ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18



બ્રહ્મચર્ય (ઉર્તરાધ)

ખંડ : ૧

પરણિતો માટે બ્રહ્મચર્યની ચાવીઓ....

[૬]

વિષય બંધ, ત્યાં ડખાડખી બંધ !

મુખમાં જ્ઞાન ને વર્તનમાં ક્લેષ !

પ્રશ્નકર્તા : મેં ઘણાં સારા મહાત્માઓ જોયા છે, મોટી મોટી જ્ઞાનની વાતો કરે છે પણ એમનો સ્થૂળ ક્લેશ નથી જતો. સૂક્ષ્મ ક્લેશ તો વખતે હોય, એ ના જાય, પણ સ્થૂળ ક્લેશ આપણાંથી કેમ ના જાય ?

દાદાશ્રી : એવું. આ બધાનું મૂળ છે વિષય. અને આ મોટામાં મોટી ફસામણ દુનિયામાં હોય તો વિષય અને એમાં કશું ય સુખ નથી, બળ્યું! સુખમાં કશું ય નથી અને એના ઝઘડા પાર વગરના ઊભા થાય છે ! ડખાડખ શાથી ઘરમાં થાય છે ? બેઉ વિષયી હોય, જાનવર જેવા વિષયી હોય, પછી આખો દહાડો અથડામણ થયા કરે.

પ્રશ્નકર્તા : પણ મને એ સમજણ પડતી નથી કે ક્લેશ અને વિષયને મેળ કેમનો ખાતો હશે ? ઝઘડો અને વિષય, એ બેને મેળ કેમનો ખાય ? એ મારા મગજમાં નથી ઊતરતું. મારઝૂડ સુધીનો ક્લેશ અને વિષય, એ બેને મેળ ખાય ? શું માણસ ત્યારે આંધળો બની જતો હશે ?

દાદાશ્રી : અરે, સામસામી મારે.

પ્રશ્નકર્તા : હા, પણ વિષયના પરમાણુ ઊભા થાય ત્યારે આંધળો બની જતો હશે ? એને મહીં યાદ નહીં આવતું હોય કે આપણે મારામારી કરતા હતા ?

દાદાશ્રી : આ મારામારી કરે ને, ત્યારે તો વિષયની મઝા આવે એમને ! પાછું સ્વમાન જેવું કશું નહીં. પેલી આને ધોલ મારે, ત્યારે આ પેલીને ધોલ મારે. પાછો ધણી અમને આવીને કહી જાય કે મને મારી બૈરી મારે છે ! ત્યારે હું કહું ય ખરો કે હેં, તારે તો આવી મળી ? તો તો તારું કલ્યાણ થઈ જાય. (!)

પ્રશ્નકર્તા : આ બધો ઢેડફજેતો સાંભળતાં જ આમ ત્રાસ થઈ જાય કે આ લોકો કેવી રીતે જીવતાં હશે ?

દાદાશ્રી : છતાં ય જીવે છે ને ! દુનિયા તેં જોઈ ને !! અને ના જીવે તો શું કરે ? ત્યારે કંઈ મરી જવાય છે ?

પ્રશ્નકર્તા : પણ આપણને આ બધું જોઈને કંપારી છૂટી જાય. પાછું એમ થાય કે રોજ ને રોજ આવા જ ઝઘડા ચાલ્યા કરે, છતાં ધણી-બૈરીને આનો ઉકેલ લાવવાનું મન ના થાય, એ અજાયબી છે ને ?

દાદાશ્રી : એ તો કેટલાંય વર્ષોથી પૈણ્યા ત્યારથી આવું ચાલે છે. પૈણ્યા ત્યારથી એક બાજુ ઝઘડાં ય ચાલુ છે અને એક બાજુ વિષયે ચાલુ છે ! તેથી તો અમે કહ્યું કે તમે બન્ને બ્રહ્મચર્ય વ્રત લઈ લો, તો ઉત્તમ લાઈફ થઈ જાય. એટલે આ બધી વઢવાડ પોતાની ગરજના માર્યા કરે છે. પેલી જાણે કે એ છેવટે ક્યાં જવાના છે ?! પેલો ય જાણે કે એ ક્યાં જવાની છે ? આમ સામસામી ગરજથી ઊભું રહ્યું છે.

રાગ-દ્વેષના મૂળમાં રહ્યો છે વિષય !

પ્રશ્નકર્તા : આપે કહ્યું ને કે રાગ-દ્વેષનું મૂળ સ્થાન જ આ છે ?

દાદાશ્રી : હા, જગતનું બધાનું મૂળ અહીંથી જ ઊભું થયું છે ! ને પૈણ્યા પછી પેલો મારે અને એનાં મારતાં પહેલાં પેલી ય મારે ! એટલે બેઉ જોરદાર ને મજબૂત બને !!

પ્રશ્નકર્તા : બધાની વચ્ચે આવો ઢેડફજેતો થાય, તો ઘરની બહાર આપણાથી કેવી રીતે, શું મોં લઈને નીકળાય ?

દાદાશ્રી : ત્યારે શું કરે ? ઘરમાં બેસી રહે ? પાછાં એમની બુદ્ધિ તરત શું શીખવાડે કે ઘેર ઘેર બધે એવું જ છે !

કકળાટ શેને લીધે થાય છે ? અબ્રહ્મચર્યથી. વિષયનો કંટ્રોલ નહીં હોવાથી કકળાટ છે આ બધો. નહીં તો સ્ત્રી-પુરુષોને કકળાટ કેવી રીતે થાય ?! વિષયના કાબૂવાળાને કકળાટ હોય નહીં દુનિયામાં, તમને લાગે છે એવું વિચારતા ?

વિષયમાં સુખ કરતાં વિષયથી પરવશતાના દુઃખ વિશેષ છે ! એવું જ્યારે સમજાય ત્યારે પછી વિષયનો મોહ છૂટે અને તો જ સ્ત્રી જાતિ પર પ્રભાવ પાડી શકે અને એ પ્રભાવ ત્યાર પછી નિરંતર પ્રતાપમાં પરિણમે. નહીં તો આ જગતમાં મોટા મોટા મહાન પુરુષોએ પણ સ્ત્રી જાતિથી માર ખાધેલો. વીતરાગો જ વાતને સમજી ગયેલા ! એટલે એમના પ્રતાપથી જ સ્ત્રીઓ દૂર રહેતી ! નહીં તો સ્ત્રી જાતિ તો એવી છે કે ગમે તે પુરુષને જોતજોતામાં લટ્ટુ બનાવી દે, એવી એ શક્તિ ધરાવે છે. એને જ સ્ત્રી ચરિત્ર કહ્યું ને ! સ્ત્રીથી તો છેટા જ રહેવું. એને કોઈ પણ પ્રકારના ઘાટમાં ના લેવી, નહીં તો તમે પોતે જ એના ઘાટમાં આવી જશો. અને આની આ જ ભાંજગડ કેટલાંય અવતારથી થઈ છે ને !

વધારેમાં વધારે વિષયી સ્ત્રી હોય. તેનાથી નપુંસક બહુ જ વિષયી હોય અને પુરુષ તો સ્ત્રીથી પણ ઓછો વિષયી હોય. વિષય ઉત્પન્ન થયા પછી વહેલો કંટ્રોલમાં કરી શકે એ ઓછો વિષયી કહેવાય. પુરુષ વહેલો કંટ્રોલ કરી શકે છે. સ્ત્રી કંટ્રોલ કરી શકતી નથી ! જેટલો વિષયી વધારે એટલી સ્થિરતા વધારે, જેટલો વિષયી ઓછો એટલી સ્થિરતા ઓછી. આ બધા કુદરતના નિયમ છે. શાસ્ત્રકારોએ તો કહ્યું છે કે નપુંસક લિંગ હોય તે દસ કલાક એક જગ્યાએ સૂઈ રહે તો ય પોતાના વિષયના ભાવ વ્યક્ત ન કરે, સ્ત્રી પણ વિષયના ભાવ વ્યક્ત ના કરે અને પુરુષ તો કલાકમાં જ ભાવ વ્યક્ત કરી દે !

છતાં ન આવે વૈરાગ્ય !!

આ તો વૈરાગ્ય જ નથી આવતો ! અલ્યા, આ વિષય પ્રિય છે કે તને આ ગાળો પ્રિય છે ? મને તો એક ગાળ કોઈએ દીધી હોય તો ફરી સંબંધ જ એની જોડે કટ કરી દઉં, પછી બહારનો સંબંધ રાખું પણ આંતરિક સંબંધ કટ ! કંઈ ગાળો ખાવા માટે આ અવતાર છે ?

