ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18



આપ્તવાણી

શ્રેણી-૧૪ ભાગ-૪

[5]

અગુરુ-લઘુ

ગુણો : પુદ્ગલના ગુરુ-લઘુ, આત્માના અગુરુ-લઘુ

પ્રશ્નકર્તા : આત્માના ગુણો અગુરુ-લઘુ છે તે સમજાવો.

દાદાશ્રી : આત્માના ગુણો જે છે ને એ અગુરુ-લઘુ સ્વભાવના છે. વધે નહીં, ઘટે નહીં. એનો પરમાનંદ નામનો ગુણ છે. જરાય વધે નહીં, ઘટે નહીં. જ્ઞાન નામનો ગુણ છે તે જરાય વધે નહીં ઘટે નહીં. દર્શન નામનો ગુણ જરાય વધે નહીં, ઘટે નહીં. અગુરુ-લઘુત્વ, વધઘટ ના થાય. વધઘટ થવી એનું નામ ભ્રાંતિ, એનું નામ પુદ્ગલ.

ગુરુ-લઘુ એટલે ગોત્રકર્મ ઊભા થયા. ઉચ્ચ-નીચ થાય બધું. ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્ર બધું એ ગુરુ-લઘુ. ગોત્ર લઘુ-ગુરુ કરે અને અગોત્ર અલઘુ-ગુરુ કરે.

જે વધઘટ થાય છે તે બધું જ અનાત્મા છે અને જે વધઘટ નથી થતું એ જ આત્મા.

આપણે આ પુદ્ગલ જે છે ને, આપણું શરીર છે ને, જે પુદ્ગલને આપણે છોડી દેવાના છીએ, એ ગુરુ-લઘુ સ્વભાવનું છે અને આપણે અગુરુ-લઘુ સ્વભાવના છીએ. આપણે આ વિકારી પુદ્ગલથી છૂટા થવાનું છે. માટે આપણે કહ્યું આ બધું ગુરુ-લઘુ સ્વભાવનું છે, અને હું અગુરુ-લઘુ સ્વભાવનો છું.

એટલે ચેતનનો અગુરુ-લઘુ સ્વભાવ. આપણો મૂળ સ્વભાવ અગુરુ-લઘુ, તે તો ગુરુ-લઘુમાંથી પોતે અગુરુ-લઘુ સ્વભાવમાં જ થવા ફરે.

હું શુદ્ધાત્મા અને જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદી અને બધા એના ગુણો જે છે એ બધા અગુરુ-લઘુ સ્વભાવના છે અને આ જે બધા ગુણો છે જડના એ ગુરુ-લઘુ સ્વભાવના છે. શુદ્ધાત્માનો સ્વભાવ જોવાનો ને જાણવાનો છે, તે ક્યારેય વધઘટ થતો નથી.

પ્રશ્નકર્તા : ચેતનમાં તો જ્ઞાતા-દ્રષ્ટા બે જ ભાવને કે બીજા કોઈ ભાવ છે ?

દાદાશ્રી : બીજા બધા બહુ ભાવ છે પણ તે બધા અગુરુ-લઘુ ભાવ છે. પોતે ઘટવધ જ ના થાય. અને ઘટવધ થાય એ આપણે જોવાનું કે આ જડ ભાવ છે.

પ્રશ્નકર્તા : આત્માનો અગુરુ-લઘુ સ્વભાવ એટલે કોઈ પ્રદેશને બહાર ના જવા દે તે ?

દાદાશ્રી : હા, એના પ્રદેશની બહાર ના જવા દે, એટલે સ્થિરતા છોડે નહીં.

જ્ઞેયો-દ્રશ્યો ગુરુ-લઘુ, આત્મા અગુરુ-લઘુ

પ્રશ્નકર્તા : અગુરુ-લઘુ સ્વભાવ વિશે વધારે ફોડ પાડશો.

દાદાશ્રી : આ દરેક ચીજો બધી ગુરુ-લઘુ છે, જે તમારી પાસે ટચમાં આવે છે ને ! વજનમાં હલકી હોય, ભારે હોય. હલકી હોય તો ભારે થઈ જાય છે, ભારે હોય તો હલકી થઈ જાય, એવી બધી આવે છે ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : આ ઘડિયાળની ચેઈન ઘસાતી જાય તેમ હલકી થતી જાયને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : અને ગુરુ એટલે આ વાળ વધ્યા જ કરેને, આપણે કપાય કપાય કરીએ તોય ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : ગુરુ થયા જ કરેને ?

અને અગુરુ-લઘુ એટલે વધઘટ ના થાય, જાડો ના થાય, પાતળો ના થાય, ઊંચો ના થાય, નીચો ના થાય, વજનદાર ના થાય, હલકો ના થાય, જેમ છે તેમ સ્થિતિમાં રહે.

પ્રશ્નકર્તા : બરોબર છે, આપણે જોઈએ છીએ એ બધી વસ્તુઓ ગુરુ-લઘુ જ હોય છે.

દાદાશ્રી : બધી ગુરુ-લઘુ હોય. જેટલી જુઓને, એ બધી ગુરુ-લઘુ હોય. આ જગતની બધી જ ચીજ ગુરુ-લઘુવાળી છે.

