ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18



આપ્તવાણી

શ્રેણી-૧૪ ભાગ-૪

 [17]

અવક્તવ્ય : અનુભવગમ્ય

[17.1]

અવક્તવ્ય

સૂક્ષ્મતમ આત્મા, સંપૂર્ણ ના વર્ણવી શકાય શાસ્ત્રો થકી

પ્રશ્નકર્તા : ભગવાન વ્યક્તિરૂપે છે કે શક્તિરૂપે છે ?

દાદાશ્રી : બન્ને સાચા છે, પણ વ્યક્તિરૂપે પૂજે તેને વધારે લાભ મળે. વ્યક્તિરૂપે એટલે જ્યાં ભગવાન વ્યક્ત થયા હોય ત્યાં ! મનુષ્ય એકલામાં જ ભગવાન વ્યક્ત થઈ શકે, બીજી કોઈ યોનિમાં ભગવાન વ્યક્ત થઈ શકે નહીં. આત્મા એ જ પરમાત્મા છે, પણ વ્યક્ત થવો જોઈએ. વ્યક્ત થઈ જાય, ફોડ પડી જાય, પછી િંચતાઓ જાય, ઉપાધિઓ જાય.

પ્રશ્નકર્તા : ભગવાન વ્યક્ત ક્યાં થાય ?

દાદાશ્રી : (આત્મા જાણ્યા વગર) ભગવાન વ્યક્ત થાય એવા નથી, એ અવ્યક્તરૂપે રહેલા છે !

પ્રશ્નકર્તા : શાસ્ત્રોમાં આત્માનું બધું વર્ણન આપ્યું છે તો શાસ્ત્રો દ્વારા વ્યક્ત કરી શકાય છે ને ?

દાદાશ્રી : ભગવાને કહ્યું કે શાસ્ત્રો છે એ મહાન પુરુષોની બધી વાણી છે, મોટા જ્ઞાની પુરુષોની બધી વાણી છે પણ એ શાસ્ત્રોમાં આત્માનો કેટલો ભાગ વાણીમાં ઉતરાયા જેવો છે ? ત્યારે કહે, પચીસ-ત્રીસ ટકા ઉતારાય એવો છે. કારણ કે આત્મા સ્થૂળ નથી. આત્મા સૂક્ષ્મ, સૂક્ષ્મતર ને છેવટે સૂક્ષ્મતમ છે. પણ એના ભાગ પડતા પડતા સ્થૂળમાં વર્ણન કરવું હોય તો કેટલું થાય ? પચીસ-ત્રીસ ટકા વર્ણન થાય. એથી વધારે આગળ વર્ણન થઈ શકે એમ નથી. એટલે ત્રીસ ટકાથી તમે આખીય વસ્તુ જાણવી હોય તો જાણી શકો એવું બની શકે નહીં.

જ્ઞાની સમજાવે અવક્તવ્ય આત્મા સંજ્ઞારૂપે

આ જે જગતના લોક કહે છે, શાસ્ત્રો કહે છે એ સાધન છે, એ ખોટું નથી, પણ એ રેગ્યુલર (સંપૂર્ણ) નથી. એ એના અમુક અંશ સુધી કહી શકે, એથી આગળ વાણી પહોંચી શકતી નથી. એટલે વાત કરી શકતા નથી. વાણી અમુક વક્તવ્ય (કહેવા જેવું) હોય ત્યાં સુધી જ બોલી શકાય છે, ત્યાં સુધી જ પુસ્તકમાં ઊતરે છે. કારણ કે આત્મા અવક્તવ્ય છે. અવર્ણનીય છે, નિઃશબ્દ છે. એ શબ્દરૂપ નથી, એ સ્થૂળ નથી, શબ્દોથી વર્ણન થાય એવું નથી, વાણીથી બોલાય એવો નથી. માટે ‘ગો ટૂ જ્ઞાની.’ ત્યાં આગળ તે તને સૂક્ષ્મરૂપે, સંજ્ઞારૂપે સમજાવશે. શબ્દ ના હોય તો સંજ્ઞા તો હોય, અને બીજો કોઈ સંજ્ઞા કરી શકે નહીં. ભગવાનની કૃપા ઊતરે તો સંજ્ઞા થાય, તો કામ થઈ જાય એવું વેદાંત કહે છે. આપણા લોકોય એવું જ કહે છે કે ભગવાને શાસ્ત્રોમાં આત્માનું વર્ણન કર્યું છે. પણ તે કેવું ? પચીસ ટકા સ્થૂળમાં આવે એટલું જ, એથી વધારે નથી કર્યું.

પ્રશ્નકર્તા : એટલે આત્માના ગુણોનું વર્ણન થાય ?