તમારે ઘરમાં રોજની ડખાડખ ના પસંદ હોય, તો પછી એની જોડે વિકારી સંબંધ જ બંધ કરી દેવો. પાશવતા બંધ કરી દેવી. વિષય તો હડહડતી પાશવતા છે. માટે આ પાશવતા બંધ કરી દેવી. બુદ્ધિશાળી સમજણવાળો હોય, તેને વિચાર ના આવે ? ફોટો લે તો કેવો દેખાય ? તો ય શરમ ના આવે ? મેં આવું કહ્યું ત્યારે વિચાર આવે, નહીં તો આવો વિચાર ક્યાંથી આવે ? અને જ્યાં સુધી તમારે વિકાર સંબંધ છે, ત્યાં સુધી આ ડખાડખ રહેવાની જ. એટલે અમે તમારી ડખાડખમાં વચ્ચે પડીએ જ નહીં. અમે જાણીએ કે વિકાર બંધ થશે, ત્યારે એની જોડે ડખો બંધ થઈ જ જાય. એક ફેરો એની જોડે વિકાર બંધ કરી દીધોને, પછી તો આ એમને મારે તો ય એ કશું ના બોલે. કારણ કે એ જાણે કે હવે મારી દશા બેસી જશે ! માટે આપણી ભૂલથી આ બધું ઊભું છે. આપણી ભૂલે જ આ બધાં દુઃખો છે. વીતરાગો કેવા ડાહ્યા ! ભગવાન મહાવીર તો ત્રીસ વર્ષે છૂટાં થઈ ને હે...ય... મસ્તીમાં ફરતા હતા ! એક બેબીને મૂકીને હેંડ્યા !

એની જોડે વિષય બંધ કર્યા સિવાય બીજો ઉપાય જ નથી. આ દુનિયામાં કોઈને આ સિવાય બીજો ઉપાય જડ્યો જ નથી. કારણ કે આ જગતમાં રાગ-દ્વેષનું મૂળ કારણ જ આ છે, મૌલિક કારણ જ આ છે. અહીંથી જ બધો રાગ-દ્વેષ ઊભો થયો. સંસાર બધો અહીંથી જ ઊભો થયો છે. એટલે સંસાર બંધ કરવો હોય તો અહીંથી જ બંધ કરી દેવો પડે. પછી કેરીઓ ખાવ, ફાવે એ ખાવને ! બાર રૂપિયે ડઝનવાળી કેરીઓ ખાવને, કોઈ પૂછનાર નથી. કારણ કે કેરીઓ સામો દાવો નહીં માંડે. તમે એને ના ખાવને, તો એ કંઈ કકળાટ નહીં કરે અને આ સંબંધમાં તો તમે કહેશો કે 'મારે નથી જોઈતું.' ત્યારે એ કહેશે કે, 'ના, મારે તો જોઈએ જ છે.' એ કહેશે કે, 'મારે સિનેમા જોવા જવું છે' ત્યારે તમે ન જાવ તો કકળાટ !! આવી જ બન્યું જાણે ! કારણ કે સામો મિશ્રચેતન છે અને એ કરારી છે, એટલે દાવો માંડે !

પ્રશ્નકર્તા : એ કરાર ફાડી નાખવો ?

દાદાશ્રી : એ કરાર ફાડી નાખો, તો પછી કશું દુઃખ રહેતું જ નથી !

પત્ની તો, ક્યારે વશ થાય ?

વાઈફ ધણીની ભક્તિ કરે તો મનુષ્યપણું મળે વાઈફને અને પુરુષ જો વાઈફની ભક્તિ કરે તો પાશવતા મળે. ચાર પગ ને પૂછડું વધારાનું. કૂદાકૂદ કર ને તારી મેળે, કોઈ પૂછનાર જ નથી પછી.

આ તો બધું ધૂળધાણી થઈ ગયું, તેથી આ કાળના લગભગ પંચ્યાસી ટકા મનુષ્યો તો જાનવરમાં જ જવાના છે બિચારાં ! હું ખુલ્લે ખુલ્લું કહું છું ! એટલે આ વિષયનું મૂળિયું કાપી નાખ્યું કે પછી ઝાડ-બાડ બધું એની મેળે સૂકાઈ જાય. બાકી આવો ઢેડફજેતો કોણ કરે તે ? એટલે અમારી પાસે બેઉ જણે બ્રહ્મચર્યવ્રત લેવાનું. તો ભાંજગડ જ મટી જાયને ! તમારે વ્રત લેવાની ગરજ છે કે નથી ? એમને પણ ગરજ છે ? તો તમારે ? એટલે બન્નેએ જ બ્રહ્મચર્યવ્રત લઈ લેવાનું, એટલે કાયમની ભાંજગડ જ મટી ગઈ. પછી એ શું ડખો કરે ? એક અક્ષરે ય ડખો જ ના કરેને ?!

સ્ત્રીઓ ધણીને દબડાવે છે, એનું શું કારણ ? પુરુષ બહુ વિષયી હોય, એટલે દબડાવે. આ સ્ત્રીઓ જમવાનું જમાડે છે તેથી દબડાવતી નથી, વિષયથી દબડાવે છે ! જો પુરુષ વિષયી ના હોય તો કોઈ સ્ત્રી દબડાવે જ નહીં ! નબળાઈનો જ લાભ લે, પણ જો નબળાઈ ના હોય તો સ્ત્રી કશું નામ જ ના દે. સ્ત્રી જાતિ બહુ કપટવાળી છે અને આપણે ભોળા ! એટલે આપણે બે-બે, ચાર-ચાર મહિનાનો કંટ્રોલ રાખવો પડે, તો પછી એ એની મેળે થાકી જાય. તે એને પછી કંટ્રોલ રહે નહીં.

સ્ત્રી જાતિ વશ ક્યારે થાય ? આપણે વિષયમાં બહુ સેન્સિટિવ હોઈએ તો, એ આપણને વશ કરી નાખે ! પણ આપણે વિષયી હોઈએ પણ એમાં સેન્સિટિવ ના થઈએ તો એ વશ થાય ! જો એ 'જમવા' બોલાવે તો તમે કહો કે હમણાં નહીં, બે-ત્રણ દિવસ પછી, તો એ તમારા વશ રહે ! નહીં તો તમે વશ થાઓ ! આ વાત હું પંદર વર્ષે સમજી ગયો હતો. કેટલાંક તો વિષયની ભીખ માગે કે 'આજનો દિવસ !' અલ્યા, વિષયની ભીખ મંગાય ? પછી તારી શી દશા થાય ? સ્ત્રી શું કરે ? ચઢી બેસે ! સિનેમા જોવા જાઓ તો કહેશે, 'છોકરું ઊંચકી લો.' આપણાં મહાત્માઓને વિષય હોય, પણ વિષયની ભીખ ના હોય !! વિષય અને વિષયની ભીખ, એ બે વસ્તુ જુદી છે ! જ્યાં માન, કીર્તિ, વિષયોની ભીખ ના હોય, ત્યાં ભગવાન હોય !

વિષયમાં બહુ સેન્ટિમેન્ટલ ના હોય તો છૂટી જવાય. વિષયની ભીખ ના માંગવી. કેટલાંક તો વિષયની ભીખ માંગે. અરે, પગે હઉ લાગે ! કેટલાંક તો મને એવું હઉ કહી ગયેલા કે, 'મારી સ્ત્રી તો વિષયને માટે ના પાડે, તો હવે હું શું કરું ?' મેં કહ્યું કે, 'બા કહેજે, એટલે હા પાડશે.' મેરચક્કર, તને શરમ નથી આવતી ?! ના આપે તો શું તેને બા કહેવી ? તો મેલ પૂળો, મારે જોઈતું ય નથી, કહીએ. આ તો પોતે માગણીઓ કર્યા કરે પછી સ્ત્રી દબડાવ્યા જ કરે ને ? અને એ ના પાડે છે, તે તો સારું ઊલટું ! 'ભલું થયું ભાંગી જંજાળ'. એક વખત એણે ના પાડી એટલે આપણે ફાવ્યા. પછી એ માગણી કરે, તો એનો 'દાવો' જ ના સાંભળીએ. ફરી કહીએ, 'તેં ના પાડી એટલે મેં બંધ કરી દીધું, તાળું જ વાસી દીધું. ને તાળાને ચાવી મારી દીધી.' પણ મૂઓ ઢીલો હોય છે એટલે શું થાય ?

