ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18



બ્રહ્મચર્ય (ઉર્તરાધ)

ખંડ : ૧

પરણિતો માટે બ્રહ્મચર્યની ચાવીઓ....

[૧]

વિષય નહીં, પણ નિડરતાં એ વિષ !

ચેતો, વિષયની નીડરતાથી !

વિષયો એ વિષ નથી, વિષયમાં નીડરતા એ વિષ છે. માટે ગભરાશો નહીં. બધાં શાસ્ત્રોએ બૂમ પાડી કે વિષયો એ વિષ છે. શાનું વિષ છે ? વિષય એ વિષ તો હોતો હશે ? વિષયમાં નીડરતા એ વિષ છે. વિષય જો વિષ હોતને, તો પછી તમે બધા ઘેર રહેતાં હોત અને તમારે મોક્ષે જવું હોય તો મારે તમને હાંકીને મોકલવા પડે કે જાવ અપાસરે, અહીં ઘેર ના પડી રહેશો. એવું હાંકીને મોકલવું પડે કે ના મોકલવું પડે ? પણ મારે કોઈને હાંકવા પડે છે ? અમે તો કહીએ છીએ કે જાવ, ઘેર જઈને નિરાંતે પલંગમાં સૂઈ જાવ.

વિષયો વગરના બ્રહ્મચારી તો કેટલાં હશે આ દુનિયામાં ? એટલે પાંચ-દસ હજાર હોય, વખતે વીસ-પચ્ચીસ હજાર હોય. પણ તો ય આ સાડાચાર અબજ માણસો તો વિષ પીધા કરે છે. વિષયને વિષરૂપ લખ્યા, તેની માણસને મનમાં શી અસર થાય ? 'વિષયો વિષ છે', આ શબ્દો પૈણેલાઓને સંભળાય તો શું થાય ? પૈણેલા આગળ આ શબ્દ બોલવો જ ના જોઈએ અને જે આવો શબ્દ આપે, તેને કહીએ કે અલ્યા, જો કદી આવું વિષયો જ વિષ હોય તો પછી પૈણવાનું શેને માટે હતું ? આ તો થોડાક જ મનુષ્યો પૈણ્યા વગરના ફર્યા કરે છે. બીજું, આખું જગત તો પૈણેલું હોય છે. માટે જો ખોટું હોય તો આખું જગત પૈણે જ કેમ કરીને ? આ જે પૈણ્યા વગરના ફર્યા કરે છે, એ તો કસરતશાળામાં ગયા છે, કે સ્ત્રી વગર જિવાય છે કે નહીં ? એટલે એ તો કસરતશાળા છે. બાકી તમારે 'ટેસ્ટ એક્ઝામિનેશન'માંથી પસાર થવું પડશે, ને અહીં આગળ સ્ત્રીની સાથે જ, બૈરી-છોકરાં સાથે જ વીતરાગ થવું પડશે. ત્યાં હિમાલયમાં નાસી જઈને, વીતરાગ થઈએ (!) ને 'હમકુ ક્યા, હમકુ ક્યા ?' એમ કર્યા કરે, એ ચાલે નહીં.

સ્ત્રી વઢે અને રાતે એ ઘરમાં રહેવું, એ તો મોટામાં મોટી ટેસ્ટ એક્ઝામિનેશન છે ! એટલે સ્ત્રી સાથે મોક્ષ હોવો જોઈએ. સ્ત્રીની ગાળો ખાય અને સમતા રહે એવો મોક્ષ થવો જોઈએ.

ભગવાને આત્માના બે ભેદ પાડ્યા ; એક સંસારી ને બીજા સિદ્ધ. જે મોક્ષે ગયેલા છે તે સિદ્ધ કહેવાય છે ને બીજા બધા ય સંસારી. એટલે તમે જો ત્યાગી હો તો ય સંસારી છો ને આ ગૃહસ્થ પણ સંસારી જ છે. માટે તમે મનમાં કશું રાખશો નહીં. સંસાર નથી નડતો, વિષય નથી નડતા, કશું નડતું નથી, અજ્ઞાન નડે છે. એટલા માટે તો મેં પુસ્તકમાં લખ્યું કે વિષયો વિષ નથી, વિષયોમાં નીડરતા એ વિષ છે.

બૈરી-છોકરાં સાથે જ મોક્ષને માટે અમે આ રસ્તો બતાવ્યો છે. આ અહીંથી સીધો મોક્ષ નથી. આ એકાવતારી પદ છે. વીતરાગોની વાત તદ્દન સાચી છે કે સીધું જ મોક્ષે જવાતું હોય તો તો બૈરી-છોકરાં આ છેલ્લા અવતારમાં છોડવાં પડે. પણ આ તો એક અવતારીપદ છે. મોક્ષને ને સંસારને શી લેવાદેવા ? એકે ય કર્મ ના બંધાય, એની અમે ગેરન્ટી આપીએ છીએ. સ્ત્રી-છોકરાં સાથે ય કર્મ ના બંધાય.

સ્ત્રીનો નહીં, વાંક પોતાનો !

'વિષયો વિષ નથી' એવું એકલું કહેવામાં આવે, તો કેટલાંય ત્યાગીઓ જોડે મતભેદ પડી જાય કે તમે આવું કહો છો ? ના, હું વિષયને વિષ કહેવા માગતો જ નથી. હું વિષયમાં નીડરતાને વિષ કહું છું. તમે વિષયોને વિષ કહો છો, એ હું કબૂલ કરતો નથી. જે ના પૈણેલો હોય અને એ જો બ્રહ્મચારી તરીકે રહેવા માગતો હોય તો હું બહુ ખુશ છું. પૈણેલો હોય તેને શું એમ કહેવું કે બાયડી છોડીને નાસી જા તું ?! છતાં બાયડી છોડીને નાસી ગયો હોય અને એનો મોક્ષ થાય એવું ક્યારે ય પણ બને ? એવું કોઈના માન્યામાં આવે છે ? ત્યારે પૈણ્યો'તો શું કરવા ? શરમ નથી આવતી ? કોઈને દગો દેવાય નહીં. આ દુનિયામાં કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ આપ્યું હશે તો પણ મોક્ષ નહીં થાય. એટલે અમે આ સરળ રસ્તો ખોળી કાઢયો. નહીં તો આ બધાં પૈણેલાઓ કહે છે કે અમે મોક્ષે જવાનાં, તે શાથી એમ કહે છે ? પોતાને એમ લાગ્યું કે અમે મોક્ષમાં જવાને માટે આમ જઈ રહ્યા છીએ. કેટલાંં માઈલ ઉપર હતા ને તે હવે સેન્ટ્રલ ક્યાં સુધી આવ્યું એવું તમને લાગે છે ?

