ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18



બ્રહ્મચર્ય (ઉર્તરાધ)

ખંડ : ૧

પરણિતો માટે બ્રહ્મચર્યની ચાવીઓ....

[૧૧]

ચારિત્ર્યનો પ્રભાવ !

ચારિત્ર્યનો પાયો, મોક્ષપંથે આધાર !

ખાવ-પીવો, મઝા કરો. બધી બહુ ચીજો ખાવાની છે. એક જણને કંઈક વિકારી કટેવ હતી. તે કટેવ છોડાવવા માટે મેં શું કહ્યું ? આ ગંદવાડામાં શું પડે છે ? બીજી બધી ચીજ વાપરોને ? સેંટ, અત્તર, બધું રાખી મૂકોને ! આ તમને નહીં ગમે ? તો કહે, 'આ મને ગમશે.' એટલે આમ કરીને આ મનને અટાવી-પટાવીને કામ કાઢી લેવાનું છે. આ ગોળી ના હોય તો બીજી ગોળી આપવી, ને બીજી ના ફાવે તો ત્રીજી, એમ જાતજાતની ગોળીઓ બતાવી છે તે આપવી. ગમે તે ગોળીને મન વળગ્યું એટલે ચાલ્યું. પછી પેલા ગંદવાડામાંથી છૂટી જાયને !

ચારિત્ર્યનો સ્ટ્રોંગ થઈ ગયો, એટલે જગત જિતાઈ જશે. જગત જીતવા માટે ચારિત્રનો સ્ટ્રોંગ એટલું જ જોઈશે. ગમે તે કપડાં પહેરતાં હોય, તે વાંધો નથી. વ્યવહાર ચારિત્રને અને કપડાંને કંઈ લેવાદેવા નથી. કપડામાં તો એકનો એવો મત છે, બિલકુલ કપડું ના જોઈએ. કોઈ એકનો એવો મત છે કે ધોળું કપડું વીંટવું જોઈએ. પણ તમે કોટ-પાટલૂન પહેરો તો ય વાંધો નથી. એ બધા મત વ્યવહારના છે. ખાવાની વસ્તુ કંઈ ભ્રાંતિ જેવી વસ્તુ નથી. મોટા માણસને ય જલેબી મોઢામાં મૂકે તો ગળી લાગે ને ? ના લાગે ? એટલે એકલું 'ચારિત્ર્ય' જિતાયું કે આખું જગત જીતી ગયા. બાકી ખાવ, પીઓ તેનો મને વાંધો નથી. વધારે ઓછું ખાવ તો કોઈ વાંધો ના ઉઠાવે ને ? તમે અત્તર નાખતા હો તો લોક વાંધો ઉઠાવે ? અને આવડી આવડી મૂછો રાખો, થોભિયા રાખો તો ય જગત વાંધો ના ઉઠાવે. જગત તો જ્યાં વાંધો છે ત્યાં જ વાંધો ઉઠાવે. જગતને આ બીજી બધી વસ્તુઓમાં વાંધો જ નથી. અને આ અણહક્કમાં તો જોખમદારી બહુ જ છે, ભયંકર અધોગતિમાં ફેંકી દે છે !!! જગત તો અરીસા સ્વરૂપ છે, તે આપણને દેખાડે છે, આપણું રૂપ દેખાડે છે. જે જે ટકોર કરનારા છે ને, એ આપણો જ અરીસો છે.

ખરેખર તો, વિષયમાં સુખ નથી જ. જે સુખ માન્યું છે ને, તે સાવ રોંગ બિલિફની ય રોંગ બિલિફ છે. આ જલેબીમાં સુખ લાગે છે. હવે કો'કને જલેબી ના ભાવતી હોય તો એને શિખંડ તો ભાવે, એટલે આ વસ્તુઓ ય સુખદાયી લાગે છે. જ્યારે વિષય એ તો દરાજ વલૂરે એના જેવું છે. એ વસ્તુ નથી છતાં એમાં સુખ આવે છે ને ?! એટલે વિષય એ રોંગ બીલિફની યે રોંગ બીલિફ છે. અને એ પાછું જગતમાં ચાલ્યું એ ચાલ્યું પછી. સાચી સમજણ જ નથી ને !

હું આ બધાને એટલા માટે બ્રહ્મચર્યની સમજ પાડું છું. કારણ કે ચારિત્રના પાયા ઉપર મોક્ષમાર્ગ ઊભો રહ્યો છે. આપણે ખાવું પીવું હશે તેનો વાંધો નથી. એક દારૂ કે માંસાહાર નહીં કરવાનો. બીજું બધું ભજિયાં- જલેબી ખાવાં હોય તો ખાજો, એનો ઉકેલ લાવી આપીશ. હવે આટલી બધી છૂટ આપવા છતાં ય તમે આજ્ઞામાં સારી રીતે ના રહી શકો તો શું થાય ? કૃપાળુદેવે એટલે સુધી કહેલું કે તારી ભાવતી થાળી બીજાને આપી દેજે. આપણે અહીં તો શું કરવાનું કહ્યું છે કે તને શાંતિ શેનાથી આવે છે, તે તું કર. તું ભાવતી થાળી બીજાને ના આપી દઈશ, નિરાંતે ખાજે. આપણે તો ચારિત્રનો પાયો મજબૂત રાખવો. મોક્ષે જવામાં એ એકલી જ વસ્તુ મૂળ વસ્તુ છે.

