ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18



બ્રહ્મચર્ય (ઉર્તરાધ)

ખંડ : ૧

પરણિતો માટે બ્રહ્મચર્યની ચાવીઓ....

[૯]

લો વ્રતનો ટ્રાયલ !

બ્રહ્મચર્ય પછી જ આત્માનો સ્પષ્ટ અનુભવ !

પ્રશ્નકર્તા : મૂળ પ્રશ્ન એમ છે કે એવું કંઈક માનસિક રીલીઝ બતાવો કે જેથી કરીને અવલંબન લોકોનાં તૂટી જાય. ત્યારે એમાં હલકા થઈને પણ રહી શકે.

દાદાશ્રી : હા. એવું જ અમે બધાને બતાવીએ છીએ. એ અનુભવ કોને થાય કે જેને સ્ત્રીનો સંજોગ નથી, તેને એનો અનુભવ રહ્યા કરે. બીજા બધાને અનુભવ થાય ખરો પણ સ્ત્રીના સંયોગને લીધે એને બાધા રહ્યા કરે. એક જ ફેરો સ્ત્રીનો સંજોગ હોય તો ત્રણ દહાડા સુધી તો મન એકાગ્ર ના થવા દે. એટલે એ બાધક છે. એટલે આ આપણા બ્રહ્મચારીઓ એમને આ જલ્દી અનુભવ થઈ જાય ને તેનાં આધારે જ એ બ્રહ્મચર્ય પાળી શકે છે.

વિષય એ તો એક પ્રકારનો રોગ છે.

પ્રશ્નકર્તા : મોટો રોગ, બહુ મોટો, કેન્સર જેવો.

દાદાશ્રી : બહુ મોટો, કેન્સર તો સારું, બળ્યું ! એ તો એક જ અવતાર મારે. આ તો અનંત અવતાર મારી નાખે. આ તો અનંત અવતારથી આ જ માર પડે છે ને, બળ્યો ! તમને નહીં લાગતું આ રોગ કહેવાય ? હેં ! બધા ય સમજે છે અંદરખાને પણ શું થાય ? નીકળાતું ના હોય તો ? છતાં ય હું વિધિ કરી આપું તો છૂટી જાય.

બ્રહ્મચર્યને આપણે જાણીએ તો એ કંટ્રોલેબલ થાય. વિષયમાં જે દોષો રહેલા છે ને એ જાણીએ તો કંટ્રોલેબલ થાય.

એક ભઈ કહે છે, 'દાદાજી, આનંદ આત્માનો છે કે આ વિષયનો આનંદ છે એ સમજણ નથી પડતી, એનું શું કરવું ? આ આનંદ તો મને વર્તે છે પણ આ વિષયનો છે કે આત્માનો છે, એ બેમાં સમજણ ફેર નથી પડતો મારાથી.' ત્યારે મેં કહ્યું, 'આપણે ચા ને ભૂસું સાથે ખઈએે, તે સ્વાદ ચામાંથી આવે છે કે ભૂસામાંથી આવે છે એ ખબર ના પડે. તે એક બંધ કરવું પડે બેમાંથી. અને આત્માનો આનંદ તમે બંધ કરી શકો નહીં. એટલે વિષયનો આનંદ તમે બંધ કરો, તો એ તમને આનંદની અનુભૂતિ થાય. આજથી ધારો કે બંધ ના થાય. સહુ સહુના ગજા પ્રમાણે. પણ એ બંધ કરો ત્યારે સમજણ પડે. નહીં તો ભૂસું ને ચા બે, જોડે જોડે ખાધા કરીએ, તો એમાં કોનો સ્વાદ આવે, એ શું ખબર પડે ? એટલે પછી એ માણસે મને શું કહ્યું ? કે મારે ક્યારે બંધ કરવું કહે ? મેં કહ્યું, 'અમે અમેરિકા જઈએ, તે દા'ડે તારે બંધ કરવું અને અમેરિકાથી પાછા આવીએ, તે દા'ડાથી ચાલુ.' ચાર જ મહિના માટે વાંધો ખરો એમાં ? ખબર ના પડે ચાર મહિનામાં ?

તમને ખબર પડે કે આ ક્યાંથી આનંદ આવે છે ? હજુ લોકો ગોથા ખાય છે. હજુ આ જ્ઞાન પછી તો બધો આનંદ આવે જ છે, પણ એને એમ સમજાઈ જાય છે કે પહેલાં આવતો હતો, તેવો જ છે ને ! મેં કહ્યું, 'ના. એ તું જ્યારે જુદો થઈશ ત્યારે. ભૂસું ને ચા બે જોડે નહીં ફાકું ત્યારે ખબર પડશે તને. કે કાં તો ચા પી લે, કાં તો ભૂસું ખાઈ લે. એટલે ચાનાં સ્પેસીફીકેશન ખબર પડશે !

વિષયમાં દુઃખ તો આમાં સમજતા જ નથી. નો ટેન્શન જેવી સ્થિતિ, એનો અર્થ એવો નહીં કે જબરજસ્તી કરવી, પણ કો'ક ફેરો પાંચ દહાડા ટ્રાયલ લેવામાં વાંધો શો ? બે દહાડા છે, પાંચ દહાડા ના લેવાય તો, જાનવરો તો નવ મહિના લે, પણ મનુષ્ય બે દહાડા-ચાર દહાડા તો લઈ શકે, તો ટ્રાયલ લે ને !