દાદાશ્રી : હા, એટલે સ્થૂળમાં આવ્યું એટલું જ, પણ ગુણો તો બહુ સૂક્ષ્મ વસ્તુ છે. અહીં સ્થૂળમાં જેટલું બોલાય એ બોલ્યા, તેય આ બધું, દ્રવ્યાનુયોગમાં છે. બીજા એકુંય યોગમાં આત્માની વાત નથી.

દ્રવ્યાનુયોગમાં બધી વાત લખી છે, પણ જેટલી લખાય એટલી લખી. શબ્દથી લખે પણ એ સ્વરૂપ જે ભગવાનના જ્ઞાનમાં દેખાયું છે તે ભગવાન કહી શક્યા નથી એવું કહે છે. મનેય મારા જ્ઞાનમાં દેખાયું છે. પણ કહેવાતું નથી, કારણ કે શબ્દ જ નથી.

પ્રશ્નકર્તા : વાણીથી પ્રગટ થઈ શકતું નથી.

દાદાશ્રી : એ માટે શબ્દ જ નથી, શાના આધારે જણાવી શકે ?

આત્મ-અનુભવ અવર્ણનીય, છતાંય કૃપાથી શક્ય

પ્રશ્નકર્તા : તો પછી આત્મા અને તેના ગુણોનો અનુભવ શક્ય કેવી રીતે બને ?

દાદાશ્રી : બધું જ અનુભવી શકાય, પણ ક્યાં અનુભવે ? આ અનુભવેલું વર્ણન નથી થાય એવું. અનુભવ એ અવર્ણનીય વસ્તુ છે. ‘સાકર ગળી છે’ એમ કહે પછી આપણે પૂછીએ ગળી એટલે શું ? તો એની જોડે સિમિલિ આપી શકાય એવું નથી. એવી રીતે આ આત્માનો જે અનુભવ થયો, એની સિમિલિ આપી શકાય એવું નથી. કારણ કે આ સ્થૂળ વસ્તુનું તો આપણે બીજી વસ્તુ બતાવી શકીએ કે આના જેવું છે, પણ આત્મસુખ કોઈ (સ્થૂળ) વસ્તુ જ નથી કે જે બતાવી શકાય. એટલે પોતાની જાતનો અનુભવ થાય, એ કૃપા સિવાય અનુભવ થાય નહીં. જ્ઞાની પુરુષ એકલું જાણવાનું સ્થળ છે અને તે શબ્દોથી જણાય નહીં એવી વસ્તુ છે. (કારણ કે એ) અવક્તવ્ય છે, અવર્ણનીય છે. એટલે કૃપાપાત્ર (થયો) તેનું ફળ છે.

બુદ્ધિજન્ય વક્તવ્ય, જ્ઞાનજન્ય અવક્તવ્ય

પ્રશ્નકર્તા : જો કે એ વાત બરાબર છે પણ આત્મા સર્વથા અવક્તવ્ય છે એવું નથી. એ વક્તવ્ય છે અને અવક્તવ્યેય છે, એ વાત લેવી પડશે. સર્વથા અવક્તવ્ય તમે લેશો તો તો ચાલે એમ છે નહીં.

દાદાશ્રી : જ્યાં સુધી બુદ્ધિજન્ય છે ત્યાં સુધી જ વક્તવ્ય છે, જ્ઞાનજન્ય એ વક્તવ્ય નથી.

પ્રશ્નકર્તા : હં, તો પછી વક્તવ્ય છે એટલું તો વક્તવ્યમાં આવવું જોઈશે.

દાદાશ્રી : હા, એટલું આવી શકે, ત્યાં સુધી તમને છૂટ છે. વક્તવ્ય છે ત્યાં સુધી બધી છૂટ છે. બુદ્ધિજન્ય છે એ વક્તવ્ય છે અને જે જ્ઞાનજન્ય છે એ બધું અવક્તવ્ય છે.

તીર્થંકરનું અનેકાંત જગત અર્થે, દાદાનું કેવળ મોક્ષાર્થે

પ્રશ્નકર્તા : જ્ઞાનજન્ય એ વક્તવ્ય નથી, તો આપ જે આત્માનું વર્ણન કરો છો એ શું છે ?

દાદાશ્રી : તીર્થંકર ભગવંતોએ જે આત્મા અનુભવ્યો તે રૂપ અમે થયા નથી, પણ અમે એ આત્માને જોઈએ છીએ, ઘણો વખત એ આત્મામાં રહીએ છીએ. અને તે જ આત્મા જોઈને અમે કહી શકીએ છીએ, એટલો ફેર છે. જે જોનાર હતા તેનાથી કહી શકાય એવી સ્થિતિ ન્હોતી અને અમારામાં કહી શકાય એવી સ્થિતિ છે. અમારે એટલી બધી ઊંચી સ્થિતિ નથી એમના જેટલી, એટલે અમારાથી કહેવાય એવું રહ્યું છે. બાકી જે આત્મા જગતે ક્યારેય પણ જાણ્યો નથી એ આત્માની અમે વાત કરીએ છીએ આ બધી, અને તે પણ કેવી ?

