ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18



આપ્તવાણી

શ્રેણી-૧૪ ભાગ-૪

[9]

સ્વરમણતા-પરરમણતા

યાદગીરી ત્યાં રમણતા અહંકારની

પ્રશ્નકર્તા : રમણતા એટલે શું ? ઈન્વૉલ્વમેન્ટ ? એટલે એની અંદર ઓતપ્રોત થઈ જઈએ તે ?

દાદાશ્રી : ના, એવું કશુંય નહીં. યાદગીરી હોય તેમાં જ રમણતા આપણી હોય. રમણતા વગર યાદગીરી ના આવે. ભજિયાં યાદ આવ્યા કરતા હોય તો રમણતા એમાં હોય તો જ ભજિયાં યાદ આવે. જલેબી યાદ આવ્યા કરતી હોય તો જલેબીમાં રમણતા હોય તો આવે અને સવારના પહોરમાં ચા યાદ આવ્યા કરતી હોય, તો ચામાં રમણતા છે. કાર્ય બધા કરે છે, પણ રમણતા ચામાં છે.

પ્રશ્નકર્તા : ચાની યાદ આવે, એ ચાની રમણતા એ કોની રમણતા ?

દાદાશ્રી : એ તો અહંકારની. વ્યવહાર આત્માનો (પોતાનો) સ્વભાવ રમણતા કરવાનો છે. આઈધર હિઅર ઓર ધેર. અગર કાં તો સંસારમાં અગર આત્મામાં. અહીં રમણતા ના હોય તો ત્યાં રમણતા છે જ અને ત્યાં રમણતા નથી તો અહીં છે જ, ‘આઈધર વન’ (બેમાંથી એક જગ્યાએ) !

પ્રશ્નકર્તા : એટલે તમે જે કહો છો ને, એ ગીતાના બીજા અધ્યાયમાં મૂક્યું છે કે જ્યાં સુધી બ્રહ્મના દર્શન નહીં થાય, ત્યાં સુધી આ જે સંસાર પ્રત્યે રસ છે એ મોળો નહીં પડે, એ જશે નહીં.

દાદાશ્રી : મોળો શી રીતે પડે તે ? આ રસ કંઈ જેવો તેવો રસ છે ? જલેબી ખાધી હોય, તે ખાય તેનો વાંધો નથી પણ બીજી વખતે પકડે તેનો વાંધો છે. પકડે છે, પછી આપણને એ પકડે છે. જુઓને, ચાએ કેવા પકડ્યા છે લોકોને ! ‘સાડા આઠ વાગ્યા, મારું માથું ચડ્યું છે’ કહેશે. ‘અલ્યા મૂઆ, બેસને પાંસરો. રોજ ચા સાત વાગે મળે છે ને એક દહાડો સાડા આઠ થઈ ગયા તો શું બગડી ગયું ?’ પાંસરો ના રહે પણ, કારણ કે એ ચાની રમણતામાં જ હોય.

રમણતા એ કૉઝ, ધ્યાન એ ઈફેક્ટ

પ્રશ્નકર્તા : દાદા, ધ્યાન અને રમણતા બે એક જ વસ્તુ છે ?

દાદાશ્રી : ધ્યાન એ તો પરિણામ છે. ધ્યાન તો એક પ્રકારનો આનંદ લૂંટવાનો છે. અને આ રમણતા તો કાર્યકારી વસ્તુ છે. જેમાં રમણતા કરી કે ધ્યાન ઉત્પન્ન થાય, એટલે આનંદ ઉત્પન્ન થાય જ, નિયમથી. ત્યાં દાદામાં રમણતા થઈ (એટલે) એ ધ્યાન ઉત્પન્ન થાય જ. તો તેમાં આનંદ લાગે.

એના એ જ વિચારમાં રમણતા કરવી એનું નામ ધ્યાનરૂપ થયું કહેવાય. એ ધ્યાન પછી એને ધ્યેયસ્વરૂપ થઈ જાય. પછી આપણું ચાલે નહીં.

સ્વરૂપ-સ્વભાવમાં રહેવું એ સ્વરમણતા

પ્રશ્નકર્તા : સ્વરમણતા-પરરમણતા બે શબ્દો આવે છે તો સ્વરમણતા એટલે ?

દાદાશ્રી : આત્માની રમણતા. ‘હું આત્મા છું’ ને આ મારા ગુણધર્મો છે એમ ચિંતવન થવું, એટલે કે સ્વરૂપ અને સ્વભાવમાં રહેવું એ સ્વરમણતા છે.

આત્માનું લક્ષ રહ્યા કરતું હોય નિરંતર, એક ક્ષણવાર અટક્યા સિવાય, ત્યારે સ્વરમણતા કહેવાય. એક પોતાનું સ્વરૂપ એકલું જ સ્વરમણતા છે. સ્વરમણતા એટલે પરમાત્મામાં રમણતા થઈ અને પરરમણતા એટલે આ પુદ્ગલ, વિનાશીમાં રમણતા. આ વિનાશીની રમણતા એ સંસાર અને અવિનાશી સ્વરૂપની રમણતા એ મુક્તિ.

આ વિનાશીની રમણતા એ રિલેટિવ રમણતા. સ્વરમણતા એટલે રિયલની રમણતા. રિયલની રમણતા કાયમની હોય અને આ રિલેટિવની રમણતા ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે.

સંસારી અવસ્થાઓમાં તન્મયાકાર તે પુદ્ગલ રમણતા

પ્રશ્નકર્તા : સંસારની રમણતા વધુ સમજાવશો ?

દાદાશ્રી : આ સંસારમાં લોકોને દેહાધ્યાસની રમણતા રહે છે, ને તે ખૂબ આનંદમાં હોય તે વખતે આમ કરી નાખું ને તેમ કરી નાખું, એ રમણતા એ પુદ્ગલ રમણતા કહેવાય. એનાથી સંસાર ઊભો થયા કરે. અને આ જ્ઞાતા-દ્રષ્ટા એ આત્માની રમણતા છે. આ આત્માની રમણતા એ મુક્તિ આપે.

આ પૌદ્ગલિક રમણતાવાળું જગત છે ! અવસ્થાઓમાં તન્મયાકાર રહે એનું નામ સંસાર. અવસ્થાઓમાં તન્મયાકાર એટલે પુદ્ગલ રમણતા. ‘હું ચંદુભાઈ છું, હું વકીલ છું, આનો મામો છું, આનો સસરો છું, આનો ફુઓ થઉ.’ જો આખો દહાડો ! ‘વેપારમાં આમ નફો છે, આમ નુકસાન છે’ ગા-ગા કરે, એ બધું પુદ્ગલ રમણતા. જેમ સંસારીઓ ગાય તેવું ગાણું ‘આમ કમાયો ને તેમ ગયો ને આ ખોટ ગઈ ને ફલાણું છે’ ને માર તોફાન ! ‘સવારમાં વહેલા ઊઠવાની ટેવ મારે. સવારમાં ઊઠતાની સાથે બેડ ટી પીવી પડે. પછી પેલી ટી...’ એનું બધું ગા-ગા કરેને તે જાણવું કે આ પુદ્ગલ રમણતા. જે અવસ્થા ઊભી થઈને તેની મહીં જ રમણતા. ઊંઘની અવસ્થામાં રમણતા, સ્વપ્ન અવસ્થામાં રમણતા, જાગ્રતમાં ચા પીવા બેઠો તો તેમાં તન્મયાકાર, ધંધા ઉપર ગયો તો ધંધામાં તન્મયાકાર. તે તન્મયાકાર તો ફોરેનવાળા સહજ પ્રકૃતિવાળા તેથી રહે છે. આ તો પાછા તન્મયાકારેય નહીં. આ તો ઘેર હોય ત્યારે ધંધો (સાંભરે), ધંધામાં તન્મયાકાર હોય. જમતી વખતે ચિત્તમાં ત્યાં આગળ ધંધા ઉપર તન્મયાકાર હોય. એટલી બધી આપણી અવળચંડાઈ ! અને સ્વરૂપમાં તન્મયાકાર રહે તેનો મોક્ષ (થાય).

સ્વરૂપનું જ્ઞાન મળે ને સ્વરૂપમાં રમણતા કરી તો તે પોતે જ ભગવાન છે. પહેલા તો પોંક ખાવા ગયો ત્યાંય રમણતા. સગાંવહાલાં રડતા હોય તો ત્યાંય રડવામાં રમણતા. વાળ કપાવવા જાય તો ત્યાં વાળ કપાવવામાં પણ રમણતા. જે જે અવસ્થા ઉત્પન્ન થઈ, તે તે બધામાં રમણતા.

પૌદ્ગલિક રમણતા ઉપજાવે ઉપાધિ

પ્રશ્નકર્તા : પૌદ્ગલિક રમણતાનું ફળ શું ?

દાદાશ્રી : પુદ્ગલ રમણતા છે તેથી કડવું-મીઠું એ રમણતામાં લાગ્યા કરે. ઘડીમાં મીઠું લાગે, ઘડીમાં કડવું લાગે. બેભરમો સ્વાદ આવ્યા કરે. લગ્નમાં પૈણવા જતો હોય તો બેભરમો સ્વાદ હોય, સાચો સ્વાદ ન હોય. તો પછી કો’ક મરવાનું હોય ત્યારે શું સાચો સ્વાદ આવે બિચારાને ? એ તો જેને કલ્પાંત હોય એ લોકો જ જાણે, જગત કેવા કલ્પાંતમાંથી પસાર થઈ રહ્યું છે !

એટલે અત્યારે આ આત્માની બીજી વસ્તુમાં રમણતા છે. પોતાની રમણતા ભૂલાઈ ગઈ છે, તેની આ ઉપાધિ છે બધી. ઉપાધિમાં રમણતા કરી તો ઉપાધિ ઉત્પન્ન થઈ. હવે પોતાનામાં રમણતા કરે તો નર્યું સુખ, સુખ ને સુખ જ.

અનાદિ કાળનો અભ્યાસ પડી ગયેલો. કાં તો દેહમાં રમણતા કરે કે બજારમાં રમણતા કરે કે પછી ધર્મના પુસ્તકમાં રમણતા કરે.

શાસ્ત્રો-સ્વાધ્યાય એ બધીય પૌદ્ગલિક રમણતા

પ્રશ્નકર્તા : ધર્મના પુસ્તક એ તો આત્મરમણતામાં ગણાય કે એ પણ સંસારી રમણતા ?

દાદાશ્રી : આત્મા સિવાય કોઈ જગ્યાએ આત્મરમણા નથી. આ બધી પુદ્ગલની જ રમણતા છે. શાસ્ત્રો વાંચે, સ્વાધ્યાય કરે, તોય શાસ્ત્રો એ પુદ્ગલ ને સ્વાધ્યાય એ પુદ્ગલ, કરનારોય પુદ્ગલ. એટલે પૌદ્ગલિક રમકડાં રમાડ્યા કરે છે આખું જગત અને તેની ઉપાધિ છે. આકુળ ને વ્યાકુળ રહ્યા કરે.

આખા જગતના લોકો જે જે કરે છે, એ બધો જ સંસાર છે. ગમે તે કરતા હશે તો પણ સંસાર જ છે. એકવાર સંસારની બહાર જતા નથી. એને પરરમણતા કહેવાય.

