ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18



બ્રહ્મચર્ય (ઉર્તરાધ)

ખંડ : ૨

આત્મ જાગૃતિથી બ્રહ્મચર્યનો માર્ગ !

[૨]

વિષય ભૂખની ભયાનકતા !

અસંતોષની ભૂખ, હવે ક્યારે છૂટશે ?!

કોઈ પુરુષથી સ્ત્રીઓ સામું જો જો ના કરાય અને કોઈ સ્ત્રીથી પુરુષ સામું જો જો ના કરાય. પોતાનું જે હોય તે જ છૂટ છે. હલવાઈની દુકાને લોકો જો જો નથી કરતા. કારણ કે એ જાણે છે કે આપણું ન હોય. પણ આ પુરુષો સ્ત્રીઓને જોયા કરે છે અને સ્ત્રીઓ પુરુષોને જોયા કરે છે. અલ્યા આમાં શું જોવાનું તે ? આ તો તડબૂચાં જાય છે બધા. એમાં શું જોવાનું છે ?

આવું કોઈ કહેતું નથી ! સબ ચલને દો, એવું બોલ્યા કરે ને ! પણ આ તો ભયંકર જોખમદારી છે. પોતાના હક્કનું ભોગવો. પોતાની પૈણેલી સ્ત્રી હોય, તો એ સ્ત્રીનાં મા-બાપ હઉ પૈણાવે છે એને, ગામવાળાઓ પૈણાવે છે, એટલે બધા લોકો 'એકસેપ્ટ' કરે છે ને ? એ હક્કનો વાંધો નથી, પણ બીજું તો જોવાય નહીં. બીજે ક્યાંય દ્રષ્ટિ બગાડાય નહીં. પણ આવો ઉપદેશ કોઈએ આપ્યો નહીં. આવું ને આવું પોલ ચાલવા દીધું, તે ગાડું ઊંધું ચાલ્યું.

આ તો જગત છે. શું દ્રષ્ટિ ના બગડે ? કારણ કે જાત જાતની કેરીઓનું આ તો સંગ્રહસ્થાન. હાફુસની કેરી હોય, રત્નાગિરિની, બીજી હોય, ત્રીજી હોય, તે માણસ બિચારો શું કરે ? એટલો બધો 'કંટ્રોલ' શી રીતે આવે ? આ જ્ઞાન લીધું હોય તો 'કંટ્રોલ' રાખી શકે. બાકી અણહક્કનું ભોગવવાના વિચાર આવ્યા, ત્યારથી જાનવર ગતિમાં જાય. આપણા મનમાં એમ થાય કે આપણું શું થવાનું છે. એટલે લોક ભય નથી રાખતા. પણ આ જગત તો બધું ભયનું જ કારખાનું છે. માટે ચેતીને ચાલો. ભયંકર કળિયુગ છે. દિવસે દિવસે 'ડાઉન' કાળ આવ્યા કરે છે, વિચારો ને બધું ખરાબ બગડતા જ જવાના. માટે મોક્ષે જવાની વાત કરશો તો કંઈક દહાડો વળશે.

