ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18



બ્રહ્મચર્ય (ઉર્તરાધ)

ખંડ : ૨

આત્મ જાગૃતિથી બ્રહ્મચર્યનો માર્ગ !

[૧]

વિષયી-સ્પંદન, માત્ર જોખમ !

વિષયોથી વીતરાગો ય ડરેલાં !

આત્મા ને સંજોગો, બે જ છે. ત્રીજું કોઈ ભૂત આમાં વચ્ચે નથી. આત્મા શાશ્વત છે. સંયોગો વિયોગી સ્વભાવના છે. હવે તમારે જેમ કરવું હોય તેમ કરો અને વિષયી એ 'ચંદુભાઈ' છે. એમાં 'તમારે' શું લેવાદેવા ? 'તમે' એની જોડે યારી ના કરશો કે લે આ 'કૉલ' આપ્યો, એવું કરવાનો ભાવ ના થાય એ જાગૃતિ રાખવાની. વિષયોથી ભગવાન પણ ડર્યા છે. વીતરાગો કોઈ વસ્તુથી ડર્યા નહોતા, પણ એક વિષયથી એ ડરેલા. ડર્યા એટલે શું કે જેમ સાપ આવે છે, તે દરેક માણસ પગ ઊંચો લઈ લે કે ના લઈ લે !

પ્રશ્નકર્તા : લઈ લે.

દાદાશ્રી : એમાં પોતાનું હિત નથી એવું જાણે છે, તેથી લઈ લે છે ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એવું વીતરાગો એટલું સમજ્યા કે આમાં હિત નથી, આ તાત્કાલિક ઇફેક્ટિવ છે, માટે અહીં આગળ આ દારૂખાનાથી બહુ છેટા રહેવા જેવું છે. આટલો તો ડર રાખવો જોઈએ ને ? આપણા લોકો વિષયોથી ના ડરે અને સાપથી ડરે. અલ્યા, સાપથી કેમ ડરે છે ? સાપ આગળ હિતાહિત જુએ છે, તો અહીં વિષયમાં કેમ હિતાહિત નથી જોતા ? આમ વિષયોમાં બેફામ ના થઈ જવું જોઈએ. પોલીસવાળો પકડીને કરાવે, એના જેવું હોવું જોઈએ. આ અહીં વિષયોનું સાયન્સ સમજી લેવાનું છે. આ પ્રત્યક્ષ ઝેર છે એવું જ્ઞાન હાજર રહેવું જોઈએ.

આત્મા સદા બ્રહ્મચારી

હવે બીજી શી કચાશ લાગે છે, એ કહો.

પ્રશ્નકર્તા : આ ષડરીપુઓમાં કામ જીતવો મુશ્કેલ છે.

દાદાશ્રી : હા. કામ જીતવાનો નથી. કામને હરાવવાનો ય નથી ને જીતવાનો ય નથી.

પ્રશ્નકર્તા : ત્યારે એને શું કરવાનું હોય છે ?

દાદાશ્રી : તમે તો બ્રહ્મચારી જ છો. આ તો ચંદુભાઈમાં જે ડિસ્ચાર્જ ભાવ છે, જે માલ ભરેલો છે, એનો નિકાલ કરી નાખવાનો. આપણે એક ટાંકીમાં માલ ભર્યો હોય અને પછી આપણને નિકાલ તો કરી નાખવો પડે કે ના કરી નાખવો પડે !?

પ્રશ્નકર્તા : કરી નાખવો પડે.

દાદાશ્રી : જેવો ભર્યો હોય, ડામર જેવો ભર્યો હોય તો ડામર જેવો. ચોખ્ખું પાણી હોય તો ચોખ્ખું પાણી, દૂધ ભર્યું હોય તો દૂધ. જેવું ભર્યું હોય એ નિકાલ તો કરી નાખવો પડે ને !

પ્રશ્નકર્તા : તો આ સૈદ્ધાંતિક રીતે જોઈએ તો, આ બ્રહ્મચર્ય પણ એ નિકાલી બાબતમાં જશે ?

દાદાશ્રી : આત્મા નિરંતર બ્રહ્મચારી જ છે, આત્માને અબ્રહ્મચર્ય થયું જ નથી. બ્રહ્મચર્ય તો પુદ્ગલની જ ભાંજગડ છે. તે ચંદુભાઈને તમે બ્રહ્મચારી બનાવશો, તે દા'ડે તમારે નિવેડો આવશે. નહીં તો છૂટવા ના દે અને બ્રહ્મચારી તો કેવું ? સ્ત્રી હોવાં છતાં બ્રહ્મચારી રહેવું. તો એને બહુ ચિંતા નથી. એ બ્રહ્મચર્ય ભાવ છે ને, એ તો છેલ્લાં અવતારમાં બધા ય ભાવ છૂટી જાય, કંઈ એ પહેલેથી સો-બસો અવતારથી કસરત કરવાની હોતી નથી. છેલ્લા અવતારમાં છૂટી જાય બધું. પણ જેને છૂટવું હોય તેને એ વિશ્વાસ રાખવા જેવો છે નહીં. એની મેળે ઓટોમેટીક ખસતું હોય તે, સારી વાત છે. કારણ કે એ કંઈ નથી પુદ્ગલની જરૂરિયાત વસ્તુ કે નથી આત્માની જરૂરિયાત વસ્તુ. કલ્પિત ઊભી થયેલી છે વસ્તુ આ !