એ તો અમે આ ઘણાં વખત કહેલું હોય પણ શું થાય એને ? અમે તમને ચેતવ ચેતવ કરીએ. પણ ચેતવું બહુ સહેલું નથી બા ! છતાં અમથા અખતરા કરતા હોય ને, કે આ મહિનામાં ત્રણ દહાડા કે પાંચ દહાડા અને જો અઠવાડિયું કરે તો તો બહુ સુંદર પોતાને ખબર પડે, અઠવાડિયાના વચલા દિવસે તો એટલો બધો આનંદ આવે ! આત્માનું સુખ ને સ્વાદ આવે, કેવું સુખ છે તે !

નિયમમાં આવે તો ય ઘણું !

જમવા બેસાડ્યા પછી જરા ભાત મોડું થાય તો શું થાય ? દાળમાં હાથ ના ઘાલે તો શાકમાં હાથ ઘાલે, ચટણીમાં હાથ ઘાલે. નિયમમાં ના રહી શકે અને જેને આ નિયમ રાખતા આવડ્યો, એનું કલ્યાણ થઈ જશે !

અમે ઉપવાસ નથી કરતા, પણ નિયમમાં રહી શકીએ કે ભઈ આટલું જ, પછી બંધ. હવે એ કરી લાવે છે પેલાં ઢોકળાં, તે અમે આથી ચાર ગણા ખવાય એમ છે, ભાવે છે ય એટલાં સરસ, પણ 'ના'.

પ્રશ્નકર્તા : તો એ નિયમ જાગૃતિના આધારે રહે ?

દાદાશ્રી : જાગૃતિ તો હોય જ બધાને, પણ પેલો જે સ્વાદથી જે રંગાઈ ગયેલો છે ને, ત્યાં કંટ્રોલ રહી શકે નહીં. મુશ્કેલ છે કંટ્રોલ રહેવાનું, એ જ્યારે ખુદ આત્મારૂપ જેટલો થાય, એટલામાં કંટ્રોલ આવતો જાય.

કેટલાંક માણસો કહે છે, વિષય આમ મને છૂટતો નથી. મેં કહ્યું, એમાં શું ગાંડા કરે છે, થોડો થોડો નિયમ લે ને ! એ નિયમમાં, પછી નિયમ છોડીશ નહીં. આ કાળમાં તો નિયમ ના કરે એ તો ચાલે જ નહીં ને ! થોડાંક હોલ તો રાખવાં જ પડે. ના રાખવા પડે ?

પ્રશ્નકર્તા : રાખવા પડે.

દાદાશ્રી : બ્લેક હોલ કહે છે ને, એને. એમ તો સાવ સચ્ચીઓ (સાચો) થઈને બેસીશ, તો મૂઆ માર ખઈ ખઈને મરી જઈશ અને પછી જૂઠો થઈ જાય. એક ફેરો જૂઠો થયો, એટલે જૂઠો થઈ જવું ? ના, એ જ નિયમમાં રાખે. મેં તને બ્રહ્મચર્ય પાળવાનું કહ્યું હોય અને બ્રહ્મચર્ય છૂટી ગયું એટલે હપુચું ખલાસ કરી નાખવાનું ? ના, પાછું એનું નિયમ પર આવ. છ મહિના સુધી નથી પળાતું તો આપણે મહિનામાં બે દિવસ રાખો, ચાલો. બાકી બધા દિવસ અમારું બ્રહ્મચર્ય છે. અમારી પાસે કાયદો કરાવી જવો પછી. આવો સરસ રસ્તો કાઢી આપ્યો છે મેં બધો !

પ્રશ્નકર્તા : તમે દરેક વસ્તુની અંદર કે કોઈ પણ વ્યવહારિક કાર્યની અંદર પણ, એવો સચોટ ઉકેલ આપેલો છે.

દાદાશ્રી : ઉકેલ બધા સુંદર ! અત્યાર સુધી તો, આ બધે બ્રહ્મચારી કોઈને કહ્યાં જ નહીં, પૈણેલો છે ને ! અલ્યા મૂઆ, તેથી જ મેં પુસ્તકમાં લખ્યું કે અલ્યા, તમે પૈણેલા છો. તે હું તમને ભાવ બ્રહ્મચર્ય કહું છું, કુદરતને ના કહેવું હશે તો ના કહેશે, પણ હું તો કહું છું ને ! આમ મારી જવાબદારી પર ! ત્યારે કહે, 'શી રીતે અમે બ્રહ્મચારી કહેવાઈએ ?' મેં કહ્યું, 'બીજી સ્ત્રીને જોતો નથી ને બીજી સ્ત્રીનો વિચાર હપુચો નથી કરતો, એ બ્રહ્મચારી છે ! બીજી સ્ત્રીને જોતો નથી અને એ ખેંચાણ થાય તો પ્રતિક્રમણ કરે છે, એ બ્રહ્મચારી છે.' એક પત્નીવ્રત, એને અમે આ કાળમાં બ્રહ્મચર્ય કહીએ છીએ. બોલો, તીર્થંકરોની જોખમદારી લઈને બોલીએ છીએ. મારા જેવું બોલાય નહીં, એક અક્ષરે ય બોલાય નહીં, નવો કાયદો સુધારા ય નહીં, પણ છતાં હું જવાબદારી લઉં છું. કારણ કે આ કાળમાં એક પત્નીવ્રત રહેવું અને દ્રષ્ટિ બગાડવી નહીં, એ તો બહુ મોટામાં મોટું કહેવાય. બાવાઓ પૈણ્યા નથી, બાવાઓએ તાળું મારી દીધેલું. એમાં તો શું નવી ધાડ મારી ? ધાડ તો આપણે ખુલ્લાં તાળાઓએ મારી કહેવાય. આ તમને સમજાય ? કોણે ધાડ મારી કહેવાય ? ખુલ્લાં તાળાઓએ, એ પણ અમે જ્ઞાન આપીએ તો ! બીજા કોઈથી બને નહીં, ઈમ્પોસીબલ !

