ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18



આપ્તવાણી

શ્રેણી-૧૪ ભાગ-૪

[૩]

 અનંત શક્તિ

[3.1]

અનંત શક્તિઓ કઈ ? કેવી ?

આત્મશક્તિ અનંત, પણ નથી એ મિકેનિકલ

પ્રશ્નકર્તા : જો આત્મા-પરમાત્મા કશું કરી શકતો ના હોય તો આપણે એને અનંત શક્તિવાળો કેમ કહીએ છીએ ?

દાદાશ્રી : અનંત શક્તિવાળો આત્મા-પરમાત્મા છે પણ આ જે તમે માનો છો એવી મિકેનિકલ શક્તિ એમાં નથી. મિકેનિકલ શક્તિ એ પાવરથી ઊભી થયેલી છે અને આ બધી મિકેનિકલ શક્તિ છે. આ તમે મહીં ખાવાનું નાખો, તો આ મશીન ચાલે. ખાવાનું ના નાખો, હવા ના પૂરો તો મશીન બંધ થઈ જાય.

શક્તિ બે પ્રકારની; એક મશિનરી બનાવવાની શક્તિ અને આ કશું કરે નહીં ને શક્તિ પાર વગરની. ઈશ્વરની શક્તિ અપાર પણ કશું કરવાની નહીં. એની હાજરીથી બધું ચાલે.

પ્રશ્નકર્તા : પણ દાદા, આત્મા જો અક્રિય છે તો પછી આટલી બધી શક્તિ આવી ક્યાંથી એનામાં ?

દાદાશ્રી : અનંત શક્તિનો ધણી છે. અક્રિય છે એટલે આવી ક્રિયા નથી કરતો. આ મહેનતની ક્રિયા મિકેનિકલ છે, મિકેનિકલ નથી કરતો એ. પણ એની જ્ઞાનક્રિયા જબરજસ્ત હોય છે, દર્શનક્રિયા જબરજસ્ત હોય છે. અનંત શક્તિનો ધણી, જબરજસ્ત ! મિકેનિકલ શક્તિ નહીં. આ મશિનરી ફરે ને આ બધું લેવાદેવાની જે મિકેનિકલ શક્તિ છે, એ બધી પુદ્ગલની છે. પરમાણુની શક્તિ છે.

આત્મામાં ચાલવાની શક્તિ નથી, બોલવાની શક્તિ નથી. આત્માની જે શક્તિ છે, એમાંનો અંશ જો લોક જાણતું હોતને, તો લોકોનું કલ્યાણ ના થઈ ગયું હોત ?

આત્મા હાજર તો પુદ્ગલ દેખાય શક્તિશાળી

પ્રશ્નકર્તા : આ જો પુદ્ગલ નીકળી જાય તો આત્મામાંથી શક્તિ નીકળી જાય છે ?

દાદાશ્રી : આ પુદ્ગલ જે શક્તિવાળું દેખાય છે ને, તે આત્મા મહીં છે તેથી. નહીં તો જો આત્મા નીકળી જાયને, તો આ શક્તિવાળું ના દેખાય.

પ્રશ્નકર્તા : હવે આ શક્તિ તો જડ છે ?

દાદાશ્રી : હા, આ જે દેખાય છે એ શક્તિ જડ છે બધી.

પ્રશ્નકર્તા : અને જો આત્મામાંથી આ શક્તિ કાઢી લેવામાં આવે...

દાદાશ્રી : ના, આત્મામાંથી નથી આવતી, આત્માની હાજરીને લીધે આવે છે. આત્મા હાજર છે તો આ શક્તિ ઉત્પન્ન થાય છે. આત્મા જો ગેરહાજર થઈ જાય તો શક્તિ ઊડી જાય.

પ્રશ્નકર્તા : એ આત્મામાંથી નથી આવતી પણ આત્મામાં છે તો ખરીને ?

દાદાશ્રી : એ એની જુદી શક્તિ છે, એમાંથી અહીં શક્તિ આવતી નથી.

આત્મશક્તિ અનંત પણ આવરાયેલી

આત્માની શક્તિઓ સ્વાધીન છે પણ આવરાયેલી છે એટલે કામ નથી લાગતી. ઘરમાં દાટેલો હીરો હોય તો તેની કોને ખબર પડે ? પણ હીરાની શક્તિ હીરામાં ભરી પડી છે.

એટલે આટલી બધી આત્માની અનંત શક્તિઓ આ આવરાયેલી પડી છે. આખું બ્રહ્માંડ ધ્રુજાવે, ડગાવે એટલી શક્તિઓ છે.

જેટલા જીવો છે દુનિયામાં, એ બધા જીવોની ભેગી કરેલી શક્તિ એક આત્મામાં છે બધી. આત્માની શક્તિ છે એ બીજી કોઈ વસ્તુમાં આવતી નથી, એટલી બધી શક્તિઓ છે.

પરમાત્મશક્તિ અનંત પણ સંસારે અશક્ત

આત્માની શક્તિ મહીં છે જ. આત્માની શક્તિ એ તો પરમાત્મપણાની શક્તિ છે. બાકી એ પરમાત્મામાં એક શેક્યો પાપડ ભાંગવાની શક્તિ નથી અને આમ અનંત શક્તિના એ માલિક છે.

પ્રશ્નકર્તા : હં, પાપડ ભાંગવાની શક્તિ નથી પણ તમે એક બાજુ એમ કહો છો કે આત્મામાં અનંત શક્તિ છે, એટલે બે શક્તિઓ થઈ ?

દાદાશ્રી : હા, શક્તિ બે પ્રકારની. એક શક્તિ તે જ્ઞાન-દર્શન, તેમાં લાગણીઓ હોય છે અને બીજી કાર્યશક્તિ, તે તેમાં લાગણીઓ ના હોય.

અનંત શક્તિ છે તે આ શક્તિ, પોતાની શક્તિ તો પાર વગરની છે પણ આવી શક્તિઓ નથી. ત્યાં આ કહે છે, હું પહોંચ્યો એ મારી શક્તિ છે આ તો. અલ્યા, આ તારી શક્તિ છે જ નહીં. આ તો રિઝલ્ટ છે.

મૂળ સ્વરૂપે જડ તત્ત્વ પણ અનંત શક્તિશાળી

પ્રશ્નકર્તા : તો પછી આ જડને પોતાની કોઈ સ્વતંત્ર શક્તિ ખરી કે બધી આત્માને લીધે જ ?

દાદાશ્રી : જડની પણ અનંત શક્તિ. શક્તિ બે પ્રકારની : એક ચૈતન્યશક્તિ અને એક જડશક્તિ. જડમાંય શક્તિ ખરીને પાછી. જોને, અણુમાંથી ખોળી છે ને ! જોયુંને બધી શક્તિઓ ?

પ્રશ્નકર્તા : હવે અત્યારે જે વાત ચાલે છે એ જે પરમાણુ છે એ પરમાણુમાંય શક્તિ છે ?

દાદાશ્રી : પરમાણુમાં ખરીને શક્તિ, પણ પરમાણુ એ અવિભાજ્ય હોય એટલે ફેરફાર ના થાય શક્તિ. પરમાણુ જ્યારે ભેગા થાયને, અણુ થાય. અને અણુને તોડી શકાય. એટલે અણુમાં શક્તિ છે અને પરમાણુ શક્તિ બહાર નથી પડેલી. અણુ એટલે કેટલા (બધા) પરમાણુ ભેગા થાય ત્યારે અણુ થાય અને આ પરમાણુ તો અવિભાજ્ય છે.

કોઈ પણ વસ્તુને તેના મૂળ સ્વરૂપે લઈ જાઓ તો તેમાં અનંત શક્તિઓ છે. મૂળ સ્વરૂપની મૂળ શક્તિ કદી જ નાશ પામતી નથી.

પુદ્ગલની અનંત શક્તિએ ભગવાનનેય ગૂંચવ્યા

પ્રશ્નકર્તા : આત્માની શક્તિ અને આ પુદ્ગલની શક્તિ એમાં તફાવત શું ?

દાદાશ્રી : પુદ્ગલમાંય અનંત શક્તિ છે. તે રૂપી છે અને સક્રિય છે. અને તે પુદ્ગલ કંઈ પાછું પડે એવું નથી. પુદ્ગલે ભગવાનને આંતર્યા. છે ને તે ભગવાન મહીં ગૂંચવાયા ! આ કોશેટો પેલો કરોળિયો વીંટે છે ને પોતાની આજુબાજુ, તે કરોળિયો જાળ તૈયાર કરે છે, ને પછી મહીં મૂંઝાય જાય એના જેવી સ્થિતિ. આ પુદ્ગલની કરામત છે.

પ્રશ્નકર્તા : આપે પુદ્ગલ અને આત્મા બન્નેની અનંત શક્તિ કહી સાથે સાથે એ પણ સમજાવ્યું કે બન્નેની શક્તિ નોખી-નિરાળી છે, એકમેકની સાથે કંઈ લેવાદેવા નથી તો પછી પુદ્ગલે ભગવાનને કઈ રીતે આંતર્યા ?

દાદાશ્રી : પુદ્ગલમાં ‘હું જ છું’ એમ માનતો હતો એટલે એની શક્તિ પુદ્ગલમાં પેસી ગઈને તે પુદ્ગલ શક્તિવાળું થયું. અને જ્યારથી ‘હું આત્મા છું’ તેનું લક્ષ બેસી ગયું ત્યારથી પુદ્ગલથી છૂટો પડ્યો. પણ શક્તિવંત બનેલું પુદ્ગલ નરમ પડતા વખત જાય અને છૂટો પડેલો આત્મા પૂર્ણપણે પહોંચતાય ટાઈમ લાગે.

આત્મશક્તિ આવરાતા ચઢી બેઠી જડશક્તિ

પુદ્ગલની શક્તિ તે આખો આત્મા જ એણે બાંધી લીધો છે. છૂટવા જ નહીં દેતી હવે. લબાકા માર્યા જ કરે. અનંત શક્તિ એ જડની છે. આ અણુબૉમ્બ ફોડેલા, જોયેલું નહીં ? અનંત શક્તિ. એ જડમાં પેઠો એટલે જડશક્તિ પ્રાપ્ત થઈ જાય છે. મિશ્રચેતનની શક્તિ એટલે જડ અને ચેતન બેની મિક્ષ્ચરની શક્તિ છે.

આત્માની અનંત શક્તિઓ છે અને પુદ્ગલની પણ અનંત શક્તિઓ છે. આ તો પહેલા પુદ્ગલની અનંત શક્તિથી આત્મા સપડાયો છે, પણ પુદ્ગલની જડશક્તિ હોવાથી છેવટે ટ્રિકબાજી (યુક્તિ)થી આત્મા નીકળી જાય છે.

પ્રશ્નકર્તા : એ બરોબર છે, તો પછી એને તમે કીધું આ જડશક્તિ, એની શક્તિ વધારે છે એ વાત તો સાબિત થઈને ?

દાદાશ્રી : આત્માની શક્તિ આવરાઈ છે. એ આવરાઈ છે એટલે જડશક્તિમાં આ મિક્ષ્ચર થયું, ને એ જડશક્તિ જ ઉપર ચઢી બેઠી છે ! હવે છૂટવું હોય તોયે છૂટાય નહીં. એ તો જ્ઞાનીની પાસે જાય, ત્યારે છૂટે. નહીં તો લાખ અવતારેય એ છૂટે નહીં. અને આ તો જેમ દારૂ પીવે છે ને તેનો અમલ છે ને, એવી રીતે આ અહંકારનો અમલ છે. તેથી બધું ચાલ્યા કરે છે ગાડું.