તે આપણે ચંદુભાઈને કહે કહે કર્યા કરવાનું. આપણે કોઈ દહાડો ય તે રૂપ માથે ના લેવું. આપણે ચંદુભાઈને કહે કહે કરવું કે, 'આ પોઈઝન છે ! તમને જેમ અનુકૂળ આવે તેમ કરો.' આપણે ઉપદેશદાતા થવાનું છે. આપણે પોતે તો 'બ્રહ્મચારી' જ છીએ, પણ હવે આ જે છૂટો પાડેલો ભાગ છે, તે એવો છે કે તેને આપણે કહેવું પડે કે આ પોઈઝન છે. આપણા જ્ઞાનમાં જે ભાવ છે, તે આ પ્રજ્ઞા તરત પકડી લે છે. આ પ્રજ્ઞા તરત પકડીને અમલમાં લે છે. બીજું બધું ચાલે એવું છે. કારણ કે વિષયને ભગવાને 'રૌદ્રધ્યાન' કહ્યું છે. પરણેલા હોય, મિયાં-બીબી રાજી હોય, તેને ભગવાને રોગ નથી કહ્યો. કારણ કે તેમાં ગુનો ક્યાં આવ્યો ? કોને દુઃખ દીધું ? બેઉ રાજી હોય ત્યાં આગળ સરકારે ય હાથ ઘાલતી નથી અને આ નેચરે ય હાથ ઘાલતી નથી. નેચરને કશી લેવાદેવા નથી. ફક્ત એમાં એક જ ફેરામાં અનંતા જીવ મરી જાય છે, તેની જવાબદારી પાછી આવે એટલે એને 'રૌદ્રધ્યાન' કહ્યું. વિષયના સ્પંદન ઊભાં થયા, એ સ્પંદનમાંથી પાછાં પરમાણુ ભોગવવાં પડે. બાકી, આમાં કોઈ કોઈને સામસામે દુઃખ દેતો જ નથી. બે ય આનંદને પામે છે. કોઈને દુઃખ દે તો જ તેને નેચરલ ગુનો કહેવામાં આવે છે.

કોઈએ આવું ફોડવાર કહ્યું નથી, પણ જો ફોડવાર કહે તો લોકો પાછાં એનો દુરુપયોગ કરે એવાં છે. એટલે વિષયની ફક્ત નિંદા જ કરી છે. નિંદા એટલે કે વિષયને આ રીતે જવાબદારી રીતે મૂકેલો છે. વિષયનું સ્પંદન જે કર્યું હોય, તેનું ફળ તો આવ્યા વગર રહેવાનું જ નહીં ને ? તમે દરિયામાં એક ફેરો ઢેખાળો નાખ્યો એટલે કુંડાળાં ઊભાં થયાં જ કરે !

એટલે વિષય બહુ રોગિષ્ટ વસ્તુ છે.

મહીં નાચ તો બહાર નાચનારી હાજર !

સવારના પહોરમાં પાંચ વખત બોલવું કે, 'આ જગતમાં કોઈ વિનાશી ચીજ મને ખપતી નથી.' મને એટલે 'હું શુદ્ધાત્મા છું' એ રીતે અને જે ખપે છે તે 'ચંદુભાઈ'ને ખપે છે અને ચંદુભાઈ 'વ્યવસ્થિત'ના આધીન છે. જે 'વ્યવસ્થિત'માં હો તે ભલે હો અને 'વ્યવસ્થિત'માં ના હો તે પણ ભલે હો. આટલું હોય ને, તો આપણને મહીં કોઈ રસ ઊભો થયો છે કે નહીં, તે માલૂમ પડે. ખાસ કરીને બીજા રસ ઊભાં થાય એવાં નથી, પણ આ કાળનું વાતાવરણ એટલું બધું દૂષિત થયેલું છે કે સ્ત્રીએ પુરુષોને જોતાં અને પુરુષે સ્ત્રીઓને જોતાં આંખ માંડેલી ના રાખવી જોઈએ. નહીં તો બીજો ખાસ કોઈ દોષ ઊભો થાય એવો નથી. અગર તો સવારના ઉપર પ્રમાણે બોલીને કરવું, કારણ કે તમારે વૈરાગ એવો ના હોય. તમારી જાગૃતિ ખરી, પણ સંપૂર્ણ પ્રમાણમાં જે બધી જાગૃતિ જોઈએ તે રહેતી નથી કારણ કે હજુ પૃથક્કરણ થયું નથી.

જાગૃતિ તો તેને કહેવાય કે એક સ્ત્રી જોઈએ કે પુરુષ જોઈએ, ગમે તે જોઈએ તો રાગ થતાં પહેલાં એ આખો જ બધો એનો હિસાબ દેખાઈ જાય. આ ચામડીને લીધે બધું રૂપાળું દેખાય છે અને આ ચામડી કાઢી નાખે તો કેવું દેખાય ? આ ગાંસડી બાંધેલી છે, તેને આ ઉપરથી કપડું છોડી નાખે તો કેવું દેખાય ? એ જાગૃતને તો તેવું જ દેખાય બધું. સંપૂર્ણ જાગૃતિ ક્યારે કહેવાય ? આ બધું એને એવું જ દેખાય. પણ આ કાળનું વક્રપણું એવું છે કે એ જાગૃતિને ટકવા ના દે, માટે ચેતતા રહેવું જોઈએ. નહીં તો સવારના પહોરમાં બોલવું અને એને 'સિન્સીયર' રહેવું.

