ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18



આપ્તવાણી

શ્રેણી-૧૪ ભાગ-૪

[7]

નિર્લેપ-અલિપ્ત

[7.1]

આત્મા સદા નિર્લેપ જ

પ્રકાશસ્વરૂપ આત્મા નિર્લેપ-અસંગ, શરીરથી

પ્રશ્નકર્તા : આત્મા નિરંતર હોય, નિર્લેપ હોય, તો પછી એને આ શરીરની સાથે કેમ રહેવું પડે છે ?

દાદાશ્રી : હા, છે જ ને નિરંતર. તમારો આત્મા છે તે નિર્લેપ જ છે. બધાનો આત્મા, જીવ માત્રનો આત્મા નિર્લેપ જ છે. અને આ (શરીર) થયું છે તે વૈજ્ઞાનિક અસર છે.

પ્રશ્નકર્તા : તો પછી શરીરને ને આત્માને શું સંબંધ રહે ?

દાદાશ્રી : શરીરને ને આત્માને કોઈ સંબંધ જ નથી. આ દેહમાં આત્મા તદ્દન જુદો જ છે. જેમ પાણીમાં તેલ રેડીએ ને જુદું હોયને, તેવો નિર્લેપ છે. તમે સાધારણ જુઓને, (તમારા) હાથ ઉપર પ્રકાશ પડવા દો, તો એ પ્રકાશ નિર્લેપ રહે છે કે લેપાયમાન થાય છે ? આ દીવાનું અજવાળું છે તે હાથ ઉપર નિર્લેપ થાય છે કે લેપાયમાન થાય છે ?

પ્રશ્નકર્તા : નિર્લેપ, લેપાયમાન નહીં થાય.

દાદાશ્રી : એવી રીતે જ છે આ બધું. આત્મા પ્રકાશસ્વરૂપ જ છે, બીજું કશું છે નહીં. આત્મામાં મિક્ષ્ચરપણું હોય જ નહીં. આત્મા સ્વતંત્ર વસ્તુ ને સ્વાભાવિક વસ્તુ છે.

પ્રશ્નકર્તા : આત્મા કયા પ્રકાશે કરીને એ જોડે ને જોડે રહે છે, પણ એને અડતું નથી ?

દાદાશ્રી : નિર્લેપતા નામના ગુણથી. નિર્લેપતા અને અસંગતા એ બે એના ગુણોને લઈ કશુંય એને લાગે નહીં. બે મોટા ગુણો, નિર્લેપતા અને અસંગતા. અસંગતા એટલે અડીને બેસે તોય સંગ નહીં અને નિર્લેપતા એટલે કે ગમે તેવું રૂપાળું-રમણીય દેખાય તો પણ ચોંટે નહીં. બે ગુણો છે પોતાના.

જ્ઞાનીના વિજ્ઞાનથી રહેવાય જળકમળવત્ સંસારે

પ્રશ્નકર્તા : સંસારમાં રહીને, સંસારની ફરજો બજાવતા બજાવતા પણ નિર્લેપતાથી, અસંગતાથી કેવી રીતે રહી શકાય ?

દાદાશ્રી : એ જ, (જ્ઞાન) જ્ઞાની પુરુષની પાસે હોયને ! જ્ઞાની પુરુષની પાસે વિજ્ઞાન એવું હોય, તે વિજ્ઞાનથી થઈ શકે. પછી એનાથી સંસારનુંય થઈ શકે અને આત્માનુંય થઈ શકે.

હું તમારી સાથે વાતચીત કરી શકું છું, એટલે સંસારમાંય રહી શકું છું અને હું મારા પોતાનામાંયે રહી શકું છું, બેઉ કરી શકું છું. આ સંસારની ક્રિયાઓ બધી કરું છું, બધું કરું છું, એય કરું છું ને તેય કરું છું, સંસારમાંયે રહેવાય ને (આત્મામાંય) રહેવાય. જ્ઞાની પુરુષની પાસે બધું વિજ્ઞાન હોય. શાસ્ત્રમાં ના હોય એ. શાસ્ત્રમાં તો છોડ્યે જ છૂટકો થાય.

આવા લોક ભેગું રહેવું ને દહાડા કાઢવા અને કર્મ બંધાય નહીં એવી રીતે રહેવું, તે શી રીતે રહેવું ? તે બધી વિદ્યા હું શીખવાડી દઈશ. લેપાયમાન થાય નહીં, સંગી થાય નહીં એવી વિદ્યા બતાવી દઈશ. નહીં તો આ જગત તો લેપાયમાન જ છે. જેમ કમળ પાણીમાં હોય અને નિર્લેપ રહે છે ને, તેવી રીતે નિર્લેપતા તમને બતાવી દઈશ.

એટલે આત્મા જાણવાનો ક્યાં હોય ? ‘જ્ઞાની પુરુષ’ પાસે. આ શાસ્ત્રના જ્ઞાનીઓ પાસે આત્મા ના હોય. જો આત્મા પ્રાપ્ત થયો હોય તો સમકિત એમને થયેલું હોય અને સમકિત એટલે આ સંસારમાં રહીએ છતાં સંસાર અડે નહીં.

જ્ઞાનીકૃપાથી બદલાય દર્શન, બેસે પ્રતીતિ

પ્રશ્નકર્તા : સામાન્ય માણસ પણ સહેલાઈથી અલિપ્ત રીતે રહી શકે જો જ્ઞાની મળે તો ?

દાદાશ્રી : તે જ્ઞાની પુરુષની કૃપાથી બધું થઈ શકે. કૃપા પ્રાપ્ત કરવી જોઈએ ને કૃપાપાત્ર પ્રાપ્ત થઈ જાય, પછી સંસારમાં સારી રીતે આમ તમારા છોડીઓ-છોકરાંઓ પૈણાવો પણ તમે લેપાયમાન ના થાવો એવું આ વિજ્ઞાન છે. આ કંઈ ધર્મ નથી, આ તો વિજ્ઞાન છે.

‘જ્ઞાની પુરુષ’ શું કરે ? કે કાયમની સમાધિ રહે એવું નિર્લેપ જ્ઞાન આપે. એ જ્ઞાન એટલે તો પ્રતીતિ જ બેસી જાય. પહેલી પ્રતીતિ થઈ ગઈ પછી જ લક્ષ બેસે, નહીં તો લક્ષ બેસે નહીં. પ્રતીતિ મુખ્ય કારણ. એટલે ભગવાને કહેલું સમ્યક્ દર્શન મુખ્ય કારણ છે. પછી ચારિત્રનું શું ? ત્યારે કહે, સમ્યક્ દર્શન ચારિત્રને લાવશે. તું તારી મેળે સમ્યક્ દર્શન કરી લે. સમ્યક્ દર્શન ચારિત્રને બોલાવી લાવશે. ક્રમિક માર્ગ શું કહે છે ? પહેલું જ્ઞાન, દર્શન ને પછી ચારિત્ર. આપણે શું કહીએ છીએ ? દર્શન, જ્ઞાન ને ચારિત્ર.

જ્ઞાનવિધિમાં આ શબ્દો બોલવાથી જ થતો જાય નિર્લેપ

શુદ્ધાત્માને તો જ્ઞાની પુરુષ એકલાએ જ જોયેલો હોય, શુદ્ધાત્મા શું છે એ. બાકી આ દર્શન એટલે પ્રતીતિ થઈ ગયા પછી આગળનો ભાગ લક્ષ બેસે એટલે જાય નહીં. એ શ્રદ્ધા તૂટે નહીં પછી. પછી આગળ જેમ જેમ અનુભવ થતો જાય, પછી એનો અમુક નોર્મલ અનુભવથી ઉપર જાય ત્યારે એને પોતાને પોતાનું સ્વરૂપ કેવું છે તે દેખાય. તે અબંધ સ્વરૂપ છે, ક્યારેય બંધાયેલું નથી.

હું જે જ્ઞાનવિધિ કરાવું છું ને, એનાથી પહેલું દર્શન બદલાય છે. એ શું છે ? એ બધું વિભાજન થાય છે, તે ઘડીએ કર્મો (પાપો) ભસ્મીભૂત થાય છે અને અંદર જુદું પડી જાય છે, ભ્રાંતિરસથી ચોંટેલું. તે તમે મારા શબ્દ બોલો એટલે આમાં મહીં આવે છે ને એ શબ્દો, ‘તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ છું.’

પ્રશ્નકર્તા : હા, ભાવોથી સર્વથા હું નિર્લેપ છું.

