ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18



બ્રહ્મચર્ય (ઉર્તરાધ)

ખંડ : ૧

પરણિતો માટે બ્રહ્મચર્યની ચાવીઓ....

[૨]

દ્રષ્ટિ દોષના જોખમો !

આંખનો તે શો ગુનો ?

અત્યારે તો બધું ઓપન બજાર જ થઈ ગયું છે ને ? એટલે સાંજ પડ્યે દેખાય કે કશો ય સોદો જ નથી કર્યો, પણ એમ ને એમ બાર સોદા લખી નાખ્યા હોય. આમ જોવાથી જ સોદા થઈ જાય ! બીજા સોદા તો થવાના હશે તે થશે, પણ આ તો જોવામાત્રથી જ સોદા થઈ જાય ! આપણું જ્ઞાન હોય તો એવું ના થાય. સ્ત્રી જતી હોય તો એની મહીં તમને શુદ્ધાત્મા દેખાય, પણ બીજા લોકોને શી રીતે શુદ્ધાત્મા દેખાય ? જોવાથી તને સોદો થાય છે હવે ? નથી થતો ને ? ને જ્ઞાન પહેલાં તો કેટલાં થતાં'તાં સાંજ સુધીમાં ?

પ્રશ્નકર્તા : દસ-પંદર થઈ જાય.

દાદાશ્રી : અને કોઈના લગનમાં જઉં તો ? કોઈને ત્યાં લગનમાં ગયા હોઈએ, તે દહાડે તો આપણે બહુ બધું જોઈએ ને ? સોએક સોદા થઈ જાય ને ? એટલે એવું છે આ બધું ! એ તારો દોષ નથી ! બધા મનુષ્યમાત્રને એવું થઈ જ જાય. કારણ કે આકર્ષણવાળું દેખે એટલે દ્રષ્ટિ ખેંચાઈ જ જાય. એમાં સ્ત્રીઓને ય એવું ને પુરુષોને ય એવું, આકર્ષણવાળું દેખે કે સોદો થઈ જ જાય ! જેમ આપણે માર્કેટમાંથી શાક આકર્ષણવાળું હોય તો સાંજે લઈને જ આવીએ છીએ ને ?! ના લેવું હોય તો ય લે છે ને ?! કહેશે, 'બહુ સરસ શાક દેખાયું એટલે લઈને આવ્યો !' કેરીઓ આકર્ષણવાળી નહીં લાવતા લોક ? સરસ રૂપાળી દેખાતી હોય તો ? રૂપાળી દેખી તો સોદો કરી નાખે છે ને ? પછી કાપ્યા પછી મોઢું ખાટું થાય ત્યારે કહેશે કે પૈસા છૂટી પડ્યા ! આવું છે આ જગત !! આ તો બધા આંખના ચમકારા છે ! આંખ દેખે છે અને ચિત્ત ચોંટે છે !! આમાં આંખનો શો ગુનો ? ગુનો કોનો ?

પ્રશ્નકર્તા : મનનો ?

દાદાશ્રી : મનનો ય શો ગુનો ? ગુનો આપણો કે આપણે કાચા પડ્યા, ત્યારે મન ચઢી બેઠું ને ?! ગુનો આપણો જ ! પહેલાં તો એવો ય વિચાર કરતા હતા કે અહીં આપણાથી ના જોવાય, આ તો બહેન થાય, આ તો મામાની દીકરી થાય, ફલાણું થાય. અત્યારે તો કશું જોવામાં બાકી જ નથી રાખતા ને ? આ તો બધી પાશવતા કહેવાય ! થોડું-ઘણું વિવેક જેવું કશું ના હોય ?

દ્રષ્ટિનો જરા વિચ્છેદ ના થવો જોઈએ. કોઈની પ્રત્યે આપણી દ્રષ્ટિ ખેંચાય તો આખો દહાડો પ્રતિક્રમણ કરવું પડે. તે કેવડું મોટું બીજ નાખેલું કે આપણી દ્રષ્ટિ ખેંચાયા કરે ! એક સંતે તો દ્રષ્ટિ ખેંચાતી હતી, તેથી તેમણે આંખમાં મરચું નાખ્યું. પણ આપણે એવું કરવાનું નથી કહેતા. આપણે મરચું ના નાખશો એમ કહીએ છીએ. આપણે તો પ્રતિક્રમણ કર્યા કરવું. એમણે મરચું શાથી નાખ્યું હશે ? કે આંખનો દોષ છે એટલે મરચું નાખ્યું, આંખને દંડ દો, એમ કહે છે. અલ્યા, દોષ તારો છે. આંખને દંડ શું કામ કહે છે ? પાડાને વાંકે પખાલીને ડામ દે છે.

પાડાને વાંકે પખાલીને ડામ...

ભગવાને કહેલું કે, એક ભૂલ ના કરશો. કોનો વાંક છે ત્યાં ડામ દેજો ! પાડાનો વાંક અને પખાલીનો વાંક બન્નેનો વાંક જોજો અને પછી ડામ દેજો ! પણ આ જગતના લોકો તો પાડાના વાંકે પખાલીને ડામ દે છે ! 'આ ગુનો કોનો છે ?' એવી તપાસ તો કરવી જ જોઈએ ને ? આમ તો કહે છે કે 'મારે બ્રહ્મચર્ય પાળવું છે' ને પછી કહે છે કે 'મારે નથી ઇચ્છા છતાં દેહ આમ ખેંચાય છે.' તો તેં ઉપાય શો કર્યો ? તો કહેશે, 'દેહમાં ખાવાનું ઓછું નાખ્યું છે !' અલ્યા, પાડાને વાંકે પખાલીને ડામ શું કામ આપું છું ? પણ આ વાત એને શી રીતે સમજાય ? વિચાર કરને કે મારી ઇચ્છા નથી, તો આ દેહ ખેંચે છે કોણ ? આ દેહ તો ટાંકણી જેવો છે. જો લોહચુંબક સામું ધરશો તો તો ટાંકણી હાલ્યા કરશે ! આ દેહમાં 'ઇલેક્ટ્રિકલ બૉડી' છે. તે સરખે સરખા પરમાણુ મળી આવે તો 'બૉડી' ખેંચાય. પણ આ તો કહેશે, 'કાલથી હવે દેહને ખાવાનું નથી આપવું, આ દેહને હવે ભૂખ્યો રાખીશ !' અલ્યા, ભૂલ ખોળી કાઢને ! આ તો પૂરણ-ગલન છે. તે પૂરણ કર્યું છે, તો ગલન થશે જ. માટે મૂળ 'રૂટ કૉઝ' ખોળી કાઢ. પણ 'રૂટ કૉઝ' પોતાને પોતાની મેળે શી રીતે જડે ? એ તો જ્ઞાની પુરુષ જણાવી શકે. માટે જ્ઞાનીને ખોળ ! ને જ્ઞાની તો કો'ક ફેરો હોય, એ તો અતિ અતિ દુર્લભ છે !