બધી જ જાતની છૂટ આપવા તૈયાર છું તમને તો, કોઈ પણ નિયમમાં આવવા માંગો તો બધી જાતની છૂટ આપવા તૈયાર છું. કારણ કે નિયમ જ મોક્ષમાં લઈ જાય. યમ એટલે શું ? બ્રહ્મચર્ય પાળવાનું જ્ઞાન જાણવું એ યમ કહેવાય, સત્ય બોલવું એ જાણવું એ યમ કહેવાય, ચોરી નહીં કરવી એ જાણવું એ યમ કહેવાય, પરિગ્રહ નહીં રાખવો જોઈએ એ યમ કહેવાય. હિંસા નહીં કરવી જોઈએ એ યમ કહેવાય. આ જાણ્યું એટલે તમે યમમાં આવ્યા. જાણ્યા પછી નક્કી કર્યું કે આપણે કોઈ નિયમ આવવું, તે ઘડીએ નિયમમાં આવ્યા અને નિયમ રાખ્યા પછી તમે એક્ઝેક્ટ પાળો ત્યારે સંયમમાં આવ્યા.

ગ્રહસ્થાશ્રમમાં બ્રહ્મચર્ય !

ચાર આશ્રમો કયા કયા ગોઠવ્યા'તા ?

પ્રશ્નકર્તા : બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ. પાછાં દરેક પચ્ચીસ વર્ષના.

દાદાશ્રી : આ તો સો વર્ષ જીવતા હતા, ત્યારની વાત છે. બંધારણ કેવું સુંદર છે ! અને એ બંધારણ શબ્દ શું કરે છે ? એ મન ઉપર ઈફેક્ટ કરે એટલે મન એ બાજુ વળી જાય. અત્યારે ગવર્નમેન્ટ ઓર્ડર કરી નાખે, નવ વાગ્યા પછી બધાએ ઊંઘી જવું એવું સખ્ત ઓર્ડર થાય બે-ચાર વખત, તો પછી એ બાજુ મન વળી જાય. મનનો સ્વભાવ કે ઓર્ડર શું છે ? મન ડીસ્ઓર્ડરવાળું નથી, ઓર્ડર હોવું જોઈએ.

પ્રશ્નકર્તા : સંસારી જીવનમાં બ્રહ્મચર્ય પળાય ખરું ?

દાદાશ્રી : હા, બહુ સુંદર પાળનારા હોય છે. પહેલાં ઋષિમુનિઓ બ્રહ્મચર્ય જ પાળતાં હતાં બધા. સ્ત્રી ને પુરુષ બેઉ. પૈણેલા હઉ પાળે છે. બે જોડી હોય છે, તે ય બધા પાળે છે. અમે વિધિને એ આવું બ્રહ્મચર્ય વ્રત હઉ આપેલું છે કેટલાંકને !

પ્રશ્નકર્તા : હા. પણ બન્ને જણાં એક થઈને આવે ત્યારે થઈ શકે.

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા : પણ પુરુષની ઇચ્છા બ્રહ્મચર્ય પાળવાની હોય અને સામે પક્ષે સ્ત્રીની ન હોય તો શું કરવાનું ?

દાદાશ્રી : ના હોય તો એને શું વાંધો છે તે ?! સમજાવી દેવાનું.

પ્રશ્નકર્તા : કેવી રીતે સમજાવવું ?

દાદાશ્રી : એ તો સમજાવતાં સમજાવતાં રાગે પડે ધીમે ધીમે, એકદમ બંધ ના થાય. સમજાવતાં, સમજાવતાં. બેઉ સમાધાનપૂર્વક માર્ગ લો ને ! આમાં શું નુકસાન છે એ બધી વાતો કરીએ ને એવાં વિચારો કરીએ.

પ્રશ્નકર્તા : પુરુષે જ્ઞાન લીધું છે, સ્ત્રીએ જ્ઞાન લીધું નથી. પુરુષને ખબર છે કે આ બ્રહ્મચર્ય....

દાદાશ્રી : એ ચાલે નહીં, પણ સ્ત્રીને પણ જ્ઞાન લેવડાવું જોઈએ. પૈણ્યો હતો શું કરવા ?

પ્રશ્નકર્તા : પણ સ્ત્રીને જ્ઞાન લેવડાવું, એ પુરુષની ભાવના હોવાં છતાં એવું શક્ય બનતું નથી.

દાદાશ્રી : એવું ના બને તો આપણે સંજોગો સમજવાના ! ત્યાં સુધી સંજોગોના આધારે રહેવું પડેને થોડો વખત !

બીનાં ડૂંડા આવતે ભવે !

પ્રશ્નકર્તા : અબ્રહ્મચર્યનો માલ ભરેલો હોય, એને પોતે ફેરવ ફેરવ કરે, એટલે આખો જે પુરુષાર્થ કરે, એનું ફળ આવે ને ?

