ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18



બ્રહ્મચર્ય (ઉર્તરાધ)

ખંડ : ૧

પરણિતો માટે બ્રહ્મચર્યની ચાવીઓ....

[૮]

બ્રહ્મચર્યની કિંમત સ્પષ્ટ વેદન આત્મસુખ

અક્રમમાર્ગમાં બ્રહ્મચર્યનું સ્થાન કેટલું ?

પ્રશ્નકર્તા : આ જ્ઞાન મળ્યા પછી, દાદાનું જ્ઞાન મળ્યા પછી બ્રહ્મચર્યની આવશ્યકતા ખરી કે નહીં ?

દાદાશ્રી : બ્રહ્મચર્યની આવશ્યકતા તો જે પાળી શકે, તેને માટે ખરી ને ના પાળી શકે, તેને માટે નહીં. જો આવશ્યકતા જ હોય તો તો બ્રહ્મચર્ય ના પાળનારા માણસોને આખી રાત ઊંઘ જ ના આવે, કે આ તો હવે આપણો મોક્ષ જતો રહેશે. અબ્રહ્મચર્યને ખોટું છે, એવું જાણે તો ય બહુ થઈ ગયું.

એવું છે ને, આ વાતનો ખુલાસો આજે કહી દીધો. બ્રહ્મચર્ય અને અબ્રહ્મચર્યમાં આવશ્યક શું છે ? એનું રૂટ કૉઝ શું છે ? એ કોઈને જડે નહીં એવી વસ્તુ છે. તે આ રૂટ કૉઝ મેં તમને કહી દીધું. આ રૂટ કૉઝ જે છે, એ મૌલિક કહેવાય.

પ્રશ્નકર્તા : બૌદ્ધિક વિષયોની રમણતા તો રહે જ ને ?

દાદાશ્રી : અમે સ્ત્રીસંબંધી રમણતાનો વાંધો ઉઠાવીએ છીએ. અબ્રહ્મચર્ય ચાલુ હોય અને બીજી બાજુ જ્ઞાની પુરુષને ગમે તેટલો દેહ અર્પણ કર્યો હોય, પણ સ્ત્રીના દેહ પર રાગ છે એટલે પોતાના દેહ પર પણ એટલો જ રાગ છે, એટલે એટલી અર્પણતા કાચી જ રહે. મધર, ફાધર, ભાઈ, બહેન પરના રાગને અમે રાગ નથી કહેતા. કારણ કે રાગમાં એવો તન્મયાકાર થતો નથી. જ્યારે સ્ત્રી વિષયમાં તો એટલો બધો તન્મયાકાર થઈ જાય છે. એટલે મહીંથી એટલો બધો ખોવાઈ ગયેલો હોય કે હલાવો તો ય ખબર ના પડે.

બાકી સાચું બ્રહ્મચર્ય એટલે આત્મચર્યામાં જ આપણો ઉપયોગ અને પુદ્ગલ-વિષયચર્યામાં ઉપયોગ નહીં. એટલે કેવળ આત્મરમણતા, પુદ્ગલ રમણતા નહીં. બીજી પુદ્ગલરમણતા એટલી બાધક નથી પણ વિષય પુદ્ગલરમણતા તો ઠેઠ આત્માનો અનુભવ પણ કરવા દેતું નથી.

પ્રશ્નકર્તા : ફિલોસોફરો એમ કહે છે કે સેક્સને દબાવવાથી વિકૃત બને છે. સેક્સ આરોગ્ય માટે જરૂરી છે.

દાદાશ્રી : એની વાત સાચી છે, પણ અજ્ઞાનીને સેક્સની જરૂર છે. નહીં તો શરીર ઉપર આઘાત પડશે. જે બ્રહ્મચર્યની વાતને સમજે છે, તેને સેક્સની જરૂર નથી અને અજ્ઞાની માણસને જો કદી આ બાંધીએ તો શરીર તૂટી જાય, ખલાસ થઈ જાય.

પ્રશ્નકર્તા : પણ જેને સમકિત નથી, એને પણ બ્રહ્મચર્યનું જો મહત્વ સમજતો હોય તો વાંધો નહીં ને ?

દાદાશ્રી : એ બ્રહ્મચર્યનું મહત્વ જ્ઞાની સિવાય કે શાસ્ત્રના કોઈ આધાર સિવાય સમજી શકે જ નહીં.

પ્રશ્નકર્તા : તો આ બધા સાધુઓ બ્રહ્મચર્ય પાળે છે એ ?

દાદાશ્રી : ત્યાં એને શાસ્ત્રનો આધાર છે. એ કોઈ પણ આધાર હોવો જોઈએ. એટલે આ બહારના લોકોને જો કદી એવું કરવા જાય, દબાવવાથી તો વિકૃત થાય. એ બ્રહ્મચર્ય હિતકારી છે - કેવી રીતે, કઈ દ્રષ્ટિએ, એ પૂરું સંપૂર્ણ સમજી લેવું પડે. નહીં કે એનો અર્થ દબાવવાનો. નહીં તો આરોગ્ય બગડે, બીજું કશું નહીં, પણ આરોગ્ય બધું ખલાસ થઈ જાય !

પ્રશ્નકર્તા : સેક્સ ન દબાવવો જોઈએ નહીં તો રોગ થાય છે.

દાદાશ્રી : રોગ થાય છે, વાત સાચી છે. એ દબાવવાનું એવું નહીં. ઉપવાસ રાજીખુશીથી કરવા માટે વાંધો નથી, ભૂખને દબાવવાનો વાંધો છે. હઠાગ્રહ કરવાનો વાંધો છે.

પ્રશ્નકર્તા : તો અબ્રહ્મચર્ય એ ય નેચરના કાયદાની વિરુદ્ધ છે ને ?

દાદાશ્રી : અબ્રહ્મચર્ય નેચરની વિરુદ્ધ નથી. અબ્રહ્મચર્યની નોર્માલિટી જોઈએ પાછી. અબ્રહ્મચર્યની નોર્માલિટી ચૂકે પછી નેચરની વિરુદ્ધ કહેવાય. અબ્રહ્મચર્યની નોર્માલિટી કોને કહેવાય ? એક પત્નીવ્રત હોવું જોઈએ. વળી એનું પ્રમાણ પાછું કેવું હોવું જોઈએ કે મહિનામાં આઠ દહાડા કે ચાર દહાડા, એ એનું પ્રમાણ. પછી તમને ફળ તરત મળે. નેચર તમારી સામી ના થાય.

પ્રશ્નકર્તા : નેચરની વિરુદ્ધ ગયાનો દાખલો આપો ને ?

દાદાશ્રી : આ રસની કેરી આપણે ખાઈએ છીએ, તે નેચરલ છે. પણ જો પ્રમાણમાં વધારે ખવાઈ જાય તો તે અન્નેચરલ છે. ના ખાવ તો તે ય અન્નેચરલ છે !!! પ્રમાણથી વધારે ખાવ તો એ બધું પોઈઝન છે. એનું પ્રમાણ સચવાવું જોઈએ. નેચર પ્રમાણને સાચવવા માગે છે.

પ્રશ્નકર્તા : પશુઓને તો કુદરતી હેલ્પ છે ને ?

દાદાશ્રી : ના, એમનું ચલણ જ કુદરતી છે. એમનું પોતાનું ચલણ જ નથી. આ તો આપણા લોકોને આ કશું ભાન નથી. આ કળિયુગના માણસો કરતાં જાનવરો ય સારાં હોય કે નિયમમાં રહે છે. કળિયુગના માણસોને નિયમ જ નહીં ને !

પ્રશ્નકર્તા : એવું કેમ થયું કે જાનવરો નિયમમાં અને મનુષ્યો નિયમમાં નહીં ?

દાદાશ્રી : જાનવરોને તો કુદરતી ખરું ને ! એટલે નિયમમાં જ હોય. આ મનુષ્યો એકલાં જ બુદ્ધિશાળી. એટલે એમણે જ બધી આ શોધખોળ કરેલી. પછી અત્તરો ચોપડે, સુગંધી લઈને દુર્ગંધીને ટાળે. પણ દુર્ગંધ તે એમ કંઈ જતી હશે ? આ જાનવરો ય દુષ્ચારિત્રવાળા નથી હોતાં. જાનવરો ય ચારિત્રવાળા હોય છે.

પ્રશ્નકર્તા : એ કેવી રીતે ?

