ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18



આપ્તવાણી

શ્રેણી-૧૪ ભાગ-૪

 [18]

સિદ્ધ સ્તુતિ

આત્મગુણો બોલતા, લક્ષની લિંક જોડાય ફરી

પ્રશ્નકર્તા : શુદ્ધાત્માનું લક્ષ કાયમ કેવી રીતે રહે ? લિંક તૂટી જાય છે.

દાદાશ્રી : મહીં લક્ષની લિંક તૂટી જાય, ત્યારે એ તો આપણે બોલવું પડે, ‘હું અનંત જ્ઞાનવાળો છું કે અનંત દર્શનવાળો છું’ એવું બધું બોલે એટલે ફિટ થઈ જાય લિંક. લિંક તૂટી જાય, લિંક બધી પૌદ્ગલિક છે.

પ્રશ્નકર્તા : આવું બને ખરું ?

દાદાશ્રી : હા, બને એ તો. આવું બધું તો ઘણા વખત બને, અને તે જ્ઞેયસ્વરૂપે છે. અને જ્ઞેયને જોવાની લિંક તૂટી જાય. જ્ઞાતા તો હોય જ, પણ પેલી િંલક તૂટી ગઈ હોય તો આપણે બોલીએ તો ફરી લિંક ચાલુ થાય.

લિંક તૂટી ગયેલી ખબર પડે છે એનો (તું) જ્ઞાતા છું અને સળંગ રહેલી છે તેનોય જ્ઞાતા છું. આપણે જ્ઞાતાસ્વરૂપે જ છીએ. તૂટતું હોય તો તૂટે, બસ એને જાણવું જોઈએ આપણે.

આત્માના ગુણોના ધ્યાને, થાય પોતે તે રૂપ

પ્રશ્નકર્તા : આત્માના ગુણો બોલવાનું કહ્યુંને તે વિશે વધારે સમજવું છે.

દાદાશ્રી : કોઈ જગ્યાએ મમતા કરવા જેવી નથી આ દુનિયામાં. હું કહું છું, આત્માને જાણો અને આત્મા જ તમારો છે, ને તમારે એના ગુણોની મમતા કરવાની છે. હું અનંત જ્ઞાનવાળો છું, હું અનંત દર્શનવાળો છું, હું અનંત શક્તિવાળો છું, હું અનંત સુખનો કંદ છું, અવ્યાબાધ છું, અમૂર્ત છું, સૂક્ષ્મ છું, અગુરુ-લઘુ છું, ટંકોત્કીર્ણ છું. કેટલા ગુણો છે એને ! એ એની મમત્વ છે.

પ્રશ્નકર્તા : આત્માનું મમત્વ ?

દાદાશ્રી : હા, મારા ગુણ એટલે મમત્વ ના હોય, પણ આ હું આ છું કહીએ તો આ મમતા ક્યાં જાય ? ત્યાં જતી રહે એની જોડે જ. અને પછી મોક્ષે જતી હોય તો એય ઊડી જાય, ફક્ત તે એક જ સ્વરૂપે ! હું શુદ્ધાત્માયે પછી બોલવું ના પડે.

પ્રશ્નકર્તા : પોતે આત્માના ગુણધર્મ, અનંત જ્ઞાન-દર્શન તેવું ધ્યાન કરે તો પ્રાપ્ત થાય ?

દાદાશ્રી : થાય, અવશ્ય થાય. આત્માના ગુણો જેટલા જાણ્યા તેટલાનું ધ્યાન કર્યું તો તેટલા પ્રાપ્ત થાય.

અમે જ્ઞાન આપીએ છીએ, તે મન-વચન-કાયા તમને ક્યારેય યાદ ન આવે તેવી રીતે આપીએ છીએ. ‘હું શુદ્ધાત્મા છું’ તેની જોડે એનો એક-એક ગુણ ગાતા જશો તો ભયંકર (અદ્ભુત) પરિણામ આવશે. જેમ કે હું શુદ્ધાત્મા છું અવ્યાબાધ છું, અનંત જ્ઞાન-દર્શન-ચારિત્રવાળો છું, અક્રિય છું, અડોલ છું, અમર છું.

આત્મા રત્નચિંતામણિ, ચિંતવે તેવો થાય

પ્રશ્નકર્તા : ‘હું અનંત શક્તિવાળો છું, અનંત દર્શનવાળો છું, અનંત જ્ઞાનવાળો છું, હું અનંત સુખનું ધામ છું’ તો એ અંદરથી જે બોલીએ છીએ તો એ શક્તિ ક્યાંથી ઉત્પન્ન થાય છે ? કેવી રીતે વધારી શકાય ?

દાદાશ્રી : તમે અનંત દુઃખનું ધામ બોલો તો દુઃખી થઈ જાવ. અનંત સુખનું ધામ બોલો તો સુખી થઈ જાવ. આત્મા રત્નચિંતામણિ છે. જેવો ચિંતવે તેવો થઈ જાય. ‘અનંત જ્ઞાનવાળો છું’ એટલે બધું જ્ઞાન પ્રકાશમાન થઈ જાય. અનંત સુખનું ધામ છું. પોતે બધા સુખનું ધામ છે એવો તાળા મળે તો એ જ્ઞાન કહેવાય. તાળો ના મળે ? જ્યાંથી-ત્યાંથી તાળો મળવો જોઈએ. હિસાબમાં ગણીએ ત્યારે મહીં તાળો મેળવીએ છીએ કે નથી મેળવતા ? એમાં તો એક-બે તાળા હોય પણ આમાં તો બહુ તાળા હોવા જોઈએ. દરેક વાતમાં તાળો મળવો જોઈએ.

પોતાની પાસે અનંત શક્તિ છે પણ આવરાયેલી પડી છે ને અનંત જ્ઞાન, અનંત દર્શન પોતાની પાસે છે પણ ઉપર આવરણ પડ્યા છે. ઘરમાં ધન દાટ્યું હોય પણ જાણતા ન હોય તો શી રીતે મળે ?

ગુણોના અભ્યાસે લક્ષ થાય મજબૂત

પ્રશ્નકર્તા : આત્માના ગુણોની જે ભજના કરીએ કે ‘હું અનંત જ્ઞાનવાળો છું, અનંત શક્તિવાળો, અનંત દર્શનવાળો, અનંત સુખનું ધામ’ અને બીજા ગુણો તો એનાથી જ્ઞાતા-દ્રષ્ટાપણું વધારે મજબૂત થતું જાય કે જ્ઞાતા-દ્રષ્ટાપણા પહેલાનું જે છે તે ભજના કરવાની ?

દાદાશ્રી : આ તો પહેલા શરૂઆતમાં કહેવાય આ ‘હું શુદ્ધાત્મા છું’ એવું મજબૂત કરવા માટે અને હેલ્પિંગ થાય પાછું.

પ્રશ્નકર્તા : બરાબર.