આપણે અહીં જ્ઞાન લીધા પછી ક્રોધ-માન-માયા-લોભ થાય નહીં. એટલે આ વ્યવહાર ચારિત્ર બહુ ઊંચું કહેવાય. જે ક્રોધ-માન-માયા-લોભ થાય છે એ નિકાલી બાબતનાં થાય છે, એ નિર્જીવ છે. એટલે ખરેખર ક્રોધ-માન-માયા-લોભ નથી. માટે આ વ્યવહાર ચારિત્ર બહુ ઊંચું કહેવાય, પણ આ બ્રહ્મચર્ય બરોબર નહીં સચવાવાથી બધું ચારિત્ર કાચું પડી જાય. હવે બ્રહ્મચર્યને માટે એવું જોર કરીને, તાણીને લાવવા જેવું નથી. બ્રહ્મચર્ય એની મેળે સહેજે ઉદયમાં આવે તો કામનું છે. આપણો ભાવ બ્રહ્મચર્યને માટે હોવો જોઈએ. જ્યાં સુધી બ્રહ્મચર્ય બરોબર સચવાતું નથી, ત્યાં સુધી આ પૌદ્ગલિક સુખ અને આત્મસુખ એમ બેનો ભેદ સમજવા નહીં દે.

વ્યવહાર ચારિત્ર એટલે કોઈ સ્ત્રીને દુઃખ જ ના થાય તેમ વર્તે, કોઈ સ્ત્રી તરફ દ્રષ્ટિ ના બગાડે. મુદતબંધી ચારિત્ર તો સારું કહેવાય. અભ્યાસ તો થાય ને !! ચારિત્ર લીધું એટલે ભાંજગડ જ મટી જાય ને ! પછી એ વિચારો એવું જાણે કે આમને અપમાન લાગશે, એટલે જાણી- જોઈને ઓછાં આવે.

'જ્ઞાની પુરુષ'ના આધારે ચારિત્ર એ તો મોટામાં મોટી વસ્તુ છે. જ્યારે 'જ્ઞાની પુરુષ'નું ચારિત્ર તો બહુ જ ઊંચું હોય, મન પણ કોઈ દહાડો બગડે નહીં.

વિષયનો વિચાર પણ આવવો ના જોઈએ અને વિચાર આવ્યો તો તેને ધોઈ નાખવો. વિષયનો મનમાં ભાવ એકલો જ ઉત્પન્ન થાય, પણ વાણીમાં ના હોય, વર્તનમાં ના હોય, વિચારમાં ના હોય અને કો'ક વખત સહેજ વિચાર મનમાં આવે તો તેનું પ્રતિક્રમણ કરી નાખવું. આને વ્યવહાર ચારિત્ર કહેવાય. નિશ્ચય ચારિત્રમાં તો ભગવાન થઈ ગયો. નિશ્ચય ચારિત્ર એ જ ભગવાન. કેવળજ્ઞાન સિવાય નિશ્ચય ચારિત્ર સંપૂર્ણ ના હોય, પૂર્ણ દશાએ ના હોય.

વ્યવહાર ચારિત્ર એટલે પુદ્ગલ ચારિત્ર, આંખે દેખાય એવું ચારિત્ર અને પેલું નિશ્ચય ચારિત્ર ઉત્પન્ન થયું કે ભગવાન થયો કહેવાય. અત્યારે તો તમારે બધાને 'દર્શન' છે, પછી જ્ઞાનમાં આવે પણ ચારિત્ર ઉત્પન્ન થતાં વાર લાગે. છતાં અક્રમ છે ને, એટલે ચારિત્ર શરૂ થાય ખરું, પણ એ તમને સમજવું મુશ્કેલ છે.

પ્રશ્નકર્તા : એનાં લક્ષણ શાં હોય એમાં ?

દાદાશ્રી : એવું છે ને, એ નિશ્ચય ચારિત્ર બહુ જૂજ પ્રમાણમાં થાય. જેને આ આંખોથી જોવું-જાણવું તે ય ચારિત્ર ના કહેવાય, બુદ્ધિથી જોવું-જાણવું તે ય ચારિત્ર ના કહેવાય. એમાં તો આંખ ના વપરાય, મન ના વપરાય, બુદ્ધિ ના વપરાય. પછી જે જુએ-જાણે, તે નિશ્ચય ચારિત્ર.

પણ આની ઉતાવળ કરવા જેવું નથી. આ 'દર્શન' પહોંચ્યું છે તે ય બહુ થઈ ગયું ને ! પોતાના દોષ દેખાય ને એ બધાનાં પ્રતિક્રમણ થાય એટલે બહુ થઈ ગયું !

પ્રશ્નકર્તા : વ્યવહાર ચારિત્ર માટે બીજું વિશેષ શું કરવાનું ?

દાદાશ્રી : કશું નહીં. આ વ્યવહાર ચારિત્ર માટે તો બીજું શું કરવાનું ? જ્ઞાનીની આજ્ઞામાં રહેવું એ વ્યવહાર ચારિત્ર અને તેમાં જો કદી આ બ્રહ્મચર્યનો ઉમેરો થાય તો બહુ ઉત્તમ અને તો જ ખરું ચારિત્ર કહેવાય. ત્યાં સુધી વ્યવહાર ચારિત્ર પૂરેપૂરું કહેવાતું નથી, વ્યવહાર ચારિત્રની પૂર્ણાહુતિ થતી નથી. જ્યારે બ્રહ્મચર્યવ્રત આવે, ત્યારે 'વ્યવહાર ચારિત્ર'ની પૂર્ણાહુતિ થાય.

