ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18



બ્રહ્મચર્ય (ઉર્તરાધ)

ખંડ : ૧

પરણિતો માટે બ્રહ્મચર્યની ચાવીઓ....

[૪]

એક પત્નીવ્રત એટલે જ બ્રહ્મચર્ય !

લોકનિંદ્ય નહીં, તે જ લોકપૂજ્ય !

કળિયુગમાં એક ફક્ત ગૃહસ્થીને વિકાર કેટલો ઘટે કે એની સ્ત્રી પૂરતો જ. ગૃહસ્થધર્મ છે એટલે એની સ્ત્રી પૂરતો જ વિકાર હોય, તો ભગવાને એને એક્સેપ્ટ કરેલું છે. એક પત્નીવ્રતની ભગવાને છૂટ આપી છે કે બીજે દ્રષ્ટિ પણ ના બગડે. બહાર જાય, ગમે ત્યાં જાય પણ દ્રષ્ટિ ના બગડે. વિચાર પણ ના આવે, ને વિચાર આવે તો ક્ષમા માંગી લે એવું એક પત્નીવ્રત હોય તો ભગવાનને વાંધો નથી ! એ તો શું કહે છે, કે આ કાળમાં એક પત્નીવ્રતને અમે બ્રહ્મચર્ય કહીશું અને જે લોકનિંદ્ય નથી, માટે તેને અમે લોકપૂજ્ય કહીશું. ભગવાન કેવા ડાહ્યા છે !! આ કાળમાં જ્યાં ને ત્યાં બધે લોકોની નરી નિંદાઓ જ થઈ રહી છે અને લોકો નિંદ્યકર્મ જ કરી રહ્યા છે ને ? વેપારમાં ય અને ધર્મમાં ય, બધે ધંધો જ આ માંડ્યો છે ને ? એમાં ય કોઈ અપવાદ હશે. અપવાદ તો હોય જ હંમેશાં. છતાં હિંદુસ્તાનમાં તો આજે સાત્ત્વિક વિચારના માણસો થવા માંડ્યા છે. એટલે આગળ ઉપર સારું થવાનું છે.

'એક પત્નીવ્રત' આ કાળનું બ્રહ્મચર્ય જ !

જેણે લગ્ન કરેલું છે, તેને તો એક જ કાયદો અમે કરી આપેલો કે તારે બીજી કોઈ સ્ત્રી તરફ દ્રષ્ટિ બગાડવાની નહીં. અને વખતે દ્રષ્ટિ એવી થઈ જાય તો પ્રતિક્રમણ વિધિ કરવાની અને નક્કી કરવાનું કે આવું હવે ફરી નહીં કરું. પોતાની સ્ત્રી સિવાય બીજી સ્ત્રીને જોતો નથી, બીજી સ્ત્રી પર જેની દ્રષ્ટિ રહેતી નથી, દ્રષ્ટિ જાય છતાં એના મનમાં વિકારી ભાવ થતો નથી, વિકારી ભાવ થાય તો પોતે ખૂબ પસ્તાવો કરે છે, એને આ કાળમાં એક સ્ત્રી છે છતાં ય બ્રહ્મચર્ય કહેવાય.

આજથી ત્રણ હજાર વર્ષ પહેલાં હિન્દુસ્તાનમાં સોમાંથી નેવું માણસો એક પત્નીવ્રત પાળતા હતા. એક પત્નીવ્રત અને એક પતિવ્રત; કેવા સારા માણસો કહેવાય એ ! જ્યારે આજે ભાગ્યે જ હજારમાં એક હશે !

