ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18



બ્રહ્મચર્ય (ઉર્તરાધ)

ખંડ : ૧

પરણિતો માટે બ્રહ્મચર્યની ચાવીઓ....

[૭]

વિષય એ પાશવતા જ !

દસ વર્ષ સુધી તો દિગંબર !

પણ અમારા વખતની એ પ્રજા એક બાબતમાં બહુ સારી હતી. વિષય વિચાર નહીં. કોઈ સ્ત્રી તરફ ખરાબ દ્રષ્ટિ નહીં. હોય, સેકડે પાંચ-સાત ટકા માણસ એવા હોય ખરાં. તે ફક્ત રાંડેલીઓ જ ખોળી કાઢે. બીજું કશું નહીં. જે ઘરે કોઈ રહેતું ના હોય ત્યાં. રાંડેલી એટલે વર વગરનું ઘર એમ કહેવાય. અમે ચૌદ-પંદર વર્ષનાં થયાં, ત્યાં સુધી છોકરીઓ જુએ તો બેન કહીએ. બહુ છેટેની હોય તો ય. એ વાતાવરણ એવું હોય. કારણ કે દસ-અગિયાર વર્ષનાં હોય ત્યાં સુધી તો દિગંબરી ફરતા ! દસ વર્ષનાં હોય તો ય દિગંબર ફરતો હોય. દિગંબર એટલે સમજ્યા ?

પ્રશ્નકર્તા : હા, હા. ખ્યાલ આવી ગયો.

દાદાશ્રી : અને એ ઘડીએ મા કહે પણ ખરી, 'રડ્યા, દિગંબર, લૂંગડું પહેર, પયગંબર જેવો.' દિગંબર એટલે દિશાઓ રૂપી લૂગડાં. એટલે વિષયનો વિચાર જ ના આવે. એટલે ભાંજગડ નહીં. તે વિષયની જાગૃતિ જ નહીં.

પ્રશ્નકર્તા : એટલે સમાજનું એક જાતનું પ્રેશર એટલે ?

દાદાશ્રી : ના, સમાજનું પ્રેશર નહીં. મા-બાપનું વલણ, સંસ્કાર ! ત્રણ વર્ષનું છોકરું એ ના જાણતું હોય કે મારાં મા-બાપને આવો કંઈ સંબંધ છે. એટલી બધી સુંદર સિક્રસી હોય ! અને એવું હોય તે દહાડે છોકરાં બીજા રૂમમાં સૂતાં હોય. એ મા-બાપનાં સંસ્કાર. અત્યારે તો પેણે બેડરૂમ ને પેણે બેડરૂમ. પાછાં ડબલબેડ હોય છે ને ?

અને કોઈ પુરુષ તે દહાડે એક પથારીમાં સ્ત્રી જોડે સૂવે નહીં. કોઈ ના સૂવે. તે દહાડે તો કહેવત હતી કે સ્ત્રી સાથે આખી રાત સૂઈ જાય તો તે સ્ત્રી થઈ જાય, એના પર્યાય અડે. તે કોઈ આવું ના કરે. આ તો કો'ક અક્કલવાળાએ શોધખોળ કરી. તે ડબલબેડ વેચાયા જ કરે ! એટલે પ્રજા થઈ ગઈ ડાઉન. ડાઉન થવામાં ફાયદો શો થયો ? પેલા તિરસ્કાર બધા જતા રહ્યા. હવે ડાઉન થયેલાંને ચઢાવતાં વાર નહીં લાગે.

મા બાપ જ કુસંસ્કારે વિષયમાં

અલ્યા, આ ડબલબેડ તે હિંદુસ્તાનમાં હોતાં હશે ? કઈ જાતના જાનવરો છે ? હિન્દુસ્તાનના સ્ત્રી-પુરુષો કોઈ દહાડો ભેગા એક રૂમમાં હોતાં જ નહી ! હંમેશા જુદી જ રૂમમાં રહેતા હતા ! તેને બદલે આ જો તો ખરાં !! અત્યારે આ બાપ જ બેડરૂમ કરી આપે, ડબલબેડ ! તે પેલાં સમજી ગયાં કે આ દુનિયા આવી જ ચાલ્યા કરે છે. એ બધું મેં જોયેલું આ.

એકંદર સારું છે, આ છોકરા બધા યુઝલેસ નીકળ્યાં છે ને ! સાવ જૂઠો માલ, તદ્ન જૂઠો માલ. પણ એમને કહ્યું હોય કે આ હોલમાં પચ્ચીસ જણ સૂઈ જાવ, તો તરત બધા સૂઈ જવાના. અને એને બાપ શીખવાડે કે જાવ, ડબલબેડ લઈ આવ. એટલે પાછું એવું ય શીખી જાય બિચારા. એમને એવું કંઈ નથી. આજ ડબલબેડ હોય તો તેવું, અહીં આગળ બીજે દહાડે આમે ય હોય. એવું કશું નથી. આ તો બાપ વાંકા છે, બરકત નથી. એવો ઊંધે રસ્તે ચઢાવે છે. કે મા-બાપો જ અત્યારે વ્યવસ્થા કરે છે. અઢાર વર્ષનો થાય એટલે કહેશે, એની રૂમ બાંધ્યા પછી છે તે પૈણાવીએ એને આપણે. અલ્યા, રૂમ બાંધીને જોગવાઈ કરી આપે છે. પાછો ડબલ પલંગ લાવે છે. પેલો એમ જ જાણે કે મારે વારસામાં આટલું જ કરવા જેવું છે. મા-બાપને જ ભાન નથી બિચારાને. મા-બાપને જ કશું ભાન નથી, કેવી રીતે ચાલવું તે. એટલે છોકરો આનો કાયદો જ જાણતો નથી ને ! એ તો એમ જ જાણે, છોકરો નાનો હોય ત્યારથી જ એમ જાણે, 'તારા પપ્પા કયાં સૂઈ જાય છે ?' ત્યારે કહે, 'આ ડબલબેડવાળી રૂમમાં અને હું તો પેલી રૂમમાં સૂઈ જઉં છું.' એ સમજે કે ડબલબેડ ચાલુ પહેલેથી છે !