'શીલવાન' દેખીને જગત 'પ્ર-ભાવ' પામે જ !

જે લોકોને ચારિત્ર ના હોય એ લોકો ચારિત્રવાનને જુએ, તો ત્યાં તરત જ પ્રભાવિત થઈ જાય. જેમાં પોતે ખરાબ હોય ત્યાં સામાનો સારો માલ જુએ કે પ્રભાવિત થઈ જાય. ક્રોધી માણસ બીજા કોઈ શાંત પુરુષને જુએ તો પણ પ્રભાવિત થઈ જાય. આ જગતમાં તમારો પ્રભાવ પડવા માંડ્યો, ત્યાં તમે વિષય ખોળો તો પછી શું થાય ? આ માસ્તર છોકરા પાસે શાક મંગાવે, બીજું મંગાવે તો પછી પ્રભાવ રહે ? આને જ વિષય કહ્યો છે. શીલવાનનો એવો પ્રભાવ પડે કે કોઈ ગાળો આપવાનું નક્કી કરીને આવ્યો હોય તો પણ સામે આવે કે એની જીભ સિવાઈ જાય. એવો આત્માનો પ્રભાવ છે. પ્રભાવ એટલે શું કે એને જોવાથી જ લોકોના ભાવ ઊંચા થાય. આ જ્ઞાન પછી પ્રભાવ વધે. પ્રભાવ એ આગળ ઉપર ચારિત્ર કહેવાય છે. બહુ ઊંચો પ્રભાવ થાય ત્યારે ચારિત્રવાન કહેવાય.

મનુષ્યનું ચારિત્રબળ એનાં જેવી કોઈ કીંમતી વસ્તુ જ નથી, પણ એની કીંંમત જ સમજતો નથી ને ! આ તો મનુષ્યનું ચારિત્રબળ ! જેનાથી વાઘ પણ ભડકે ! પણ સમજણ જ ના હોય તો શું થાય ?

પ્રશ્નકર્તા : શીલવાન એટલે કયા ગુણો ખાસ હોય ?

દાદાશ્રી : શીલવાન, તે આમ ચારિત્ર્યવાન ભણી જાય. અને ચારિત્રવાન એકલો નહીં, બીજા બધા બહુ ગુણો ભેગા થાય ત્યારે શીલવાન કહેવાય.

એટલે શીલવાનથી માણસો બધા એની પાસે રેગ્યુલર હોય છે એ બધાં. એવો શીલવાનનો તો બહુ પ્રભાવ અને ચારિત્ર્ય બધું ઊંચું હોય એનું !

ચારિત્ર તો બ્રહ્મચર્ય એકલાંને નથી કહેવાતું. ચારિત્ર તો શીલવાન હોય ત્યારે ચારિત્ર કહેવાય. એટલે શીલનું તો બહુ મહાત્મ્ય છે. શીલમાં તો બ્રહ્મચર્ય અંદર આવી ગયું ખરું, પણ બ્રહ્મચર્ય સહિત આટલાં ગુણો હોવા જોઈએ. એટલે કે જેની વાણીથી કોઈને દુઃખ ના થાય, જેના વર્તનથી કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય. જેનું મન કોઈને માટે ખરાબ વિચારે નહીં, એવો શીલવાન માણસ હોય. ચારિત્રવાન કોને કહેવાય ? જે કોઈને ક્રોધથી પણ દુઃખ કરતો નથી, કોઈને લોભે કરીને દુઃખ કરતો નથી, કોઈને માને કરીને તિરસ્કાર કરતો નથી, કોઈને કપટે કરીને દુઃખ આપતો નથી, એ ચારિત્રવાન કહેવાય. ચારિત્રવાનની તો બહુ કિંમત ! પણ આ તો પોતે પોતાની બધી નાદારી કાઢી છે અને એનું દુઃખ છે. નાદારી કાઢે છે ને માણસો ? ક્રોધે કરીને, લોભે કરીને, કપટે કરીને, માને કરીને નાદારી કાઢે છે. એટલે પછી ચારિત્ર ખલાસ થઈ જાય. નાદારી કોઈ રીતે નીકળે નહીં તો તે ચારિત્રવાન કહેવાય, શીલવાન કહેવાય. શીલવાન માણસને જોતાં જ આનંદ થાય.

અત્યારે તો નર્યું કુશીલનું જ વાતાવરણ થયેલું છે. પણ શીલવાન થવું પડશે, સાચા થવું પડશે, બધી રીતે ઓલરાઈટ થવું પડશે. બીજું ખાવ- પીવો, અત્તર ઘાલો એ બધાનો પબ્લિકને વાંધો નથી, વાંધો ફક્ત કુશીલપણાનો છે. કોઈને સહેજે ય કિંચિત્માત્ર દુઃખ ન કરે એવાં આપણા વિચારો, ભાવ, વર્તન જોઈએ અને ચારિત્ર બહુ ઊંચું હોવું જોઈએ.