પ્રશ્નકર્તા : નજદીક છે.

દાદાશ્રી : સ્ત્રી-છોકરાં સાથે છે, છોકરાં ભણાવે છે, બધું કરે છે. સ્ત્રી મોક્ષને વાંધો કરતી નથી. તમારા વાંકે મોક્ષ અટકે છે. વાંક તમારો છે, સ્ત્રીનો વાંક નથી. સ્ત્રી નડતી નથી, તમારી અજ્ઞાનતા નડે છે.

એવું છે ને, મનુષ્યોએ વિષયનું તો પૃથક્કરણ કરી જોયું નથી. જો માનવધર્મ તરીકે વિષયનું પૃથક્કરણ કરે, જેમ કે કોઈ વસ્તુનું આપણે પૃથક્કરણ કરીએ ને એમાં શું શું વસ્તુઓ ભળેલી છે એમ જુદું પાડીએ, એવી રીતે વિષયનું જો પૃથક્કરણ કરે તો માણસ વિષય કોઈ દહાડો ફરી કરે નહીં. બે દહાડાથી વધારાનું વાસી ભજિયું ખવાય જ નહીં, છતાં ય પણ ત્રણ મહિનાનાં વાસી ભજિયાં ખાધાં હોય તો ય એ જીવતો રહેશે, પણ વિષય કરે તો એ જીવતો નહીં રહે. વિષય એ એવી વસ્તુ છે, એનું પૃથક્કરણ કરે તો પોતાને વૈરાગ જ રહ્યા કરે. જો વિષયો વિષ હોત તો ભગવાન મહાવીર તીર્થંકર જ ના થાત. ભગવાન મહાવીરને ય દીકરી હતી. એટલે વિષયોમાં નીડરતા એ વિષ છે. હવે મને કંઈ નડવાનું નથી, એવું થયું એ વિષ છે.

પ્રશ્નકર્તા : નીડરતા એ બેદરકારી કહેવાય ને ?

દાદાશ્રી : નીડરતા શબ્દ એટલા માટે મેં આપેલો છે કે વિષયમાં ડરે, નાછૂટકે વિષયમાં પડે. એટલે વિષયોથી ડરો, એમ કહીએ છીએ. કારણ કે ભગવાન હઉ ડરતા હતા, મોટા મોટા જ્ઞાનીઓ ય ડર્યા હતા, તો તમે એવાં કેવાં છો કે વિષયથી ડરો નહીં ?! મને કંઈ હવે નડવાનું નથી, એ વિષ છે. માટે વિષયથી ડરો. વિષય ભોગવો ખરાં પણ વિષયથી ડરો. જેમ સુંદર રસોઈ આવી હોય, રસ-રોટલીને એ બધું ભોગવો ખરાં પણ ડરીને ભોગવો. ડરીને શા માટે કે વધુ ખાશો તો ઉપાધી થઈ પડશે, એટલાં માટે ડરો.

એક બાવો ખોળી લાવો કે જેને આજ પૈણાવીએ આપણે અને મહિનો જો ઘર માંડે તો સાચું ! આ તો ત્રીજો જ દા'ડે નાસી જાય હંકે ! આ ફલાણું લઈ આવો, ફલાણું લઈ આવો કહ્યું કે ભાગી જાય. અને આ લોકોને હેરાન કરે 'હવે તમારું શું થશે' કહેશે, એટલે મારે આ ભારે શબ્દો લખવા પડ્યા, કે 'વિષયો વિષ નથી, જાવ ભડકશો નહીં.' કહ્યું. હું તમારો ભડકાટ કાઢવા માટે આવ્યો છું. સહજ ભાવે વિષયો ભોગવોને ! સહજ હોવું જોઈએ. સહજ ભાવે જો વિષયો ભોગવે તો વિષયો વિષયોને જ ભોગવે છે. આ તો સહજ ભાવે ભોગવતાં આવડતું નથી ને !

પ્રશ્નકર્તા : એટલે વિષયોમાં જે ખૂંપે છે, એમાં એની કંઈ હિંમત નથી કામ કરતી, એ તો એની આસક્તિ કરાવે છે.

દાદાશ્રી : ના, આપણને તેનો ય વાંધો નથી. વાંધો નીડરતાનો છે. એટલે કે 'હવે મને કંઈ નડવાનું નથી. હું ગમે તેમ વિષયો ભોગવું તો મને કશું થાય નહીં.' એવું બેફામપણું થાય, તે બેફામપણાને આપણે નીડરતા કહીએ છીએ. આ લોકોએ વિષયોને 'એકાંતિક વિષ' કહ્યું છે. એટલે સંસારીઓ 'ડિસ્કરેજ' થઈ ગયા. એટલે પછી આ સંસારીઓને વિષ જ પીધા કરવાનું ને ? આ ત્યાગીઓ એકલાને જ વિષ નહીં પીવાનું ? આ સ્ત્રી-વિષય એકલો જ વિષય નથી. ત્યાગીઓના ય બધા વિષયો હોય છે અને આ સંસારીઓને ય બધા વિષયો હોય છે. પણ આ શાસ્ત્રોમાં એકલા સ્ત્રી વિષયને માટે આવું બધું ઝેર સમાન કહ્યું છે. પણ એથી લોકોને ગભરાવી માર્યા છે કે આપણે તો સંસારી માણસ, વિષયો વિષ જેવા છે, તો ય કરવા તો પડે છે ને ! એટલે એ પછી એમને ખૂંચ્યા કરે. એ ગૂંચ કાઢી નાખવા જેવી છે ને ખૂંચ્યા કરે એ દુઃખ કહેવાય.