પ્રશ્નકર્તા : આ જે સાથે સૂવાની પ્રથા છે, એ અમુક પ્રથાઓ જ ખોટી છે ?

દાદાશ્રી : એ બધી પ્રથાઓ ખોટી છે. આ તો સમજણવાળી પ્રજા નહીં ને, તે ઊંધું ઘાલી દીધું છે બધું ! પછી છોકરા-છોકરીઓ એમ જ માની લે છે કે આ પ્રમાણે હોય જ, આ જ મુખ્ય વસ્તુ છે. તે ય જો સ્ત્રીને એના ધણીમાં જ ચિત્ત કાયમ રહેતું હોય તો વાંધો નથી.

પ્રશ્નકર્તા : પણ તે કાયમ રહેતું નથી ને ?

દાદાશ્રી : અરે, બીજું જુએ છે ત્યારે પાછો બીજો ડખો કરે છે. એટલે ભાંજગડ છે. એ મૂળમાંથી ઉડાડી દેવા જેવી વસ્તુ છે. એનાથી જ બધો સંસાર ઊભો રહ્યો છે.

સ્ત્રીસંગ છૂટે તે થાય ભગવાન !

એ સ્ત્રીઓનો સંગ જો પંદર દહાડા મનુષ્ય છોડેને, મનુષ્ય પંદર દહાડા છેટો રહે, તો ભગવાન જેવો થઈ જાય.

પ્રશ્નકર્તા : પંદર દહાડા બૈરાથી દૂર જતાં રહીએ તો બૈરાઓ પછી વહેમ ખાય અમારા ઉપર.

દાદાશ્રી : એ ગમે તે કહો, એ બધી વકીલાત કહેવાય. એ ગમે એટલી વકીલાત કરો તો ચાલે વકીલાતમાં, જીતો ખરા, પણ એક્ઝેક્ટ પુરાવા નથી એ.

અમે કહીએ છીએ, એકલાં જુદા રૂમમાં સૂઈ જવાનું, એમાં શું સાયન્સ હશે ? સાયન્ટિફિક કારણ છે આની પાછળ. વરસ દહાડો છૂટા રહીને પછી તમે એક પથારીમાં સૂઈ જાવને, તો જે દહાડે એ બહારથી બહુ જ આખો દહાડો તપીને આવ્યો હોય ને, તે પસીનો સોઢશે તમને. અને આ બઈને ય પસીનો સોઢશે. ગંધ ઉત્પન્ન થશે. પેલી ગંધ ના ખબર પડે. નાક, આ ઇન્દ્રિય ખોવઈ જાય. ડુંગરી રોજ ખાનારાને ડુંગરી છે, તે આખા ઘરમાં ભરેલી હોય તો ય એને ગંધ ના આવે. અને ડુંગરી ના ખાતો હોય, તેને અહીંથી બસો ફૂટ છે તે ડુંગરી હોય તો એને ગંધ આવે. એટલે આ સૂઈ જાય એટલે નાકની ઇન્દ્રિય બધી ખલાસ થઈ જાય. નહીં તો જોડે સૂવાતું હશે ! આ ડુંગરીની વાત સમજણ પડી તમને ?

પ્રશ્નકર્તા : પડી ગઈ, બરાબર.

દાદાશ્રી : આવું જ્ઞાને ય મારે આપવાનું ?! તમારે બધાએ જાણવું જોઈએ આવું જ્ઞાન તો ! આ તો મારે કંઈ જણાવી આપવું પડે ?!

પ્રશ્નકર્તા : જ્યાં સુધી તમે બોલો નહીં ત્યાં સુધી એ આવરણ ખસે નહીં. ગમે એટલું જાણે તો ય. વચનબળથી જ ખસે બધાને.

ડબલબેડે બેવડો વિષય !

દાદાશ્રી : અને એક પથારી તો કોઈ દહાડો ય અમે જોયેલી નહીં. અને અત્યારે તો આજના જમાનાના બધા ભણેલા લોકોએ, ડબલ બેડ લાવી આલો બાબાને. મેરચક્કર, અત્યારથી આવું શીખવાડું છું ?! ડબલ બેડ હોતો હશે મૂઆ ?! એ તો વાઈલ્ડનેસ પેસી ગઈ. જે બ્રહ્મચારીઓનો દેશ, વાનપ્રસ્થાશ્રમને પૂજનારો દેશ ! ડબલબેડનો અર્થ સમજી ગયાને તમે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : પૈણાવતાં પહેલા ડબલ બેડ વેચાતું મંગાવે. બાપો મંગાવે એટલે પેલા છોકરા એમ જાણે કે આપણા બાપ-દાદા એમને લઈ આપતા હશે. એવું આપણને લઈ આપે. વારસાગતથી રિવાજ છે આ શું ? આ કેટલી બધી હિંસા ?! આ તો આપણા મહાત્માઓને કહેવાય, બહાર તો બોલાય નહીં. બહાર તો જે પ્રવાહ ચાલી રહ્યો છે એ પ્રવાહના અવળા ચાલીએ એ ગુનો છે. કુદરતી પ્રવાહ છે. આ તો મહાત્માઓ પૂરતી વાત છે. આ સાપેક્ષ વાત છે. આ કંઈ નિરપેક્ષ વાત નથી. એ ડાહ્યા થઈ શકે એવા છે તેના પૂરતી, બહાર તો વાત કહેવાય જ નહીંને ! આ તો દુનિયા કંઈ ફરવાની છે ? દુનિયા તો એના રંગેરાગે જ ચાલ્યા કરવાની છે. ડબલ બેડ જ વેચાતું લાવે. હું બૂમ પાડું ને બહાર તો ગાંડા કહે, હું પાડું જ નહીં ને મને ગાંડા કહે એવું કહું યે નહીં. ઊલ્ટો એ પૂછવા આવે કે આ ડબલ બેડ લાવીએ છીએ, એમાં આપને વાંધો ? તો કહું ના બા, મને કોઈ વાંધો નથી. થ્રી બેડ રાખો ને સાથે. વાંધો શો છે ?! એ તો જેને આ પ્રાપ્તિ થઈ છે, તેના માટે વાત છે.