પ્રશ્નકર્તા : સર્વમાન્ય !

દાદાશ્રી : હં, નહીં તો જૈનો એકલા જ માન્ય કરે, વેદાંતીઓ એકલા જ માન્ય કરે, એ આત્મા દરઅસલ ન્હોય. તીર્થંકરો સર્વમાન્ય જાણતા’તા ત્યારે એમનાથી બોલાય એવું ન્હોતું.

પ્રશ્નકર્તા : એ કેમ બોલાય એવું ન્હોતું એમનાથી ?

દાદાશ્રી : એમને વાણી આટલી જ બોલાય.

પ્રશ્નકર્તા : પણ એનું શું કારણ ?

દાદાશ્રી : એટલે એવી જ ટેપરેકર્ડ ઊતરેલી, ખુલ્લું કહી ના દેવાય એમ. કારણ કે એ જવાબદાર ગણાય છે. એ બોલે છે એ આખા જગતને અનુલક્ષીને બોલે છે અને હું તો મોક્ષમાં જનારાને અનુલક્ષીને બોલું છું. એમનાથી એક પક્ષી બોલાય નહીં.

પ્રશ્નકર્તા : એમને જગતના બધા માણસોને અનુલક્ષીને બોલવું પડે, જનરલ ?

દાદાશ્રી : બધાને અનુલક્ષીને સર્વ સામાન્ય વાત કરવી પડે. એમને તો એમેય કહેવું પડે કે ‘ભઈ, આ તપ કરવું પડે, ત્યાગ કરવો પડે’ એય લખવું પડે. અને અમે તો એ ના પાડીએ. આ તો મોક્ષનો માર્ગ છે. આ અનેકાંતમાં એકાંત છે. પણ અજાયબ આત્મા અમે જે જોયો છે, તે તીર્થંકરો કહી શક્યા નથી. અને આવું ફળેય કોઈ દહાડો ઉત્પન્ન થાય એવું નથી. કેવું ફળ ઉત્પન્ન થયું છે ? કંઈ વાર લાગી છે કશી ? વગર મહેનતે ? હં... મહેનત-બહેનત કશું જ નહીં ! અમનેય આશ્ચર્ય લાગ્યું છે ! તેથી કહીએ છીએ, કામ કાઢી લો.

ભેદવિજ્ઞાની બધા તત્ત્વોને જુદા પાડી દે

પ્રશ્નકર્તા : હવે સમજાયું, દાદા. આ જે જબરજસ્ત પઝલ ઊભું થઈ ગયું છે, તેનો ઉકેલ શાસ્ત્રજ્ઞાનીથી નહીં આવે. એના માટે એક્ઝેક્ટ આત્મજ્ઞાનીનો ભેટો અને એમની કૃપા જોઈએ.

દાદાશ્રી : હવે આ સૉલ્વ કરવા માટે શાસ્ત્રજ્ઞાની કશું ચાલે નહીં, ભેદવિજ્ઞાની જોઈએ. એ બધા જ તત્ત્વોને જુદા પાડી દે. સંપૂર્ણ જાણતા હોય તો બધા તત્ત્વો જુદા પાડી શકે. એટલે કેવળજ્ઞાની, ભેદવિજ્ઞાની જોઈએ. એ ‘આ ભાગ આત્મા અને આ ભાગ અનાત્મા’, એનું લાઈન ઑફ ડિમાર્કેશન નાખી આપે. એટલે છએ છ તત્ત્વની આ ભેદવિજ્ઞાની લાઈન ઑફ ડિમાર્કેશન નાખી આપે, પછી જુદું પડી જાય. ત્યાં સુધી આ પઝલ સૉલ્વ થાય નહીં અને માણસો સૉલ્વ કરવા જાય તે ગૂંચાઈ જાય, ઊલટો વધારે ને વધારે ગૂંચાતો જાય. સૉલ્વ કરવાનો દિન-રાત પ્રયત્ન કરી રહ્યા છે ને, પણ ગૂંચાય છે વધારે. એટલે જ્યાં સુધી આ ભેદવિજ્ઞાની પાસે પઝલ સૉલ્વ ન કરે, ત્યાં સુધી આ સંસારના બધા મનુષ્યો, સાધુ-સંન્યાસીઓ, આચાર્યો, બાવા-બાવલી બધાય છે તે પઝલમાં જ ડિઝોલ્વ થઈ ગયા હોય. જ્ઞાન એ શબ્દ નથી, નિઃશબ્દ છે. અવક્તવ્ય છે, અવર્ણનીય છે, આત્મા તો. એટલે ભેદવિજ્ઞાનીની મહીં ભગવાન પ્રગટ થયા છે, એમની કૃપા ઊતરે તો, એટલે આજ કૃપા ઊતરી તમારી પર, તે કામ થઈ ગયું તમારું.

