ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18



બ્રહ્મચર્ય (ઉર્તરાધ)

ખંડ : ૨

આત્મ જાગૃતિથી બ્રહ્મચર્યનો માર્ગ !

[૭]

આકર્ષણ-વિકર્ષણનો સિદ્ધાંત

આકર્ષણ શું છે ? એ સમજાય તો ચેતાય !

આકર્ષણથી જ આ બધું જગત ઊભું રહ્યું છે. આમાં ભગવાનને કરવાની જરૂર પડી નથી, ખાલી આકર્ષણ જ છે ! આ સ્ત્રી-પુરુષનું જે છે ને, તે ય આકર્ષણ જ છે ખાલી. ટાંકણી ને લોહચુંબકનું જેવું આકર્ષણ છે એવું આ સ્ત્રી-પુરુષનું આકર્ષણ છે. કંઈ બધી સ્ત્રીઓ જોડે આકર્ષણ ના થાય. એક જ પરમાણુ મળતા આવતા હોય તો એ સ્ત્રી ઉપર આકર્ષણ થાય. આકર્ષણ થયા પછી પોતે નક્કી કર્યું હોય કે મારે નથી ખેંચાવું તો ય ખેંચાઈ જાય. ત્યાં વિચારવું ના જોઈએ કે આપણે આકર્ષાવું નથી, છતાં આકર્ષણ કેમ ઉત્પન્ન થાય છે ? માટે 'ધેર આર સમ કૉઝીઝ' એ 'મેગ્નેટિક કૉઝીઝ' છે !

પ્રશ્નકર્તા : એ પૂર્વજન્મનાં હોઈ શકે ?

દાદાશ્રી : એ આકર્ષણ આપણી ઇચ્છા નથી તો ય થાય છે, એનું નામ જ પૂર્વજન્મ. આને ય મેગ્નેટિક થયેલું છે ને પેલીને ય મેગ્નેટિક થયેલું છે. પૂર્વજન્મમાં સૂક્ષ્મ રૂપે હોય છે અને અહીં સ્થૂળ રૂપે થાય છે. એટલે પછી સ્વાભાવિક રીતે ખેંચાણ થાય જ. હવે ખેંચાણ થાય તેથી કરીને તમારા મનમાં એમ લાગે કે હું ખેંચાયો. પણ જ્યારે તમારું સ્વરૂપ તમે જાણશો ત્યાર પછી તમને એમ લાગશે કે 'ચંદુભાઈ' ખેંચાયા.

પ્રશ્નકર્તા : આ આકર્ષણ જે થાય છે, એ કર્મને આધીન ખરું કે નહીં ?

દાદાશ્રી : કર્મને આધીન તો આખું જગત જ છે, પણ સામાના પરમાણુ ને આપણા પરમાણુ એક હોય તો જ આકર્ષણ થાય.

પ્રશ્નકર્તા : પણ એમાં કર્મનો ઉદય તો ખરો જ ને ?

દાદાશ્રી : કર્મના ઉદયથી તો આખું જગત છે. એ એક ફેકટરમાં તો બધું આવી જ ગયું, પણ એને ડીવાઈડ કરો તો આ રીતે જુદું થાય કે આપણા પરમાણુ જોડે સામાના પરમાણુ મળતા હોય તો જ ખેંચાય, નહીં તો ખેંચાય નહીં. એક માણસે જાડી છૂંદણાવાળી બૈરી પાસ કરી, ત્યારે મેં જાણ્યું કે આ માણસે આવી બૈરી શી રીતે પાસ કરી હશે ! એ પરમાણુ મળતા આવ્યા ને તરત ખેંચાણ થાય. આ લોક કહે છે, હું છોકરીને આમ જોઈશ, તેમ જોઈશ. આમ ફરો, આમ ફરો. પણ પરમાણુ મહીં ખેંચાય તો જ હિસાબ બેસશે, નહીં તો બેસશે જ નહીં.

પ્રશ્નકર્તા : એ પૂર્વનું ઋણાનુબંધ થયું ને ?