દાદાશ્રી : કોઈ કહેશે, ‘હું મારી નાખીશ.’ તો એ ભય પામવાની જગ્યાએ એને શું થાય કે ‘હું અવ્યાબાધ છું, મને શું મારવાના ?’ એ અવ્યાબાધ ના જાણતો હોય તો એ કહેશે, ‘મને કોઈ મારી નાખશે તો શું થશે ?’ કોઈ કહેશે, ‘કાપીને ટુકડા કરીશ.’ તોય આપણને મનમાં એમ લાગે કે ‘હું અવ્યાબાધ છું, શરીર ટુકડા થાય.’ એટલે પહેલાથી એના ગુણો સ્ટડી કરી રાખવાના, મજબૂત કરી રાખવાના.

પ્રશ્નકર્તા : મજબૂત કરી રાખવાના, હંઅ.

દાદાશ્રી : ‘હું અમૂર્ત છું.’ આ લોકો અપમાન કરે છે તે કોનું અપમાન કરે છે ? દેખાય છે તેનું. મારું અપમાન શી રીતે થાય ?

પ્રશ્નકર્તા : બરાબર.

સમકિત પછીના વિકલ્પો એ નિર્વિકલ્પ બનાવનારા

દાદાશ્રી : એક માણસ મને પૂછતો’તો કે ‘હું શુદ્ધાત્મા છું એ નિર્વિકલ્પ જ્ઞાનને કહે છે ?’ મેં કહ્યું, ‘એય વિકલ્પ છે.’ સમકિત થયા પછીના જે વિકલ્પો એ નિર્વિકલ્પ કરાવનારા છે. માટે ‘શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું’ બોલ્યા કરજો. ‘હું અનંત જ્ઞાનવાળો છું, હું અનંત દર્શનવાળો છું’ તે બધા વિકલ્પ કહેવાય પણ સમકિત થયા પછીના વિકલ્પો એ નિર્વિકલ્પ કરનારા છે. એ વિકલ્પો હિતકારી છે અને સમકિત વગરના વિકલ્પો એ અહિતકારી છે.

સૂઝ ન પડે તો બોલવું, ‘હું અનંત દર્શનવાળો છું’

પોતે પરમાત્મા ને છૂપાઈ ક્યાં સુધી રહેવું ? પોતાના જ ઘરમાં ભરપૂર માલ, છતે માલ અનંત જ્ઞાન-દર્શન-શક્તિ, અનંત સુખ પોતાના ઘરમાં હોય છતાં તે ન વાપરે તો કોનો દોષ ? ભરેલો માલ તો ફળ આપીને જશે. પણ જ્ઞાન છે ને સૂઝ છે તો પછી સફોકેશન ક્યાંથી ?

એટલે જે ઉપાય બતાવ્યા એ ઉપાય કરવા પડે બધા, તે લખ્યા છે. તેમાં શું ઉપાય મેં બતાવ્યા છે ? તે વાંચો જોઈએ !

પ્રશ્નકર્તા : જ્યારે ગડમથલ થાય, આમ તંગ તોફાન થવા માંડે એકદમ, તે વખતે દાદા ભગવાનનું અક્રમ જ્ઞાન હાજર થઈ જશે. કંઈક ગૂંગળામણ થાય, સૂઝ ના પડે, ડખોડખલ કે એવું થાય, તે વખતે ‘હું અનંત દર્શનવાળો છું, હું અનંત દર્શનવાળો છું, હું અનંત દર્શનવાળો છું’ એમ બોલો પાંચ-પચ્ચીસ વખત અને તરત જ સૂઝ પડવા માંડે કે આનો ઉકેલ કેમ લાવવો.

દાદાશ્રી : હા, અતિશય મૂંઝવણમાં આશરો કોનો ? દર્શનનો. ‘હું અનંત દર્શનવાળો છું, હું અનંત દર્શનવાળો છું’ પાંચ-પચ્ચીસ-પચાસ વખત બોલી નાખવું, દાદાને સામે રાખીને, ફોટો રાખીને. એટલે પછી તરત જ સૂઝ પડી જશે, તરત જ.

મૂંઝામણ થાય ત્યારે ‘અનંત દર્શનવાળો છું, અનંત દર્શનવાળો છું’ બોલે તો બધી મૂંઝામણ (મૂંઝવણ) નીકળી જાય.

મતિ મૂંઝાય ત્યારે બોલવું, ‘હું અનંત જ્ઞાનવાળો છું’

પ્રશ્નકર્તા : કંઈ પણ, પ્રોબ્લેમ ઊભો થાય ત્યારે સમજણ પડતી ન હોય, જ્યારે મતિ મૂંઝાવે વ્યવહારે, ક્યાંક એવો વ્યવહારિક પ્રસંગ આવી પડે અને સમજણ ન પડે ત્યારે ‘હું અનંત જ્ઞાનવાળો છું, અનંત જ્ઞાનવાળો છું, હું અનંત જ્ઞાનવાળો છું’ જોરજોરથી બોલે એટલે બધા પરમાણુ નીકળે. એકદમ સૂઝ પડવા માંડે, તરત જ, તે વખતે.

દાદાશ્રી : આવરણ આવ્યું હોય, તે ઊડી જાય બધું.

પ્રશ્નકર્તા : બધા વાદળા હટતા જાય.

દાદાશ્રી : પોતાના ગુણો બધા બોલવા જોઈએ. સ્વાભાવિક ગુણો છે એ. ‘હું અનંત જ્ઞાનવાળો છું,’ ‘અનંત દર્શનવાળો છું’ એવું પચ્ચીસ-પચાસ વખત બોલવું જોઈએ. રોજ એ બધા ગુણો બોલવાનો અભ્યાસ કરવો જોઈએ... પછી આગળ શું કહે છે ?

વેદના વખતે બોલવું, ‘હું અનંત સુખનું ધામ છું’

પ્રશ્નકર્તા : મન કે દેહની કંઈ વેદના થાય એ વખતે અસલ રીતે તો આમ નિશ્ચયથી નિર્વેદક... એટલે આત્મા નિર્વેદક છે, મન-શરીર વેદક છે. એને વેદના થાય. પણ એ વખતે ‘હું અનંત સુખનું ધામ છું, હું અનંત સુખનું ધામ છું, હું અનંત સુખનું ધામ છું’, જોરથી બોલો એટલે એ બધી વેદના હટી જાય. એનો જરાય ભાર ન લાગે.

દાદાશ્રી : પૂઠિયું કાચું હોય ત્યાં સુધી વેદકતા આવવાની જ અને તે ખૂબ જ પ્રમાણમાં આવે ત્યારે આત્માના ગુણ યાદ કર્યે જ જવા તો વેદકતા નાશ થશે. દરેકને વેદક આવ્યા જ કરે. પણ આ અજ્ઞાનીઓને દેખાય નહીં, જ્ઞાનીઓને દેખાયા જ કરે. તે વખતે તમે હાલી ન જશો. એવી સ્થિતિમાં શુદ્ધાત્માનું સ્મરણ અને તેના ગુણોનું રટણ કરવું.

