ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18



બ્રહ્મચર્ય (ઉર્તરાધ)

ખંડ : ૨

આત્મ જાગૃતિથી બ્રહ્મચર્યનો માર્ગ !

[૮]

વૈજ્ઞાનિક 'ગાઈડ' બ્રહ્મચર્ય માટે !

ખુલ્યાં રહસ્યો બ્રહ્મચર્ય તણાં !

દાદાશ્રી : બ્રહ્મચર્યની જરૂરિયાત ખરી કે નહીં ?

પ્રશ્નકર્તા : ખરી.

દાદાશ્રી : કેટલી જરૂરિયાત ?

પ્રશ્નકર્તા : ઘણી વધારે છે.

દાદાશ્રી : એટલે બ્રહ્મચર્ય એટલે રીત એક બતાવું આપને કે આખા હિન્દુસ્તાનમાં બધા બ્રહ્મચારી થઈ જાય તો, રહે શું ? હિન્દુસ્તાનમાં શું રહે ? ઊલટું હિન્દુસ્તાનનું ખરાબ કર્યું કહેવાય, નહીં ? હિન્દુસ્તાનમાં બધા બ્રહ્મચારી હોય તો ! કરવું શું ? એવું નથી કહેવા માંગતો. મહીં થોડા ઘણાં બ્રહ્મચારી થાય અને બીજાં લગ્નવાળા હોય. પ્રૌઢાવસ્થામાં, સંસાર અવસ્થામાં બ્રહ્મચર્ય પાળવાને માટે રસ્તો હોવો જોઈએ. તેને માટે પુસ્તક લખાયેલું છે. કારણ કે કશું બ્રહ્મચર્ય વગર આ દેશની દશા તો જુઓ શી છે ? નહીં તો બ્રહ્મચર્ય બળવાળો મગજની સ્થિરતા કેવી સુંદર હોય, મનોબળ કેટલું સુંદર હોય !

પ્રશ્નકર્તા : તમે સાચો બ્રહ્મચારી જોયો છે ?

દાદાશ્રી : સાચો બ્રહ્મચારી આ કળિયુગમાં હોતો હશે ?! આનુ નામ કળિયુગ ! એટલે આ હિન્દુસ્તાનમાં ઋષિમુનિઓના વખતમાં જ બ્રહ્મચર્ય પળાતા'તા. પછી ધીમે ધીમે ઓછાં થતા ગયા, જેમ યુગ બદલાતા ગયા એમ. એટલે પછી પુસ્તકો-પુસ્તકો બધો નાશ થઈ ગયો અને ત્યાર પછી બ્રહ્મચર્યનું પુસ્તક જ નથી. એટલે લોક જાણે કે આ તો મૂળથી રિવાજ હતો. આ વિષય ભોગવવાનો કાયમનો રિવાજ જ છે. બીજા નવા રિવાજ પડ્યા પણ આ કાયમનો રિવાજ. એટલે બ્રહ્મચર્યની વાત ઉપર બે પુસ્તકો બન્યા, ઉત્તરાર્ધ અને પૂર્વાર્ધ.

મહાવીર ભગવાન પછી પચ્ચીસો વર્ષમાં બ્રહ્મચર્ય સંબંધી પુસ્તક નથી નીકળ્યા. કોણ બ્રહ્મચર્યની વાત કરે આ કાળમાં ? જ્યાં ને ત્યાં મન તો થોડું-ઘણું બગડેલું જ હોય. જ્યાં સુધી પોતાનું બગડેલું હોય ત્યાં સુધી બ્રહ્મચર્ય સંબંધી બોલાય નહીં. વાણી જ નીકળે નહીં ને !

જ્ઞાની વિણ વિષય રોગ કોણ કાઢે ?!

લોકો વિષય સંબંધી ઉપદેશ આપતા જ નથી, એનું શું કારણ ?