પ્રશ્નકર્તા : વિષયોમાં નીડરતા એ વિષ છે. તો નીડરતા ઉત્પન્ન થાય છે, એ શામાં આવે ?

દાદાશ્રી : પોતે નીડરતા રાખે તો રહે. એ અહંકારમાં આવે કે 'હું વિષયમાં જીતી ગયો, હવે વાંધો નથી આવે એવો.' એનું નામ નીડરતા. એ અહંકાર કહેવાય. જો નીડર રહ્યો તો એ વિષ થઈ ગયું. આ વિષયમાં નીડર તો ઠેઠ સુધી નથી થવાનું. પોલીસવાળાના પકડ્યા વગર કોઈ જેલમાં ના જાય ને ? પોલીસ પકડીને જેલમાં લઈ જાય તો જ જાવને ? પોલીસવાળાના લઈ ગયા વગર જેલમાં જાય તો ના સમજીએ કે એ નીડર થઈ ગયો છે ? પોલીસવાળો પકડીને જેલમાં લઈ જાય તો એનો ગુનો નથી, એવું આ વિષયમાં સંજોગો એને ખાડામાં પાડે તો એનો વાંધો નથી. અબ્રહ્મચર્યની ગાંઠ ઓગળે તો તો બધું જાય. આ સંસાર બધો એના ઉપર જ ઊભો રહ્યો છે. રૂટ કૉઝ જ આ છે. આ લોકોનાં દુઃખ કાઢવા માટે, લોકોના મનમાંથી ભાર નીકળી જાય એટલા માટે આ જ્ઞાની પુરુષ એમ કહે છે કે વિષયો એ વિષ નથી. તે તમને થાય કે ચાલો, આટલી તો નિરાંત થઈ !!

પત્ની સાથે મોક્ષ, એક શરતે !

પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા સ્વરૂપ થયા પછી સંસારમાં પત્ની જોડેનો સંસાર વ્યવહાર કરવો કે નહીં ? અને તે કેવા ભાવે ? અહીં સમભાવે નિકાલ કેવી રીતે કરવો ?

દાદાશ્રી : આ વ્યવહાર તો, તમારે પત્ની હોય તો પત્ની જોડે બંનેને સમાધાનપૂર્વક વ્યવહાર રાખજો. તમારું સમાધાન ને એમનું સમાધાન થતું હોય એવો વ્યવહાર રાખજો. એમને અસમાધાન થતું હોય ને તમારું સમાધાન થતું હોય એ વ્યવહાર બંધ કરજો. અને આપણાથી સ્ત્રીને કંઈ દુઃખ ન થવું જોઈએ. તમને કેમ લાગે છે ? કેવો વ્યવહાર કરવાનો ? એને દુઃખ ન થાય તેવો. બની શકે કે ના બની શકે ? હા, સ્ત્રી પૈણેલાં છે તે સંસાર વ્યવહાર માટે છે, નહીં કે બાવા થવા માટે. અને સ્ત્રી પાછી મને ગાળો ન દે કે, 'આ દાદાએ મારો સંસાર બગાડ્યો !' હું એવું નથી કહેવા માંગતો. હું તમને કહું છું કે આ જે 'દવા' (વિષયસંબંધ) છે એ ગળપણવાળી દવા છે માટે દવા હંમેશાં જેમ પ્રમાણથી લઈએ છીએ, એવી રીતે પ્રમાણથી લેજો.

ગળી લાગે એટલે પી પી કરવી એવું કંઈ કરાય ? જરા તો વિચાર કરો. શું નુકશાન થાય છે ? ત્યારે કહે છે કે, જે ખોરાક બધો ખાય છે એનું બ્લડ થાય છે, બીજું બધું થતાં થતાં છેવટે એનું રજ અને વીર્યરૂપે થઈ ખલાસ થઈ જાય છે. લગ્નજીવન દીપે ક્યારે ? કે તાવ બન્નેને ચઢે અને એ દવા પીવે ત્યારે. તાવ વગર દવા પીવે કે નહીં ? એકને તાવ વગર દવા પીવે, એ લગ્નજીવન દીપે નહીં. બન્નેને તાવ ચઢે ત્યારે જ દવા પીવે. ધીસ ઈઝ ધ ઓન્લી મેડિસિન. મેડિસિન ગળી હોય તેથી કંઈ રોજ પીવા જેવી ના હોય. લગ્નજીવન દીપાવવું હોય, તો સંયમીની જરૂર છે. આ બધાં જાનવરો અસંયમી કહેવાય. આપણું તો સંયમી જીવન જોઈએ ! આ બધાં જે આગળ રામ-સીતા ને એ બધાં થઈ ગયા, તે બધાં સંયમવાળા. સ્ત્રી સાથે સંયમી ! ત્યારે આ અસંયમ એ કંઈ દૈવી ગુણ છે ? ના. એ પાશવી ગુણ છે. મનુષ્યમાં આવાં ના હોય. મનુષ્ય અસંયમી ના હોવો જોઈએ. જગતને સમજ જ નથી કે વિષય શું છે ! એક વિષયમાં કરોડો જીવ મરી જાય છે, વન ટાઈમમાં તો, સમજણ નહીં હોવાથી અહીંયા મજા માણે છે. સમજતાં નથી ને ! ન છૂટકે જીવ મરે એવું હોવું જોઈએ. પણ સમજણ ના હોય ત્યારે શું થાય ?

એટલે અમે કહ્યું કે સ્ત્રીનો વાંધો નથી. પણ એવી શરતે બેઉને. સંપ અને સમજપૂર્વક કરો. ડોકટરે કહી હોય એટલાં વખત પીવાની. એ તો રોજ બે-બે ત્રણ વખત દવા પીએ, એના જેવું આ લોકોએ કરી નાખ્યું છે ને ? અને ખરેખર એ દવા એ ગળી નથી.

પ્રશ્નકર્તા : આ પણ આટલી જ દવા પીવી, એ કંઈ આપણા કાબૂમાં છે ? એ ડોઝ કાબૂમાં રહેતો ના હોય તો શું કરવું ?

