ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18



બ્રહ્મચર્ય (ઉર્તરાધ)

ખંડ : ૨

આત્મ જાગૃતિથી બ્રહ્મચર્યનો માર્ગ !

[૪]

વિષય ભોગ, નથી નિકાલી !

વિષય ભોગને 'નિકાલી બાબત' કોણ કહી શકે ?!

'આ' જ્ઞાન લીધા પછી વિષય સિવાય કોઈ ચીજ નડતી નથી અને જે અહંકાર નડે છે, તે અહંકાર અમે લઈ લીધો છે. હવે આમાં વિષય એકલો જ કો'ક ફેરો માર ખવડાવી દે એવી વસ્તુ છે. વિષય તો બળતરા શમાવવા માટેનું એક જાતનું સાધન છે. આપણને તો નિરાળકૂતા ઉત્પન્ન થઈ, એટલે આ સુખની જરૂર જ ક્યાં રહી ?! આપણે તો હવે આત્મા પ્રાપ્ત કર્યો છે. પણ હજુ મનમાં ઘુસ્યું નથી, જોખમની ખબર જ નથી ને ! હિસાબ જ કાઢ્યો નથી ને ! નહીં તો આવી હિંસા કોણ કરે ? ભગવાન જો કદી વિષયની હિંસાનું વર્ણન કરે તો માણસ મરી જાય. લોક જાણે કે આમાં શું હિંસા છે ? આપણે કોઈને વઢતા નથી. પણ ભગવાનની દ્રષ્ટિએ જુએ તો હિંસા ને આસક્તિ બે ભેગા થયા છે, તેને લીધે પાંચે ય મહાવ્રત તૂટે છે. અને તેનાથી બહુ દોષો બેસે છે, એક જ ફેરોના વિષયથી લાખો જીવો મરી જાય છે. તેનો દોષ બેસે છે. એટલે ઇચ્છા ના હોય છતાં એમાં ભયંકર હિંસા છે. એટલે રૌદ્ર સ્વરૂપ થઈ જાય છે. નહીં તો આ જ્ઞાન આપ્યા પછી તો નિરંતર સમાધિ રહે એવું આ જ્ઞાન છે. એટલે જ્યાં સુધી સંસારીપણું છે, સ્ત્રી વિષય છે ત્યાં સુધી એ અહિંસાનો ઘાતક જ છે.

આ દેહની સાથે વિષયો છે, તેથી પુરુષાર્થમાં કાચો પડે છે. નહીં તો જે દહાડે જ્ઞાન આપું છું ત્યારે ખરેખરો આનંદ અનુભવે છે. પણ બીજે દહાડે પાછો સગડીમાં હાથ ઘાલે છે. કારણ અનાદિનો પરિચય છે ને ?! સગડીમાં હાથ ઘાલે તેનો ય વાંધો નથી, પણ નવી ફિલમ ચીતરે છે, તેનો વાંધો છે.

પ્રશ્નકર્તા : તો પછી આ વિષય-વિકાર કેમ થઈ જાય છે ?

દાદાશ્રી : એ તો થઈ જાય અને તમારી વાત જુદી છે. તમે તો લગ્ન કરીને આવેલા છો. તમારે તો 'સમભાવે નિકાલ' કરવાનો હોય. આમને પણ પૈણે તો તો પછી 'સમભાવે નિકાલ' કરવાનો, નહીં તો વહુને દુઃખ થાય. પણ જેને બ્રહ્મચર્યવ્રત લેવું હોય તો તેમાં રહી શકાય એવું છે. આપણું જ્ઞાન એવું છે. 'હું શુદ્ધાત્મા છું' એ નિરંતર, જેના લક્ષમાં રહે છે એ મોટામાં મોટું બ્રહ્મચર્ય. પણ જેને વ્યવહારમાં 'ચારિત્ર' લેવાની ઇચ્છા છે, તેને બહારના બ્રહ્મચર્યની જરૂર છે.

આ જ્ઞાન એવું છે કે એકાવતારી કરે, પણ ચોક્કસ રહેવું જોઈએ ને મનમાં સહેજ પણ દગો નહીં રાખવો જોઈએ. વિષય એ શોખ કરવા જેવી ચીજ નથી, નિકાલ કરવા જેવી ચીજ છે.

એને મળે એકાવતારી બોન્ડ !

પ્રશ્નકર્તા : પણ દાદા, એક અવતારમાં જ મોક્ષે જવું છે, તો શું કરવું ? એ તો કહોને ! એ જ આજે આપણે નક્કી કરીએ.

દાદાશ્રી : એક જૈન હોય, તેને પોલીસવાળો પકડીને ત્રણ દહાડા ભૂખ્યો રાખે અને પછી માંસ ખાવા આપે કે આ જ તારે ખાવું પડશે ને પછી પેલો ખાય, તો એ બંધનમાં આવતો નથી. એ પોલીસવાળાના દબાણથી છે, એની પોતાની ઇચ્છાપૂર્વકનું નથી. એવી રીતે જ માણસ વિષય ભોગવશે તો એ એકાવતારી થવાનો છે, એનો બીજો અવતાર નથી થવાનો. એ સ્વાધીન ના હોવું જોઈએ. પોલીસવાળાને આધીન, ભૂખને આધીન થઈને માંસાહાર કરો તો તમે ગુનેગાર બનતા નથી. એવું આ વિષયમાં થાય તો એ એકાવતારી અવશ્ય થાય.

પ્રશ્નકર્તા : આ આજ્ઞા તમારી પાળીશું, હવે તમે એકાવતારીપદ લખી આપો.

દાદાશ્રી : આટલું જ અમારું પાળે તો અમે એકાવતારી બોન્ડ લખી આપીશું. એકાવતારી થવું હોય તો આ એક જ વસ્તુ સાચવવાની છે. બીજા ધંધા-વેપારનો વાંધો નથી.

બ્રહ્મનિષ્ઠા બેસાડે જ્ઞાની !

વિષયોનો સ્વભાવ કેવો છે ? આજથી દસ દહાડા વિષય બંધ એવું નક્કી કરીએ તો તે પ્રમાણે ચાલ્યા કરે ને ત્રીજે દહાડેથી જ આનંદ વધે, પણ જો વિષયમાં પડ્યો તો ફસાયો. પછી બહાર ના નીકળાય. વિષયની બાબત નિર્ણયાત્મક હોવી જોઈએ. નિષ્ઠા પોતાની જાતે ના બેસે, એ તો જ્ઞાની પુરુષ બેસાડી શકે. જગતની નિષ્ઠા ઉઠાવવા અને બ્રહ્મની નિષ્ઠા બેસાડવા અમારે જ્ઞાન આપવું પડે છે.