જગતમાં જે કંઈ દેખાય છે તે ગુરુ-લઘુ છે. ગુરુ-લઘુ સ્વભાવવાળા છે. તેને જોનાર (બુદ્ધિ, અહંકાર) પણ ગુરુ-લઘુ સ્વભાવવાળો છે અને જે આત્મા છે તે અગુરુ-લઘુ સ્વભાવી છે.

હવે આ અગુરુ-લઘુ સ્વભાવ બધા જ તત્ત્વોને છે. છયે તત્ત્વો નિર્લેપ છે. બધા જ અવિચળ છે.

આત્મા એકલો નહીં, છયે તત્ત્વો અગુરુ-લઘુ

પ્રશ્નકર્તા : દાદા, આ આત્મા અગુરુ-લઘુ એમ કહ્યો પણ બીજી વસ્તુ અગુરુ-લઘુ કેમ હોઈ શકે, કંઈ પણ છે તે ? મગજમાં, બુદ્ધિમાં બેસાડી શકાય એવી વાત નથી આ. કાં તો લઘુ છે, કાં તો ગુરુ છે. કાં તો આ છે, કાં તો આ છે કંઈક તો છે ને ? કારણ કે અગુરુ-લઘુ એક આત્મા જ છે.

દાદાશ્રી : ના, આત્મા નહીં, છ એ છ તત્ત્વો બધા.

પ્રશ્નકર્તા : બેમાંથી એક હોય પણ આ તો અગુરુ-લઘુ, ગુરુય નહીં અને લઘુય નહીં, એટલે કેવું ?

દાદાશ્રી : સમકક્ષા કહેવાય, સમકક્ષી.

પ્રશ્નકર્તા : આત્માની બાબતમાં અગુરુ-લઘુ સમજી શકાય પણ આપ કહો કે પરમાણુ જે છે, એ પરમાણુય અગુરુ-લઘુ, એ કેવી રીતે બને ?

દાદાશ્રી : હા, એય અગુરુ-લઘુ.

પ્રશ્નકર્તા : કારણ કે પરમાણુની જ્યારે આપણે વાત કરીએ ત્યારે આ એટમ છે કે જે કંઈ અણુ છે, એનું વિભાજન કરતા કરતા કરતા કરતા પછી વિભાજન ના થાય ત્યારે એ પરમાણુ કહેવાય.

દાદાશ્રી : હા, એ પરમાણુ કહેવાય.

પ્રશ્નકર્તા : તો એ લઘુ ખરું પણ અગુરુ-લઘુ કેવી રીતે કહેવાય ? અગુરુ-લઘુ એ કેવી રીતે બને એ ?

દાદાશ્રી : એવું નહીં, અગુરુ-લઘુ એટલે ગુરુયે નથી અને લઘુયે નથી. આ મૂળ તત્ત્વ જે છે એને ફક્ત પરમાણુ જ કહેવાય છે. પરમાણુ છે તે તેમાંથી જે તત્ત્વો (જલ, પૃથ્વી, વાયુ, તેજ) છે તે બીજા વિકારીભાવને પામેલા હોય. તે પછી અણુ થાય, પછી મોટો આવડો પથરો થાય, બધું થાય, એ બધા ગુરુ-લઘુવાળા.

જેટલા છ તત્ત્વો છે એ બધાય અગુરુ-લઘુ છે, મૂળ તત્ત્વ. મૂળ તત્ત્વ આપણને પાંચ ઈન્દ્રિયથી અનુભવમાં આવતા નથી. એટલે આ જગતમાં જે જે દેખાય છે તે બધું જ ગુરુ-લઘુ. હા, ઈન્દ્રિયગમ્ય તે બધુંય ગુરુ લઘુ.

અને આત્મા અને પરમાણુ સિવાયના બીજા તત્ત્વો છે તે પણ અગુરુ-લઘુ સ્વભાવના છે અને તે ટંકોત્કીર્ણ છે. ટંકોત્કીર્ણ કહે છે ને, તે અગુરુ-લઘુ સ્વભાવને લઈને છે. બધા અગુરુ-લઘુ સ્વભાવવાળા છે ને ટંકોત્કીર્ણ ભાવે રહેલા છે.

પૃથ્વી, પાણી, તેજ, વાયુ એ ગુરુ-લઘુ

છ વસ્તુ છે આ જગતમાં, એ હું ગેરેન્ટીથી કહું છું. છ વસ્તુઓ કાયમ ને સત્ જ છે. સત્નો અર્થ જ એ છે કે જે અવિનાશી હોય અને જોડે જોડે ગુણ-પર્યાય સહિત હોય. અને અગુરુ-લઘુ સ્વભાવવાળો હોય. એ બધા જ તત્ત્વો એવા છે, એ શુદ્ધાત્મા એકલો નહીં. બધા તત્ત્વો સત્ કહેવાય છે.

તત્ત્વનો સ્વભાવ કેવો ? અગુરુ-લઘુ. તત્ત્વને માટે જો વિશેષણ વાપરવું હોય તો અગુરુ-લઘુ લખવું પડે. જે વધે નહીં, ઘટે નહીં, એનું નામ તત્ત્વ કહેવાય. ભારે નહીં, હલકું નહીં, લાંબું નહીં, ટૂંકું નહીં, બધું એવું હોય ત્યારે એને અગુરુ-લઘુ તત્ત્વ કહેવાય.

પ્રશ્નકર્તા : મૂળ તત્ત્વ ઘટવધ થતું નથી, હવે ઑક્સિજન એ તો ઘટી જાય છે ?