દાદાશ્રી : જાનવરોને તો અમુક જ સીઝનમાં વિષય હોય અને આ મનુષ્યોને તો સીઝન-બીઝનનું ઠેકાણું જ નહીં. જાનવરો કરતાં ય મનુષ્યો ભૂંડા છે, જાનવરોમાં તો કશો અવગુણ છે જ નહીં. બધા અવગુણોનું ખોળિયું હોય તો આ મનુષ્યો. ચારિત્ર મુખ્ય વસ્તુ છે. ચારિત્રના આધારે તો મનુષ્ય પણ દેવ કહેવાય છે. લોક કહે છે ને, કે આ દેવ જેવા માણસ છે ?!

'જ્ઞાનીઓ'નું બ્રહ્મચર્ય !

પ્રશ્નકર્તા : તો બ્રહ્મચર્ય નેચરની વિરુદ્ધ થયું ને ?

દાદાશ્રી : હા, બ્રહ્મચર્ય તો નેચરની વિરુદ્ધ જ છે ને !

પ્રશ્નકર્તા : તો પછી જગતમાં બ્રહ્મચર્ય લે છે, અપાય છે, તે શા માટે ?

દાદાશ્રી : એ તો પૂર્વ ભવે ભાવ કરેલા, તેનું ફળ છે.

પ્રશ્નકર્તા : એ શી રીતે ખબર પડે કે આપણે પૂર્વે ભાવ કરેલા છે ?

દાદાશ્રી : એ તો કો'ક જ માણસ હોય, કરોડોમાં એકાદ જણ હોય, બહુ હોય નહીં ને ! આ સાધુ-મહારાજોને શાથી વૈરાગ આવતો હશે ?

પ્રશ્નકર્તા : પૂર્વે ભાવેલું હોય ત્યારે.

દાદાશ્રી : એટલે અમે શું કહેવા માંગીએ છીએ કે કરાંજીને બ્રહ્મચર્ય ના પાળીશ. બ્રહ્મચર્યની ભાવના ભાવો, બ્રહ્મચર્ય એ તો ભાવનાનું ફળ છે. બાકી આ સાધુ બ્રહ્મચર્ય પાળે છે, એ ભાવનાનાં ફળરૂપે છે. એમાં એની જાગૃતિ ના ગણાય. જાગૃતિ તો, જ્ઞાની પુરુષોએ પૂર્વે ભાવના ભાવી ના હોય તો ય તે અબ્રહ્મચર્યના સાગરમાં પોતે બ્રહ્મચર્ય રાખી શકે. એ જાગૃતિ કહેવાય. દેવતામાં હાથ ઘાલવો ને દઝાવું નહીં, એના જેવું જ્ઞાની પુરુષનું બ્રહ્મચર્ય કહેવાય. આ ત્યાગીઓનું બ્રહ્મચર્ય એ તો ભાવનાનું ફળ છે. ખરી રીતે તો ભગવાને એ જ કહ્યું છે કે બધું ભાવનાનું જ ફળ છે. પણ છેવટે જાગૃતિ તો જોઈશે જ ! જાગૃત થયા વગર ચાલે નહીં.

પોતે ભોગવે કે ભોકતા !

જયાં કોઈ પણ ઊપરી નથી, જયાં કોઈ પણ અંડરહેન્ડ નથી, એનું નામ મોક્ષ. જયાં કોઈ પણ જાતની ખરાબ ઇફેક્ટ નથી, પરમાનંદ, નિરંતર પરમાનંદ, સનાતન સુખમાં રહેવું, એનું નામ મોક્ષ. આને તો સુખ કહેવાય જ નહીં. આ તો દારૂડિયો માણસ એમ કહે કે હું આખા હિન્દુસ્તાનનો રાજા છું, તો આપણે ના સમજીએ કે આ તો દારૂના અમલથી બોલે છે ? એવું આ ભ્રાંતિને લઈને એને આમાં સુખ લાગે છે. વિષયમાં તો સુખ હોતું હશે ? સુખ તો મહીં છે, પણ આ તો બહાર બીજાનામાં આરોપ કરે છે તેથી ત્યાં સુખ લાગે છે. ભ્રાંતિરસથી આ બધું ઊભું થયું છે. ભ્રાંતિરસ એટલે શું કે આ કૂતરું જેમ હાડકાંને ચૂસે છે, તે તમે જોયેલું ? હાડકાં ઉપર થોડુંઘણું માંસ હોય તે તો જાણે કે મળી જાય, પણ હવે પછી શું કરવા ચૂસચૂસ કરે છે ? પછી ખૂબ દબાવેને, તે હાડકું તો આમ લોખંડ જેવું હોય. તે શું થાય કે એના પિઢિયાં દબાય ને એમાંથી પછી લોહી નીકળે. લોહીને એ જાણે કે હાડકાંમાંથી નીકળ્યું. એટલે પાછું ખૂબ ચાવી ચાવીને હાડકું ખાય. અલ્યા, તારું જ લોહી તું ચૂસે છે. એવી રીતે આ સંસાર ચાલી રહ્યો છે. એવું આ લોકો હાડકાં જ ચૂસી રહ્યા છે ને પોતાનું જ લોહી બધું ચાખી રહ્યા છે.

બોલો, હવે કેટલી બધી મુશ્કેલી છે !! એવી રીતે જગત આખું વિષયમાંથી સુખ ખોળી રહ્યું છે. કૂતરાની પેઠ વિષયમાંથી સુખ ખોળી રહ્યું છે. તે કેમ કરીને એ સુખ જડે ? સાચી વસ્તુ હોય તેમાંથી સુખ જડે. આ તો બધુ કલ્પિત સુખ છે, આરોપિત સુખ છે. તાપમાં બહુ થાકેલા માણસને બાવળિયા નીચે છાયડામાં બેસેને, તો કહેશે, મને બહુ જ આનંદ આવ્યો'તો. એટલે વિષય સુખ એ બધો એવો આનંદ છે. આનંદ નિરુપાધિ પદનો જોઈએ. આ બધા આનંદ અપેક્ષાએ છે. માણસ થાકેલો હોય, તાપમાં બહુ તપેલો હોય, તે પછી એને કહીએ બાવળિયા નીચે ફાવશે ? તો કહેશે બહુ સરસ ફાવશે. હવે આ આનંદને આનંદ કહેવાય જ કેમ ?

લોકોએ વિષયમાં સુખ માન્યું છે. એવું પોતે ય આમાં સુખ માન્યું છે. એમાં બિલકુલે ય સુખ માનવા જેવું નથી. જ્ઞાનીની સંજ્ઞાથી જુએ તો એમાં તદ્દન દુઃખ છે. એટલે એની તો વાત જ નથી કરવા જેવી, એની વાત કરે તો ય માણસ વૈરાગ લઈ લે. 'જ્ઞાની પુરુષ'ની પાસે જો કદી આ બ્રહ્મચર્ય સંબંધી વાત સાંભળે તો વૈરાગ લઈ લે. વિષયનું સંપૂર્ણ પ્રમાણે વર્ણન કરવામાં આવે તો માણસ સાંભળતા ગાંડો થઈ જાય, એટલું બધું એ જોખમ છે. જેને આંતરિક સુખ હોય તે અબ્રહ્મચર્ય કરે જ નહીં. આ તો આંતરિક દુઃખને લઈને અબ્રહ્મચર્ય કરે છે.

જગતના લોકોએ કહ્યું, 'પરસ્પર દેવો ભવઃ' અલ્યા, પણ કયાં સુધી પરસ્પર ? એટલે નિરાલંબ જે સુખ છે, તે ય વાત જ જુદી ને !! અરે, શુદ્ધાત્માનું સુખ છે, તે ય વાત જ જુદી ને !! 'હું શુદ્ધાત્મા છું' કહ્યું કે બહારનો વિચાર બધો ખરી પડે. જેને 'શુદ્ધાત્મામાં જ સુખ છે' એવું યથાર્થપણે સમજાઈ જાય, તેને વિષયમાં સુખ ના રહે.

પુણ્યૈથી ઇન્દ્રિયોનાં સુખ બધાં ભેગાં થાય. એમાં પછી કપટ ઊભું થાય, ભોગવવાની લાલસા માટે કપટ ઊભું થાય ને કપટથી સંસાર ઊભો રહ્યો છે. જયાં સુધી વિષય છે, ત્યાં સુધી આ આત્મસુખ અને આ પૌદ્ગલિક સુખ એ ભેદ સમજવા નહીં દે.