દાદાશ્રી : એટલે પછી એ પોતે (નિર્લેપ) થતો જાય. મહીં જેટલું બોલતો હોય તેમ થતો જાય. પછી ઘેર જઈને ગાયે (બોલે) કશું વળે નહીં. અહીં વિધિ કર્યા પછી થાય, નહીં તો એમ ને એમ બોલેને બધું, કશું વળે નહીં. અહીં એ (અમારી હાજરી) હોયને !

પ્રશ્નકર્તા : દાદા, પણ જ્યારે વાક્યો નીકળે છે ત્યારે આશ્ચર્ય થાય છે કે ક્યાંથી આ નીકળ્યું ?

દાદાશ્રી : એ જે અમે જોયો છે, જાણ્યો છે અને અનુભવમાં છે, એ કેવળજ્ઞાન સ્વરૂપ આત્મા છે. તેથી આ વાક્યો નીકળે છે. તમામ લેપાયમાન ભાવોથી સર્વથા નિર્લેપ જ છું.

પ્રશ્નકર્તા : એ વિજ્ઞાન, આપે કીધુંને !

દાદાશ્રી : હા, વિજ્ઞાન એટલે એનો એક અંશથી માંડીને સર્વાંશ સુધીનો હિસાબ જોઈએ. વચ્ચેથી કાપી લઈએ એ ભાગ ના ચાલે. અને સિદ્ધાંત અધૂરો ના હોય, સિદ્ધાંત પૂરો જ હોય.

એક જરાય દેહાધ્યાસની રુચિ આથમેલી હોતી નથી છતાંય હું પ્રતીતિ બેસાડું ત્યાર પછી પેલી રુચિ તરત આથમી જ જાય.

ભ્રાંતિથી ભાસે તન્મયાકાર, જાણ્યું જો એને તો છૂટો

પ્રશ્નકર્તા : દાદા, જ્ઞાન લીધા પછી જે સંયોગો આવે તે સંયોગોમાં તન્મયાકાર તો થઈ જવાય છે, નિર્લેપ નથી રહેવાતું.

દાદાશ્રી : તન્મયાકાર થઈ જાય છે તેય તું નથી, શુદ્ધાત્મા નથી. શુદ્ધાત્મા તન્મયાકાર થઈ શકે જ નહીં. તેય તું નથી, એ તારી ભ્રમ માન્યતા છે. તે માન્યતાને લીધે તન્મયાકાર થઈ જાય છે. તેને જાણ કે તન્મયાકાર કેવી રીતે, કેટલો થયો છે. આ એકદમ તન્મયાકાર થઈ ગયો છે કે થોડો થોડો કાચોપોચો કે અત્યારે સંપૂર્ણ એડજસ્ટ થઈ ગયો છે, એ બધું જાણ, કહે છે. જાણ્યું કે તું છૂટ્યો.

કેટલાક કરાળ સંજોગો હોય છે અને કેટલાક વિકરાળ સંજોગો છે. પ્રત્યેક સંજોગ નિર્લેપ કરવા જ આવે છે. બહારના એ સંજોગોની અસરો થવાની બંધ થતી જાય એમ નિર્લેપ થતા જવાય. સત્સંગનો પરિચય વધતો જશે એટલે પોતે પોતાના પદમાં જ રહેશે, પારકી ટપાલો સ્વીકારશે નહીં. જેની ટપાલ હોય તે સ્વીકારે.

નિર્લેપ વ્યવહારે પ્રગટે આનંદ

‘જ્ઞાની પુરુષ’નો નિર્લેપ વ્યવહાર હોય. તેમની પાસે જઈએ તો આપણો ઉકેલ આવે. એ દેખાડે કે આ ‘કરેક્ટ’ છે ને આ ‘ઈન્કરેક્ટ’ છે.

‘નિર્લેપ વ્યવહાર’ એટલે શું કે કોઈ વસ્તુ સારી દેખી, તેને જોઈને આનંદ પામવાનું. પણ ત્યાં ચીટકી નહીં રહેવાનું, આગળ ચાલવાનું. તો બાવળ પણ સારો લાગે ને ગુલાબ પણ સારું લાગે. પણ જગત ત્યાં ચીટકી પડે છે. ચીટકી પડે છે એ જ દુઃખ છે !

આ કુદરતને ઘેર તો નિશ્ચયમાં દુઃખ નથી ને વ્યવહારમાંય દુઃખ નથી. આખા જગતને આ સમજણ નહીં પડવાથી વ્યવહાર દુઃખદાયી થઈ પડ્યો છે. વ્યવહાર એને આવડતો નથી. વ્યવહાર નિર્લેપ જોઈએ. નિર્લેપ વ્યવહાર પછી આનંદનો પાર નથી રહેતો !

જ્ઞાની કરે ડ્રામા, બહાર ભળે બધે ને મહીં રહે નિર્લેપ

પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષનો નિર્લેપ વ્યવહાર હોય એ વિશે સમજાવશો.

દાદાશ્રી : જ્ઞાની પુરુષને ચેતન પરિણામ અને અનાત્મા પરિણામ, એ બન્ને ધારાઓ જુદી જુદી વહે છે. એમને કોઈ નુકસાનકર્તા વસ્તુ હોતી નથી, કારણ કે નિર્લેપભાવ ઉત્પન્ન થઈ ગયેલો છે, અસંગભાવ ઉત્પન્ન થઈ ગયેલો છે. એક ક્ષણ પણ સંગ હોય નહીં. એક ક્ષણ પણ લેપાયમાન ના થાય. કોઈ પણ ચીજ કરે તોય લેપાયમાન ના થાય એનું નામ જ્ઞાની, નહીં તો પછી બીજા અજ્ઞાની બધા.

ખરા જ્ઞાની તે બધું નાટક કરે. સંસારીઓ હઉ એવું નાટક ન ભજવે એવું સુંદર નાટક ભજવે પણ નાટક, ડ્રામા. ખરા જ્ઞાની કેવા નાટક કરે ?

પ્રશ્નકર્તા : નિર્લેપ રીતે બધો ડ્રામા કર્યા કરે.

દાદાશ્રી : હા, નિર્લેપ રીતે.

પ્રશ્નકર્તા : દાદા, એ નિર્લેપ એટલે જ્ઞાતા-દ્રષ્ટાથી આપ જોયા કરો છો બધું ?

દાદાશ્રી : ના, એ જ્ઞાતા-દ્રષ્ટાય નહીં. એવું તો સામાને ખૂંચે એ તો. હું તમારા બધામાં ભળતો રહું છું અને અંદર નિર્લેપ રહું છું. એટલે બોજા ના વધે. અંદર નિર્લેપ રહી અને બધાની સાથે હસવા-બસવાનું બધી રીતે, તમને એમ જ લાગે કે આ મારી જોડે (સરસ) જ વર્તે છે.

પ્રશ્નકર્તા : એ દાદા, ભૂલું પડી જવાય એવું છે. તદાકાર થાવ છો પણ તન્મયાકાર નથી થતા !

દાદાશ્રી : તન્મયાકાર નહીં, એટલે જુદા, નિર્લેપ. તદાકાર ને તન્મયાકાર બે વસ્તુ જુદી છે, પણ આ તો નિર્લેપભાવે બધું છે. કારણ કે નહીં તો તમને અસંતોષ થાય, હું ધ્યાન ના આપું તો. અસંતોષ થાય એ ભૂલ મારી ગણાય. જવાબદારી છે ને !

પ્રશ્નકર્તા : કુદરતી છે તે એમની એમ રહે, પણ જે બીજી મનોવૈજ્ઞાનિક ડખલો નીકળે છે, તે જ્ઞાનીને પણ દુનિયા જુદી હોય ?

દાદાશ્રી : ના, એટલે એ એમાં હોય જ નહીંને ! સ્પર્શે જ નહીંને પછી. આની આ જ દુનિયા પણ સ્પર્શે નહીં અને પેલાને સ્પર્શ્યા કરે બધું. પેલો લેપાયમાન થયા કરે અને પેલા જ્ઞાની નિર્લેપ જ રહે.

‘જ્ઞાની’ અસરોથી મુક્ત, રહે સદા અલિપ્ત

આત્મા અન્ઈફેક્ટિવ છે છતાંય ઈફ્ેક્ટિવ થાય તોય પણ પોતે અન્ઈફેક્ટિવ રહે તે જ્ઞાની છે. પણ અન્ઈફેક્ટિવને ઈફેક્ટ ન થાય, તે સંપૂર્ણ જ્ઞાની. મને સંસારનો ભાવ આવે જ નહીં. પણ ક્યારેક તે ભાવ લાવવા માટે મારે પ્રયત્ન કરવો પડે. બીજાઓને સહેજે સંસાર આવીને ઊભો રહે છે. જ્ઞાનીઓને વિષયો (સંસારની ભૌતિક ચીજવસ્તુઓ) તેની ઉપર પડે છે, તે વિષયો ખોળે નહીં. તેમની ઉપર વિષયો (સામેથી) આવીને પડે, સહજભાવે વિષયો આવે. પ્રયત્ન કરવો પડે તો તે સંપૂર્ણ જ્ઞાનીની નિશાની નથી.