કેટલાંક માણસો એવા હોય છે કે સરસ મજાની મીઠાઈ કે ફરસાણ જુએ તો પણ એને ભાવ કે અભાવ ના થાય. એવા પંદર ટકા માણસો ખરા. પણ આ સ્ત્રી-પુરુષ છે, તે તો જોવાથી જ ભાવ કે અભાવ ઉત્પન્ન થાય છે. એમાં બે ટકા માણસો બાદ કરો, પણ બાકી બધાના મન બગડ્યા વગર રહે જ નહીં. આ તો કાકાનો છોકરો હોય તો પણ છોકરીનું મન બગડે અને કાકાની છોકરી હોય તો પણ છોકરાનું મન બગડે. મીઠાઈમાં શાથી નથી બગડતું ? કારણ કે ત્યાં એને સંતોષ છે. પણ વિષયમાં તો અસંતોષ છે ને ? પણ આમાં અસંતોષ જેવું છે જ શું તે ? આ પણ કેરીયું જ છે ને ? જેને ખાધામાં અસંતોષ છે એનું ચિત્ત ખોરાકમાં જાય અને જ્યાં હોટલ દેખે ત્યાં ચોંટી જાય, પણ ખાવાનો એકલો જ કંઈ વિષય છે ? આ તો પાંચ ઇન્દ્રિય અને તેમાં કેટલાંય વિષય કહેવાય. ખાવાનો અસંતોષ હોય તેનું ચિત્ત ખાવામાં ચોંટે. તેમ જેને જોવાનો અસંતોષ હોય તે જ્યાં ને ત્યાં આંખો ફેરવ ફેરવ કરતો હોય. પુરુષને સ્ત્રીનો અસંતોષ હોય ને સ્ત્રીને પુરુષનો અસંતોષ હોય એટલે પછી ત્યાં ચિત્ત ચોંટે. આને ભગવાને મોહ કહ્યો. દેખતાંની સાથે જ ચોંટે. સ્ત્રી દેખી કે ચિત્ત ચોંટી જાય. આ લોક પાંસરા રહેતા હશે ? આ તો ક્યાંય સુખ પડતું નથી તેથી વલખાં જ મારે છે. કો'ક પુણ્યશાળી હોય તે વલખાં ના મારો હોય, ત્યારે એ લોભમાં પડ્યો હોય.

કો'ક માણસ બહુ ભૂખ્યો થયો હોય તો કપડાંની દુકાન સામું જુએ ? ના, એ તો મીઠાઈની દુકાન જુએ, નહીં તો હોટલ જુએ. જ્યારે દેહની ભૂખ ના હોય ત્યારે મનની ભૂખ ઊભી થાય. આ બન્ને ભૂખ ના હોય ત્યારે વાણીની ભૂખ ઊભી થાય. એવું લોક બોલે છે ને, કે પેલાને તો હું કહ્યા વગર રહું જ નહીં ? એ જ વાણીની ભૂખ. ઘેર આપણે કશું ખાતા હોઈએ ને ભિખારી આવે તો આપણા ઘૈડિયા નથી કહેતાં, અલ્યા, સાચવજો નજર ના લાગી જાય ?! આ નજર લાગે એટલે શું કે જેની ભૂખ લાગે તેમાં ચિત્ત ચોંટે તે. સ્ત્રીને પુરુષની ભૂખ હોય તો સ્ત્રીનું ચિત્ત પુરુષમાં ચોંટી જાય. સ્ત્રીની ભૂખ હોય તો સ્ત્રીને દેખે તો પુરુષનું ચિત્ત સ્ત્રીમાં ચોંટી જાય. આમ નજરું લાગવાથી બગડ્યું છે બધું. 'જ્ઞાની પુરુષ' એકલાને જ કોઈની નજર ના ચઢે. કોઈ આમ આંખ માંડે તો પણ 'જ્ઞાની પુરુષ' એના શુદ્ધાત્મા જ જુએ, એટલે કશું અડે નહીં. આ નાનાં છોકરાં રૂપાળાં હોય છે, તે ઘરનાં લોકો એને કપાળે કાળી ટીલ્લી ચોડે. કારણ કે નજર ના લાગે ! કોઈ ભૂખ્યો એને જુએ તો પણ ચિત્ત ના ચોંટે, તેથી કાળી ટીલ્લી કરે.

દર્શન મોહથી ખડો સંસાર !