અનંત શક્તિવાળો પણ અહંકારની હાજરીએ ઉદાસીન

પ્રશ્નકર્તા : અમલ છે પણ આત્માની પોતાની શક્તિ તો છે જ ને ?

દાદાશ્રી : આત્માની શક્તિ છે, પણ આત્મા બિલકુલ ઉદાસીન છે. જ્યાં સુધી આપણે અહંકારમાં છીએ, ત્યાં સુધી આત્મા ઉદાસીન છે.

પ્રશ્નકર્તા : છતાંય આત્મા અનંત શક્તિવાળો છે તો પછી પુદ્ગલની જાળમાંથી કેમ છટકી જતો નથી ?

દાદાશ્રી : એને શું લેવાદેવા ? એની શક્તિને કંઈ હલાવતા નથી. ઉપર આવરણ ચડ્યું એટલે આપણને દેખાતું બંધ થઈ ગયું. આપણે આપણી આગળ દિવાલ કરીએ છીએ, આત્માની અને આપણી વચ્ચે.

સીમિત જ્ઞાન પ્રગટે પુદ્ગલ માધ્યમ થકી

પ્રશ્નકર્તા : તો પછી દાદા, મોક્ષે જવા પુદ્ગલની શક્તિઓની જરૂર પડે ખરી ?

દાદાશ્રી : પુદ્ગલના માધ્યમથી આત્માનું જ્ઞાન પ્રગટ થાય છે. શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન, અવધિજ્ઞાન એ બધા જ્ઞાન પુદ્ગલના માધ્યમથી પ્રગટ થાય છે.

પ્રશ્નકર્તા : આત્માની અનંત શક્તિઓ ઈન્દ્રિયો વડે પ્રગટ થઈ શકે છે ?

દાદાશ્રી : અમુક સીમિત શક્તિ ઈન્દ્રિયથી પ્રગટ થાય છે. બાકી બહુ આગળ પ્રગટ થાય નહીં.

સ્વક્ષેત્રે સ્વશક્તિ, તો પરક્ષેત્રે વિભૂતિ

પ્રશ્નકર્તા : દાદા, વિભૂતિ શક્તિ વિશે સાંભળ્યું છે તે સમજાવશો ?

દાદાશ્રી : આત્માની બે જાતની શક્તિ : એક સ્વક્ષેત્રમાં રહે તો પોતાની સ્વશક્તિ ઉત્પન્ન થાય ને બીજું, પરક્ષેત્રમાં વિભૂતિ શક્તિ ઉત્પન્ન થાય. પરક્ષેત્રમાં રહીને સ્વક્ષેત્રમાં હોય મુકામ. આપણા વાસુદેવ નારાયણ કૃષ્ણ ભગવાન વિભૂતિ કહેવાય. રાવણ વિભૂતિ કહેવાય અને એ વિભૂતિનો મોક્ષ થવાનો હોય. અત્યારે થોડો વખત થોડું નુકસાન ખમવું પડે, પણ એ તો મોટા જ થવાના. એ જન્મેલા જ મોટા.

ઓહોહોહો ! એ અનંત શક્તિ કેવી !

પ્રશ્નકર્તા : આત્માની અનંત શક્તિમાં શું શું આવે છે ? એ કયા પ્રકારની છે ?

દાદાશ્રી : આત્માની અનંત જ્ઞાનશક્તિ છે. એકાદ-બે જ્ઞાનશક્તિ છે એવું નથી. આ અનંત જ્ઞાનશક્તિ છે તેના આધારે તો જ્યોતિષવાળાનું જ્ઞાન, વકીલાતનું જ્ઞાન, ડૉક્ટરનું જ્ઞાન, એ બધું જ્ઞાન બહાર પડ્યું છે. દરેકના જુદા જુદા ‘સબ્જેક્ટ્સ’ હોય. એ બધા જ્ઞાન ખુલ્લા થાય એટલી બધી જ્ઞાનશક્તિ છે. એટલે આત્મા અનંત શક્તિનો ધણી છે, અનંત જ્ઞાનશક્તિ છે ને અનંત વીર્ય શક્તિ છે. બહુ ગજબની શક્તિ ધરાવે છે એવા એ પરમાત્મા છે !

પ્રશ્નકર્તા : પછી બીજી કઈ શક્તિઓ ?

દાદાશ્રી : આત્માની અનંત શક્તિ છે. તેમાં કલ્પ નામની એક શક્તિ છે. કલ્પ એ ખુદ છે, તેમાંથી તે વિકલ્પી થાય છે અને તે નિર્વિકલ્પી થાય તો કલ્પ થાય.

આપણને જ્ઞાની પુરુષ દેખાડી દે, પછી કલ્પવૃક્ષથી અનંત શક્તિઓ ખીલી જાય. અત્યારે તો (અજ્ઞાન દશામાં) શક્તિઓય ખીલતી નથી. ઊલટી શક્તિઓ બધી ખલાસ થવા માંડી. શક્તિઓ મહીં હોય છે ને જે સમતા હોય તેય જતી રહે છે.

અનંત શક્તિ છે તેની વિપરીત સ્ફુરણાથી આવડું મોટું બ્રહ્માંડ ઊભું થઈ ગયું છે આડી બાજુનું, તો સમ્યક્ સ્ફુરણાથી શું ના થાય ? સ્ફુરણા કરે તેવું થઈ જ જાય. તે નકામી ના જાય. ફક્ત નિશ્ચય કરવાની જ જરૂર છે.

આત્મામાં એટલી બધી શક્તિ છે કે ભીંતમાં પ્રતિષ્ઠા કરે તો ભીંત બોલે તેમ છે !

આખું બ્રહ્માંડ જાણવાની, અનુભવવાની, એવી બધી અનંત શક્તિઓ છે.

આત્મશક્તિની લંબાઈનો પાર જ નથી ! દરેક માણસના વિચારને ‘એક્સેપ્ટ’ કરે એટલે સુધી લંબાઈ છે. ચોર ચોરી કરે તેય ‘એક્સેપ્ટ’ કરે, દાનેશ્વરી દાન આપે તેય ‘એક્સેપ્ટ’ કરે, બધું ‘એક્સેપ્ટ’ કરે એવી એ આત્મશક્તિ છે, પરમાત્મશક્તિ છે અને એ જ આત્મા છે !

આત્માની અનંત શક્તિ છે. આત્મા તો તમારી ભૂલ ઉપરેય ભૂલ કાઢે છે ને તેની ઉપરેય ભૂલ કાઢે છે. છેલ્લી ભૂલ વગરનો આત્મા.

આ આત્માની શક્તિ એવી છે કે દરેક વખતે કેમ વર્તવું, તે બધો ઉપાય બતાવી દે, ને તે પાછું કદી ભૂલાય નહીં, આત્મા પ્રગટ થાય પછી.

ઓહોહોહો ! અનંત ગુણ છે, અનંત શક્તિ છે ! પોતાના અનુભવમાં આવે. એટલે એમાં બીજું કંઈ કરવાનું હોતું જ નથી. કારણ કે આટલી બધી પૌદ્ગલિક શક્તિઓ દુઃખદાયી કે દુઃખ આપનારી છે. એ બધીને અડવા નથી દેતી આ. પાણીમાં રહેવા છતાં પાણીને સ્પર્શ નહીં થવા દેતી તે કેટલી (બધી) શક્તિ ધરાવે છે ! આ બધુંય નિર્લેપ જ રાખી શકે છે, અસંગ જ રાખી શકે છે. સંપૂર્ણ સંગમાં રહેવા છતાં, ભીડમાં રહેવા છતાં અસંગ રહી શકે છે. આવી કેટલી (બધી) શક્તિઓ છે પોતાની ! આ તો ખુલ્લી શક્તિઓ, બીજી તો જે શબ્દથી વર્ણન ના થાય એવી શક્તિઓ બધી હું જાણું છું. એનું વર્ણન શી રીતે હું તમને કહું ?

પ્રશ્નકર્તા : એટલે આત્મા સર્વશક્તિમાન કહ્યો ?

દાદાશ્રી : માટે તે ભગવાન છે, એ કંઈ જેવું-તેવું નથી ! કોઈ પણ વસ્તુ એને ડરાવી શકે નહીં. કોઈ પણ વસ્તુ એને ડિપ્રેશન ના લાવી શકે. એને દુઃખી કોઈ કરી શકે નહીં. કેટલી બધી અનંત શક્તિ !

અપરંપાર શક્તિ હોય. એટમ બૉમ્બ પડવાનો થાય તોય મહીં પેટમાં પાણી ના હલે એટલી શક્તિ છે અંદર !

આત્માની ખુમારી જ જબરજસ્ત છે. આખાય સંસારના બૉમ્બ પડે તોય હાલે નહીં તેવી આત્માની ખુમારી છે.

પ્રશ્નકર્તા : આપ કહો છો ભગવાન એ ભગવાન.

દાદાશ્રી : હા, એની પાસે અનંત શક્તિ છે. એ શક્તિરૂપે તો દરેક જીવમાં છે. બધી જ જાતની શક્તિ, એટલે શું એમાં બાકી રહે ? પણ આવી ભૌતિક શક્તિ નથી એનામાં. એનામાં બધી આધ્યાત્મિક, વાસ્તવિક શક્તિ છે.

આત્મામાં ગજબની શક્તિ છે, અહીં બેઠા બેઠા આખું બ્રહ્માંડ દેખાય તેવું છે. મહીં અનંત શક્તિનો ભંડાર છે. એક આંગળી ઉપર આખાય બ્રહ્માંડનો ભાર રહે તેમ છે. પણ પ્રગટ થાય ત્યારે કામ લાગે.

પ્રત્યક્ષ આનંદ, પરમાનંદ, રાગ-દ્વેષ રહિતપણું, ક્રોધ-માન-માયા-લોભની નિર્બળતા રહિતપણું. કોઈ પણ જાતની અશક્તિ રહે નહીં. કોઈ પણ જાતના બોધરેશનને તોડી નાખે. તમામ પ્રકારની ડિફિકલ્ટિ (આપત્તિઓ) તોડી નાખે. કોઈ પણ ડિફિકલ્ટિને તોડી નાખીને આગળ મોક્ષમાં જઈ શકે, એવી અનંત શક્તિઓનો ધણી છે.

પ્રશ્નકર્તા : એ અનંત શક્તિ છે તે તીર્થંકર સિવાય બીજા કોઈને દેખાય ખરી ? તીર્થંકર સિવાય બીજા કોઈને સમજમાં આવે ?

દાદાશ્રી : ના, બીજાને પૂરેપૂરી સમજમાં ના આવે.

જ્ઞાની મળતા જ, અનંત શક્તિ છૂટે જડના બંધનમાંથી

આત્મા અનંત શક્તિવાળો છે, કારણ કે મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના છે. તે વિઘ્ન અનેક પ્રકારના હોવાથી અનંત શક્તિ ના હોય તો જવાય ના દે. એટલે અનેક વિઘ્નોને એ ખસેડીને પોતે મોક્ષે જાય છે.

ભગવાન ભગવાન જ છે ! અનંતા ગુણો છે ! અનંતુ સુખ છે ! અનંતુ જ્ઞાન છે ! અનંતુ દર્શન છે ! અનંત શક્તિ છે એમની પાસે ! ભગવાન પાસે જો આટલી બધી અનંત શક્તિ ના હોતને તો આ મોક્ષે ના જવા દેત. આ જે અનાત્માની માયા છે તે ભગવાનના બાપનેય મોક્ષે ના જવા દે ! પણ ભગવાનેય અનંત શક્તિવાળા છે ને !

