ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18



આપ્તવાણી

શ્રેણી-૧૪ ભાગ-૪

[4]

અનંત સુખધામ

અનંત સુખધામ સમજ્યે, ઓળખાય આત્મા

પ્રશ્નકર્તા : આત્માને ઓળખવાનું લક્ષણ શું ?

દાદાશ્રી : ઓળખવાનું તો અવિનાશી પદ છે એ, અનંત સુખધામ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ. સુખ બહાર ખોળવા ના જવું પડે પોતાનું. અને દુઃખ તો છે જ નહીં.

આત્મા અનંત આનંદનું ધામ છે છતાં બહાર સુખ ખોળ ખોળ કરે છે. આ તો અંદર જ સુખ છે પણ બહાર જગતમાં બધા સુખ ખોળે છે, પણ સુખની વ્યાખ્યા જ નથી નક્કી કરતા. ‘સુખ એવું હોવું જોઈએ કે જેના પછી ક્યારેય પણ દુઃખ ના આવે.’ એવું એકેય સુખ આ જગતમાં હોય તો ખોળી કાઢ, જા. શાશ્વત સુખ તો પોતામાં, સ્વમાં જ છે. પોતે અનંત સુખનું ધામ છે ને લોકો નાશવંત ચીજમાં સુખ ખોળવા નીકળ્યા છે !

આત્મા જાણતા જ ઉત્પન્ન થાય અતીન્દ્રિય સુખ

પ્રશ્નકર્તા : આત્માનું સુખ એ જ અતીન્દ્રિય સુખને ? એ કેવી રીતે પ્રાપ્ત થાય ?

દાદાશ્રી : હા, અતીન્દ્રિય સુખ તે કેવળ પોતાનું આત્માનું અનંત સુખ. એ તો આત્મા જાણ્યા વગર ઉત્પન્ન થાય જ નહીં. આ તો જ્ઞાની પુરુષ મળે તો એ પોતાના સુખનું ભાન કરાવે. એટલે પછી સુખ વર્ત્યા કરે.

જ્ઞાની પુરુષ પોતાનું શાશ્વત સુખ, અનંત સુખનો કંદ જે છે તે ચખાડી દે. એટલે નિજ ઘર મળતા જ શુદ્ધ ચિત્ત એ જ શુદ્ધાત્મા પ્રાપ્ત થઈ જાય.

‘આઈ’(હું)માં ઈન્ટરેસ્ટ આવે તો નર્યું સુખ જ છે. સુખનું ધામ છે, પરમ સુખનું ધામ ! અનંત સુખનું ધામ, જે સુખ આવ્યા પછી ક્યારેય પણ દુઃખ હોય જ નહીં. ફાંસીએ ચઢાવે તોય નહીં. ફાંસીએ ચઢાવે તો ફાંસીએ ચઢનારો ચઢે છે, જાણનારો જાણે છે. પુદ્ગલ ફાંસીએ ચઢે, આત્મા કોઈ દહાડો ફાંસીએ ચઢે નહીં. આ અંબાલાલને તમે ગાળો ભાંડો, માર મારો તો મને અસર થતી નથી. કારણ બે તદ્દન જુદા રહે છે. ફાંસીએ ચઢાવો તોય મને વાંધો નથી. મારી ઈચ્છા ના હોય પણ છતાં તમે બધા ચઢાવો તો પછી એનો વાંધો નથી. કારણ મારે પાડોશી (તરીકે) એટલું તો રાખવું પડે કે મારી ઈચ્છા ના હોવી જોઈએ. એમણે મને, મારા ધક્કા ખાધા છે, મારું કામ કર્યું છે. એટલો ઉપકાર તો મારે માનવો પડેને ! પાડોશી તરીકે રહે છે આ. તો તમે ચંદુભાઈની જોડે પાડોશી તરીકે રહેશો ત્યારે ત્યાં આગળ સનાતન અનુભૂતિ થાય.

પરમાનંદ ગુણથી અનુભવાય આત્મા

પ્રશ્નકર્તા : આ સનાતન અનુભૂતિ એટલે આવી સૂક્ષ્માતિસૂક્ષ્મ વસ્તુ છે, એની અનુભૂતિ કેવી રીતે થાય ? પ્રત્યક્ષ કેવી રીતે દેખાય ?

દાદાશ્રી : તમે આત્મા છો એ સનાતન અનુભૂતિ થાય. અને એ આત્માની અનુભૂતિ કેવી રીતે હોય ? આત્મા નિરાકારી છે, અમૂર્ત છે. કોઈ વસ્તુથી દેખાય નહીં એવો છે. અને પ્રત્યક્ષ દેખવાનો પ્રયત્ન કરવો એ ગુનો છે. તો કહે, કેમ ઓળખાય ? ત્યારે કહે, એ અનુભવથી. એના પરમાનંદ નામના ગુણથી પ્રગટ થાય.

એ આનંદ જે એનો મુખ્ય ગુણ છે, તે આનંદ ઉત્પન્ન થાય. એ આવરણ તૂટ્યું કે આનંદ થયો. એ પોતે નથી એવું છે જ નહીં, એ તો આખો જ છે. આ આવરણનો જ ડખો છે. તે આ જ્ઞાન આપીએને, તે આવરણ તૂટે એટલે અનુભવ થઈ જાય, સુખ ઉત્પન્ન થાય.

સિદ્ધોને દરેકે દરેક પ્રદેશ ખુલ્લા હોય. પ્રદેશે પ્રદેશે પોતાનું અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત સુખ હોય ! પણ ક્યાં ગયું એ (આપણું) સુખ ? ‘સ્વરૂપજ્ઞાન’ મળ્યા પછી જેમ જેમ આત્મપ્રદેશો નિરાવરણ થતા જાય, તેમ તેમ આનંદ વધતો જાય.

મસ્તીનો આનંદ મનનો, નિરાકુળ આનંદ આત્માનો

પ્રશ્નકર્તા : આત્માના ધ્યાન વખતે આનંદ ઉત્પન્ન થાય છે તેના વિશે સમજાવશો ?

દાદાશ્રી : આપણે કોઈ વસ્તુનું ધ્યાન કરીએ, આત્માનું ધ્યાન કરવા માંડ્યા, કોઈ માણસ તે ધ્યાતા, ધ્યેય આત્મા, તો પછી ધ્યાન ઉત્પન્ન થાય. એકાકાર થવું એનું નામ ધ્યાન કહેવાય અને ધ્યાનમાં આનંદ ઉત્પન્ન થાય. તે જાણે કે મને આ આત્માનો અનુભવ થયો. ન હોય તે આત્મનુભવ. આનંદ તો બે પ્રકારનો; મસ્તીનો આનંદ તે વ્યાકુળતાવાળો હોય અને નિરાકુળતાવાળો આનંદ એ સાચો આનંદ આત્માનો આનંદ. એટલે સનાતન આનંદ નિરાકુળતાવાળો.

પણ જ્યાં સુધી આત્મજ્ઞાન પામ્યો નથી ત્યાં સુધી મનનો આનંદ થાય. અને મનને આનંદ થાય તે થોડી વખત રહ્યો, ના રહ્યો પાછો. તે પેલા મનના આનંદમાં ને આત્માના આનંદમાં ફેર શું ? ત્યારે એ પેલો છે તે મસ્તીવાળો આનંદ હોય અને આ નિરાકુળ આનંદ હોય.

પ્રશ્નકર્તા : એટલે એનો અર્થ એ થયો કે મન જતું રહે તો જ આત્માનો આનંદ થાય.

દાદાશ્રી : મન બિલકુલ કામ કરતું બંધ થઈ જાય ત્યારે આત્માનો આનંદ શરૂ થઈ જાય. એટલે એ આત્માનો આનંદ નિરાકુળતાવાળો હોય. જે આકુળવ્યાકુળપણું આખી જિંદગી જે જોયું હોય તેનાથી મુક્ત હોય, નિરાકુળ હોય. મહીં ઠંડક લાગે.

અપ્રયાસ આનંદ માટે ન જરૂર કોઈ વસ્તુની

પ્રશ્નકર્તા : એ આનંદ વિષે વધુ સમજાવશો ?