અત્યારે તો મને કેટલાંય કહી જાય છે આપણા મહાત્માઓ, કે 'મને કાલાંવાલાં કરાવડાવે.' ત્યારે મેં કહ્યું, 'મૂઆ, તારો વક્કર જતો રહ્યો, શું કરાવડાવે ત્યારે ? સમજ ને હજુ, હજુ યોગી થઈ જા ને !' હવે આને ક્યાં પહોંચી વળાય ? આ દુનિયાને કંઈ પહોંચી વળાય ?!

એક સ્ત્રી એના ધણીને ચાર વખત સાષ્ટાંગ કરાવડાવે છે, ત્યારે એક વખત અડવા દે છે. ત્યારે મૂઓ, એના કરતાં આ સમાધિ લેતો હોય તો શું ખોટું ?! દરિયામાં સમાધિ લે, તો સીધો દરિયો તો ખરો, ભાંજગડ તો નહીં ! આ હારું, ચાર વખત સાષ્ટાંગ !

એક માણસ તો મને ફરિયાદ કરવા આવ્યો મુંબઈમાં, અને કહે છે કે પાંચ વખત ફાઈલ નં. બેને પગે લાગ્યો ત્યારે મારો સંતોષ થયેલો. મૂઆ, એના કરતાં.... આ કઈ જાતનો માણસ, જાનવર છું કે શું મૂઆ ! શું જોઈને મને કહેવા આવ્યો તું ! વિષયની ભીખ મંગાતી હશે ? તમને કેમ લાગે છે ? અલ્યા મૂઆ, પાંચ વખત ! હવે મને સીધું ડિરેક્ટ કહેવા આવ્યો તો મારે વઢવું પડ્યું. પછી મને કહે છે, હવે રસ્તો દેખાડો. ત્યારે મેં કહ્યું, હવે આ છૂટી જાય તે પછી રસ્તો દેખાડાય ! ધીમે ધીમે એ સીધું થઈ ગયું. ઊંધું ચાલે ત્યાર પછી શું થાય ?

વિષયના ભિખારી, જુઓ સંયમી વીર ને !

મને એવું કહી ગયો કે મારે વિષયની ભીખ માંગવી પડે છે. અલ્યા, મૂઆ વિષયોની ભીખ માગો છો ! કંઈ જાતના છો ? જાનવર કરતાં ય ભૂંડા છો ! વિષયની ભીખ મંગાતી હશે ?! ખાવાની ભીખ ના મંગાય, ભૂખ્યા થયા હો તો કઈ ભીખ મંગાતી હશે ! કઈ શૂરવીરપણું જોઈએ કે ના જોઈએ ?! હવે આટલું બધું અસંયમપણું કેમ પોષાય તે ?! તમે ના સમજ્યા મેં વાત કરી તે ?

પ્રશ્નકર્તા : હા સમજી ગયો.

દાદાશ્રી : આમ જે' જે' હઉ કરે માંગતી વખતે. બળ્યું, તારી માંગ ! પાછો ધણી કહે છે હું ધણી થઉં ! અલ્યા મૂઆ, આવો ધણી હોતો હશે ? અયુક્ત લાગતું નથી તમને ? આ યુક્ત વસ્તુ છે ? શોભે માણસને ? એટલે થોડું ઘણું સંયમ હોવો જોઈએ, બધું હોવું જોઈએ.

માણસે સંયમી રહેવું જ જોઈએ. સંયમથી તો માણસની શોભા છે. સંયમના માટે શાસ્ત્રકારોએ નાનામાં નાનો સંયમ એ કહ્યો, કે મહિનામાં દસ દહાડા સુધી એને લેટ ગો કરે. અને મોટો સંયમ એ કહ્યો કે મહિનામાં ચાર જ વખત જાય. એનો કંઈક નિયમ તો હોવો જોઈએ કે ના હોવો જોઈએ ? આ મહિનામાં કેટલા દહાડા રજા મળે છે ?

પ્રશ્નકર્તા : આઠ દિવસ.

દાદાશ્રી : હાં, તે એવું કંઈક નિયમ હોય કે નહીં ?!

પ્રશ્નકર્તા : પણ સંયમ કેવી રીતે રાખવો ?

દાદાશ્રી : આપણે કો'કને ઘેર ગયા હોય અને બહુ ભૂખ્યા હોય, તમે કહો કે, ભાઈ સાહેબ, આપો જમવાનું ! પણ એ કહેશે, અહીં તમને જમવાનું નહીં મળે. તો તમે શું કરો ? એ જે થવાનું હશે, એ થશે પણ અત્યારે ચાલ્યા જાવ ને ? વટવાળા હોય ને ! સાવ કંઈ વટ વગરના કૂતરા જેવા છો કંઈ ?! પછી જમવા માટે ઊભો હોય પછી ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : હેં, તે એવું આ બધું કઈ વટ તો હોય કે ના હોય બળ્યો ! સ્વમાન ફ્રેકચર થવા દેવું કે વિષય ફ્રેકચર થવા દેવું ? કયું ફ્રેકચર થવા દેવુ જોઈએ ? ગમે તેવો વિષય હોય તે પણ સ્વમાનને ફ્રેકચર કરે, તે કામનો શું તે ? બધે એવું થઈ ગયું છે, તમારા ઉપર નહીં, બધે આનું આજ થઈ ગયું છે. ઊંઘ આવે માણસને સારી રીતે, પોતે પોતાનું સ્વતંત્ર જીવન હોય, જીવન પોતાના કંટ્રોલમાં હોય. જે સંયમી પુરુષો છે ને, સ્લીપીંગ રૂમ જુદી હોય. હં... જુદી, પહેલેથી જુદી રાખતા, નહીં તો પછી મનોબળ લપટું પડી જાય. પછી પેલાને અપમાન-સ્વમાનનું ઠેકાણું રહે નહીં.

શાસ્ત્રકારોએ તો એટલે સુધી કહ્યું છે કે જો તમારે સંયમ સાચવવો હોય તો આ પુરુષ બેઠો હોય તે જગ્યાએ સ્ત્રીએ બેસવું પણ નહીં. અને સ્ત્રી બેઠી હોય ત્યારે પુરુષે બેસવું નહીં. કંઈક નિયમ તો ખોળી કાઢવો પડશે ને ! જીવન જીવવાની કળા તો જોઈએ કે ના જોઈએ !

પ્રશ્નકર્તા : જોઈએ.

દાદાશ્રી : કેટલી સરસ નોકરી કરો છો, કેટલું સરસ ભણ્યા છો, શું બાકી રહી જાય છે ? નથી ચોરી કરતા, નથી લુચ્ચાઈ કરતા, નથી કાળા બજાર કરતા તો ય પણ મહીં શાંતિ નહીં ને, જીવન જીવન નહીં ને !

પ્રશ્નકર્તા : શાંતિ નથી, રાઈટ !

દાદાશ્રી : એ જીવન જીવવા માટે નથી. એ તમને અહીં બધું બતાડી દઈશું. આ વખતે તમારું કમ્પ્લીટ પૂરેપૂરું સો ટકા પૂરું કરવું છે ને !

તો સ્વમાન રાખવું જોઈએ કે ના રાખવું જોઈએ ? સસરાને ત્યાં મિલ હોય કાપડની અને આપણને જોબ છૂટી ગઈ હોય, ત્યારે શું સસરાને ત્યાં જઈને આમ આમ કરીને બેસી રહેવું ? એ કશું બોલે નહીં ને તમે માંગણી કરો ખરા કે મને જોબ આપો ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : જાણે છે તો ય બોલતો નથી સસરો. મેલ પૂળો ત્યારે, હું તો મારે ઘેર જઉં છું. કંઈક તો સ્વમાન હોય કે ના હોય, બળ્યું ! ક્યાં સુધી આમ જાનવરનું જીવન જીવવું !!

એક ફેરો તમને ઘસી નાખે એટલે થઈ રહ્યું, ખલાસ થઈ ગયું. ઘસી નાખે તો ત્યાં સુધી નહીં જવું. એ શેનાથી ઘસી નાખે છે ? વિષયોની લાલચને લઈને. ત્યારે એ તો બહુ યોગી જેવું રહેવું જોઈએ.