પ્રશ્નકર્તા : એ લોકો ઉપદેશ આપે તો પણ અસર થાય જ નહીં ને ?

દાદાશ્રી : હા, અસર થાય. જો કદી એમને પોતાને વિષય સંબંધી ચારિત્ર હોય. ભલે તેમને આત્માનું જ્ઞાન ના હોય ને ઉપદેશ આપે તો તે ફળે. ચારિત્ર વગર બધું નકામું છે.

પ્રશ્નકર્તા : લૌકિક બ્રહ્મચર્યની એ લોકો બાધા આપે છે તે ?

દાદાશ્રી : બાધા આપવાની જરૂર નથી, બ્રહ્મચર્ય કેમ રખાય, તેનાં કારણો દેખાડવાં જોઈએ. નહીં તો બાધા રાખે તો ય તેવો ને તેવો થઈ જાય !

પ્રશ્નકર્તા : કેટલાંક લોકો વિષયને છોડવાનો ઉપદેશ આપે છે.

દાદાશ્રી : એવા ઉપદેશને શું કરવાના ? એ ઉપદેશ જ ના કહેવાય ને ? ઉપદેશક તો, એવો બોલ બોલે ને, તો આપણને વિષય ઉપર વૈરાગ આવે કે આવું હોય !?! વિષય તો જો સંભારેને, તો એ તો જીવતું નર્ક છે. વિષયને જો જ્ઞાની પુરુષ પાસે સમજી લે, કે ઓહોહો, આખા જગતની દુર્ગંધ એમાં છે ! આખા જગતનું દુઃખ એમાં છે !! આખા જગતની બધી મુશ્કેલીઓ એમાં છે !!! આ તો કશું લોક જાણતા જ નથી. તેથી મૂર્ખાઈને લઈને આ બધું ઊંધું ચાલ્યા કરે છે.

ઉપદેશક બે જાતના હોવા જોઈએ. કાં તો જ્ઞાની હોવો જોઈએ ને અજ્ઞાની હોય, પણ શીલવાન હોય તો ચાલે ! શીલ ના હોય તો તો કશું કોઈનો દહાડો ય ના વળે. ઊલટાં એમને મળવાથી દુઃખ વધી જાય. સંપૂર્ણ ચારિત્ર તો કોને કહેવાય ? શીલને ચારિત્ર કહેવાય. શીલ એટલે વિષયનો વિચાર ના આવે. અમને વિષયનો એક પણ વિચાર ના આવે. અમારું ચારિત્ર એ ચારિત્ર કહેવાય. સંયમ પરિણામી એને કહેવાય કે જેને વિષયનો વિચાર જ ના આવે !

ખરો બ્રહ્મચારી જ બોલે બ્રહ્મચર્ય પર !

પ્રશ્નકર્તા : કેટલાંક મહાપુરુષોએ બ્રહ્મચર્ય પર ખૂબ ભાર મૂક્યો છે.

દાદાશ્રી : ભાર મૂકેલો ખરો પણ પુસ્તક નહીં લખેલું, ઉપાય બતાવેલા નહીં. ઉપાય શી રીતે જાણે ? જ્યાં સુધી પોતે બ્રહ્મચર્ય સંપૂર્ણ પાળ્યુ નથી.

પ્રશ્નકર્તા : એ બ્રહ્મચારી જ હતા.

દાદાશ્રી : એ બ્રહ્મચારી હોય, તો ય પણ ઉપાય ના બતાવ્યા ત્યાં સુધી પુસ્તક થાય નહીં. અભિપ્રાય આપે કે બ્રહ્મચર્ય પાળવું જોઈએ, પણ એ કંઈ પળાઈ શકે નહીં એટલે એ યુઝફુલ નથી. હેલ્પફુલ નથી. જે વાણી આપણને બ્રહ્મચર્ય પળાવડાવે, પાળવા માટે હેલ્પ(મદદ) કરે, તે કામ લાગે. એ તો એક આશય થયો, કે બ્રહ્મચર્ય પાળવું જોઈએ, એવું એમને હેલ્પ કરે, પણ એને કેવી રીતે પાળવું હવે, તો એના માટે સાધન તો જોઈએને !

