ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18



બ્રહ્મચર્ય (ઉર્તરાધ)

ખંડ : ૨

આત્મ જાગૃતિથી બ્રહ્મચર્યનો માર્ગ !

[૩]

વિષય સુખમાં દાવા અનંત !

અપવાદે બ્રહ્મચારીઓ....

વિષયમાં સુખ તો આખું જગત, જીવમાત્ર માની રહ્યાં છે. એક ફક્ત અહીં આગળ ત્યાગીઓ છે, અને ત્યાં દેવોમાં સમકિતી દેવો છે, આ બે જ લોકો છે તે વિષયસુખમાં માનતા નથી. જાનવરો ય વિષયને સુખ માને છે. પણ એ જાનવરો તે બિચારાં, એ છે તે કર્મનાં આધીન ભોગવે છે. એમને એવું કંઈ એ નથી કે અમારે કાયમને માટે આવું જોઈએ જ. અને મનુષ્યો તો કાયમને માટે જ. ધણી પરદેશે ગયો હોય તો વહુને ના ગમે. વહુ છે તે પિયરમાં ગઈ હોય છ બાર મહિનાં તો વેષ થઈ પડે કારણ કે સુખ એણે માન્યું છે એમાં. શેમાં માન્યું છે ? આ ત્યાગીઓને શાથી એમાં દુઃખ લાગ્યું હશે ? શું એમાં સુખ નથી ?

એવું છે ને કે આ ઘઉં, ચોખા, બાજરી, જલેબી, લાડવા, એ બધા સુખ ખોળતા નથી. આ ફ્રૂટ બધા હોય છે એ સુખ ખોળે કોઈ ફ્રૂટ ? આ દૂધ-બૂધ બધું, દહીં, ઘી, બધું સુખ ખોળે ?

પ્રશ્નકર્તા : ના ખોળે.

દાદાશ્રી : તે ભગવાને કહ્યું હતું કે જે સુખ ખોળે ત્યાં સુખ ખોળશો જ નહીં કહે છે. જે સુખ ખોળતો હોય પોતે, ત્યાં સુખ ખોળશો નહીં, સુખ ના ખોળે ત્યાં આગળ સુખ ખોળો, કહે છે. એટલે સુખ ખોળતો હોય એ ભિખારી ને ત્યાં આપણે સુખ લેવા જઈએ તો શું વળે ? એટલે ભૂમિકા જ ન્હોય, આ તો એક જાતની એક કાલ્પનિક ફિગર છે આ ખાલી. કલ્પના ઉભી કરેલી છે આ તો. સુખ ના ખોળે તેની જોડે વાંધો ના આવે ને કોઈ જાતનો ?

પ્રશ્નકર્તા : ના જ આવે.

દાદાશ્રી : પછી મોંઘા ભાવની કેરીઓ સરસ આવે છે, બધી જ ચીજો આવે છે, કેવી કેવી મીઠાઈઓ હોય છે બધી ! જોવાની કેવી કેવી ચીજો હોય છે ! અને એંઠવાડામાં સુખ ખોળે છે પેલો તો. આખા ગામનો એંઠવાડો કહેવાય. અને પાછો સુખને એ ય ખોળતી હોય. આપણે એની પાસે સુખ ખોળીએ અને એ આપણી પાસે સુખ ખોળે, ત્યાં આપણે એ બેનું તાલ ક્યારે ખાય ? આપણે છે તે ક્રિકેટ જોવા જવું હોય અને એ કહે સિનેમા જોવા જવું છે, આપણો ઝઘડો ક્યારે પૂરો થાય ?

પ્રશ્નકર્તા : ના થાય.

દાદાશ્રી : એવું છે અગર તમારે જો સુખી થવું હોય તો આ જગતમાં બધી ચીજ ભોગવજો શું ? જેને સામું ભોગવવાની ઇચ્છા ના હોય, એ પોતે ભોગવવાની ઈચ્છાવાળું ના હોય, તેને ભોગવજો. જલેબી ને ભોગવવાની ઈચ્છા ખરી, જલેબીને ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો આપણે જલેબી ખાવને. બીજી બધી ચીજો ખાવાની છૂટ. સામાની ઈચ્છાવાળું હોય તો તો પછી આપણે માર્યા જ જઈએ ને.

પ્રશ્નકર્તા : જે સુખ ખોળતો હોય ત્યાં સુખ ના ખોળાય.

દાદાશ્રી : હા, ત્યાં સુખ ના ખોળાય. એટલે આ બીજી બધી ચીજ સિવાય એક જ આ સ્ત્રી વિષય એકલું જ એવું છે કે એ પોતે સુખની ઈચ્છાવાળી છે અને આપણે ય ઇચ્છાવાળા એટલે બેનું ક્યારે મેળ પડે.

પ્રશ્નકર્તા : ના મેળ પડે.

છોડો માત્ર વિષયને !

પ્રશ્નકર્તા : જ્યારે, અત્યારે સંસારમાં બધે, આ છોડો, આ કંટ્રોલ કરો, આ ખાવાનું, આ નહીં ખાવાનું એવું ચાલ્યું છે !

દાદાશ્રી : અરે, ખાવા-પીવાનું તો મેલોને પૂળો ! બધું ખાવ નિરાંતે !! પણ આ એકલું છોડી દોને !!! આ એકલામાં હાથ ઘાલો નહીં. ખાવામાં સામી ફરિયાદ નથી. આ સ્ત્રી તો સામી ફરિયાદ કરે, અનંત અવતારનું વેર બાંધી દે. એ છોડે નહીં પછી. આ ચાર ઇન્દ્રિયોના વિષયો કોઈ હેરાન કરતું નથી અને આ પાંચમો જે વિષય છે, સ્પર્શ વિષય છે તે તો સામી જીવંત વ્યક્તિ જોડે છે ! એ દાવો માંડે એવી છે, એટલે આ એકલી સ્ત્રી વિષયનો જ વાંધો છે. આ તો જીવતી 'ફાઈલ' કહેવાય. આપણે કહીએ કે હવે મારે વિષય બંધ કરવો છે ત્યારે એ કહે કે એ નહીં ચાલે. ત્યારે પૈણ્યા'તા શું કરવા ? એટલે એ જીવતી 'ફાઈલ' તો દાવો માંડે ને દાવો માંડે તો પોષાય જ કેમ કરીને ? એટલે જીવતા જોડે વિષય જ ના કરવો. દાવો તો માંડે પણ પછી દબડાવે ને આપણું તેલ કાઢી નાખે. આપણે ભગવાનના દબાઈ રહેવા નથી માંગતા, તે આવું બૈરીના દબાયેલા રહેવાય ? શું સુખ છે એમાં ? ને આપણે શું સુખી થઈ ગયા ! અને શું જાડા થઈ ગયા ? ઊલટું તેજ હણાઈ જાય છે ! આમાં શું કાઢવાનું ? આખો પુદ્ગલનો સાર ઊડી જાય છે ! એ સાર મહીં શરીરમાં રહે ત્યારે મહીં મગજ ખીલે, વાણી કેવી બોલાય ! જાગૃતિ કેવી રહે ! એ વાત તો જુદી જ ને ? એ સાર પછી ખોઈ નાંખે છે ને પછી શું થા

ય ? જાગૃતિ કેવી રહે !

