ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18



આપ્તવાણી

શ્રેણી-૧૪ ભાગ-૪

[15]

નિર્વિકારી-અનાસક્ત

[15.1]

વિકારી-નિર્વિકારી

આત્મા નિર્વિકારી, પણ અહંકારી ચિંતવને થાય વિકારી

પ્રશ્નકર્તા : આત્મા નિર્વિકારી છે, તો પછી આ જીવાત્મા બધા વિકારી કેવી રીતે થાય છે ?

દાદાશ્રી : આત્માનો (અજ્ઞાનતામાં) એક ગુણ એવો છે, કે જેવો ચિંતવે તેવો જ થઈ જાય. આમ મૂળ ગુણ નિર્વિકારી છે, પણ એ ચિંતવે કે ‘હું વિકારી છું’ તો વિકારી થઈ જાય. મૂળ ગુણ જાય નહીં, પણ ચિંતવેલો ગુણ નાશ પામે.

પ્રશ્નકર્તા : એટલે આ વિકારી અથવા નિર્વિકારી એ પોતે જ થાય છે ?

દાદાશ્રી : આમ સંજોગો બાઝે ત્યારે વિકારીય થઈ જાય. એ પોતે કહેય ખરો, મારો સ્વભાવ વિકારી છે. અને નિર્વિકારીય થઈ જાય, આમ સંજોગો બાઝે તો.

પ્રશ્નકર્તા : એ કોણ ?

દાદાશ્રી : અહંકાર.

પ્રશ્નકર્તા : એટલે આ અહંકાર તો છે જ. અહંકાર તો જે અસ્તિત્વ હતું પણ એ સંજોગો પ્રમાણે બદલાય એનું.

દાદાશ્રી : અહંકાર ના હોય તો આ કશું થાય જ નહીં.

પ્રશ્નકર્તા : આ કશું એટલે ?

દાદાશ્રી : આ વિકાર જ ના થાય અને એ પાછો નિર્વિકારેય ના થાય. અહંકાર છે તો થાય છે.

‘હું’ની વર્તનાએ, વર્તાય વિકારી-નિર્વિકારીપણું

પ્રશ્નકર્તા : મૂળ આત્મા તો નિર્વિકારી જ છે !

દાદાશ્રી : ત્યાં તો વિકાર હોય જ નહીં. અકામી, અનાસક્ત !

પ્રશ્નકર્તા : એટલે આ અહંકારેય તે રૂપ થઈ શકે છે એટલો ? અહંકાર પણ નિર્વિકાર થઈ શકે છે ?

દાદાશ્રી : નિર્વિકારી જ છે. એને વળી કહે છે. ‘હું શુદ્ધાત્મા’ ત્યાં શુદ્ધ થઈ ગયો અને ‘હું વિકારી છું’ તો વિકારી થઈ ગયો. નિર્વિકારી તો નિર્વિકારી, હું બ્રહ્મચારી તે બ્રહ્મચારી થઈ ગયો.

હું ક્યાં વર્તે છે તેનાથી નિરાગીપણું તથા નિર્વિકારીપણું સમજી શકાય. આ ‘હું નહોય’ ને ‘મારું નહોય’ એ નિર્વિકારી છે. ‘આ હું છું’ અને ‘આ મારું છે’ એ વિકારી સંબંધ છે. વિકારી સંબંધ તે પ્રતિષ્ઠિત આત્માનો છે, શુદ્ધાત્મા તો નિર્વિકારી છે.

પુદ્ગલપક્ષી અહંકાર, કરે બધું વિકારી

પ્રશ્નકર્તા : આત્માની હાજરી વગર આ વિકારી ગુણો ઉત્પન્ન થાય નહીં, તો પેલાને વિકારી થવામાં હાજરીનું નિમિત્ત એમાં શું કામ કરી જાય છે કે જેથી પેલું વિકારી બને છે ?

દાદાશ્રી : આ સૂર્યની હાજરીથી પેલા સેલ ભરાય છે ને ? તેમ આત્માની હાજરીથી બધું થઈ જાય છે. એમાં આત્મા, ભગવાન કશું કરતા નથી. એ તો પ્રકાશ આપે છે જીવમાત્રને.