સ્વરૂપનો બેભાન એ જે જે કંઈ પણ કરે છે તે બધી જ સંસારની રમણતા છે. પછી તે જે કંઈ પણ કરતો હોય, તપ-ત્યાગ-જપ-યોગ કરે તે બધી જ સંસાર રમણતા છે.

પ્રશ્નકર્તા : જો ક્રમિક માર્ગના આ બધા સાધન પુદ્ગલ જ હોય તો આત્મા કેવી રીતે પ્રાપ્ત થાય ?

દાદાશ્રી : બધા સાધનો તો પુદ્ગલ છે, પણ ત્યાં પુદ્ગલના સાધનથી આત્મા પ્રાપ્ત કરવાનો છે. શાસ્ત્રો એ બધા એને (આત્મ) માર્ગે લઈ જનારા સાધન હોવાથી એને આપણે કાઢી ના નાખીએ પણ છે પુદ્ગલ રમણતા. જ્યાં સુધી આત્માની રમણતા ના થાય ત્યાં સુધી રમકડાંની રમણતા છે. છતાં એનો અર્થ આપણે એવો નથી કરવો કે કાઢી નાખવાનું છે. એ (પણ) માર્ગ છે.

પુસ્તકો એ ભૌતિક છે પણ જરૂરિયાત છે. જ્યાં સુધી આગળ વધવાનું છે ફર્સ્ટ સ્ટાન્ડર્ડવાળાને, સેકન્ડ સ્ટાન્ડર્ડ ને થર્ડ સ્ટાન્ડર્ડ ને બધા સ્ટાન્ડર્ડમાં જવા, એ બધાની જરૂરિયાત છે. પણ છેવટે આત્મા માટે કોઈ ચીજ જરૂર નથી.

એમને (ભગવાનને) પૂછે કે આ કઈ આત્મરમણતા ? ત્યારે કહે, ના, ભાઈ, આત્મરમણતા તો આત્મા પ્રાપ્ત થયા સિવાય હોય નહીં.

આત્મરમણતાના સાધનો એય મોહ, પણ એ પ્રશસ્તમોહ

ભગવાને આત્મરમણતા સિવાય બીજું જે જે કંઈ કરવામાં આવે છે તેને મોહ કહ્યો છે. પછી જે કંઈ કરો તે. આ મોહમાંથી આ મોહમાં વળગ્યા ને આ મોહમાંથી આ મોહમાં વળગ્યા. મોહની બહાર નીકળે નહીં ત્યાં સુધી એનું કશું કામ નહીં. વીતરાગોની વાત કેવી ડહાપણવાળી છે, નહીં ?

આત્મરમણતા સિવાય બધું જ મોહ છે. આત્મરમણતાના સાધનોય મોહ છે. એ મોહ કેવો છે ? પ્રશસ્તમોહ છે.

એ મોહેય પ્રશસ્ત છે કે જે સાધનો તમને સાધ્ય ફળ આપશે. પણ એવા સાધનો મળવાય મુશ્કેલ છે, ખરા સાધનો જ ક્યાં છે અત્યારે ? એટલે આવી દશા અત્યારે આ હિન્દુસ્તાનમાં બધા ધર્મોની થઈ છે.

સાધન એ પૌદ્ગલિક રમણતા, ત્યાં નથી આત્મરમણતા

શુદ્ધાત્માની રમણતા એ જ મુખ્ય વસ્તુ છે, ત્યાં સુધી આ પુદ્ગલની રમણતા કહેવાય. આ બધું પુદ્ગલ જ કહેવાય ને ! જે રૂપે કહો, આ રૂપે કહો કે તે રૂપે કહો, પણ બધા રૂપે પુદ્ગલ જ છે. બધા જેટલા સાધન માર્ગે છે, એ બધા પૌદ્ગલિક રમણતામાં છે !

પુદ્ગલ રમણતા એનું નામ જ સંસાર. એનાથી કંઈ દહાડો વળશે નહીં. તું ગમે તે હોય, એમાં ભગવાનને શું લેવાદેવા ? ભગવાનને પૂછે, કે ‘રમણતા શી છે ?’ ત્યારે એ કહે, ‘પુદ્ગલ રમણતા.’ ત્યારે એ કહે, ‘સાહેબ, બધા શાસ્ત્રોના જાણકાર છીએ.’ (ત્યારે ભગવાન કહે) ‘તે અમારે વાંધો નથી. એ જાણ્યું છે તેનું ફળ મળશે, પણ રમણતા શું છે ?’ ત્યારે કહે, ‘પુદ્ગલ રમણતા.’

‘હું ચંદુભાઈ ને આ બધું મારું, આનો ધણી ને આનો બાપો ને આનો મામો.’ શાસ્ત્રોય પુદ્ગલ કહેવાય. સાધુ મહારાજો શાસ્ત્રોને રમાડ રમાડ કરે તેય પણ પુદ્ગલ રમકડાં જ કહેવાય, ત્યાં સુધી કોઈ દહાડો આત્મરમણતા ઉત્પન્ન થાય નહીં.

પુદ્ગલથી વિરામ પામવું એનું નામ વિરતિ. આખુંય જગત ક્રિયાઓમાં જ પડ્યું છે પણ એકમાત્ર દ્રષ્ટિની જ જરૂર છે. બધા જ પરરમણતામાં જ છે. એકુંય સ્વરમણતામાં જ નથી. શાસ્ત્રો રમાડે, શિષ્યો રમાડે, ફોટા રમાડે એ બધી સંસાર રમણતા જ છે. આત્મરમણતા એક સેકન્ડ પણ ચાખે તો છુટકારો થાય. જ્ઞાની સિવાય આત્મરમણતામાં કોઈ લાવી જ ના શકે.

આત્મપ્રાપ્તિ સુધી રમકડાંની રમણતા ચિત્ત સ્થિરતા માટે

પ્રશ્નકર્તા : દાદા, વધારે સમજાવો.

દાદાશ્રી : ભગવાને કહ્યું કે બે જાતની રમણતા હોય. એક ‘શુદ્ધ ચેતન’ની રમણતા, એ પરમાત્મ રમણતા કહેવાય છે અને નહીં તો બીજી પુદ્ગલની રમણતા, એ રમકડાંની રમણતા કહેવાય છે. રમકડાં રમાડે છે એમ કહેવાય છે. રમકડાં કોને કહેવાય ? જે ખોવાય તો દ્વેષ થાય ને મળે તો રાગ થાય !

જ્યાં સુધી સ્વરૂપ પ્રાપ્ત નથી થયું ને સ્વરૂપમાં રમણતા નથી ત્યાં સુધી જગત આખુંય રમકડાંની રમણતામાં મશગુલ છે.

કારણ કે ત્યાં સુધી ચિત્તને મૂકવું શેમાં ? જ્યાં સુધી સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી ચિત્તને શેમાં મૂકે ? કાં તો અંદર મૂકે પણ અંદરનું ‘સ્વરૂપનું ભાન’ નથી એટલે ત્યાં સુધી પોતે બાહ્ય રમકડાં રમાડે, નહીં તો ચિત્ત ભટક્યા કરે. તે રમકડાં રમાડે ત્યાં સુધી તો ચિત્ત સ્થિર રહે !

હવે એ તો જ્યાં આગળ, બીજી જગ્યાએ રમણતા છે તેના આધારે જીવાય છે. જો રમણતા કોઈ પણ જગ્યાએ, એક પરમાણુ માત્રમાં પૌદ્ગલિક રમણતા ના હોય, એને આત્મા પ્રાપ્ત થયે જ છૂટકો.

રમકડાંની રમણતા તો ઈન્ટરેસ્ટ અને ડિસિન્ટરેસ્ટ ઉત્પન્ન કરે, આત્મરમણતામાં તેવું ના હોય.

જે રમકડાં રમાડે એ અવસ્થામાં મુકામ કરે અને જે આત્માની રમણતા કરે એ આત્મામાં મુકામ કરે. અવસ્થામાં મુકામ કરે એટલે અસ્વસ્થ રહે, આકુળવ્યાકુળ રહે અને આત્મામાં રમણતા કરે એટલે સ્વસ્થ, નિરાકુળ રહે !

આ બધા નાશવંત રમકડાંથી રમે છે, તેનો નાશ થવાનો છે. આખું વર્લ્ડ વસ્તુમાં રમતું નથી, ફેઝિઝમાં રમ્યા કરે છે.

અમે પરમાત્મા સાથે રમીએ છીએ. જે ચૈતન્યમાં રમણતા કરતા નથી, તે બધા જ રમકડામાં રમે છે. અમે ભગવાનમાં રમીએ છીએ અને ભગવાન અમને રમાડે છે. (પૌદ્ગલિક) રમકડાં નાશવંત છે. અમે અવિનાશી રમકડું રમાડીએ છીએ, અમરપદની જ રમણતા.

સ્વભાવ પ્રાપ્તિ પછી થાય આત્મરમણતા

એટલે જો કદી પૌદ્ગલિક રમણતા કિંચિત્માત્ર હોય ત્યાં સુધી આત્મા પ્રાપ્ત થતો નથી. આત્માના અણસાર દેખાય છે પણ તથારૂપ ના થાય. તથારૂપ ભગવાને જે કહ્યો છે, એવો ન થાય. એ તો અચળ આત્મા ! આ ચંચળ આત્મા છે.

આત્માની રમણતા ઉત્પન્ન થાય ત્યારે જાણવું કે મોક્ષ થયો આપણો.

પુદ્ગલમાં રમણતા કરે તે પુદ્ગલ સાર અને આત્મામાં રમણતા કરે તે આત્મસાર.

પૌદ્ગલિક રમણતા જેને બંધ થઈ ગઈ હોય અને આત્મરમણતા જેને ચાલુ થઈ ગઈ હોય તે સંન્યાસી.

આત્માનો સ્વાદ ચાખ્યા પછી આત્મરમણતા હોય. પહેલો સ્વાદ આવવો જોઈએ, ત્યાર વગર રમણતા ના ઉત્પન્ન થાયને ! જ્યાં સુધી આત્માનો સ્વભાવ ઉત્પન્ન થાય નહીં, ચાખે નહીં, ત્યાં સુધી પ્રકૃતિ જ રચ્યા કરે છે. સ્વભાવ ચાખ્યા પછી પોતાની જ રમણતા કરે છે.

આત્મસુખ ચાખતા થાય સ્વરમણતા

‘જગત વિસ્મૃત રહેવું’ એ જ છેલ્લામાં છેલ્લું સાધન છે. હવે વિસ્મૃત એમ ને એમ તો રહી શકે નહીં. કોઈમાં સ્મૃતિ દાખલ થયા સિવાય જગત વિસ્મૃત રહી શકે નહીં. એટલે સાચી આરાધના ઉત્પન્ન થયા સિવાય જૂઠી છૂટે નહીં.

એટલે આત્માના પોતાના સ્વરૂપની આરાધના શરૂ થાય, રમણતા શરૂ થાય, ત્યારે આ જગત વિસ્મૃત રહે. આ (સંસારી) રમણતા ચાલુ છે ત્યાં સુધી પેલું વિસ્મૃત રહે. આત્મા હાથમાં આવ્યા વગર આત્માની રમણતા ઉત્પન્ન થાય નહીં, ત્યાં સુધી બધી પૌદ્ગલિક રમણતા છે.

