ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18



બ્રહ્મચર્ય (ઉર્તરાધ)

ખંડ : ૧

પરણિતો માટે બ્રહ્મચર્યની ચાવીઓ....

[૩]

અણહક્કની ગુનેગારી !

અણહક્કથી ના ચેતાય તો.....

જો તું સંસારી હોઉં તો તારા હક્કનો વિષય ભોગવજે, પણ અણહક્કનો વિષય તો ના જ ભોગવીશ. કારણ કે આનું ફળ ભયંકર છે અને તું ત્યાગી હોઉં તો તારી વિષય તરફ દ્રષ્ટિ જ ના જવી જોઈએ ! અણહક્કનું લઈ લેવું, અણહક્કની ઇચ્છા કરવી, અણહક્કના વિષય ભોગવવાની ભાવના કરવી, એ બધી પાશવતા કહેવાય. હક્ક અને અણહક્ક, એ બે વચ્ચે લાઈન ઓફ ડીમાર્કેશન તો હોવી જોઈએ ને ? અને એ ડીમાર્કેશન લાઈનની બહાર નીકળાય જ નહીં ! તો ય પણ લોક ડીમાર્કેશન લાઈનની બહાર નીકળ્યા છે ને ?! એને જ પાશવતા કહેવાય. હક્કનું ભોગવવાનો વાંધો નથી.

ભગવાન મહાવીરે ય પોતાના હક્કનું ભોગવતા હતા. એ કંઈ થાળી ફેંકી નહોતા દેતા. જે હક્કનું ભોગવે, એને ચિંતા ના થાય.

પ્રશ્નકર્તા : પણ હક્કનું કોને કહેવું અને અણહક્કનું કોને કહેવું ?

દાદાશ્રી : આપણા પોતાના હક્કની ચીજ તો દરેક માણસ સમજે. આ મારું ને આ પારકું, એ તરત બધાં સમજી જાય. મારી પથારી કઈ, મારું ઓશીકું કયું, એ બધું નાનું છોકરું ય સમજી જાય. મારી જમવાની થાળી આવે તો, હું મારી મેળે મહીં જે મૂકયું હોય તે બધું ખાઉં, તે હક્કનું કહેવાય. તો કોઈ બૂમ ના પાડે, કોઈ વાંધો ના કરે, કોઈ દાવો ના કરે. આપણામાં લગ્ન કરાવે છે, તે લગ્ન કરાવે એટલે આ તમારા બેઉનું હક્કનું છે. એનો ભગવાનને વાંધો નથી, પણ અણહક્કનું હશે તો વાંધો છે. કારણ કે અણહક્કનું એટલે બીજાના હક્કનું એણે લૂંટી લીધું. ચોર તો સારા કે લક્ષ્મી જ લૂંટી જાય, પણ આ તો બીજી જ વસ્તુઓ લૂંટી જાય. પછી કહેશે, 'મારે મોક્ષે જવું છે.' અલ્યા, મોક્ષે જવાનો આ માર્ગ જ ન હોય. આ ઊંધો જ રસ્તો લીધેલો છે. અણહક્કનું ભોગવી લે છે કે નથી ભોગવતા ? ભોગવે છે અને પાછા ચોરીછૂપીથી નહીં, રોફથી ભોગવે છે.

પ્રશ્નકર્તા : જાણે છે છતાં ય અણહક્કનું ભોગવવાનો પ્રયત્ન કરે છે !

દાદાશ્રી : તેથી જ આ દુઃખ છે ને ! તેથી જ આ સંસાર ઊભો રહ્યો છે. સંસારમાં સુખ જોઈતું હોય તો અણહક્કનું ભોગવશો નહીં. અણહક્કનું ભોગવે, એમાં 'હું સુખી છું' એમ મનથી માને એટલું જ છે. બાકી, એમાં 'સેફસાઈડ' નથી અને હું જે વાત કરું છું, એ તો કાયમને માટેની 'સેફસાઈડ' છે.

પ્રશ્નકર્તા : અણહક્કનું ભોગવવા કઈ વૃત્તિ ઢસડી જાય છે ?

