ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18



આપ્તવાણી

શ્રેણી-૧૪ ભાગ-૪

 [6]

અસંગ

[6.1]

સંગમાં એ અસંગ

આત્મા સ્વભાવે અસંગ, વિશેષભાવે સંગી

આત્મા અગમ્ય છે. જ્યાં દ્રષ્ટિ પહોંચી શકે નહીં ત્યાં આત્મા છે. એ આત્મા નિર્લેપભાવે રહેલો છે, અસંગભાવે જ રહેલો છે.

પ્રશ્નકર્તા : આત્માને અસંગી કહે છે પણ જોવામાં સંગી દેખાય છે.

દાદાશ્રી : આ સંગી થાય છે ને સંગી દેખાય છે ને, તે એમનો વિશેષભાવ છે, વિકૃતિભાવ. વિકૃત થયેલો છે એ ભાવ. નિર્લેપ આત્માને કશું અડે નહીં આમાં. ક્યારેય લેપાયમાન થાય નહીં, ગમે તેવું હોયને, ક્રોધ-માન-માયા-લોભ હોય તોય. આત્મસ્વભાવ તો સંગમાં રહેતો હોવા છતાં અસંગી છે. તેને કોઈ ડાઘ પડે નહીં. એ પોતે અસંગ સ્વભાવનો છે. એને સંગની જરૂર જ નથી કંઈ. આ તો ભ્રાંતિથી માને છે એવું કે મને આ વળગ્યું. પણ આ વળગ્યું નથી ને કશુંય નથી. અસંગ જ છે. અને આ થયું છે તે વૈજ્ઞાનિક અસર છે. છયે દ્રવ્યો અસંગ છે.

પ્રશ્નકર્તા : દાદા, એટલે સ્વભાવગત આત્મા તો અસંગ જ છે ?

દાદાશ્રી : આત્મા તો અસંગ જ છે. મિથ્યાત્વમાંય અસંગ છે. ગાય-ભેંસમાંય અસંગ છે. એટલે તો અમે આ વાક્ય બોલીએ છીએ, મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ જ છું.

અસંગની બિલીફ બેસે તો થાય પોતે અસંગ

પ્રશ્નકર્તા : તો એવા અસંગ આત્માનો અનુભવ કેમ નથી થતો ?

દાદાશ્રી : અસંગ આત્મા તો તેમ જ છે, પણ આપણી બિલીફમાં અસંગ આત્મા છે નહીંને ! જ્યારે એ અસંગ આત્મા બિલીફમાં આવશે તો અસંગ જ છે. બિલીફમાં આવવો જોઈએ ફક્ત. એ છે પોતે જ અસંગ. તમારી બિલીફ બદલાયેલી છે તે બિલીફમાં આવવો જોઈએ. તમને ‘હું ચંદુભાઈ છું’ એ બિલીફ બદલાયેલી છે. હવે તમે અસંગ આત્મા છો એવું તમને જ્યારે બિલીફ બેસે તો થઈ જવાના અસંગ પછી. પહેલી બિલીફ બેસે. શરીર હોય એટલે બિલીફ તો બેસે. બિલીફ બદલાવી જોઈએ. આ બિલીફ રોંગ બિલીફ છે. ‘હું ચંદુભાઈ છું’ એ ફર્સ્ટ રોંગ બિલીફ અને હું વૈષ્ણવ છું, આ બાઈનો ધણી છું, આનો મામો થઉ, આનો કાકો થઉ. એવી કેટલી રોંગ બિલીફો બેઠી છે ?

પ્રશ્નકર્તા : અસંખ્ય, અગણિત.

દાદાશ્રી : આવી અસંખ્ય રોંગ બિલીફો હોય, ત્યાં સુધી રાઈટ બિલીફ હોય નહીં. રાઈટ બિલીફ બેસે એટલે અસંગની બિલીફ બેઠી કહેવાય. રાઈટ બિલીફ જેને ગુજરાતીમાં સમ્યક્ દર્શન કહેવાય. તે અસંગની બિલીફ કહેવાય. અસંગની બિલીફ બેસે એટલે અસંગ થાય.

સ્વભાવમાં આવે તો થાય પોતે અસંગ

દેહાધ્યાસ જાય એટલે પોતાના અસંગ સ્વરૂપમાં નિરંતર રહે. દેહાધ્યાસને લઈને સંગી લાગે છે. જ્યાં સુધી જ્ઞાન ન મળે ત્યાં સુધી તમે બધામાં જ ભેગા ને ભેગા જ દેખાવ. આત્મા જુદો જ છે. આત્માએ અનંત અવતાર કર્યા છે, પણ તેણે કોઈ દેહમાં, દેહ સાથે સંગ કર્યો જ નથી. ગધેડામાં, કૂતરામાં, પાડામાં, જીવડામાં, માણસમાં બધે જ ફર્યો છે પણ પોતે અસંગ જ છે.

એટલે પોતાનો અસંગ જે સ્વભાવ છે તે સ્વભાવ ઉત્પન્ન થઈ જવો જોઈએ. પોતાના સ્વભાવમાં આવ્યા એટલે પોતે અસંગ જ છે, નિર્લેપ જ છે. એ શુદ્ધાત્મામાં રહે તો અસંગ જ રહે.

અસંગ વાણીરૂપી શસ્ત્રથી છેદાય સંસારવૃક્ષ

પ્રશ્નકર્તા : ગીતામાં અધ્યાય-૧૫, શ્લોક-૩ બતાવ્યું છે,

દ્મચ્ડથુીંદ્ધ ળુસરપ્દ્ભજશ્થૂમથળન્કૅશ્ફ઼ઝ્ષલ્ઙ્મષુઁષ ફાજુશ્ીં સકશ્ઽરષ ।

અસંગ શસ્ત્રથી આ સંસારવૃક્ષ છેદી શકાય, તો આ વાતનો અર્થ ક્યાંય સમજાવ્યો નથી. હવે આપ એ સમજાવો.

દાદાશ્રી : અસંગ શસ્ત્ર, અસંગ વાણીથી સમજાવી શકાય. વાણી અસંગ જોઈએ. જે વાણીનો કોઈ માલિક ના હોય એ અસંગ વાણી કહેવાય. વાણીની માલિકી ના હોય. વાણી નીકળે પણ એનો માલિક ના હોય.

(હવે) માલિકી વગરની વાણી ક્યાંથી લાવે ? એટલે શરીર જો માલિકી વગરનું થાય, અહમ્ નષ્ટ થઈ જાય તો જ માલિકી વગરની વાણી થાય અને તો જ અસંગ વાણી કહેવાય. તો એનું અસંગ શસ્ત્ર ઊભું થયું. પોતે સંગવાળો તે અસંગ શી રીતે ભેગું થાય ? એટલે આ અમારી વાણી અસંગ કહેવાય છે. માલિકી વગરની વાણી અસંગ કહેવાય, માલિકી વગરનો દેહ અસંગ કહેવાય અને માલિકી વગરનું મન અસંગ કહેવાય. તે આ અસંગ વાણીથી આ બધું કામ થાય. (સંસારવૃક્ષ છેદી શકાય.)

આત્મા-જડનો સંગદોષ મટાડે, તે ઈનામ અક્રમ વિજ્ઞાને

પ્રશ્નકર્તા : પછી એમાં પાંચમાં શ્લોકમાં કહે છે,

સીંથષીંર્થંશ્ષિ સફ્રઠળન્કૅશ્ફ઼ર્ફંલષ દ્મઢ્ઢદષથસીંદષ સરસીંરાઽષઋદ્ભષથષઃ।

તો આ સંગદોષ એટલે શું ?

દાદાશ્રી : આ સંગદોષ એટલે આત્મા ને જડનો જે સંગ થયો, તેના દોષથી આ જગત ઊભું થયું છે. હવે સંગદોષથી પેલા ગુણો ઉત્પન્ન થયા; વ્યતિરેક ગુણો કે જે આત્મામાંય નથી ને જે જડમાં, અનાત્મામાંય નથી. એટલે આ વ્યતિરેક ગુણોથી આ જગત ઊભું થયેલું છે. આમાં વ્યતિરેકના ગુણો કયા કયા ? ક્રોધ-માન-માયા-લોભ. તે માનમાંથી અહંકાર ઊભો થયો ને ચાલુ થઈ ગયું. હવે આ સંગદોષ છોડાવવામાં આવે (તો જ તે છૂટે). તેથી હું આ જ્ઞાન આપું છું ને છૂટા કરું છું સંગદોષથી. હવે એ સંગદોષ છૂટે કે તરત જ છૂટું થઈ જાય. એટલે પોતપોતાના જ સ્વભાવમાં આવી જાય. પેલું વ્યતિરેક ઊડી જાય.

પ્રશ્નકર્તા : એટલે દાદા, એના ઉપર બહુ બહુ લખાણ થયા છે, બહુ વિચાર થયા છે. સંગદોષ આ એક જ વસ્તુ જો માણસ જીતી શકે તો !

દાદાશ્રી : સંગથી તો જગત ઊભું થયું છે. બે સાથે નજીક આવવાથી આ ઊભું થયું છે. આ સંગદોષ મટાડી દેને, તો થઈ ગયું ! એટલે સ્ટેપ બાય સ્ટેપ, ગ્રેજ્યુઅલી (ક્રમે ક્રમે) કામ લેવાનું આ ક્રમિક માર્ગવાળાએ રાખ્યું. બીજો રસ્તો જ નહીંને ! અને આ અક્રમ માર્ગે ઈનામ તો જુદી જાતનું છે, નહીં તો આ નોકરિયાતો-વેપારીઓ તે આ ઈનામ પામતા હશે ?

આત્મજ્ઞાન થકી અસંગ થતા, જીતાય સંગદોષ

પ્રશ્નકર્તા : એ સંગદોષ સંપૂર્ણ જીતાય કેવી રીતે ?

દાદાશ્રી : સંગદોષ જીતવા માટે તો એક જ રસ્તો છે. અસંગ થાય તો જ સંગદોષ જીતાય, નહીં તો જીતાય એવો નથી. આ સંસારનો સંગદોષ નાશ કરવા માટે તો આપણે ભાવ ફેરવવા પડે. જ્યાં જે સંગ ઊભો થયો છે અને તે દોષિત છે, માટે આપણે એ સંગથી વિરુદ્ધ સંગનો ભાવ ફેરવવો પડે. ત્યારે આંટી ઊકલે, નહીં તો આંટી ઊકલે નહીંને !

અને જેને જ્ઞાન મળ્યું હોય એને તો અસંગ જ ભાવ ઉત્પન્ન થઈ ગયો એટલે ખલાસ થઈ ગયું અને પેલું બધું જે રહ્યું એ નિકાલી. એ બધો ભરેલો માલ નિકાલ થઈ જાય અને ફરી (નવો) માલ ટાંકીમાં આવતો નથી. એટલે આપણું જ્ઞાન જ અસંગ કરે છે. એટલે પછી સંગદોષ જીતાઈ ગયો.

આપણે કહીએ છીએને, મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ છું. એ સંગદોષ જીત્યો.

આ ‘ફાઈલ’ કહી કે પોતે અસંગ. આત્મા સિવાય બીજા બધા ભાગને ‘ફાઈલ’ જ કહીએ છીએ. ‘આ ફાઈલ નંબર વન’ કહ્યું એટલે આત્મા છૂટો.

અસંગ થયા પણ બાકી રહ્યું સંગદોષ ફળ

પ્રશ્નકર્તા : આમ તો હું સંગ વિહીન જ છું ને પણ ? આત્માનું સ્વરૂપ તો સંગ વિહીન જ છે ને ?

દાદાશ્રી : સંગ વગરનું જ છે.

પ્રશ્નકર્તા : પણ છતાંય સંગદોષ લાગે છે તે ?

દાદાશ્રી : અજ્ઞાનતાને લઈને જ બધું. અજ્ઞાનતા ખસે તો બધું જતું રહે, હડહડાટ.

પ્રશ્નકર્તા : એટલે એ અજ્ઞાન મારું સંગદોષને લીધે છે ને ?

દાદાશ્રી : હા, બસ. એટલે તમે એ અસંગ થઈ ગયા હવે. તમે શુદ્ધાત્મા છો અને અસંગ છો, નિર્લેપ જ છો. પોતાનું સ્વરૂપ જાણ્યું, અસંગ જ તદ્દન. તો પણ તમને જે પહેલા અજ્ઞાન દશામાં સંગદોષ લાગેલો છે, તે ફળ ભોગવવાનું રહ્યું છે.

પ્રશ્નકર્તા : દાદા, એટલે ઘણીવાર એવું બને છે કે આ હું નગીનભાઈના સંસર્ગમાં છું, હું મગનભાઈના સંસર્ગમાં છું, તો મન-વાણી અને કાયાથી અમુક જે બોલાય, વિચાર આવે, વર્તન થાય એ બેની હાજરીને હિસાબે થાય, એ બેના સંગને હિસાબે થાય, તો એ સંગદોષ મને લાગે ?

દાદાશ્રી : નાટકમાં સંગદોષ લાગે નહીં અને નાટકની બહાર બધે સંગદોષ છે જ. આમનો સૂઈ જઉ કે આમનો સૂઈ જઉ પણ સંગદોષ છે અને નાટકમાં ફરતો હોય તેને બધી ક્રિયા હોવા છતાં સંગ લાગતો નથી. તમને તો ખાતરી બેસી ગઈ છે ને કે આપણે તો હવે નાટક વચ્ચે છીએ ?

આત્માને ક્રમિકમાં માને સંગી, અક્રમમાં છે અસંગ

પ્રશ્નકર્તા : દાદા, આપ કહો છો કે જ્ઞાન પછી તમે અસંગ થઈ ગયા પણ ક્રમિકમાં સમકિત થયા પછી પણ આત્માને અસંગ કરવાનું કહે છે.

દાદાશ્રી : ક્રમિકમાં સમકિત થાય ત્યારે આત્માને પૂરો જાણ્યો નથી હોતો. એ લેપાયમાન આત્માને આત્મા જાણે છે, સંગી આત્માને આત્મા જાણે છે.

એટલે પછી એને સમો કરવા ફરે છે. એ તો આને જ આત્મા જાણે છે, વ્યવહાર આત્માને જ. આ જ મુખ્ય આત્મા છે, દરઅસલ આત્મા જ આ છે ને આને જ અસંગ કરવાનું છે ને આને સ્થિર કરવાનો છે એવું માને છે. અલ્યા, મૂળ આત્મા સ્થિર જ છે, આત્મા અસંગી જ છે. નિર્લેપ કરવા માટે આખી દુનિયાનો બધો ત્યાગ કરે છે. જંપીને બેસતો નથી. આત્મા નિર્લેપ જ છે, તને ભાન થવું જોઈએ.

પ્રશ્નકર્તા : બરોબર છે ? મૂળ આત્મા તો અસંગ સ્વરૂપે જ રહેલો છે.

