ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18



બ્રહ્મચર્ય (ઉર્તરાધ)

ખંડ : ૧

પરણિતો માટે બ્રહ્મચર્યની ચાવીઓ....

[૫]

અણહક્કના વિષયભોગો, નર્કનું કારણ !

પરપુરુષ-પરસ્ત્રી નર્કનું કારણ !

આ વિષયને ઝેર જાણ્યું જ નથી, આનું જોખમ જાણ્યું જ નથી ને નર્કે જવાય એવું થઈ ગયું છે. માટે કંઈક પાછાં ફરે તો નર્કગતિ બચે.

પરસ્ત્રી અને પરપુરુષ એટલે પ્રત્યક્ષ નર્કનું કારણ છે. નર્કે જવું હોય તો ત્યાં જવાનો વિચાર કરો. અમારે એનો વાંધો નથી. તમારે અનુકૂળ હોય તો એ નર્કના દુઃખનું વર્ણન કરું, તે સાંભળતા જ તાવ ચઢી જશે તો ત્યાં એ ભોગવતાં તારી શી દશા થશે ? બાકી પોતાની સ્ત્રીનો તો કોઈ વાંધો નથી.

પ્રશ્નકર્તા : પણ એ બન્ને પતિ-પત્ની હોય તો ?

દાદાશ્રી : પતિ-પત્નીને કુદરતે એક્સેપ્ટ કરેલું છે. તેમાં જો કદી વિશેષભાવ ના થાય તો વાંધો નહીં. કુદરતે એટલું ચાલવા દીધું છે. એટલું પાપરહિત પરિણામ કહેવાય. ત્યારે આમાં બીજાં પાપ બધાં બહુ છે. એક જ ફેરો વિષય કરવાથી કરોડો જીવ મરી જાય છે. એ કંઈ ઓછાં પાપ છે ?! પણ તો ય એ પરસ્ત્રી જેવું મોટું પાપ ના કહેવાય.

પ્રશ્નકર્તા : છતાં એમાં પાપ તો ખરું ને ?

દાદાશ્રી : ખરું. તેથી આ લોકોએ નિષ્પાપી રહેવા માટે શોધખોળ કરેલી ને ? કે નિષ્પાપી રહેવા માટે શો ઉપાય ? બ્રહ્મચર્યમાં આવવું જોઈએ. અહીં જો સ્ત્રી-પુરુષનું બ્રહ્મચર્ય પળાય, તો તો દેવલોકો જેવું સુખ આવે. પછી તો સંસાર દેવલોક જેવો લાગે. દ્રષ્ટિ ના માંડે એ જીત્યો. દ્રષ્ટિ માંડી કે ખલાસ થઈ ગયું. દ્રષ્ટિ તો માંડવી જ ના જોઈએ.

પ્રશ્નકર્તા : આપે જે પરપુરુષ ને પરસ્ત્રીગમનનું ભય સિગ્નલ બતાવ્યું, એનું 'કેઝયુઅલ કનેક્શન' શું છે ?

દાદાશ્રી : આપણા અહીં જ્ઞાન લીધા પછી આવા દોષવાળો તો સીધો નર્કમાં જાય. કારણ કે જ્ઞાન લીધા પછી તો દગો કહેવાય. જ્ઞાનીને દગો કહેવાય અને સત્સંગને દગો કહેવાય. ભયંકર દગો કહેવાય, એટલે નર્કનો અધિકારી થઈ જાય. એટલા માટે અમે ચેતવ ચેતવ કરીએ. અત્યારના લોકોને જે વિષયો છે, એ તો જાનવરોને ય ના હોય. આ તો કળિયુગની નિશાની છે. બિચારા બળતરામાં ને બળતરામાં આખો દહાડો મહેનત કરે અને પછી ભાન ના રહે ને ?!