આત્માના ગુણો જ જાણ્યા નથી. આ આત્માના ગુણો જાણવા એ ભેદવિજ્ઞાની કહેવાય. આ જે આત્માના ગુણો છે ને, એ બધાય બહાર પડ્યા નથી, બધા અમારામાં છે. અમે અઠ્યાવીસ વર્ષથી આત્મામાં રહીએ છીએ, આ દેહના માલિક નથી.

પ્રશ્નકર્તા : હવે આવું તો કોઈએ હજુ લગી કહ્યું નથી.

દાદાશ્રી : આ તો અક્રમ વિજ્ઞાન છે ને !

પ્રશ્નકર્તા : બધા બધે પહોંચે છે, પણ આટલે પહોંચ્યા નથી.

દાદાશ્રી : માટે આ કામ કાઢી લેવા જેવું છે. તેથી આમ બૂમો પાડી પાડીને અમે કહીએ છીએ ને કામ કાઢી લો, કામ કાઢી લો, કામ કાઢી લો. પરપોટો ફૂટશે પછી નહીં થાય.

પ્રશ્નકર્તા : પરપોટાને એક્સટેન્શનની અરજી કરવાની બધાએ ભેગા થઈને.

દાદાશ્રી : એ તો બધા કરે જ છે ને ! વિધિ કરે છે, ત્યારે બધા સવારના પહોરમાં (પ્રાર્થના) કરે છે કે હે ભગવાન, દાદાજીને રાખજો. મારા મનનું સંધાય એટલે હું જાણું કે આ મહીં સંધાય છે શી રીતે આ બધું ?

v v v v v

[17.2]

અનુભવગમ્ય

આત્મા અવર્ણનીય, છતાં દાખલા આપી સમજાવે જ્ઞાની

પ્રશ્નકર્તા : દાદા, આપે કહ્યું કે આત્મા અવર્ણનીય છે પણ ભેદવિજ્ઞાનીની કૃપાથી અનુભવી શકાય એમ છે તે વધારે સમજાવશો.

દાદાશ્રી : આત્મા જાણવા જેવો છે ને તે આ મહાત્માઓએ જાણ્યો છે તેવો છે ને તેથી વધારે આ દાદા જેવા છે તેવો આત્મા છે. આ મૂર્તિમાન મોક્ષ છે એવો આત્મા છે, એમ માનવું ને બીજી કલ્પનામાં પડવું નહીં. આત્મા સ્વ-પર પ્રકાશક છે. એને રૂપ નથી, રંગ નથી ને આકાર પણ નથી. આત્મા તો અનુપમ છે ને જગતની બધી જ ચીજો ઉપમાવાળી છે. આત્મા તો અનુભવગમ્ય છે. આત્મા તો અવર્ણનીય છે. આત્મા વાણીથી બોલી શકાય તેવો નથી. આ તો જ્ઞાની પુરુષ વાણીથી દાખલા-દલીલ આપીને અને બીજી રીતે સમજાવી શકે. કારણ કે બધી જ રીતે આત્મા કેવો છે એ જાણી ચૂક્યા છીએ. બાકી આત્મા શબ્દોમાં ઊતરી શકે તેમ છે જ નહીં. તેથી તો કહ્યું કે પુસ્તકમાં કે શાસ્ત્રમાં આત્મા નથી. આત્મા તો એક જ્ઞાની પુરુષ પાસે જ છે, વ્યક્ત થયો તે આત્મા. કોઈ પૂછે કે આત્મા કેવો છે, તો કોઈથી કહેવાય જ નહીં. એમાં કોઈનુંય ગજું નહીં. જ્ઞાની પુરુષ સિવાય એ માટે તો કોઈથી એક અક્ષરેય બોલાય જ નહીં. એ તો સ્પષ્ટવેદન હોય તેવા જ્ઞાની પુરુષ સમજાવી શકે.

પાંચ આજ્ઞાની સિન્સિયારિટી કરાવે અનુભવ

પ્રશ્નકર્તા : એ આત્માના પ્રકાશનો અનુભવ કઈ રીતે થાય ?