એ અહીંથી આમ ઘટે છે ત્યારે પેલી બાજુ બેસે. પેલી બાજુ ઘટશે ત્યારે પેલી બાજુ બેસે. પણ આમથી આમ આ સંસારમાં જ રમણતા એની. જ્યારે એ આત્માનું સુખ ચાખે છે, ત્યારથી એની આસક્તિઓ બધી મોળી પડી જાય અને આત્મરમણતામાં આવે છે. આ જે આસક્તિ આની સંસારની રમણતામાં હતી એ એને બદલે આત્માની રમણતા ચાખે છે, ત્યારથી જ રમણતા ઉત્પન્ન થાય છે. ‘હું શુદ્ધાત્મા છું’ એ લક્ષ બેસી જાય છે. એ રમણતા એ જ સ્વાદ ચાખ્યો કહેવાય. ચાખ્યો માટે રમણતા. આના કરતા ઊંચો છે સ્વાદ. એટલે પેલી સંસારની રમણતા બંધ થઈ જાય છે ને આ રમણતા ચાલુ થાય છે. એટલે લક્ષ બેસી જાય છે. નહીં તો લક્ષ બેસે નહીંને પોતાને ! એમ (જેટલું) ચાખે એટલું પોતાને ભાન થાય કે આ ઊંચું છે.

પરિગ્રહ ન નડે સ્વરમણતામાં, પણ ન થાય છેલ્લી દશા

પ્રશ્નકર્તા : એવી આત્માની રમણતા ઊભી થાય, પછી મોક્ષે જવા માટે આ સંસારના પરિગ્રહો કેટલા નડે ?

દાદાશ્રી : જ્યાં સુધી આત્માની રમણતા ના થાય ત્યાં સુધી મોક્ષ નથી. બાકી પરિગ્રહ કંઈ નડતા નથી. પરિગ્રહ ગમે તેટલા હોય, પણ જો તે પોતે આત્માની રમણતામાં રહે તો મોક્ષ જ છે. એવું નોધારું ના બોલાય કે અપરિગ્રહથી જ મોક્ષ છે. તને જો સ્વરમણતા પ્રાપ્ત થઈ હોય, તો પૈણેને તેરસો રાણીઓ તે નડતી નથી ! અમને વાંધો નથી, તારી શક્તિ જોઈએ. સ્વરમણતા જો તને પ્રાપ્ત થઈ તો તને શો વાંધો છે ? સ્વરમણતા ઉત્પન્ન થયા પછી કોઈ પણ જાતનો વાંધો સ્પર્શે નહીં.

પ્રશ્નકર્તા : આપ કહો છો કે આપના જ્ઞાન દ્વારા પરિગ્રહોની વચ્ચે પણ અપરિગ્રહી બને છે તો શું એ શક્ય છે કે બધા પરિગ્રહો વચ્ચે પણ છેલ્લી સ્થિતિની પ્રાપ્તિ થાય ?

દાદાશ્રી : એવું છે કે અપરિગ્રહી શાના આધારે છે ? ‘અક્રમ વિજ્ઞાન’ના આધારે, પણ વ્યવહારથી અપરિગ્રહી નથી. એટલે ‘અપરિગ્રહી દશા’ જ્યાં સુધી ના થાય, ત્યાં સુધી છેલ્લી ‘વસ્તુ’ હાથમાં ના આવે.

આત્મરમણતા ત્યારે અદ્વૈત, સંસારી કાર્ય ત્યારે દ્વૈત

પ્રશ્નકર્તા : વેદાંતમાં દ્વૈત-અદ્વૈતની વાત આવે છે, તે દ્વૈત એટલે પરરમણતા અને અદ્વૈત એટલે સ્વરમણતા એમ સમજવું ?

દાદાશ્રી : હા પણ આ દ્વૈત અને અદ્વૈત બેઉ દ્વંદ્વ છે. આત્માની રમણતામાં રહે, તે વખતે અદ્વૈત અને પાછો અહીં સંસારી કાર્યમાં આવે તે ઘડીએ દ્વૈત.

પ્રશ્નકર્તા : હા, દ્વૈતાદ્વૈતભાવ એ દ્વૈતને અંગે અદ્વૈત અને અદ્વૈતને અંગે દ્વૈત. પણ આ દ્વૈત ને અદ્વૈતથી જે પર... !

દાદાશ્રી : દ્વૈત ને અદ્વૈતથી જે પર તે પરબ્રહ્મ. માટે આ અદ્વૈત છે, એ દ્વૈતના આધારે રહેલો છે. એટલે આ લોકોએ એમ કહ્યું કે શુદ્ધાદ્વૈત ને વિશિષ્ટાદ્વૈત. અલ્યા મૂઆ, એકલો ના બેસાડાય. દેહ છે ત્યાં સુધી આત્મરમણતામાં જેટલો વખત રહ્યો તેટલો વખત અદ્વૈત અને આ દેહમાં પાછા આમ કાર્ય કરવા નીકળવું પડ્યું એ દ્વૈત. અને જ્યારે આ દ્વૈતાદ્વૈતભાવ છૂટ્યો એ પરબ્રહ્મ. ત્યાં સુધી બ્રહ્મસ્વરૂપ છે, દ્વૈતાદ્વૈતભાવ.

જે વખતે ઉપયોગ આત્મામાં હોય તે ઘડીએ તમારી અદ્વૈત સ્થિતિ છે અને પછી આત્મરમણતામાંથી નીકળીને આ સંસારી કાર્યમાં પેસવાનું થયું હોય, તો તેમાં દ્વૈત સ્થિતિ છે. દ્વૈતાદ્વૈત છે આત્મા. અને પછી ત્યાંથી નિર્વાણ થયા પછી તો દ્વૈતાદ્વૈતેય રહેતું નથી, કશું વિશેષણ જ રહેતું નથી.

સ્વરૂપ રમણતા સુગમ જ્ઞાનીકૃપાએ

પ્રશ્નકર્તા : ભગવાન મહાવીર વિશે સાંભળેલું કે ઉપદેશ આપતા કે કાર્યો કરતા પણ એમને અખંડ સ્વરૂપ રમણતા રહેતી’તી !

દાદાશ્રી : હા, પણ તેય છે તે કેવળજ્ઞાન થયા પછી, કેવળજ્ઞાન થતા પહેલા નહીં. એક ફક્ત એ ક્રમિક માર્ગમાં નથી થાય એવું. કેવળજ્ઞાન થયા પછી થાય એવું છે. અને આ અક્રમ વિજ્ઞાન છે, એટલે આમાં થાય એવું છે. ચોવીસેય કલાક રમણતા રહે.

અહીં ભેદવિજ્ઞાનીની કૃપાથી આત્મા પ્રાપ્ત થાય, ત્યારે પછી એની રમણતા ઉત્પન્ન થાય અને રમણતા ઉત્પન્ન થાય ત્યારે તે રૂપ થતો જાય.

‘જ્ઞાની પુરુષ’ તમને અવસ્થાઓની રમણતામાંથી ઉઠાવી લઈ આત્મરમણતામાં બેસાડી દે. પછી આ અનંત અવતારની અવસ્થાઓની રમણતાનો અંત આવે છે ને નિરંતર આત્મરમણતા કાયમ માટે ઉત્પન્ન થઈ જાય છે.

એક ફેરો ‘જ્ઞાની પુરુષ’નો ભેટો થઈ ગયો ને સાંધો મળ્યો, આત્મા પ્રાપ્ત થઈ ગયો, ‘સ્વરૂપની રમણતા’માં આવ્યો ત્યાર પછી રાગ-દ્વેષ મટ્યો ને થઈ ગયો વીતરાગ ! નહીં તો ત્યાં સુધી પ્રકૃતિમાં ને પ્રકૃતિમાં જ રમણતા ! એ પ્રકૃતિનું પારાયણ પૂરું થયું, તો થઈ ગયો વીતરાગ !

અત્યાર સુધી આખું જગત એમ માને કે સ્વભાવ રમણતા એ તો અત્યંત કઠણમાં કઠણ વસ્તુ છે. વાતેય સાચી છે, પણ જ્ઞાની પુરુષ હોય ત્યાં આગળ આમ (માથે હાથ મૂકીને કૃપા) કરેને થઈ જાય. જ્ઞાની પુરુષ મોક્ષદાતા કહેવાય છે.

પ્રશ્નકર્તા : સ્વભાવ રમણતા ટકવી એ તો બહુ મુશ્કેલ છે ને ?

દાદાશ્રી : મુશ્કેલ, તમારી ભાષામાં. વસ્તુ સ્વભાવમાં જાય, એને કશું કરવાનું ન હોય. આ બધા મહાત્મા સ્વભાવ રમણતા કરે છે. તમે કહો કે મુશ્કેલ છે. મુશ્કેલવાળું હોય તો બધા શી રીતે કરે ?

પ્રશ્નકર્તા : સ્વભાવમાં આવી ગયો પછી મુશ્કેલી છે નહીં પણ આ સ્વભાવમાં આવવા માટે જ મુશ્કેલી છે અને એ સ્વભાવમાં લાવી આપે જ્ઞાની !

દાદાશ્રી : હા, શરૂઆત થઈ જાય.

આજ્ઞારૂપી પ્રોટેક્શન, કરે સ્થિર સ્વરમણતામાં

આત્માની રમણતા ઉત્પન્ન થયા પછી કશું કામ રહેતું નથી. અમે તમને આત્મા આપીએ તેની રમણતા તમારે ઊભી નહીં કરવી પડે. અમે મહીં મૂકી આપીએ એવું કે તમને રમણતા ઊભી થઈ જાય, એની મેળે. તમારે કશું કરવાનું નહીં, સહજ છે આ. જો તમારે કંઈ પણ કરવાનું રહેતું હોય તો જ્ઞાની પુરુષ મળ્યા નથી એમ નક્કી થાય. જ્ઞાની પુરુષ એટલે કશું કરવાનું ના રાખે. લિફટમાં બેસાડીને મોક્ષમાં લઈ જાય અને પછી જ્ઞાની પુરુષ જ ચલાવે. આપણે તો એમની આજ્ઞાપૂર્વક બેસી રહેવાનું. આ સ્વરમણતા થયા પછી ધર્મ શું કરવાનો ? ત્યારે એમણે આજ્ઞા આપી હોય, બસ એ આજ્ઞામાં રહેવું. આજ્ઞા એ પ્રોટેક્શન છે. સ્વરમણતા પ્રાપ્ત થયેલાનું પ્રોટેક્શન શું ? ત્યારે કહે, આજ્ઞા ! એટલે અમે પાંચ આજ્ઞા આપીએ છીએ બધી.

એક ફેરો આત્મા જાણ્યા પછી આ પાંચ આજ્ઞા પાળતો હોય, તે ઘડીએ આત્મરમણતામાં પેસતા શીખ્યો. એ રમણતા પછી ધીમે ધીમે સ્થિર થતી જાય અને આ પુદ્ગલ રમણતા બંધ થતી જાય. પછી આ પુદ્ગલના રમણથી મુક્ત થયો, એને નિરંતર મુક્ત કહેવાય, એ ‘પરમાનંદ’ દશા. પરરમણથી મુક્ત થયો. મુક્ત જ છે, અહીં બેઠોય મુક્ત.