પ્રશ્નકર્તા : તમે બ્રહ્મની નિષ્ઠા બેસાડો છો, તો બ્રહ્મચર્યની નિષ્ઠા કેમ નથી બેસાડતા ?

દાદાશ્રી : પૈણેલા હોય તેમાં હું હાથ ઘાલું ? એ તો આવીને અહીં માગણી કરે તો અમે આપીએ. આ જ્ઞાન હોય છતાં પણ એક્ઝેક્ટ આત્મઅનુભવ તો બ્રહ્મચર્ય વગર ના થાય. ખરો આનંદ, અમારા જેવું પદ એ બધું જોઈતું હોય તો સંપૂર્ણ બ્રહ્મચર્ય જોઈએ અને ઠેઠ છેલ્લે તો વિષય પર ચીઢે ય નહીં અને રાગે ય નહીં એવું હોય ત્યારે ખરો અનુભવ થાય. પણ પહેલાં તો વિષયો પર ચીઢ ઉત્પન્ન થવી જોઈએ. એટલે પછી ચિત્ત વધારે શોધખોળ કરે અને એમ એમ ચિત્ત છૂટતું જાય, પછી છેલ્લે ચીઢે ય ના રહે.

ઉદયકર્મ કરીને પોલ !

પ્રશ્નકર્તા : અમારા જેવાં પૈણેલા હોય, તેને વિષયમાં કોઈવાર પડવું પડે, પણ મહીં જરા ય ગમતું ના હોય તો ય આત્માનો અનુભવ ના થાય ?

દાદાશ્રી : અમુક અંશનું થાય, પણ અમારા જેવું ના થાય.

પ્રશ્નકર્તા : મારી ઇચ્છા ના હોય ને 'ફાઈલ નંબર ટુ'ની ઇચ્છાથી ખાડામાં પડવું પડે, તો શું કરવું ? ફાઈલનો સમભાવે નિકાલ કરવો ?

દાદાશ્રી : ફાઈલનો સમભાવે નિકાલ કરવો જ પડે ને ! જ્યાં સુધી નો-ઓબ્જેકશન સર્ટિફિકેટ ના મળે, ત્યાં સુધી શું થાય ? જે પરાણે કરવું પડે, એ પ્રકૃતિ નાશ થાય. પહેલાં લગનમાં જતા હતા, તે રાજીખુશીથી જતા હતા, ને અત્યારે હવે પરાણે લગનમાં જવું પડે, તો ત્યાં જઈએ એટલે પહેલાંની પ્રકૃતિ નાશ થાય.

એટલે આમ વિષયનું બધી રીતે પૃથક્કરણ કરીએ ને પછી એવી સ્ટેજ આવે છે કે આ વિઝનથી થોડી થોડી જાગૃતિ ઉત્પન્ન થાય. પછી, વિઝન એટલે આમ ઝાંખા વિઝનથી, એને વિષય રહે ખરો, પણ પોતાને ના ગમતું હોય. જેમ ભૂખ લાગી હોય ને ખાવું પડે, ભાવતું ના હોય તો ય પછી ખાય, એવો કંટાળીને ભોગવટો હોય. જ્યારે પેલો રાજીખુશીથી ભોગવટો હોય, એ તો બહુ મૂર્છાપૂર્વકના ભોગવટા હોય. એ ભોગવટો તો પછી અનેક સ્ટેપ્સ પસાર થાય, ત્યાર પછી છેલ્લો ભોગવટો તો એને બિલકુલ કંટાળો આવે. ભોગવટો ય બે પ્રકારનો હોય. એક ઇચ્છાપૂર્વકનો અને એક ઇચ્છા ના હોવા છતાં કર્મના ઉદયથી. ઉદયકર્મ પૂરું ના થયું હોય ત્યારે શું થાય ? ઉદયકર્મ પૂરું થાય ત્યારે જ છૂટે, પણ ત્યાં સુધી એને ભોગવવું તો પડે, તો શું થાય ? અણગમો ઉત્પન્ન થયા કરે.

એક આ વિષય પૂરતી જ અમે મર્યાદા રાખીએ છીએ. મર્યાદા ના મૂકીએ તો ઉદયકર્મ કહીને દુરુપયોગ કરે. 'ઉદયકર્મ મને નડે છે' એવું કહેતો હોય, તો ખરેખર ઉદયકર્મ કોને કહેવાય ? ઉદયને આધીન, પોતાની ઇચ્છા જ ના હોય !

પ્રશ્નકર્તા : પહેલાંનું ચાર્જ કરીને લાવ્યો હોય ને સમજીને સમભાવે નિકાલ કરે તો ?

દાદાશ્રી : સમજીને જ સમભાવે નિકાલ કરે છે, છતાં હજી તેને મહીં આમાં સુખ છે એવો અભિપ્રાય રહ્યા કરે છે. આ તો પોતે જ વકીલ, પોતે જ જજ ને પોતે જ આરોપી. તે પછી જજમેન્ટ પોતાના તરફ ખેંચી જાય. અમે અભિપ્રાય-બ્રહ્મચર્યને બ્રહ્મચર્ય કહીએ છીએ.

નિર્વિષયી થવું જ પડે !

નિર્વિષયી થવું પડશે. વિષયની વાત જ કોઈ કાઢતું નથી ને ? કારણ કે એ લોકો વેપારી થઈ ગયા છે. વિષયની વાત કાઢવી જોઈએ, કષાયોની વાત કાઢવી જોઈએ. વિષય કષાયને લઈને જ મોક્ષે જતો નથી. ક્રોધ-માન-માયા-લોભ જેની પાસે સિલક હોય ત્યાં સુધી એમને કાઢવાની વાત કરી શકાય જ નહીં ને ! પોતાની પાસે પાર વગરની સિલક હોય ત્યાં સુધી બીજાને કોઈને કહે ય નહીં. પોતાની પાસે સિલક ના હોય તો જ સામાને તેની વાત કરી શકાય.

પ્રશ્નકર્તા : વિષય સંબંધી આવી વાતો બીજે ક્યાંય નીકળી જ નથી.

