ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18



આપ્તવાણી

શ્રેણી-૧૪ ભાગ-૪

 [13]

અજન્મ-અમર-નિત્ય

[13.1]

અજન્મ

છ તત્ત્વો જ અજન્મા, બાકી બધું જન્મા

પ્રશ્નકર્તા : અજન્મા આત્મા એટલે શું ?

દાદાશ્રી : આત્મા સ્વભાવથી જ અજન્મા છે. અજન્મા જ છે પોતે. આ તો પોતે આત્મારૂપ થાય તો પોતે અજન્મા થાય પણ પોતે તો ચંદુલાલ થયા. એટલે આ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ભેગું થયું. બૉડી ને બૉડીનો માલિક થયો. ‘હું છું ને આ હું જ છું’ તે આ શરીર મરે, તે એની જોડે આપણેય મરવાનું.

આ દુનિયામાં કોઈ ચીજ અજન્મા નથી. એક ફક્ત છ ઈટર્નલ ચીજ સિવાય, બીજી બધી જન્મા છે. એટલે મન, બુદ્ધિ બધું જ જન્મેલું છે.

ભગવાન આત્મારૂપે અજન્મા, દેહ છે તે જન્મા

પ્રશ્નકર્તા : તો પછી ભગવાનને અજન્મા કેમ કહ્યું ?

દાદાશ્રી : અજન્મા છે તો આત્મા અજન્મા છે. આત્માને ભગવાન કહે છે પણ જે દેહ સાથે ભગવાન છે, કૃષ્ણ ભગવાન ને બધા જે છે એ દેહ સાથે હોય. પણ દેહ છે તે અજન્મા ના હોય, મહીં આત્મા અજન્મા છે. એ પોતે દેહ હોવા છતાં આત્મસ્વરૂપ થઈ ગયેલા એટલે અજન્મા કહેવાય. તમેય અજન્મા ખરા કે નહીં ? તમેય અજન્મા ખરાને ! જન્મ પામ્યા ચંદુભાઈ અને તમે અજન્મા છો. આટલું ભાન થાય એટલે માણસ પૂરો જાગ્રત કહેવાય ! પછી તમે અવિનાશી છો, ચંદુભાઈ વિનાશી છે, એક જ સ્થાનમાં બન્ને હોવા છતાં.

આ દરેક બીજ હોય છે ને, એ દરેક બીજમાં વિનાશીય છે અને અવિનાશીય છે. અવિનાશી બીજની અંદર જ હોય, બીજની બહાર હોય નહીં. બીજની બહાર જે અવિનાશી હોય તે આખા બ્રહ્માંડથી નિવૃત્તિ થઈ ગયેલા હોય, સિદ્ધદશામાં હોય.

દેહ સાથે જન્મે છતાં અજન્મા સ્વભાવનો આત્મા

પ્રશ્નકર્તા : આત્માનો મોક્ષ થાય પછી તો જન્મ ન થાય, પણ જો મોક્ષ ન થયો અને ફરીથી શરીરનો જન્મ થાય તો એની સાથે સંકળાયેલો જે આત્મા છે એ એની સાથે ને સાથે રહે કે કેવી રીતે થાય એનું ?

દાદાશ્રી : એનો એ જ, બીજો કોઈ નહીં. એ તો અનંત અવતારથી એકનો એક જ આત્મા.

પ્રશ્નકર્તા : હા, જો એનો એ જ જાય તો આપણે એમ કહીએ છીએ કે આત્મા અજન્મ છે, આત્માનો જન્મ નથી તો પુદ્ગલનો જન્મ થાય એની સાથે ને સાથે આત્મા જોડાયેલો જાય, તો એનો જન્મ ન થયો કહેવાય ?

દાદાશ્રી : ના, આત્માનો જન્મ થયો કહેવાય નહીંને !

પ્રશ્નકર્તા : એ કેવી રીતે ? કારણ કે સાથે ને સાથે જ જોડાયેલો છે.

દાદાશ્રી : એનો સ્વભાવ જ નથી, પોતે અજન્મા સ્વભાવનો છે. આ એને પુદ્ગલનો સંયોગ છે. પુદ્ગલના સંયોગમાં ફસાયો છે. એ વિયોગ થઈ જાય તો પોતે મુક્ત જ છે.

પ્રશ્નકર્તા : હા, વિયોગ થઈ જાય એટલે મુક્ત થઈ ગયો. પણ જ્યાં સુધી ફસાયેલો છે ત્યાં સુધી પુદ્ગલની સાથે એનો જન્મ થયા કરેને ?

દાદાશ્રી : એનો જન્મ થાય નહીં.

દેહ જન્મે-મરે એ સંસારી અવસ્થા, અજન્મા આત્મા

પ્રશ્નકર્તા : આપ જેમ કહો છો એની સાથે લાગેલો તો ખરો જ તો પુદ્ગલનો જેમ જન્મ થયો તેમ આત્માનો સાથે જન્મ થયોને ?

દાદાશ્રી : ના, એથી આપણા લોકો કહે છે ને જીવનો જન્મ થયો ! પુદ્ગલની અવસ્થા ને આરોપ આત્મા ઉપર કરવામાં આવે છે કે જીવનો જન્મ થયો.

પ્રશ્નકર્તા : મારો પ્રશ્ન એ છે કે આત્મા મારી સાથે સંકળાયેલો છે આજે, મારા આત્માનો મોક્ષ થાય !

દાદાશ્રી : તમે જ છો, તમે જ છો એ.

પ્રશ્નકર્તા : મારો મોક્ષ થાય તો તો સવાલ ઊભો થતો નથી પણ મોક્ષ ન થાય ને ફરીથી જન્મ થાય તો મારી સાથે જે આત્મા સંકળાયેલો છે આજે, એ પાછો એની સાથે ને સાથે રહે છે. તો એ મારો ફરીથી જન્મ થયો તો એની સાથે સંકળાયેલો આત્મા એમને ફરીથી જન્મ થયો ન કહેવાય ?