અક્રમ જ્ઞાન મટાડે પરભાવ-પરરમણતા

પ્રશ્નકર્તા : આપના અક્રમ જ્ઞાન થકી જે આત્મરમણતા ચાલુ થઈ જાય છે તે જ્ઞાન વિશે જણાવશો ?

દાદાશ્રી : જે જ્ઞાન અનાત્મામાં ભેળા નથી થવા દેતું, પરભાવમાં, પરરમણતામાં ભેગું ના થવા દે, એ જ્ઞાન અને એ જ આત્મા છે. હોમ ડિપાર્ટમેન્ટમાં જ રાખે, ફોરેનમાં પેસવા ના દે.

જ્ઞાન પોતે જ મુક્તિ છે, મોક્ષમાં રાખે, બંધન થવા ના દે.

જ્ઞાન મળ્યા પછી ‘હું શુદ્ધાત્મા છું’ એ ભાવ ઉત્પન્ન થયા પછી આ બધાં કોઝીઝ બંધ થઈ ગયા. ભોક્તાપણું બંધ થઈ ગયું ને પોતાના સ્વભાવનો, સ્વરૂપનો ભોક્તા થઈ ગયો. આખું જગત પરરમણતામાં છે, પુદ્ગલ ભોક્તામાં છે અને સ્વરૂપવાળા સ્વરમણતામાં, સ્વરૂપના ભોક્તા. સ્વરૂપનો ભોક્તા થયો એટલે બીજું ખરાબ પેસવાનું નહીંને ! સ્વરમણતા ઉત્પન્ન થઈ એ જ મોક્ષ છે.

આ જગત જે છે તેને સત્ય માનવું ને તેમાં જ રમણતા કરવી તે અશુદ્ધ ચિત્ત અને આ જગતનું જે જ્ઞાન-દર્શન છે તે સાચું નથી એમ માનવું ને સાચી વસ્તુમાં રમણતા રાખવી, એનું નામ શુદ્ધ ચિત્ત. શુદ્ધ ચિત્ત એ જ શુદ્ધાત્મા છે.

એટલે વીતરાગોએ કહ્યું, અનંત પરમાણુઓમાંથી ચિત્ત સ્વરૂપમાં આવશે તો ઉકેલ આવશે. એટલે રમણતા શેની જોઈએ ? સ્વરૂપની. અમે તમારી જોડે વાત કરતા સ્વરૂપની રમણતામાં હોઈએ. ઊંઘતા, ખાતા-પીતા, ચાલતા સ્વરૂપની રમણતામાં જ હોઈએ !

પોતે સ્વની રમણતામાં એ જ ભક્તિ અક્રમમાં

પ્રશ્નકર્તા : આ અક્રમિક માર્ગમાં ભક્તિનું સ્થાન ક્યાં આવે ?

દાદાશ્રી : અક્રમિક માર્ગમાં પોતાનો આત્મા જાણ્યા પછી, પોતાને આત્મસ્વરૂપની સભાનતા ઉત્પન્ન થયા પછી ભક્તિ પોતાના સ્વરૂપની જ હોય છે, જેને રમણતા કહે છે.

પ્રશ્નકર્તા : એટલે સ્વરૂપની રમણતા એ જ સ્વરૂપની ભક્તિ ?

દાદાશ્રી : હા, એટલે ભક્તિ શબ્દ કહેવો હોય તો સ્વરૂપની ભક્તિ કહેવાય, નહીં તો પોતે પોતાની રમણતા જ છે. પુરુષ થયા પછી બીજું અવલંબન ના રહ્યુંને !

પ્રશ્નકર્તા : પુરુષ થયા પછી ભક્તિનું સ્વરૂપ કેવું ?

દાદાશ્રી : પુરુષ થયા પછી પોતે પોતાની રમણતા છે. બીજી કશીય રમણતા, ભક્તિ છે જ નહીં. એટલે પોતાના સ્વરૂપની રમણતા અગર ભક્તિ કહો, તે પોતાના સ્વરૂપની જ છે.

પરરમણતામાં ઉત્તમ, જ્ઞાની પુરુષની કીર્તનભક્તિ

રમણતા એનું નામ ભક્તિ. અજ્ઞાનતામાં પુદ્ગલ રમણતા છે. હેય, કેરીઓ દેખીને મહીં ગલગલિયા થયા કરે. એ રમણતા જુઓને, કેવી મજા આવે છે ! ચિત્ત ચોંટી જાય ત્યાં આગળ.

આ બધી પરરમણતા કહેવાય છે. ક્યાં સુધી પરરમણતા ? કે જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી સ્વરમણતા ઉત્પન્ન ના થાય અને ત્યાં સુધી પરરમણતા ભગવાને કહેલી છે. અને પરરમણતામાં ઉત્તમમાં ઉત્તમ રમણતા કઈ ? ત્યારે કહે, જ્ઞાની પુરુષની કીર્તનભક્તિ. કારણ કે આપણો ધ્યેય, લક્ષ બંધાયેલું છે. એ જ્ઞાની પુરુષ એ ધ્યેયસ્વરૂપ છે. જે જગ્યાએ એ ગયા છે તે જગ્યાએ આપણે જવું છે, માટે ધ્યેયનું કીર્તન કહેવાય. એટલે આપણે ધ્યેય તરફ રહીએ.

બાકી, શાસ્ત્રો તો અનંત અવતારથી છે. શાસ્ત્રો માર્ગદર્શન આપે, પણ શાસ્ત્રો મોક્ષ ના કરાવે. મોક્ષ માટે તો જ્ઞાની પુરુષની કીર્તનભક્તિ હોય, એ મોક્ષમાર્ગ ઉપર લાવી દે અને આપણને જ્ઞાની પુરુષ ભેગા કરી આપે.

જેટલી જ્ઞાની પુરુષની નજીકની ભક્તિ એટલો એ નજીક ખેંચાય. એ નજીકની ભક્તિ કહેવાય અને કેટલાકની ભક્તિ બહુ લાંબી ભક્તિ હોય. લાંબી એટલે દસ માઈલ છેટેથી, કેટલાકને બે માઈલ છેટેથી. એ શબ્દો જુદા દેખાય આપણને. શબ્દો ઉપરથી ઓળખાય કે આ કેટલા માઈલ છેટેથી ભક્તિ કરી રહ્યા છે. અને છેવટે આત્મા જાણવાનો છે.

આત્મા જાણ્યા પછી બીજી ભક્તિ કરવાની રહી જ નહીંને ! આત્મા જાણ્યા પછી સ્વરમણતા જ કરવાની છે. આ ભક્તિ પરરમણતા છે. એટલે આત્મા જો જાણ્યો જ્ઞાની પુરુષ પાસેથી એટલે સ્વરમણતા ઉત્પન્ન થઈ. એટલે પછી સ્વની રમણતામાં જ રહેવું જોઈએ.

જ્ઞાનીભક્તિ એ ૬૦ ટકા ને આત્મલક્ષ એ ૧૦૦ ટકા રમણા

છતાં આ જ્ઞાન મળ્યા પછી દાદા યાદ રહ્યા કરેને તેય આત્મરમણતા કહેવાય.

પ્રશ્નકર્તા : દાદા, આ સમજાયું નહીં. જ્ઞાન ન મળ્યું હોય તો દાદાની કીર્તનભક્તિ પરરમણતા કહેવાય અને જ્ઞાન મળ્યું હોય તો તે જ વસ્તુ સ્વરમણતા કહેવાય ?

દાદાશ્રી : એ બધું સ્વરમણતામાં જાય. જ્ઞાની પુરુષ એ પોતાનો જ પ્રગટ શુદ્ધાત્મા છે. માટે એમના માટે જે કીર્તનભક્તિ હોય, એ બધું સ્વરમણતામાં જ જાય. પણ તે રમણા સાંઈઠ ટકા ફળ આપે. સાંઈઠ ટકા રમણતા તો બહુ મોટી કહેવાય. આ સાંઈઠમાંથી તે સો ટકા થશે.

કારણ કે જ્ઞાની પુરુષ એ પોતાનો આત્મા છે. એટલે મૂળ આત્મા તો હજુ પકડતા જ વાર લાગે એને પણ જ્ઞાની પુરુષની રમણતા કરીએને, આમ આંખો સામે દેખાય હરતા-ફરતા, પછી બીજું એથી વધારે શું જોઈએ ?

પછી દાદા યાદ રહે, આ પદ ગા ગા કરેને તો આ સાંઈઠ ટકા રમણા થાય એવું છે. ખાલી પદ જ ગા ગા કરે કલાક-બે કલાક. અને પછી મોઢે થઈ જાયને તો બેઠા બેઠાયે છે તે ચાલ્યા કરે.

છતાં ખરી રીતે દાદા યાદ આવે એ નિજસ્વરૂપનું સાધન કહેવાય, નિજસ્વરૂપ ના કહેવાય અને તમને શુદ્ધાત્માનું લક્ષ રહે એ નિજસ્વરૂપની રમણતા કહેવાય.

પ્રકૃતિને નિહાળવી તે સ્વરૂપ ભક્તિ-સ્વરમણતા

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે સ્વરૂપ રમણતા એ જ સ્વરૂપ ભક્તિ, તો હવે જ્ઞાન મળ્યા પછી એવી ભક્તિ અમારે કેવી રીતે કરવી ?

દાદાશ્રી : ચંદુભાઈ જે કરે એ પ્રકૃતિને નિહાળવી, એ સ્વરૂપ ભક્તિ. પ્રકૃતિને નિહાળવી, એમાં કરવાનું શું હોય તે ? જે નિહાળે છે, એને પ્રકૃતિ રિસ્પોન્સિબલ નથી. નિહાળતા નથી તેને રિસ્પોન્સિબલ છે.

કેવો આત્મા પ્રાપ્ત થયો છે ! ઓહોહો ! જે પ્રકૃતિને નિહાળે. પોતે પ્રકૃતિરૂપે રહીને ફરેલો તે જ પોતાની પ્રકૃતિને નિહાળે છે. હવે શું ? જે જ્ઞાતા હતી તે જ જ્ઞેય થઈ ગઈ, દ્રષ્ટા હતી તે દ્રશ્ય થઈ ગઈ.

પ્રશ્નકર્તા : આપણે વિધિઓ બોલીએ છીએ, નમસ્કાર વિધિ બોલીએ, ચરણવિધિ બોલીએ, એ સ્વની ભક્તિ કહેવાય કે આપણે પ્રકૃતિને જોવી એ ?

દાદાશ્રી : ના, ના, આ વિધિઓ બોલે છે તે તો ચંદુભાઈ બોલે છે. ચંદુભાઈ છૂટવા સારું બોલે છે, પણ તેને તમે જાણો કે ચંદુભાઈ શું બોલ્યા, ચંદુભાઈનું શું કાચું પડ્યું, અને ભૂલ ક્યાં થઈ એ બધું જે જાણે છે, એ તમે. તમે ને ચંદુભાઈ બે જોડે જ હો, પણ બેઉનો ધંધો જુદો હોય.