ચોથા આરામાં જો મેં આ જ્ઞાન આપ્યું હોત તો મારે આવાં ચેતવવા ના પડત. આ પાંચમો આરો બહુ કઠણ આરો છે, બહુ વક્ર આરો છે, બહુ વક્રતાવાળો છે. વક્રતા એટલે કપટ. કપટનું સંગ્રહસ્થાન જ કહોને ! એટલે આપણે શું કહીએ છીએ કે સ્ત્રીનું ભેગું થવું એ જોખમ નથી. પણ આંખનું ખેંચાણ એ જોખમ છે. માટે ત્યાં પ્રતિક્રમણ કરીને કેસ ઊંચો મૂકી દો. શાસ્ત્રકારો પણ કહે છે આંખો ઢાળીને ચાલો.

પ્રશ્નકર્તા : વિષયની જે ચોંટ હોય છે, આકર્ષણની જે ચોંટ હોય છે, એ પકડે છે કે એ મીકેનિકલ ક્રિયા પકડે છે ?

દાદાશ્રી : એ ચોંટ પકડે છે, ક્રિયા પકડતી નથી. એટલે જ આપણે કહીએ છીએ ને પૈણેલી છે, ત્યાં નિકાલ કર. તેનો વાંધો નથી, પણ ચોંટ છે તો તે પકડે છે. તેથી અમે કહ્યું છે કે વિષય વિષ નથી, વિષયોમાં નીડરતા એ વિષ છે. હંમેશાં 'ખોટું થયું છે' એવું મનમાં તો રહેવું જ જોઈએ. બાકી નિકાલ કરોને ! નિકાલ કરવાનો વાંધો નથી, પણ ચોંટ તો રહેવી જ ના જોઈએ. ચોંટના પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરો.

નિયમ કેવો છે, કે મહીં જે પરમાણુ હોય, તે જ બહાર ભેગાં થાય. મહીં આપણામાં નાચ ચાલુ થઈ જાય, ત્યાર પછી નાચવાળી દેખાય. એટલે પહેલાં આપણામાં જ શરૂ થઈ જાય, ત્યાર પછી બધે દેખાય. એમ ને એમ તો થાય જ નહીં ને ? પહેલો આપણામાં માલ ભરેલો છે તો જ ભેગું થાય, નહીં તો ભેગું થાય જ નહીં ને ?

વિષયની ફસામણ તો જુઓ !

આ કેરી ઝાડ ઉપર દેખાતી હોય ને લોકોએ દેખી તો રાત્રે આવીને લઈ જાય. તેવું આ સ્ત્રી કોઈને ગમી હોય તો, તેને રાત્રે આવીને ઉઠાવી જાય. તે આ ય બધી કેરીઓ જ છે ને ? જે ભોગવાઈ જાય તે બધી જ કેરીઓ. આ ઊંચી જાતની હાફુસની કેરીઓ હોય, પણ ભોગવાઈ જાય પછી ગોટલો પડી રહે અને આમાં મરતી વખતે ગોટલો લઈને જોડે જાય.

વિષય જો નાછૂટકે ભોગવવો પડે તો એ વિષ નથી. તું પૈસા છૂટથી વાપરે કે નાછૂટકે ? આ તો પૈસાની જ વાત છે, પણ આ એક જ વખતના વિષયમાં તો અબજો-અબજોનું નુકસાન છે, ભયંકર હિંસા છે. આ પૈસાની બહુ કિંમત નથી, પૈસો તો ફરી આવે. આ બધા હિસાબ ભોગવવા પડશે. જેટલા હિસાબ બાંધવા હોય એટલા બાંધજો. જેટલી મજબૂતી હોય એટલાં હિસાબ બાંધજો, બાકી ભોગવતી વખતે સહન ના થાય ને રડારડ કરે, એનાં કરતાં પહેલેથી જ ચેતીને હિસાબ બાંધજો. એ બધા હિસાબ છોડવા તો પડશે ને ? વિષયની વેદના કરતાં નર્કની વેદના સારી. આ વિષય તો બીજ નાંખે પાછું. નર્કમાં બીજ પડે નહીં, નર્કમાં ભોગવવાનું એકલું જ, ડેબિટ પૂરી થઈ ગઈ. અને ક્રેડિટ હોય તો ત્યાં દેવગતિમાં પૂરી થાય છે. જ્યારે વિષયમાં તો નવાં બીજ પડ્યા વગર રહે જ નહીં. આ તો અમને બહુ નાનપણમાંથી વિચારો આવતા, બધા બહુ વિચારો કરી નાખેલા.

'ગણે કાષ્ટની પૂતળી, તે ભગવાન સમાન.' હવે કાષ્ટની પૂતળી શી રીતે ગણે ?! ગણવું તે કંઈ સહેલું છે ? આ લોક તો સાચે જ કાષ્ટની પૂતળી લાવી આપીએ તો ય આમ બાથમાં ઘાલ ઘાલ કરે એવાં છે ! હવે અહીં દેખે ને વૈરાગ આવે, તે તો ભગવાન જ કહેવાય ! હાડકાં, માંસ, લોહીથી ભરેલો આ દેહ એનાં જેવો જગતમાં કોઈ ગંદવાડો નથી. જ્યારે આ દેહ જ મોક્ષનું કામ કાઢે તો એનાં જેવું કોઈ બીજું ઉત્તમ નથી ! મનુષ્ય દેહ છે, એનાંથી જેમનું કામ કાઢવું હોય તેમનું થાય એવું છે.

બ્રહ્મચર્યથી તો મનને સંસ્કારી કરવાનું છે ને જ્ઞાન સમજવાનું છે કે ક્યાંય ખેંચાણ ના થાય. અમને આ સ્ત્રી-પુરુષો કેવાં દેખાય ? પહેલાં તદ્દન નાગાં દેખાય, પછી ચામડી કાઢી નાખેલાં દેખાય એટલે પછી વૈરાગ જ રહે ને ?! વૈરાગ તે કંઈ મારી-ઠોકીને ના આવે, એ તો જ્ઞાનથી આવે ?