દાદાશ્રી : અવસ્થા કહેવાય આત્માની. જન્મ તો દેહનો જ કહેવાય ને મરેય દેહ. આત્મા મરી ગયો એમ કોઈ કહેતું નથીને ? દેહ મરી જાય છે ને જન્મેય છે તે દેહ. પણ આત્માની અવસ્થા છે અત્યારે, સંસારી અવસ્થા.

પ્રશ્નકર્તા : તો મૃત્યુ જેવી વસ્તુ છે ખરી ?

દાદાશ્રી : મૃત્યુ તો આ જે જન્મેલો છે, તેનું મૃત્યુ થયું. જે જન્મતો જ નથી એનું મૃત્યુય કેવું ? એટલે આત્મા અજન્મા-અમર છે. અને મૃત્યુ તો આ દેહ જન્મ્યો, માટે એ મરી જવાનો.

જીવે અને મરે એ જીવ ને અમરપદ પ્રાપ્ત કરે એ આત્મા. આત્મા એ ‘સેલ્ફ’ છે ને જીવ ‘રિલેટિવ સેલ્ફ’ છે. જીવ તો અવસ્થા છે.

પ્રશ્નકર્તા : હવે એટલે એનો અર્થ એવો થયો કે પુનર્જન્મ થયો તો આ જીવાત્મા છે એનો પુનર્જન્મ થાય છે, આત્માનો પુનર્જન્મ નથી થતો ?

દાદાશ્રી : તે એને કંઈ છે જ નહીંને ! એ તો મૂળ શુદ્ધ જ છે. એને જન્મ ને અજન્મ ને કશું છે જ નહીં. જન્મ-અજન્મ તો આ જે માને છે કે હું આ જન્મ્યો તે મરે છે, ને મરે છે એ જન્મે છે પાછો. જેને મરે છે એ ભ્રાંતિ છે તે પુનર્જન્મ લે છે. મરતો જ નથી તેને પુનર્જન્મ કેવો ? આત્મા અજર, અમર, અવિનાશી ને દેહાતીત છે.

પ્રશ્નકર્તા : અજર એટલે શું ?

દાદાશ્રી : એટલે આ જગતમાં મૂળ તત્ત્વ અજર હોય અને અવસ્થાઓ જર હોય. એટલે અજર કયું હોય ? જે ઘૈડું ના થાય, મૂળ તત્ત્વ.

‘અજન્મા-જન્મ’ પદ, જ્ઞાનીકૃપાએ

જ્ઞાની મળે ને જ્ઞાન પામે તો અજન્મા સ્વભાવ પ્રગટ થાય અને જન્માજન્મનો સ્વભાવ ઊડી જાય.

અનેક જન્મ લીધા પણ અજન્મા થવાનો વારો આવતો નથી. પણ અમને મળ્યા એટલે (મોક્ષની) ટિકિટ ફાડીને ભટકવાનું બધું બંધ કરાવી દઈએ.

પેલા જન્મવાળા જન્મ તો બહુ ફેરા થયા અને પછી મરવું પડે. આ તો અમરપદ પ્રાપ્ત થયું કહેવાય.

v v v v v

[13.2]

અમર

સૂક્ષ્મતમ વસ્તુ આત્મા, અજર-અમર-અખંડ

આત્મા અજર-અમર-અખંડ, પરમાનંદી સ્વરૂપ છે. તમારું સ્વરૂપ પરમાનંદી છે, અજર છે, અમર છે, અવિનાશી છે.

પ્રશ્નકર્તા : આત્મા સિવાય બીજું કંઈ અમર છે ?

દાદાશ્રી : છયે તત્ત્વ અમર છે. એમાંનું એક આ ચેતન તત્ત્વ. આત્મા એ જ ચેતન તત્ત્વ.

પ્રશ્નકર્તા : આપણો આત્મા છે જે ચેતન છે, એ મરે નહીં એમ કહે છે.

દાદાશ્રી : એ સ્થૂળ વસ્તુ નથી, કે મરી જાય. એ તો સૂક્ષ્મતમ વસ્તુ છે. એને મરવાનું હોય જ નહીં. આ આકાશ જેવી જ વસ્તુ છે. એનો નાશ જ ના થાય ને એ ડુંગરની આરપાર જતો રહે, ભીંતોની આરપાર જતો રહે. એને અગ્નિ બાળી શકે નહીં. પાણી એ (ભીંજવી) કરી શકે નહીં. એના બીજા બધા બહુ ગુણો છે.

પ્રાણના આધારે સંબંધ, દેહ અને આત્માનો

પ્રશ્નકર્તા : આપણે કહીએ છીએ કે પ્રાણ અને આત્મા એક નથી, તો એનો અર્થ સમજાવો.

દાદાશ્રી : પ્રાણ તો શ્વાસોશ્વાસ લઈએ છીએ એને પ્રાણ કહેવાય. શ્વાસ લઈએ એને પ્રાણ કહેવાય અને છોડીએ એને અપ્રાણ કહેવાય, અપાન કહેવાય. એટલે શ્વાસોશ્વાસ એ કંઈ આત્મા નથી, એ પુદ્ગલ છે અને આત્મા ચેતન છે. બે જુદી વસ્તુ છે.

પ્રશ્નકર્તા : તો એમાં એમ કહે છે કે પ્રાણ જતો રહ્યો એટલે એ આત્માના સંદર્ભમાં કહેવામાં આવતું હોય છે ?

દાદાશ્રી : હા, એ પ્રાણના આધારે દેહ અને આત્માનો સંબંધ છે. વચ્ચે પ્રાણનો આધાર છે. પ્રાણ ખસી જાય એટલે બે જુદા પડી જાય. પ્રાણની દોરીથી આયુષ્ય બંધાયું છે.

પ્રશ્નકર્તા : એમ કહે છે કે આ પ્રાણ જે છે તે આત્મા અને દેહ એને જોડનારી કડી છે ?

