ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18



આપ્તવાણી

શ્રેણી-૧૪ ભાગ-૪

 [16]

નિર્વિશેષ

વિશેષણો તો ઓગળ્યા કરે, મૂળ આત્મા નિર્વિશેષ

પ્રશ્નકર્તા : આત્મા નિર્વિશેષ છે તે સમજાવશો ?

દાદાશ્રી : આત્મા નિર્વિશેષ છે, એને વિશેષણ નહીં. કારણ કે એની જોડે બીજી સરખામણીમાં આવે એવી વસ્તુ જ નહીંને એટલે નિર્વિશેષ ! અને જેને એડ્જેક્ટિવ ના લાગે, વિશેષણ ના લાગે, છતાં ગુણધર્મ ધરાવે છે.

પ્રશ્નકર્તા : શાસ્ત્રોમાં તો આત્મા માટે એટલા બધા વિશેષણોે છે તે શું છે ?

દાદાશ્રી : એ બધા મૂળ આત્માના વિશેષણ નથી. આ જેટલા વિશેષણ છે એ વ્યવહાર આત્માના છે, મૂળ આત્મા નિર્વિશેષ છે. એને વિશેષણ જ કોઈ ના હોય.

પ્રશ્નકર્તા : તો પછી મૂળ આત્માને કેવી રીતે પકડાય ?

દાદાશ્રી : પકડાઈ ગયો ને ! નકશામાં તમે જોઈ લીધું. નકશામાં તમે જોયું કે મુંબઈ અહીં આગળ છે. પછી વિરાર, પછી આ પાલઘર, પછી આ વલસાડ, એ તો જોયું એટલે તમારી ગાડી સુરત આવી એટલે તમે કહો હજુ આટલું આટલું બાકી છે પણ મૂળ આત્મા (મુંબઈ) પહોંચાશે. પણ બીજા સ્ટેશનના નામ તો કહેવા પડેને ? એ બધા આત્માના નામ નથી.

પ્રશ્નકર્તા : તો પછી મૂળ આત્માનું તો ખાલી જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદ એટલું જ રહ્યુંને ? બીજું કશું જ ના રહ્યું ને ?

દાદાશ્રી : ત્યાં પહોંચી ગયા પછી એય નથી રહ્યું. એ તો આપણે નામ આપ્યું. એ તો પરમાત્મા છે, બીજું કશું છે જ નહીં.

(મૂળ આત્મા) નિર્વિશેષ છે, નિર્વિશેષ ! જેને વિશેષણ હોય ને, તે વિશેષણ તો ઓગળી જાય તો પાછું શું રહી ગયું ? વિશેષણનો સ્વભાવ, કોઈ પણ વિશેષણ તમને આપે, તે જ્યારે-ત્યારે ઓગળ્યા જ કરે. પાછા હતા ત્યાંના ત્યાં, તે જ જગ્યાએ આવી ગયા.

આત્મા જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદી અત્યારે, મૂળ જગ્યાએ નિર્વિશેષ

પ્રશ્નકર્તા : આત્માને જો કંઈ જ વિશેષણ ના હોય તો શૂન્યવાદ આવ્યો.

દાદાશ્રી : ના, શૂન્યવાદેય નહીં, શબ્દ જ નથી ત્યાં આગળ. જ્યાં સુધી શબ્દ છે ત્યાં સુધી કલ્પના છે. પછી ર્નિવિકલ્પે કલ્પના હોય છે ને વિકલ્પેય કલ્પના હોય છે.

પ્રશ્નકર્તા : તો શું છે ત્યાં ?

દાદાશ્રી : શબ્દાતીત, ત્યાં કશું પહોંચે નહીં. મૂળ આત્મા, ત્યાંય શુદ્ધાત્માય શબ્દ એનો હોતો નથી. આપણે આ તો આરોપણ કર્યું છે આમ ઓળખવા માટે કે આ શું છે ને આ શું છે એમ ભાગ પાડવા માટે.

પ્રશ્નકર્તા : હા, તો પછી છેવટે એ તો ખરું ને કે આ બધું શું છે ?

દાદાશ્રી : પરમાત્મા છે.

પ્રશ્નકર્તા : પ્રકાશ નહીં, આનંદ નહીં, હું નહીં તો શું છે એ બધું ? તમે કહો છો કે શબ્દો એક બાજુ મૂકી દો. મૂકી તો દીધા, પણ હવે શેનો પુરુષાર્થ કરવાનો ? અમે ઘેરથી અહીં સત્સંગમાં આવીએ છીએ શા માટે આવીએ છીએ ?

દાદાશ્રી : એ તો એવું છે ને, કે હવે આ શબ્દ તમારે સમજવા માટે નથી, આ જાણવા માટે કહું છું. એ તો જ્યારે તે જગ્યાએ જશોને ત્યારે તમે જાણી જશો. અત્યારે જો આરોપણ કરશો તો મૂરખ બનશો. અત્યારે આરોપણ કરશો તો અવળે રસ્તે જતા રહેશો. અત્યારે તો એમ જ કહેવું કે ‘એ આત્મા જ્ઞાતા-દ્રષ્ટા, પરમાનંદી છે, ઉપયોગમય આત્મા છે.’ એ બધું અત્યારે તો બોલવાનું. આપણે સુરતના સ્ટેશને હોઈએ અને પછી કહીએ, મુંબઈ આવી ગયું. ઊતરી જઈએ તો શું થાય ?