અને આ માલ કંઈ ફરી મનુષ્યમાં આવે એવો માલ નથી. આ તો રખડી મરવાનો બધો માલ છે. પહેલાંનો જૂનો માલ હતો, એ તો એક પત્નીવ્રતવાળો. કારણ કે જૂનો માલ તો ચારિત્રને સમજતો હતો કે મારી છોડી એવી ના થાય, એવું બધું એ જાણે કે હું કો'કને ત્યાં નુકસાન કરું તો કો'ક મારે ત્યાં નુકસાન કરે અને પછી પોતાની છોકરી એવી જ થાય.

શિયળ લૂંટનારા, નર્કાધિકારી !

પ્રશ્નકર્તા : નર્કમાં ખાસ કોણ વધારે જાય ?

દાદાશ્રી : શિયળ લૂંટનારાને સાતમી નર્ક છે. જેટલી મીઠાશ આવી હતી, એનાથી અનેકગણી કડવાશ અનુભવે ત્યારે એ નક્કી કરે કે હવે ત્યાં નર્કે નથી જવું. એટલે આ જગતમાં કંઈ પણ ના કરવા જેવું હોય તો તે કોઈનું શિયળ ના લૂંટવું. કયારેય પણ દ્રષ્ટિ ના બગડવા દઈશ. શિયળ લૂંટે પછી નર્કમાં જાય ને માર ખા ખા કરે. આ દુનિયામાં શિયળ જેવી ઉત્તમ કોઈ ચીજ જ નથી. આ જગતમાં શીલવાન જેવી ઉત્તમ વસ્તુ કોઈ જ નથી.

પ્રશ્નકર્તા : આ કાળમાં શિયળનું કોઈને મહત્ત્વ જ નથી, તો પછી શિયળ લૂંટાયા જેવું કોઈને લાગે જ નહીંને ?

દાદાશ્રી : આ કાળમાં લોકોને પહેલાંના કાળ જેવું શિયળે ય લૂંટતા નથી આવડતું ને ! તેથી બહુ ત્યારે પહેલી, બીજી, ત્રીજી કે ચોથી નર્કે જાય. અત્યારે આ કાળમાં ચાર નર્ક ખુલ્લી છે, તે ત્યાં સુધી જાય. એથી આગળની બંધ થઈ ગયેલી છે. આગળની તો આ કાળના લોકો માટે હોય નહીંને ! આ ચોળિયાં જેવાં જીવો. આગળની નર્કમાં જનારા તો પ્રખર પુરુષ અને આ તો ચોળિયાં બિચારાં તે, 'બેન, બેન' કહીને શિયળ લૂંટે એવાં લોક, આ લોક તો 'બેન' કહીને દગાફટકા રાખે. પેલાં લોક આવાં દગાફટકા ના કરે.

પ્રશ્નકર્તા : દગોફટકો દુનિયા જોડે કે વ્યક્તિ જોડે ?

દાદાશ્રી : દુનિયા ને વ્યક્તિ બધા ય જોડે. આ કાળના લોકો જે છે ને, તે તો પોતાની જાતને હઉ દગો દે.

આપણે અહીં આ સત્સંગમાં એવો દગાફટકાનો વિચાર આવે તો હું બોલું કે આ મીનીંગલેસ વાત છે. અહીં એવો વ્યવહાર કિંચિત્માત્ર ના ચાલે અને એવો વ્યવહાર ચાલે છે એવું મારા લક્ષમાં આવ્યું તો હું બાળી મેલીશ, ભયંકર બાળી મેલીશ. આ જગ્યાએ કિંચિત્માત્ર એવું ના ચાલે, આ સંઘ એવો ના હોય, અહીં એવી ભૂલ કરાય નહીં.

