ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14- 15 - 16 - 17 - 18



આપ્તવાણી

શ્રેણી-૧૪ ભાગ-૪

 [14]

આત્મા થર્મોમિટર જેવો

પોતાનો જ આત્મા થર્મોમિટર સમાન

પ્રશ્નકર્તા : એ કેવી રીતના સમજાય કે આપણને ધર્મનો સાર પ્રાપ્ત થયો છે ?

દાદાશ્રી : એ તો કોઈ માર મારે, લૂંટી લે તોય રાગ-દ્વેષ ના થાય એ એનું થર્મોમિટર. થર્મોમિટર જોઈએ ને ? રડે તેનો વાંધો નહીં, રાગ-દ્વેષ ના થવા જોઈએ.

પ્રશ્નકર્તા : રાગ-દ્વેષ નથી થયા કેવી રીતે ખબર પડે ?

દાદાશ્રી : હા, એને માટે થર્મોમિટર મૂકી જોવાનું આપણે. જેમ આપણને તાવ ચઢ્યો હોય તો થર્મોમિટર મૂકીએ તો ખબર પડે કે ના પડે ? પછી કેટલી ડિગ્રી છે એ ખબર ના પડે ? તાવ ચઢેલો ઊતર્યો તેય ખબર પડે કે ના પડે ?!

આપણને સૂતા-સૂતા ખબર પડે છે કે આ તાવ ચડ્યો છે ! એ તાવ વધારે ચડે છે, તાવ ઓછો થયો, તાવ ઊતરી ગયો, એ બધું કોણ કહે છે આપણને ? એવો આપણો આત્મા થર્મોમિટર જેવો છે. એ બધી જ જાતની ખબર આપે.

આત્મા થર્મોમિટર સમાન છે. એ જ્યારે કેટલા ડિગ્રી તાવ ચઢેલો છે એ દેખાડે, ત્યારે એને તાવ આવતો નથી. થર્મોમિટરને કોઈ દહાડો તાવ નથી આવ્યો, એ તો ઊલટું તાવ દેખાડે એવું છે. લોક તો કહેશે કે ભઈ, આ તાવને અડી અડીને એને તાવ ચડી ગયો છે. તે મૂઆ એને ચડતો હશે ? ડૉક્ટરને ચડી જાય જે થર્મોમિટરના માલિક છે એને, પણ થર્મોમિટરને તાવ ના ચઢે. એટલે આત્મા થર્મોમિટર સમાન છે. પોતાને બધી જ ખબર પડે.

પ્રશ્નકર્તા : પોતાને પોતાની મેળે ખબર પડે ?

દાદાશ્રી : હા, મન-વચન-કાયા ઈફેક્ટિવ છે અને આત્મા થર્મોમિટર જેવો છે, તરત જ ખબર પડી જાય.

મહીં સારું-ખોટું બધું બતાડે આત્મારૂપી થર્મોમિટર

જેનામાં આત્મા છે, એ ભણેલા કે ના ભણેલા એ જોવાનું નથી. આત્માને અધ્યાત્મમાં ભણતરની જરૂર છે નહીં. ભણતરની જરૂર સંસારમાં છે. અભણ સ્ત્રીઓ પણ સમજી જાય કે આ એમણે કર્યું એ ખોટું કહેવાય. એ શી રીતે સમજી જતી હશે ? અભણ છે ને ? આત્મા જ એની પાસે છે થર્મોમિટર, તે બધું જ સમજી જાય. થર્મોમિટર આત્મા છે જ્યાં આગળ, ત્યાં તરત બધું ખબર પડી જાય કે અવળે રસ્તે ચાલ્યું.

જો આમ ચિંતા થતી હોય તોય ખબર ના પડે કે ચિંતા થાય છે ? સમાધિ રહેતી હોય તેય તને ખબર પડેને ? એ થર્મોમિટર કોણ હશે ? એ થર્મોમિટર ક્યાંથી લાવ્યો તું ? એ આત્મા થર્મોમિટર સમાન છે.

તું પરીક્ષામાં ભૂલ કરતો હોય ને તે ઘડીએ તરત ખબર પડેને કે આ ભૂલ થઈ રહી છે ?

