ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18



બ્રહ્મચર્ય (ઉર્તરાધ)

ખંડ : ૧

પરણિતો માટે બ્રહ્મચર્યની ચાવીઓ....

[૧૦]

આલોચનાથી જ જોખમ ટળે વ્રતભંગનાં !

વ્રત ભંગે મિથ્યાત્વની જીત !

ભગવાને શું કહ્યું છે કે વ્રત તો તું જાતે તોડું તો તૂટે. કોઈ શું તોડાવી શકે ? એમ કોઈના તોડાવાથી વ્રત તૂટી જતું નથી. વ્રત લીધા પછી વ્રતનો ભંગ થાય તો આત્મા હઉ જતો રહે. તારે વ્રત લીધા પછી વ્રતભંગ થયો છે અને એ જોખમદારીના આ બધાં પરિણામ આવ્યાં છે, તે તો તારે સહન કરવાં જ પડશે. વ્રત લીધું હોય તો તેનો ભંગ આપણાથી ના કરી શકાય. અને ભંગ થાય તો કહી દેવું જોઈએ કે હવે મારું ચલણ ઊડી ગયું છે.

પ્રશ્નકર્તા : મેં આપને વાત કરી હતી કે વ્રત હવે પાછું લેવું પડશે.

દાદાશ્રી : તે વાત કરી હતી પણ તે અમુક ટાઈમ પછી બધી વાત થયેલી. એટલે એમાં તો બહુ જોખમ. એને લીધે તો આખું લશ્કર સજીવ થઈ ગયું. મિથ્યાત્વ લશ્કર ચોગરદમથી સજીવ થઈ ગયું, તે હવે ચઢી બેઠું છે. તે હમણે થોડો ઘણો ટાઈમ દંડ લેજે. પાછું ફરીથી બધું ગોઠવવું પડશે. દંડમાં તો શું ? હવે રવિવારને દહાડે એક જ વખત દૂધ પીને ઉપવાસ કરવાનું રાખજે અને તે દિવસે વધુ ટાઈમ સામાયિક કરજે, પ્રતિક્રમણ ને પશ્ચાત્તાપ કરજે.

પ્રશ્નકર્તા : ઊંધે રસ્તે એટલો બધો જોરથી ફોર્સ આવે છે, તે બધી જાતના વિચારો પણ આવે. બધી જાતની ટ્રિકસ, બધી જાતનું સામે લાવીને મૂકી દે.

દાદાશ્રી : જો થોડો વખત ભૂલ ના કહી હોત ને એમ ને એમ હજુ ચાલવા દીધું હોત તો આખું જ્ઞાન બધું ઉખેડીને ફેંકી દેત ! પણ તે થોડા વખતમાં જ કહી દીધું એટલે પક્કડમાં આવી ગયું. નહીં તો પેલું તો પછી હુલ્લડ મચાવે. તેના કરતાં વ્રત લેવું નહીં ને વ્રત લેવું હોય તો પૂરી રીતે પાળવું ! એ જ્યારે ના પળાય એમ થાય તો અમને બધું કહી દેવું. આ તો હિન્દુસ્તાનમાં રહેવું અને પાકિસ્તાનને મદદ કરવી, તેના જેવી વાત છે બધી !

વિષય ઘટાડવા માટે તો બાર આની ખોરાક ઓછો કરી નાખવો, પહેલાં સ્થૂળ દબાણ ઓછું કરી નાખવું પડે. પછી સૂક્ષ્મ દબાણ ઓછું કરવું. આ સ્થૂળ દબાણ ઓછું થઈ જાય પછી પેલા સૂક્ષ્મ દબાણ ઓછાં થઈ શકે. કારણ કે સ્થૂળમાં જ જો દબાણ ઓછું ના થાય તો પછી સૂક્ષ્મમાં શું થાય ?

આ વિચારો ટકવાના નથી એવું તને લાગે છે ? પહેલાં જે તારા વિચાર હતા, તે તને એમ જ લાગતું હતું કે હવે આ મારા વિચાર ખસવાના નથી, પણ હું એ જાણું છું પાછો કે આના આ વિચારો પાછાં ફરશે. અમને અત્યારે ય તારા વિચારો ટેમ્પરરી લાગે ! એટલે તું આની પર ગોઠવણી કર્યા કરે, પણ એ બધી તારી મહેનત નકામી જાય. તે દહાડે બહુ સ્ટ્રોંગ વિચારો હતા, પણ એ વિચારો પાછા ફર્યા ! કારણ કે જેવો માલ ભરેલો તેવો નીકળ્યા કરે.

પ્રશ્નકર્તા : ભરેલાં માલને તો હવે જોયા કરીએ, પણ નવા ભાવ પાછા કર્યા કરીએ તો ? આપ જ્ઞાની પુરુષ છો એટલે જોઈ શકો, શું થાય છે, પણ મને એવી ખાતરી થતી નથી કે મારા વિચારો બદલાશે !