દાદાશ્રી : આનંદ એટલે શું ? કોઈ (ચીજ)વસ્તુ વગર આનંદ થાય એવું. વસ્તુના આધારે જે આનંદ થાય એ સુખ કહેવાય. વસ્તુ વગર આનંદ થાય એ આનંદ એ જ ભગવાન છે. વસ્તુ વગરનો આનંદ તને કોઈ દહાડો થયેલો ?

પ્રશ્નકર્તા : વસ્તુ વગર ન થાય આનંદ.

દાદાશ્રી : એટલે વસ્તુના આધારે આનંદ, એ તો વસ્તુ તો ના પણ હોય ત્યારે પછી આનંદનું શું થાય ? આનંદ વસ્તુ વગરનો હોય એવો જોઈએ, કે જેથી કરીને કંઈ મહેનત વગર એ પ્રાપ્ત થયા જ કરે ! વસ્તુ હોય તો એને તે લેવા જવું પડે બજારમાં. પરવળનું શાક હોય ને આપણને આનંદ થતો હોય તો બજારમાં લેવા જવું પડે, ને તે દહાડે ના મળે ત્યારે  શું કરીએ પછી ? પૈસા ના હોય ત્યારે પરવળ શી રીતે લાવીએ ? એટલે એવો આનંદ-સુખ ભોગવવાનો અર્થ જ નહીંને ! મીનિંગલેસ ! અને જે સુખ થયા પછી દુઃખ જ આવે એને સુખ કહેવાય જ કેમ કરીને ? કારણ કે જે સુખનો અંત આવે એને સુખ કેમ કરીને કહેવાય ? તને શું લાગે છે ?

જગતની કોઈ વસ્તુ મળે નહીં અને આનંદ મળે તે આત્માનંદ કહેવાય. આનંદ તો મહીં પરમાનંદ હોવો જોઈએ, જાગૃતિપૂર્વકનો. મૂર્છા ના હોવી જોઈએ. સંપૂર્ણ જાગૃતિપૂર્વક આનંદ હોવો જોઈએ.

આનંદ અંદરથી આવવો જોઈએ. બહારથી, આંખોથી દેખીને આવે એવો ના જોઈએ. સનાતન આનંદ જોઈએ ! ચેતનનો આનંદ તો એકવાર આવે પછી પાછો જાય નહીં. ચેતનનો આનંદ સનાતન હોય !

સુખ અને આનંદનો સૂક્ષ્મ ભેદ વર્ણવ્યો જ્ઞાનીએ

પ્રશ્નકર્તા : દાદા, આનંદ એટલે સુખ ના કહેવાય ?

દાદાશ્રી : ના, આનંદ અને (ભૌતિક) સુખમાં તો બહુ ફેર. આત્માનું સનાતન સુખ એ જોયેલું નહોય, એનો પડછાયો પણ જોયો નહોય.

પ્રશ્નકર્તા : આનંદ અને સુખ એ બે વચ્ચે શું ફેર છે એ જરા સમજાવો ને ?

દાદાશ્રી : (આ સંસારના) સુખ એ વેદના છે, એક પ્રકારની વેદના છે. એ જો સુખ વધી જાય તો દુઃખ થાય. આઈસ્ક્રીમમાં તને સુખ મળે, એ આઈસ્ક્રીમ ખૂબ ખવડાય ખવડાય કરે તો શું થાય તને ? એટલે એ સુખ પોતે વેદના છે. સુખેય વેદના છે ને દુઃખેય વેદના છે.

આ સુખ-દુઃખ કહે છે તે ખરેખર સુખ-દુઃખ નથી પણ શાતા-અશાતા છે, વેદનીય છે. એ બેઉ વેદનીય છે. વેદનીય એટલે બેઉ દુઃખ છે. શાતા ઠંડક આપે અને અશાતા ગરમી આપે. બહુ ઠંડક આપે તેય દુઃખ છે.

બરફને અડીએ તે ઠંડું લાગે. તે ગરમીમાં ઠંડું લાગે એટલે સુખ થાય. શિયાળામાં ઠંડું લાગે તો દુઃખ થાય. એટલે આ સુખ અને દુઃખ એ વેદના છે. આ (સુખને) શાતા વેદનીય કહે છે અને (દુઃખને) અશાતા વેદનીય કહે છે. અને આનંદ એ તો સ્વભાવ પોતાનો. નિરંતર આનંદ, એક ક્ષણવાર આઘોપાછો ના થાય.

એટલે આ સંસારનું સુખ ને દુઃખ એ તો કલ્પનાઓ જ છે. પોતે જ અનંત સુખનું ધામ છે. એમાંથી જ બધું સુખ નીકળે છે. તે આ બધું સંસારનું, એ એમાંથી આરોપિત કરેલું સુખ છે.

પ્રશ્નકર્તા : તો દાદા, સાચું સુખ કોને કહેવાય ?

દાદાશ્રી : જે સુખ વધારે ભોગવવાથી દુઃખરૂપ થઈ પડે, એ સુખ સાચું સુખ નથી. જે સુખ કાયમ ભોગવતો હોય પણ દુઃખરૂપ ના થઈ પડે એનું નામ સાચું સુખ. એટલે આત્માનું જે સુખ છે એ સનાતન સુખ છે.

પ્રશ્નકર્તા : સુખ અને આનંદ બન્ને શાશ્વત સાથે મળી શકે ?

દાદાશ્રી : સુખ તો હોય કે ના હોય, આનંદ શાશ્વત મળી જશે. કારણ કે વેદનીય કર્મ છે ને, એ તો અશાતા હોય ને શાતાય હોય. એ તો તીર્થંકર ભગવાનનેય અશાતા વેદનીય થોડી હોય, કો’ક દહાડો હોય.

પ્રશ્નકર્તા : કોઈને આવું કદી બન્યું છે કે સાથે સુખ અને આનંદ ?

દાદાશ્રી : ના, વર્લ્ડમાં કોઈ દહાડોય બન્યું નથી. આ આનંદ કાયમનો મળી જાય, શાશ્વત આનંદ મળે.

સુખ છે જ ક્યાં ‘અહીં’ સંસારમાં ? આ તો ભ્રામક માન્યતાઓ છે. તેથી ‘અમે’ ખુલ્લું કહીએ છીએ કે, તમે જે સુખ ખોળો છો તે ‘આમાં’ નહીં મળે. (સાચું) સુખ એ આત્મામાં છે. અમે એ સુખ ચાખેલું છે, અનુભવેલું છે. તેથી ‘અમે’ બધાને કહીએ છીએ કે આ બાજુ આવો, પેલી બાજુ સુખ નથી.

પ્રશ્નકર્તા : સુખની સાચી અનુભૂતિ કેવી હોય ?

દાદાશ્રી : એકુંય અનુભૂતિ સાચી નથી હોતી. સાચી ના હોય ત્યાં સુધી ક્રોધ-માન-માયા-લોભ રહે, ત્યાં સુધી દુઃખ રહે, ચિંતા હોય, કંટાળો રહે. કેટલાકને પૈણે, તે એને સ્ત્રીમાં જેવું સુખ લાગે એવું કોઈ વસ્તુમાં નથી એવી અનુભૂતિ હોય. અને એક છે તે બ્રહ્મચારી હોય ત્યારે કહે, બ્રહ્મચર્યમાં જે સુખ છે એના જેવું એકુંય નથી ! એટલે એ અનુભૂતિઓ તે સ્ટેન્ડ સ્ટિલ (પ્રગતિ અટકી ગયેલી) બધી, કંઈ બરકત વગરની. જે અનુભૂતિ પ્રાપ્ત થયા પછી જાય નહીં, એવી સનાતન અનુભૂતિ જોઈએ.

ન અવલંબન બહારનું તે આંતરિક સુખ

પ્રશ્નકર્તા : એ બન્ને જુદું કેવી રીતે પાડી શકાય, કે આ આંતરિક સુખ છે ને આ બાહ્ય સુખ છે ?