અમે તો ઘણાં એવા માણસો જોયા છે કે બનેવી હોય છતાં સગી બેનને 'પૈણેલો' હોય છે. પછી છે તે બનેવીને ત્યાં રોજ જાય. અરે, બનેવીને ત્યાં જ મુકામ. એવાં તો ઘણાં કેસ જોયેલા. હું એને કહું પણ ખરો કે 'અલ્યા, શું ધંધો માંડયો છે ? કયા અવતારે છૂટીશ તું ? મારી પાસે આવ, જો ફરી આવું ના કરવાનો હોય તો હું તને ચોખ્ખો કરી આપીશ.' આ વર્લ્ડમાં ગમે તેવાં ગુના કર્યા હોય, ગમે તેવાં ગુના લઈને આવે તો ય, જો ફરી જિંદગીમાં ના કરવાનો હોય, તો બધી રીતે ચોખ્ખો હું કરી આપું. આ લોકોએ કેવા ભયંકર ગુના કર્યા છે. 'બેન, બેન' કરીને પૈણેલા. પણ આ લોકોને સાતમી નર્ક ના હોય. બહુ ત્યારે પહેલી, બીજી, ત્રીજી કે ચોથી નર્કમાં જાય.

ભયંકર જોખમી, અણહક્કના વિષયો !

આ દુનિયામાં કોઈ ચીજ બંધન કરતી નથી. લક્ષ્મી કે બીજી કોઈ ચીજ બંધન કરતી નથી. ફક્ત પરસ્ત્રી એકલી જ બંધન કરે છે. જ્યાં પરસ્ત્રીની લૂંટ ચાલે છે, ત્યાં બંધન છે. બીજે કોઈ જગ્યાએ દુઃખ છે જ નહીં. આપણું આ જ્ઞાન એવું છે, બીજે બધેથી છોડાવડાવે, પણ પરસ્ત્રીમાં જે ફસાયો, તે નરકનો અધિકારી થઈ જાય. માટે તેનાથી છૂટવાં માટે અહીં 'વિધિ' કરી લેવી પડે. માણસ છે એ ભૂલચૂક તો કરે જ ને હવે !

એટલે અહીં જોખમ આટલું જ છે. કોઈની ય એમાં ભૂલચૂક થતી હોય તો મારી પાસે માફી માંગી છોડાવી જવું. તેની હું વિધિ કરી આપીશ. આ જ્ઞાન મળ્યા પછી જાતજાતનાં કર્મો લઈને આવ્યા હોય, એમાં કોણ કેવો બંધાયેલો હોય, તે શી ખબર પડે ? તું લક્ષ્મીથી બંધાયેલો હોય તેનો વાંધો નહીં, એ દંડ તને માફ કરાવી દઈશ. પણ આ પરસ્ત્રીનો એકલો જ મોટો દંડ છે. તે પણ મારી પાસે માફ કરાવવાના કાયદા છે. મારી પાસે બધું ય સાધન છે.

દાદા છોડાવે નર્કગતિથી !

માનવતાનો અધિકાર કેટલો ? કે જે પોતાની પરણત હોય, અધિકારનું હોય એટલું જ પોતાનું અને બીજું પારકું લેવાય નહીં. મારું એ મારું અને તારું એ તારું. તારું મારે જોઈએ નહીં, મારું તને આપું નહીં, એનું નામ માનવતા !

જેને પરસ્ત્રીનો ત્યાગ થયો, તે ભગવાન થવા માંડે. પરસ્ત્રી એ રોગ મોટો હશે કે નહીં ? બહુ મોટો કહેવાય ! એથી જ જગત ઊભું રહ્યું છે. એ ગાયો-ભેંસોને ચાલે, ત્યાં તો ચોરી ય નથી ને બ્રાહ્મણે ય નથી. ગાયો-ભેંસોમાં ચોરી હોય ? ત્યાં બ્રાહ્મણને બેસાડે નહીં ને ? આ તો મનુષ્યમાં તો વિવેક કરવામાં આવે છે અને કુદરતનું બંધન જ એવું છે. મનુષ્યમાં આવ્યો તે બંધન જ હોય, મહામુશ્કેલી !