દાદાશ્રી : ના, ના, એ તો પહેલાં ય તને એમ લાગતું હતું કે મારા વિચારો બદલાવાના નથી. તે મને કહેલું હઉ કે, 'હવે આ બ્રહ્મચર્ય જ જોઈએ, એ સિવાય બીજું નહીં !' પણ પછી બદલાયું ! તે દહાડે તારે શારીરિક વિચિત્રતા હતી. તેણે તને વિષય રોકવા માટે હેલ્પ કરી હતી. શરીર જ એવું કે વિષયમાં તને વૈરાગ આવે ને વિષય ન ગમે. અત્યારે શરીરનો ચેન્જ થઈ ગયો, તે પાછું પેલી બાજુ જ વળી ગયો. જેવો શરીરમાં ફોર્સ આવે, તાકાત આવે તો પાછું વિષય ભણી મન દોડે. છતાં આ શરીર વસ્તુ જુદી છે અને આપણે જુદા છીએ.

પ્રશ્નકર્તા : ભાવ કરનારા આપણે છીએ ને ? શરીર નથી ને ? નિશ્ચય કરનારો વિભાગ પોતાનો છે ને ? તો કેમ પેલી બાજુ વિષય બાજુ જતું રહેવાય ?

દાદાશ્રી : હમણાં ત્રણ મહિના કોઈ માણસ માંદો પડે ને બહુ વિષય-વિકારી વિચારો રહેતા હોય તો એને એ વિચાર હપુચા ખલાસ થઈ જાય. ઊલટો એમ કહે, 'હવે આ કોઈ દિવસ જોઈતું જ નથી.' એટલે શરીર ઉપર બધો આધાર રાખે છે !

પ્રશ્નકર્તા : આપના જ્ઞાન પહેલાં મનોબળ જ ડેવલપ નહીં થયેલું ને ! અત્યારે હવે મનોબળ ઉત્પન્ન થતું જાય છે.

દાદાશ્રી : એ ઉત્પન્ન થાય પણ મનોબળ આ બૉડી ઉપર આધાર રાખે છે, 'ડીપેન્ડ્સ અપોન બૉડી'! તમારું આ મનોબળ તદ્દન સ્વતંત્ર નથી. તદ્દન સ્વતંત્ર મનોબળ એ જુદી વસ્તુ છે. એ તો તદ્દન 'વીક બૉડી' હોય તો ય મનોબળ તેનું તે જ હોય.

પ્રશ્નકર્તા : પણ એવાં મનોબળ ડેવલપ થાય ને ?

દાદાશ્રી : ના થાય. આ તમારા મનોબળ તો બૉડીને આધીન. મહીં જે શારીરિક દર્દ હતું, એના આધારે મનના વિચારો બધા બેક માર્યા ગયેલા હોય અને તેથી તે દહાડે ધાર્યો કંટ્રોલ રહી શકતો હતો ને તેથી પછી તને વિચાર કરવાનો વખત મળ્યો કે વિષય શું છે તે ? તે દહાડે વિષય એટલી બધી ખરાબ વસ્તુ છે, એ બધું આમ પિકચરની પેઠ હાજર રહેવા માંડ્યું. ને એ પ્રમાણે થયું, પણ પછી આ શરીરે ચેન્જ માર્યો એટલે પછી વિચારોએ પલટો માર્યો ! વિષય સંબંધી મોળું પડે તે કેટલીક વાર શરીર નબળું પડે એટલે, પાછી દવા થાય એટલે પાછો વિષય જોર કરે. તે તારું પલટાયેલું જોઈને હું સમજી ગયો કે આ શાથી પલટાયું છે ! હું જાણું કે આ દવા થઈ ને દવાથી એવું થયું છે. હજુ આ તારા વિચારો ફરી જશે. તું તારી મેળે જોયા કર ને ! તને પહેલાં જે તારા બ્રહ્મચર્ય સંબંધી વિચારો 'સ્ટ્રોંગ' લાગતા હતા. ત્યારે મને મનમાં થતું કે આની આ સ્થિતિ કાયમ રહેશે નહીં, છતાં રહી શકે તો ઉત્તમ ! શરીરનો બધો ફેરફાર થશે, એટલે આ પાછો આમનો ફરશે. તે પછી ફર્યો પણ ખરો. ત્યાર પછી અમે સમજી ગયા, એટલે પહેલેથી અમે કશું કહીએ જ નહીં ને ! અમે જાણીએ કે આ ભલો આદમી શરીરના આધીન એના નિશ્ચયમાંથી ફરે છે. એમાં એનો દોષ નથી. એટલે અમે ઠપકો તો કશો આપીએ ન

હીં. બાકી બ્રહ્મચર્ય સંબંધી વિરોધી વિચાર આવવા એ ઠપકાને પાત્ર કહેવાય ! એટલે આ વિચારો શેના આધીન ફરે છે એ બધું આપણે જોયા કરવું. હમણાં તું કશા ભાવ કરીશ નહીં. બધું જોયા કર કે કેમનું 'સેટિંગ' લે છે ! તારા ભાવ બ્રહ્મચર્ય માટે એટલે ઊંચે સુધી પહોંચ્યા હતા, કે લોકોનું કલ્યાણ કરી નાખે એવું હતું !