દાદાશ્રી : એનું ફળ આવતે ભવમાં આવે. આવતે ભવે એનું ફળ વગર મહેનતે બ્રહ્મચર્ય પ્રાપ્ત થાય. બ્રહ્મચર્ય મળે, એને મહેનત ના કરવી પડે. ત્યાં ફેરવ ફેરવ કરવું ના પડે અને આ ભવમાં જેટલું પળાય એટલું આ ભવમાં શરીર સારું રહે, મન સારું રહે. નહીં તો મન ઢીલું થઈ જાય. મન સારું રહે એ ઓછો ફાયદો ના કહેવાય ને ?! ને ફાઈલો બધી છૂટી રહેને !!

પ્રશ્નકર્તા : બ્રહ્મચર્યની ભાવના કરીએ તો પછી અમલમાં આવે ને ?

દાદાશ્રી : હા, ભાવના એ બીજ છે અને અમલ એ પરિણામ છે. ભલે આજે અમલમાં ના આવ્યું તો બીજ નથી નાખ્યું, માટે હવે બીજ નાખો તો અમલમાં આવશે. સાંભળ્યું જ ન્હોતું, તો બીજ નાખે શી રીતે તે ? બ્રહ્મચર્ય જેવી વસ્તુ જ સાંભળી ના હોય ને !

અલ્યા, આ તો દુરુપયોગ થયો !

એક છ-બાર મહિના સ્ત્રી વિષયથી છેટાં થાય ને તો જ ભાન આવે, આ તો ભાન જ નહીં. આખો દહાડો એનું ઘેન ચઢ્યા કરે ને ઘેનમાં ને ઘેનમાં ફર્યા કરે. એટલે મહાત્માઓને કહીએ છીએ કે છ મહિના કે બાર મહિના કંઈક કરો ને કંઈક ! તમારે શું વાંધો છે ? થોડા-ઘણાંએ એવું મનમાં નક્કી કર્યું, ને વ્રતને ટ્રાયલમાં મૂક્યું ય, તે બધા ય મૂકે તો કામ થઈ જાય ને ! અત્યારે આ મોક્ષનું સાધન મળ્યું છે, બીજું બધું ખાવા-પીવાની બધી છૂટ. આ એકલું જ નહીં. એનું વર્ણન ભગવાને કર્યું છે ને ! તે વર્ણન જો કદી કરવા જાય ને, આખું વર્ણન સાંભળે તો મરી જાય માણસ.

જાનવરો સારા, બળ્યા ! એને કંઈ નિયમ-બાધા હોય. આ તો જાનવરો જ જોઈ લો ને ! કારણ કે હજુ ઘેનમાં ને ઘેનમાં રહ્યા કરે છે. અલ્યા મૂઆ, પરમ દિવસે બે-ચાર-પાંચ મહાત્માઓએ કહ્યું, તો એ વાત કહેવામાં હું તો એ થઈ ગયો કે, 'અલ્યા, આવાં હજુ માણસો છે મૂઆ !' કેમ શોભે આપણને ? બીજે બધું કરો ને બધા વિષયો છૂટ છે. આ વિષય બંધનકારક છે. સામી ફાઈલ છે, ક્લેઈમ છે આ તો. ત્રીસ વર્ષ સુધી બધા ફોર્સ હોય તો ઠીક છે અને ફોર્સ હોય તો ય, પણ જેનો દ્રઢ નિશ્ચય છે, એને શું થવાનું ? બધું ખાવા-પીવાની છૂટ બધી. છતાં પણ ખાવામાં ય હરકત નહીં રાખો તો એ નુકસાન કરશે પછી. એનો ફોર્સ ત્યાં જાય ને !

મોક્ષે જવું હોય તો વિષય કાઢવો પડશે. હજારેક મહાત્માઓ છે, વર્ષ વર્ષ દહાડાનું વ્રત લે છે. 'વર્ષ દહાડાનું મને આપજો વ્રત.' કહે છે. વર્ષ દહાડામાં એને ખબર પડી જાય.

અબ્રહ્મચર્ય એ અનિશ્ચય છે. અનિશ્ચય છે એ ઉદયાધીન નથી. આ તો બધું ખાલી ભાન વગરનું, તે જાનવરની પેઠ જીવી રહ્યા છે. એ સ્ત્રીઓએ સમજવું જોઈએ અને પુરુષોએ સમજવું જોઈએ. મોક્ષે જવું હોય તો સુખ તો મોક્ષમાં છે. અને એ વિષય ના હોય તે દહાડે તું સુખ તો જો ! એક વર્ષ દહાડાનું બંધ કરીને જુઓ ! અનુભવ કરો ત્યારે થાય. પરમ દહાડે ચાર-પાંચ જણ આવ્યા હતા ને મેં તો ઊલ્ટું પૂછયું તો મને તો અરેરાટી છૂટી ગઈ કે આવાં માણસો છે હજુ ! હું તો જાણું કે વિષયમાં ડાહ્યા થઈ ગયા હશે ! ત્યારે વધુ વિષયી થયા. આ તો કોણ પૂછનાર છે, હવે તો દાદા છે ને માથે ! અલ્યા મૂઆ, આવું થયું ?! બીજું બધું મેં છૂટ આપી છે. બીજા ચાર વિષયો આંખના કરો, બીજા કરો, પણ આ નહીં. આ સામું ક્લેઈમવાળું છે, એગ્રીમેન્ટવાળું છે, ભયંકર. એ જ્યાં જશે ત્યાં લઈ જશે. હું તો ચાર-પાંચ જણને પૂછીને તો સજ્જડ થઈ ગયો. મેં કહ્યું, ભઈ, આવી પોલ તો ના ચાલે, અનિશ્ચય છે આ તો. એ તો કાઢવી જ પડે. બ્રહ્મચર્ય તો પહેલું જોઈએ. આમ નિશ્ચયથી તમે બ્રહ્મચારી જ છો પણ વ્યવહારથી ના થવું જોઈએ ? વ્યવહારથી થવું જોઈએ કે ના થવું જોઈએ ?