વિષય-રસ ગારવતા !

'જગત આખું ગારવતામાં રે, પ્રભુ રહ્યું છે ફસી ?'

હવે આપણા લોકો ગારવતા શેને કહે છે ?

પ્રશ્નકર્તા : અહંકારરૂપી ગારવતા ?

દાદાશ્રી : એ ગારવતા ના કહેવાય. અહંકારવાળો તો, હિટલર જેવાં ય કર્મ કરે અને ધર્માદાનાં બધાં ઊંચાં કામ ય કરે. પણ આ ગારવતા એટલે શું કે જયાં આખા મનુષ્યપણાનો બધો ટાઈમ જ નિરર્થક ખોઈ નાખવો. એ ગારવતા તમે નહીં જોયેલી ?

ગારવતા એટલે શું કે કોઈ મિલ આગળ રસ્તા પાસે તળાવ જેવું ખાબડું પડયું હોય ને, તેમાં પાણી ભરાઈ રહેવાનું. એ ગંદવાડાવાળું પાણી પછી નર્યુંું ગંધાયા કરે. આ પાણી આમ કાયમ ભરાઈ રહેવાનું, એટલે પાણીની મહીં આટલો આટલો બબ્બે, ત્રણ ત્રણ ફૂટનો કાદવ હોય. તો ઉનાળાને દહાડે ભેંસ શું કરે ? ભેંસનો સ્વભાવ બહુ ગરમ, તે એનાથી આ બપોરની ગરમી સહન થાય નહીં. એટલે પછી આ ખાબડું જુએ એટલે ત્યાં મહીં પેસી અને ધબ્બ કરીને બેસે. બેસે તેની સાથે બધો કાદવ એના આખા શરીરે ફરી વળે. પછી એ ભેંસ શું કરે કે એનું મોઢું એકલું પાણીની બહાર રાખે અને આ કાદવથી ભરેલું એમાં આખું શરીર ગરકી જાય એવું રાખે. તે આ કાદવની મહીં એને ફ્રીઝ જેવું લાગ્યા કરે. હવે એમાં, ગંધની તો એને સમજણ જ નથી. આમ સારી-ખોટી એને સમજણ તો ખરી જ, પણ એને ગંધની કંઈ પડેલી નથી. એ તો બસ, કાદવની ઠંડકની મહીંથી ખસે જ નહીં. હવે ધણીને બપોરે ત્રણ વાગે જરૂર હોય, એટલે ધણી છે તે આવીને કહે કે, 'લે, લે, આવ.' પણ તે ના આવે. પછી ઘાસનો પૂળો લાવ્યો. એ ધરે તો ય ભેંસ આમ કાન હલાવીને જુએ ખરી, પણ પાછું કશું ય નહીં. આવું ફ્રીઝ મૂકીને એ કંઈ બહાર આવતી હશે ? પછી પેલો ધણી સમજી જાય કે આને લાલચ કંઈ મૂકો ત

ો આવશે. નહીં તો નહીં આવે, એને ઠંડક થઈ ગઈ છે એટલે હવે એ ઊઠે નહીં. એટલે પેલો કપાસિયાનો ટોપલો લઈ આવે, બીજું બધું નાખેલું હોય ને ભેંસને દેખાડીને કહેશે કે, 'લે, લે, લે.' પેલી આમ જુએ તો ય એને ટોપલાની કશી પડેલી જ નથી. આવી ફ્રીઝની ઠંડક એને કયાં મળે ?!

એવું આ, જગતના લોકો વિષયોની ફ્રીઝ જેવી ઠંડકમાં પડી રહ્યા છે. વિષયરૂપી ગારવતા છે, તેમાં પડી રહ્યા છે. એ કાદવ નર્યો ગંધાય છે, પેલો સારું ખાવાનું ટોપલામાં ધરે છે તો ય એને ત્યાં આગળ આ ખાવાનું નથી ગમતું. આ ગારવતામાં આખું જગત ફસાયું છે. ભલે ફસાયા હોય, ફસાયા તેનો સવાલ નથી. કેટલી મુદત માટે ફસાયા તેનો ય સવાલ નથી, પણ આજથી નક્કી તો કરવું જોઈએ ને ? કે હવે આ ના જોઈએ કયારે ય પણ. એના વિરોધી તો કાયમ રહેવું જોઈએ ને ? નહીં તો જો બે એકમત થઈ ગયું. અંદર-બહાર એકમત થઈ ગયું કે ખલાસ થઈ ગયું. તમારે કેટલું એકમત થાય છે ? કે જુદું રહે છે ?

પ્રશ્નકર્તા : જુદું રહે છે.

દાદાશ્રી : કાયમ ? મને નથી લાગતું કે આ શૂરવીરો (!) જુદા રહે એવા છે ! આ શૂરવીરોનાં તે ગજા શાં ?! જેને જાગૃતિ મંદ થયેલી છે !! નહીં તો વિષય તો ઊભો જ ના થાય ને ! અને થાય તો વખતે પૂર્વ પ્રયોગ હોય તો. પણ ત્યારે પોતાની દ્રષ્ટિ મીઠાશવાળી ના હોય, નરી કંટાળેલી દ્રષ્ટિ હોય ! જેમ ના ભાવતું ખાય છે ને, ત્યારે એનું મોઢું કેવું હોય ? ખુશમાં હોય ? મોઢું પણ ઊતરી ગયેલું હોય ને ! પણ ખાધા વગર છૂટકો નથી, ભૂખના માર્યા ખાવું પડે છે. એટલે ના ભાવતું છે એને !

જગત એવી ગારવતામાં પડી રહેલું છે. છતાં ય પૂર્વ પ્રયોગી હોય, તો બંધાયેલા છે, ત્યાં છૂટકો જ નથી. પણ તો ય એના તરફ નિરંતર દાઝ, દાઝ ને દાઝ જ રહેવી જોઈએ અને મનમાં એમ થયા કરે કે આ મને કયાં ભેગું થયું પાછું ? એવી જાગૃતિ જ કયાં છે તે ? બધી ડલનેસ છે !

ગારવતામાં ફસી રહ્યું છે, તે શી રીતે નીકળે ? પરાણે ખાવું પડે તે મોઢું ખુશમાં હોય કે ? પણ આ તો ઊતરી ગયેલાં મોઢાં જ નથી હોતા. જાણે બધા બગીચામાં ફરવા નીકળ્યા હોય એવાં તો મોઢાં દેખાય છે ! નહીં તો અમારા શબ્દો નોંધીને જો એ પ્રમાણે ચાલે ને, તો પાછલા દોષ બધા નીકળી જાય. બાકી પૂર્વ પ્રયોગ તો છે જ, એમાં અમારાથી ના કહેવાય નહીં ને ! આ ખાવું પડે એ પૂર્વ પ્રયોગના આધારે. પણ આપણું મોઢું ઊતરી ગયેલું હોવું જોઈએ. પેલો કહે કે 'જમવા' બેસો. ત્યારે પોતે પરાણે, ખેંચાતા મને જમવા બેસે. એવું ખેંચાતા મને કોઈ દહાડો ય ખાધેલું ખરું ? એમાં બહુ મજા આવે ? એટલે આનો કાયદો જો સમજે કે આની ઉપર દાઝ, દાઝ ને દાઝ જ રહેવી જોઈએ. પણ આ તો તલાવડી દીઠી કે ભેંસ ખુશ ! ફ્રીઝ આવ્યું ! હવે શું થાય આને તે ?!

એટલે આ બધું ગારવતામાં ફસાઈ ગયેલું છે, તેથી પ્રભુને વિનંતી કરે છે હે પ્રભુ, રહ્યું છે ફસી ! હવે આ ગારવતામાંથી છૂટે તો ઉકેલ આવે. એ ગંધ, એ ફોટો ય કેવો પડે ? એવું બધું રાત-દહાડો મનમાં કૈડ્યા કરે. પણ આ તો ચાની પેઠ પીવે છે. જયારે ચા પીવી હોય ત્યારે કહેશે કે ચા બનાવો જોઈએ. પછી ચા બનાવીને નીરાંતે પીવે ! એવું કેમ ચાલે ?! છતાં કંઈક વિચારે તો ય ઉત્તમ છે. બાકી અમે તો ચેતવ, ચેતવ કરીએ કે જેમ તેમ કરીને બચી જાય તો સારું. પછી બીજું શું કરીએ ? અમે એને ઓછાં મારીએ ? બાકી જ્ઞાની મળ્યા ને ના બચે ત્યારે પછી એની જ ભૂલ છે ને !