દાદાશ્રી : વિષય લોકો ઢાંકવા ફરે છે. પોતે ગુનેગાર છે, એટલે ઢાંકે છે. કૃપાળુદેવ પોતે કહેતા હતા કે 'આ વિષય ગમતો નથી, છતાં હું ભોગવું છું' અને ત્યારે કેવું સરસ પદ નીકળ્યું ! હવે એ પદમાં આવું બધું વાંચે એટલે લોકોના મનમાં એમ થાય કે આ બૈરી-છોકરાં છોડી દેવાની વાતો છે. એટલે આ લોક કંટાળી જાય. તે લોકો પછી વાંચેલું બાજુએ મૂકી રાખે છે ને પાછાં કહેશે, આ એમણે લખ્યું છે, એ તો છોને લખે, પણ એ છતાં ય એમને ત્યાં છોકરીઓ હતી. એટલે વસ્તુસ્થિતિમાં આવું છે. લોકો છે તે બહારનું જુએ છે કે 'કૃપાળુદેવ તો પૈણેલા હતા, તે એમને છોડીઓ હતી.' છતાં એમણે પોતે જ કહ્યું છે કે 'આ ખોટું છે, છતાં હું ભોગવું છું.'

પ્રશ્નકર્તા : જે જે ભૂલ થઈને એ થઈ ગયું એ ફરી નથી આવવાનું, પણ હવે તો એવું રહે કે આ શી ભૂલ થઈ ? આ તો બહુ ખોટું છે !

દાદાશ્રી : કારણ કે કોઈ હિતકારી એવા જ્ઞાની પુરુષે વાત સમજણ પાડી નથી ત્યાં સુધી આવું ઊંધું ચાલ્યા કરે, પણ જ્યારે સમજણ પડે ત્યારે પોતાને ખાતરી થાય કે વાત તો ખરી આ જ છે અને આપણે જે કર્યું તે ખોટું કર્યું.

પ્રશ્નકર્તા : કોઈ પણ સાધુ-સંતો જે હોય છે, તે ભજન-કીર્તન શીખવાડે ખરાં, પણ ભૌતિક સુખ ઉપર જ લઈ જાય છે ને ?

દાદાશ્રી : એ તો એમની દાનત જ એવી હોય એટલે પછી શું થાય ? હંમેશાં જે જેટલો ચોખ્ખો હોય એટલું ચોખ્ખું બોલે. હવે ચારિત્ર સંબંધી, વિષય સંબંધી કેમ નથી બોલતા ? ત્યારે કેમ ચૂપ ? કારણ કે જેટલો ચોખ્ખો છે, એટલું જ ચોખ્ખું બોલે.

ન ચાલે મહીં પોલ !

એક મહારાજ હતા, એ વ્યાખ્યાનમાં વિષય માટે બધું બહુ બોલતા, પણ લોભની વાત આવે ત્યાં ના બોલે. કો'ક વિચક્ષણ સમજી ગયો કે આ લોભની વાત કોઈ દહાડો કેમ નથી કરતા ? બધી વાત બોલે છે, વિષયની વાત પણ બોલે છે. પછી એ મહારાજ પાસે ગયો અને ખાનગીમાં એમની પોટલી ઉઘાડી જોઈ. ત્યારે એ પુસ્તકની અંદર સોનાની ગીની મૂકેલી હતી, તે પેલાએ કાઢી લીધી ને જતો રહ્યો. પછી મહારાજે પોટલી જ્યારે ઉઘાડી તો ગીની ન મળે. ગીનીને બહુ શોધી, પણ તે ના જડી. બીજે દિવસે મહારાજે વ્યાખ્યાનમાં લોભની ઉપર વાત મૂકવા માંડી કે લોભ ના કરવો જોઈએ. ગીની હતી તો, લોભની વાત નહોતી નીકળતી. પોતાના મનમાં આટલું કપટ છે એટલે પછી પેલી વાત બોલાય જ નહીં ને ! જો પેલા માણસે ખોળી આપ્યું ! એવો એને અઠંગ મળી ગયો કે મહારાજનો લોભ તરત નીકળી ગયો. એણે જાણ્યું કે આની પાછળ કંઈક કપટ છે.

હવે તમે જો વિષયની લાઈનમાં બોલતા થાવ તો તમારી એ લાઈન હોય તો ય તૂટી જાય. કારણ કે તમે મનના વિરોધી થઈ ગયા. મનનું વોટિંગ જુદું ને તમારું વોટિંગ જુદું થઈ ગયું. મન સમજી જાય કે 'આ તો આપણાથી વિરોધી થઈ ગયા, હવે આપણો વોટ ના ચાલે.' પણ મહીં કપટ છે એથી લોકો બોલતા નથી અને એ બોલવું એવું સહેલું નથી ને ! પબ્લિકને જો સાચું શીખવાડે તો પબ્લિક તો બધું જ સમજે એવી છે. કારણ કે મહીં આત્મા છે ને ?! એટલે વાર ના લાગે. પણ કોઈ કહેતું નથી ને ?! પણ એ શી રીતે કહે ? કારણ એમને મહીં પણ પોલ હોય ને ? હું બીડી પીતો હોઉં ને તમને એમ કહું કે બીડી ન પીવાય તો મારો પ્રભાવ કેમ કરીને પડે ? મારું બિલકુલ સ્ટ્રોંગ હોય, ચોખ્ખું હોય તો જ મારો પ્રભાવ પડે. એક જ માણસ જો ચોખ્ખો હોય તો કેટલાંય માણસનું કામ નીકળી જાય. એટલે પોતાની પ્યૉરિટી જોઈએ. તમે સંસારી હો કે ત્યાગી હો, ભગવાનને કશું લેવાદેવા નથી, ત્યાં તો પ્યૉરિટી જોઈએ. ઈમ્પ્યૉર ગોલ્ડ ત્યાં કામ લાગે નહીં. ભગવાં હોય કે ધોળાં હોય, પણ ઇમ્પ્યૉર છો ત્યાં સુધી કામ નહીં લાગે. તમારો પ્રભાવ જ નહીં પડે ને ?! શીલવાન થવું જોઈએ.

ચાર્જ-ડિસ્ચાર્જની ભેદરેખા !