આ કાળમાં જેને પરસ્ત્રીનો વિચાર પણ ના આવે અને એક જ સ્ત્રી સાથે રહે તો ય તેને અમે બ્રહ્મચર્ય કહીએ છીએ. એને સ્વરૂપનું જ્ઞાન ના હોય તો ય તે દેવગતિમાં જાય. બોલો, ત્યારે આ દેવગતિવાળાઓએ કેટલી બધી સગવડો કરી ! બીજું, આઈસ્ક્રીમ ખાવાની ટેવ હશે એનો વાંધો નહીં આવે, સિનેમા જોવાની ટેવ હશે એનો વાંધો નહીં આવે, પણ આ સ્ત્રી-પુરુષના વિષય સંબંધનો મોટો ગુનો છે. તેમાં ય લગ્ન કરેલું હોય તેટલાં પૂરતાનો વાંધો નહીં આવે. કારણ કે 'બાઉન્ડ્રી' છે, 'બાઉન્ડ્રી' ચૂકયાનો વાંધો છે. કારણ કે તમે સંસારી છો, એટલે 'બાઉન્ડ્રી' હોવી જોઈએ. 'બાઉન્ડ્રી'માં મન પણ ના ચૂકવું જોઈએ, વાણી પણ ના ચૂકવી જોઈએ, વિચાર પણ ના ચૂકવો જોઈએ. એક પત્નીવ્રતના 'સર્કલ'માંથી વિચાર બહાર ના જવો જોઈએ, ને જાય તો વિચાર પાછો બોલાવી લેવાનો. આ કાળ વિચિત્ર છે, માટે 'બાઉન્ડ્રી'ની બહાર ના જવું જોઈએ.

જે કોઈ આ કાળમાં એક પત્નીવ્રતવાળો હોય તો ય બહુ ઉત્તમ. તેને હું કહું કે, 'ભાઈ, તારે જ્ઞાને ય લેવાની જરૂર નથી. બીજી સ્ત્રી સંબંધી તને વિચારે ય નથી આવતો, દ્રષ્ટિ ય નથી માંડતો અને તારા સ્વપ્નામાં પણ બીજી સ્ત્રી નથી આવતી, તો જા તારે જ્ઞાન લેવાની જરૂર નથી.' અમે એક જ વાર આશીર્વાદ આપીએ કે જેથી ત્રીજે અવતારે મોક્ષે જતો રહે ! વગર જ્ઞાને !!! એક પત્નીવ્રત એ કંઈ જેવી તેવી વસ્તુ છે ?! એક પત્નીવ્રત હોય, તેને આ કાળમાં બ્રહ્મચારી જ કહેવાય છે. આ કાળમાં માણસ એક પત્નીવ્રત રહી શકે જ નહીં. હિન્દુસ્તાનમાં પચ્ચીસ-પચાસ માણસ એવાં નીકળે પણ તે ય પાછાં જડભાવવાળા હોય, બુદ્ધિપૂર્વકના નહીં, અબુદ્ધિપૂર્વકના અને તે ય તેમની પુણ્યૈના આધારે હોય.

પરણો ચાર, પણ તેમને જ સિન્સીયર !

આ તો નાછૂટકે પૈણવાનું કહ્યું છે અને પૈણું તો એક પત્નીવ્રત પાળજે, કહે છે. એક પત્નીવ્રત પાળતો હોય અને આ દુષમકાળ હોય અને જો બીજી જગ્યાએ દ્રષ્ટિ ના બગડતી હોય, તો એને બ્રહ્મચર્ય કહ્યું.

પ્રશ્નકર્તા : ધારો કે બે વાઈફ હોય તો, એ શા માટે ખરાબ ?

દાદાશ્રી : કરોને બે વાઈફ. કરવામાં વાંધો નથી. પાંચ વાઈફ કરો તો ય વાંધો નથી. પણ બીજી ઉપર દ્રષ્ટિ બગાડે, બીજી સ્ત્રી જતી હોય, તેની પર દ્રષ્ટિ બગાડે તો ખરાબ કહેવાય. કંઈ નીતિ-નિયમ તો હોવાં જોઈએ ને ?

પ્રશ્નકર્તા : મારી પાસે કોઈ પ્રિન્સિપલ્સ નથી.

દાદાશ્રી : તો જાનવરની પેઠ રાખવાની જરૂર છે ? જાનવરની પેઠ રાખીએ તો છૂટું જ હોય. તમારે જ્યાં આગળ અનુકૂળ આવે તેમ કરો. આ મનુષ્યોએ પોતાનો માનવધર્મ સચવાય એટલા માટે આ વ્યવસ્થા કરેલી છે. નહીં તો જાનવરમાં જ ગયો ને પછી તો ! પછી એ જાનવરમાં જ ખપી જાય ને ? કારણ કે કો'કની બેન-દીકરી હોય એવી આપણી બેન- દીકરી હોય, તો આપણે એટલાં માટે સેફસાઈડ જોવી જોઈએ ને ? આપણી બેન-દીકરી એવી કો'કની બેન-દીકરી.