જગત જીતવા માટે એક જ ચાવી કહું છું કે વિષય વિષયરૂપ ના થાય તો આખું જગત જીતી જાય. કારણ કે એ પછી શીલવાનમાં ગણાય. જગતનું પરિવર્તન કરી શકાય. તમારું શીલ જોઈને જ સામામાં પરિવર્તન થાય. તમારામાં જેટલું શીલ એટલું સામામાં પરિવર્તન થઈ શકે, નહીં તો કોઈ પરિવર્તનને પામે જ નહીં. ઊલટું અવળું થાય. અત્યારે શીલ જ બધું ખલાસ થઈ ગયેલું છે ને !

પ્રશ્નકર્તા : ચારિત્રહીન માણસ હોય પહેલાં, એ શીલવાન થઈ શકે ?

દાદાશ્રી : હા, કેમ નહીં. જ્યારથી આ દેવું, એક વાર દેવાળો થઈ ગયો હોય, પછી દેવું આપુંને, પછી દેવા ગયા અને પછી એ શરાફે ય થઈ શકે ને ! જીવતો હોય ત્યાં સુધી થઈ શકે અને મુદત હોય એટલી. પણ શીલવાન ના થાય એકદમ.

પ્રશ્નકર્તા : ખરાબ કામનું દેવું કેવી રીતે વળે ?

દાદાશ્રી : દેવા એ તો થઈ ગયા. પણ હવે નવેસરથી એ બધું ગોઠવણી કરે છે ને.

પ્રશ્નકર્તા : પશ્ચાત્તાપથી થાય.

દાદાશ્રી : અને નવેસરથી ગોઠવણી કરી દે ને !

એટલે શીલવાન થવા માટે જ આપણે આ સત્સંગ કરાવીએ છીએ ને ! મોક્ષની શી ઉતાવળ છે ? શેને માટે મોક્ષની ઉતાવળ હોય ? આપણે મોક્ષ સ્વરૂપ જ છીએ અને આ તો શીલવાન પુરુષ કહેવાય. એટલે પોતાને કાયમ જ સુખ હોય અને પોતાને દેખતાં જ લોકોનો ફેરફાર થાય એટલી જ જરૂર છે આપણને. બાકી ઉપદેશ આપવાથી ફેરફાર થાય નહીં.

શીલવાન તો બહુ ઊંચી વસ્તુ છે. આત્મા મોક્ષસ્વરૂપ જ છે. જ્યારથી એ રિયલાઈઝ થયો, ત્યારથી મોક્ષસ્વરૂપ જ છે. પણ પહેલું શીલવાન થવું પડે, એનાં ગુણો ઉત્પન્ન થવા જોઈએ. પોતે શીલવાન થયો કે પછી જગતના બધા એને નિમિત્તે ફેરફાર થઈ જાય. જે મશીનરી ઊંધી ચાલતી હતી, તે બધી છતી થઈ જાય.

કેવાં લક્ષણો શીલવાનનાં !

પ્રશ્નકર્તા : શીલવાનના શા શા લક્ષણ છે, એ જાણવા છે.

દાદાશ્રી : શીલવાનમાં મોરાલિટી, સીન્સીયારિટી, બ્રહ્મચર્ય એ બધું હોય પછી સહજ નમ્રતા હોય. સહજ એટલે નમ્રતા કરવી ના પડે. સહેજ જ સામાનાં આગળ નમ્ર થઈને જ બોલે. પછી સહજ સરળતા હોય. સરળતા કરવી ના પડે. જેમ વાળો તેમ વળે. એનો સંતોષ સહજ હોય. આટલો જ ભાત ને કઢી આપણે ધરીએને તો એ ઊંચું જુએ નહીં. સહજ સંતોષ ! એની ક્ષમા પણ સહજ હોય. એમનો અપરિગ્રહ-પરિગ્રહ બન્ને સહજ હોય. એટલે આ બધી કેટલી ચીજો એવી સહજ હોય ત્યારે જાણવું કે આ ભઈ શીલવાનમાં આયાં !

પ્રશ્નકર્તા : પણ એ શીલવાન પુરુષ મોક્ષે જાય ખરો ?

દાદાશ્રી : એ જ મોક્ષ બીજાને આપી શકે !

પ્રશ્નકર્તા : તો પછી આ ગુણ ગ્રહવાની જે વાત છે, વૃત્તિ ઉપરનો કંટ્રોલ એ તો, અહંકારે કરીને થયું.

દાદાશ્રી : એ અહંકારે કરીને થાય તે કામનું નહીં, સહજ થવું જોઈએ. તે એનું નામ શીલવાન કહેવાય. વૃત્તિઓ ઉપર કન્ટ્રોલ કર્યા. એ તો અહંકાર ઊભો રહ્યો છે. ત્યાગ કરો એ અહંકાર છે અને ગ્રહણ તે ય અહંકાર છે. સહજ, સહજ આગળ કોઈ ત્યાગે ય નથી અને અત્યાગે ય નથી. તેથી શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું કે જ્ઞાનીને ત્યાગાત્યાગ ન સંભવે. ત્યાગે ય સંભવે નહીં ને અત્યાગે ય સંભવે નહીં. કારણ કે એ પોતે ઉદયાધીન વર્તે છે. એટલે પોટલું જેમ લઈ જાય ને, એમ મુંબઈ ય જાય ને પોટલાની પેઠ આવે ય ખરાં પાછાં.

