ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18



આપ્તવાણી

શ્રેણી-૧૪ ભાગ-૪

 [11]

અચ્યુત

સ્થાન છોડે-બદલાય તે ચ્યુત, આત્મા અચ્યુત

પ્રશ્નકર્તા : આત્માના ગુણોમાં આપણે ‘અચ્યુત’ શબ્દ કહીએ છીએને કે ‘હું અચ્યુત છું’, તો અચ્યુત શબ્દનો જરા ફોડ સમજાવો.

દાદાશ્રી : અચ્યુત એટલે ચ્યુત ના થાય. ચ્યુત એટલે ખસી જાય અને અચ્યુત એટલે ખસી ના જાય. જે ખસી જાય, જે સ્થિરતા પકડે નહીં એ ચ્યુત કહેવાય. જે ટકે નહીં, ઘડીવાર આવીને છૂટું પડી જાય એનું નામ ચ્યુત કહેવાય.

ચ્યુત તો સ્થાન છોડ્યા કરે, બદલાયા કરે અને અચ્યુત એટલે પોતાનું સ્થાન ન છોડે. સમજણ પડી તને, અચ્યુત એટલે શું ?

પ્રશ્નકર્તા : એક સોટી હોય, એને ગમે તેટલી વાંકી કરીએ તો એની જગ્યા ના છોડે, ચ્યુત ના થાય. મૂળ જગ્યા છોડે નહીં એ અચ્યુત !

દાદાશ્રી : જગ્યા છોડે નહીં એનું નામ અચ્યુત. આ લક્ષ્મી આવી ને જતી રહે એ ચ્યુત કહેવાય અને આત્મા અચ્યુત છે, જાય નહીં.

આ સંસારની સર્વ જંજાળો ચ્યુત થનાર છે, આ સંસારનો સર્વ નફો-તોટો ચ્યુત થનાર છે, આ સંસારની સર્વ સંપત્તિ ચ્યુત થનાર છે, હું અચ્યુત છું.

ભગવાનેય અચ્યુત ને ‘હું’ય અચ્યુત

આ પોતાનો આત્મા તો અચ્યુત છે. એ કંઈ ખસે નહીં. એ તમારી પાસે ને પાસે રહેશે.

તે અત્યાર સુધી લોકોએ એમ માન્યું કે ભગવાન અચ્યુત છે અને આપણે કહીએ, તમે અચ્યુત નહીં ? ત્યારે કહે, ના, હું તો અચ્યુત શેનો ? ત્યારે મેં તમને બોલતા શીખવાડેલું કે હું અચ્યુત છું. કારણ કે તે રૂપ થઈને બોલ્યા છો. એટલે ‘હું આત્મા છું’ ને ‘હું અચ્યુત છું’ એમ કહેવું જોઈએ.

સ્વપ્રકાશમાં અચ્યુત, પરપ્રકાશમાં ચ્યુત

પોતાની જાતે કરીને અચ્યુત અને પોતાનો પ્રકાશ સમયવર્તી.

પ્રશ્નકર્તા : પ્રકાશ સમયવર્તી ?

દાદાશ્રી : સ્વ-પર પ્રકાશિત છે ને ! સ્વ-પર પ્રકાશિત એટલે સ્વપ્રકાશમાં અચ્યુત અને પરપ્રકાશમાં તે ચેન્જ થયા કરે. અને પોતે અનચેન્જેબલ છે.

અચ્યુત એ વિશેષણ, મૂળ આત્મા એ ઓરિજિનલ

પ્રશ્નકર્તા : દાદા, અચ્યુત એટલે ઓરિજિનલ ના કહેવાય ?

દાદાશ્રી : ઓરિજિનલ ના કહેવાય, આ તો વિશેષણ છે.

પ્રશ્નકર્તા : અચ્યુત એટલે ઓરિજિનલ એવું કેમ ના કહેવાય ? એમાં શું તફાવત ? ઓરિજિનલ એટલે મૂળ ?

દાદાશ્રી : મૂળમાં તો એ બધું કહેવું હોય તો બધાય શબ્દો કહેવાય. પણ એને પોતાને સમજાવવું પડેને ? બધાને ઓરિજિનલ કહીએ તેનો અર્થ જ નહીંને ? ઓરિજનલ એટલે તો મૌલિક હોય. વસ્તુ તેને કહેવાય. મૂળ આત્માને ઓરિજિનલ કહેવાય. આ બીજા બધા એના ગુણ છે, વિશેષણ છે.

પ્રશ્નકર્તા : અચ્યુત એટલે નોનસેપરેબલ ?

દાદાશ્રી : બરોબર છે. એ એની ભાષામાં સમજે એ બરોબર છે.

સંબંધો-સંયોગો ચ્યુત, આત્મા એકલો જ અચ્યુત

આ પરિવર્તનશીલ બધું ચ્યુત કહેવાય. આત્મા અચ્યુત છે, બીજું બધું ચ્યુત સ્વભાવનું છે.