દાદાશ્રી : આપણી દાનત ચોર છે, તે વૃત્તિ.

પ્રશ્નકર્તા : ના, પણ તમે કહો છો કે તમે જો અણહક્કથી ભોગવવા ના ગયા હોય તો ય તમને જે મળવાનું છે, તે મળવાનું જ છે. પણ લેવા જવામાં નવાં પરિણામ ઊભાં થાય છે ને ?

દાદાશ્રી : આ શેઠનું ખેતર અમારી જોડે હતું ને એક કાકાનું જોડે ખેતર હતું. તેમાં જ્યાં ગલકું દેખાય, તે અમે તોડી લાવતા હતા. ત્યારે એ હક્કનું કહેવાય ? આપણે કહેવું જોઈએ કે હું તમારા ખેતરમાંથી ગલકું તોડી લાવીશ અગર તો તોડી લાવ્યા પછી પણ મારે કહેવું જોઈએ. પણ અણહક્કનું તો ના જ લેવાય.

લોકોએ અણહક્કનું ખાધું ને પીધું, અણહક્કનું તો બધું જ કર્યું; કંઈ કરવામાં બાકી નથી રાખ્યું ને ! સંસાર એટલે 'હક્કનું ભોગવો' એમ કહે છે અને હક્કનું ભોગવવાનો વાંધો નથી. સ્ત્રી પણ પૈણે તો, એક તમને પોષાતી ના હોય તો બે પૈણજો. બાકી, આપણે ત્યાં તો તેરસો હઉ પૈણેલા ! તે ય છે તે સ્ત્રી-પુરુષ હક્કનું હોય, માલિકીનું હોય તો તેનો વાંધો નથી. હક્કનું કોને કહેવાય ? આખો સમાજ કબૂલ કરે. પૈણાવે, તે ઘડીએ બધા જાનમાં હઉ આવે. પણ અણહક્કી હોય તો ભાંજગડ છે.

ઘેર હક્કની હોય તો પણ બહાર બીજે દ્રષ્ટિ બગાડે છે પાછી ! હક્કનું ભોગવને ! બીજે અણહક્ક પર દ્રષ્ટિ જ કેમ જાય ? પોતાને જે પરણેલી છે, તે સિવાય બીજે બધે આખી જિંદગી દ્રષ્ટિ બગડવી જ ના જોઈએ ! હક્કનું છોડીને બીજી જગ્યાએ 'પ્રસંગ' થાય, તો એ સ્ત્રી જ્યાં જાય, ત્યાં આપણે અવતાર લેવો પડે. એ અધોગતિમાં જાય તો આપણે ત્યાં જવું પડે. આજકાલ બહાર તો બધે એવું જ થાય છે. 'ક્યાં અવતાર થશે ?' તેનું ઠેકાણું જ નથી. અણહક્કના વિષય જેણે ભોગવ્યા, તેને તો ભયંકર યાતનાઓ ભોગવવી પડે. તેની છોડી પણ એકાદ અવતારમાં ચારિત્રહીન થાય. નિયમ કેવો છે કે જેની જોડે અણહક્કના વિષય ભોગવ્યા હોય તે જ પછી મા થાય કે છોડી થાય. અણહક્કનું લીધું, ત્યારથી જ મનુષ્યપણું જાય. અણહક્કનો વિષય એ તો ભયંકર દોષ કહેવાય. આપણે કો'કનું ભોગવી લઈએ એટલે પોતાની છોડીઓ કો'ક ભોગવે, તેની ચિંતા જ નથી ને ! એનો અર્થ એ જ થયોને ? અને એવું જ થાય છે ને !? પોતાની છોડીઓ લોકો ભોગવે જ છે ને !! આ બહુ નાલાયકી કહેવાય, 'ટોપમોસ્ટ' નાલાયકી કહેવાય. પોતાને ઘેર છોડીઓ હોય તો પણ બીજાની છોડીઓ જુએ છે ? શરમ નથી આવતી ? 'મારે ઘેર પણ છોડીઓ છે' એવું ભાન રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ ? આપણે ચોરી કરીએ તો કોઈ બીજો ચોરી કર્યા વગર રહે જ નહીં ને ? જ્યાં અણહક્કના વિષય હોય, ત્યાં તે કોઈ રસ્તે સુખી ના થાય. પારકું આપણાથી લેવાય જ કેમ કરીને ?