અનંત શક્તિવાળું પુદ્ગલ તે એને ખસેડીને પોતે બહાર નીકળી જાય છે. અનંત પ્રકારની મુશ્કેલીઓ આવે તોય પણ ઠેઠ પહોંચી જાય, એવી અનંત શક્તિવાળો છે.

પ્રશ્નકર્તા : આત્માની જે અનંત શક્તિ છે, એ આ સંસારમાંથી છૂટવા માટે જ અનંત શક્તિ છે ?

દાદાશ્રી : આમાંથી છૂટાય એવું જ નથી આ. છૂટાય એવું જ નથી એટલે અનંત શક્તિના આધારે છૂટી જાય છે, નહીં તો આમાં તો જે આ જડે બાંધ્યો છે, આત્માને કોણે બાંધ્યો છે ? વેલ્ડિંગથી કાપ્યું કપાય એવું નથી. આ લોખંડ તો વેલ્ડિંગથીય કપાઈ જાય. પણ આ તો એવું છે બંધન ! હા, આ એવું છે અનંત કે વેલ્ડિંગ કે કોઈથી કપાય નહીં એવું છે. એ જ્ઞાની પુરુષ એકલા જ કાપે આને.

પ્રશ્નકર્તા : એટલે અનંત શક્તિનો ઉપયોગ આ છોડાવવા માટે જ કરવાનો છે ?

દાદાશ્રી : છૂટવા માટે જ બધી અનંત શક્તિ વાપરવાની છે. તે અનંત શક્તિ વપરાય ક્યારે ? જ્ઞાની પુરુષ મળ્યા પછી આત્મા છૂટો પાડે ત્યારે અનંત શક્તિ (વપરાય), નહીં તો ત્યાં સુધી અનંત શક્તિ હોય જ નહીં.

આત્મશક્તિ છે શુદ્ધતા-અપરિગ્રહ-વીતરાગતા-નિર્ભયતાથી

પ્રશ્નકર્તા : આત્માની જે અનંત શક્તિઓ છે, એ અનંત શક્તિ કોઈ પરિગ્રહને કારણે નહીં પણ તેની શુદ્ધતાને કારણે ને ?

દાદાશ્રી : એની શુદ્ધતાને કારણે.

પ્રશ્નકર્તા : પરિગ્રહને કારણે નહીંને ?

દાદાશ્રી : પરિગ્રહ હોય તો તો શક્તિવાળો કહેવાય જ નહીંને ! હથિયાર વગરની શક્તિ.

પ્રશ્નકર્તા : વ્યાપકપણું છે એ પણ શુદ્ધતાને લીધે ?

દાદાશ્રી : શુદ્ધતાને લીધે જ ને ! બધું શુદ્ધતાને લીધે.

પ્રશ્નકર્તા : આત્મા એ શુદ્ધ સ્વરૂપની શક્તિ છે ? ચેતના ?

દાદાશ્રી : તદ્દન શુદ્ધાત્મા. મૂળ સ્વરૂપે પરમાત્મા છે.

પ્રશ્નકર્તા : પણ એ એક શક્તિનું સ્વરૂપ છે ?

દાદાશ્રી : પરમાત્મામાં શું ના હોય ? વીતરાગ, નિર્ભય. નિર્ભય એટલે બધું, પછી શક્તિ કોઈ જરૂર રહી જ નહીંને ! નિર્ભયને શક્તિની જરૂર ખરી ?

પ્રશ્નકર્તા : નિર્ભય હોવું એ શક્તિની જરૂર નથી હોતી ?

દાદાશ્રી : ના, ના, વધુ શક્તિવાળો હોય તો જ એને ભય ના લાગેને કોઈનો ? નિર્ભય એટલે ક્યારેય ભય ના લાગે. અનંત શક્તિઓનો ધણી એટલે એ નિર્ભય, વીતરાગ, નિરંતર પરમાનંદી એવો આત્મા.

આવરણો ખસતા વ્યક્ત થાય પરમાત્મ શક્તિ

પ્રશ્નકર્તા : આત્માની શક્તિની અભિવ્યક્તિ કેવી રીતે થાય ?

દાદાશ્રી : એ તો આવરણ ખસે કે અભિવ્યક્ત થાય. આવરણ ખસવાનો ઉપાય કરીએ એટલે આવરણ ખસે. આવરણ ખસવું એ કાર્ય છે, ઈફેક્ટ છે અને ઉપાય એ કૉઝ છે. એટલે કૉઝ કરીએ એટલે પેલું ખસી જાય, એટલે એની શક્તિ પ્રગટ થાય. શક્તિ તો છે જ, પ્રગટ થતી નથી. શક્તિ તો પૂર્ણ છે પણ પ્રગટ થવી જોઈએ ને ?

મૂળ આત્મા સ્વરૂપે બધી અનંત શક્તિ છે પણ હવે એ સ્વરૂપ પ્રગટ ન થાય ત્યાં સુધી બધી શક્તિઓ વેડફાય છે. પોતે પોતાની સંપૂર્ણ શક્તિઓ વ્યક્ત થઈ જાય તે પરમાત્મા. પણ આ શક્તિઓ આવરાઈ ગયેલી છે, નહીં તો પોતે જ પરમાત્મા છે.

લોકસંજ્ઞાએ આવરાઈ અનંત શક્તિ

પ્રશ્નકર્તા : આવરણ ખસે તો અનંત શક્તિ પ્રગટ થાય તો તે આવરણ વિશે વધુ સમજાવશો.

દાદાશ્રી : સ્વરૂપનું અજ્ઞાન એનું નામ જ મોહનું આવરણ. આત્મા તો અનંત શક્તિનો ધારક છે, (પણ) આવરણ કાઢવાનું છે. સ્વરૂપનું અજ્ઞાન છે અને સ્વરૂપનું અદર્શન છે, આ બે મોટામાં મોટા આવરણ છે.

દરેક જીવમાં, ગધેડા, કૂતરા ને ગુલાબના છોડમાંયે આત્માની અનંત શક્તિઓ છે પણ તે આવરાયેલી છે, તેથી ફળ ના આપે. જેટલી પ્રગટ થઈ હોય એટલું જ ફળ આપે. ઈગોઈઝમ ને મમતા બધું જાય તો એ શક્તિ વ્યક્ત થાય.

આત્માની ચૈતન્ય શક્તિ શેનાથી આવરાય છે ? આ જોઈએ છે ને તે જોઈએ છે. લોકોને જોઈતું હતું તે તેમનું જોઈને આપણેય શીખ્યા એ જ્ઞાન. આના વગર ચાલે નહીં. મેથીની ભાજી વગર ના ચાલે, એમ કરતા કરતા ફસામણ થઈ ગઈ ! અનંત શક્તિવાળો છે, તેની પર પથરા નાખ નાખ કર્યા ! આત્માની અનંત શક્તિ છે પણ આ જગતમાં ઘર્ષણ ને સંઘર્ષમાં જ બધી શક્તિઓ ખલાસ થઈ જાય છે.

પોતાનામાં અનંત શક્તિ છે, આ તો પાર વગરની વસ્તુઓ છતાંય આ જુઓને, ગમે તેમ મુશ્કેલીઓમાં આખા દિવસો કાઢવા. ચિંતા-ઉપાધિઓ ! અનંત શક્તિઓ છે પણ બધી આવરાયેલી પડી છે. જેમ ઘરમાં દાદાએ ધન બહુ દાટેલું હોય પણ ખબર ના હોય, એટલે ભઈ પાંચ રૂપિયા ઉછીના ખોળવા જાય. ત્યારે લોકો કહેશે, ભઈ, તારા ઘરમાં તો ઘણું ધન છે. તો એ કહે, પણ મને ખબર નથી. એનું શું થાય ? તે ધન કાઢી આપે તો કામ લાગે. એટલે અનંત શક્તિ છે.

બધા જીવો સામાન્ય ભાવે આત્મા જ છે, પરમાત્મા જ છે પણ જેનું જેટલું આવરણ તૂટ્યું ને શક્તિ પ્રગટ થઈ એટલું એને ફળ મળે. બાકી કોઈ કોઈનો ઉપરી છે નહીં. હું કંઈ કોઈનો ઉપરી નથી, હું તો નિમિત્ત છું. મારે શક્તિ પ્રગટ થઈ, તમારી શક્તિ પ્રગટ થશે. એકનું એક, વસ્તુ એક જ છે. (તમારે) અપ્રગટ છે ને (મારે) પ્રગટ છે. તે પ્રગટની પાસેથી પ્રગટ શક્તિ ઉત્પન્ન થઈ જાય.

આત્મા પ્રાપ્ત થયે, વ્યક્ત થાય અનંત શક્તિ

મહીં અનંત શક્તિ છે, અનંત સિદ્ધિ છે પણ અવ્યક્તરૂપે રહેલી છે. મહીં રૂપાળી, રળિયામણી શકિતઓ છે, ગજબની શક્તિઓ છે ! તે મૂકીને બહારથી કદરૂપી શક્તિઓ વેચાતી લાવ્યા. સ્વભાવકૃત શક્તિઓ કેવી સુંદર છે ! અને આ વિકૃત શક્તિઓ બહારથી વેચાતી લાવ્યા ! મહીં દ્રષ્ટિ જ પડી નથી. આત્મા પ્રાપ્ત થાય એટલે એ શક્તિઓ વ્યક્ત થવા માંડે. મોક્ષે જવાની અનંત શક્તિ છે. એ શક્તિ અવ્યક્ત ભાવે પડેલી છે, એને વ્યક્ત કરો.

પુદ્ગલની, આત્માની બધી જ શક્તિઓ એકમાત્ર પ્રગટ પરમાત્મામાં જ લગાડવા જેવી છે. મનુષ્યમાં પૂર્ણ પરમાત્મ શક્તિ છે, જે વાપરતા આવડવી જોઈએ. ‘જ્ઞાની પુરુષ’ બધી જ શક્તિઓ આપવા તૈયાર છે. શક્તિ તમારી મહીં જ પડી છે, પણ તમને તાળું ઉઘાડીને લેવાનો હક્ક નથી. જ્ઞાની પુરુષ ઉઘાડી આપે ત્યારે એ નીકળે.

મહીં કેટલી બધી એવી ભવ્ય છે શક્તિઓ ! મહીં ભણી દ્રષ્ટિ જ પડી નથીને ! આ તો અહીં આગળ આત્માની વાત સાંભળે છે ત્યારે દ્રષ્ટિ પડે છે. દ્રષ્ટિ પડે ત્યારે આત્મા પ્રાપ્ત થાય છે. (આત્મા) પ્રાપ્ત થાય છે ત્યારે થોડીઘણી શક્તિઓ નીકળે છે. તે આપણે જોઈએ છીએ કે ઓહોહો, આટલી બધી શક્તિઓ મહીં હતી તો આટલી થોડી નીકળી તોય આટલું બધું સુખ લાગે, તો પૂરી નીકળે, આનો વિકાસ પૂરો થાય તો ક્યાં પહોંચાડે ? અને જ્ઞાની પુરુષને આપણે જોઈએ તોય આપણને એમ લાગે કે આપણા કરતા કેટલી (બધી) શક્તિ એમનામાં પ્રગટ થઈ છે ! તો એ શક્તિઓ આપણને કેટલો (બધો) આનંદ આપે છે, તો એટલી જ શક્તિઓ બધાનામાં છે. શક્તિની કંઈ કમી-બમી છે નહીં. હવે એ આપણે કાઢવાની છે. તમને છૂટ આપી છે. જે પદમાં હું બેઠો છું એ પદમાં જ તમને બેસાડ્યા છે.