આ આપણું વિજ્ઞાન એવું છે કે કામ કાઢી નાખે ! પણ જો એને સિન્સીયર રહે અને અમારા કહ્યા પ્રમાણે રહે તો વિષયની નિવૃત્તિ થાય, નહીં તો વિષયનો સ્વભાવ જ એવો છે કે એક જ વખત વિષય થયેલો હોય તો માણસ ત્રણ દહાડા સુધી કોઈ પણ પ્રકારે ધ્યાન ના કરી શકે ! એક જ ફેરાના વિષયથી ત્રણ દહાડા સુધી માણસથી ધ્યાન ફીટ થઈ શકે નહીં, ધ્યાન ચોંટે જ નહીં ને ! સ્થિર થાય નહીં ને ! પછી માણસ શું કરે ? કેટલુંક કરે ? તેથી આ જૈનના આચાર્યો બધા ત્યાગ લઈને બેઠેલા ને !! આ વીતરાગોનો ધર્મ એ વિલાસીઓનો ધર્મ નથી ! વિષય હોય તો તો સમજણપૂર્વક છૂટી જવું જોઈએ. વિષય તો શી રીતે ગમે છે, તે જ મને અજાયબી લાગે છે ! વિષય ગમે છે, તેનો અર્થ એ કે સમજણ જ નથી.

પ્રશ્નકર્તા : વિષય-કષાયની બળતરા થાય ને ?

દાદાશ્રી : બળતરા તો લાખો મણ થાય, તેનો સવાલ નથી. બળતરા તો પુદ્ગલને થાય છે.

પ્રશ્નકર્તા : વિષય-કષાયની બળતરાનું વર્ણન, મરણ કરતાં ય વધારે કહ્યું છે. એટલે એના કરતાં માણસ મરવું પસંદ કરે.

દાદાશ્રી : ના. એણે તો મરવાની કિંમત જ નથી રાખી. એણે તો અનંત અવતારથી આ જ કર્યું છે, પાશવતા જ કરી છે, બીજું કશું કર્યું નથી. પણ મરણ તો સારું કહેવાય. મરણ તો સ્વાભાવિક વસ્તુ છે અને આ તો વિભાવિક વસ્તુ છે. સમજદારને વિષય શોભે નહીં. એક બાજુ લાખ રૂપિયા મળતાં હોય ને સામે વિષયનો પ્રસંગ હોય તો લાખ જતા કરે, પણ વિષય ન સેવે. વિષય જ સંસારનું મૂળ કારણ છે, જગતનું કૉઝીઝ જ એ છે ને ?! આપણે તો આ વિષયની છૂટ એટલાં માટે આપેલી કે, નહીં તો આ માર્ગને કોઈ પામત જ નહીં. એટલે આપણે આ અક્રમ વિજ્ઞાન ડિસ્ચાર્જ અને ચાર્જ રૂપે સમજાવ્યું છે. આ વિષય એ ડિસ્ચાર્જ છે, એવું સમજવાની શક્તિ નહીં ને બધાની ?! આમનું ગજું શું ? નહીં તો અમારો જે શબ્દ છેને 'ડિસ્ચાર્જ', તે વિષય એ ડિસ્ચાર્જ સ્વરૂપ જ છે. પણ આ વાત સમજવાનું એટલું ગજું જ નહીં ને ! કારણ કે રાત-દહાડો વિષયની બળતરાવાળા. નહીં તો આ ચાર્જ અને ડિસ્ચાર્જ અમે જે મૂકેલું છે તે એક્ઝેક્ટલી એમ જ છે. આ તો બહુ ઊંચો માર્ગ બતાવ્યો છે, નહીં તો આમાંથી કોઈ ધર્મ જ ના પામત ને ! આ બૈરી છોકરાંવાળાં શી રીતે ધર્મ પામત ?

પ્રશ્નકર્તા : ઘણાં એમ સમજે છે કે 'અક્રમ'માં બ્રહ્મચર્યનું કંઈ મહત્ત્વ જ નથી. એ તો ડિસ્ચાર્જ જ છે ને !

દાદાશ્રી : અક્રમનો એવો અર્થ થતો જ નથી. એવો અર્થ કરે તે 'અક્રમ માર્ગ' સમજ્યો જ નથી. જો સમજ્યો હોય તો મારે તેને વિષય સંબંધી ફરી કહેવાનું હોય નહીં. અક્રમ માર્ગ એટલે શું કે ડિસ્ચાર્જને ડિસ્ચાર્જ ગણવામાં આવે છે. પણ આ લોકોને ડિસ્ચાર્જ જ નથી. આ તો હજી લાલચો હોય છે મહીં ! આ તો બધા રાજીખુશીથી કરે છે. ડિસ્ચાર્જને કોઈ સમજ્યું છે ? નહીં તો અમે જે માર્ગ મૂકેલો છે, તેમાં બ્રહ્મચર્ય સંબંધી ફરી કશું કહેવાનું જ ના હોય !!! આ તો પોતાની ભાષામાં બંધબેસતા અર્થ કરે પછી !

જમેલા માણસને આપણે ફરી જમવા બેસાડીએ તો તે બહુ શરમાય, પણ પછી જમે ખરો. પણ તે શું કરે ? સાચું જમે એ ? એવું વિષયમાં હોવું જોઈએ. વિષય-વિકાર તો દેખ્યો જ ના ગમે, વિચારતાં જ અરેરાટી થઈ જાય !! ઊલટી થાય વિચારતાં જ ! એવું હોવું જોઈએ.

'ડિસ્ચાર્જ' કયા ભાગને કહેવાય, તે લોક સમજતું નથી. અને 'ડિસ્ચાર્જ'નો અર્થ પોતાની ભાષામાં કરે છે.

પ્રશ્નકર્તા : 'ડિસ્ચાર્જ' કયા ભાગને કહેવાય ?

દાદાશ્રી : આપણે ગાડીમાંથી કેટલી વખત પડી જઈએ ? ગાડીમાંથી તું પડી જાય તો એ 'ડિસ્ચાર્જ' કહેવાય. ત્યાં તું ગુનેગાર નથી, પણ કોઈ જાણી-જોઈને પડે ખરો ? ત્યાં એની જરા ય ઇચ્છા હોય ? તમને આ વાતની સમજ પડી ? વાત સમજી જવા જેવી છે ને ?

પ્રશ્નકર્તા : બરાબર સજ્જડ સમજાઈ ગઈ.

દાદાશ્રી : કાનબુટ્ટી પકડીને કહો છો કે ? નહીં તો 'ડિસ્ચાર્જ'ની વાતમાં તો અંદર પોલું હાંકે. આ એકલી વિષયની જ બાબતમાં પોલું હાંકવા જેવું નથી.

પ્રશ્નકર્તા : પોલું કેવી રીતે હાંકે ?