પ્રશ્નકર્તા : આ અલિપ્તતા જે છે, જુદા દેખાય છે એ જે છે, એ અલિપ્તતા દર્શન સુધીની છે કે ચારિત્રની સ્થિરતા સુધીની છે ?

દાદાશ્રી : ચારિત્રની સ્થિરતા સુધી. જ્ઞાની પુરુષ જ્યાં બેઠા હોય ત્યાં નિર્ભય સ્થાન હોય. જે પુરુષ સંસારમાં રહેવા છતાં સંસારથી અલિપ્ત છે, તેઓ અર્ધસંસારી. બાકીના બધા જ સંસારી. સિદ્ધગતિ એકલી જ અસંસારી છે.

v v v v v

[7.2]

લેપાયમાન ભાવો

નિર્લેપને લેપી નાખે તે બધા લેપાયમાન ભાવો

જ્ઞાન મળ્યા પછી આપણે શું કહીએ છીએ કે મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવોમાં હું સર્વથા નિર્લેપ જ છું.

પ્રશ્નકર્તા : દાદા, આ લેપાયમાન ભાવો એટલે શું ?

દાદાશ્રી : લેપાયમાન ભાવો એટલે મનમાં જેટલા વિચાર આવે છે, ચિત્ત ભટક ભટક કરે છે, બુદ્ધિ ડખો કરે છે, એ બધી જે છે તે ભાંજગડો છે. મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકારના ભાવો તમને જે આવે તે. તરંગો-બરંગો બધુંય આવે એ બધા લેપાયમાન ભાવો છે. એ નિર્જીવ ભાવો છે, સહેજેય સજીવ નથી.

મનના ભાવ આવે છે તે, વાણીના ભાવ આવે છે તે, કાયાના ભાવ આવે છે તે બધા લેપાયમાન ભાવ છે. એ આપણને લેપી નાખે, નિર્લેપને લેપી નાખે એવા છે. લેપાયમાન કરે તેવા છે પણ જ્ઞાનીએ નિર્લેપ બનાવ્યા એટલે લેપાયમાન થાય જ નહીં.

જે ભાવો લેપ ચઢાવે, તે મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવોથી હું નિર્લેપ જ છું. એટલે એ લેપાયમાન ભાવો આપણને અડે નહીં. એ ઘડીમાં આમ કહે ને ઘડીમાં આમ કહે. તે બધા લેપાયમાન ભાવો ઊભા કરે. તે બધા જ્ઞેય છે અને તમે જ્ઞાતા છો. તમે જ્ઞાતા-દ્રષ્ટા છો. આટલું બે જુદું છે, તેને તમે એકાકાર થઈ જાવ એટલે પછી ઊલટાંનું બગડી જાય.

શુદ્ધાત્મા લેપાયમાન ના થાય, વિચારો-કષાયો થકી

પ્રશ્નકર્તા : હું ઘણા વખતથી અહીં સત્સંગમાં આવું છું પણ આત્મામાં બરોબર મન સ્થિર રહેતું નથી, મારું મન બીજા વિચારોમાં બહુ ભટકે છે.

દાદાશ્રી : વિચારો તો હજુ આવવા જોઈએ, વધારે આવવા જોઈએ. એટલે મહીં ખાલી થઈ જાય. મહીં ભરેલા છે તે નીકળી જવા જોઈએ ને ? વિચારોનો તમને શું વાંધો ?

પ્રશ્નકર્તા : એમ નહીં પણ એ ઘડીએ એમાં લેપાયમાન થવાય છે. લેપાયમાન થાય તો શું કરવું ?

દાદાશ્રી : આપણે ના થવું હોય તો કોણ કરનાર છે ? એને જોવાના છે, વિચારોને. આત્મા પ્રાપ્ત થયો એની નિશાની શું ? તો કહે, આ જુએ, શું વિચાર આવે છે તે. ખરાબ વિચાર, સારા વિચાર એ બધાને જુએ, એનું નામ આત્મા પ્રાપ્ત થયો કહેવાય. હવે મન સ્થિર ના રહે કે કૂદે તોય જોયા કરવાનું. હવે તારે મનની જોડે સંબંધ ના રહ્યો. તું જ્ઞાતા-દ્રષ્ટા થયો અને મન છે તો જ્ઞેય થઈ ગયું. મન જુદું અને તું જુદો. હવે મન ગમે તેમ કૂદાકૂદ કરે, આપણે શું ? આપણે જોયા કરવાનું. એવું જોતા ફાવતું નથી ?

પ્રશ્નકર્તા : એ હજી જોવાની શક્તિ ઉત્પન્ન થઈ નથી.

દાદાશ્રી : ના, પણ આ પ્રમાણે કરો તો જ થાય એ બધું. એ વિચારો તો, જે માલ ભરેલો છે નીકળ્યા વગર રહે નહીં.

પ્રશ્નકર્તા : પ્રયત્ન કરું છું.

દાદાશ્રી : પ્રયત્ન કરવાના ના હોય. આ તો સમજી લીધેલું જરૂરી છે. આનો પ્રયત્ન કરનાર કોણ ? ચંદુભાઈ પ્રયત્ન કરે. તમે ચંદુભાઈ ન્હોય, તમે તો શુદ્ધાત્મા, તમારે પ્રયત્ન કરવાનું હોય નહીંને !

પૂર્વે પૂરણ થયેલા ભાવો, આજે ગલન થતા સોંપવા દાદાને

અક્રમ જ્ઞાન શું કહે છે ? કે એ (જે સંયોગ આવે છે તે) આપણું જ્ઞાન મજબૂત કરવા આવે છે. ના ગમતો મહેમાન આવે તો એમ થાય કે આ ક્યાં આવ્યો ! આ જે ભાવ થાય તે લેપાયમાન ભાવ છે. આખુંય જગત લેપાયમાન ભાવમાં રહે છે. આપણને એ ભાવ આવે પણ તે એને આપણે તરત જ ઓળખી જઈએ.

હવે લેપાયમાન ભાવો તો જાતજાતના આવે. લેપાયમાન ભાવોને કહે છે કે ‘દાદા, મને આવો કેમ વિચાર આવે ?’ અલ્યા મૂઆ, એ તો લેપાયમાન ભાવ છે, તારો ભાવ નથી એ. એ લેપાયમાન એટલે પૂરણ થયેલા તે ભાવો છે.

લેપાયમાન ભાવો આવે પણ તે છે તો આવે છે, તમોને કશું જ અડે નહીં. મને લેપાયમાન ભાવ ન આવે, તમોને આવે એટલો જ ફેર. તમોને લેપાયમાન ભાવ બહુ પજવતા હોય તો મારું નામ દઈ દેવું. કહેવું કે દાદાને કહી દઈશ તો તે જતા રહે.

પ્રશ્નકર્તા : બસ દાદા, અમે તો તમારા માથે નાખીશું.

દાદાશ્રી : બસ બસ બસ. એ કાગળિયું અમારા નામ પર લખી રાખવું. ઉધારી લઈ લઈશું અમે ! ત્યારે શું ? દાદાને માથે બધું નાખવાનું. નાખોને બધાય, જેટલું નખાય એટલું નાખો. પણ આપણે જે ગામ જવું છે, ત્યાં ચાલો. એ ચૂકશો નહીં. કોઈ અવળ-હવળ બોલાશે, તો અમે સમજી જઈશું કે એને દસ વરસ પહેલા પૂરેલું, આજે એને બિચારાને શું ? જ્ઞાન થતા પહેલા પૂરેલું અને ગલન અત્યારે થાય છે. આ મરડો એ આજનું ગલન છે.

લેપાયમાન ભાવોમાં જ્ઞાતા-દ્રષ્ટા રહે, ઉપજે સંયમ પરિણામ

પ્રશ્નકર્તા : દાદા, અમને શરીરમાં વેદના થતી હોય તો પછી આ સામાયિક કરવાનું મન ના થાય, ચરણવિધિ કરવાનું મન ના થાય, તો શું ?