દાદાશ્રી : હા, અને વ્યવહાર આત્મા જેવું ચિંતવે એવી અસર કરે. કારણ કે સંગની અસરવાળો છે. ‘હું અસંગ છું’ એવું ચિંતવે તો અસંગ થઈ જાય. ‘હું સંગી છું’ તો સંગી થઈ જાય. જેવો સંગ મળે તેવો આભાસ થઈ જાય. સંગી ક્રિયાઓથી આત્મા અસંગ જ છે. તેથી આપણે ખુલ્લો કર્યો છે કે ભઈ, સંગી ક્રિયાઓથી અસંગ છે. શા માટે તમે માની બેઠા છો કે હું ફસાયો ? નહીં તો વ્યવહાર આત્મા જેવો કલ્પો એવો થઈ જાય તરત. ‘છે’ એમ કલ્પો તો વાંધો નથી, ‘નથી’ એમ કલ્પો તો ઊંધો થઈ જશે. જગત આખું કલ્પીને જ ઊંધું થયેલું છે ને ! અસંગીને સંગ ક્યાંથી થયો ? મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ જ છું. આ સંગી ક્રિયાઓ છે, તેથી કરીને મારી ક્રિયાઓ નથી. આ વાક્યો ઈટસેલ્ફ બોલે એવા છે. આખું જ્ઞાન જ ઉઘાડું કરે એવું છે આપણું વાક્ય એક-એક.

પ્રશ્નકર્તા : તેથી જ જ્ઞાની પુરુષનું માહાત્મ્ય છે કે જેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીને અસંગ થવાય છે.

દાદાશ્રી : હા, આ જ્ઞાની પુરુષને જોયા નથી, દર્શન કર્યા નથી, એમનો શબ્દ સાંભળ્યો નથી. એક શબ્દ સાંભળે કલ્યાણ થઈ જાય. જે નિત્ય મુક્ત છે, નિત્ય સમાધિવાળા અને નિત્ય આત્મા થયેલા છે. જેનું અનિત્યપણું બધું સર્વથા છૂટી ગયેલું છે, સનાતનપણું પ્રાપ્ત થઈ ગયેલું છે, ત્યાં અસંગ થવાય.

સર્વે અવસ્થાઓના સંગમાંય અસંગતા એ જ અસંગ

આ અમારું વિજ્ઞાન બહુ જુદી જાતનું છે. સંસારમાં છૂટા રહેવાય, લોક સમજી જાય કે ઓહોહો, સંસારમાં રહે છે ને નિર્લેપ રહે છે, અસંગ જ રહે છે. અને પેલો એકલો નાઠો હોય તોય મૂઓ એનું મન પાછું ચોંટ્યું હોય. જંગલમાં જાય તોયે ઝૂંપડી ઊભી કરે, ગાય ને બકરી પાળે. પણ જ્યારે તને ભીડમાં એકાંત લાગશે ત્યારે ઉકેલ આવશે એમ ભગવાન કહે છે.

ત્રણ પ્રકારના સંગ : 1) કુસંગ 2) સત્સંગ અને 3) અસંગ. આ તો કુસંગ-સત્સંગ બન્નેવ જાળો છે. એકમાંથી નીકળે તે બીજામાં પેસે. આ છેલ્લો તે અસંગ. અસંગ મૂળ પોતે, કશું જ અડે નહીં.

પ્રશ્નકર્તા : અને દાદા, એ ત્યાગ વૈરાગ્ય કરે પણ અહંકાર સહિત હોયને ?

દાદાશ્રી : હા, બુદ્ધિય હોય ત્યાં. જેટલી બુદ્ધિ હોય એટલા પ્રમાણમાં અહંકાર હોય અને અહંકાર હોય ત્યાં નિર્લેપતા ના હોય. અસંગ ન હોઈ શકે. અસંગ, સંગમાં હોવો જોઈએ, સંપૂર્ણ ભીડમાં હોવો જોઈએ, એનું નામ અસંગ કહેવાય. આ નાસી જઈએ અહીંથી, એ અસંગ ના કહેવાય. ગમે તેને, હિમાલયમાં નાસી ગયા તેને અસંગ કહેવાય નહીં. એકલા પડી રહીએ તોય જ્યાં મન છે ત્યાં અસંગ હોઈ શકે નહીં માણસ કોઈ. અસંગને કશું અડે નહીં. ભીડમાં પણ અસંગતા હોય, ભીડમાં પણ નિર્લેપતા હોય.

લોક અસંગ થવા સંગ છોડ છોડ કરે છે. જ્યારે અક્રમ જ્ઞાન શું કહે છે ? વ્યવહાર ભલે હો કોટી સંગ. ચંદુભાઈ પોતે તો વ્યવહાર છે. તેની મહીં તો કેટલા વાળ, કેટલીયે નસો, કપડાં કેટલાય ! કોટી સંગ પણ ભગવાનમાં તું નિશ્ચય રાખ. મન-વચન-કાયાથી અસંગ થઈ ગયા એટલે બધા સંગોથી અસંગ થઈ ગયા.

એટલે અમારે તો વ્યવહાર એક્સેપ્ટ (સ્વીકાર) હોય, ને લોકો કહેશે, એય, સંગથી નાસો ! આ હાર પહેર્યા છે તો આ ફૂલો છે, એ દરેકના કેટલા સંગ થઈ જાય ? એનાથી મારું અસંગપણું છૂટ્યું ? આ બહારનો ભાગ સંગવાળો છે અને પોતે અસંગ છે.

અવસ્થામાં અસંગ રહેવાય તો બહુ થઈ ગયું. અવસ્થામાં અસંગ રહેવાય તે જ આત્મા અનુભવ છે. અવસ્થામાંથી તો કોઈ અસંગ થયેલો નહીં. આ આપણું વિજ્ઞાન અવસ્થામાં અસંગ રાખે.

એટલે આ સંગમાં અસંગ રહેવાની ક્રિયા શીખો. બાકી આ રસ્તે તું અસંગ ક્યારેય પણ નહીં થઉ, આ મોહની દુકાનોથી.

આત્મા-પરમાણુ અસંગી, અહંકાર સંગી

જ્ઞાન પછી આ સંસારની કોઈ ચીજ અડે નહીં. સંસારમાં રહેવા છતાં, સ્ત્રી સાથે રહેવા છતાં પુરુષ સંપૂર્ણ નિર્લેપ રહી શકે, અસંગ રહી શકે. આ મોટરની આગળ લાઈટ હોય તે બાન્દ્રા (મુંબઈનું પરું)ની ખાડીમાં પડે તો કાદવને અડે કે ના અડે ? કાદવવાળું થાય એ લાઈટ ? ત્યારે મહીં પાણી અડે કે ના અડે ? પાણીવાળું થાય ? ત્યારે ગંધને અડે કે ના અડે ?

પ્રશ્નકર્તા : કોઈ ચીજને અડે નહીં. ત્યાં હોવા છતાં સ્પર્શે નહીં.

દાદાશ્રી : હા, એવો આત્મા છે. કાદવ કે કીચડ કશું અડે નહીં. આત્માને કષાય અડે નહીં, નિર્લેપ જ, અસંગ જ. આ બધું અહંકારને અડવાનું. અહંકારને અડે બધુંય, કષાય-બષાયો બધુંય. અને આત્મા તો નિર્લેપ જ છે અને અસંગ જ છે.

પ્રશ્નકર્તા : એટલે એનો, (પુદ્ગલનો) સંગ નહીં એને ?

દાદાશ્રી : કોઈ પણ સંગથી સંગી થતો નથી. કોઈ પણ સંગનો સંગી થતો નથી. અસંગ જ છે, સ્વભાવથી જ અસંગ છે.

આત્મા અસંગી છે, પુદ્ગલ (પરમાણુ) અસંગી છે. સ્વભાવ જુદા બન્નેના. કોઈ કોઈને મદદ કરતું નથી, કોઈ કોઈને નુકસાન કરતું નથી. એ હેલ્પ ના કરે, નુકસાન ના કરે. અજ્ઞાન દશામાં તમારું નુકસાન તમે પોતે જ કરી રહ્યા છો. એ કાં તો પુદ્ગલ આશ્રિત હો કે સ્વાશ્રિત હો, પણ પોતે પોતાનું નુકસાન કરી રહ્યા છે.

ક્રમિક માર્ગે કરવો પડે અસંગ, અક્રમમાં થાય કૃપાથી

પ્રશ્નકર્તા : દાદા, વચનામૃતમાંથી વાંચું છું તો એ વિશે વધારે ફોડ પાડશો. શ્રીમદ્જી પત્ર-૯૧૮ એમાં કહે છે;

અને હાલ ધ્યાન શું વર્તે છે ? તો, સદ્ગુરુના વચનને વારંવાર વિચારી, અનુપ્રેક્ષીને પરભાવથી આત્માને અસંગ કરવો તે.

દાદાશ્રી : એ ક્રમિક માર્ગનો. આપણે તો થઈ ગયો છે. એમને કરવાનો, તે કેટલી માથાકૂટ કરે ત્યારે અસંગ થાય તે, ક્રમિકમાં !

પ્રશ્નકર્તા : તોય એ તો અસંગ થયો એમ લાગે ને પાછો વયો જાય (જતું રહે), એમ થાય નહીંને ?

દાદાશ્રી : એ તો આ માછલાં પકડીએ એના જેવી વાત. માછલાં પકડે ને સુંવાળા રેશમ જેવા તે પકડીએ ત્યાર હોરા જતા રહે. એવી રીતે આ અસંગતા ના પકડાય. અને આ (અહીંયા) નિરંતર અસંગતા રહે છે, વગર પકડે. (આપણે) તો આ બધું પૂરું થઈ ગયું. આ છેલ્લું છે. અડતાલીસ આગમનો સાર લખ્યો છે, તેય (અહીં) પૂરું થઈ ગયેલું છે.

ભ્રાંતિથી ભાસે સંગી, નિજભાને અસંગ

પ્રશ્નકર્તા : ‘કેવળ હોત અસંગ જ જો, ભાસત તને ન કેમ,

undefinedundefined અસંગ છે પરમાર્થથી, પણ નિજભાને તેમ.’ -શ્રીમદ્

દાદાશ્રી : આપણું જ્ઞાન અહીં જુદું પડે છે. કેવળ અસંગ જ છે પણ ભાસતો નથી. એને ભ્રાંતિથી નથી ભાસતો. અસંગ જ છે, પણ અસંગ થાય કેવી રીતે ? જો સંગી હોય તો અસંગ થઈ શકે નહીં. કેવી રીતે અસંગ થઈ શકે ? એ તો ગુણધર્મ છે એના. સંગી થયો એટલે લેપાયમાન થયો. લેપાયમાન થયો એટલે બધા ગુણધર્મ પેસી જાય પછી. એટલે આપણું વિજ્ઞાન અહીં આગળ આટલો જ ડિફરન્સ.

‘અસંગ છે પરમાર્થથી’ એ વાત સાચી છે. તે આપણેય એવું કહીએ છીએ કે ‘અસંગ પરમાર્થથી છે, પણ નિજભાને તેમ.’ અત્યારે ભાન અવળું છે, માટે આ તો અસંગ નથી. ભાન અવળું છે માટે આત્મા સંગી થયો કહે છે.

કરોડો અવતારેય જે સંગ ન છૂટે, તે અક્રમ છોડાવે કલાકમાં

પ્રશ્નકર્તા : (વાંચે છે) (શ્રીમદ્ પત્ર-૬૦૯)-૪. ‘એ જ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યા છે.

5. સર્વ જિનાગમમાં કહેલા વચનો એક માત્ર અસંગપણામાં જ સમાય છે. કેમ કે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કહ્યા છે.

3. ‘સંગના યોગે આ જીવ સહજસ્થિતિને ભૂલ્યો છે.’ સંગના યોગે. ‘સંગની નિવૃત્તિએ સહજસ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે.’

દાદાશ્રી : હવે સંગની નિવૃત્તિ ક્યારે થાય ? કરોડો અવતારેય સંગની નિવૃત્તિ થાય નહીં. આ સંગ તો, આ ખસેડે ત્યારે પેલો પેસે. પેલાને ખસેડે ત્યારે પેલો પેસે. પછી સ્ત્રી, પુત્ર, છોકરાં બધા, કંઈ સંગ છૂટી જાય એવો છે ? આ સંગ ક્યારે છૂટે ? પણ છતાંય ક્રમિક માર્ગ તો એવો જ છે, એમાં છોડવું જ પડશે. અહીં તો તમે અસંગ જ થઈ ગયા. હવે તમારે સંયોગો ને વિયોગો બે રહ્યા.

પ્રશ્નકર્તા : સંયોગો અને વિયોગો ?

દાદાશ્રી : હા, તે સંયોગો પાછા વિયોગી સ્વભાવના છે. વિયોગેય કંઈ કરવાનો નથી. સંયોગ વિયોગ થયા કરે. સવાર થાય અને કંઈ ને કંઈ સંયોગ થયા કરે. છેવટે માથામાં દુઃખે એય સંયોગ ભેગો થાય. પણ એ સંયોગ વિયોગી સ્વભાવનો છે ને ? બધા સંયોગ વિયોગી સ્વભાવના છે. એટલે તમારે શું કરવાનું ? જોયા કરવાનું. ધીરજ પકડી રાખવાની. એ એની મેળે ઊઠીને ચાલ્યો જશે.

શુદ્ધાત્મા ભાને થયો સર્વભાવથી અસંગ

પ્રશ્નકર્તા : (શ્રીમદ્ પત્ર-૬૦૯)-૬. અહીં શું કહે છે ? ‘સર્વ ભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે.’

દાદાશ્રી : હવે તમે સર્વભાવથી અસંગપણે થયા છો. કોઈ પણ ભાવ તમને રહ્યો નહીં. ભાવ હોયને ત્યાં અભાવ હોય. એકલો ભાવ હોય નહીં. ભાવ એટલે રાગ અને અભાવ એટલે દ્વેષ. અને તમને કશાના ભાવ-અભાવ છે ? તમે જો ચંદુભાઈ હોય તો ભાવ આવે પણ તમે શુદ્ધાત્મા થયા, તે ભાવ જ ક્યાં રહ્યો ? સ્વભાવ રહ્યો. આ ભાવ તો વિભાવ છે, વિશેષભાવ. સર્વભાવથી અસંગપણું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે, પણ દુષ્કરમાં દુષ્કર સાધન તમે કરીને બેઠા હવે. તમને નથી લાગતું ? મન-બુદ્ધિ કબૂલ કરે છે ? પછી વાંધો શો તમને ? આપણા દેશની પાર્લામેન્ટ મંજૂર કરે, પછી હવે એથી વધારે શું ?

હવે તમને તો અસંગ જ બનાવ્યા છે, ત્યારે તમે પાછા અડી આવો છો એને જઈને આમ. શું કરવા અડવાની જરૂર ? છતાંય તમને કર્મ નહીં બંધાય, એવું આ વિજ્ઞાન છે. પાછું અડી આવો તો તમને મૂંઝામણ થાય એટલું જ, એટલો ટાઈમ તમારું સુખ જતું રહે એટલું જ, બીજું કંઈ તમને વાંધો નહીં આવે.

પ્રશ્નકર્તા : એ પેલું અડી આવીએ છીએને, એનાથી સુખ જતું રહે છે.