દાદાશ્રી : એ તો તમે આ જ્ઞાન લો અને જો દાદાને સિન્સિયર રહો, તમે પાંચ આજ્ઞા પાળો તો તમને પ્રકાશનો અનુભવ રોજેરોજ થાય પણ સિન્સિયર રહે તો. (આ) પાંચ આજ્ઞા એમની પાળો અને સહેલી છે પાંચ આજ્ઞા, પછી તમને રોજ અનુભવ થાય. સાકર મોઢામાં મૂકે એટલે એનું વર્ણન ના કરી શકે પણ સ્વાદ તો સમજાય કે ભાઈ, આવો છે. જેમ એ અનુભવ સ્વરૂપ છે એવું આ આત્મા અનુભવ સ્વરૂપ છે. એ બીજી વસ્તુ નથી છતાંય જ્ઞાનીઓ એને સર્વાંશ રીતે જાણી શકે. હવે અનુભવ થયા પછી જાણવાનો પ્રયોગ શરૂ થાય છે. પહેલું તો અનુભવ થવો જોઈએ. અનુભવ થાય એટલે એકાગ્ર થઈ ગયો, ત્યાં આગળ ફિટ થઈ ગયો.

પ્રશ્નકર્તા : દાદા, આપે કહ્યું કે જ્ઞાનીઓ જાણી શકે, તે આત્માને જ્ઞાનીઓ જોઈ શકે ?

દાદાશ્રી : આત્મા ઈન્દ્રિયગમ્ય નથી, (અનુભવગમ્ય છે.) એ પોતે પોતાનાથી જુદી વસ્તુ હોય તો જોઈ શકે, પોતે પોતાને તો શી રીતે જોઈ શકે ? અનુભવગમ્ય છે. (એટલે) એનું પદ જ જ્ઞાતા-દ્રષ્ટા.

આત્માના અપરોક્ષ દર્શન મહાત્માઓને, પ્રત્યક્ષ અનુભવ દાદાને

પ્રશ્નકર્તા : દાદા, આપ કહો છો, ભગવાન અંદર પ્રગટ થઈ ગયા છે, તો એ ‘પ્રગટ થવું’ એટલે શું ?

દાદાશ્રી : પ્રત્યક્ષ અનુભવ. પરોક્ષ અનુભવ થાય વખતે, પણ આ તો પ્રત્યક્ષ અનુભવ.

પ્રશ્નકર્તા : પ્રત્યક્ષ ?

દાદાશ્રી : હં, આત્માનો પ્રત્યક્ષ અનુભવ, અપરોક્ષ અનુભૂતિ.

પ્રશ્નકર્તા : આત્માના પરોક્ષ અને અપરોક્ષ દર્શન કેવી રીતે થાય ?

દાદાશ્રી : આત્માના અપરોક્ષ દર્શન તમે કર્યા છે પણ તેનો ખ્યાલ રહેતો નથીને ! અહીંયા સત્સંગમાં આવો તો એ વાત સમજાય તમને.

પ્રશ્નકર્તા : પણ પોતાના આત્મસ્વરૂપના બીજા અનુભવ જે થવા જોઈએ તે નથી થતા. બુદ્ધિને સમજમાં આવે છે પણ અનુભવ નથી થતો.

દાદાશ્રી : એ જ અનુભવ, આ બધું જાણ્યા-જોયા કરવું એનું નામ અનુભવ કહેવાય. બીજો અનુભવ ના કહેવાય. મનમાં વિચાર ખરાબ આવે, સારા વિચાર આવે તે જ્ઞેય છે અને આપણે જ્ઞાતા છીએ. એ બધા જોયા કરવા, એનું નામ અનુભવ કહેવાય. પછી જેમ જેમ ધીમે ધીમે અનુભવ આ બધો આગળ જતો જાય, તેમ તેમ ખુલ્લો અનુભવ થતો જાય. પ્રગટ અનુભવ, અત્યારે આ પરોક્ષ અનુભવ થાય. (પહેલા) પરોક્ષ અનુભવ થાય, પછી અપરોક્ષ થાય, એમ કરતા કરતા આગળ વધતું જાય.

એકવાર અનુભવ થયા પછી નિરંતર વધતો જાય

સ્વરૂપના ભાન સિવાય જે જે જાણો છો તે અજ્ઞાન છે અને સ્વરૂપના ભાન પછી જે જે જાણો તે જાણેલું કહેવાય. આત્મયોગ થયો એ જ સ્વરૂપનું ભાન થયું. આત્મા અવાચ્ય છે, અનુભવગમ્ય છે, દિવ્યચક્ષુથી જ દેખાય. આખા જગતનું તત્ત્વ, આખા જગતનો સાર તે ‘શુદ્ધાત્મા.’ ‘હું શુદ્ધાત્મા છું ’ એવું તમને એની મેળે યાદ આવે છે ને જ્ઞાન પછી ?