વિષય એટલે શું ? કે થાળી એ પણ વિષય. જમણ આવ્યું, હવે એ મૂક્યું આપણે અને આ ગઈ કાલે આખો દહાડો ઉપવાસ કર્યોં'તો, ને અત્યારે જમવાનું અગિયાર વાગે મૂક્યું અને સરસ કેરી ને બધું ય હોય પછી તરત લઈ લે. હવે જમ્યા ય નહીં ને ત્યાર પહેલાં તો ઉઠાવી લે. તો તે ઘડીએ મહીં પરિણામ ના બદલાય ત્યારે જાણવું કે આપણને આ વિષયનો વાંધો નથી. વિષય યાચકપણું ના થવું જોઈએ. લાચારી ના હોવી જોઈએ. એ શબ્દ સમજાય એવો છે ?

આ બાઉન્ડ્રી તમને બતાવું. કોઈ પણ વસ્તુમાં યાચકપણું ના જોઈએ. નહીં મળે તો કહેશે, જલેબી લાવો ને થોડીક, જલેબી લાવો. મેલને મૂઆ, અનંત અવતાર જલેબીઓ ખાધી તો ય હજુ યાચકપણું રાખો છો ? જેને લાલસા હોયને તેને યાચકપણું થાય. યાચકપણું એ લાચારી છે, એક જાતની !

આ તો વિષયની ભીખ માંગે છે એટલે એ બધા જાનવર કરતાં ય ભૂંડા જ કહેવાય ને ! ખાવાની ભીખ મંગાય. પણ ખાવાની ભીખ માંગતા નથી, ત્રણ દહાડા થાય તો ય. એવાં ખાનદાન માણસ વિષયની ભીખ માંગે છે. મેં કહ્યું, જાણે અમેરિકામાં નહીં માંગતા હોય ? તો કહે છે, એ વાત જ જવા દો, અહીં બધું બહુ છે, વધારે પ્રમાણ છે.

પ્રશ્નકર્તા : પુરુષોને વિષયની ભીખ હોય એમ સ્ત્રીઓને પણ વિષયની ભીખ હોય છે ને ?

દાદાશ્રી : હા, એટલું પુરુષને જો આવડી જાય ને, તો પુરુષ જીતી જાય જગત. જીતે નહીં તો પુરુષ યુઝલેસ થઈ જાય. પુરુષ, પુરુષ ક્યાં સુધી કહેવાય ? સ્ત્રી એની પાસે વિષયની ભીખ માંગે ત્યાં સુધી ! વધુ વિષયી સ્ત્રી છે. છતાં પુરુષ મૂર્ખો બની જાય છે એ ય અજાયબી છે ને !

આવું સાંભળ્યું ય નથી. આમાં ભૂલ થઈ છે, તે ય જાણતા નથી. ભીખ માંગે છે, તે ભૂલ થઈ છે, તે ય ખબર નથી.

પ્રશ્નકર્તા : એવી ભૂલ તો કદિ ખબર પડતી જ નથી માણસને. નહીં તો ભૂલની તો ખબર પડે તો ફરીથી એ કરેે નહીં.

દાદાશ્રી : પડતી જ નથી. બિસ્ટ, વાઈલ્ટ બિસ્ટ કહું છું હું તો ! હા, ક્ષત્રિયપુત્ર કોણ ? કે આવી ભીખ માંગવાનો અવસર આવે, તે પહેલાં તો બિલકુલ બંધ જ કરી દે, કરે જ નહીં કાયમને માટે, પરમેનન્ટ બંધ. સ્ટોપ ફોર એવર. કારણ કે આ દાનત છે માટે એ સ્ત્રી, સ્ત્રી જ ના ગણાય. એને સ્ત્રી કહેવાય જ કેમ કરીને ? એ તો માર્કેટ મટિરિયલ કહેવાય. હિન્દુસ્તાનની સ્ત્રીઓ, સ્ત્રી રૂપે હોવી જોઈએ ! શું જાનવરપણું આવ્યું છે ? જુઓને, મારે ઠપકાં આપવા પડે છે !

એનાથી જ અથડામણ !

પ્રશ્નકર્તા : વિષયની લાલચમાં પોતે સફળ ન થાય ત્યારે શંકા ને એ બધું પછી કરે છે ને ?

દાદાશ્રી : સફળ ના થાય એટલે બધું ય કરે. શંકાઓ કરે, કુશંકાઓ કરે બધી, બધી જાતના વેશ કરે એ પછી. યા અલ્લાહ, પરવરદિગાર થાય પછી ! એટલે લાચાર હઉ થાય પછી પણ એ જ એને પાછું ફજેત કરે તે જુદું. એના કબજામાં ગયા એટલે ફજેત કર્યા વગર રહે નહીં ને !

પ્રશ્નકર્તા : પણ વિષય હોય તો જ ધણીપણું કરતો હોય ને !

દાદાશ્રી : ધણીપણું એટલે શું કે દબડાવીને ભોગવવું. પણ પછી આવતા ભવનો હિસાબ આવી જાય ને ?!

પ્રશ્નકર્તા : એ શું થાય ?

દાદાશ્રી : વેર બંધાય ! કોઈ આત્મા દબાયેલો રહેતો હશે ઘડીવાર ?

બહુ અથડામણ થાય ને, પછી કહેશે, 'મોઢું તોબરા જેવું લઈને શું ફરો છો ?' તો તોબરો પછી વધારે ચઢે. પછી એ રીસ રાખે. પેલી કહે, 'મારા ઘાટમાં આવે ત્યારે હું એનું તેલ કાઢીશ.' તે રીસ રાખ્યા વગર રહે નહીં ને ! આ જીવમાત્ર રીસ રાખે, તમે છંછેડો એટલી વાર ! કોઈ કોઈનો દબાયેલો નથી. કોઈ કોઈને લેવાદેવા નથી. આ તો બધું ભ્રાંતિથી મારું દેખાય છે, મારું-તારું !

આ તો નાછૂટકે સમાજની આબરૂને લીધે આમ ધણીના દબાયેલા રહે. પણ પછી આવતે ભવ તેલ કાઢી નાખે. અરે, સાપણ થઈને કૈડે હઉ !

ને લાલચમાંથી લાચારીમાં !

એક સ્ત્રી એના ધણીને ચાર વખત સાષ્ટાંગ કરાવડાવે ત્યારે એક વખત અડવા દે ! ત્યારે એના કરતાં આ દરિયામાં સમાધિ લેતો હોય તે શું ખોટું ? શા હારું આ ચાર વખત સાષ્ટાંગ ?!

પ્રશ્નકર્તા : આમાં સ્ત્રી શાથી આવું કરે છે ?

દાદાશ્રી : એ એક પ્રકારનો અહંકાર છે.

પ્રશ્નકર્તા : પણ એને પછી શું ફળ મળે ?

દાદાશ્રી : કશો ફાયદો નહીં. પણ આમ અહંકાર કે 'જોયું ને, આ કેવો સીધો કરી નાખ્યો !' અને પેલો બિચારો લાલચથી કરે ય એવું ! પણ સ્ત્રીને પછી ફળ ભોગવવું તો પડે ને ?

પ્રશ્નકર્તા : એમાં સ્ત્રીપણાનો બચાવ કરે છે પોતે ?

દાદાશ્રી : ના. સ્ત્રીપણાનો બચાવ નહીં. એ અહંકાર જ, રોફ માટે છે. ને પેલાને માંકડાની પેઠ નચાવે. પછી એનાં 'રીએક્શન' તો આવે ને ? પેલો ય વેર રાખે પછી કે 'હું તારા લાગમાં આવ્યો, ત્યારે તે મારો વેષ કર્યો ને મારી આબરૂ લીધી. તું લાગમાં આવે એટલી વાર છે !' તે પછી લઈ લે આબરૂ, ઘડીવારમાં ધૂળધાણી કરી નાખે પછી.

લાલચુ ને તો કોઈ બઈ વિષય ના આપે ને, તો એને 'બા' કહે, એવાં બેભાન માણસો છે ! મારું શું કહેવાનું કે આત્મસુખ ચાખ્યા પછી પેલા સુખની જરૂર જ ક્યાં રહી ?!

આપણું 'જ્ઞાન' શું કહે છે ? જગતમાં ભોગવવા જેવું છે શું ? તું અમથો આની મહીં ફાંફા મારે છે. ભોગવવા જેવો તો આત્મા છે !

પ્રશ્નકર્તા : એને આ લાલચોમાંથી છૂટવું હોય, તો તે શી રીતે છૂટે ?

દાદાશ્રી : એ જો એનો નિશ્ચય કરે તો બધું છૂટે. લાલચથી છૂટવું તો જોઈએ જ ને ! પોતાનાં હિતને માટે છે ને ! નિશ્ચય કર્યા પછી, છૂટ્યા પછી પેલી બાજુ સુખ જ લાગશે. એ તો વધારે સુખ લાગશે, નિરાંત લાગશે ઊલટી. આ તો એને ભય છે કે આ સુખ મારું જતું રહેશે. પણ એ છૂટ્યા પછી તો વધારે સુખ લાગશે !