અબ્રહ્મચર્યની જવાબદારી સમજે, ત્યારે બ્રહ્મચર્ય પાળે માણસ. કેટલી બધી જવાબદારીઓ છે એવું જ્યારે સમજે, એને ભાન જ નથી કે અબ્રહ્મચર્ય શું છે તે, અને એ ભાનવાળું એક પુસ્તક નથી હિન્દુસ્તાનમાં જેમાં ભાન બતાવ્યું હોય ! બધાએ એવું કહ્યું, કે અબ્રહ્મચર્ય ખોટું છે, બ્રહ્મચર્ય પાળવું જોઈએ, પણ અલ્યા ભઈ, કેવી રીતે અબ્રહ્મચર્ય બંધ થાય એવો કોઈ રસ્તો બતાડ્યો નથી. માટે આ પુસ્તકમાં બધો રસ્તો જ છે.

એવું છે કે, લોકોને અબ્રહ્મચર્યની વાતમાં શું નુકસાન અને શું ફાયદો, એ સમજમાં આવે એટલા માટે જ બોલ્યા છીએ. એનું આ પુસ્તક બન્યું છે ! તે વાંચીને લોકો હવે વિચારેને કે 'આટલું બધું નુકસાન થાય છે ?! અરે આવું તો જાણતા જ નહોતાં !!'

નથી પૈણવું નક્કી કર્યું એટલે નથી પૈણવું એ સાઈડમાં જવું અને પૈણવું છે એ નક્કી કર્યું તો એ સાઈડમાં જવું. આપણે એવું નથી કે આમ જ કરો.

પ્રશ્નકર્તા : સમજણ વગર લે, તો કહે કે બીજા ભવમાં બૈરી બૈરી કરતો જન્મે.

દાદાશ્રી : ના, પણ એ તો એવું કામનું ય નહીં. હા. સમજ તો આવવી જોઈએ. અમે સમજ માટે તો પુસ્તક લખેલા છે.

પ્રશ્નકર્તા : ખરી વાત છે.

દાદાશ્રી : તમે શી રીતે જાણો એવું ! બુદ્ધિને ય સમજણ પડે એવી વાત છે ! આપણે ત્યાં એટલાં માટે તો બ્રહ્મચર્યનું પુસ્તક છપાય છે, હિન્દુસ્તાનમાં પહેલામાં પહેલું !

એટલે આવરણીક દ્રષ્ટિથી આ મનાયું છે સુખ. કેવું ? આ સુખ માનવામાં આવ્યું છે એટલે હું એ છેદી કાઢવા માંગું છું. તે ઘણાં લોકોનાં વિચારો બદલાઈ ગયા. લોકો બધા સમજી ગયા. કેટલાં ભયંકર દોષો આની મહીં, એ તો જરા વિચાર કરતો થાય ને માણસ !!

પ્રશ્નકર્તા : પણ એ પુસ્તક જો વાંચે અને વાંચીને જો થોડું ઘણું જો સમજે તો માણસ બરાબર પૂરી લાઈન પર આવી જાય.

દાદાશ્રી : બ્રહ્મચર્ય લેવા મારી પાસે આવે જ છે ને, જોડે બ્રહ્મચર્ય લેવા આવે છે ઘણાં. એટલે આ પહેલી વખત વિષય ઉપર આ લખવામાં આવ્યું છે. પહેલી વખત અને વિષયનું તાદ્રશ્ય સ્વરૂપ બતાવ્યું છે.

પ્રશ્નકર્તા : આપે જે ફોડ પાડ્યા છે, એવાં ફોડ હજી સુધી પડ્યા જ નથી.