પ્રશ્નકર્તા : હા, આવે છે.

દાદાશ્રી : એ હવે નિરંતર તમને યાદ રહ્યા કરશે, નિરંતર લક્ષ (રહેશે અને) એ જ અનુભૂતિ. અનુભૂતિ ધીમે ધીમે વધતી જાય હવે. હજુ અમાસમાંથી તે બીજ રૂપે શરૂઆત થઈ, પછી ત્રીજ થાય, ચોથ થાય, પાંચમ થાય, જેમ જેમ અનુભૂતિ વધતી જાય તેમ તેમ.

આત્મા શબ્દ સ્વરૂપ નથી, અનુભવ સ્વરૂપ છે. એક ફેરો અનુભવ થયો, પછી જાય નહીં. પછી આ અનુભવ પરંપરામાં વધતો જાય દિવસે દિવસે. હવે તમારો અનુભવ વધતો જશે, તેમ તમારો આત્મા પ્રગટ થતો જશે. આત્મા કેટલો ? ત્યારે કહે, અનુભવ પ્રમાણ.

ચિત્તવૃત્તિઓ બહાર જાય એને ઈન્દ્રિય અનુભવ કહેવાય અને ચિત્તવૃત્તિઓ પાછી ફરે એ અતીન્દ્રિય અનુભવ કહેવાય. આત્માનો અનુભવ એટલે શું ? નિરંતર પરમાનંદ સ્થિતિ.

ક્ષાયિક સમ્યક્ત્વ એ જ સ્પષ્ટ અનુભવ

હવે અક્રમમાં અહીં ક્ષાયિક સમ્યક્ત્વપણું થાય છે અને આર્તધ્યાન-રૌદ્રધ્યાન બંધ થઈ જાય છે, સંસારમાં રહેવા છતાંય. રૌદ્રધ્યાન-આર્તધ્યાન ન થાય એ આત્મ-અનુભવની મોટામાં મોટી નિશાની.

અને લોકો પૂછે છે, સ્પષ્ટ અનુભવ કેમ થાય ? અરે, આ (થયો એ) સ્પષ્ટ અનુભવ. આનું નામ જ સ્પષ્ટ અનુભવ, બીજો કોઈ નહીં. સ્પષ્ટ આત્મા સિવાય કશું દેખાય નહીં. આમેય આપણે અંદર રિયલ-રિલેટિવ જોઈએ ને, તે આત્મા જ જુએ છે પણ આપણા મનમાં એ થાય ગૂંચવાડો તેથી એવું લાગે બધું ભેગું થઈ જતું હશે ? પણ પેલો તો સ્પષ્ટ આત્મા બીજું કોઈ છે જ નહીં ને બીજા કોઈની હાજરી જ નથીને !

તમને આત્માનો અનુભવ રહે છે ને, એ જ મૂળ આત્મા છે. પછી એ અનુભવ એક જગ્યાયે ભેગો થતો થતો મૂળ જગ્યાએ, જે મૂળ આત્મા છે તે રૂપ પોતે થઈ જાય. તમને અત્યારે અનુભવ અને અનુભવી બે જુદું હોય, જ્યારે ત્યાં આગળની દશામાં એકાકાર હોય.

અંશ જ્ઞાન એ અનુભવ, સર્વાંશ જ્ઞાન એ જ્ઞાન

પ્રશ્નકર્તા : આપણે આત્માનું જ્ઞાન કહીએ અને પછી આત્માનો અનુભવ કહીએ, તે આત્માનો અનુભવ અને આત્માના જ્ઞાનમાં ફરક શું ?

દાદાશ્રી : આત્માનું જ્ઞાન સંપૂર્ણ કહેવાય અને અનુભવ અંશે અંશે કહેવાય. અંશ જ્ઞાનને ‘અનુભવ’ કહ્યું અને સર્વાંશ જ્ઞાનને ‘જ્ઞાન’ કહ્યું. અંશે અંશે વધતું વધતું અનુભવ સંપૂર્ણ થાય.

પ્રશ્નકર્તા : અને અત્યારે જેમ આપ જ્ઞાન આપો છો જે લોકોને, એ લોકોને આત્માનું જ્ઞાન થાય કે આત્માનો અનુભવ પણ થાય કે બન્ને થાય ?

દાદાશ્રી : થાય ને, થાય જ છે.

પ્રશ્નકર્તા : એને અનુભવ પણ થાય અને આ જ્ઞાન પણ થાય ?

દાદાશ્રી : થાય જ છે ને, બધાને થાય છે. અનુભવ જો ના હોય તો પછી આત્મા જ નહીં ને !