વિષયો વેદરૂપ ભૂખ મટાડવા, નહીં કે શોખરૂપ !

આયુષ્ય એ શ્વાસોચ્છ્વાસની ઉપર આધાર રાખે છે. જુવાન માણસ, નોર્મલ વેઈટ, નીરોગી હોય એવા માણસના ચોવીસ કલાકના શ્વાસોચ્છ્વાસ ગણીને તે પરથી સો વર્ષનું આયુષ્ય કાઢયું. જેમ શ્વાસોચ્છ્વાસ વધારે વપરાય તેમ આયુષ્ય ઓછું થાય. શ્વાસોચ્છ્વાસ શેમાં વધારે વપરાય ? ભયમાં, ક્રોધમાં, લોભમાં, કપટમાં અને એથી ય વધારે સ્ત્રી સંગમાં. ઘટિત સ્ત્રી સંગમાં તો એકદમ વધારે વપરાય, પણ એથી ય ખૂબ વધારે અઘટિત સ્ત્રી સંગમાં વપરાય. જાણે કે ગરગડી જ એકદમ ઉકલી જાય !!

એટલે આ કુદરતની રમતમાં ત્રણ વેદ જ ના હોત તો સંસાર જીતી જવાત. આ ત્રણ વેદ ના હોત તો શું બગડી જાત ? પણ બધું બહુ છે આનાથી તો. ઓહોહો ! એટલી બધી રમણતા છેને એનાથી તો !! આ વિષયને વેદ તરીકે ના રાખ્યો હોત, એક કાર્ય તરીકે, જેમ આ ખોરાક ખાઈએ છીએ, એ રીતે કાર્ય તરીકે રાખ્યો હોત તો વાંધો નહોતો. પણ આ તો વેદ તરીકે રાખ્યો, વેદનીય તરીકે રાખ્યો. આ ડખો જ બધો ત્રણ વેદનો છે. ભૂખ શમાવવા માટે ખાવાનું છે. લાગેલી ભૂખ શમાવો. જયાં પૂરણ કરવાનું એ બધી ભૂખ કહેવાય. ભૂખ એ વેદના શમાવવાનો ઉપાય છે. એમ બધા વિષયો વેદના શમાવવાના ઉપાય છે. જયારે આ લોકોને વિષયનો શોખ થઈ ગયો. અલ્યા, શોખીન ના થઈ જઈશ. ત્યાં લિમિટ ખોળી કાઢજે ને નોર્માલિટીમાં રહેજે.

પ્રશ્નકર્તા : વેદ તરીકે નહીં લેવાનું, એ તમે શું કહેવા માંગો છો?

દાદાશ્રી : લોકો વેદે છે એટલે ટેસ્ટ ચાખે છે. ટેસ્ટ ચાખવું, ટેસ્ટને માટે ખાવું એ ભૂખ ના કહેવાય. ભૂખ મટાડવા રોટલો ને શાક ખાવાનું છે, ટેસ્ટને માટે નહીં. ટેસ્ટ માટે ખાવા જશો તો રોટલો અને શાક તમને ભાવશે જ નહીં. ટેસ્ટ લેવા ગયો માટે વેદ થઈ ગયો છે. 'ભૂખ'ને માટે જ 'ખાય', એટલો તું ડાહ્યો થઈ જા. તો પછી મારે તને કશું કહેવું જ ના પડે ને ! ત્રણ વેદથી આ બધું જગત સડે છે, પડે છે.

પ્રશ્નકર્તા : આ ત્રણ વેદનું સોલ્યુશન તો આખું જગત શોધી રહ્યું છે અને જેમ જેમ સોલ્યુશન કરવા જાય છે તેમ તેમ વધારે ગૂંચાય છે.

દાદાશ્રી : હા, એટલે સોલ્યુશન માટેના રસ્તાઓ, એ બધા ગૂંચારા વધારે છે. આજુબાજુવાળાને પૂછીએ કે, 'આ ભાઈ કેવા છે ? ત્યારે બધા કહે કે, 'બહુ સુખિયા છે.' અને એમને પૂછીએ ત્યારે કહે, 'બહુ દુખિયો છું.' આ વેદને લઈને છે બધું. આખો દહાડો બળતરા, બળતરા...... આ બધી બળતરા વેદને લઈને છે. નહીં તો મનુષ્યને બળતરા હોય નહીં. જેણે વેદ જીત્યો, તેનું કામ થઈ ગયું. આ જગતમાં જીતવા જેવું શું છે ? ત્યારે કહે કે વેદ. વેદને તું સમજી ગયો છું ? એ ત્રણ વેદ કયા ? પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ.

વિષયસુખ ચાખે, ત્યાં સુધી આત્મસુખ કેમ ચખાય ?

આત્માનું ખરું સુખ તો આ બ્રહ્મચારીઓ જ ચાખી શકે. જે સ્ત્રી રહિત પુરુષો છે, તે જ ચાખી શકે. પછી એમને 'સ્ટડી' જલદી થઈ જાય. કારણ કે જે પરણેલાઓ છે એમની પાસે આ સાચું સુખ કે પેલું, એ બેની તુલનાત્મક દ્રષ્ટિ નથી. છતાં ય ચાલવા દો ને ગાડું આપણે ! જે પરણેલા છે, એને અમારાથી એવું ઓછું કહેવાય કે તું કુંવારો થઈ જા ! એટલે અમે એને 'સમભાવે નિકાલ' કરવાનું કહ્યું છે. પણ વાતને સમજો એમ પણ કહીએ છીએ. વિષયમાં તો મરવા જેવું દુઃખ થતું હોય છે. વિષય હંમેશાં પરિણામે કડવો છે. શરૂઆતમાં એને એવું લાગે છે કે આ વિષય સુખદાયી છે, પણ પરિણામે તો એ કડવો જ છે. એનો વિપાકે ય કડવો છે. પછી માણસ થોડીવાર તો મડદાલ થઈ જાય છે ! પણ એ ય છૂટકો નથી ને ? એ ય ફરજિયાત છે. હવે તમે કઈ બાજુ જશો ? આમ કરવા જશો તો ય ફરજિયાત છે ને તેમ કરવા જશો તો ય ફરજિયાત છે. એટલે મારું કહેવાનું એ કે ફરજિયાતને ફરજિયાત જાણી અને એમાં મરજિયાત પણું છોડી દો, એમાં આપણી મરજી છે એ છોડી દો.

છ-બાર મહિના વિષયસુખ છોડી દે તો સમજાય કે આત્માનું સુખ ક્યાંથી આવે છે ! આ તો વિષય રહ્યો છે એટલે ત્યાં સુધી એને આમાં સાચું સુખ કયું, એનો ખ્યાલ નથી આવતો ! તેથી અમે કહીએ છીએ ને, વિષયમાંથી જરા ખસી તો જુઓ, તો સાચા સુખની ખબર પડશે ! વિષયમાં સુખનું હોવાપણું છે જ નહીં ! વિષયમાં તો સુખ હોતું હશે ? દરાજ થયેલી હોય અને આમ ઘસ ઘસ કર્યા કરે, દરાજ વલૂર વલૂર કરે ને બહુ મીઠું લાગે. પણ પછી એને લ્હાય બળે, એના જેવું છે !

પ્રશ્નકર્તા : એમાં સાચું સુખ નથી, પણ એકદમ લિમિટેડ ટાઈમ માટે તો છે, છતાં ય એ છૂટતું નથી ને !

દાદાશ્રી : ના, એમાં સુખ જ નથી ! એ તો માન્યતા જ છે ખાલી ! એ તો મૂરખ માણસોની માન્યતા જ છે ! આ તો હાથને હાથ ઘસીએ તો સુખ પડે તો જાણીએ કે આ ચોખ્ખે ચોખ્ખું સુખ છે, પણ આ વિષય તો નર્યો ગંદવાડો જ છે ! જો કોઈ બુદ્ધિશાળી માણસ એ ગંદવાડાનો હિસાબ કાઢે તો એ ગંદવાડા ભણી જાય જ નહીં ! હમણાં કેળાં ખાવાનાં હોય તો એમાં ગંદવાડો નથી અને એ ખાવાથી સુખ ખરું, પણ આ તો નર્યા ગંદવાડાને જ સુખ માન્યું છે. શા હિસાબે માને છે, તે ય સમજાતું નથી !