પ્રશ્નકર્તા : ભૂલ થયા પછી યાદ આવે.

દાદાશ્રી : પછી પણ બીજું કોઈ વચ્ચે આવ્યું નહીં, છતાંય ખબર પડે જ છે ને ? એ તો આવરણ ખસી ગયું કે તરત ખબર પડે. કેટલાક માણસો પોતે (પરીક્ષામાં) પાસ થવાના કે નહીં, એ જાણતા હોય. કેટલાક તો એમ કહેશે, હંડ્રેડ પરસેન્ટ ગેરન્ટીથી પાસ થવાનો જ. બધું પોતાને ખબર છે કે કેટલા ટકા આવશે ! ટકા હઉ જાણે. કારણ કે મહીં આત્મા થર્મોમિટર જેવો છે, બધીય ખબર આપે પણ થર જાડા હોય તો ખબર ના પડે. આત્મા મહીં થર્મોમિટર છે. અંદરનું જોવા જઈએ તો થર્મોમિટરથી માલૂમ પડે (એમ) છે.

થર્મોમિટર દેખાડે સઘળું, જો નિષ્પક્ષપાતીપણે જુએ તો

પ્રશ્નકર્તા : આપણે મોક્ષમાં જવાના છીએ, એ શી રીતે ખબર પડે ?

દાદાશ્રી : બધું ખબર પડે. આપણો આત્મા છે ને, એ થર્મોમિટર જેવો છે. ભૂખ લાગે તે ખબર ના પડે ? સંડાસ જવાનું થાય તે તમને ખબર પડે કે ના પડે ? બધું જ ખબર પડે. કયા અવતારમાં જવાનો છે તેય ખબર પડે. નિષ્પક્ષપાતીપણે જોતો નથી. પોતે તટસ્થ ભાવે જુએને તો આત્મા થર્મોમિટર છે. તમે જે કહો એટલું માપ કાઢી આપે.

પ્રશ્નકર્તા : એ સ્ટેજ ઉપર આવવું પડેને ?

દાદાશ્રી : ના, પણ આત્મા એ સ્ટેજવાળો જ છે. નિષ્પક્ષપાતીપણે જોવાનું જ છે. આપણે જોડે જોડે પક્ષપાતમાં ના આવવું જોઈએ. સંડાસ જવાનું મહીં આપણને ખબર તો તરત પડે, પણ જોડે જોડે પક્ષપાત એટલે શું ? આપણે ત્યાં કોઈ સોનાનો વેપારી આવ્યો છે ને એની જોડે વાતોમાં રહ્યા કરે, એટલે પછી શું થાય તે ? પેલો સોના ઉપર પક્ષપાત પડ્યો, એટલે પેલું સંડાસ જવાનું આ થર્મોમિટર દેખાડતું હોય તે બંધ થઈ જાય પછી. નહીં તો પક્ષપાત ના હોયને, તો આત્મા થર્મોમિટર, બધું જ દેખાડે એવો છે.

દાનત ખોરી, માટે રાચે પુદ્ગલ પક્ષમાં

કોઈ આમ રાત્રે મોઢામાં શિખંડ ઘાલી આપ્યો હોય આટલો, પછી આપણે પૂછીએ કે શું છે ? તો ઘોર અંધારામાંય એ બધું વર્ણન કરે. અરે મૂઆ, આટલી બધી શક્તિ છે ! અંધારામાં તું શિખંડનું વર્ણન કરું છું કે મહીં દહીં છે, પણ દહીં સહેજ ગંધાતું છે. તે મહીં અંધારામાં શી રીતે જાણ્યું તેં આ ? ખાટું-મીઠું લાગ્યું એટલે દહીં છે, ખાંડ છે, બધો હિસાબ ખોળી કાઢ્યો. અને પછી મહીં ઈલાયચી છે, ચારોળી છે, દરાખ છે. ત્યારે આ ના આવડે ? પણ દાનત ખોરી છે. નવરા પડીને વિચારવું જ નથી. આમ જો રાત્રે શિખંડનું કહી આપે છે તો આ બધું ના આવડે ?