દાદાશ્રી : ઋણાનુબંધ કહીએ ને, તો જગત બધું ઋણાનુબંધ જ કહેવાય. પણ ખેંચાણ થવું એ વસ્તુ એવી છે ને કે પરમાણુનો સામસામી હિસાબ છે એને, તેથી ખેંચાય છે ! અત્યારે જે રાગ ઉત્પન્ન થાય છે, તે ખરેખર રાગ નથી. આ લોહચુંબક અને ટાંકણી હોય, તે લોહચુંબક આમ ફેરવે તો ટાંકણી આઘીપાછી થાય. તે બન્નેમાં કંઈ જીવ નથી. છતાં લોહચુંબકના ગુણને લીધે બન્નેને ખાલી આકર્ષણ રહે છે. એવું આ દેહને સરખા પરમાણુ હોય ને, ત્યારે તેની જ જોડે એને આકર્ષણ થાય. પેલામાં લોહચુંબક છે. આમાં ઇલેક્ટ્રિકલ બોડી છે ! પણ જેમ લોહચુંબક લોખંડને ખેંચે, બીજી કોઈ ધાતુને ખેંચતું નથી. એવી રીતે પોતાની ધાતુવાળું હોય તો જ ખેંચાય, એવી રીતે તમારે મહીં બધું ખેંચાણ-આકર્ષણ થાય છે. પણ ત્યાં જાગૃતિ રહેવી જોઈએ, નહીં તો માર ખાઈ જાય.

આકર્ષણ જો એકલું થતું હોય તો તેને આપણે પસંદ કરીએ, પણ પાછું વિકર્ષણ થવાનું. ઘડીમાં સારું લાગે, પાછું કડવું લાગે. ભઈ ગમે એવા રૂપાળા હોય, પણ બહેનને બે અવળા શબ્દો બોલ્યા કે 'તું અક્કલ વગરની છે', તો પછી બહેનને એમ થાય કે, 'મને અક્કલ વગરની કહી ?' તે પાછું કડવું લાગે. એટલે એકલું આકર્ષણ પણ નથી આ જગતમાં. આકર્ષણ ને વિકર્ષણ બેઉ છે, આ દ્વન્દ્વ રૂપ છે ! આ જગત જ દ્વન્દ્વ રૂપ છે. એટલે એકલું આકર્ષણ ના હોય. વિકર્ષણ હોય જ. વિકર્ષણ ના હોય તો ફરી આકર્ષણ થાય જ નહીં અને જો એકલું આકર્ષણ હોય, તો ય બધા લોક કંટાળી જાય.

પરમાણુમાં પુરાયો પાવર !

પ્રશ્નકર્તા : આ બધું ચેતનમાં ક્યાંથી પેસી ગયું ? એમ કેમ ચાલુ થઈ ગયું ?!

દાદાશ્રી : એને એવું ભાન થયું કે 'આ સાલુ, હું ખેંચાઉ છું.' અને જો સમજણ હોય કે આ પૂતળું પેલા પૂતળા પાસે, એ બેમાં ઈલેક્ટ્રિસિટીને લઈને બેઉ ખેંચાય છે. તેને 'હું જાણનાર છું' એવું ભાન રહ્યું નહીં એને. ઈલેક્ટ્રિકલ એડજસ્ટમેન્ટને લઈને લોહચુંબકતા ઉત્પન્ન થાય છે. એટલે મારે નહીં ખેંચાવું છતાં ખેંચાય છે. એટલે સમજાય એવું છે કે આ પોતે નથી ખેંચાતો. નક્કી કર્યું હોય કે, 'પથારીમાંથી આઘાંપાછાં થવું નથી.' તે પાછો અડધા કલાક પછી ઊઠે ! એટલે મનમાં એમ થાય કે 'હું જ છું ઢીલો.' 'નક્કી કર્યું હતું ને ? તો ઢીલો શાનો તું થઈ ગયો ? આ તો મહીં બીજું ભૂત પેઠું છે.' એટલે પછી મને લોકોએ પૂછયું, મને કહે છે કે 'આ શું થાય છે ?' મેં કહ્યું, 'આ તો ઈલેક્ટ્રિકલ એડજસ્ટમેન્ટને લઈને લોહચુંબકતા થાય છે એટલે લોહચુંબક ટાંકણીને હલાવે તેમાં બેને સગાઈ છે. એ લોહચુંબકપણું છે. ત્યારે આ તો કહેશે, 'હું ગયો, હું નિર્બળ થઈ ગયો છું.' એ પછી નિર્બળ થતો જ જાય. 'હું' ગયો જ નથી. 'હું' કેમ કરીને જઈ શકું ? મારો નિશ્ચય છે પછી 'હું' ગયો કેવી રીતે ? પણ કહેશે, 'હું જ ઢીલો. આ હું જ છું' એવું માની બેઠો છે ને. એટલે એવું ઊંધું માની બેઠો છે. પણ કોણે શીખવાડયું ઊંધું આ ?! ત્યારે એના ફાધરે