વિષયથી બંધાય કરારો...

આ ઝઘડાના લીધે બધા દાવો માંડે. પેલાનો પૂરો થાય ત્યાં સુધીમાં પેલી દાવો માંડે, પાછો પેલો દાવો માંડે.

આ એક વિષય એવો છે કે જે સ્ત્રીનો અને પુરુષનો જે વિષય છે એમાં આપણે કહીએ કે ના ભઈ, હવે મારે નથી ઈચ્છા, ત્યારે કહે, ના ચાલે. ત્યાં તો દાવો માંડશે. આ એક જ એવું છે કે સામો દાવો માંડે એવું છે. માટે અહીં સાચવીને કામ કાઢી લેવું. તમને સમજાયું દાવો માંડે એવું ? એનો જ આ બધો ગૂંચવાડો ઊભો થયો છે. માટે એ એકલો જ ભોગ એવો છે કે બહુ દુઃખદાયી છે.

આ જીવતો પરિગ્રહ છે. એટલે આમાં દાવો માંડે, વેર હઉ બાંધે. ઘણા પુરુષોએ સ્ત્રીઓને સળગાવી મેલી છે. સ્ત્રીઓ પણ ઘણા પુરુષોને કંઈક ઝેર આપી દે છે. આ બધું વેર બાંધે.

પ્રશ્નકર્તા : ક્રમિકમાર્ગમાં બહાર બધે વિષયોના ત્યાગને પહેલું સ્થાન કેમ આપે છે ?

દાદાશ્રી : આ વિષયો એકલાની જ ભાંજગડ છે, બીજા બધાની બહુ ભાંજગડ નથી. તેનું શું કારણ ? આપણે ગમે તેટલા મોંઘા ભાવનાં ભજિયાં લીધાં, પછી આપણને જેટલાં ખાવાં હોય તેટલાં ખાઈએ. બાકીનાં ના ખાવાં હોય તો કો'કને આપી દઈએ તો એ ભજિયાં આપણા પર દાવો માંડે નહીં ! એ દાવો માંડે ?

પ્રશ્નકર્તા : ના માંડે.

દાદાશ્રી : આ અત્તરનું પૂમડું આમ કાનમાં ઘાલ્યું ને પછી આપણે કોઈને તે આપી દઈએ તો એ અત્તર કંઈ દાવો માંડે ? આ ફિલમ જોવા ગયા, તેમાં ફિલમ જેટલી જોઈ તેટલી જોઈ ને જરા ઊંઘ આવે તે ઊંઘી ગયા તો એ ફિલમ દાવો માંડે આપણા ઉપર ? કે કેમ તે મને ના જોઈ ? ટિકિટ લીધી માટે તારે મને જોવી જ પડશે એવો દાવો કોઈ ના માંડે.

ટાઢ પડે તો ચામડીને ટાઢ લાગે ત્યારે ઓઢીને બેસીએ તો કંઈ ટાઢ દાવો ના માંડે અને આ વિષય એકલો જ સામો ચેતન છે માટે દાવો માંડે. આપણે કહીએ કે મારે હવે આ ત્યાગ કરવો છે તો તે કહે કે આ ના ચાલે, શું કરવા પૈણ્યા હતા ? માટે આ કંઈ ભજિયાં જેવું નથી. મહાન જોખમદારી છે ! જો ભજિયાં જેવું હોય તો તે અમે તમને છૂટ આપી કે ભઈ, તમે આવા જે વિષય કરવા હોય તે કરજો, પણ આ સ્ત્રી વિષયને તમે જરા સાચવજો. કારણ કે એ દાવો તો એવો માંડે, કે જ્યાં એની ગતિ જાય ત્યાં આપણને લઈ જાય. કારણ કે એની જોડે દાવો મંડાયો પછી શું થાય ? કેરાલાવાળાને ત્યાં ગયા હો ત્યારે પાંચસો રૂપિયા લીધા હોય ને પછી તે ના આપો તો એનો દાવો એ ક્યાં માંડે ? અરે, એ તો પછી કેરાલાની દોડધામમાં, ભાડામાં જ પાંચસો જતા રહે ! અને પાછું ત્યાં જઈને ચૂકવવા પડે એ જુદા. એટલે દાવો માંડે તો એ જ્યાં હોય ત્યાં પાછું આપણે જવું પડે, એવું છે.

માટે, આ દાવો મંડાય નહીં એ જોજો. બહુ જોખમદારી છે !! અને જેટલી ફાઈલો હોય તેની ઝટપટ પતાવટ કરી દેજો ને નવી ફાઈલ ઊભી કરશો નહીં, સહેલું છે કે અઘરું છે આ ?

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કર્યા કરીએ તો સહેલું થઈ જાય ?

દાદાશ્રી : હા, સહેલું થઈ જાય. અમે તમને મોક્ષ હાથમાં આપ્યો છે, હવે તમને જેટલો મોક્ષ ભોગવતાં આવડે એટલો તમારો. આમાં દાવો કરે એવી 'ફાઈલ' છે, તેથી ક્રમિકમાર્ગમાં આને માટે બહુ કડક કહ્યું છે. અને આપણે અહીં પણ આને માટે કડક રહેવાનું કહીએ જ છીએ કે અહીં ચેતતા રહેજો.

'મિશ્રચેતન' તો દાવો માંડે જ !

સ્ત્રી એ મિશ્રચેતન છે. ચેતનને પૈણજે, ત્યારે આ તો મિશ્રચેતનને પૈણે છે. મા-બાપને ખબર જ નથી ને, ભાન જ નથી રાખતા ને કે છોકરો ક્યા માઈલે છે ને એને શી બળતરા છે ? મા-બાપ મા-બાપની બળતરામાં ને છોકરો છોકરાની બળતરામાં ! આ મિશ્રચેતન તો દાવો માંડે ! એમને સિનેમા જોવા જવું હોય ને તમને ગમતું ના હોય તો ય એ કહે કે 'તમારે આવવું પડશે.' તો તમારે જવું પડે ! એટલું જ નહીં પણ, 'તમારે છોકરો ઊંચકી લેવો પડશે.' એવું ય કહે, અલ્યા, છોકરાં ય ઊંચકાવડાયાં મારી પાસે ? હા. પણ શું થાય ? જો બબૂચક થવું હોય તો પૈણવું આ કાળમાં !!!