તને કંઈ પસ્તાવો થાય આ સાંભળીને !

પ્રશ્નકર્તા : બહુ જ થાય છે.

દાદાશ્રી : પસ્તાવામાં બળે તો ય પાપો ખલાસ થઈ જાય. બે-ચાર જણ આ વાત સાંભળીને મને એવું કહે કે, 'અમારું શું થશે ?' મેં કહ્યું, 'અલ્યા, ભાઈ, હું તને બધું સમું કરી આપીશ. તું આજથી ડાહ્યો થઈ જા.' જાગ્યા ત્યારથી સવાર. એની નર્કગતિ ઉડાડી મૂકું. કારણ કે મારી પાસે બધા રસ્તા છે. હું કર્તા નથી એટલે. જો હું કર્તા થાઉં તો મને બંધન થાય. હું તમને જ દેખાડું કે આમ કરો હવે. તે પછી બધું ઊડી જાય અને એમ બીજી કેટલીક વિધિઓ કરીએ.

એનાં જોખમો તો ખ્યાલમાં રાખો !

એટલે ખરું જોખમ જાણવું જોઈએ કે ના જાણવું જોઈએ ? જોખમ યાદ રહેશે કે તને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : હવે ભૂલાય નહીં ને ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : આખી જિંદગી ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : છોકરાઓને બિચારાને તો મુશ્કેલી ને ? હજુ પૈણ્યાં ના હોય. આવું જોખમ સંબંધી કોઈ ઉપદેશ આપતું ના હોય ! કોઈ આપે છે ? ના. કારણ કે લોક વિષયી છે. પોતે વિષયી માણસ, એ વિષયો સંબંધી ઉપદેશ કેમ આપી શકે ? પોતે ચોરી કરતો હોય, તે 'ચોરી ના કરવી' એવો ઉપદેશ કેવી રીતે આપી શકે ? જોખમ તો સમજવું ના પડે ? જગતમાં કોઈ આ જોખમ કહે નહીં. લોકો તો 'તમે બહુ સરસ છો, બહુ સરસ છો.' એમ કહેશે. આ લોક તો સારું, સારું જ કહેને ! કોના બાપાની દિવાળી ?! ચંદુભાઈ પાસેથી પાંચસો રૂપિયા જોઈતા હોય તો, 'ચંદુભાઈ સંત પુરુષ થઈ ગયા,' કહે. એટલે પાંચસો રૂપિયાનો ચેક લખી આપે.

પારકી સ્ત્રી જોડે ફરીએ તો લોકો આંગળી કરે ને ? એટલે આ સમાજવિરોધક છે અને બીજું તો અંદર બહુ જાતની ઉપાધિ થાય છે. નર્કની વેદનાઓ એટલે ઇલેક્ટ્રિક ગેસમાં ઘણાં કાળ સુધી બળ્યા કરવાનું ! એક ઇલેક્ટ્રિક ગરમીની વેદનાવાળી નર્ક છે અને બીજી ઠંડીની વેદનાવાળી નર્ક છે. ત્યાં એટલી બધી ઠંડી છે કે આપણે પાવાગઢ પર્વત નાખીએ તો એનો પથરો આવડો મોટો ના રહે, પણ એના કણેકણ છૂટા પડી જાય ! એટલી બધી ઠંડી છે. પણ ત્યાં અત્યારે તો એ છેલ્લી ત્રણ નર્કો બંધ થઈ ગઈ છે. ઠંડીવાળું જોખમ બંધ થઈ ગયું છે. આ ગરમીવાળું જોખમ હજુ ચાલુ છે. અત્યારે એવા પાપ કરનારો કોઈ છે જ નહીં. આ જીવડાં શું પાપ કરી શકે બિચારાં ! રેશન અને ભેળસેળવાળો માલ લાવીને ખાય, તે કેટલાં પાપ કરી શકે ?! એટલે છેલ્લી ત્રણ નર્કમાં જવાય એવાં પાપ કરનારા જન્મતાં જ નથી. બાકી આ નાના પ્રકારના પાપ કરનારા એ બધા પહેલી ચાર નર્કે જાય. એમાં એ અહીં બહુ મોટો શૂરવીર (!) હોય, ત્યારે એના માટે એ નર્ક ઊઘડે. પાપ કરતાં આવડે નહીં, તેને શું થાય ? આ તો બધા મહીં અંદર ને અંદર મારંમાર કરે, બહાર મારતો નથી.