પ્રશ્નકર્તા : એ ભગવાન તો સહજ પ્રકાશે છે, તો પછી આ વચ્ચે કોણ છે કે જે આ બધું વિકારી કરી નાખે છે ?

દાદાશ્રી : જે મોક્ષ ખોળે છે તે, બંધાયેલો છે તે.

પ્રશ્નકર્તા : અને એ આપે કીધું અહંકાર ?

દાદાશ્રી : હા, અહંકાર ને મમતા. જે બંધાયેલો છે તે છૂટવા માગે છે.

પ્રશ્નકર્તા : એ જે બંધાયેલો છે તે કયા પક્ષમાં છે ? પ્રકાશના પક્ષમાં છે કે આ પરમાણુઓના પક્ષમાં ?

દાદાશ્રી : પરમાણુઓના પક્ષમાં. એ પરમાણુઓનો બનેલો છે. એ પરમાણુઓનું વિકારી સ્વરૂપ છે.

 પરમાણુની જે વિકારી અવસ્થા છે એને પુદ્ગલ કહે છે. પુદ્ગલ એટલે પૂરણ-ગલન. આત્મા જુદો છે ને આ પૂરણ-ગલન જુદું છે. જ્યાં સુધી પૂરણ-ગલનના સોદામાં છો, ત્યાં સુધી આત્મા પ્રાપ્ત નહીં થાય. એ સોદા જ્યારે બંધ થઈ જશે, એ સોદાના માલિક તમે નહીં રહો ત્યારે તમારો આત્મા પ્રાપ્ત થશે.

વિભાવ-વિશેષભાવ તે વિકાર

પ્રશ્નકર્તા : વિકાર એટલે શું ? વિકારનો સૈદ્ધાંતિક અર્થ સમજાવો.

દાદાશ્રી : આત્મા વિકારમાં આવ્યાથી આ સંસાર ઊભો થઈ ગયો છે. નિર્વિકાર એટલે મોક્ષ.

પ્રશ્નકર્તા : વિકાર જ સમજણ નથી પડતી, વિકાર કોને કહેવાય, વિકાર શબ્દ ?

દાદાશ્રી : આ પાણી પાડીએ, તે એની મેળે નીચે જાય. એ વિકાર ના કહેવાય, નિર્વિકાર કહેવાય. અને પાણીને ઊંચે ચડાવીએ એક ફૂટ, તે વિકાર કહેવાય. પાણીને એક ફૂટ ઊંચે ચડાવે એ એનો સ્વભાવ નથી, એ વિકારી થયું કહેવાય. એવા જાતજાતના વિકાર. આપણે મેળવણ નાખીને દૂધ મૂકીએ અને સવારમાં દહીં થઈ જાય એ વિકારી કહેવાય. આપણે એને દહીં કરવું હોય તો તો જુદી વસ્તુ છે, પણ દૂધ મીઠું હતું ને એમ ને એમ એની મેળે ખાટું થઈ ગયું એ વિકારી ના કહેવાય. આપણે કર્યું હોય એ જુદું અને એની મેળે થઈ જાય એ જુદું.

શુભાશુભ બધું વિકાર, જ્ઞાનક્રિયા નિર્વિકાર

મોક્ષે જવું હોય તો એક માણસ દાન આપે છે તેય વિકાર કહેવાય, જો દયા રાખે છે તેય વિકાર કહેવાય, બધું જ વિકાર કહેવાય. અને સંસારમાં નામ કાઢવું હોય તો દયા રાખે, શાંતિ રાખે તો એ નિર્વિકાર કહેવાય અને એ જૂઠું બોલે, લુચ્ચાઈ કરે, ચોરીઓ કરે, એ વિકાર કહેવાય. એટલે મોક્ષે જવું હોય તો વિકારી સ્વભાવ આવો કહેવાય, જે બધું સારું કરે છે ને એ બધાય વિકારી.

પ્રશ્નકર્તા : મોક્ષે જવું હોય તેને સારું કરે છે એય બધા વિકારી ?