બાપ અનુસર્યા દીકરાને !

આવી વાત કરવામાં આબરૂ ના જતી રહે ?

પ્રશ્નકર્તા : ના, આબરૂ જતી રહે નહીં. પણ રોગ નીકળે છે.

દાદાશ્રી : રોગ નીકળે છે, નહીં ? થોડો નીકળ્યો ?

પ્રશ્નકર્તા : બહુ.

દાદાશ્રી : ત્યારે સારું. ત્યારે રોગ ને અમારે કંઈ લેવાદેવા છે કંઈ ? ગુરુપૂર્ણિમા પછી આવો, બ્રહ્મચર્યવ્રત આપી દઈએ, જો મઝા રહેશે. સુખ પછી જ આવે ! એક ભાઈ શું કહેવા માંડ્યા'તા ? મારા છોકરાને મેં આનંદમાં જ દીઠાં, તે મારે બ્રહ્મચર્યવ્રત લેવું છે. પણ લીધું પછી તો, જો આનંદ જામે. એટલે એક્સટેન્શન કરાવ્યા કરે છે પછી. જામે એટલે પછી ! પહેલી તો ભડક લાગે, શું થશે, શું થશે ? શું થવાનું છે પણ તે ? આ ગંદવાડાથી છેટા રહીને શુદ્ધાત્મા જોઈએ. એટલે બહુ નિરાંત થઈ ગઈ !

આપણું જ્ઞાન હોય તો બ્રહ્મચર્ય પળાય, નહીં તો પળાય નહીં. મન બગડ્યા જ કરે. દ્રષ્ટિ બગડ્યા જ કરે. આ તો આપણી દ્રષ્ટિમાં શુદ્ધાત્મા દેખાય ને ! કશો વિચાર જ ના આવે. જરૂર નહીં પડે. એવું મહીંથી આનંદ થશે. એ ભાઈ કહેતા'તાને બહુ આનંદ છૂટ્યો ?!

બધા ય જેણે બ્રહ્મચર્ય વ્રત લીધાં ને ! હજુ ત્રીસ-ત્રીસ વર્ષની ઉંમરના માણસો આવે છે, બેઉ સાથે ! અમે આ બ્રહ્મચર્યની ચોપડી વાંચી ને હવે અમારે બ્રહ્મચર્ય વ્રત લેવું છે ! આવાં બધા દુઃખો ? મેં કહ્યું, 'તમે જાણતા નહોતાં ?' ત્યારે કહે, 'ના, કોઈએ કહ્યું જ નહીં ને ?' બધાં એ કહ્યું કે, ખરું સુખ આમાં છે. એટલે અમે ય માની લીધું. આ તો તમે કહ્યું એટલે અમારા આત્માએ કબૂલ કર્યું. પાછું એક સ્ટ્રોકમાં તો કેટલાંય જીવો મરી જાય છે ? તે શા સુખ મળવાનાં, તે આટલાં જીવ મારીને ? ને સુખ એમાં કશું ય છે નહીં !

બહાર લોકોને જ્ઞાનપૂર્વકનું નહીં ને ! જ્ઞાનપૂર્વકનું બ્રહ્મચર્ય હોય ત્યારે બહુ અસર થાય ! બાંધીને ઉપવાસ કરાવીએ, એના કરતાં ઉપવાસ સમજીને કરીએ તો તો એની વાત જ જુદીને !!

નક્કી કર્યું ત્યાંથી જ ઉર્ધ્વકરણ !

શીલ ઉર્ધ્વકરણની શરૂઆત કરવી હોય તો થાય. બ્રહ્મચર્ય વ્રત લઈને નક્કી કર્યું ત્યાંથી જ ઉર્ધ્વકરણ. કેટલા આનંદમાં રહે છે ! આ તો આપણા આત્માનો આનંદ નથી રહેતો. બળ્યું, આમાં ને આમાં ખોવાઈ જઈએ. મોંઢા પણ પડી ગયેલા હોય બધું. આખો દહાડો લાલચમાં ને લાલચમાં ! હવે આટલાં વર્ષ થયા, માણસ ના સમજે ?! ચેતીને ચાલવું સારું હવે. અને કંટ્રોલ પેલો એ રાખવો જ પડે. કંટ્રોલ રાખે નહીં ને, તો માણસને એ કંટ્રોલના વિચારે ય છૂટા થઈ જાય પછી. બધું ખુલ્લું જ થઈ જાય એ બધું. એટલે ઘણાં માણસ તો કંટ્રોલ રાખીને, તે થાય દોષો પણ તે દોષોની ક્ષમા માંગી લે, બસ. પણ આ કંટ્રોલ ઊડી જાય ને, તો કશું રહે જ નહીં. એટલે હમણાં વર્ષ-બે વર્ષ તમે છૂટું રાખો. તમે અભ્યાસ કરી જુઓ એમાં કંઈ ફાયદો જો સારી રીતે થાય તો. નહીં તો પછી આ પ્રમાણે લેવું. દરેકની રીત જુદી હોય પાછી. એવું કે કાયદો અમુક જ ના હોય બધાંને. રસ્તો એ સારો છે આ કળિયુગમાં, આ દુષમકાળમાં. કારણ કે દાદા યાદ આવે અને દાદા ફરી યાદ રહ્યા છે ને ! તેથી કોઈને ભય જ નહીં ને ! જેમ ઘરમાં ય કોઈ કહેનાર હોય, તો છોકરાં સારા રહે કે ના રહે ?