દાદાશ્રી : હા, એ તો પણ કટેવ પડેલી જાય નહીંને હવે ! આપણે પ્રતિક્રમણ કરવું. ‘ચંદુભાઈ, પ્રતિક્રમણ કરો’ કહીએ. આ તો બહુ સુંદર-સરળ માર્ગ છે ! તે મોક્ષ હાથમાં આવી ગયેલો છે.

તમે તો ભગવાન મહાવીર જેવા થયા છો. જો તમને રહેતા આવડે તો તમે મહાવીર છો. તમને તો નિર્લેપ, અસંગ મહાવીર જેવા બનાવ્યા છે. પણ રહેતા આવડવું જોઈએ. આવી વસ્તુ જો પ્રાપ્ત કર્યા પછી વાપરતા ના આવડે તો આપણું ઓવરવાઈઝપણું છે.

આત્માસંબંધી ઝ્ નિઃશંકતા ઝ્ નિર્ભયતા ઝ્ નિઃસંગતા

પ્રશ્નકર્તા : નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન થાય છે અને નિર્ભયતાથી અસંગતા ઉત્પન્ન થાય છે. અસંગતા એ જ મોક્ષ કહેવાય છે.

દાદાશ્રી : હા, નિઃશંક આત્માથી નિર્ભયતા થાય છે અને પછી અસંગતા ઉત્પન્ન થાય. પછી પોતે અસંગ સ્વરૂપે રહી શકે. કૃપાળુદેવે આ બહુ ઝીણવટથી લખ્યું છે અને આપણા જે શાસ્ત્રો છે ને એ લાંબા છે, એનો પાર આવે એવો નથી. આ કૃપાળુદેવે બહુ લાંબું ચિતર્યું નહીં, ટૂંકામાં અને શૉર્ટ કટમાં સમજણ પાડી દીધી. પણ કૃપાળુદેવનું સમજ્યા છે તોય આત્મા જાણ્યા વગર છૂટકો નથી. આત્મા જાણવા માટે આ બધા શાસ્ત્રો લખ્યા છે.

આત્મા સંબંધમાં નિઃશંકતા ઉત્પન્ન થઈ, તો ‘વર્લ્ડ’માં કોઈ શક્તિ એને ભયકારી બની શકે નહીં. નિર્ભયતા ! અને નિર્ભયતા ઉત્પન્ન થાય એટલે સંગમાં રહેવા છતાં નિઃસંગ રહેવાય. ભયંકર સંગોમાં રહેવા છતાંય નિઃસંગતા હોય, એવું આ કૃપાળુદેવ કહેવા માગે છે.

બાકી, જ્યાં શંકા ત્યાં દુઃખ હોય અને ‘હું શુદ્ધાત્મા’ તો નિઃશંક થઈ ગયો. એટલે દુઃખ ગયું. એટલે નિઃશંક થાય તો જ કામ ચાલશે. નિઃશંક થવું એ જ મોક્ષ. પછી ક્યારેય પણ શંકા ના થાય, એનું નામ મોક્ષ. એટલે અહીં શંકા કાઢવા માટે તો આ ‘જ્ઞાની પુરુષ’ છે. બધી જ જાતની શંકાઓ ઊભી થયેલી હોયને, ત્યારે ‘જ્ઞાની પુરુષ’ આપણને નિઃશંક બનાવી આપે.

આત્મા આ છે એવું નક્કી થયું. નક્કી એટલે મહીં મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધા એક અવાજે નક્કી થાય. કોઈ વાંધો, શંકા, આશંકા, કુશંકા ઉઠાવે નહીં, ત્યારે જાણવું ક્ષાયક સમકિત થઈ ગયું. એવું થઈ ગયું તમને. મહીં કોઈ શંકા-બંકા ઉઠાવે છે હવે ?

પ્રશ્નકર્તા : ના, હવે નથી. હવે ખાસ નથી કંઈ.

દાદાશ્રી : કોઈ શંકા જ ના ઉઠાવે, ને નિઃશંકપણું થાય. નિઃશંક આત્મા જાણ્યો અને એ નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન થાય છે અને તે નિર્ભયતાથી નિઃસંગતા થાય છે.

પ્રશ્નકર્તા : હા, નિઃસંગતા !

દાદાશ્રી : બીજી વાત જ નહીંને ! એ નિઃશંકતાથી નિર્ભયતા રહે, નિરંતર નિર્ભયતા રહે અને તેથી અસંગ રહી શકે. તેનું ફળ અસંગ જ છે. કૃપાળુદેવે કેવું સરસ લખ્યું વાક્ય ! નહીં ? નિર્ભયતાથી નિઃસંગતા, એટલે અસંગતા.

પ્રશ્નકર્તા : હવે આમાં તમે જે કહો, એના કાર્ય-કારણ જાણવાની હવે જરૂર નથી.

દાદાશ્રી : કારણ જાણવાનું ક્યાં રહ્યું તે ? અત્યાર સુધી કારણો જાણવા સારુ જ, શંકા-શંકા, આમ હશે કે તેમ હશે, આમ હશે કે તેમ હશે, આમ હશે કે તેમ હશે ? અત્યારે નિઃશંક થઈ ગયા, અને નિઃશંકતાથી નિર્ભય થાય, નિઃસંગ-અસંગ થાય છે. અને તેથી વીતરાગતા થાય છે. પછી શું જોઈએ ? આથી વધારે જોઈએ ? નિઃશંક થયો. જગતમાં એક માણસ નિઃશંક ખોળવો એ મહા મહા વસમી વસ્તુ છે. આત્મા સંબંધમાં નિઃશંકતા ઉત્પન્ન થાય એટલે નિર્ભય થઈ ગયો.

અલૌકિકની મહોર વાગતા થાય નિઃશંક

પ્રશ્નકર્તા : જ્ઞાનીના શબ્દની અંદર આ ચેતનાનો સંગ છે માટે નિઃશંક થવાય છે ?

દાદાશ્રી : હા, તો જ થાયને ! નહીં તો થવાય કેવી રીતે ? એમનું વચનબળ છે અને સજીવન થયેલી છે વાણી.

પ્રશ્નકર્તા : હા, એનો સંગ છે. કાલે કહ્યુંને, અલૌકિકની મહોર છે.

દાદાશ્રી : હા, અલૌકિકની મહોર !

પ્રશ્નકર્તા : એનો સંગ છે એટલે નિઃશંક થાય છે.

દાદાશ્રી : ના, પણ શબ્દ એ સારો છે. તે ઘડીએ નીકળી ગયો, નહીં તો હું ક્યાંથી ખોળત ? હું કંઈ આમની ડાયરીમાં જોવા જઉ ? તે ઘડીએ એની મેળે નીકળ્યો. માટે આની પાછળ છે ને, કંઈક ગોઠવણી છે ને ? ગોઠવણી છે કે નહીં ?

પ્રશ્નકર્તા : ગોઠવણી નથી, આ તો સાહજિક છે. ગોઠવણીવાળા (હોય) તો નિઃશંક થાય જ નહીં.

દાદાશ્રી : અને બીજો ઈમ્પાવર (સત્તા આપવી) નીકળ્યો. ઈમ્પાવર કરતા આ જે મહોર કહીને તે બહુ સરસ લાગ્યો.

ત્યારે કરી લેવા પૂર્ણ સ્થિતિના દર્શન

પ્રશ્નકર્તા : પણ દાદા, એ આપ બોલો છો, તે વખતે જે વાક્યો આવા નીકળી આવે છે તે એ વાક્યો નીકળી આવે છે તે એ વાક્યો નીકળતી વખતે જે અમે જ્ઞાનીની મુખમુદ્રા જોઈએ છીએ...

દાદાશ્રી : એ દર્શન, તે ઘડીએ દર્શન કરવા. આમ આમ (જે’ જે’) કરી લેવું. એ પૂર્ણ સ્થિતિ. વાક્ય નીકળેને, તે ઘડીએ જ્ઞાતા-દ્રષ્ટારૂપે નીકળે. નીકળ્યા પછી પાછું જરાક આઘુપાછું થાય. તે વખતે દર્શન કરવા. પૂર્ણ સ્થિતિના દર્શન.

તમામ સંગી ક્રિયામાં અસંગ તો આપણે જ કહ્યુંને ! કોઈ જગ્યાએ કહે નહીંને ! કોઈ જગ્યાએ બોલે નહીં કે આત્મા આવો છે, સંગી ક્રિયામાં અસંગ છે. કોઈ પુસ્તકોમાંય ના હોયને ! આપણા આ બધા વાક્યો જોઈને સજ્જડ થઈ જાયને લોકો ! અમે જેમ જોયો છે તેવો કહ્યો છે. તે તો રૂપ બતાડી શકાય નહીં પણ શબ્દોથી, આ સંજ્ઞાથી તમને સમજાવી દઈએ. કોઈ શાસ્ત્રમાં જડે નહીં આ વાક્યો ! આગવું સંપાદન છે ! મૌલિક છે.

ત્રિલોકને વશ કરવા કરતા પણ વિકટ, અસંગપણું

પ્રશ્નકર્તા : (શ્રીમદ્ પત્ર-૨૧૩) ‘એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતા પણ વિકટ કાર્ય છે.’ એવું કહ્યું છે એમણે.

દાદાશ્રી : એક સમય પણ ! એટલે આ આંખની નિમેષ બદલાય છે એટલી વખત આ જગતમાં કોઈ અસંગ રહી શકેલો નહીં, એક સમય પણ. તેને શું કહે છે ?

પ્રશ્નકર્તા : ‘એવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે...’

દાદાશ્રી : ત્રિકાળ અસંગ છે. કૃપાળુદેવ જ અસંગ રહી શકેલા, તેય થોડાઘણા. અને તે જ સમજી શકે કે આ ત્રિકાળ રહેતા હશે, તેમની કેવી દશા હશે ?

પ્રશ્નકર્તા : ‘તેવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે એવા સત્ પુરુષના અંતઃકરણ, તે જોઈ પરમાશ્ચર્ય પામી નમીએ છીએ.’

દાદાશ્રી : હા, ખરું કહે છે.

પ્રશ્નકર્તા : ‘ત્રિલોકના નાથ વશ થયા છે જેને એમ છતાં પણ એવી કોઈ અટપટી દશાથી વર્તે છે કે જેનું સામાન્ય મનુષ્યને ઓળખાણ થવું દુર્લભ છે. એવા સત્ પુરુષને અમે ફરી ફરી સ્તવીએ છીએ.’

દાદાશ્રી : હા, એવા સત્ પુરુષને અમે ફરી ફરી સ્તવન કરીએ છીએ. એક સમય પણ અસંગપણું રહેવું...!

પ્રશ્નકર્તા : જગત જીતવું સહેલું છે પણ એક સમય પણ અસંગ રહેવું મહા વિકટ છે.

દાદાશ્રી : જગતમાં જીતવું સહેલું છે પણ એક સમય પણ અસંગ રહેવું મહા વિકટ છે. હવે એ તમને જ્ઞાન આપીએ ત્યારે અસંગ રાખીએ છીએ.

પ્રશ્નકર્તા : અસંગ રાખો છો, બરાબર છે.

દાદાશ્રી : હા, એક સમય જ, વધારે નહીં.

દાદાકૃપાએ મહાત્માઓ હઉ વર્તે નિરંતર અસંગપણે

હવે એ અસંગમાં તમે કેટલો સમય રહેતા હશો બધા ?

પ્રશ્નકર્તા : નિરંતર !

દાદાશ્રી : નિરંતર અસંગ રહો છો. હું તો નિરંતર અસંગમાં રહું છું પણ આ (મહાત્માઓ) હઉ નિરંતર અસંગમાં રહે છે. હવે આ સંસારમાં સંગમાં રહેવું અને અસંગ રહેવું તે એક સમય પણ, એક મિનિટ પણ અસંગ રહી શકે નહીં કોઈ માણસ. આ તમને તો મેં કાયમના અસંગ બનાવ્યા. તેથી તમને કર્મ અડતા નથી. હું તો થયો તે થયો પણ તમને હઉ બનાવ્યા.

કૃપાળુદેવે શું કહ્યું ? કોને કોને વશ થાય ? શું ગુણો હોય ? તો કહે પળનો નાનામાં નાનો ભાગ એટલું જો કદી અસંગપણે વર્ત્યા આ જગતથી તો, આખા ત્રિલોકને વશ કરવા કરતા એ કઠિન છે, કહે છે. અને આ દાદા તો નિરંતર (અસંગ) રહે છે. હું કહું છું, કે ભગવાન મને વશ થઈ ગયેલા છે, ચૌદ લોકનો નાથ વશ થયેલો છે. અમથા હાથ અડાડી જશોને તોય કલ્યાણ થઈ જશે. આખી દુનિયાનું કલ્યાણ કરવા નીકળ્યા છીએ.

સંગી ક્રિયાઓને પોતાની માનવાથી છે બંધન

પ્રશ્નકર્તા : મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાથી હું તદ્દન અસંગ છું, એ વધારે સમજાવશો.

દાદાશ્રી : મન-વચન-કાયાની સંગી ક્રિયાઓ સ્થૂળ છે ને હું સૂક્ષ્મ છું. બન્નેને કંઈ લેવાદેવા નથી. આ સંગી ક્રિયાઓ મન-વચન-કાયાની છે. એને આત્માનો સંગ જ ના થાય. અસંગ આત્મા ને સંગ કેવી રીતે કરશો ? એટલે આ મન-વચન-કાયાની સંગી ક્રિયાઓ છે, તેને તું તારી માનું છું ને તું ફસાઉ છું ને તું બંધાઉ છું. આપણું જ્ઞાન કહે છે કે તારી ના માનીશને, તો નહીં બંધાઉ, નહીં તો ફસાઈ જઈશ.

મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાથી હું અસંગ છું. આ અસંગ શબ્દ બહુ મોટો મૂક્યો છે. ત્યારે કહે, સંસારી માણસ અસંગ કેવી રીતે કહેવાય ? તે અમે આ સાયન્ટિફિકલી પ્રૂફ આપ્યું. આ બધી તું સંગી ક્રિયાઓ કરું છું ને, તેનાથી આત્મા જુદો છે. જો, જ્ઞાનીએ કેવો આત્મા જોયો હશે ? મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાથી તદ્દન અસંગ જ છે, એવો આત્મા મેં જોયો છે.

મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓથી ‘શુદ્ધ ચેતન’ સાવ અસંગ જ છે. મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓનું ‘શુદ્ધ ચેતન’ જ્ઞાતા-દ્રષ્ટામાત્ર છે. સમીપમાં રહેવાથી ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. બન્ને વસ્તુઓ સ્વભાવે કરીને જુદી જ છે. આત્માની કોઈ ક્રિયા છે જ નહીં, તો પછી આ બધી સંગી ક્રિયાઓ કોની છે ? પુદ્ગલની.

સંગી ક્રિયાઓનો કરનાર નહીં, પણ જાણનાર આત્મા

પ્રશ્નકર્તા : મન-વચન-કાયાની સંગી ક્રિયા એટલે શું ? સંગી ક્રિયાઓ કોને કીધી ?

દાદાશ્રી : કોઈને અડવું એ સંગી ક્રિયા. આપણો દેહ બીજાને અડ્યો, એમાં ‘હું જુદો છું’ કહે છે. એ સંગી ક્રિયાઓ કહે છે.