દાદાશ્રી : આ બહારનું અવલંબન ના હોય ને સુખ વર્તતું હોય, તે આંતરિક સુખ અને ચા સરસ આવી એટલે સુખ વર્ત્યું, એટલે ચાને લઈને બહારથી આવ્યું. અગર પવન આવ્યો આમ ઠંડો, આ હાશ એ સુખ બહારથી આવ્યું કહેવાય.

પ્રશ્નકર્તા : આ જે આપણે સુખ કે આનંદની વ્યાખ્યા આપણે સમજ્યા છીએ તો એનું પ્રમાણ તો કહે બહારનું છે. આપણે એ જ જોયું છે ને આપણી પાસે એનું જ પ્રમાણ છે પણ અંદરનું સુખ છે, એનો અનુભવ આપણને ખબર નથી કે કઈ રીતનું હોય છે ? એનું પ્રમાણ શું ?

દાદાશ્રી : કેમ માણસ ઊંઘી જાય છે ? થાક લાગ્યો હોય ત્યારે ઊંઘી જાય છે ને થાક ઊતરી જાય છે. પણ જોડે જોડે મનમાં એમ થાય કે આજે બહુ સરસ ઊંઘ આવી. બહુ સરસ એટલે સુખ પોતાને વર્તે છે. આ પાંચ ઈન્દ્રિયોના બારણા જ વાસી દીધાને તોય અંદરનું સુખ વર્તે. તેથી તો લોકો સૂઈ જાય છે ત્યારે સુખ વર્તે મહીં. ઊંઘી ગયો એટલે સુખ વર્તે. પણ એ બધા સુખ આવરણ લાવનારા સુખો છે. આત્માને કોથળામાં પૂરીને સુખ મેળવીએ તે ખોટું છે, તેના કરતા તપ કરીને સુખ મેળવવું સારું.

ઊંઘીને ઊઠે છે ત્યારે સુખ શાથી લાગે છે ? આત્મા છે ત્યાંથી જ સુખ આવે છે, એ અહંકારને સુખ લાગે છે.

એટલે આ બહારની મશિનરી બંધ થઈ જાય તો ભગવાન તો હાજર છે, એમનું સુખ બહાર નીકળે. અનંત સુખનો કંદ જ પોતે છે. એટલે મહીંનું સુખ બહાર નીકળે પછી. આ મશિનરી ચાલુ હોય ત્યારે પેલું સુખ બહાર નીકળે ખરું પણ દેખાય નહીં.

પ્રશ્નકર્તા : આત્માનો જે અંદરનો આનંદ છે, તે એનું પ્રમાણ શું ? કેવી રીતે સ્પષ્ટ ખબર પડે કે આ આત્માનો જ આનંદ છે ?

દાદાશ્રી : આપણે આપણી વસ્તુ બીજાને આપીએ તે ઘડીએ ખબર પડે. કોઈ દુઃખી માણસ હોય ને તે ઘડીએ આપણે ત્યાં આગળ દવાખાનામાં જઈને કંઈક વસ્તુ આપી આવીએ તે એ વખતે મહીં આનંદ વર્તતો હોય, તે આપણો પોતાનો છે. એ બહારથી નથી આવતો.

પ્રશ્નકર્તા : એ આપણે વસ્તુ બીજાને આપવાથી ઉત્પન્ન થયોને ?

દાદાશ્રી : આપવાથી તો દુઃખ જ થાય હંમેશાં. આપવામાં સુખ હોય જ નહીં. આપવામાં સુખ હોય તો લોકો આપી ના દે બધું ? પણ આપતી વખતે જે આનંદ થાય છે, એ અંદરનો આનંદ છે. એને દુઃખ થવું જોઈએ તેને બદલે સુખ થયું તે અંદરનો આનંદ છે.

પ્રશ્નકર્તા : પણ તેમાંયે વસ્તુ બીજાને આપવાનું અવલંબન તો રહ્યુંને ?

દાદાશ્રી : અવલંબનનો સવાલ નથી. આ આંતરિક સુખ કોને કહેવાય એ પછી એમ કરતા કરતા સમજમાં આવશે એને. આંતરિક સુખ ખરું ક્યારે આવે કે જ્યારે એકાંતમાં બહુ દુઃખ હોયને, એને દુઃખ માને. દુઃખમાં છે તે થોડીવાર થાય ને પછી મહીં સુખ વર્તે એને. પછી સરસ થઈ જાય પાછું. દુઃખમાં કંઈથી સુખ આવ્યું આ ? ના, ના, કલાકથી દુઃખી દુઃખી હતો અને થોડીવાર પછી આપણને કહે છે કે હા, હવે વાંધો નથી, હવે ચાલો. એ અંદરથી સુખ આવ્યું. અંદરથી હેલ્પ કરે છે. એટલે પાછું એને રાગે પડે છે બિચારાને. અંદરના સુખથી જ જીવન જીવી રહ્યા છે લોકો. પણ એમને અનુભવમાં ના હોયને એ વસ્તુ.

મહાત્માને મોળા લાગે સંસારી સુખો, રહે નિરાકુળતા

પ્રશ્નકર્તા : બરોબર છે દાદા સમજાયું, બહારની કોઈ વસ્તુમાં સુખ જ નથી, સુખ પોતાના આત્મામાંથી મળે છે પછી ભલેને એને પોતાના આત્મા વિષે ભાન નથી, અજ્ઞાન પ્રર્વતે છે પણ સુખ તો આત્મા સંગે જ છે. હવે પ્રશ્ન એ થાય છે કે અમને મહાત્માને તો આત્માનું જ્ઞાન થયું છે તો તે અનંત સુખનો અનુભવ ક્યારે થશે ?

દાદાશ્રી : સ્પષ્ટનું વેદન આવતા વાર લાગશે. અસ્પષ્ટ વેદન છે અત્યારે. એટલે આપણે સ્પષ્ટતાની, એ તો બહુ ટાઈમ લાગશે એમાં.

પ્રશ્નકર્તા : આત્માનું શરૂઆતનું સુખ અને ટોચનું સુખ, એમાંય ફેર તો ખરોને, ઘણી કૅટેગરી આવીને ?

દાદાશ્રી : શરૂઆતના સુખથી જ એને આ બધું મોળું લાગવા માંડે. સંસારના સુખ મોળા લાગવા માંડેને, એટલે આત્મા ભણી એનો અભિપ્રાય વધતો જાય અને આ અભિપ્રાય એનો ઘટતો જાય. પણ છતાંય આ છૂટે નહીં, એનું શું કારણ ? ત્યારે કહે, પૂર્વકર્મનો જે ગોઠવાયેલો છે, તે ક્રમ છોડે નહીંને ! ઈચ્છા ના હોય તોયે સંસારી સુખો ભોગવવા પડે. મોળું લાગે તોય ભોગવો, કહે છે.

પ્રશ્નકર્તા : આત્માનું સુખ કેવી રીતે ખબર પડે કે આ આત્માનું જ સુખ છે ?

દાદાશ્રી : બહારથી કશામાંથી સુખ ના હોય. કંઈ જોવાથી સુખ ઉત્પન્ન થયેલું ના હોય, કંઈ સાંભળવાથી, ખાવાથી, ઠંડકથી, સ્પર્શથી કે કોઈ પણ જાતનું ઈન્દ્રિય સુખ ના હોય, પૈસાને લીધે સુખ ના હોય, કોઈ ‘આવો, આવો’ કહેનારું ના હોય, વિષય સુખ ના હોય ત્યાં આગળ મહીં જે સુખ વર્તાય તે આત્માનું સુખ. પણ આ સુખની તમોને ખાસ ખબર ના પડે.

બીજું આત્માના સુખનું લક્ષણ એટલે નિરાકુળતા રહેતી હોય. સહેજે આકુળતા-વ્યાકુળતા થાય તો જાણવું કે બીજી જગ્યાએ ઉપયોગ છે, માર્ગ ભૂલ્યા. બહારથી અકળાઈને આવ્યોને, તે પંખો ફેરવે તે બહુ સરસ લાગે. એને શુદ્ધ ઉપયોગ ના કહેવાય, એનેય જાણવું જોઈએ. અશાતા વેદનીય હોય તેનેય જાણવી જોઈએ અને નિરાકુળતાયે રહેવી જોઈએ. બન્નેને જાણવા જોઈએ. શાતા વેદનીય જોડે એકાકાર થઈ જાય તે ભૂલ કહેવાય.