આ બાબતમાં વિચાર્યું જ નથી ને ! આ કોઈએ કહ્યું નથી, આમાં તો ઠપકોએ નહીં આપ્યો કોઈએ, સમજણ જ પાડી નથી. ઊલ્ટી આને ઉત્તેજના આપ્યા કરી કે ડબલબેડ જોઈએ. આમ જોઈએ, તેમ જોઈએ....

ડબલ બેડની સિસ્ટમ બંધ કરો ને સિંગલ બેડની સિસ્ટમ રાખો. પહેલાં હિન્દુસ્તાનમાં કોઈ માણસ આવી રીતે સૂતો નથી. કોઈ પણ ક્ષત્રિય નહીં. ક્ષત્રિય તો બહુ કડક હોય પણ વૈશ્ય ય નહીં. બ્રાહ્મણો ય આવી રીતે નહીં સૂવે, એક પણ માણસ નહીં ! જો કાળ કેવો વિચિત્ર આવ્યો ? આપણે ત્યાં તો ઘરમાં જુદી રૂમ નહોતા આપતાં પહેલાં.

પહેલા તો કો'ક દહાડો વહુ ભેગી થઈ તે થઈ. નહીં તો રામ તારી માયા ! કુટુંબ મોટાં હોય એટલે સંયુક્ત કુટુંબ તે. અને અત્યારે તો રૂમ જુદી તે જુદી પણ બેડ પણ સ્વતંત્ર, ડબલ બેડ.

આ તો બહુ ઝીણી વાત નીકળે છે.

સુવે ડેલામાં પતિ ને ઓરડામાં પત્ની !

પ્રશ્નકર્તા : આપનું વાક્ય નીકળેલુંને કે પુરુષો બૈરા જોડે સૂઈ ને આટલાં મોટા મરદ માણસ બૈરા જેવા થઈ જાય.

દાદાશ્રી : થઈ જાયને ! અલ્યા મૂઆ, એક પથારીમાં સૂવાતું હશે ! અલ્યા, કઈ જાતનું માણસ છે તે ?! એ સ્ત્રીની ય શક્તિ ઉડી જાય અને બીજી એની શક્તિ, બન્નેની શક્તિ ડિફોર્મ થઈ જાય છે. અમેરિકાવાળાને માટે બરોબર છે, પણ એમનું જોઈને આપણે ય લાવ્યા ડબલબેડ, કિંગ બેડ !

ખરા પુરુષો કેવા હોય ! અમારા ગામની વાત કરું. બ્રહ્મચર્યની વાત નીકળી ત્યારે મને સારા-સારા માણસો ભેગા થયેલા, નાનપણથી જ એવા સંયોગો લઈને આવેલો. તે એક પુરુષ સિત્તેર વર્ષના દેખાવડા હતા. એમની યાદશક્તિ સુંદર, મોઢાં ઉપર નૂર કેટલું બધું. મેં કહ્યું, આ દેખાવડા શી રીતે હશે ? આમાં કંઈ જ્ઞાન-બાન હશે ? જ્ઞાની દેખાવડો હોય કે કાં તો બ્રહ્મચારી દેખાવડો થોડો હોય ! એટલે મેં કહ્યું, આ પાટીદારમાં કંઈ જ્ઞાન હોય નહીં, માટે આપણી બધી તપાસ કરો. કે શું કારણ છે આની પાછળ ? તે અમારા સગા થતા હતા. ને મારી સત્તર વર્ષની ઉંમર ! આ પટેલ આવા દેખાય છે. બીજા પટેલ બધા આવા દેખાય છે. આ પટેલમાં કંઈ અજાયબી છે. એનાં છોકરાં કંઈ રૂપાળા !