અનંત અવતારથી દર્શનમોહને લીધે ઊભી થયેલી આ સંસાર જંજાળ છે, તે સમ્યક્દર્શન થાય ત્યારે દર્શનમોહ તૂટે. જગત શાથી ઊભું રહ્યું છે ? દર્શનમોહથી. આટઆટલું કરવા છતાં મુક્તિને કેમ નથી પામતાં ? દર્શનમોહ નડે છે. કોઈ માણસ રાતે જમ્યો હોય, પણ સવારે પાછી કકડીને ભૂખ લાગી હોય, તો એ સોનાની દુકાન કે સાડીની દુકાન ના જુએ. પણ એને તો કંદોઈની દુકાન જ દેખાય. શાથી ? એનું ચિત્ત ખાવા માટે જ ભટકયા કરતું હોય ? દેહમાં ભૂખની 'ઇફેક્ટ' થઈ એટલે ખાવાનો મોહ થયા કરે, એનું નામ દર્શનમોહ. દેહને વિષયની ભૂખ લાગે તો સ્ત્રીનો મોહ જાગે. એટલે આ દર્શનમોહથી તો આવતા અવતારનાં બીજ નાખે છે ને ? તેથી આવતા અવતારનો સંસાર ઊભો કરે છે. વીતરાગને એકુય નજર ના લાગે. માટે સંસારથી છૂટવું હોય તો વીતરાગ થા. પણ વીતરાગ કેવી રીતે થાય ? દર્શનમોહ તૂટે એવી કોઈ રીત કર ! દર્શનમોહથી સંસાર ઊભો રહ્યો છે.

આપણે કંઈક સારા ભીંડા જોયા તો આપણી આંખ ત્યાં ચોંટી જાય. કંઈક સારું જોયું ત્યાં નજર ચોંટી જાય. નજર ચોંટી એટલે સંસાર ઊભો થઈ ગયો. આ જગત ઉઘાડી આંખે જોવા જેવું છે જ નહીં. તેમાં ય કળિયુગમાં તો ભયંકર અસરો કરે. આ આંખમાંથી બહુ સંસાર ઊભો થઈ જાય છે.

આ જગતમાં તો બધી ભ્રમિત કરે એવી જ ચીજ છે ને ? જ્યાં મન જ કાચું છે, ત્યાં શું થાય ? આમાં જોવા જેવું છે જ શું તે ? આ તો જોવાની કટેવ કહેવાય. જે દેખાય છે એની પર મોહ થાય છે. આ તો માણસને બધા પર્યાયનું જ્ઞાન હોય નહીં ! આ ખાધેલું ઊલટી થઈ જાય. પછી ઊલટી થઈ, એ ભાગ પેલું ખાધેલું છે, એનો જ ભાગ છે એવું એટ-એ-ટાઈમ લક્ષમાં ના રહે ને ? જેમ આ કેરી હોય છે, તે મોર આવે, પછી ફળ બેસે, નાની નાની કેરીઓ આવે. એ તૂરી લાગે, પછી ખાટી થતી જાય, પછી મીઠી થાય, એ જ પાછી કહોવાઈ જાય, બગડી જાય, ગંધાઈ ઊઠે, સડી જાય. એ બધા જ પર્યાય એટ-એ-ટાઈમ હાજર રહે પછી કેરી પર મોહ જ ના થાય ને ? ખાવા જેવું, જોવા જેવું તો સત્યુગમાં હતું. આજની સ્ત્રીઓ જોવા જેવી નથી દેખાતી, પુરુષો જોવા જેવા નથી દેખાતા. આ તો ઊતરી ગયેલી કેરીયું જેવા દેખાય છે. અલ્યા, આ ઊતરી ગયેલા માલ પર શું જોવા જેવું લાગે છે તને ? સ્ત્રી એ પુરુષનું સંડાસ છે અને પુરુષ એ સ્ત્રીનું સંડાસ છે.