દાદાશ્રી : ઑક્સિજન એ મૂળ તત્ત્વ નથી. મૂળ તત્ત્વ તો પરમેનન્ટ હોય, એને ફેરફાર ના થાય. ઘટે નહીં, વધે નહીં, કોઈ ચેન્જ ના થાય. ઑક્સિજન મૂળ તત્ત્વ નથી, હાઈડ્રોજન મૂળ તત્ત્વ નથી, પાણી એ મૂળ તત્ત્વ નથી.

તમારી સમજમાં આવ્યુંને ? બીજું બધું વધઘટ થયા જ કરે. મૂળ તત્ત્વ સિવાય દરેક વસ્તુ વધઘટને પામે. (એ) ગુરુ-લઘુ હોય અને મૂળ તત્ત્વ અગુરુ-લઘુ હોય.

પ્રશ્નકર્તા : પાણી મૂળ તત્ત્વ નથી ?

દાદાશ્રી : ના, ના, પાણી, તેજ, વાયુ એ મૂળ તત્ત્વ નથી. આકાશ એકલું મૂળ તત્ત્વ છે.

પ્રશ્નકર્તા : હવે આ છ એ તત્ત્વો અવિનાશી તત્ત્વ છે, એમાં આત્મા ગુરુતમ કે બધા તત્ત્વો ગુરુતમ ?

દાદાશ્રી : બધા સરખા, ગુરુતમ-લઘુતમ ના હોય.

પ્રશ્નકર્તા : બધા સરખા જ ને ? તો આત્માને કેમ પરમ તત્ત્વ કહ્યો છે આપણે ?

દાદાશ્રી : ચેતન ગુણ છે એનામાં એટલે.

શુદ્ધ સ્વરૂપે અગુરુ-લઘુ, વિકારી રૂપે ગુરુ-લઘુ

પ્રશ્નકર્તા : એટલે અગુરુ-લઘુ સ્વભાવ બધા દ્રવ્યમાં સામાન્ય છે.

દાદાશ્રી : જે એનો અગુરુ-લઘુ સ્વભાવ છે ને, તે બધામાં કૉમન છે પણ શુદ્ધ સ્વરૂપે છે. એ તત્ત્વો શુદ્ધ સ્વરૂપે હોય, ને તે બધામાં કૉમન છે. એનામાં પણ જ્યારે વિકૃત સ્વરૂપે થાય, વિકારી ત્યારે તે ગુરુ-લઘુ થાય. બાકી આત્મા વિકારી ક્યારેય થતો નથી. આત્મા સ્વભાવથી જ વિકારી કોઈ દહાડો થતો નથી. આ તો ભ્રાંતિ ભરેલી છે અને ભ્રાંતિથી આ પુદ્ગલનો ગુણ વિકારી થવાનો સ્વભાવ છે. પૂરણ-ગલનનો વિકારી થવાનો સ્વભાવ છે, ને તે આનાથી આ દેહ-વાણી-મન ઉત્પન્ન થયેલા છે અને તે પૂરણ-ગલન સ્વભાવના છે. એટલે વસ્તુ, તત્ત્વસ્વરૂપે બધા અગુરુ-લઘુ છે પણ વિકૃતભાવે ગુરુ-લઘુ થાય.

ગુરુ-લઘુ થાય તે બધું પુદ્ગલ, પરમાણુ નહીં. પરમાણુ ગુરુ-લઘુ થાય નહીં. સ્વાભાવિક પરમાણુ જેને કહેવામાં આવે છે ને, વિશ્રસા, તે સ્વાભાવિક છે. એને પુદ્ગલ ના હોય. તે અગુરુ-અલઘુ હોય. અને આ જે વિકૃત પુદ્ગલ છે, વિકારી પુદ્ગલ, તેમાં લોહી, પરુ બધું નીકળે.

પ્રશ્નકર્તા : મિશ્રસા એ ?

દાદાશ્રી : મિશ્રસા, એ પુદ્ગલ ગુરુ-લઘુવાળું હોય. માણસ જ્યારે કંઈ ભાવ કરે છે ને, ત્યારે એ પરમાણુ છે તે ખેંચાય છે. પરમાણુ ખેંચાય છે ત્યારે પ્રયોગસા કહેવાય છે અને પછી મિશ્રસા થાય. પ્રયોગસા મિશ્રસા થઈને પછી ફળ આપીને પછી વિશ્રસા થાય ત્યારે પાછા અગુરુ-લઘુ સ્વભાવના અને આ મિશ્રસા અને પ્રયોગસા એ બધા ગુરુ-લઘુ સ્વભાવના છે. આ રાગ-દ્વેષ થાય છે ને, તે રાગ વધેય ખરો ને ઘટેય ખરો.

પ્રશ્નકર્તા : હાનિ-વૃદ્ધિ વખતે અગુરુ-લઘુ સ્વભાવ કેવો હોય ?

દાદાશ્રી : અગુરુ-લઘુ સ્વભાવ એટલે બહાર હાનિ થાય, વૃદ્ધિ થાય, પણ ‘પોતે’ અગુરુ-લઘુ સ્વભાવમાં આવી જાય. (પોતાનામાં) હાનિ-વૃદ્ધિ થવા ના દે. અગુરુ-લઘુ સ્વભાવ હાનિ-વૃદ્ધિ ક્યારે પણ ના થાય. હાનિ થાય, વૃદ્ધિ થાય અને પાછો અગુરુ-લઘુ સ્વભાવમાં આવી જાય. પણ આ જે પુદ્ગલ છે ને, તે એકલા જ હાનિ-વૃદ્ધિ પામે છે.