પ્રશ્નકર્તા : રખડી મરે.

દાદાશ્રી : અત્યારે તો આત્મા જ્ઞાતા-દ્રષ્ટા, પરમાનંદી છે. આ તો તમને જાણવા માટે કહું છું કે મૂળ હકીકત શું છે તે.

પ્રશ્નકર્તા : આત્માને નિર્વિશેષ કહો છો તો એય એનું વિશેષણ થયું કે નહીં ?

દાદાશ્રી : ના, એ આપણે સમજવા માટે છે. એટલે એ મૂળ આત્મા માટે નથી. વિકલ્પો જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી દાટા માર માર કર્યા આ લોકોએ. વિકલ્પોને દાટા માર માર કર્યા છે, પણ તોય આગળ વિકલ્પ ઊભા થાય તો ફટ દાટો મારી આપે.

આત્માને વિશેષણો વ્યવહારની ભાષામાં, તત્ત્વ રૂપે નિર્વિશેષ

પ્રશ્નકર્તા : એટલે એને વિશેષણો લગાડવાની જરૂર નથી.

દાદાશ્રી : આત્મા નિર્વિશેષ છે, એને વિશેષણ હોય જ નહીં. પણ છતાં વ્યવહારમાં કહેવું પડે, ઓળખવા માટે. વ્યવહારમાં આપણે શું કહેવું પડે ? કે ભઈ, આ ઘઉંની ગૂણ છે એટલે તમે વેપારીને પૂછો કે આ ઘઉંની ગૂણો છે ? ત્યારે કહે, હા. પણ આપણે ખાતરી ના થાય, વખતે ખોટી હોય ને બીજી વળગાડે તો શું થાય ? એટલે આપણે બીજા કોઈને, બહારવાળાને બોલાવીએ, તે બહારવાળા હવે ચીપિયો નાખીને જુએ અંદર ને પછી કહે કે ભઈ, ઘઉંની જ છે, તમે લઈ જાવ. પછી આપણે એ ઘઉંની પાંચ ગૂણો લઈ ગયા એટલે પછી ઘેર વાઈફને કહીએ કે હું દળવા માટે મોકલી દઉ છું, ત્યારે એ ના પાડે. કેમ ના પાડતા હશે ?

પ્રશ્નકર્તા : અંદર કચરો હોય.

દાદાશ્રી : અંદર કાંકરા હોય, એ બધું હોય. ત્યારે વેપારીએ તો આપણને કહ્યું નહીં કે ભઈ, અંદર કાંકરા છે મહીં ! છતાં વ્યવહારમાં એ ઘઉંની કહેવાય છે. કાંકરા મહીં પચ્ચીસ ટકા હોય તોય એ ઘઉંની કહેવાય. એવું આ વ્યવહારથી છે બધું.

પ્રશ્નકર્તા : વ્યવહારની ભાષામાં આપણે આવું કહીએ છીએ.

દાદાશ્રી : વ્યવહારની ભાષામાં. બાકી એ મૂળ ભાષામાં શુદ્ધ છે. મૂળ તત્ત્વરૂપે તો પોતે ભગવાન જ છે, નિર્વિશેષ છે.

આત્મા નિરંતર શુદ્ધ ભગવાન જ

પ્રશ્નકર્તા : આત્માના અશુદ્ધ, શુદ્ધ, વિશુદ્ધ એવા પ્રકારો છે કે આત્મા એક જ જાતનો છે ?

દાદાશ્રી : આત્મા તો એનો એ જ છે. આત્મામાં કંઈ ચેન્જ નથી. ફક્ત જેવા સંજોગો હોય તે પ્રમાણે એને કહેવાય છે. આપણા ઘેરે આ સોનાની થાળી હોય, પણ એ જમીને ઊઠ્યા હોય ત્યારે અજવાળવાની કહે, એંઠી છે એવું કહે અને ખાવાનું ના મૂક્યું હોય તે વખતે સોનાની થાળી પ્યૉર છે, શુદ્ધ છે એવું કહે. એટલે એવી રીતે આ શુદ્ધ ને અશુદ્ધ કહે છે. એનો એ જ આત્મા, જુદા સંજોગો લાગવાથી આ અશુદ્ધિ દેખાય છે અને અશુદ્ધિ ખરી જાય તો શુદ્ધ જ છે, પોતે શુદ્ધ જ છે.

પ્રશ્નકર્તા : એટલે આત્મા મેલો થાય ખરો ?

દાદાશ્રી : એ મેલો થતો નથી. એને કશું થતું નથી. આ ભ્રામક માન્યતા મેલી થાય છે.

પ્રશ્નકર્તા : આત્માની શ્રેષ્ઠતા શી છે ?

દાદાશ્રી : આત્મા તો ભગવાન જ છે, ને શ્રેષ્ઠતા પૂછવાનું ક્યાં ? ને એને વિશેષણ ના હોય. શ્રેષ્ઠ ને એવું તે કોઈ વિશેષણ ના હોય. આત્મા પોતે જ ભગવાન છે. જેમાં કંઈ કમી ના હોય આટલીય. જો પૂરો જાણવામાં આવે અને પૂરો અનુભવમાં આવે તો એ પોતે જ ભગવાન છે.

 

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18