એમાં ગંદવાડો દેખાય તો એ જાય !

પ્રશ્નકર્તા : તો આ વિષયથી કેવી રીતે ખસાય ?

દાદાશ્રી : એક વાર એવું સમજે કે આ ગંદવાડો છે, તો ખસાય. બાકી આ તો ગંદવાડો છે, એવું ય સમજ્યો જ નથી ! એટલે એવી પહેલાં સમજ આવવી જોઈએ. અમને જ્ઞાનીઓને તો બધું 'ઓપન' દેખાય. એમાં શું શું હશે, તે મતિ તરત જ ચોગરદમ બધે ફરી વળે. મહીં કેવો ગંદવાડો છે ને શું શું કેવું છે, તે બધું દેખાડી દે ! જ્યારે આ તો વિષયો જ નથી. વિષયો તો જાનવરોને હોય. આ તો ખાલી આસક્તિ જ છે. બાકી વિષય તો કોનું નામ કહેવાય કે પરવશપણે કરવું પડે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ને ભાવના આધારે પરવશપણે કરવું પડે. તે આ જાનવરોને બિચારાને હોય છે.

પ્રશ્નકર્તા : તો પછી પરવશતાથી ના કરે તો આસક્તિ કહેવાય ?

દાદાશ્રી : આસક્તિ જ કહેવાય ને ! આ તો શોખથી જ કરે છે. બે પલંગ વેચાતા લાવે છે ને જોડે મૂકે છે, ને મચ્છરદાની એક આખી લાવે છે. અલ્યા, આ તે કંઈ ધંધો છે ?! મોક્ષે જવું હોય તો મોક્ષે જવાના ચાળા હોવાં જોઈએ ! મોક્ષે જવાના ચાળા કેવાં હોય ? એકાંત શૈયાસનના. શૈયા ને આસન એકાંત હોય.

જ્યાં સુધી જે બાબતમાં અંધ છે, તે બાબતમાં ત્યાં સુધી દ્રષ્ટિ ખીલે જ નહીં ને ઊલટો વધારે ને વધારે અંધ થતો જાય. એનાથી દૂર રહે, ત્યાર પછી છૂટો થાય. ત્યારે એની દ્રષ્ટિ ખીલતી જાય, પછી સમજાતું જાય.

એકાંત શૈયાસન !

પ્રશ્નકર્તા : આપે એકાંત શૈયાસન કીધું, તે એમાં પણ અંદરથી તો એકાંતમાં ય ગાંઠો તો ફૂટે ને ?

દાદાશ્રી : એકાંત શૈયાસન એટલે શું ? કે શૈયામાં કોઈ જોડે નહીં ને આસનમાં ય કોઈ જોડે નહીં. સંયોગી 'ફાઈલો'નો કોઈ જાતનો સ્પર્શ નહીં. એ શાસ્ત્રકારો તો એટલે સુધી માનતા હતા કે જે આસન પર આ પરજાતિ બેઠી, તે આસન ઉપર તું બેસીશ તો તને એનો સ્પર્શ થશે, વિચારો આવશે. એવી બધી માન્યતાઓ હતી. અત્યારે એ ઝીણવટભરી માન્યતાની વાત કરીએ તો એનો અર્થ નથી. અત્યારે તો એવું ચાલ્યા જ કરે ને ! આ તો સંપૂર્ણ મોહનો કાળ છે ! આ મોહનીય કાળ નથી, મહા મોહનીય કાળ છે !!

પ્રશ્નકર્તા : એનાં આસન પર બેસવાથી પણ અસર થાય છે, એનાં કરતાં વધુ અસર તો અંદરનું છે, તેનાથી છે ને ? બહારનું તો બધું બહુ સ્થૂળમાં ગયું ને ? એના કરતાં અંદરનું જે ફૂટે, તો એ જરા વધારે જોર મારે ને ?

દાદાશ્રી : અંદરનું ફૂટે કે બહારથી ફૂટે. પણ બધું જ્ઞાયક સ્વભાવની બહાર છે અને બીજું બધું ય જ્ઞેય છે. પછી આપણને શું અડ્યું ?

પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી નિરાકુળતા વર્તાય છે. છતાં ય વિષયમાં આસક્તિ કેમ રહી જાય છે ?

દાદાશ્રી : મહીં એવો માલ ભર્યો છે, તે હજી એના મનમાં શ્રદ્ધા છે કે એમાં સુખ છે.

ફેરવો બિલિફ વિષયની !

પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન પછી ખાલી એકલી 'બિલિફ' જ ફેરવવાની છે ?

દાદાશ્રી : હા, પણ એવું છે ને, રાઈટ શ્રદ્ધા પૂરી ક્યારે બેઠી કહેવાય કે રોંગ શ્રદ્ધા બધી જ ઊડી જાય ત્યારે ! હવે મૂળ રોંગ બિલિફ અમે ઉડાડી પણ આ વિષયમાં તો અમે થોડી-ઘણી રોંગ શ્રદ્ધા ફ્રેકચર કરી આપીએ ! બાકી બધું અમે કંઈ ફ્રેકચર કરવા નવરા છીએ ?

એટલે વિષયમાંથી રસ ક્યારે નિર્મૂળ થાય કે પહેલું તો પોતાને એમ લાગે કે આ મરચું ખાઉં છું એ મને નડે છે, આવી રીતે નુકસાન કરે છે. એવું એને સમજાવું જોઈએ. જેને મરચાંનો શોખ હોય, તે તેને જ્યારે ગુણ-અવગુણ સમજાઈ જાય ને ખાતરી થાય કે મને નુકસાન જ કરે છે તો એ શોખ જાય. હવે આપણને 'શુદ્ધાત્મામાં જ સુખ છે' એવું યથાર્થપણે સમજાઈ જાય તો વિષયમાં સુખ જ ના રહે. છતાં ય વિષયમાં સુખ લાગે છે, એ પહેલાંનું રીએક્શન છે !

પ્રશ્નકર્તા : વિષયમાં સુખ છે, એ 'બિલિફ' પડી છે, તે કેવી રીતે નીકળે ?

દાદાશ્રી : આપણને આ ચા સરસ મીઠી લાગે છે, એ આપણો રોજનો અનુભવ છે. પણ જલેબી ખાધા પછી કેવી લાગે ?

પ્રશ્નકર્તા : મોળી લાગે.

દાદાશ્રી : એટલે તે દહાડે આપણને સમજણ પડી ગઈ, બિલિફ બેસી ગઈ કે જલેબી ખાધી હોય તો ચા મોળી લાગે. એવી રીતે આત્માનું સુખ હોય છે, ત્યારે બીજું બધું મોળું લાગે.

વિષયથી ટળે જ્ઞાન ને ધ્યાન !

આ વિષય વસ્તુ એવી છે કે એક જ દહાડાનો વિષય ત્રણ દહાડા સુધી કોઈ પણ પ્રકારની એકાગ્રતા ના થવા દે, એકાગ્રતામાં હાલમ-ડોલમ થયા કરે. જ્યારે મહિના સુધી વિષય ના સેવે, તો એની એકાગ્રતામાં હાલમ-ડોલમ ના થાય. આત્માનું સુખ તમને વર્તે છે, તેના આધારે તમે અહીં આવ્યા કરો છો. તમારી દ્રષ્ટિ અહીં જ હોય છે, છતાં ય પણ તમને આ સુખ આત્માનું છે કે વિષયનું છે એ ભેદ માલૂમ ના પડે. અજાણ્યા માણસને પહેલાં જલેબી ખવડાવીએ ને પછી ચા પીવડાવીએ તો ? એવું જલેબીને લીધે ચા મોળી લાગે, એવું આમાં ભેદ માલૂમ ના પડે !

ન બુઝાય એ પ્યાસ કદિ....