દાદાશ્રી : એને આધારે જ આત્મા રહ્યો છે આ દેહમાં. આ જીવાત્મા બધા પ્રાણના આધારે જીવે છે દેહાધ્યાસવાળા અને આત્મજ્ઞાનીઓ આત્માના સ્વભાવથી જીવે છે. એટલે જે પ્રાણના આધારે જીવતા નથી, એ કાયમ જીવતા જ રહે. પ્રાણના આધારે તો દેહ જીવે છે. દેહ-મન-બુદ્ધિ-અહંકાર ને આ દેહાધ્યાસ બધો પ્રાણના આધારે જીવે છે અને તમે તમારા સ્વભાવથી જીવી રહ્યા છો. આત્માનો સ્વભાવ જ અમર છે, અવિનાશી છે.

અને આ પ્રાણ છે તે જ્યારે દેહ છૂટો પડવાનો થાય, આત્મા જુદો પડવાનો થાયને, તરત હં હં કરીને નીકળી જાય જલદી. એટલે પછી (આત્મા) છૂટો થઈ જાય.

પ્રશ્નકર્તા : આ પ્રાણ બંધ થાય એની જોડે જ આત્મા છૂટો પડી જાય છે ?

દાદાશ્રી : આ પ્રાણ બંધ થયો એટલે છૂટો જ. પ્રાણ બંધ થયો એટલે (દેહરૂપી) ગાડીઓ-બાડીઓ બધું બંધ.

પ્રશ્નકર્તા : આ પ્રાણનો આધાર તૂટી કેવી રીતે જતો હશે ?

દાદાશ્રી : એ પ્રાણ આયુષ્યકર્મ બાંધેલું તે તેના આધારે વીંટાયેલો છે. એટલે જેટલું આયુષ્યકર્મ છે એટલો એ પ્રાણ વીંટાયેલો છે. એટલે પ્રાણ જેટલો વધારે વપરાઈ જાય એટલું આયુષ્યકર્મ પછી ખપી જાય વધારે. એટલે ક્રોધ-માન-માયા-લોભમાં વધારે ખપી જાય. દુષ્ચારિત્ર કરે ત્યારે એકદમ ખપી જાય અને સારા ચારિત્રવાળાને પ્રાણ ઓછો ખપે, તો એ વધારે જીવે સારી રીતે.

દેહ મરવાનો ને ‘હું’ અમર એ રિયલપદ

પ્રશ્નકર્તા : આગળ કહ્યું એમ દેહાધ્યાસવાળા પ્રાણને આધારે જીવે મરે છે એટલે આ રિલેટિવમાં જ મરવાનું હોય છે ને રિયલમાં તો કશું નહીંને ?

દાદાશ્રી : એટલે જો તમે મરવાના છો, તો રિલેટિવમાં છો અને તમને પોતાને જો એવી ખાતરી થઈ ગઈ કે હું અમર જ છું અને દેહ મરવાનો છે, તો તમે રિયલમાં છો.

આ તો જ્યાં મરવાનું પદ છે ત્યાં જ તું માનું છું કે ‘હું જ ચંદુ છું.’ એ પદ આખું બદલાઈ ગયું એટલે થઈ રહ્યું, ખલાસ થઈ ગયું.

એ ચંદુ તો ઓળખવાનું સાધન છે. ખરેખર ‘હું શું છું’ એ જાણવું જ જોઈએ ને ? ખરેખર એ તું જાણું એટલે પછી તારે મરવાનું રહ્યું જ નહીં, એ અમરપદ થયું.

મૃત્યુ પર વિજય, અધ્યાત્મ વિજ્ઞાનથી

પ્રશ્નકર્તા : અમરપદ વિશે સમજાવશો ?

દાદાશ્રી : અમરપદ એટલે શું ? આત્મજ્ઞાન થાય એટલે અમરપદ. ‘પોતે આત્મા છું’ એવું ભાન રહે તો એ અમર જ છે. પછી મરવાનું હોય જ નહીંને ! પછી તમે ચંદુભાઈ હોય તો મરોને ? ચંદુભાઈ (પદ) છૂટી ગયું. હવે મરી જઈશ કે જીવતો રહીશ ?

પ્રશ્નકર્તા : હું તો અમર છું ને, દાદા ! ચંદુ મરી જવાનો છે.

દાદાશ્રી : હા, તારે તો મરવાનું નહીંને ? ચંદુ મરે. જે જીવે છે, દવાઓ પીએ છે એ મરે. જે જીવે છે એ મરે. જે જીવતો નથી, નિરંતર છે તેને મરવાનું હોતું હશે ? અવિનાશીને મરવાનું હોય ? અવિનાશી થઈને બેઠો છું ને ? ત્યારે ખરું.

આ જ્ઞાન લીધા પછી ફરી મરવાનું ના હોય, એનું નામ અમર. આ અમર જ્ઞાન જેને થયા કરે, એને મરવાનો ભો ના લાગે. બધા કેટલાય માણસો એવા રેગ્યુલર સ્ટેજ પર આવ્યા છે.

આપણે કંઈ જ્ઞાન લીધેલા માણસ મરવાના તો નથીને ? તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : દેહ મરે આ, પોતે તો આત્મા છે. મરવાનો સવાલ જ ક્યાં રહ્યો હવે ? તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : બરોબર છે.

દાદાશ્રી : તું મરું ખરો ?

પ્રશ્નકર્તા : ના મરું.

દાદાશ્રી : હંઅ, જુઓ, અમર થઈને બેઠા છે ને ! ત્યારે હવે રોફ મારે છે.

અમરપદધારીને ભય શાને ?

પ્રશ્નકર્તા : ખરું છે દાદા, અમને હવે મરણનો ભય પણ નથી લાગતો !

દાદાશ્રી : તમને મનમાં એમ છે કે દાદા છે મારી સાથે. એટલે ભય નથી રહેતો. અને આપણે શુદ્ધાત્મા થયેલા છીએ. અમરપદ લીધું છે ! અમરપદને ભય શો ?