પ્રશ્નકર્તા : આ તો બહુ ગૂઢ કહેવાય.

દાદાશ્રી : આ સમજવા બેસે તો બહુ ઊંડું છે, પણ છતાં સહેલું છે. ક્યાંય વિરોધાભાસ ન ઊભો થાય. આ સૈદ્ધાંતિક જ્ઞાન છે અને સબળ અનુભવપૂર્વકનું જ્ઞાન છે. આ તો આપણો અક્રમ માર્ગ, તેથી આપણે ખાવા-પીવાની છૂટ મૂકી, બધા પ્રકારની છૂટ મૂકી, પણ આપણે વિષય સામે ચેતવાનું કહીએ છીએ ! બાકી, વિષયથી તો ભગવાન પણ ડર્યા હતા. આપણે તો સિનેમાની પણ છૂટ આપી. કારણ કે સિનેમામાં એવો તન્મયાકાર ના થાય, જ્યારે વિષયમાં તો ભારે તન્મયાકાર થાય છે. મનુષ્યનો સ્વભાવ હરૈયો છે. હરૈયો એટલે જ્યાં દેખે ત્યાં ચોંટે, જ્યાં દેખે ત્યાં ચોંટે. બીજી બધી વસ્તુમાં રૂપ જોવાનું છે, આમાં રૂપ છે જ ક્યાં, તે જોવાનું ? આ તો ઉપરથી જ રૂપાળાં દેખાય છે. પેલી કેરી તો અંદર કાચી હોય તો ય સ્વાદ લાગે ને દુર્ગંધે ય ના આવે અને આને કાપો તો ? દુર્ગંધનો પાર ના હોય.

એટલે આ અહીં જ માયા છે. આખા જગતની માયા અહીં જ ભરેલી છે. સ્ત્રીઓની માયા પુરુષોમાં છે ને પુરુષોની માયા સ્ત્રીઓમાં છે.

પ્રશ્નકર્તા : તેથી જ બધું અટક્યું છે ને ?

દાદાશ્રી : હા, તેથી જ અટક્યું છે.

મોટામાં મોટી અટકણ વિષય સંબંધી !

કૃપાળુદેવને લલ્લુજી મહારાજે સુરતથી કાગળ લખેલો કે અમારે તમારાં દર્શન કરવા મુંબઈ આવવું છે. ત્યારે કૃપાળુદેવે કહ્યું કે મુંબઈ એ મોહમયી નગરી છે, સાધુ-આચાર્યોને માટે એ કામની નથી. અહીં તો જ્યાંથી ત્યાંથી મોહ ગરી જશે. તમારા મોઢેથી નહીં પેસી જાય તો કાનથી પેસી જશે, આંખથી પેસી જશે. છેવટે આ હવા જવાનાં છિદ્રો છે, તેમાંથી ય મોહ પેસી જશે !!! માટે અહીં આવવામાં ફાયદો નથી. આનું નામ કૃપાળુદેવે શું પાડ્યું, મોહમયી નગરી. એમાં મેં તમને આ 'જ્ઞાન' આપ્યું છે. હવે શું એ મોહમયી કંઈ ઊડી ગઈ ? કંઈ બી-ઓ-એમ-બી-એ-વાય બૉમ્બે થઈ ગયું ? ના, મોહમયી જ છે. એટલે અમે તમને કહીએ કે બીજા પાંચ ઇન્દ્રિયોના વિષયના નહીં, પણ સ્ત્રીઓને ને પુરુષોને એક જ કહીએ કે જ્યાં આગળ સ્ત્રી-વિષય કે પુરુષ-વિષય સંબંધી વિચાર આવ્યો કે તરત જ ત્યાં ને ત્યાં તમારે પ્રતિક્રમણ કરી નાખવાં. 'ઑન ધ સ્પોટ' તો કરી જ નાખવું. પણ પછી પાછાં એનાં સો-બસો પ્રતિક્રમણો કરી નાખવાં.

વખતે હોટલમાં નાસ્તો કરવા ગયા હો ને તેનું પ્રતિક્રમણ નહીં કર્યું હોય તો ચાલશે. હું તેનું પ્રતિક્રમણ કરાવી લઈશ. પણ આ વિષય સંબંધી રોગ ના ઘૂસી જાય. આ તો ભારે રોગ છે. આ રોગ કાઢવાનું ઔષધ શું ? ત્યારે કહે કે દરેક માણસને જ્યાં અટકણ હોય, ત્યાં આગળ આ રોગ હોય. અમુક પુરુષને, અમુક સ્ત્રી જતી હોય તો એને એ જુએ ને તરત એને મહીં વાતાવરણ ફેરફાર થઈ જાય. હવે આ બધા આમ છે તો તડબૂચાં જ, પણ એણે તો વિગતવાર એનું રૂપ ખોળી કાઢેલું હોય છે. આ ચીભડાના ઢગલાં ઉપર એને કંઈ રાગ થાય છે ? પણ મનુષ્યો છે એટલે એને રૂપ ઉપર પહેલેથી આદત છે, 'આ આંખ કેવી સરસ છે, આવડી આવડી આંખ છે' એમ કહે છે. 'અલ્યા, આવડી આવડી સરસ આંખ તો પેલા ભેંસના ભાઈને ય હોય છે, કેમ ત્યાં રાગ નથી થતો તને ? ત્યારે કહે કે એ તો પાડો છે, ને આ તો મનુષ્ય છે. અલ્યા, આ તો ફસામણની જગાઓ છે.