પ્રશ્નકર્તા : એ તો જુદો જ છે.

દાદાશ્રી : હા, બસ, બસ. એક ધંધો કરી નાખો એટલે માર પડે. અને પ્રકૃતિને નિહાળવી એને સ્વરૂપ ભક્તિ, સ્વરમણતા જે કહો તે.

પ્રકૃતિને નિહાળવી એ સ્વરમણતા. એટલે પ્રકૃતિમાં મહીં શું શું આવ્યું ? ત્યારે કહે, મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર, ઈન્દ્રિયો એ બધું પ્રકૃતિમાં આવી ગયું. અને ચંદુભાઈને કહે, ‘ચંદુભાઈ, તમારામાં અક્કલ નથી. કોન્ટ્રાક્ટનો ધંધો બરોબર કરતા નથી.’ અને જો મોઢું દિવેલ પીધા જેવું થઈ ગયું અને તેને એ પોતે નિહાળે તો બસ થઈ ગયું. તમને પોતાને ખબર પડે કે મોઢું દિવેલ પીધા જેવું થાય એનો વાંધો નથી, પણ એ લોકોને વાંધો છે. દિવેલ પીધા જેવું થઈ જાય તો તમારે વાંધો નથી, પણ તે નિહાળો એને.

વ્યવહાર બધો કરતા રમણતા આત્મામાં જ

પ્રશ્નકર્તા : આપે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એ અમને કેમ પ્રકાશમાં ના આવે ?

દાદાશ્રી : આવ્યું તોય તે આવું બોલો છો ?

પ્રશ્નકર્તા : છતાંય આપની પાસે અલૌકિક વસ્તુ છે.

દાદાશ્રી : હા, અલૌકિક વસ્તુ તેથી તો આપનો દીવો સળગ્યો. આપણો દીવો સળગ્યો એ આપણને લાભ થયો. હવે એ દીવો સળગ્યો એટલે જે દીવાથી પ્રાપ્ત થયું છે, એ જ શક્તિ આપણને પ્રાપ્ત થયા કરે ધીમે ધીમે.

બાકી, આત્મામાં જ તમે રમો છો આખો દહાડો અને આત્મા તમારામાં રમે છે. બોલો હવે, તમારામાં અને આત્મામાં ફેર શો રહ્યો ?

પ્રશ્નકર્તા : દાદા, એ જરા વધારે સમજાવશો.

દાદાશ્રી : પહેલા તમે વકીલાતમાં જ રમતા હતા, આખો દહાડો. પેલો કાયદો, પેલો કાયદો આખો દહાડો એમાં જ રમ્યા કરતા હતા, ખાતી-પીતી હરેક વખતે. અને હવે આખો દહાડો આત્મામાં જ રમ્યા કરે. બહારનું જમે-કરે, બધું કરે પણ રમણતા ત્યાં આગળ, બીજું બધું જુદું. એટલે ભગવાને શું કહ્યું કે તમારી રમણતામાં પેઠા પછી હવે જે તમારી રમણતા નથી તેનાથી દૂર રહો, એટલો ભાવ રહેવો જોઈએ આપણો.

જ્ઞાન મળતા અહંકાર વળ્યો આત્મરમણતામાં

જેણે આત્મા રમાડ્યોને, તેનું કલ્યાણ થઈ ગયું. તે તમને આત્મરમણા ઊભી થઈ, નિરંતર, એક ક્ષણ ઓછી નહીં એવી. તમે ભૂલો પણ રમણતા કંઈ ભૂલે કે ? તમે ભૂલો તો તમારી ચિત્તવૃત્તિ બાસુંદીમાં ગઈ, પણ એ રમણતા ભૂલે નહીંને !

આત્માની રમણતા બરાબર રહે છે ને ?

પ્રશ્નકર્તા : હા, દાદા.

દાદાશ્રી : હવે દેહ દેહનો ધર્મ બજાવે. એ દેહ કંઈ આત્મરમણતા કરે નહીં. મન મનનો ધર્મ બજાવે, બુદ્ધિ એનો ધર્મ બજાવે. અને અહંકાર આત્મરમણતા કરે. એ જે પહેલા સંસારનો અહંકાર કરતો’તો, તેને બદલે હવે આ આત્મા ભણી વળ્યું. એટલે આત્મરમણતા ઊભી થઈ, જે નિરંતર હોય.

આપણે હવે આત્મયોગમાં જ રહેવું જોઈએ. જ્યાં સુધી દેહનો યોગ છે ત્યાં સુધી ભૌતિક છે બધું. દેહ તો છે આપણી પાસે પણ દેહમાં રમણતા નહીં કરવી અને આત્મામાં રમણતા કરવી. દેહમાં રહીને લોકો બધી જાતની રમણતા કરે. કોઈ માણસ દાન આપવાની રમણતા કર્યા કરે અને કોઈ માણસ ગજવા કાપી લેવાની રમણતામાં ફરતો હોય. એવું આ આત્માની રમણતા એટલે જ્યાં કોઈ પણ પ્રકારનો રૂપી પદાર્થ નથી. આત્મા અરૂપી છે.

જ્ઞાની પુરુષ મળ્યા પછી સ્વરમણતા આપે. પોતાનું સ્વનું ચાલુ થયું એટલે પછી રમણતા ચૂકે એ કચાશ કહેવાય. પોતાની રમણતા ચાલુ થયા પછી, સ્વરમણતા ઉત્પન્ન થયા પછી કાચો પડે એ ભૂલ કહેવાય.

‘ચંદુ’ જ્ઞેય તેનો ‘હું’ જ્ઞાતા એ ચેતનની રમણતા

પ્રશ્નકર્તા : મને આ શાસ્ત્રો વાંચવાની ગાંઠ બહુ છે.

દાદાશ્રી : ના, એ તો ચંદુને છે, તને નહીંને ? શાસ્ત્રોના શાસ્ત્રો વાંચી નાખવાની ટેવ ?

પ્રશ્નકર્તા : હા, બધાય શાસ્ત્રો વાંચું.

દાદાશ્રી : એ બધાય રમકડાં. અને ‘હું શુદ્ધાત્મા છું’, જ્ઞાતા-દ્રષ્ટા, ‘ચંદુભાઈ શું કરી રહ્યા છે’ એને જોયા કરું, તેને આત્મરમણતા કહેવાય. ‘આત્માને રમાડ્યો’ કહે છે. આત્મા રમાડવાનો માર્ગ છે આપણો. આ રમકડાંને રમાડે એ તો આ જગત આખું રમાડે છે પણ ચેતન જેવો આત્મા, આ પરમાત્મા એને રમાડે છે પોતે. એને આત્મરમણતા કહેવાય. આ દેહની રમણતા, ભૌતિક ચીજની રમણતા, જડ ચીજની રમણતા અને પેલી ચેતનની રમણતા.

જ્ઞાન પહેલા અને પછી રમણતા કરનારો તેનો તે જ

પ્રશ્નકર્તા : જે રમણતા કરે છે એ કોણ કરે છે ?

દાદાશ્રી : જે છૂટો થયો’તો, બીજામાં રમણતા કરતો’તો, હવે આત્મામાં રમણતા કરે છે.

રમણતા કરનારો એક જ છે. વકીલાતમાં રમણતા કરતો’તો, તેનો તે જ આમાં રમણતા કરે છે. વકીલાતમાં કરતો’તો ત્યારે અહંકાર ગણાતો હતો. હવે આમાં રમણતા કરે ત્યારે ‘હું’ ગણાય છે ને આત્મામાં રમણતા કરે એટલે ‘પોતે’ ઓગળી જઈને એમાં પછી વિલીન થઈ જાય.

અને આત્માની રમણતા શરૂ થઈ ગઈ એટલે પરરમણતા બંધ થઈ ગઈ. દેહ ભલેને રહ્યો. દેહ દેહના ધર્મમાં છે, મન મનના ધર્મમાં છે, બુદ્ધિ બુદ્ધિના ધર્મમાં છે, આત્મા આત્માના ધર્મમાં છે, પછી વાંધો શું છે ? એટલે તમને કહીએ છીએ ને, ધંધો કરજો, કશો વાંધો નથી.

પુદ્ગલ ખાણું, પુદ્ગલ પીણું અને પુદ્ગલ રમણું, આ ત્રણ જ ચીજ જગતમાં બધાને છે. એના અનેક નામ આપ્યા. ખાણું-પીણું એ બાબત ‘લિમિટેડ’ છે પણ રમણું ‘અન્લિમિટેડ’ છે. આખું જગત પુદ્ગલ રમણું કરે છે !

અને આપણે તો અહીં આગળ બધું આત્મરમણું. પુદ્ગલ ખાણુંય નહીં, પીણુંય નહીં અને રમણાય નહીં. (નિરંતર) આત્મરમણતા. ખોરાકેય આત્માનો, પીવાનુંય આત્માનું અને રમણાતાય આત્માની.

આ ક્ષણે ક્ષણે જાગૃત રહે એવો આત્મા હાથમાં આપેલો છે, એમાં તમારી રમણતા છે. તમે પરફેક્ટ ધર્મમાં છો.

આરાધન કરવા જેવું, રમણતા કરવા જેવું આ ‘રિયલ’ એક જ છે ! ‘શુદ્ધાત્મા’ની રમણતા એટલે નિરંતર ‘શુદ્ધાત્મા’નું ધ્યાન રહે તે ! હવે સ્વરમણતા કરવાની, બીજું કશું કરવાનું નથી.

સ્વરમણતા એ શુદ્ધ ઉપયોગ, એ જ શુદ્ધ નિશ્ચય

પ્રશ્નકર્તા : શુદ્ધ ઉપયોગ વખતે આત્મ રમણતા જ હોયને દાદા ?

દાદાશ્રી : હા, શુદ્ધ ઉપયોગ એ આત્મરમણતા કહેવાય. સામાને શુદ્ધ જોવું, ગધેડાને, કૂતરાને, ગાયને, ભેંસને, ઝાડને, બધાને શુદ્ધ જોવું, એ શુદ્ધ ઉપયોગ કહેવાય.

પ્રશ્નકર્તા : બરોબર દાદા, શુદ્ધ ઉપયોગ એ જ આત્મરમણતા.

દાદાશ્રી : પુદ્ગલ રમણતા પરઉપયોગ અને સ્વરમણતા સ્વ ઉપયોગ, સ્વરમણતા એ શુદ્ધ ઉપયોગ. આત્મા જોવા એ શુદ્ધ ઉપયોગ થયો કહેવાય. જ્ઞાનીનો આપેલો, દેખાડેલો આત્મા એ બધું જુઓ એ શુદ્ધ ઉપયોગ.

જેટલો શુદ્ધ ઉપયોગ, એનું નામ શુદ્ધ નિશ્ચય, એ જ શુદ્ધ આત્મરમણતા અને તો જ શુદ્ધ વ્યવહાર રહે. જેટલો શુદ્ધ નિશ્ચય હોય એટલી વ્યવહાર શુદ્ધતા રહે. નિશ્ચય એક બાજુ કાચો, અશુદ્ધ થાય એટલી વ્યવહાર અશુદ્ધતા.