એ પાંચ-પચ્ચીસ વખત બોલ્યા તો ચોખ્ખું થઈ જાય. આ તો વિજ્ઞાન છે. આપણે બધા પૂરેપૂરું વિજ્ઞાન હજુ સમજી લેતા નથી. પદ્ધતિસર સમજી લેવામાં આવેને તો વિજ્ઞાન એટલે ફળ જ આપ્યા કરે. વિજ્ઞાન એટલે ફળ આપે જ. કૅશ બેંક જ છે, પણ સમજી લેવાની જરૂર છે. જે આત્મા(નું લક્ષ) આપણને કરોડો ઉપાયે પ્રાપ્ત ના થાય તે આપણને હાજર થયું અને તેય કલાકમાં હાજર થયું તે આ વિજ્ઞાન કેવું ? એક કલાકમાં હાજર થઈ ગયું અને અત્યારે રાત્રે જાગો ત્યારે ‘હું શુદ્ધાત્મા છું’ એ સામું આવે ઊલટું. સામું નથી આવતું ?

પ્રશ્નકર્તા : આવે છે.

દાદાશ્રી : નહીં તો ‘શુદ્ધાત્મા’ યાદ કરીએ તોય જડે નહીં પણ સામું આવે છે તો આ વિજ્ઞાને જ્યારે આટલો બધો સાક્ષાત્કાર કર્યો તો પછી બીજું બધું કેમ ન થાય ? પણ સમજી લેવાની જરૂર છે. જે આત્માના ગુણો છે ને, તે આખો દહાડો નવરાશ હોય ત્યારે નિરંતર બોલ બોલ જ કરવા જોઈએ ખરી રીતે. નવરાશ ના હોય પણ આવી અડચણ આવે ત્યારે બોલવા. પછી આગળ...

અશક્તિ વખતે બોલવું, ‘હું અનંત શક્તિવાળો છું’

પ્રશ્નકર્તા : મનનું, દેહનું બળ એમ લાગે ઘટી ગયું છે, એમ લાગે શરીર શક્તિ ક્ષીણ થવા માંડી છે એ વખતે ‘હું અનંત શક્તિવાળો છું, હું અનંત શક્તિવાળો છું, હું અનંત શક્તિવાળો છું’ એવું જોરજોરથી બોલીએ એટલે તે વખતે પાછી શરીરમાં તરત શક્તિ આવી જાય.

દાદાશ્રી : દેહબળ ઘટી ગયું હોય, શક્તિ ખૂટે ને મન-દેહ નિર્બળ થાય ત્યારે ‘અનંત શક્તિવાળો છું.’ માંદો હોય તોય બોલે.

હવે આ મહાત્મા આવે છે ને, એમના પિતાશ્રી બ્યાસી વરસના, તે પછી આમ દાદરો ચડવાનો હોય તો એને જાતે ચડાય જ નહીં. ઝાલીને ચડાવે બે જણ, ને અહીં દાદરો ચડવાનો થયો. પછી મેં કહ્યું કે ભઈ, ઉપરથી બે જણા આવે છે. તમે ઉતાવળ ના કરશો, બેસી રહેજો. પણ એ તો આ અનંત શક્તિવાળો બોલ્યા. ‘હું અનંત શક્તિવાળો છું, અનંત શક્તિવાળો છું’ જોરથી બોલ્યાને, તે ત્રણ આખા દાદરા (ત્રીજે માળ) થોડીવારમાં તો ચડી ગયા. છે ને, શક્તિ પાર વગરની છે ! પણ પાછા બોલે એવું, હવે મારે ઘૈડપણ થયું એટલે કાંઈ થતું નથી. એવું બોલે એટલે પછી તેવું થઈ જાય. તે અત્યારે ઘૈડપણમાં તેને ભાન નથી ને બોલે છે. એના મનમાં એમ કે આપણી કિંમત વધીને ! ઘૈડપણ છે ને ! પછી આગળ વાંચો.

હિંસક પ્રાણી સામે ‘હું અમૂર્ત છું’ બોલતા થવાય ‘અદ્રશ્ય’

પ્રશ્નકર્તા : કોઈવાર ભયનો એવો પ્રસંગ આવી જાય. લૂંટારા મળી જાય રસ્તામાં ને સામે કાંઈ સૂઝે નહીં, એ વખતે ભયની આમ વ્યાધિ લાગ્યા કરે. ક્યારેક માનસિક એવું થાય ત્યારે કહે કે ‘હું અવ્યાબાધ સ્વરૂપ છું, હું અવ્યાબાધ સ્વરૂપ છું, હું અવ્યાબાધ સ્વરૂપ છું’ તો ભયની સંજ્ઞાઓ બધી નીકળી જાય. કોઈવાર જંગલમાં જવાનું થાય કે હિંસક જનાવર સામે મળી જાય એ વખતે ‘હું અમૂર્ત છું, હું અમૂર્ત છું, હું અમૂર્ત છું,’ જોરથી બોલીએ તો એને આપણે દેખાઈએ જ નહીં.

દાદાશ્રી : એ સો વખત અમૂર્ત બોલોને તો વાઘ આપણને જોઈ શકે નહીં. એને આપણી મૂર્તિ જ દેખાય જ નહીં એટલું બધું આ વિજ્ઞાન છે. વાઘ સામો મળ્યો હોય ને આપણે અમૂર્ત-અમૂર્ત પાંચ-પચાસ-સોવાર બોલી ગયા, તો એને આપણી મૂર્તિ દેખાય જ નહીં. પછી મારે કોને ? એ બધું સાયન્સ છે આ તો.

ડિપ્રેશન આવે તો બોલો, ‘હું અગુરુ-લઘુ સ્વભાવવાળો છું’

પ્રશ્નકર્તા : કોઈવાર શોક વ્યાપી જાય, હતાશા થઈ જાય એકદમ આમ, નિરાશા થઈ જાય, ગડમથલ થવા માંડે, એ વખતે ‘હું અગુરુ-લઘુ સ્વભાવવાળો એવો શુદ્ધાત્મા છું, હું અગુરુ-લઘુ સ્વભાવવાળો એવો શુદ્ધાત્મા છું, હું અગુરુ-લઘુ સ્વભાવવાળો એવો શુદ્ધાત્મા છું’ કહેવું.

દાદાશ્રી : જો તમને મનમાં બહુ વિચાર આવતા હોયને અને મન ખૂબ જ, ગૂંચાયા કરતું હોય ત્યાં ‘હું અગુરુ-લઘુ સ્વભાવવાળો છું’ એવો મહીં જાપ ચાલુ કર્યો અને એક ગુંઠાણું કરો તો મહીં પાર વગરનું સુખ વર્તે. અગુરુ-લઘુ સ્વભાવ કહે એટલે સમતુલા આવી ગઈ. છોને મહીં વિચાર બંધ થઈ જાય. બધાને ચૂપ જ થઈ જવું પડે. ડિપ્રેશન આવે તો ‘હું અગુરુ-લઘુ સ્વભાવવાળો છું’ તેમ બોલો એટલે સાફ. સાયન્સ છે આ તો. એવું છે ને કે આ બટન દબાવવાથી આ પંખો ચાલે. એ બટનને બદલે બીજું દબાવીએ ત્યારે ઘંટી ચાલુ થઈ જાય. માટે આપણે બટનો સમજી લેવાના છે બધાય. પછી આગળ શું કહે છે ?