દાદાશ્રી : જેમ ગાડીમાંથી પડી જાય, એને આપણે 'ડિસ્ચાર્જ' કહીએ છીએ, એવો પોતાને ઘેર પણ નિયમ તો હોવો જોઈએ ને ? આ તો એવું છે ને, કે પોતાના હક્કની સ્ત્રી જોડેનો વિષય, એ અજૂગતું નથી. છતાં ય પણ જોડે જોડે એટલું સમજવું પડે કે એમાં ઘણાં બધાં 'જર્મ્સ' મરી જાય છે. એટલે અકારણ તો આવું ના જ હોવું જોઈએ ને ? કારણ હોય તો વાત જુદી છે. વીર્યમાં 'જર્મ્સ' જ હોય છે અને તે માનવબીજનાં હોય છે. એટલે બને ત્યાં સુધી આમાં સાચવવું. આ અમે તમને ટૂંકામાં કહીએ, બાકી આનો પાર આવે નહીં ને !

બળતરાનો માર્યો વિષય ખોળે !

આ તો જેને આત્મિક સંબંધી કોઈ જાતનું સુખ ના આવતું હોય તેને તો આ સંસારમાં વિષય સિવાય બીજું શું હોય ? કારણ કે આટલી બધી બળતરા, બળતરા.... સત્યુગમાં, દ્વાપરમાં પણ આવાં વિકાર ન હતા. આ તો કળિયુગની બળતરાને લીધે બિચારા વિષયમાં પડે છે, શું થાય તે ?! ને આખો દહાડો બળ્યા કરે, 'આમ ખોટ ગઈ, પેલાએ ગાળો ભાંડી, પેલાએ આમ કર્યું.' આવી બધી બળતરા હોય, કોઈ બાજુનું સુખ નથી આવતું, તેને લીધે બિચારો નાછૂટકે આ ખાડામાં પડે છે.

હવે આ આત્માનું સુખ આવ્યા પછી, આ વિષય એને ગમે જ કેવી રીતે ? આત્માનું સુખ ના આવતું હોય ત્યાં સુધી આપણે એને એવું તો ના કહેવાય કે 'ભઈ, તમે આમ કેમ કરો છો ?' એ ક્યાં જાય બિચારા ? જો પશુ હોય તો એ નિયમમાં હોય, આ મનુષ્યને તો બુદ્ધિ છે, પશુઓને તો નાછૂટકાનું, એમને 'ડિસ્ચાર્જ' કહેવાય !

'ચાર્જ-ડિસ્ચાર્જ'નો ભેદ સમજવો જોઈએ કે ના જોઈએ ? આ તો ભેદ સમજ્યા વગર ઠોકાઠોક કરે. આ જ્ઞાન જો પૂરેપૂરું સમજે અને આ 'ડિસ્ચાર્જ' પૂરેપૂરું સમજે તો મને ફરીથી કહેવા જ ના આવે ! 'ડિસ્ચાર્જ' જે છે એ ચારિત્ર મોહનીય છે અને ચારિત્ર મોહનીયને જે જુએ છે એ સમ્યક્ ચારિત્ર છે !

અહંકારની માન્યતાનું સુખ !

વિષય સામે તો હું કેટલું બોલ બોલ કરું છું, તો ય લોકોને ગેડમાં બેસતું નથી, ત્યારે આપણે શું કરીએ ? પંપ મારી મારીને માલ ભરી લાયા છે, જરા ય 'સ્કોપ' નથી આપ્યો, અવકાશ જ નથી આપ્યો ને ? જાણે વિષય નહીં હોય તો જીવાશે જ નહીં, એવું માની લાવ્યા છે !

વિષયને જે જીતે, તેનાં પર ત્રણ લોકના નાથ રાજી થાય. આમાં છે જ નહીં કશું ય, પણ લોકોએ એવી રોંગ માન્યતા કરી નાખી છે ! બાકી આમાં કશું સુખ જ નથી, જલેબીમાં સુખ છે, પેંડામાં સુખ છે, ચેવડામાં સુખ છે, પણ આમાં સુખ નથી. જલેબીમાં સુગંધી બહુ આવે, સ્પર્શે ય આવે, સ્વાદે ય આવે, આંખથી દેખવી ય ગમે, મોઢામાં ખઈએ તે ઘડીએ કડકડ બોલે, એ કાનમાં સાંભળવાનું ય ગમે. આ તાજી તાજી જલેબી ખાવામાં પાંચે ય ઈન્દ્રિયોને સારું લાગે અને આ વિષયમાં તો બધી ઇન્દ્રિયો કામ લેવા જાય, તો પાછી ફરી જાય. આંખથી જોવા જાય તો ગભરામણ છૂટી જાય. નાકથી સોડવા જાય તો ય ગભરામણ છૂટી જાય, જીભથી ચાખવા જાય તો ય ગભરામણ છૂટી જાય !

પ્રશ્નકર્તા : આમાં 'એક્ચ્યુઅલી' જે આનંદ લેવાય છે, તે અહંકાર જ લે છે ને ?

દાદાશ્રી : સુખ માનેલું છે તેથી ! એમાં રોંગ બીલિફ છે ખાલી ! તને કોઈ દહાડો દરાજ થયેલી ? દરાજ વલૂર વલૂર કરે ને, એવું છે આ ! પાછું કોઈ બેઠું હોય ત્યારે મનમાં ગભરાય કે વલૂરીશ તો ખરાબ દેખાશે, એટલે પછી તું બંધ રાખે અને કોઈ ના હોય ત્યારે તું એને વલૂરે, એની મીઠાશ લાગે તને ! કૃપાળુદેવે વિષયના સુખને દરાજ વલૂરવા જેવું સુખ કહ્યું છે.

પ્રશ્નકર્તા : વિષયસુખથી દૂર રહેવા માટે જે પ્રયત્ન કરવામાં આવે છે, તેને પુરુષાર્થ કહેવાય ?

દાદાશ્રી : હા. પણ એ સુખ જ નથી, એ ખાલી માન્યતા જ છે, 'રોંગ બીલિફો' જ છે. વ્યવહારમાં લોકોને આ વાત કહેવાય નહીં, જગત વ્યવહાર માટે આ કામનું જ નથી. આ વાત જગત વ્યવહારના લોકોને કરીએ તો તેમને દુઃખ થાય. કારણ કે આ સુખ એકલું જ અવલંબન છે, તે ય બિચારાનું આપણે લઈ લીધું ! આ તો જેને જ્ઞાન હોય તેને વાત કરાય, નહીં તો વાત જ ના કરાય. હા, કોઈને સુખને માટે નહીં, પણ છોકરા માટે વિષય હોય તો વાત જુદી છે. પુત્રેષણા શમાવવા પૂરતું હોય તો ઠીક છે. પણ આ તો નિરર્થક, 'યુઝલેસ' હોય છે, જે કૂતરા-કૂતરીને ય શોભે નહીં એવું !