લોકોએ વિષયોની લૂંટબાજી કરી છે. આપણે બધાને નથી કહેતા. કારણ કે 'એક્સેપ્શન કેસ' બધામાં હોય જ. પણ ઘણો ખરો એવો માલ થઈ ગયો છે કે વિષયોમાં લૂંટબાજી અને અણહક્કના વિષયો ભોગવે છે. હક્કના વિષયની તો ભગવાને ય ના નથી પાડી. ભગવાન ના પાડે તો ભગવાન ગુનેગાર ગણાય. અણહક્કનું તો ના પાડે. જો પસ્તાવો કરે તો પણ છૂટે. પણ આ તો અણહક્કનું આનંદથી ભોગવે છે, તેથી ઘોડાગાંઠ મારે. તે કેટલાંય અવતાર બગાડે. પણ પસ્તાવો કરે તો ઘોડાગાંઠ ઢીલી થાય ને છૂટવા માટે અવસર મળે.

જેમ પોતાની સ્ત્રી હોય, એવી દરેકને પોતાની સ્ત્રી હોય. દરેક છોકરીઓ કો'કની સ્ત્રી થવા માટે જ જન્મેલી હોય છે, એ પારકો માલ કહેવાય. કોઈની સ્ત્રીને બીજી રીતે જોઈ શકાય નહીં, ભૂલથી જોવાઈ જાય પાછલા સંસ્કારને લીધે, તો પ્રતિક્રમણ કરવું જોઈએ. આટલું જ સાચવવાની જરૂર છે. બીજું કશું સાચવવાની જરૂર નથી.

અણહક્કમાં ભંગ પાંચેય મહાવ્રત !

એટલે પોતાના ઘરમાં બધા માણસો પર બિલકુલ કંટ્રોલ રાખવો જોઈએ, નહીં તો પછી નાકકટ્ટો થશે ત્યારે બૂમાબૂમ કરશે. પોતે શીલવાન હોય તો છોકરીઓ શીલવાન થાય, નહીં તો પોતાનું જ ઠેકાણું ના હોય તો છોકરીઓ તો બગડી જ જાયને પછી. ફાધરનો વ્યવહાર એવો ના દેખાવો જોઈએ કે છોકરીઓનાં મનમાં ફાધરનો સહેજે ય દોષ દેખાય. છોકરીઓને ફાધરનો એક પણ દોષ ના દેખાય એવી રીતે ફાધરે જીવન જીવવું જોઈએ. આ તો કંઈ ફાધર છે ? આ તો અડધા જાનવર જ છે !! ફાધર તો કેવા હોય કે છોકરાંઓને એમની સહેજ પણ ખાનગી બાબત માલમ ના પડે.

પ્રશ્નકર્તા : પહેલાં તો સામાજીક ભયો પણ બહુ હતા ને ?

દાદાશ્રી : હા, એ સામાજીક ભયની જરૂર હતી. એ ભયથી જ લોકો સીધા રહેતા હતા. અમારા વખતમાં તો વિચારે ય નહોતા આવતા. એ છોડીઓ-છોકરાંઓ બધાં ફરે તો ય વિચારો જ નહીં. એ જાતના સંસ્કારો જ નહીં.

કોઈની છોકરી જતી હોય અને એના ઉપર દ્રષ્ટિ બગડે, તો તે ઘડીએે તરત જ આપણને વિચાર ના આવવો જોઈએ ? કે ભઈ, મારી છોકરીની ઉપર દ્રષ્ટિ કોઈ બગાડે તો કેટલું મને ખરાબ લાગે ?! એવો વિચાર ના આવવો જોઈએ ?

પ્રશ્નકર્તા : આવે જ છે !