મહાત્માને આમ પ્રગટે અનંત શક્તિઓ

આત્માની અનંત શક્તિ છે. તે શક્તિ જગતમાં બધા લોકોને છે પણ અવ્યક્ત છે. તમને મેં વ્યક્ત કરી આપી છે. અમારી સંપૂર્ણ શક્તિ વ્યક્ત થઈ છે તે અમે વ્યક્તાત્મા છીએ. તમારે બધાને અમુક અમુક અંશે વ્યક્ત થતી જાય છે.

આત્માની શક્તિ વ્યક્ત થઈ જાય, પછી બહારની કશી માથાકૂટ જ કરવાની ના રહે. ખાલી મહીં વિચાર જ આવે કે તે પ્રમાણે બહાર બધું એની મેળે થઈ જાય. ‘વ્યવસ્થિત’ બધું કરી નાખે. પેલા રાજા કરતાય આત્માનો વૈભવ ઘણો ઊંચો ! આ તો ભગવાન પદ છે !

આત્માની અનંત શક્તિ શાથી કહી ? અનંત કામ કરી શકે ! તમને ગોઠવતા આવડવું જોઈએ. જેટલી (શક્તિ) એમાં તમને લેતા આવડે. જેટલું એડજસ્ટમેન્ટ ગોઠવતા આવડે, એટલું તમને પ્રાપ્ત થાય.

તમે શુદ્ધાત્માથી જુઓ એટલે આપણામાં જગત દ્રષ્ટિ ના હોય. જે દ્રષ્ટિને આપણે બાજુએ મૂકી દીધી છે. આપણે તરણતારણ છીએ, તરીએ અને તારીએ. તમો કલ્પો ને સિદ્ધ થઈ જાય તેવી તમને (શક્તિ) આપેલી છે તે પરમેનન્ટ છે.

એકતાર થયે પ્રગટ થઈ જાય શક્તિ

પોતાને નિરાલંબ લાગવું જોઈએ. કોઈ પણ વસ્તુ મને કંઈ પણ કરી શકતી નથી, એવું એના મનમાં ભાન થઈ જાયને બધું તો કેટલી બધી શક્તિઓ ઉત્પન્ન થઈ જાય ! શક્તિવાળાને અડવાથી ફેરફાર થઈ જાય છે.

આત્માની અનંત શક્તિ, તે તમે એકતાર થાઓને તો શક્તિ પ્રગટ થઈ જાય.

પ્રશ્નકર્તા : શ્રેણી માંડીએ ત્યારે એકતાર થાયને ?

દાદાશ્રી : હા, શ્રેણી માંડવાની. તે બીજી શી શ્રેણી માંડવાની ? આપણે શુદ્ધાત્માના સ્વરૂપમાં વર્ત્યા અને એકતાર થવા માંડ્યા કે શ્રેણી મંડાઈ ગઈ.

પ્રશ્નકર્તા : પાંચ ઈન્દ્રિયોના વિષયો ને ચાર સંજ્ઞા એ બધું તો હોય છે ને ?

દાદાશ્રી : એ બધું શરીરમાં રહ્યું. એ તો આપણે ચંદુભાઈને કહેવું કે પાડોશમાં બેસો. તમારું માથું દુખ્યું છે અને અમે શુદ્ધાત્માનું ધ્યાન કરીએ. તે વખતે શક્તિ ઉત્પન્ન થાયને, તે શક્તિ એની પર જાય છે.

તમે શુદ્ધાત્મા છો અને આ ચંદુભાઈ શું કરે છે એ જોયા કરવાનું. ચંદુભાઈને મદદ કર્યા કરવાની. શુદ્ધાત્માની અનંત શક્તિ છે. અનંત શક્તિએ ચંદુભાઈને જોયા કરવાનું, ચંદુભાઈને શક્તિ આપ્યા કરવાની. જેટલી માગે એટલી શક્તિ અપાય. શુદ્ધાત્મા અનંત શક્તિવાળો છે.

અનંત શક્તિના ઉપયોગે, મળે પરમેનન્ટ સુખ

પ્રશ્નકર્તા : આત્માની અનંત શક્તિનો ઉપયોગ આ સંસાર છૂટવાના કામમાં લાગે, પછી બીજું શું પ્રાપ્ત થાય ?

દાદાશ્રી : અનંત શક્તિના ઉપયોગથી નર્યું સુખ મળશે, કાયમનું, પરમેનન્ટ સુખ.

પ્રશ્નકર્તા : પણ દુઃખનો અભાવ, એને તમે સુખ કહો છો ?

દાદાશ્રી : આ તો અત્યારે દુઃખનો અભાવ, પછી સુખનો સદ્ભાવ શરૂ થશે. પહેલા તો દુઃખનો અભાવ જ નહોતો થતો, દુઃખ વધતું હતું, દુઃખ મલ્ટિપ્લિકેશન થયા કરતું હતું અને આ તો દુઃખનો અભાવ થયો. તે તો દુનિયામાં બધા સંત-સાધુઓ શું કહે ? એ તો ભગવાન કહેવાય.

પ્રશ્નકર્તા : પણ અમને એવું લાગતું નથી, દાદા. દુનિયાની વાત તો ઠીક છે પણ દુઃખનો અભાવમાં શું કાઢ્યું ?

દાદાશ્રી : ના, ના, એને દુનિયા ‘ભગવાન’ કહે, સંત-સાધુ બધાય.

પ્રશ્નકર્તા : આમાં આપણે તો દુનિયા શું કહે એની જોડે નિસ્બત નથી પણ અમને તો પેલું આત્માનું અનંત સુખ હોયને એનો બરાબર અનુભવ થવો જોઈએ ને ?

દાદાશ્રી : થઈ ગયો છે ને એ તો બધો અનુભવ ! આખો દહાડો અનુભવ વર્તે છે આત્માનો.

પ્રશ્નકર્તા : તમે એકવાર કહ્યું’તું કે જો પોતાનો વિશ્વાસ ના ગુમાવે તો આત્મા વૈભવ સાથે જ હોય છે. એને પોતાનામાં વિશ્વાસ નથી હજુ.

દાદાશ્રી : ના, ના, એ વૈભવ જ છે. આત્મા છે તો વૈભવ હોય જ પણ તે પોતાને ઠેકાણે જ નથીને હજુ ?

પ્રશ્નકર્તા : નહીં. આત્માને શક્તિ અને ઐશ્વર્ય જે છે. શું તે એની સ્પષ્ટ અનુભૂતિ થવી જોઈએ ને ?

દાદાશ્રી : સ્પષ્ટ તો આખો દહાડો થાય છે, પછી કેટલુંક થાય તે !

અનંત શક્તિ મુખ્યત્વે વપરાય જ્ઞાતા-દ્રષ્ટામાં જ

પ્રશ્નકર્તા : આત્માને આપણે જ્ઞાતા-દ્રષ્ટા કહીએ છીએ, એમાં જોવું ને જાણવું હોય અને સાથે એમ પણ કહીએ છીએ કે આત્માની અનંત શક્તિઓ છે, તો હવે જોવું અને જાણવું એમાં જ એની આ શક્તિઓ વપરાય છે ?

દાદાશ્રી : ના, બધી બહુ રીતે શક્તિ વપરાય છે.

પ્રશ્નકર્તા : તો પછી જ્ઞાતા-દ્રષ્ટા એકલું જ આપણે કેમ કહીએ છીએ ?

દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા મુખ્ય વસ્તુ છે. એ આવી જાયને તો બધી શક્તિઓ ઉત્પન્ન થઈ જાય. આપણે આ બાજુ નીચે ઊતરી ગયા છીએ તો આમાં જોઈન્ટ કરીએ તો પેલી બધી શક્તિઓ એની મેળે ઑટોમેટિકલી પ્રાપ્ત થઈ જાય.

પ્રશ્નકર્તા : પ્રાપ્ત થાય એ બરોબર પણ પછી એ જ્ઞાતા-દ્રષ્ટા એકલો જ રહેતો નથી ને બીજું પણ એને કરવું પડે છે ને, એનો અર્થ એ થયો ?

દાદાશ્રી : બીજું શું કરવું પડે ?

પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટા સિવાય જો શક્તિઓ એની મેળે ઉત્પન્ન થતી હોય તો એ કર્તારૂપે થયુંને પણ ?

દાદાશ્રી : બીજી શક્તિઓ આપણને જોઈતી જ નથીને ! આપણને આનંદ એકલો જ જોઈએ છે. જીવમાત્ર શું ખોળે છે ? આનંદ ખોળે છે. તે આનંદ પાછો કેવો ? ટેમ્પરરી નહીં ચાલે, અમારે સનાતન આનંદ જોઈએ, પરમેનન્ટ જોઈએ, કહે છે. જ્ઞાતા-દ્રષ્ટા જેટલા પ્રમાણમાં રહ્યા એટલા પ્રમાણમાં આનંદ ઉત્પન્ન થાય. ધીમે ધીમે ધીમે આ જ્ઞાતા-દ્રષ્ટા નિરંતર રહી શકશે. એટલે બીજી શક્તિઓ તો બધી પાર વગરની છે. આ આત્માની ઊંધી શક્તિથી તો આ જગત ઊભું થઈ ગયું છે.

પ્રશ્નકર્તા : ઊંધી શક્તિથી ?

દાદાશ્રી : હા, વિભાવિક શક્તિથી તો આ જગત ઊભું થઈ ગયું છે આવડું મોટું. આ કેવડું મોટું જગત ઊભું થયું ! બધી પાર વગરની શક્તિઓ છે, પણ એ બધી ઊંધી વપરાય તો નકામું જાય.

પ્રશ્નકર્તા : હા, ઊંધી ન વપરાય. ઊંધી વપરાય તો જુદી વાત છે પણ સીધી રીતે વપરાય તો જ્ઞાતા-દ્રષ્ટામાં જ વપરાય કે બીજી રીતે વપરાતી હશે ?

દાદાશ્રી : સીધી રીતે તો જ્ઞાતા-દ્રષ્ટામાં જ વપરાય, બીજી (રીતે) કંઈ નહીં વપરાવાની. એનું કારણ ક્રિયાકારી ધર્મ નથી. કંઈ પણ કરવાનો ધર્મ આત્મામાં છે નહીં.

પ્રશ્નકર્તા : જો કંઈ કરવાનું ન થાય તો શક્તિનો વ્યય કેવી રીતે થાય ?

દાદાશ્રી : ના, એમ નહીં, અનંત શક્તિ કહેવાનો ભાવાર્થ છે, કે આ બધું જગત ઊભું થઈ ગયું છે. આ ઝાડપાન બધા એ એક આત્મામાંની અવળી શક્તિથી જ ઉત્પન્ન થયું છે આ બધું. આ અનંત શક્તિ જુઓ તો ખરા, બધી બહાર દેખાય છે કેટલી બધી ! અને પોતાને જો સનાતન સુખ જોઈતું હોય તો આ જ્ઞાતા-દ્રષ્ટામાં આવી જાવ. એ બધા સિદ્ધ ભગવાનો છે, એ બધા જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદ ! નિરંતર તેમાં જ રહ્યા કરે. અને પોતાના અનંત સુખ. (એમાંથી) એક સેકન્ડનું સુખ ત્યાંનું અહીં પડે તો જગતના લોકોને વરસ દહાડા સુધી સુખ રહ્યા કરે, એટલું બધું સુખ એમની પાસે છે.