દાદાશ્રી : ફોડ શી રીતે પડે પણ, આ પોતે બેભાન ? આમાં ને આમાં પડી રહ્યા હોય, ત્યારે તો આ સમજતાં નથી કે આ વિષય શું છે ચીજ ?!

એટલે સીક્રેસી છે તે, માટે બ્રહ્મચર્યની વાત નથી નીકળતી. એટલે મારે કહેવું પડે છે બાવાઓ માટે, કે કેમ એ તરફની સીક્રેસી કાઢતાં નથી ? આ લોકોને હજારો વર્ષ સુધી આ પુસ્તકો કામ કરશે. બ્રહ્મચર્યનું કોઈએ કહ્યું જ નહીં ને બ્રહ્મચર્યની વાત જ કોઈએ ઉઘાડી કરી નહીં.

આ ચોપડી વાંચીને પાળ. ચોપડીને વાંચ્યા વગર કોઈ પાળે તો અર્થ વગરનું છે. સમજણ વગરનું કરે ને એ નકામું છે, સમજણપૂર્વક હોવું જોઈએ. વાંચો આ પુસ્તકમાં લખેલું છે ને એ એની મેળે જ બ્રહ્મચર્ય પાળવાનું મન થાય.

ન કરી વાત કોઈ બાપે !

તારા બાપાએ સમજણ તો પાડેલી ને તને ?

પ્રશ્નકર્તા : ન્હોતી પાડી એવી બધી. આજકાલ કોઈ બાપા કે કોઈ સમજણ પાડે નહીં આવી કોઈ !

દાદાશ્રી : ના વાત કરે, નહીં ? કોઈ બ્રહ્મચર્યની વાત કોઈ પુરુષ બોલતો નથી, કોઈ સ્ત્રી પાસે. એનું શું કારણ છે કે દાનત મહીં ચોર છે બધાની, અને મા-બાપ કેમ નહીં કાઢતા ? ત્યારે કહે છે કે એમને શરમ આવે છે. પોતે ના પાળતા હોય તો કેવી રીતે બોલે ? એટલે બ્રહ્મચર્યની વાત કરે તો માણસ ડાહ્યો થાય ! બ્રહ્મચર્ય શબ્દ જ સાંભળ્યો નથી. અને બ્રહ્મચર્ય ઉપર તો બે પુસ્તક લખાયા છે, તે માણસ બ્રહ્મચર્ય ના પાળતો હોય તો ય પાળવાની શરુઆત કરી દે !

બ્રહ્મચર્યનું તો કોઈ દહાડે મૂંખે ય ના જોયું હોય તે ય બ્રહ્મચર્ય પાળવાનું શરુ કરી દે. તે પાંત્રીસ વર્ષના બેઉ જણ આવ્યા. તે મને કહે છે, અમારે છે તે બ્રહ્મચર્ય લેવું છે. ત્યારે મેં કહ્યું, કેમ આટલી નાની ઉંમરમાં બન્ને જણ.... ત્યારે કહે, 'તમારું બ્રહ્મચર્યનું પુસ્તક વાંચ્યું એટલે અમને જવાબદારી સમજાઈ ગઈ, હવે અમારે પેલું બધું ના જોઈએ.' આ પુસ્તકે બહુ જણને ફેરવ્યા. ભાન જ નહીં ને ? આ બધા લોક કરતાં આવ્યા, પાડોશી કરતાં આવ્યા, પ્રેસિડન્ટ કરે, વડોપ્રધાન આવું કરે, બીજા બધા આવું કરે. સાધુ આચાર્યો મહીં કેટલાક ઉંધા છતાં કર્યા કરે. તે પછી લોકોએ જાણ્યું કે આ જ મુખ્ય વસ્તુ છે, આ જગતમાં. એટલે એનો વિચાર જ નથી કર્યો કોઈએ. આમાં સુખ નથી. આ વાંચ્યુ ત્યારથી ખબર પડી ગઈ કે આવું જાણતા જ ન્હોતા, નહીં તો પૈણત જ નહીં ને ! આ ય જાણી ગયા આપણે. ખરાં વર્ષો એમ ને એમ કાઢ્યા શીલદર્શક વગર. હવે કહે છે 'હું ફાવી ગયો !'