કોઈક સ્ત્રી બહાર શાકભાજી લેવા નીકળે, તે કોઈક પુરુષને દેખીને એનું ચિત્ત ત્યાં ચોંટે. આ ચિત્ત ચોંટવાથી બીજ પડે. તે આવતા જતા આવા પચ્ચીસ-પચાસ પુરુષ જોડે બીજ પડે. આમ રોજ બને, તે પાર વગરના પુરુષો જોડે બીજ પડે. એવું પુરુષને સ્ત્રીઓ સામે થાય. હવે જો જ્ઞાન હાજર હોય તો બીજ પડવાનું અટકી જાય, છતાં પ્રતિક્રમણ કરે તો જ ઉકેલ આવે. આ બીજ તો મિશ્રચેતન જોડે પડે. મિશ્રચેતન પછી દાવો માંડે. મિશ્રચેતન તો કેવું હોય કે બન્નેની મરજીના ડિફરન્સ, બન્નેનાં સંચાલન જુદાં. ત્યાં પોતાની ઇચ્છા ના હોય તો ય સામાને સુખ ભોગવવા જોઈએ, તો શું થાય ? એમાંથી પછી રાગ-દ્વેષનાં કારખાનાં થાય. આપણી પાસે તો જ્ઞાન છે, તો શુદ્ધાત્મા જોઈને ચોંટ ધોઈ નાખવાની. નહીં તો આ ચિત્ત ચોંટે તો, એનું ફળ બે-પાંચ હજાર વર્ષે ય આવે !

સ્ત્રી-પુરુષોમાં આ કળિયુગના આધારે સામસામી અસર થાય છે. બંનેને સંતોષ હોય તો ય બહાર કંઈક જુએ છે, તો દ્રષ્ટિ મંડાઈ જાય છે. એ મોટામાં મોટું ભય સિગ્નલ છે. આ દ્રષ્ટિમાં મીઠાશ વર્તે તે ય બહુ મોટું જોખમ. તમે માની હો, તો તમને કોઈ સ્ત્રી માન આપે તો તમારી દ્રષ્ટિ ખેંચાઈ જાય, લોભી હોય તો તેને લોભ આપે તો ય દ્રષ્ટિ ખેંચાઈ જાય. પછી બધું જીવન ખેદાનમેદાન કરી નાખે !

એટલે ચેતવાનું શું કે સ્ત્રીએ પુરુષથી ને પુરુષે સ્ત્રીથી, બિલકુલ લપ્પન-છપ્પન નહીં રાખવી જોઈએ, નહીં તો એ ભયંકર રોગ છે ! એ વિચારથી જ માણસને બેભાનપણું રહે છે ! તો પછી આત્માની જાગૃતિ ક્યારે થાય ? એટલે આટલું ચેતવાનું છે ! આમાં શું અઘરું છે કશું ?

પ્રશ્નકર્તા : ત્યાં સાવચેત રહેવું જોઈએ.

દાદાશ્રી : એટલેથી જ છેટું રહેવા જેવું છે. બીજી બધી બાબતો અમે છોડી દેવડાવીએ, રસ્તો કરીએ પણ અહીં તો ચેતન મિશ્રિત થયું ને ? એટલે સ્ત્રી-પુરુષોએ બન્નેએ ચેતવા જેવું, ભયંકર જોખમ છે !!! હંમેશાં નીચું જ જોવું, બીજો કોઈ બાધ આપણા માર્ગમાં નથી. ઘેરે ય આની આ જ વાતચીત કરવી. તે પછી ઘરનાં બધાં સમજી જાય કે દ્રષ્ટિ ઊંચી કરવા જેવી જ નથી.

'વેરાઈટિઝ ઓફ પેકિંગ્સ' છે ! આનો પાર આવે એવો નથી, પણ એટલી બધી જાગૃતિ ય રહેતી નથી. એટલે નક્કી જ કરવું કે જે થવાનું હોય તે થાય, પણ દ્રષ્ટિ માંડવી જ નથી. નહીં તો બીજ તો બહુ મોટાં પડી જાય, તે આવતો ભવ ખલાસ કરી નાખે !! પેલી જ્યાં જાય ત્યાં આને જવું પડે અને પછી ખલાસ થઈ જાય.

ન મિલાવો દ્રષ્ટિ કદિ...

પ્રશ્નકર્તા : વ્યવહારમાં એકબીજાને માન આપવું એ તો કંઈ ખરાબ ના કહેવાય ને ?

દાદાશ્રી : માન આપવું, પણ દ્રષ્ટિ નીચી રાખીને. દ્રષ્ટિ બગડે કે તરત ખબર પડી જાય. માનમાં તો તરત દ્રષ્ટિ બગડે. આટલું જ જોખમ છે, બીજું કશું જોખમ નથી.

તમને બધું કામ લાગશે કે ?

કેટલાંકને કેવું હોય કે માનની ગાંઠ વિષયને માટે જ રક્ષા કરતી હોય. એટલે એનો વિષય ગયો કે માનની ગાંઠ છૂટી જવાની. કેટલાંકને પહેલી માનની ગાંઠ હોય ને પછી વિષય હોય છે, એટલે માનની ગાંઠના આધારે વિષય હોય છે અને કેટલાંકને વિષયના આધારે ય માનની ગાંઠ હોય છે ! એટલે એનો આધાર નિરાધાર થાય કે પેલું ઊડ્યું.

પ્રશ્નકર્તા : કોઈ સ્ત્રીને આપણે બહેન તરીકે માનીએ, દીકરી તરીકે માનીએ કે માતા તરીકે માનીએ, તો પછી તેના માટે આપણને ખરાબ ભાવ ના થાયને ?

દાદાશ્રી : માનવાથી કશું ફળ મળે નહીં. માનેલું રહે જ નહીં ને ! લોકો તો સગી બહેન જોડે હઉ 'વ્યવહાર' કરે છે ! એવાં ઘણાં દાખલા હું જાણું છું. માટે માનેલું કશું રહે નહીં.

પ્રશ્નકર્તા : એટલે એનો અર્થ એ કે દરેક બાબતમાં ચેતતા રહેવું જોઈએ ?

દાદાશ્રી : બહુ જ ચેતતા રહેવું જોઈએ અને આ તો દાદાની આજ્ઞા છે ને ? તે આ આજ્ઞા તો ખાસ બધાને આપેલી જ છે ! જેને જીતવું છે, તેને અમારી આ મોટામાં મોટી આજ્ઞા પાળવાની છે. બાકી, માનેલું કશું રહે નહીં.

પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા ભાવથી જોતા હો, તો પછી વાંધો જ ના આવેને ?

દાદાશ્રી : શુદ્ધાત્મા ભાવથી તો જોઈ લેવાનું છે. પણ દ્રષ્ટિ તો ના જ મંડાવી જોઈએ. તમને કોઈ જે' જે' કરે અને બે શબ્દ સારા બોલે તો તરત તમારી દ્રષ્ટિ એનાં પર મીઠાશવાળી મૂકાશે અને પેલીની દ્રષ્ટિ તમારે માટે પછી બગડશે. એટલે માન આપે ત્યાંથી તેને દુશ્મન માની લેવું. વ્યવહારમાં સાધારણ માન આપે તો તો વાંધો નથી, પણ જો બીજા પ્રકારનું માન આપે, ત્યાંથી આપણે જાણવું કે આ આપણા દુશ્મન છે, આપણને ખાડામાં લઈ જશે !

મોટામાં મોટું જોખમ જ આ છે, બીજું કોઈ જોખમ જ નથી. બાકી, માનેલું કશું રહે નહીં. આવું તમે કંઈથી લાવ્યા માનેલું ?