દાદાશ્રી : એવો વિચાર આવે તો જ એ મનુષ્ય છે અને બીજાની પર દ્રષ્ટિ બગાડે, એને મનુષ્ય જ કેમ કહેવાય ? તે બધું અણહક્કનું જે હોય વસ્તુ, તેની પર દ્રષ્ટિ ના બગાડાય ને ? પોતાની હક્કની સ્ત્રી હોય, તેનાં માટે કોઈ જાતનો વાંધો નહીં. સંસારના લોકો ય કહે કે ના ભઈ, આ તો સારું છે, પોતાની સ્ત્રી છે. ખભે હાથ નાખીને જતો હોય તો ય લોકો પાછળ અમથા ટીકા કરે. પણ પછી કહેશે, 'ભઈ, એની સ્ત્રી છે.' તો એનો વાંધો નથી, પણ અણહક્કનું તો લોકો ટીકા ય કરે, નીંદા ય કરે. કરે કે ના કરે ? અને જગત નીંદા કરે ને, ત્યાં આપણો બધો, બધાં દોષ ફરી વળે. માટે અણહક્કનું બહુ નુકસાનકારક ને ?

કાગળ લખ્યો અને જ્યાં સુધી નાખ્યો નથી મહીં પોસ્ટમાં, ત્યાં સુધી નીચે લાઈન લખાય કે આગળ અમે તમને ગાળો ભાંડી છે કાગળમાં પણ એની અમે માફી માંગીએ છીએ, એમ નીચે વાક્ય લખાય.

પ્રશ્નકર્તા : તે ઉપરનું બધું ભૂંસાઈ જાય.

દાદાશ્રી : ભૂંસાઈ જાય. એનો અર્થ સવળો થઈ જાય. એટલે આજ કલાક પ્રતિક્રમણ કરો બરોબર.

પ્રશ્નકર્તા : ચારિત્ર ભ્રષ્ટતા, એ આત્માના માર્ગે જતાં રોકે ?

દાદાશ્રી : એ તો નર્કે જવાની નિશાની છે આ.

તમને હક્ક કેટલો છે કે જે સ્ત્રી પૈણ્યા, તે સ્ત્રીની જોડે તમે જતાં હોય તો કોઈ આંગળી ના કરે ને પર-સ્ત્રી જોડે જતાં હોય તો સંસારના લોકો ય આંગળીઓ કરે. તો જ્યાં કંઈ પણ આંગળી થાય તમારી પાછળ, ત્યાં નર્કગતિ છે. અને તમારી દ્રષ્ટિ બગડી તો અણહક્કનું, અને અણહક્કનું તમે ભોગવવાની ઈચ્છા કરી, માટે ત્યાં આગળ જાનવર ગતિ.

પ્રશ્નકર્તા : આપે એવું કહ્યું છે ને, અણહક્કના વિષયો નર્કે લઈ જાય. એ શાથી ?

દાદાશ્રી : અણહક્કના વિષયમાં હંમેશાં કષાયો હોય, ને કષાયો હોય એટલે નર્કમાં જવું પડે. પણ આ ખબર પડે નહીં લોકોને. એટલે પછી બીતાં નથી, ભડકે ય નથી લાગતી કોઈ જાતની. અત્યારે આ મનુષ્યભવ તો, ગયા અવતારે સારું કરેલું તેનું ફળ છે.

પ્રશ્નકર્તા : સ્વર્ગ ને નર્ક, બે અહીં જ છે ? એ અહીં જ ભોગવવાનું ?

દાદાશ્રી : ના, અહીં નથી. અહીં તો નર્ક જેવી વસ્તુ જ નથી. નર્કનું તો હું વર્ણન કરું ને એ માણસ સાંભળે, તો સાંભળતાં જ મરી જાય એટલાં દુઃખો છે ! ત્યાં તો જેણે ભયંકર ગુના કર્યા હોય, તેને પેસવા દે ! અહીં સ્વર્ગ-નર્ક જેવું કશું છે નહીં. અહીં તો ઓછું પુણ્યવાળાને ઓછું સુખ અને વધુ પુણ્યવાળાને વધારે સુખ. કોઈને પાપ હોય ત્યારે એને દુઃખ હોય.