પ્રશ્નકર્તા : એકદમ.

દાદાશ્રી : પછી કહેનાર ભલે ને બે દા'ડા બહારગામ ગયા હોય પણ આવશે ત્યારે શું કહેશે ? તેનાં જેવી વાત છે ! એટલે હમણાં તમે તમારી મેળે જ જુઓ. તમારા વિચારો સારા છે, એટલે પછી વળી છૂટું કરાવીએ. તમારે પોતાને જ ભાવના નથી એવી, મોહરૂપી ભાવ નથી ને આ તો બીજું દબાણરૂપી ભાવ છે. મોહ છૂટી ગયેલો છે.

આવાં સજોડે બધાં બહુ આવેલા ઘણાં ! કારણ કે આ તો, ખાલી આપણું પુસ્તક જ વાંચે ને, એ વાંચીને જ પછી જે વૈરાગ છૂટે છે, તે ગમતું જ નથી. વિષય જ ગમતો નથી. પછી એ લોકો નાની ઉંમરમાં, બોલો, એ નિયમ લે છે. તો મેં કહ્યું, 'તમે આ મુસીબતમાં મૂકાઈ જશો.' 'ના, ગમતું જ નથી હવે.' બંને રાજીખુશીથી લે. છતાં ય ભૂલ બે-ત્રણ વખત થઈ જાય. કારણ દુષમકાળના જીવો છે ને ! ચોગરદમ બાઝેલાં જીવો. શી રીતે આખી રાત ઊંઘ આવે એ રીતે ? એવું છે આ ! આમાં સો ઘરોમાં બે ઘર પોતાને ઘેર કકળાટ ના થાય એવાં માણસો હશે. પણ તે ય એને ઉપાધિ તો હોય ને, પાડોશીવાળા લડતા હોય એટલે સાંભળ્યા જ કરવાનું ને ! એટલે એ તો નર્યો દુષમકાળ કહેવાય. આ તો જ્ઞાની પુરુષ પાસે આવ્યા એટલે ડાહ્યા થયા, નહીં તો ડાહ્યા ય શાનાં ? ગાંડામાં ય ગણતરી ના કરાય. ગાંડા ય કંઈક નિયમવાળા હોય. આમને તો નિયમ જ નહીં કોઈ જાતનો ?

અહીં જ 'બીવેર'નાં મરાયા બોર્ડ !

આ જ્ઞાન મળ્યા પછી તો હવે ચોખ્ખું મન થઈ ગયું, નહીં ? માટે આજથી વિચાર કરજો ભઈઓ ! બહુ વિચારવા જેવું છે, અમે કહીએ નહીં, કોઈ દહાડો તમને ઠપકો જ નહીં આપ્યો અને ઠપકો આપવા માટે અમારે નવરાશ જ નથી. આ તો તમને સમજાવીએ છીએ. ભૂલ ક્યાં થઈ રહી છે તે. કેમ પ્રગતિ નથી થતી ? જબરજસ્ત પુરુષાર્થ થઈ શકે, જ્ઞાન આપ્યું છે માટે, નહીં તો વાત કરાય જ નહીં. નહીં તો બિચારા એની શક્તિ શું ધારણ કરવાની ? આ સાધારણ ગમ્યું હોય તો આંગળી ઊંચી કરો જોઈએ ! કહેવું પડે આ તો, શૂરવીર છે આ તો બધા. મેં જાણ્યું કે નહીં ગમતું હોય. ગમ્યા વગર આંગળી ઊંચી કરે નહીં ને કોઈ ! મારી વાત ગમે છે એ વાત ચોક્કસ. એટલે પેલી ખૂંચે છે એ વાતે ય ચોક્કસ ને ! હવે એનાં કોઈ ઉપાય ધીમે ધીમે કરે. ચેતવણી આપું છું આ. બીવેર-બીવેર, બોર્ડ મારે છે ને 'બિવેર ઓફ થીવ્સ' એવું આ મેં બીવેર કહ્યું. ચેતો ચેતો. હજુ જીવતા છીએ ત્યાં સુધી થશે. છેલ્લાં દસ વર્ષ સારા જશે તો ય બહુ થઈ ગયું. વધારે ના જાય તો છેલ્લાં દસ-પંદર-વીસ વર્ષ સારા જાય તો ય બહુ થઈ ગયું. અત્યાર સુધી ગયા એ ગઈ ખોટ અને દાદાની આજ્ઞાથી શરૂ. વધારે ના થાય તો એક વર્ષ દહાડાનો અખતરો કરી જુઓ, ટ્રાયલ. હું ટ્રાયલ જ આપું છું. કારણ કે બિચારા એ થઈ જાય તો !

પછી પાછો ફરી

એક્સ્ટેન્શન કર્યા કરે.