પ્રશ્નકર્તા : એ દેહની સંગી ક્રિયા, તો વાણી અને મનની સંગી ક્રિયા કઈ કહેવાય ?

દાદાશ્રી : આ મન છે તે તને યાદ કરે, એને સંગી ક્રિયા કહેવાય.

પ્રશ્નકર્તા : એટલે પોતાનું મન બીજાને યાદ કરે એ સંગી ક્રિયા કહેવાય મનની ?

દાદાશ્રી : હં.

પ્રશ્નકર્તા : અને વાણીની સંગી ક્રિયા ?

દાદાશ્રી : વાણી બોલીએને આપણે એનું નામ, એ સંગી ક્રિયા.

‘હું ચંદુ’ અને ‘મેં આ કર્યું’ તે સંગી ક્રિયા. એ સંગી ક્રિયાઓ બધી અનાત્મા છે.

એટલે આત્મા કોઈ વસ્તુને ટચ થાય એવો નથી. એટલે આ અવસ્તુ, અવસ્તુને ટચ થાય છે. એટલે એને સંગ અડે જ નહીં. (પોતે) અસંગ રહે છે. આ બધી ક્રિયાઓ થાયને, તેનાથી અસંગ જ છે, એ એવું કહેવા માગે છે. પણ લોક માની બેઠા છે કે મને થાય છે. હું સંગમાં બેઠો છું, એવું ભાન છે એ જ ભ્રાંતિ. એ ભ્રાંતિ છે બધી, પણ એ સમજાય શી રીતે કે આ બધી સંગી ક્રિયાનો હું ભોક્તા નથી, પણ જાણનાર છું ? કારણ કે સંગી ક્રિયામાં આત્મા હોતો જ નથી. સંગી ક્રિયા એ જડ છે અને સ્થૂળ છે, આત્મા સૂક્ષ્મતમ છે (એને) લેવાદેવા નથી. એ સંગી ક્રિયાઓનેય જાણનાર છે, સંગીક્રિયા કરનારો નથી.

સંગી ક્રિયા સ્થૂળ, અસંગ આત્મા સૂક્ષ્મતમ

હવે અસંગ આત્મા પ્રાપ્ત કરવા માટે મન-વચન-કાયાની સંગી ક્રિયાઓથી આખું જગત જે છેટું રહે છે, એનો ત્યાગ કરે છે, ત્યાં આપણું આ અક્રમ વિજ્ઞાન કહે છે કે એ સંગી ક્રિયાઓમાં હું જુદો છું. આ આત્મા કેવો છે એવું કોઈએ કહ્યું છે આપણને ? ‘હું તદ્દન અસંગ છું’ એમ કહ્યુંને, તે આપણે એકલાએ કહ્યું, નહીં તો કોઈ કહે નહીં. તીર્થંકરો જાણે પણ કહે નહીં આવું. લોકો દુરુપયોગ કરે. તમને તો બધું જ્ઞાન આપ્યું એટલે કહેવાય. આત્મા એવો છે કે કશી વસ્તુ એને સંગ કરી શકે જ નહીં.

ધન્ય છે, તમારા જ્ઞાનનેય ધન્ય છે કે અસંગ હતો તેને અસંગ તમે બનાવ્યો જ અને આ ક્રમિકનું જ્ઞાન અસંગ બનાવતું જ નથી. એ (તો કહેશે) બહારનું છોડો, છોડો તો છૂટશો. તો આ દેહ શી રીતે છોડશો તે ? અને આપણે તો કહ્યું કે આ ‘મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ છું.’ તે આખી સંગી ક્રિયાઓ ઉડાડી દીધી. એટલે બધું ઉડાડી મેલ્યું ને બાળી મેલ્યું. (બધું) છેદ કરી નાખ્યું છે. આત્મા એનાથી જુદો.

આ સંગી ક્રિયાઓ એ બધી સ્થૂળ ક્રિયાઓ છે અને આત્મા તો બિલકુલ સૂક્ષ્મ છે. બે કોઈ દહાડો ભેગા કરવા હોય તોયે થાય નહીં. એટલે સ્થૂળ ને સૂક્ષ્મ ભેગું હોય જ નહીં. પણ આ તો ભ્રાંતિથી ઊભું થયું છે જગત. આત્મા એક ક્ષણવારેય રાગી થયો નથી અને દ્વેષીયે થયો નથી. આ તો ભ્રાંતિથી, જેમ કોઈ માણસને મગજ ઉપર ડિપ્રેશન આવી ગયું હોયને, તો એ નવી જાતનું આચાર-વિચાર નથી કરતો ? પહેલા જે પોતાનું હિતનું કરતો હતો, તે અહિતનું કરતો નથી ? એના જેવું, એને આ રોંગ બિલીફો બેસી ગઈ છે. આત્મા અનાત્મા થયો નથી કોઈ દહાડો ને અનાત્મા આત્મા થયો નથી, ફક્ત એને રોંગ બિલીફ બેસી ગઈ છે. ‘આ હું કરું છું’ એવી બિલીફ તૂટી ગઈ એટલે રાઈટ બિલીફ બેઠી, એટલે રાઈટ જ્ઞાન ઊભું થાય.

સંગી ક્રિયામાં ઊંધી કલ્પનાથી ફસાય આત્મા

પેલું કવિએ ગાયુંને, ‘તન્મયતા, સંગી ક્રિયા, ખુલ્લા ફાટક.’

સંગી ક્રિયા એટલે ‘હું ચંદુ છું’ કરીને જે ક્રિયા કરીએ એ ખુલ્લા ફાટક, કહે છે.

તે ‘સૂક્ષ્મભાવ કારણનું સ્થૂળ છે નાટક.’ સૂક્ષ્મભાવ કારણનું સ્થૂળ બધું ઊભું થયું, (પણ જો) ‘હું શુદ્ધાત્મા છું’ તો પછી એની એ જ ક્રિયામાં એને કશું અડે નહીં અને એની એ જ ક્રિયાથી પેલાને સંસાર ઊભો થઈ જાય. ક્રિયા એક જ પ્રકારની, પણ કોણ કરે છે ? તે આરોપિત ભાવથી કરે તો સંસાર ઊભો થઈ જાય અને સ્વાભાવિક ભાવથી કરે તો કશું લેવાદેવા નથી.

‘તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ છું’ એવું એક્ઝેક્ટ વાક્ય તે વખતે ઑન ધી મોમેન્ટ રહ્યા કરે, એવું જ્ઞાન હોય તો એને અડે નહીં. પણ એટલું બધું મનુષ્યનું ગજું નહીંને ! અમે જે જ્ઞાન આપ્યું છે એમાં કેટલાક માણસો એવા નીકળશે હજુ કે સંસારમાં રહે છતાં કશું અડે નહીં. કારણ કે અમે જ્ઞાન તો પૂરેપૂરું આપેલું છે. કશું સંસાર અડે નહીં એવું આપેલું છે. પણ એ જ્ઞાનના શબ્દો હાજર રહેવા જોઈએને ! શબ્દ ના રહેવા જોઈએ હાજર ?

નિર્વિકલ્પ-નિરપેક્ષ-અસંગ-નિર્લેપ બનાવે નિરાલંબ

પ્રશ્નકર્તા : દાદા, હવે એ સમજવું હતું કે જ્યારે કોઈ વિકલ્પ જ ન રહે, ત્યાર પછી શેનો સંગ થાય ?

દાદાશ્રી : નિર્વિકલ્પી પોતે થઈ ગયો એટલે આ જે વિકલ્પોના આધારે જીવતો હતો, તે એ આધાર છૂટી ગયો ને પોતે પોતાના આધારથી જીવતા શીખ્યો. તે જે આ વિકલ્પોના આધારે જીવતો હતો, એ છૂટી ગયું. અને પોતે પોતાના આધારથી જીવન શરૂ થયું એટલે નિરાલંબ થતો જાય છે. આ અવલંબનો છે એ બધા વિકલ્પો. અનંત અવતારથી વિકલ્પો સિવાય બીજું કશું કમાયા નથી. ભટક ભટક ભટક કરે છે. અને બુદ્ધિનો ધંધો શું ? વિકલ્પમાં ચઢાવે.

પ્રશ્નકર્તા : આ રીતે અસંગ થઈ જાય એ પછીની પરિસ્થિતિ શું ?

દાદાશ્રી : નિરાલંબ થયા પછી એને શું સ્થિતિ ? આ હું નિરાલંબ થયો છું. મને કોઈ જાતની જરૂર નથી. કોઈ જાતની નેસેસિટી નથી મને. કોઈ અવલંબનની મારે જરૂર નથી એબ્સૉલ્યૂટમાં.

પ્રશ્નકર્તા : એબ્સૉલ્યૂટ એટલે શું સમજાવશો ?

દાદાશ્રી : એબ્સૉલ્યૂટ એટલે અસંગ, નિર્લેપ બધા શબ્દો ભેગા કરે ત્યારે એબ્સૉલ્યૂટ થાય. એમાં નિરપેક્ષ એ શબ્દ નાખવો પડે.

એબ્સૉલ્યૂટ એટલે નિરાલંબ. અને છેવટે નિરાલંબમાં આવવું પડશે બધાને. ક્યાં સુધી અવલંબન ? આ અવલંબન એટલે પરવશતા. વિકલ્પો એટલે પરવશતા. આ વિકલ્પના આધારે એ જીવે છે.

પ્રશ્નકર્તા : આ વિકલ્પ શમી ગયા પછી પણ એને પોતાનું દૈનિક જીવન તો ગાળવાનું રહે છે જ ને ?

દાદાશ્રી : એ તો બધું એની મેળે જ ચાલે એવું છે આ જગત. આ તો વિકલ્પો કરે છે કે ‘હું ચલાવું છું’ એટલું જ. જગત એની મેળે જ ચાલ્યા કરે છે. આ તો વિકલ્પો, અહમ્, ઈગોઈઝમ કરે છે ખાલી. અને જ્યાં વિકલ્પો શમી ગયા એ છેલ્લું પદ કહેવાય, પૂર્ણત્વ પ્રાપ્ત થયું કહેવાય.

જ્ઞાનીના પરમાણુ અસંગતા ઉત્પન્ન કરાવે મહાત્માને

પ્રશ્નકર્તા : આપે કહ્યું, જ્ઞાની અસંગ ને નિર્લેપ છે, તો પછી એમના દેહને અસર થાય ?

દાદાશ્રી : અસર થયા વગર રહે નહીંને ! આય પરમાણુનું બનેલું શરીર છે અને આય પરમાણુનું. પણ આ પરમાણુ બધે જ છે. જે અસર થાય એવા પરમાણુ હતા તે બધા નીકળી ગયા છે હવે. પવિત્ર પરમાણુ થતા થતા થતા થતા પછી અસંગ પરમાણુ થાય. આપણને અસંગતા ઉત્પન્ન કરે એવા પરમાણુ. એટલે એમની જોડે જો લાભ મળે બરાબરનો, તો આપણે ભૂલી જઈએ બધું, વિચારો જ ભૂલી જઈએ. સ્થૂળ ભેગા થઈએને તે અંદરનું બધું, સંસાર બધો ભૂલાડી દે.

જ્ઞાની-વીતરાગ પ્રત્યેના પોતાના ભાવ થાય સો ગણા રિટર્ન

પ્રશ્નકર્તા : જ્ઞાની અસંગ હોય તો એમને કોઈ પણ જાતની વ્યવહારની લેવાદેવા નહીં હોય, તો હવે નમસ્કાર કરીએ તો એ કેવી રીતે સ્વીકારે ?

દાદાશ્રી : સ્વીકારે નહીં, એ તો વીતરાગ. રિટર્ન વિથ થેંક્સ. જો એક ગાળ બોલું તો સો ગાળો થઈને પાછી. એક નમસ્કાર કરું તો સો નમસ્કાર થઈને પાછા. તારી જે ભાવના ઈચ્છા છે, સો ગણી થઈને પાછી મળે. એક કાંકરી મારું તો સો કાંકરી પાછી, રિટર્ન વિથ થેંક્સ.

પ્રશ્નકર્તા : હંડ્રેડ ટાઈમ્સ (સો વખત) ?

દાદાશ્રી : હંડ્રેડ ટાઈમ્સ. એટલે તને ઠીક લાગે તો કાંકરી માર, ઠીક લાગે તો ફૂલ ચઢાવ અને ઠીક લાગે તો કંઈ ઈચ્છાપૂર્વક નમસ્કાર કર. એટલે તું જેવું માગું એવું, મોક્ષ માગું તો મોક્ષ મળે.

પ્રશ્નકર્તા : કેવળજ્ઞાન થયા પછી જ્ઞાની અહીં જગતમાં રહે ?

દાદાશ્રી : કેવળજ્ઞાન ગ્રહણ કરેલું તે આપવા માટે જ્ઞાનીને રહેવું પડે. તીર્થંકરો બધું ગ્રહણ કરીને આવેલા પણ તે પોતે કર્તા નથી એટલે તેમનો ગ્રહણ કરેલો માલ ખાલી કરવો પડે. એટલે તે ઉપદેશ રૂપે ને આશીર્વાદ રૂપે જગતને આપ્યા જ કરે તે અબંધ અને અમને જ્ઞાનીને બંધ પડે. પણ તે શાના બંધ પડે ? ત્યારે કહે ખટપટ કરે, લ્યો, વિધિ કરો, જ્ઞાન આપીશું ને ચાલો સત્સંગ કરીએ, તમે આ કરો ને તે કરો ને તમને મોક્ષે લઈ જઈશું વિગેરે આઘાપાછી કરીએ તે નિકાલી ના હોય. તેનો અમને બંધ પડે.

પ્રશ્નકર્તા : આપે કહ્યું જ્ઞાનીને બંધ પડે પણ આપ તો આત્મારૂપે જ રહો છો ને આત્મા તો અસંગ છે પછી શું વાંધો ?

દાદાશ્રી : આત્મા પોતે જ અસંગ છે, પછી શું વાંધો છે ? પણ તે વ્યવહારથી પણ આવવું જોઈએ. નિશ્ચયથી તો આવી ગયું અમારે. વ્યવહારથી થોડોક જ ભાગ બાકી રહ્યો હોય. અમારે અહીં ભેગા થઈએ એટલું જ, બીજો કોઈ ખાસ વ્યવહાર રહ્યો નહીં. આટલો જ સંગ અમારે. તે આ તો ઊંચો સંગ છે ને ? પણ આયે સંગ કહેવાય. તમારે ઓછા થતા જાય છે સંયોગો, જેમ જેમ નિકાલ થતા જાય છે (તેમ) તેમ.

v v v v v

[6.2]

અસંગ ને નિર્લેપ

આત્માને થયો છે સંયોગ, નથી થયો સંગ

પ્રશ્નકર્તા : નિર્લેપ અને અસંગ એ બે ભાવો કહ્યા આપે તો એ સમજાવશો.