એક દા'ડો હું એમના ત્યાં ગયો. ત્યારે મેં કહ્યું, 'કાકા, હું ઘેર જઈ આવું ?' એ ડેલામાં બેસી રહે. ઘરે ય ખરું ને, ડેલું ય ખરું બેસવાનું. બેઠકનો રૂમ, નવું જુદું. ત્યાં બસો-ત્રણસો ફૂટ છેટે ઘરથી. પછી, 'બેસને, હવે અહીં ચા મંગાવું છું. તું બેસ અહીં, ચા મારી આવશે. તું ચા થોડી પીજે.' ત્યારે મને ગમ્યું. મારે એમની જોડે વાત કોઈ પણ રસ્તે કરવી'તી. એટલે પછી મેં કહ્યું, 'કાકા ક્યાં સૂઈ જાવ છો તમે ?' ત્યારે કહે, 'મારે અહીં સુઈ જવાનું.' મેં કહ્યું, 'કેટલા વર્ષથી ?' ત્યારે, 'જ્યારથી પૈણ્યો ત્યારથી અહીં.' 'હેં', હું તો ચમક્યો. મેં કહ્યું, 'આ શું !' ત્યારે હું વધારે ઊંડો ઉતર્યો. 'કાકા, મને આમાં ઈન્ટરેસ્ટ છે. થોડી વાત કરોને. આ કાકી કોઈ દા'ડો અહીં આવે છે ?' ત્યારે કહે, 'મહિનામાં બે દા'ડા બોલાવવાના, બસ.' મેં કહ્યું, 'આ હારો ચળકાટ ! આ અજવાળું શેનું ? ક્યાંથી લાયા ? તમે પાટીદાર જુઓ !' ત્યારે મેં કહ્યું, 'શું કરો છો ?' ત્યારે કહે છે, 'કોઈ દા'ડો એક પથારીમાં સૂઈ ગયો નથી અને પાંત્રીસ વર્ષથી વાનપ્રસ્થાશ્રમમાં જ છું. એક પથારીમાં જો બે જણ સૂએ તો બેઉ સ્ત્રીઓ થઈ ગઈ. એનો સંગ લાગ્યો અને સંગ મને લાગ્યો નથી ?' ધન્ય છે કાકા, આ ઉંમરમાં ! હું તો સજ્જડ થ

ઈ ગયો. ત્યારથી મને એ ચેપ લાગ

ી ગયો બધો. પછી પથારી જુદી સમજતો થયો. અને અત્યારે તો બાપ દિકરાને કહે છે, 'જા, ડબલબેડ લઈ આવ, ભલે ત્રણસો ડોલર લેતાં હોય.' એટલે પેલો જાણતો જ નથી કે બાપા ય ડબલબેડમાં હતા, એમના દાદા ય ડબલબેડમાં હશે. એટલે મૂઆ, દાદાને હતો જ નહીં આવો ડબલબેડ ! આવું ના બોલવું જોઈએ છતાં જો બોલું છું ને ! આવું ના બોલવું જોઈએ ને ?

પ્રશ્નકર્તા : શા માટે નહીં ?

દાદાશ્રી : કોઈને દુઃખ થાય ને ! આવી રીતે બોલીએ પણ અમે તો જ્ઞાની પુરુષ એટલે કોઈને દુઃખ ના થાય. હું ગમે તેવુ બોલું તો ય અમને જ્ઞાની પુરુષને અંદર વીતરાગતા હોય અને રાગ-દ્વેષ ના હોય. અમને કોઈની પર ચીડ ના હોય. એટલે અમે બોલી શકીએ. પણ આ તમે સમજ્યા ને ? આ બ્રહ્મચર્યનું પૂછયું ત્યારે મારે આ ઉઘાડું કહેવું પડ્યું નહીં તો હું કહું નહીં આવું.

પ્રશ્નકર્તા : છૂટવાનું જ્ઞાન છે ને ! પછી એ શક્તિનો ઉપયોગ થાય ને બીજામાં.

દાદાશ્રી : હા માટે. માટે કંઈ નિયમ રાખજો. આ બધાંને ? શું કહું !

ન યાદ આવે આત્મા બેડરૂમમાં !

પ્રશ્નકર્તા : હું તો મારી વાત કરું છું કે જ્ઞાન લીધાં પછી, સતત કેવળ આ ભાવ કરું છું છતાં નથી છૂટતું.

દાદાશ્રી : ના, પણ એ તો પહેલાંનો હિસાબ છેને ! એટલે છૂટકો જ ના થાય.

પ્રશ્નકર્તા : વિષય નથી, પણ હૂંફને માટે. એમ થાય કે ના, સાથે સૂવું જ છું.

દાદાશ્રી : ના, એમ નહીં પણ એ તો એ જે આ હિસાબ છે ને, તે હિસાબ બધો ચૂકતે થાય છે. હા, એ ચૂકતે હિસાબ થયો ક્યારે કહેવાય, સાથે સૂઈ જતાં હોય અને ના ગમતું હોય એ બધું, અંદર ગમતું ના હોય અને સૂઈ જવું પડતું હોય. ત્યારે હિસાબ ચૂકતે થયા. પણ ગમે છે કે નહીં એટલું તો પૂછી લેવું.

પ્રશ્નકર્તા : પોતાને ગમે, પણ મહીંથી પ્રજ્ઞાશક્તિ અથવા સમજ ચેતવે છે.

દાદાશ્રી : મનને તો ભલે ગમે, પણ આપણને ગમે ?

તમને સમજાયું ને, આ ભૂલ ક્યાં છે, કેવી થયેલી છે ? અને ભૂલ તો ભાંગવી પડશે ને ? પ્રારબ્ધમાં હોય તે ભોગવવાનું, પણ ભૂલ તો ભાંગવી જ પડે ને ? ભૂલ ભાંગવી ના પડે ?

અલ્યા, 'બેડરૂમ' ના કરાય. એ તો એક રૂમ હોય, તે બધાં ભેગાં સૂઈ રહેવાનું ને પેલી તો સંસારી જંજાળ ! આ તો 'બેડરૂમ' કરીને આખી રાત સંસારની જંજાળમાં પડ્યો હોય. આત્માની વાત તો ક્યાંથી યાદ આવે ? 'બેડરૂમ'માં આત્માની વાત યાદ આવતી હશે ?!