દાદાશ્રી : ના કાબૂમાં હોય એવી વસ્તુ જ નથી હોતી આ દુનિયામાં.

દવા ક્યારે પીવાય ? તાવમાં તરફડાય ત્યારે !

આ 'અક્રમ વિજ્ઞાન' છે. પૈણવાથી ય મોક્ષ જાય એવો નથી. તમે બધા સંસારી છો ને એક અવતારી થવું છે, તો તેનો ગુણાકાર ક્યાંય મળતો નથી. આ જૈનશાસ્ત્રો ચોખ્ખું ના પાડે છે, આચાર્યો પણ ના પાડે છે. છતાં આપણને શી રીતે ગુણાકાર મળી ગયો ? ત્યારે મેં કહ્યું કે, સ્ત્રીની સાથે રહો, પણ મારી શરત શું છે કે તમે ગમે તે ખાજો-પીજો, પણ આ સ્ત્રી વિષય સંબંધમાં તો બન્નેને તાવ ચઢે તો જ દવા પીજો. આ દવા મીઠી છે, તેથી શોખને માટે પીશો નહીં. નહીં તો આ સંસારીઓને એકાવતારી તો શું, પણ સમકિત જ જલદી ના થાય ને ! અને આ તો બધાને ક્ષાયક સમકિત વર્તે છે. ફક્ત આટલી જ ભૂલ રહે છે. જગત આખું ય, મીઠું એટલે પીવે જ બસ, તાવ હોય કે ના હોય. એટલે આપણાં લોકોને તો આ અનાદિથી જ આવો અધ્યાસ થયેલો, તેથી અમારે વારે વારે કહેવું પડે છે !

બધા ધર્મોએ ગૂંચવાડો ઊભો કર્યો કે સ્ત્રીઓને છોડી દો. અલ્યા, સ્ત્રીને છોડી દઉં તો હું ક્યાં જાઉં ? મને ખાવાનું કોણ કરી આપે ? હું આ મારો વેપાર કરું કે ઘેર ચૂલો કરું ? હવે બાયડી છોડી દો તો મોક્ષ મળશે એવું કહે. તો બાઈડીએ શું ગુનો કર્યો છે ?

પ્રશ્નકર્તા : અને બાઈડીઓ ય એમ કહે ને, કે અમારે ય મોક્ષ જોઈએ, અમારે તમે નથી જોઈતા.

દાદાશ્રી : હા, એવું જ બોલેને ! આપણો ને આ બાઈનો, બેઉનો સહિયારો વેપાર. એટલે આમાં સ્ત્રીમાં દોષ નથી, તાવમાં દોષ નથી, તાવ ના ચઢ્યો હોય ને દવા પીઓ તેનો દોષ છે. એટલે આ બધી જોખમદારી સમજજો. આપણી વાત બાંયધરીપૂર્વકની છે અને તરત અનુભવમાં આવે એવી વાત છે !

આવી સરળતા મોક્ષાર્થીને ક્યાંથી ?

દવા નિયમથી લેવામાં આવે તો જ એને આજ્ઞામાં રહ્યો કહેવાય.

વિષયની લિમિટ હોવી જોઈએ. સ્ત્રી-પુરુષનો વિષય ક્યાં સુધી હોવો જોઈએ ? પરસ્ત્રી ના હોવી જોઈએ અને પરપુરુષ ના હોવો જોઈએ. અને વખતે એનો વિચાર આવે તો, એને પ્રતિક્રમણથી ધોઈ નાખવા જોઈએ. મોટામાં મોટું જોખમ હોય તો આટલું જ, પરસ્ત્રી અને પરપુરુષ ! પોતાની સ્ત્રી એ જોખમ નથી. હવે અમારી આમાં કશી ક્યાંય ભૂલ છે ? અમે વઢીએ છીએ કોઈ રીતે ? એમાં કશો ગુનો છે ? આ અમારી સાયન્ટિફિક શોધખોળ છે કે કેટલેથી, ક્યાં આગળ કર્મ નહીં ચોંટે, એવી શોધખોળ છે ! નહીં તો સાધુઓને એટલે સુધી કહ્યું છે કે સ્ત્રીની લાકડાની પૂતળી હોય તેને પણ જોશો નહીં, સ્ત્રી બેઠી હોય એ જગ્યાએ બેસશો નહીં. પણ મેં આવો તેવો ડખો નથી કર્યોને ? અને આવું સહેલું હોય તો પાળવું જોઈએ ને ? કે એમાં કશો વાંધો આવે છે ?

પ્રશ્નકર્તા : અમારે ઊંચે ચઢવું છે, માટે પાળવું જ છે !

દાદાશ્રી : તાવ ચઢે તો પીજો. એ તો ડાહ્યા માણસનું જ કામ હોય ને ? એટલે આ અમારું થર્મોમિટર મળ્યું છે. એટલે અમે કહીએ છીએ ને, કે સ્ત્રી સાથે મોક્ષ આપ્યો છે ! આવી સરળતા કોઈએ નથી આપી ! બહુ સરળ અને સીધો માર્ગ મૂકેલો છે. હવે તમારે જેવો સદ્ઉપયોગ કરવો હોય એ કરજો ! અતિશય સરળ ! આવું બન્યું નથી ! આ નિર્મળ માર્ગ છે, ભગવાન પણ એક્સેપ્ટ કરે એવો માર્ગ છે !!

કોઈ માણસને સજા થયેલી હોય ને એને જેલમાં ઘાલે, તો એ ત્યાં આગળ જઈને જમીન લીંપતો હોય તો આપણે શું સમજીએ ? એને લીંપવાનો શોખ છે ? પેલો પોલીસને કાલાવાલા કરીને કહેશે 'જરા પાણી લાવી આપને.' તે લીંપવા માટે કાલાવાલા ય કરે. શાથી ? કે એને સૂતાં નથી ફાવતું. એટલે એને શોખ નથી, ક્યારે છૂટું, એવું એને મનમાં હોય જ ! છતાં એ લીંપે છે ! તો શું આ વિરોધાભાસ નથી ? ના, આ વિરોધાભાસ નથી. આ તો કામચલાઉ જોઈશે કે નહીં ? નહીં તો કેડો તૂટી જાય. એવું આપણે કહીએ છીએ કે તમે આ દવા પીજો, પણ 'આમાંથી ક્યારે છૂટાય ?' એ તો ચૂકાય જ નહીં ને ? એ જાગૃતિ ના હોય તો શું કામની ?