ફરી પૈણવા માટે વાંધો નથી. મુસલમાનોમાં એક કાયદો કાઢ્યો કે બહાર દ્રષ્ટિ ના બગાડવી જોઈએ. બહાર કોઈને છંછેડવું ના જોઈએ. પણ તમને એક સ્ત્રીથી ના પોષાતું હોય તો બે કરો. એ લોકોએ કાયદો રાખ્યો કે ચાર સુધી તમને છૂટ છે ! અને આપણને પોષાતી હોય તો ચાર કરો ને ? કોણ ના પાડે છે ? છો લોકો બૂમો પાડે ! પણ પેલી બાઈને દુઃખ ન હોવું જોઈએ.

પ્રશ્નકર્તા : એ બાઈને તો નેચરલી દુઃખ હોય જ.

દાદાશ્રી : તો પણ કોઈને દુઃખ થાય એવું વર્તન ન હોવું જોઈએ. અને તે પોતાની સ્ત્રીને દુઃખ ના થાય, એ પહેલું જ જોવું જોઈએ. કારણ કે આપણે એને વિશ્વાસ આપીને લાવ્યા છીએ. આપણે લગ્નથી બંધાયા છીએ. પ્રોમીસ આપેલું છે. પ્રોમીસ આપ્યા પછી જો દગો દઈએ તો પછી આપણે હિન્દુસ્તાનની આર્ય પ્રજા તો ના કહેવાઈએ, પણ અનાડી તો કહેવાઈએ ને !!

પ્રશ્નકર્તા : તો ચાર પત્ની કેમ કરે છે ?

દાદાશ્રી : મુસલમાનોને એમના કુરાનમાં લખ્યું, કુરાનનો કાયદો છે કે મુસલમાન દારૂ પીવે નહીં. દારૂનો છાંટો પડ્યો હોય તો એટલી જગ્યા કાપી નાખે, ખરો મુસલમાન આવો હોય. ખરો મુસલમાન કેવો હોય, કોઈ સ્ત્રી તરફ દ્રષ્ટિ બગાડે નહીં અને જરૂર હોય તો બીજી પૈણે, ત્રીજી પૈણે, ચાર કરે પણ દ્રષ્ટિ ના બગાડે. કેટલું સુંદર બંધારણ છે એનું. પણ શું થાય હવે, આ લોકો તો થઈ ગયા એવાં ! એટલે જ્યાં ને ત્યાં દ્રષ્ટિ બગાડે છે.

પ્રશ્નકર્તા : ચાર પત્ની કરવાથી દ્રષ્ટિ સુધરશે એવું કંઈ ખાતરી ખરી ?

દાદાશ્રી : ના, એ શું કહેવા માંગે છે. તું દ્રષ્ટિ બગાડીશ નહીં. તું ચાર પત્ની કર એટલે પછી પોતે નક્કી કરેલું હોય કે મારે આટલામાં જ રહેવાનું છે. અને આ તો એને નક્કી થઈ ગયું, એક જ છે ને મારે ! એટલે બીજે બહાર દ્રષ્ટિ બગાડવાની છૂટ થઈ ગઈ એને. આ બહાર દ્રષ્ટિ બગાડવાથી શું થાય છે, કે એ કંઈ કાર્ય થતું નથી, પણ દ્રષ્ટિ બગડવાથી બીજ પડે છે અને એ બીજમાંથી વૃક્ષ થાય છે. માટે અમે આ બધાને કહી દીધેલું કે તમારી દ્રષ્ટિ બગડે તો તમે પ્રતિક્રમણ કરજો એટલે તમને બીજ નહીં પડે. દ્રષ્ટિ બગડતાંની સાથે પ્રતિક્રમણ કરો.

પ્રશ્નકર્તા : એમનો ધર્મ એમ કહે છે કે ચાર સ્ત્રી પરણો પણ દ્રષ્ટિ ન બગાડો. પણ દ્રષ્ટિ બગાડવી-ન બગાડવી એ એના હાથમાં છે ને !