દાદાશ્રી : એ ના થાય એનો વાંધો નહીં. વેદના થાય એ જોયા કરીએ એમાં બધું આવી ગયું. ચરણવિધિ, સામાયિક બધું આવી ગયું.

પ્રશ્નકર્તા : દાદા, સ્વભાવ પછી ચીડિયો થઈ જાય.

દાદાશ્રી : કોનો સ્વભાવ ચીડિયો થઈ જાય ? ચીડિયો થાય તેય આપણે જોયા કરવાનું. જો ચીડિયો થયોને, કહીએ.

પ્રશ્નકર્તા : કોઈ કશું બોલેને તો આમ સહન ના થાય.

દાદાશ્રી : કોને સહન ના થાય પણ ? સહન ના થાય તેને જોવાનું આપણે. કઈ જાતનું બોલે છે ?

પ્રશ્નકર્તા : એટલે હું શું કહેવા માગું છું દાદા, કે આ અંદર સળગતું હોય તો એમ થાય કે ફાયદો થવાને બદલે આવું બધું દેખાય છે. આવા બધા પરિણામો આવે છે એટલે કંઈક ભૂલ થાય છે ને ?

દાદાશ્રી : આ જ ભૂલ થઈ રહી છે. આમ થઈને પાછો એનો એ જ થઈ જઉ છું. અંદર સહન ના થાય ને ફલાણું ના થાય ને ચેન ના પડેને પણ શું વાંધો, આત્માને ચેનની જરૂર જ નથી. સહન કરવાનુંય આત્માને હોતું જ નથી. શુદ્ધાત્મા શુદ્ધ જ છે. આવું તેવું બધું કશું છે જ નહીં. આ બધાનો એ જ્ઞાતા-દ્રષ્ટા છે. જે બધું આ થઈ રહ્યું છે તેનો જ્ઞાતા-દ્રષ્ટા છે. આ તો બધા લેપાયમાન ભાવો કહેવાય. એને ખાલી જોવા-જાણવાના જ છે. જોયું-જાણ્યું એટલે સંયમ પરિણામ થયું ને પછી સંયમ ચારિત્ર થાય.

લેપાયમાન ભાવોમાં તપ થતા, રહેવાય જ્ઞાતા-દ્રષ્ટા

પ્રશ્નકર્તા : આત્મા જ્ઞાતા-દ્રષ્ટા રહે છે તો જ્યારે બહારના ભાવો આવે, મહીંના મનના બધા ભાવો આવે, તે વખતે આત્મા કેવી રીતે જ્ઞાતા-દ્રષ્ટા રહે છે ? તે વખતે જ્ઞાતા-દ્રષ્ટાની એની અવસ્થા કેવી હોય ?

દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા એટલે અત્યારે આપણે કંઈક ટેક્ષીમાં જવા તૈયારી કરીએ ને રસ્તામાં કોઈ જગ્યાએ એક્સિડન્ટ થયેલો હોય પછી આપણા મનમાં મહીં ભાવ ઉત્પન્ન થાય, કે આગળ એક્સિડન્ટ થશે તો ? તે આપણે જોયા કરવાનું. એ જે ભાવો ઉત્પન્ન થાયને, એને જોયા કરવાના.

પ્રશ્નકર્તા : પોતાના અંદરના ઊઠેલા ભાવોને એ પોતાના જ્ઞાનમાં જુએ ?

દાદાશ્રી : જ્ઞાનમાં જોયા કરવાના. પછી એ ભાવોમાં તમે હાલી નહીં જાવ. જો તમે જ્ઞાતા-દ્રષ્ટા રહેશો તો તરત જ બીજો ભાવ ઉત્પન્ન થશે, કે પછી ત્યાં આગળ જઈને કઈ હોટલમાં જમવાનું રાખીશું ? અરે મૂઆ, હમણે તો એક્સિડન્ટની વાત કરું છું, ને હમણે પાછી હોટલની વાત કરે છે ? એ મન ડિસ્ચાર્જ થઈ રહ્યું છે, એમાં તમે શા માટે ભડકો છો ? મનના ભાવો ડિસ્ચાર્જ થઈ રહ્યા હોય તેમાં તમારે ભડકવાનું કોઈ કારણ નથી. એ તો ઘડીકમાં સાંઈઠ વર્ષે પરણવાનો ભાવ હઉ આવે. માટે કંઈ વળ્યું એનું ? એને જોયા કરો.

પ્રશ્નકર્તા : દાદા, લેપાયમાન ભાવો જે ઊભા થાય, એને આપણે સહન જ કરવા પડેને ?

દાદાશ્રી : છૂટકો જ નહીંને ! આ તો તપ કરવા સિવાય છૂટકોય નહીં. અમે આજ સુધી તપ કરીએ છીએ. અમે આખો દહાડો તપ જ કરીએ છીએ. છૂટકો નહીં એને, તપ જ કરવું પડેને !

લેપાયમાન ભાવો એ જડ ભાવ, લેપે આખા જગતને

એ લેપાયમાન ભાવો પ્રાકૃતિક ભાવો છે. એ સ્વભાવ ભાવ નથી. લેપાયમાન ભાવો એ જડ ભાવ છે. એ છોને બૂમાબૂમ કરે, એમાં આપણે શું છે ? લેપાયમાન ભાવોએ જ લેપી નાખ્યા છે ને આ લોકોને ! લેપાયમાન ભાવથી જ આ જગત રંગાયું છે ને બધું.

જગત આખું જ એ ભાવમાં ફસાયું છે. એ લેપાયમાન ભાવોમાં એકાકાર થઈ જાય છે, ફસાઈ જાય છે. એ એમ જાણે છે કે મને ભાવ આવે છે આ. લેપાયમાન ભાવને પોતાના માને છે. આ બધા લેપાયમાન ભાવો લેપ કરે. જગતને આ ભાવો લેપે છે. આ જગત શી રીતે ચાલે છે ? લેપાયમાન ભાવથી ચાલે છે.

આખું જગત લેપાયમાન ભાવોમાં જ છે. કહે કે આ મને વિચાર આવે છે. લેપાયમાન ભાવોને મને જ આવે છે, બીજા કોને આવે કહે છે. તેઓ વિજ્ઞાનની આ વાત જાણતા જ નથી. એટલે અમે ખુલ્લું કર્યું આ તમામ લેપાયમાન ભાવો એ પુદ્ગલ ભાવ છે, અને પાછા કહીએ છીએ ખરા કે ભઈ, એ પ્રાકૃતિક ભાવો છે, જડ ભાવો છે, એ ચેતન ભાવો નથી. એ પુદ્ગલના ભાવો એને ચેતન ભાવ માને છે. તેથી કહે છે ને, જડ અને ચૈતન્ય બન્નેના સ્વભાવ ભિન્ન છે.

લેપાયમાનની રાશિ જુદી છતાં ચોંટે આખા જગતને

પ્રશ્નકર્તા : ખાલી એક પોતે એટલું જોઈ લેને, ‘હું શુદ્ધ છું’ આમ. આ વિચાર એ જડ ભાવ છે, હું એનાથી જુદો છું.

દાદાશ્રી : હા, એને કહીએ, ‘તમારી રાશિ જુદી, મારી રાશિ જુદી. તમારે ને મારે શું લેવાદેવા (તમે) અહીં આવ્યા તે ?’ એ જડ છે ને આપણે ચેતન. એમાં આપણે લેવાય શું જવાનું ? આપણી જાતિનું હોય તો આપણે હજી જરા સાંભળવું પડે. તેથી જ અમે કહીએ છીએને, મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ જ છું. કારણ કે એ પુદ્ગલ ભાવો છે, એ ચેતન ભાવો નથી. અને આપણે ચેતન ભાવો છીએ. બેને મેળ જ નથીને !

આ મારી સાસુ છે, આ મારા મામા છે, આ ફુવા છે, નફો થયો, ખોટ ખાધી, આજે આમ કરવું, તેમ કરવું છે ને ફલાણું કરવું છે, એ બધાય લેપાયમાન ભાવો એ પુદ્ગલ ભાવો છે. તેને પોતે માને કે મને લેપ ચડી ગયો, ચોંટી ગયા. ચોંટી જાય એવા છે, જગત આખાને ચોંટી ગયા છે પણ તમને જ્ઞાન મળ્યું એટલે તમને ચોંટે એવા નથી, કહે છે.