તમને તો અમરપદ આપી દીધું છે. મરશે તો દેહ મરશે, આપણે અમર જ છીએ.

માણસ મરે છે એક વખત અને સો વખત બોલે એય મરી ગયો, એય મરી ગયો. લોકો સો વખત બોલે છે કે નથી બોલતા ? આ કંઈ રીત છે માણસોની ? મરવાનું આવે તોયે ‘મરી ગયો’ ના બોલીએ, કારણ કે આપણે તો અમર છીએ, આપણે મરવાનું શાનું હોય તે ?

આપણા મહાત્માઓ તો પુરુષ થયેલા, તે આ શ્વાસ ના ચાલ્યો તો મહીં ગૂંગળામણ થાય એટલે પછી પોતાની ગુફામાં પેસી જાય કે ચાલો, આપણે આપણી સેફ સાઈડવાળી જગ્યામાં. એટલે પોતે અમરપદના ભાનવાળા છે આ !

સદેહે અમર ! એટલે આ દેહ સાથે આપણે બધા અમર જ થઈ ગયા છીએ ને ! દેહ કોઈનો અમર થાય નહીં. પુદ્ગલ વિનાશી જ હોય અને આત્મા અવિનાશી.

બૉમ્બ પડવા માંડ્યા તો મહીં ફફડી જાય, તે ઘડીએ કહેવું આ બૉમ્બ તો મરવાના હોય તેને, ‘ચંદુભાઈ, મારે આયુષ્ય ના હોય. આયુષ્ય જેને મરવાનું હોય તેને, હું તો અમર છું.’

‘અમરપદ’ જાણ્યા પછી બુઝે નહીં, ઝગે નહીં

જ્યાં સુધી આપણને પોતાને પોતાનું અમરપદ જાણવામાં ન આવે, એ પામે નહીં ત્યાં સુધી કલ્યાણ પામ્યો નથી. અમરપદ જો જાણી લીધું તો કલ્યાણ થઈ ગયું ! પછી તે પદ બૂઝે નહીં કે ઝગે નહીં.

આપણા મહાત્માઓએ તો અમરપદ બૂઝી લીધું, જાણી લીધું એટલે તે રૂપ જ થઈ ગયા અને બહારના કોઈક કહે કે અમને સાક્ષાત્કાર થયો તે તો અમરપદના ફોટાનો, મૂળ વસ્તુનો નહીં.

ભૂતકાળ ને ભવિષ્યકાળ જોડે આપણે લેવાય નથી ને દેવાય નથી. વર્તમાનમાં જ રહે એનું નામ અમરપદ. અમે વર્તમાનમાં એવા ને એવા જ રહીએ છીએ. રાત્રે ઊઠાડો તોય એવા ને દહાડે ઊઠાડો તોય એવા. જ્યારે જોઈએ ત્યારે એવા ને એવા જ હોઈએ.

પ્રશ્નકર્તા : એટલે આ જે આત્મા અમર છે, તો આત્માને આત્માનું પોતાનું સમજાય કે હું શુદ્ધાત્મા જ છું. પછી એને બીજું ખોળિયું ના કરવું પડે ?

દાદાશ્રી : ના, એક થોડોક થોડોક મેલ ચોંટી જાય, તે એક-બે અવતાર પછી કાઢવા પડે.

પ્રશ્નકર્તા : એટલે પછી આત્મા અમર રહે એમ ?

દાદાશ્રી : આત્મા અમર જ છે ને આત્મામાં જ રહે એ. એનો ઉપયોગ, જાગૃતિ બધી આત્મામાં જ હોય.

v v v v v

[13.3]

નિત્ય

નિત્ય હોય પરમેનન્ટ-અવિનાશી-સ્વાભાવિક

પ્રશ્નકર્તા : આત્માની ઉત્પત્તિનું કારણ શું ?

દાદાશ્રી : એવું છે ને, આત્મા એનું નામ કહેવાય કે જે ઉત્પન્ન જ ના થાય, વિનાશ ના થાય. એ પરમેનન્ટ હોય. પરમેનન્ટની ઉત્પત્તિ ના હોય, એવું તને સમજાય કે ના સમજાય ? આ ટેમ્પરરી વસ્તુ છે તો એની ઉત્પત્તિ હોય, પણ પરમેનન્ટ વસ્તુની ઉત્પત્તિ હોય ખરી ? એટલે આત્મા અંદર જે છે એ પરમેનન્ટ છે. આપણા લોક કહે છે ને કે દેહ મરી જાય ત્યારે આત્મા નીકળી ગયો. એ નીકળી જઈને પાછું બીજું ખોળિયું પ્રાપ્ત થાય છે. પણ ખોળિયા બદલાયા કરે છે ને પોતે પરમેનન્ટ હોય છે. એટલે આત્માની ઉત્પત્તિનું કારણ જ નથી રહ્યું. ઉત્પન્ન થાય ક્યારે કે વિનાશી હોય ત્યારે. આત્મા તો અવિનાશી છે, નિત્ય છે.

આ જગતમાં છ અનાદિ તત્ત્વો છે, એટલે કે સનાતન તત્ત્વ છે. એ છએ તત્ત્વો જ હકીકતમાં કાયમના માટે, પરમેનન્ટ, નિત્ય છે. જે કાયમ હોય, ક્યારેય વિનાશ ન થાય એને નિત્ય કહેવાય, અનિત્ય નહીં.

નિત્ય વસ્તુ કોને કહેવાય ? નિત્યનીય વ્યાખ્યા હોય છે. જે વસ્તુ નિત્ય છે એ બીજી વસ્તુઓની બનાવટથી ના હોય, સ્વાભાવિક હોય. બીજી કોઈ પણ વસ્તુ, અવાજ-બવાજ બધું નિત્ય હોય નહીં. અવાજ તો આમ ઘસાય કે આમતેમ બીજી વસ્તુઓથી થાય તો, નહીં તો થાય કેવી રીતે ? હા, એટલે અનિત્ય, બીજું બધું અનિત્ય.