અણહક્કમાં તો પાંચે પાંચ મહાવ્રતોનો દોષ આવી જાય છે. એમાં હિંસા થઈ જાય છે, જૂઠું થઈ જાય છે, ચોરી તો, આ ઉઘાડી ચોરી કહેવાય. અણહક્કનું એટલે ઉઘાડી ચોરી કહેવાય. પછી અબ્રહ્મચર્ય તો છે જ અને પાંચમું પરિગ્રહ, તે આ મોટામાં મોટો પરિગ્રહ છે. હક્કના વિષયવાળાને મોક્ષ છે પણ અણહક્કના વિષયવાળાને મોક્ષ નથી, એમ ભગવાને કહ્યું છે !

પોતાના હક્કના વિષય હોય તો ભોગવજો. અણહક્કનો વિચાર ના આવવો જોઈએ. હક્કના વિષય હોય તો હક્કનું, અમે બેઉને વિધિ મૂકી આપીએ. એને અબંધભાવની વિધિ મૂકી આપીએ. તે હક્કનું પણ પોતાની રાજીખુશીથી ના હોવું જોઈએ. જેમ પોલીસવાળો પકડીને માંસાહાર કરાવડાવે, તેના જેવું હોવું જોઈએ.

પ્રશ્નકર્તા : એટલે પોતાના ઉદયકર્મ પ્રમાણે ?

દાદાશ્રી : ના. ઉદયકર્મમાં તો અણહક્કના ય હોય, પણ અણહક્કનું ના હોવું જોઈએ. હક્કનું એટલે જગતના લોકો એક્સેપ્ટ કરે, લોકો નિંદા કરે નહીં એવું હોય અને તે પણ પોતાની સ્ત્રી જોડેનું જ હોવું જોઈએ, લોકમાન્ય હોવું જોઈએ. તે પોતાને પણ ખૂંચે નહીં, ભય ના લાગે. નહીં તો અણહક્કનું ભય લાગે, કાંકરો ખૂંચે એમ ખૂંચ્યા કરે.

હરૈયા ઢોરની શું ગતિ ?

આ લોકોને તો પાછું કશું ભાન ના હોય ને ! અને હરૈયા જેવા હોય. હરૈયા એટલે તમે સમજ્યા ને ? તમે હરૈયા કોઈને જોયેલા ? હરૈયું એટલે જેનું હાથમાં આવે, તેનું ખાઈ જાય. આ ભેંસ-બંધુને તમે ઓળખો કે ? એ બધાં ખેતરોનું ચોખ્ખું જ કરી આપે. આમ આ હરૈયા પાડા જેવું જગત છે. અલ્યા, મૂઆ તને વિચાર ના આવ્યો કે તારે ય બહેન, દીકરી છે. તું બીજી જગ્યાએ લે છે, તો તેના ફળ રૂપે તારું આ જશે. તમે જેવો ધક્કો મારો છો, તેવું પરિણામ ઊભું થશે. આ જગત બગાડવા જેવું છે નહીં. બગડી ગયું હોય તો એને સહન કરી લેવું. ફરી નવેસરથી બગાડવું નહીં. આ તો હરૈયા ઢોર ને જે આવ્યું તે ખાઈ જાય એટલે લોક પછી પોતાની છોડીઓને ખાઈ જાય. એની લોકને કંઈ પડેલી નથી. આવું જો બધા હરૈયા થાય તો શું રહ્યું ?

બહુ જૂજ માણસો છે કે જેને કંઈક આમાં મહત્ત્વતા સમજાયેલી છે. બાકી મળ્યું નથી ત્યાં સુધી હરૈયા નથી ! મળ્યું કે હરૈયા થઈ જતાં વાર ના લાગે. આ શોભે નહીં આપણને ! આપણાં હિન્દુસ્તાનની, કેવી ડેવલપ પ્રજા ! આપણે તો મોક્ષે જવાનું છે !!