લોભ-લાલચના પ્રસંગે બોલવું, ‘હું અનંત ઐશ્વર્યવાળો છું’

પ્રશ્નકર્તા : પછી કોઈવાર લોભની ગાંઠ ફૂટે, લાલચના પ્રસંગ આવવા માંડે એવા વખતે ‘હું અનંત ઐશ્વર્યવાળો છું, હું અનંત ઐશ્વર્યવાળો છું, હું અનંત ઐશ્વર્યવાળો છું.’ એ બોલવાથી એ બધા (લોભના) પરમાણુઓ ખરતા જાય. એની અસર ના થાય.

દાદાશ્રી : પછી... ?

પ્રશ્નકર્તા : પછી કોઈવાર બહુ વધારે પડતા ફાલતુ વિચારો કે એવા આવવા માંડે કંઈ, મગજ તર (ભારે) થઈ જાય, કંઈ સૂઝ ના પડે, બહુ જ વિચારો એવા આવ્યા કરે ત્યારે ‘હું નિર્વિચારી છું, હું નિર્વિચારી છું, નિર્વિચારી છું, નિર્વિચારી છું’ એમ બોલવાથી એ બધા ઊડી જાય બધા.

સિદ્ધ સ્તુતિ દૂર કરે, પુદ્ગલની હુકુમત

દાદાશ્રી : આવો અભ્યાસ કરેલો નહીં, નહીં ?

પ્રશ્નકર્તા : આ બધી આવી સૂઝ ક્યાં પડી હોય, દાદા ? સૂઝ ના પડી હોયને આવી બધી.

દાદાશ્રી : મહીં જૂના મહાત્મા હોયને, તે બધા કરી ગયેલા આ. આ તો નવા મહાત્મા આવે છે તે રહી જાય છે. કો’ક કહેશે, ‘ભઈ, આખો દહાડો શું પુસ્તક વાંચવા ?’ તે આખો દહાડો આ પોતાના ગુણધામનું વર્ણન કર્યા કરવાનું છે.

કૃપાળુદેવે જે કહ્યું છે એ બધું જ વર્ણન આવી ગયું છે મહીં. હવે એ સમજો તો ને ! બાળકના હાથમાં રાજની લગામ આપે પણ હવે સમજવા તો પ્રયત્ન કરવો જોઈએને ! તો રાજ ટકે. નહીં તોય રાજ કોઈ લઈ લેવાનું નથી. પણ સ્વાદ ના આવે એનો, સ્વાદ આવે નહીં રાજાનો. થોડી-થોડી સમાધિ રહે છે ને ? થયું ત્યારે ! એમ કરતા કરતા પણ આ બધું સમજી લેશો અને આખો દહાડો નવરાશ હોયને ત્યારે આત્માના પોતાના ગુણ ગા-ગા કરવા એટલે પુદ્ગલ બંધ થઈ ગયું.

પ્રશ્નકર્તા : પુદ્ગલ બંધ થઈ ગયું !

દાદાશ્રી : હા... પુદ્ગલની હુકુમતમાંય ના રહ્યા. પોતાના સ્વક્ષેત્રમાં વાત થઈ. એ પોતાના ગુણોનું વર્ણન કર્યા જ કરવું. એને સિદ્ધ સ્તુતિ કહી છે ભગવાને. પોતાના ગુણો જ ‘હું અનંત જ્ઞાનવાળો છું’ એવું પચ્ચીસ-પચાસ વખત બોલી, ‘હું અનંત દર્શનવાળો છું’ એમ પચ્ચીસ-પચાસ વખત, પછી ‘હું અનંત શક્તિવાળો છું, અનંત સુખનું ધામ છું. અવ્યાબાધ સ્વરૂપ છું, અમૂર્ત છું, સૂક્ષ્મ છું, અગુરુ-લઘુ સ્વભાવવાળો છું, અવિનાશી છું, અવ્યય છું, અચ્યુત છું, અરૂપી છું, ટંકોત્કીર્ણ છું’, ટંકોત્કીર્ણ તો સો-સો વખત બોલવું જોઈએ. ટંકોત્કીર્ણ એટલે શું કહે છે કે મારે પુદ્ગલ સાથે લેવાદેવા જ નહોતી પહેલેથી. તો પછી પુદ્ગલ સમજી જાય કે આપણી જોડે વ્યવહાર તોડી નાખ્યો આ લોકોએ. આ તો આવું બોલવું જોઈએ આપણે કંઈક... સાયન્સ છે ને આ તો. સાયન્સના પ્રમાણે, કહ્યા પ્રમાણે કરે નહીં, તો પછી એનું ફળ આવું મળે નહીં. આ તો ભગવાન મહાવીર જેવું રાખે એવું છે, પણ આ એવું છે ને કરો તો ને ?!... આજ્ઞા એ જ ધર્મ રહ્યું. આપણે અહીંયા આગળ બીજું કશું રહ્યું નહીં. બોલો, હવે પછી શું કહે છે ?

શારીરિક ખોડ વખતે બોલવું, ‘હું નિર્નામી છું’

પ્રશ્નકર્તા : કોઈવાર શરીરનો આકાર બદલાઈ જાય, કંઈ વાગ્યું હોય કે એમ કંઈ થયું હોય, પગ-બગ લંગડાઈ ગયો તે વખતે ‘હું નિર્નામી છું, હું નિર્નામી છું, હું નિર્નામી છું, હું નિર્નામી છું’ એ રીતે બોલવાથી આ ટંકોત્કીર્ણવત્ એના જેવી જ અસર થાય આ તમને. ‘પોતે’ ને આ બન્ને ભિન્ન જ છે. સંપૂર્ણ અનુભવમાં આવી જાય એ રીતે. એટલે શરીરને જે થયું એની અસર ના રહે, કોઈ પણ પ્રકારની. હવે પાછું આ જ્ઞાન કેવું છે કે વ્યવહારની કોઈ પણ પ્રકારની ઉપેક્ષા કરતું નથી અને પોતાના અંદરના દિવ્યચક્ષુ ખુલેલું આ જ્ઞાન છે. રક્ષણ આપે છે. અજ્ઞાન અવસ્થા સામે સંપૂર્ણ રક્ષણ આપે એવું જ્ઞાન છે અને તેથી આ જ્ઞાનને કાળ, કરમ ને માયા ક્યારેય અડતા જ નથી. દાદા પોતે સંપૂર્ણ એ અનુભવદશામાં રહે છે અને આપણે આવવાનું છે બધાયે.

દાદાશ્રી : આપણા મહાત્માઓએ અનંત અવતાર પોતાના પુદ્ગલના ગુણધર્મો ગાયા. હવે આત્માના ગુણો આખો દહાડો ગાઓ. હું અનંત જ્ઞાનવાળો, હું અનંત દર્શનવાળો છું.

જ્ઞેયો અનંત પ્રકારના હોવાથી તેની સામે હું અનંત જ્ઞાનવાળો જ્ઞાતા છું. દ્રશ્યો અનંત પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દર્શનવાળો દ્રષ્ટા છું. હું અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્યવાળો એવો શુદ્ધાત્મા છું. હું અનંત જ્ઞાનક્રિયા, દર્શનક્રિયા અને શક્તિ ક્રિયાવાળો એવો શુદ્ધાત્મા છું.