પ્રશ્નકર્તા : પણ હવે જે પૈણેલો હોય એ શું કરે ?

દાદાશ્રી : આપણું ધારેલું ઓછું થાય છે ? 'વ્યવસ્થિત'ની જે ફિલમ છે એ છોડે નહીં ને એને ?

પહેલાં તો એટલું સારું હતું કે ગમે તેવી બીબી લેવા જાય, તો બહુ ત્યારે બીબીની બે-ત્રણ શરતો હોય. 'પાણીકી મટકી કબૂલ' ? ત્યારે એ કહે, 'કબૂલ'. 'લકડેકી ભારી કબૂલ' ? ત્યારે ધણી કહે, 'કબૂલ'. નકાબ પઢતી વખતે આટલી શરતો કરાવડાવે. પાણી ભરી લાવે. જંગલમાંથી લાકડાં લઈ આવે એ સારું. પણ આજની વહુઓ તો શું કહેશે ? 'આ ટાઈમે સિનેમામાં આવવું પડશે, નહીં તો તમારા ભાઈબંધ જોડે કોઈ દહાડો જતા જોયા છે, તો તમારી વાત છે !!' 'અરે, હું તને પૈણ્યો કે તું મને પૈણી ?' આમાં કોણ કોને પૈણ્યું ? પણ આ તો મિશ્રચેતન. જ્યારે આ તો ભણેલીઓ પાછી. તે એમને જો 'તું ના સમજું', એવું કહ્યું હોય તો તો તમારું તેલ કાઢી નાખે ! આમાં સુખ જ નથી. આ તો 'ફાઈલ' વધે છે. એ 'ફાઈલો' જોડે પછી કકળાટ થાય, પછી ઘરની હોય કે બહારની ! એટલે મિશ્રચેતન જોડે હિસાબ ના માંડો, નહીં તો એ કલેઈમ માંડશે !

આ પથારી પર ના સૂઈ જઈએ ને પથરા પર સૂઈ જઈએ તો પથારી કંઈ દાવો માંડે કે કેમ અમને છોડીને પથરા પર સૂઈ જાઓ છો ? અને મિશ્રચેતન તો દાવો માંડે કે કેમ આજે છૂટા પડ્યા ? છોડે નહીં. ખસેડવા જાવ તો વળગે ઊલટું ! એટલે મિશ્રચેતન જોડે ભાંજગડ ના પાડશો ! બટાકા જોડે ભાંજગડ હોય ને બટાકા ના લાવ્યા હોય તો બટાકા બૂમો નહીં પાડે ને ના ખાઈએ તો ય કશું બોલે નહીં ! પણ મિશ્રચેતન તો એવી આંટી મારે કે અનંત અવતારે ય એ છૂટે નહીં. એથી ભગવાને કહેલું કે મિશ્રચેતનથી છેટા રહેજો ! સ્ત્રીથી છેટા રહેજો !! નહીં તો મિશ્રચેતન તો મોક્ષે જતા રોકી રાખે એવું છે !!!

આ પાન-બીડી એ ય લફરાં જ કહેવાય. પણ આ લફરાં તો એમ માનો ને, કે કો'ક દહાડો છૂટે, પણ પેલાં લફરાં તો ના છૂટે. જીવતાં લફરાં ને ! અમે લફરું જીવતાને કહીએ છીએ. પેલાં લફરાં તો ચલાવી લેવાય. એ તો મડદાલ જ છે ને ? આપણી એકલી જ ફરિયાદ છે ને ? આપણે ફરિયાદ કરીએ છીએ ત્યાં સુધી ને ? બાકી એની કોઈ જાતની ફરિયાદ નથી ને ! આપણે છોડી દઈએ ત્યારે ફરજિયાત છે કંઈ ? અને જીવતાં લફરાં જોડે તો કશી મુશ્કેલી થઈ તો દાવો માંડે. તમે દાવો કાઢી નાખો ત્યારે એ દાવો માંડે. એ જ બહુ મુશ્કેલી છે !

બે-મન ન થાય કદિ એક !

બે મન એકાકાર થઈ શકે જ નહીં. એટલે દાવા જ ચાલુ થાય. આ વિષય સિવાય બીજા બધા વિષયમાં એક મન છે, એક પક્ષે છે. તેથી સામો દાવો ના માંડે ! જ્યારે મનવાળા જોડે તો જોખમ છે. એક જ ફેરો જેની જોડે વિષય કર્યો હોય તો એને પેટે જન્મ લેવો પડે, નહીં તો એ જ્યાં ગઈ હોય ત્યાં જવું પડે ! મિશ્રચેતન જોડે શાદી કરી પછી શું થાય ? મિશ્રચેતનના દાવાની તો ઉપાધિ બહુ ! આપણને તદ્દન પરવશ કરી નાખે. એટલે મિશ્રચેતનનું ખાતું જ રાખવા જેવું નહીં. છતાં હોય તેને શું કરવાનું ? પછી એ ખાતાનો સમભાવે નિકાલ કરી નાખવાનો. ખાતું ઓછું ફાડી નખાય છે ? ફેંકી દઈએ તો તો એ વધારે ચોંટે. એટલે નિરંતર જાગૃત રહી એનો નિકાલ કરી નાખવાનો.

પૈણે એનો વાંધો નથી. પણ હંમેશાં બન્નેનું મન જુદું હોય અને ત્યાં જ વ્યાપાર કરવા જઈએ એટલે દ્વેષ થયા વગર રહે નહીં. એ પછી ગમે તે વ્યાપાર કરો ને ! પછી ત્યાં ગમે તેટલો પુરુષાર્થ કરોને તો ય ભેદ પડ્યા વગર રહે નહીં ને ! જુદા મનવાળાની એકતા કેમ હોય ? એ તો વ્યાપારના સ્વાદ પૂરતી થોડી વાર બન્નેના મનની એેકતા થાય ! પણ એ સ્વાદ ના સચવાયો તો ચાલ્યું તોફાન પાછું. એટલે ભેદ પડ્યા વગર રહે નહીં ને ! કારણ એ 'ફાઈલ' છે એટલે દાવો માંડી શકે. તમે કહો, મારે ત્યાગ લેવો છે, ત્યારે એ કહેશે, ના નહીં જવા દઉં.