દાદાશ્રી : આ ભવમાં અત્યારમાં સાંભળ્યું હોય એ જ્ઞાન, તો આવતા ભવમાં ફીટ થઈને જ આવ્યો હોય. પછી બહાર દ્રષ્ટિ ના બગડે.

પ્રશ્નકર્તા : ખાલી સાંભળ્યું હોય એ ?

દાદાશ્રી : હા, જ્ઞાન જો એણે સાંભળ્યું હોય આ, કે આવું જ કરવાનું છે તો આ ભવમાં બગડે વખતે, ગયા અવતારમાં સાંભળ્યું નથી એટલે. પણ આ તો આવતા ભવમાં ફીટ થઈ જાય.

પ્રશ્નકર્તા : પણ છતાં આ ભવમાં જે કર્મ બંધન કર્યા, એ તો ભોગવવા જ પડે ને પછી ?

દાદાશ્રી : એ તો ભોગવવા પડે, પણ બીજું.... બીજું નહીં ભોગવવું પડે. એનો અંત આવી જાય. પણ આ હિસાબ તો ય આવી જાય. પણ એ લોકોને ચોખ્ખું કહ્યું છે. ચાર સુધી ભોગવજો, પણ તમે બહાર દ્રષ્ટિ ના બગાડશો અને તે ય છે તે, એનું આરોગ્ય નિદાન છે. દ્રષ્ટિ બગાડવી એ આરોગ્ય ઉપર બાધક છે. એ કાયદો મુસલમાનોનો બહુ ગમે છે અમને. મુસલમાનોનો કાયદો, બહુ સારો કાયદો !

મુસલમાનોનાં શાસ્ત્રોમાં ય એવાં સરસ કાયદા છે કે ભાઈ, તારે પૈણવું હોય તો ચાર પૈણજે, પણ દ્રષ્ટિ ના બગાડીશ કોઈની ઉપર. આ એમનો કાયદો સરસ છે ને ? તને કેવો લાગે છે ? વધારે ગુનો તો દ્રષ્ટિ બગાડવાનો છે, સ્ત્રીઓ રાખ્યાનો નથી. દ્રષ્ટિ બગાડ્યાનો ગુનો બહુ છે. બીજી બધી સ્ત્રીઓ તરફ દ્રષ્ટિ કરે તો, તે સારું કહેવાય ? માટે પોતાનું જે છે, એ ભોગવવાનું છે. ભગવાને શું કહ્યું છે ? તું ભોગવ, પણ તારું હક્કનું જે છે તે ભોગવ. અણહક્કનું ના ભોગવીશ. અમથા અણહક્કના ભોગવવાના ચાળા કરીએ, તેનાં તો ભવોભવ બધા બગડી જાય. હવે તારી દ્રષ્ટિ બીજી જગ્યાએ નહીં જાયને ? કોઈ દહાડો ય નહીં જાયને ? આ કાળમાં આની કિંમત વધારે અંકાઈ છે. કસોટીનો કાળ છે એટલે દ્રષ્ટિ પણ બદલાવી ના જોઈએ. અને બદલાઈ હોય તો પ્રતિક્રમણ આપેલું છે, એનાથી ચોખ્ખું કરી નાખવાનું.

ખપે સૂક્ષ્મથી પણ એક પત્નીવ્રત !

આ કાળમાં એક પત્નીવ્રતને અમે બ્રહ્મચર્ય કહીએ છીએ અને તીર્થંકર ભગવાનના વખતમાં જે બ્રહ્મચર્યનું ફળ મળતું હતું, તે જ ફળ પામશે, એની અમે ગેરેન્ટી આપીએ છીએ.

પ્રશ્નકર્તા : એક પત્નીવ્રત કહ્યું, તે સૂક્ષ્મથી કે એકલું સ્થૂળ ? મન તો જાય એવું છે ને ?