ભગવાનની સર્વ રિલેટિવ જંજાળોથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. શુદ્ધાત્માના મૂળ ગુણ બોલવાથી આનંદ થાય. મૂળ ગુણ બોલે એટલે સિદ્ધ સ્તુતિ અને એ જ આ શુદ્ધાત્મા. એ બોલતા-બોલતા જે આનંદ થાય એ જ આત્મા. આપણે ત્યાં આનંદની સ્થિતિ હોય છે, બહાર છે તે શું હોય છે ?

પ્રશ્નકર્તા : મસ્તી હોય છે.

દાદાશ્રી : આ મસ્તી ના કહેવાય, આનંદ કહેવાય અને આનંદ એ જ આત્મા છે.

સિદ્ધ સ્તુતિને કહ્યો શુદ્ધ ઉપયોગ

પ્રશ્નકર્તા : બરોબર છે સિદ્ધ સ્થિતિની ભજના કરવી હોય તો આત્માના ગુણો બોલવાથી થાય.

દાદાશ્રી : આત્મા અગોચર છે એટલે એના ગુણો થકી જ થાય. અરે ! આ દાદા ભગવાનના એક્ઝેક્ટ દર્શન કરો તોય તે સંપૂર્ણ સિદ્ધ સ્તુતિ.

અને આત્માના જે ગુણધર્મો છે ને એ જે બોલે છે ને, એને સિદ્ધ સ્તુતિ કહે છે. એ ગાયા કરે તો ઘણું કામ કાઢી નાખે.

‘હું અનંત જ્ઞાનવાળો છું, અનંત દર્શનવાળો છું, અનંત શક્તિવાળો છું.’ ‘હું અનંત જ્ઞાનવાળો છું’ દસ-દસ વખત બોલે, ‘અનંત દર્શનવાળો છું, અનંત શક્તિવાળો છું,’ એવું દસ-દસ વખત બોલે, ક્યાં જઈને પહોંચે ! કેટલો બધો ઉપયોગ થાય ! અને એ તદ્દન શુદ્ધ ઉપયોગ ! સિદ્ધ સ્તુતિ કહી, હોં !

પ્રશ્નકર્તા : સિદ્ધ સ્તુતિ !

દાદાશ્રી : હા, સિદ્ધ સ્તુતિ. અહીંયા આગળ આ દુનિયા ઉપર સિદ્ધ સ્તુતિ કહી. કોઈ દહાડો બોલેલો કે ? કોઈ દહાડોય નહીં ?

આ સિદ્ધ સ્તુતિ થાય તો અનંત સુખ થાય. એ કંઈ અઘરી છે આમાં કંઈ ? ત્યારે રાત તો આપણા બાપની જ છે ને ? કંઈ બીજાનો ભાગ છે મહીં ?

પ્રશ્નકર્તા : આપણા બાપની જ !

દાદાશ્રી : કોઈનો ભાગ નહીં ? બાપનો હશેને ભાગ ?

પ્રશ્નકર્તા : સહેજેય નહીં.

દાદાશ્રી : તું કહું છું ને આપણા બાપની ? કોઈનોય ભાગ નહીં. હેય.. નિરાંતે કલાક ગાઈએ. તને કેમ લાગે છે ? અને અઘરું બહુ, નહીં ? આમાં કંઈ અઘરું છે ?

પ્રશ્નકર્તા : અઘરું તો નથી, દાદા.

દાદાશ્રી : ખાલી એ ટેવ પાડી નથી એટલું જ છે. પ્રેક્ટિસ પાડીએને તો બધું સવળું થઈ જાય એવું છે.

પ્રશ્નકર્તા : આત્માના ગુણો આપણી સમક્ષ હોય એ બોલતી વખતે ? ગુણો સમજીને બોલવું પડે ?

દાદાશ્રી : ના, આ બોલવાનું જ ખાલી. ગુણો આમાં સમજી રાખવાની જરૂર જ નથી. ગુણો એ જુદી વસ્તુ કહેવાય. તે બોલતી વખતે એ ઉપયોગ કહેવાય, પોતાના શુદ્ધ ઉપયોગમાં આવે અને એ સિદ્ધ સ્તુતિ થાય. એટલે આ બોલવાનું જ બસ. તેય આપણા કાનને સંભળાય એટલું જ. તે આઠ મિનિટથી ઉપર, પ્રયોગ કરી જોવાનો. અનુકૂળ ના આવે તો રહેવા દેવો. અનુકૂળ આવે તો કરવો. પણ બધાને અનુકૂળ જ આવે.

ન શરત ભાવની કે સમયની, જરૂરિયાત બોલવાની જ

પ્રશ્નકર્તા : સમય નિર્ધારિત કરાય આ બોલવા માટે ?

દાદાશ્રી : ગમે તે ટાઈમે બોલો, નિર્ધારિત સમયે નહીં.

પ્રશ્નકર્તા : ધારો કે આપણે સવારે સાતથી આઠ એક કલાક બોલવું છે એવું નક્કી કર્યું હોય, હવે એ પ્રમાણે આપણે રોજ નિશ્ચયથી કરીએ એ વધારે સારું કે પછી ગમે ત્યારે આપણને મન થાય ત્યારે કરીએ અને ભાવ ના થાય ત્યારે નહીં કરવાનું ?

દાદાશ્રી : ના, એ નિર્ધારિત કરેલું હોય તો વધારે સારું. નિર્ધારિત ના રહે તો પછી ગમે ત્યારે પણ બોલવું. નિર્ધારિત સમય મળવો, એવું અમુક, કો’ક જ માણસને મળે, બધાને ના મળે.

પ્રશ્નકર્તા : સાતથી આઠ, વખતે એક કલાક ધારો કે નક્કી કરેલો હોય એ ટાઈમે બેસે બોલવા, એ વખતે ભાવ હોય કે નાયે હોય, તોય બોલીએ.

દાદાશ્રી : ભાવની મારે જરૂર જ નથીને ! મેં ક્યાં એવું કહ્યું છે ? કોઈ કન્ડિશનલ (શરતાધીન) નથી આ. આ તો કલ્પના છે. ભાવ હોય કે ના હોય, મારે કંઈ જરૂર નથી. આપણે કાનને સંભળાય એવું બોલજો. આમાં ભાવ હોતો જ નથી. આપણે ત્યાં ભાવ જેવી વસ્તુ જ રહેતી નથી. ભાવ કેન્સલ થયેલો છે એનું નામ અક્રમ. અને ભાવ શબ્દ બોલે છે, એ તો ઈચ્છાને ભાવ કહે છે. એટલે ભાવ તો આપણે ત્યાં કેન્સલ થયેલો છે.

પ્રશ્નકર્તા : મનમાં કષાયો હોય તો બોલાય ?