દાદાશ્રી : અસંગીને સંગ ના અડે ને નિર્લેપીને લેપ ના અડે. લેપાયમાન ના થાય. લેપાયમાન થયો જ નથી. આ પોતે સ્વભાવથી નિર્લેપ જ છે, અસંગ જ છે. કોઈની જોડે સંગ જ થયો નથી. સંયોગ થયો પણ સંગ નથી થયો. સંયોગ છૂટા પડી શકે, પણ જો સંગ થયો હોય તો છૂટો ના પડે. એટલે પોતે અસંગ છે. આ વર્લ્ડમાં કોઈ પણ ચીજ એવી નથી કે જે એને લેપાયમાન કરી શકે અને કોઈ સંગ એવો નથી કે એને સંગમાં લાવી શકે. એ નિર્લેપ અને અસંગ બે વસ્તુ જુદી છે. આટલું બધું કાર્ય કરવા છતાં પોતે અસંગ રહે છે. આટલું બધું સંસારી કાર્ય છતાં પોતે અસંગ જ છે. આટલું બધું કાર્ય લેપાયમાનમાં દેખાય છે, સંસારી ભાવ છે, બધું છે, છતાં નિર્લેપ છે પોતે. એવો આત્મા છે અને એવો આત્મા જ્ઞાનીએ જોયો. તો જ છૂટો પડેને ! નહીં તો લેપાયમાન થયેલો આત્મા શી રીતે છૂટો પડે ?

અસંગ-નિર્લેપનો ગુહ્ય ફેર સમજાવ્યો જ્ઞાનીએ

પ્રશ્નકર્તા : અસંગ ને નિર્લેપમાં શો ફેર ?

દાદાશ્રી : નિર્લેપ ને અસંગ બેમાં ફેર. અસંગમાં એમ લાગે કે કો’ક પાછળ અડ્યું છે પણ કોઈ અડ્યું જ ના હોય. વચ્ચે અવકાશ હોય જ ને નિર્લેપમાં તો અડ્યું જ ના હોય. અસંગવાળો તો ફરી ચોંટીય જાય ખરો પણ નિર્લેપવાળાની તો વાત જ જુદી. ક્યારેય લેપાયમાન ન થાય.

પ્રશ્નકર્તા : નિર્લેપ અવસ્થામાં એના ડિસ્ચાર્જ કર્મો ઘણા ખરા પૂરા થઈ જ ગયા હોયને ?

દાદાશ્રી : હા, કો’ક કો’ક જ રહ્યા હોય.

પ્રશ્નકર્તા : નિર્લેપ અવસ્થાવાળાને નિર્લેપનુંય ભાન તો હોયને ?

દાદાશ્રી : ના હોય. નિર્લેપપણાનું ભાન હોય તો તો લેપ છે. અમને એ ના રહે. અને અસંગવાળાને સંગનું ભાન રહે. અવસ્થામાં અસંગ તો સાધારણ માણસનેય અમુક અમુક બાબતમાં રહે. આ બાર આનાનો ભોટવો તૂટ્યો હોય તો ઘરમાં કોઈ કશું જ બોલે કરે નહીં, એનું શું કારણ ? એની ડિવેલ્યૂ થઈ ગઈ છે તેથી ને વેલ્યૂવાળી વસ્તુમાં અસંગ રહેવું તે ખરું. આપણું આ વિજ્ઞાન વેલ્યૂએશનવાળી વસ્તુનું ડિવેલ્યૂએશન કરી નાખે છે કે આ વિનાશી છે, તકલાદી છે.

અમે અવસ્થામાં અસંગ હોઈએ ને પાછા નિર્લેપ હોઈએ. અવસ્થામાં નિર્લેપ તે તો જ્ઞાની સિવાય બીજો કોઈ રહી ના શકે. આ અમે જ્ઞાન આપીએ એટલે મહાત્માઓ અસંગ રહી શકે.

અમને આત્મ અનુભવ નિરંતર રહે ને અવસ્થામાં અમે નિર્લેપ રહીએ અને તમને મહાત્માઓને આત્મા બિલીફમાં રહે ને તેથી અવસ્થામાં તમે અસંગ રહી શકો. આ આપણું વિજ્ઞાન શું કહે છે કે તમારે મહાત્માઓને અવસ્થાઓમાં અસંગ રહેવાનું ને ધીમે ધીમે નિર્લેપ થવાશે.

પ્રશ્નકર્તા : દાદા, એવું અમારે ક્યારે થશે ?

દાદાશ્રી : અમે જે સ્ટેશને પહોંચ્યા છીએ તે સ્ટેશને પહોંચશો એટલે તમારે તેવું થશે. આ પ્રત્યક્ષ પુરાવો જોયોને તમે ? પુસ્તકમાંનું નહીં.

‘મેં કર્યું’ એ ભ્રાંતિરસ ઓગળતા થાય અસંગ

હવે તમે શુદ્ધાત્મા થઈ ગયા એટલે નિર્લેપ પ્રતીતિથી જ થઈ ગયા, અસંગ જ થઈ ગયા. પોતે આ દેહથી અસંગ જ છે. દેહને અડતો નથી. જે દેહને ચોંટેલો હતો ભ્રાંતિથી, તે અમે જ્ઞાન આપીએને, તે દહાડે બેઉ છૂટું પડી ગયું. હવે શેનાથી ચોંટેલો હતો ? ત્યારે કહે, ભ્રાંતિરસથી. એ કહે ‘મેં આ કર્યું’ કે તરત જ ભ્રાંતિરસ ઉત્પન્ન થયો અને એની મહીં વચ્ચે પડે. એ ભ્રાંતિરસ કોઈ દહાડો ઓછો થાય નહીં. રોજ કારખાનું ચાલુ જ હોય. એટલે ભ્રાંતિરસ અમે ઓગાળી નાખીએ અને છૂટું કરી નાખ્યું. હવે છૂટું કર્યા પછી અસંગ થઈ ગયો. આમ અડેલું છે પણ સંગ નથી. નિરંતર અસંગ રહે છે, અસંગ, નિર્લેપ. એને હવે લેપ અડે નહીં.

પ્રશ્નકર્તા : ભ્રાંતિમાં ક્યારે બેસી જવાય એ ખબર નથી પડતી તે શું ?

દાદાશ્રી : આ જ્ઞાન આપ્યા પછી તું એક ક્ષણ લેપાયમાન થયો નથી. નિર્લેપ જ રહ્યો છે, અસંગી જ રહ્યો છે. પણ જેમ પરિચય વધતો જશે, ફોડ પડતો જશે, એટલે ભ્રાંતિમાં પડ્યા જ નથી, એ ભાન આવશે. રાતે ઊઠ્યા પછી તરત ‘શુદ્ધાત્મા છું’નું લક્ષ આવ્યું તો જગત આખાની વિસ્મૃતિ હતી, નહીં તો રાતે બધા પ્રકારનું ભાન જતું રહે છે. પણ શુદ્ધાત્મા પહેલા યાદ આવ્યો એટલે શુદ્ધાત્માના ભાનમાં આવી ગયા.

‘હું ચંદુ’ નહીં પણ ‘હું શુદ્ધાત્મા’ તો થયો અસંગ

undefinedઅસંગ એટલે ‘હું શુદ્ધાત્મા’, એના સિવાય બીજું ભાન નહીં. પોતે અસંગ એવો શુદ્ધાત્મા છે. હું અસંગ જ છું, નિર્લેપ જ છું. પેલી રોંગ માન્યતા તૂટી ગઈ એટલે ગયું. એ રોંગ માન્યતા હતી. તેથી તો લોક કહે, ‘હું અસંગ કેવી રીતે કહેવાઉ ?’ એમ ના કહે લોકો ? અને તમને તો પોતાને સમજાય કે આ રોંગ માન્યતા તૂટી. ‘હું ચંદુભાઈ છું’ એ આપણને બીજા પદમાં ભ્રાંતિ પડી હતી. પણ હવે જેટલું અવળું આરાધન કરેલું, તેટલું ફરી સવળું કરો તો છૂટે. એટલે સવળું થઈ જાય. આ જેટલા અવળે રસ્તે ચાલ્યા એટલા પાછા ફરવું પડે.

‘હું શુદ્ધાત્મા છું’ તે જ અસંગપણાનું લક્ષ છે. જ્ઞાનનું ફળ વિરતિ છે. અસંગપણું એ જ વિરતિ છે. આત્મા પ્રાપ્ત થાય તો જ સર્વસંગ પરિત્યાગ થાય.

તમને આત્મા આપ્યો છે. તમને પોતાનું સ્વરૂપ, સર્વ સંગથી રહિત માત્ર આત્મા આપ્યો છે. કોઈ સંગ એને અડે નહીં, અને (જો) સંગ અડે તો આત્મા કોઈ દહાડોયે આત્મવત્ થાય નહીં. એ સંગથી અસંગ બનાવ્યા પછી તો આ જ્ઞાન તમને પરિણામ પામ્યું છે. નહીં તો પામે નહીંને ! હવે નિશ્ચયથી અસંગ છો, એટલે અસંગ થઈ ગયા છો, નિશ્ચયથી. વ્યવહારના લોકોય બોલે પણ તે ના ચાલે. તમારે તો અસંગ સ્વરૂપનું લક્ષ રહે છે જાતે. લક્ષ એટલે શું ? આત્મધ્યાન કહેવાય. પહેલું ‘હું ચંદુભાઈ છું’ એવું ધ્યાન હતું, હવે ‘શુદ્ધાત્મા છું’ ધ્યાનમાં આવ્યું. આ ‘હું શુદ્ધાત્મા છું’ ધ્યાનમાં અમુક ભાગ તો ઘણો ખરો શુદ્ધાત્મા ધ્યાનમાં જાય. બહુ ફાઈલો હોય તો જરાક ચૂકી જાય, પણ તોયે ધ્યાનમાં શું છે ? શુદ્ધાત્મા. એ શુક્લધ્યાન છે, અસંગ સ્વરૂપ છે. આથી મોટું પદ વર્લ્ડમાં કોઈ ન હોય. (આ તો) અવિરતિપદ છે. એટલા માટે સાચવવાનું એટલું જ કે આપણે અવિરતિપદમાં આવ્યા છીએ, એટલે આ બધાનો નિકાલ તો કરવો પડશેને ? અમારી આજ્ઞામાં રહે એટલો ઉકેલ થઈ જાય.

કુસંગમાંય અસંગ, આજ્ઞારૂપી પ્રોટેક્શનથી

પ્રશ્નકર્તા : અસંગપદ પામ્યા પછી આજ્ઞાનું મહત્વ કેટલું ?

દાદાશ્રી : આ આજ્ઞા એટલે આ રાઈટ બિલીફ ફરી બદલાય નહીં, એના માટે અમે આપેલું પ્રોટેક્શન. (એનાથી) ફરી બિલીફ બદલાઈ ના જાય. આ લોકોનો કુસંગ પુષ્કળ છે, એટલે બિલીફ ફરી બદલાઈ જવાનો સંભવ. જો કુસંગમાં ના રહેતા હોય અને સત્સંગમાં રહેતા હોય, તેને તો પછી બિલીફ બદલાવાનીય નથી, તો એને આજ્ઞાની જરૂર નથી. પણ સત્સંગમાં રહેવાય એવું નથી અને કુસંગમાં રહેવાનું છે એટલે બિલીફ બદલાઈ જાય. એટલે આજ્ઞા પાળો તો પછી એ પ્રોટેક્શન હોય, તો પછી તમારે આ બિલીફ બદલાય જ નહીં. પણ નર્યો આખો દહાડો કુસંગ કુસંગ કુસંગ કુસંગ. બૈરાં-છોકરાં બધું જ કુસંગ છે. આ જગતમાં જે બધું ચાલે છે, પેપરો-બેપરો બધું, વિચારો-બિચારો બધું કુસંગ છે. એટલે કુસંગોમાં રહી અને અસંગ રહેવું એ અમારી આજ્ઞા સિવાય રહી શકે નહીં.

પૌદ્ગલિક સંગને કુસંગ કહે છે. ‘આપણે’ છીએ જ અસંગ. એનો અનુભવ ના થવા દે એ બધો કુસંગ કહેવાય.

પૌદ્ગલિક વિચારક્રિયાથી શુદ્ધાત્માની દર્શનક્રિયા જુદી

પ્રશ્નકર્તા : દાદા, આજે અસંગતા ઉપર મેં વિચાર કરવા માંડ્યો. હું અસંગ છું, શેનાથી અસંગ છું એ બધું મેં જોવા માંડ્યું. આનાથી અસંગ છું, આનાથી અસંગ છું, આનાથી અસંગ છું. હવે એ આત્માના લક્ષે જ આ વિચારધારા છે, પણ આ ક્રિયા છે અને ક્રિયા બંધનરૂપ છે આ ?

દાદાશ્રી : એને ને બંધનને લેવાદેવા જ નહીંને ! આ વિચારક્રિયા નહીં, દર્શનક્રિયા છે. શુદ્ધાત્મા વિચારક્રિયાથી બહાર છે. વિચારક્રિયા પુદ્ગલમાં છે. શુદ્ધાત્મા નિર્વિચાર છે.

પ્રશ્નકર્તા : એટલે આ દર્શનક્રિયા છે ?

દાદાશ્રી : દર્શનક્રિયા અને જ્ઞાનક્રિયા. અને વિચારક્રિયા જુદી વસ્તુ છે.

પ્રશ્નકર્તા : વિચારક્રિયા તો સંસાર જ બંધાવે.

દાદાશ્રી : એ આપણે બંધાયેલો કે ના બંધાયેલો નથી જોવો. એ તો કોઈ સંજોગમાં તેમ નથી હોતું, પણ એ ચારિત્રમોહ હોય. એવું આપણે બહુ ભાંજગડમાં ઊતરવાની જરૂર નહીં.

પ્રશ્નકર્તા : અમારે બધા કાર્ય કરવા માટે તો વિચારક્રિયાની જરૂર છે ને ?

દાદાશ્રી : એ તો બધું હોય જ. એ તો સંસારની, વ્યવહારની વાત આવી. એ અસંગની વાત કહે છે. મેં તમને કશું વિચારવાનુંય સોંપ્યું નથી. ફક્ત આજ્ઞામાં રહો અને સંસારનો, તમારા વ્યવહારનો, ફાઈલોનો નિકાલ કરો, એટલું જ મેં કહ્યું છે. સરળ ને સીધી વાત છે આ.

‘હું શુદ્ધાત્મા’ એ અસંગભાવ, તેથી ન બંધાય કર્મ

પ્રશ્નકર્તા : જ્ઞાન મળ્યા પછી કર્મ ભલે નિર્જરા થાય, તો એ નિકાલ જ કરવાનો રહે, બીજા નવા તો નહીં બંધાયને એમાં ?

દાદાશ્રી : ‘હું શુદ્ધાત્મા છું’ (એ) નિર્લેપભાવ થયો, અસંગભાવ થયો, એટલે નવું કર્મ બંધાય નહીં. હવે ચાર્જ ના થાય નવું. જૂનું ડિસ્ચાર્જ થયા કરે. તમારે મહીં ‘હું શુદ્ધાત્મા’ ન્હોય ને ‘હું ચંદુ’ એવું આવી જાય ? એવું આવે એવું નથી. અમે આપેલું છે શુદ્ધાત્મા જ્ઞાન, એ બદલાય એવું નથી. હવે નિર્લેપ, લેપાયમાન ના થાય. સંગ ઉત્પન્ન ના થાય, અસંગ. આની મહીં રહેવા છતાં પોતે અસંગ છે.