પ્રશ્નકર્તા : તમે જે એ કીધું ને, સહજ ક્ષમા.

દાદાશ્રી : સહજ ક્ષમા, એ સામો ધોલ મારે ને, તો ય એનાં તરફ જુએ તો, ક્ષમા ભરેલી આંખ દેખાય આપણને.

પ્રશ્નકર્તા : એ તો જ્ઞાન વગર સંભવે જ નહીં. તો તો શીલ પણ જ્ઞાન વગર તો સંભવી જ ના શકે ને !

દાદાશ્રી : એ બધું એક જ છે ને વસ્તુ પણ જુદી પાડે ત્યારે આમ.

પ્રશ્નકર્તા : સહજ ક્ષમા. હવે હું ક્ષમા કરું છું.

દાદાશ્રી : એ કામની નહીં. મોટા ક્ષમા કરવાવાળા આયા ! સહજ હોવી જોઈએ !

આપણે ધોલ મારીએ અને પછી એની આંખ જુએ તો આપણને ક્ષમા આપતી હોય ત્યારે એનું નામ સહજક્ષમા. 'મને ક્ષમા જોઈએ છે' એવું કહેવું ના પડે. આપણે ધોલ મારીએ ને એનાં આંખમાં સાપોલીયા ના રમે ! ખબર ના પડે કે સાપોલીયા રમે છે આની આંખમાં ?!

તમે આ ઈફેક્ટને શું જાણો ? અમે કોઝીઝને ય જાણીએ અને ઈફેક્ટને ય જાણીએ. બેઉ, કોઝીઝનું જ્ઞાન છે અને આ ઈફેક્ટનું જ્ઞાન, બન્ને જ્ઞાન છે અમને. તો સહજ ક્ષમા રહી શકે !

પ્રશ્નકર્તા : હવે શીલ શબ્દ છે એમાં મોરાલિટી, સીન્સીયારિટી એ ઉપરાંત બીજા પાંચ સાત ગુણો હોવા જોઈએ, એ બધા કહો !

દાદાશ્રી : અંગ્રેજીમાં તો આ બે જ કહેવાય. તો બધું સારી રીતે સમજે.

એ શીલવાળાને સ્ત્રીનો વિચાર પણ ના આવે, વિષયનો વિચાર આવ્યો માટે શીલમાં કચાશ છે હજુ. પણ છતાં ય આપણે વિચાર આવેલાને કહીએ છીએ. 'ભઈ એનું છે થોડા કાળમાં આ વિચાર જતાં રહેશે ને એ શીલવાન જ છે ! આપણે કોઝીઝને કાર્ય કહીએ છીએ. ઘણા વખતે કોઝીઝને કાર્ય કહીએ છીએ એટલે શું ? આ ભાઈ કહે છે, હં, હું અહીંથી હવે અમદાવાદ જઉં છું. તો અહીંથી નીકળ્યો. પેલાં પછી પૂછે, કે પેલો ક્યાં ગયો ભઈ, પૂછતો'તો ને ? ત્યારે કહે, 'એ તો અમદાવાદ ગયો.' હવે એ ફેક્ટ વસ્તુ છે કંઈ ? છતાં એ અમદાવાદ ગયો, એમ કહો કે ના કહો ?

આપણાં જગતનો નિયમ જ એવો છે આપણો વ્યવહાર જ આવો છે કે એ અમદાવાદ ગયો. હવે ત્યારે કંઈ ખોટો, આ વ્યવહાર કંઈ ખોટો છે ? ત્યારે કહે, 'ના. ખોટો કેમ કહેવાય ?' કારણ કે આપણા લોકો કારણને કાર્યમાં આરોપે છે. એ અમદાવાદ જઈ રહ્યો છે માટે અમદાવાદ જવાનો છે, માટે એ અમદાવાદ ગયો છે કહે છે એવી રીતે આમાં ય તે શીલમાં કેટલાં ખરાબ વિચાર આવતાં હોય, તો પણ એને શીલમાં જવાનો છે, માટે આપણે એને કાર્યનો આરોપ કરીએ છીએ.

પ્રશ્નકર્તા : આ શીલ એક વસ્તુ એવી છે કે એમાં ઘણાં સારાં સારાં બધા ગુણો છે. બધાં, એ બધું જ મળીને એનો સમુહ જે થાય તે શીલમાં જાય.

દાદાશ્રી : એ શીલ તો મહાન મહાન ગુણ છે. જેને, કોઈ સાથે સરખાવી ના શકાય એવો ગુણ છે ! કોઈ અમુક કાળમાં એવાં બે ચાર પાંચ હોય. પણ અત્યારે તો એનો અભાવ છે.

શીલે સર્પ ન આભડે !

''શીલે સર્પ ન આભડે, શીલે શીતલ આગ,

શીલે, અરી, કરી, કેસરી, સબ જાવે ભાગ.''

શીલવાનને જોતાં હાથી, સિંહ બધા ભાગી જાય.