દેખત ભૂલી જો ટળે તો....

અક્રમ વિજ્ઞાન શું કહે છે કે ફર્સ્ટ કલાસ હાફુસ કેરી જોવાનો વાંધો નથી. તને સુગંધ આવી તેનો ય વાંધો નથી, પણ ભોગવવાની વાત ના કરીશ. જ્ઞાનીઓ પણ કેરીઓને જુએ છે, સોડે છે ! એટલે આ વિષયો જે ભોગવાય છે, એ તો 'વ્યવસ્થિત'ના હિસાબે ભોગવાય છે. એ તો 'વ્યવસ્થિત' છે જ ! પણ વગર કામનું બહાર આકર્ષણ થાયને, તેનો શો અર્થ ? જે કેરીઓ ઘેર આવવાની ના હોય, તેની પર આકર્ષણ રહે, એ જોખમ છે બધું. તેનાથી કર્મ બંધાય !

શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે, 'દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય.' શાસ્ત્રોમાં વાંચીએ છીએ કે સ્ત્રી પર રાગ ના કરવો અને પાછાં સ્ત્રીને જોઈએ છીએ ને ભૂલી જવાય છે, તેને દેખત ભૂલી કહેવાય. મેં તો તમને એવું જ્ઞાન આપ્યું છે કે હવે તમને દેખત ભૂલી ય રહી નહીં, તમને શુદ્ધાત્મા દેખાય, બહારનું પેકિંગ ગમે તેવું હોય તો ય પેકિંગ જોડે આપણને શી લેવાદેવા ? પેકિંગ તો સડી જવાનું છે, બળી જવાનું છે, પેકિંગમાં શું કાઢવાનું છે ? એટલા માટે જ્ઞાન આપેલું છે કે આપણે શુદ્ધાત્મા જુઓ, એટલે દેખત ભૂલી ટળે ! દેખત ભૂલી ટળે એટલે શું કે આ મિથ્યા દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિ ફરે અને સમ્યક્ દ્રષ્ટિ થાય તો બધા દુઃખોનો ક્ષય થાય ! પછી એ ભૂલ ના થવા દે, દ્રષ્ટિ ખેંચાય નહીં.

આપણે તો સામી વ્યક્તિમાં શુદ્ધાત્મા જ જોઈએ, પછી આપણને બીજો ભાવ કેમ ઉત્પન્ન થાય ?! નહીં તો માણસને કૂતરાં પરે ય રાગ થાય, બહુ સારું રૂપાળું હોય તો એની પર રાગ થાય. પણ આપણે શુદ્ધાત્મા જોઈએ તો રાગ થાય ? એટલે આપણે શુદ્ધાત્મા જ જોવું. આ દેખત ભૂલી ટળે એવી છે નહીં. અને જો ટળે તો સર્વ દુઃખોનો ક્ષય થાય. જો દિવ્યચક્ષુ હોય તો દેખત ભૂલી ટળે, નહીં તો શી રીતે ટળે ?

વિજ્ઞાનથી વિષય પર વિજય !

પ્રશ્નકર્તા : એનો અર્થ એ કે રાગ પણ ના થવો જોઈએ ને ભૂલી જવું જોઈએ ?

દાદાશ્રી : આપણું આ જ્ઞાન એવું છે કે રાગ તો થાય એવો જ નથી. પણ આકર્ષણ થાય તે ઘડીએ એના શુદ્ધાત્મા જુઓ તો આકર્ષણ ના થાય. દેખત ભૂલી એટલે જોઈએ ને ભૂલ ખઈએ. જોયું ના હોય ત્યાં સુધી કશું ભૂલ ના થાય અને દેખ્યું કે, ભૂલ થાય. જ્યાં સુધી આપણે ઓરડામાં બેસી રહ્યા હોઈએ, ત્યાં સુધી કશું ના થાય. પણ લગનમાં ગયાને જોયું કે પછી ભૂલો થાય પાછી. ત્યાં આપણે શુદ્ધાત્મા જો જો કરીએ તો બીજો કશો ભાવ ઉત્પન્ન ના થાય, ને ભાવ ઉત્પન્ન થઈ ગયો હોય, એનાં પૂર્વકર્મના ધક્કાથી, તો એનું પ્રતિક્રમણ કરી નાખવું, આ ઉપાય છે. અહીં ઘરમાં બેઠા હોય ત્યાં સુધી કશું ય મનમાં ખરાબ વિચાર નહોતા આવતા. ને લગનમાં ગયા કે વિષયના વિચારો ઊભાં થયા. સંયોગ ભેગો થયો કે વિચાર ઊભાં થાય. આ 'દેખત ભૂલી' એકલા દિવ્યચક્ષુથી જ ટળે એમ છે. દિવ્યચક્ષુ સિવાય ટળે નહીં.

પ્રશ્નકર્તા : આ તો સંયોગોને ટાળવાની વાત થઈને ? એટલે એક ઠેકાણે બેસી રહેવું ?

દાદાશ્રી : ના. આપણું વિજ્ઞાન તો જુદી જ જાતનું છે, આપણે તો 'વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો.' પણ ત્યાં આગળ આજ્ઞામાં રહેવું જોઈએ. જ્યાં દેવતા હોય, ત્યાં આજ્ઞામાં નથી રહેતાં ? દેવતાને ભૂલચૂકથી અડતા નથી ને ? એવું એણે અહીં વિષયોમાં પણ સાચવવું જોઈએ કે આ દેવતા છે, પ્રગટ અગ્નિ છે. આકર્ષણવાળી વસ્તુ આ જગતમાં જે છે, તે પ્રગટ અગ્નિ છે. ત્યાં ચેતવું જોઈએ.