કૃપાળુદેવે કહ્યું છે ને કે આત્મા આમ થર્મોમિટર છે. તો થર્મોમિટર બોલ્યા પછી આપણે તાવ ચડ્યો-ઊતર્યો, ના ખબર પડે આપણને ? પણ એ દાનત જ ખોરી છે આ. અને બીજો એક પાડોશી મળે તેય દાનત ખોરીવાળો. ‘લ્યો, આ પેપર વાંચો, સાહેબ’ એ કહેશે. મેર મૂઆ, પેપર શું કરવા વંચાવે છે ? બીજું કંઈક કહે, બોલને કંઈક સારું ! પેપર આપી જાય વાંચવા. એટલે એને લોકસંજ્ઞામાંથી બહાર ખસવા ના દે. કૃપાળુદેવે ઘણું કહ્યું, લોકસંજ્ઞા દુઃખદાયી છે, ત્રાસદાયી છે પણ તોય લોકસંજ્ઞામાં રહે છે ને લોકો નિરાંતે !

જ્ઞાન પછી થર્મોમિટર દેખાડે પોતાની ભૂલો

પ્રશ્નકર્તા : દાદા, આ બધી સ્થૂળ વાતો થઈ, પણ પોતાથી જે અનંતી સૂક્ષ્મ ભૂલો થઈ રહી છે તેની ખબર મહીં શુદ્ધતા આવે, જ્ઞાન થાય પછી જ આત્મા ખરો થર્મોમિટર થાય છે ને ?

દાદાશ્રી : બરોબર છે આત્મા એકલો શુદ્ધ થવો જોઈએ, એ શુદ્ધતાને પામવો જોઈએ, કે જે આ ચંદુ (હું) ન હોય ને આ (હું) શુદ્ધાત્મા હોવું જોઈએ. તે આપણે ત્યાં જ્ઞાન મળ્યા પછી આત્મા ખરો થર્મોમિટર જેવો થાય.

બાકી અજ્ઞાનતામાં પોતે સહજ સ્વભાવે જે કાર્ય, ક્રિયા કરતો હોય ને, એમાં પોતાની ભૂલ છે એવું ક્યારેય દેખાય નહીં. ઊલટું ભૂલ દેખાડે તોયે પણ એને ઊંધું દેખાય. એ જપ કરતો હોય કે તપ કરતો હોય, ત્યાગ કરતો હોય, એને પોતાની ભૂલ ના દેખાય. એ તો આત્મસ્વરૂપ થાય પોતે, જ્ઞાની પુરુષે આપેલો આત્મા પ્રાપ્ત થાય તો આત્મા એકલો જ થર્મોમિટર સમાન છે કે ભૂલ દેખાડે. બાકી ભૂલ ના દેખાય કોઈને. ભૂલ દેખાય તો તો કામ થઈ ગયું. ભૂલ ભાંગે તો પરમાત્મ સત્તા પ્રાપ્ત થાય. પરમાત્મા તો છે જ, પણ સત્તા પ્રાપ્ત થતી નથી. પરમાત્માની સત્તા ક્યારે પ્રાપ્ત થાય ? ભૂલ ભાંગે તો. એ ભૂલ ભાંગતી નથી ને સત્તા પ્રાપ્ત થતી નથી. અને આપણે પરમાત્મા છીએ, એવું લક્ષ બેઠું છે. એટલે હવે ધીમે ધીમે શ્રેણી માંડે એ. એટલે સત્તા પ્રાપ્ત થયા કરે.

પ્રશ્નકર્તા : આપે કહ્યુંને કે થર્મોમિટર બધું જ બતાવે છે એ કોણ ?

દાદાશ્રી : એ જ પ્રજ્ઞા, (જ્ઞાન પછી) ચેતવી ચેતવીને મોક્ષે લઈ જાય.

થર્મોમિટરરૂપી આત્મા જ્ઞાયક, નહીં વેદક

પ્રશ્નકર્તા : દાદા, હવે પોતાની ભૂલો તો દેખાય છે પણ શારીરિક પીડા વખતે થર્મોમિટર જેવું નથી રહેતું અને દુઃખનો ભોગવટો આવે છે.