લેપાયમાન થનારને જાણે એ દ્રષ્ટા ખુદ પોતે જ

પ્રશ્નકર્તા : દાદા, તમે કહો છો કે આ જ્ઞાન આપ્યા પછી નિર્લેપ થઈ ગયા અને છતાં અમને તો હજુ એવા નિર્લેપ થયા દેખાતા નથી. અમને એવું દેખાય છે કે આ લેપાયમાન થઈ ગયા. પછી પાછા જુદા પડ્યા, પાછા લેપાયમાન થયા, એવું જે અમને ભાન થાય છે તે કેમ થાય છે ? આના જેવો જ એ ભાવ...

દાદાશ્રી : તમે પોતે લેપાયમાન થઈ જાવ છો એવું ભાન થાય છે ?

પ્રશ્નકર્તા : હા, કોઈ વસ્તુમાં પાછા તન્મયાકાર, લેપાયમાન પૂરા થઈ જાય એવું જ થાય.

દાદાશ્રી : એ ભાન આત્મભાન નથી. આત્મભાન તો ક્યારેય લેપાયમાન ના થાય, એનું નામ આત્મભાન કહેવાય. માટે આપણે કહેવાનું કે આ જગા આપણી ન્હોય. આપણી જગા આવી વેરાન નથી, આપણી તો જાયજેન્ટિક પ્લેસ (વિશાળ જગ્યા) છે. આપણે આ વેરાન જગ્યામાં ક્યાંથી હોય ? આ હોટેલ આપણી નથી એવું ખબર ના પડે ? કઈ નાતના છીએ એ હિસાબે આપણી હોટેલ ખબર ના પડે ? સુગંધ ઉપરથી સમજી જાય કે અહીં કંઈ બિરયાની મળે છે. એટલે આપણે એ હોટેલને સમજી જઈએ. એવું આ તન્મયાકાર થાય એ ભાવ આપણો નહીં. એટલે તન્મયાકાર કેવા પ્રકારે થાય છે, એ જોયા કરવાનું.

પ્રશ્નકર્તા : પણ અમે જ્યારે તન્મયાકાર થઈ જઈએ તેટલો વખત અમને શુદ્ધાત્માપદનું ભાન રહેતું નથીને ? તેટલો વખત તન્મયાકાર કે લેપાયમાન થઈ જઈએ છીએ.

દાદાશ્રી : શાથી નથી રહેતું કે હું તન્મયાકાર થઈ ગયો, એટલે પેલું ભાન ખોવાઈ જાય. કોઈ માણસ અમથો એમ કહે, દારૂ ન પીધો હોય છતાં કહેશે, હા, મેં તો આજ દારૂ પીધો છે, તો એટલો વખત ચડી જાય. એટલે દારૂડિયા જેવા જ લક્ષણ નીકળે, ના પીધો હોય છતાંય.

પ્રશ્નકર્તા : એ સવાલ નથી, પણ કેટલીક વખત એવા લેપાયમાન થઈ જઈએને કે પૂરેપૂરો દારૂ પીધા જેવું દેખાઈયે છીએ એનો સવાલ છે ને ? એટલે અમે જાતને નિર્લેપ કેવી રીતે કહીએ ?

દાદાશ્રી : આપણે સમજી જવું કે આ હોટલ આપણી ન્હોય. એટલે બીજી હોટલ આપણી કઈ છે તે જડશે. દાદાએ કહી છે એ હોટેલમાં આપણે હું નિર્લેપ છું, શુદ્ધ જ છું, મને આ કેમ હોય ? મને આ દેખાય કે દ્રશ્ય ને દ્રષ્ટા એક ના હોય. તન્મયાકાર થયા છીએ એ દ્રશ્ય છે અને દ્રશ્ય પોતે કંઈ સમજી ના શકે કોઈ દહાડો કે હું નહીં, આ તન્મયાકાર થયો છે. એ તો દ્રષ્ટા જ જાણી શકે છે. જાણ્યું કોણે ? ત્યારે કહે, દ્રષ્ટાએ. તોયે પોતાને ખ્યાલ ના આવે, એ કેવી અજાયબી કહેવાય !

‘મારા ન્હોય’ કહેતા જ ભાગે લેપાયમાન ભાવો

મન-વચન-કાયાના લેપાયમાન ભાવો છે ને, તે કૂદાકૂદ કરી મેલે. ‘આ મારું ન્હોય’ એમ કહ્યું કે પેલા બંધ થઈ જાય. એ લેપાયમાન ભાવો છે. એ તો ના આવે એવો કોઈ કાયદો નથી. એ તો આવેય ખરાં. એ તો જીવતા સ્મશાનમાં સૂવાડે, ઉપર લાકડા મેલે તે હઉ દેખે પોતે, એવી આ દુનિયા છે. પણ એવું ગમે તે કરે નાટક, તોય ‘મારું ન્હોય’ એમ કહ્યું કે ચાલ્યું. સ્મશાનેય મારું ન્હોય, આ બાળો છો તેય મારું ન્હોય. કારણ કે મારું ને તમારું, આપણું ને પારકું બે જુદું પાડી આપ્યું છે. એટલે તમારું જે છે એ તમારું છે ને તમારું ન્હોય તે તમારું નથી, એ જુદું પાડી આપેલું છે. આપણે ને તે છૂટા છે અને તેને ગણકારવાનું જ નહીં. મારું સ્વરૂપ જ નહીં કહ્યું, એટલે છૂટા થઈ જાય. એટલે તમારે કહેવાનું આ. કહો કે તરત જ જતા રહે, ભાગી જાય.

‘હું ચંદુ’ તો ભાવો લેપે, જો ‘હું શુદ્ધાત્મા’ તો રહે નિર્લેપ

પ્રશ્નકર્તા : દાદા, દાખલો આપો એક, એ લેપાયમાન ભાવમાં નિર્લેપ એનો.

દાદાશ્રી : આ જે રત્નાગિરિની મોંઘા ભાવની હાફુસ લાવ્યા હોય અને પછી ખાય ત્યારે શું કહે ? બહુ સરસ કેરી હતી આ તો ! હેં. એમ કરતા કરતા અજ્ઞાનતામાં મહીં બીજ પડ્યા કરે, એ લેપાયમાન ભાવ. હવે એ બહુ સરસ કેરી હતી એ બધું વર્ણન કરેને એ બધા ભાવ કેવા હતા કે લેપાયમાન. પણ પોતે ‘હું ચંદુલાલ છું’ એટલે એને લેપાયા જ કરે છે અને ‘હું શુદ્ધાત્મા છું’ તો એને લેપાયમાન નહીં કરે. તેનું તે જ, ભાવો તો તેના તે જ છે.

પ્રશ્નકર્તા : એટલે આમાં શું થયું કે અજ્ઞાનતામાં એને ફરી ઈચ્છા થાય કે પેલી કેરી ફરી મળે તો સારું ?

દાદાશ્રી : હા, ફરી ઈચ્છા થઈ કે બંધાયો.

પ્રશ્નકર્તા : હા, સમજી ગયો. એટલે રસ ઉત્પન્ન થયો અને રસ રહ્યો.

દાદાશ્રી : અને આપણે શું કહ્યું કે ખાવ સારી રીતે, રસ ભોગવો પણ તે પોતે જુદો જ છે. તે પેલો તો ભોગવેય નહીં પૂરો ને મૂઓ આવું બાંધે. એટલે મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ જ છું.

જે ભાવો આખા જગતને લેપાયમાન કરી દે છે, હવે તમને એમ સમજ પડી કે આ લેપાયમાન ભાવો એ મારા ભાવો નથી. એટલે તમે કહો છો કે આ મારે લેવાદેવા નથી. એટલે એ ભાવો તમને નુકસાનકર્તા નથી. પણ પેલો તો એમ જ જાણે છે કે આ ભાવો મને જ આવે છે ને મારા જ છે, એટલે એને લેપાયમાન થાય છે. એને પોતાને બાંધે છે એ ભાવ. (એ પોતે) નિર્લેપ રહી શકે નહીં.

આ મન-વચન-કાયાના ભાવ એટલે શું, કે અહંકાર-બુદ્ધિ બધાના ભેગા થઈને આ ભાવ ઉત્પન્ન થયેલા છે. એટલે એ બધા લેપ કરે એવા છે, લેપાયમાન ભાવો છે. એટલે એ આવરણ કરે એવા છે. મનમાં વિચાર આવે એ મનમાં લેપાયમાન થયા કહેવાય. વાણી બોલે એ વાણીના લેપાયમાન ભાવ કહેવાય અને વર્તન કર્યું, કો’કને ધોલ મારી દીધી એ દેહના લેપાયમાન ભાવ કહેવાય. એ બધા પ્રાકૃત ભાવો છે, જડ ભાવો છે અને એ મારા ભાવો ન્હોય. મારા ચેતન ભાવ.