બ્રહ્મચર્યના વિચાર જેને આવે, એ પ્રભાવશાળી કહેવાય ! દેવ જ કહેવાય !! અને અબ્રહ્મચર્યના વિચારો આવે એટલે સાધારણ માનવ જ ગણાય ને ? પશુથી સાધારણ માનવ સુધીનાં બધાંને અબ્રહ્મચર્યના વિચાર આવે. અબ્રહ્મચર્યના વિચાર એ ખુલ્લી પાશવતા છે. જેને સમજદારી નથી, તે અબ્રહ્મચર્યમાં પડે છે. તને પોતાને ય તે દહાડે આ સમજાયું હતું, પણ આ શારીરિક સ્થિતિએ મનને ફેરવ્યું. આ તો તું એમ જાણે કે મારું મન હિંમતવાન થયું હશે. પણ મન હિંમતવાન ત્યારે જ કહેવાય કે બ્રહ્મચર્ય સાથે હોય ! બ્રહ્મચર્ય તોડે, એને હિંમતવાન કોઈ કહી શકે નહીં !!

બ્રહ્મચર્ય માટે વિચાર થાય, તે શરીર ઉપર કેટલીક વાર 'ડીપેન્ડ' થાય છે. વચ્ચે તારી બહુ પુણ્યૈ જાગી હતી કે શરીરની વિકનેસ આવી ! શરીરની વિકનેસને આ કાળમાં ભગવાને મોટામાં મોટી પુણ્યૈ ગણી છે. તે અધોગતિમાંથી બચી જાય, જ્ઞાન ના હોય તો ય તે અધોગતિમાંથી બચી જાય. પણ શરીર જો મજબૂત થયું, એટલે તલાવડું ફાટે તે ઘડીએ જોઈ લો પછી ! તેથી આ નાનાં છોકરાઓને બહુ મગસ ને મીઠાઈઓ આપવાની ના પાડું છું. અલ્યા, છોકરાઓને મગસ ના અપાય. આ તે કઈ જાતના લોક છે કે છોકરાને મગસ ને ગુંદરપાક આપે છે ! એમને તો એકલાં દાળભાત આપે છે તો ય આટલું બધું લોહી વધી જાય, પછી છોકરાઓને મીઠાઈઓ વગેરે આપે તો શું થાય ? પંદર વર્ષે જ નર્યા દોષમાં જ પડી જાય બધાં ! પછી ખરાબી જ થઈ જાય ને ? ઉત્તેજના થાય એવો ખોરાક ના આપવો જોઈએ. આ બ્રહ્મચારીઓને ઉત્તેજના થાય એવો ખોરાક આપે તો શું થાય ? મન-બન બધું ફેરવાઈ જાય ! ખોરાકના આધારે જ બધું મન છે, તે આખો મહેલ કડડભૂસ તોડી પાડે ! એટલે શું કહ્યું છે બધો ખોરાક લો, પણ હલકો લો. શારીરિક તંદુરસ્તી ખલાસ ના થવી જોઈએ.

પ્રશ્નકર્તા : આપણે વિષયમાં લપસ્યા તેમાં જોખમ તો ખરું, પણ તેમાં આપણી સત્તા કેટલી ? આપણે ન કરવું હોય, તો એમાં આપણી સત્તા કેટલી ?

દાદાશ્રી : બધી ય સત્તા છે. 'એક્સિડંટ' તો કો'ક દહાડો હોય, રોજ ના થાય. એટલે રોજ કરો છો એ પોતાના 'વિલ પાવર'થી થાય છે. બાકી 'એક્સિડંટ' તો છ મહિને-બાર મહિને એકાદ દહાડો હોય અને તેને 'વ્યવસ્થિત' કહેવાય, રોજ 'એક્સિડંટ' થાય, તેને 'વ્યવસ્થિત' કહો તો, તે 'વ્યવસ્થિત'નો દુરુપયોગ થયો કહેવાય.

પ્રશ્નકર્તા : એ કેવી રીતે 'વ્યવસ્થિત'નો દુરુપયોગ થયો કહેવાય ?

દાદાશ્રી : એનો દુરુપયોગ થઈ જ જાય છે, અવળી માન્યતા માનો એટલે. તે ય તમને છૂટ આપવામાં આવે છે, કે વિચાર આવે ને તમારી દ્રષ્ટિ મલિન થાય, તેનો વાંધો નથી; એને ધોઈ નાખજો અને આ અમારી પાંચ આજ્ઞા પળાતી હોવી જોઈએ. આ તો પાંચ આજ્ઞા પળાતી નથી એટલે મારે બીજી બાજુનો સ્ક્રૂ કડક કરવો પડે છે.

પ્રશ્નકર્તા : ના, ત્યાં ય આજ્ઞા તો પળાય છે, છૂટું રહેવાય છે.