પ્રશ્નકર્તા : ના, એ તો આ પ્રશ્ન નીકળ્યો કે કોઈને ભાઈ-બહેન એ દ્રષ્ટિથી જોતાં હોય તો કેવું ?

દાદાશ્રી : ના, એ દ્રષ્ટિથી જોવાય જ નહીં ને ! એ દ્રષ્ટિ તો હવે રહી જ નથી ને ! એટલે એ દ્રષ્ટિથી જોવામાં 'સેફસાઈડ' રહી નથી. તમને શી ખબર પડે કે આ પ્રજા કેવી છે ? સગા કાકાની દીકરી ઉપરે ય દ્રષ્ટિ બગડે ! આ તો ઘેર-ઘેર બધો આવો માલ થઈ ગયો છે ! કળિયુગ તો બધે ફેલાઈ ગયો છે.

દ્રષ્ટિ બગડે ત્યાં ભવ જોડાય !

પ્રશ્નકર્તા : બ્રહ્મચર્ય સંબંધી બહાર કોઈ બોલતું જ નથી.

દાદાશ્રી : 'મેરી ભી ચૂપ ઔર તેરી ભી ચૂપ' એવું પોલંપોલ ચાલ્યું છે. હું બ્રહ્મચર્યસંબંધી વાત કરું છું ત્યારે મોટા મોટા આચાર્ય-મહારાજોને આશ્ચર્ય થાય છે કે, 'આ કાળમાં આવું ના હોય, તો માણસ નર્કે જશે, કારણ પહેલાં તો લોકોની એકાદ જગ્યાએ દ્રષ્ટિ બગડતી. આજે તો ઠેર ઠેર દ્રષ્ટિ બગડે છે ! તે પછી હિસાબ ચૂકવવા જવું જ પડે. એટલે એ જ્યાં જાય, હલકી નાતમાં જાય તો આપણે પણ હલકી નાતમાં જવું પડે. એ હરિજનવાસમાં જાય તો આપણે પણ હરિજનવાસ લેવો પડે. છૂટકો જ નહીં. હિસાબ ચૂકવવો જ પડે. હવે આ બધા બિચારાને આની ખબર જ ના હોય ને ! કે આની જવાબદારી શું છે ? તમે જાણો કે આ લોકો આવું કરે છે ? તે આપણે ય એવું કરીએ છીએ, વીંછી જો ડંખ મારે તો તરત કેમ છેટા રહો છો ? 'આમાં ડંખ મારનારું છે' એમ કોઈ દેખાડનાર નથી ને ?!

નીચી નાતમાં ઊંચા પુરુષોને શા માટે જન્મવું પડે છે ? વિષય વિકારના રોગ જેને લાગુ થયા છે, એ બધા ય નીચી નાતોમાં જન્મ પામે છે, એક જ આધારે. વિષય-વિકાર જેને ઓછાં હોય, તે ઊંચી નાતમાં ઊંચા કૂળ અને ઉચ્ચ ગોત્રમાં હોય. વિષયદોષ ઓછો એટલે ! દ્રષ્ટિ જ ફેર થવાથી એ જ્યાં જાય ત્યાં જવું પડે. એટલે ચેતવાનું છે. પોતાની સ્ત્રી સિવાય બીજે દ્રષ્ટિ જ ના બગડવી જોઈએ. બીજે દ્રષ્ટિ બગડી તો ખલાસ થઈ ગયું. હું શું કહું છું કે બીજી કોઈ સ્ત્રીને જોઈશ નહીં, કુદરતી રીતે તારે ભાગે આવેલી હોય, તેને તું ભોગવ. કો'કની સ્ત્રી ઉપર નજર કરે તો તે ચોરી કર્યા બરાબર છે. આપણી સ્ત્રી ઉપર કોઈ નજર કરે તો તમને સારું લાગે ખરું ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : એવું આપણે પણ કાયદેસર રહેવું જોઈએ. ગમે એવી દેખાવડી હોય તો ય છોકરી પર નજર જાય નહીં, આટલું સાચવવાનું કહ્યું છે.

પ્રશ્નકર્તા : પવિત્ર રહેવાનું.

દાદાશ્રી : હા, પવિત્ર રહેવાનું છે. પવિત્ર રહેવા છતાં ક્યાંક આંખ ખેંચાઈ જાય અને કંઈક જરા ભૂલ થઈ ગઈ હોય તો અમે સાબુ આપેલો છે, તેનાથી તરત જ ડાઘ ધોઈ નાખજો. તરત ધોઈ ના નાખે તો કપડું મેલું થયા કરે. આ છોકરાઓને બિચારાને દ્રષ્ટિ બગડે. તમારે મોટી ઉંમરનાને પણ સાબુ આપવો પડે. કારણ કે આ આંખ તો ક્યારે બગડશે, તે કહેવાય નહીં. અમે આ સ્ત્રી સાથે મોક્ષ આપેલો છે. તમને હું કહું કે સ્ત્રી મૂકીને અહીં આવતા રહો ને એને મનમાં દુઃખ થયું, તો પછી તમે કોઈ દહાડો મોક્ષે જઈ શકો ? અને હું તમને બોલાવું તો હું ય મોક્ષે જઉં ખરો ? તમને બેઉને રખડાવી માર્યાં, તેમાં મારો ય મોક્ષ થાય ખરો ?!

વાંધો ફક્ત સ્ત્રી-પુરુષો બે સામસામે ભેગા થાય છે ત્યાં આગળ મૂળ દ્રષ્ટિનો રોગ છે. તે દ્રષ્ટિ બગડે તો પ્રતિક્રમણ કરી લેવું. બસ, એટલો જ વાંધો ! બીજો કોઈ વાંધો નથી. કારણ કે શાસ્ત્રકારોએ કહ્યું છે, જગતે કહ્યું છે કે પેટ્રોલ અને અગિન્ એ બે જોડે ના મૂકાય. છતાં, આપણે અહીં જોડે બને છે. તો આટલું ચેતીને ચાલવાનું કે દીવાસળી ના પડવી જોઈએ.

અહીં આ સ્ત્રીઓને, પુરુષોને દરેકને પ્રતિક્રમણનું સાધન આપ્યું છે. દ્રષ્ટિ બગડી કે તરત પ્રતિક્રમણ કરવું, પછી જોખમદારી મારી. કારણ કે તમે પ્રતિક્રમણ કર્યું, મારી આજ્ઞા પાળી એટલે જોખમદારી બધી મારી. પછી આપને શું જોઈએ ? જોખમદારી દાદા લેતા હોય, પછી શો વાંધો છે ?

આપણાં જ્ઞાનથી બહાર તો દ્રષ્ટિ બેસે જ નહીં અને બેસે તો ઉખેડીને પાછું પ્રતિક્રમણ કરી લે. બેસે ખરી પહેલાંનો માલ ભરેલો એટલે. પણ ઉખેડીને પ્રતિક્રમણ કરે.

પ્રશ્નકર્તા : દ્રષ્ટિ ના બગડે, મન ચોખ્ખું રહે, એનાં માટે તો કેટલી બધી જાગૃતિ રાખવી પડે ?

દાદાશ્રી : ઓહોહો, તો એની તો જાગૃતિ ના રાખે, ત્યારે તો પછી કરવાનું શું ત્યારે ?! એ તો ફાઈલો હજુ આવતાં ભવમાં ય ચોંટે પાછી. ગયા અવતારની ચોંટેલી, તે આ જ્ઞાને કરીને ઉખાડી નાખવાની છે. નવી ચોંટે નહીં એ જ જોવાનું ને !