છે ડિસ્ચાર્જ, છતાં માંગે જાગૃતિ !

આપણું આ 'અક્રમ વિજ્ઞાન' શું કહે છે ? ચાર્જને 'ચાર્જ' કહે છે ને ડિસ્ચાર્જને 'ડિસ્ચાર્જ' કહે છે. ડિસ્ચાર્જ એટલે આપણે કોઈ ત્યાગ કરવાનો કહ્યો નથી. આ જ્ઞાન આપ્યું એટલે તમારે જે ત્યાગ કરવાનું હતું, તે અહંકાર અને મમતા એ બેઉનો ત્યાગ થઈ ગયો અને ગ્રહણ કરવાનું પોતાનું સ્વરૂપ 'શુદ્ધાત્મા', તે ગ્રહણ થઈ ગયું. એટલે ત્યાગ કરવાની વસ્તુ ત્યાગ થઈ ગઈ અને ગ્રહણ કરવાની વસ્તુ ગ્રહણ થઈ ગઈ ! એટલે ગ્રહણ-ત્યાગની કડાકૂટો રહી નહીં, કે મારે આ ગ્રહણ કરવું છે કે આ ત્યાગ કરવું છે એવું ! બીજું, એકલો હવે નિકાલ રહ્યો. કારણ કે અમે અમારા જ્ઞાનથી શોધખોળ કરેલી કે આ બધું ડિસ્ચાર્જ છે. હવે છે ડિસ્ચાર્જ છતાં ય અત્યારનાં માણસોને જરા અમારે ચેતવવાં પડે છે, સ્ત્રી-પુરુષના વિષય સંબંધમાં ચેતવવા પડે છે.

એક મહાત્મા છે ને તે પછી એવું માની બેઠા કે આ બધું ડિસ્ચાર્જ જ છે. ત્યારે મેં એમને સમજણ પાડી કે

ડિસ્ચાર્જનો અર્થ શો ? કે તમને તાવ ચઢયો હોય પછી બેનને પૂછીએ કે તમને તાવ ચઢયો છે ? બન્નેને તાવ ચઢે તો દવા પી લેવી. એક ને તાવ ચઢ્યો હોય પણ પેલીને તાવ ના ચઢે ત્યાં સુધી આપણે પીવી નહીં અને બન્ને ને તાવ ચઢે ત્યારે પીવી. આ તો રોજ પીવે છે. મીઠી છે ને, ફર્સ્ટકલાસ બેઉ.... એટલે હું આવું કહું છું એમને. નહીં તો શરીર કેવાં દેખાય આમ ! હવે એ અજ્ઞાનતામાં પહેલાં દુઃખ હતું, બળતરા જ હતી આખો દહાડો એટલે તું આખો દહાડો છે તે આ ધંધો લઈ બેઠેલો પણ હવે નથી બળતરા. હવે સહેજ પાંસરો મરને ! બળતરા હોય ત્યાં સુધી હું વઢું નહીં કોઈને. હું જાણું કે બળતો માણસ શું ના કરે ? અને અખંડ આનંદવાળા બનાવી આપ્યા છે મેં તમને, હવે આ શું કરવા પી-પી કરો છે ?! વગર તાવમાં મૂઆ દવા પીઓ છો ! કોઈ વગર તાવે દવા પીએ ખરો ? જરૂરિયાત જ નહીં શરીરને. એમ ને એમ આનંદમાં છે ! સમજવા જેવી વાત છે.

અને એ જે છે એ શરીરને નુકસાનકારક વસ્તુ છે. આ જે તમે ખાઓ છો, પીઓ છો એનું એકસ્ટ્રેક્ટ થતું થતું જે વીર્ય, એ આખો સાર છે એટલે તે ય ઈકોનોમીકલી સ્ટેજ હોવા જોઈએ. ગમે તેમ લાફું વાપરવાનું નથી. હેં ! એટલે આપણે તો ચંદુભાઈને કહેવાનું કે ભઈ આમ ના ચાલે. 'લાફા ના થવાય' આપણે તો વિષયી છીએ જ નહીં. આપણને લાગતું-વળગતું નથી પણ આપણે ચંદુભાઈને કહેવું જોઈએ. નહીં તો પાછા ચંદુભાઈ માંદા પડે તો આપણે ઉપાધિ ખરીને ? એટલે ચેતતા રહીએ તો એમાં શું ખોટું ? નહીં તો એ નિર્વીર્ય થાયને શરીર તો આ કહેશે, હે..... ગયું, એ ગયું, આ ગયું. મેર ચક્કર ! ત્યારે પહેલા દાદાનું કહ્યું માન્યું નહીં ને હવે ગયું, ગયું કર્યા કરે છે. પાંત્રીસ વર્ષે તો એક ભઈને પક્ષાઘાત થઈ ગયો બહુ આસક્તિવાળા હતા. આમ ધર્મ સારો પાળે બધો. પછી મેં એમને કહ્યું આ તમે આસક્તિ મોળી ન્હોતી કરતાં પણ હવે તો મોળી કરવી પડશે ને ! ત્યારે કહે, 'મોળી શું આખી જ ગઈને. હવે ક્યાં આસક્તિ રહી ?' ત્યારે મેં કહ્યું 'પહેલેથી સમજ્યા હોત તો આ ભાંજગડ ના હોત ને ! આમ જેલમાં પૂરાવ છો ત્યારે સીધા પાંસરા થાવ છો. ત્યારે મુક્ત રહેવામાં શું વાંધો છે ?' પણ મુક્તિમાં ના રહે, નહીં ? જેલમાં જઈશું, ત્યારે રહીશું પાસરા !