દાદાશ્રી : એ આજ્ઞા ના કહેવાય. એ તો એક જાતની લાલચ પેસી ગઈ એટલે લાલચુ થઈ જાય પછી.

આ છોકરાએ એના દોષનું પ્રતિક્રમણ કર્યું હતું, પછી મેં એને આજ્ઞા આપી, પછી એને એકુંય દોષ થતો નથી. કારણ કે એણે નક્કી કર્યું છે કે મારે હવે એ બાજુ દ્રષ્ટિ જ કરવી નથી, મારે બગડવું જ નથી, મારે વિષયના વિચારો જ નથી કરવા અને મેં એને આજ્ઞા આપી. હવે એને કશું બગડતું નથી. હે...ય..., નિરંતર સમાધિમાં રહે છે !!! આપણી દાનત ખરાબ હોય ત્યારે બધું બગડે. એક બાબતમાં 'સ્ટ્રોંગ' રહેવું જ પડે ને ? આ બાબતમાં આગળ સંત પુરુષોએ ઝેર ખાધેલાં. કારણ કે એ ઝેર ખાધેલું તો એક અવતાર મારે અને આ વિષય તો અનંત અવતારનું મરણ થયું !!!

જે અણહક્કના વિષય ભોગવે છે, તે તો દુરાચારનો ફેલાવો કરે છે, દુરાચારની જાહેરાત કરે છે. પોતાના હક્કનું લોકો ભોગવી જશે તેનો તેને વિચાર આવતો નથી. જે અણહક્કનું ભોગવતા નથી, એને ઘેરે ય કોઈ ભોગવે નહીં એવું સચવાય, એવો કુદરતનો નિયમ છે. એ નિયમ તોડી નાખે એ ભાન વગરનું, બધું બેભાનપણું કહેવાય. આપણું આ નિરંતર સમાધિમાં રાખે એવું વિજ્ઞાન છે. પછી એ ભૌતિક સુખની ઇચ્છા જ ના રાખે ને ?

પ્રશ્નકર્તા : કોઈને વિષયના સુખની ગ્રંથિ હોય ને ?

દાદાશ્રી : એવું કશું હોતું નથી. ગ્રંથિઓ હોય તો તેનો છેદ કરી શકાય છે.

પ્રશ્નકર્તા : બાકી આપનું જ્ઞાન, આપનું સુખ જે છે, તે ખરેખર આ બધાં કરતાં ઊંચું છે એ વાત સમજાય છે.

દાદાશ્રી : ઊંચું નહીં, આ જ્ઞાન તો એવું છે કે વર્લ્ડમાં કોઈ દહાડો બન્યું જ નથી. આ નવેસરથી જ્ઞાન ઊભું થયું છે.

પ્રશ્નકર્તા : હા, પણ એ સમજાય છે કે વાત સાચી છે પણ એ વર્તનમાં નથી આવતું.

દાદાશ્રી : વર્તનમાં બહુ સુંદર આવે એવું છે ! વર્તનમાં એટલું બધું સુંદર આવે એવું છે કે ન પૂછો વાત.

પ્રશ્નકર્તા : જ્યારે જ્ઞાન લીધું, ત્યારે પહેલું દોઢ વરસ ગજબનું આવી ગયું, ત્યારે વર્તનમાં પણ ગજબનું આવ્યું હતું.

દાદાશ્રી : એ તો પછી દાનત બગડી, દાનત નવું નવું ખોળે પછી. મનનો સ્વભાવ વેરાઈટીઝ ખોળવાનો છે. એટલે શરૂઆતમાં તો એટલું સરસ આવેલું કે મને કહેતો હતો આ વિષય મને નહીં ફાવે, મારે કાયમને માટે આ બ્રહ્મચર્ય જ લઈ લેવું છે, તેમાં તો કઈ ઊંધી બાજુ ચાલ્યું ?!

પ્રશ્નકર્તા : તો, આમાં તો પોતાની જ નબળાઈ છે ને ?

દાદાશ્રી : નબળાઈ એટલે પાર વગરની નબળાઈ ! આ તો માણસને મારી નાખે. તારી દાનત બગડી ત્યારથી ભગવાનની કૃપા ઓછી થવા માંડી એવું મને ખબર પડે ને ! દાનત ચોર છે એટલે પછી ખલાસ થઈ ગયું !

પ્રશ્નકર્તા : તો હવે એનો ઉપાય શું ? ભગવાનની કૃપા જો ઓછી થવા લાગે તો પછી તો પતી જ ગયું ને ?