લાલચથી ભયંકર આવરણ !

જેટલી ચીજ લલચાવનારી હોય એ બધી જ બાજુએ મૂકી દે, એને યાદ ના કરે, યાદ આવે તો પ્રતિક્રમણ કરે, તો એ છૂટે. બાકી શાસ્ત્રકારોએ એનો કંઈ ઉપાય બતાવ્યો નથી, બધાનો ઉપાય હોય, લાલચનો ઉપાય નહીં. લોભનો ઉપાય છે. લોભિયા માણસને તો મોટી ખોટ આવે ને, ત્યારે લોભ ગુણ જતો રહે, હડહડાટ !

પ્રશ્નકર્તા : ફરી 'જ્ઞાન'માં બેસે તો લાલચ નીકળે ?

દાદાશ્રી : ના નીકળે. 'જ્ઞાન'માં બેસવાથી કંઈ ઓછું નીકળે છે ? આ તો પોતે આજ્ઞામાં રહેવાનો પ્રયત્ન કરે ને નિરંતર આજ્ઞામાં રહેવું જ છે, એવું નક્કી કરે ને આજ્ઞાભંગ થાય તો પ્રતિક્રમણ કરે, ત્યારે દહાડો વળે.

આ જગતમાં લઢવાડ ક્યાં હોય ? જ્યાં આસક્તિ હોય ત્યાં જ. ફક્ત ઝઘડા ક્યાં સુધી હોય ? એક વિષય છે ત્યાં સુધી ! પછી 'મારી-તારી' કરવા માંડે, 'આ બેગ તારી ઉઠાવી લે અહીંથી. મારી બેગમાં સાડીઓ કેમ મૂકી ?' એ ઝઘડા વિષયમાં એક છે ત્યાં સુધી. અને છૂટાં થયા પછી આપણી બેગમાં મૂકે તો ય વાંધો નથી. એ ઝઘડા ના થાયને, પછી ? પછી કોઈ ઝઘડો નહીં ને ? કેટલાં વર્ષથી બ્રહ્મચર્ય વ્રત લીધું ?

પ્રશ્નકર્તા : આમ નવ વર્ષ થયાં.

દાદાશ્રી : એટલે ત્યાર પછી ઝઘડા-બઘડા નહીં ! કશી ભાંજગડ જ નહીં ! અને સંસાર ચાલ્યા કરે !

પ્રશ્નકર્તા : ચાલે જ છે ને, દાદા.

દાદાશ્રી : છોડીઓ પૈણી, છોકરા પૈણાવ્યા બધું પૈણે.....

પ્રશ્નકર્તા : ઘરમાં ય નથી થતું હવે કશું ય....

દાદાશ્રી : એમ ? સંસારમાં સરસ રહે એવું આ વિજ્ઞાન ! હા, છોડીઓ-છોકરા પૈણાવે. મહીં અડે નહીં, નિર્લેપ રહે. અને દુઃખ તો જોયું જ નથી. ચિંતા-બિંતા જોયેલી નહીં, નહીં ? બિલકુલ નહીં. નવ વર્ષથી ચિંતા નહીં જોયેલી ?

પ્રશ્નકર્તા : આમ ઉપાધિ આવે તો ઘણી, પણ અડે નહીં.

દાદાશ્રી : આવે ખરી, એ તો બરોબર, સંસારમાં છે એટલે આવે તો ખરું. અડે નહીં, એટલું જ પાછું નડે ય નહીં કંઈ પણ. સેફસાઈડ, કાયમ સેફસાઈડ. અહીં બેઠા જ મોક્ષ થઈ ગયો, પછી હવે રહ્યું શું ?

પ્રશ્નકર્તા : હું તો કહું છું કે અહીં જ મોક્ષનાં સુખ વર્તાવા જોઈએ. તો જ એની મઝા !

દાદાશ્રી : તો જ સાચો મોક્ષ અહીં વર્તાવો જોઈએ.

પ્રશ્નકર્તા : અને અહીંયા વર્તાય છે એટલે જ કહે છે ને ! હવે દેવલોક નહીં જોઈએ, આ સંસાર નહીં જોઈએ, સુખ વર્તાયું પછી બીજી ક્યાં ભાંજગડમાં પડે !

દાદાશ્રી : હા, અને ગાડી ત્યાં જ જઈ રહી છે. ભલે સુરત સ્ટેશને થોડીવાર ઊભી રહે વખતે, પણ બોમ્બે સેન્ટ્રલ જ જઈ રહી છે !

ચાલો બહુ સારું ! આવું હું પૂછુંને અને પછી એ એમનાં તરફનું કહે મને તો મને જરાં લાગે કે ના, આપણી મહેનત ફળી ! મહેનત ફળી, એની તો આશા રાખે ને ?

વિષય છૂટ્યા બાદ, સંબોધ્યાં ''બા'' !!!

જ્યારે હીરાબાની સાથે વિષય મારો બંધ થયેલો હશે ત્યારથી હું 'હીરાબા' કહું છું એમને. ત્યાર પછી અમારે કંઈ ખાસ અડચણ આવી નથી. અને પહેલાં જે હતી તે વિષયની સાથમાં, સોબતમાં તો અથડામણ થાય થોડી ઘણી. પણ જ્યાં સુધી વિષયનો ડંખ છે, ત્યાં સુધી એ જાય નહીં. એ ડંખ છૂટો થાય ત્યારે જાય. અમારો જાત-અનુભવ કહીએ છીએ. આ તો આપણું જ્ઞાન છે. તેને લઈને ઠીક છે. નહીં તો જ્ઞાન ના હોય તો તો ડંખ માર્યા જ કરે. ત્યારે તો અહંકાર હોયને. એમાં અહંકારનો એક ભોગ ભાગ હોય કે એમણે મને ભોગવી લીધી. અને આ કહેશે, 'એણે મને ભોગવી લીધો.' અને અહીં આગળ (આ જ્ઞાન પછી) નિકાલ કરે છે એ, તો ય પણ પેલી ડિસ્ચાર્જ કચકચ તો ખરી જ. પણ તે ય અમારે નહોતી, એવો મતભેદ નહોતો, કોઈ જાતનો.

વિજ્ઞાન તો જુઓ ! જગત જોડે ઝઘડા જ બંધ થઈ જાય. બૈરી જોડે તો ઝઘડા નહીં, પણ આખા જગત જોડે ઝઘડા બંધ થઈ જાય. આ વિજ્ઞાન જ એવું અને ઝઘડા બંધ થાય એટલે છૂટ્યો.

કોઈ પણ જાતનો સાહજીક એમાં વાંધો નથી. સાહજીક એટલે સહમતપૂર્વક. આપણને દાઢી કરવાનો ભાવ થયો અને પેલો ભાઈ આવીને ઊભો રહ્યો, તો કહે, 'આવો ! ચાલો બેસો બા !' એવાં સંજોગ બાઝતા હોવા જોઈએ. ભીખ માગવાની હદ હોય કે ના હોય ? કેટલી હદ હોય ? એક ફેરો કહે કે આ તૈયારી કરો. ત્યારે કહે, એ ય નહીં. તો કહીએ, આ હેંડ્યા. નથી જોઈતું, બંધ હવે !

આ તો એવાં લાચાર, થઈ ગયાં છે બધાં. માણસ કેવો પાવરવાળો હોવો જોઈએ ! આખી જિંદગીનો નિયમ લેવાવાળા, બ્રહ્મચર્યનો ! અબ્રહ્મચર્ય સંબંધી વિચારે ય ના આવે એવી પ્રતિજ્ઞાઓ લે.

એટલે ગંદવાડો જ છે આ બધું જગત. કોઈ આ રીતે ગંદવાડો કહે, કોઈ આ રીતે ગંદવાડો કહે. વહુને પૈણવામાં વૈરાગ્ય નથી આવતો, એનું શું કારણ ? કે અપમાન ખાવાની ટેવ છે એટલે. અપમાન ગળી જવાની ટેવ છે ! ખરો પુરુષ તો ગળે નહીં ને !

એ કહેવાય પોપટમસ્તી !

પ્રશ્નકર્તા : બધી ફાઈલો તો જાણે કે દાળમાં નાખીને વઘાર કરીને ખઈ શકીએ એવાં છે, પણ બે નંબરની ફાઈલનો કંઈ દાળમાં વઘાર કરવો ?