જેને મોક્ષે જવું હોય તેણે સ્ત્રી જાતિ ઉપર કે સ્ત્રીએ પુરુષ જાતિ ઉપર દ્રષ્ટિ જ માંડવાની બંધ કરવી. નહીં તો આનો ઉકેલ જ નહીં આવે. આ ચામડી કાઢી નાખે તો શું દેખાય ? પણ આ માણસો તો આમે ય એવા ગંધાય છે કે એમ થાય કે આ તો કઈ જાતના માણસ છે ! પહેલાંના કાળમાં એવી સ્ત્રીઓ હતી પદ્મિની-સ્ત્રીઓ, તે સુગંધ આવે, બાજુમાં બેઠી હોય તો પણ અહીં સુગંધ આવ્યા કરે. અત્યારે તો આ પુરુષોમાં બરકત જ નથી, ને સ્ત્રીઓમાં પણ બરકત નથી. બધો ફેંકી દેવાનો માલ, કાઢી નાખવાનો માલ કહેવાય, રબીશ મટીરિયલ્સ. એમાં પાછો મોહ ચોંટાડે. અલ્યા, એમાં કશું મોહ રાખવા જેવું તને લાગ્યું ? કેમ ધોળી ચામડી હોય તેથી ? સીલબંધ પેટ્રોલના ડબ્બા હોય, હવા પણ ના નીકળે એવા હોય, છતાં આ રૂમમાં કોઈ બીડી પીવે તો ય ડબ્બા સળગી જાય. માટે સ્ત્રી-પુરુષોએ 'બીવેર ઓફ પેટ્રોલ' એવું બોર્ડ મારવું.

સ્ત્રી-પુરુષના દ્રષ્ટિરોગની દવા શી ?

આ જગતમાં સ્ત્રીને પુરુષનું અને પુરુષને સ્ત્રીનું એટ્રેકશન અમુક ઉંમર સુધી રહ્યા જ કરે. તે જોવાથી જ કૉઝીઝ ઉત્પન્ન થાય. લોક કહે જોવાથી શું થાય ? અલ્યા, જોવાથી તો નર્યા કૉઝીઝ ઉત્પન્ન થાય જ, પણ જો 'દ્રષ્ટિ' આપી હોય તો જોવાથી કૉઝીઝ ઉત્પન્ન ના થાય. જગત આખું વ્યુપોઈન્ટથી જુએ છે. જ્યારે જ્ઞાની જ 'ફૂલ' દ્રષ્ટિથી જુએ છે.

આ લોક તો શું કહે છે કે મને સ્ત્રી માટેના ખરાબ વિચાર આવે છે. અલ્યા ! તું જોઉં છું ત્યારે જ ફિલમ પડી જાય છે. એનું પછી રૂપકમાં આવે છે, ત્યારે હવે એની બૂમો પાડે છે કે આમ કેમ થાય છે ? ફિલમ એ કૉઝીઝ છે અને રૂપક એ ઈફેક્ટ છે. અમને કૉઝીઝ જ ના પડે. જેને કૉઝીઝ જ ના પડે એને દેહધારી પરમાત્મા જ કહેવાય. સ્ત્રી એ તો એક જાતની આત્મા ઉપર ઈફેક્ટ છે. સ્ત્રી એ ઈફેક્ટ છે, પુરુષ એ ઈફેક્ટ છે. આની ઈફેક્ટ આપણી ઉપર ના પડે ત્યારે ખરું. હવે સ્ત્રીને આત્મા રૂપે જુઓ, પુદ્ગલને શું જોવાનું ? આ કેરીઓ રૂપાળી પણ હોય અને સડી પણ જાય, તેમાં શું જોવાનું ? જે સડે નહીં, કહોવાય નહીં તે આત્મા છે, તેને જોવાનો છે. અમને તો સ્ત્રી ભાવ, પુરુષ ભાવ જ નહીં. અમે એ બજારમાં જ પેસવાના નહીં.