આ જગતનો એક નિયમ એટલો બધો સુંદર છે કે આખા ય રૂમમાં સાપ પાથરેલા હોય. એક ઇંચ જગ્યા કોરી ના હોય, છતાં તેની મહીં અંધારામાં શીલવાન પેસે તો શીલવાનને સાપ અડે નહીં. એટલું બધું ગોઠવણીવાળું આ જગત છે. કારણ કે સાપને શીલનો તાપ એટલો બધો લાગે કે દસ ફૂટ દૂરથી જ સાપ બધા આઘાપાછા થઈ જાય ને ઉપરાછાપરી ચઢી જાય !!! એટલે શીલવાનને સાપ પણ અડે નહીં. એની હાજરીથી વાતાવરણ જ એવું ઊભું થાય કે સાપ પણ ખસી જાય. સહેજ જો કદી સાપ અડી ગયો તો સાપને બળતરા થાય ને મરી જાય. એટલો બધો શીલવાનનો તાપ હોય. એટલે પોતાને બળતરા ના થાય, દુઃખ ના થાય, એટલા માટે ત્યાંથી ખસી જાય. એટલે શીલનો પ્રભાવ એવો છે કે કોઈ વસ્તુ એનું નામ ના દે.

શીલવાન એ તો મોટામાં મોટું રત્ન કહેવાય. એવો શીલવાન હું ય નહોતો અને અત્યારે ય નથી. શીલવાન તો વ્યવહાર ચારિત્રનું ઊંચામાં ઊંચું પદ છે.

શીલવાન આ કાળમાં નથી. આ કાળમાં શીલવાન હોત ને, એક જ શીલવાન આ દુનિયામાં હોત તો આજે આખી દુનિયામાં બહુ જ સુખ હોત.

પ્રશ્નકર્તા : પહેલાંના કાળમાં કોઈ શીલવાન પુરુષ હોય, તેનો દાખલો આપોને ?

દાદાશ્રી : શીલવાન એ ઐતિહાસિક વસ્તુ નથી. કો'ક ફેરો કો'ક એકાદ થતા હતા. કોઈ આઠ આની શીલવાન, કોઈ બાર આની શીલવાન હોય. બાકી, પૂરેપૂરો સોળ આની શીલવાન તો કો'ક જ હોય. સોળ આની શીલવાન તો, સર્પ જ્યારે આઘાંપાછાં ખસી જાય, તેને કહેવાય. વીતરાગો સંપૂર્ણ શીલવાન કહેવાય. ત્યારે એમને શીલવાન જેવું વિશેષણ હોય નહીં.

શીલવાન એટલે નિર્ભય. ભગવાન પણ પછી એને પૂછી શકે નહીં. બોલો, ભગવાન પણ પૂછે નહીં ત્યારે પછી કેવી સ્થિતિ ?

માટે કંઈક હવે ઉકેલ લાવો. અનાદિથી માર ખા ખા કર્યો છે અને એમાં બળ્યું શું સુખ છે ? સાત્ત્વિક રૂપે તપાસ ના કરીએ કે આમાં કશું સુખ દેખાતું નથી ?! ઊલટું મૂર્ખાઈ થાય છે, ફૂલિશનેસ થાય છે. વિષયમાં અટકયો તો ભગવાન થઈને ઊભો રહે અને જો વિષયમાં લટક્યો તો અધોગતિમાં નર્કે જતાં યે પાર નહીં આવે, એવું અમે જ્ઞાનથી જોયેલું છે. હવે તમને ખાતરી થઈ ગઈ ને ? આજે તમને આ ખોટું થયું છે, એવું જ્ઞાન થઈ ગયું ને ? આ કંઈ જેવું તેવું જ્ઞાન ના કહેવાય. 'આ ખોટું છે' એવું જ્ઞાન થયું, એનું નામ જ અમે 'જ્ઞાન' કહીએ છીએ. પાછો ફરવા માંડ્યો એટલે પોતે કામ કાઢી નાંખે. આ તો કોઈ દીવો ધરનાર જોઈએ. દીવો ધરનાર ના હોય તો શું થાય ?

એકાંત શૈયાસન !

ચોવીસે ય તીર્થંકરો બોલ્યા કે એકાંત શૈયાસન ! આવું કેમ બોલ્યા ? બે પ્રકૃતિ ભેગી થઈ, તે શૈયાસન માટે કામનું જ નથી. કારણ કે બે પ્રકૃતિ એકાકાર સંપૂર્ણ 'એડજસ્ટેબલ' હોય નહીં. તેથી 'ડીસ્એડજસ્ટ' થયા કરવાની અને તેથી સંસાર ઊભો થવાનો. એટલે ભગવાને શોધખોળ કરેલી કે એકાંત શૈયા અને આસન.