આપણે તો હવે બધું ચોખ્ખું કરીને સ્વ-ઉપયોગમાં રહી અને મોક્ષે જવાનું છે. સ્વરમણતા, આત્મરમણતા, સ્વ-ઉપયોગ જે કહો તે એમાં રહીને !

પ્રશ્નકર્તા : દાદા, પણ પહેલા તો આત્મરમણતા, સ્વ-ઉપયોગ, આત્મા એ બધી વાતોમાં કોઈ રસ પડતો ન્હોતો ને આજે તો જ્યારે આ વાતો સાંભળીએ તો એના આનંદથી ઊભરાઈ જવાય છે.

દાદાશ્રી : પહેલાની એ વાત તે કોના ઘરની વાત ? મોટા માણસ છે તે શિખંડ ને બાસુંદી એવું બધુંય જમતા હોય, તે આપણે અહીં વાતો કરીએ તેથી કંઈ આપણું મોઢું કંઈ મીઠું થાય ?

પ્રશ્નકર્તા : ના થાય.

દાદાશ્રી : એ બધી વાતો જ બુદ્ધિ વધારનારી. તે ડખલમાં પડ્યો. આ તો મૂળ માર્ગ ઉપર આવી ગયા, વસ્તુ હાથમાં આવી ગઈ. સ્વ-ઉપયોગ હાથમાં આવી ગયો, આત્મરમણતા હાથમાં આવી ગઈ અને પરરમણતા ટળી. જે પુદ્ગલમાં રમણતા હતી એ ટળી ગઈ.

સ્વરમણતામાં રહે ત્યારે બહાર વ્યવસ્થિત જ હોય

પ્રશ્નકર્તા : એવું મનમાં બેઠું છે કે શુદ્ધાત્માનું જે લક્ષ થયું તે પહેલા તો આત્મા ને દેહની ભિન્નતા ખબર નહોતી. હવે આ પુદ્ગલ આત્માના પ્રદેશોની અંદર જે ભરેલું હોય, તે વ્યવસ્થિત પ્રમાણે બહાર નીકળેને ?

દાદાશ્રી : વ્યવસ્થિત પ્રમાણે નીકળે છે. આપણે એમાં રમણતા નથી.

પ્રશ્નકર્તા : આપણે પોતે પોતાનામાં રહીએ અને એનો કાળ પાકે ત્યારે વ્યવસ્થિત કહેવાય ને ?

દાદાશ્રી : પોતામાં રહ્યા કે વ્યવસ્થિત જ હોય બહાર. તમને જો પોતામાં રહેતા આવડે અને એવો તમારો પુરુષાર્થ હોય તો બહાર વ્યવસ્થિત જ હોય. આ તો બહાર બગાડો છો. પોતામાં રહેતા નહીં હોવાથી બગાડો છો બહાર, અવ્યવસ્થિત કરો છો.

વ્યવસ્થિત માણસને લપસાવે તોય સ્ટેપ બાય સ્ટેપ લપસાવે છે અને માણસ અવ્યવસ્થિત કરે છે, પોતે ભૂસકો મારે છે. એટલે વ્યવસ્થિત આટલી બધી હેલ્પ કરે છે અને અહંકાર આટલું બધું બગાડે છે. અહંકારે કરીને તો આ જગત આવું થઈ ગયું છે. અહંકાર, શુદ્ધ અહંકાર હોત તો આવું ન થાત.

અત્યારે અમે જ્ઞાન આપ્યું છે બધાને, એ સ્વરમણતામાં રહેતા હોય તો બહાર વ્યવસ્થિત જ હોય અને રમણતામાં રહેવાય એવું આ જ્ઞાન છે. પાંચ આજ્ઞામાં રહે એટલે રમણતામાં જ હોય જ.

જુએ-જાણે એ સ્વરમણતા, એ જ આત્મલીનતા

પ્રશ્નકર્તા : બસ હવે સ્વરમણતામાં જ રહેવું છે.

દાદાશ્રી : એ પોતાની રમણતા શી રીતે થાય ? જુએ ને જાણે, બીજું કશું જ કરવાનું નહીં એમાં.

આ લાઈટ હોય એની રમણતામાં શું કરે છે ?

પ્રશ્નકર્તા : પ્રકાશ આપે છે.

દાદાશ્રી : જુએ-જાણે, બીજું પોતે કશું કરતું નથીને ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : હમણે દુઃખતું હોય તો નીચે આવે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : સમજાયું તને ?

પ્રશ્નકર્તા : એટલે આત્મામાં જ લીનતા ?

દાદાશ્રી : લીનતા એટલે રમણતા બસ. રમણતા એટલે જ્ઞાતા-દ્રષ્ટા, બીજી કંઈ રમણતા જ નહીં.

પ્રશ્નકર્તા : આત્મપ્રતીતિ, આત્મજ્ઞાન અને આત્મલીનતા જ.

દાદાશ્રી : એ સિવાય મુક્તિ કોઈની થઈ શકે નહીં. આત્માની તમને પ્રતીતિ થઈ ગઈ. આત્મજ્ઞાન થઈ રહ્યું છે. આત્મલીનતા ધીમે ધીમે થશે.

પ્રશ્નકર્તા : આપણે એ માટે જે વાપરીએ છીએ એ પ્રતીતિ, લક્ષ અને અનુભવ.

દાદાશ્રી : હા, તે આ જે અનુભવ એ છે તે આત્મલીનતા કહેવાય અને લક્ષ એ જાગૃતિ કહેવાય અને દર્શન એ પ્રતીતિ.

ના ગમતાની રમણતાના જ્ઞાતા એ સ્વરમણતા

(આ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થયા પછી) મોક્ષ તો થઈ જ ગયેલો છે. પણ હવે જે થઈ જાય છે રમણતા તે બે પ્રકારની.

(1) ‘હું શુદ્ધાત્મા છું’ તેમ જાણો અને જે નથી ગમતી તેવી રમણતા કરવી પડે છે. બહાર જવાનું ના ગમતું હોય પણ પહેલા સહી કરી આપેલી છે તે રમણતામાં રહેવું પડે.

(2) બીજી, સ્વરૂપની રમણતા.

બીજા લોકો પહેલી રમણતામાં તન્મયાકાર થઈ જાય. જ્યારે આપણને પણ (પહેલા પ્રકારની) રમણતા આવે ખરી પણ તેમાં આપણે તેના જ્ઞાતા-દ્રષ્ટા હોઈએ. તેમાં આપણે તન્મયાકાર ન થઈ જઈએ.

પ્રશ્નકર્તા : હા, બરોબર છે. ચંદુને જોયા કરે.

દાદાશ્રી : એ ચંદુ જે કરે છે તે જ્ઞેય છે અને તમે જ્ઞાતા છો. તમે જ્ઞાતા એ સ્વરમણતા, જ્ઞેયને જોવું એ સ્વરમણતા.

ન હવે પ્રમાદરૂપી પરરમણતા, જ્ઞાન પછી

પ્રશ્નકર્તા : મહાત્માને હવે પ્રમાદ કેટલા અંશે નડે ?

દાદાશ્રી : મહાત્માને પ્રમાદ કંઈ હોય જ નહીં. પ્રમાદ શબ્દ જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી હોય.

પ્રશ્નકર્તા : તો પ્રમાદ એટલે શું ?

દાદાશ્રી : પ્રમાદ એટલે પરમાં વૃત્તિ રાખવી, પરરમણતા.

પ્રશ્નકર્તા : તો એ પરપરમણતાનું જોખમ કેટલું મહાત્માને ?

દાદાશ્રી : અમારાથી તમને એવું ના કહેવાય કે પરરમણતા, કારણ કે અમે જ્ઞાન આપ્યા પછી પ્રમાદ હોતો નથી. ફક્ત અમારી આજ્ઞા પાળેને, એને કશુંય હોતું નથી.

પ્રશ્નકર્તા : આજ્ઞામાં નિરંતર રહે તો પછી નથી હોતું, પહેલી વાત એ !

દાદાશ્રી : નિરંતર, સિત્તેર ટકા અને સહજ થયા પછી કશું કરવાનું ના હોય, આજ્ઞાય પાળવાની ના હોય. સહજ થયા પછી આજ્ઞા પળાયા જ કરતી હોય.

પ્રશ્નકર્તા : ભગવાન મહાવીરે ગૌતમને કહ્યું’તું કે એક સમયનો પણ પ્રમાદ કરીશ નહીં. પણ ગૌતમ સ્વામીને પેલું સમકિત તો થયેલુંને !

દાદાશ્રી : કેવળજ્ઞાન ના હોય ત્યાં સુધી અહંકાર હોય ક્રમિક માર્ગમાં.

પ્રશ્નકર્તા : પણ દાદા, અમને પણ કેવળજ્ઞાન ક્યાં થયું છે ?

દાદાશ્રી : (તમને) કેવળજ્ઞાન જ આપેલું છે, એટલે અહંકાર જતો રહ્યો છે. કર્તાપદનો અહંકાર જતો રહ્યો અને ભોક્તાપદનો રહ્યો. તમે કસોટીમાંથી નીકળી ગયા.

જ્ઞાનીની અપ્રમત્તદશા, પણ નહીં એ પૂર્ણત્વ

પ્રશ્નકર્તા : અપ્રમત્તદશા જે છે તે એને કહે છે ?

દાદાશ્રી : ના, ના, ના. અપ્રમત્ત તો આથી બહુ આગળ.

સ્વરમણતા કમ્પ્લીટ, એમાં થોડુંક બાકી હોય ત્યારે અપ્રમત્ત કહેવાય. અમને અપ્રમત્ત કહેવાય, થોડુંક બાકી. સ્વરમણતા ખરીને, એટલે અપ્રમત્ત કહેવાય. એટલે તે ઘડીએ અમે જાગ્રત હોઈએ.

પ્રમત્ત એટલે પ્રમાદ એવું નહીં. આ તો લોકોએ પ્રમત્ત લખ્યુંને તેનો અર્થ પ્રમાદ નહીં. આપણા લોક કહે છે ને કે આ પ્રમાદી છે, એ પ્રમાદ નહીં. પ્રમત્ત એટલે ક્રોધ-માન-માયા-લોભમાં રહેવું, એનું નામ પ્રમત્ત અને અપ્રમત્ત એટલે કષાયની બહાર નીકળવું, એ અપ્રમત્ત.

‘મારું સ્વરૂપ ન્હોય’ કહેતા, છૂટે પૌદ્ગલિક રમણતા

પ્રશ્નકર્તા : પૌદ્ગલિક રમણતા આપણે જ્ઞાન લીધા પછી કાઢવાની કે ઑટોમેટિક જતી રહે ?

દાદાશ્રી : જતી જ રહે. જેમ જલેબી ખાયને તો ચા ઉપર અભાવ થયા જ કરે. એ મજા ના આવે, એને ઈન્ટરેસ્ટ ના રહે. એની મેળે જતી રહે. પણ એક નિયમ એવો છે કે આ બીડી જતી રહી એટલે આપણે કહેવું કે ‘બીડીનો અમારે સંબંધ કાયમને માટે બંધ.’ એટલો શબ્દ બોલવો. કારણ કે એના પરમાણુ જેની દુકાન ખુલ્લી હોયને, તેમાં પેસી જાય છે બધા. એટલે બીડીનું બંધ થયું ત્યારે બીડીની દુકાન બંધ. તે દુકાનમાં પેસે જ નહીંને પછી !