છએ તત્ત્વો નિત્ય પણ તેની અવસ્થાઓ અનિત્ય

પ્રશ્નકર્તા : આત્મા નિત્ય છે કે તમે કહ્યું એમ છએ તત્ત્વ નિત્ય છે, એ વિશે વધુ ફોડ પાડશો ?

દાદાશ્રી : આત્મા એ નિત્ય છે એવા બીજા પાંચ નિત્ય તત્ત્વો છે. આ બધા જે તત્ત્વો છે એ નિત્ય છે અને કોઈ કોઈમાં ભળે એવા નથી, કોઈ કોઈને હેલ્પ કરે એવા નથી, કોઈ કોઈને નુકસાન કરે એવા નથી છતાં ભેગા રહે છે. એ છ તત્ત્વોનો સ્વભાવ શું છે ? નિરંતર પરિવર્તનશીલ. અને સ્વભાવે ચોખ્ખા છે. ચોખ્ખામાં ફેરફાર થયોય નથી, ફેરફાર થતોય નથી અને થશેય નહીં. ફક્ત પરિવર્તનશીલ (સ્વભાવ)ને લઈને એની આમ અવસ્થાઓ બદલાયા કરે છે. જગત આખું અવસ્થાને જુએ છે ને અવસ્થાને નિત્ય માની લે છે. અનિત્ય વસ્તુને નિત્ય માની લઈ અને દુઃખી થયા કરે છે. આ તો ખાલી અવસ્થા ઊભી થઈ છે.

એનું છ તત્ત્વોનું સમસરણ એટલે નિરંતર પરિવર્તન થતું હોવાથી એમાંથી આ બધી અવસ્થાઓ ઊભી થાય છે. એ અવસ્થાઓ બધી વિનાશી છે અને વિનાશીને જુએ છે, જાણે છે એ પોતે અવિનાશી છે, નિત્ય છે. એ નિત્ય હોવાથી અનિત્યને જોઈ શકે છે.

ન થાય આત્મા નિત્ય પ્રત્યક્ષ, સંયોગો છે ત્યાં સુધી

પ્રશ્નકર્તા : આત્મસિદ્ધિમાં લખ્યું છે કે ‘જે જે સંયોગો દેખીએ, તે તે અનુભવ દ્રશ્ય, ઉપજે નહીં સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ.’ આનો વિશેષ કંઈ અર્થ સમજાવો.

દાદાશ્રી : જે જે સંયોગ દેખીએ, તે તે અનુભવ દ્રશ્ય. એ તો આ બધાય, આ જેટલા દેખાય એટલા અનુભવમાં આવી જ જાયને કે આ સંયોગ છે. આ કાકો છે, મામો છે, ફલાણો છે, ફુવો છે, આ બાઈ છે, ગધેડો છે, કૂતરું છે એ બધા સંયોગો. એ તો અનુભવ આવ્યા પણ આ સંયોગથી આત્મા પ્રત્યક્ષ નહીં થાય, કહે છે.

પ્રશ્નકર્તા : નિત્ય પ્રત્યક્ષ એમ કહે છે તે ?

દાદાશ્રી : હા, નિત્ય પ્રત્યક્ષ. જ્યાં સુધી સંયોગો છે ત્યાં સુધી આત્મા નિત્ય પ્રત્યક્ષ નહીં થાય. અમને (બહિર્ભાવ રૂપી) સંયોગ હોતો નથી એટલે અમને નિત્ય પ્રત્યક્ષ હોય છે. અમને સંયોગ જ હોતો નથી અને તમારે તો સંયોગ જાય નહીં, ને જ્યાં સુધી આર્તધ્યાન-રૌદ્રધ્યાન થાય છે ત્યાં સુધી નર્યા સંયોગોનું જ કારખાનું છે.

વસ્તુ સ્વરૂપ ત્રિકાળી આત્મા, નથી બન્યો કોઈ સંયોગથી

પ્રશ્નકર્તા : નિત્ય પ્રત્યક્ષ સમજાયું, પછી આ જે કહે છે ‘ઉપજે નહીં સંયોગથી’ તે શું ?

દાદાશ્રી : જે જે સંયોગ દેખીએ તે તે અનુભવ દ્રશ્ય, જે સંયોગો દેખીએ તે આ દહીંની છાશ બનાવી અને પછી મહીં છે તે મરચું-મીઠું (નાખીએ એ) બધા સંયોગો દેખીએ એ અનુભવ દ્રશ્ય. એ બધા સંયોગો ભેગા થવાથી કઢી થઈ એ તો આપણા અનુભવમાં આવે છે પણ ‘ઉપજે નહીં સંયોગથી આત્મા નિત્ય પ્રત્યક્ષ.’ એવા સંયોગથી આત્મા બનેલો નથી, કહે છે. એવું બધું ભેગું કરવાથી થયો નથી, આ મિક્ષ્ચર કરવાથી, વસ્તુ ભેગી કરવાથી બન્યો નથી. આ બનાવેલો બન્યો નથી, વસ્તુસ્વરૂપ પોતે જ છે અને સંયોગોથી બનેલો નથી, અસંયોગી છે.

પ્રશ્નકર્તા : એ સ્વયં જ છે, ત્રિકાળી સિદ્ધ જ છે ?

દાદાશ્રી : ના, એ ત્રિકાળી સિદ્ધ જુદી વસ્તુ છે ને આ અહીં શું કહેવા માગે છે કે આત્મા કોઈ પણ વસ્તુ ભેગી કરવાથી થયો નથી. એટલે ઉત્પન્ન થયો નથી, લય થયો નથી. ઉત્પન્ન થઈ લય કોણ થાય ? સંયોગો ભેગા કરીએ ત્યારે ઉત્પન્ન થાય અને સંયોગો વિખરાય ત્યારે લય થાય. છાશ, મરચું, મીઠું, હળદર, હિંગ નાખીને પછી ભેગું કર્યું, કઢી થઈ પણ એ સંયોગોનું ભેગું સ્વરૂપ કહેવાય.