દાદાશ્રી : ના, દુઃખ રહે તો પછી આત્મા જ ન્હોયને ! તમે શુદ્ધાત્મા છો. તમારી દ્રષ્ટિમાં દુઃખ જ નથી પણ દુઃખ લાગે છે તે તમે પ્રતિનિધિરૂપે થાવ, પ્રતિનિધિનું દુઃખ તમે સ્વીકારી લો છો.

કોઈ જગ્યાએ જાણકાર સેફ સાઈડની બહાર ના જાય. હવે ખરેખર પોતે જાણકાર છે, પોતે જાણે છે. આ તો દાઢ દુઃખી તો કહે, મને દુઃખી. અલ્યા, દાઢને દુઃખી દાઢ. તું જાણું છું કે ભઈ, આ કેટલી દુઃખે છે ! તું જાણું છું કે દાઢ વધારે દુઃખે છે કે દાઢ ઓછી દુઃખે છે. ઓછી થઈ તેને જાણે પાછો. હવે સારું છે, કહેશે. અલ્યા મૂઆ, તેની તે જ. વધતી’તી તેય જાણનાર હતો અને ઓછી થઈ તેય જાણનાર, આત્મા થર્મોમિટર છે. આત્મા વેદક નથી. શાસ્ત્રકારોએ વેદક લખ્યું, તે ક્રમિક માર્ગમાં. એ એમ કહે છે કે આ આત્મા જ ભોગવે છે અને તે ક્રમિક માર્ગમાં ભોગવે, અહંકાર રહ્યોને ! એમાં અહંકાર સાથે હોય ને ધીમે ધીમે અહંકાર ઘટવાનો. આપણો અહંકાર ઊડાડી મેલ્યા પછી એ આપણને વેદક ના રહે, જ્ઞાયક રહે.

પ્રશ્નકર્તા : જ્ઞાયક રહે.

દાદાશ્રી : હં, થર્મોમિટર જેવો છે ને ! એને વેદકતા ના હોય.

ક્રમિકમાં આત્મા પોતે વેદક, અક્રમમાં નિર્વેદ

ક્રમિક માર્ગવાળાનો આત્મા વેદક છે અને આપણામાં નિર્વેદ છે. એ આત્માને વેદક કહે. એ મારો આત્મા તન્મયાકાર થઈ ગયો, એવું કહે.

પ્રશ્નકર્તા : બરાબર.

દાદાશ્રી : આપણો જાણનાર હોય, શાતા વર્તે કે અશાતા વર્તે એનો.

પ્રશ્નકર્તા : આપે પેલો જે શાતા-અશાતા અનુભવે છે, એને પણ જોવાનો (એટલે) એની ઉપરની સ્થિતિમાં મૂકેલા.

દાદાશ્રી : અને ક્રમિકમાં એવું હોય, વેદક ઘૂસી જાય એટલે આત્મા મારો ઘૂસી ગયો એવું, એ ઘૂસવાયે ના દે.

પ્રશ્નકર્તા : એ ઘૂસવા ના દે તો વ્યવહાર ડિસ્ટર્બ થઈ જાય ?

દાદાશ્રી : હા, વ્યવહાર બધો ડિસ્ટર્બ થાય. પણ એ વ્યવહારને છોડતા છોડતા, ત્યાગ કરતા કરતા આગળ જાય. વ્યવહારમાં રહેવાની આપણામાં છૂટ શાથી આપી ? એ વેદક છે નહીં. આ અક્રમ છે એટલે. બહારના તો, ક્રમિક માર્ગ તો એવું જ કહે કે એ વેદક પોતે જ. કારણ કે એને પૂરું જ્ઞાન થયું નથી. પૂરો આત્મા થયો નથી. પૂરો આત્મા થયેલો વેદક ના હોય, નિર્વેદ હોય.

વેદકને જુદું રાખે, સૂક્ષ્મતા અક્રમ વિજ્ઞાનમાં

ક્રમિક માર્ગમાં આત્માને વેદક કહ્યો. ‘વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.’ ત્યાંય આપણું વિજ્ઞાન શું કહે છે ? વેદનારો જુદો ને જાણનારો જુદો. ‘હું ભોગવું છું’ કહે છે તો તારું, નહિતર આ ચંદુભાઈ ભોગવે છે, તો વેદનાર વેદે છે અને તું જાણું છું.