સંગી ક્રિયાઓમાં જાગૃતિથી, ‘હું’ આત્મારૂપે અસંગ

પ્રશ્નકર્તા : જીભનું આકર્ષણ બહુ રહ્યા કરે છે, તેમાં શું ઉપાય રાખવાનો ? એનાથી નવો બંધ તો નહીં પડેને ?

દાદાશ્રી : એ આકર્ષણ રહ્યા કરે છે, તેમાં ફક્ત જાગૃતિ રાખવાની છે કે ‘મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ જ છું.’ એ જાગૃતિ રહેવી જોઈએ અને ખરેખર એક્ઝેક્ટલી એમ જ છે. એ બધું પૂરણ-ગલન છે. તમે આ જાગૃતિ રાખો તો તમને બંધ પડતો નથી.

આ ચંદુભાઈ ભજિયાં ખાતા હોય કે રસ-રોટલી ખાતા હોય ને ટેસબંધ ખાતા હોય તો તેમાં અહંકાર છે પણ ‘હું’ નથી. ક્રિયાઓ બધી જ જડની છે. તેની સાથે આત્માને લેવાદેવા જ નથી. એ દેહની સંગી ક્રિયા કહેવાય અને આપણે મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓથી અસંગ છીએ. આ તો ક્રિયા એટલી બધી નજીક થાય છે તે તેમાં એમ ભ્રાંતિ ઊભી થઈ જાય છે કે ‘હું જ જમું છું.’ પણ ખરેખર તો પોતે ક્યારેય ખાતો જ નથી. ખાતી વખતે મન-વચન-કાયાની સંગી ક્રિયા થાય છે તે ઘડીએ હું ખાતો નથી, હું જુદો છું તે વખતે. સંગી ક્રિયાઓથી હું જુદો, કારણ કે જુદો હોય તો જ જાણી શકે, નહીં તો જુદો ના હોય તો જાણી શકે નહીં.

હવે ચંદુભાઈની પાસે કંઈક કામ થઈ જાય, કરનાર કોણ ? વ્યવસ્થિત, વ્યવસ્થિત તમને અહીંયા પ્રેરણા કરે, અને ચંદુભાઈ બધું કામ કર્યા કરે, તમારે જ્ઞાતા-દ્રષ્ટા રહેવું. હવે, ચંદુભાઈથી કંઈ ખરાબ કામ થઈ ગયું કોઈ જગ્યાએ તો તમને ગભરાટ ના રહેવો જોઈએ. કારણ કે એ તો, વ્યવસ્થિત શક્તિએ કર્યું અને તમે તો શુદ્ધાત્મા છો, શુદ્ધ જ છો. હવે ફરી તમને લેપાયમાન થાય જ નહીં હવે, અસંગ જ છો. તમે શુદ્ધ જ છો, હવે કોઈ પણ સંજોગોમાં કાંઈ પણ ખરાબ ક્રિયા આવી, એક બાજુ ખરાબ ક્રિયા થાય છે. અને તમે શુદ્ધ જ છો. આ ક્રિયાના આજે તમે કર્તા નથી. આ ક્રિયાનું સંચાલન તમારે હાથે થયેલું છે પણ આજે એના કર્તા તમે નથી.

અજવાળું વધતા થાય નિરંતર અનુભવ અસંગ-નિર્લેપપદનો

પ્રશ્નકર્તા : દાદા પણ હવે ઉતાવળ બહુ થાય છે, જલદી પૂરું કરવું છે.

દાદાશ્રી : અમે તમને આ જે બોધબીજ આપ્યું છે, તે હવે ધીમે ધીમે બીજ-ત્રીજ થશે. અનંત કાળની અમાસ વીતી ને અજવાળું સહેજ દેખાય, ઝાંખી (થાય) તો એ બોધબીજ છે. તે પછી ત્રીજ થાય, ચોથ થાય અને પછી છેલ્લે પૂનમ થાય. એક ફેરો બીજ ઊગ્યા પછી થાય, ત્યાં સુધી અમાસની અમાસ જ રહ્યા કરે. બીજ ઊગી એટલે આપણને ખાતરી થઈ કે હવે ત્રીજ થવાની. ધીમે ધીમે ત્રીજ થશે એવી તમને ખબર પડશે કે આ હવે અજવાળું વધ્યું. અજવાળું વધે તેમ આ સંસાર અડતો ઓછો થઈ જાય. અત્યારે સ્થૂળ રૂપે અડતો નથી પણ સૂક્ષ્મ રીતે અડ્યા કરે છે હજુ. તેય પણ ઓછો થતો થતો થતો આપણું પદ જે નિર્લેપ જ છે, તે નિર્લેપનો નિરંતર અનુભવ રહ્યા કરે. આપણું પદ જે અસંગ જ છે તે નિરંતર અનુભવ રહ્યા કરે.

‘હું અસંગ છું’ એ છે સંગીનો અસંગ થવાનો પુરુષાર્થ

પ્રશ્નકર્તા : આપણે ચરણવિધિ કરતી વખતે બોલીએ છીએ કે ‘હું અસંગ છું, હું અરૂપી છું, હું અક્ષય છું, હું અમૂર્ત છું’ તો તે બોલીએ તે વખતે એવા ભાવ મહીં ઉત્પન્ન થવા જોઈએ ? તો જ એ બરાબર કહેવાય ને ?

દાદાશ્રી : એના ભાવ કરવાની જરૂર નથી, ખાલી બોલવાની જ જરૂર છે.

પ્રશ્નકર્તા : બોલવાની જરૂર છે પણ ભાવ થાય તો ?

દાદાશ્રી : ભાવ થાય તો વાંધો નહીં. એ છે તો વધારે એ (સારી રીતે) થાય, બાકી એકનું એક જ. એ બોલવાની જરૂર છે ખાલી. આ તો સંગી બોલે છે કે ‘અસંગ છું’, એટલે અસંગ થવા માટેનો એનો પુરુષાર્થ છે. આત્મા તો નિરંતર અસંગી જ છે.

દહાડામાં પાંચ વખત બોલવું કે ‘હું શુદ્ધાત્મા છું, મને કશું અડે નહીં આમાંનું. નિર્લેપ છું, અસંગ છું, કશું અડે નહીં મને’ એવું બોલવું.

અક્રમ વિજ્ઞાન થકી સંસારમાં રહીને પણ અસંગ-નિર્લેપ

હવે આપણે નિર્લેપ છીએ, અસંગ છીએ. કેવું સુંદર જ્ઞાન આપ્યું છે ! આવું સરસ વિજ્ઞાન મળ્યા પછી એક તણખલું પણ તમને અડતું નથી. સંપૂર્ણ નિર્લેપ ને સંપૂર્ણ અસંગ. ચંદુ શું કરે છે, તેને તમે જાણો.

સંસારમાં રહેવાનું, છોકરાં પૈણાવવાના, કામ કરવાનું, અને આમ સંસારમાં રહેવા છતાં અસંગ અને નિર્લેપ રહેવાનું. સંસારમાં રહેવા છતાં કંઈ પણ સ્પર્શે નહીં, નિર્લેપ રહી શકાય, અસંગ રહી શકાય. આ ખાય-પીવે છતાં અસંગ. ખાધેલું અડે નહીં. કારણ કે આ અક્રમ જ્ઞાન છે.

પ્રશ્નકર્તા : દાદા, નોકરી-ધંધો હઉ કરાયને ?

દાદાશ્રી : ધંધો કરજો તેનો વાંધો નથી, પણ આજ્ઞા અમારી પાળજો. એટલે આમાંથી મુક્ત રહેશો. આ (સંસારનું) કામ થશે અને એમાં નિર્લેપ રહી શકશો, અસંગપણે રહી શકશો. સંગમાં રહેવા છતાં અસંગ રહેશો. આ િવજ્ઞાન છે. અક્રમ વિજ્ઞાન છે આ. દસ લાખ વર્ષે પ્રગટ થાય છે એક ફેરો. તે સંસારમાં રહેવા છતાંય મુક્તિ ભોગવો.

શુદ્ધાત્મા સ્વભાવ પકડી રાખ્યે થાય અસંગ

મેં તમને જે આત્મા આપ્યો છે, તે અસંગ જ આપ્યો છે. દેહનો નિરંતર સંગ હોવા છતાં અસંગ જ છે. આત્માને કશું અડતુંય નથી ને નડતુંય નથી. માટે તે રૂપે રહેવું, નિર્લેપ, અસંગ ! અગ્નિનોય સંગ એને અડતો નથી, તો આ દુઃખનો, શરીરનો શી રીતે અડે ? માટે આ એનો સ્વભાવ પકડી રાખવો.

હવે જે આપણે શુદ્ધાત્મા થયા છે, તે શુદ્ધાત્માને કશું અડે એમ જ નથી. એનો નિર્લેપ સ્વભાવ જ છે. સ્વભાવથી અસંગ જ છે. સ્વભાવથી જ છે, તો પછી આપણે વળી એને અસંગ કરાવવા ક્યાં જઈએ ? જે સ્વભાવથી જ અસંગ છે !

જ્ઞાન આપ્યા પછી એક વખત નિર્લેપ થયા પછી લેપાયમાન ના થાય, અસંગ થયા પછી સંગી ના થાય. ડૉક્ટરે કહ્યું હોય કે જમણા હાથે પાણી ના અડાડશો તો પણ અનાદિકાળનો પરિચય તે અડી જાય. તેમ આ અનાદિ કાળના પરિચયે કરીને કંઈક થાય તો બોલવું, અમે નિર્લેપ છીએ, અસંગ છીએ, એટલે અસંગ થઈ જવાય.

તાવ ભલેને આવ્યો તેથી આત્માને કશું થવાનું નથી. સંગમાં રહેવા છતાં પોતે તો અસંગ જ છે. પોતે તો જ્ઞાતા-દ્રષ્ટા, શુદ્ધ ભાવમાં જ છે. જેવો સંગ તેવો રંગ લાગે. આત્મા ‘અસંગ’ છે. તું ‘અસંગ’ છે તો તને રંગ અડતો નથી, ‘ચંદુભાઈ’ને અડે છે. ‘આપણે’ તો ‘જાણ્યા’ કરીએ !

દેહ એ સંગી ચેતના, જે ભડકાટે કરે અસર

પ્રશ્નકર્તા : ગમે તેટલું જ્ઞાન ગોઠવીએ પણ દેહ ઉપર કંઈ આવે તો અસર થઈ જ જાય છે.

દાદાશ્રી : કારણ કે આ દેહ સંગી ચેતના છે. સંગી ચેતના એટલે આરોપિત ચેતના. સંગથી પોતે ચેતનભાવને પામેલી છે. એ સંગ કરે છે. આપણે એ સંગને જાણીએ છીએ. આ સંગી ચેતનાએ શું સંગ કર્યો, એના આપણે જાણકાર છીએ.

પ્રશ્નકર્તા : એ સંગી ચેતના એટલે નિશ્ચેતન ચેતના ?

દાદાશ્રી : હા, નિશ્ચેતન ચેતન, પૌદ્ગલિક માયા. જે પૌદ્ગલિક, જે આખું ફિઝિકલ બૉડી છે, એની મહીં ચેતના ભરાઈ ગયેલી છે. પરમાણુ એ પરમાણુમાં એ સંગી ચેતના છે.

આ ડિસ્ચાર્જમાં જે બધું ચેતન રહેલું છે. આ સંગી ચેતના એ ફિઝિકલ બૉડીની છે. આ દેહ એ સંગી ચેતના છે. અને પેલી માનસિક ને વાણીની એ મિશ્ર ચેતના કહેવાય. મિશ્ર ચેતનાનો વાંધો જ્ઞાનીને ના હોય. જ્ઞાનીને બીજી કશી અસર ના કરે પણ આ સંગી ચેતનામાં જરાક વાઢકાપ થાય તો વેશ થઈ પડે. છતાંય રાગ-દ્વેષ ના થાય એ નિશાની. કાપનારની ઉપરેય રાગ-દ્વેષ ના થાય, કપાવનારની ઉપરેય રાગ-દ્વેષ ના થાય. હું અત્યારે અસંગ ચેતન તરીકે જીવું છું. પણ જ્યાં સુધી દેહ છે ને, ત્યાં સુધી દેહની અસર રહ્યા કરે. બહારની, ગાળો ભાંડતો હોય તો તે અસર ના થાય, પણ દેહની અસર તો થાય. દેહ તો વળગેલો, ચોંટેલો છે, એની મહીં ચેતન ઘૂસી ગયેલું છે. તે અમુક ચેતન હતું તે અહંકારનું ચેતન એ બધું મૂળ ચેતનમાં પેસી ગયું અને આ દેહનું ચેતન એ છે તે સંગી ચેતના કહેવાય છે. એ અસર આપ્યા વગર રહે નહીં. એટલે આપણે સમજવું જોઈએ કે અંદર સંગી ચેતના છે ત્યાં સુધી અસર થવાની જ. એટલો સમય આપણે સમજીએ કે એક-બે અવતાર હોય ત્યાં સુધી, પછી હવે ડખો રહ્યો નહીંને ! કર્મ બંધાતા અટક્યા કે ગયું બધું. એટલે બધું ગયું જ છે. વાંધો જ રાખશો નહીં. તમારે વાંધા રાખવા જેવું છે જ નહીં ત્યાં.

હવે સંગી ચેતનાને જોવી હોય તો ક્યાં માલૂમ પડે ? કોઈ કહેશે, મારે જાણવું છે કે સંગી ચેતના શું છે ? તો કોઈ અહીં આગળ વિધિ કરતો હોય અને કંઈ નવી જાતનો અવાજ થાય, તે શરીર ધ્રુજે. આપણને ધ્રુજ્યું એ ખબર પડે. અહીં મને હઉ ખબર પડે. પોતાનેય ખબર પડે પણ પોતે ના ધ્રુજે મહીં. એ સંગી ચેતના જ ધ્રુજે, પોતે ના ધ્રુજે. એટલે સંગી ચેતનાને ઓળખી જવાય. એ ત્યાં ઓળખાય. જે ધ્રુજે છે એ સંગી (ઈફેક્ટિવ) ચેતના. કારણ કે એને આ આવા જોડે સંગ થયો.

પ્રશ્નકર્તા : સંગી ચેતનાને સંગ (ઈફેક્ટ) થયો.

દાદાશ્રી : આપણને સંગ અડે નહીં.

પ્રશ્નકર્તા : આત્માને અડે નહીં.

દાદાશ્રી : અસ્પર્શ્ય આત્મા, નિરંતર અસંગ જ રહેનારી ચીજ. અને આ ભડકે છે એ સંગી ચેતના છે, મૂળ ચેતના નથી. એટલે સંગી ચેતનાને આપણે શું કહીએ છીએ ? કે અનાત્મા (પાવર ચેતના). આ આપણી શોધખોળ.

સંગી ચેતના એ છે ડિસ્ચાર્જ ચેતના

પ્રશ્નકર્તા : સંગી ચેતના કોના આધારે, આત્મા કે જીવ ?