પ્રશ્નકર્તા : ચેતન ભાવ એટલે શું ?

દાદાશ્રી : ચેતન ભાવ કેવા હોય ? પેલો (ચંદુ) ધોલ મારે, તો ચેતન ભાવ શું કહે ? આવું કરવાની જરૂર નથી. આવું ના હો, એટલે કોઈને દુઃખ ના થાય એ ચેતન ભાવ. બીજું ચંદુના ભાવોને આપણે જોઈએ. ચંદુના લેપાયમાન ભાવ કહેવાય અને તું શુદ્ધાત્મા છે, તે તું એને જુએ એ ચેતન ભાવો, શુદ્ધ ચેતન ભાવ. ચેતન ભાવ એટલે જાણવું-જોવું, જ્ઞાતા-દ્રષ્ટા એ બધું.

‘ઉપકારી’ બોલવાથી, અટકે લેપાયમાન ભાવો

પ્રશ્નકર્તા : દાદા, વાણી બહુ ખરાબ નીકળી જાય છે ?

દાદાશ્રી : હવે મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવો એ ચેતન ભાવો નથી, એ બધા પ્રાકૃતિક ભાવો, જડ ભાવો છે. તે તમારી વાણી નીકળી ગઈ કે આ માણસ નાલાયક છે, તો પેલા જડ ભાવો ઊભા થઈ જાય કે બહુ જ ખરાબ છે. આમ છે ને તેમ છે. એટલે એ પુષ્ટિ આપે બધું. એવું બોલતા બોલાઈ ગયું, તીર વાગી ગયું પણ પેલા ભાવો ઊભા થાય ત્યારે આપણે શું કહેવું પડે ? ઉપકારી છે બધા. તમે કહો કે એ તો આપણા ઉપકારી છે, એટલે બંધ થઈ જાય પછી પુદ્ગલ ભાવો. જેવી તમારી વાણી હોયને, એવા બધા પુદ્ગલ ભાવો. એટલે એ મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવો એટલે લેપાવું ના હોય તોય લેપાયમાન કરી દે. તેથી કહ્યું છે ને, લેપાયમાન ભાવોથી સર્વથા નિર્લેપ જ છું. પણ એ લેપાયમાન ભાવોને ઓળખવા જોઈએ.

તમે કહો કે ‘આ તો ખોટ જાય એવું છે’ એટલે તરત જ લેપાયમાન ભાવો જાતજાતની બૂમો પાડે. આમ થઈ જાય ને આમ થઈ જાય ને આમ થઈ જાય. અલ્યા ભઈ, તમે બેસોને બહાર હમણે. મેં તો કહેતા કહી દીધું પણ તમે શું કરવા ભસ ભસ કરો છો, કહીએ. એટલે (પછી) આપણે કહીએ કે ‘ના, ના, લાભદાયી છે.’ ત્યારે પછી બેસી જાય પાછા.

પ્રશ્નકર્તા : ‘ઉપકારી છે’ એવું બોલવાથી બહુ ફાયદો થઈ જાય ?

દાદાશ્રી : હા, એનાથી બધા ભાવો ઊભા થતા બંધ થઈ જાય મહીં.

પ્રશ્નકર્તા : દ્વંદ્વ ના ઊઠે ?

દાદાશ્રી : ના, એ હઉ બોલવા લાગે, ઉપકારી છે. તમે અત્યાર સુધી ગાળો દેતા હતા ને હવે ઉપકારી બોલો છો ?

પ્રશ્નકર્તા : શક્તિ આવી જાય ને ? ‘ઉપકારી છે’ એવું કહીએ એટલે શક્તિ આવે પછી.

દાદાશ્રી : હા. અને પેલો ભઈ ઉપકારી ના હોયને તોય એને ‘ઉપકારી’ બોલવો. આપણે ‘ઉપકારી’ બોલીએને, એટલે મહીં પુદ્ગલ ભાવો, જે લેપાયમાન ભાવો તે ઉત્પન્ન થતા બંધ થઈ જાય અને આપણે ‘ખરાબ છે’ એમ કહીએ તો લેપાયમાન ભાવો જોશભેર ચાલુ થઈ જાય. એક આમ બોલે ને એક આમ બોલે, એ લેપાયમાન ભાવો છે.

અભિપ્રાય વિરમે, તો શમે લેપાયમાન ભાવોના પડઘા

હવે કોઈ વખત કેવું બને કે કોઈ માણસની જરા ખરાબ વાત કરીએ, તે પહેલા બીજા ભાવ ઊભા થઈ જાય છે મહીં ?

પ્રશ્નકર્તા : દાદા ફરી કહો, એ સમજાયું નહીં.

દાદાશ્રી : આપણે કોઈને આજે ‘નાલાયક’ કહ્યો અને કાલે પછી આપણે સમભાવે નિકાલ કરવા જઈએ તોય મહીં બીજા ભાવ બોલ બોલ કરે કે ?

પ્રશ્નકર્તા : કરે, કરે.

દાદાશ્રી : શું શું બોલે એ ?

પ્રશ્નકર્તા : એ તો છે જ એવો, પણ હવે આપણે જવા દોને, ભાઈ.

દાદાશ્રી : હા, નાલાયક છે, બદમાશ છે, આમ છે, તેમ છે, બધું બોલ બોલ કરશે મહીં. એવું બને કે ના બને ?

પ્રશ્નકર્તા : એવું જ બને છે.

દાદાશ્રી : કોણ બોલતું હશે એ ?

પ્રશ્નકર્તા : એ ખબર નથી.

દાદાશ્રી : આ બધા પડઘા છે અને તે નિર્જીવ છે પાછા. એટલે તમારે સાંભળવાનું નહીં, પણ તે એમને એમ જાય એવાય નથી. એ બૂમો પાડ્યા જ કરશે. એ લેપાયમાન ભાવો વારેઘડીએ જાતજાતના ઊભા થયા જ કરવાના મહીં. એ પણ આપણા અભિપ્રાયને લઈને છે. અભિપ્રાય જો ના હોય તો કશું નહીં. જેના અભિપ્રાય ગયા તેને કશું જ નથી. હજુ પાછલા અભિપ્રાય છે ને આપણા, તે હવે ના ઈચ્છા હોય છતાંય પાછલા અભિપ્રાય તો જાય નહીંને ! માટે અભિપ્રાય આપશો નહીં કોઈના માટે. અને આપો તો સમભાવે નિકાલ કરી નાખજો. હવે બોલતી વખતે તમે એવો શું ઉપાય કરશો, કે એ બેસી જાય ? ત્યારે કહે, તમારે એવું બોલવાનું કે એ તો ઉપકારી છે મારા. તો ટાઢા પડશે, નહીં તો ટાઢા નહીં પડે. તમને ગૂંચવી મારશે મૂઆ.

એટલે તમે એવું બોલશોને, ત્યારે એ બધાય બંધ થઈ જાય. આ તો નવી જાતનું, ઉપકારી કહે છે પાછા. એટલે પાછા ટાઢા થઈ જશે. આ તો બધી દુનિયા એવી છે. મહીં સાવ વગર કામનું. આ તો મહીં કશું જ નહીં. આખું આ આનાથી જ તોફાન ચાલી રહ્યું છે. એ મન-વચન-કાયાના ભાવોથી જ, લેપાયમાન ભાવોથી જ ચાલી રહ્યું છે આ જગત.

પ્રશ્નકર્તા : બહુ જ મોટું હથિયાર આપ્યું આપે આ તો !

દાદાશ્રી : હા, એટલે આ જે હોય તે તમે સમજી જજો. ગભરાશો નહીં, એ છોને આવે. તારે આવવા હોય એટલા આવને, કહીએ.

લેપાયમાન ભાવો લેપે, ને તેમાં નિર્લેપ રાખે તે ઉપયોગ

પ્રશ્નકર્તા : આ પેલા જ્ઞાનના વાક્યો છે જે, લેપાયમાન ભાવોથી નિર્લેપ છું, એ જ્યારે પ્રસંગ વખતે વાપરે ત્યારે એ ઉપયોગમાં જ ગણાય ને ?

દાદાશ્રી : ઉપયોગમાં જ. પર ઉપયોગમાં જતા અટકાવે એ વાક્યો. નહીં તો એને એમ લાગે કે હું લેપાયમાન થઈ ગયો. મને અડ્યું, હું અશુદ્ધ થઈ ગયો, કહેશે.

પ્રશ્નકર્તા : આપણે કોઈ માટે કંઈ અભિપ્રાય બાંધ્યો હોય અને એ માણસ આવીને ઊભો રહે તો અંદર બધા લેપાયમાન ભાવો ઊભા થઈ જાય, તો એ લેપાયમાન ભાવો એ જ બધો પૂંજો-કચરોને ?