આ જગત આખું મિશ્રચેતનથી જ લપટાયેલું છે. જો મિશ્રચેતન સમજવામાં આવે તો તો આ જગત લપટાયેલું નથી. આ બીજા બધા શોખ લપેટે એવા નથી હોતા. આ મિશ્રચેતનમાં તો સામસામે દાવા મંડાય છે. એક વાર જાળમાં આવ્યા પછી નીકળવું મુશ્કેલ છે. એ ભંગજાળમાં પેઠા પછી એમાંથી કોઈ છટકેલો નહીં. આ અમારું વિજ્ઞાન એવું છે કે બન્નેને જ્ઞાન આપીએ એટલે બેઉ સમભાવે નિકાલ કરતાં શીખી જાય અને ઉકેલ આવી જાય. નહીં તો લાખો અવતારે છોડે નહીં. આપણે છોડવાની ઇચ્છા હોય ત્યારે એ આપણને છોડે નહીં અને એને છોડવાની ઇચ્છા થાય ત્યારે આપણે એને છોડીએ નહીં. એટલે કોઈ દહાડો બેઉનો ટાઈમિંગ મળે નહીં અને એંજિન મોક્ષ ભણી ચાલે ય નહીં, એવું છે આ મિશ્રચેતન ! ખાવા-પીવામાં હરકત નથી. ચાર વેઢમી ખાઈને સૂઈ જજો. દાદાનું નામ લઈને એ ભોગ ભોગવજો, પણ આ મિશ્રચેતન તે મહા જોખમ છે ! સંસારનું બીજ જ આ છે. એક રાજા જિતાયો તો એનું દળ આપણા કાબૂમાં આવી ગયું, એનું પુર પણ આપણા કાબૂમાં આવી ગયું. કૃપાળુદેવે આ કંટાળી કંટાળીને ગાયું છે. સંસારમાં જે લટકાવનારું છે, તેના પર તેમણે જબરજસ્ત ભાર દીધો કે શું આવી ગતિ ! એ પોતે કહેતા હતા કે, 'સંસારથી તો ઘણો કાળ થયો, ઘણા અવતાર થયા કંટાળ્યો હતો, પણ છેવટે એમણે

કાપી નાખ્યું. આમથી કાપ્યું, તેમથી કાપ્યું ને સડસડાટ ઉડાડી મૂક્યું. ગજબના પુરુષ હતા, જ્ઞાની પુરુષ હતા ! એ તો ચાહે સો કરે !! વિષય એ તો જીવતું જોખમ છે. બીજાં બધાં જોખમ તો મરેલાં કહેવાય. આ તો બહુ પુણ્યશાળી માણસ તે બધાં જોખમ ઊડી ગયાં ને પોતે પાર નીકળી ગયા અને વેર બંધાયાં નહીં.

બે તરફીનાં સુખો માંડે દાવો !

વિષયસુખ બે તરફી છે. બીજા ઈન્દ્રિયસુખ એક તરફી છે. અને આ બે તરફીનું તો દાવો માંડશે. એ કહે કે સિનેમા જોવા હેંડો ને ત્યારે તમે કહો કે ના આજે મારે ખાસ કામ છે. તે એ દાવો માંડે. બને કે ના બને એવું ?

પ્રશ્નકર્તા : એ જ બને. એથી જ આવું થાય છે ને !

દાદાશ્રી : હવે જો સ્ત્રી પહેલેથી સમજતી હોય કે એમનાં કર્મનાં ઉદયે ના પાડી તો ડહાપણપૂર્વક ચાલે. પણ એવું ભાન છે નહીં. એ તો કહેશે એમણે કર્યું જ નહીં.

પ્રશ્નકર્તા : મોહ બધો ફરી વળે.

દાદાશ્રી : મોહ ફરી વળે. અને કરે છે કોણ તે પોતાને ખબર નથી. એ એમ જાણે કે આ જ કરે છે. નથી, એ જ નથી આવતા. એમની જ ઈચ્છા નથી આવવાની.

પ્રશ્નકર્તા : આ પિકચર, નાટક, સાડી, ઘર, ફર્નિચર એનો મોહ હોય છે એનો વાંધો નહીં ને ?

દાદાશ્રી : એનું કશું નહીં, એનો તમને બહુ ત્યારે માર પડે. 'આ' સુખ આવવા ના દે, પણ એ સામો દાવો માંડનાર નહીં ને ? અને પેલું તો 'કલેઈમ' માંડે, માટે ચેતો !

ભોગવે રાગથી ચૂકવે દ્વેષથી !

પ્રશ્નકર્તા : વિષય રાગથી ભોગવે છે કે દ્વેષથી ?

દાદાશ્રી : રાગથી, એ રાગમાંથી દ્વેષ ઉત્પન્ન થાય છે. આ મિશ્રચેતન તો 'ફાઈલ' કહેવાય. પણ પૂર્વભવનો હિસાબ બંધાઈ ગયેલો હોય, 'દેખત ભૂલી'નો હિસાબ થઈ ગયો એટલે એને છૂટકો જ નહીં ને ! એની ઇચ્છા ના હોય, આજે નક્કી કર્યું હોય તો ય પાછો સાંજે જતો રહે, છૂટકો જ નહીં. એ આકર્ષણથી ખેંચાય છે. મહીંથી એ આકર્ષણ થાય છે અને પોતે જાણે કે 'હું ગયો'. ના જવું હોય તો ય જવાય છે એનું શું કારણ ? કે તે આકર્ષણથી ખેંચાઈ જાય છે.

પ્રશ્નકર્તા : મિશ્રચેતન સંબંધી ફાઈલ હોય છે. એમાં એક બાજુ જાગૃતિ પણ રહે છે, એક બાજુ મનને અમુક મીઠાશ પણ વર્તાય છે, બીજી બાજુ એ ગમતું નથી, જ્ઞાન ના પાડે છે કે આ બધું યોગ્ય નથી. એના માટે દ્વિધા રહ્યા કરે છે.

દાદાશ્રી : એ નથી ગમતું તે જ એ છૂટે છે ને ! ના ગમે તો ય એ કરાર પૂરો કરવો જોઈએ ને ? જે ના ગમતું હોય તે પછી વળગે જ નહીં. જ્ઞાન પ્રગટ થયા પછી ના ગમતું વળગે જ નહીં. મહીં જરા ગમતું હોય તો જ વળગે. ના ગમતું વળગે ય નહીં ને ટકે ય નહીં બહુ દહાડા. એ બે વર્ષે, પાંચ વર્ષે પણ પછી ઉકેલ આવી જાય. માટે કશો વાંધો નહીં અને જાગૃતિ રહી, પછી શું જોઈએ આપણને ? આ ના ગમતું છે એ વાત નક્કી થઈ ગઈ.