આ તો ઘણું સુખ વર્તે, લોકો કેટલાંક માણસોને તો એટલું બધું સુખ વર્તે છે ! આ પુસ્તક વાંચ્યા પછી સમજાયું કે આટલું બધું જોખમ ને આટલું બધું પાપ ને આટલો બધો દોષ હોવા છતાં ય અમે આમાં પડી રહ્યા છીએ. આ લોકસંજ્ઞાથી, લોક આમાં પડ્યું છે. એટલે આમાં પડ્યા છીએ. જાનવરો પડ્યા, માણસો પડ્યા. કોઈ માણસ રહ્યું જ ક્યાં છે ? બીજા ચાર વિષયોનો વાંધો નથી, આ જ વિષયની ભાંજગડ છે. એટલે નહીં સમજણથી આ બધું ઊંધું ચાલ્યું છે બધું !

આ પુસ્તક વાંચ્યા પછી એવા અનુભવ થાય છે કે વિષયના વિચાર જ નથી આવતા, બંધ થઈ ગયા !

'ગાઈડ' વાપરી થયાં પાસ...

એક ભઈ તો પુસ્તક વાંચીને આવેલા. બહુ વેદનાં કરતાં'તા. મેં કહ્યું, 'શા દુઃખ આવી પડ્યાં ?' ત્યારે કહે, 'તમારું પુસ્તક વાંચ્યુ તેથી આ દુઃખ આવી પડ્યું' 'ક્યું પુસ્તક વાંચ્યુ ? તમને દુઃખ થયું', ત્યારે કહે 'બ્રહ્મચર્યનું પુસ્તક વાંચ્યુ પછી મને બહુ દુઃખ થયું' 'અરે, હું આટલો નાલાયક, હું આટલો જાનવર જેવો જ,' મેં કહ્યું, 'એ તો તમારે માપવાનું. મારે કંઈ એ માપીને શું કામ છે ? પુસ્તક તમને શું કહે છે ! પુસ્તક તમને જાનવર જેવા નથી કહેતું.' ત્યારે કહે, 'મને બહુ હવે આ દુઃખ થાય છે. આવું કેમ થાય છે ?' 'આ પાપો શી રીતે ધોવાશે.' મેં કહ્યું, હજુ જેટલું આ ખુલ્લુ કરુને તો ય નીવેડો આવી જશે, એ પુસ્તક આખું વાંચી ગયા ? ત્યારે કહે, આખું શબ્દે શબ્દ વાંચ્યોને. મહીં ચિરાયા, તિરાડ પડી ગયા બધાં.' મેં કહ્યું 'હવે શું કરશો ત્યારે ?' ત્યારે કહે 'તમે કહોએ !' ત્યારે મેં કહ્યું 'ફરી વાંચો.' બ્રહ્મચર્ય સંબંધી જ્ઞાન જ હિન્દુસ્તાનમાં ના અપાયુને ! તે આ હિન્દુસ્તાનમાં ઋષિમુનિઓનાં પુત્રો તે પાશવતામાં પેઠા. પશુયોનિ જેવાં થઈ ગયા.