જો સુખ ક્યાંય જડતું નથી ! આટલાં પૈસા છે, તો ય પૈસામાં સુખ પડતું નથી, બૈરી છે એમાં ય સુખ પડતું નથી ! એટલે વળી પાછાં બોટલ મંગાવીને, જરા પીને સૂઈ જાય છે ! સુખ તો માણસે જોયું જ નથી ને ! જીવમાત્ર શું ખોળે છે ? સુખને જ ખોળે છે. કારણ કે એનો સ્વભાવ જ સુખનો છે. ચિત્તવૃત્તિ સુખ જ ખોળે છે કે આમાં સુખ આવશે, જલેબીમાં સુખ આવશે, અત્તરમાં સુખ આવશે, સિનેમામાં સુખ આવશે. એ ચાખ્યા પછી પોતે નક્કી કરે કે આમાં કંઈ જ સુખ નથી. પછી પોતે એ બધું છોડ છોડ કર્યા કરે ને આગળ નવું ખોળતું જ જાય, પણ એને તૃપ્તિ ના થાય. સંતોષ થાય પણ તૃપ્તિ ના થાય. સંતોષ એનું નામ કે ઇચ્છા પૂરી થાય એટલે સંતોષ થાય. જમવાની ઇચ્છા થઈ, પછી આપણે જમ્યા એટલે સંતોષ થાય પણ તૃપ્તિ ના થાય. તૃપ્તિ એટલે એને ફરી ઇચ્છા જ ના થાય.

પ્રશ્નકર્તા : કોઈ ઇચ્છા આપણે કરી હોય ને આપણને તે વસ્તુ ના મળી, એટલે મહીં બળતરા શરૂ થાય ને ?

દાદાશ્રી : ઇચ્છા એ જ અગ્નિ છે. ઇચ્છા થઈ એટલે દીવાસળી સળગાવીને ચાંપવી. એ પછી ઓલવાય નહીં, ત્યાં સુધી બળતરા રહ્યા કરે. કડક ઇચ્છા કે નરમ ઇચ્છા હોય તેના પર બળતરાનો આધાર રહે છે. બહુ કડક ઇચ્છા હોય તો બહુ બળતરા ઊભી થાય. આ વિષયની ઇચ્છા તો બહુ બળતરા આપે, જબરજસ્ત બળતરા આપે. તેથી એમ કહ્યું છે ને, કે વિષયમાં પડશો જ નહીં, બહુ બળતરા આપે છે.

પ્રશ્નકર્તા : આવું તો કોઈએ કીધેલું જ નહીં ને !

દાદાશ્રી : લોકોને પોલું બધું જોઈએ છે. એટલે કોઈ કહે જ નહીં ને ! લોક પોતે ગુનેગાર છે, એટલે એ બોલે નહીં ને ! બિનગુનેગાર હોય તે બોલે. કારણ કે એક જ ફેરાનો વિષય, તે કેટલા દહાડા સુધી માણસને ભ્રાંતિ છૂટવા ના દે ! ભ્રાંતિ એટલે ડિસીઝન ના આવે કે આ આત્માનું સુખ કે આ પેલું સુખ, એવું ભાન થવા ના દે ! આ જ્ઞાન સાથે જો બ્રહ્મચર્યવ્રત લીધું પછી માથાકૂટ જ નહીં ને ! ઉપાધિમાં ય સુખ વર્ત્યા કરે ! આ લોકો માંસની પૂતળી છે, એવું શાથી ભૂલી જતાં હશે ? એવું છે ને, મૂર્છાથી એ એમાંથી જેમ જેમ સુખ લે, તેમ તેમ એની પર મૂર્છા આવે છે અને જો છ-બાર મહિના એમાંથી સુખ લે નહીં તો પછી એની મૂર્છા જાય. એટલે પાછું એને રેશમી ચાદરે વીંટેલું માંસ જ દેખાય !

તો જ મળે આત્માનું સુખ !

ચાલીસ રૂપિયે કિલોના ભાવની ચા હોય પણ ટેસ્ટ ના આવે તો એનું શું કારણ ? કે એક બાજુ ચા પીતો હોય, બીજી બાજુ દાડમ ખાતો હોય, જામફળ ખાતો હોય તે પછી ચાનો ટેસ્ટ માલૂમ પડે ? તો ચાનો ટેસ્ટ ક્યારે માલૂમ પડે કે બીજું બધું ખાવાનું બંધ કરી દઈએ ને મોઢું-બોઢું સાફ કરીને પછી ચા પીએ તો સમજણ પડે કે આ ચાલીસ રૂપિયે કિલોના ભાવની ચા બહુ સરસ છે ! ત્યારે ચાનો અનુભવ થાય ! એવું આત્માનો અનુભવ આ બધી વસ્તુઓમાં શી રીતે માલૂમ પડે ? ભાન રહે નહીં ને ? એટલી જાગૃતિ માણસને હોય નહીં ને ! એટલે આવો પ્રયોગ કરીએ, છ-બાર મહિનાનું બ્રહ્મચર્યનું વ્રત લીધું હોય તો પછી આ અનુભવ સમજાય ! ચાનો અનુભવ લાવવા બીજું બંધ કરવું પડે કે ના કરવું પડે ? એવું આત્માનો અનુભવ એવી વસ્તુ છે કે બીજા ટેસ્ટ બધા આઘાંપાછાં થાય ત્યારે આ ટેસ્ટ સમજાય. ત્યાં સુધી સમજાય નહીં ને ! એટલે અહીં રોજ દોડધામ કરીને શાથી આવે છે ? કારણ કે એને ટેસ્ટ તો રોજ આવે છે, પણ એને ભાન થતું નથી કે ક્યાંથી આવે છે ? એ અદબદ રહે છે. એટલે જ્યારે બ્રહ્મચર્ય એકલું જ હોય, છ-બાર મહિનાનું બ્રહ્મચર્યવ્રત આપ્યું હોય તો એને ખબર પડી જાય કે ખરો આનંદ તો આ છે. પેલો વિષય નથી તો ય આટલો બધો આનંદ રહે છે ! ઊલટો, આ આનંદ તો વધે છે ! પછી એને જ ઓળખાય કે આત્માનો આનંદ કેવો હોય ! નહીં તો ત્યાં સુધી સમજાતું જ નથી કે આ કયો આનંદ ? આનંદ આવે છે એ નક્કી છે, પણ આ પુદ્ગલનો આનંદ કે આત્માનો આનંદ એ એક્ઝેક્ટ સમજાય નહીં ને ! હવે આ કાળમાં મન તો સારું ના રહે, તેથી મનનું પ્રત્યાખ્યાન કરવું અને વાણીથી ય બોલાવું ન જોઈએ અને કાયાથી તો રહેવું જ જોઈએ. આમ મન-વચન-કાયાથી છ-બાર મહિના બ્રહ્મચર્ય રહે તો 'એક્ઝેક્ટ' અનુભવ થઈ જાય. આ જ્ઞાન આપેલું છે, એટલે અનુભવ તો થાય છે. પણ જ્ઞાનનો જેવો જોઈએ તેવો સર્વાંશ અનુભવ થતો નથી. અનુભવની તીવ્ર જિજ્ઞાસા હોય તે આ રીતે કરે તો કામ થાય, નહીં તો ય વીર્યની ઇકોનોમી તો કરવી જ જોઈએ.

નિરાલંબ આનંદ ઓર !

મોટામાં મોટી હરકત તો બહાર બધે દ્રષ્ટિ ખરાબ રાખવી તે છે. બીજું, એથી આગળ આમાં શું કરવું પડે કે આ જેમ વરસમાં સ્કૂલમાં દોઢ મહિનો રજા પડે છે એવું આ વિષયમાં જો એવી છ મહિના રજા લઈ લે તો એને ખબર પડી જાય કે આ સુખ ક્યાંથી આવે છે ? એટલે આ તો તેને સુખ આવે છે એ ચોક્કસ, પણ પરીક્ષા થતી નથી કે સાચું સુખ આમાં ક્યું ? અમને જુઓને, ચોવીસે ય કલાક એકલા રૂમમાં બેસાડી રાખેને, તો ય એ જ આનંદ હોય, જોડે કોઈ એકાદ માણસ હોય તો ય એ જ આનંદ હોય અને લાખો માણસ હોય તો ય એ જ આનંદ હોય. એનું કારણ શું ? અમારે નિરાલંબ સુખ ઉત્પન્ન થાય, અવલંબન જોઈએ નહીં. જગત આખું ય, જીવમાત્ર પરસ્પર છે, એટલે એકબીજાનું અવલંબન જોઈએ. તેથી તો આ લોકોએ લગ્નની શોધખોળ કરેલી કે લગ્ન કરો પછી સામસામી અવલંબન મળી રહે !