આ તો કરારી બાબત, કુદરતના કરાર આપણી સહમતિથી થયેલા છે. હવે એ કરાર ભંગ કરીએ તો ચાલે જ નહીં ને ? પોલીસવાળો પકડીને લઈ જાય છે એવી રીતે થાય છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : પોલીસવાળો પકડી જાય તો એમાં આપણો જરા ય ગુનો નહીં. રાજી ખુશીના સોદામાં ભૂલ ગણાય. જ્યાં સુધી સ્વરૂપનું જ્ઞાન ના હોય ત્યાં તો પોલીસવાળો પકડી જાય તો ય ગુનો છે. એને જે કર્મ ના ગમે, ત્યાં એને 'ના ગમે' એના કર્મ બંધાય અને જે કર્મ ગમે તો ત્યાં 'ગમ્યાં'નાં કર્મ બંધાય. 'ના ગમ્યામાં' દ્વેષનાં કર્મ બંધાય, દ્વેષનાં પરિણામ થાય. આ 'જ્ઞાન' ના હોય તો તેને શું થાય ?

પ્રશ્નકર્તા : દ્વેષનાં પરિણામ થતાં કર્મ ઊલટાં વધારે બંધાય ને ?

દાદાશ્રી : નર્યું વેર જ બાંધે, એટલે જ્ઞાન ના હોય તેને ના ગમતું હોય તો ય કર્મ બંધાય અને ગમતું હોય તો ય કર્મ બંધાય, અને 'જ્ઞાન' હોય તો તેને કોઈ જાતનું કર્મ બંધાય નહીં.

'કામ' કાઢી લો !

માટે જ્યાં જ્યાં જે જે દુકાને આપણું મન ગૂંચાય એ દુકાનની મહીં જે શુદ્ધાત્મા છે તે જ આપણને છોડાવનાર છે. એટલે એમની પાસે માગણી કરવી કે મને આ અબ્રહ્મચર્ય વિષયથી મુક્ત કરો. બીજે બધેથી એમને એમ છૂટવા માટે તમે ફાંફા મારો એ ચાલે નહીં. એ જ દુકાનના શુદ્ધાત્મા આપણને આ વિષયથી છોડાવનાર છે.

હવે આવી આપણને બહુ દુકાનો ના હોય. થોડી જ દુકાનો હોય છે. જેને બહુ દુકાનો હોય તેને વધારે પુરુષાર્થ માંડવો પડે. બાકી જેને થોડી હોય તેણે તો ચોખ્ખું કરી 'એક્ઝેક્ટલી' કરી લેવું. ખાવા-પીવામાં કશો વાંધો નથી. પણ આ વિષયનો વાંધો છે. સ્ત્રીવિષય અને પુરુષવિષય એ બે વેરને ઊભું કરનારાં કારખાનાં છે. માટે જેમ તેમ કરીને ઉકેલ લાવવો.

પ્રશ્નકર્તા : આને જ તમે કામ કાઢી લેવાનું કહો છો ?

દાદાશ્રી : ત્યારે બીજું શું તે ? આ બધા જે રોગો છે તે કાઢી નાખવા.

આમાનું હું તમને કશું જ કરવાનું કહેતો નથી. ખાલી જાણવાનું જ કહું છું. આ 'જ્ઞાન' જાણવા યોગ્ય છે, કરવા યોગ્ય નથી. જે જ્ઞાન જાણ્યું તે પરિણામમાં આવ્યા વગર રહે જ નહીં. એટલે તમારે કશું કરવાનું નથી. ભગવાન મહાવીરે કહ્યું હતું કે વીતરાગ ધર્મમાં કરોમિ, કરોસિ ને કરોતિ ના હોય.

વિષયથી વેર વધે !

મિશ્રચેતન જોડે વ્યવહાર કરવા જેવો છે જ નહીં અને કરવો પડે તો ફરજિયાત રીતે કરવો પડે. એ તો છૂટકો જ નથી. સંસારી છે તો ફરજિયાત રીતે વ્યવહાર તો કરવો જ પડે. જેમ જેલમાં ગયેલો માણસ મહીં અંદર પોતાની જગ્યા સાફ કરીને લીંપતો હોય તો આપણે એમ જાણીએ કે એને જેલનો શોખ હશે એટલે લીંપતો હશે ?! ના, એને જેલ ગમતી તો નથી. પણ અહીં આગળ આવ્યો છે, હવે ફસાઈ ગયો છે, તો અહીં હવે સૂવા સાધન તો જોઈશે ને ? પણ એને જેલની રુચિ ના હોય. એ જગ્યા લીંપે ખરો, પણ ત્યાં એની ઇચ્છા નથી. ત્યાં આગળ જેલનો શોખ લાગ્યો નથી એને. એવું આ વિષયનો શોખ બહુ વિચારે કરીને ઉડાડી દેવા જેવો છે. વિષય એ મોટામાં મોટો રોગ છે. આખું જગત આનાથી જ લટકયું છે, એક વિષયથી જ વેર ઊભાં થાય છે ને વેરથી સંસાર ચાલુ રહ્યો છે. વેર બધાં આસક્તિમાંથી ઊભાં થાય છે.

પ્રશ્નકર્તા : એટલે એવું જ થયું ને કે વિષયથી જ આ બધો સંસાર ઊભો થઈ જાય છે ?

દાદાશ્રી : વિષયો એ આસક્તિથી ઉત્પન્ન થાય છે, ને પછી એમાંથી વિકર્ષણ થાય છે. વિકર્ષણ થાય એટલે વેર બંધાય છે અને વેરના 'ફાઉન્ડેશન' પર આ જગત ઊભું રહ્યું છે. કેરીઓ જોડે વેર નથી, ને બટાકા જોડે વેર નથી. એ બટાકાના જીવો છે, બધા બહુ જીવો છે, પણ વેર રાખતા નથી. એ ફક્ત નુકસાન શું કરે કે તમને મગજનું જરા દેખાતું ઓછું થઈ જાય, આવરણ વધારે. બીજું વેર રાખે નહીં. વેર તો આ મનુષ્યમાં આવેલો જીવ રાખે.

આ મનુષ્ય જાતિમાં જ વેર બંધાયેલું હોય છે. અહીંથી ત્યાં સાપ થાય ને પછી કરડે. વીંછી થઈને કરડે. વેર બંધાયા સિવાય કોઈ દહાડો કશું બને નહીં.

પ્રશ્નકર્તા : અત્યારે દેખીતો વિષય સંબંધ ના હોય, પણ કોઈ એક બીજાને વેર ઊભું થતું હોય, તો એ પૂર્વે કંઈક વિષય થયેલો હોવો જોઈએ ?

દાદાશ્રી : વેરમાત્ર પૂર્વભવના ઉદયથી જ હોય.

પ્રશ્નકર્તા : પણ એ વિષયને લીધે કે વિષય વગર પણ હોય ?