પ્રશ્નકર્તા : અનુભવની અંદર છે તે જાગૃતિ રહે, જાગૃતિ આવે છે ?

દાદાશ્રી : જાગૃતિ એ જ.

પ્રશ્નકર્તા : એ જ અનુભવને ?

દાદાશ્રી : નહીં, જાગૃતિ એ જ વસ્તુ છે કે જેનાથી અનુભવ બીજા બધા આપણને થાય છે. એક બાજુ લખીએ કે પહેલા ચંદુભાઈ હતા તે શું હતા અને અત્યારે ચંદુભાઈ શું છે ? એ શું કારણથી ? ત્યારે કહે છે કે આ જ્ઞાનના પ્રતાપે, જાગૃતિના પ્રતાપે આ આત્મા તરફની દિશા જાગી ગઈ છે, રાઈટ દિશામાં અને આ રોંગ દિશામાં હતા, તે આખોય ચેન્જ મારે, હંડ્રેડ પરસેન્ટ ચેન્જ લાગે.

પ્રશ્નકર્તા : હા, એટલે ચેન્જ થાય બરાબર. પણ ચેન્જ થાય ક્યારે ? જાગૃતિ આવ્યા પછી ચેન્જ થાયને ?

દાદાશ્રી : જાગૃતિ આવી જ જાય, આ જ્ઞાન આપીએ પછી એને.

જાગૃતિ એ જ, જે દેખાડે પોતાના જ દોષો

પ્રશ્નકર્તા : જ્ઞાન આવ્યા પછી જાગૃતિ આવી જાય, એમાંથી ધીમે ધીમે એમાં આખા જીવનમાં પલટો થતો જાય.

દાદાશ્રી : હા, પલટો થતો જાય.

પ્રશ્નકર્તા : એ જ આત્માનો અનુભવ.

દાદાશ્રી : બસ, એ જ, એ જ.

પ્રશ્નકર્તા : જે પલટો થતો જાય, જે પોઝિટિવ થતો જાય....

દાદાશ્રી : પોતાના દોષ દેખાતા જાય. આ જગતમાં આ બધા લોક છે ને પણ પોતાના દોષ (કોઈને) ના દેખાય. સામાના દોષ કાઢવા હોય તે બધા કાઢી આપે, જ્યારે અહીં તો પોતાના દોષો દેખાય.

પ્રશ્નકર્તા : હા, પોતાના દોષ દેખાય !

દાદાશ્રી : બધું દેખાય, બધું.

પ્રશ્નકર્તા : પછી કાંઈક ખરાબ-ખોટું, સારું-નરસું તેનો ખ્યાલ આવે તે અનુભવ કહેવાય ને ?

દાદાશ્રી : બધું પોતાને ખબર પડી જાય, પોતાને ખ્યાલ આવી જાય એ જ આત્મા.

અનુભવ વધતા થશે જ્ઞાનાત્મા

હજુ આ આત્મા, દર્શનાત્મા કહેવાય છે, પછી જ્ઞાનાત્મા થશે ધીમે ધીમે. જેમ અનુભવ વધશેને, તેમ જ્ઞાનાત્મા થશે.

પ્રશ્નકર્તા : એ બરાબર છે, દાદા. એ તો અનુભવ થયો છે કે ગુસ્સો આવવાનો હોય તો તરત જ ખ્યાલ આવે છે, જાગૃતિ આવી જાય છે.

દાદાશ્રી : હા, તરત જ આવી જાય. આ જગતમાં જ્ઞાન ના હોયને, તો એને પોતાને ભૂલ દેખાય નહીં કોઈ દહાડોય. (એ પોતે) આંધળો હોય અને જ્ઞાનવાળાને બધી ભૂલો દેખાય.

પ્રશ્નકર્તા : જ્ઞાનવાળાને પોતાની ભૂલો દેખાય.

દાદાશ્રી : બધી બહુ દેખાય. ઓહો... રોજ સો-સો ભૂલો દેખાય.

પહેલા આત્માનુભવ વર્તે, પછી ખપે પુદ્ગલ

પ્રશ્નકર્તા : આ પવન દેખાતો નથી પણ તેની લહેર આવે છે ને ખબર પડે છે ને અનુભવમાં પણ આવે છે કે પવન આવ્યો, તેવો આત્માનો અનુભવ તીર્થંકરોને થતો હશે કે વિશેષ ?

દાદાશ્રી : તીર્થંકરોને તો તેથી પણ વિશેષ, ઘણો જ વિશેષ આત્માનો અનુભવ થાય. આ અમને પણ પવન જેવો અનુભવ તો થાય જ છે ને તમને જે આત્માનો અનુભવ થાય છે, તે તો પ્રતીતિ વિશેષ મજબૂત (ગાઢ) થવા માટેનો છે.