'હું શુદ્ધાત્મા છું' એ શબ્દનું અવલંબન છે ! પણ એ લીલી ઝંડીનું પ્રવેશ છે ! અને છેલ્લામાં છેલ્લું નિરાલંબ આત્મા, એને શબ્દનું કે કોઈ અવલંબન નહીં, એવો નિરાલંબ આત્મા ! ત્યાં સુધી હવે ગાડી ચાલે ! પણ એક ફેરો શબ્દાવલંબનથી ગાડી ચાલવી જોઈએ અને એ શબ્દાવલંબનવાળો શુદ્ધાત્મા અનુભવ હઉ આપે ! એટલે પૂછવા જેવું કશું નથી. આત્મા એકલો જ જાણવા જેવો છે. જે 'લક્ષ'માં આવ્યો, એ આત્મા જાણવા જેવો છે. આ માર્ગ સરળ છે, સહજ છે, સુગમ છે. પોતાની જાતને લક્ષમાં રાખી બધું પૂછવું, પુદ્ગલનું ધ્યાન રાખવાની જરૂર નથી. આત્મા તમારી પાસે રહ્યો, તેનું ધ્યાન રાખવાનું છે. આત્માનો સ્પષ્ટ અનુભવ કરવો હોય તો વિષય છ-બાર મહિના બંધ કરવા. આ બધા અનુભવ તો થયા કરે છે, પણ બંને જોડે રહે તો ખબર ન પડે કે 'સુગંધી' ક્યાંથી આવે છે ? અમારી આજ્ઞાનો અમલ કર્યા પછી પ્રતિક્રમણ કરવાની શરૂઆત કરો. પછી જ એ વિષય છૂટશે. અમારું આ જ્ઞાન, આ જે જે વાત કરીએ છીએ ને, એ બધાનો અમલ કર્યા પછી મહિનો મહિનો દોષોનાં પ્રતિક્રમણ કરો. એટલે આપણને પોતાને ખાતરી થઈ જાય કે આ જ સાચું છે. આત્માની અનંત શક્તિ છે. કેટલાંકને બ્રહ્મચર્યવ્રત લીધા પછી ચમત્કાર થાય છે. પછી બહુ સુંદર પરિણતીઓ રહે છે અને પછી મનમાં વિષયના વિ

ચારો જ બંધ થઈ જાય

છે. પછી વિષય એને ગમે જ નહીં ! માણસને સુખ જ જોઈએ છે. તે સુખ મળતું હોય તો પછી કાદવમાં હાથ ઘાલવા કોઈ તૈયાર ના થાય. આ તો બહાર તાપ લાગે છે એટલે કાદવમાં હાથ ઘાલે છે, ઠંડક લાગે એટલા માટે, નહીં તો કાદવમાં કોઈ હાથ ઘાલતું હશે ?! પણ શું થાય ?

હવે તમને એક ફેરો અનુભવથી સમજાયું કે આ જ્ઞાનમાં વિષય સિવાય બહુ સુંદર સુખ રહે છે, એટલે પછી તમને વિષયો ગમતાં બંધ થઈ જાય. આ જ્ઞાન એવું છે કે વિષય સિવાય પણ બહુ સુંદર સુખ રહે છે. એટલે પછી બધા વિષયો એની મેળે આપોઆપ છૂટી જાય, બધા ખરી પડે, પણ એ બધો અનુભવ કરી કરીને ગેડ પડે ત્યારે !

સમજવી બ્રહ્મચર્યની અનિવાર્યતા !

બ્રહ્મચર્ય તો બહુ મોટી વસ્તુ કહેવાય ! હિન્દુસ્તાનમાં બ્રહ્મચર્ય પાળે છે ને લોકો ?! કંઈ નથી પાળતા એવું નથી, પણ એ વૈજ્ઞાનિક ઢબથી નથી. અહંકારી ઢબથી છે. અહંકારથી થઈ શકે, પણ તે વૈજ્ઞાનિક ઢબ જેવું ના હોય, એ નિર્બળ હોય. જ્યારે નિર્અહંકારી ઢબથી તો 'પોતે' જ્ઞાતા-દ્રષ્ટા રહે, 'ચંદુભાઈ' બ્રહ્મચર્ય કેવું પાળે છે, એ 'પોતે' જાણે અને અહંકારી ઢબમાં તો પોતે જ બ્રહ્મચર્ય પાળનારો, એ વૈજ્ઞાનિક નથી. બ્રહ્મચર્ય તો જગતે ય પાળે છે, પણ તે વૈજ્ઞાનિક નથી. આપણી પાસે 'અક્રમ માર્ગ'માં વૈજ્ઞાનિક ઢબ છે, મન-વચન-કાયાથી છે. મન કૂદે તો જગતના લોકો પાસે તેની સામે કશી દવા નથી. જ્યારે આપણી પાસે દવા છે. આપણું બ્રહ્મચર્ય તો દેવલોકો ય જોવા આવે !

અબ્રહ્મચર્ય અને દારૂ, એ તો જ્ઞાનને બહુ આવરણ લાવનારી વસ્તુ છે. માટે બહુ જ જાગૃત રહેવું. દારૂ તો એવું છે ને, 'હું ચંદુભાઈ છું' એ જ ભાન ભૂલી જાય છે ને ! તો પછી આત્મા તો ભૂલી જ જવાય ને ! આથી ભગવાને ડરવાનું કહ્યું છે. જેને સંપૂર્ણ અનુભવજ્ઞાન થાય, એને ના અડે, છતાં ભગવાનના જ્ઞાનને ય ઉખાડીને બહાર નાખી દે ! એટલું બધું એમાં જોખમ છે !

એકાદ જો પાળવા જેવો કાયદો હોય તો હું કહું કે બ્રહ્મચર્ય પાળજે ! ઇચ્છાઓ વિરમી જાય તો અંતરનો વૈભવ પ્રગટ થાય. આત્મા તો બ્રહ્મચારી જ છે. મેં આપેલો આત્મા બ્રહ્મચારી જ છે. હવે 'તમારે' ચંદુભાઈને કહેવાનું કે, 'ભઈ, તબિયત સારી રાખવી હોય, સંસાર ધીમે રહીને પૂરો કરવો હોય તો છ-બાર મહિનાના બ્રહ્મચર્યવ્રત બને ત્યાં સુધી લેવાય તો સારી વાત છે. એનાથી શરીરનું બંધારણ સારું રહે.' આ તો બંધારણ 'લુઝ' થઈ ગયું છે.

બ્રહ્મચર્ય વ્રત લઈને તોડવું એ ગુનો છે. એના કરતાં લેવું નહીં અને આપણી મેળે મહીં ઉપશમ કર્યા કરીએ તો ઊલટું સારું. પોતે ઘેર ને ઘેર બધા પ્રયોગ કરી શકાય છે. જેને મોક્ષે જ જવું હોય તે પોતાનો રસ્તો ચૂકે નહીં, તેનું નામ જ જ્ઞાની કહેવાય ! ગમે તેટલી બહારથી લાલચો આવે તો પણ પોતાનો રસ્તો ચૂકે નહીં !!

અંતે ય લેજો બ્રહ્મચર્ય વ્રત !

જવાનીમાં જ બ્રહ્મચર્ય જોઈએ એવો પાછો નિયમ નથી. જવાનીનું બ્રહ્મચર્ય એ તો બહુ ઊંચી વસ્તુ છે. પણ હું કહું છું કે ગમે ત્યારે લે. અરે, ઘૈડપણ હોય ને મરવાના દસ દહાડા અગાઉ બ્રહ્મચર્ય વ્રત લે તો ય કલ્યાણ કાઢી નાખે અને તે ય જ્ઞાનીના હાથે બ્રહ્મચર્ય વ્રત હોવું જોઈએ. જે સર્વાંગ બ્રહ્મચારી છે એવા જ્ઞાનીના હાથે જ વ્રત અપાવવું જોઈએ. આમાં એવું નથી પાછું કે આ વ્રત લઈ જ લેવું જોઈએ, આમાં ફક્ત આપણી ભાવના જોઈએ. કરવું જોઈએ કહીએ પણ કર્યે થતું નથી. આપણે એમ કહીએ આજે કે મારે ય બ્રહ્મચર્યવ્રત લેવું છે, પણ તેવું થઈ શકે નહીં. ભાવના કર્યા કરવી જોઈએ તો ક્યારેક ઉદયમાં આવશે ને ઉદયમાં હોય ત્યારે બ્રહ્મચર્ય વ્રત લેવું. ભાવના કરી છે, તો ઉદય એની મેળે ટાઈમે આવીને ઊભો રહે જ !