દાદાશ્રી : બે નંબરની ફાઈલને ના ચાલે. બે નંબરની ફાઈલ તો જ્ઞાન લીધેલું માણસ હોય અને તે જ્યારે અથડામણ થાય ત્યારે 'વ્યવસ્થિત' સમજે. કોણ અથડાય તે જાણે, ત્યારે છૂટો થાય.

પ્રશ્નકર્તા : એ તો એ સમજીએ છીએ, કે આ કર્મ અથડાય છે. પણ એનો રસ્તો તો કાઢવો પડે ને ? સોલ્યુશન તો શોધવું પડે ને ?

દાદાશ્રી : એનું સોલ્યુશન તો હોય છે, પણ લોકો છે તે, લોકોનાં મનોબળ કાચાં હોય છે ને ! મનોબળ કાચાં હોય એટલે શું થાય, બિચારો ? સોલ્યુશન, એને તો તમે અમુક ભાગ છે તે બંધ કરી દો કે તરત છે તે ચૂપ થઈ જાય બધું. પણ મનોબળ કાચાં હોય, તો શું કરે ?

પ્રશ્નકર્તા : એ બતાડોને ક્યો ભાગ બંધ કરી દેવો ?

દાદાશ્રી : વિકારી ભાગ બંધ કરી દેવાનો. તો એની મેળે જ બધું બંધ થઈ જાય. એને લઈને આ કાયમ ચાલ્યા કરે કકળાટ.

પ્રશ્નકર્તા : પહેલાં તો અમે એમ સમજતા'તા કે આ ઘરનાં કામકાજ બાબતમાં અથડામણ થતી હશે. તે ઘરનાં કામમાં હેલ્પ કરવા બેસીએ, તો ય અથડામણ.

દાદાશ્રી : એ બધી અથડામણો થવાની જ. આ જ્યાં સુધી વિકારી બાબત છે, સંબંધ છે ત્યાં સુધી અથડામણ થવાની. અથડામણનું મૂળ જ આ છે. જેણે વિષય જીત્યો, તેને કોઈ હરાવી શકે નહીં, કોઈ એનું નામે ય ના દે. એનો પ્રભાવ પડે.

પ્રશ્નકર્તા : વિષય નથી જીતાતો એટલે તો અમે તમારા શરણે આવ્યા.

દાદાશ્રી : કેટલા વર્ષથી વિષય..... ઘરડાં થવાં આવ્યાં તો ય વિષય ? જ્યારે જુઓ ત્યારે વિષય, વિષય ને વિષય !

પ્રશ્નકર્તા : આ વિષયો બંધ કરવા છતાં અથડામણ ના ટળતી હોય એટલે તો અમે તમારા ચરણે આવ્યા.

દાદાશ્રી : થાય જ નહીં. વિષય જ્યાં બંધ છે તે મેં જોયું, જેટલાં જેટલાં પુરુષો મજબૂત મનનાં છે તેને સ્ત્રી તો બિલકુલ આમ કહ્યામાં રહે છે.

પ્રશ્નકર્તા : વ્યવહારમાં જે અહમ્ રહે છે કોઈ વખત, તો એને લીધે તણખા બહુ ઝરે.

દાદાશ્રી : એ તો અહમ્ના તણખા ઝરતાં નથી. એ દેખાય છે અહમ્ના તણખા પણ વિષયના આધીન થઈને એ હોય છે. વિષય ના હોય ત્યારે આ ના હોય. વિષય બંધ થાય ત્યારે પછી એ ઇતિહાસ જ બંધ થઈ જાય. એટલે જો બ્રહ્મચર્ય વ્રત લઈને રહે વરસ દહાડા માટે, તો એમને હું પૂછું છું. ત્યારે કહેશે, 'તણખા એકુંય નહીં, કચકચ નહીં, ખટપટ નહીં, કશું જ નહીં સ્ટેન્ડ સ્ટીલ !' હું પૂછું પાછો, હું જાણું આવું થઈ જાય હવે. એટલે એ વિષયને લીધે હોય છે.

પ્રશ્નકર્તા : એ તો લડાઈ તો પરણે ત્યારથી જ શરૂ થાય છે.

દાદાશ્રી : હા, પણ ત્યારથી શરૂ થાય. એ લડાઈ ને આપણા અનુભવીઓએ નામ આપ્યું છે, પોપટ મસ્તી. એ સાચી લડાઈ નથી. આ સાચી લડાઈમાં તો બીજે દહાડે જુદો થાય. આ પોપટ મસ્તી છે. આપણે જાણીએ કે પોપટ હમણાં એને મારી નાખશે, મારી નાખશે, પણ ના મારે. બચકાં ભરે, ચાંચો મારે, બધું કરે. એટલે આ પોપટ મસ્તી કહી. બીજે દહાડે કશું ય ના હોય. દૂધ ફાટી ના ગયું હોય, ચા થાય.

પ્રશ્નકર્તા : ચા આપે પણ પછાડીને આપે, તેનું શું ?

દાદાશ્રી : હા, કપ પછાડીને આપે પણ ફાટી ના જાય. એ કપ પછાડીને આપે તો આપણે ના પછાડીએ તો એ બંધ થઈ જાય.

પ્રશ્નકર્તા : પણ લઢઈ બંધ ના થાય.

દાદાશ્રી : લડાઈ તો આ વિષય જાય તો જ બંધ થાય. કંઈ પણ લે મેલ કરી કે લડાઈ. જ્ઞાન સિવાય બીજી વસ્તુનું લેવાદેવા કર્યું એ લડાઈ અને બધા સુખ લીધેલાં, એ લીધેલાં છે તે એને શું કરવું પડશે ? રીપે(શ્વફૂર્ષ્ટીક્ક) કરવા (ચૂકવવા) પડશે. દાંતથી લીધેલાં સુખ દાંતના રીપે કરવા પડશે. દરેકના સુખ લીધેલા રીપે કરવા પડે. સ્ત્રીથી સુખ લીધેલાં રીપે કરવાં પડે. એ અત્યારે રોજ રીપે કર્યા કરે છે. સુખ હોય નહીં ને, પુદ્ગલમાં સુખ હોય નહીં. સુખ આત્મામાં જ હોય, કે જે રીપે કરવું ના પડે.

વિષય બંધ તો ક્લેશ બંધ !

જેને ક્લેશ કરવો નથી, જે ક્લેશનો પક્ષ ખેંચતો નથી, એને ક્લેશ થાય પણ ધીમે ધીમે બહુ ઓછો થતો જાય. આ તો ક્લેશ કરવો જ જોઈએ એમ માને છે ત્યાં સુધી ક્લેશ વધારે થાય. ક્લેશના પક્ષકાર આપણે ના બનવું જોઈએ. 'ક્લેશ નથી જ કરવો' એવો જેનો નિશ્ચય છે, તેને ક્લેશ ઓછામાં ઓછો આવીને પડે છે અને જ્યાં ક્લેશ છે, ત્યાં ભગવાન તો ઊભાં જ ના રહે ને !

અને આ સંસારમાં જો વિષય ના હોત તો, ક્લેશ જ ના હોત. વિષય છે તેથી ક્લેશ છે, નહીં તો ક્લેશ જ હોત નહીં ! વિષયને એકઝેક્ટ ન્યાય બુદ્ધિથી જુએને તો ફરી વિષય કરવાનું માણસને મન જ ના થાય.

પ્રશ્નકર્તા : પણ વિષય ચીજ જ એવી છે કે તે ન્યાય બુદ્ધિ જોવા ન દે.

દાદાશ્રી : આ વિષય એવી વસ્તુ છે કે એક ફેરો અંધ થયો પછી ના જોવા દે. સૌથી ભારેમાં ભારે અંધ એટલે લોભાંધ અને એનાથી સેકન્ડ નંબર હોય તો વિષયાંધ.

પ્રશ્નકર્તા : લોભાંધને વધારે કહેવાય ?

દાદાશ્રી : અરે, લોભાંધની તો દુનિયામાં વાત જ જુદી છે ને ! લોભાંધ અને દુનિયાનો એક નવી જ જાતનો રાજા. વિષયવાળા તો મોક્ષે જવાને માટે પ્રયત્ન કરે. કારણ કે વિષયવાળાને તો ક્લેશ થાય ને ! એટલે પછી કંટાળે. જ્યારે લોભાંધને તો ક્લેશ પણ ના થાય. એ તો એની લક્ષ્મીની જ પાછળ પડેલો હોય, લક્ષ્મી કંઈ બગડતી નથીને એ જ જોયા કરે અને એમાં જ એ ખુશ. છોકરાંને ઘેર છોકરાં હોય, તો ય એને લક્ષ્મીની જ પડેલી હોય. અને લક્ષ્મીને સાચવવા આવતો ભવ ત્યાં સાપ થઈને બગાડે.