એટલે પછી આ માર્ગ અક્રમ નીકળ્યો કે ભઈ, ના એવું તેવું નથી. બન્નેને તાવ ચઢ્યો હોય તો પીજો બા દવા. તાવ સાથે આખી રાત હૂડ..... હૂડ...... બેસી રહેવું એના કરતાં પીજોને ! એવું અક્રમ વિજ્ઞાન નીકળ્યું.

એટલે છેવટે મેં શું કહ્યું ? આ લોકો કાચા છે, એટલે મારે આ નવું વાક્ય મૂકવું પડ્યું. જો થોડાક પાકા હોત, ચારેક આની કાચા હોય ને બાર આની પાકા થયેલા હોત તો મારે એ ય ના કહેવું પડત. આ એક અપવાદ મૂકવો પડેલો ! હવે એનાથી આ જ્ઞાન કંઈ જતું રહેતું નથી, પણ એને પોતાને એ ગૂંચવી નાખે. દવા તો લેવી જરૂરી જ છે, કારણ કે 'મેરેજ' થયેલા છે. પણ સ્ત્રી-પુરુષનો જે સંબંધ છે તે મેં તમને એનાથી છૂટા નથી પાડ્યા. પણ કાયદો શું કહે છે કે જો મોક્ષે જવું હોય, તો ખાવાનું શેને માટે ? ભૂખ મટાડવા માટે ખાવાનું છે. એવું દવા તો તાવ ચઢે તો જ પીવાની ને ? તમને સમજાયું કે તાવ કોને ચઢ્યો કહેવાય ને કોને ના ચઢ્યો કહેવાય ?

હવે આટલો જ એક નાનો અમથો કાયદો પાળવાનો કહું છું. આમાં કંઈ બહુ અઘરી વસ્તુ છે ? તે ય જો તમે સાયન્ટિસ્ટ માણસો હો, તો તમને કહેવાની જરૂર નથી. આ બધા સાયન્ટિસ્ટ નહીં ને ? આ દવા તો ઘણી સરસ છે, સુગંધીદાર છે, માટે પીઓને, કહેશે ! અલ્યા, એ દવા કહેવાય. દવાનો શોખ ના હોય ! દવાનો તે શોખ હોતો હશે ? દવા એટલે ઉપાય કહેવાય.

પ્રશ્નકર્તા : શોખ શેનો રાખવાનો ?

દાદાશ્રી : આનંદનો, કાયમ આનંદ રહે એનો શોખ રાખવાનો અને જે થાળીમાં આવ્યું હોય, તે ખાવું-પીવું ને મોજ કરવી. એની કંઈ ના નથી. અને બ્રહ્મચર્ય પળાય તો એના જેવું તો સુખ, એ સુખની તો મર્યાદા જ નથી, એટલું બધું સુખ છે ! અમર્યાદ સુખ છે !! એ મેં જોયેલું છે ને અનુભવેલું છે ! તેથી અમને આખો દહાડો ય આનંદ રહેને ! એવો આનંદ હોય તો પછી વિષય સાંભરે જ નહીં. વિષય યાદ જ ના આવે તો પછી ભાંજગડ ક્યાં રહી ?

શરૂ કરો આજથી જ....

તમને 'તાવ ચઢે તો દવા પીજે' એ મારી વાત ગમી કે ના ગમી ?

પ્રશ્નકર્તા : ગમી ને !

દાદાશ્રી : એવું ! ગમ્યું હોય તો આજથી શરૂ કરી દેવું. ના ગમતું હોય તો થોડા દહાડા પછી. આપણે ઉતાવળ શી છે ? પચ્ચીસ વર્ષ પછી !! આની કંઈ ઓછી જબરજસ્તી છે ? બાકી મોટામાં મોટી જોખમદારી તો આ વિષયની જોખમદારી છે ! છતાં અમે કહ્યું કે તાવ ચઢે તો જ દવા પીજે. તો અમારી જોખમદારી ને તમને મોક્ષમાર્ગમાં વાંધો નહીં આવે. આ આટલી બધી જોખમદારી લેવા છતાં તમે કહો છો કે અમને બરોબર પૂરી છૂટ નથી આપતા, તો તે તમારી ભૂલ જ છે ને ? તમને કેવું લાગે છે ? આપણું આ 'અક્રમ વિજ્ઞાન' છે ! સ્ત્રી સાથે રહેજો. આજે બધાં શાસ્ત્રોએ સ્ત્રી સાથે રહેવાની જ ના પાડી છે, ત્યારે અમે રહેવાનું કહીએ છીએ. પણ જોડે આ થર્મોમિટર આપીએ છીએ એટલે સ્ત્રીને દુઃખ ના થાય એવી રીતે વિષયનો વ્યવહાર રાખવો.

પ્રશ્નકર્તા : એ તાવ ચઢતો બંધ થાય કે નહીં ?

દાદાશ્રી : ના, એ તો ફરી પાછો ચઢે.

પ્રશ્નકર્તા : તો એને બંધ કેવી રીતે કરવો ?

દાદાશ્રી : એ બંધ ના કરશો. બન્નેને તાવ આવે ને દવા પીઓ તો જોખમદારી તમારી નહીં, પછી મારી જોખમદારી. જો શોખની ખાતર દવા પીતા હો તો તમારી જોખમદારી. હું જાણું છું કે તમે બધા પૈણેલા છો, એટલે બધાને કંઈ એમ ને એમ જ્ઞાન નથી આપ્યું ! પણ જોડે જોડે અક્રમની આ જવાબદારી લીધી છે કે આટલે સુધી કાયદામાં હો તો જોખમદાર હું છું.

પ્રશ્નકર્તા : વાઈફની ઈચ્છા ના હોય અને હસબંડના ફોર્સથી પીવી પડે દવા, તો શું કરવું ?

દાદાશ્રી : પણ એ તો શું કરે ? કોણે કહ્યું'તું, પૈણ ?

પ્રશ્નકર્તા : ભોગવે તેની ભૂલ. પણ દાદા કંઈક એવું બતાવો ને, એવી કંઈક દવા બતાવો કે જેથી કરીને સામા માણસનું પ્રતિક્રમણ કરીએ, કશું કરીએ તો ઓછું થઈ જાય.