દાદાશ્રી : કષાયો હોય ત્યારે બોલે તો ઉત્તમ. કષાયને બંધ થઈ જવું પડે, એને તે ઘડીએ જતું રહેવું પડે, ઘર ખાલી કરીને. એ જેમ વાઘણ આવે તે ઘડીએ (કોઈ) ઊભા રહે ? તે આવું બોલો તે ઘડીએ કષાયો નાસી જવા જેવું થઈ જાય.

એક કલાક આત્મગુણો બોલતા થાય સિદ્ધ સામાયિક

આત્માના ગુણો બોલવામાં એક કલાક, જો ગુંઠાણું કાઢે, ઓહોહો ! એ તો મોટામાં મોટી સામાયિક કહેવાય છે. એ તો સિદ્ધ સામાયિક કહેવાય, સિદ્ધ સામાયિક ! આવો કો’ક દહાડો ના નીકળે બળ્યો ચંદુભાઈ ? કે સરકાર ખાઈખપૂચીને પાછળ પડી છે ? એક કલાકેય મળે કે ના મળે ?

પ્રશ્નકર્તા : મળે.

દાદાશ્રી : આ તો અમારા કહ્યા પ્રમાણે ચાલો તો તમને બહુ ફળ મળે એમ છે. જે રીતે અમે ચાલ્યા છીએ એ રીતે તમને ચલાવીએ છીએ. અને એ રીતે તમે કરો તો ઘણું ફળ મળે એવું છે અને રોકડું ફળ છે, ઉધાર નામેય નથી. કોઈ દહાડોય ઉધાર નથી. અહીં આવો એટલો વખત રોકડું મળે છે ને ? એટલે આપણે આમ જ્ઞાનીના કહ્યા પ્રમાણે કરીએ, એક કલાક ચંદુભાઈ કાઢજો તમે. બસ પોતાના ગુણો, એ ગુણો બધા લખેલા છે તમે ?

પ્રશ્નકર્તા : ચોપડીમાં છે ને પેલા.

દાદાશ્રી : નહીં, ચોપડીમાં તો વિગત લખેલી છે. વિગતવાર ગુણો લખેલા છે, પણ આમ પદ્ધતસર ગુણો તે લખી લીધા હોયને તો બહુ સારું પડે. પેલું આખું ચોપડીનું યાદ ના રહેને ! એટલે ઊંચામાં ઊંચા ગુણો, મોટા-મોટા ગુણો એકલા જ, તે કાલે આપણે એ ગુણો બોલાવીશું એ પછી. કાલે અહીં ભેગા થઈશુંને આપણે, ત્યારે ઉજવણી કરવાની. લોકોના જેવું કંઈ લૌકિક તો આપણી પાસે હોય નહીં કશું. ના વાજા હોય, ના ધજા હોય, ના કશું હોય, તો આપણી આ ઉજવણી. લોક આખું ભ્રાંતિમાં પડેલું છે, ત્યાં આગળ શી પ્રભાવના કરીએ આપણે તે ? આપણે તો આપણી જાતની જ પ્રભાવના કરવાની. કેવી ? જાતની જ. આ આરતીયે જાતની છે, પ્રભાવનાય જાતની છે. બધું જાતનું જ છે આ.

સિદ્ધ થવા પ્રજ્ઞા રોજ કરાવે સિદ્ધ સ્તુતિ

સિદ્ધ સ્તુતિ રોજ કરવી જ જોઈએ. એ સ્તુતિ કરવાની છે, આપણે સિદ્ધ થવું છે (માટે). જે થવું હોય તે સ્તુતિ કરો. ચંદુભાઈને કરાવડાવવાની, આપણે તો થઈ ગયા છીએ. આપણે પ્રજ્ઞાએ તો કરાવડાવવાની ચંદુભાઈને, હુંને કહીએ, ‘તમે કરો ને અમારા જેવા થાવ. પછી તમેય છૂટા ને અમેય છૂટા. સરખે સરખી ભાગીદારી આપણી. તમે પુદ્ગલ સ્વભાવના, અમે ચેતન સ્વભાવના.’

આમાંય તમારે બોલાવવાનું ચંદુભાઈને. બોલો, ‘હું શુદ્ધાત્મા છું.’ એટલે એનો પડઘો પડે. અને હું બોલતો હતો તેવી રીતે બોલાવડાવવાનું. ફાવશે કે નહીં ફાવે ? કે હું બોલાવડાવું ? રોજે રોજ હું બોલાવડાવવા આવું કે ? તમે બોલાવડાવશો ને ?

અમે સિદ્ધ સ્તુતિ કરી’તી ને, તે આવડે કે ના આવડે બધાને ?

પ્રશ્નકર્તા : આવડે ને.

દાદાશ્રી : એ પચ્ચીસ-પચ્ચીસ વખત એ (વાક્યો) ‘અનંત જ્ઞાનવાળો છું, અનંત દર્શનવાળો છું, અનંત શક્તિવાળો છું, અનંત સુખધામ છું,’ અને બીજા પછી પાંચ-પાંચ વખત બધું. એમ કરીને પૂરું કરો. જેવી રીતે આવડે તેવી રીતે, એનો કશો વાંધો નહીં. તમતમારે કરોને. હું બેઠો છું, જાતે બેઠો છું ને પાસ મારે કરવાના છે ને ! તમને આવડે એવી રીતે કરો. કારણ કે તમારી ભૂલ થાય, એ મૂળ તો મારી જ ભૂલને !

પ્રશ્નકર્તા : નહીં ભૂલ થાય, દાદા. ભૂલ કેમ થાય ?

દાદાશ્રી : હા, ભૂલ થાય વખતે કો’કની પણ મૂળ તો મારી જ ભૂલને. મેં એને શીખવાડ્યું નહીં, તેથી ભૂલ થઈને !

હવે બધા આંખો મીંચીને ‘હું અનંત જ્ઞાનવાળો છું’ એ જો પચ્ચીસ વખત નહીં, સો વખત બોલાય તો બોલજો. ત્યાંથી શરૂ, પહેલું બોલો...

પ્રશ્નકર્તા : અંદર જ બોલવાનું છે ને ?

દાદાશ્રી : અંદર જ બોલવાનું. પણ પહેલું શું બોલવાનું, કે હું ચંદુલાલ, મન-વચન-કાયાનો યોગ, દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી ભિન્ન હે પ્રગટ શુદ્ધાત્મા ભગવાન ! હું અનંત જ્ઞાનવાળો છું, તે કોણ ? હું કાલે બોલાવતો હતો ને તમે બોલતા હતા. આજે તમે બોલાવો ને ચંદુલાલ બોલે. કોણ બોલાવે ? જોનારા ‘તમે’ અને બોલનારા આ ચંદુલાલ. ચાલો, હવે શરૂ કરી દેશો.

પ્રશ્નકર્તા : સિદ્ધ સ્તુતિ કરાવે ત્યારે શું અનુભવ થવો જોઈતો’તો ?

દાદાશ્રી : કશુંય નહીં. (કશોય) અનુભવ થવો જ ના જોઈએને ! આત્મારૂપ થઈ ગયા પછી બીજો શું અનુભવ થવો જોઈએ ? પણ સિદ્ધ સ્તુતિનું ફળ તરત જ મળે એવું છે. મળ્યા વગર રહે જ નહીં. એ તો મળી જાય તરત. એટલે પછી અમારે કહેવાનું ના હોય કે ભઈ, તમને મળ્યું કે ના મળ્યું ?