દાદાશ્રી : હા, મોક્ષે જવું હોય તો બધો વિકાર જ છે આ ! વિકાર એટલે આ કરવાનો ભાવ રાખવો નહીં, તો જ મોક્ષે જાય. નિર્વિકારી સ્વભાવ ! આ ‘કારી’ સ્વભાવ નહીં, વિ-કારી. વિકાર... વિ-ક્રિયા કરનારો. પોતાનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ, જ્ઞાનક્રિયા કરવાનો છે. આ વિકાર, ‘કાર’ ખરા પણ વિકાર ! આ જગત બધું એ વિકારી જ છે, જ્ઞાની જ નિર્વિકારી કહેવાય.

પ્રશ્નકર્તા : આ તો આપણે એવું સમજીએ છીએ કે ખરાબ વિચાર આવ્યો એટલે વિકારી. એટલું જ સમજતા’તા...

દાદાશ્રી : લોકો એને વિકારી કહે, કારણ કે વચ્ચે સબ સ્ટેશન છે ને, પુણ્યનું, દાનનું ! એટલે શુભાશુભને, અશુભ કરે એ વિકાર અને શુભ કરે એ વિકાર નહીં એવી માન્યતા છે એ. જ્યારે મોક્ષે જવું હોય તો શુભાશુભ બન્નેય વિકાર છે.

આત્મજ્ઞાને પ્રાપ્ત થાય નિર્વિકારીપદ

વિકારથી જ સંસાર ઊભો થયો છે આ બધો. આ સંસાર એટલે વિષયોનો વિકાર. પાંચ ઈન્દ્રિય વિષયો, એના વિકારો છે. અને મોક્ષ એટલે નિર્વિકાર. આત્મા નિર્વિકાર છે. ત્યાં રાગેય નથી ને દ્વેષેય નથી.

પ્રશ્નકર્તા : નિર્વાસનિક એટલે વાસના વિનાનું. વાસના વિનાનું બનવાનું એ તો ચૈતન્ય જાગૃતિ માટે જ ને ? વાસના વગર રહેવાનું, નિર્વાસનિક.

દાદાશ્રી : વાસના વગર કોઈ રહી શકે જ નહીં. નિર્વાસનિક પણ એક જાતની વાસના જ છે, નિર્વાસનિકપણું કહે છે તે. ‘હું નિર્વાસનાવાળો છું’ તો એ પણ વાસના જ છે.

પ્રશ્નકર્તા : વાત બરાબર છે, પણ એ જે વિકારી કિનારાથી નિર્વિકારી કિનારામાં પહોંચવા માટે કંઈક નાવડું તો હોવું જોઈએ ને ?

દાદાશ્રી : હા, એના માટે આત્માનું જ્ઞાન હોય છે, એ મેળવવું જોઈએ. આ સંસારમાં જ્ઞાન એ તો બુદ્ધિજન્ય જ્ઞાન છે.

પ્રશ્નકર્તા : બુદ્ધિજન્ય જ્ઞાન છે ?

દાદાશ્રી : હા, એટલે સ્વયં પ્રકાશિત જ્ઞાન જોઈએ, જેને વિજ્ઞાન કહેવામાં આવે છે. એ વિજ્ઞાન જોઈએ. એ તો કોઈ જ્ઞાની પુરુષ હોય ત્યારે એની દ્રષ્ટિ બદલાય, નહીં તો દ્રષ્ટિ નથી બદલાતી. રોગ છે ને એ માટે. એટલે દેખે કે તરત રોગ ઊભો થઈ જાય.

પ્રશ્નકર્તા : કારણ કે અહીંયા કર્મની નિર્બળતા પડેલી છે. એ સબળ નથી થયો અહીંયા.

દાદાશ્રી : એ પરસત્તામાં છે ને !

પ્રશ્નકર્તા : એ પરસત્તામાં છે. એ સ્વસત્તામાં હોય તો એ વસ્તુ ન બની શકે.