પોતે મૂળસ્વરૂપ થાય, તો વર્તે આનંદ

પ્રશ્નકર્તા : આગળ કહ્યું ‘આત્મા અનંત આનંદનું ધામ છે’ એ વિશે વધારે ફોડ પાડશો ?

દાદાશ્રી : આત્મા આનંદનું જ આખું અસ્તિત્વ છે. આનંદનો જ જાણે કે કંદ હોયને, એના જેવું છે. એમાં દુઃખ પેસે જ નહીં અંદર, પોતે જ સુખ. જેમ બરફની અંદર દેવતા ન હોયને એવી રીતે આ આનંદનો જ ગોળો છે. એમાં બીજું કંઈ પેસે નહીં. એટલે મૂળ સ્વરૂપ થઈ જાય તો આનંદ જ છે, દુઃખ હોય જ નહીં.

પ્રશ્નકર્તા : તો દુઃખ ભોગવનાર આપણું શરીર છે કે બીજું કોઈ છે ? દુઃખ કોણ ભોગવે છે ?

દાદાશ્રી : દુઃખ અહંકાર ભોગવે છે. આ જે દુઃખ થાય છે એ અહંકારને થાય છે અને સુખ થાય છે તેય અહંકારને થાય છે. આ અહંકાર વચ્ચે ફાચર છે અને તે જ અજ્ઞાનતા છે. અહંકાર એટલે હું કરું છું ને હું ભોગવું છું, એ જ અહંકાર છે. આ અહંકાર જતો રહે એટલે આત્મારૂપ થઈ જાય.

પ્રશ્નકર્તા : તો પછી આ પીડા આત્માને અડતી નથી ?

દાદાશ્રી : આત્માને ક્યારેય પીડા અડી નથી અને જો પીડા અડે ને, સ્પર્શ થાય તો એ પીડા સુખમય થઈ જાય. આત્મા તો અનંત સુખનું ધામ છે. માનેલા આત્માને પીડા થાય છે, મૂળ આત્માને કશું જ અડતું નથી.

આ બરફનો મોટો ગાંગડો હોય અને એની પર દેવતા ઉપર નાખીએ તો બરફ દઝાય ? બરફ દઝાય કે દેવતા ઓલવાય ?

પ્રશ્નકર્તા : દેવતા ઓલવાય.

દાદાશ્રી : બરફ કોઈ દહાડો દઝાય નહીં, દેવતાને ઓલવાવું પડે. આ જેમ બરફ અહીં ઠંડો કંદ છે, એવું આત્મા આનંદનો કંદ છે. એટલે એને જો દુઃખ અડેને, તો તેય સુખરૂપ થઈ જાય.

તે આત્મા કેવા સુખનું ધામ હશે ! નર્યું સુખ ઉભરાયા જ કરે. ધોધમાર સુખની આવક છે.

આ બરફનો દાખલો એ તો જાણે કે સ્થૂળ દાખલો છે, ‘એક્ઝેક્ટ’ ના કહેવાય. પણ આત્મા અનંત સુખનો ધણી, એને દુઃખ અડે જ નહીં. કેવી રીતે અડે ? જે અડે તે સુખ થઈ જાય, ખાલી અડવા માત્રથી સુખ થઈ જાય.

એક દહાડો જો આત્મા જોડે વ્યવહાર બાંધે તો ફરી દુઃખ જ ના આવે. સુખિયા જોડે સંગ તે દુઃખ આવે જ ક્યાંથી ? આખું જગતનું દુઃખ આત્મા પર પડેને તોય નિરાંતે સ્થિર. કારણ કે એ દુઃખ આપણી પર પડતું નથી, દુઃખ દુઃખની ઉપર પડે છે. કારણ કે આત્મામાં દુઃખ નામનો ગુણ જ નથી. આત્મા નિરંતર સુખનો જ કંદ છે આખો. આખો કંદ જ સુખનો છે. જ્યાંથી જુઓ ત્યાં નર્યું સુખ. પણ ‘હું બહુ દુઃખી છું’ એવું ચિંતવે કે પોતાનું અનંત સુખ આવરાય ને દુખિયો થઈ જાય. ‘હું સુખમય છું’ ચિંતવે કે સુખમય થઈ જાય.

‘હું અનંત સુખધામ છું’ ચિંતવતા, થાય દુઃખના ભાગાકાર

પ્રશ્નકર્તા : દાદા, વધારે સમજાવશો, ‘હું બહુ દુઃખી છું’ એવું ચિંતવે તો દુઃખી થઈ જાય ?

દાદાશ્રી : તમને આ જ્ઞાન તો મળેલું છે છતાં તમે કહો કે માથું દુઃખે છે, માથું દુઃખે છે, માથું દુઃખે છે. તે વધતું જાય. હા, એટલે માથું દુઃખે ને કો’ક પૂછે કે ભઈ, કેમ અત્યારે સૂનમૂન છો ? તો કહેવું જરાક અસર થયેલી છે અને પાછું આપણે શું બોલવું, કે ‘અનંત સુખધામ છું, અનંત સુખધામ છું.’ ભાગાકાર કરીએને તે રકમમાં કશું રહે નહીં, અને સંસારીઓને ગુણાકાર થાય. જેને જ્ઞાન નથીને, તેને ગુણાકાર થાય. શી રીતે ?

પ્રશ્નકર્તા : અજ્ઞાનને લીધે.

દાદાશ્રી : ‘મને દુઃખે છે’ કહે એટલા માટે. બોલે એમ વધતું જાય. આત્માનો સ્વભાવ કેવો છે ? જેવો ચિંતવે એવો થાય. એણે માથું દુઃખે છે એવું િંચતવ્યું તો તેવો. તે આપણે ભાગાકાર શાનાથી કરવા જોઈએ ? ‘અનંત સુખધામ છું.’ આ બધો રસ્તો (મેં) બતાડ્યો છે. બધા રસ્તા આમાં બતાડી દીધા છે, પણ ખોળી કાઢે તો બધી દવા છે આમાં. આખા દવાખાનાની બધી જ દવાઓ મૂકેલી છે. દવા કંઈ બાકી રાખી નથી. પણ હવે એટલી તપાસ કરવી પડેને કે આ શીશીઓ ક્યાં પડી છે ?

‘અનંત સુખધામ’ બોલતા જ, આધિ-વ્યાધિ-મોહનીય ભાગે દૂર

પ્રશ્નકર્તા : દેહની કંઈ વેદના થાય એ વખતે અસલ રીતે તો આમ નિશ્ચયથી આત્મા નિર્વેદક છે, મન-શરીર વેદક છે. એને વેદના થાય પણ એ વખતે ‘હું અનંત સુખનું ધામ છું, હું અનંત સુખનું ધામ છું, હું અનંત સુખનું ધામ છું, હું અનંત સુખનું ધામ છું’ જોરથી બોલો એટલે એ બધી વેદના હટી જાય. એનો જરાય ભાર ન લાગે.

દાદાશ્રી : પાંચ-પચ્ચીસ વખત બોલ્યા તો ચોખ્ખું થઈ જાય.

આ દેહ મુશ્કેલીઓનો કંદ છે ને આત્મા અનંત સુખનો કંદ છે. દેહ તો ઘડીવાર પણ જંપવા ના દે. રોજ ખવડાવીએ, પીવડાવીએ, નવડાવીએ, ધોવડાવીએ તોય પાંસરો ના રહે.

કો’ક વખત ચંદુભાઈની તબિયત બરોબર ના હોય, હાથપગ ફાટતા હોય તો કહીએ, ‘અનંત સુખનું ધામ છું’ બોલો. આ તો સિલકમાંથી વાપરવાનું છે ને ! પહેલા તો પારકા પાસેથી માગતા હતા. આપણે રૂપિયો માંગીએ તો કહેશે, દસ આપ્યા. એમાંથી મૂઓ એક આપણને આપ્યો, ઊલટા આપણા નવ ગયા !