કિંમત રૂપાળી ચામડીની !

આપણે રૂપાળાં કપડાં પહેર્યાં હોય, તો કોઈને મોહ થાય ને ? એ કોનો ગુનો કહેવાય ? એટલે આપણા પર કોઈને મોહ થયો, તો એ આપણો જ ગુનો છે !!! તેથી વીતરાગો કહે છે કે, 'નાસી છૂટો. આપણાથી સામાને મોહ થઈ જાય તો તે બિચારો દુઃખી થાય, તે આપણા નિમિત્તે જ ને !' ત્યારે આ વીતરાગોનું વિજ્ઞાન કેવું હશે ? ત્યારે વીતરાગો કેવા ડાહ્યા હશે ? તમને કેવા લાગે છે ? ડાહ્યા નથી લાગતા ? સામાને દુઃખ ના થાય, એટલા માટે પોતાના વાળ ચૂંટી કાઢે.

પહેલાં સાધુ-આચાર્ય મહારાજ રૂપાળા હોય, તો ય તે માથે વાળ વધારીને, રૂપનાં છૂંદણા ના કરે, રૂપ કેવી રીતે દબાય એવું ખોળ ખોળ કરે. દાઢીઓ વધારે, લોચ કરે, આમ કરે, તેમ કરે ! પણ એ લોકો બહુ જાગૃતિપૂર્વક રહેવાના. કારણ કે 'મારા રૂપથી કોઈને દુઃખ થશે' એમ એ કહે.

પ્રશ્નકર્તા : કોઈને સુખ પણ થાય ને ?

દાદાશ્રી : જેને સુખ થયું હોય, તેનું પરિણામ દુઃખ આવવાનું જ. કારણ કે એનું પરિણામ દુઃખદાયી છે. એટલે એનાથી સુખ થાય તો ય તેનું પરિણામ દુઃખદાયી છે !

અત્યારે તો માણસોમાં એવાં રૂપ, એવો લાવણ્યભાવ ના હોય એટલે એ વાળ ના રાખે કે દાઢી રાખે તો તો માંદા માણસ જેવો દેખાય, દાઢી વધી હોય એટલે શરીર ભલેને જાડું હોય પણ લોકો તેને 'કેમ તબિયત બગડી છે કે શું ? શું થયું છે ?' એમ પૂછશે. અત્યારે તો માણસોને રૂપ જ નથી હોતું. જે થોડુંઘણું રૂપ હોય છે, તે પછી અહંકારને લઈને કદરૂપો દેખાય ! એ રૂપ, એ લાવણ્યતાની તો વાત જુદી જ હોય ! અંગ-ઉપાંગ બધાં સરખાં હોય. અંગ-ઉપાંગ લાંબાં-ટૂંકાં હોય, એને રૂપ જ કેમ કહેવાય ? એ તો બધું સરખું, 'રેગ્યુલર સ્ટેજ'માં હોવું જોઈએ. એવી લાવણ્યતા આ કાળમાં હોય નહીં ને ! રૂપ, લાવણ્યતાનો આધાર શા શા વિચારો ધરાવે છે, તેના પર છે.

રૂપાળાં, ભોગવાય વધુ !

પ્રશ્નકર્તા : મોહ કોને વધારે થાય ? રૂપાળી ચામડીવાળાને કે કાળી ચામડીવાળાને ?

દાદાશ્રી : રૂપાળી ચામડીવાળાને. જેની રૂપાળી ચામડી હોય તો જાણવું કે લોકોના હાથે એ વધારે ભોગવાઈ જશે.

પ્રશ્નકર્તા : જે રૂપાળી ચામડીવાળો હોય, તેના પુદ્ગલમાં શું મોહ વધારે ભરેલો હોય ?

દાદાશ્રી : હા, ત્યારે જ રૂપાળી ચામડી હોય ને ! એવું છે, રૂપાળી ચામડી એટલે ગોરી ચામડીને નથી ગણાતી. ઘઉંરંગી ચામડીને 'બેસ્ટ' ગણેલી છે, આપણા હિન્દુસ્તાનને માટે. મારો ને તમારો રંગ ઘઉંરંગ કહેવાય. એને 'બેસ્ટ' રંગ કહ્યો છે અને એ જ છેલ્લામાં છેલ્લો રંગ છે. રૂપાળી ચામડીવાળા તો ગોરાગબ જેવા હોય, તે મોહી વધારે હોય. તેથી એ વધારે ભોગવાઈ જાય. એવું આ બધા કુદરતના નિયમ છે. આપણને તો હવે આ 'જ્ઞાન' હાજર રહેવું જોઈએ.

જે જે આકર્ષણવાળો માલ હોય, આકર્ષક માલ હોય, તે બધો વેચાઈ જાય. છોકરા-છોકરીઓ બધું જ વેચાઈ જાય !

પ્રશ્નકર્તા : આવો આકર્ષણવાળો માલ શાના આધારે હોય ?

દાદાશ્રી : મોહ વધારે હોય એટલે પછી એ આકર્ષક માલ થાય. એને મૂર્છિત કહેવાય. મોહ ઓછો થયા પછી અંગ બધું ઘાટીલું હોય, પણ ચામડી આકર્ષક ના હોય. ઘાટીલા હોય એટલે એને રૂપાળા કહેવાય. ચામડી આકર્ષક હોય, એ રૂપ ના કહેવાય. એ તો એક જાતનો બજારૂ માલ કહેવાય. જેની લે-વેચ, લે-વેચ થયા જ કરે. આ બધાને કેરીઓ લેવા મોકલીએ તો, તે કેવી લાવે ? ઉપરથી રૂપાળી દેખાતી હોય એ લાવે. પછી મહીંથી એ ખાટી નીકળશે કે કેવી, એ તો પછી ભગવાન જાણે !!

ખૂલ્યું રૂપાળાનું રહસ્ય !

પ્રશ્નકર્તા : હમણાં જે આપણું છે એ નિકાલી છે, એ બરોબર છે. પણ આવતો ભવ જે થશે, એમાં બધું ઘાટીલું, સુંદર અને ભવ્ય હશે ને ?

દાદાશ્રી : એ તો એનાં અંગ-ઉપાંગ બધાં ઘાટીલાં હોય, પણ ચામડી એવી આકર્ષક ના હોય. ચામડી આકર્ષક તો હલકી નાતની હોય, જે મોહી જાત હોય, ભોગવાઈ જવાનાં હોય ત્યાં જ ચામડી આકર્ષક હોય. જ્યારે પેલાને તો ચામડી આકર્ષક ના હોય. ઘાટ બહુ સુંદર હોય, આંખ સુંદર હોય, નાક સુંદર હોય, કાન સુંદર હોય, કપાળ બધું સુંદર હોય, એ બધું ઘાટીલું હોય.

પ્રભાવશાળી હોય, તેને જોતાં જ પ્રભાવ થાય એટલે કે આપણો ભાવ ફરી જાય, જ્યારે પેલાને જોતાં એવાં ભાવ થાય કે અધોગતિમાં લઈ જાય. બોલો, ત્યારે જોતાં જ જે માલ અધોગતિએ લઈ જાય, તે માલ કેવો હશે ?! તેથી આપણા લોકો કહે છે કે ભઈ, પ્રભાવશાળીને મળજો. જેથી આપણા ભાવ આગળ વધે, પ્રભાવ કરે. અને પેલાને જોતાંની સાથે જ જ્ઞાન હોય તે ય જતું રહે.