કહ્યું, 'તું જ છું, તું જ ચંદુ છું' પછી વહુએ કહ્યું, કે 'તમે મારા ધણી.' અને પાછી ચાલતી જાય. ત્યારે મૂઈ ધણી શું કરવા કહે છે ? પણ પછી આપે પાછી !!

વાત ગમે છે કે કકરી લાગે છે જરાં ?

પ્રશ્નકર્તા : બહુ ગમે છે. બધો નિકાલ કરવાનો છે એટલે બધું જાણવું છે, હજુ ઘણું જાણવું છે ?

દાદાશ્રી : પણ લોકો શું સમજે છે, 'હું ખેંચાયો, ઈચ્છા નહોતી તો ય. મારું વ્રત પળાયું નહીં. મારું વ્રત ભાંગી ગયું.' અલ્યા, નથી ભાંગી ગયું. તને ભ્રમણાં છે એક જાતની. આ વિજ્ઞાન તો જાણ કે, 'કોણ ખેંચે છે ?' તારે નથી ખેંચાવું, તો કોણ તને ખેંચી ગયો ? બીજો કોણ માલિક છે, તે વચ્ચે ખેંચી ગયો ? ત્યારે કહે છે, 'હું ખેંચાઈ ગયો, મારું મન બગડી ગયું. મન નિર્બળ થઈ ગયું.' અલ્યા, તારું મન તને શાનું ખેંચે ? મન ને તારે લેવાદેવા શું છે ? એ મિકેનિકલ એડજસ્ટમેન્ટ જુદું, તું જુદો. હવે બોલો, આખી દુનિયા માર ખાઈ જાય ને !

આ તો ઈલેક્ટ્રિસિટીને લીધે પરમાણુ બધા પાવરવાળા થાય છે અને તેથી પરમાણુ ખેંચાય છે. જેમ ટાંકણી અને લોહચુંબકમાં કશું કોઈ વચ્ચે પેઠું મહીં ? ટાંકણીને આપણે શીખવાડ્યું'તું ? તું ઊંચી-નીચી થજે ?

પ્રશ્નકર્તા : એને ઈલેક્ટ્રિસિટી અડે નહીં એવું ના થાય ? એને કંટ્રોલ ના કરાય ?

દાદાશ્રી : આપણાથી કંટ્રોલ થાય નહીં. હંમેશાં ઈલેક્ટ્રિકલ વસ્તુને કંટ્રોલ કરી શકાય નહીં. કંટ્રોલ તો, એને એડજસ્ટમેન્ટ કરતાં પહેલા કંટ્રોલ કરી શકાય. પછી એડજસ્ટમેન્ટ નક્કી થયા પછી ના થાય.

એટલે આ દેહ તો આખું વિજ્ઞાન છે. વિજ્ઞાનથી આ બધું ચાલે છે. હવે ખેંચાણ થાય તેને લોક કહે કે 'મને રાગ થયો.' અલ્યા, આત્માને રાગ તો થતો હશે ? આત્મા તો વીતરાગ છે ! આત્માને રાગે ય હોય નહીં ને દ્વેષે ય હોય નહીં. આ તો બેઉ પોતે કલ્પેલા છે. એને ભ્રાંતિ કહેવાય. ભ્રાંતિ ચાલી જાય તો કશું છે જ નહીં.