એકદમ ઉતાવળ નથી, હજુ વિચારીને આગળ વધજો. આ કૂવામાં પડવા જેવી ચીજ નથી. વિચારીને કરવાનું, આ લાંબો વિચાર કરવો. એ પણ આ તો વિચારજો કંઈ, વિચાર્યા વગર એમ ને એમ પાસે પડી રહે, એનો અર્થ શું છે ? દેવું ચઢ્યા જ કરે છે નિરંતર. વિચારો, મેં તમને છૂટ આપી છે એવું નથી. આ કંઈક રાગે પડે આ થોડું તો સારું ! આ જ્ઞાન ફરી મળતું નથી આવું ! આત્મા જુદો થઈ ગયો છે, હંડ્રેડ પરસેન્ટ ને રાત- દહાડો મહીં સાક્ષી પૂરે છે અને ચેતવણી આપ્યા જ કરે છે ! એ ઓછી સાક્ષી કહેવાય ?! માટે ચેતો હવે, બહુ દહાડા થયા !!

પ્રશ્નકર્તા : બંનેનો ભાવ થોડો થોડો થઈ ગયો છે.

દાદાશ્રી : બહુ સારું. આ નર્યો ગંદવાડો છે. નર્યું દુઃખ. દેખતા ગંધ ને અડતા ગંધ. બધામાં ગંધ, ગંધ ને ગંધ. સંડાસ જ છે ને એ તો ! ગંદવાડો ગમે નહીં પણ છૂટકો જ નહીં ને ! ભાવ કરે તો વાંધો નહીં.

પ્રશ્નકર્તા : પણ એમની ઈચ્છા એમ છે કે, દાદા પાસે માંગ્યા વગર છૂટી જવું જોઈએ.

દાદાશ્રી : એ ઉત્તમ વસ્તુ. ખોટ ખાવાની ટેવ પડી હોય તો એ છૂટી જાય કે ના છૂટી જાય, મને પૂછયા વગર ? કે મને પૂછીને છૂટી જાય ?

પ્રશ્નકર્તા : છૂટી જાય.

દાદાશ્રી : તે આ બધી ખોટ ખાવાની છોડી દો તો સારું. મને જણાવવાની શું જરુરત ?

અનુભવ કરવા માટે અમે આ છ મહિના તમને 'ઉપવાસ' કરવાનું કહીએ અને પછીથી તો વર્ષ દા'ડો એક્સ્ટેન્શન કરાવી લે છે આ લોકો તો.

પ્રશ્નકર્તા : રિન્યુ.

દાદાશ્રી : હા. દર એક સાલનું આપું છું. મન નબળું પડી જાય તો વચ્ચે બે મહિનાનું એ રસ્તો કરી આપું ને પછી પાછું છે તે વિધિ કરી આપું. નબળું હોય એવું. કોઈ જાણી-જોઈને નબળું પાડે નહીં ને ! પણ મુશ્કેલી ઊભી થઈ, ત્યારે શું થાય માણસનું !!

પ્રશ્નકર્તા : બ્રહ્મચર્ય વિધિ કરતી વખતે શું બોલવાનું મારે ?

દાદાશ્રી : કશું નહીં. તું 'શુદ્ધાત્મા' બોલ્યા કર ને મારે બધું બોલવાનું.

પ્રશ્નકર્તા : ને અખંડ બ્રહ્મચર્ય પાળવાની મને શક્તિ આપો, નિરંતર નિર્વિકાર રહેવાની શક્તિ આપો.

દાદાશ્રી : એ બધું નહીં, એ બધું એમાં મારે કરવાનું. તારે તો ભાવના થાય ને પ્રગટ કરી કે મારે બ્રહ્મચર્ય પાળવું, મને શક્તિ આપો, એટલે આપવાની અમારે. 'હું શુદ્ધાત્મા છું' બોલ્યા કરવાનું. બ્રહ્મચર્યવ્રતમાં આવું સુખ છે એવું જોયું ?!

પ્રશ્નકર્તા : બ્રહ્મચર્ય એ તો દુષ્કરવ્રત કરવું ને ?

દાદાશ્રી : દુષ્કર તો છે બ્રહ્મચર્ય વ્રત પણ આ આવું પદ્ધતિસર હોયને તો બ્રહ્મચર્ય વ્રત બહુ સુંદર રહે. એ તો આમ તાળા મારવા હોય તો બ્રહ્મચર્ય વ્રત દુષ્કર છે. મોઢે તાળું મારીએ પછી કંઈ ખવાય જ નહીં ને, સ્વાદ આવે જ શાનો તે ?! એ કામનું નહીં, એ તો એનો અર્થ, મન બગડી જાય. ખુલ્લું રાખીને, જ્ઞાનથી ઉડાડવું જોઈએ. જ્ઞાનથી પાળવું જોઈએ બ્રહ્મચર્ય વ્રત.

વિચાર જ બંધ વ્રત પછી !