મનુષ્યપણું ખોઈ નાખે છે. આખા બ્રહ્માંડને ધ્રુજાવે એવાં લોક, જુઓને, આ દશા તો જુઓ ! આ હીન દશા જુઓ. તમે સમજ્યા મારી વાત ?

આ વિષયભોગનાં ઓહોહો ! પરિણામ તે કેવાં ?!

આત્મામાં કેટલી શક્તિ હશે ? અનંત શક્તિઓ છે આત્મામાં. પણ બધી શક્તિઓ આવરેલી પડેલી છે. જયારે 'જ્ઞાની પુરુષ' પાસે જાવ ત્યારે એ આવરણ કાઢી આપે ને આપણી શક્તિઓ ખીલી ઊઠે. મહીં સુખે ય પાર વગરનું પડયું છે. છતાં વિષયોમાં સુખ ખોળે છે. અરે, વિષયમાં સુખ હોતું હશે ? આ કૂતરાને ય ખાવા-પીવાનું આપ્યું હોય ને તો તે ય બહાર ના નીકળે. આ તો ભૂખને લીધે બિચારાં બહાર ફર્યા કરે છે. આ મનુષ્યો આખો દહાડો ખાઈને ફર્યા કરે છે. એટલે મનુષ્યોને ભૂખનું દુઃખ મટયું છે, ત્યારે આ લોકોને વિષયોની ભૂખ લાગી છે. મનુષ્યમાંથી પશુ થવાનો હોય ત્યાં સુધી જ વિષય છે. પણ મનુષ્ય પરમાત્મા થવાનો હોય તો એને વિષય ના હોય. વિષય એ તો જાનવરોની કોડ લેંગ્વેજ છે, પાશવતા છે, 'ફૂલ્લી' પાશવતા છે. એટલે એ તો હોવી જ ના જોઈએ.

પ્રશ્નકર્તા : વિષયદોષથી કર્મનું બંધન થાય છે, એ કેવા સ્વરૂપનું હોય છે ?

દાદાશ્રી : જાનવરના સ્વરૂપનું. વિષયપદ જ જાનવર પદ છે. પહેલાં તો હિન્દુસ્તાનમાં નિર્વિષયી-વિષય હતો. એટલે કે એક પુત્રદાન પૂરતો જ વિષય હતો.

એટલે આ મોહ છે, બેભાનપણું છે. આ તો અમે વાત કરીએ, બાકી આવી વાત કોઈ કરે નહીં ને ?! આવું કહે ત્યારે તો વૈરાગ આવે લોકોને !!

પ્રશ્નકર્તા : વૈરાગ ટકે એવો કોઈ નિયમ છે ?

દાદાશ્રી : વૈરાગ ટકે તો તો કામ જ કાઢી નાખે. વૈરાગ વિચાર વગર ટકે નહીં. સતત વિચારશીલ હોય તેને જ વૈરાગ ટકે. 'હું ભોગવું છું' કહે. અલ્યા, આમાં શું ભોગવવાનું છે ? જાનવરોને ય શરમ આવે આમાં તો ! ભોગવવાથી જ આ બધું ભૂલી જાય છે પછી. કર્તા-ભોક્તા થયો કે બધો ઉપદેશ ભૂલી જાય. કર્તા-ભોક્તા ના થયો તો બધો ઉપદેશ એને ખ્યાલમાં રહ્યા કરે. તો જ વૈરાગ રહે ને ? નહીં તો વૈરાગ રહે જ નહીં ને !

આખી દુનિયા બ્રહ્મચર્યને 'એક્સેપ્ટ' કરે છે. જેનાથી પછી બ્રહ્મચર્ય નથી પાળી શકાતું એ જુદી વાત છે. અબ્રહ્મચર્ય એ મનુષ્યમાં રહેલી પાશવતા છે. હરેક જગ્યાએ અબ્રહ્મચર્યને પાશવતા ગણી છે. તેથી તો અબ્રહ્મચર્યની દિવસે ના પાડી છે. કારણ કે એ પાશવી ઉપચાર છે. માટે રાત્રે અંધારું થાય ત્યારે કોઈ દેખે નહીં, જાણે નહીં, આપણી આંખ પણ દેખે નહીં, એ રીતે કરવામાં આવે છે. મનુષ્યોને તો આ બધું શોભે ? તેથી જ તો આપણા લોકોએ ગોઠવેલું કે રાત્રે અંધારામાં જ વિષય સેવવાનું રાખવું. સૂર્યનારાયણની હાજરીમાં જો વિષય સેવન કરશો તો હાર્ટફેઈલના ભણકારા વાગશે, હાઈ બ્લડપ્રેશર થાય કે લો બ્લડપ્રેશર થાય અને હાર્ટફેઈલ થઈ જશે. એટલે વિષય એ અંધારામાં સેવન કરવાની વસ્તુ છે. લખ્યું છે ને, કે 'છૂપાં રાખવાં પડે છે જે કામ.' એટલે આ વિષય કેવી વસ્તુ છે, છૂપું રાખવું પડે. કોઈને કહેવાય પણ નહીં. છતાંય શાસ્ત્રકારોએ એલાઉ કર્યું છે કે બધાની રૂબરૂ પૈણો છો, માટે હક્કદાર છો.

કેટલું શરમ ભરેલું ?