દાદાશ્રી : તે પછી આ દાનત ચોરી છોડી દેવી જોઈએ. એ તરફ દ્રષ્ટિ જ કેમ જવી જોઈએ ? એટલે બધી મીનિંગલેસ વાતો છે. આ તો તારે દ્રષ્ટિ કેળવવી જોઈએ કે કપડાં સાથે આમ આરપાર દેખાય એટલે કે પહેરેલ કપડે કપડાં રહિત દેખાય, પછી ચામડી રહિત દેખાય, એવી દ્રષ્ટિ કેળવવી પડે ત્યારે પોતાની સેફસાઈડ થાય ને ?! આ શાથી બોલું છું ? માણસને મોહ શાથી થાય છે ? કપડાં પહેરેલાં દેખે છે ને મોહ થાય છે ! પણ અમારા જેવી આરપાર દ્રષ્ટિ થઈ જાય, પછી મોહ જ ઉત્પન્ન ના થાય ને ?

પ્રશ્નકર્તા : વચ્ચે થોડા વખત એવું રહેતું. પછી ફરી એવું રહ્યું નહીં.

દાદાશ્રી : એટલે દાનત ચોર છે. દાનત જ ખોટી હતી ! અને વિષય એવી વસ્તુ છે કે ત્યાં આગળ એક્સેપ્શન જ ના હોય. આ તો તમારે પાંચ આજ્ઞા પાળવાની શક્તિ જ નથી. પાંચ આજ્ઞા પાળવાની હોય તો ય હું એક્સેપ્શન ના આપું કોઈને ય ! કારણ કે આ વિષય તો તમને ક્યાંય સ્લિપ કરીને ખલાસ કરી નાખે. એટલે આ એક જ વિષય જો કદી ઓળંગી ગયો તો ખલાસ થઈ ગયું, એની સેફસાઈડ થઈ જાય ! અમારી આજ્ઞામાં રહો તો તમને સહેજે કૃપા મળે. દાદાને કશું લેવું નથી ને દેવું ય નથી. આજ્ઞામાં તમે રહો તો અમે જાણીએ કે આ લોકોએ આજ્ઞામાં રહીને દીપાવ્યું !

કોઈ માણસ પાંચ-સાત દહાડાનો ભૂખ્યો હોય, તો તે લડવા જાય ખરો ? ના, શાથી ? એનું મન ઓગળી ગયું હોય, એવું આ વિષયમાં છે. મન ઓગળી જાય, એટલે ટાઢું ટપ !

પ્રશ્નકર્તા : પણ દાદા, ઉપવાસ કરું છું, તે દહાડે મારાથી સ્કૂટર પણ બરાબર ઉપાડી ના શકાય એવું લાગે.

દાદાશ્રી : આ બધી વકીલાત કહેવાય. અહીં આગળ વકીલાત કરવાની હોય નહીં. આ તો બચાવ કહેવાય. અહીં બચાવ કરવાનો ના હોય ને ?

પ્રશ્નકર્તા : ના, આ હું બચાવ કરતો નથી, પણ તમારી આગળ ખુલ્લું કરું છું.

દાદાશ્રી : પણ આ બધા બચાવ કહેવાય. અહીં બચાવ કરવાનો ના હોય. અહીં આગળ ક્યાં જેલમાં ઘાલી દેવાનાં છે ? પોતાના મનમાં એમ ઘૂસી જાય કે હવે ઉપવાસ થયો એટલે આવું થઈ જશે, આમ થઈ જશે, તેમ થઈ જશે, તો એવું થાય. ઉપવાસ તો બહુ શક્તિ આપે. આ તો મન તને છેતરે છે. ઊંધે પાટે ચઢાવે છે.

આ મેં જે તમને આપ્યું છે તે એટલું બધું સુખદાયી છે કે બીજું સુખ તમને મોળું પડી ગયેલું લાગે. એટલે ગમે જ નહીં, એટલું બધું એ સુખદાયી છે ! પરમ સુખદાયી છે, પરમ સુખનું ધામ છે !! એટલે બીજું બધું તો મોળું લાગે, ગમે જ નહીં, ઊલટું ચીતરી ચઢે !

આ તો વકીલાત કરીને અર્થનો અનર્થ કરી નાખે કે આ બધું 'વ્યવસ્થિત' જ છે ને ! પણ જોખમ કેટલું બધું છે ?! અણહક્કના વિષય એટલે કેવડું મોટું જોખમ કહેવાય ! તમે જે સ્ત્રી પૈણો એ જ તમારા હક્કનો વિષય. બીજો હક્કનો વિષય તમને લાગુ ના થાય, વિચારે ય ન કરાય, દ્રષ્ટિ ય ના કરાય, ત્યારે આપણું સાયન્સ ખૂલે છે !!! આપણું સાયન્સ તો આનાં આધાર પર, આનાં બેઝમેન્ટ ઉપર બધું રહેલું છે !

પ્રશ્નકર્તા : મારે તો બીજે દ્રષ્ટિ જાય છે.

દાદાશ્રી : એ દ્રષ્ટિ બીજે જાય છે એ તારું પુશ ઓન વસ્તુ છે, ને આ એની વકીલાત કરી અને પેલો નિયમ તોડ્યો. આજ્ઞા તોડીને ? એટલે આ બધું જોખમ આવ્યું છે.