'આ સ્ત્રી છે' એમ જુએ છે. એ પુરુષનો મહીં રોગ હોય તો જ સ્ત્રી દેખાય, નહીં તો આત્મા જ દેખાય અને 'આ પુરુષ છે' એમ જુએ છે, એ એનો સ્ત્રીનો રોગ છે. નીરોગી થાય તો મોક્ષ થાય. અત્યારે અમારી નીરોગી અવસ્થા છે. તે મને એવો વિચાર જ ના આવે. ફક્ત ખોખાં જુદાં છે એવું રહે, એ સ્વાભાવિક છે, પણ એવું લક્ષ રહે કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે, એવી બધી ભાંજગડ નહીં. એ તો મહીં એ રોગ હોય ત્યાં સુધી જ એવું દેખાડે છે. જ્યાં સુધી એ રોગ છે ત્યાં સુધી આપણે પરેજીમાં શું કરવું જોઈએ ? કે ઉપયોગ જાગૃત રાખવો. આવું દેખાય કે તરત જ શુદ્ધાત્મા જુઓ. આ ભૂલ ખવડાવી એને દેખત ભૂલી કહેવાય છે. પુરુષને પુરુષનો રોગ ના હોય તો આ સ્ત્રી છે એવું ના દેખાય અને સ્ત્રીને સ્ત્રીનો રોગ ના હોય તો આ પુરુષ છે એવું ના દેખાય. બધામાં આત્મા દેખાય.

પ્રશ્નકર્તા : એટલી બધી જાગૃતિ ના રહે ને ?

દાદાશ્રી : જાગૃતિ ના રહે તો માર જ ખાવાનો. આ બ્રહ્મચર્ય તો જેને બહુ જાગૃતિ રહે તેને કામનું.

ક્રમિકમાર્ગમાં તો સ્ત્રીને પાસે રાખે જ નહીં. કારણ કે એ મહાન જોખમ છે. સ્ત્રી એ પુરુષને માટે જોખમ છે. પુરુષ એ સ્ત્રીને માટે જોખમ છે. પણ હું કહું છું કે આમાં સ્ત્રીનો દોષ નથી, સ્ત્રી તો આત્મા છે, દોષ તારા સ્વભાવનો છે.

દાદા સિવાય ન અડાય કોઈથી

અમે તો તમે જે માંગો એ આપીએ. કારણ કે અમારામાં, અમે અખંડ બ્રહ્મચારી છીએ. જેને કોઈ દા'ડો વિચાર જ નહીં આવ્યો આજ અઠ્ઠાવીસ વર્ષથી જ્ઞાન થયા પછી. એટલે અમે સ્ત્રીઓને અડી શકીએને. નહીં તો સ્ત્રીને ના અડાય. પચાસ હજાર માણસો છે આપણામાં પણ એકુય ને એવી છૂટ નહીં કે સ્ત્રીઓને તમે અડો. કારણ કે એ સ્પર્શનો ગુણ એટલો બધો વસમો છે. બધાં એવા હોય છે, એવું નહીં. પણ બનતા સુધી એમાં હાથ ઘાલવો નહીં જોઈએ. અમને છૂટ. કારણ કે અમે તો કોઈ જાતિમાં ના હોઈએ. કે મેસ્કયુલીન કે ફીમેલ કે એવુ કોઈ જાતિમાં ના હોય. અમે જાતિની બહાર નીકળી ગયેલા હોઈએ.

સ્ત્રી પુરુષોએ એકબીજાને અડાય નહીં, બહુ જોખમ છે. જ્યાં સુધી પૂર્ણ થયાં નથી ત્યાં સુધી અડાય નહીં. નહીં તો એક પરમાણુ પણ વિષયનું મહીં પેસે તો કેટલાંય ભવ બગાડી નાખે. અમારામાં તો વિષયનું પરમાણુ જ ના હોય. એક પરમાણુ પણ બગડે તો તરત જ પ્રતિક્રમણ કરવું પડે. પ્રતિક્રમણ કરે તો સામાને ભાવ ઉત્પન્ન ના થાય.