પ્રશ્નકર્તા : એ તો જડનું સ્વરૂપ કહેવાયને ?

દાદાશ્રી : એ જડનું. પણ આ આત્મા એવી રીતે વસ્તુઓ ભેગી કરીને બનાવેલો નથી. વસ્તુઓ ભેગી કરીને જો બનાવેલો હોત તો ઉત્પન્ન થયો કહેવાય અને તો લય થાય. એવું ઉત્પન્ન-લય થાય નહીં એવી આ કાયમી વસ્તુ છે, ત્રિકાળી. પહેલા પણ હતી, અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ હશે. એમાં કંઈ એક પણ પ્રદેશ ઓછો-વધતો ન થાય એવો એ આત્મા છે.

સંયોગોથી પર આત્મા, ત્યાં સ્વાભાવિક નિત્યતા

પ્રશ્નકર્તા : ‘જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય. એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય.’

‘જે કોઈ સંયોગોથી નહીં, જેની ઉત્પત્તિ થાય. નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય.’

દાદાશ્રી : આત્મા સંયોગથી ઉત્પન્ન થતો નથી અને નાશ પણ થતો નથી. સંયોગોનો નાશ થાય. સંયોગો વિયોગી સ્વભાવના હોય. સંયોગથી જે થયું એ તો વિયોગ થઈ જ જાય. અને આ તો સ્વાભાવિક નિત્યતા છે.

પ્રશ્નકર્તા : એમાં આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે, એવું કહ્યું છે.

દાદાશ્રી : હા, સંયોગ પદાર્થ નથી. સંયોગ હોય તો એનો વિયોગ થઈ જાય. સંજોગોથી ભેગી થયેલી વસ્તુ એ જ્યારે વિયોગ થાય ત્યારે છૂટી પડી જાય, એ નાશ થઈ જાય અને આત્મા નિત્ય છે. એટલે એને કોઈએ બનાવવો પડ્યો નથી. કોઈને બનાવવાની એને જરૂરેય નથી જ. એમાંથી વધઘટ થતું નથી, કંઈ ચેન્જ થતો નથી, એવો આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે.

આત્મા નિશ્ચયથી નિત્ય, વ્યવહારથી અનિત્ય

પ્રશ્નકર્તા : આત્મા નિત્ય છે એ જે કહ્યું છે, એ વ્યવહારથી પણ નિત્ય, એવી વાત છે ?

દાદાશ્રી : ના, એ વ્યવહારથી નિત્ય નથી. વ્યવહારથી તો આત્મા અનિત્ય છે. વ્યવહારથી આત્મા કેવો છે એવું બધું જો વર્ણન કર્યું હોતને તો નિશ્ચયથી કેવો છે એનું વર્ણન ખ્યાલ રહેત એમને કે વ્યવહારથી અનિત્ય છે.

આત્માના દ્રવ્ય-ગુણ નિત્ય, પર્યાય વિનાશી

પ્રશ્નકર્તા : આત્મા ગુણથી નિત્ય છે, પર્યાયથી નિત્ય છે કે બધી રીતે નિત્ય છે ?

દાદાશ્રી : પર્યાય એકલા અનિત્ય હોય અને ગુણથી નિત્ય છે. ગુણ બધા નિત્ય હોય અને ગુણો જ્યારે કાર્યકારી થયા હોય ત્યારે પર્યાય કહેવાય.

આ સૂર્યનારાયણ છે ને, એમાં તે સૂર્યનારાયણ દ્રવ્ય કહેવાય, વસ્તુ કહેવાય. પ્રકાશ નામનો ગુણ કહેવાય અને રેઝ (કિરણો) એના બહાર પડે એ પર્યાય કહેવાય. તે પર્યાયો નાશ થાય. એના ગુણ અને વસ્તુ નાશ ના થાય.

પ્રશ્નકર્તા : દાદા, આ દ્રવ્યે કરીને તે એનો અર્થ એવો થયો કે આત્મા એને અવકાશ છે કે જગ્યા રોકે છે કે એવું ખરું ? એ અવકાશ ખરો, એને જગ્યા ખરી ? દ્રવ્યને તો જગ્યા હોયને ? દ્રવ્યને આકાર હોય, દ્રવ્યને અવકાશ હોય...

દાદાશ્રી : ના, એ દ્રવ્ય તો, ત્યાં આગળ (ભૌતિકમાં) આપણે એને (પદાર્થને) દ્રવ્ય કહીએ છીએ અને અહીં જે દ્રવ્ય કહે છે ને એ (સનાતન) વસ્તુને આપણે દ્રવ્ય કહીએ છીએ, પણ વસ્તુ સમજણ ના પડે એટલે દ્રવ્ય બોલીએ છીએ. વસ્તુ એટલે આ જે તમે દ્રવ્ય કહો છો ને, તે અનિત્ય વસ્તુઓ છે અને આ દ્રવ્ય નિત્યને માટે છે. નિત્યમાં આ રૂપી કયું છે ? એક જ તત્ત્વ છે કે જે આ અણુ-પરમાણુ આવે છે ને, એ એકલું જ. આ જગતમાં આંખે દેખાય છે એ બધું રૂપી છે. એક જ તત્ત્વનું આ બધું આંખે દેખાય છે આપણને. બીજા છે તે તત્ત્વો દેખાતા નથી. મહીં છૂપા છે ખરા. તેથી આપણે દ્રવ્ય કહ્યું છે એને. આત્મા દ્રવ્યે નિત્ય છે, વસ્તુ સ્વભાવે પોતે નિત્ય છે પણ અવસ્થાથી પલટાયા કરે છે. એને અવસ્થા ઉત્પન્ન થવી, વિનાશ થવી અને ધ્રુવ તરીકે રહેવી. ઉત્પાત, વ્યય, ધ્રુવથી એની અવસ્થાઓ બધી બદલાયા કરે છે.