આ જ્ઞાનને રાખો જાણી !

જ્ઞાન એવી વસ્તુ છે કે જેને જાણી રાખવાની જરૂર છે. જ્ઞાનને જાણી રાખવાનું. જ્ઞાન જાણવાનું છે ને એ જાણેલું જ્યારે દર્શનમાં આવે છે, 'બીલિફ'માં આવે છે, ત્યારે વિષય બધા ઊડી જાય.

આ તો આપણે વિષયસંબંધી બહુ ઊંડી ચર્ચા નથી કરતા, એનું શું કારણ કે આ લોકો બહારની દ્રષ્ટિ છોડે, તો ય બહુ ઊંચી વસ્તુ છે. બહારની દ્રષ્ટિ એટલે, બહાર જે 'દેખત ભૂલી' થાય છે તે ના થાય, તો ય બહુ થઈ ગયું. એટલે આપણે કહ્યું કે બહાર દ્રષ્ટિ બગડી કે તરત જ પ્રતિક્રમણ કરજો. એને પોતાના હક્કનો વિષય છોડવાનું નથી કહેતા. કારણ કે એને હક્કનો વિષય છોડવાનું કહીએ, તો એનું બહાર પાછું બગડી જાય.

અક્રમ વિજ્ઞાને આપી છૂટ....

પ્રશ્નકર્તા : પણ જે લોકો વિષયસુખ ભોગવે છે, એમને એટલી ખોટ તો જવાની ને ?

દાદાશ્રી : જેટલું જેટલું 'ચાર્જ' થયેલું છે, એનો તો આપણે વાંધો ના રાખીએ.

પ્રશ્નકર્તા : પણ એ 'ચાર્જ' થયેલું છે એમ કહેવાય જ કેવી રીતે ? એ તો ઘરમાં સ્ત્રી સાથે રહેતા હોઈએ એટલે આ વિષય તો સહજ થઈ ગયેલો હોય છે ને ઘણી વખત થાય છે તો ય એ 'ચાર્જ' થયેલું જ કહેવાય ?

દાદાશ્રી : 'ચાર્જ' થયેલાની બહાર નહીં થવાનું. જે 'ચાર્જ' થયેલું છે, તેની બહાર થાય એવું નથી. તેથી તો અમે આમ વિષયો માટે છૂટ મૂકીએ ને ! નહીં તો છૂટ મૂકીએ કે ? એ તો જવાબદારી છે અને કોઈએ આવી છૂટ આપી પણ નથી ને ?!!

પ્રશ્નકર્તા : કોઈએ છૂટ નથી આપી. આમાં તો બહુ 'સ્ટ્રીક્ટ' છે.

દાદાશ્રી : એ 'સ્ટ્રીક્ટ' છે એટલે લોકો પામતાં નથી. સત્ય હકીકત નહીં જાણવાથી આમાં 'સ્ટ્રીક્ટ' થાય છે. તેથી લોક પામતાં નથી. સંસારીઓ તો એમ જ કહે છે કે, 'ભઈ, આપણે તો સંસારી, આપણું તો કલ્યાણ થાય જ નહીં ને ?!' એવું આ લોક પોતાની જાત માટે માની બેઠા છે. એટલે એ 'સ્ટ્રીક્ટપણું' ખોટું છે. 'અમે' જ્ઞાનથી જુદી જાતનું જોઈએ છીએ !

પ્રશ્નકર્તા : જેટલો વખત 'ડિસ્ચાર્જ' થાય, તે એટલું આવરણ વધે નહીં ?

દાદાશ્રી : આપણા 'જ્ઞાન'વાળાને આવરણ ના વધે, અમારી આજ્ઞા હોય ને ! અમે હક્કના વિષયની ના કહી જ નથી ને ! ના કહ્યું હોય તો આ બધાંને ઘેર શું થાય ?

પ્રશ્નકર્તા : તમે જો એની ના કહી હોય તો બહુ મોટું તોફાન થઈ જાય !

દાદાશ્રી : પણ અમે એવું કહીએ જ નહીં. કોઈને ય દુઃખ થાય એવું વર્ણન જ ના કરીએ ને !

પ્રશ્નકર્તા : અત્યાર સુધી હું આ દ્વંદ્વમાં જ હતો. મને એમ લાગતું હતું કે વિષયથી આવરણ આવે.

દાદાશ્રી : પણ જગતે જોયું હશે, તેનાં કરતાં મેં નવી જ જાતનું જોયેલું છે અને તો જ હું આ આજ્ઞા આપું, નહીં તો આપું જ નહીં ને ! આ તો જોખમદારી કહેવાય ! મેં એવું વિજ્ઞાન જોયું છે. ત્યારે મેં તમને છૂટ આપી છે, નહીં તો છૂટ ના અપાય. મેં તમને છૂટ કેવી રીતે આપી છે ? અમે હક્કના વિષયની છૂટ આપી છે, જેથી બહાર દ્રષ્ટિ પછી બગડે નહીં ને બગડી હોય તે સુધારી લેજો. પણ હક્કની જગ્યાનું એક જ સ્થાન નક્કી થઈ ગયું એટલે પછી તમને 'એલાઉ' કરીએ. પણ આ તો ફક્ત આત્મસુખ છે કે બીજું કયું સુખ છે ? તે જાણવા માટે તમને કહીએ છીએ કે છ મહિના માટે વિષય છોડીને તો જુઓ ! ફક્ત તપાસ કરવા માટે જ, આ સુખ આત્મામાંથી આવ્યું કે વિષયમાંથી આવ્યું ?

પ્રશ્નકર્તા : એ તો ખબર પડે છે કે વિષયથી સાચા સુખની ખબર નથી પડતી, છતાં એ થઈ જાય છે.

દાદાશ્રી : થાય તેનો વાંધો નથી. આ 'અક્રમ વિજ્ઞાન' છે, બહુ જુદી જાતનું વિજ્ઞાન છે. નહીં તો એક જ 'ડિસ્ચાર્જ' ત્યાં ક્રમિકમાં ચાલવા ના દે. અમે તો આખી જિંદગીનાં 'ડિસ્ચાર્જ' ચલાવી લીધાં છે. આ તો 'અક્રમ વિજ્ઞાન' છે ! વિજ્ઞાન એટલે શું, કે એને કોઈ ના પહોંચી વળે !

ભગવાનને તાબે કે સ્ત્રીને ?