પ્રશ્નકર્તા : એનો અર્થ એ કે આપણે જે જોઈએ છીએ, તે આપણું નથી છતાં ત્યાં જો ભાવ થાય, તે ન થવો જોઈએ એમ ?

દાદાશ્રી : આપણું તે છે જ નહીં. પુદ્ગલ આપણું હોય જ નહીં. આ આપણું પુદ્ગલ આપણું નથી, તો એનું પુદ્ગલ આપણું કેમ હોય ?

આકર્ષણ એ પ્રગટ અગ્નિ છે. ભગવાને આકર્ષણને તો મોહ કહ્યો છે. મોહનું મૂળિયું જ આકર્ષણ છે. એવું બધું જાણીને લક્ષમાં રાખવું જોઈએ ને ? આપણે દવા તો જાણી રાખવી જોઈએ ને કે આની શી દવા છે ?

આ વિજ્ઞાન છે. સંપૂર્ણભાવે વિજ્ઞાન છે. દેવતાને કેમ અડતા નથી ? ત્યાં કેમ ચોક્કસ રહે છે ? કારણ કે એનું ફળ તરત જ મળે છે અને વિષયમાં તો પહેલી લાલચ થાય છે. એટલે લાલચથી ફસાય છે. આ દેવતા અડેલો સારો. તેનો ઉપાય છે. પછી ગમે તે ચોપડીએ તો ઠંડું પડી જાય. પણ પેલું તો અત્યારે લાલચમાં ફસાવી અને પાછો આવતો ભવ દેખાડે. આ તો આપણા જ્ઞાનને ય ધક્કો મારનારું છે, આવું મોટું વિજ્ઞાન છે, એને ય ધક્કો મારે એવું છે !! માટે ચેતવું !

'દેખત ભૂલી'નો અર્થ શો ? કે મિથ્યા દર્શન ! પણ બીજું બધું 'દેખત ભૂલી' થાય તેનો વાંધો નહીં, પણ આ વિષય સંબંધમાં 'દેખત ભૂલી'ની બહુ મોટામાં મોટી જોખમદારી છે. હવે ત્યાં 'દેખત ભૂલી'નો ઉપાય શો ? આપણને જ્ઞાન મળ્યું હોય તો પોતાને ભૂલ ખબર પડે કે અહીં આગળ આ ભૂલ ખાધી, અહીં મારી દ્રષ્ટિ બગડી હતી, ત્યાં પાછું પોતે આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરીને પણ ધોઈ નાખે. પણ જેને આ જ્ઞાન ના મળ્યું હોય, તે શું કરે બિચારો ? તેને તો ભયંકર ખોટી વસ્તુને ખરી માનીને ચાલવું પડે, આ અજાયબી છે ને ?!

દ્રષ્ટિથી નવું દીઠું ને આંખ ખેંચાઈ, તો તરત પ્રતિક્રમણ કરી નાખજો. અનાદિ કાળથી આંખો જ ખેંચાખેંચ થઈ છે ને ? નવો માલ દીઠો કે આંખ ખેંચાય. પણ અલ્યા, નવો છે જ નહીં. આ તો એનું એ જ લોહી, પરું, હાડકાં, એ જ માલ છે. ફક્ત ચાદરો ફેર છે. કોઈની 'બ્લેક કોટન'ની, કોઈ 'વ્હાઈટ કોટન'ની, કોઈની 'યલ્લો કોટન'ની. ચાદરો બધી જુદી જુદી જાતની છે. આમાં કશું જોવા જેવું છે જ નહીં, મહીં એનો એ જ માલ છે ! આ રેશમી ચાદરમાં બાંધેલું છે અને રેશમી ચાદર બાંધ્યા વગરનું હોય તો એને ચીતરી ચઢે ! અમને તો આમાં એનું એ જ દેખાય ને તમે તો ચાદરો જો જો કર્યા કરો છો, પણ મહીં માલ જુઓને ! માલ તો મહીં એનો એ જ છે ને ? માટે આ એકલું જ અહીં આગળ જે મળ્યું હોય, 'ફાઈલ' હોય એટલું સંતોષ રાખીને કામ લેવાનું અને બીજું જે ખાવું હોય, દહીંવડાં-બટાકાવડાં, જેટલાં ખાવાં હોય એટલાં ખઈ લેજો ! આટલો આ વિષય જ જીતવાનો છે. ગમે તે રસ્તે, બીજું કશું ય નહીં. બીજું તો ખાવ-પીઓ, મઝા કરો ને !

જોખમોનું પણ જોખમ એટલે જ વિષયરોગનું મૂળિયું !

જેમ આપણે તમાકુ વાવી હોય અને જોડે બીજો કોઈ છોડ ઊગે, તો તે ઊગતાં પહેલાં સમજી જવું કે આ તમાકુ ન હોય, એટલે એને ઊખેડીને ફેંકી દેવું જોઈએ, નહીં તો છોડ મોટો થઈ જાય. આ કાળનાં તો ખેતરો નર્યાં બગડી જ ગયેલાં હોય છે. નહીં તો 'આ' 'વિજ્ઞાન' કામ કાઢી નાખે એવું છે. એકે એકને ભાવિ તીર્થંકર બનાવે એવું છે આ વિજ્ઞાન !!!