પ્રશ્નકર્તા : એટલે ‘બીડી અમારે કાયમ માટે બંધ’ એવું બોલવાનું.

દાદાશ્રી : અને જે ના ખાવું હોય તે ‘મારું સ્વરૂપ ન્હોય’ એમ કહો કે છૂટી જાય એ બધું. ‘મારું સ્વરૂપ ન્હોય’ એ કહે છૂટી જાય બધું.

સિદ્ધ સ્તુતિ-પાંચ આજ્ઞાથી વધે આત્મરમણતા

પ્રશ્નકર્તા : મહાત્માને ‘નિજ વસ્તુ’ રમણતા વધારે કેવી રીતે થાય ?

દાદાશ્રી : રમણતા તો બે-ચાર રીતે થાય. બીજી કોઈ રમણતા ના આવડે તો ‘હું શુદ્ધાત્મા છું’, ‘હું શુદ્ધાત્મા છું’ એવું કલાક-બે કલાક બોલે તોય ચાલે, એમ કરતા કરતા રમણતા આગળ વધે.

પ્રશ્નકર્તા : દાદા, આપે બે-ચાર પ્રકારની આત્મરમણતા કહી, તે જરા વિશેષ સમજાવો.

દાદાશ્રી : આ કેટલાક ‘શુદ્ધાત્મા, શુદ્ધાત્મા’ કરે. કેટલાક ‘શુદ્ધાત્મા’ લખીને કરે, તે એ આમાં લખીને કરે તો દેહેય એમાં મહીં રમણામાં પેઠો. દેહ ને વાણી બેઉ પેઠા, એટલે મન તો મહીં હોય જ. અને કેટલાક આ બહારનો વ્યવહાર ચાલતો હોય છતાંય મનથી જો શુદ્ધાત્માની ખરેખર રમણા કરેને એના ગુણની, એ સિદ્ધસ્તુતિ કહેવાય. એ બહુ કામ આપનારી, બહુ ફળ આપનારી.

પહેલું જાડું કરેને એટલે પુદ્ગલ રમણતા છૂટવા માંડે. એમ કરતા કરતા ઝીણું થાય અને જો એના ગુણ જ બોલ્યા કરે, અને શુદ્ધાત્માના ગુણોમાં રમણા કરે, જેમ કે ‘હું અનંત જ્ઞાનવાળો છું’, ‘હું અનંત દર્શનવાળો છું’, ‘હું અનંત સુખનું ધામ છું’, ‘હું અનંત શક્તિવાળો છું’ બોલો, એટલે સાચો રસ ઉત્પન્ન થઈ જાય ! એ સાચી રમણતા કહેવાય. એ તરત જ, ‘ઑન ધ મોમેન્ટ’ ફળ આપે ! પોતાનું સુખ અનુભવમાં આવે.

પ્રશ્નકર્તા : પુદ્ગલના રસોને દબાવીએ, તો આત્માના રસો ઉત્પન્ન થાય ?

દાદાશ્રી : ના, દબાવવાનો અર્થ જ નથી. એ તો એની મેળે ફિક્કા થઈ જાય. આત્માના ગુણો કલાક-કલાક સુધી બોલો તો તરત ઘણું બધું ફળ આપે. આ તો રોકડું ફળવાળી વસ્તુ છે, અગર તો દરેકની મહીં ‘શુદ્ધાત્મા’ જોતા જોતા જાવ તોય આનંદ થાય એવું છે.

‘હું શુદ્ધાત્મા છું’ એ લક્ષમાં નિરંતર રહે અને બીજાને શુદ્ધ જુએ, એ શુદ્ધ રમણતા કહેવાય. એ રમણતા આત્માની રમણતા કહેવાય. પછી બીજી સમભાવે નિકાલ કરતી વખતે આત્માની રમણતા. સમભાવે નિકાલ કરો તો આત્માની રમણતા. પછી પાંચમું પદ છે તે શુદ્ધાત્માનો ચોપડો એટલે અહીં આવ્યા, તે આત્મા રમણતા. એટલે આપણે પાંચેય આજ્ઞા આત્મરમણતા છે.

પૌદ્ગલિક ક્રિયા જોવી-જાણવી એ સ્વરમણતા

પ્રશ્નકર્તા : આપે આગળ કહ્યું આત્માની રમણતા બધી પુદ્ગલની ક્રિયાઓને જોવી અને જાણવી તે જ છે અને પછી પાછું આ આત્માના ગુણોને યાદ કરવા તે પણ કહ્યું તો બન્નેમાં ફરક શું ?

દાદાશ્રી : જોવું-જાણવું અને એ આત્મરમણતા. આ પૌદ્ગલિક ક્રિયાઓ જે થાય છે તમારી, ચંદુભાઈ શું કરે છે એ જોવું-જાણવું અને બધી રીતે ઊંડા ઊતરવું ઝીણામાં ઝીણી બાબતમાં તે આત્મરમણતા છે. અને ગુણો યાદ કરવા તે આત્માનું, પોતાનું નિશ્ચયબળ વધવા માટે છે. જાગૃતિ વધવા માટે, સંપૂર્ણ દશા માટે છે.

આત્માના ગુણોને યાદ કરવાથી આત્માની દ્રઢતા, નિશ્ચયબળ વધે છે. માટે ગુણો યાદ કરવા. પોતે પોતાની પૂર્ણાહુતિ કરીએ છીએ, ગુણો યાદ કરવાથી અને પૌદ્ગલિક ક્રિયાને જોવી અને જાણવી એ તો પૂર્ણાહુતિ થયા પછી જ આવી શકે એમ છે. એ બે જુદી વસ્તુ છે.

ગરમીથી બહુ અકળાયેલો હોય ત્યારે ઠંડો પવન આવે ત્યારે હાશ કહે. અલ્યા, જ્ઞાન લીધેલું છે ને હાશ હાશ શું કરે છે ? આ પુદ્ગલ સુખ ચાખે છે ? આપણાથી પુદ્ગલ સુખ ના ચખાય, તો પણ ચાખે. અનાદિનો અભ્યાસ છે ને ! પછી આપણે એને સમજણ પાડીએ કે આની મહીં તન્મયાકાર ના થઈશ. તો પણ એવું એકદમ ના થાય, વાર લાગે, ધીમે ધીમે થાય. નહીં તો હાશ કરીને ઊભો રહે. આમ પુદ્ગલનો ભોગવટો લે, રમણતા કરે, તે ઘડીએ એ આત્મરમણતા ચૂકી ગયો. નિરંતરની આત્મરમણતા આપી છે છતાંય જો પુદ્ગલની રમણતા કરેને ? ગરમીમાંથી આવ્યો હોય ને એકદમ પવન આવે ત્યારે હાશ કરે, તે શેની રમણતા કરી ? પુદ્ગલની, તે કરે કે ના કરે ?

છતાં આ બધી કંઈ ઉપાધિ રાખવા જેવી નથી. તમે એવા પદ ઉપર બેઠેલા છો કે આટલી ખોટનો હિસાબ જ નથી. પાંચ લાખ કમાયેલો હોય, તેના સો રૂપિયા પડી જાય એનો હિસાબ નહીં.

એક પુદ્ગલને જોવું એ જ આત્મરમણતા

પ્રશ્નકર્તા : આત્મરમણતામાં ભગવાન સતત કેવી રીતે રહેતા ?

દાદાશ્રી : મહાવીર ભગવાન એક પુદ્ગલ એકલું જોયા કરતા’તા. જે પોતાનું પુદ્ગલ હતુંને, એમાં અંદર શું થઈ રહ્યું છે, માનસિક ક્રિયા, બીજી ક્રિયાઓ, બીજું શું થઈ રહ્યું છે તે જોયા કરતા’તા. બીજું કશું જોતા નહોતા. એ જ બધું બહુ હોય છે.

પ્રશ્નકર્તા : એક પુદ્ગલને જોતા હતા, એટલે ભગવાન મહાવીર આત્મામાં રમણતા કરે છે કે પુદ્ગલને જુએ છે ?

દાદાશ્રી : પુદ્ગલને જોવું અને જાણવું, એનું નામ જ આત્મરમણતા. ભગવાન મહાવીર શું કરતા ? એક પુદ્ગલમાં જ દ્રષ્ટિ સ્થિર કરીને જ રહ્યા ત્યાં, પછી કેવળજ્ઞાન ઉપજ્યું’તું.

કેવળદર્શન થતા પહેલા અગિયારમા ગુંઠાણામાંય પુદ્ગલ રમણા કરે છે અને કેવળજ્ઞાન થાય ત્યારે નિરંતર સ્વરૂપની રમણતામાં રહે. પુદ્ગલ પુદ્ગલની રમણતા કરે અને સ્વરૂપ સ્વરૂપની રમણતા કરે.

અપનાવો રીત ભગવાન મહાવીરની

પ્રશ્નકર્તા : ભગવાન મહાવીર પોતાના એક પુદ્ગલને જ જોતા હતા એ શું કહેવા માગે છે, દાદા ?

દાદાશ્રી : ભગવાન મહાવીર તો બસ, એકલું પોતાનું જ પુદ્ગલ જોયા કરતા’તા. એ તો એમને દેખાય જ નિરંતર. એક પુદ્ગલમાં જ દ્રષ્ટિ રાખતા’તા. એક જ પુદ્ગલ, બીજું નહીં.

એટલે, ભગવાન મહાવીર પુદ્ગલ શું કરે છે તે જ જુએ. બુદ્ધિ શું કરે છે, મન-ચિત્ત શું કરે છે, એ જ જોતા હતા એક જ પુદ્ગલ, બીજું કંઈ નહીં. બીજા ડખામાં ઊતરતા જ નહોતા. આપણે એ પ્રયત્ન કરીએ, પણ થોડીવાર રહેને પછી પાછું એ ખસી જાય.

પ્રશ્નકર્તા : હા, આપણે પ્રયત્ન કરીએ થોડીવાર રહે પણ ખસી જાય.

દાદાશ્રી : કારણ કે બહારનો અભ્યાસ વધારેને ! પેલો તો જુદાપણાનો બિલકુલ અભ્યાસ. કોઈ પુદ્ગલની વસ્તુ એવી-તેવી હોય તેની ઉપર એ શું શું કરે છે તે નિરીક્ષણ કરતા હોય, એ બધું ખ્યાલમાં હોયને એવું એ.

પ્રશ્નકર્તા : પણ પોતાના એક જ પુદ્ગલનો, બહાર કોઈ ડખલ નહીં.

દાદાશ્રી : બીજું શું ? એક પુદ્ગલ જોવાય તો બહુ થઈ ગયું. નહીં તો બહાર ડખલ થાય જ, એવું કહેવા માગે છે. એ આપણે કહીએ કે તમે જોવાનો અભ્યાસ કરો, પણ થાય નહીં. થોડીવાર રહે, પાછું ભૂલાઈ જાય. ક્યાંય સુધી બધું બહાર જોતો હોય !