પહેલાંના કાળમાં મનુષ્યો કેવાં હશે ? પારકી બહેન-દીકરી હોય તે ય પોતાની ગણે અને પોતાની ય પોતાની. કેવું સુંદર વાતાવરણ ! આ તો બધું 'ફ્રેકચર' થઈ ગયું. પછી સુખ કેવી રીતે આવે ? સાંસારિક સુખ તો આમાં હોય જ નહીં.

થ્રી વિઝનની જાગૃતિ જવલ્લે જ !

અણહક્કનું હોય તો બધા મારવા ફરી વળે, શાથી ? અણહક્કની ધાડ પાડી તેથી ! અણહક્કની ધાડ જાણી-જોઈને પાડે છે ? ના, એ તો દ્રષ્ટિ એવી થઈ ગઈ છે. લોકોની દ્રષ્ટિ તો જાત જાતની હોય. તે તમારી દ્રષ્ટિ આમ સીધી હોય તો ય પેલી તારી દ્રષ્ટિ ખેંચી લે. એટલે ત્યાં પછી સામું જોઈએ ત્યારે ભાંજગડ થાય ને ! જ્ઞાની પુરુષને તો ગમે તેની સામે જોવાનો વાંધો નહીં. કારણ કે એમની પાસે તો બધી જ જાતના 'લોક એન્ડ કી' હોય, કોઈનું એમની પાસે ચાલે નહીં. પણ બધી જાતના 'લોક એન્ડ કી' ક્યારે થાય કે વિષય બંધ થાય પછી. એટલે જ્ઞાની પુરુષને વિષય જ ના હોય, ત્યારે એમને એવો વ્યવહાર જ ના આવે ને ! વિષય ક્યારે જાય ? એ વિષય તો જાગૃતિથી જાય. વિષય એમ ને એમ જાય એવો નથી. છેલ્લો વિષય, એક હક્કનો વિષય પણ તૂટે ક્યારે ? જાગૃતિ હોય તો. જાગૃતિ કોનું નામ કહેવાય કે આમ સ્ત્રી-પુરુષ કપડાં પહેરેલાં છતાં નાગા દેખાય, પછી 'સેકન્ડ વિઝને' ચામડી ખસી ગયેલાં દેખાય અને 'થર્ડ વિઝને' અંદર બધું ચૂંથાઈ ગયેલો બધો માલ હોય એવું દેખાય. આ ત્રણ વિઝન 'એટ એ ટાઈમ' એક મિનિટની અંદર જ થઈ જાય. હવે એટલી જાગૃતિ હોય ત્યારે છેલ્લા સ્ટેશનમાં પહોંચાય. આખી દુનિયામાં જાગૃતિવાળા કેટલાં ? સો-બસો માણસ હશે ને ? કોઈ કાળે એક જાગૃ

તિવાળો હોતો નથી. આ કાળમ

ાં જ આ હું એકલો છું. આવાં જાગૃતિવાળા તો હોતાં હશે ? પોતે દેહધારી થઈ અને આવી જાગૃતિ તો હોતી હશે ? મોટો સાયન્ટિસ્ટ હોય કે માનસશાસ્ત્રી હોય, પણ આવી જાગૃતિ જ ના હોય ને !!

પ્રશ્નકર્તા : આપના જ્ઞાન પછી, આ જાણ્યા પછી થોડાંક મહાત્માઓને એવી જાગૃતિ થઈ ગઈ હોય ને ?

દાદાશ્રી : એવું થોડા થોડા પ્રમાણમાં થયેલું હોય, પણ વધારે ના થાય ને ! 'જ્યાં સુધી એ પ્રયોગ છે, ત્યાં સુધી એ જાગૃત છે.' એવું ના કહેવાય. અને જો જાગૃત છે તો એ કાદવમાં હાથ જ ઘાલે નહીં. ને આ એંઠવાડામાં હાથ ઘાલે છે તો એ જાગૃત જ નથી, બેભાન છે.

અણહક્કનું લઈ જાય નર્કે....