પુદ્ગલ પરમાણુઓ અવિનાશી છે પણ આ પુદ્ગલની અવસ્થાઓ જે દેખાય છે એ બધી વિનાશી. અવસ્થા નાશ થાય છે, વસ્તુ તેની તે જ.

પ્રશ્નકર્તા : રાગ-દ્વેષ થાય, ક્રોધ-માન-માયા-લોભ એ બધું થાય તે કયું પુદ્ગલ ?

દાદાશ્રી : એ બધુંય વિકારી પુદ્ગલ છે, સાચું પુદ્ગલ નથી. સાચું પુદ્ગલ પરમાણુ સ્વરૂપે લઘુ-ગુરુ નથી, અગુરુ-લઘુ સ્વભાવનું જ છે.

પ્રશ્નકર્તા : મૂળ પરમાણુ અગુરુ-લઘુ છે, બાકીના સ્કંધ, દેહ, પ્રદેશો બધા ગુરુ-લઘુ ?

દાદાશ્રી : પછી તો એ બધા ગુરુ-લઘુ જ થાયને ?

પ્રશ્નકર્તા : એ પછી પરમાણુના પર્યાય ગણાયને બધા ?

દાદાશ્રી : એને અવસ્થાઓ કહેવાય.

ગુણ અગુરુ-લઘુ, પર્યાય ગુરુ-લઘુ

પ્રશ્નકર્તા : આત્મા સિવાય બાકીના દ્રવ્યો છે એ ગુરુ-લઘુ પણ થાય ?

દાદાશ્રી : હા, એ ગુરુ-લઘુ થાયને ! સંજોગોના આધીન એની અવસ્થાઓ હોય ને, એ બધી ગુરુ-લઘુ થાય. સ્કંધ મોટો થાય, નાનો થાય એ સ્કંધ થાયને એના. એ બધા સ્કંધ થવાના.

પ્રશ્નકર્તા : પણ દાદા, એ ગુરુ-લઘુ પુદ્ગલમાં જ થાયને ? બાકીના નહીંને, પાંચ દ્રવ્યોમાં ?

દાદાશ્રી : ના, તેને બધા સ્કંધ, દેહ, પ્રદેશો. આ બધા જે ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય...

પ્રશ્નકર્તા : પુદ્ગલાસ્તિકાય સિવાય જે ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય-આકાશાસ્તિકાય એમાં પણ ગુરુ-લઘુ જેવું છે ?

દાદાશ્રી : એવું છે ને, મૂળ તત્ત્વ હોય, તેને જ અગુરુ-લઘુ કહેવાય. અને મૂળ તત્ત્વના જ્યારે પર્યાય, અવસ્થા થાય ત્યારે ગુરુ-લઘુ થાય. એટલે દરેકને ગુણેય હોય અને પર્યાયે હોય.

પ્રકૃતિ એ વિકારી સ્વરૂપ, ગુરુ-લઘુ સ્વભાવની

પ્રશ્નકર્તા : દાદા, આ પરમાણુ અગુરુ-લઘુ અને પુદ્ગલ, પ્રકૃતિ એ ગુરુ-લઘુ વિશે જે વાત કહી તે વધારે સમજાવશો ?

દાદાશ્રી : હવે એ જે આ પ્રકૃતિ છે તે દ્રવ્ય નથી ગણાતું, આ વિકારી સ્વરૂપ છે. એટલે એ ગુરુ-લઘુ સ્વભાવનું છે. જો ગુરુ-લઘુ સ્વભાવનું ના હોયને અને એ જો અગુરુ-લઘુ સ્વભાવનું હોતને તો કોઈને છૂટત જ નહીં. તત્ત્વ જ અહીં સમજવાનું છે. ખરું સ્વરૂપ જ અહીં સમજવાનું છે. અને આમેય હિસાબ કાઢતા, ક્રોધ-માન-માયા-લોભનો હિસાબ કાઢી લઈએ, તો વધઘટ થાય છે કે નથી થતા ?

આ તો ક્રોધ કેટલો (બધો) વધી જાય અને પાછો ઘટે ત્યારે એટલો જ ઘટી જાય. એ અગુરુ-લઘુ સ્વભાવમાં આવે નહીં. આ વિકૃત સ્વભાવ છે. બાકી છયે દ્રવ્યો બધા અગુરુ-લઘુ સ્વભાવના છે પણ આ પ્રકૃતિ એ વિકારી સ્વભાવ છે. વિકારી વસ્તુ. હવે વિકારી વસ્તુ ગુરુ-લઘુ સ્વભાવની છે પાછી. એટલે રાગ-દ્વેષેય ગુરુ-લઘુ સ્વભાવના છે. હવે ગુરુ-લઘુ સ્વભાવવાળી વસ્તુ જો આત્માની કહેવામાં આવેને તો ભયંકર ભૂલ છે. તો તો પછી જાય જ નહીં કાયમ. જો એના અન્વય ગુણો ગણવામાં આવેને, તો ક્યારેય ના જાય. એટલે આત્માની હાજરીથી ઉત્પન્ન થનારા ગુણ છે.