દાદાશ્રી : સૂક્ષ્મથી પણ હોવું જોઈએ અને વખતે મન જાય તો મનથી છૂટું રહેવું જોઈએ. અને એના પ્રતિક્રમણ કર કર કરવાં પડે. મોક્ષે જવાની લિમિટ કઈ ? એક પત્નીવ્રત અને એક પતિવ્રત. એક પત્નીવ્રત કે એક પતિવ્રતનો કાયદો હોય, એ લિમિટ કહેવાય.

હવે આખી જિંદગી બીજે મન ના બગડ્યું, તો તારું ગાડું સારું જશે. નહીં તો પછી....

પ્રશ્નકર્તા : બરાબર, આપે કહ્યું એ પ્રમાણે એક પત્નીવ્રત જ, એની સિવાય બીજું કાંઈ નહીં.

દાદાશ્રી : બીજે તો દ્રષ્ટિ પણ ના બગડવી જોઈએ અને બગડે તો તરત પ્રતિક્રમણ કરજે. અનંત અવતાર છૂટી જઈને મોક્ષે જવાનું એ કંઈ સહેલી વસ્તુ નથી અને પેલું બ્રહ્મચર્ય હોય તો તો વાત જ જુદી છે ને !

પ્રશ્નકર્તા : હમણાં તો લગ્ન કરું છું, પણ અમુક વર્ષો પછી તો બ્રહ્મચર્ય લઈ શકાય ને ?

દાદાશ્રી : હા, બેઉ જણ લેવા તૈયાર હોય તો લેવાય. બન્ને ય તૈયાર હોય તો પાંચ વર્ષ પછી પણ લેવાય.

પ્રશ્નકર્તા : પણ આ બ્રહ્મચારીઓ જેવું તો રીઝલ્ટ આવે નહીં ને ?

દાદાશ્રી : એ તો ભૂતને જોડે ફેરવવું જ પડે ને ! અને પેલી બઈ જાણે કે આ ભૂતને મારે ફેરવવો પડે છે. એટલે આ ઉપાધિ તો ખરી જ ને ! એક ફેરો સહીસિક્કા થઈ ગયેલા એટલે કરાર તૂટે નહીં ને ! જ્યારે બ્રહ્મચારીને તો કોઈ નામ દઈ શકે નહીં ને ? કોઈ દાવો જ ના માંડે ને ? એટલે એના જેવું તો એકે ય નહીં.

પ્રશ્નકર્તા : તો સિન્સીયરલી એક પત્નીવ્રત પાળીએ તો વાંધો ના આવે ને ?

દાદાશ્રી : પછી આપણી આ પાંચ આજ્ઞા પળાય તો મોક્ષ થાય. આ પાંચ આજ્ઞા પાળવી જોઈએ ફક્ત અને એક પત્નીવ્રત પાળે એટલે બહુ સારું કહેવાય, બ્રહ્મચર્ય જેવું જ ફળ આપે.

પ્રશ્નકર્તા : પણ આટલો વખત બ્રહ્મચર્યની જે ભાવના કરી છે, બ્રહ્મચર્યનાં જે બીજ નાખ્યાં છે, તો આવતા ભવમાં તો દીક્ષા મળશે ને ?

દાદાશ્રી : એની ચિંતા કરીને આપણે શું કામ છે ? અત્યારે તો આપણે અત્યારની ભાંજગડ કરવી. આવતાં ભવની ભાંજગડ અત્યારે કરીએ તો શું થાય ? અત્યારે તો આપણી શી સ્થિતિ છે ? અત્યારે આપણા દોષ દેખાય છે ને ? લોકોના દોષ ના દેખાવા જોઈએ. પોતાના દોષ દેખાવા જોઈએ. કોઈના દોષ દેખાતા હોય તો પ્રતિક્રમણ કરવું પડે. એવું બધું જોવું. બીજું, આવતા ભવની ભાંજગડ તો એની મેળે થઈ રહેશે. એ તો પરીક્ષા જેવી આપીએ, વાંચ્યું હશે એવું થશે. આવતો અવતાર તો માર્ક છે.

હક્કનું પણ નોર્માલિટીમાં !

પ્રશ્નકર્તા : એક પત્નીવ્રતને હક્કનો વિષય કહેવાય, તે પણ નોર્માલિટીમાં હોય ત્યાં સુધી હક્ક ગણાય. ને એબોવ નોર્મલ થાય તો ?