જ્ઞાતા-દ્રષ્ટા રહ્યે : મળે અનંત સુખ, મિટે સર્વ વિઘ્નો

પ્રશ્નકર્તા : એટલે એનો અર્થ એ થયો કે આ જે બધી અનંત શક્તિઓ છે એ ફક્ત જ્ઞાતા-દ્રષ્ટામાં જ શક્તિઓ વપરાય, બીજી રીતે શક્તિ એ ન વપરાય ?

દાદાશ્રી : બીજી બધી શક્તિઓ આની મહીં હોય જ પણ આપણે શેને માટે જોઈએ ? આપણે તો સુખ જોઈએ છે. મનુષ્ય, જીવમાત્ર સુખને ખોળે છે. એ સુખને માટે આ બધી ભાંગફોડ કર્યા કરે છે એ. સંસારમાં સુખ કલ્પિત સુખ મળે છે. એ સુખ નાશવંત છે, અંતવાળું છે અને અંતે પાછું દુઃખ આવીને ઊભું રહે છે. એ દુઃખેય નાશવંત છે, કલ્પિત છે અને સુખેય કલ્પિત છે. સાચું સુખ નથી અને સાચું સુખ એક સેકન્ડ પણ આવે તો પછી કાયમનું જોઈન્ટ થઈ જાય, સનાતન સુખ. તે આત્મા પ્રાપ્ત થયા પછી પોતાની શક્તિઓ બધી પ્રગટ થાય તે અનંત શક્તિ. તે આ પેલું આપણે કહ્યું છે ને કે સંસારમાં વિઘ્નો અનેક પ્રકારના હોવાથી (એની સામે હું) અનંત શક્તિવાળો છું. બધા વિઘ્નોને કાઢી શકે.

પ્રશ્નકર્તા : હા, એ જ કહું છું ને. વિઘ્નોને જો કાઢી શકે અને વાત જો આપણે કરીએ તો જ્ઞાતા-દ્રષ્ટા એકલું નથી રહેતો, બીજું કરવાનું થાય છે ને ?

દાદાશ્રી : (બીજું) કશું જ કરવાનું નથી, એટલું જ કરવાનું છે. પણ બધા વિઘ્નોને કાઢે, તમામ પ્રકારના.

પ્રશ્નકર્તા : એનો અર્થ એ થયો કે જ્ઞાતા-દ્રષ્ટા રહે, બીજું બધું એની મેળે, ઑટોમેટિક નીકળી જશે.

દાદાશ્રી : બીજું બધું એની મેળે જ નીકળી જાય. એની મેળે જ જયે જ છૂટકો.

એટલે આપણે જે ખોળીએ છીએ કાયમનું સુખ, તે મળી જાય આપણું સુખ, પછી કોઈનું દબાણ નહીં, કોઈની પરવશતા નહીં. જીવો આ જ ખોળે છે, કાયમનું સુખ. તે સુખ (મળ્યા) પછી દુઃખ ના આવે અને પરવશતા નહીં.

પ્રશ્નકર્તા : દાદા, એ હું સમજ્યો, પણ હજુ બરોબર સમજાતું નથી કે આત્મામાં અનંત શક્તિ છે જેનો કંઈ પાર જ નથી એવી શક્તિઓ છે અને આપણે એમ કહીએ કે એને જ્ઞાતા-દ્રષ્ટામાં જ રહેવાનું છે, તો એ શક્તિઓનો જ્ઞાતા-દ્રષ્ટામાં જ ઉપયોગ રહે. બાકીનામાં ન રહે, એ મને હજી બરોબર સમજાતું નથી.

દાદાશ્રી : એવું નહીં, અનંત શક્તિઓ કહેવાનો ભાવાર્થ શું છે ? આ જગત ઊભું થઈ ગયું તે એની આ અવળી શક્તિથી. હવે સવળી શક્તિ એટલી બધી છે કે ગમે એવા જગતના (વિઘ્નો) છે, તે શું આપણે વાક્ય બોલીએ છીએ ?

પ્રશ્નકર્તા : મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિવાળો છું.

દાદાશ્રી : મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના આવે તો વિઘ્નો બધાને એ નાશ કરી નાખે.

પ્રશ્નકર્તા : તો પછી એટલા જ્ઞાતા-દ્રષ્ટા નહીં રહ્યા એના પછી ?

દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા રહેવાથી જ વિઘ્નો નાશ થાય, નહીં તો ના થાય. બીજો કોઈ ઉપાય નથી. જ્ઞાતા-દ્રષ્ટા રહેવાથી તમામ વિઘ્નો નાશ થઈ જાય.

પ્રશ્નકર્તા : દાદા, વિઘ્નો તો મર્યાદિત હોયને ?

દાદાશ્રી : વિઘ્નો ? હા, બધું મર્યાદિત.

પ્રશ્નકર્તા : હા, એટલે નાશ થઈ જાય અમુક કાળે.

દાદાશ્રી : સૌ-સૌના ગજા પ્રમાણે મર્યાદિત વિઘ્નો હોય પણ આત્માની શક્તિ અનંત છે. તે વિઘ્નો બધા ગમે તેટલા હશે, (એને) તોડી નાખશે.

અનેક અંતરાયો સામે અનંત શક્તિ, પછી મોક્ષમાં રહે સ્ટૉકમાં

પ્રશ્નકર્તા : મોક્ષમાંય અનંત શક્તિઓ છે ?

દાદાશ્રી : હા, બધી જ શક્તિઓ ખરી, પણ ત્યાં વાપરવાની નહીં. મોક્ષે જતા અનેક અંતરાયો છે, તેથી મોક્ષે જવા માટે સામી અનંત શક્તિ છે.

પ્રશ્નકર્તા : ‘હું અનંત શક્તિવાળો છું’ એ બોલીએ છીએ, પણ સિદ્ધ ભગવાનો માટે એ શક્તિ કઈ ?

દાદાશ્રી : આ તો વાણી છે ત્યાં સુધી ‘હું અનંત શક્તિવાળો છું’ એ બોલવાની જરૂર છે અને મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના છે તેથી તેની સામે આપણે અનંત શક્તિવાળા છીએ. પછી કશું રહેતું નથી. વાણી ને વિઘ્નો છે ત્યાં સુધી જ બોલવાની જરૂર છે.

પ્રશ્નકર્તા : આત્મા મોક્ષે ગયા પછી એની જ્ઞાતા-દ્રષ્ટા સિવાય કઈ શક્તિ ?

દાદાશ્રી : બીજી ઘણી શક્તિઓ છે. પોતાની શક્તિથી એ આ બધું ઓળંગીને (મોક્ષે) જાય. મોક્ષે ગયા પછી એ બધી શક્તિઓનો ‘સ્ટૉક’ રહે. આજેય એ બધી શક્તિઓ છે, પણ જેટલી વપરાય એટલી ખરી.

પ્રશ્નકર્તા : મોક્ષે ગયા પછી એ શક્તિઓ બીજાને કામ ના લાગેને ?

દાદાશ્રી : પછી શેમાં વાપરવાની ? અને ત્યાં શું કામ છે વાપરીને ? પોતાને બીજી હરકત ના આવે તેવી ‘સેફ સાઈડ’ રહે.

અનંત શક્તિ પૂરવાથી, રિલેટિવ પણ થાય શક્તિશાળી

પ્રશ્નકર્તા : તમે કહ્યું ચંદુભાઈને શક્તિ આપ્યા કરવાની તે વિશે વધારે સમજાવશો.

દાદાશ્રી : આત્મા અનંત શક્તિવાળો છે. તે હવે તેની અનંત શક્તિ રિલેટિવમાં પૂરે એટલે રિલેટિવમાં પણ જબરજસ્ત શક્તિ આવે જ. તમને બીજી સમજ ન પડે તો રિલેટિવમાં અવિરોધાભાસ રહેજો હવે. તમને જ્ઞાન આપ્યું એટલે જ્યારે સમજ ન પડે, સૂઝ ન પડે ત્યારે ‘હું અનંત જ્ઞાનવાળો છું, અનંત સૂઝવાળો છું’ તેમ બોલજો. દર્શન કાચું પડે તો ‘હું અનંત સૂઝવાળો છું.’ દેહની શક્તિ કાચી પડે તો ‘હું અનંત શક્તિવાળો છું.’ જંગલમાં વાઘ-વરુ કે સિંહ મળે ત્યારે ‘હું અમૂર્ત છું’ અને બાધા-પીડા દેહને થાય ત્યારે ‘હું અગુરુ-લઘુ સ્વભાવવાળો છું’ તેમ બોલજો.

મહીં આત્માની અનંત શક્તિઓ છે. એટલી બધી શક્તિઓ છે કે બોલતાની સાથે પરિણામ પામે.

આત્મરૂપ થઈને બોલવાથી શક્તિઓ પ્રગટે

પ્રશ્નકર્તા : મહાત્માને આત્મશક્તિઓ કેવી રીતે પ્રગટ થાય ?

દાદાશ્રી : પોતે અનંત શક્તિવાળો જ છે ! આત્મા થઈને ‘હું અનંત શક્તિવાળો છું’ બોલે એટલે એ શક્તિ પ્રગટ થતી જાય. ‘જ્ઞાની પુરુષ’ રસ્તા દેખાડે તે રસ્તે છૂટી જવું, નહીં તો છૂટાય એવું નથી. માટે કહે તે રસ્તે ચાલીને છૂટી જવું.

આ સેલ્ફનું રિયલાઈઝ કર્યું એટલે અનંત શક્તિ વધી, પ્રગટ થઈ ગઈ. જબરજસ્ત શક્તિ પ્રગટ થઈ ગઈ.

આત્મા એટલે અનંત શક્તિવાન, હવે એમાંથી જેટલું આવરણ ખસે એમ શક્તિ ખીલતી જાય બહાર, પ્રગટ થતી જાય.

પ્રશ્નકર્તા : આવરણ ખસ્યા પછી એ આવરણની પાછળ જે રહેલું છે એ જ કાર્ય કરે છે ?

દાદાશ્રી : કોઈ કાર્ય કરતું નથી. સ્વભાવ બતાવે છે દરેકના. કાર્ય જો કરતું હોય તો તો ત્યાં આગળ કરનાર થયો. એનો સ્વભાવ બતાવે છે, અનંત શક્તિનો.

જ્ઞાનવાક્યો બોલ્યે, દૂર થાય નબળાઈ-ડિપ્રેશન

ચંદુલાલને કો’ક દહાડો જરા કંઈક શરીર-બરીરની નબળાઈ હોય, જરાક એ (ઢીલા) થઈ ગયા હોય ત્યારે તમારે ચંદુલાલને બોલાવવું પડે કે ‘હું અનંત શક્તિવાળો છું.’ એવું પા એક કલાક બોલાવોને એટલે ચંદુલાલમાં શક્તિ પ્રગટ થઈ જાય.

જ્ઞાનવાળાને મન નિર્બળ ના થાય. ‘હું અનંત શક્તિવાળો છું’ બોલ્યો કે મન એક્ઝેક્ટ થઈ જાય. શરીર સામે મન નબળું પડ્યું કે ખલાસ થઈ ગયું.

અંદર અવળું બોલે તો આપણે સવળું બોલીએ. એ કહે, નબળાઈ લાગે છે તો કહીએ, બોલો ચંદુલાલ, ‘હું અનંત શક્તિવાળો છું.’ અનંત શક્તિવાળો પાંચ મિનિટ બોલ્યા એટલે ફર્સ્ટ ક્લાસ થઈ જાય.