તેથી અમે કહ્યું છે ને, કે ભઈ, આખા જગતે વિષય એ વિષ છે, એમ કહ્યું છે. તેને અમે કહીએ છીએ કે, વિષય એ વિષ નથી. સાધુઓ જાણે કે અમે તરી ગયા અને આ સંસારીઓ ડૂબી ગયા. અલ્યા, કોઈ બાપો ય તર્યો નથી અને તું ડૂબ્યો ય નથી. તું શું કામ ભડકે છે ? વહુ જો ડૂબાડતી હોય, તો ભગવાન પૈણત જ નહીં ને ! વહુ ડૂબાડતી નથી, તારી અણસમજણ ડૂબાડે છે. તારે કેવી રીતે આરાધના કરવી, કેવી રીતે નિકાલ કરવો, તે તું જાણતો નથી.

મહાવીર ભગવાન ત્રીસ વર્ષ સુધી સ્ત્રી સાથે રહ્યા ને છોડી હઉ થઈ અને છેવટે મહાવીરને ય છૂટું થવું પડ્યું. છેલ્લાં બેતાળીસ વર્ષ સ્ત્રી વગર એમ ને એમ રહ્યા. આપણે તો છેલ્લાં પંદર જ વર્ષ સ્ત્રી વગર નીકળે; મન-વચન-કાયાથી આ છૂટી જાય તો ય બહુ થઈ ગયું, એવું કહીએ છીએ. નહીં તો છેલ્લો દસકો જ નીકળે તો ય બહુ થઈ ગયું. નહીં તો ય પણ છેલ્લે આવું બ્રહ્મચર્ય હોવું જોઈએ. હવે એ ઉદય ક્યારે આવે ? જ્યારે એનું જ્ઞાન સાંભળો ત્યારે ઉદય આવે. હંમેશાં જ્ઞાન સાંભળ્યા વગર દર્શન થાય નહીં અને દર્શન થાય નહીં ત્યાં સુધી 'રોંગ બીલિફ' તૂટે નહીં.

બ્રહ્મચર્ય એ તો બહુ સારી વસ્તુ છે, પણ એ જો ઉદયમાં આવ્યું તો, એનાં જેવું બીજું કોઈ પદ જ નથી ! આ 'ફાઈલો' તો પરવશતા લાવે. કારણ કે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ બન્નેના જુદાં જ હોય ને ? એક ધણી મને કહેતો હતો, 'મારી બૈરી મને એવું કહેતી હતી કે તમે મને ગમતા નથી. તમે મને અડશો નહીં.' આનું શું થાય ? આ ગાડી કયે ગામ પહોંચે હવે ? એના કરતાં આ બ્રહ્મચારીઓને કશી ઉપાધિ જ નહીં ને ! એમને કોઈ કરાર જ નહીં ને એ કહે છે કે અમારે કરાર કરવો ય નથી અને જેણે કરાર કર્યા છે, તેને કહું છું કે પૂરા કરો.

પ્રશ્નકર્તા : 'કરાર નથી કરવા' એવું જે કહે એ અટકાયત નથી ?

દાદાશ્રી : જાણી-જોઈને કોઈ ખાડામાં પડે ? ઉઘાડો ખાડો દેખાય છે, તેમાં પછી કોણ પડે ?! આપણને હવે એવી ગરમી નથી લાગતી. ગરમી લાગતી હોય તો ઠંડક ખોળવા કાદવના ખાડામાં પડો. આ બ્રહ્મચારીઓને 'ફાઈલ' નથી એટલે ખરેખરું સુખ વર્તે ! 'ફાઈલ' તો આપણને કહેશે કે અત્યારે તમારે ભઈબંધને ત્યાં નથી જવાનું, તો ત્યાં આપણું શું થાય ? વળી, ભગવાનના તાબામાંથી તારા તાબામાં રહેવાનો વખત મારે આવ્યો ?!

પ્રશ્નકર્તા : કરાર કર્યા છે.

દાદાશ્રી : હા, કરાર કર્યા છે. એટલે એનો કશો વાંધો નહીં. દ્રષ્ટિ બગાડીશ નહીં. બહાર જોવામાં બહુ જોખમદારી છે. એ હરૈયો ઢોર કહેવાય. હરૈયા ઢોર થવા કરતાં હું કહું કે પૈણ. મારી રૂબરૂ પૈણ, હું તને આશીર્વાદ આપીશ !' હું ખોટું કહું છું ? આવી છૂટ કોઈએ આપી છે ? આટલી છૂટ આપી છે ? અને ત્યાર વગર માણસ બિચારો શી રીતે મોક્ષમાર્ગે જાય ? આ રોગથી તો ભરેલો છે, તે શી રીતે જાય ? આ તો વિજ્ઞાન છે, તેથી 'સેફસાઈડ' કરી આપે છે !

અક્રમ વિજ્ઞાન તો, શું કહે છે ?

પુદ્ગલનું જોર ઓછું થાય એવા સંજોગ જ ક્યાં છે અત્યારે ? એટલે જ્ઞાની પુરુષ આ જ્ઞાન આપે, આત્મા લક્ષમાં આપે, તે ઘડીએ પુદ્ગલનું જોર એકદમ ઓછું કરી નાંખે છે. લક્ષ બેસાડી દે, ને પછી પાછું પુદ્ગલનું જોર વધે છે. પણ એક ફેરો લક્ષ બેસી ગયું કે પછી એ છૂટે નહીં ને લક્ષ બેઠા પછી પુદ્ગલ ઝપાટાબંધ ઓગળી જાય. પેલું તો રોજ પુદ્ગલની કમાણી હતી ને રોજ ખર્ચો હતો. તે હવે કમાણી બંધ થઈ ગઈ ને ખર્ચો એકલો જ રહ્યો. એટલે આ પુદ્ગલનું જોર બહુ મંદ થઈ જશે.