પ્રશ્નકર્તા : આત્માના જે ગુણો છે એ તો જ્યારે પુદ્ગલનું બધું પૂરું થશે પછી જ વર્તાશેને ? એ પહેલા વર્તાય ખરા ?

દાદાશ્રી : એ વર્તાય તો જ પુદ્ગલના ગુણો ખપે. આત્માની હાજરી વગર પુદ્ગલ ખપે જ નહીં.

પ્રશ્નકર્તા : તો કાલે હું એવું વિચારતો હતો કે જ્યારે પુદ્ગલ મારું ક્લિયર થશે, પછી આત્માના ગુણો એની જાતે પ્રગટ થશે.

દાદાશ્રી : પછી ના હોય, બે સાથે જ ચાલે.

પ્રશ્નકર્તા : તો દાદા, આત્માના ગુણોને પ્રગટ કેવી રીતે કરવાના ?

દાદાશ્રી : થઈ ગયેલાને શું પ્રગટ કરવાના ? એ જાણતા નથી એનો જ ડખો છે આ બધો. એના ગુણો તો પ્રગટ જ ચાલે (હાજર જ) છે.

પ્રશ્નકર્તા : દર્શનમાં તો આવ્યા, હવે અનુભવમાં કેવી રીતે લાવવાના ?

દાદાશ્રી : દર્શનમાં હોય એ જ અનુભવમાં હોય. અનુભવ સિવાય તો દર્શનમાં ના આવે.

અક્રમથી આત્માનુભવે, સંસારમાં રહીને માણે બારમું ગુંઠાણું

મૂળ આત્મા એ અનુભવગમ્ય છે, અરૂપી પદ છે. કેવળી ભગવાન જે અનુભવે તે આ પુદ્ગલ પોતાનાથી જુદું પૂતળું છે. ખરું કર્યું કે ખોટું, તે જોવાનું નથી. એ તો પૂતળું જ છે, અચેતન છે. કર્તાભાવ જ ના દેખાવો જોઈએ. પુદ્ગલની જોડે કે પુદ્ગલના મન-વચન-કાયાના વર્તન જોડે લેવાદેવા જ નથી. તમે તેનાથી તદ્દન જુદા જ છો. તમને તમારો આત્મા જોવામાં ને જાણવામાં આવ્યો જ છે. જોવું એટલે ભાન થવું અને જાણવું એટલે અનુભવ થવો. તે ભાન થયું છે ને થોડો અનુભવમાં પણ આવ્યો છે. હવે મૂળ વસ્તુ પૂરેપૂરી અનુભવમાં આવી જાય, એટલે કામ થઈ ગયું !

એ તો વસ્તુ જ જુદી. આત્મા જાણ્યો જાય એવી વસ્તુ નથી, એ બુદ્ધિથી સમજાય એવો નથી, એ અનુભવગમ્ય વસ્તુ છે.

જ્યારે એના ગુણધર્મ કહે, ઓહોહોહો ! ગુણધર્મનો પાર નથી. અનંત ભેદે આત્મા છે, એક-બે ભેદે આત્મા નથી. એ જેટલા ભેદ અહીં જ્ઞાની પુરુષ પાસે જાણ્યા એટલા ભેદથી તમારો ઉકેલ આવ્યો. બીજા અનંત ભેદ હજુ બાકી છે. જાણવાથી સરળતા થશે. જેટલું જાણશો એટલી સરળતા. તમે તો એટલું જ જાણો કે ચાર પેલા ગુણ છે. અનંત જ્ઞાનવાળો છે ને એ ચાર, પણ આ બાજુ અનંત ગુણો એનો હિસાબ જ નથી. આખા બ્રહ્માંડનો પ્રકાશક છે અને તે આત્મા અમે જોયેલો છે. માટે વાતને સમજવા જેવી છે, ઈન શૉર્ટ. નહીં તો તો આવું એય સંસારમાં રહીને મોક્ષમાર્ગમાં બારમા ગુંઠાણાની વાત કરવાની જ હોય નહીં. ચોથું લઈ જાય તો બહુ થઈ ગયું.

કોઈ કાળમાં પરદેશને પરદેશ જાણે અને સ્વદેશને સ્વદેશ જાણે એવું બનેલું નહીં. આ તો તમે પરદેશને ઓળખી ગયાને ? પરદેશમાં નિર્જરા થયા કરે છે નિરંતર અને જેટલી નિર્જરા થાય છે એટલો સ્વદેશ પોતે મુક્ત થતો જાય છે.

 

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18