આ રિલેટિવ બધું ચ્યુત સ્વભાવનું છે. આપણે ના કહીશું તોય હડહડાટ (સડસડાટ) જતું રહેશે. ઝાલી રાખીએ તોય કશું નહીં. કરાર કરીએ તોય જતું રહે. જતું રહે કે ના જતું રહે ?

પ્રશ્નકર્તા : જતું રહે.

દાદાશ્રી : મન-વચન-કાયા એ ચ્યુત સ્વભાવના છે, પોતાની જગ્યા છોડી દે એવા છે. પ્રકૃતિનો સ્વભાવ જ આવો છે. એનો ચ્યુત થવો એ સ્વભાવ છે ને આપણો અચ્યુત સ્વભાવ છે. આ સંસારના સંબંધોયે ચ્યુત સ્વભાવના છે.

આ બધા સંબંધો જેટલા છે એ ચ્યુત થનાર છે. મા-બાપ, વાઈફ બધું ચ્યુત થનાર છે. તે આ બધી વસ્તુઓ ચ્યુત. સંબંધો માત્ર ચ્યુત. સંબંધ થાય અને છૂટા પડી જાય. સંયોગો બધા વિયોગી સ્વભાવના, એ ચ્યુત કહેવાય. અને આત્મા શું કહે છે ? હું અચ્યુત છું. તું મને ભેગો થયો પછી હું તારાથી ખસું નહીં. ક્યારેય પણ નહીં, કોઈ પણ સંજોગોમાં.

આ સંસારના સંબંધો ખસી જાય એવા છે. બાપને છોકરા જોડે ઝગડો થાય તો કોર્ટમાં બેઉ જણ જાય પણ ‘પોતે’ અચ્યુત ખસે નહીં. આ સંજોગોને ખસતા વાર નહીં લાગે અને આત્મા ખસશે નહીં એટલે આત્મા ઉપર બેસી જજે. આ એકલો જ સંબંધ આત્માનો એ અચ્યુત છે, એ પોતાનો જ છે સંબંધ. તેથી કૃષ્ણ ભગવાન કહે છે, ‘હું અચ્યુત છું.’

ડાયવોર્સ (છૂટા) થાય એ બધુંય ચ્યુત

આ સંસારના સર્વ સંબંધો ડાયવોર્સ થનાર છે, હું અચ્યુત છું. ચ્યુત એટલે ડાયવોર્સ કરે એ. જે સંબંધ જતા રહે આવીને, સંબંધ થઈને જતો રહે. જે ડાયવોર્સ લે, એને અચ્યુત કેમ કહેવાય ? કોઈએ લગ્ન કર્યું હોય અને વાઈફ ડાયવોર્સ લે તો (સંબંધ) ચ્યુત થઈ ગયોને ? ડાયવોર્સ લે એટલે (સંબંધ) ચ્યુત થઈ ગયો કહેવાય અને ડાયવોર્સ ના લે એટલે અચ્યુત. આ બધા સંબંધો ડાયવોર્સ થનારા. ક્યારે ડાયવોર્સ લઈ લે, એ કહેવાય નહીં.

આ મારો સસરો, તે કાયમના હોય એવી વાતો કરેને લોકો ! કાયમનો સસરો હોતો હશે ?

પ્રશ્નકર્તા : ના હોય.

દાદાશ્રી : ક્યાં સુધીની સગાઈ ? ડાયવોર્સ નથી લીધો ત્યાં સુધી. કાલ ડાયવોર્સ લઈ લે તો કહેવાય આપણાથી ? એવું આ જગત ડાયવોર્સવાળું જગત છે.

જેટલા સંજોગો છે એ બધા ચ્યુત સ્વભાવના છે. ડાયવોર્સ થનાર છે, માટે એને પૈણીને શું કામ ? બધા સંજોગો ડાયવોર્સ થનારા એટલે ચ્યુત. આપણે છીએ અચ્યુત.

રૂપી નિરંતર થાય ચ્યુત, અરૂપી આત્મા અચ્યુત

પ્રશ્નકર્તા : સંયોગોમાત્ર ચ્યુત થનાર છે.

દાદાશ્રી : હંઅ. બધી ચીજ ચ્યુત જ છે, પુદ્ગલમાત્ર, દાંત-બાંત એ પણ, વાળ-બાળ બધું ચ્યુત.

આ મન-વચન-કાયા બધું ચ્યુત થયા જ કરે, નિરંતર થયા કરે પણ એ દેખાય નહીં. તમને તો એ જાણે એકનું એક જ દેખાયા કરે, પણ નિરંતર થયા જ કરતું હોય.

રોજ બદલાયા જ કરે છે ને ? ગોરી હોય તો શામળી થતી જાય છે. શામળી હોય તો ગોરી થાય. પલટા માર્યા જ કરે છે ને ! તે આ બધું ચ્યુત છે અને આત્મા અચ્યુત છે. એને કંઈ થાય નહીં.

માણસ મરી જાય એટલે છૂટી જાય કે ના છૂટી જાય ? સ્થાનભ્રષ્ટ થાય એ બધું ચ્યુત. રૂપી બધું ચ્યુત, અરૂપી અચ્યુત.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18