પ્રશ્નકર્તા : દાદા બ્રહ્મચર્ય ઉપર વધારે ભાર આપે છે અને એમ કે અબ્રહ્મચર્ય પ્રત્યે તિરસ્કાર દાખવે છે. પણ આમ કરીએ તો સૃષ્ટિ ઉપરથી માનવોની સંખ્યા પણ ઘટશે, તો આ બાબતમાં આપનો શો અભિપ્રાય છે ?

દાદાશ્રી : આટલાં બધા ઓપરેશન કરવાથી સંસાર ઘટતો નથી, તે બ્રહ્મચર્ય પાળવાથી શું ઘટશે ?! એ સંસાર ઘટાડવા માટે તો ઓપરેશન કરે છે પણ તો ય ઘટતો નથી ને ! બ્રહ્મચર્ય તો મોટું સાધન છે.

પ્રશ્નકર્તા : પણ એ તિરસ્કાર થયો ના કહેવાય ?

દાદાશ્રી : તિરસ્કાર ના કહેવાય.

પ્રશ્નકર્તા : આ નેચરલ જે પ્રોસેસ છે, એ પ્રત્યે આપણે તિરસ્કાર કરીએ છીએ એવું ના કહેવાય ?

દાદાશ્રી : નેચરલ પ્રોસેસ છે નહીં, આ તો પાશવતા છે. નેચરલ પ્રોસેસ છે નહીં, માણસમાં જો નેચરલ પ્રોસેસ હોય તો બ્રહ્મચર્ય પાળવાનું હોય જ નહીં ને ! આ જાનવર બ્રહ્મચર્ય પાળે છે બિચારા, પછી અમુક સિઝન પૂરતાં જ પંદર-વીસ દહાડા વિષય, પછી કશું જ નહીં.

આ તો કાયમ વિષય, તો પશુ જ છે ને, મનુષ્ય પશુ જ થઈ ગયા છે ને ! એટલે આ કહેવું પડે છે ને મારે ! ત્યારે જ છે તે આ ઓપરેશન કરવાનો વખત આવ્યો ને, કોઈ ગાય-ભેંસનું ઓપરેશન કરવાનો વખત આવે છે ?

આમને તો વસ્તી ના વધે. એટલા સારું આમને ખસી કરવા માંડ્યા મનુષ્યોને. પહેલાં બળદને ખસી કરતાં હતા, આજ મનુષ્યોને ખસી કરી રહ્યા છે. કેટલી શરમ આવવા જેવી વાત કહેવાય !

આ ખસી કરાવે છેને તે ખોટું કહેવાય. ખસી કરાવે છે લોકો ? સરકાર શું કહે છે, ખસી કરો ?

પ્રશ્નકર્તા : હા, કરો અને જાતે જઈને લોકો કરાવે છે.

દાદાશ્રી : સરકાર કહે છે એક, દો ને ત્રણ, એક-બે અમે, બીજું બધું ખસી ! આપણે શું કહીએ છીએ, ભઈ ચાર છોકરા થાય તો ય પણ ફરી આ બ્રહ્મચર્ય પાળને અને સંસારમાં સ્ત્રી સાથે રહું તો ય બ્રહ્મચર્ય એટલે શું ? કે મહિનામાં ચાર દહાડા કે પાંચ દહાડા ઠીક છે, તે બાર મહિને બાર પચા સાંઠ દિવસ થાય. પણ આ તો સવાર થઈ, સાંજ થઈ, ધંધો જ આ. તે બીબી ચઢી વાગે પછી. બીબી બા કહેવડાવે કેટલાંક લોકોને. પેલા માંગણી કરે, વિષયની ભીખ માંગે છે આ હિન્દુસ્તાનના લોકો, ઋષિમુનિઓના પુત્રો, શરમ આવે એવી ચીજ છે. વિષયની ભીખ માંગે છે, તમને નથી લાગતું ? આ શરમ ભર્યું લાગતું નથી ?!

પ્રશ્નકર્તા : શરમ ભર્યું છે જ.

બુદ્ધિશાળી પણ બૈરી આગળ બુધ્ધું !

દાદાશ્રી : અને આ તો રોજ ઝઘડે મૂઆ. રોજ વિષયમાં, જાણે કૂતરું થઈ ગયું અને કેટલાંક તો માંગણી કરે છે, બીબી તમે મને આપો આ. અલ્યા મૂઆ, બીબી પાસે માંગણી કરી ?! તે આ કેવી શોધખોળ કરી ? જુઓને, આ જાનવરપણા થઈ ગયા છે. બિલકુલ મોટા મોટા ઓફિસરો, તે બધું જાનવરપણું થઈ ગયું છે. આવું શોભે આપણને અને વિષય કરતી વખતે કોઈ માણસ, હમણે મોટો સાહેબ વિષય કરતા હોય, તે ઘડીએ ફોટો લે તો, ફોટો કેવો દેખાય ? મોટા સાહેબને દેખાડીએ તો ?

પ્રશ્નકર્તા : ઘૃણા આવે એવો.

દાદાશ્રી : તો પછી આવી શરમ નથી આવતી. પોતાનો ફોટો ના દેખાય આપણને કે મારું સાલું આ. હું કૂતરા જેવો છું કે ગધેડા જેવો છું ?! એવી શરમ ના આવે પોતાને ?

આમ પર્સનાલિટીવાળો ઓફિસર હોય, બહાર બધા થા, થા, થૈ, થૈ કરતા હોય, પણ વિષય ભોગવતી વખતે તો એ જાનવર જ થઈ જાય ને ?! બીજા કશામાં જાનવર નથી થતો, દારૂમાં ય એ જાનવર નથી થતો.