પ્રશ્નકર્તા : એ સ્ટેજ આવવાની તો ખરી જ ને ?

દાદાશ્રી : એ પ્રયત્ન એનો એ જ હોય, પણ થાય નહીંને ! રહે નહીં ને જાય ને આવે, જાય ને આવે. એ જાણી રાખવાનું છે, કે એક જ પુદ્ગલ જોવાનું છે.

જે એક પુદ્ગલનો સ્વભાવ છે એ સર્વ પુદ્ગલનો સ્વભાવ છે. સ્વભાવ એકનો એક જ જાતનો છે. એટલે ભગવાનની રીત મેં તમને આપી છે. તે રીતે ચાલો હવે. ચંદુભાઈના મન-બુદ્ધિ-ચિત્ત શું કરે છે, ચંદુભાઈ શું શું કરી રહ્યા છે, એ બધું નિરંતર ઑબ્ઝર્વેશન કરવું (જોવાનું) એ કમ્પ્લીટ શુદ્ધાત્મા.

પ્રશ્નકર્તા : એટલે ધારો કે મેં આ રીતે ઉપયોગ ગોઠવ્યો કે આપણે મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર શું કરે છે એને જોવા અને કોઈ આપણને બીજી કંઈ બાબત પૂછે કે ભઈ, કેટલા વાગ્યા ? એ વ્યવહારિક છે, બીજું-ત્રીજું છે, તો તો આપણે બોલવું જ પડેને, નાછૂટકે ?

દાદાશ્રી : હા, પણ એ તો એક પુદ્ગલ જોતા હોય.

પ્રશ્નકર્તા : ધારો કે ભગવાન મહાવીર એક પુદ્ગલને જુએ છે અને એ વખતે તો ગૌતમ સ્વામી એમને પ્રશ્ન પૂછે તો એ જવાબ નીકળેને ?

દાદાશ્રી : એ તોય એક જ પુદ્ગલને જોતા હોય, એનો વાંધો ક્યાં છે ?

પ્રશ્નકર્તા : તો એ જવાબ બહારનો ભાગ આપેને ?

દાદાશ્રી : ભગવાન મહાવીર તો જવાબ ન આપે. તે ઘડીએ જે ભાગ હતો તેનો તે જ જવાબ આપે. તે ઘડીએ તેનો તે જ હોય.

પ્રશ્નકર્તા : બરોબર છે, પણ બહારનો ભાગ આપણે કોને કહીએ છીએ, એક પુદ્ગલ અને તે સિવાયનો ભાગ ?

દાદાશ્રી : બહારનો ભાગ હોતો નથી જોનારને.

પ્રશ્નકર્તા : જોનારને બહારનો ભાગ નથી હોતો ?

દાદાશ્રી : હંઅ. જે જોનાર અને જાણનાર છે, એને (વિભાવ રૂપી) બહારનો ભાગ હોતો નથી.

પ્રશ્નકર્તા : તો એમાં જોવાનું અને જાણવાનું જ આવે ફક્ત, એક પુદ્ગલ જોવામાં.

દાદાશ્રી : એટલું જ એ જાણવાનું છે આ તું બોલી રહ્યો છું ને, તેને જુએ-જાણે એને જ્ઞાન કહેવાય.

પ્રશ્નકર્તા : દાદા, એવું ક્યારે રહેશે ?

દાદાશ્રી : આપણે તો એ પ્રયત્નમાં તો હોઈએ ને ! છેવટે આ કરવાનું છે એવું તો બધું હોયને ?

પ્રશ્નકર્તા : બરાબર. છેવટે આ કરવાનું છે, એવું લક્ષમાં હોવું જોઈએ.

દાદાશ્રી : હોય જ બધાને, શબ્દ ના સમજે તોય પણ એમ ને એમ તો બોલે. છેવટે આત્મરમણતા, સ્વરમણતા, બધું એકનું એક જ. સ્વરમણતા એટલે પેલું જ, એ ભગવાન મહાવીરના જેવું એક પુદ્ગલ જ જોતો હોય.

પ્રશ્નકર્તા : આપને પણ એવું રહેતું હોયને, દાદા ?

દાદાશ્રી : અમારેય કાચું હોયને ! થાય ને ના થાય ને એ જરા કાચું પડી જાય. આ જે તું વાત બોલુંને, એ પરરમણતામાં બોલું છું. આખો દહાડો પરરમણતામાં રહો છો તમે. નિશ્ચયથી સ્વરમણતામાં પણ વ્યવહારમાં જ તમારો નિશ્ચય વર્તે છે.

પ્રશ્નકર્તા : આખો દહાડો ?

દાદાશ્રી : એ તો આવું જ હોય. (તો પણ) આ તો બહુ ઊંચું પદ કહેવાય.

સ્વરમણતાની પ્રાપ્તિ, નિર્ગ્રંથ થાય ત્યારે

હવે આ જગત આખું ‘જ્ઞેય’ સ્વરૂપે છે અને તમે ‘જ્ઞાતા’ છો. તમને ‘જ્ઞાયક’ સ્વભાવ ઉત્પન્ન થયો છે. પછી હવે બાકી શું રહ્યું ? ‘જ્ઞાયક’ સ્વભાવ ઉત્પન્ન થયા પછી ‘જ્ઞેય’ને જોયા જ કરવાનું છે. જ્ઞાયક સ્વભાવ એ સ્વરમણતા છે. એક જ ભાવમાં, જ્ઞાતા-દ્રષ્ટાભાવમાં જ રહેવાનું.

પ્રશ્નકર્તા : અત્યારે તો કઠિન પડે એ.

દાદાશ્રી : અત્યારે એ ના હોયને ! અત્યારે બહાર જોવું પડે આપણે. પણ તે એટેચમેન્ટ વગરનું હોય તો એ જ્ઞાતા-દ્રષ્ટા કહેવાય અને એટેચમેન્ટ સહિત હોય તો તે ઈન્દ્રિય જ્ઞાન કહેવાય.

પ્રશ્નકર્તા : તન્મય થઈ જાય તો ઈન્દ્રિય જ્ઞાન આવી જાય ?

દાદાશ્રી : ના. તન્મય થઈ જાય તોય એટેચમેન્ટ સહિત હોય તો ઈન્દ્રિય જ્ઞાન કહેવાય. એટેચમેન્ટ નથી તો પછી તન્મય એ થઈ જાય કોઈ જગ્યાએ, પણ એ તન્મય થવું એ પદ્ધતસર નથી. એ ફરી કો’ક વખત છૂટું કરવું પડશે એને. એકધારું જ હોવું જોઈએ. તન્મય થવું ત્યાં કંઈક ગ્રંથિ છે. એ ગ્રંથિ છૂટવી જોઈશે. હવે સમજી જવું જોઈએ કે તન્મય થાય તો જાણવું ગ્રંથિ છે આપણામાં.

નિર્ગ્રંથ થાય ત્યારે જ સ્વરમણતા, નિજ મસ્તી પ્રાપ્ત થાય.

પ્રકૃતિને નિહાળવી એ જ રિયલ પુરુષાર્થ

પ્રશ્નકર્તા : પહેલા તમે એક વાક્ય કહેલું કે તું વિકલ્પ કરીશ નહીં, પણ જો વિકલ્પ થાય તો વિકલ્પ અને વિકલ્પી બેઉને જોજે. એટલે છૂટો થઈ જઈશ.

દાદાશ્રી : જોજે, બરોબર છે. એ જ સ્વરમણતા !

‘પ્રકૃતિ’ પરાધીન છે, આત્માધીન નથી. ‘પ્રકૃતિ’ને ઓળખે તે પરમાત્મા થાય. ‘પુરુષ’ને ઓળખે તો ‘પ્રકૃતિ’ ઓળખાય. જ્ઞાન થયા પછી પુરુષ થાય. પુરુષ થયો એટલે પુરુષાર્થ શરૂ થયો અને પુરુષનો પુરુષાર્થ શું હોય ? ત્યારે કહે કે પ્રકૃતિ છે, એને નિહાળ્યા જ કરે. પ્રકૃતિને નિહાળવી એ સ્વરમણતા.

સ્વરમણતા કેવળ ચારિત્ર થતા સુધી જ

આપણે જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવમાં આવવાનું છે. એ ચારિત્ર કહેવાય. જેટલું અખંડ જ્ઞાન-દર્શન ભેગું થાય કે ચારિત્ર એટલું ઊભું થઈ જાય.

ચારિત્ર એટલે રમણતા. દ્રષ્ટાભાવમાં રહેવું એ. જ્ઞાતા-દ્રષ્ટામાં રહેવું ને એમાં રમણતા થવી એ ચારિત્ર.

આત્માની રમણતા એટલે ‘હું શુદ્ધાત્મા છું’ એનું લક્ષ ત્યાંથી માંડીને છેલ્લું ‘શુદ્ધ ચારિત્ર’માં વર્તે ત્યાં સુધીનું.

પ્રશ્નકર્તા : સ્વભાવ રમણતા એ જ યથાખ્યાત ચારિત્ર ?

દાદાશ્રી : હા, યથાખ્યાત કહેવાય. એના આગળનું ચારિત્ર એ કેવળચારિત્ર કહેવાય. આ પૂરું થાય એટલે કેવળચારિત્ર કહેવાય.

વીતરાગ ચારિત્રની અંદર જ પછી, એની રમણતા એમાં ને એમાં જ રહ્યા કરે, એ ભગવાન મહાવીરનું ચારિત્ર.

આત્માની પૂર્ણ દશા ઉત્પન્ન થતા સુધી આ રમણતા રહે છે. આત્માની રમણતા ક્યાં સુધી ? પોતાની પૂર્ણ દશા ઊભી થઈ એટલે પછી રમણતા રહી જ નહીંને ! પોતે, પોતે (પૂર્ણ સ્વરૂપ, પરમાત્મા) જ થઈ ગયોને ! એટલે પૂર્ણ દશા આત્માની છે તે.

સ્વરમણતા, પૂર્ણ દશા થવા માટે જ

પ્રશ્નકર્તા : આત્માની રમણતા થઈ જશેને ? પોતાની પૂર્ણ દશા થઈ જશેને ?

દાદાશ્રી : થઈ જ જવાનીને ! એ જે રસ્તે ચાલ્યા છે, તે ગામ તો આવવાનું જ ને વળી. અને હવે એવી દિશા બદલી થવાની નથી. મેઈન લાઈન પર આવી ગયા પછી વાંધો નહીંને !

આ જ એની જ લાઈન છે આ. એનો સ્વભાવ જ આ છે. કરવાનુંય કશું નથી, એનો સ્વભાવ જ કરશે. સ્વભાવમાં જ રમમાણ, એ આત્મરમણતા કહેવાય.

પ્રશ્નકર્તા : પછી ‘પોતે’ ‘પોતે’ જ થઈ ગયો !

દાદાશ્રી : ‘પોતે’ જે હતો તે મૂળ ‘પોતે’ જ થઈ ગયો. એટલે રમણતાની દશા પૂરી થઈ ગઈ !

અમારા જ્ઞાની મહાત્માઓને સ્વરમણતા અને નિજ મસ્તી, તે નિજ મસ્તીમાં રહેવા સ્વરમણતામાં જ રહે.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18