એટલે અમે ચેતવણી આપીએ કે આ ઢાળ ઉપર ચઢવું હોય તો આ રસ્તો છે, નહીં તો પેલો ઢાળ તો છે જ, ભઈ ! અને આ ઢાળ ઉપર ચઢવું હોય તો લોકોનું કામે ય કાઢી નાખે એવું છે ! કારણ કે બ્રહ્મચર્ય વ્રત સિવાય તો કોઈ દહાડો કશું બની શકે એવું નથી. જગતનું કલ્યાણ થવામાં બ્રહ્મચર્ય વ્રત સિવાય કશું વળે નહીં, બાકી પોતાનું કલ્યાણ કરી શકે. એટલે આ બ્રહ્મચર્ય વ્રત તો મોટામાં મોટું વ્રત છે.

બ્રહ્મચર્ય વિના નથી પૂર્ણાહૂતિ !

જેને સંપૂર્ણ થવું હોય, તેને તો વિષય હોવો જ ના જોઈએ અને તે ય એવો નિયમ નથી. એ તો છેલ્લા અવતારમાં છેલ્લાં પંદર વર્ષ છૂટી ગયું હોય, તો બસ થઈ ગયું. આની કંઈ ભવોભવ કસરત કરવાની જરૂર નથી કે ત્યાગ લેવાની ય જરૂર નથી. ત્યાગ સહજ હોવો જોઈએ કે એની મેળે જ છૂટી જાય ! નિયાણું એવું રાખવું કે મોક્ષે જતાં સુધી જે બે-ચાર અવતાર થાય, તે પૈણ્યા વગરના જાય તો સારું. એનાં જેવું એકેય નહીં. નિયાણું જ એવું રાખવું તે ! પછી જે થાય તે દેખ લેંગે ! અને જો આ એક બોજો ગયોને તો બધા ય બોજા ગયા ! આ એક છે તો બધું ય છે !

આ જ્ઞાન લીધું એટલે દાદાના પ્રતાપે સ્વચ્છંદ રોકાયો ! એટલે આ મહાત્માઓને અવશ્ય મોક્ષનું સાધન થઈ ગયું. પણ પાછી આ એક ભાંજગડ કાચી રહે છે ! કેટલાક તો પૈણેલા ખરાને, એ આ બધી વાતચીત થાય તો આની જોખમદારી સમજી ગયા ! એટલે પછી વૃત્તિઓ વાળી લે. જ્ઞાની પુરુષની આપેલી આજ્ઞા પાળે તો જબરજસ્ત નૂર ઉત્પન્ન થાય. આજ્ઞા પાળવામાં જેટલું સાચું દિલ અને સાચો ઉલ્લાસ તેટલું ફળ આવે. વ્રતની આજ્ઞા પાળો ત્યારે અમારે જોડે હાજર થવું પડે. આ આજ્ઞામાં તો અમારું વચનબળ, ચારિત્રબળ વપરાય.

પ્રશ્નકર્તા : ધરોવાળું ખેતર હોય ત્યાં બળદનું કામ નથી, એ તો ટ્રેકટરનું જ કામ છે. તમારા જેવું ટ્રેકટર જોઈએ, દાદા !!

દાદાશ્રી : હા, પણ ઉખેડી નાખવાનું છે. બ્રહ્મચર્ય તો ઊંચામાં ઊંચી વસ્તુ છે. લગ્ન કર્યા પછી બ્રહ્મચર્ય લે, તો એ બ્રહ્મચર્ય ઘણું સારું પળાય. સંસારનો સ્વાદ ચાખી લીધા પછી એને ઘણું ખરું ઉપશમ થઈ ગયેલું હોય. ત્યાર પછી બ્રહ્મચર્યવ્રત લે છે, જે અમે ઘણાંને આપીએ છીએ, તે બહુ સુંદર પાળે છે. આ સાધ્વીજીઓ જે થાય છે તે તો પૈણ્યા પછી ચાળીસ વર્ષનાં થાય, છોકરાં ત્રણ થયા પછી દીક્ષા લે છે, તો ય તે મહાસતી કહેવાય. કારણ કે બ્રહ્મચર્ય છેલ્લાં પંદર વર્ષ પાળે તો ય બહુ થઈ ગયું. ભગવાન મહાવીરે છેલ્લાં બેતાળીસ વર્ષ બ્રહ્મચર્ય પાળ્યું હતું. ત્રીસ વર્ષે એમને છોડી(દિકરી) હતી. પણ એ બધા પુરુષો તો ઊર્ધ્વગામી, ઊર્ધ્વરેતા હોય. તેમનાં મગજ એવાં પાવરફુલ હોય, એટલી બધી જાગૃતિ હોય ! એમની વાણી તો ઓર જ જાતની હોય !!

જગતમાં કોઈ દિવસ નીકળ્યું જ નથી, એવું આ વિજ્ઞાન છે ! કાયમ સમાધિમાં રાખનારું છે ! આવું બ્રહ્મચર્ય પાળે તો ય સમાધિ અને બ્રહ્મચર્ય ના પાળે ને બૈરી પૈણે તો ય સમાધિ !! એટલે આનો લાભ ઉઠાવજો.

સ્પષ્ટ વેદન અટકયું વિષય બંધનથી !

આ જ્ઞાન ગમે તેવાં કર્મોને ધૂળધાણી કરી નાખે, મહીં જે છે એ બાળીને ભસ્મીભૂત કરી નાખે એવું છે.

પ્રશ્નકર્તા : હા, એ બરોબર છે. પણ કોઈ સ્પષ્ટવેદન નથી, આત્માના સુખનું ?

દાદાશ્રી : હવે એ સ્પષ્ટવેદન ક્યાં સુધી ના થાય ? જ્યાં સુધી આ વિષય-વિકાર ના જાય, ત્યાં સુધી સ્પષ્ટવેદન ના થાય. એટલે આ આત્માનું સુખ છે કે આ કયું સુખ છે, તે 'એક્ઝેક્ટ' ના સમજાય. બ્રહ્મચર્ય હોય તો 'ઓન ધી મોમેન્ટ' સમજાઈ જાય.

સ્પષ્ટવેદન થાય એટલે એ પરમાત્મા જ થઈ ગયો કહેવાય ! જેને સાંસારિક દુઃખનો અભાવ વર્તે, કપટ જતું રહે એટલે મહીં સ્પષ્ટ અનુભવ થવા માંડે ! કપટને લઈને અનુભવ અસ્પષ્ટ રહે છે ! જે જેટલાં પ્રમાણમાં અમારી પાસે ખુલ્લું કરે તે તેટલો અમારી સાથે અભેદ થયો, ને જેટલો અભેદ થયો એટલો સ્પષ્ટ અનુભવ થાય !

આપણને આત્મા પ્રાપ્ત થયો છે, એટલે આપણે સત્સંગમાં પડી રહેવું જોઈએ. સત્સંગ એટલે આત્માનો સંગ ! અહીંથી જો પાછો કુસંગમાં પેઠો કે આ રંગ ઊતરી જાય. કુસંગનું એટલું બધું જોર છે કે કુસંગમાં સહેજ વાર જવું નહીં અને ઘર માટે તો કૃપાળુદેવે કેવો કુસંગ લખ્યો છે ? કે એ 'કાજળ કોટડી' કહી ! હવે ઘરમાં રહેવું અને અસંગ રહેવું, એ તો જાગૃતિ રાખવી પડે. અમારા શબ્દોની જાગૃતિ રાખવી પડે, અમારી આજ્ઞા પાળવી જોઈએ તો ઘરમાં રહી શકાય ! અથવા તો અસર ક્યારે ના થાય ? સ્પષ્ટવેદન થાય ત્યારે અસર ના થાય અને સ્પષ્ટવેદન ક્યારે થાય કે 'સંસારી સંગ' 'પ્રસંગ' ના થાય ત્યારે ! 'સંસારી સંગ'નો વાંધો નથી, પણ 'પ્રસંગ'નો વાંધો છે. ત્યાં સુધી 'સ્પષ્ટવેદન' ના થાય. સંગ તો આ શરીરનો છે, બળ્યો ! પણ પાછો પ્રસંગ તો એકલાં આમ નિરાંતે બેસી રહેવું હોય તો ય ના રહેવાય. અમને તો આ સંગ જ ભારે પડી ગયો છે. તે પાછાં પ્રસંગ કરવા ક્યાં જઈએ ? આ સંગ જ મહીંથી બૂમ પાડે, અઢી વાગી ગયા, હજી ચા નથી આવી ! છે પોતે અસંગ અને પડ્યો છે સંગ-પ્રસંગમાં !

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18