દાદાશ્રી : ત્યારે બીજું શું ? એ લેપે. લેપે એ લેપાયમાન ભાવો અને નિર્લેપ રાખે એ આ ઉપયોગ. આ તો બે-ત્રણ મિનિટ રહે. અમે બેઠા છીએ એવો ઉપયોગ કાયમ રહે નહીંને !

પ્રશ્નકર્તા : એટલે મૂળ ઉપયોગમાં કોઈ પણ વસ્તુ રહેવા ના દે, એ બધો જ કચરો ?

દાદાશ્રી : હા, ઉપયોગમાં રહેવા ના દે એ કચરો. રહેવા દે એ કચરો ખલાસ થઈ ગયો છે. આપણે તો સાફેય કરવાનું ના હોય, આપણે તો ‘જોવાનું’ ! અગર જે આવે તે ‘મારું સ્વરૂપ નહીં’ કહ્યું એટલે છૂટા. દુઃખ આવે, સુખ આવે, ક્રોધ આવે, બીજું આવે તોય પણ જે આવે તે ‘મારું સ્વરૂપ ન્હોય’ એવી જાગૃતિ રહેવી જોઈએ.

પ્રકૃતિને જોનાર લેપિત, તેનેય જોનાર નિર્લેપ આત્મા

પ્રશ્નકર્તા : તમે જે કહ્યું કે પ્રકૃતિને જોવાનું તો એ કયો ભાગ જુએ છે પ્રકૃતિને ? પ્રકૃતિના ગુણદોષ જે જુએ છે, તે જોનારો કોણ છે ?

દાદાશ્રી : એ જ પ્રકૃતિ છે.

પ્રશ્નકર્તા : પ્રકૃતિનો કયો ભાગ જુએ છે ?

દાદાશ્રી : એ અહંકારનો, બુદ્ધિનો ભાગ.

પ્રશ્નકર્તા : તો પછી આમાં મૂળ આત્માનું શું કામ છે ?

દાદાશ્રી : મૂળ આત્માને લેવાદેવા નહીંને !

પ્રશ્નકર્તા : મૂળ આત્માનું જોવા-જાણવાનું કઈ રીતનું હોય ?

દાદાશ્રી : (એ તો) નિર્લેપ હોય છે, આ તો લેપિત છે.

પ્રશ્નકર્તા : એટલે સારું-ખોટું જુએ છે, એ લેપિત ભાગ છે ?

દાદાશ્રી : એ બધો લેપિત ભાગ. તેથી એક રસ નિર્દોષતા નથી દેખાતી. અને નિર્લેપ ભાગ એટલે એક રસ નિર્દોષતા.

પ્રશ્નકર્તા : આ બુદ્ધિએ સારું-ખોટું જોયું પ્રકૃતિનું, એ જે જુએ-જાણે છે તે પોતે છે ?

દાદાશ્રી : પ્રકૃતિનો દોષ જુએ, તે પ્રકૃતિ થઈ ગઈ. આત્મા નથી ત્યાં આગળ. આત્મા અવસ્થીને કોઈનો દોષ ના દેખાય.

v v v v v

[7.3]

અસ્પર્શ્ય

ભેગું રહેવા છતાં અસ્પર્શ્ય-ટંકોત્કીર્ણ

આત્મા કેવો છે ? અસ્પર્શ્ય. પ્રકાશને હલાવ હલાવ કરીએ તેમાં એનું કશું બગડી જવાનું છે ? એવો આત્મા અસ્પર્શ્ય છે. અને એ અસ્પર્શ્ય આત્મા જ જાણવા જેવો છે, અસ્પર્શ એટલે કોઈ પણ વસ્તુ એને સ્પર્શ ન કરે ? ત્યારે કહે, ના, કોઈ વસ્તુ સ્પર્શ ના કરે.

આપણે ગાડી લઈને આવતા હોઈએ અને બાન્દ્રાની ખાડી આવે તો ખાડીની આજુબાજુ નર્યો કાદવ ને પાણી ને કીચડ ને ગંદવાડો બધો હોય છે. તે ગાડીની લાઈટમાંથી અજવાળું જાય ત્યાં આગળ, તે એ અજવાળું આમ કાદવને અડે, કીચડને અડે, હવાને અડે તોય એ અજવાળું ગંધાય નહીં. અજવાળાને સ્પર્શ ના થાય કોઈનો. આ તો રૂપકનો દાખલો કહું છું. મૂળ વસ્તુ તો એથીય અલાયદી છે. મૂળ અજવાળું તો ઓર જ જાતનું છે ! આ અજવાળાને જો કશું અડતું નથી, તો પેલા અજવાળાને શું અડે ? અને તે અજવાળું મેં જોયેલું છે, પરમ જ્યોતિસ્વરૂપ !

પ્રશ્નકર્તા : કોઈ વસ્તુ ગંદકીમાં પડેલી હોય પણ એ ગંદકી એને અડે નહીં, એનું નામ ટંકોત્કીર્ણ ?

દાદાશ્રી : ગંદકી અડે નહીં પણ આમ ગંદકીનો સ્પર્શ તો થાય એને, પણ આ તો સ્પર્શેય ના થાય. ભેગું રહેવા છતાં સ્પર્શે નહીં, અસ્પર્શ્ય છે. ત્યારે એ આત્મા કેવો ? ટંકોત્કીર્ણ !

પ્રશ્નકર્તા : એનો અર્થ જળ-કમળ-વત્ ગણાય ?

દાદાશ્રી : ના, જળકમળવતેય નહીં. એ બધા પ્રભાવ પાડે છે એકબીજા ઉપર. આ તો પ્રભાવેય ના પાડે.

સર્વે અવસ્થાઓમાં આત્મા અસ્પર્શ્ય

આત્મા-અનાત્માનો અસ્પર્શ્ય સ્વભાવ છે પણ અનાદિની ભ્રાંતિ છે. માન્યતામાં જ ભૂલ છે કે આ હું છું, એ રોંગ બિલીફ છે. એટલે અવસ્થાઓ બદલાયા જ કરે છે, પણ દરેક અવસ્થાઓમાં મારું જ્ઞાન મેલું થતું નથી. જાનમાં, લગ્નમાં, ઘરમાં, માર્કેટમાં, બહાર બધે અસ્પર્શ્ય સ્વભાવ છે.

આત્મા અસ્પર્શ્ય સ્વભાવવાળો છે. આત્મા રાગેય કરતો નથી છતાં તે અહંકાર કરે છે કે મેં રાગ કર્યો. લોકો જેમ માને છે તેમ જો આત્મા ભોગવતો હોય તો એક જ વખત ભોગવે તો પુદ્ગલ થઈ જાય. આત્મા ક્યારેય વિષય ભોગવતો જ નથી. વિષયથી જુદો છે, બધાથી જુદો જ છે આત્મા. આત્મા કોઈ વસ્તુને સ્પર્શ કરે એવો છે જ નહીં. અસ્પર્શ્ય છે, નિર્લેપ જ છે, એ અસંગ જ છે, કાયમને માટે પણ એ સમજમાં બેસ્યા વગર કામ ના લાગે. એ પૂરેપૂરું સમજી લેવું જોઈએ.

આ તમને જે આજ્ઞા આપી છે, એ આરાધન કરતા કરતા એનું ફળ એ આવીને ઊભું રહેશે. શુદ્ધાત્મા તો થઈ ગયા પણ હવે શુદ્ધાત્મા પછી જે આરાધન આપ્યું એનું ફળ અસ્પર્શ્ય અને નિરાલંબી આત્મા આવશે.

એટલે આપણે શું કહીએ છીએ ‘હું શુદ્ધાત્મા છું’, હું સર્વ પાપોથી નિર્લેપ એવો શુદ્ધાત્મા છું. હું સંપૂર્ણ નિષ્પાપી એવો શુદ્ધાત્મા છું.