શરીરને દુઃખ પડતું હોય ને ‘હું અનંત સુખનું ધામ છું’ બોલે તો સામસામે બેલેન્સ થઈને રાગે પડી જાય. અને જ્યારે મહીં માનસિક ઉપાધિ થતી હોય, તો આપણે ‘અનંત સુખધામ’ બોલ્યા કે મહીં (સુખ) વર્ત્યા કરે.

તને અકળામણ થતી હોય ત્યારે ‘હું અનંત સુખધામ છું. હું અનંત સુખધામ એવો પરમાત્મા છું. હું અનંત સુખનો કંદ છું.’ એમ બોલ. એટલે સુખ ઉત્પન્ન થશે. પોતે સંપૂર્ણ સુખસ્વરૂપ પરમાનંદી છે તે અણગમાને ‘હું અનંત સુખવાળો છું’ કહીને ફેરવી નાખે.

એટલે આપણી શક્તિ આમાં નાખવી. આપણામાં શક્તિ તો બધી પાર વગરની છે. તે આમાં નાખી આપવી. પાડોશી ખરાને, ફાઈલ નંબર વન ! મોહ ચઢતો હોય તો બોલવું કે ‘મોહનીય અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખનું ધામ છું.’ એટલે મોહ ઊડી જાય. મોહનું પ્રમાણ અનંત હોવાથી તેની સામે હું અનંત સુખવાળો છું. મારા સુખ આગળ મોહનીયનો હિસાબ જ નથી.

એ વિનાશી સુખો છે ને આ તો અવિનાશી સુખ. અનંત પ્રકારના મોહ અને તેમાં ‘હું અનંત સુખધામ છું’ એવું કહે છે. એટલે મારે બીજા મોહની જરૂર છે નહીં. આ તો ફસાયો છે, એમાંથી નીકળી જવાનું છે હવે.

સાહજિક-વિણ સાધને પ્રાપ્ત આનંદ એ આત્માનો

પ્રશ્નકર્તા : બરોબર છે, મોહનીયની સામે હું અનંત સુખધામ છું.

દાદાશ્રી : મોહનીય અનંત હોવાથી ભગવાને બતાવ્યું કે ‘મોહનીય અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખનું ધામ છું.’ એ મોહનીય અનેક પ્રકારની એટલે કઈ કઈ પ્રકારની ? જે ત્યાગ કર્યો એ મોહનીય, પેલા કપડાં પહેરે છે એ મોહનીય, આત્મા સિવાય બધી જ મોહનીય. આ તપ-ત્યાગ બધાય મોહના પ્રકાર.

પ્રશ્નકર્તા : તપ-ત્યાગ એ મોહનીય કહ્યું તો ધાર્મિક પુસ્તક વાંચવા તે પણ મોહનીયમાં જાય ? મને તો તે વાંચવામાં બહુ આનંદ આવે છે.

દાદાશ્રી : એટલે પુસ્તક વાંચતા જે આનંદ થયો એ પૌદ્ગલિક આનંદ છે અને તે ઊતરી જશે પાછો. આનંદ તો આપણા મહીંથી જ આવવો જોઈએ. એય, નિરંતર કશું વાંચવું ના પડે. આનંદનું તે સંગ્રહસ્થાન છે આખું બધું. સંગ્રહસ્થાન એટલે જે જોવા માગો એ બધું જોવાનું હોય ને પાછો આનંદ. હવે આ શાથી છે ? તો કહે નિર્લેપ આત્મા આપ્યો છે બધાને. પણ નિર્લેપ વાપરતા તો આવડવો જોઈએને બધાને ? તે વાપરવામાં ડિફેક્ટ (કચાશ), એકલી આ ડિફેક્ટ !

એટલે પુસ્તકમાંથી આનંદ ના આવવો જોઈએ, બિલકુલ ના આવવો જોઈએ. જુઓ, આપણો આનંદ કેવો છે કે પરમેનન્ટ આનંદ ! એટલે બહાર કંઈથી ઉછીનો લેવાનો નથી. કોઈની પાસે પ્રાપ્તિ કરવાની નથી. કોઈ મહેનત કરવાની નથી. વગર મહેનતનો આનંદ પોતાની પાસે પડેલો છે.

આ રિલેટિવ સ્ટેજનો માર્ગ ન્હોય. યૂ આર કમ્પ્લીટ આત્મા અને ચોખ્ખો, પ્યૉર આત્મા, શુદ્ધાત્મા છે. પછી નિર્લેપ છે, અસંગ છે. આટલી બધી સમજ પાડવા છતાં નિર્લેપતા અને અસંગતામાં ના રહી શકતા હોય તો સમજ તમારી કાચી પડી જાય છે, આટલું ગજબનું વિજ્ઞાન પ્રાપ્ત થયા પછી !

કોઈ પણ પુસ્તક વાંચવું એટલે મહેનત કરી આનંદ થયો એ બધો પૌદ્ગલિક આનંદ. મહેનત (કરીને) નહીં, સાહજિક આનંદ રહેવો જોઈએ. હાથ કાપે તો આનંદ ના જાય એવો સાહજિક આનંદ રહેવો જોઈએ. આ આત્મા કેવો આપ્યો છે ? સાહજિક આનંદવાળો આપ્યો છે. જેટલી તમને સમજ કાચી એટલો એનો આનંદ (તમે) લૂંટી શકતા નથી.

પ્રશ્નકર્તા : એ આનંદ તો રહે છે. એના માટે કંઈ વાંધો નથી.

દાદાશ્રી : તે એ આનંદમાં જ રહેવાનો પ્રયત્ન કરવો. બીજે ખોળવો નહીં અને બીજે જો કદી (કંઈ) વાંચવાનું થાયને તો ‘ફાઈલ છે’ એમ માનીને વાંચો અને ફાઈલનો સમભાવે નિકાલ કરવો. આમાંથી આનંદ થયો એવું બોલ્યા કે તમારું આ જ્ઞાન ભ્રમિત થાય છે. એમાં આનંદ હોય જ નહીં. પુસ્તકમાં આનંદ હોય તો પુસ્તક લોકોને કૉમન (સામાન્ય) ના થઈ જાય. અને પુસ્તકનો આનંદ તો બે બહારવટિયાની વાતો વાંચે તેમાં વધારે આનંદ હોય છે. તેમાં તો ઊઠવાનું જ મન નથી થતું.

બહારથી કંઈ પણ આનંદ આવે એ આનંદ પૌદ્ગલિક છે. અને પોતાને કંઈ પણ વસ્તુ સિવાય આનંદ આવે, સાહજિક આનંદ, એમાં િંકચિત્માત્ર પ્રયત્ન પણ નહીં, અપ્રયાસ, એ સાચો પોતાનો આનંદ, એ જો ચાખ્યામાં રહેને તો ભરપટ્ટે તૃપ્તિ રહે હંમેશાં. નિરંતર ! ભરપટ્ટે તૃપ્તિ. તે આપેલો છે તે ભાગને સમજીને એમાં આવોને ! માન્યતા બદલાતી હોય તો એ માન્યતાને ખસેડો કે ભઈ, તું મારા ઘરમાં ના આવીશ. તું છે તે ફોરેન છું, હોમ ન્હોય તું. બહાર જા અહીંથી. ફલાણી (માન્યતા) આવી તો હોમમાં ના આવીશ, બહાર જા. તમે તમારા દેશમાં બેસો, અમને અમારા દેશમાં રહેવા દો. તમારું બધું અમે પાડોશી તરીકે ધ્યાન રાખીશું, કારણ કે તમે નિર્જીવ મૂઆ છો. તમારો સ્વયં પ્રકાશ નથી. એટલે હું તમને પ્રકાશ આપીશ, પણ તમે તમારે બહાર બેસો. ડખો ના કરશો અમારામાં. (તો) પોતાનો સાહજિક આનંદ રહે. એનો પાર વગરનો, ગજબનો આનંદ થાય છે ! ગજબ એટલે એનો કંઈ હિસાબ વગરનો.