છતાં સ્ત્રી ઉપર તિરસ્કાર કરવાનો નથી, સ્ત્રીનો દોષ નથી, આ તો તમારી વાસનાઓનો દોષ છે. સ્ત્રી ઉપર તિરસ્કાર કરાય નહીં. સ્ત્રી તો દેવીઓ છે. વિષય ઉપર તિરસ્કાર નથી, વાસના ઉપર તિરસ્કાર છે અને આ વાસના દેખાદેખીથી છે પાછી !

પ્રશ્નકર્તા : પશુ તો ભોગ પ્રધાન છે એટલે કરે છે, પણ માણસ તો વિચાર કરનારો છે, તો પણ આ સ્થિતિ છે !

દાદાશ્રી : પણ પશુના જેવાં ય ગુણ નથી રહ્યા, પશુ તો નિયમમાં હોય. કુદરતના જ્યારે સંજોગ બાઝે છે, ત્યારે પશુમાં પાશવતા ઉત્પન્ન થાય છે. પણ આ મનુષ્યને તો રોજની પાશવતા છે. મનુષ્યને મનુષ્યપણું જ ક્યાં રહ્યું છે ? અને પશુમાં તો દગો-ફટકો કશું નહીં ને, આ તો નિરંતર દગા-ફટકામાં જ સપડાવાનું, નિરંતર દગો-ફટકો.

એ સ્ત્રી-પુરુષના ભોગ હતા, એ અમુક છે તે સત્યુગ-દ્વાપર, થોડો કાળ ત્રેતાનો ય ખરો, પછી ખલાસ થઈ ગયા છે, સિન્સયારિટી ગોન.

પ્રશ્નકર્તા : એટલે એ કાળનો પ્રભાવ ?

દાદાશ્રી : કાળનો પ્રભાવ.

પ્રશ્નકર્તા : તો માણસ એમાં શું કરે પછી તો ?

દાદાશ્રી : માણસ શું કરે, એટલે ?! એટલે માણસે સમજવું જોઈએ.

પ્રશ્નકર્તા : એ સમજણની દ્રષ્ટિ ઉઘાડી આપનાર કો'ક જોઈએને ?

દાદાશ્રી : જોઈએ.

વિષય સંબંધમાં કોઈએ વિચાર જ કર્યો નથી, લોક સંજ્ઞાથી. એ પછી એમાં શું શું દોષ છે, તે જોયા જ નથી કોઈ જગ્યાએ. દુનિયામાં કોઈ ચીજમાં દોષ ના હોય એટલો દોષ અબ્રહ્મચર્યમાં છે. પણ જો કે જાણતાં નથી એટલે શું થાય ? લોકસંજ્ઞા આની આ જ ચાલી છે, પાશવતાની જ. પશુમાં નથી હોતું, તે માણસની લીલા જોઈને અજાયબી જ થાય ને !

દક્ષિણમાં આંબા છે બારમાસી કેરીઓના, કેરાલામાં. તે બાર મહિના, એક આ ડાળ છે તે આ મહિનામાં, આ ડાળ આ મહિનામાં, આ ડાળ આ મહિનામાં કેરી આપ્યા કરે. એવું આ લોકોએ બારમાસી છે ને અબ્રહ્મચર્યમાં ! પશુઓ જેવો મહિના પૂરતા છે કે પંદર દહાડા પૂરતા !?

પ્રશ્નકર્તા : આનો વિચાર જ કોઈએ કર્યો નથી.

દાદાશ્રી : ભાન જ નથી એ વસ્તુનો. છતાં પ્રકૃતિ બંધાયેલી હોય તો લગ્ન કરવું અને લગ્ન પછી ય મહિનામાં બે-ત્રણ વખત હોય.

આટલો જ ટાઈમ, ઋષિમુનિઓ જેવું હોવું જોઈએ. પછી આખી જિંદગી મિત્રાચારીથી રહે. એક પહેલાં શરૂઆતમાં લગ્ન થતાંની સાથે બે-ત્રણ વર્ષમાં જરા પરિચય રહે, તે ય પરિચય કેટલું ? મન્થલી કોર્સ પછી પાંચ જ દિવસ આખા મહિનામાં, તે પછી નહીં. દરેક મન્થલી કોર્સને, તેમાં એક-બે પુત્ર કે પુત્રી થઈ ગયાં. પછી કાયમ માટે બંધ. પછી એ દ્રષ્ટિ જ નહીં.

કેવાં હતા ઋષિમુનિઓ !!!

પુત્રદાન તો આ અવશ્ય જરૂરિયાત છે, જેને મોહ હોય તેને. ખોટું નથી, ચીઢ રાખવા જેવી વસ્તુ નથી. પણ જે આમાં સુખ માની બેઠાં છે, એ એક પાશવતા છે. પશુ કોઈ દહાડો આમાં સુખ માનતા નથી. નહીં તો એમને ત્યાં ક્યાં પોલીસવાળા છે કે કોઈ બાધક છે ?! કોઈ ના પાડે છે ? પણ છે કંઈ એને કશું ભાંજગડ ? જોડે હરે-ફરે, પણ ભાંજગડ નથી ને ? આ તો મનુષ્યમાં આવ્યા ને જંગલી રહ્યા. હિન્દુસ્તાનમાં તે આવાં પાશવી કર્મ હોતા હશે ? કેવા ઋષિમુનીઓનો દેશ ! આખી જિંન્દગીમાં એક પ્રજા આપે, તે ય ભીક્ષા આપે, પત્ની ભીક્ષા માંગે ને એ આપે બસ. એટલી એક જ પ્રજા ! જુવો, એમની દશા તો જુઓ ! રાત-દા'ડો એ જ વિચાર આવ્યા કરે ! ઋષિમુનીઓ કેવાં હશે ? ડાહ્યાં નહીં હોય ? એમને વિષય ગમતો નહીં હોય ? વિષય તો જાનવરોને ગમતો નથી. એટલે બીચારાં એનો કાળ આવે છે એટલાં પૂરતો જ છે તે ઉશ્કેરાટ અનુભવે, એને તે ય કુદરતની પ્રેરણાથી પાછું, એ પોતાની પ્રેરણા હોય જ નહીં !