પ્રશ્નકર્તા : દાદા, આપણો આ જે ભરેલો માલ છે, તે આ જ ભવમાં બદલાઈ જશે ને ?

દાદાશ્રી : એ તો બધું બદલાઈ જાય. આપણે ફેરવવા ધાર્યું એટલે બધું બદલાઈ જ જવાનું ને ! આ તો બધી જૂની ખોટ. હવે એ ધંધો બંધ કરી દીધો.

તીર્થંકર ભગવાન મહાવીરની ચામડી આકર્ષક નહોતી. ભગવાન ઘાટીલા હોય. એમનામાં મોહની પ્રકૃતિ જ નહીં ને ! મોહ પ્રકૃતિ એ જ આકર્ષક ચામડી છે. મોહ પ્રકૃતિવાળાની આંખો ય વિકારી હોય. એને પાછા આજનાં જીવડાં શું માને છે કે હું કેવો રૂપાળો છું ? અલ્યા, તારી કિંમત જ નથી દુનિયામાં ! પ્રભાવ ના થાય. ઊલટું, જોતાંની સાથે જ ભાવ એવો થાય કે અધોગતિએ લઈ જાય ને જ્ઞાન હોય તે ય જતું રહે. પુરુષો છોકરીઓને જુએ છે, તો જોતાંની સાથે જ જ્ઞાન જતું રહે. આ છોકરીઓ પુરુષોને જુએ, તો જોતાંની સાથે જ જ્ઞાન જતું રહે. એટલે આ માલ જોવો જ નહીં. જેનાથી પ્રભાવ ઉત્પન્ન થાય, આપણા ભાવ ફરે, વિચાર ફરે, એ માલ જુઓ. આ તો બધો કચરો માલ, 'રબીશ', વેચાણીઓ માલ !

આવું જગતમાં કોઈ કહે જ નહીં ને ? આવી વાત જ ઉઘાડી પાડેલી ના હોયને ! જગત જાણતું જ નથી આ ! લોકો એમ સમજે છે કે કેવો દેહકર્મી છે આ ! અલ્યા, દેહકર્મીને શું તોપને બારે ચઢાવવાનો છે ? એનાથી તો લોકોની અધોગતિ થાય છે ! મનુષ્ય તો કેવો હોય ? પ્રભાવશાળી હોય કે જેને આમ જોતાં જ આપણા મનના વિચારો સરસ આવે, આપણે સંસાર ભૂલી જઈએ. તેથી તો આપણા લોકો પ્રભાવશાળીને વખાણતા. ચામડીની કિંમત તને સમજાઈ ને ?

પ્રશ્નકર્તા : 'ઝીરો વેલ્યુએશન'.

દાદાશ્રી : આ રેશમી ચાદરથી બાંધેલો માલ છે. એમાં માંસ, લોહી, પરુ, બધો ય ગંદવાડો છે. ગટર ને એ બધું ય આમાં છે. આ તો બેભાનપણે લોકો, ભાન વગર ચાલે છે. આ માલ ચાદર બાંધ્યા વગર આપે તો કેટલાં લોકો ખુશ થઈ જાય ?

પ્રશ્નકર્તા : કોઈ અડે જ નહીં.

દાદાશ્રી : અરે ! જુએ નહીં. આમ જુએ તો ય તરત બહાર થૂંકે ! અલ્યા, ત્યારે આ તારા પેટમાં શું છે ? આ તો પાછો હાથે ય ફેરવ ફેરવ કરે અને પછી વિષયની આરાધનાઓ ચાલે.

તપાસો વિષયનું પૃથક્કરણ !!

એક ભાઈને વૈરાગ નહોતો આવતો. તેથી મેં એને 'થ્રી વિઝન' આપ્યાં. પછી એવું થ્રી વિઝને જોયું, તો એને બહુ સરસ વૈરાગ આવી ગયો. તારે એવું જોવું પડે ખરું ?

પ્રશ્નકર્તા : હા. એવો ઉપયોગ કરવો પડે.

દાદાશ્રી : એમ ? એટલે હજુ મોહ ખરો ને ?

પ્રશ્નકર્તા : હા, હજુએ આમ કો'ક વખત મોહ ચઢે. ધારો કે બૈરી સરસ કપડાં પહેરીને આમ ચાલે તો, પછી મહીં મૂર્છા ઉત્પન્ન થાય.

દાદાશ્રી : એમ ? ત્યારે પેલા જાપાનીઝ પૂતળાને સરસ કપડાં પહેરાવે છે, ત્યાં કેમ મોહ નથી થતો ?! સ્ત્રીનું મડદું હોય અને તેને સારાં કપડાં પહેરાવે તો મોહ થાય ?

પ્રશ્નકર્તા : ના થાય.

દાદાશ્રી : કેમ ના થાય ? તો આ બધાને શેનો મોહ થાય છે ? સ્ત્રી છે, કપડાં સારાં પહેર્યાં છે, પછી મડદું હોય ને મહીં આત્મા નથી તેની ઉપર મોહ થાય ? તો શેની ઉપર મોહ થાય છે ? આ વિચાર્યું નથી ને ? આત્મા ના હોય એવી સ્ત્રી જોડે મોહ કરે કોઈ ?

પ્રશ્નકર્તા : ના કરે.

દાદાશ્રી : તો એનું શું કારણ ? તો એ શું આત્મા જોડે મોહ કરે છે ? તારી જે બૈરી છે ને, એની ઉપર ગયા અવતારની તારી દ્રષ્ટિ ચોંટી ગયેલી, તેનું આ ફળ આવ્યું છે.

પ્રશ્નકર્તા : મારા વિચારો બ્રહ્મચર્ય લેવાના છે ને એનો એવો વિચાર નથી, તેથી એ એવી બગડી છે ને !

દાદાશ્રી : એ જ પરવશતા ને ! કેટલી બધી પરવશતા !!

પ્રશ્નકર્તા : અને એને તો ઊલટું આશ્ચર્ય લાગે છે કે તમને મારા પર આકર્ષણ કેમ થતું નથી ?

દાદાશ્રી : એને એમ કહેવું કે તું આમ સંડાસમાં અંદર જાય છે, તો ય મને બહાર રહીને દેખાય છે એટલે આકર્ષણ થતું નથી.

પ્રશ્નકર્તા : તો તો એ ભડકી જાય.

દાદાશ્રી : નહીં, પણ એને સમજણ પડે કે સંડાસ જઉં એવું દેખાય તો તો આકર્ષણ જ કેમ થાય ? એ કેવું ખરાબ દેખાય ?! પણ આ ય બોમ્બ ફાટે એવું થઈ જાય ને ? તો આમે ય ફસામણ થઈ ગઈ ને ? લક્કડકા લાડુ ખાયા વો ભી પસ્તાયા, નહીં ખાયા વો ભી પસ્તાયા.

દરાજ ખંજવાળે એવું સુખ !

પ્રશ્નકર્તા : દાદા, ખરું કહું ને તો હજી વિષયમાં મને પોતાને કો'ક વખત સ્વાદ આવી જાય છે.