હવે આ 'જ્ઞાન' પછી કોઈ પુદ્ગલ નડતું નથી. આમાં જોવા જાય તો કોઈ ક્રિયા નડતી નથી, પણ અમુક અમુક ક્રિયાઓ બહુ 'ફોર્સ'વાળી છે, એટલે ત્યાં વાંધો આવે છે. તેમાં વધારેમાં વધારે 'ફોર્સ'વાળી હોય તો ચારિત્ર. દુષ્ચારિત્ર તો વળી એથી ય બહુ જ 'ફોર્સ'વાળું છે અને સુચારિત્ર ઓછા 'ફોર્સ'વાળું છે. પણ 'ફોર્સ'વાળું તો બેઉ છે જ. બીજું કશું આ ખાવા-પીવાનું તમારે જે ખાવું હોય તે ખાજો. એ નડતું નથી. વાળ જેમનાં કપાવવા હોય એમનાં કપાવજો, તેલ નાખવું હોય તો નાખજો, 'સેન્ટ' નાખવું હોય તો નાખજો, સિનેમા જોવા જજો. એનો મને કોઈ જાતનો વાંધો નથી. એ પુદ્ગલ બહુ નુકસાનકર્તા નથી. એ 'ફોર્સ'વાળું નથી, પણ દુષ્ચારિત્ર તો બહુ જ ફોર્સવાળું છે. સુચારિત્ર પણ ફોર્સવાળું છે, પણ એ સુચારિત્રનો ય આસ્તે આસ્તે નિકાલ કરવો જ રહ્યો ને ?! નિકાલ કોનું નામ કહેવાય કે ઉપરથી આવી પડેલું કામ હોય અને આમ બજારમાં ખોળવા ના જવું પડે. એને નિકાલ કહેવાય. છૂટકો જ ના થાય એવું હોય, આપણી ઇચ્છા જ ના હોય, એનું નામ આવી પડેલું કામ કહેવાય.

એટલે આત્મા જુદો જ છે, પણ જુદો અનુભવમાં કેમ નથી આવતો ? પુદ્ગલનો ફોર્સ જબરજસ્ત છે તેથી એટલો બધો ફોર્સ છે કે આત્મા હાથમાં આવે એવો જ નથી. આત્મા કેવો છે એ પણ લોક જાણતાં નથી. એ તો જ્ઞાની પુરુષ જ્યારે આત્મજ્ઞાન આપે ત્યારે, આ આત્મા આવો છે ને આવો નથી, એવું બે વિભાજન કરી આપે ત્યારે લક્ષ બેસે, નહીં તો આત્માનું લક્ષ જ ના બેસે ને !

પ્રશ્નકર્તા : સુચારિત્ર અને દુષ્ચારિત્રની વ્યાખ્યા બરોબર કરો ને !

દાદાશ્રી : સુચારિત્ર એટલે આપણા હક્કનું ભોગવવું, હક્કના ચારિત્ર ભોગવવા અને કુચારિત્ર એટલે અણહક્કનું ભોગવવું. તે અણહક્કનું તો મુંબઈમાં વપરાતું જ નથી ને ?

પ્રશ્નકર્તા : અણહક્ક વગરનો તો કોઈ રસ્તો જ નથી દેખાતો !

દાદાશ્રી : ઘણોખરો માલ જ એવો ભરેલો છે. આ માણસ હોટલમાં જઈને માંસાહાર કરે છે અને આ માણસને પોલીસવાળાએ પકડ્યો છે અને એને મારીને કહે છે માંસાહાર ખાવું જ પડશે ને એણે ખાધું, તો એ બેમાં થોડોઘણો ફેર ખરો ? તો ભગવાને કહ્યું કે પોલીસવાળાનો પકડેલો એવું આરાધન કરશે તેનો અમારે વાંધો જ નથી. ચારિત્ર એનું એ જ, પણ પોલીસવાળાનો પકડેલો છે, તો ભગવાન બિલકુલે ય વાંધો નથી લેતા.

વિષય દૂર કરાવે આત્માનુભવ !

મેં આત્મા તો તમને આપેલો છે, પણ કઈ વસ્તુ તમને એની અસર થવા દેતી નથી ? વિષય ! આ વિષય કંઈ રોજ રોજ હોતા નથી. કો'ક દહાડો હોય. પણ તેની પછી અસર બહુ હેરાન કરે છે અને વિષયનો અભિપ્રાય બહુ માર ખવડાવે છે. બ્રહ્મચર્યનો ભંગ થયો માટે જંતુની અસર થઈ ને ? એવો ભંગ હોય જ નહીં તો તો કેવું સરસ રહે ! આ જંતુની સૂક્ષ્મ અસરો એટલી બધી ખરાબ પડે છે કે ઘડીવાર જંપવા જ ના દે.

પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા પદમાં રહેવા માટે મુખ્ય વસ્તુ કઈ જોઈએ ?

દાદાશ્રી : આ વિષયમાંથી છૂટ્યો એટલે પછી શુદ્ધાત્મામાં રહેવાય. બૈરી પૈણેલો હોય તેનો અમને વાંધો નથી, પણ હરૈયાનો વાંધો છે. પૈણેલી જોડે પાંચમાંથી એક મહાવ્રતનો, બ્રહ્મચર્યનો ભંગ થાય છે અને કળિયુગમાં તો એવા જંતુઓ એકબીજામાં હોય છે કે તેમને પછી જંપવા જ નથી દેતા. કારણ કે આ બહાર રખડનારાઓને જર્મ્સ બહુ જ નુકસાન કરે છે. તેની પોતાને ખબર ના પડે. તેથી હું કહું છું ને કે એકને પૈણ. કારણ કે આ તને નેસેસરી વસ્તુ છે. પોતે પૂર્વજન્મમાં બ્રહ્મચર્યના ભાવ ના કરેલા હોય તેથી પૈણવું પડે છે.

પોતાની સ્ત્રી જોડેના વિષયમાં પાછો નિયમ હોવો જોઈએ. કૃપાળુદેવે કહ્યું છે કે મહિનામાં બે દિવસ, પાંચ દિવસ કે સાત દિવસનું તું જ્ઞાની પુરુષ પાસે નક્કી કરજે, તો પછી એ જ્ઞાની પુરુષ આ જવાબદારી પોતાની માથે લઈ લે. ને પછી અમે વિધિ કરી આપીએ. અમારી આજ્ઞા થઈ તો વાંધો નહીં. અમારી પાસે આજ્ઞાપૂર્વકનું હોય, તેને કોઈ બાધા ના આવે.

પ્રશ્નકર્તા : આ જ્ઞાન વગર એ લક્ષ બેસવું બહુ મુશ્કેલ પડે છે !

દાદાશ્રી : આ જ્ઞાન વગર ફીટ જ ના થાય ને ! છતાં પણ આ સાધુઓ છે એમને ફીટ થાય છે. એનું શું કારણ છે ? કે આગલા અવતારોમાં વિષય નથી ભોગવવા એવી એમણે ભાવના ભાવ ભાવ કરેલી હોય, તેથી એનું ફળ આવેલ છે. અને એમને એ ભેગું ય ના થાય, એમને એ ગમે પણ નહીં.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18