કોઈ દહાડો બે એક ના થાય. ગમે તેટલું કરીએ તો ય એક થાય ? જ્યારે પાછાં છૂટા થાય ત્યારે બે ના રહે ? પછી હું ને તું કર્યા કરે ને ? 'હું જ છું, હું જ છું' એવું ના કરે ? તેથી 'જ્ઞાની પુરુષો' એકાંત શૈયાસન ખોળે. કોઈ દહાડો બેના એક થઈ જશે પણ કાયમી એક રહેવાતું નથી અને પાછો ડખો થશે, એના કરતાં એક સિંગલ ગોદડી પાથરી દો કે ભાંજગડ જ મટી જાય ! અને જો કોઈને 'જેલ' હોય, તો 'જેલ' તો પૂરી કરવી જ પડશે ને ? પચ્ચીસ વરસની ટીપ હોય તો પચ્ચીસ વર્ષ, ને ચાળીસ વર્ષની હોય તો ચાળીસ વર્ષ, પૂરાં તો કરવાં જ પડે ને ? પણ ભાવના કેવી રાખવી જોઈએ ? એકાંત શૈયાસનની ! શૈયા અને આસન એકાંત, એ જ્ઞાનીઓએ પસંદ કરેલો માર્ગ કે બેમાં મઝા નથી. બેનું એક થાય છે ખરું, પણ એકનું પાછું બેના બે જ થઈ જાય છે. એટલે આ જોડે છે એટલો વખત જેલ માનવાની. જેલમાં છૂટકો જ નહીં ને ! પોલીસવાળો કહે એમ કરવું પડે. ભગવાનની અહિંસાવાળો કેવો હોય ? એકાંત શૈયાસનવાળો હોય. ભલે બધા જોડે ઊઠે-બેસે, પણ એકાંત શૈયાસન હોય.

એકાંત શૈયાસુખ ગુણ ઉત્પન્ન થયા પછી જ સાચું સુખ ઉત્પન્ન થાય. જ્યારે સામી વ્યક્તિને આરપાર જોતાં આવડે ત્યારે એકાંત શૈયાસુખ નામનો ગુણ ઉત્પન્ન થાય. પછી તેને એકલાં જ રહેવાનું અને એકાંત જ વધારે સુખકર લાગે. પછી એને સાચી મસ્તી ઉત્પન્ન થાય. મહીં સુખ તો ભરપટ્ટે પડ્યું છે, તે પ્રગટ થાય. એની વાણી જે જે બોલે, તે પછી શાસ્ત્ર જ ગણાય.

એકાંત શૈયાસન. એક આસન અને એક શૈયા થાય ત્યારે પરમ સુખિયો થયો, જે અમારો ઘણાં વર્ષોથી રિવાજ છે. ને વીતરાગી મસ્તી અનુભવીએ છીએ. આ દાદાનું પદ જો તમને એક જ કલાક મળી જાય તો કાયમનો મારા જેવો સુખિયો થઈ જાય.

બાકી સ્ત્રી હોય ત્યાં સુધી કોઈએ મોક્ષની તો આશા જ રાખવી નહીં. 'વિષય હોય ત્યાં સુધી આત્મા જ જાણ્યો નથી' એમ કહેવાય. સ્ત્રીના ઉપર દ્રષ્ટિ થતી હોય તો એણે આત્મા સહેજે ય, અંશે ય જાણ્યો નથી. તેણે આત્મસુખ અનુભવ્યું નથી !! નહીં તો આત્મસુખ તો કેવું હોય ?!

આટલું જ જીતવાનું છે, સ્ત્રી-વિષય ! એટલે સ્ત્રી તરફની દ્રષ્ટિ થઈ, એ તરફનો વિચાર પણ આવ્યો કે ખલાસ થઈ ગયો. મોક્ષનો પાયો જ ઊડી ગયો અને વિચાર જો આવે તો તમે શું કરો ?

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ, 'શૂટ ઓન સાઈટ'!

દાદાશ્રી : આ વિષય એકલું છોડી દો ને ! વિષય છોડશો તો જ્યારે ત્યારે એનું ફળ આવશે. બીજા બધાનો વાંધો નથી. બીજું બધું આપણે 'લેટ ગો' કરીએ. જો રઝળવું ના હોય તો બીજા બધાનો વાંધો જ નથી. પણ રઝળવું હોય પછી તો ઉઘાડું જ છે ને ? જે કરવું હોય તે કરો !! પણ એનો ભયંકર ગુનો છે. જ્યાં સુધી વિષય હોય ત્યાં સુધી આત્માનો સ્પર્શ જ ના થાય, કોઈ દહાડો ય સ્પર્શ ના થાય. એટલું જ ચેતવાનું કહીએ છીએ. આ કંઈ બહુ અઘરું છે ? અઘરું લાગે છે ? પણ જો મોક્ષે જવું હોય તો પછી સાંધ સાંધ કરવું પડશે ને ? ક્યાં સુધી આવું ને આવું ચાલશે, પોલમ્પોલ ઠોકાઠોક ? જો એક વિષયનો વિચાર આવે તો એને ઉખેડીને તોડી નાખજો. જે એવું તોડી નાખે છે, એની અમે ગેરન્ટી લઈએ અને એની ગેરન્ટી આપી જ છે. અમારી ગેરન્ટી છે, જો અમારું આ 'જ્ઞાન' પાળશો તો એકાવતારની ગેરન્ટી છે !!! પણ વિષય તો ના હોવો જોઈએ. બીજું બધું કરો. ખાવ-પીવો, મઝા કરો. વિષય કેમ હોય ? વિષય તો નર્કગતિમાં લઈ જનારો છે. તમને આ બધી વાત ગમે કે નહીં ?

પ્રશ્નકર્તા : ગમે ને દાદા, બહુ ગમે.

દાદાશ્રી : એટલે આપણા જ્ઞાનમાં આટલું જ ચેતવાનું છે. બીજું બધું ચેતવાનું નથી.

વિષય મુક્તિ, ત્યાં ચઢે દસમ ગુંઠાણે...