નિરંતર આજ્ઞામાં રહેવાય, નિરંતર સમાધિમાં રહેવાય, સરળ અને સમભાવી પાછો એવો આપણો માર્ગ છે. કેરીઓ બધું ખાવાની છૂટ આપી છે. ફક્ત એક વિષય એકલો જ, પોતાની સ્ત્રી કે પોતાના પુરુષ સિવાય અન્ય વિષય ન હોવો જોઈએ અને વિષય, જે અણહક્કના વિષય છે, એનાથી તો અધોગતિ નોતરવાનું થાય. અને વિષયમાં તો કયું સુખ છે ? આ જાનવરોને ય એમાં સુખ નથી દેખાતું. જાનવરો ય સીઝન પૂરતાં ફક્ત વિષયમાં પડે છે, તે ય સીઝનનો ઉશ્કેરાટ છે. જાનવરોને ય આ ગમે નહીં. તેથી તો આ બધા બ્રહ્મચર્ય વ્રત લઈને બેઠા છે. આ વિષયમાં ક્યાંય સુખ ના દેખાયું. જેનાં મોઢાં ગંધાય, જે શરીરમાંથી રાત-દહાડો નર્યો ગંદવાડો જ નીકળતો હોય, તેની ઉપર વિષય કેમ ઉત્પન્ન થાય ?

આ તો આજ્ઞા પાળવાની ગોઠવણી કરી દે, તો રાગે પડી જાય. પોતાની સ્ત્રી સિવાય બીજે અન્ય અણહક્કના વિષયો ભોગવવા જતાં તો નર્કગતિની નિશાની સામે આવે !

પ્રશ્નકર્તા : આ જ્ઞાન મળ્યું અને આવું અણહક્કનું થાય એટલે જોખમદારી વધી જાય ને ?

દાદાશ્રી : ભયંકર. પછી જ જોખમદારી વધેને ! નહીં તો ય પહેલાં જોખમદાર હતો જ, જવાનો જ હતો જાનવરમાં. એને કશી પડેલી જ નહોતી ને ! હવે સારા માર્ગે આવ્યા પછી જો કદી આવી ભૂલ થયા કરે તો શું થાય ? આજ્ઞા બને એટલી પાળવી, આજ્ઞા ઉપર આવી જવું. બ્રહ્મચર્ય આવ્યું અને આ જ્ઞાન છે, એટલે પછી સુખ ખૂટે જ નહીં.

અબ્રહ્મચર્ય તો એવું કે આ અવતારમાં સ્ત્રી થયેલી હોય, અગર તો બીજી રખાત હોય તો આવતાં અવતારમાં પોતાની છોકરી થઈને ઊભી રહે એવી આ સંસારની વિચિત્રતા છે. તેથી ડાહ્યા પુરુષો બ્રહ્મચર્ય પાળીને મોક્ષે ગયેલાને !

હક્કના જ હદમાં, તેની ગેરેન્ટી !

પ્રશ્નકર્તા : નાનપણથી જ છોકરીઓમાં બહુ જ રસ છે.

દાદાશ્રી : છોકરીઓને જોવાનો કે છોકરીઓમાં ?

પ્રશ્નકર્તા : બધું ય છે. પહેલાં જોવામાં હતો પછી....

દાદાશ્રી : એ જ રોગ છે. એ જ પોલ છે. હું એ જ પૂછું છું ક્યાં આગળ ? અહીં મૂઆ નથી, ત્યાં તો મૂઆ છો ને ! એમાં કેટલું ધારેલું સફળ થયું છોકરીઓમાં ?

પ્રશ્નકર્તા : આ બાબતમાં અત્યાર સુધી મને કોઈએ કંઈ જાણકારી આપી જ નથી.

દાદાશ્રી : પારકી સ્ત્રી કે પારકી છોકરી સાથે કંઈ પણ દ્રષ્ટિ બગડે તો ભયંકર પાપ છે. તારી પોતાની સ્ત્રી હોય તો વાંધો નથી. પણ પારકી અને પછી અહીં તો હરૈયો રહ્યો પણ ત્યાં ય પૂછડાં સાથે હરૈયો કૂદે, કૂદાકૂદ, કૂદાકૂદ. આ મનખો જતો રહેશે. મહાપરાણે મળેલું આ માણસપણું જતું રહેશે. માટે ચેત જરા.