દેહનો, મનનો સ્વભાવ છે, કાં તો એલિવેશન કે કાં તો ડિપ્રેશન. હવે આપણે ચંદુભાઈથી જુદા થયા એટલે વ્યવહાર તો જુદો રાખવો પડેને ? એટલે ચંદુભાઈ જોડે બોલીએ કે ડિપ્રેશન આવ્યું છે ? એટલે આપણે બોલાવીએ ‘હું અનંત સુખનું ધામ છું’ તો ચંદુભાઈ બોલે, ‘હું અનંત સુખનું ધામ છું.’ તમારે પોતાના ગુણો આમાં આરોપ કરવાના. એટલે રેગ્યુલર થઈ જાય.

દેહ પોતાનો નથી તો (બીજું) કોઈ પોતાનું હોય નહીં. ઑલ ધીસ આર ટેમ્પરરી, આત્મા પોતાનો છે. દેહ(નો માલિક), મન ડિપ્રેસ થાય તો કહેવું, અમારી પાસે અનંત શક્તિ છે.

હવે તો જે રહ્યો તે પ્રતિષ્ઠિત આત્મા છે. હવે પ્રતિષ્ઠિતને જરા પુશ ઑન આપવું પડે, શક્તિ આપવી પડે. આપણે બોલાવવું કે ‘અનંત શક્તિવાળો છું’ એટલે ચાલ્યું.

આપણી પાસે જ્ઞાન છે એટલે આપણે ‘હું અનંત શક્તિવાળો છું’ બોલાય અને અશક્ત દેહમાંયે શક્તિ પડે ને બહારવાળા તો ‘હું ખલાસ થઈ ગયો છું’ બોલે ને ખલાસ થઈ જાય.

દેહ ઘરડો થયો છે પણ આત્મા ઘરડો થયો છે ? આત્મા અનંત શક્તિવાળો છે. જેટલી શક્તિ કાઢે તેટલી તેના બાપની.

બ્રહ્માંડ ધ્રુજાવે તેવી શક્તિ પ્રગટાવે દાદા

આત્માની તો અનંત શક્તિ છે, ને જેટલી બાજુએ શક્તિ ફેરવવી હોય એટલી ફેરવો. એને ફેરવનાર જોઈએ. જેટલી બાજુની કરોડો બાજુની ફેરવવી હોય તે ફેરવી શકાય. એવું નહીં કે આ આટલી બધી ભાંજગડ આવી પડી, શું થશે હવે ? શું થશે કહ્યું કે શુંયે થઈ જાય.

પ્રશ્નકર્તા : એનો અર્થ એમ કે એ આત્માને ગણકારતો જ નથી. આત્મા અનંત શક્તિવાળો અંદર બેઠો છે, તો તેની પાસે શક્તિ માંગ ને !

દાદાશ્રી : હા, આત્માને અનંત શક્તિ છે, ત્યાં શક્તિ માંગને. કાં તો આત્મારૂપ થા ને કાં તો આત્મા થ્રૂ, આત્મા પાસે શક્તિ માંગ તું.

પ્રશ્નકર્તા : આત્મારૂપ થયા પહેલા શક્તિ મંગાય ?

દાદાશ્રી : હા, શક્તિ તો મંગાયને !

પ્રશ્નકર્તા : આત્મારૂપ ન થયો હોય તો પણ શક્તિ માંગવાનું બને ?

દાદાશ્રી : બને ને ! આપણે કહીએ, ‘હે શુદ્ધાત્મા ભગવાન ! તમે અંદર બેઠા છો. હવે મને શક્તિ આપો.’

અને આપણે તો ‘હે દાદા ભગવાન ! આપની સાક્ષીએ હું અનંત શક્તિવાળો છું’ એવું બોલવું. પછી જો જો તો ખરા ! શક્તિ તો કેવી ઉછાળા મારે છે ! શું બોલવાનું ? ‘આપની સાક્ષીએ હું અનંત શક્તિવાળો છું’ બોલશો કે નહીં બોલાય ? આ શીખવાડું છું. આ બધી બહુ સરસ દવા છે. જુઓને, ભાઈએ દવા કરી તો એમનું કેવું સરસ થઈ ગયું ! દવા કરવાની ભાવના થાય છે ?

પ્રગટાવી લો અનંત શક્તિ, જ્ઞાન ઉપયોગે

અને દાદા ભગવાનનું નામ દેશોને તો ગમે તે, (પરિસ્થિતિમાં) મન ના સ્થિર થતું હોય, તેય થયા કરે. ગમે તેવી ખરાબ પોઝિશનમાંય ‘દાદા ભગવાનને નમસ્કાર કરું છું’ બોલજો. કારણ કે ચૌદ લોકનો નાથ મેં જાતે જોયો છે. એનામાં શું શક્તિ નહીં હોય, અનંત શક્તિનો જે ધણી છે ! તો (હવે) બોલશો એવું ?

આ જે તમે અનંત શક્તિ છે એમ બોલો છો, તે શક્તિ કેટલી ? કોના જેવું રૂપક છે ? નાના છોકરાને આપણે પૂછીએ કે દરિયો જોવા ગયો હતો ? કેવડો મોટો હતો ? તો તે તેના હાથ પહોળા કરે તેટલો જ દેખાડે, તેવું આપણા મહાત્માઓનું છે. પણ આત્મામાં ગજબની શક્તિ છે ! અનંત શક્તિ છે ! આખું બ્રહ્માંડ ડોલાવે તેટલી શક્તિ છે ! પણ તેને તેના ઘરના ધણીને જોતા ન આવડે, તેને કોઈ શું કરે ?

પોતે તો અનંતાનંત શક્તિઓનો ભંડાર છે, માત્ર ભાન થવું જોઈએ. ભાન થયા પછી શક્તિઓ પ્રગટ કરી લેવી જોઈએ.

v v v v v

[3.2]

અનંત ઐશ્વર્ય

આત્મા પરમ ઐશ્વર્ય, પણ જેટલું અજાણ એટલું અપ્રગટ

પ્રશ્નકર્તા : દાદા, દરેક આત્મામાં ઐશ્વર્ય તો છે જ ને ?

દાદાશ્રી : હોય જ, અનંત ઐશ્વર્ય છે. ઐશ્વર્ય વગર આત્મા ન હોય.

પ્રશ્નકર્તા : પણ એનું ભાન નથી માટે...

દાદાશ્રી : એને પોતાને ખ્યાલ જ નથી કે હું ઐશ્વર્યવાળો છું. જેટલો એને ખ્યાલ થાય એટલું એનું ઐશ્વર્ય પ્રગટ થાય. ઐશ્વર્ય છે જ પોતાને પણ (એનો) ખ્યાલ થવો જોઈએ.

આત્મા પરમ ઐશ્વર્ય છે, પણ આ આવરણને લઈને ઐશ્વર્ય બધું બંધાયું છે. એમાંથી જેટલા અંશે મહીં લાઈટ નીકળે છે, એટલા અંશનું એને ફળ મળે છે. એટલે અંશ સ્વરૂપે એને આ લાઈટ છે, અજવાળું છે, નહીં કે આત્મા અંશ સ્વરૂપ છે. આત્મા તો સર્વાંશ જ હોય, નહીં તો થાય નહીં સર્વાંશ. પછી શી રીતે થાય ? આત્મા સર્વાંશ જ છે બધાનામાં, સર્વાંશ. મેં મારો આત્મા પ્રગટ થયેલો જોયો. સર્વાંશ રૂપે હતો ને સર્વાંશ રૂપે છે. આવરણ તૂટી ગયું, બસ. એટલે આત્મા પરમાત્માથી છૂટો પડેલો નથી, એનો એ જ પોતે જ છે.

જેટલો અહમ્ થાય ડાઉન, એટલી ઐશ્વરી શક્તિ પ્રગટે અપ

જેટલું ઐશ્વર્ય પ્રગટ થયુંને, એટલે એટલી ઐશ્વરી શક્તિ પ્રગટ થયેલી છે. જેમ જેમ શક્તિઓ પ્રગટ થાયને, એને ઐશ્વર્ય કહેવાય. આત્મશક્તિ પ્રગટ થાય, એને ઐશ્વર્ય કહેવાય.

મનુષ્યો તો પરમાત્મા જ છે. અનંત ઐશ્વર્ય પ્રગટ થાય તેમ છે. પણ ઈચ્છા કરી કે મનુષ્ય થઈ ગયો. નહીં તો પોતે જે ચાહે તે મેળવી શકે તેમ છે. પણ અંતરાયને લીધે નથી મેળવી શકતો.

દુનિયાદારીની ચીજ એવી છે કે આત્મઐશ્વર્ય પ્રગટ કરે એવી છે ! પણ આ તો આત્મઐશ્વર્ય લઈ લીધું ઊલટું ! ઐશ્વર્ય પ્રગટ થવું એટલે શું ? જેટલી ડિગ્રી અજવાળું વધ્યું એટલી ડિગ્રી ઐશ્વર્ય પ્રગટે. જેટલો અહમ્ ઓછો તેટલું ઐશ્વર્ય આવે. તેથી ઈશ્વરની માફક કાર્ય સફળ થાય.

સ્વભાવના આકર્ષણે, વિભુત્વમાંથી પ્રગટે પ્રભુત્વ

પ્રશ્નકર્તા : આત્મા પ્રભુત્વવાળો છે એ સમજાવશો.

દાદાશ્રી : આત્મા પ્રભુત્વવાળો છે. જરાય હીણપત ન બતાવે તેવો છે, અનંત શક્તિવાળો છે. સંયોગોમાં ફસાયો તો શક્તિ રૂંધાઈ.

જેટલો અહં ઘટ્યો તેટલો પ્રભુત્વ આવે. પ્રભુત્વ ના હોય ત્યાં સુધી વિભુત્વ હોય. વિભુત્વમાંથી સ્વભાવનું આકર્ષણ એ પ્રભુત્વ પ્રગટાવે.

પ્રશ્નકર્તા : સ્વભાવનું આકર્ષણ એ પ્રભુત્વ પ્રગટાવે ?

દાદાશ્રી : હા, સ્વભાવ ફેર થાય પહેલા, પછી સ્વભાવનું આકર્ષણ થાય. સ્વભાવનું આકર્ષણ વિભુત્વમાંથી પ્રભુત્વ પ્રગટાવે. જ્યાં આકર્ષણ ઉત્પન્ન થયુંને, તેમ પ્રભુત્વ પ્રગટાવે. વિભુત્વ તો છે જ પણ જેમ જેમ આકર્ષણ વધે એમ પ્રભુત્વ પ્રગટે.

વિભાવિક શક્તિ પ્રગટ થઈ તે વિભુત્વ. પછી બધી સ્વાભાવિક શક્તિ પૂર્ણ પ્રગટ થાય તે પ્રભુત્વ.

પ્રગટ્યું ઐશ્વર્ય અક્રમ થકી જ્ઞાનવિધિમાં

પ્રશ્નકર્તા : અક્રમ માર્ગ શાસ્ત્રોમાં પ્રમાણ છે અને અક્રમ માર્ગ સાચો છે, તો પણ બધા એનો લાભ કેમ નથી લઈ શકતા ?

દાદાશ્રી : આ દાદાનું ઐશ્વર્યેય સમજ્યા નથી એ લોકો, કે શું ઐશ્વર્ય છે ! એટલે ભેદવિજ્ઞાની છે, એવું ઐશ્વર્ય એમને ખ્યાલમાં નથી આવ્યું. આ કાળમાં ભેદવિજ્ઞાની હોઈ શકે નહીં, એવું એમને લાગતું હોય.

પ્રશ્નકર્તા : આ જ્ઞાનવિધિ છે આપની, એની અંદર ગજબની શક્તિ છે !