બાકી વિષય આગળ તો જૈનધર્મે શું કહ્યું છે કે ઝેર ખાઈને મરી જજે, પણ વિષય ના કરીશ. બ્રહ્મચર્ય જ ના તૂટવું જોઈએ, એવું જૈનધર્મ કહે છે. પણ આપણે અહીં અક્રમમાર્ગમાં એને બાદ આપ્યું, કે ભઈ, સ્ત્રી હોય તો ઘેર રહેજે અને બીજે દ્રષ્ટિ બગાડીશ નહીં. અને સ્ત્રી ના હોય તો પ્રતિક્રમણ કર્યા કર. કારણ કે પછી વીર્ય છે તે અધોગામી જતું હોય, તે ઊર્ધ્વગામી જઈ શકે છે. વીર્ય નિરંતર અધોગામી સ્વભાવનું છે. એને આંતરો, વિધિ કરો અને પ્રતિક્રમણ કરો, એટલે એમ કરતાં બધું ઊર્ધ્વગામી ચઢી જાય.

બહાર, કંઈક જોયું અને આંખ ખેંચાઈ જાય. એટલે જાણવું કે આ પહેલાનું બીજ પડેલું છે, તે બીજ ઊગ્યું, ત્યાં તમે શું કરો ?

પ્રશ્નકર્તા : ત્યાં પ્રતિક્રમણ થઈ જ જાય છે.

દાદાશ્રી : એના તો નિરંતર પ્રતિક્રમણ કર કર કરવાં પડે. આપણને સમજણ પડે કે આ બીજ મહીં પડેલું છે એટલે આ તો બહુ જોખમ છે. આ વિષય તો બહુ જોખમવાળી વસ્તુ છે. જ્યાં જ્યાં સામી વ્યક્તિ જાય ત્યાં આપણે જવું પડે. અને સામી વ્યક્તિ પાછો પોતાનો છોકરો થઈને ઊભી રહે. એટલે આવું બધું જોખમ ઊભું થાય. એટલે વિષયને માટે આપણે અહીં બહુ કડક તેથી રહીએ છીએને ! બીજું બધું ચલાવી લેવાય, પણ વિષય ચલાવાય નહીં.

આ તો અક્રમ વિજ્ઞાન છે. તેથી આટલું જ જોખમ રાખ્યું. બાકી જૈનધર્મે તો બીજું બધું ય જોખમ જ કહ્યું છે. બધાને જોખમ કહીએ તો ક્યારે પાર આવે ?! તો લોક શું કહેશે પછી કે 'મારે તમારી જોડે ધંધો જ નથી કરવો, સોદો જ કરવો નથી.' પણ એક બાબત હોય તો કહેશે કે 'બધું જ સહન કરી લઈશ પણ આ એક જ બાબત છે ને, તો તો એને સાચવીશ.' અને તો એને વિજ્ઞાનનો લાભ મળે ને ! એટલે આપણે તો આ એક જ બાબત કહી છે.

ખેદથી છૂટાય વિષયથી !

સહેજે ચંચળતા ઉત્પન્ન થવી જ ના જોઈએ. વિષયની ચંચળતા એ જ અનંત અવતારનું દુઃખનું મૂળિયું છે. દહાડે દહાડે દુઃખો જ ઊભાં થયાં કરે, નહીં તો આત્મા પ્રાપ્ત થયા પછી દુઃખ કેમ ઊભું થાય ? આ તો ભયંકર દોષ કહેવાય. નહીં તો દુઃખ હોય તો જતું રહે ને સુખ આવે. બધી સારી વસ્તુ ઊભી થાય. આત્મા પ્રાપ્ત થયો એટલે બધી સગવડ સરળ હોય, પદ્ધતિસર હોય. એમ ને એમ ગપ્પું ચાલે નહીં ને ! આ તો વીતરાગોનું વિજ્ઞાન છે !

સાચું સુખ મળ્યું નથી એટલે આ બધા વિષયો ભોગવે છે, નહીં તો વિષયો શા માટે ભોગવે ? આત્મા વિષયી છે જ નહીં, આત્મા નિર્વિષયી છે. પણ આ તો કર્મોના પ્રતાપથી દુઃખ થાય છે, એ સહન નહીં થવાથી, આવું બધું ગટરમાં હાથ ઘાલે છે. ગટરમાં મોઢું ઘાલીને ગટર પીએ છે. જ્ઞાન હતું નહીં એટલે સહન થતું ન હતું. એટલે હવે આ જ્ઞાન આપ્યું છે. એટલે તમને સહન કરવાની શક્તિ ઉત્પન્ન થઈ છે. તમને જુદાપણાનો ભાવ રહી શકે છે. તો પછી શેને માટે વિષયો હોવા જોઈએ ? અને છતાં ય પરિણામ કોઈ બદલી ના શકે. કારણ કે એ પુદ્ગલ પરિણામ છે. અને એ તો રિઝલ્ટ છે. રિઝલ્ટ બદલી ના શકાય, પણ રિઝલ્ટ ઉપર ખેદ, ખેદ ને ખેદ રહ્યો એટલે તમે છૂટા. તમને જો ખેદ છે, તો તમે છૂટા છો અને રિઝલ્ટમાં એકાકાર છો તો બંધન છે.