દાદાશ્રી : તો ય હક્કનો જ કહેવાય પણ અણહક્ક જેવું, એને ખરાબ કહેવાય નહીં ને ?

પ્રશ્નકર્તા : હવે બીજી સ્ત્રી છે, તે એનાં રાજીપાથી આપણને ખેંચતી હોય અને બેઉના રાજીપાનો સોદો હોય, તો એ હક્કનો વિષય થયો કે નહીં ?

દાદાશ્રી : ના, ત્યાં જ ચોકડી મારી છે ને ! અને આ રાજીપાથી જ બધું બગડ્યું છે ને !!! આ રાજીપાથી આગળ ગયા એટલે બધું ભયંકર અધોગતિમાં જવાની નિશાનીઓ થઈ ! પછી એ અધોગતિમાં જ જાય. બાકી પોતાને ઘેર નોર્માલિટી રાખે તો એ દેવ કહેવાય, મનુષ્યમાં પણ દેવ કહેવાય. અને પોતાને ઘેર એબોવ નોર્મલ થયો, એ બધું જાનવરપણું કહેવાય. પણ એ પોતાનું ખૂએ, બીજું કશું નહીં, પોતાની દુકાન બધી ખાલી થઈ જાય, પણ પેલા અણહક્કના જેવું જોખમ ના કહેવાય. આ હક્કવાળાને તો ફરી મનુષ્યપણું ય મળે ને એ મોક્ષની નજીક ય જાય. એક પત્નીવ્રત એ છેલ્લી લિમિટ છે, પેલાં બધાં કરતાં ઉત્તમ. આવી ચર્ચા હિન્દુસ્તાનમાં કોઈ જગ્યાએ થતી નથી.

તારી તાકાત પ્રમાણે પૈણ !

પ્રશ્નકર્તા : આપણા ધર્મમાં એક જ પત્નીનો ફાયદો છે, પણ આપણે ત્યાં કેટલાંક રાજાને ત્રણ પત્નીઓ કેમ હતી ?

દાદાશ્રી : એવું છે ને, કેટલાંક તો ત્રણ પત્ની રાખતા. અને ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત ચક્રવર્તી હતા, એમને તેરસો રાણીઓ હતી. એટલે આપણું ધર્મશાસ્ત્ર શું કહે છે કે લગ્ન કરજો. પણ દ્રષ્ટિ ના બગાડશો. અને એક લગ્નથી તમને સંતોષ ન રહેતો હોય અને બીજી કોઈ સ્ત્રી પર દ્રષ્ટિ જતી હોય તો બીજી પૈણજો. ત્રીજી પર દ્રષ્ટિ જતી હોય તો ત્રીજી પૈણજો. પણ દ્રષ્ટિ ના બગડેલી રાખજો. આ દ્રષ્ટિ બગડવાથી ભયંકર રોગો ઊભા થાય છે.

પ્રશ્નકર્તા : આપણામાં તો એક જ કહ્યું છે અને પહેલાં તો ત્રણ-ત્રણ એવું કેમ છે ?

દાદાશ્રી : તમને ય કહું છું કે, તમારી શક્તિ જોઈએ. એકની જોડે તો વઢંવઢા કરો છો એટલે પછી એક જણ તો હતો, તે પછી બીજી પૈણી લાવ્યો. તે મેં એને પૂછયું કે, 'ભઈ, હવે શું કરો છો તમે ? બે વાઈફ અને તું શું કરું છું ? આ તો ચાલીસ વર્ષ પહેલાંની વાત કરું છું હું. આજની નહીં. ત્યારે એ કહે, 'નવી કરે રોટલા અને જૂની કરે દાળ, બંદા બેઠા કઢી હલાવે, ત્રણેવ હારંહાર !' શક્તિ હોય તો કરોને, નિવેડવાની શક્તિ જોઈએ. એકને ન પહોંચી વળે ને આમ બૂમો પાડે પછી !