સ્ત્રીને અડવાનો અધિકાર કોઈને ય નથી. કારણ કે સ્ત્રીને અડે તો પરમાણુની અસર થયા વગર રહે નહીં. પરસ્ત્રીને સહેજ અડ્યા હોય, તો કલાક સુધી ધોવું પડે. 'જ્ઞાની પુરુષ' એકલાને જ ચરણે અડીને સ્ત્રીઓ વિધિ કરે. 'જ્ઞાની પુરુષે' તો વિષયના બધાં બીજ ઉખેડીને ફેંકી દીધાં હોય. એમનામાં વિષયનું બીજ જ ના હોય. અડવાનો અધિકાર કોને ? નવમું ગુંઠાણું ઓળંગી ગયેલો હોય તેને. કારણ કે એને તો વિષય સંબંધી વિચાર જ ના આવે ને ? એ વિચારો જ બંધ ને ? એવું થાય પછી તો એને મગજમાં બધા ઊર્ધ્વ જ વિચારો થાય, બધી શક્તિઓ ઊર્ધ્વ જ જાય.

આ જ્ઞાન થયા પછી અમને કોઈ દિવસ વિષયનો વિચાર આવ્યો નથી. વિષયનો વિચાર આવ્યો ના હોય, જેનું મનોબળ જબરજસ્ત જ્ઞાનપૂર્વક થઈ ગયું હોય, પછી તેને વાંધો નહીં. તેથી અમને સ્ત્રીઓ આમ ચરણે અડીને વિધિ કરી શકે ને ? પણ બીજા કોઈને ય સ્ત્રીઓને અડવાની છૂટ નહીં અને સ્ત્રીઓએ પણ કોઈને ય અડવાની છૂટ નહીં, અડાય જ નહીં. બીજાને તો સ્ત્રી અડતાં પહેલાં જ વિષય વિચાર ઊભો થાય. અમને તો 'થ્રી વિઝન'થી એક જ સેંકડમાં બધું આરપાર દેખાય છે. અમારું એટલું બધું ઊંચું દર્શન હોય, પછી શી રીતે રોગ ઊભો થાય ?

અને અમને પુદ્ગલ ઉપર રાગ જ નહીં ને ! આ મારા જ પુદ્ગલ ઉપર અમને રાગ નહીં. પુદ્ગલથી હું તદ્દન છૂટો રહું છું. પોતાના પુદ્ગલ ઉપર જેને રાગ હોય તેને બીજાના પુદ્ગલ ઉપર રાગ થાય. અનંત અવતારથી આનું આ જ ભોગવ્યું તો પણ છૂટતું નથી. એ અજાયબી જ છે ને ! કેટલાંય અવતારથી વિષયસુખનો વિરોધી થયેલો હોય, વિષયસુખને આવરણિક દ્રષ્ટિ રહિત ખૂબ ખૂબ વિચાર્યું હોય, જબરજસ્ત વૈરાગ ઉત્પન્ન થયેલો હોય તો એ છૂટે. વૈરાગ ક્યારે ઉત્પન્ન થાય ? એને મહીં જેવું છે તેવું દેખાય ત્યારે.

જાગૃતિમાં દેખે, ગર્ભથી ધૈડી સુધી !