આ વિજ્ઞાન આટલું બધું સુંદર છે ! અત્યાર સુધી કોઈએ આ ફોડ પાડ્યો નથી કે આ માણસે વેઢમી ખાધી, તેનો એ ગુનેગાર ખરો ? ત્યારે આપણે શું કહીએ છીએ કે ના, એ ગુનેગાર નથી, છતાં જગતે એને ગુનેગાર માન્યો છે. એનું કારણ છે, કે એની પાછળ એને વેઢમી ખાધાના ભાવ પડે છે કે વેઢમી બહુ સરસ છે, અગર તો બહુ ખરાબ છે. તેથી આ લોકો વેઢમી ખાવા નથી દેતા. જો અંદરથી ભાવ પલટો ખાય નહીં તો વિષયોનો કશો ય વાંધો નથી. અને એવું અમે જ્ઞાન આપ્યું છે. આ જ્ઞાનથી અંદર ભાવ પલટો ખાય નહીં, માટે બહારનો વાંધો અમે રાખ્યો નથી. તમે વેઢમી ખાઈ શકો અને અંદર તમે તમારા શુદ્ધાત્મામાં રહી શકો, જોયા કરો. એવું આ વિજ્ઞાન છે. વેઢમીમાં તન્મયાકાર થયા વગર રહે નહીં. જો ભગત હોય તો 'શું કામ વેઢમી બનાવે છે ?' એમ દ્વેષ કર્યા કરતો હોય, એટલે 'આવું ના બનાવવું જોઈએ,' એમાં ચિત્ત પેસી જાય અને જગત આખું રાગ કર્યા કરતું હોય કે વેઢમી તો બહુ સુંદર છે, ને બનાવે તો સારું, એમાં ચિત્ત રહ્યા કરે !

સત્સંગથી કાટ કપાય !

તેથી અમે હલકું કરી આપ્યું. આ જગતે જે માન્યું છે ને, સ્થૂળ ભાગને જ ધર્મની શરૂઆત માની છે. પણ અમે કહ્યું કે સ્થૂળ ભાગને જ ઉડાડી મૂકો ! આ કળિયુગમાં સ્થૂળ ભાગને પકડવા ગયા તેનો તો બધો માર છે ને ! સ્થૂળ ભાગ તો રોંગ જ છે અને કળિયુગમાં સ્થૂળ ભાગ જે રૂપકમાં છે તે તો એકુંય રાઈટ નથી, એટલે અમે કહ્યું કે જ્યાં નાદારી જ છે તે બહારનું ફેંકી દો, કટ ઓફ કરી નાંખો અને એ તો રિઝલ્ટ છે. એને હવે લેટ ગો કરો.

પ્રશ્નકર્તા : આજે સત્સંગ બહુ સરસ મળ્યો.

દાદાશ્રી : હા, બ્રહ્મચર્ય પર વાત નીકળી ને ! કાટ ચઢી ગયો હોય તે ખંખેરવું તો પડશે ને ? જૂના ગુના જેટલા થયા હોય તેને માફ કરી આપવા તૈયાર છું, પણ નવું હવે એમ કંઈ ચાલશે નહીં. હવે તમને સાચું સુખ મળ્યું. જ્યાં સુધી સાચું સુખ ના હોય ત્યાં સુધી આરોપિત સુખ ભોગવો. પણ હવે પોતાનું સુખ પરમસુખ કે જે તમે જ્યારે માંગો ત્યારે મળે એવું છે, તો પછી હવે તમારે શેને માટે આવું બધું જોઈએ ! કોઈ કહે કે પાછલું કર્મ નડે છે. તે એવું નડે ખરું પણ કોનું નામ કર્મ નડ્યું કહેવાય ? કે માણસ કૂવામાં અજાણથી પડી જાય ને, તેને પાછલું કર્મ નડ્યું કહેવાય. બાકી આમ જો નિશ્ચય હોય કે મારે નથી જ પડવું, એવી રીતે વિષયના કૂવામાં નથી જ પડવું એવો નિશ્ચય હોવો જોઈએ. પછી પડી જવાય તો તેનો ગુનો માફ કરીએ છીએ. હવે જાણીને પછી પેલા કૂવામાં પડે એનો ગુનો માફ નથી કરતા. પણ આપણે ત્યાં તો હું બધા ગુના માફ કરું છું. પછી હવે કેટલીક માફી આપીએ ?! જ્યાં જોખમ ના હોય ત્યાં છૂટ આપીએ જ છીએ ને, બધું જ ખાવા-પીવાની છૂટ આપીએ જ છીએ ને ! કંઈ નથી આપી બધી છૂટ ?

આ તો કાળની અજાયબી છે. આ તો અગિયારમું આશ્ચર્ય છે ! માણસ સ્ત્રી સાથે રહીને જગતનાં દુઃખનો અભાવ અનુભવે એ બનેલું નથી ! જગત આખું દુઃખી છે, ત્યાં સંસારનાં દુઃખોનો અભાવ એ તો મોટામાં મોટો પુરુષાર્થ કહેવાય !

હવે તમારે આ પૂરું થયું ક્યારે ગણાશે ? જ્યારે તમને જોઈને સામાને સમાધિ થાય, તમને જોઈને સામો દુઃખ ભૂલે ત્યારે પૂરું થયું ગણાય ! તમારું હાસ્ય એવું દેખાય, તમારો આનંદ એવો દેખાય કે બધાને હાસ્ય ઊભું થાય ત્યારે જાણવું કે આ દુઃખ પોતાનું બધું ગયું ! તમને બધાને હજી ટેન્શન રહે છે અને તે 'ટેન્શને' ય અમારી આજ્ઞામાં નહીં રહેવાથી છે. આજ્ઞા એટલી બધી સુંદર છે ને બહુ સહેલી છે. પણ હવે કેટલુંક અમુક ભોગવવાનું હોય તે છૂટકો થાય નહીં ને ! અને એમાં અમારાથી હાથ ઘલાય નહીં ને ?! પણ જ્યારે ત્યારે આમાંથી નીકળી જવાશે. કારણ કે જ્યારે સાચો રસ્તો જડ્યો પછી કોઈ માણસ માર્ગ ચૂકે નહીં ને !

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18