ભગવાને કહ્યું છે કે સિદ્ધ ભગવાનનો એક મિનિટનો (આનંદ) આખા જગતના તમામ જીવોનો એક વરસ દહાડાનો, આનંદ ભેગો કરે તે એટલા બરાબર થાય છે. લ્યો, એક મિનિટમાં ! સિદ્ધ ભગવાનનો આવો આનંદ (તમને) નથી રહેતો ? તમે આઠમાં ભાગના સિદ્ધ થયેલા છો અને જો તમને કેટલું રહેવું જોઈએ, કે આ શરીર ભારરૂપ લાગ્યા કરવું પડે કે આ બોજો છે. આ ફાઈલ છે તે બોજો છે એવું જ લાગ્યા કરવું જોઈએ. કે આ બોજો છે, આનંદમાં કમી ના કરે એવો નિર્લેપ આત્મા આપ્યો છે. પછી કોઈની સહેજેય ભૂલ ના થાય. સાયન્સ છે આ તો. એક પરમાણુની ભૂલ થાય તો આખું સાયન્સ ફરી જાય છતાં તમારો આત્મા જતો રહેશે નહીં. માટે ફરી ફરી સેટ થાઓ. સીટ બદલાઈ જાય, લપસી જાય તો ફરી સેટ થાઓ, ફરી લપસી જાય તો ફરી સેટ થાઓ. પણ બહારનો મહેનતવાળો આનંદ એ પૌદ્ગલિક આનંદ છે, વિનાશી છે. પ્રયાસથી કરેલું પૌદ્ગલિક કહેવાય.

જે આપણું નથી તેને બાજુએ મૂકી દઈએ એટલે અનંત સુખ પ્રાપ્ત થાય છે. આ બધી પરભારી વસ્તુઓ, આત્મા સિવાય બીજી બધી પરભારી વસ્તુઓ. કોઈ વસ્તુ કોઈ દહાડો તમારી થવાની નથી. માટે આત્મા જે દાદાએ દેખાડ્યો છે તે આત્મા એ જ આપણું સ્વરૂપ અને એ જ મિલકત અને એમાં અનંત સુખનું ધામ છે. પોતાનું સુખધામપણું છે, તેમાં જ રહેવું.

સુખધામમાંથી મહીં બીજા કોઈ પરિણામ ઊભા થાય, શાતા ખસેને તો જાણવું કે શુદ્ધાત્માની બહાર નીકળ્યા. મહીં જે શાતા (નિરાકુળતા) રહે છે ને, મહીં રહે છે ને શાતા ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : અને આ મને શું કહે છે ? બહાર બધેય ઉપાધિ રહે છે પણ મહીં શાતા જતી નથી. મેં કહ્યું, આખા જગતને મહીં અશાતા હોય ને બહાર શાતા હોય, પણ આપણને મહીં શાતા રહે છે એ જ આત્મા. શાતા ખસે નહીં એ જ જોવું, બસ. બીજું કશું જોવું નહીં. શાતા ખસી કે ફરી શુદ્ધાત્માનું ગાયા કરવું, બીજા કશામાં પડવા જેવું જ નથી. સમભાવે ફાઈલોનો નિકાલ કરવો.

સુખ-દુઃખની અસરોથી મુક્ત એ જ આનંદ

પ્રશ્નકર્તા : દાદા, સત્-ચિત્ત બન્ને સ્વરૂપ સમજાય છે પણ આનંદ પકડમાં નથી આવતું.

દાદાશ્રી : એ તો અમારી આજ્ઞા પાળે તો નર્યો આનંદ જ હોય. આજ્ઞા પાળનાર જોઈએ. કોઈ દહાડોય ગૂંચાય નહીં ને આનંદ રહે.

તમને શું રહે છે ભઈ, ‘હું શુદ્ધાત્મા છું’ એ રહે છે ?

પ્રશ્નકર્તા : હા, અખંડ(પણે). ગમે તેવા સંજોગોમાં ચિંતા-દુઃખ ના રહે પણ પરમ આનંદ સ્વરૂપ શું છે એ બરોબર હજુ પકડમાં આવતું નથી.

દાદાશ્રી : દુઃખમાં જે આનંદમય સ્થિતિ રહે, એનું નામ આનંદ કહેવાય.

પ્રશ્નકર્તા : દુઃખ તો ઊડી જ જાય છે આમ.

દાદાશ્રી : એ જ આનંદ. આનંદ હોય ત્યારે સુખ ને દુઃખની અસરો ઊડી જાય, એનું નામ આનંદ. જગત વિસ્મૃત કરાવડાવે, એનું નામ આનંદ કહેવાય.

પ્રશ્નકર્તા : તો ઉદાસીનતા છે એને ને આનંદને કેટલું છેટું ?

દાદાશ્રી : બહુ છેટું. ઉદાસીનતા એ વૈરાગ્યમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુ છે અને આનંદ તો જ્ઞાનની વસ્તુ. આ તો અમારા જ્ઞાનનું ફળ, તે ઉદાસીનતા જોઈ ના હોય તોય, વૈરાગ્ય જોયો ના હોય તોય.

વધે-ઘટે તે આનંદ પાડોશીનો, સ્વાભાવિક તે આત્માનો

પ્રશ્નકર્તા : ક્યારેક આનંદ-ઉલ્લાસનો અતિરેક થાય તો એ આત્માનો ?

દાદાશ્રી : ઉલ્લાસ વધારે થાય છે એય આત્માનો સ્વભાવ ન્હોય ને જે ડાઉન થાય છે (ઘટી જાય છે) તેય આત્માનો આનંદ ન્હોય. એ દ્રષ્ટિફેરનો રોગ છે. તે ઊંચે-નીચે જાય છે તેય પાડોશી ચંદુભાઈને ત્યાંનો છે માલ. આત્મા તો તે સ્વાભાવિક આનંદમાં રહે છે.

પ્રશ્નકર્તા : એટલે જે અતિરેક આનંદ અમુક થાય એ છે તે હોય નહીં એ, પણ એના જેવો દેખાવ કરે.

દાદાશ્રી : એ જે અતિ થાય તેય આપણે ન્હોય. આપણા પાડોશીને જે ડાઉન થઈ જાય છે તેય (આપણે) નહીં. આ તો બધા પાડોશીના ગુણધર્મ છે, અતિ થવું, નીચે જવું, ઘટવધ થવું. એનાથી (જુદા રહીને) પોતે પોતાના ઘરમાં જ મુકામ રાખવો. એટલે ત્યાર પછી મોઢા પર આનંદ આવશે. કો’કને એમ લાગશે કે ભઈ કંઈક નવી જાતની શોધખોળ લાવ્યા છે ! કંઈક છે, આમની પાસે કંઈક છે ! મૂળ વસ્તુમાં આવો ઉલ્લાસ વધઘટ થાય એ આત્મવિભાગ નથી.

પ્રશ્નકર્તા : આનંદ એ આત્માનો અન્વય ગુણ ગણાય છે ને ?

દાદાશ્રી : હા, આનંદ એ તો આત્માના સહચારી ગુણોમાંનો એક ગુણ છે, અન્વય ગુણ છે. આત્મા જાણ્યા પછી આત્માનો શુદ્ધ પર્યાયિક આનંદ ઉત્પન્ન થાય છે. તે ક્રમે ક્રમે વધતો વધતો સંપૂર્ણ દશાને પામે છે. જેમ બહારના બધા જ સંજોગોમાંથી મુક્ત થઈ ગયા પછી ઠેઠ કેવળજ્ઞાન થતા સુધી અમુક ભાગ શુદ્ધ પર્યાયમાં ના રહે. કેવળજ્ઞાન પછી જ્યારે બધા જ (ભાગ) શુદ્ધ પર્યાયોમાં આવી જાય, પછી એ મોક્ષે જાય.

પ્રશ્નકર્તા : પૂર્ણસ્વરૂપ થાય તેનું શું કર્તવ્ય ?

દાદાશ્રી : ચંદ્રને પડવો બીજ, ત્રીજ એમાં એનું શું કર્તવ્ય ? જેટલું આવરણ તૂટ્યું તેટલું અજવાળું આપે.