દાદાશ્રી : એ સ્વાદ તને છોડતો નથી ? પણ આમાં સ્વાદ જેવું છે જ ક્યાં ? નર્યો ગંદવાડો ! આ ગંદવાડાને ચૂસવા જઈએ તો ય એમાં એટલી બધી ગંધ છે, ઓહોહો એટલી બધી ગંધ છે !! કેટલી ગંધ હશે ? પાર વગરની ગંધ છે ! કૃપાળુદેવે શું લખ્યું છે ? તે વાંચ્યું છે ? એમણે એનું વર્ણન કર્યું છે તે આપણને ચીતરી ચઢે.

પ્રશ્નકર્તા : છતાં ય પણ આ ઇન્દ્રિયને એમાં સ્વાદ આવી જાય છે ને ?

દાદાશ્રી : સ્વાદ કશો નથી આવતો. એ સ્વાદ તો દરાજ થઈ હોય ને વલૂરે, તે એવો સ્વાદ આવે છે ! એ વલૂરે ત્યારે આપણે કહીએ 'હવે બંધ રાખતો ?' તો પણ એનો એવો સ્વાદ આવે છે, તે છોડતો નથી. પછી લ્હાય બળે છે ત્યારે પાછું ખરાબ લાગે ! લ્હાય તો બળે જ ને ? કૃપાળુદેવે આ સુખની સરખામણી દરાજ વલૂરે એના જેવું સુખ કહ્યું. માણસ વિષય કરતો હોય તો તે ઘડીએ એનો ફોટો પાડીએ તો કેવો દેખાય ?

પ્રશ્નકર્તા : ગધેડા જેવો !

દાદાશ્રી : એમ ? શું વાત કરે છે ? એ તો આ મનુષ્યને શોભે ?

વિષયનું વિવરણ 'રાજચંદ્ર'ની દ્રષ્ટિએ...

પહેલાના ઋષિમુનિઓ એક પુત્રદાન માટે જ વિષય કરતા, પછી આખી જિંદગીમાં નહીં.

પ્રશ્નકર્તા : આખી જિંદગીમાં નહીં ?

દાદાશ્રી : નહીં, આ શાને માટે પૈણવાનું છે ?! પરસ્પર સામસામી સંસારકાળ પૂરો કરવા માટે, કે 'ભઈ, તારે આટલું કામ કરવાનું ને મારે આટલું કામ કરવાનું.' અને સ્ત્રીને ભો ના લાગે અને પુરુષને જરા હૂંફ રહે.

પ્રશ્નકર્તા : તો ઋષિઓ આખી જિંદગી શું કરે ?

દાદાશ્રી : આમ જોડે રહે ને ખાવા-પીવાનું બધું ય, પણ સાધનાઓ જ કર્યા કરવાની. ભગવાનની ભક્તિ કરે, આત્માને માટે જ બધું કરવાનું ! પૈણવાનું એ તો મદદને માટે પૈણવાનું હોય છે, કે સંસારમાં હેલ્પિંગ થાય ! એકલો હોય, તે શું કરે ? કમાવા જાય કે ખાવાનું કરે ? પણ આ તો છોકરાનાં કારખાનાં કાઢ્યાં ! ચાર-આઠ થાય, કોઈને ડઝને ય થાય ! છોકરાંની જરૂર ના હોય તો ય વિષય કરે છે. અલ્યા, છોકરાંની જરૂર નથી, હવે તારે વિષય શું કરવો છે ? પણ એમાં એને ટેસ્ટ આવે છે ! વિષયમાં તે વળી કયું સુખ છે ? શ્રીમદ્ રાજચંદ્રે તો કહ્યું કે આ તો વમન કરવાને યોગ્ય પણ ભૂમિકા નથી. થૂંકવાનું કહે તો ય ગમે નહીં. બીજી જગ્યાએ થૂંકાય, પણ અહીં તો આપણને થૂંકતાં ય શરમ આવે. લોકો કેવું માની બેઠા છે ? બધું ઊંધું જ માની બેઠા છે ને ?!

કૃપાળુદેવે કહ્યું સ્ત્રી વિષે....

કૃપાળુદેવના પત્રમાં શું લખ્યું છે ? ''સ્ત્રીના સંબંધમાં મારા વિચાર.''

''અતિ અતિ સ્વસ્થ વિચારણાથી એમ સિદ્ધ થયું છે કે શુદ્ધજ્ઞાનને આશ્રયે નિરાબાધ સુખ રહ્યું છે તથા ત્યાં જ પરમ સમાધિ રહી છે. સ્ત્રી એ સંસારનું સર્વોત્તમ સુખ માત્ર આવરણિક દ્રષ્ટિથી કલ્પાયું છે. પણ તે તેમ નથી જ. સ્ત્રીથી જે સંયોગ સુખ ભોગવાનું ચિહ્ન તે વિવેકથી દ્રષ્ટિગોચર કરતાં વમન કરવાને યોગ્ય ભૂમિકાને પણ યોગ્ય રહેતું નથી.''

કૃપાળુદેવ શું કહે છે કે વમન કરવાને યોગ્ય પણ એ સ્થાન નથી. માટે બીજી સારી જગ્યાએ ઊલટી કરજો. વળી આગળ શું કહે છે કે,

''જે જે પદાર્થો પર જુગુપ્સા રહી છે, તે તે પદાર્થો તો તેના શરીરમાં રહ્યા છે અને તેની તે જન્મભૂમિકા છે.''

જન્મભૂમિકા શાથી કહી કે આ જન્મભૂમિકા એવાં ને એવાં બધા કચરાને જ જન્મ આપે છે !

પ્રશ્નકર્તા : જુગુપ્સા એટલે શું ?

દાદાશ્રી : જુગુપ્સા એટલે ચીઢ. જેની પર ચીઢ રહી છે, એ બધી જ ચીજો એમાં જ છે ને ! અલ્યા, રેશમી ચાદર બાંધી એટલે બધું સારું થઈ ગયું ? કૃપાળુદેવે તો બહુ બહુ લખ્યું છે, પણ લોકો શું સમજે બિચારા ?

''વળી, એ સુખ ક્ષણિક, ખેદ અને ખસના દરદ રૂપ જ છે. તે વેળાનો દેખાવ હ્રદયમાં ચિતરાઈ રહી હસાવે છે કે આ શી ભૂલવણી ? ટૂંકમાં કહેવાનું કે તેમાં કંઈ પણ સુખ નથી અને સુખ હોય તો તેને અપરિચ્છેદ રૂપે વર્ણવી જુઓ.''

એટલે આ વિષયનું બહુ વિવરણ કરી કરીને તપાસ કરી જુઓ, એમ કૃપાળુદેવ કહેવા માગે છે. એની સુગંધી જોવી હોય તો, એ જગ્યા સોડી તો જો, તને કેવું લાગે છે ? વળી ઉઘાડી આંખે ધોળે દહાડે જુએ, તો એ જગ્યા રૂપાળી દેખાય ?! બધી જ રીતથી એની ચીઢ ચઢે !

''એટલે માત્ર મોહદશાને લીધે, તેમ માન્યતા થઈ છે એમ જ જણાશે. અહીં હું સ્ત્રીના અવયવાદિ ભાગનો વિવેક કરવા બેઠો નથી. પણ ત્યાં ફરી આત્મા ન જ ખેંચાય એ વિવેક કરવા તેનું સહજ સૂચવન કર્યું છે. સ્ત્રીમાં દોષ નથી, પણ (વ્યવહાર) આત્મામાં દોષ છે અને તે દોષ જવાથી આત્મા જે જુએ છે તે અદ્ભુત આનંદમય જ છે, માટે એ દોષથી રહિત થવું એ જ પરમ જિજ્ઞાસા છે.''