છ મહિના કરો અખતરો !

બહુ આડા સ્વભાવની બૈરી મળી હોય તો શું થાય ? અધોગતિએ લઈ જાય ! એટલે એમાંથી છૂટવા તો શું કરવું પડે ? એની જોડે વિષય બિલકુલ બંધ કરી દેવો પડે, નહીં તો એકદમ ઓછો કરી નાંખવો પડે તો ગાડું પાંસરું થાય ને રાગે પડે ! આ દુનિયામાં ક્ષયનાં જંતુની દવા હોય છે, પણ મનુષ્યરૂપી જીવાતો એ તો ક્ષયનાં જંતુઓ કરતાં પણ ભયંકર છે. એની તો દવા જ ના મળેને !

પ્રશ્નકર્તા : દાદા, મારી બ્રહ્મચર્ય પાળવાની ઘણી ઇચ્છા છે પણ મારી બૈરી ના પાડે છે. એના કારણે એ મને સત્સંગમાં ન આવવા માટે ખૂબ ધમપછાડા કરે છે. તો મારે ત્યાં શું કરવું ?

દાદાશ્રી : આ પુરુષો જરા ઢીલા હોય છે, તેથી તેનો લાભ સ્ત્રીઓ ઉઠાવે છે. જ્યાં સુધી પુરુષોને સ્ત્રી પાસેથી વિષયની યાચના હશે, ત્યાં સુધી સ્ત્રી ક્યારે ય પણ કાબૂમાં નહીં આવે. ચાર-છ મહિના સુધી તું વિષય બંધ કરી જો. એ કાલાવાલા કરશે. પછી સ્ત્રી કાબૂમાં આવશે. આપણે તો એનું હઉ કલ્યાણ થાય એવું જોવું જોઈએ. એ બિચારીનું અવળું ચાલે તો તે ક્યાં જાય ?! એ આપણું ખરાબ કરવા માંગે તો ય આપણે એનું સારું કરવું જોઈએ. એની તો અણસમજણ છે, પણ આપણે તો સમજણવાળા ખરા કે નહીં ? છ મહિના તારાથી કંટ્રોલ રહેશે કે નહીં ? છ મહિનામાં તો એ નરમ ઘેંસ થઈ જશે. છ મહિનામાં તને ચમત્કાર લાગશે. એક જણને તો ત્રણ મહિનામાં જ વહુ નમતી આવી ગઈ અને ધણીને કહેવા લાગી કે તમે કહેશો તેમ કરીશ.

એનો વિકારી સ્વભાવ છે કે મોળો છે ?

પ્રશ્નકર્તા : જરા ખરો.

દાદાશ્રી : તો એ તરત કાબૂમાં આવી જશે. આપણે એનું એવું રાગે પાડી દઈએ કે એનું ય સારું થાય અને આપણું ય સારું થાય. વહુ જો બહુ ઉપાધિ કરાવતી હોય તો તેને કહીએ કે મારો બ્રહ્મચર્ય લેવાનો વિચાર છે. બહુ કાલાવાલા કરે તો તેને કહીએ કે હજુ બે મહિના પછી, તું બદલાઈ ગયા પછી, એમ કરીને આપણે તેને ગમે તેમ કરીને વશ કરવી. એ વિકારમાં આવતી હોય ત્યારે તને ખુશ કરવા પ્રયત્ન કરે કે ના કરે ? તે વખતે એ તરફ ધ્યાન નહીં રાખવાનું. હવે એમ છેતરાઈશ નહીં. આપણને શુદ્ધાત્માનું જ્ઞાન છે એટલે સંયમ રાખી શકીએ. સંયમ ના હોય તો દબાઈ જ જાય. આપણું મન બગાડવા ના દેવું. આપણે એની જોડે કામ સાથે કામ રાખવું. બધું બગડે નહીં, એ જોવાનું. એ અજ્ઞાની માણસ એટલે ઊંધું કરે. જ્ઞાની ઊંધું ના કરે. અને છેવટે તો વિજય સત્યના પક્ષમાં જ હોય છે ને ? આ વશ કરવાનો ઉપાય છે. બીજો ઉપાય નથી.

છૂટેલા હોય, તે છોડાવડાવે. બંધાયેલા શું છોડાવે ? ઘેર ઘેર આનું આ જ રમખાણ હોય. આ કંઈ એક જ ઘેર હોય ? તારા જેવું તો બહુ ઘણાં માણસોને ત્યાં બનેલું. કેટલાંક માણસોને તો વિષય છૂટી ગયા. કેટલાંક હજુ નીકળી જશે. કેટલાંકને જિતાય એવું નથી, ત્યારે મેં એને છોડી દેવાનું કહ્યું ને બીજા રસ્તા દેખાડયા ! જ્યારે ત્યારે તો વિષયને જીતવો જ પડશેને ?

બ્રહ્મચર્યનું બળ નથી, તેથી માણસોને સ્ત્રીઓ જોડે ભાંજગડ પડે છે. બ્રહ્મચર્યનું બળ હોય તો સ્ત્રીઓ નામ ના દે ! બાર મહિના નહીં તો છ મહિના, પણ છ મહિના તારું સીધું ચાલશે ને ? પછી ફરી છ મહિના લઈ લેવાનું ને પછી તો એ પોતે ય કબૂલ કરશે કે ના, તમે એક-બે વર્ષ ખમી જાવ, બે વર્ષ પછી આપણે બેઉ સાથે બ્રહ્મચર્ય વ્રત લઈએ. ખરેખરું એવું થઈ જાય તો બહુ સારું પડે. બન્નેનું આમ રાગે પડે, પછી અમે વિધિ કરી આપીએ એ બહુ સારું કહેવાય. પુરુષ માયાવી ના કહેવાય, સ્ત્રી જાતિ માયાવી કહેવાય. જ્યારે પ્રતાપ નામનો ગુણ પ્રગટે છે, ત્યારે જ સ્ત્રી જાતિ તે ગુણ ઉપર આફરીન થાય છે અને ત્યારે જ સ્ત્રીની કપટની બારી બંધ થઈ જાય. એ સિવાય સ્ત્રીઓની કપટની બારી બંધ થવાનો, બીજો કોઈ આરો જ નથી.

આ તમારી જગત કલ્યાણની ભાવના છે, તે જ તમને વિષય જિતાડશે. સંયમ એવી ચીજ છે કે આખું જગત પગે લાગે, સાચો સંયમધારી હોય તો.

કપટથી સિંહને બનાવે ઉંદરડી !

આપણે આમ કહીએ ત્યારે એ વળી આમ કહે. વાદ ઉપર વિવાદ સર્જે ચીકણી ફાઈલ.

પ્રશ્નકર્તા : એ ફાઈલ નંબર ટુ.

દાદાશ્રી : હા. ધણીનું માને નહીં. આમ ઉંદરડો રાત્રે પ્યાલો ખખડાવે તો ભડકે અને ધણીથી ના ભડકે, મોટો સિંહ જેવો હોય તો ય.

પ્રશ્નકર્તા : એની પાછળ કારણ શું હોય છે ? વિષયની લાલચ ?

દાદાશ્રી : પી ગઈ હોય છે. એ મૂંઓ પીવા દે છે ને. પેલો ય પી જવા દે છે ને ! એવી સ્ત્રીઓ હોય કે ના હોય ? પી જાય એવી ? શી રીતે પી જાય ? છત જોઈ લે પછી પી જાય. મહીં છત નથી ને વગર કામનો કૂદાકૂદ કરે. પછી પી જાય.

પ્રશ્નકર્તા : આ ઘર્ષણનું આપે પેલું કારણ કહ્યુંને, એટલે વિષય ના હોય તો અથડામણ જ ના હોત !

દાદાશ્રી : વિષય ના હોય ને માર્ગ મળ્યો, તે મોક્ષ થઈ જાય. નહીંતર માર્ગ ના મળ્યો તો એ ય રખડી મરે. વિષય ના હોય તો સરળ મોક્ષ પાછો. કશું અડચણ વગરનો !

પ્રશ્નકર્તા : એટલે સંસાર જ્યાંથી શરૂ થયો હોય, ત્યાંથી બંધ કરવો પડે તો બંધ થઈ જાય. વિષયમાંથી ઊભો થયો છે ને ?