બધા ફેઝીઝ જતા રહે પછી પૂર્ણ આત્મા તે આનંદનો કંદ છે ને આખી દુનિયા પોતાનામાં ઝળકે. એ દુનિયામાં ના ઝળકે, જેમ અરીસામાં ઝળકે તેમ. પછી અવલંબન ના લે.

ત્યાંથી પછી આવવાનું નહીં પાછા. ફરી કર્મ લાગે નહીં. એને ત્યાં નર્યું પરમાનંદ સુખ ભોગવવાનું, કાયમનું. પોતાના સ્વાભાવિક ગુણમાં જ, સુખમાં જ રહ્યા કરવાનું. અને આ બધાને ત્યાં જ જવાનું છે જ્યારે ત્યારે.

સ્વાભાવિક સુખને માટે નહીં જરૂર શરીરની

પ્રશ્નકર્તા : પણ એ સુખની પછી જો શરીર ના હોય ત્યાં, તો સુખની ખબર કેમ પડે ?

દાદાશ્રી : આ દેહ છે ને, એટલે જ સુખ ખબર નથી પડતી. આ દેહને લઈને તો સુખ બિલકુલ ખબર નથી પડતી. આ આપણે જે સુખ કહીએ છીએ એ સાચું સુખ નથી. એ તો શાતા વેદનીય છે, અને દુઃખ તે અશાતા વેદનીય છે. આ સાચું સુખ નથી. સાચું સુખ તો સનાતન સુખ, જે સુખ આવ્યા પછી જાય જ નહીં.

પ્રશ્નકર્તા : પણ એ સુખની ખબર કયા અંગને પડે ?

દાદાશ્રી : અંગ જોઈએ જ નહીં. આ અંગને (ખબર) પડે છે ને એ વેદનીય કહેવાય. એ (પેલું) સ્વાભાવિક સુખ છે.

સ્વાભાવિક એટલે એ પોતે જ આનંદથી ભરપૂર છે. આ તો બીજામાંથી આનંદ લેવા નીકળ્યો છે કે આમાંથી આનંદ લઉં કે આમાંથી આનંદ કે જલેબીમાંથી લઉં ! તે પોતે આરોપ કરે છે (માટે) જલેબીમાં આનંદ લાગે છે, નહીં તો ના લાગે. ઊલટું દુઃખ લાગે. એટલે વસ્તુઓમાં આનંદ નથી. પોતાનો આનંદ એમાં નાખે છે ઊલટો.

પ્રશ્નકર્તા : એ દેહ વગરના સુખનો અનુભવ અત્યારે કેવી રીતે થાય ?

દાદાશ્રી : દેહ વગરના સુખનો અનુભવ પોતે ચિંતવન કરે પણ એ દેહ તો છે જ જોડે, એટલે એ સુખ પેલા જેવું ના થાય. એ તો આના ઉપરથી આપણે હિસાબ કાઢવાનો કે અહીં જો આટલું બધું સુખ છે તો ત્યાં કેવું સુખ હશે !

સિદ્ધગતિમાં જ્ઞાન-દર્શનથી સુખનો સ્વાનુભવ

પ્રશ્નકર્તા : જે સિદ્ધગતિમાં છે, મોક્ષે ગયા છે, એ લોકો દેહ વગરનું જે સુખ અનુભવ કરે છે, તો એ સુખ કોણ અનુભવ કરે છે ?

દાદાશ્રી : પોતે જ, પોતે પોતાનો અનુભવ કરે છે. પોતે પોતાનું સ્વાનુભવ સુખ ભોગવ્યા જ કરે છે અને નિરંતર ગતિમાન છે પાછા. એમને કાર્ય શું છે ? જ્ઞાનક્રિયા અને દર્શનક્રિયા, જે નિરંતર ચાલુ જ રહે છે !

પ્રશ્નકર્તા : પછી એને શું જરૂર છે ત્યાં, આ જ્ઞાનક્રિયા-દર્શનક્રિયાની ?

દાદાશ્રી : એ તો સ્વભાવ છે એમનો. આ લાઈટ છે, એ નિરંતર આપણને જોયા કરતું હશેને ? આ લાઈટ જો ચેતન હોય તો આપણને નિરંતર જોયા જ કરે કે ના કરે ? એવું એ ચેતન જોયા કરે છે.

એ હવે ત્યાં રહીને શું જોતા હશે ? હવે એમની પાસે જ્ઞાન-દર્શન છે ને, એ જ એમનું અનંત જ્ઞાન ને અનંત દર્શન એ વપરાય, એના પરિણામમાં આનંદ હોય. એટલે પહેલા આનંદ ના હોય. આનંદ પહેલા ને પછી જ્ઞાન અને દર્શન, એવું ના હોય. એમનું જ્ઞાન અને દર્શન વપરાય એટલે આનંદ રહે જ ! તે એમને જ્ઞાન-દર્શન સિવાય બીજું કશું છે નહીં. એ સ્વરૂપ જ આખું જ્ઞાનસ્વરૂપ છે, દર્શનસ્વરૂપ છે. મેં હાથ ઊંચો કર્યો, તે બધા સિદ્ધોને જ્ઞાનમાં દેખાય. એ સિદ્ધો જ્ઞેયોને જાણ્યા જ કરે છે. આ જગતમાં જ્ઞેય અને દ્રશ્ય બે જ વસ્તુ છે. જ્ઞેયને જાણ્યા કરે છે અને દ્રશ્યને જોયા કરે છે. એનું પરિણામ શું ? કે અનહદ સુખ, સુખનો પાર જ નહીં. એ સ્વાભાવિક સુખ છે.

પ્રશ્નકર્તા : હવે એ બધા અલગ અલગ હોય કે બધા એક લેવલમાં જ હોય ?

દાદાશ્રી : એમાં ફેરફાર નહીં. એ તો દેહધારી જ ના હોય ને ! એ તો અરૂપી હોય બધા.

પ્રશ્નકર્તા : દાદા, આત્મા મોક્ષમાં જાય અને પછી જ્ઞાતા-દ્રષ્ટા બને, પછી એમાં આગળ વધ્યા કરે ખરો ?

દાદાશ્રી : પછી આગળ વધવાનું રહ્યું જ ક્યાં તે વધે ?

પ્રશ્નકર્તા : બસ, એક સ્થિર સ્થિતિ થઈ ગઈ ?

દાદાશ્રી : પછી એ ધ્યેય ને એ જ પરમાત્મા જીવન, બસ. જે આપણે ખોળીએ છીએ. અનંત અવતારથી શું ખોળીએ છીએ ? ત્યારે કહે, સુખ પણ આવું સુખ આવે પછી દુઃખ આવે એ ગમતું નથી. તો કહે, સનાતન સુખ જોઈએ છે. સનાતન સુખ એ પોતાનો સ્વભાવ.

પ્રશ્નકર્તા : મોક્ષમાં જે સુખ છે તે શેના આધારે છે ? એનો આધાર તો ખરો જ ને ?

દાદાશ્રી : એ દ્રશ્યો ને જ્ઞેયોના આધારે છે. આત્મા એ પોતે જ્ઞાતા-દ્રષ્ટા છે ને સુખ, દ્રશ્યો ને જ્ઞેયોના આધારે છે.

સત્-ચિત્ત એ સ્વરૂપ આત્માનું, આનંદ એ સ્વભાવ

પ્રશ્નકર્તા : દાદા, આત્મા જ્ઞાનસ્વરૂપ છે કે આનંદસ્વરૂપ છે ?

દાદાશ્રી : એ આનંદસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ બધુંય છે. મૂળ એનું સ્વરૂપ જ્ઞાનસ્વરૂપ છે. આનંદ તો એ સ્વભાવ જ છે એનો, સ્વરૂપ નહીં.

પ્રશ્નકર્તા : આપણે જે સચ્ચિદાનંદ કહીએ છીએને, સત્-ચિત્ત- આનંદ, તો એ આત્માનું સ્વરૂપ જ છે ને ?

દાદાશ્રી : નહોય એ. સત્-ચિત્ત એ આત્માનું સ્વરૂપ અને આનંદ એ સ્વભાવ. સત્-ચિત્ત એટલે આત્માનું સ્વરૂપ. એ સત્-ચિત્ત એટલે શુદ્ધતા, શુદ્ધ ચિત્ત, શુદ્ધાત્મા.