સ્ત્રીનો દોષ નથી, આપણી ભૂલનો દોષ છે, આપણી સમજણનો દોષ છે. સ્ત્રીનો શો દોષ ? જો સ્ત્રીમાં દોષ હોય તો તો પછી આ ભેંસો ય સ્ત્રી જ છે ને ? કેમ ત્યાં લોકો નથી ખેંચાતા ? આપણી અવળી સમજણ છે એટલે ખેંચાઈએ છીએ. એ અવળી સમજણ કાઢીએ એટલે બધું નીકળી જાય અને જ્યારે ત્યારે તો આ અવળી સમજણ કાઢ્યા વગર છૂટકો જ નથી. આ ગંદવાડો છે, એટલો બધો ગંદવાડો છે કે મને તો એ ચીઢ જ નથી જતી !

પ્રશ્નકર્તા : પણ એના બદલે સ્ત્રીઓને શુદ્ધસ્વરૂપે, શક્તિરૂપે, આત્મારૂપે જોઈએ તો ?

દાદાશ્રી : શુદ્ધરૂપે જુઓ તો બહુ સુંદર કહેવાય ! અમે સ્ત્રીઓને શુદ્ધસ્વરૂપે જોઈએ છીએ, તે અમને બહુ આનંદ થાય. શુદ્ધસ્વરૂપે જોવા જઈએ તો સ્ત્રી એ તો ખોખું છે, પેકિંગ છે. એમાં એ બિચારીનો શો દોષ ? આપણી જ ભાંજગડ છે, આપણી દ્રષ્ટિ અવળી છે. આપણે દ્રષ્ટિ ફેરવીએ તો આપણને કશું અડતું નથી. આપણી દ્રષ્ટિ અવળી છે તે ભૂલ છે. તેમાં કોઈનો શો દોષ ?

''શુદ્ધ ઉપયોગની જો પ્રાપ્તિ થઈ, તો પછી તે સમયે-સમયે પૂર્વોપાર્જિત મોહનીયને ભસ્મીભૂત કરી શકશે, આ અનુભવગમ્ય પ્રવચન છે !''

હા, શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ થઈ જાય, પછી એ મોહ ખલાસ કરી નાખે !

''પણ પૂર્વોપાર્જિત હજુ સુધી મને વર્તે છે, ત્યાં સુધી મારી શી દશાથી શાંતિ થાય ? એ વિચારતાં મને નીચે પ્રમાણે સમાધાન થયું.''

''સ્ત્રીને સદાચારી જ્ઞાન આપવું. એક સત્સંગી તેને ગણવી. તેનાથી ધર્મબહેનનો સંબંધ રાખવો. અંતઃકરણથી કોઈ પણ પ્રકારે મા, બહેન અને તેમાં અંતર ના રાખવું, તેના શારીરિક ભાગનો કોઈ પણ રીતે મોહકર્મને વશે ઉપભોગ લેવાય છે ત્યાં યોગની સ્મૃતિ રાખી, 'આ છે તો હું કેવું સુખ અનુભવું છું ?' એ ભૂલી જવું. મિત્રે, મિત્રની જેમ સાધારણ ચીજનો પરસ્પર ઉપભોગ લઈએ છીએ તેમ એ વસ્તુ લેવા (વિ)નો સખેદ ઉપભોગ લઈ પૂર્વબંધનથી છૂટી જવું. તેનાથી જેમ બને તેમ નિર્વિકારી વાત કરવી.''

પ્રશ્નકર્તા : યોગની સ્મૃતિ રાખવી એટલે શું ?

દાદાશ્રી : યોગ એટલે આત્મયોગની. પોતે 'શુદ્ધાત્મા છે' એની સ્મૃતિ રાખવી અને ''આ છે તો, હું કેવું સુખ અનુભવું છું'' તે ભૂલી જવું. એનામાં શુદ્ધાત્મા જોઈને આ સુખ ભૂલી જવું. આત્મા જોઈએ તો કશો વાંધો નથી. સ્ત્રીની જોડે ભાઈબંધની જોડે રહીએ એ રીતે રહેવું.

''સ્ત્રીના સંબંધમાં કોઈ પણ રાગ-દ્વેષ રાખવા મારી અંશ માત્ર ઇચ્છા નથી. પણ પૂર્વોપાર્જનથી ઇચ્છાના પ્રવર્તનમાં અટકયો છું.''

પણ તે આ બધું એમ ને એમ થાય એવું નથી. બહુ બહુ વિચારે તો આ છૂટે. પણ એવું બહુ વિચાર્યે ય પણ થાકી જાય એવું છે. માટે કોઈ એવા માણસને જો મળી ગયા હોય કે આપણે એમની જોડે રહીએ તો એમના પ્રમાણે આપણે થઈ જઈએ, એમ ને એમ જ એવા થઈ જઈએ, એમનો પ્રભાવ પડ્યા કરે આપણી પર અને આપણે તે રૂપ થતાં જઈએ. એટલે વસ્તુસ્થિતિમાં બીજો કોઈ ઉપાય નથી. અમને બધી ગૂંચો આગળ દેખાયેલી ! સ્થૂળ ભાગ બધો વિચારે કરીને ને સૂક્ષ્મ ભાગ બધો દર્શનથી જોઈ નાખેલો ! તેથી તો જગતની બધી ગૂંચો ઉકેલી નાખીએ છીએને ?!

બુદ્ધિથી પણ છૂટે વિષય !

પ્રશ્નકર્તા : શાસ્ત્રોમાં પણ સ્ત્રીના રૂપનું વર્ણન બહુ કર્યું છે.

દાદાશ્રી : શાસ્ત્રોમાં સ્ત્રીના રૂપનું જે વર્ણન છે, એ શાસ્ત્રો જુદી જાતનાં છે. મોક્ષમાર્ગમાં સ્ત્રીનું વર્ણન આવું ના હોય. સ્ત્રી તો દેવી છે. એ તો પહેલાં તો રિવાજ હતો કે પૈણતી વખતે શરત એટલી જ હોય કે એક-બે છોકરાં ઉત્પન્ન થાય એટલા પૂરતો જ વિષય હોય, બાકી બિલકુલ વિષય જ નહીં. વિષયમાં એ લોકો પડે જ નહીં. એ લોકોને લાખ રૂપિયા આપો તો ય વિષય કરવા તૈયાર ના હોય. એટલી એની જાગૃતિ હોય કે હું વિષય કરું તો ફોટો કેવો પડે ! જ્યારે આજે તો પાંચ હજાર આપીને વિષય કરે ને ?! કશું ભાન જ નથી આ લોકોને !! તને એવું લાગ્યું ને ? આપણે આ બધું ઊંધું બોલતા નથી ને ?

પ્રશ્નકર્તા : એક્ઝેક્ટ છે દાદા, હન્ડ્રેડ પરસેન્ટ કરેક્ટ છે.

દાદાશ્રી : ત્યારે લોકોને કેમ આવું પોલું ચાલતું હશે ? કશું ભાન જ નથી કે ક્યાં જઈ રહ્યા છે. 'જ્ઞાની પુરુષ'ની પાસે વિષયની વાતો સાંભળી નથી, નહીં તો વિષય રહે જ નહીં, ઊડી જ જાય !