વીતરાગો એટલું જ જોતા હતા કે માણસની પ્રાકૃતિક શક્તિ ઉત્પન્ન થવી, વ્યય થવી અને આજની શક્તિ, એ બધી શક્તિઓને ત્રિકાળ જ્ઞાનથી જોતા હતા. ઉત્પન્ન, વ્યય બધું સંપૂર્ણપણે જાણતા હતા એટલે એમને રાગ ઉત્પન્ન ના થાય પછી. આ રાગ ઉત્પન્ન થવો એ તો એકલા વર્તમાનકાળના જ્ઞાનથી થાય છે. એક તો પોતાના સ્વરૂપનું અજ્ઞાન અને વર્તમાનકાળનું જ્ઞાન, તે પછી એને રાગ ઉત્પન્ન થાય. બાકી જો એને એમ સમજાય કે આ ગર્ભમાં હતી તો આવી દેખાતી હતી, જન્મી ત્યારે આવી દેખાતી હતી, નાની બેબી થઈ ત્યારે આવી દેખાતી હતી, પછી આવી દેખાતી હતી, અત્યારે આવી દેખાય છે, પછી આવી દેખાશે, ઘૈડી થશે ત્યારે આવી દેખાશે, પક્ષાઘાત થશે ત્યારે આવી દેખાશે, નનામી કાઢશે ત્યારે આવી દેખાશે, આવી બધી અવસ્થાઓ જેને લક્ષમાં છે, એને વૈરાગ શીખવવાનો ના હોય ! આ તો જે આજનું દેખાય છે તે દેખીને જ મૂર્છિત થઈ જાય છે. એને વૈરાગ શીખવાનો છે. વીતરાગો બહુ ડાહ્યા હતા. કોઈ પણ વસ્તુ આવી તો એમને મૂર્છા ઉત્પન્ન ના કરાવે કારણ કે એ વસ્તુને વીતરાગો ત્રણે ય કાળથી જોઈ શકતા હતા.

આ વસ્તુ છે એની કઈ અવસ્થા ઊભી થઈ, એટલે માટીમાંથી ઉત્પન્ન થયુ. એમાંથી હવે ઘડો કર્યો, હવે આવી અવસ્થા થઈ, આવી અવસ્થા થઈ. પછી છે તે હવે પાછો વિનાશને પંથે જશે. તે બધી અવસ્થાઓ કહી આપે, છેવટે માટી થઈને ઊભી રહેશે.

પ્રશ્નકર્તા : તે બધી અવસ્થાઓનુ જ્ઞાન એકી વખતે જ હોય ?

દાદાશ્રી : એકી વખતે જ ! એટલે પેલું મેં કહ્યું ને કે માણસને મોહ કેમ ઉત્પન્ન થાય છે ? ત્યારે કહે બેઉ જુવાન હોય છે તેથી અને તે ઘડીએ ભાન નહીં રહેતુ ત્યાં આગળ કે આ મોહ ટકાઉ છે કે ટેમ્પરરી છે ? પછી આવુ જ અત્યારે જે છે ને એવું જ એનું કલ્પના કાયમ માટે ખોળે. હવે પછી ઘડપણમાં શું થાય ? કલ્પના કેવી થાય ?

પ્રશ્નકર્તા : તે વખતે એને કંટાળો આવે.

દાદાશ્રી : આ લોકોને શું થઈ રહ્યું છે તે હું જાણુ છું. એ ઈ ઈ.... ગમે નહીં પણ કોને કહે હવે ? કારણ કે બુદ્ધિ તો આ સ્વભાવ દેખાડે. એટલે આ જન્મતા પહેલા કેવું હતુ ! બાબો કે બેબી જન્મ્યા પછી કેવા છે ? તે એવડી હતી ત્યારે કેમ મોહ ઉત્પન્ન થતો નહતો, પછીથી જરા મોટી થઈ કેમ મોહ નથી થતો ? એટલે આ બધી અવસ્થાઓને એ ખ્યાલ રાખે છે અને મોહ ઉત્પન્ન થાય છે. એ અવસ્થાને ય ખ્યાલ રાખે પછી. તેથી આગળની અવસ્થા, પ્રોઢ અવસ્થા, પછી એ ઘડપણ અવસ્થા, પછી લકવાની અવસ્થા, બધામાં શું સ્થિતિ થઈ ? ને પછી ઠાઠડી કાઢતી વખતની અવસ્થા, બાળતી વખતે અવસ્થા. આ બાળતી વખતે અવસ્થા જોઈ હોય ને તે ઘડીએ પ્રેમ કરવાનો કહ્યો હોય તો ? એટલે આ તો પૈણ્યા પછી મુરખ બને છે પણ હવે કહે કોને ? બધા ય મુરખ ત્યાં ! બેનો ય મૂર્ખઈ એ સમજે છે, કે આવી મૂર્ખાઈ છે આ !! ધણી જોઈને ખોળ્યા અને હવે ધણી લાવીને એ મોંઢા ઉતરી જાયને, ડાચા પડી જાયને, આમથી તેમ થાય, આંખ્યો જતી રહી હોય, કાને સંભળાય નહીં ને ! અને જેને ખ્યાલ હોય આ બધુ તેને વૈરાગ હોય ! તેને વૈરાગ શિખવાડવો ના પડે ! અવસ્થાઓ જેના લક્ષમાં રહે છે, જેટલી લખી છે ને એટલી અવસ્થા અમને લક્ષમાં રહે એટ-એ-ટાઈમ. આ વાત બહાર ના હોય. આવી વાત અહીં જ હોય ! લોકોતો ગપોટી જાય