પાછું આ એક પ્રકારનું આકર્ષણ નથી. છોકરા પર પણ આકર્ષણ હોય છે. એટલે આ એક પ્રકારની ઇલેક્ટ્રિસિટીથી આ બધા પરમાણુ લોહચુંબકની જેમ થઈ ગયા હોય છે, તે જો સામાના મળતાં પરમાણુ આવે તો ત્યાં ખેંચાણ થાય, બીજે ખેંચાણ થાય નહીં. લોહચુંબકનો તો આપણને અનુભવ છે ને ? તેમાં કોણ કોને રાગ કરે છે ? અને અહીં તો તમે રાગ કરતા નથી ને, કોઈને ? પેલું લોહચુંબક જેવું સ્વાભાવિક છે, તેવું આ ય સ્વાભાવિક છે. પણ આમાં શું કહે કે, 'મેં કર્યું', 'હું કરું છું' કહ્યું કે વળગ્યું પાછું ! નહીં તો કહેશે 'મારાથી આવું થઈ ગયું' ! અલ્યા, શું કરવા ફસાય છે !!! આકર્ષણ થાય તેને પાછું 'આ મારું, આટલું મારું' કર્યા કરે. અલ્યા, ન હોય તારું. આ મૂડી ય તારી નથી અને આ મિલ્કતે ય તારી નથી. તું શું કામ વગર કામનો ફસાય છે ? પૈણ્યો ત્યારથી 'મારી વાઈફ, મારી વાઈફ' કરે. પણ પૈણ્યા નહોતા તે ઘડીએ ? ત્યારે કહેશે, 'ત્યાર પહેલાં તો મારી નહોતી !' પૈણ્યા ત્યારથી દોરડાથી બાંધ બાંધ કરે, 'મારી', 'મારી' કરે. પછી મરી જાય ત્યારે રડે. પૈણી નહોતી ત્યારે મારી નહોતી તો આ 'મારી' પેસી શી રીતે ગયું ? 'હવે ન હોય મારી, ન હોય મારી' કર તો આપણું વીંટેલું છે, તે છૂટી જાય ! લોક શું કહેશે, માયાને તેં પકડી છે

, તો છોડી

દે. પણ શી રીતે છૂટી જાય ? એટલે જ્ઞાની પુરુષ બધું છોડાવી દે. જ્ઞાની પુરુષ પોતે છૂટેલા હોય એ બધાને છોડાવી દે. એમની સાયન્ટિફિક રીતથી એ રસ્તો બતાવે કે આમ છૂટાય, નહીં તો બીજો છૂટવાનો રસ્તો નથી. એટલે મોક્ષમાર્ગ સમજવાનો છે ખાલી સમજ સમજ કરવાનો છે !

ત્યાં તત્ત્વ દ્રષ્ટિથી જ મુક્તિ !

અક્રમ એટલે શું ? કે કર્મ ખપાવ્યા સિવાય જ્ઞાન પ્રાપ્ત થયું છે. હજુ કોઈ પણ જાતનાં કર્મ ખપાવ્યાં નથી, એટલે વાતને સમજી લેવાની છે. આમાં બીજું કશું બાધક નથી ! ને આ વિષય એક એવી વસ્તુ છે કે આ જ્ઞાનને ઊંધું નાખી દે. આ વિષય એકલો જ એવો છે. બીજું બધું છો ને રહ્યું, જીભના વિષય એ બધા સામો દાવો ના માંડે. એ ચેતન જોડે નથી. એ અચેતન છે અને આ તો મિશ્રચેતન છે. તે આ વિષયમાં તો આપણને ઇચ્છા ના હોય તો ય વશ થવું પડે, નહીં તો એ દાવો માંડે ને કો'ક ફેરો ભટકાવી મારે. માટે એમાં બહુ જ જાગૃતિ રાખવી. એટલાં માટે અહીં તો કેટલાક કાયમનું વ્રત જ લઈ લે છે અને અમે આપીએ પણ ખરા. અગર તો કોઈ એક વરસ દહાડાની ટ્રાયલ લે. પછી એમ કરતાં કરતાં ખૂબ શક્તિ વધી જાય. આ વિષય જ એવો છે કે ભટકાવી મારે. આત્મા અમે જે આપ્યો છે તે ય ફેંકી દેવડાવે.

આ બધી અવસ્થા દ્રષ્ટિથી જોવાથી જ તેની અસરો થાય છે. અવસ્થા દ્રષ્ટિથી જ આકર્ષણ-વિકર્ષણ છે, તત્ત્વ દ્રષ્ટિથી નહીં. અવસ્થામાં તન્મયાકાર થાય કે તરત જ અંદર લોહચુંબકપણું ઉત્પન્ન થાય અને તેનું પછી આકર્ષણ શરૂ થાય.