પ્રશ્નકર્તા : વિષયની વિરુદ્ધ બોલીએ, તો ઊલટું આ જગતના લોકો ગાંડા કહે કે આ 'ઓલ્ડ માઈન્ડેડ' છે.

દાદાશ્રી : એવું બોલાય નહીં ને એવો કાયદો ય નહીં ને ! અને આ વિષય છે તો લગનવાળા છે, આ વાંજાવાળા છે, આ માંડવાવાળા છે. એટલે આ છે તો બીજું બધું છે, એટલે કશું બોલાય નહીં. આ તો જેને મોક્ષે જવું હોય, તેને જાણવા જેવું. બીજાને કશું આવું જાણવાની જરૂર જ નથી ને !

આ વિષયો બુદ્ધિથી દૂર થઈ જાય તેમ છે. મેં વિષયો બુદ્ધિથી જ દૂર કરેલા. જ્ઞાન ના હોય તો ય વિષયો બુદ્ધિથી દૂર થાય. આ તો ઓછી બુદ્ધિવાળા છે, તેથી વિષય રહેલા છે.

પ્રશ્નકર્તા : આ બુદ્ધિશાળીઓ પણ વિષયોનું 'વેરીફિકેશન' કરતા નથી ?

દાદાશ્રી : ના, બુદ્ધિશાળીઓએ વિષયનું 'વેરીફિકેશન' કર્યું જ નથી. ઊલટાં બુદ્ધિશાળીઓ જ વિષયોમાં વધારે ઊંડા ઊતર્યા છે. અરે, આ 'મરીન ડ્રાઈવ' ને બધે ત્યાં આગળ જઈને જોઉં તો એમના વિષયને જોઈને તું એમ જ સમજું કે આ તો માણસ છે કે પશુઓ છે ?! ટબની અંદર નહાય ને પાછા અત્તર ઘસીને ! હંમેશાં જ્યાં દુર્ગંધ હોય, ત્યાં શું કરવું પડે ?

પ્રશ્નકર્તા : હા, અત્તર ઘસવું પડે. પણ પાછલાં કેટલાં સમયથી કોઈએ એવો રસ્તો જ નથી બતાવ્યો કે આ વિષયોથી પણ બહાર કંઈક સુખ છે.

દાદાશ્રી : આ મહાવીર ભગવાને રસ્તો બતાડ્યો, પણ કોઈએ માન્યો નહીં ને ! આ બુદ્ધિશાળી લોકોએ જ લખ્યું છે કે જગતમાં વિષયસુખ બધાં સુખોમાં સર્વશ્રેષ્ઠ સમાન છે. વળી, બુદ્ધિશાળીઓએ તો એટલે સુધી લખ્યું કે કેળ હોય એવાં એનાં પગ છે. જાંઘો તો આવી છે, ફલાણી આવી છે, ને આમ બધું સ્ત્રીનું વર્ણન કરેલું છે. એટલે પછી લોક ગાંડા બન્યા. પણ કોઈએ એમ લખ્યું કે સ્ત્રી સંડાસ જાય છે ત્યારે કેવી દેખાય ?! જે સંડાસ જતો હોય, તેની જોડે વિષય જ કેમ કરાય ? એને અડાય જ કેમ ? આ કેરી જો સંડાસ જતી હોય, તો આપણાથી કેરી ખવાય જ નહીં ને ? પણ કેરી તો ચોખ્ખી હોય છે, તેથી કેરી ખવાય ને !

એકે ડંખ ખાધો, ખવડાવ્યો બધાંને !

આ તો તમને સમજણ પાડવા માટે કહીએ કે જેથી તમને સંતોષ થાય કે આપણે માર્ગ લીધો છે એ સાચો છે. બાકી વિષયમાં સુખ નથી જ એવું તો કોઈ કહે જ નહીં ને ? બધા તો વિષયના સુખનું જ શીખવાડે.

એવું છે, કે એક માણસને આંગળીમાં કંઈક દરદ થયું હશે, ત્યારે કોઈએ કહ્યું કે ભમરીનો ગલ ચોપડે તો મટી જાય. એટલે એ ભમરીનો ગલ લેવા માટે બીજા એક જણે ગોખલામાં હાથ નાંખ્યો, પણ ત્યાં એક વીંછી બેસી રહેલો હશે. તેણે પેલાને ડંખ માર્યો એટલે પેલાથી ગલ લવાયો નહીં ને ઉપરથી એ શું કહે છે કે, મારાથી તૂટયું નહીં. એટલે બીજો કહે, 'તારાથી ના તૂટયું, લાવ હું તોડી નાખું.' પછી બીજાએ મહીં હાથ નાંખ્યો. તો એને ય ડંખ માર્યો. એટલે પેલો સમજી ગયો કે આણે ડંખ કહ્યો નહીં, માટે આપણે ય કહેવું નથી. એણે એ ડંખ કહ્યો નહીં. પછી ત્રીજો ગયો. તેને ય ડંખ માર્યો. એવું વીંછી બધાને ડંખ મારમાર કરે છે, પણ કોઈ કહેતું નથી.

પ્રશ્નકર્તા : પણ આ સંસારના લોકો તો, પોતે એમાં સુખ માન્યું છે. એટલે બધાને પકડીને કહે છે, કે આમાં જ મજા છે, ચાલો !

દાદાશ્રી : આ લોકોએ તો વિષયની જાહેરાતો છાપી અને બધા લોકોને એ બાજુએ વાળ્યા અને છતાં ય જો બળતરા, જો બળતરા, તું મુંબઈમાં જા તો ખરો ! નાગા નાચગાન જુએ છે, તો ય બળતરા ! અત્યારે તો બધું એ જ તોફાન ચાલી રહ્યું છે ને ?! ને તેથી બળતરા પણ પાર વગરની ઊભી થઈ છે. એવી બળતરા ઊભી થઈ છે કે દારૂ પણ પીવો પડે. સ્ત્રી રાખવી પડે. બધું ય આપે તો ય એને શાંતિ થાય નહીં એટલે પછી એને મનમાં એમ થાય કે આપઘાત કરી નાંખીએ. પછી આખો દહાડો એ પી પી કર્યા કરે. પછી જો રાત-દહાડો બળતરા-બળતરા અને બળતરા !! એવું થાય પછી !

પ્રશ્નકર્તા : રસ્તો જ નહીં જડતો હોય તો શું કરે ?!

દાદાશ્રી : રસ્તો દેખાડનાર કોઈ છે જ નહીં. સૌ કોઈ વિષયનો માર્ગ દેખાડે. મા-બાપ પણ કહેશે કે પૈણ બા, અમે એકલાં તો ફસાયાં છીએ, તમને પણ ફસાવ્યા વગર અમે રહીએ જ નહીં ને !!

પ્રશ્નકર્તા : એમાં જો કોઈ બ્રહ્મચર્ય તરફ જાય, તેના તો બધા વિરોધી થઈ જાય.

દાદાશ્રી : હા. લોકોને નામના કાઢવી છે, 'મારા છોકરાના ય છોકરાએ નામ કાઢયું.' કહેશે ! પછી એની ફસામણ જે થવાની હોય તે થાય, પણ 'મારું નામ તો નીકળે', કહેશે !

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18