એટલે તો તુલસીદાસને આખું શાસ્ત્ર લખવાનો વખત ના આવ્યો પણ બે જ અક્ષર બોલ્યા,

'પરધન પથ્થર માનીએ, પરસ્ત્રી માત સમાન.

ઈતને સે હરિ ના મિલે, તો તુલસી જમાન.' કહે છે.

કૃપાળુદેવ તો જમાન થયા છે અને આ બીજા જમાન. હક્કનું ખાય તો મનુષ્યમાં આવે, અણહક્કનું ખાય તો જાનવરમાં જાય.

પ્રશ્નકર્તા : અમે અણહક્કનું તો ખાધું છે.

દાદાશ્રી : ખાધું છે તો હજુ પ્રતિક્રમણ કરો ને, હજુ ભગવાન બચાવશે. હજુ દેરાસરમાં જઈને પશ્ચાત્તાપ કરો. હજુ જીવતા છો. આ દેહમાં છો ત્યાં સુધી પશ્ચાતાપ કરો.

પ્રશ્નકર્તા : ખાલી પશ્ચાત્તાપ કરવાથી શું થાય ?

દાદાશ્રી : એ તમને સમજણ હોય તો કરો. જ્ઞાની પુરુષનું માનવું હોય તો માનો. ના માનવું હોય તો તમારી મરજીની વાત છે. એ તમારે ના માનવું હોય તો એનો કોઈ ઉપાય છે નહીં. હજુ પશ્ચાત્તાપ કરશો તો ગાંઠો ઢીલી થઈ જશે અને ઉપરથી રાજીખુશી થઈ તે કરેલું છે. તે નર્કગતિનું બાંધી કાઢ્યું છે. અણહક્કનું ખાધું તો ખરું, પણ રાજીખુશીથી કરે, તો નર્કગતિમાં જાય અને જો પશ્ચાતાપ કરે તો જાનવરમાં આવે. ભયંકર નર્કગતિ ભોગવવાની છે. માટે જો અણહક્કનું હજુ જેટલું ખાવું હોય એટલું ખાજો લોકોનું.

પ્રશ્નકર્તા : આ બધામાંથી છૂટવાનો શ્રેષ્ઠ ઉપાય શું ?

દાદાશ્રી : અણહક્કનું ખાધું હોય તેનો પશ્ચાતાપ કરો. અણહક્કનું ખાવાના વિચાર આવે તો ય પશ્ચાતાપ કરો. આખો દહાડો પશ્ચાતાપમાં જ રહો. આવું ન ખવાય. મારે તો હક્કનું હોય તો જ મારા કામનું. પોતાના હક્કની સ્ત્રી હોય, પોતાના હક્કનાં છોકરાં હોય, ઘર-મકાન બધું આપણું હોય, પણ પારકાંના હક્કનું કેમ લેવાય ? એ પછી જાનવર થયે છૂટકો નથી, નર્કગતિના અધિકારી થયાં છે. ભયંકર દુઃખોમાં સપડાયા. હજુ ચેતવું હોય તો ચેતજો. આ જ્ઞાની પુરુષ શું કહે છે કે તમને પશ્ચાતાપરૂપી હથિયાર આપ્યું છે. પ્રતિક્રમણ કર્યા કરો.

'હે ભગવાન ! અણસમજણથી, ખરાબ બુદ્ધિથી, કષાયોથી પ્રેરાઈને પણ આ જે મેં દોષો કર્યા છે, ભયંકર દોષો કર્યા છે. એની ક્ષમા માગું છું.' કષાયોની પ્રેરણાથી કર્યા છે, તમે તમારી જાતે નથી કર્યા. હજુ કરવું હોય તો કરજો, ના કરવું હોય તો તમારી મરજીની વાત છે.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18