જેમાં સ્ત્રી 'પરિગ્રહ' ગણાય છે એ નવમું ગુંઠાણું ઓળંગે એટલે પછી એને કોઈ જવાબદારી ના રહી. નવમું ગુંઠાણું ઓળંગે એટલે કામ થઈ ગયું !!! સ્ત્રીનો પરિગ્રહ, મન, વચન કાયાથી બંધ થાય ત્યારે વ્યવહારમાં દસમું ગુણસ્થાન ઊભું થાય. જ્યાં સુધી સ્ત્રી પરિગ્રહ ઓળંગ્યો નથી ત્યાં સુધી નવમું યે ઓળંગ્યું કહેવાય નહીં. સ્ત્રીનો વિચાર આવે તો ય નવમું ના ઓળંગે, વિષયનો વિચાર આવે તો ય નવમું ઓળંગી શકે નહીં, એટલે વ્યવહાર તો તમારે ઊંચો લાવવો જ પડશે ને ? નિશ્ચય જોડે વ્યવહારને ય ઉઠાવી લેવાનો છે. સ્ત્રી પરિગ્રહ છે ત્યાં સુધી વ્યવહાર ગુંઠાણું આઠમાંથી આગળ ખસે નહીં. એ પછી બ્રહ્મચર્યવ્રત પાળે ત્યાર પછી નવમું ગુંઠાણું ઓળંગે.

પ્રશ્નકર્તા : બ્રહ્મચર્યમાં આવ્યા પછી બારમે ગુંઠાણે જવાય ?

દાદાશ્રી : ના. બારમા ગુંઠાણામાં ન જવાય. આ કાળમાં હું જ દસમા ગુંઠાણા સુધી પહોંચ્યો છું ને ? અમારે નિશ્ચયથી બારમું અને વ્યવહારથી દસમું છે.

પ્રશ્નકર્તા : સ્ત્રીની જોડે પુરુષ હોય તો સ્ત્રીનું ગુંઠાણું ઊંચે ચઢે ખરું ?

દાદાશ્રી : ના ચઢે ! આપણે ચઢાવીને કામે ય નથી. એમને તો આ છે, એ બરોબર છે. એમને તો કહીએ આટલું કરો ને એટલું એ કર્યા કરે તો બહુ થઈ ગયું. બાકી રસ્તો એમને બતાડ્યો છે. એમને કંઈ આવું કૂદાકૂદ કરાવવાની જરૂર નથી, નહીં તો કાલે સવારે ધણીને કાઢી મેલે કે ભઈ, મારે તમારું કામ નથી.

સ્ત્રી નડતી નથી, અજ્ઞાન નડે છે. સ્ત્રી તો ફક્ત કેટલી નડે છે ? જે અવતારમાં મોક્ષે જવાનું હોય તે છેલ્લે દસ, પંદર કે પચ્ચીસ વર્ષ સ્ત્રીની ગેરહાજરી હોવી જોઈએ. તો જ એ ગુણસ્થાનક ચઢે, નહીં તો એ ગુણસ્થાનક ચઢે નહીં. નવમું ગુણસ્થાનક ક્યારે ચઢે ? કે સ્ત્રી જેને ત્યાં હોય નહીં તેને, અગર તો સ્ત્રી ભલે હોય પણ સ્ત્રીના વિચાર ના આવે, વિચાર, વર્તન ના હોય. સ્ત્રી જોડે વાંધો નથી. સ્ત્રી કંઈ નડતી નથી. પણ સ્ત્રીના વિચાર, વર્તન ના હોય તો તે નવમું ગુંઠાણું ચઢી દસમામાં આવે. આ કાળમાં 'વ્યવહાર' દસમા ગુંઠાણાથી આગળ જઈ ના શકે. અને 'નિશ્ચય' બારમા ગુંઠાણા સુધી જઈ શકે !!!

'અક્રમ માર્ગ'માં તમારે બીજા પરિષહો તો હોય નહીં, પણ તમને સ્ત્રી પરિષહ હોય ને બળ્યો ! સ્ત્રી પરિષહમાં નાટકીય શી રીતે રહેવાય ? આ 'જ્ઞાન' તો નાટકીય રાખે એવું છે. રાજ ચલાવતાં હોય તો ય નાટકીય રાખે. પણ સ્ત્રી પરિષહ એ મોટામાં મોટો પરિષહ, એ નાટકીય ના થવા દે. વેપાર ધંધા નડતા નથી, સ્ત્રી પરિષહ નડે છે. સ્ત્રીઓ નડતી નથી, સ્ત્રી પરિષહ નડે છે. સ્ત્રીઓ તો આત્મા જ છે. વિકારી ભાવ એ પરિષહ કહેવાય, સ્ત્રીઓ બધી આત્મા જ છે ને ?!

'જ્ઞાની પુરુષ'ને કેવું સરસ દેખાતું હશે ! બધે શુદ્ધાત્મા જ દેખાય. અમે નવમા ગુંઠાણામાંથી દસમા ગુંઠાણામાં જ્યારે ખસ્યા, ત્યારથી એ ય પાર વગરનું સુખ અનુભવ્યું !! એ સુખનો એક છાંટો જો બહાર પડે ને માણસ એ ચાખે તો વરસ દહાડા સુધી તે પરમ સુખિયો થઈ જાય !!! આ વિષયને લીધે જ બધી રીતે અંતરાયું છે, ને. આ જ મહારોગ છે !!!

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18