ક્રોધ-માન-માયા-લોભેય ગુરુ-લઘુ છે, એ વધે-ઘટે અને આત્મા અગુરુ-લઘુ. આ બેનો મેળ પડે નહીં. બેનો ગુણધર્મથી જ મેળ નથી. પુદ્ગલનોય, એટલે મૂળ સાચું પુદ્ગલેય પરમાણુ સ્વરૂપે અગુરુ-લઘુ સ્વભાવનું છે અને ક્રોધ-માન-માયા-લોભ ગુરુ-લઘુ સ્વભાવના છે. એટલે પુદ્ગલની જોડેય મેળ નથી. પેલાનો સ્વભાવ જુદો, આનો જુદો. એ વ્યતિરેક ગુણો થયા છે. વ્યતિરેક ગુણો ગુરુ-લઘુ સ્વભાવના હોય.

 આપણે આ વિકારી પુદ્ગલથી છૂટા થવાનું છે. માટે આપણે કહ્યું આ બધું ગુરુ-લઘુ સ્વભાવનું છે, અને હું અગુરુ-લઘુ સ્વભાવનો છું.

 આ (વિભાવિક) પુદ્ગલ તત્ત્વ ચંચળ છે.

આ બધું પુદ્ગલ સચળ છે ને મિકેનિકલ છે અને આત્મા અવિચળ છે, અચળ છે. જે ચંચળ ભાગ છે એ જ અનાત્મા અને અચળ એ જ આત્મ ભાગ છે. ચંચળ લઘુ-ગુરુ થયા કરે. પણ આત્મા અગુરુ-લઘુ સ્વભાવવાળો છે. ચંચળ બધું જ જ્ઞેય છે અને અચળ જ્ઞાતા છે. જ્ઞાતા-જ્ઞેયનો સંબંધ છે, બીજો કશો જ સંબંધ નથી.

પોતાના અગુરુ-લઘુ ગુણને લીધે પોતે જુદો

આ પુદ્ગલ પરમાણુ જે છે ને, એ વધઘટ થાય જ નહીં. જેટલા છે એટલા ને એટલા જ રહે. દુનિયામાં ગમે એટલા માણસોને બાળો-કરો, ગમે તે કરો તો એની વધઘટ ના થાય. એક પરમાણુ વધે નહીં, ઘટે નહીં. એ પુદ્ગલેય અગુરુ-લઘુ છે. પણ આ વિભાવિક પુદ્ગલ ગુરુ-લઘુ છે. તે આપણે ઓળખવા માટે આવ્યું છે કે આ ગુરુ-લઘુ છે. એ આપણું પદ નથી. આપણે અગુરુ-લઘુ છીએ. માટે જે વધઘટ થાય ત્યાંથી તે આપણું ન્હોય.

આ જે વિભાવિક પુદ્ગલ ઊભું થયું છે, વિશેષ પરિણામી પુદ્ગલ, તે બધું જ વિકૃતિવાળું છે. એ બધું જ લઘુ-ગુરુ હોય છે.

પ્રશ્નકર્તા : એ વધે-ઘટે પણ આત્મા તો અગુરુ-લઘુને ?

દાદાશ્રી : આત્મા અગુરુ-લઘુ.

પ્રશ્નકર્તા : એ ગુણ, એનાથી (એને લઈને) જુદો પડે.

દાદાશ્રી : એ જ ગુણથી (ને લીધે) એ પોતે જુદો છે. આપણું અગુરુ-લઘુ છે પદ. કોઈ કહેશે, રાગ-દ્વેષ એ આત્માના ગુણ સિવાય બીજું હોય કેવી રીતે ? તો કહે, ના, એ લઘુ-ગુરુ છે. ઘડીકમાં રાગ વધી જાય છે ને ઘડીકમાં ઘટી જાય છે. તો આત્માના ગુણ ઘટ-વધ ના થાય, એ અગુરુ-લઘુ સ્વભાવના છે, એટલે આપણે ઓળખવા માટે સમજી લેવું. ક્રોધ-માન-માયા-લોભ થાય તો તું ગભરાઈશ નહીં. તારું સ્વરૂપ નથી આ. અને ખરેખર ક્રોધ-માન-માયા-લોભ થતાંય નથી, આપણા જ્ઞાન આપ્યા પછી. જે ગુસ્સો થાય છે, એની પાછળ હિંસકભાવ ને તાંતો બે નથી હોતા. એટલે એ છે તે નિર્જરા થતો ગુણ છે. નિર્જરા તો થઈ જશે ને મહીં જે બંધ બંધાયેલો છે એની નિર્જરા ન થાય તો બંધ એમનો એમ જ રહે.

જે ગુરુ-લઘુ તે ન હોય મારું, હું અગુરુ-લઘુ

મારામાં અને આ બધી જગતની વસ્તુમાં ફેર શું છે ? ત્યારે કહે, હું (મારો) અગુરુ-લઘુ સ્વભાવ અને જગતનો બધો ગુરુ-લઘુ સ્વભાવ છે. તેના ઉપરથી અગુરુ-લઘુ શોધખોળ કર. તો કહે છે કે સાહેબ, મને રાગ-દ્વેષ થાય છે. મારે વીતરાગ થવું છે. તો કહે કે રાગ-દ્વેષ ગુરુ-લઘુવાળા છે, વધી પણ જાય અને ઘટી પણ જાય. તું તો સ્વભાવથી જ વીતરાગ છું, અગુરુ-લઘુ સ્વભાવવાળો છું. એટલે જ્ઞાની પુરુષ તને એ દશા લાવી આપે, શુદ્ધાત્મા દશા. પછી કષાય રહે નહીં કશું. કષાયભાવ છોડી દે. પછી એ ભાવ પુદ્ગલના, આત્માના એ ભાવ નથી. આત્મામાં ક્રોધ-માન-માયા-લોભ છે નહીં.