વિષય-વિકાર તો જાનવરોમાં ખરો. એ પછી ભ્રાંતિ નથી, એ કાયદેસરનો. એનો ટાઈમ થાય ત્યારે જ. બાકી આ મનુષ્ય તો જાનવર કરતાં ભૂંડા. એ રોજનું એને ધમાલ જ આ. દાનત જ આની આ. હવે વિષયવિકાર એટલે શું છે ? કે જે વિષયથી છોકરાં ઉત્પન્ન ના થાય. એ વિષય સંડાસ કહેવાય છે.

બ્રહ્મચારી એટલે મનુષ્યમાં દેવ જ !

પ્રશ્નકર્તા : તે એમાંથી મુક્તિ કેવી રીતે મેળવવી ?

દાદાશ્રી : તમારે મુક્તિ કરવી હોય તો હું કરી આપીશ. પણ બીજા લોકોને માટે તો કુદરત તૈયારી કરી રહી છે. એ વાળ્યા ન વળે ને, એ શેનાથી વળે ? તે હાર્યા વળશે. એ સાંધા તોડી નાખશે. કુદરત તો થોડો વખતમાં એવા સાંધા તોડી નાખશે, અહીં જો મારા વાળ્યા વળ્યા તો ઠીક છે, નહીં તો સાંધા તોડનારા તો છે જ તૈયાર પાછળ.

આ બ્રહ્મચર્યની કિંમત હશે ખરી ? અબ્રહ્મચર્ય એ શું ગુનો છે, એ લોકોના ખ્યાલમાં જ નથી. અને હું કંઈ બાવા થવાનું નથી કહેતો. સંસારી થઈને બ્રહ્મચર્ય પાળો. અને સંસારી થઈને જે બ્રહ્મચર્ય નથી પાળતા એ પાશવતા જ છે, ઉઘાડી ખુલ્લી પાશવતા છે, ઓપન પાશવતા !

આ તો ખાલી રોંગ માન્યતાથી જ આ બધું પેસી ગયું છે. બાકી, એક-બે બાળકની જ આશાઓ રાખે એટલાં જ પૂરતું જ છે આ. નહીં તો વિષય મનુષ્યમાં ના હોય તે ય ઊંચી નાતોમાં. હલકી નાતમાં હોય, જ્યાં મહેનત-મજૂરી કરવાની છે, જ્યાં ત્રાસ છે, ત્યાં હોય. ઊંચી નાતમાં તો સંયમ હોવો જોઈએ.

વિષયનો વિચાર જ ના આવવો જોઈએ. જ્યાં સુધી પાશવતા છે ત્યાં સુધી વિષયના વિચાર આવ્યા વગર રહે નહીં. મનુષ્યમાં પશુપણું છે, ત્યાં સુધી વિચાર આવે. પશુપણું ગયું કે વિચાર જતો રહ્યો. બ્રહ્મચર્ય તો, જ્યાં જુઓ ત્યાં એને બ્રહ્મચર્ય હોય. વિષય સંબંધી વિચાર જ ના આવે.

બ્રહ્મચર્યમાં આવ્યો એટલે દેવસ્થિતિમાં આવ્યો. મનુષ્યમાં દેવ ! કારણ કે પાશવતા ગઈ. એ પછી પાશવતા જાય એટલે દેવ જેવી સ્થિતિ ઊભી થાય. જ્યાં સુધી બ્રહ્મચર્ય આવ્યું નથી ત્યાં સુધી પાશવતા છે. નાના પ્રકારની, મનુષ્યમાં જ પાશવતા. વિષય ગયો તો શીલવાન કહેવાય.

એટલે આ વ્યવસ્થા કરેલી, પણ તેનો આ અર્થ બધો બગડી ગયો. જો એક જ પુત્રદાન આપ્યું હોય, એનો જે પ્રેમ છે, તે આખી જીંદગી સુધી ટકે. અપડાઉન થયા સિવાયનો !

અને આ ય લોકોને એક બાબો ને બેબી, બે જ હોય છે. પણ આ લોકો તો ઓપરેશન નામનું એક થીયેટર ખોલી કાઢ્યું છે. તે થીયેટરમાં જ રમ્યા કરે છે એટલે ઋષિમુનિઓને પછી લઢવાડ-બઢવાડ કશું નહીં. મિત્રાચારી. બાબો-બેબી ઉછેરે, મિત્રાચારીને પેઠ ! અને આમને આ કાયમનું. હવે કાયમનામાં શું થાય ભાંજગડ ? કે એકને ભૂખ લાગી છે ને એકને નથી લાગી. હવે નથી લાગી કહે છે કે મારે નહીં ફાવે. પેલો કહે, મારે ભૂખ લાગી છે. માર ઠોકાઠોક. એની આ લઢવાડો છે બધી. નહીં તો આખી જિંદગી મિત્રાચારીમાં એવું સુંદર રહે. એકબીજાને સિન્સીયર રહે. આખો દહાડો કકળાટ નહીં, કચકચ નહીં. આ કચકચ વિષયને લીધે છે.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18