એ પાછા ફરેને, તો બહુ કામ નીકળી જાય. છતે રસ્તે રાઈટ વે ઉપર હોય માણસ તો ધીમો ધીમો ચાલે એ સાઈડ. એનાં કરતાં રોંગ વે ઉપર ચાલતો ફરીને પાછો આવ્યો હોયને, તો બહુ જ સ્પીડી હોય. મનમાં એ થઈ ગયું હોય કે હવે આ પાર કે પેલી પાર, પેલો ધીમે ધીમેવાળો તો ચા પાણી પીતો જાય. આ પુસ્તક બ્રહ્મચર્યનું વાંચ્યુને મહીં આજે ને આજે જ ચીઠ્ઠી આપી છે અમને. બેને છે તે બ્રહ્મચર્ય વ્રત આપો. અમને બહુ દુઃખ થાય છે, કહે છે. કારણ કે એનું કોઈ કહેનાર જ મલ્યો નથી કે આમાં આવા આવા ગુના છે કે આવા દોષો છે ! સૌ કોઈ કલીયર હોય તો જ લખી શકે, નહીં તો બ્રહ્મચર્ય ઉપર કોઈ લખી શકે નહીં.એટલે આખું પુસ્તક જ નહીં કોઈ એવું ક્લીયર એકું પુસ્તક જ નથી કોઈ.

પુસ્તક વાંચીને ય પળાય બ્રહ્મચર્ય

બ્રહ્મચર્ય તો કોલેજમાં વિષય રાખવા જેવો છે. અને આવું પુસ્તક હિન્દુસ્તાનમાં થયું નથી. હિન્દુસ્તાનમાં આવું પુસ્તક ખોળશે, તો બ્રહ્મચર્યનું નહીં મલે. કારણ કે જે ખરા બ્રહ્મચારી થયા તે કહેવા નથી રહ્યા. ને નથી બ્રહ્મચારી તે કહેવા રહ્યા છે ને લખ્યુ નથી એમણે. બ્રહ્મચારી ના હોય તે શી રીતે લખે ? પોતાનામાં જે દોષો હોય, તે ઉપરથી કશું લખાય નહીં વિવેચન. એટલે બ્રહ્મચારી તે કહેવા રહ્યા નથી, જે ખરા બ્રહ્મચારી હતા તે ચોવીસ તીર્થંકર ! કૃપાળુ દેવે પણ થોડું ઘણું કહ્યું છે.

દાદા કરે જીર્ણોદ્ધાર મહાવીર શાસન તણું !

કડવું લાગે છે કે થોડું થોડું ?

પ્રશ્નકર્તા : ના, ના.

ક્ષત્રિય છે તે આનું મંડાણ કર્યું હતું ભગવાન મહાવીરે, એમના શાસનમાં અમે ક્ષત્રિય છીએ તે આનો જીર્ણોધ્ધાર કરી રહ્યા છીએ ! બીજા કોઈનું કામ નહીં જીર્ણોધ્ધાર કરવાનું. જીર્ણોધ્ધાર તો થવો જ જોઈએ ને !

આ તો બ્રહ્મચાર્યનું આપણું પુસ્તક વાંચ્યુ હોય તેને જ બ્રહ્મચર્ય પળાય, નહીં તો બ્રહ્મચર્ય પાળવું કંઈ સહેલી વસ્તુ છે ?

મારે તો 'ઓપન ટુ સ્કાય' જેવું છે. એક વાળ જેટલી પણ ચીજ ગુપ્ત રાખેલી નથી. આ જ્ઞાન થયા પછી અબ્રહ્મચર્યનું મનથી પણ કોઈ દહાડો મેં સેવન નથી કર્યું.

વિષય મને વિચાર સરખો ય નથી આવતો. સ્ત્રીઓનો દેખીને મને વિષય ઉત્પન્ન ના થાય. કારણ કે મને આત્મા જ દેખાય. નિર્વિચાર દશા, નિરીચ્છક દશા, કોઈ પણ પ્રકારની ઈચ્છા જ જેને નછી. આજ અઠ્ઠાવીસ વર્ષથી અમને વિચાર જ નહીં આવેલો. નિર્વિકારી દશા, નિર્વિકલ્પ દશા, કોઈ વિકલ્પ જ નહીં. આ તો જગતનું કલ્યાણ કરી નાખશે.

- જય સચ્ચિદાનંદ

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18