આ ગુરુ-લઘુ અને પેલું અગુરુ-લઘુ. ક્રોધ-માન-માયા-લોભ ગુરુ-લઘુ, એટલે પછી લોક ત્યાં જાણે કે આ મારો ગુણ છે. એટલે એને તરત સમજણ પડે કે ના, આ ગુણ બીજો છે.

કષાયો બધાંય ગુરુ-લઘુ. વધ-ઘટ નથી થતા ? તમે (ક્રોધ) નહીં જોયેલો હોય કોઈ દહાડોય ? ક્રોધ વધે તેને જાણો ?

પ્રશ્નકર્તા : વધેય ખરો ને ઘટેય ખરો, ઠંડો પડે વળી પાછો.

દાદાશ્રી : ઘટી જાય તેનેય જાણો ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : જાણનાર કોણ ? અગુરુ ને અલઘુ !

વીંટીને કાટ ચઢતો હોય, તો સોનાની વીંટીને કાટ કેમ ચઢ્યો ? તો કહે, મહીં બીજી ભેળસેળ છે એટલે. આત્મા અગુરુ-લઘુ સ્વભાવનો છે. ક્રોધ-માન-માયા-લોભ એનો ગુણ નથી. બીજી કોઈ વસ્તુ છે આ. ખોળી કાઢો, કઈ વસ્તુ...

પ્રશ્નકર્તા : અંદર પેસી ગઈ છે ?

દાદાશ્રી : ત્યારે કહે, પૂરણ-ગલનનો સ્વભાવ છે એ. કોનો ?

પ્રશ્નકર્તા : પુદ્ગલનો પૂરણ-ગલનનો સ્વભાવ છે.

દાદાશ્રી : હા, પુદ્ગલ વધી જાય છે, ઘટી જાય છે. મોટું થાય છે, ઘૈડું થાય છે, આમ થાય છે, તેમ થાય છે તે આ બધો પુદ્ગલનો સ્વભાવ છે.

લોક તો પુદ્ગલ પર રાગ કરે છે, પણ મૂઆ જે કરમાવાનું છે તેની ઉપર શું રાગ કરે છે ? રાગ કરવો હોય તો અગુરુ-લઘુ સ્વભાવ ઉપર કરજો.

આત્મા અગુરુ-લઘુ, અન્ચેન્જેબલ સ્વભાવી

આ મન-વચન-કાયા તો વધેય ખરાં, ઘટેય ખરાં પાછાં. પછી ક્રોધ-માન-માયા-લોભ વધે-ઘટે. વધી જાય, પાછા ઘટી જાય. આત્મા તેવો નથી. સેઈમ ડિઝાઈન (એક સરખો રહે), વધે-ઘટેય નહીં પાછો, હલકો થાય નહીં, વજનદાર થાય નહીં, તેનો તે જ. અનંત અવતાર થયા, ભટક્યો તોય પણ એમાં ફેરફાર ના થાય. અગુરુ-લઘુ સ્વભાવ. સહેજ પણ વધે નહીં, ઘટે નહીં, એમાં કોઈ ચેન્જ (ફેરફાર) ના થાય. ગમે તેવા કાળ બદલાય પણ ચેન્જ ના થાય અને આ જે ચેન્જ થાય છે એ જ માયા છે, એ બધું પુદ્ગલ છે.

ઘટે, વધે, ભારે થાય, હલકું થાય, પાતળું થાય, જાડું થાય એ બધું પુદ્ગલ છે અને આત્મા અગુરુ-લઘુ સ્વભાવનો છે. શું એનો સરસ સ્વભાવ ! પરમાત્મા ! આ દેહ ના હોય તો આખા જગત, આખા લોકમાં પ્રકાશ પડે એટલા તો પ્રકાશવાળા છે ! આ દેહને લઈને અંતરાઈ રહ્યા છે.

ગુરુ-લઘુ સંયોગોને જુદા ‘જોયા’ કે છૂટ્યા

એટલે આપણે કહ્યું, આ સંસારની સર્વ જંજાળો ગુરુ-લઘુ સ્વભાવવાળી છે, હું અગુરુ-લઘુ સ્વભાવવાળો છું. નિજ ગુણધર્મથી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું.

આત્માનું એકેએક પરિણામ સનાતન છે, શાશ્વતું છે અને આત્મા સિવાયનું બીજું બધું જ ગુરુ-લઘુ સ્વભાવવાળું છે, વિશેષ પરિણામો છે. ફક્ત આપણે જાણી લેવાનું કે આ તો વિશેષ પરિણામો છે ને હું તો શુદ્ધાત્મા છું. જગતના તમામ સંયોગો પૂરણ-ગલનવાળા છે અને મારા સ્વભાવથી હું અગુરુ-લઘુ સ્વભાવવાળો છું.