નિશ્ચય તૂટે નહીં અને તૂટે ત્યાં સુધીમાં ચેતી ના જઈએ તો નિશ્ચય બીજી બાજુ ફરી જાય. આત્માના સંબંધમાં નિશ્ચય છે, તે નિશ્ચય જે બાજુ જઈએ, તે બાજુનો જ ફરી જાય !

આ જગતના હોકાયંત્રથી આપણે ઉત્તરમાં જવાનું નથી. જ્ઞાનીના હોકાયંત્રથી ઉત્તરમાં જવાનું છે. જગતનું હોકાયંત્ર તો દક્ષિણમાં જાય છે તેને ઉત્તર કહે છે. ખોટાને ખોટો જાણો ત્યારથી સાચા ભણી જવા માંડો. આ સૂક્ષ્મ ઝેર છે અને આ દવા છે, ઉધરસ મટાડવાની. બેઉ ધોળી હોય. પણ જેના પર પોઈઝન લખેલું હોય તેને આપણે રહેવા દઈએ. કારણ કે મરી જવાય. જાણ્યા પછી છોડી દઈએ કે નહીં ?

અત્યારે જગત પોલંપોલ ચાલી રહ્યું છે. પૈસા ય અણહક્કના ને એવાં જ બધા આવે છે. એટલે આપણે એમાં હાથ ઘાલતા નથી. અત્યારે આ વિષય એકલાંની જ ના કહીએ છીએ. કારણ કે પૈસા એ જડ વસ્તુ છે અને આ તો બેઉ ચેતન, તે ક્યારે દાવો માંડશે તે કહેવાય નહીં. આપણે બંધ કરીએ તો ય એ દાવો માંડે ને ?

પ્રશ્નકર્તા : આ તો અંદર શું થઈ ગયું, એ કંઈ સમજાતું નથી. દ્રષ્ટિ બગડે ત્યાં પ્રતિક્રમણ કરે ને, પાછું દ્રષ્ટિ બગાડવાનું ચાલુ રાખે છે.

દાદાશ્રી : એનું નામ જ 'વ્યવસ્થિત' (!) ને ? અવળું સમજીને ગોઠવી દેવું તે 'વ્યવસ્થિત'(!) ને ? ન હોય તે વ્યવસ્થિત ! આ તો પોતાની સમજણથી ગોઠવી દીધું કે પ્રતિક્રમણ કરીએ એટલે ખાસ વાંધો આવે નહીં, પછી આનું આમ નહીં ને તેનું તેમ નહીં.

માણસે 'સ્ટ્રોંગ' રહેવું જોઈએ. પોતે પરમાત્મા જ છે ! પરમાત્મા કેમ દેખાતા નથી ? આવાં બધાં ઊંધાં લખ્ખણ થયાં છે તેથી. હવે તારે જરા વધારે જાગૃતિથી કામ લેવું અને વધારે તો મનને પકડવાનું છે. મન લપટું પડી ગયું છે. પહેલાં મન નહોતું બગડ્યું. અત્યારે તો મન બગડી ગયું છે. પહેલાં શરીર બગડેલું હતું, ત્યારે મન સુધરેલું હતું. આ દવાએ કરીને શરીર તંદુરસ્ત થયું, તે જો પાછું નુકસાનકારક થઈ પડ્યું. પહેલાં આવું નહોતું. મેં બધો હિસાબ કાઢ્યો હતો. વિષયો ફરી વળે પછી આગળનું કશું દેખાય નહીં. એ માણસને અંધ બનાવે. હિતાહિતનું ભાન ના રહે. જગતને 'આવતા ભવે શું થશે ?' એનું ભાન જ નથી. હિતાહિતનું ભાન જ ક્યાં છે તે ?

અહંકાર કરીને પણ, વિષયથી છૂટાય !

'અતિપરિચયાત્ અવજ્ઞા'. આ પાંચ વિષયોના અનાદિકાળથી અવગાઢ પરિચય હોવા છતાં અવજ્ઞા થતી નથી, એ ય આશ્ચર્ય છે ને ! કારણ કે એક એક વિષયના અનંત પર્યાયો છે ! એમાં જેનાં જેટલાં પર્યાયના અનુભવ થયા એટલાંની અવજ્ઞા થઈને તેટલાં છૂટ્યા ! પર્યાયો અનંત હોવાથી અનંતકાળ સુધી ભટકવું પડશે અને પર્યાયો અનંતા હોવાથી પારે ય નહીં આવે ! આ તો જ્ઞાન સિવાય આમાંથી છૂટાય નહીં.

આપણો માર્ગ બધી રીતે સાહજિક છે, પણ આને માટે સાહજિક નથી. આ વિષયને તો ઇગોઇઝમ શરૂ કરીને પણ ઉડાડી દેવાનો છે ! કારણ કે આ ચરમ શરીરી નથી ! એટલે અહંકાર કરીને પણ આજ્ઞામાં રહેવું. ભલે અહંકારનું કર્મ બંધાય, પણ અક્રમ વિજ્ઞાનમાં આટલું સાચવવા જેવું છે !