દાદાશ્રી : હા, હમણે એકલા હોયને તો ત્યાગી પુરુષને કશું હરકત ના આવે. તે કો’ક દેખાય કે મનમાં આમ વિકારભાવ ઉત્પન્ન થઈ જાય. એ જ્યાં સુધી જ્ઞાન થાય નહીં ત્યાં સુધી નિર્વિકારી થઈ શકે નહીં.

સ્વરૂપજ્ઞાનથી અપ્રતિબદ્ધ, રહે વિકારોમાંય નિર્વિકાર

માણસને મુક્તપણાનું ભાન થવું જોઈએ. એ મોક્ષભાવ કહેવાય. મને નિરંતર મુક્તપણાનું ભાન રહે છે, ‘એની વ્હેર’, ‘એની ટાઈમ’. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ કોઈ મને પ્રતિબદ્ધ કરે નહીં. (કોઈ) વસ્તુ પ્રતિબદ્ધ કરનારી નથી. આ તો પાડાને વાંકે પખાલીને ડામ દે દે કર્યા કરે છે.

પ્રશ્નકર્તા : તો પછી પ્રતિબદ્ધ કોણ કરે છે ?

દાદાશ્રી : સ્વરૂપનું અજ્ઞાન પ્રતિબદ્ધ કરનારું છે. હું એ જ કહેવા માગું છું કે તમે આ વિકારોમાં નિર્વિકાર રહી શકો છો. આ વિકાર એ વિકાર નથી, આ તો દ્રષ્ટિફેર છે. આ પ્રતિબદ્ધ કરનારી વસ્તુ જ નથી. તમારી દ્રષ્ટિ વાંકી છે, તો જ પ્રતિબદ્ધ કરે છે.

પ્રશ્નકર્તા : આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી હું સંપૂર્ણપણે નિર્વિકારી થઈ ગયો કે મારો માલ સંપૂર્ણપણે ખપી ગયો એની શી નિશાની ?

દાદાશ્રી : નિશાની તો નિરંતર સમાધિ રહે. આપણને ઉપાધિમાંય સમાધિ રહે.

પ્રશ્નકર્તા : એ તો અત્યારે પણ થોડું ઘણું તો રહે જ છે પણ ?

દાદાશ્રી : ના, પણ સંપૂર્ણ રહે છે તો એ જ નિશાની, બીજું કશું નહીં. નિરંતર જાગૃતિ, એ જ સંપૂર્ણ.

પ્રશ્નકર્તા : એ ઉપાધિ તો આમ જતી રહી. અમે ચિંતામુક્ત થઈ ગયા, તમે બનાવી દીધા. તોય પણ એનીય કંઈક નિશાની હશેને કે, અમને કંઈક એવું વિઝન થાય કે આ પ્રમાણે થાય તો અમે એ પ્રમાણે જાગ્રત થયેલા છીએ પૂર્ણ ?

દાદાશ્રી : વિઝન તો મોટામાં મોટું થઈ ગયું. વિઝન તો ‘હું શુદ્ધાત્મા છું’ એ વિઝન ને બીજામાં શુદ્ધાત્મા દેખાય છે એ વિઝન. બીજા વિઝન કામના નહીંને ! બીજા વિઝન તો બધા નકામા, નાટકીય વિઝન કહેવાય.

v v v v v

[15.2]

અનાસક્ત

સ્વના ભાને થયો પોતે અનાસક્ત-અકામી

પ્રશ્નકર્તા : આ જે જીવાત્મા છે, એને અનાસક્ત ભાવમાં આવવું છે ને ?

દાદાશ્રી : હા, અનાસક્ત થવું છે એને. કારણ કે પોતે અનાસક્ત જ છે, પણ આ પોતાનું ભાન ખોઈ નાખ્યું છે. પોતાનું ભાન ઉત્પન્ન થાય, ‘અનાસક્ત છું’ એવું એ ભાન થઈ ગયું, (હું ચંદુ છું એ) છૂટી ગયું તો ‘અનાસક્ત છે, અકામી છે.’ કોઈ પણ વસ્તુ એમાં છે નહીં, ક્રોધ-માન-માયા-લોભ કશું. આ ક્રોધ-માન-માયા-લોભ એ તો આત્મા-અનાત્મા, જ્ઞાન-અજ્ઞાનના બંધરૂપ છે, સાંકળ છે, નહીં તો અનાસક્ત ભગવાનને આસક્તિ ક્યાંથી ? ભગવાન અનાસક્ત ! મહીં બેઠો છે શુદ્ધાત્મા તે અનાસક્ત છે અને તે અકામી છે પાછો. અને આ બધા કામનાવાળા. આસક્તિ ત્યાં કામના. લોક કહે છે, હું નિષ્કામ થયો છું. તે આસક્તિમાં રહે છે એ નિષ્કામ કહેવાય નહીં. આસક્તિ જોડે કામના હોય જ.