સિદ્ધ સ્તુતિની રમણતાથી તૂટે સર્વે અંતરાય

પ્રશ્નકર્તા : ‘સર્વ અંતરાયો તૂટે સિદ્ધ આત્મરમણામાં !’ એ સમજાવો.

દાદાશ્રી : હા, આત્માની જે સિદ્ધ સ્તુતિ, તે સિદ્ધ સ્તુતિ રમણતામાં બધાય અંતરાય તૂટી જાય.

આત્મા સિદ્ધ જ છે અને એની સિદ્ધ સ્તુતિ જો બોલીએ, જો રમણા થાય તો બધું ઊડી જાય. એ આત્મરમણામાં બધાય અંતરાય તૂટે, ભગવાન જ થઈ ગયો.

પ્રશ્નકર્તા : જાગૃતિ કાચી પડી જાય ત્યાં શું કરવાનું ? પ્રતિક્રમણ કરવાનું કે નિશ્ચય કર્યા કરવાનો ?

દાદાશ્રી : સિદ્ધ સ્તુતિ કરવી. પેલી જે ચરણવિધિ છે ને, એમાંથી અમુક અમુક શબ્દ કાઢી નાખવાના, ‘હું કરું છું’ એ બધું અને બીજી બધી રહી એ સિદ્ધ સ્તુતિ, એ બોલવી.

ચરણવિધિ એ સિદ્ધ સ્થિતિમાં લઈ જનારો વ્યવહાર

પ્રશ્નકર્તા : હવે આ ચરણવિધિમાં જે બોલાય કે ‘હું શુદ્ધાત્મા છું’ ને ‘અનંત જ્ઞાનવાળો છું’, એ બધું શેમાં જાય ?

દાદાશ્રી : આત્મપક્ષમાં જાય. ચરણવિધિ તો તમારે દહાડે વાંચવાની. આ બીજી વિધિઓમાં આ નવ કલમો, નમસ્કાર વિધિ ને એ બધું આવે. તે ઊંઘેય આવી જાય તમને, તોય ચાલે. ઊંઘ પછી પાછો જાગ્રત થાય તો પેલી વિધિ પાછી ફરી ભેગી થાય તોય ચાલે. પેલી ચરણવિધિમાં એવું ચાલે નહીં, ટુકડા ના હોય એમાં.

પ્રશ્નકર્તા : તો દાદા, આ ચરણવિધિ કરીએ એનાથી શું ફાયદો થાય ?

દાદાશ્રી : આ ચરણવિધિ એ વ્યવહાર સિદ્ધનું સ્તવન છે, વ્યવહાર સિદ્ધ સ્તવન. એટલે સિદ્ધની સ્તવના છે આ. એટલે ખાસ કરવા જેવી વસ્તુ છે.

પ્રશ્નકર્તા : વ્યવહાર શુદ્ધ સ્તવન એટલે શું ?

દાદાશ્રી : સિદ્ધ સ્તવન. આપણને સિદ્ધ સ્થિતિમાં લઈ જનારો વ્યવહાર આ. એટલે ચરણવિધિ એટલા માટે જ આપેલી છે ને !

એકાદ વખત વાંચો છો (દરરોજ) ?

પ્રશ્નકર્તા : હા, પણ આ ચરણવિધિ કરીએ એ ચાર્જ ગણાય કે ડિસ્ચાર્જ ગણાય ?

દાદાશ્રી : એ ચાર્જ કહેવાય. જેને ‘કરવી પડે’ એમ કહીએને, એ ચાર્જ અને તેય આજ્ઞાપૂર્વકની છે વસ્તુ.

ચરણવિધિ વર્તાવે છૂટાપણું, ડિસ્ચાર્જ પરિણામથી

ચરણવિધિ અને સિદ્ધ સ્તુતિ બેઉ ભેગું છે. ચરણવિધિમાં એ બન્ને છે, ચરણવિધિ ને સિદ્ધ સ્તુતિ બેઉ ભેગા છે. પુષ્ટિ એટલે મજબૂત બનાવે, એ જેમ જેમ વાંચે તેમ તેમ.

પ્રશ્નકર્તા : ચરણવિધિ આપણે બોલ બોલ કરીએ તો આપણને આત્માના અને અનાત્માના ગુણધર્મો ખબર પડ્યા કરે.

દાદાશ્રી : હં...

પ્રશ્નકર્તા : એટલે જ્યારે કોઈ પણ પ્રસંગ આવે, અનુરૂપ પ્રસંગ આવે ત્યારે આપણને ખબર પડે કે આપણે છૂટા છીએ. (એ ટકાવી રાખવા) આ ગુણધર્મો ગા ગા કરે તો ચાલે ?

દાદાશ્રી : એવું છે ને એ ચરણવિધિ કરતો હોયને, ત્યારે વધારે છૂટાપણા જેવું લાગે. પણ જેણે ચરણવિધિ એકુંય વખત ના બોલી હોય પણ આ આત્મા પ્રાપ્ત કર્યો હોયને, એ પણ માંદગીમાં છૂટો રહે. ત્યારે એને ખબર પડે કે ‘હું જુદો છું.’ એ સ્વભાવ છે. આમાં તન્મયાકાર પરિણામ ના થાય. અને પેલું રોજ એ (ચરણવિધિ) કરતો હોય તેને તો વધારે પરિણામ આવે, ઊંચું પરિણામ આવે. પણ આ માંદગી એકલામાં છૂટો રહે, કશું ના કરતો હોય તોયે. આ જ્ઞાન આપેલું, છૂટું પડ્યું છે, તેનો અનુભવ માંદગી એકલામાં થાય. છે છૂટું જ, પણ આ તો શા માટે આવું બોલવું પડે છે ? પેલા બીજા ડિસ્ચાર્જના પરિણામ આવે છે, તેનાથી બધું મહીં એ થઈ જાય પાછું, ગૂંગળામણ, તે આ બધું બોલવાથી ઊડી જાય હડહડાટ. (પછી) ચોખ્ખું ને ચોખ્ખું રહ્યા કરે.

જ્ઞાની વિધિમાં કરે ગુણોની પ્રતિષ્ઠા, પ્રગટે શક્તિ મહાત્માને

પ્રશ્નકર્તા : આ જ્ઞાન પામેલા જે આપના ચરણમાં ચરણવિધિ કરે સાંઈઠ હજાર મહાત્માઓ છે, એ બધા આપને સરખા જ ?

દાદાશ્રી : બધામાં ડિફરન્સ. રિયલી સરખા, રિલેટિવલી ડિફરન્સ.

પ્રશ્નકર્તા : તે વખતે આપની અંદર શું ચાલતું હોય છે ?

દાદાશ્રી : એ તો મારે કશું ચાલવાનું નહીં. એ બધાના શુદ્ધાત્મા જોડે વ્યવહારને.