પરમાનંદ એ જ મોક્ષ

પ્રશ્નકર્તા : તો પછી આત્માનો સ્વભાવ શો ? પરમાનંદ કે મોક્ષ ?

દાદાશ્રી : બન્ને સ્વભાવ એના !

પ્રશ્નકર્તા : પરમાનંદ અને મોક્ષમાં કંઈ ફેર ખરો ?

દાદાશ્રી : મોક્ષમાં ને પરમાનંદમાં ફેર નહીં. પરમાનંદ ઉત્પન્ન થયોને, એ માણસ એકાદ અવતારમાં મોક્ષનો જ અધિકારી થયો. એટલે પછી આ દેહની મુક્તિ મળી જાય. પછી ફરી દેહ ઉત્પન્ન થાય નહીં.

એટલે પરમાનંદ એ જીવનમુક્ત કહેવાય, એય મોક્ષ કહેવાય છે. એ મોટામાં મોટો મોક્ષ. અત્યારે અમે મોક્ષમાં જ હોઈએ છીએ, કાયમને માટે. વીસ વર્ષથી અમે મોક્ષમાં હોઈએ. જ્ઞાન પહેલા ન્હોતા, ત્યારે તો પાર વગરની ચિંતા ને ઉપાધિઓ, મહીં અહંકાર ને ગાંડપણ બધું.

પરમાનંદ એટલે પરમ તૃપ્તિ. દેહ ગયો એટલે પરમ તૃપ્તિ. દેહ ગયો એટલે પરમાનંદ. દેહનો બોજો છે ત્યાં સુધી તૃપ્તિ. બહાર ગમે તેટલી આફતો આવતી હોય તોય તૃપ્તિ જાય નહીં.

પ્રયત્ને આત્માનંદ, બિનપ્રયત્ને સહજાનંદ, પૂર્ણત્વે પરમાનંદ

પ્રશ્નકર્તા : પરમાનંદ અને આત્માનંદ એ બેઉમાં કંઈ ફરક હોય ?

દાદાશ્રી : આનંદ તો તમને છૂટ્યો છે. તે આનંદ એટલે શું ? ત્યારે કહે કે કોઈ દુઃખ અડે નહીં સંસારમાં, એ આનંદ.

પ્રશ્નકર્તા : અને પરમાનંદ ?

દાદાશ્રી : પરમાનંદ એટલે પોતાના સુખમાં જ પોતે રાચે.

પ્રશ્નકર્તા : તો આનંદ, સહજાનંદ અને પરમાનંદમાં ફેર ક્યાં આવ્યો ?

દાદાશ્રી : સહજાનંદ એટલે વગર પ્રયત્ને આનંદ ઉત્પન્ન થયા કરે, કોઈ પણ જાતના પ્રયત્ન સિવાય. આત્માનંદ પ્રયત્નવાળો છે, સહજાનંદ પ્રયત્ન વગરનો છે અને પરમાનંદ એટલે ભગવાન. આ એકના એક જ જાતનો આનંદ પણ પેલો પ્રયત્ન દશામાં છે, ને પ્રયત્ન વગરનો આનંદ, સહજાનંદ. સહજ એટલે પ્રયત્ન સિવાય, અપ્રયત્ન દશા. અમારું સહજાનંદ હોય અને તમારે છે તે આત્માનંદ હોય.

પ્રશ્નકર્તા : અને સૌથી શ્રેષ્ઠ પરમાનંદ ?

દાદાશ્રી : પરમાનંદ એ પૂર્ણાહુતિ.

આત્મા જોડે અભેદતા, તો થાય પરમાનંદ

આત્માની સાથે નિરંતર રહેનારો ગુણ પરમાનંદનો છે. એ ક્ષણેક્ષણ સાથે રહેનારો. પરમાનંદ વગર આત્મા રહી શકતો નથી. એ પરમાનંદ જો ‘આપણે’ ‘આત્મા’ જોડે એકતા-અભેદતા ઉત્પન્ન થાય એટલે એ પરમાનંદનો આપણને લાભ મળી જાય. આત્માથી છૂટાપણું છે, ‘હું ચંદુભાઈ છું’, તો પછી પરમાનંદ ચાખે નહીં જરાય.

આનંદમાં પેલો દુઃખથી મુક્ત થઈ ગયો, સંસારી દુઃખથી, એટલે હાશ અનુભવે, હાશ ! એ કડવી દવા પીએ છે તોય વાંધો નથી આવતો, કોઈ ગાળ ભાંડી જાય તોય વાંધો નથી આવતો. એ હાશ અનુભવે. અને એ દશાનો અનુભવ થયા પછી પરમાનંદ આવે. પણ તે ઘડીએ આનંદ તો હોય બધો. કોઈ ગાળ ભાંડે તોય મહીં અસર ના થાય એટલે આનંદ તો હોય. સંસારી દુઃખથી અભાવ એ તો બહુ મોટામાં મોટું સુખ કહેવાય.

સ્વભાન થયે રહે પરમાનંદ, જે સ્વભાવ ‘પોતાનો’

પ્રશ્નકર્તા : પરમાનંદમાં કોણ રહે ? હું રહું કે પરમાત્મા રહે ?

દાદાશ્રી : નહીં, તમે પોતે જ, હું જ. ‘હું ચંદુભાઈ નહીં’, ‘હું ચંદુભાઈ’ એ રિલેટિવ વ્યૂ પોઈન્ટથી છે. ‘હું શુદ્ધ ચેતન છું’ એવું ભાન થવું જોઈએ તમને. અસ્તિત્વનું ભાન થવું જોઈએ.

પ્રશ્નકર્તા : ચેતનને પરમાનંદમાં રહેવાની જરૂર ખરી ?

દાદાશ્રી : નહીં, પોતે જ પરમાનંદ સ્વભાવનો જ છે, સ્વાભાવિક પરમાનંદ છે. એને રહેવાની કંઈ જરૂર નથી. પોતે સ્વાભાવિક છે. આ તો તમે ‘હું ચંદુભાઈ’ થયા એટલે તમે પરમાનંદ ખોળો છો. કારણ કે તમને પરમાનંદ છે નહીં.

બુદ્ધિની ડખોડખલ ગેરહાજર, ત્યાં પરમાનંદ હાજર

પ્રશ્નકર્તા : કઈ સ્થિતિને આપણે પરમાનંદ કહીએ ? એનું કંઈ વર્ણન તો હોયને ?

દાદાશ્રી : આ સૂર્યનારાયણ હોય પણ દેખાય નહીં, છતાં નીચે અજવાળું દેખાય. પેલા વાદળ પાતળા છે એટલે અજવાળું છાયારૂપે દેખાય. એવું સુખ અત્યારે તમને મળે છે અને જ્યારે વાદળા ના હોય અને સ્વભાવમાં જ આવી જઈએ તો પરમાનંદ છે.

પ્રશ્નકર્તા : એ પરમાનંદ તરફ જવું કેવી રીતે ?

દાદાશ્રી : બુદ્ધિ ના વપરાય અને જ્ઞાતા-દ્રષ્ટા રહ્યો તો પરમાનંદ હોય જ. ને તે પરમાનંદનો અનુભવ તે જ આત્મ અનુભવ. ડખોડખલ ના કરે, તો તે જ્ઞાતા-દ્રષ્ટા રહે ને તેનું ફળ જ પરમાનંદ. શુદ્ધાત્માનો જ્ઞાયક સ્વભાવ છે. એ સ્વભાવનું ફળ શું ? પરમાનંદ !

ગુપ્ત ચમત્કાર એટલે શું કહેવા માગે છે કે આ પરમાનંદ પોતાની પાસે છે. એ ખોળવા માટે જો આ ધાંધલ માંડી છે, પણ એ જડતો નથી. આ ગુપ્ત ચમત્કાર છે. જો એ જડે તો કામ થઈ ગયું.

જ્યારે પોતે પોતાના દોષ દેખે ત્યારે સ્વયંજ્યોતિ સુખધામ થાય !

 

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18