આત્મા નિત્ય સ્વરૂપ હોય અને પ્રકૃતિ સ્વરૂપ એ અવસ્થા સ્વરૂપ હોય. ફર્યા જ કરે નિરંતર. જો તમે આત્મસ્વરૂપ છો તો મોક્ષ તમારો છે અને પ્રકૃતિસ્વરૂપ છો તો તમને બંધન છે.

નિત્યભાવ પૂરો સમજાયો નથી પણ અનિત્યભાવ ગયો

પ્રશ્નકર્તા : આત્માની સ્થિતિ, સ્વરૂપ, ધ્યેય શું છે ?

દાદાશ્રી : શુદ્ધાત્મા તો પરમાત્માસ્વરૂપ છે, એની સ્થિતિ નિત્ય છે એટલે અવિનાશી. અને એને ધ્યેય હોય નહીં, કોઈ પણ જાતનું ધ્યેય નહીં એ જ શુદ્ધાત્મા.

પ્રશ્નકર્તા : એટલે હવે શુદ્ધાત્મારૂપે હું અવિનાશી છું, મારો કોઈ વિનાશ નથી.

દાદાશ્રી : હા, નિત્ય છું એટલે પરમેનન્ટ, સનાતન, શાશ્વતો. એ નિત્યપણું સમજાય છે ને ? આત્માનું સનાતનપણું સમજાય છે ને ?

પ્રશ્નકર્તા : એ હજુ બરાબર ખબર નથી. મને અનુભવમાં હોય પણ કહી ના શકું.

દાદાશ્રી : હા, બરાબર છે. પણ પેલો તો અનિત્યભાવ તો ‘હું મરી જઈશ, હું મરી જઈશ’ એ બધો જે હતો, એ અનિત્યભાવ ગયો, એટલે નિત્યમાં આવ્યા હવે.

અનિત્યને જાણનારો હોય નિત્ય

સંસારના લોકોય નિત્યને સમજે છે કે જેને એમ કહે કે આ ટેમ્પરરી શું કરવા લાવ્યો ? જ્યાં તકલાદી કહે છે ને, ટેમ્પરરી કહે છે, એ ટેમ્પરરી કહેનાર ટેમ્પરરી ના હોય. એ પરમેનન્ટ હોય તો જ ટેમ્પરરીને ટેમ્પરરી કહી શકે, નહીં તો ટેમ્પરરી કહી શકે શી રીતે ? પણ પોતે પરમેનન્ટ છે એવું ભાન નથી.

અનિત્યને સમજનારો નિત્ય હોવો જોઈએ, નહીં તો અનિત્ય નામ પડે નહીં. આપણા લોક શું કહે છે કે આ તકલાદી છે, આ તકલાદી છે, પણ તેને કહેનારો તકલાદી નથી. નહીં તો તકલાદી શબ્દ જુદો ના પડે. પોતેય તકલાદી ને બીજાય તકલાદી, તો તકલાદી બોલવાની જરૂર નથી. એટલે પોતે કાયમનો છે, માટે તકલાદી બોલી શકે.

દેહાધ્યાસ જતા અનિત્યભાવ ગયો ને થયો નિર્ભય

પ્રશ્નકર્તા : આમ તો ટેમ્પરરી અને પરમેનન્ટ, એ મનથી કરીને ઊભી કરેલી બધી મથામણો છે ને ?

દાદાશ્રી : ના, મથામણો નથી. તમને આ બધું જે વળગણ છે ને, તે બધું જ ટેમ્પરરી છે. અત્યાર સુધી ટેમ્પરરીમાં જ જીવતા’તા. જ્ઞાન ન હતુંને ત્યારે હું જ છું આ, હું જ બ્રાહ્મણ છું, ફલાણો છું, બધું એમાં જ જીવતા’તા અને પછી ડૉક્ટરને કહે, ‘સાહેબ, મને બચાવજો.’ ઘૈડપણમાં કહે ખરા ડૉક્ટરને ? પણ પેલા ડૉક્ટરની બહેન મરી ગઈ, મા ગઈ, એ શું તને બચાવવાનો છે ?

પ્રશ્નકર્તા : અનિત્ય ભાવનાનું કારણ શું ? અનિત્ય ભાવનાની પરિસ્થિતિ થાય તો એ પરિસ્થિતિમાં કેમનું રહેવું ?

દાદાશ્રી : દેહાધ્યાસ છે તો અનિત્યભાવ જ છે અને દેહાધ્યાસ જાય તો અનિત્યભાવ છે નહીં. બે ભાગ જુદા છે. આપણું જ્ઞાન મળ્યું તો તેને દેહાધ્યાસ ગયો, એટલે અનિત્ય ભાવ રહેતો નથી.

જ્યાં સુધી દેહાધ્યાસ છે, દેહને ‘હું છું’ એમ માને તે વિનાશી ચીજને ‘હું છું’ એમ માને એટલે પોતે વિનાશી થાય છે. ‘હું શુદ્ધાત્મા છું’ એટલે ‘હું અવિનાશી છું, નિત્ય છું’ એ ભાન થયું એટલે પછી અવિનાશી.

પ્રશ્નકર્તા : નિત્યભાવમાં જો આવી જાય તો એ કાયમને માટે એ પરિસ્થિતિમાં આવે, ત્યારે કેવી સ્થિતિ હોય એની ?

દાદાશ્રી : ભય છૂટી જાય બિલકુલ. જગતનો બિલકુલ જ ભય નહીં. થોડો ઘણો ભય રહે છે ને, એ પૂર્વભવનો ભરેલો ભય છે અને મેં આત્મા આપ્યોને, એમાં ભય નથી, નિર્ભયતા.

નિરાલંબ સામે નિત્ય નાનું લાગે દાદાને

પ્રશ્નકર્તા : આપે અનુભૂતિમાં એવું કયું તત્ત્વ અનુભવ્યું, કઈ વાત તમે અનુભવી કે જેથી કરીને તમે અંતરથી દ્રઢ નિર્ણય કરો કે આ નિત્ય જ છું હું.