દાદાશ્રી : એ તો આ સમજવાથી, વાત સમજણ પાડવાથી કે દાદાએ કહ્યું છે, કે આ તો પી પી કરવા જેવી ચીજ નથી. જરા પાંસરા ચાલો ને, એટલે છ-આઠ દહાડા મહિનામાં દવા પીવી જોઈએ. આપણું શરીર સારું રહે, મગજ સારું રહે તો ફાઈલનો નિકાલ થાય. નહીં તો ડિફોર્મ થઈ જાય.

પ્રશ્નકર્તા : તાવ ચઢે જ નહીં એવું કંઈક કરી આપો !

દાદાશ્રી : એવું જ કરી આપ્યું છે. પણ તમને હજુ....

પ્રશ્નકર્તા : નિશ્ચય કાચો છે.

દાદાશ્રી : નિશ્ચય કાચો છે. આ તો ઈફેક્ટ છે, આ ડિસ્ચાર્જ છે, એમ કરીને નિશ્ચય કાચો થઈ જાય છે.

પ્રશ્નકર્તા : સમજમાં આવે એટલે વર્તનમાં આવે જ ને ?

દાદાશ્રી : સમજમાં તો આવ્યું નથી. આ બુદ્ધિપૂર્વકનું સુખ નથી. એવું સમજમાં જ નથી આવ્યું. મેં જલેબી ખાવાની છૂટ આપી. દૂધપાક ખાવાની છૂટ આપી. આ દારૂમાં સુખ આવે છે, એ બુદ્ધિપૂર્વકનું સુખ ના કહેવાય. સીગારેટમાં સુખ આવે છે, એ બુદ્ધિપૂર્વકનું સુખ ના કહેવાય. આમ દેખાદેખીથી જ છે.

એક ફેરો જાણી લેવાની જ જરૂર છે કે તાવ આવે તો જ દવા પીવાય. પછી એ બાજુનું નક્કી થઈ ગયું, તો મન પછી એવું નક્કી રાખે છે. કારણ કે એને આત્મસુખ તો મળ્યું ને ! જેને કોઈ પ્રકારનું સુખ જ ના હોય, તેને તો પછી એ વિષય સુખ છે જ, એને તો આપણે વાળીએ જ નહીં અને એને તો વાળી શકીએ પણ નહીં. જ્યારે આ તો આત્મા તરફનું સુખ મળ્યું છે, તેથી પોતાના આ સુખમાં વળી જાય છે અને પાછું મન જ્યારે ક્યાંય સહેજ ટકરાય તો તે વખતે પાછું બહાર પેલી વિષય બાજુ નહીં વળતાં આત્મા બાજુ મહીં વળી જાય છે. પણ જેને આ જ્ઞાન ના મળ્યું હોય, તેને શું થાય ? આ મોક્ષનો માર્ગ છે. એટલે અહીં આટલું જ સમજજો જરા. તમને આ વાત ગમી કે ? આ 'અક્રમ જ્ઞાન' સાચું છે ને ?

પ્રશ્નકર્તા : હા, સાચું છે.

દાદાશ્રી : વિષયની હાજરીમાં ય મોક્ષ થાય એવું આ 'જ્ઞાન' છે ને ?! આ અમારી શોધખોળ છે. બહુ ઊંચી જાતની શોધખોળ છે ! તમને લાડવા-જલેબી બધું જ ખાવાની છૂટ આપી છે. કૃપાળુદેવે તો શું કહેલું કે, 'ભાવતી થાળી આવે તો બીજાને આપી દેજો.' તે કોઈએ, બીજાને આપી દીધી ? એકે ય એવો પાક્યો કે જેણે ભાવતી થાળી બીજાને આપી દીધી ? આ કોઈ આપી દે એવાં છે ? એ તો એક 'જ્ઞાની પુરુષ' એકલાં જ એવું કરે. જ્યારે મેં તો તમને કહ્યું કે, 'ભાવતી થાળી ખાજો, નિરાંતે ! કેરીઓ ખાજો, રસ ખાજો.' કોઈએ આવી છૂટ આપી નથી. અત્યાર સુધી કોઈ શાસ્ત્ર એવું નથી કહેતું કે સંસારીવેષે આમ થાય. આ તો બધાં શાસ્ત્રોએ 'સ્ત્રીથી છેટા ભાગો,' એવું કહેલું છે. પણ અમે આ નવી શોધખોળ કરી છે ! મારી આ નવી વૈજ્ઞાનિક શોધખોળ છે. ચોવીસ તીર્થંકરોનું ભેગું વિજ્ઞાન છે આ !!

અહીં આપણે પોતાની સ્ત્રી કે પોતાના પુરુષ પૂરતી જ વિષયની છૂટ આપીએ છીએ, એમાં એવી જવાબદારી રહેતી નથી. એથી અમે છૂટ આપી છે. બાકી શાસ્ત્રકારોએ તો આ હપુચું ઉડાડી જ મેલ્યું કે 'એ ય સ્ત્રીને છોડી દો' એમ કહી દીધું. પણ આ તો આપણું વિજ્ઞાન છે, એટલે એક બાજુ શાંતિ રહે એવું છે અને એટલે આજ્ઞામાં રહેવા તૈયાર થાય છે. બાકી છૂટ આપી છે, એનો જો ઊંધો અર્થ કરે તો તો આમાં માર ખાઈ જાય ને ?

લોકસંજ્ઞાથી ફસાયો વિષયમાં

બાકી વિષય તો લોકસંજ્ઞા છે. ખાલી વિચાર્યા વગરની વાત છે. કૃપાળુદેવે તો એનું બહુ ખરાબ રીતે વર્ણન કર્યું છે. એને તો 'થૂંકવા યોગ્ય પણ એ ભૂમિકા નથી,' એમ કહ્યું છે. તેનાં પર લોક ટીકા કરે ! જગત છે ને ! જગતને આ વાત ગમે નહીં ને ? દુનિયામાં તો સહુ સહુની દ્રષ્ટિ જ જુદી હોય. એટલે એક જણનું કહેલું સાચું માનવાનું જ ના હોય.