દાદાશ્રી : હા, વિષય વગર પણ હોય. બીજા બધા અનેક કારણો હોય છે. લક્ષ્મી ઉપરથી વેર બંધાય છે, અહંકાર ઉપરથી વેર બંધાય છે, પણ આ વિષયનું વેર બહુ ઝેરી હોય છે. બહુ ઝેરીમાં ઝેરી આ વિષયનું વેર છે. બીજા પૈસાનું, લક્ષ્મીનું, અહંકારનું વેર બંધાયેલું હોય તે ય બહુ ઝેરી હોય છે બળ્યું !

પ્રશ્નકર્તા : કેટલાં ભવ સુધી ચાલે ?

દાદાશ્રી : અનંત અવતારથી ભટક્યા કરે. બીજમાંથી બીજ પડે, બીજમાંથી બીજ પડે, બીજમાંથી બીજ પડે અને એ શેકવાનું જાણે નહીં ને ! શેનાથી શેકાય એવું જાણે નહીં ને !!

પ્રશ્નકર્તા : જ્યાં સુધી શેકવાનું જાણે નહીં, ત્યાં સુધી ચાલ્યા જ કરવાનું ?

દાદાશ્રી : હા, બસ બીજ પડ્યા જ કરે.

પ્રશ્નકર્તા : એવું પણ આપે કહેલું કે ચારિત્રમોહ કેટલાંક એવા પ્રકારના હોય છે કે જ્ઞાનને પણ ઉડાડી મેલે. તો તે ક્યા પ્રકારનો ચારિત્રમોહ ?

દાદાશ્રી : એ વિષયમાંથી ઊભો થયેલો ચારિત્રમોહ. એ પછી જ્ઞાનને ને બધાને ઉડાડી મેલે. એટલે અત્યાર સુધી વિષયથી જ આ બધું અટકયું છે. મૂળ વિષય છે અને તેમાંથી આ લક્ષ્મી ઉપર રાગ બેઠો, અને તેનો અહંકાર છે. એટલે મૂળ વિષય જો જતો રહે, તો બધું જતું રહે.

વિષયબીજ શેકાય આમ !

પ્રશ્નકર્તા : તો બીજને શેકી નાખતાં આવડવું જોઈએ, પણ તે કેવી રીતે શેકવાનું ?

દાદાશ્રી : એ તો આપણું આ પ્રતિક્રમણથી. આલોચના પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાનથી.

પ્રશ્નકર્તા : એ જ. બીજો ઉપાય નહીં ?

દાદાશ્રી : બીજો કોઈ ઉપાય નથી. તપ કરવાથી તો પુણ્ય બંધાય, સમજ પડીને ? અને બીજને શેકવાથી ઉકેલ આવે.

આ સંસાર અબ્રહ્મચર્યથી ઊભો રહ્યો છે અને આવું કંઈ કેટલાંય કાળ સુધી ચાલ્યા કરશે. જે નિકાચીત દુઃખો છે એ અબ્રહ્મચર્યનાં છે. નિકાચીત દુઃખો એટલે સહન કરતાં ખસે નહીં, ગમે એટલા ઉપાય કરીએ તો ય ખસે નહીં. બીજાં બધાં દુઃખો તો સહેજાસહેજ જતા રહે. જ્યારે નિકાચીતમાં તો બીજા માણસનો કલેઈમ રહે છે. બીજી બધી વસ્તુઓ કલેઈમ ના માંડે, પણ આ વિષયમાં તો તમે 'પ્રસંગ' છોડી દો તો ય એ દાવો માંડે, અગર તો તમારી ઉપર વેર બાંધે. એ કલેઈમ જ ઊભા થાય પછી !

પ્રશ્નકર્તા : એટલે એક પત્ની સિવાયનો વિષય હોય તે ?

દાદાશ્રી : ના, એક પત્ની જોડે હોય તો ય, એક જ વિષયસુખમાં બે જણ પાર્ટનર હોય છે ને ? એટલે આપણે 'કંટાળ્યા' કહીએ, ત્યારે એ કહેશે, 'હું નથી કંટાળી' ત્યારે શું થાય ?

આ 'સમભાવે નિકાલ' કરવાનો કાયદો શું કહે છે, તું ગમે તે રસ્તે એની જોડે વેર ના બંધાય એવી રીતે કરી નાખ, વેરથી મુક્ત થઈ જા.

વેરનું કારખાનું !

આપણે અહીં તો એક જ કરવા જેવું છે કે વેર ના વધે અને વેર વધારવાનું મુખ્ય કારખાનું કયું છે ? આ સ્ત્રીવિષય અને પુરુષવિષય !

પ્રશ્નકર્તા : એમાં વેર કેવી રીતે બંધાય ? અનંત કાળનું વેર બીજ પડે છે એ કેવી રીતે ?

દાદાશ્રી : એવું છે ને કે આ મરેલા પુરુષ કે મરેલી સ્ત્રી હોય તો એમ માનો ને કે એમાં કોઈ દવાઓ ભરી અને પુરુષ પુરુષ જેવો જ રહેતો હોય ને સ્ત્રી સ્ત્રી જેવી જ રહેતી હોય તો વાંધો નહીં, એની જોડે વેર નહીં બંધાય. કારણ કે એ જીવતું નથી. અને આ તો જીવતું છે, ત્યાં વેર બંધાય છે.

પ્રશ્નકર્તા : તે શાથી બંધાય છે ?

દાદાશ્રી : અભિપ્રાય 'ડિફરન્સ' છે તેથી. તમે કહો કે, 'મારે અત્યારે સિનેમા જોવા જવું છે. ત્યારે એ કહેશે કે, 'ના, આજ તો મારે નાટક જોવા જવું છે.' એટલે ટાઇમિંગ નહીં મળી રહે. જો એક્ઝેક્ટ ટાઈમિંગે ટાઈમિંગ મળી રહે તો જ પૈણજે.

પ્રશ્નકર્તા : છતાં કો'ક એવો હોય કે એ કહે એવું થાય પણ ખરું.

દાદાશ્રી : એ તો કોઈ ગજબના પુણ્યશાળી હોય તો એની સ્ત્રી નિરંતર એને આધીન રહે. એ સ્ત્રીને પછી બીજું કશું પોતાનું ના હોય, પોતાનો અભિપ્રાય જ ના હોય, એ નિરંતર આધીન જ રહે.

ન મળે આધીનતામાં રહે એવી !

એવું છે, આ સંસારીઓને જ્ઞાન આપ્યું છે. કંઈ બાવા થવાનું મેં નથી કહ્યું, પણ જે 'ફાઈલો' હોય એનો 'સમભાવે નિકાલ' કરો કહ્યું છે ! અને પ્રતિક્રમણ કરો. આ બે ઉપાય બતાવ્યા છે. આ બે કરશો તો તમારી દશાને કોઈ ગૂંચવનાર છે નહીં. ઉપાય ના બતાવ્યા હોય તો કિનારા પર ઊભું રહેવાય જ નહીં ને ? કિનારા પર જોખમ છે.