પ્રશ્નકર્તા : એટલે વેદકની ઉપર ગયું.

દાદાશ્રી : વેદકથી ઉપર ગયું. નહિતર ત્યાં ‘હું વેદું છું’ કહે છે. ઉ... મારા બાપ રે. તે તારા બાપને શું કામ બોલાવ્યા દાઢ દુઃખે છે તેમાં મૂઆ ? કારણ કે પોતે ભોગવે છે તેથી.

અને જાણનાર હોય તો, દાઢ દુઃખે તો મહીં પેલો વેદક હોય તેને કહે કે ‘ભઈ, આ તો મહીં હિસાબ છે એ ચૂકતે થાય છે.’ પણ ‘બાપ રે’ ના બોલાવે, દુઃખે તો ખરું જ. વેદકને વેદના થાય પણ ‘બાપ રે’ ના બોલાય. પાછો બાપને શું કામ બોલાવે છે ? એ તો ગયા. પચાસ વર્ષ તો થયા ગયે એમને. પાછો ‘બાપ.. રે’ બોલે, નહીં ?

પ્રશ્નકર્તા : ત્યાં ‘ક’ની આગળનું છે આપણું. આપણે તો ‘ક’ને જોઈએ છીએ. આ બધા ‘ક’ને જોવાના છે !

દાદાશ્રી : હા, જો આ બધાથી છૂટો પડ્યો છે આત્મા. વેદકતાથીય છૂટો પડ્યો. કારણ કે આત્મા નિર્વેદ છે. ક્રમિકનો વેદક, આ નિર્વેદ છે. આટલી બધી સૂક્ષ્મતા સુધી પહોંચ્યું છે આ વિજ્ઞાન ! તેથી નિરંતર સમાધિ રહે છે ને ! વેદક હોય તો ચિંતા થયા વગર રહે નહીં.

એટલે વીતરાગનું થર્મોમિટર સાચું છે. એ થર્મોમિટરની જોડે એને મૂકીએ, એ જેટલો તાવ દેખાડે એટલો આ તાવ દેખાડે તો જાણવું કે આ થર્મોમિટર બરોબર છે.

થર્મોમિટરને ન ચડે તાવ, જે બને તેનો રહે જાણકાર

એટલે મેં શુદ્ધાત્મા આપ્યો છે, તે થર્મોમિટર છે. એ તો કેટલું દુઃખે છે, વધ્યું તેને જાણકાર, ઘટ્યું તેનેય જાણકાર. તું થર્મોમિટર છે, થર્મોમિટરને તાવ ના ચડે. જે જાણે ઓછું-વત્તું તેને તાવ ચડતો હશે ? પણ આ લોકો શુંય માની બેઠા છે, તે થર્મોમિટરને તાવ ચડાવે છે. થર્મોમિટરને તાવ ચડ્યો છે, કહેશે. ડૉક્ટરનું કેટલું ખરાબ દેખાય, નહીં ? ડૉક્ટરનું ખરાબ દેખાયને થર્મોમિટરને તાવ ચડ્યો કહે તો ?

