્ડ્રી ભ્રાંતિની હતી. હવે સ્વાર્થને (સ્વ-અર્થને) ઓળખ્યો એટલે શુદ્ધાત્માની બાઉન્ડ્રીમાં આવ્યા અને બાઉન્ડ્રીની બહાર પરાર્થમાં આવ્યા.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18