તમારે વાઈફ જોડે મતભેદ પડતો હતો તે ઘડીએ રાગ થતો હતો કે દ્વેષ ?

પ્રશ્નકર્તા : એ તો બન્ને વારાફરતી થાય, આપણને 'સ્યુટેબલ' હોય તો રાગ થાય ને 'ઓપોઝિટ' હોય તો દ્વેષ થાય.

દાદાશ્રી : એટલે એ બધું રાગ-દ્વેષને આધીન છે. અભિપ્રાય એકાકાર થાય નહીં ને ! કો'ક જ એવો પુણ્યશાળી હોય કે જેની સ્ત્રી કહેશે, 'હું તમારે આધીન રહીશ. ગમે ત્યાં જશો, ચિતામાં જશો તો યે આધીન રહીશ.' એ તો ધન્ય ભાગ્ય જ કહેવાય ને ! પણ એવું કો'કને હોય. એટલે આમાં મઝા નથી. આપણે કંઈ નવો સંસાર ઊભો નથી કરવો. હવે મોક્ષે જ જવું છે જેમ તેમ કરીને. ખોટ-નફાનાં બધાં ખાતાં નિકાલ કરીને, માંડવાળ કરીને ઉકેલ લાવી નાખવાનો છે.

આ ખરેખર મોક્ષનો માર્ગ છે. કોઈ કાળે કોઈ નામ ના દે એવું આ જ્ઞાન આપેલું છે, પણ જો તમે જાણી જોઈને ઊંધું કરો તો પછી બગડે. તો ય અમુક કાળે ઉકેલ લાવી જ નાખશે. એટલે એક ફેરો આ પ્રાપ્ત થયું છે એ છોડવા જેવું નથી.

વિષય સુખ, રીપે કરવું પડે !

કેવળજ્ઞાન એટલે 'એબ્સોલ્યુટ', એને ગુજરાતીમાં કહેવું હોય તો નિરાલંબ કહેવાય. અમને કોઈ જાતના અવલંબનની જરૂર નથી. એટલે અમને કોઈ વસ્તુ અડે નહીં, એ અમારું સ્વરૂપ ! તમારે 'હું શુદ્ધાત્મા છું'નું ભાન થયું એટલે મોક્ષનો 'વીસા' મળી ગયો અને તમારી ગાડી શરૂ થઈ ગઈ, પણ એ શબ્દરૂપ ભાન થયેલું છે. એ ઠેઠ નિરાલંબ સુધી જ્યારે પહોંચે, ત્યારે એ કેવળજ્ઞાન કહેવાય છે.

પ્રશ્નકર્તા : એટલે અમારાં જે અવલંબનો છે એ વ્યવહારનાં, વસ્તુઓનાં, મનનાં ભાવો એ હવે છોડવાના છે ?

દાદાશ્રી : એ તો એની મેળે જ છૂટી જાય.

પ્રશ્નકર્તા : છતાં પણ અમારા ભાવમાંથી છૂટતું નથી. એમ લાગ્યા કરે, આ સારું છે, આ ખોટું છે. પાછું એમાં સુખ ઊભું થાય. એમ લાગે કે આ જ અવલંબનનું મૂળ કારણ છે. એટલે આ અવલંબનો અમારા જતાં નથી.

દાદાશ્રી : એવું છે ને, આ અવલંબનનું જેટલું સુખ આપણે લીધું એ બધું ઉછીનું લીધેલું સુખ છે, 'લોન' ઉપર. અને 'લોન' એટલે 'રીપે' (ય્ફૂર્ષ્ટીક્ક) કરવી પડે છે. જ્યારે 'લોન' 'રીપે' થઈ જાય, પછી તમારે કશી ભાંજગડ હોતી નથી. તમને વસ્તુઓ ભેગી થાય છે તે વસ્તુમાંથી સુખ નથી આવતું. તમે એ સુખ લો એટલે એ 'લોન' લીધા બરાબર છે. એ 'લોન' તમારે 'રીપે' કરવી પડશે.

પ્રશ્નકર્તા : પણ આ આખો વ્યવહાર તો એકબીજાના અવલંબનથી ચાલે છે ને ?

દાદાશ્રી : હા, એ તો બધું એવું જ ચાલે છે. પાછું ધકેલ પચાં દોઢસો એવો છે વ્યવહાર બધો.

પ્રશ્નકર્તા : તો આ અવલંબનો છોડવા માટે શો પુરુષાર્થ કરવો જોઈએ ?

દાદાશ્રી : કશું છોડવાનું છે જ નહીં. આ દુનિયામાં છોડવાનું કશું હોતું હશે ? છોડવાનું તો, ફક્ત 'રોંગ બિલીફો' જ છોડવાની છે. પણ તે જાતે તમારાથી છૂટે નહીં. કારણ કે તમે 'રોંગ બિલીફ' ઊભી કરી છે. એ જેમ છોડવા જાવ, તેમ વધારે 'રોંગ બિલીફો' ઊભી થતી જાય. એ તો 'જ્ઞાની પુરુષ' 'રાઈટ બિલીફ' બેસાડી આપે એટલે 'રોંગ બિલીફ' છૂટી જાય.

આત્મા પાસે સુખ નથી ભોગવતા અને પુદ્ગલ પાસે સુખ માંગ્યું તમે ! આત્માનું સુખ હોય તો વાંધો જ નથી, પણ પુદ્ગલ પાસે ભીખ માંગેલી તે આપવું પડશે. એ 'લોન' છે. જેટલી મીઠાશ પડે છે, એટલી જ એમાંથી કડવાશ ભોગવવી પડશે. કારણ કે પુદ્ગલ પાસે 'લોન' લીધેલી છે. તે એને 'રીપે' કરતી વખતે એટલી જ કડવાશ આવશે. પુદ્ગલ પાસેથી લીધેલું હોય એટલે પુદ્ગલને જ 'રીપે' કરવાનું.

પ્રશ્નકર્તા : અમે રૂપિયા લીધા તો રૂપિયા ય પાછા આપવા પડે ને ? તો પછી અમે એની પાસે મીઠાશ લીધી તો અમે મીઠાશ શું કરવા પાછી ના આપીએ ? એવો સંબંધ કેમ નથી આવતો ? કડવાશ જ કેમ આવે ?