થર્મોમિટરને તાવ ચડે નહીં કોઈ દહાડોય. ડૉક્ટરને ચડે, દર્દીને ચડે પણ થર્મોમિટરને તાવ ચડે નહીં. આત્મા થર્મોમિટર છે. તે અંદર શું થયું છે ? ત્યારે કહે, સળગ્યું છે. તો કોણ દાઝયા ? ત્યારે કહે, ‘હું દાઝયો.’ ત્યારે કહે, ‘તું દાઝયો ?’ ફરી પૂછે કે ‘કોણ દાઝયું ?’ ત્યારે કહે, ‘આ દેહ દાઝયો’, ત્યારે કહે, ‘તે દેહ દાઝયો.’ (આત્મા) થર્મોમિટર છે. દુઃખ વધ્યું, ઘટ્યુંનો જાણકાર છે. તરત ખબર પડી જાય, દુઃખ ઘટવા માંડ્યું. એ વધવા માંડ્યું. અલ્યા મૂઆ, તું થર્મોમિટરને આમાં શું કરવા ઘાલે છે તે ? આપણે પૂછીએ, કેમનું છે હવે ? ત્યારે કહે, હવે ઘટતું જાય છે. તો પણ જાણકાર કોણ ? આ જેને દુઃખ ઘટે છે તે એવું જાણે છે કે થર્મોમિટર જાણે છે આ ? દુઃખ વધઘટ થાયને, પણ ‘મને દુઃખે છે’ એ રોંગ બિલીફ છે અને વધઘટ થાય તે પુદ્ગલને થાય છે. એને આત્મા તો જાણે જ છે કે આ વધ્યું ને આ ઘટ્યું. જો તમે દાદાએ આપેલો આત્મારૂપ રહો છો તો તમને કશું અડતું નથી અને તમને પહેલાની પ્રેક્ટિસ ખરીને એટલે થોડું પેસી જાય ત્યારે જરા અસર થાય. તે પછી તરત ધોઈ નાખવી પડે. કોઈ દહાડો આ છે તે હાઈવે પર ફરેલા નહીં અને નવે નવો હાઈવે, એટલે પછી એને ગૂંચવાડો થાયને બળ્યો ! ધીમે ધીમે પ્રેક્ટિસ કરે એટલે પછી ઠેકાણે આવી જાય. બાકી, આત્મા પોતે થર્મોમિટર થઈ ગયો પછી રહ્યું શું ? પોતે શું હકીકત, વાસ્તવિકતા છે તે બધું જ જાણે.

એ ભાઈ બધી વાતો કરતા’તા ત્યારે મેં કહ્યું, ‘થર્મોમિટરને આ આવું કેમ હોય ?’ ત્યારે કહે, ‘હા, એ ના હોય.’ મેં કહ્યું, ‘થર્મોમિટર સ્ટેજમાં ના આવવું જોઈએ એ બધું ?’

પ્રગટ શુદ્ધાત્મા કામ કરે થર્મોમિટર જેવું

તમને તો શુદ્ધાત્મા એવો પ્રગટ થયેલો છે કે જ્યારે કહો ત્યારે થર્મોમિટરની પેઠ કામ કરે. જેમ થર્મોમિટરને અડાડતા જ કામ આપી દેને એવું. આત્મા પોતે જ થર્મોમિટર છે. તે તો તાવ માપે, તેને તાવ ના આવે, પણ આ જ ભ્રાંતિ છે ને કે મને તાવ આવ્યો. તું જાણું છું કે તને (ચંદુને) કેટલો તાવ આવ્યો છે પણ તને ભ્રાંતિથી એક જણાય છે. ‘મને’ કહ્યું કે ચોંટ્યું. સહેજ પણ અન્ય ધર્મને પોતાનો ધર્મ ના મનાય, બેઉને છૂટા રાખવા જોઈએ.

આ બધાય (મહાત્માઓ) આત્માના થર્મોમિટર વાપરે જ છે. તાવ ચડ્યો કેટલો ને તાવ ઊતર્યો કેટલો બધું જાણે. કષાય ચડ્યા કે કષાય ઊભા થયા તે બધું જ જાણે. બધી જ વસ્તુ જાણે. શું શું ઊભું થયું તેય જાણે. એનો પાછો સમભાવે નિકાલેય કરી નાખે. કારણ કે આપણી નિકાલી બાબત છે, નિકાલ (બીજે) કોઈ જગ્યાએ હોય નહીં.

પ્રશ્નકર્તા : એનું કોઈ થર્મોમિટર ખરું કે આમ આગળ વધી રહ્યા છે કે નહીં, એ જાણવા માટેનું ?

દાદાશ્રી : એ થર્મોમિટર તો આત્મા જ છે. એ કહી આપે કે ‘હજુ બરોબર નથી. આટલે સુધી અનુભવ બરોબર છે.’ આત્મા થર્મોમિટરની માફક કામ કર્યા જ કરે છે.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14- 15 - 16 - 17 - 18