આવી વાત. એમ વૈરાગના વિચાર લાવે ત્યારે વળે; નહીં તો દા'ડો વળે નહીં. મૂળ વાતને, વૈરાગના મૂળ કૉઝીઝને નાશ ન કરવામાં આવે ત્યાં સુધી વૈરાગ શેના આવે ?

પ્રશ્નકર્તા : જુવાનીમાં જે મોહ ઉત્પન્ન થાય છે, તે મોહ ઉત્પન્ન કેવી રીતે ન થાય, એટ-એ-ટાઈમ બધી જો અવસ્થાઓ જુએ, તો....

દાદાશ્રી : તો મોહ ના થાય પણ એટ-એ-ટાઈમ તો અવસ્થાઓ તો કેવી રીતે જોઈ શકે ! માણસનું ગજુ નહીં ને ! એટલી બધી શક્તિ ના હોય, દાળભાત-રોટલી-શાક ખાનારો કે માંસાહાર કરનારાઓનું કોઈનું ગજુ નહીં આ. કોઈ અપવાદ જ હોય. બાકી આમાં કોઈ હોય નહીં. એનું ગમતું દેખાડે એટલે મોહ ઉત્પન્ન થાય જ.

પ્રશ્નકર્તા : જે સાંઠ વર્ષે જે બોલીએ તે એક વાત છે અને પચીસમે વર્ષે જે બોલીએ તે એક વાત છે, ત્યારે એ જાગૃતિ રહેવી જોઈએ.

દાદાશ્રી : જાગૃતિ જુદી વાત છે. પચીસમેં વર્ષે બોલવું એ જેવી તેવી, લાડવા ખાવાની વાત નથી. ત્યારે તો મોહનો અંધ થયેલો હોય. 'મોહાંધ' એટલે તે ઘડીએ જોતી વખતે પાછો સલાહ કોની માને ? મનની ને બુદ્ધિની, પોતાનું તો કંઈ રહ્યું જ નહીં ! પોતાનું ડિસીઝન નહીં. મન, બુદ્ધિની સલાહ માને, મન તો સંકોર સંકોર કરે.

પ્રશ્નકર્તા : તમે અમને એ જડીબુટ્ટી બતાવો કે જેથી કરીને અમે કહી શકીએ કે 'ભઈ ચોવીશમે વર્ષે આ વિચાર યાદ રાખજે.'

દાદાશ્રી : એટલી બધી અવસ્થાઓની તમને જાગૃત્તિ ના આવે. પેલું અમે થ્રી વિઝન આપીએ છીએ ને તે જો વિચાર કર કર કરે તો થ્રી વિઝન ઉત્પન્ન થઈ જાય. એ વિચારો ઉત્પન્ન થઈ જાય ને એનાથી ઘણા બચે છે. મને કાગળમાં લખે કે 'તમારા થ્રી વિઝને તો મારું ઘણું કામ કાઢી નાખ્યું.' પેલી બધી અવસ્થાઓ ના આવે, આ તો હું કહું એટલું જ છે ! મારા કહેલા ઉપર વિચાર આવે કે હા, આ વાત ખરી !

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18