દાદાશ્રી : નિત્ય છે એવું ? ઓહોહો, નિત્ય તો કેટલાય કાળથી મને અનુભવ છે ! નિત્ય એવું તો. એ અનુભવમાં હું તો જુદો જ અનુભવું છું. આ દેહ જ હું નથી એવું મને લાગે. હું તો કોઈ દહાડો અંબાલાલ નામેય ભૂલી જઉ છું.

પ્રશ્નકર્તા : એ તો બરાબર છે, કારણ કે પોતે સ્વ-સ્વરૂપે અનુભવે એટલે...

દાદાશ્રી : આ જે નિત્ય આપ કહો છો ને કે નિત્ય (અક્ષર) એ તો નાની બાબત છે, એમાં તો કંઈ મોટી વસ્તુ છે નહીં. હું તો એ જગ્યા ઉપર બેઠેલો છું કે જે આત્મા જગતે ક્યારેય પણ જાણ્યો નથી. હું નિરાલંબ (અક્ષરાતીત) આત્મા ઉપર પહોંચેલો છું. જ્યાં શબ્દનું પણ અવલંબન નથી ત્યાં હું પહોંચેલો છું. એટલે તમે મને ગમે એમ કરો, ગાળો ભાંડો, મારો, ગમે તે કરો પણ મને પહોંચી શકો નહીં. કશું જ થાય નહીં એને, એવો આત્મા છું.

નિત્ય તો નાના છોકરાં પણ સમજે એવી વસ્તુ છે. તે એમાં બીજી સમજવાની વસ્તુ નથી અને પુનર્જન્મ એ નિત્યપણું સૂચવે છે. નાના છોકરાંઓય સમજે છે કે આત્મા નીકળી ગયો. ડૉક્ટરોય નાડી જોઈને જ કહે છે, આત્મા નીકળી ગયો મહીંથી. આ દેહ અનિત્ય (ક્ષર) છે તે પડી રહ્યો અને જે નીકળી ગયો તે નિત્ય છે.

મરવાનો ભય જ નહીં એ નિત્ય સ્વરૂપનો અનુભવ

પ્રશ્નકર્તા : એનો બીજો જન્મ નિત્યપણું સૂચવે છે એ તો સાચી વાત છે જ, પણ એવું તમે શું અનુભવ્યું કે જેથી કરીને તમને નિત્યત્વની પ્રતીતિ છે ?

દાદાશ્રી : એ નિત્ય સ્વરૂપ લાગે છે ને, એટલે મરવાનો ભો જ નથી લાગતો. એ નિત્ય સ્વરૂપ ઓછું છે કે જેને કોઈ દહાડો એક ક્ષણવાર મરવાનો ભો જ લાગ્યો નથી ? આ બધાની રૂબરૂમાં કહી દઉ છું કે જ્યારે જવું હોય ત્યારે જાવ. પછી એથી વધારે તો નિત્યપણું કેટલુંક...

માઉન્ટ આબુમાં પાલનપુરના એક ભઈ આવ્યા હતા. તે મને કહે છે કે આત્મા નિત્ય છે એનો પુરાવો આપો. ત્યારે મેં કહ્યું, એ તો આપણા હિન્દુસ્તાનના બધા બાળકોય જાણી જાય છે કે ભઈ, આત્મા આમ નીકળી ગયો. ડૉક્ટરો કહે છે, મહીંથી નીકળી ગયો આત્મા, એ નિત્યતાનો પુરાવો તમને લાગતો નથી ? ત્યારે કહે, એવો પુરાવો નહીં, પ્રત્યક્ષ પુરાવો. એક્ઝેક્ટ પુરાવો આપો. ત્યારે મેં કહ્યું, આ દેહ હમણે જ લઈ લો. અમે પોતે નિત્ય જ છીએ એવું અમને અનુભવમાં જ છે અને હું આ દેહની અંદર રહેતો જ નથી. હું એક ક્ષણવાર આ દેહમાં રહ્યો નથી. પાડોશી તરીકે રહું છું, બાવીસ વર્ષ થયા. એટલે એમને ખાતરી થઈ ગઈ. એમણે કબૂલ કરી દીધેલું કે તમે દેહ લઈ લેવાનું કહો છો ત્યાંથી જ આત્મા નિત્ય છે, એનું તમને ભાન છે.

પ્રશ્નકર્તા : નિત્ય છો એનું ભાન છે !

દાદાશ્રી : હા, શાને માટે ભય, હમણે જ લઈ લેને ! અમને વાંધો છે જ નહીં. અને તેમ છતાં છૂટી જવાની ઈચ્છા નથી. કારણ કે મનમાં એવી ભાવના છે કે જે સુખ હું પામ્યો છું એ સુખ લોકો પામો. ભાવના એટલી છે ખરી. છતાંય કોઈ દેહ લઈ લે તો વાંધો નથી. પણ છે તો સારું છે, લાગે કે લોકો કંઈક પામે.

‘નિત્ય’ આત્મા સંગ, જ્ઞાની સદા નિરાલંબ

આત્મા શાશ્વત જ છે, નિત્ય છે, સનાતન છે, અનુભવમાં આવે એવો છે અને હું તેમાં જ રહું છું, એ આત્મામાં જ રહું છું. એટલે અવલંબનેય નથી. આ વર્લ્ડમાં કોઈ શબ્દનું પણ મને અવલંબન નથી. આ દાદાનું જ્ઞાન આપેલા તમે બધા હાઈ-ટૉપ ઉપર જાવ તોય તમને ‘હું શુદ્ધાત્મા છું’ એ શબ્દનું અવલંબન હોય અને અમારે તો એ શબ્દનુંય અવલંબન ના હોય.

એનો વાંધો નહીં, એ શબ્દના અવલંબન ઉપર આવો તોય બહુ થઈ ગયું, પણ જો એ પ્રમાણે આ જ્ઞાનમાં આવોને તો ઘણું બધું થઈ ગયું. એ ભગવાન કહેવાય.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18