દાદાશ્રી : હા, એક્ઝેક્ટ કેવળજ્ઞાન જ. આખી જ્ઞાનવિધિ કેવળજ્ઞાન જ છે અને આ મારી શક્તિ નથી, ઐશ્વર્ય પ્રગટ થયું છે. બે કલાકમાં મોક્ષ આપે એવું ઐશ્વર્ય પ્રગટ થયેલું છે. દાદાની જ્ઞાનવિધિ થાય, આત્મજ્ઞાન થઈ જાય, તેનો મોક્ષ થઈ જાય. નહીં તો લાખ અવતારેય ઠેકાણું ના પડે.

આ તો મૂળ આત્માનું ઐશ્વર્ય છે ! અહો ! ઐશ્વર્ય છે આ ! નહીં તો બે કલાકમાં મોક્ષ તે હોતો હશે ? આ તો મૂળ આત્માનો વૈભવ છે. એ આત્મા અમે જોયો છે. એનું ઐશ્વર્ય પાર વગરનું છે.

જબરજસ્ત ઐશ્વર્ય પ્રગટ થયું છે. જે માગે એ મળે અહીં, જોઈએ એટલું, માગતા ભૂલે જગતમાં. માગવાની આપણી પાત્રતા જોઈએ. બહુ મોટું ઐશ્વર્ય કહેવાય. કલાકમાં તો મનુષ્યની આખી દ્રષ્ટિ ફરી જાય છે.

ઐશ્વર્યને શણગારે એવી અદ્ભુતતા દાદાની !

અમેરિકાવાળા તો આશ્ચર્ય-બાશ્ચર્યયે ના બોલ્યા, અદ્ભુત ! અદ્ભુત ! અદ્ભુત !

પ્રશ્નકર્તા : એ અદ્ભુતતા એટલે દાદાના આત્માની ઐશ્વર્યતા ?

દાદાશ્રી : ઐશ્વર્યતા. એ તો ઐશ્વર્યતાની પાર જાય એવી વસ્તુ છે, અદ્ભુતતા તો એનેય શણગાર કરે એવી વસ્તુ. ઐશ્વર્યનેય શણગારે એવી વસ્તુ છે.

પ્રશ્નકર્તા : ઐશ્વર્યનેય શણગારે !

દાદાશ્રી : હંઅ, એવી અદ્ભુતતા !

પ્રશ્નકર્તા : ઐશ્વર્યને શણગારે તો એ ઐશ્વર્ય એટલે શું ?

દાદાશ્રી : ઐશ્વર્ય એટલે પ્યૉરિટી. હજુ ચાર ડિગ્રીની અમારી પ્યૉરિટીમાં જરાક કચાશ છે. તે ચાર ડિગ્રીમાંથી દોઢ એક ડિગ્રીની તો થઈ ગઈ, અઢી ડિગ્રીની રહી છે. તે એટલી અઢી ડિગ્રી જાય તો કમ્પ્લીટ (સંપૂર્ણ) પ્યૉરિટી આવી જાય.

જેનામાં ઐશ્વર્ય ઉત્પન્ન થાય તે ઈશ્વર

પ્રશ્નકર્તા : છ ઐશ્વર્યવાળા હોય તે ઈશ્વર કે ભગવાન કહેવાય એવું ખરું ?

દાદાશ્રી : ભગવાન એટલે ભગવત્ ગુણો પ્રાપ્ત થાયને, એને આ જગત ભગવાન કહે. ભગવત્ ગુણો જેનામાં પ્રાપ્ત થાય. ઐશ્વર્ય ગુણો, ઐશ્વર્ય !           

પ્રશ્નકર્તા : માયા ના ખસે તો ઐશ્વર્ય ક્યાંથી આવશે ?

દાદાશ્રી : માયા ખસે તો જ ઐશ્વર્ય ઉત્પન્ન થાય. માયા ના ખસે ત્યાં સુધી ઐશ્વર્ય ના થાય.

પ્રશ્નકર્તા : સામાન્ય ચેતનમાં ઐશ્વર્ય તો કોઈ શાસ્ત્રમાં નથી લખાયું. સામાન્ય ચેતનમાં ઐશ્વર્ય હોય ? ઐશ્વર્ય તો ભગવાનમાં હોય, ચેતનમાં ના હોયને ?

દાદાશ્રી : ના, ના, આ ચેતનમાં નહીં. આ ચેતનયે વિભાવદશા છે. ‘હું શુદ્ધાત્મા છું’ એ પ્રતીતિમાં બેઠા પછી પોતાનું ઐશ્વર્યનું પોતાને ભાન થાય છે. પોતે ચૈતન્ય તો પરમાત્મા છે.

પોતે અનંત શક્તિનો ધણી, અનંત ઐશ્વર્યનો ધણી એવા ભગવાન ! એ નિરાલંબ છે અને પ્રત્યેક માનવી ભગવાન થઈ શકે છે. સામાન્ય માણસોમાં જે ગુણો ન દેખાય એવા ગુણો ધરાવતો હોય તે ભગવાન. પાશવતાનો સંપૂર્ણપણે નાશ એનું નામ ભગવાન. જેટલા પાશવતાના ગુણો ઓછા થતા જાય અને દૈવી ગુણો પેદા થતા જાય અને પાશવતાના ગુણો સંપૂર્ણ નાશ પામે અને દૈવી ગુણો સંપૂર્ણ પેદા થાય તે દેવ, તે ઈશ્વર. જેનામાં ઐશ્વર્ય ઉત્પન્ન થાય તે ઈશ્વર. એનો એ જ આત્મા છે, બીજો નથી.

માલિક થયા સિવાય માલિકી બ્રહ્માંડની, આત્મઐશ્વર્ય થકી !

મને લોકો કહે કે ‘દાદા, તમને દુનિયા કેવી દેખાય છે ?’ મેં કહ્યું, ‘તને જે દેખાય છે એવું મને દેખાય છે, કંઈ તારાથી જુદું દેખાતું હશે મને ? આ તને દેખાય છે એમાં તને રાગ-દ્વેષ છે અને મને એમાં રાગ-દ્વેષ નથી, એટલો જ ફેર.’

પ્રશ્નકર્તા : રાગ-દ્વેષ વગરનું ?

દાદાશ્રી : હંઅ, અને બીજું તને ના દેખાતું હોય એવું મને અનંત બધું દેખાય. એ મારા જ્ઞાનની વિશાળતા છે અને ઐશ્વર્યપણું છે. પણ તને તારા ઐશ્વર્ય પ્રમાણે દેખાય, તારી વાડ પ્રમાણે, કમ્પાઉન્ડ પ્રમાણે. ઐશ્વર્યપણું એટલે કમ્પાઉન્ડ. આખા જગતનું કમ્પાઉન્ડ થઈ જાય એ ઐશ્વર્યપણું !

પ્રશ્નકર્તા : એ તો દાદા, આ દેહનું માલિકીપણું ના હોય તો જ થાયને, નહીં તો કેવી રીતે થાય ?

દાદાશ્રી : માલિકીપણું ના હોય તો જ ઐશ્વર્ય (પ્રગટ) થાય, નહીં તો ના થાય. માલિકીવાળો તો બંધાયેલા ભાગમાં છે. એને તો બે પ્લોટ હોય ને દેહ એ... એટલામાં જ એ રઝળતા હોય અને જેની માલિકી બધી ઊડી ગઈ પ્લોટ-બ્લોટ બધામાંથી...

પ્રશ્નકર્તા : દાદા, તે અમારેય ધીરે ધીરે, જેમ જેમ માલિકી ઓછી થતી જાય છે તેમ તેમ...

દાદાશ્રી : હા, (પ્લોટની, દેહની) માલિકી તમને નથી એવી હવે તમને ખાતરી બેઠી છે. એટલે હવે ધીમે ધીમે ઓછી થતી જાય. પહેલી આ પ્રતીતિ બેસવી જોઈએ, માલિક નથી ખરેખર.

પ્રશ્નકર્તા : દાદા, એ આત્માનું ઐશ્ચર્ય તે આ ?

દાદાશ્રી : હા. ઐશ્ચર્ય, (અદ્ભુત) ઐશ્વર્ય ! અને તેથી તો આપણે બ્રહ્માંડના માલિક છીએ ! માલિક સિવાય માલિકી છે. માલિકીભાવ રાખવો હોય તો ટાઈટલ હોય અને ટાઈટલ પેટીમાં મૂકવું પડે. આપણે પેટી હોય નહીં. માલિક છીએ એ વાત હંડ્રેડ પરસેન્ટ (સો ટકા) છે. છોને, ઈન્કમટેક્ષવાળા સાહેબ બૂમો પાડે, પણ (માલિક) છીએ આપણે હંડ્રેડ પરસેન્ટ. ટાઈટલ હોય તો એ ઘાલેને ઈન્કમટેક્ષ ?

બહુ મોટું પદ છે આ તો ! જે પદની આગળ કોઈ પદ નથી એવું પદ છે આ. જે તમે પ્રાપ્ત કર્યું છે તે પદ !

બિલીફ ફરતા ચિત્ત વીખરાતું અટકે, તો પ્રગટે ઐશ્વર્ય

પ્રશ્નકર્તા : ભરેલો માલ ફૂટે ત્યારે ‘હું અનંત ઐશ્વર્યવાળો છું’ એ કેવી રીતે ફિટ કરવું ?

દાદાશ્રી : કોઈવાર લોભની ગાંઠ ફૂટે, લાલચના પ્રસંગ આવવા માંડે એવા વખતે હું અનંત ઐશ્વર્યવાળો છું, હું અનંત ઐશ્વર્યવાળો છું, હું અનંત ઐશ્વર્યવાળો છું, એ બોલવાથી એ બધા પરમાણુઓ ખરતા જાય. એની અસર ના થાય.

જેટલી ચિત્તવૃત્તિ વીખરાય એટલું ઐશ્વર્ય ઓછું થતું જાય અને જેટલી મૂળ જગ્યાએ સ્ટેબિલાઈઝ (સ્થિર) થઈ જાય કે ઐશ્વર્ય ઉત્પન્ન થયું, સંપૂર્ણ ઐશ્વર્ય !

પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી આ બધા જે મહાત્માઓ છે, એમની ચિત્તવૃત્તિ ધીમે ધીમે એક જગ્યાએ ભેગી થાયને ?

દાદાશ્રી : આવડતું હોય તો થઈ રહે, બીજું શું ?

પ્રશ્નકર્તા : અને દરેકને આમ થોડો ટાઈમ લાગે ?

દાદાશ્રી : હવે કાચો ના પડે, ને અમારા વિજ્ઞાનમાં રહે તો એકાગ્ર થઈ જ જવાની છે, એક જ અવતારમાં. એવું છે, ભલે વર્તનમાં ના હોય, પણ બિલીફમાં છે ને ?

પ્રશ્નકર્તા : હા, બિલીફમાં છે.

દાદાશ્રી : ત્યારે પછી બિલીફમાં છે એ સત્ય, ભલે વર્તનમાં ના હોય. વર્તન એ આપણા હાથની, કાબૂની વાત નથી, પણ બિલીફમાં છે ને ?

પ્રશ્નકર્તા : બિલીફમાં પૂરેપૂરું.

દાદાશ્રી : તમને શું લાગે છે ? નહીં તો જો કદી વર્તનની નેસેસિટી હોય તો અમારે વઢવું પડત બધાને. અમે વર્તનને જોતા નથી, બિલીફને જોઈએ છીએ, તારી બિલીફ ક્યાં છે તે ? અમારું વર્તન ને બિલીફ એક જ પ્રકારની હોય. તમારી બિલીફ જુદી હોય, વર્તન જુદી જાતનું હોય.