શરીર ઉપરથી ચામડી ઉખાડી નાંખે ને પછી ત્યાં પરું થયું હોય, ને કોઈ તમને કહે કે આ ચાટી જાઓ, નહીં તો કાલથી મારે ત્યાં આવવાનું નહીં, તો શું કરો ?

પ્રશ્નકર્તા : 'જાવ, નહીં આવું.' એમ કહું.

દાદાશ્રી : 'નહીં આવું' જ કહેને ? જુઓ, હવે એક આટલી નાની બાબત માટે આખું છોડી દે છે, ચાટે નહીં ને ! તમને કેમ લાગે છે ? તમને કોઈ કહે કે પરું ચાટી જાવ, નહીં તો કાલથી મારે ત્યાં નથી આવવાનું તો ?

પ્રશ્નકર્તા : અત્યારથી નહીં આવું, કાલથી શું કામ ?

દાદાશ્રી : જુઓ, આવી નાની બાબત છે ને, તો આપણને વાતને પકડતાં ના આવડે ?! કેવી અજાયબી છે ને ! ખાલી પરું થયું હોય, એમાં અહંકાર કરે છે કે હવે નહીં આવું અને જેમાં હજારો જોખમ છે એવાં વિષયમાં અહંકાર કરે ને કે, 'આવું તું મારી પાસે કરાવે છે ? તો હું આવીશ જ નહીં !'

પ્રશ્નકર્તા : કર્મ બાંધીને આવ્યો એટલે ભોગવવું જ પડે ને ? પછી એની સત્તામાં નથી ને ?

દાદાશ્રી : ભોગવવું પડે છે એ વસ્તુ જુદી છે અને ભોગવે છે તે વસ્તુ જુદી છે. આ તો બધા ભોગવી રહ્યા છે, ભોગવવું પડે એ તો કો'ક જ માણસ હોય. ભોગવવું પડનારો માણસ તો આખો દહાડો ઉપાધિમાં ને ઉપાધિમાં જ રહ્યા કરે. જ્યારે આ તો ભોગવીને સંતોષવાળું મોઢું ય દેખાય છે. આને માણસ જ કેમ કહેવાય તે ?

આપણા કેટલાંક મહાત્માઓ એવા છે કે અહંકારે કરીને પણ વિષય છોડી દીધો છે. અહંકાર કર્યો કે જે થવાનું હોય તે થાય પણ વિષય બંધ, હવે વિષય નહીં જ જોઈએ. જો વિષય આવે તો મરી જવું, એમ અહંકારે કરીને છોડી દીધું. તેનું એક કર્મ વધારે બંધાય. આ અહંકારથી પુણ્યકર્મ વધારે બંધાય.

અત્યાર સુધી અણસમજણથી દોરવાયા ખરા ! પણ આ જ્ઞાન લીધા પછી તો કેટલી સમજણ ઊભી થાય. એટલે સમજણપૂર્વક હોય તો વૈરાગ આવે ને પછી તોડી ફાડીને વિષયના ધાગા કાઢી નાખે. કર્મ ફરતાં જ નથી, એવો કોઈ નિયમ નથી. કર્મ ફરી શકે છે. આ અજ્ઞાનીને કર્મ કેવી રીતે ફરે ? હમણાં કો'ક માંગવાવાળો આવ્યો હોય, એટલે એ કર્મનો ઉદય તો આવ્યો, એને પતાવી તો દેવું પડે ને ? પણ એ પાડોશી પાસેથી પચાસ રૂપિયા લે અને પેલાને પછી પિસ્તાળીસ રૂપિયા આપે ને પાંચ પોતાની પાસે રાખે. એટલે એક કર્મ પત્યું ને બીજું કર્મ ઊભું કર્યું. એવી રીતે નવું કર્મ ઊભું કરે. એટલે પેલું જૂનું કર્મ તો પતી જાય. આ સંસારીઓ એ જ રીતે બધાં કર્મ પતાવે છે. પણ આ કર્મ બધાં ચૂકતે કરે છે ? ના, આ તો નવો ઓવરડ્રાફટ લઈને ચૂકવી દે છે !

પ્રશ્નકર્તા : ઓન એકાઉન્ટ પૂરા કરે છે.

દાદાશ્રી : હા, પણ આનાથી આવતા ભવની જવાબદારીનું એને ભાન નથી. એ પછી અહીંથી જાનવરમાં જતાં રહે. પણ આટલું સુધર્યું એટલે જ બહુ સારું થયું ને, કારણ કે જે ચાલુ આચાર છે એ અમુક હદ સુધીના ચલાવી શકાય એવા છે, પણ એક વિષય સંબંધી એકલાંને ના ચલાવાય. બીજું બધું ચલાવી લેવાય. તેથી બીજું બધું અમે ચલાવી લઈએ. આ દારૂ પીતો હોય તો વખતે ચલાવી લઈએ છીએ, પણ તમારે એટલું સમજવું જોઈએ કે દાદા આ ચલાવી લે છે ! પણ તમારે શું કરવું જોઈએ ? રાત-દહાડો 'આ બહુ ખોટી વસ્તુ છે, બહુ ખોટી વસ્તુ છે' એવાં જાપ કરવા જોઈએ.