પાપ-પુણ્ય મને ક્યારેય સ્પર્શ્યું નથી અને માન્યતાએ કરીને હું અશુદ્ધ હતો, તે હવે હું શુદ્ધાત્મા છું. હું પાપી હતોય નહીં, કોઈ દહાડો પાપ મને વળગ્યુંય નથી, એવો હું છું. જેમ ગામ લક્ષમાં રાખે, કે મારે અમદાવાદ જવાનું છે ને પછી આખા હિન્દુસ્તાનમાં ફરે તોય મારે જવાનું છે અમદાવાદ, એ એના ધ્યાનમાં જ રહે. એ રીતે ‘હું શુદ્ધાત્મા’ એના ધ્યાનમાં જ રહે. અને વિજ્ઞાન પ્રાપ્ત થયું છે. નિરંતર ‘શુદ્ધાત્મા છું’ એવું ભાન છે તમને. કો’કને ગાળ દો છો, તોય પણ તમે શું છો ? તો કહેશે, હું શુદ્ધાત્મા છું. અને ગાળ જેને દે છે તેય શુદ્ધાત્મા છે, એવું તમને લક્ષમાં છે, ધ્યાનમાં છે. ગાળ દે છે એ વ્યવહાર કરે છે, વ્યવહારને છેદે છે.

આત્મજ્ઞાને વિમુખ થાય સંપૂર્ણ પાપકર્મથી

પ્રશ્નકર્તા : દાદા, બીજો એક પ્રશ્ન છે કે દરેક મનુષ્ય કોઈ ને કોઈ પ્રકારે પાપમાં તો પડેલો હોય જ છે. જ્ઞાન લેવાથી જ્ઞાન લેનાર વ્યક્તિ પાપથી ધીરે ધીરે વિમુખ બને ખરી ?

દાદાશ્રી : ધીરે ધીરે નહીં, સંપૂર્ણ પાપથી વિમુખ થાય, કારણ કે પાપ કરનાર અને પોતે બે જુદા થઈ જાય. અને પછી પોતાની નવી શક્તિ વધે નહીં, જે પાપ કરનાર હતો તે ડિઝોલ્વ થયા કરે છે રોજ રોજ. કારણ કે જે અહંકાર હતો તે ઊડી ગયો અને પોતે જુદો પડી ગયો. એટલે પેલું ડિઝોલ્વ થયા કરે છે. એટલે જ્ઞાન જ્ઞાનમાં ભળે છે અને જડ જડમાં ભળે છે. ચેતન ચેતનમાં ભળે છે ને જડ જડમાં ભળે છે, બેઉ જુદા જ પડી જાય છે.

મન-વચન-કાયાનું માલિકીપણું જતા, થાય સંપૂર્ણ નિષ્પાપી

પ્રશ્નકર્તા : આ વનસ્પતિ તોડીએ એમાં પાપ નથી ?

દાદાશ્રી : આ પાપ તો, નર્યું આ જગત જ પાપમય છે. જ્યારે આ દેહનો માલિક નહીં હોય તો જ નિષ્પાપી થાય, નહીં તો આ દેહનો માલિક છે ત્યાં સુધી પાપ જ છે બધા.

શ્વાસ લઈએ તો કેટલાય જીવ મરી જાય ને છોડતાય કેટલાય જીવ મરી જાય ! અમથા આપણે હેંડીએને, તો કેટલાય જીવોને આપણો ધક્કો વાગ્યા કરે છે, આમ દેખાતા નથી એવા જીવોને.

નર્યું પાપ જ છે બધું પણ ‘આ દેહ નથી હું’ એવું જ્યારે ભાન થશે, દેહનું માલિકીપણું નહીં હોય, ત્યારે (પોતે) પાપથી નિષ્પાપ થશે. તે હું આ દેહનો વીસ વર્ષથી માલિક થયો નથી, આ મનનો માલિક નથી, આ વાણીનો માલિક નથી. માલિકી ભાવના દસ્તાવેજ જ ફાડી નાખેલા છે. એટલે એની જવાબદારી જ નહીંને ! એટલે જ્યાં માલિકી ભાવ ત્યાં ગુનો લાગુ થાય. માલિકી ભાવ નથી ત્યાં ગુનો નથી. એટલે અમે તો સંપૂર્ણ અહિંસક કહેવાઈએ. કારણ કે આત્મામાં જ રહીએ છીએ, હોમ ડિપાર્ટમેન્ટમાં જ રહીએ છીએ અને ફોરેનમાં હાથ ઘાલતા જ નથી. એટલે આ બધા હિંસાના સાગરમાં સંપૂર્ણ અહિંસક છીએ.

જ્ઞાની રહે સદા અસ્પર્શ્ય ને ફ્રેશ

હું કેવળ અસ્પર્શ્ય સ્વભાવી છું. અમે અસ્પર્શ્યમાં જ રહેવાના, એટલે પછી ભાંજગડ નહીં. આપણું જ્ઞાન લીધેલું હોય પણ જે સ્પર્શમાં રહે છે જેટલા કંઈક અંશે, તે બન્નેને થાક લાગે, દેહનેય થાક લાગે ને આત્માનેય થાક લાગે. અને અસ્પર્શ્ય (હોય એ) પોતાને થાક ના લાગે ને દેહનેય થાક ના લાગે. પોતપોતાના સ્વભાવમાં જ હોયને !

પ્રશ્નકર્તા : પોતાના સ્વભાવમાં રહે તો વિશેષ ભાવ ઉત્પન્ન થાય નહીંને ત્યાં ?

દાદાશ્રી : એથી હું કહું છું, કે ‘અલ્યા ભાઈ, દાદા રોજ આવે છે ને ભેગા થાય છે રોજ, પણ કંટાળો નથી (આવતો), વાસી લાગતા નથી ?’ ત્યારે કહે, ‘ના, વાસી નહીં, એ તો ફ્રેશ લાગે છે.’ ‘ફ્રેશ લાગે છે, હા. વાસી નથી લાગતા’, કહે છે. વાસી લાગે તો કંટાળો આવે આપણને.

અસ્પર્શ્ય સ્વભાવ વર્તાય સ્વ-સ્વભાવમાં

પ્રશ્નકર્તા : સ્વભાવની ખામીથી મોક્ષ જતો રહે છે, એવું આપે જે કહ્યું’તું એ વિશે વિશેષ સમજાવો.

દાદાશ્રી : એક ફેરો આત્મસ્વભાવ સમજી લીધો, પછી એમાં ખામી આવે ત્યારે મોક્ષ જતો રહે. મઠિયાથી તદ્દન ન્યારો રહેનારો આત્મસ્વભાવ.

પ્રશ્નકર્તા : એને ક્યાં કોઈની સાથે લેવાદેવા છે ?

દાદાશ્રી : ના, બહુ તીખા થયા હોય તોય વીતરાગ ભાવ રહે ને મોળા થયા હોય તોય વીતરાગ ભાવ રહે એવો આત્મસ્વભાવ. સ્વભાવ નહીં ઓળખવાથી આખું જગત ભટકાઈ મર્યું છે. એનો સ્વભાવ છે એ તો. એમ જાણે કે આ મઠિયાનો રંગ એને જ અંદર લાગી જાય છે. જેટલા રંગ લાગ્યા છે ને, બધા મનને લાગેલા છે. એ શું જાણે કે આત્માને રંગ લાગી ગયો. અલ્યા મૂઆ, આત્માને રંગ અડે જ નહીં. એને કોઈ વસ્તુ સ્પર્શ ના થાય. એને અસ્પર્શ કહેવાય છે. તમને એનો સ્વભાવ ગમ્યો ? કોઈ વસ્તુ સ્પર્શ ના કરે.

પ્રશ્નકર્તા : બરાબર છે, દાદાજી, બિલકુલ બરાબર.

દાદાશ્રી : કેવો સરસ સ્વભાવ છે !

પ્રશ્નકર્તા : આ નિરાળોને ! હંમેશાં, કાયમ નિરાળો !

દાદાશ્રી : નિરાળો. માર ખાય છે છતાં પોતે આનંદમાં હોય.

પ્રશ્નકર્તા : માર ખાય છે એ માલ જેવો લાગે.

દાદાશ્રી : હા, અમને ત્યાં કાઢી મૂક્યા તોય પણ આનંદ થયો. આત્મા જાણે કે કાઢી મેલનાર કોણ ને કાઢી મૂક્યો કોને ? અંદર એ આત્મા જાણે. આત્મા તેનો તે. પછી સ્વભાવની ખામી લઈને માથે લઈ લે કે આ મારું અપમાન કર્યું તો પછી આવી બન્યું. શેને લઈને માથે લઈ લે છે ? સ્વભાવની ખામી !

પ્રશ્નકર્તા : સ્વભાવની ખામી, એ સ્વભાવને ન જાણવાથી ને, દાદાજી ?

દાદાશ્રી : એટલે એ સ્વભાવની ખામી જ કહેવાય.

પ્રશ્નકર્તા : એ આત્માને ગેરહાજર કરે છે ?

દાદાશ્રી : હા, એનું જાણપણું ખોવડાવી નખાવે છે.

 

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18