પ્રશ્નકર્તા : આ જે ઐશ્વર્ય ઓછું થઈ ગયું, તે જેમ ચિત્ત વીખરાયું એમ ઐશ્વર્ય ઓછું થતું જાય. તે ઓછું થયું એ એમ એક્ઝેક્ટલી ખબર કેવી રીતે પડે કે આ ઓછું થઈ ગયું ?

દાદાશ્રી : ખબર પડે જ છે ને ! અત્યારે ઐશ્વર્ય ઓછું છે, તેથી તો કેટલાક લોકો ડખો કરે છે. સહન કરવું પડે, કેટલાક લોકો હેરાન કરે, કોઈ બૉસ ટૈડકાવે. સહન ના કરવું પડે ?

પ્રશ્નકર્તા : હા, સહન કરવું પડે.

દાદાશ્રી : એ ઐશ્વર્ય ઓછું ત્યારે જ ટૈડકાવેને ! નહીં તો ઐશ્વર્ય હોય તો મૂઓ શું ટૈડકાવે ?

પ્રશ્નકર્તા : દાદા, એટલે એનો અર્થ એ કે જે આ ક્લેશ થાય છે અંદર, મનમાં જે દુઃખ થયા કરે...

દાદાશ્રી : હા, તે આ બધું ઐશ્વર્ય ઓછું તેનું, ને ઐશ્વર્ય હોય તો તો કોણ ટૈડકાવનારો ? આમ ટૈડકાવવા માટે આવેને, તે મોઢું જોતા પહેલા આમ આમ થઈ જાય ! અરે બાપ, શું થશે, શું થશે, શું થશે ? કારણ કે ઐશ્વર્ય છે. ઐશ્વર્ય જોતાની સાથે જ ગભરામણ, પસીનો છૂટી જાય. માટે ઐશ્વર્યની જરૂર છે, બીજું કશું જરૂર નથી. હવે તમારી પહેલાની બિલીફ રોંગ હતી, સમ્યક્ ન્હોતી એનું આ ફળ આવ્યું છે. તે તો તમારે ભોગવે જ છૂટકો. પણ અત્યારે બિલીફ તમારી જુદી જગ્યાએ છે, ઐશ્વર્ય એક કરવા તરફ જ બિલીફ છે અને આમ વર્તનમાં રહેતું નથી ઐશ્વર્ય. તે એનો વાંધો નહીં, પણ રાત-દહાડો બિલીફ ક્યાં છે, એ જોયા કરવું, અને બિલીફને ટેકા આપ આપ કરવા અને બિલીફને વિટામિન આપ આપ કરવું.

કેવું ઐશ્વર્ય પ્રાપ્ત થયું છે ! રસ્તો કેટલો સુંદર ! સહેલો, સરળ, નહીં ભૂખે મરવાનું, નહીં બટાકા છોડવાના, નહીં બધું ગળ્યું છોડવાનું, નહીં તીખું છોડવાનું, નથી બૈરાં-છોકરાં છોડવાના, નથી બંગલા છોડવાના, આ બધું છોને રહ્યું ! આમાં ચિત્તવૃત્તિ શેના માટે જોઈએ ?

v v v v v

[3.3]

અનંત વીર્ય

જ્ઞાનીનું આત્મ વીર્ય, તીર્થંકરનું અનંત વીર્ય

આત્માનું સ્વરૂપ શું છે ? આત્મા તો પોતે પરમાત્મા, અનંત જ્ઞાનવાળો, અનંત દર્શનવાળો, અનંત શક્તિવાળો, અનંત વીર્યવાળો છે.

પ્રશ્નકર્તા : અનંત વીર્ય એટલે શું ? કઈ અવસ્થામાં અનંત જ્ઞાન-દર્શન-ચારિત્ર, અનંત વીર્ય પ્રગટ થાય ? અનંત વીર્યની દશા કઈ ?

દાદાશ્રી : જ્ઞાન-દર્શનથી ચારિત્ર થાય, સ્વચારિત્રથી અનંત વીર્ય ઉત્પન્ન થાય. એ જ અનંત વીર્યની દશા !

પ્રશ્નકર્તા : કઈ ?

દાદાશ્રી : આ બધું દેખાય છે, એ બધા પદાર્થ ને વસ્તુ, એ દ્રવ્ય-ગુણ-પર્યાયથી, ભૂતકાળથી માંડીને ભવિષ્યકાળ બધા જ દેખાય.

પ્રશ્નકર્તા : અને આત્મ વીર્ય કોને કહેવાય ?

દાદાશ્રી : આ અમારું આત્મ વીર્ય કહેવાય. તમે આખો દહાડો દેખતા નથી ? અને તીર્થંકરોને અનંત વીર્ય, આથી અમુક પ્રકારનું વધી ગયેલું હોય, બસ એટલું. આનું નામ વીર્ય કહેવાય. બીજું કશું વીર્ય-બીર્ય હોતું નથી. આત્મ વીર્યથી, અનંત લાભ-લબ્ધિ થાય.

પ્રશ્નકર્તા : એટલે પોતાના આત્માના ગુણોમાં રમમાણ (લીન) થાય ? આત્માના ગુણોમાં નિરંતર રમી રહેલો હોય એ અનંત વીર્ય ગણાય ?

દાદાશ્રી : એ તો જ્ઞાનીય રહી શકે, અનંત વીર્ય આવું ના હોય. અનંત વીર્ય તો આમ હાથ મૂકે તોય કંઈનું કંઈ (ફેરફાર) થઈ જાય ! અનંત વીર્ય !

અનંત વીર્ય એટલે અનંત શક્તિ, પાર વગરની શક્તિ ! આમ હાથ અડાડે એટલે સામાનું કામ કાઢી નાખે.

જ્ઞાન-દર્શન-ચારિત્ર-શક્તિ-ઉલ્લાસ તે આત્મ વીર્ય

હું શુદ્ધાત્મા છું, આત્મ વીર્યવાળો છું. એટલે આ દેહ વીર્ય કોને કહેવાય ? દેહ વીર્ય પુદ્ગલને કહેવાય છે, જે ખરી પડે. અને આત્મ વીર્ય એ શક્તિ ને ઉલ્લાસ. એ જે આત્માનો ઉલ્લાસ ને શક્તિ, જબરજસ્ત. એ જ્ઞાન-દર્શન-ચારિત્ર આના મુખ્ય ગુણો. ચારિત્ર એટલે જ્ઞાતા-દ્રષ્ટામાં રહેવું તે. ચારિત્ર એટલે રમણતા. અને વીર્યવાળો એટલે ઉલ્લાસ છે જેને, ઉપયોગ છે. એને ઉપયોગમાં રાખી શકે એવી ઉલ્લાસ શક્તિ છે.

પ્રશ્નકર્તા : દાદા, જે આત્મ વીર્યની વાત કહીએ છીએ એ આત્માનું વીર્ય બહુ ઉલ્લાસિત થયું હોય, તો એ રિયલ-રિલેટિવમાં છે ?

દાદાશ્રી : રિયલ-રિલેટિવમાં જ હોય, રિયલમાં ન હોય. રિયલમાં તો વીર્ય જ છે. અનંત વીર્યનો માલિક થયો ત્યાં આગળ ! રિયલ તો અનંત વીર્ય કહેવાય. આપણે જે મૂળ આત્મા છે તે અનંત વીર્ય. જ્યાં રુચિ (હોય) ત્યાં આત્માનું વીર્ય વર્તે.

લાલસાઓ છૂટે ને અહંકાર ઓગળે, તો આત્મ વીર્ય વધે

પ્રશ્નકર્તા : આપણે શાંત-સ્થિર બેઠા હોઈએ, તે વખતે બહારથી કોઈ ક્રોધિત આવ્યો હોય તો તે વખતે આપણા પરિણામ બદલાય તો એના માટે આપણે શું આત્મબળ વધારવું જોઈએ કે આપણા પરિણામ ના બદલાય ? તે વખતે કયો ઉપાય કરવો ?

દાદાશ્રી : એ આત્મ વીર્યનો અભાવ છે. હવે દેહની લાલસાઓ ને એના તરફના ભાવ, અભાવ કરી દો, તો એ આત્મ વીર્ય વધે. ભૌતિક સુખોનો અભાવ કરે તો આત્મ વીર્ય વધે. આત્મ વીર્ય ખલાસ થયું છે એનું કારણ શું ? ભૌતિક સુખમાં જ રાચે છે નિરંતર. એને પછી આત્મ વીર્ય ખલાસ થઈ જાય. નહીં તો પછી જ્ઞાની પુરુષની પાસે જવું, એટલે તને સંપૂર્ણ આત્મ વીર્યવાન બનાવી શકે.

આત્મશક્તિઓને તો આત્મ વીર્ય કહેવાય. આત્મ વીર્ય ઓછું હોય તો તેનામાં નબળાઈ ઉત્પન્ન થાય, ક્રોધ-માન-માયા-લોભ ઉત્પન્ન થાય. અહંકારને લઈને આત્મ વીર્ય તૂટી જાય. તે જેમ જેમ અહંકાર ઓગળે તેમ તેમ આત્મ વીર્ય ઉત્પન્ન થતું જાય. જ્યારે જ્યારે આત્મ વીર્ય ઘટતું લાગે ત્યારે પાંચ-પચીસ વખત મોટેથી બોલવું કે ‘હું અનંત શક્તિવાળો છું’ એટલે શક્તિ ઉત્પન્ન થાય.

તૂટે વીર્યાંતરાય તો પ્રગટે આત્મ વીર્ય, અંતે અનંત વીર્ય

પ્રશ્નકર્તા : અને અનંત વીર્ય કેવી રીતે પ્રગટ થાય ?

દાદાશ્રી : ભગવાન શું કહે છે કે જ્યારે અંતરાય તૂટે, ત્યારે અનંત લાભ, અનંત ભોગ, અનંત ઉપભોગ, અનંત વીર્ય પ્રગટ થાય. તો આ વીર્ય શેના આધારે છે ? ‘હું કરું છું, પણ થતું નથી.’ અલ્યા ! એ વીર્યાંતરાય છે. એના અંતરાય પાડ્યા છે. જેમાં ને તેમાં અંતરાય પાડ્યા છે. હવે એને સમજણ હોત તો ના પાડત. પણ હવે કોણ સમજણ પાડે એને ? આ સમજણ જ નથી એટલે આ સ્થિતિ છે. એટલે હું તમને શું કહું છું ? બધા અંતરાય તૂટ્યાનો રસ્તો કરી આપ્યો છે મેં તમને. આ બધી આજ્ઞા આપી છે ને, તે બધા અંતરાય તૂટી જાય.

આત્મા તમને આપ્યો. હવે આત્મ વીર્ય પ્રગટ થશે ને પહેલા અંતરાય હતો. વીર્યાંતરાય હતો, અનંત વીર્યનો જે અંતરાય હતો તે તૂટશે હવે. કૃપાળુદેવે કહ્યું છે ને, ‘સર્વ ભાવ જ્ઞાતા-દ્રષ્ટા સહ શુદ્ધતા.’ તમામ પ્રકારના જ્ઞાતા-દ્રષ્ટા ભાવ જ રહે, શુદ્ધતાના. અને ‘કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો.’ અનંત વીર્ય કહે છે કે જે વીર્ય છે તે, વીર્યાંતરાય બાંધ્યા’તા, તે બધા તૂટીને અનંત વીર્ય ઉત્પન્ન થાય.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18