પ્રશ્નકર્તા : આસક્તિ નથી એ અનાસક્ત ભાવ ?

દાદાશ્રી : અનાસક્ત તો વસ્તુ જુદી છે. અનાસક્ત તો કોઈ માણસ હોઈ શકે નહીં. અનાસક્ત તો આત્મા એકલો જ છે. શુદ્ધાત્મા એકલો જ અનાસક્ત છે. અનાસક્ત ભાવ એટલે મૂળ સ્વરૂપને પામ્યા છે તે. જેમ જલેબી ખાય, પછી ચા પાઈએ તો મોળી લાગે તેમ આ સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત થયા પછી મન ભમે જ નહીં, આખું જગત મોળું લાગે, વિષયમાત્ર મોળા લાગે.

આત્મજ્ઞાને થયો અનાસક્ત, પણ પ્રતીતિરૂપે

એવું છે, આ ‘જ્ઞાન’ લીધું ને અમારી આજ્ઞામાં રહે, એ અનાસક્ત કહેવાય. પછી ભલેને એ ખાતો-પીતો હોય કે કાળો કોટ પહેરતો હોય કે ધોળા કોટ-પેન્ટ પહેરતો હોય કે ગમે તે પહેરતો હોય. પણ એ અમારી આજ્ઞામાં રહ્યો એ અનાસક્ત કહેવાય. આ આજ્ઞા અનાસક્તનું જ ‘પ્રોટેક્શન’ છે.

પ્રશ્નકર્તા : આસક્તિમાંથી મુક્ત થવા માટે, અનાસક્ત થવા માટે જ્ઞાની પુરુષનો સત્સંગ અને વિવેક, શ્રેય-પ્રેયની બરાબર સમજણ કે આ મારા શ્રેય-પ્રેય માટે છે. એ વિવેક ન આવે ત્યાં સુધી આસક્તિ જાય નહીં.

દાદાશ્રી : ના જાય, એમ જાય નહીં, પણ જ્ઞાની પુરુષ મળી જાય અને ત્યાં આગળ જો કદી એ આત્મજ્ઞાન થાય તો આસક્તિ તૂટે. જ્ઞાની પુરુષ પોતાને આત્મા પ્રગટ થયેલો છે. હવે આત્મા સ્વભાવે અનાસક્ત છે. દેહમાં રહે તો આસક્તિ છે, દેહથી છૂટા રહે તો અનાસક્ત છે. આત્મબુદ્ધિ દેહમાં તે આસક્તિ અને આત્મબુદ્ધિ દેહમાં ના રહે તે અનાસક્ત. એટલે અનાસક્તનો જોગ બેસવો જોઈએ આપણને અને તે તમને તો બેસી ગયો છે સરસ.

પ્રશ્નકર્તા : એ આમ તમે કહો છો ને દાદા, એટલું સહેલું નથી દેખાતું. ટૂ બી વેરી ફેક્ટ કહું. તમે કહો કે આ થઈ ગયું, કબૂલ. અહીંયા હું બે કલાક બેસું ત્યારે એમ લાગે કે હું અનાસક્ત થઈ ગયો પણ બહાર નીકળ્યો, ચંપલ ન મળે, તો જુઓ મારી આસક્તિ !