દાદાશ્રી : સૂક્ષ્મ કારણ તો બીજાં છે, સ્થૂળ કારણ આ છે.

પ્રશ્નકર્તા : આ સ્થૂળ કારણમાં જાય ?

દાદાશ્રી : આ બંધ કરે તો દીવા જેવું થઈ જાય, ફર્સ્ટ કલાસ.

આવું કોઈએ હિન્દુસ્તાનમાં કહ્યું નથી હજુ. શીલ ઉપર તો બધાએ ઢાંકી દીધું છે. લોકોને આનો જ સ્વાદ છે. ટેસ્ટ જ આનો છે. જ્યાં અનેક જાતના ઝઘડા, વિગ્રહ ને સંઘર્ષ ઊભું થાય છે, ત્યાં જ આ જીવો ફસાય છે. ફસામણ છૂટે નહીં અને અનંત અવતારો થાય છે. કારણ કે વેર વાળ્યા જ કરે પછી, સ્ત્રી વેર વાળ્યા જ કરે. પુરુષ તો ભોળો બિચારો, ભગવાનનો આદમી ! આમનામાં ભલીવાર શું ?! પંજામાંથી છોડે નહીં ને પછી, એક ફેરો, કાબૂમાં આવી ગયો ખલાસ, એમાં સ્ત્રીઓને ય પણ નુકસાન તો થાયને કે ના થાય ?

વસુલે ભાઈસા'બ કરાવીને

એક બહેને તો મને કહ્યું હતું 'પૈણી ત્યારે એ બહુ લોંટ (જબરા) હતા.' મેં કહ્યું, 'હવે ?!' ત્યારે કહે, 'દાદા, તમે બધું સ્ત્રી-ચારિત્ર બધું સમજો છો, મારી પાસે શું કહેવડાવો છો ?' મારી પાસે કોઈ સુખ જોઈતું હોય એમને, ત્યારે હું એને કહું, 'ભઈસા'બ કહો.' એટલે ભઈસા'બ કહેવડાવું ત્યારે ! એમાં મારો શું વાંક ? પહેલાં એ મને ભઈસા'બ કહેવડાવતા હતા અને હવે હું ભઈસા'બ કહેવડાવું છું.

તેથી હું લોકોને પૂછું, ઘેર આવી ભાંજગડ નથીને ? ના દાદા, એવું નથી. હોય તો, એ મને કહેજે, હં. પાંસરી કરી નાખીએ. એક મહિનામાં તો પાંસરી કરી નાખું.

પ્રશ્નકર્તા : તો એવી લાલચોનું કારણ શું ? કઈ રીતે આ લાલચો આવે છે ?

દાદાશ્રી : જેમાં ને તેમાંથી સુખ પ્રાપ્ત કરવું, ને જેનું ને તેનું પડાવી લેવું. એટલે પછી 'લૉ'-કાયદો કે કશું નહીં અને તે લોકનિંદ્ય હોય તો ય કશી પડેલી ના હોય. અને તે લોકનિંદ્ય જ હોય આ બધું, એટલે પછી લાલચ આવાં કામ કરાવે, માણસને માણસ જાતમાં ના રાખે.

લાલચ તો ધ્યેય ચૂકાવે !

કૂતરાને એક પૂરી દેખાડી ને, એમાં તો એની બધી 'ફેમીલી'ને પણ ભૂલી જાય. છોકરાં, કુરકુરિયાં, બધાયને ભૂલી જાય અને આખું પોતાનું સ્થાન છે, જે લત્તામાં રહેતો હોય તે ય ભૂલી જાય અને ક્યાંય જઈને ઊભો રહે છે. લાલચની હારુ પૂંછડી પટપટાવતો હોય, એક પૂરીને માટે ! લાલચ, જેનો હું 'સ્ટ્રોંગ' વિરોધી છું. લોકોમાં હું લાલચ દેખું ત્યારે મને થાય, આવી લાલચ બધી ?! 'ઓપન પોઈઝન' છે ! મળી આવે એ ખાવું. પણ લાલચ ના હોવી જોઈએ.

પ્રશ્નકર્તા : લાલચ વગર રહેવાથી મળી પણ રહે છે.

દાદાશ્રી : એટલે આ લાલચુને જ આ ભાંજગડ છે. નહીં તો બધું મળી રહે, ઘેર બેઠાં મળે. આ અમે કશી ઈચ્છા પણ નથી કરતાં તો ય બધી ચીજ મળે છે ને ! લાલચ તો નથી, પણ ઈચ્છા ય નથી કરતા !

પ્રશ્નકર્તા : લાલચ અને ઈચ્છા, એ બેમાં શો ફેર ?

દાદાશ્રી : ઈચ્છા રાખવાની છૂટ છે બધાને. બધી ય જાતની, ઈચ્છાનો વાંધો નથી. લાલચુ તો, આ કૂતરાને એક પૂરી ધરી, તે ક્યાંનો ક્યાં જાય, એને લાલચ પેઠી ને !

પ્રશ્નકર્તા : એટલે લાલચમાં સારા-નરસાનો વિવેક નહીં રહેતો હોય.

દાદાશ્રી : લાલચ તો, જાનવર જ કહી દો ને એને ! મનુષ્યરૂપે જાનવર જ ફર્યા કરે છે. થોડી ઘણી લાલચ તો બધાને હોય, પણ એ લાલચ નભાવી લેવાની. પણ લાલચુ જ જેને કહેવામાં આવે છે, એને તો કંઈ જાનવર જ જોઈ લો ને, મનુષ્યરૂપે !

એક માણસને, કોઈ ખાવાની સરસ ઊંચી વસ્તુ લાવ્યા. હવે પેલા માણસને એ વસ્તુ બહુ જ ભાવે છે, તો એ લાલચ સારું બેસી રહે. બે- ત્રણ-ચાર કલાક બેસી રહે. થોડુંક એને આપીએ ત્યાર પછી જ એ જશે. પણ એ લાલચ હારું બેસી રહે છે અને જે અહંકારી છે એ તો કહે, 'મેલ પૈડ તારી, એના કરતાં આપણાં ઘેર જવા દો ને !' એ લાલચુ ના હોય.

એટલે લાલચોથી આ જગત બંધાયેલું છે. અલ્યા, કૂતરા-ગધેડાને લાલચ હોય. પણ આપણને લાલચ કેમ હોય ? લાલચ તે હોતી હશે ?!

આ ઉંદર પાંજરામાં ક્યારે આવે છે ? પાંજરામાં ક્યારે ઝડપાઈ જાય છે ?

પ્રશ્નકર્તા : લાલચ હોય ત્યારે.

દાદાશ્રી : હા, ઢેબરાની સુગંધ આવી અને ઢેબરું ખાવા ગયો કે મહીં તરત ફસાય. પાંજરાની મહીં ઢેબરું દેખ્યું કે બહાર રહ્યો એ તલપાપડ થયા કરે કે 'ક્યારે પેસું ? ક્યારે પેસું ?' પછી મહીં પેસી જાય એટલે પેલું ઓટોમેટિક વસાઈ જાય. મનુષ્યોને આ 'ઓટોમેટિક' આવડે બધું. એટલે એની મેળે જ વસાઈ જાય. એટલે સર્વ દુઃખનું મૂળ લાલચ છે.

વિષયની લાલચ, કેવી હીન દશા !

પ્રશ્નકર્તા : હવે આ વિષયમાં સુખ લીધું, એના પરિણામે પેલા ઝઘડા ને ક્લેશ બધું થાય ને ?

દાદાશ્રી : બધું આ વિષયમાંથી જ ઊભું થયું છે અને સુખ કશું ય નહીં પાછું. સવારના પહોરમાં દિવેલ પીધા જેવું મોઢું હોય. જાણે દિવેલ પીધેલું ના હોય ?!

પ્રશ્નકર્તા : એ તો કંપારી છૂટે કે આટલાં બધા દુઃખો આ લોકો સહન કરે છે, આટલાં સુખને માટે !

દાદાશ્રી : એ જ લાલચ છે ને, આ વિષય ભોગવવાની ! પછી એ તો નર્કગતિનું દુઃખ ત્યાં ભોગવે ને, ત્યારે ખબર પડે કે શું સ્વાદ ચાખવાનો છે આમાં !! ને વિષયની લાલચ એ તો જાનવર જ કહી દો ને ! વિષયમાં ઘૃણા ઉત્પન્ન થાય તો જ વિષય બંધ થાય. નહીં તો વિષય શી રીતે બંધ થાય ?

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18