દાદાશ્રી : એવું હોતું હશે ? 'લોન' લીધી એ પાછી આપવાની. રૂપિયા લીધા તે રૂપિયા પાછા આપવાના. હવે મીઠાશ એ આપવું ના કહેવાય. એવું છે ને, સોનું લીધેલું તે ઘડીએ આપણને સારું લાગે, પણ સોનું 'રીપે' કરવા જાવ તો કડવાશ જ વર્તે. જે કંઈ પણ લીધેલું પાછું આપો તો તે ઘડીએ આપણને કડવાશ વર્તે, એવો નિયમ છે અને આપ્યા વગર પાછો છૂટકો જ નહીં ને !

પ્રશ્નકર્તા : પણ લોકો પ્રેમથી પાછી નહીં આપતા હોય ?

દાદાશ્રી : જે વસ્તુ જેણે લીધી છે એ છોડવાની તો એને પોતાને ગમે જ નહીં. એટલે દરેક વસ્તુ 'રીપે' કરવામાં ભયંકર દુઃખ હોય.

પ્રશ્નકર્તા : આમાં સુખ લીધું એનું પરિણામે પેલા ઝઘડા ને કલેશ.

દાદાશ્રી : આમાંથી જ ઊભું થયું છે આ બધું. અને સુખ કશું ય નહીં. પાછું સવારના પહોરમાં દીવેલ પીધા જેવું મોઢું હોય. જાણે દીવેલ પીધેલો હોય !! એ તો વિચારતાં ય ચીતરી ચઢે !

પ્રશ્નકર્તા : અને નહીં તો ય લોકોનાં દુઃખોનાં પરિણામો એટલાં બધાં વિચિત્ર છે તે એ ક્યારે છૂટે ! આટલાં બધાં દુઃખો સહન કરે છે, આ લોકો આટલા સુખને માટે !

દાદાશ્રી : એ જ લાલચ આની ને કેટલાં દુઃખો ભોગવવાનાં !!

પ્રશ્નકર્તા : આખી લાઈફ ખલાસ કરી નાખે છે એમાં. આખું જીવન રોજ એના એ જ હેમરિંગ, એની એ જ અથડામણ.

પ્રશ્નકર્તા : રીપે કરતી વખતે જે દુઃખ ઊભું થાય એ તો તમારી કેટલી આસક્તિ છે કે લોભ છે એના ઉપર આધાર રાખે ને ?

દાદાશ્રી : એ તો જેટલી વધારે આસક્તિ એટલી વધારે મોટી ઉપાધિ. ઓછી આસક્તિ હોય તો ઓછું દુઃખ થાય. એ બધું આસક્તિ પર આધાર રાખે છે ને ?!

તને કોઈ દહાડો દરાજ થયેલી ? તે પછી વલૂરે તેમ બહુ મઝા આવેને ? હવે એ સુખ તમે કોની પાસેથી લો છો ? પુદ્ગલ પાસેથી. બેનું 'રબિંગ' કરીને, ઘસી ઘસીને, 'ઇંચિંગ' કરીને, સુખ ખોળો છો. પછી સરવાળે હાથ બંધ થયો કે લાય બળવાની શરૂ થઈ જાય છે. જો પુદ્ગલ એને તરત જ દુઃખ આપે છે ને ? પુદ્ગલ શું કહે છે કે અમારી પાસે શું સુખ ખોળો છો ? તમારી પાસે તો સુખ છે ને ?! અહીં અમારી પાસે સુખ લઈશ તો તમારે 'રીપે' કરવું પડશે. દરાજનો અનુભવ તને નહીં થયેલો ? એટલે બધું 'રીપે' કરવાની ચીજો છે. આ દરાજમાં બહુ મઝા આવતી હોય ને ? એ વલૂરતો હોય તે ઘડીએ એનું મોઢું કેટલું આનંદમાં આવી ગયું હોય ને ? તે સામા માણસને એમ થાય કે હે ભગવાન, મને પણ દરાજ આપો. એવું કરે કે નહીં લોક ?

પ્રશ્નકર્તા : એવું વલૂરવામાં ક્યાંથી આનંદ આવે ?

દાદાશ્રી : ના, ના, એનું મોઢું વલૂરતી ઘડીએ ખૂબ આનંદમાં હોય છે. તે સામા માણસના મનમાં એમ થાય કે આ લોક તો આનંદ ભોગવી લે છે ને આપણે રહી ગયા. તે ભગવાન પાસે માંગે કે મને કંઈક આપજો.

પ્રશ્નકર્તા : એવું કોઈ થોડું માંગે ? આ તો ઊલટો જ વિચાર આવે કે આ ગંદવાડો જ છે.

દાદાશ્રી : આ વિષય પણ એ જ છે. વલૂરવા જેવું જ છે આ. ખાલી ઘર્ષણ છે. તે ઘર્ષણમાંથી 'ઇલેક્ટ્રિસિટી' ઉત્પન્ન થાય છે. પછી એનું જે પાછું આવે છે, 'બેક' મારે છે, એ સાંધા તોડી નાંખે છે. એમાં તે સુખ હોતું હશે ? એમાં કંઈ આત્મા હોતો નથી. એમાં ચેતન પણ નથી હોતું. ચેતન તો ફક્ત એનો નિરીક્ષક એકલો જ છે. એટલે આ તો વિપરીત દશાને પોતે સુખ માને છે.

આ જ્ઞાન તો બહુ સરસ છે, પણ હવે પેલો ચેતક મજબૂત કરી લેવાનો છે. વિષયમાં સુખ છે, ત્યાં 'ચેતક' બેસાડવાની જરૂર છે. આ વિષયનું આરાધન એ પોલીસવાળો પરાણે કરાવે એવું હોવું જોઈએ. આ ચેતક અમે તમને બેસાડી દીધો છે, પણ આ ચેતકને એટલો મજબૂત કરી લેવાનો છે કે પોલીસવાળાની ય સામો થાય. પણ જો એ ચેતકનું ગણકારીએ નહીં તો ચેતક નિર્માલ્ય થઈ જાય. આપણે એ ચેતકને માનતાન આપીએ, એને ખોરાક આપીએ તો એને પુષ્ટિ મળે ! આપણે એ ચેતકના જ્ઞાતા-દ્રષ્ટા અને ચેતક એ 'ચંદુભાઈ'ને ચેત, ચેત ચેતવ્યા કરે, 'ચંદુભાઈ' ચેતકનું ગણકારે છે કે નહીં એ આપણે જોવાનું.

સુખની 'બિલિફ' તો સ્વરૂપમાં જ રહેવી જોઈએ. વિષયમાં સુખ છે એ 'બિલીફ'માં જ ના રહેવું જોઈએ. એ તો કેવળદર્શનની પેઠ સ્વરૂપમાં જ સુખ છે એવું 'બિલિફ'માં રહેવું જોઈએ. એવી રીતે આપણે ચેતક મજબૂત કરી લીધો હોય, પછી વાંધો નહીં.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18