પ્રશ્નકર્તા : લોહચુંબક અને ટાંકણી બન્ને સામસામાં આવે છે ત્યારે આકર્ષણ થાય છે. હવે એ આકર્ષણ નાબૂદ ક્યારે થઈ જાય ?

દાદાશ્રી : એ તો કાયમ રહેવાનું જ. જ્યાં સુધી લોખંડ લોખંડના ભાવમાં છે ત્યાં સુધી રહેવાનું. લોહચુંબકત્વ ઊતરી જાય તો આકર્ષણ જતું રહે.

આકર્ષણ ત્યાં પ્રતિક્રમણ ખપે !

જ્યાં આકર્ષણ ત્યાં મોહ. જ્યાં આપણી આંખો ખેંચાય, જ્યાં આકર્ષણ અંદર બહુ થયા કરે ત્યાં મોહ હોય જ. તેથી શાસ્ત્રકારોએ બહુ ચેતવ્યા છે કે આકર્ષણવાળી જગ્યાએ ઉપયોગ રાખો, શુદ્ધ ઉપયોગ રાખો તો એ જગ્યા તમને હેરાન નહીં કરે. નહીં તો એ આકર્ષણવાળી જગ્યા છે. જેમ આપણે લપસણી જગ્યા હોય તો શું કરીએ છીએ !

પ્રશ્નકર્તા : ત્યાં ચેતીને ચાલીએ.

દાદાશ્રી : ત્યાં તમે જાગૃતિ નથી રાખતા ? ને લોકો બૂમો હઉ પાડે, 'અરે, ચંદુભાઈ લપસી પડશો, જરા સાચવીને આવજો.' એવું આ મોટું લપસણું આકર્ષણ છે. એટલે અહીં આગળ જાગૃતિ બહુ જ જોઈએ. અહીં શુદ્ધ ઉપયોગ ગોઠવો. જ્યાં આકર્ષણ થાય, ત્યાં શુદ્ધાત્મા જોઈને, પ્રતિક્રમણ વિધિ બધું કરીને એ બધું ચોખ્ખું કરી નાખવું. બધે કાંઈ આકર્ષણ હોતું નથી.

પ્રશ્નકર્તા : આકર્ષણનું પ્રતિક્રમણ કરવું પડે ?

દાદાશ્રી : હાસ્તો ને ! આકર્ષણ-વિકર્ષણ આ શરીરને થતું હોય તો આપણે ચંદુભાઈને કહેવું પડે કે, 'હે ચંદુભાઈ, અહીં આકર્ષણ થાય છે તો પ્રતિક્રમણ કરો.' તો આકર્ષણ બંધ થઈ જાય. આકર્ષણ-વિકર્ષણ બેઉ છે તે આપણને રઝળાવનારાં છે. આ પુદ્ગલ શું કહે કે, 'તમે શુદ્ધાત્મા થઈ ગયા એનો મને વાંધો નથી, પણ તમારો મોક્ષ ક્યારે થશે ? અમે તો શુદ્ધ પરમાણુ રૂપે હતા, પણ તમે જ અમને બગાડ્યા છે. માટે અમને શુદ્ધ કરી નાખો. જેવા હતા તેવા કરી નાખો તો તમે છૂટશો. જ્યાં સુધી અમને શુદ્ધ કરશો નહીં ત્યાં સુધી તમે છૂટશો નહીં'. આ પુદ્ગલનો નિકાલ ના થાય ત્યાં સુધી એ છોડે નહીં. તેથી આપણે આ બધી ફાઈલોનો સમભાવે નિકાલ કરવાનું કહ્યું; તે પરમાણુ શુદ્ધ થવા માટે કહેલું છે.

પુદ્ગલની પોતાની એવી જુદી જુદી શક્તિઓ છે કે આત્માને આકર્ષણ કરે છે. એ શક્તિથી જ પોતે માર ખાધો છે ને ! આત્મા છે તે પુદ્ગલની શક્તિ જાણવા નીકળ્યો કે આ શું છે ? આ કઈ શક્તિ છે ? હવે એમાં એ પોતે જ ફસાયો ! હવે શી રીતે છૂટે ?! પોતાનાં સ્વરૂપનું ભાન થાય તો છૂટે !

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18