પ્રશ્નકર્તા : પણ એ 'વ્યવસ્થિત'ના ક્ષેત્રમાં વિષય ખરો કે નહીં ?

દાદાશ્રી : ખરું ને ! પણ તે તાવ આવે તો 'વ્યવસ્થિત'ના ક્ષેત્રમાં, નહીં તો 'વ્યવસ્થિત'નો દુરુપયોગ કરીએ છીએ. તાવ ચઢે તો ટીકડી લીધી હોય તેનો વાંધો નહીં. રોજ તાવ ચઢતો હોય તો રોજ ટીકડી લેવી, પણ તાવ ચઢતો હોય તો જ લેવાય. નહીં તો ના લેવાય. તમને આ વાત ગમી કે ?

પ્રશ્નકર્તા : ગજબની વાત છે દાદા !

દાદાશ્રી : એમ ?! જુઓ અમે કશો વાંધો ઉઠાવ્યો છે ? નહીં તો એક વખત પણ સ્ત્રીનો સંયોગ, તે શાસ્ત્રકારો ના પાડે છે. એ તો શું કહે છે કે, 'ઝેર ખાજે, મરજે, પણ સ્ત્રી સંયોગ ના કરીશ.' જ્યારે અમે તો તમારી જવાબદારી લીધી છે. કારણ કે તમે આત્મા માટે નિઃશંક થયેલા છો. ફક્ત આટલું જ કહ્યું છે ને કે, તાવ ચઢે તો જ દવા પીજો. બાકી જગતમાં તો બધા વિષય જ છે, આ સ્ત્રી વિષય તે એકલો જ વિષય નથી. સ્ત્રી છોડી તો ય નર્યા વિષય જ છે. વિષય વગરનો મનુષ્ય થઈ શકતો નથી. જ્યાં સુધી દ્રષ્ટિ બદલાય નહીં, ત્યાં સુધી વિષય જ છે. દ્રષ્ટિ બદલાય, તે ય સમ્યક્ દ્રષ્ટિ થાય, ત્યારે વિષય ઓછા થાય. પણ વિષય જાય નહીં. એ તો સાતે ય સાત પ્રકૃતિ જાય ત્યારે વિષય જાય.

અક્રમ સિવાય, આવી છૂટ મળે ?!

એટલે અમે અક્રમ વિજ્ઞાનમાં તો પોતાની સ્ત્રી સાથેનાં અબ્રહ્મચર્યનાં વ્યવહારને અમે બ્રહ્મચર્ય કહીએ છીએ. પણ તે વિનય પૂર્વકનો અને બહાર કોઈ સ્ત્રીના પર દ્રષ્ટિ ના બગડવી જોઈએ અને દ્રષ્ટિ બગડી હોય તો તરત ભૂંસી નાખવી જોઈએ. તો એને આ કાળમાં અમે બ્રહ્મચારી કહીએ છીએ. બીજી જગ્યાએ દ્રષ્ટિ નથી બગડતી, માટે બ્રહ્મચારી કહીએ છીએ. આને કંઈ જેવું તેવું પદ કહેવાય ? અને પછી લાંબે ગાળે એને સમજાય કે આમાં ય બહુ ભૂલ છે ત્યારે હક્કનું પણ છોડી દે. ઘણાં એ છોડી દીધેલું. આ તો બહુ મોટામાં મોટું અહિતકારી વસ્તુ હોય, સ્ત્રી તો આ વિષય એકલો જ છે, આ જગતમાં.

એટલે આ બધું સમજવું પડે. એમ ને એમ ગપ્પું ચાલતું હશે ? કેવો બાબો ને બેબી છે, હવે શું કામ આપણે.... સારા સંપીને ફ્રેન્ડશીપથી રહીએ. અને પ્રારબ્ધમાં ઉદય હોય તો, બેઉ જણને તાવ ચઢ્યો હોય તો દવા પીવો, એવું કહું છું હું. હું ખોટું કહું છું કે તમારો વિરોધી છું હું કંઈ ? બધું વિચારીને લખેલું છે ને મેં.

પ્રશ્નકર્તા : બરાબર છે. સાચી વાત છે.

ખાવા-પીવામાં તો ક્યાં આપણે કશો વાંધો ઉઠાવ્યો છે, કે આ ના ખાશો ને તે ના ખાશો ?! ત્યારે કપડાં પહેરવામાં વાંધો ઉઠાવ્યો છે ? ચાર ગોદડાં પાથરો તો ય કશો વાંધો છે ? બીજી કશી ભાંજગડ નથી. અહીં આગળ તમે કાનમાં અત્તર ઘાલીને આવો તો ય અમને કશો વાંધો નથી. એક ફક્ત આ વિષયસંબંધીનો જ જોખમવાળો માલ છે. એટલે અમે ધીમેથી સમજાવીએ. કારણ કે અમારા શબ્દ યથાર્થ જાગૃતિમાં રહે નહીં ને, કે આત્મા કેવો છે ? મૂળ આત્મા કેવો છે ? કે, 'મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓમાં પણ અસંગ છે.' અને એ જ સ્વરૂપ અમે તમને આપેલું છે. સંગી ક્રિયાઓમાં પણ પોતે અસંગ છે. પોતે સંગી ક્રિયાનો જાણનાર છે. હવે આટલી બધી જાગૃતિ તમને રહે નહીં ને !

પ્રશ્નકર્તા : મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓમાં તદ્દન અસંગ છે, એવું સ્ટેજ આવતું હશે ને ?

દાદાશ્રી : આવે. તે કોઈ ક્ષણ આવે, દરેક ક્ષણ ના આવે. આ જ્ઞાન છે એટલે ફર્યા કરે ખરું. કોઈ ક્ષણ આવે. આપણે અહીં રોજ સૂર્યગ્રહણ હોય છે ?! એના જેવું છે !

અમે એટલા બધા જ્ઞાન વાક્યો આપ્યા છે કે તમને દરેક પ્રસંગમાં એલર્ટનેસ રહે. તે એટલી બધી જાગૃતિ રહેવી જોઈએ.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18