પ્રશ્નકર્તા : એટલે એના પ્રત્યે ખેદ જ થવો જોઈએ.

દાદાશ્રી : નિરંતર ખેદ રહેવો જોઈએ તો એ અમારું કહેલું, ચલાવી લીધેલું તમને કામનું લાગે, નહીં તો દાદા એલાઉ કરે છે એનો અર્થ એવો નથી કે કશો વાંધો નથી. જ્યારે વિષય સંબંધમાં તો અહંકાર કરીને પણ તોડી નાંખવું. બે-ચાર જણને મેં એમ એવી રીતે તોડી નંખાવેલું ! અહંકાર કરીને, મારીને તોડ-ફાડ કરી નાંખે !!! પછી તે અહંકાર કર્યો, એનું કર્મ બંધાય તો ભલે બંધાય, પણ પેલો વિષય તો બધું તોડી નાંખે ને ! હંમેશાં આ બધાં કર્મો એવાં છે કે એકને બદલે બીજું આપો તો એનાં બદલે છૂટે. વિષય એકલું અહંકારે કરીને પણ છૂટી જવું જોઈએ, નહીં તો આ વિષય તો મારી નાંખે !

પહેલાં તો ચારિત્રની સ્થિરતા આવી અત્યાર જેવી નહીં. આ અત્યારે તો બેભાન માણસો છે. આ તો જ્ઞાન લીધાં પછી જો વિષયની આરાધના થાય તો શું થાય ? સત્સંગને દગો દીધો અને જ્ઞાનીને દગો દીધો, તે અહીંથી નર્કે જઈશ. અહીં વધારે દંડ મળે, તેનું શું કારણ હશે ?

પ્રશ્નકર્તા : જવાબદારી છે ને ?

દાદાશ્રી : ના, આ સત્સંગને દગો દીધો, જ્ઞાનીને દગો દીધો. દગાખોર કહેવાય મોટો. આવું તે હોતું હશે ? શું પોતે સમજતો નથી કે આ ખોટું છે એવું ? આ તો જાણી જોઈને ચલાવી લે કે કંઈ વાંધો નહીં, નહીં તો 'સમભાવે નિકાલ' કરવાનો દુરુપયોગ કરે, નહીં તો 'વ્યવસ્થિત છે' કરીને દુરુપયોગ કરે. આવું બધું તમે સાંભળેલું નહીં ને, પહેલાં ?

પ્રશ્નકર્તા : આવું તો સાંભળેલું નહીં.

દાદાશ્રી : હવે તમને બધું લક્ષમાં રહેશે કે છટકી જશે ? આપણને ના હોવું જોઈએ. આ તો મોઢું દેખાડાય નહીં, એવી વસ્તુ બની જાય. શોભે નહીં આપણને. અહંકારે કરીને જે થયું હોય તે આટલું કર્મ બંધાઈ જાય કે 'ઓવર ડ્રાફટ' એટલો લીધો. પણ વિષય તો ના જોઈએ, એમ હોવું જોઈએ. જે બહાર વિષય આરાધતો હોય એને પોતાની બૈરી-છોકરી ગમે ત્યાં જાય તો વાંધો ના હોય. એટલે એને નાગો જ કહેવાય ને ? એને ચારિત્રની કિંમત જ નથી ને !

હવે બધું ગોઠવી દો. છેવટે ય તો, કાલે દેહ છૂટી જાય, તો એની મેળે જ વિષય છૂટી જવાનો જ છે ને ?! તે જીવતાં કરીએ એ શું ખોટું ? મારી ઠોકીને કુદરત કરાવડાવે, એના કરતાં જીવતાં આપણે જાતે કર્યું હોય તો છૂટ્યા આમાંથી ! આ વિષયનું કર્મ એણે અટકાવ્યું, તે બદલ બીજું કર્મ એને બંધાયું પાછું. ભલે એ સહજભાવ ના કહેવાય ! અને એટલે બીજું દેવું ઊભું કર્યું. આ બીજું દેવું સારું પણ આ વિષયનું દેવું તો બહુ જ ખોટું !

વિષયનો વિચાર આવે કે તરત પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ થાય છે ને તારાથી ? તારી પોતાની આમાં બિલકુલ ઇચ્છા જ નથીને ? અંદર મોળી ઇચ્છા ખરી કે 'વ્યવસ્થિત' છે, આમતેમ, એવુંતેવું એવી પોલ ખરી કે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : બાકી પોલું હાંકે. 'વ્યવસ્થિત' છે ને, એમ કહે ! પોલું હાંકવું હોય તો હંકાય ને ?! પોલું હાંકે તો તેની બહુ જવાબદારી ને ? એ તો નરક ગતિમાં લઈ જાય. એટલે અમે ચેતવીએ !

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18