પ્રશ્નકર્તા : આ આપની પાસે અમે જે ચરણવિધિ કરીએ છીએ, તે વખતે આપને અંદર શું થતું હોય છે ? આપ શું કરો છો ?

દાદાશ્રી : એ તો હું છે તે પ્રતિષ્ઠા કરું છું. મેં જે શુદ્ધાત્મા આપ્યો છે ને, એના પ્રતિષ્ઠિત ગુણોથી પ્રતિષ્ઠા કરું છું. એટલે શક્તિ વધતી જાય.

પ્રશ્નકર્તા : પ્રતિષ્ઠા એટલે શું ?

દાદાશ્રી : પ્રતિષ્ઠા એટલે તમારામાં જે શક્તિઓ ખલાસ થઈ ગઈ’તી તે શક્તિઓ હું નાખું છું. ‘તમે અનંત જ્ઞાનવાળા છો, અનંત દર્શનવાળા છો. અનંત શક્તિવાળા છો’ એવી શક્તિઓ નાખું છું. તમે એવું બોલો કે ‘હું શુદ્ધાત્મા છું,’ (ત્યારે) હું કહું કે ‘તું અનંત જ્ઞાનવાળો છું, અનંત દર્શનવાળો છું, અનંત શક્તિવાળો છું, અનંત સુખધામ છું.’ એટલે એ મહીં પરોવાતું જાય, પ્રતિષ્ઠા થતી જાય. એટલે જેટલી પ્રતિષ્ઠા વધારે થાય એટલી શક્તિ વધારે (પ્રાપ્ત) થાય.

પ્રશ્નકર્તા : આપણે મંદિરમાં જે મૂર્તિની પ્રતિષ્ઠા કરે એવી જ પ્રતિષ્ઠા થઈ ?

દાદાશ્રી : એ પથ્થરમાં પ્રતિષ્ઠા થાય અને આ સાચા આત્મામાં થાય છે. ત્યારે તો તમારે શક્તિ ઉત્પન્ન થાય. તમને આમ શક્તિનું પુશ ઑન કરીએ છીએ, પ્રતિષ્ઠા કરીએ છીએ અને મંદિરમાં અમે જે બોલીએ છીએને, એ બધી પ્રતિષ્ઠા કરીએ છીએ ત્યાં.

ધાતુ મિલાપ એટલે સ્વભાવ મેળાપ

પ્રશ્નકર્તા : પરમ વિનય એ પ્રજ્ઞા ભાગ છે. ભગવાનનો ધાતુ મિલાપ થાય ત્યાં સુધી પરમ વિનય રહેવો જોઈએ.

દાદા, એ ધાતુ મિલાપનું જરા કહોને. કારણ કે ઘણી વખત એ શબ્દ આવે છે, એ ધાતુ મિલાપ એટલે શું ?

દાદાશ્રી : ધાતુ મિલાપ એટલે એમની ધાતુ જે છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ એવી જો આપણી થઈ જાય એટલે ધાતુ મિલાપ થયો કહેવાય. એ જે ધાતુના છે, એ જ ધાતુ આપણી થવી જોઈએ. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, અનંત સુખ, અવ્યાબાધ એ બધુંય એ ધાતુએ (આપણી) ધાતુ થઈ જાય ત્યારે ધાતુ મિલાપ થયો કહેવાય. આમેય બીજી ધાતુમાં ફેર હોય તો ચાલે નહીંને ! સોના જોડે છાસિયું સોનું જોડીએ તો શું થાય ? ધાતુ મિલાપ ના કહેવાય. તમને સમજ પડીને ધાતુ મિલાપ ?

ધાતુ મિલાપની ક્રિયા એટલે શું ? તો કહે, આત્માના ગુણો આપણે બોલીએ, તો જ ધાતુ મિલાપ થાય અને બીજા ગુણો બોલીએ તો ધાતુનો મિલાપ ના થાય. ધાતુ મિલાપ એટલે સ્વભાવ મેળાપ. એના સ્વભાવે સ્વભાવરૂપ થઈ જવું તે. અને તમારે માટે તો મહેનત કરવાનું રાખ્યું છે જ ક્યાં ? માટે જ કહું છું કે કામ કાઢી લેજો. વહેલામાં વહેલું ધાતુ મેળાપ કરી લેજો.

પ્રશ્નકર્તા : તો જેટલા આપણે આજ્ઞામાં રહીએ છીએ એ ધાતુ મિલાપમાં પરિણમે છે ?

દાદાશ્રી : હંડ્રેડ પરસન્ટ (સો ટકા).

પારસમણિ કરે લોખંડને સોનું

આત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે અને તમે પણ છે તે જ્ઞાતા-દ્રષ્ટાના એ (પદ)માં પેસો ધીમે ધીમે, તો તમારે ને એમનું બન્નેનું ધાતુ મેળાપ થાય. એટલે તમે છે તે લોખંડના સોનું થતા જાવ અને એ તો પારસ છે. પણ તમારું ધાતુ મેળાપ થાય એટલે એમનો સ્વભાવ એ આપણો સ્વભાવ થઈ જાય. પણ મહીંલાવાળાને ભજે તોને ?

અમારી જોડે ધાતુ મેળાપ કર, તો તું અમારા જેવો થઈ જઈશ. અમે અબુધ થયેલા. અમારામાં બુદ્ધિ નહીં, એની જોડે તમે બુદ્ધિથી કામ લો તો શું થાય ? અહીં તો ધાતુએ ધાતુ મેળવવી પડશે. અબુધ થયેલા જોડે અબુધ થઈશું તો જ મેળ પડશે, નહીં તો નકામું જશે. ધાતુ મેળાપ જોઈએ. સ્વભાવ ધાતુ એટલે સ્વભાવ મિલાપ.

ભગવાનમાં જે ધાતુ છે, એ ધાતુરૂપ તું થઈ જાય. જે સનાતન છે, એ જ મોક્ષ છે. સનાતન એટલે નિરંતર. નિરંતર રહે છે એ જ મોક્ષ છે.

ધાતુ મિલાપથી પરિપૂર્ણતા

પ્રશ્નકર્તા : આપે કહ્યુંને કે આપણી ધાતુ, ભગવાનની ધાતુ જોડે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર જેવું છે, એની જોડે સરખો મિલાપ થઈ જવો જોઈએ તો એ આપણી એટલે કોની ?

દાદાશ્રી : આપણી એટલે આપણે ‘શુદ્ધાત્મા’ જે કહીએ છીએ, એ શુદ્ધાત્મા એ આપણો ભાવ થયો અત્યારે. નક્કી કર્યુંને પોતે કે ‘હું શુદ્ધાત્મા છું’, એ શુદ્ધાત્મા એક્ઝેક્ટ એ ધાતુ મિલાપ થઈ જાય, ત્યાં સુધી એ કરવાનું.

પ્રશ્નકર્તા : શુદ્ધાત્માની પરિપૂર્ણદશા ?

દાદાશ્રી : પરિપૂર્ણતા. એ ધાતુ મિલાપ કહેવાય અને અત્યારે પરિપૂર્ણતા નથી.

- જય સચ્ચિદાનંદ

 

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18