એક પત્નીવ્રત પાળશો ને ? ત્યારે કહે 'પાળીશ.' તો તમારો મોક્ષ છે ને બીજી સ્ત્રીનો સહેજ વિચાર આવ્યો, ત્યાંથી મોક્ષ ગયો. કારણ કે એ અણહક્કનું છે. હક્કનું ત્યાં મોક્ષ અને અણહક્કનું ત્યાં જાનવરપણું.

અને આપણાં ઋષિમુનિઓ તો એક સ્ત્રી રાખતા હતા, ને તે ય વરસમાં એકાદ વખત ઠીક છે, એકાદ વખત પુત્રદાન આપવા પૂરતા પૈણતા હતા.

પ્રશ્નકર્તા : મારું પૂછવાનું કે મન-વચન-કાયાથી બ્રહ્મચારી જગતમાં પાકેલાં કોઈ ?

દાદાશ્રી : અત્યારે હોય નહીં.

પ્રશ્નકર્તા : પહેલાં ખરાં ?

દાદાશ્રી : પહેલાં તો ખરાં જ ને ! આપણે ત્યાં મહાસતીઓ થતી એ એક પતિવ્રતા. આ ઋષિમુનિઓ બધા એક પત્નીવ્રતવાળા.

પ્રશ્નકર્તા : મહાસતીને પતિ તો ખરો જ ને ?

દાદાશ્રી : હા, પણ પતિવ્રતવાળી. પતિવ્રતનો નિયમ બિલકુલ ભંગ નહીં થવા દેવાનાં અને પેલા ઋષિમુનિઓ તો સંપૂર્ણ બ્રહ્મચર્ય વ્રતવાળા.

પ્રશ્નકર્તા : પણ એ તો એવું સહેજે લઈને આવેલા હોય ને ?

દાદાશ્રી : એ તો એવો માલ ભરેલો અને અત્યારે આ લોકોએ આવો માલ ભર્યો, તે એવો નીકળે છે. પણ હવે નવેસરથી કેવો ભરવો, તે પોતાના આધિન ખરું ને ?

પ્રશ્નકર્તા : દેવોમાં એક પત્નીવ્રત હશે ?

દાદાશ્રી : એક પત્નીવ્રત એટલે કેવું કે આખી જિંદગી એક જ દેવી જોડે પસાર કરવાની. પણ જ્યારે બીજાની દેવી દેખે કે મનમાં એવાં ભાવ થાય કે 'આપણાં કરતાં પેલી સારી છે' એવું થાય ખરું, પણ જે છે એમાં કશો ફેરફાર થાય નહીં.

પ્રશ્નકર્તા : આ દેવગતિમાં પુત્રનો સવાલ નથી, છતાં ય ત્યાં વિષય તો ભોગવે જ છે ને ?

દાદાશ્રી : ત્યાં આવો વિષય ના હોય. આ તો ગંદવાડો નર્યો. દેવ તો અહીં ઊભા ય ના રહે. ત્યાં એમનો વિષય કેવો હોય છે ? ખાલી દેવી આવે કે એને જુએ, એટલે એમનો વિષય પૂરો થઈ ગયો, બસ ! કેટલાંક દેવલોકને તો એવું હોય છે કે બેઉ આમ હાથ અડાડે કે સામસામી બેઉ જણા હાથ દબાવી રાખે તો એ વિષય પૂરો થઈ જાય. દેવલોકો ય જેમ જેમ ઊંચે ચઢે, તેમ તેમ વિષય ઓછો થતો જાય. કેટલાંક તો વાતચીત કરે કે વિષય પૂરો થઈ ગયો. જેને સ્ત્રીનો સહવાસ ગમે છે એવાં ય દેવલોકો છે અને જેને ખાલી સ્ત્રી અમથી એક કલાક ભેગી થાય એટલે બહુ આનંદ થાય એવાં ય દેવલોકો છે અને કેટલાંક એવાં દેવલોકો ય છે કે જેમને સ્ત્રીની જરૂર જ નથી હોતી. એટલે બધી જાતના દેવલોકો છે.

એવાં ય કેટલાંક મનુષ્યો છે, જેમને સંડાસમાં બેસવાનું ગમતું નથી. એને આ ગંધ જ ના ગમતી હોય. તો એમને માટે દેવલોકોની ભૂમિકા છે.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18