દાદાશ્રી : હા, બરાબર છે. ચંપલ ના જડે ત્યારે ખરું. એ વાત તો તમને સમજાયને પણ ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : હવે અહીં જ્ઞાન પ્રાપ્ત થયા પછી શું થયું એ કહું તમને ? ભલે એ મનમાં માની બેસે કે મારે બધું થઈ ગયું છે, પણ શું થયું તે કહું કે ‘હું અનાસક્ત છું’ એ પ્રતીતિ બેઠી છે, વર્તનમાં નથી એ. હવે એ પ્રતીતિ બેઠા પછી ધીમે ધીમે ધીમે એના તરફ, એના પ્રવર્તન ભણી જયા જ કરે છે. અત્યારે માની બેસે કંઈ દહાડો વળે ? નહીં. એટલે આ જે ચંપલ જડતા નથી અને તેમાં આસક્તિ દેખાય છે તે ‘આ મારું સ્વરૂપ ન્હોય, હું અનાસક્ત છું’ એમ કહેવું.

શુદ્ધાત્મા અનાસક્ત, આસક્તિ રહી ચંદુભાઈમાં

એવું છે ને, આત્મા નિરંતર અનાસક્ત જ હતો, અનાસક્ત રહેશે ને અનાસક્ત છે જ. તમે જો આત્મા થયા હોય તો આસક્ત કોણ છે ? ચંદુભાઈ. કોર્ટની કંઈ આસક્તિ હોય તોય ચંદુભાઈને છે, ઘરની હોય તે ચંદુભાઈને છે. તે આપણે જાણવી જોઈએ કે ચંદુભાઈમાં છે. એનો કંઈ દંડ નથી. તમે ચંદુભાઈ છો, તે એનો દંડ છે.

બાકી તમે તો અનાસક્ત (નિષ્કામ સ્વભાવી) છો જ. અનાસક્તિ કંઈ મેં તમને આપી નથી. તમારો સ્વભાવ જ છે અને તમે એમ માનો, કે દાદાનો ઉપકાર મને અનાસક્તિ આપી. ના, ના, મારો ઉપકાર માનવાની જરૂર નથી. તમારો પોતાનો સ્વભાવ છે. તમને કેમ લાગે છે, ચંદુભાઈ ? તમારો પોતાનો સ્વભાવ કે મેં આપ્યું ?

પ્રશ્નકર્તા : પોતાનો જ ને !

દાદાશ્રી : હા, એવું બોલોને જરા. બધુંય ‘મેં આપ્યું, મેં આપ્યું’ કરો તે ક્યારે પાર આવશે ?

પ્રશ્નકર્તા : પણ દાદા, તમે એનું ભાન કરાવ્યુંને ?

દાદાશ્રી : હા, પણ ભાન કરાવ્યું એટલું. બીજું બધું ‘મેં આપ્યું છે’ એમ કહો, પણ બીજું તો તમારું છે ને તમને આપ્યું.

પ્રશ્નકર્તા : એ દાદા, અમારું છે એ આપે અમને આપ્યું, પણ અમારું હતું એવું અમે ક્યાં જાણતા હતા ?

દાદાશ્રી : જાણતા નહોતા પણ જાણ્યું ને છેવટે. જાણ્યું એનો રોફ તો જુદો જ ને ! જાણ્યું તેનો રોફ કેવો પડે, નહીં ? કોઈક ગાળ ભાંડે તોય એનો રોફ ના જાય. હા, એ કેવો રોફ પડે ! અને પેલો રોફવાળાનો ? ‘આમ આમ’ ના કર્યું હોયને, આમ કરવાનું રહી ગયું રિસેપ્શનમાં, તો ટાઢોટપ. ‘બધાને કર્યું ને હું રહી ગયો.’ જો આ રોફ ને એ રોફમાં કેટલો ફેર ?

પ્રશ્નકર્તા : એટલે પહેલા જેમાં આસક્ત હોઈએ છીએ, ત્યાં જ પછી અનાસક્ત પર આવશે ?

દાદાશ્રી : હા, એ તો રસ્તો જ એ છે ને ! એ એના સ્ટેપિંગ જ છે બધા. બાકી છેવટે અનાસક્ત યોગમાં આવવાનું છે. પ્રત્યેક અવસ્થામાં અનાસક્ત યોગ એ જ પૂર્ણ સમાધિ.

 

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18