ક્રોધ-માન-માયા-લોભ એ પુદ્ગલ ભાવ છે. એ વધે-ઘટે ને આત્માનો સ્વભાવ વધે નહીં, ઘટે નહીં એવો અગુરુ-લઘુ સ્વભાવ છે. એટલે ક્રોધ-માન-માયા-લોભ થાય એને ‘આપણે’ ‘જોયા’ કરવાના કે ‘ઓહોહો ! આ વધ્યો, આ ઘટ્યો !’ એટલે ‘આપણે’ છૂટા રહ્યા. પછી ‘આપણે’ જોખમદાર નહીં. પુદ્ગલભાવમાં ભળ્યા એટલે તમારી જોખમદારી, તમે સહી કરી આપી અને સહી ના કરી આપી, ભળ્યા નહીં એટલે છૂટ્યા, એવું ભગવાન કહે છે.

‘હું અગુરુ-લઘુ સ્વભાવવાળો છું’ એવું લઘુ-ગુરુવાળા સંયોગોમાં પણ (આપણને) યથાર્થ રહેવું જોઈએ. બાહ્ય સંજોગોથી શિથિલતામાં ના જ રહેવું ઘટે. સંયોગોમાં શિથિલ થઈ જાય છે આ તો.

એટલે જેવું થાય એવું આપણે જોયા કરવું, કે ચંદુભાઈની શી દશા થાય છે એ આપણે જોયા કરવાનું. વધઘટ, વધઘટ, ગુરુ-લઘુ કહ્યુંને ? ગુરુ લઘુ નહીં ? આ અગુરુ-લઘુ સ્વભાવનું તો હોય નહીં, એટલે વધઘટ થયા કરે.

રાગ-દ્વેષના કારણોમાંય ‘હું’ અગુરુ-લઘુ સ્વભાવવાળો

શુદ્ધાત્મા વીતરાગ છે અને અગુરુ-લઘુ સ્વભાવના છે. અને રાગ-દ્વેષ ગુરુ-લઘુ સ્વભાવના છે. વધે-ઘટે, પણ હવે રાગ-દ્વેષ હોય નહીં. હવે એવા જે ભાવ આવે એ તો નિકાલી ભાવ હોય છે.

એમાં રાગ-દ્વેષ ના હોવા જોઈએ. પેલા દ્વેષના કારણ સેવે તોય આપણને દ્વેષ ના હોય. પેલા રાગના કારણો સેવે તોય આપણને રાગ ઉત્પન્ન ના થાય. રાગ-દ્વેષ રહિત થવું એ જ ધર્મ. આપણને એ રાગ-દ્વેષ નથી થતા અને આ લોકોને રાગ-દ્વેષ થાય છે. આપણે કહીએ કે રાગ-દ્વેષ એ ગુરુ-લઘુ સ્વભાવના છે અને હું તો અગુરુ-લઘુ સ્વભાવવાળો વીતરાગ જ છું. એટલે રાગ-દ્વેષનેય છૂટા પાડી દીધા છે. પછી તો હોય જ નહીંને ! સાયન્સમાં કશું હોય જ નહીંને ! રાગ-દ્વેષ ના હોય. આ ‘હું ચંદુભાઈ છું’ એ જ રાગ હોય છે ને, એ જો ઊડ્યું તો બધું ગયું. એ શ્રદ્ધા હતી ને, તે જ રાગ હતો. આમ શ્રદ્ધાથી પછી રાગ રહિત થયો પોતે, ફાઈલોના હવે નિકાલ કરવાના બાકી રહ્યા. દહાડે ને દહાડે છૂટતા જાય.

આ દેહના, પ્રકૃતિના કાર્યમાં આત્મા તો છૂટો જ છે. એટલે હવે ભળતો જ નથી એ. પ્રકૃતિ પ્રકૃતિનું કામ કર્યા કરે. એ ડિસ્ચાર્જ થયા કરે.

આ વિજ્ઞાન સમજે તો પછી કાયમ સમાધિ

તમને આત્મા પ્રાપ્ત થયો છે, તે આત્મા પ્રાપ્ત થયા પછી બીજું કશું હોય જ નહીં. ફક્ત નિકાલ જ કરવાનો સમભાવે. કશું જ કરવાનું ના હોય. રાગ-દ્વેષ કશું ના હોય. કારણ કે આત્મા છે તે અગુરુ-લઘુ સ્વભાવનો, રાગ-દ્વેષ ગુરુ-લઘુ સ્વભાવના. રાગ તો વધેય ખરો ને ઘટેય ખરો અને આત્મા વધે-ઘટે નહીં એવો. બે જુદે જુદી વસ્તુને અજ્ઞાની પાછો એક કરી નાખે છે. આ મેં જે આત્મા આપ્યો છે ને, એ અગુરુ-લઘુ સ્વભાવનો છે. એ રાગ-દ્વેષવાળો ન્હોય એ. અને આ છે તે આ કેવળજ્ઞાન હાથમાં આપ્યું છે.

પ્રશ્નકર્તા : અને તે બિલકુલ સરળ ભાષામાં ! જ્યારે એ સમજણ પડી જાય છે ને ત્યારે જલદી ઊતરી જાય છે.

દાદાશ્રી : જલદી ઊતરી જાય. પાછું ભૂલી ના જાય. એ તો રાગે પડી જાય એક વાર સમજી લે તો, તેથી હું કહું છું ને, સમજી જાવ. અહીં આવીને સમજી જાવ કે આ શું છે ! પછી કાયમ સમાધિ રહેશે.