આમને તો વ્રત લીધાં પછી ચમત્કાર થયો, પછી બહુ સુંદર. એનું કારણ છે કે 'ક્યાંથી સુખ આવે છે' તેનું ભાન નથી અને આ વ્રત લીધાં પછી જે સુખ આવે છે ને, પછી છે તે મનમાં વિષયના વિચાર જ બંધ થઈ જાય. વિષય ગમે નહીં. માણસને સુખ જ જોઈએ છે. તે સુખ મળતું હોય તો બીજું કશું જાણી-જોઈને કાદવમાં હાથ ઘાલવા તૈયાર ના થાય. પણ આ બહાર તાપ લાગે છે. એટલે કાદવમાં હાથ ઘાલે છે ઠંડક લાગે એટલાં માટે, નહીં તો કીચડમાં કોઈ હાથ ઘાલતું હશે ? કોણ ઘાલે ? પણ શું થાય ? બહાર ગરમી લાગે છે. હવે તમને એક ફેરો અનુભવથી સમજાયું કે આ જ્ઞાનથી વિષય સિવાય બહુ સુંદર સુખ રહે છે. એટલે પછી તમને વિષયો ગમતા બંધ થઈ જાય. આ જ્ઞાન એવું છે કે બધાં વિષયો એની મેળે આપોઆપ છૂટી જાય. ખરી પડે બધાં, પણ અનુભવ કરી કરીને એ કરો ત્યારે સુખ જ મળે છે ને સુખ મળી ગયું કે પછી કશું રહ્યું નથી.

વિષયમાં તો બહુ બળતરા હોય, કશું જ્ઞાન ના હોય. બળતરા હોય સમકિત ના હોય, ત્યારે બળતરાવાળો માણસ વિષયમાં હાથ ઘાલે, નહીં તો વિષયમાં તો હાથ જ કોણ ઘાલે ? અત્યારે હાથ ઘાલવાની ઈચ્છા ના હોય છતાં ઘાલવું પડે. કારણ કે ડિસ્ચાર્જ સ્વરૂપે છે. પણ તે ય માણસ માંગતાવાળાને પૈસા આપે છે તે ઘડીએ, બહુ રાજીખુશીથી થઈને આપે છે ? એવું વિષયનું આરાધન કરવાનું એવી દ્રષ્ટિથી એ શોખનો વિષય નથી. માંગતાવાળા આવે ને, એને પૈસા આપીએ એ શોખનો વિષય નથી.

મેં ચૌદ વર્ષથી જોયા છે, બેઉ સરસ બ્રહ્મચર્ય પાળે છે. બેઉ આમ જોડે ને જોડે ફરે ને એવું. બધું ચૌદ વર્ષથી. પૂછયું ત્યારે કહે, 'જરાય ડાઘ નથી કહે છે' પહેલાં પહેલાં બે-ત્રણ વર્ષમાં જરાય ડચકાં ખાતું'તું. પછી રાગે પડી ગયું. પ્રતિક્રમણથી સુધરે ને. પ્રતિક્રમણથી ધો ધો કરતાં કરતાં રાગે પડી જાય.

પ્રશ્નકર્તા : પરણેલો બ્રહ્મચારી હોય તો એ વેલ ટેસ્ટેડ હોય ને !

દાદાશ્રી : ટેસ્ટેડ હોય. પેલાં ય ટેસ્ટેડ તો થાય છે. એમાં બે મત નહીં. પણ બે-ત્રણ વર્ષ ભણે છે, પછી બ્રહ્મચર્ય ટેસ્ટેડ ! કારણ કે પ્રતિક્રમણનું હથિયાર સરસને ! એ પ્રતિક્રમણના હથિયાર વાપર્યા કરે એટલે એમ કરતાં કરતાં શુદ્ધ થઈ જાય. શુદ્ધિકરણમાં પેઠો કે શુદ્ધ થઈ જાય.

અભિપ્રાય તો બ્રહ્મચર્યનો જ !

બ્રહ્મચર્ય એ જ્ઞાની પુરુષની આજ્ઞાપૂર્વકનું હોવું જોઈએ. એ આનંદની તો વાત જ જુદી ને ! આત્મા પ્રાપ્ત થયા પછી આનંદ મહીંથી નીકળ્યા જ કરે. પણ એ આનંદને આંતરે છે કોણ ? તો કહે, સંસારનો ભાગ એને ખઈ જાય છે. આપણને એ આનંદ ભોગવવા દેતો નથી. વિષય સાંભરવાના બંધ થાય, પછી પરમાનંદ પાર વગરનો રહે.

બ્રહ્મચર્યનો અને અબ્રહ્મચર્યનો જેને અભિપ્રાય નથી, તેને બ્રહ્મચર્ય વ્રત વર્તાયું કહેવાય. આત્મામાં નિરંતર રહેવું, એ અમારું બ્રહ્મચર્ય છે. છતાં અમે આ બહારના બ્રહ્મચર્યનો સ્વીકાર નથી કરતા એવું નથી. તમે સંસારી છો એટલે મારે કહેવું પડે કે અબ્રહ્મચર્યનો વાંધો નથી, પણ અબ્રહ્મચર્યનો અભિપ્રાય તો ન જ હોવો જોઈએ. અભિપ્રાય તો બ્રહ્મચર્યનો જ હોવો જોઈએ. અબ્રહ્મચર્ય એ આપણને નિકાલી 'ફાઈલ' છે. પણ હજુ એમાં અભિપ્રાય વર્તે છે અને એ અભિપ્રાયથી 'જેમ છે તેમ' આરપાર જોઈ શકાતું નથી, મુક્ત આનંદ અનુભવાતો નથી. કારણ એ અભિપ્રાયનું આવરણ નડે છે. અભિપ્રાય તો બ્રહ્મચર્યનો જ રાખવો જોઈએ. વ્રત કોને કહેવાય ? વર્તે એને વ્રત કહેવાય. બ્રહ્મચર્ય મહાવ્રત વર્તે કોને કહેવાય ? કે જેને અબ્રહ્મચર્ય યાદ જ ના આવે, એને બ્રહ્મચર્ય મહાવ્રત વર્તે છે એમ કહેવાય.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18