દાદાશ્રી : સંગી ચેતના જીવના આધારે છે. એટલે જીવ જ્યાં સુધી જીવે ત્યાં સુધી સંગી ચેતના રહે.

પ્રશ્નકર્તા : એ સંગી ચેતના ક્યારેક કામ કરતી બંધ થઈ જાય એવું બને ખરું ?

દાદાશ્રી : ના, એવું બને નહીં. સંગી ચેતના તો નિરંતર કામ કર્યા જ કરે છે. જ્યારે બેભાનપણું થાય ત્યારે એ કામ ના કરે. બેભાનપણું થાય ત્યારે તો બધી ચેતનાઓ જ બંધ થઈ જાય છે, એ ચેતનાઓ ઉપર આવરણ આવી જાય છે.

શરીરમાં સંગી ચેતના એ ડિસ્ચાર્જ ભય ભરેલો છે. તે ડિસ્ચાર્જ થાય કે ભય ઉત્પન્ન થયા વગર રહે નહીં. અંગમાં રહેલી ચેતના છે, એ સાચી ચેતના નથી. એ ચેતના તો મિક્ષ્ચરસ્વરૂપે છે. સાચી ચેતના તો કોઈ દિવસ મિક્ષ્ચર થાયેય નહીં. આ તો બિલીફથી ઉત્પન્ન થયેલી છે. એ સંગી ચેતના પાછી અમુક જાતનો અવાજ થયો હોયને, તો એય (વિધિ કરતા મહાત્મા) ના ભડકે, હુંય ના ભડકું. કેટલાક ફેરા અમુક જાતના અવાજ થાય છે, તેમાં એ ભડકે તો હું ના ભડકું. એ બધું અમે માપ કાઢ્યા કરીએ.

અજ્ઞાનથી ભય, સંગી ચેતનાથી ભડકાટ

પ્રશ્નકર્તા : ભડકાટ એટલે શું ?

દાદાશ્રી : આત્માની અજ્ઞાનતાથી ભય રહે છે અને સંગી ચેતનાથી ભડકાટ રહે છે. ભડકાટ-ફફડાટ એ સંગી ચેતનાનો ગુણ છે. ભડકાટ દેહનો ગુણ છે. એટલે એક રમકડાંમાં ચાવી આપી હોય, તે જેવી ચાવી આપી હોય તેવું જ રમકડું ચાલે. એનો મૂળ ગુણ નથી. તેવી રીતે દેહમાં ભડકાટ વણાઈ ગયેલો છે. એટલે આપણે ના કરવો હોય તોય થઈ જાય છે. અહીંયા કોઈ ભડાકો કરે તો આપણી આંખ આમ બંધ ના થવા દેવી હોય તો થઈ જાય, એવો એ ભડકાટ છે. તે જ્ઞાન આપ્યા પછી ભડકાટ રહે અને અજ્ઞાન હોય તો ભય રહે. ભય અજ્ઞાનથી છે.

આ જગતને ભય રહે છે, તે અજ્ઞાનનો ભય છે. અજ્ઞાનનો ભય ગયો એટલે ભય રહ્યો નહીં, ભડકાટ રહ્યો.

જે અવાજ ના સાંભળ્યો હોયને એ અવાજ સાંભળે એટલે ભડકે. અને જે અવાજનો પરિચય થઈ જાય, પછી એનાથી ના ભડકે.

પ્રશ્નકર્તા : પરિચય થઈ ગયા પછી ના ભડકે ?

દાદાશ્રી : પછી ના ભડકે. પણ જે અવાજ તમે પહેલા સાંભળ્યો નથીને, એ ગણકારો કે ના ગણકારો તોય દેહ ધ્રુજ્યા વગર રહે નહીં.

સઘળી ક્રિયા સંગી ચેતનાની, ન રહ્યો હવે પોતે ગુનેગાર

આ કોઈ માણસ કોઈને ધોલ મારતો હોય ત્યારે આત્મા અસંગ જ છે. આ તો સંગી ચેતનાથી એમ લાગે છે કે પોતે મારે છે, પણ ખરેખર તો પોતે અસંગ જ છે. ચાર્જ થયેલી બૅટરી ડિસ્ચાર્જ થાય તો પ્રકાશ આપીને જાય, તેમ આ સંગી ચેતનાનું છે. એ ડિસ્ચાર્જ થાય છે.

પાંચ હજાર રૂપિયા ગયા અને પછી મોઢું ઊતરી જાય. મોઢું ભલે ઊતરી જાય, પણ આ અંદર ના ઊતરે તોય આપણે જાણીએ કે આ સાચું છે. મોઢું જો ઊતરી જાય એ તો સંગી ચેતના છે. તે (મોઢું) ઊતરી જાય તેને અમે ના જોઈએ. અમે અંદર કેમનું છે એ જોઈ લઈએ. અંદર કશું ના થયું હોય પણ. આ ભાત ઊતરી જાય છે, ખીચડી ઊતરી જાય છે તો કંઈ આ મોઢું ઊતરી ગયા વગર રહે કે ? ઊતરી ના જાય ? પણ કેટલાકને નાય ઊતરે, હોં ! આ જ્ઞાનના બળ ઉપર આધાર રાખે છે. કેટલાકને ના ઊતરે અને કોઈને ઊતરે. તેથી કંઈ એનો ગુનો નથી, પણ અંદર નથી ઊતર્યો. કારણ કે આ જે ચેતના છે ને, એ સંગી ચેતના કહેવાય છે. પણ હવે એ શાનો સંગી થાય ? અસંગીનો સંગી. અસંગ છે એનો આ સંગી.

વિષય એ સંગી ચેતના, તેનાથી ‘હું જુદો’ કહ્યું અક્રમમાં

ક્રમિક માર્ગમાં તો એમ કહે કે આપણે સંસારી છીએ, મોક્ષ શી રીતે થાય ? આપણે તો સમકિતેય ના થાય. એ સ્ત્રી રહી, છોકરાં રહ્યા, વિષયો રહ્યા. એ તો કહે સાહેબ, હું તો સ્ત્રી પૈણેલો. આ તો મેં (વિષય) ભોગવ્યો ત્યારે આ શું કહે છે ? એ બધી સંગી ચેતના છે, તેનાથી ‘હું’ જુદો છું. એટલે શું થઈ રહ્યું છે એને તું જાણ. તે પણ આ આપણું અક્રમ વિજ્ઞાન જ એક આટલું કરી શકે. બીજે બધે પેલા રસ્તે ના કરી શકે. એટલે બીજે એમણે છોડવું જ પડે. એટલે આપણે છૂટ આપેલી. અને ડિસ્ચાર્જ છે એટલું જ થશે, બીજું થવાનું નથી. એને (ચાર્જ) બંધ કરી દીધું. નહીં તો સ્ત્રીસંગ હોય ને મોક્ષ થાય, એ બે સાથે ના બને. આ જગત આખું સંગવાળું છે.

લોકોએ ડરીને એમ કહ્યું, કે આ વિષયથી જ બંધન છે, તે અમારો જોયેલો આત્મા જુદી જાતનો જોયો છે, અસંગ જ છે. તેથી તો અમે કહ્યું છે, ‘મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ જ છું’ એટલું ભાન રહેવું જોઈએ. આપણે જે છીએ તે ભાન રહેવું જોઈએ.

જ્ઞાનદ્રષ્ટિએ વિષયને પણ ગણ્યો નોકષાય

આ સંગી ક્રિયા છે એમાં ખરેખર આત્મા છે જ ક્યાં ? આ લોકોને સમજાયું નથી. તે આ મેં મારા વિજ્ઞાનમાં શું શોધખોળ કરી છે ? મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયામાં હું તદ્દન અસંગ જ છું. જે આ જ્ઞાન હાજર રાખે, એટલે ‘અસંગ જ છું’ એવું એ જ્ઞાન હાજર રાખીને જો કરતો હોય તો વાંધો નથી અને ખરેખર અસંગ જ છે. હું જાતે જોઈને બોલ્યો છું.

આ બધે અસંગ છે એવું આ જગત સમજે નહીંને ! સમજવાનુંય નથી ક્યારેય. નહીં તો આવી જવાબદારી કોઈ લેતું હશે કે ? સ્ત્રી (પત્ની) સાથેની જવાબદારી ? જવાબદારી તો ના લે પણ આ પરિણામ બદલાય નહીંને ! પરિણામ બદલાય છે તે જોયું છે ને આપણે ?

પ્રશ્નકર્તા : હા, બદલાય છે.

દાદાશ્રી : કેવડી મોટી જોખમદારી આ ! વિષય તો સંયોગ કરે છે એ જોયા કરવાનું અને એકવાર મનમાંથી નીકળી ગયું. તે ભાવમાંથી નીકળી ગયુંને કે તે મારું સ્વરૂપ નહોય ને મારે જરૂરેય નથી.

‘મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ જ છું.’ આ જ્ઞાન તમને હાજર રહ્યું તો સંગી ક્રિયાય કોઈ નડે એવી નથી. એક્ઝેક્ટલી છે, આ વિજ્ઞાન છે. આ તો તમને યાદ રહ્યુંને એટલે, નહીં તો તો સ્ત્રી સાથે કંઈ આ જ્ઞાન અપાતું હશે ? સ્ત્રી સાથે તો નવમું ગુંઠાણું ઓળંગે નહીં. તે તમારે પણ વ્યવહારથી તો નવમું ઓળંગાય જ નહીં. જ્યાં સુધી સ્ત્રીનો પરિગ્રહ બંધ ના થાય, ત્યાં સુધી વ્યવહાર તમારો નવની ઉપર ના ચડે. આમ બારમું પેલું (નિશ્ચયથી) રહે છે. મહીં અંદર શાંતિ રહે છે, ઠંડક રહે છે. હવે કર્મ બંધાશે નહીં.

હવે જગત આ ના સમજે અને કહે છે, વિષય થઈ ગયો, ચોંટી ગયું. એ અજ્ઞાન ચોંટે છે. અજ્ઞાની વિષય ન કરે તોય ચોંટે વિષયથી અને (આપણા જ્ઞાન પામેલા) જ્ઞાની વિષય કરે તોય ના ચોંટે. જ્ઞાનીઓને માટે એ બધું જુદી જાતનું છે, એ નિર્જરાનું કારણ છે. અજ્ઞાનીને વિષય બંધનું કારણ છે અને જ્ઞાનીને વિષય નિર્જરાનું કારણ થાય છે. માટે એને નોકષાયમાં ગણવું પડશે. નોકષાય એટલે નહીં જેવા કષાય, નહીંવત્. કારણ કે એને એમાં પરાણે પડવું પડે છે. જેમ ગાડીમાંથી પડી જાય, એવી રીતે કરવું પડે છે. ગાડીમાંથી જાણીજોઈને કોઈ પડતું હશે ? ભય છે ને, એને પણ નોકષાય કહ્યો. કારણ કે ભય લાગે ને શરીર ધ્રુજી જાય. પણ એ સંગી ચેતનાનો ભય છે, આત્માનો ભય નથી. એવું વિષય એ સંગી ચેતનાનું છે.

સ્ત્રી સંગમાં છે આત્મા અસંગ, પણ થયો શોખ તો જોખમ

આ આત્મા મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓથી અસંગ જ છે. ફક્ત સંગી ક્રિયાઓનો જાણકાર છે. હવે સ્ત્રી (હોવા) છતાં આ જ્ઞાન આપીએ છીએ. સ્ત્રી હોય છે એમને એમ કહેતા નથી કે સ્ત્રીને તમે કાઢી મેલો. પણ સ્ત્રીની જોડે સહવાસ તમારે કેટલો રાખવાનો ? કે તાવ આવ્યો હોય તો જ દવા પીએ, એના જેવો જ રાખવાનો, નહિતર સ્ત્રીની જોડે સહવાસ રાખવાનો નહીં.

પ્રશ્નકર્તા : પણ તાવ તો આવ્યા વગર રહે નહીંને ? શરીર છે એટલે આવે, આત્માને ન આવે.

દાદાશ્રી : નહીં, એનો અર્થ હું જુદું કહેવા માગું છું. હવે આ બધાને શાથી થોડું થોડું અટકાવું છું એમાં, વિષયમાં ? આ સ્ત્રીની જોડે જે સહવાસ છે પુરુષનો, તે એને જે શોખની ખાતર કરે છે તે નહીં, પણ તમારે તે તાવ ચઢ્યો હોયને જેમ દવા પીએ એવી રીતે તમને મહીં સહન ન થાય, સ્ત્રીને સહન ન થાય અને તમે પીઓ તો જવાબદારી તમારી નથી. અને તમે જો શોખની ખાતર પીઓ તો તમારી જોખમદારી છે. કારણ કે આત્મા બ્રહ્મચારી જ છે પોતે. તમે નક્કી કરો કે મારે નથી ભોગવવું, એટલે છૂટા થઈ જાવ છો.

એક ક્ષણવાર પણ સંસારનો સંબંધ રાખવા જેવો નથી, ત્યાં નિરંતર પડી રહેવું પડે છે. નાછૂટકે. શું કરે ? મનમાં એમ જ લાગવું જોઈએ કે આ ફસાઈ ગયો છું.

વિષયોમાં આત્મા અસંગ, પણ દુરુપયોગે ન પાડે ફોડ તીર્થંકર

મેં તમને આત્મા આપ્યો છે એ અસંગ અને નિર્લેપ આપેલો છે. ક્યારેય પણ સંગવાળો ન થાય, ક્યારેય પણ લેપાયમાન ના થાય. કાયમ નિર્લેપ જ રહી શકે તેમ છે, અસંગ જ રહી શકે એમ છે. મન-વચન-કાયાના સંગમાં અસંગ રહી શકે એમ છે. ભરત રાજાને ઋષભદેવ ભગવાને જે જ્ઞાન આપ્યું’તું, તેરસો રાણીઓમાં રહેવાનું હતું એટલે. તે જ્ઞાન મેં તમને ‘અક્રમ વિજ્ઞાન’ આપ્યું છે. આ આખું વિજ્ઞાન છે ! આ તો સાયન્ટિફિક !

આ અમે જે આત્મા આપીએ છીએ, તે નિર્લેપ ને અસંગ જ આપીએ છીએ. ત્યારે કહે, સ્ત્રીઓ સાથે શી રીતે આત્મા અસંગ રહી શકે ? ત્યારે કહે છે, કે એ આત્મા વિષયથી જુદો છે, બધાથી જુદો છે. આત્મા સૂક્ષ્મ છે બિલકુલ, અને આ જે વિષયો છે તે સ્થૂળ સ્વભાવના છે. બેઉને કોઈ દહાડોય મેળ પડ્યો નથી. એ જ્ઞાની પુરુષ જાણે, પણ એ ફોડ પાડે નહીં. તીર્થંકરો ફોડ પાડે નહીં. તીર્થંકરો જો ફોડ પાડેને, તો લોકો દુરુપયોગ કરે. અમે ફોડ પાડીએ તે ગુપ્ત રીતે, આટલામાં જ અમુક જ માણસો માટે. નહીં તો પછી એનો દુરુપયોગ ચાલે. સૂક્ષ્મ સ્વભાવનો છે, હવે કશો વાંધો નથી. તે ભૂત પેઠું પાછું !