પેલી સમાધિ તો ગુરુ-લઘુવાળી છે, એ રિલેટિવ સમાધિ છે અને આપણી તો સહજ સમાધિ છે. આપણી સમાધિ તો અગુરુ-લઘુ છે.

‘હું અગુરુ-લઘુ’ મંત્રજાપે, રહે સ્વમાં સ્થિર

મન-વચન-કાયાની જે બધી ઘટમાળ અંતરમાં ઊઠે છે તે બધા જ્ઞેય છે, ગુરુ-લઘુ સ્વભાવના છે. તે આપણે કહેતા’તા કે આ મને થાય છે. પણ આપણે તો હવે આત્મા થયા. આત્મા અગુરુ-લઘુ સ્વભાવનો છે. હવે બેનો મેળ પડે જ નહીંને !

હવે જે જે ભાવો અને વિચારો આવે તે નિકાલી બાબત છે. એકુંય ભાવ વિચાર આત્માનો ન્હોય. ઈફેક્ટ (અસર) થાય તો ‘હું અગુરુ-લઘુ સ્વભાવનો છું’ તેમ બોલવું.

જીવ ઉછાળે ચઢે ત્યારે ‘હું અગુરુ-લઘુ સ્વભાવનો છું’ બોલ્યો કે ઉછાળો બંધ. બાધા-પીડા દેહને થાય ત્યારે ‘હું અગુરુ-લઘુ સ્વભાવવાળો છું’ તેમ બોલજો. ‘હું અગુરુ-લઘુ સ્વભાવવાળો છું’ એવું બોલે કે તરત જ પોતાની ગુફામાં પેસી ગયો. ‘અગુરુ-લઘુ સ્વભાવવાળો છું’ એ મોટામાં મોટો મંત્ર છે. આ જગતમાં બધા ડિપ્રેશનની પાછળ ‘અગુરુ-લઘુ સ્વભાવવાળો છું’ એ બોલે, તે ઘડીએ ગમે તેવું ડિપ્રેશન આવ્યું હોય તો બંધ થઈ જાય. કેટલાય લોક, મહીં કલાક-કલાક બોલે છે. જેટલું બોલે એટલો લાભ ઉઠાવે.

અમે તો કહી છૂટીએ. ડૉક્ટરો દવાઓ બધી કહી છૂટે, દવાઓ આપી છૂટે, પછી પેલાને પીવી-ના પીવી હોય એની મરજી. ઘેર જઈને મૂકી રાખે તેને હું શું કરું ?

‘અગુરુ-લઘુ સ્વભાવવાળો’ બોલતા જ, ડિપ્રેશન થાય બંધ

પ્રશ્નકર્તા : કોઈવાર શોક વ્યાપી જાય, એકદમ હતાશા થઈ જાય આમ, નિરાશા થઈ જાય, ગડમથલ થવા માંડે, એ વખતે ‘હું અગુરુ-લઘુ સ્વભાવવાળો એવો શુદ્ધાત્મા છું.’ બોલાય ?

દાદાશ્રી : જો તમને મનમાં બહુ વિચાર આવતા હોયને ખૂબ જ અને મન ગૂંચાયા કરતું હોય, હતાશ કરી નાખે, ડિપ્રેસ કરી નાખે, ઊંચા-નીચા પરિણામો લાવે તેવા પરમાણુઓ, ત્યારે ‘હું અગુરુ-લઘુ સ્વભાવવાળો’ એવા મહીં જાપ ચાલુ કર્યા અને એક-એક ગુંઠાણું કરો તો તો મહીં પાર વગરનું સુખ વર્તે ને મહીં સમતુલા આવી ગઈ. મન છોને મહીં વિચાર કરે. ‘હું અગુરુ-લઘુ સ્વભાવવાળો’ બોલ્યા કે પેલાં બંધ થઈ જાય. બધાને સમતુલા થઈ જાયને ? સાયન્સ છે આ તો. એવું છે ને કે આ અહીં બટન દબાવો એટલે ત્યાં પંખો ચાલે.

બહારના ભાગમાં પરમાણુ ચંચળ થઈ જાય, તે ‘હું અગુરુ-લઘુ સ્વભાવવાળો છું’ એમ બોલીએ તો તેની દવા થઈ ને પછી સ્થિર થવાય.

આત્મગુણોની ભજનાએ થવાય તે રૂપ

આંખો બળતી હોય તેય જોયા કરવું, પગ દુઃખતા હોય તેય જોયા કરવું, બધું જોયા કરવું. ઊંઘ ના આવતી હોય તો બીજા ઉપાય ખરા. તે આપણા આત્માના જે સ્વાભાવિક ગુણધર્મ છે ને, તે એક ગુણ બોલો કે રાગે પડી જાય. ‘હું અગુરુ-લઘુ સ્વભાવવાળો છું.’ પણ અજ્ઞાન દશામાં તો ભોગવ્યે જ છૂટકો. આ જ્ઞાનદશામાં ઉપાય હોય.

તમારો અગુરુ-લઘુ સ્વભાવ છે ને, એવું એક પોણો કલાક ધ્યાન કરોને તો અજાયબી ઉત્પન્ન થાય !

આત્માના જેટલા ગુણો છે તેનો વિચાર કરો, મનન કર્યા કરો તો તે ગુણો તમારામાં ઉત્પન્ન થશે. ગુણો કેળવાય, વ્યક્ત થઈ પ્રગટ થાય.

 

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18