આપણે તો પોલીસવાળો પકડે અને તમે માંસાહાર ના કરતા હોય તોય તમને ત્રણ દહાડાથી ખાવાનું ના આપે ને કહેશે, માંસાહાર કરો. તો એ માંસાહાર કરવું પડે, તો તે તમને ગુનેગાર તરીકે નોંધવામાં ના આવે. કારણ કે પોલીસવાળાના આધારે તમારે કરવું પડે છે. એવું કર્મોના દબાણથી આ ક્રિયા થયા કરે છે. તેમાં આ સ્થૂળ ક્રિયા છે, તમે સૂક્ષ્મ છો, પણ જો આ જ્ઞાન તમારા મનમાં રહે કે આત્માને કશું અડતું જ નથી, તો ઊંધું કરી નાખે. એટલે અમે આવું બહાર ના પાડીએ કે આત્મા સૂક્ષ્મ સ્વભાવી છે. વિષયોથી ડરો એમ કહીએ. વિષયો એ વિષ નથી, પણ નીડરતા એ વિષ છે. નીડરતા, મને કંઈ વાંધો નથી હવે, એ સંપૂર્ણ જ્ઞાની થયા પછી, એને અનુભવ જ્ઞાન થાય ત્યાર પછી. આ તો અમે તમને ફોડ પાડવા સમજણ પાડીએ.

આત્મા કોઈ વસ્તુને સ્પર્શ કરે એવો છે જ નહીં, અસ્પર્શ્ય છે. એ નિર્લેપ જ છે, કાયમને માટે અસંગ જ છે, પણ એ સમજમાં બેસ્યા વગર કામ ના લાગે. એ પૂરેપૂરું સમજી લેવું જોઈએ.

શુદ્ધાત્માપદ : અસંગ - નિર્લેપ - નિઃશંક

હવે તમારું શુદ્ધાત્માપદ ક્યારેય લેપાયમાન ના થાય એવું છે, ને ચંચળતા અડે નહીં. કારણ કે લક્ષ બેઠું છે. નિર્લેપ, અચળ આત્મા પ્રાપ્ત થાય તો જ લક્ષ બેસે, બાકી એમ ને એમ બોલે તો કશું વળે નહીં.

આ આપણું સાયન્સ છે ને, તેથી આપણે એમ કહીએ છીએને કે હવે તું શુદ્ધાત્મા છું અને સંસારમાં રહ્યો છું, તેની શંકા ના કરીશ. કારણ કે મેં જે તને આપ્યો છે એ શુદ્ધાત્મા કેવો છે ? વીતરાગોએ જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે, જે કેવળજ્ઞાન સ્વરૂપ છે, જે હું અનુભવી રહ્યો છું અને એ જ મેં તને આપ્યો છે. અને તને આપ્યો છે તે કેવો છે ? ત્યારે કહે છે, મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓથી તદ્દન અસંગ છે, બિલકુલ નિરાળો એવો આત્મા છે.

હું શુદ્ધાત્મા એટલે શુદ્ધ જ. મને લેપ અડે જ નહીં. સંગ અડે જ નહીં એવો અસંગ. માટે શંકામાં પડશો નહીં કે મને સંગ અડ્યો છે. કારણ કે અસંગીને સંગ કેમ અડે ? છતાં શંકા ઉત્પન્ન થઈ તો ભગવાન શું કહે છે ? તને શંકા પડી એ જ બતાવે છે કે આત્મા હાજર છે. માટે તું નિઃશંક જ છું. એવું આ અવિરોધાભાસ, વીતરાગી વિજ્ઞાન છે.

માર ખાતા જ પોતે પેસે શુદ્ધાત્માની ગુફામાં

પ્રશ્નકર્તા : અમે દેહના સંગથી અસંગ થયા, તો દેહના કર્મો કેટલા ભોગવવા પડે ?

દાદાશ્રી : દેહનો સંગ તો તીર્થંકરોનેય રહે. એમનેય (મહાવીર ભગવાનને) કાનમાં ખીલા ખોસાયા તેય વેદવા પડ્યા, એય હિસાબ છે. દેહનું આયુષ્યકર્મ હોય તે પૂરું કરવું પડે, પછી મોક્ષે જવાય. દેહમાં રહેવા છતાંય અસંગ અને નિર્લેપ રહેવાય એવું વીતરાગોનું વિજ્ઞાન છે !

પ્રશ્નકર્તા : દાદા, તો જ્યાં સુધી શરીરની અસર અહંકારને લાગે ત્યાં સુધી એ જેટલું છૂટું પડવું જોઈએ એટલું છૂટું પડ્યું નથી, એ એક થર્મોમિટર (માપદંડ) ખરુંને ?

દાદાશ્રી : અહંકાર આમાં છે જ ક્યાં તે ? આ તો મરેલો અહંકાર. મરેલા અહંકારની મૂછો ના હાલે ? પવનથી મૂછો હાલે એ જીવતો કહેવાય નહીં, મરેલો અહંકાર છે.

પ્રશ્નકર્તા : મરેલો ખરો પણ શરીરની અસરો એને અનુભવમાં તો આવેને ? આજે મને કોઈ લપડાક મારે તો મને અનુભવમાં તો આવેને કે મને કોઈએ માર્યું.

દાદાશ્રી : ના, એને ક્યાં વાગવાનું ?

પ્રશ્નકર્તા : શુદ્ધાત્મારૂપે જ્યારે વિચાર કરું ત્યારે ન વાગે એ બરાબર છે, પણ જે વાગે છે તે કોને વાગે છે ?

દાદાશ્રી : ચંદુભાઈને તો વાગે જ ને ! તમે તે ઘડીએ ચંદુભાઈ થઈ જાવ તો વાગે, (શુદ્ધાત્માની) ગુફામાંથી બહાર નીકળો તો ! લોક મારે, પણ મારે ત્યારે શુદ્ધાત્મા થઈ જાવ. માર ખાતા પહેલા તમે ચંદુભાઈ થઈ ગયા હો, પણ માર ખાતી વખતે તમે શુદ્ધાત્મા થઈ જાવ. તે ઘડીએ ગુફામાં પેસી જાવ. ‘માર ખાવો પડ્યોને હમણે’ કહીએ, ચંદુભાઈને.

લાલચ ગઈ કે રહે શુદ્ધાત્માની ગુફામાં

પ્રશ્નકર્તા : પણ દાદા, એ ગુફામાં કાયમ રહેવાય એવી કોઈ અવસ્થા ના હોય ?

દાદાશ્રી : ખરીને, પણ તમને જ્યાં સુધી હજુ આ લાલચો છે ને, ત્યાં સુધી એવી અવસ્થા કેમ આવે ? આ લાલચો છે. જેને કંઈ પણ લાલચ ના હોય તે ગુફામાં રહી શકે અને લાલચુને ગુફા કોઈ દહાડો આવે જ નહીં. લાલચ શાની કરવાની ? મહીં આવું ભયંકર સુખ, પાર વગરનું સુખ મહીં !

અસંગ જ્ઞાને ના વેદે, જાણે સર્વ જ્ઞેયને

પ્રશ્નકર્તા : એટલે દાદા, જે એ ગુફામાં સ્થિર થઈ ગયો, એને શરીરની કોઈ પણ સ્થિતિમાં કોઈ રીતે કોઈ અસર જ ન હોય ?

દાદાશ્રી : બધી સ્થિતિને એ જાણ્યા જ કરે. એનો જાણવાનો જ ધર્મ અને અસર થાય એટલો વેદવાનો ધર્મ એનો પોતાનો નથી. એટલે આમાં ને આમાં, દહીંમાં ને દૂધમાં બેઉ જગ્યાએ પગ હોય તે ઘડીએ વેદવું કહેવાય અને એકલો દૂધમાં પગ હોય ત્યારે જાણ્યું કહેવાય.

પ્રશ્નકર્તા : પણ દાદા, શરીરમાં હોવા છતાંય એવી સ્થિતિ આવે ખરી ?

દાદાશ્રી : હા આવે, અમે એટલે સુધી કહ્યું છે કે આટલું બધું જોવાથી, આટલું બધું જાણવાથી પણ સંગ જ નથી એને. સંગ એટલે જ્ઞેય જેટલું જોયું કે આ અડ્યું છે, આ અડ્યું છે પણ એ સંગથી આપણે અસંગ છીએ. આટલી બધી સંગી ક્રિયાઓ, બધું આખું જગત ચાલી રહ્યું છે પણ તેમાંય ‘હું અસંગ છું’ કહ્યું ત્યારથી ના સમજ્યા તમે ? આ જોખમવાળું વાક્ય વેદાંતમાં પણ ના હોય, કોઈ શાસ્ત્રમાં ના હોય.

આ જ્ઞાન એવું છે કે કોઈ પણ સંયોગો ઊભા થાય તો પણ કોઈ પણ સંયોગો તમોને અડે તો શું, પણ સ્પર્શ સરખોય ના થાય. સર્વ સમાધાનકારી આ જ્ઞાન છે.

અસંગ વૃત્તિ અનુભવાય સામાયિકથી

મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ જ છું. હવે સંગી ક્રિયાઓમાં અસંગ રહેવું એ કેટલી જાગૃતિ જોઈએ ?

પ્રશ્નકર્તા : જબરજસ્ત જાગૃતિ જોઈએ.

દાદાશ્રી : રોજ ત્રણ સામાયિક કરે ત્યારે સંગી ક્રિયામાં આમ એ અસંગ વૃત્તિ અનુભવે, નહીં તો સંગ જ થઈ જાય. હવે આપણા કેટલાક તો મહીં એકાદ કરતા હશે વખતે પણ બહુ નહીંને ? એટલે જ અમે કહીએ છીએ કે ચેતો ! રોજ ત્રણ સામાયિક તો કરવી જ જોઈએ. ‘પોતે છૂટો જ છું’ એવું ભાન રહેવું જ જોઈએ ત્રણ કલાક, તો અસંગ વૃત્તિ થાય. નહીં તો જોઈન્ટ (ભેગું) થઈ જાય પાછું. હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું એકલું કરે કંઈ વળે નહીં. અસંગ વૃત્તિ ના જોઈએ ?

પ્રશ્નકર્તા : જોઈએ.

દાદાશ્રી : મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓથી ‘હું’ તદ્દન અસંગ છે. છે જ અસંગ, પણ પેલા ભાસ્યમાન પરિણામ ફેરવી નાખે છે એને.

પ્રશ્નકર્તા : એને અનુભવમાં આવવું જોઈએ ?

દાદાશ્રી : અનુભવમાં આવવું જોઈએ અને નબળાઈઓ જવી જોઈએ. નબળાઈઓ ક્યારે જાય, કે પોતે કંઈક સામાયિક કરતા હોય તો જાય. એટલે વાત જો સમજે તો બહુ ઊંચી છે. જો આટલાથી જ, હજુ કશું નથી કરતો તે પહેલા આટલું બધું મળી ગયું છે, તો જો કરે તો કેવી દશા ઉત્પન્ન થાય !

અસંગતા એ આંશિક મુક્તિ, વીતરાગતા એ કાયમી મુક્તિ

પ્રશ્નકર્તા : આપે જે વાત કરી હતી કે વીતરાગતાનું ફળ મુક્તિ છે, તો એનો અર્થ એવો થયો કે અસંગતાનું ફળ પણ મુક્તિ છે ?

દાદાશ્રી : અસંગતા તો એક મિનિટ હોય, તો એક મિનિટની મુક્તિ. બે મિનિટ હોય તો બે મિનિટની, વીતરાગને તો કાયમની મુક્તિ.

પ્રશ્નકર્તા : એટલે વીતરાગને કાયમની મુક્તિ હોય ને પેલાને જેટલો સમય અસંગ રહે એટલો સમય જ મુક્તિ હોય ?

દાદાશ્રી : હા, અને સંગથી આ બંધન. આ સંયોગોના સંગથી બંધન ને સંયોગોથી અસંગ એનું નામ ‘મુક્તિ.’

જ્ઞાનીનું સમ્યક્ ચારિત્ર, અસંગ-નિર્લેપ

પ્રશ્નકર્તા : સમ્યક્ દર્શન થયું, પછી સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રની પ્રાપ્તિ થાય ?

દાદાશ્રી : હા, દર્શન થઈ ગયું. દર્શન પછી અનુભવ થવા માંડે. પ્રતીતિ છે એવા, ‘આત્મામાં સુખ છે’ એવા તમને અનુભવ થવા માંડે. કો’ક દહાડો આટલા અંશ, કો’ક દહાડા આટલા અંશ પણ અનુભવ થતા થતા અનુભવની પોટલી ભેગી થતી જાય.

પ્રશ્નકર્તા : અનુભવની પોટલી ?

દાદાશ્રી : તને પછી અનુભવ થાય છે ને ? એમાં ખરેખર સુખ છે એવું થાય છે ને ? તે એટલું એ પોટલીમાં ભેગું કર્યું. એમ કરતા કરતા પોટલી ભેગી થાય. આખી પોટલી પૂરી થઈ જાય, એટલે સમ્યક્ જ્ઞાન પૂરું થઈ ગયું કહેવાય. સમ્યક્ જ્ઞાનના અંશો ભેગા થાય છે.

પ્રશ્નકર્તા : સમ્યક્ જ્ઞાનના અંશો ભેગા થાય છે ?

દાદાશ્રી : અનુભૂતિની પોટલી અને અનુભૂતિ, એ બે થયા પછી સમ્યક્ ચારિત્ર શરૂ થઈ જાય છે. જે ચારિત્ર નિર્લેપ હોય, અસંગ જ હોય તે આત્માનું ચારિત્ર. સમ્યક્ ચારિત્ર અસંગ હોય, નિર્લેપ હોય. એ એમાં અમે એકલા જ હોઈએ. તે અમુક જ ટાઈમ, વધારે ટાઈમ નહીં. પણ અમે જોયેલું એટલે અનુભવેલું, એટલે અમે તમને કહી શકીએ ખરા કે સમ્યક્ ચારિત્ર શું છે ! વીતરાગો કયા ચારિત્રમાં વર્તતા, તે અમે તમને કહી શકીએ. સમજાવી શકીએ પણ તમને પહોંચે નહીં, કારણ કે એના માટે શબ્દો નથી. અમે જે કહેવા માગીએ છીએ, એના માટે શબ્દો નથી. એટલે જેટલા શબ્દોથી સમજાવાય એટલું સમજાવીએ. બાકી આ સમ્યક્ જ્ઞાનના માટે શબ્દો છે, ચારિત્ર માટે શબ્દો નથી.

છેલ્લા સ્ટેશનો, અસંગ અને નિર્લેપ

આ ‘હું શુદ્ધાત્મા છું’ એ મોટામાં મોટું પદ તમને મળ્યું છે પણ હવે સંપૂર્ણ નિર્લેપ અને સંપૂર્ણ અસંગ થવાનું છે. આ નિર્લેપતા અને અસંગતા, આ બે છેલ્લામાં છેલ્લા સ્ટેશન છે.

 

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18