પ્રશ્નકર્તા : પણ પ્રકૃતિ વિષયી નથી, એ કેવી રીતે ?

દાદાશ્રી : પ્રકૃતિ વિષયી નથી, એ તો એક પરસ્ત્રી સિવાય. આ લોક તો અવળું ઝાલી પાડે. મારા શબ્દોને તારી ભાષામાં અવળું લઈ જવું હોય, તો તને વાર લાગે ખરી ? પછી જો તમે પરસ્ત્રી ને બીજું બધું જોખમ અવળું લઈ પડો, તો તો પછી દુનિયામાં તમને ફાવે તેમ ચાલવાનું થઈ ગયું ! પણ પરસ્ત્રીના જોખમમાં તો કેટલાં કેટલાં જોખમ ઊભાં રહ્યાં છે ! એ જ્યાં જાય ત્યાં તમારે જવું પડશે, એને મા કરવી પડશે ! આજે ઘણાં ય એવા દીકરા છે કે જે એની પૂર્વભવની રખાતને પેટે જન્મેલા છે. એ મારા જ્ઞાનમાં હઉ આવેલું. દીકરો ઊંચી નાતનો હોય અને મા નીચી નાતની હોય, મા નીચી નાતમાં જાય અને દીકરો ઊંચી નાતમાંથી નીચી નાતમાં પાછો આવે. જો ભયંકર જોખમો !! ગયા અવતારે જે સ્ત્રી હોય, તે આ અવતારે મા થાય. ને આ અવતારે મા હોય, તો આવતાં અવતારે સ્ત્રી થાય. એવું આ જોખમવાળું જગત છે ! વાતને ટૂંકામાં સમજી જજો !! પ્રકૃતિ વિષયી નથી, એ વાત મેં બીજી રીતે કહેલી. પણ આ તો અમે પહેલેથી કહેતા આવ્યા છીએ કે આ એકલું જોખમ છે.

બેઉ સહમત તો ય જોખમ !

પ્રશ્નકર્તા : બન્ને પાર્ટીને સંમત હોય તો જોખમ ખરું ?

દાદાશ્રી : સંમતિ હોય તો ય જોખમ છે. બન્ને સામસામે ખુશી હોય એમાં શું દહાડો વળ્યો ? એ જ્યાં જવાની હોય ત્યાં આપણે જવું પડે. આપણે મોક્ષે જવું છે ને એના ધંધા આવાં છે. તો આપણી શી દશા થાય ? ગુણાકાર ક્યારે મળે ? એટલાં માટે દરેક શાસ્ત્રકારોએ દરેક શાસ્ત્રમાં વિવેકને માટે કહેલું છે કે પૈણજો. નહીં તો આ રખડેલ ઢોર હોય તો કોને ઘેર સાવધાની રહે ? પછી 'સેફસાઈડ' જ શું રહે ? કઈ જાતની સેફસાઈડ રહે ? તું કેમ બોલતો નથી ? પાછલી ચિંતામાં પડી ગયો ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : હું તને ધોઈ આપીશ. અમારે તો એટલું જોઈએ છે કે અત્યારે અમને ભેગા થયા પછી કોઈ ડખલ નથી ને ? પાછલી ડખલ હોય, તો તેને છોડવા માટે અમારી પાસે બહુ જાતના આંકડા છે. તારે મને ખાનગીમાં કહી દેવાનું. હું તને તરત ધોઈ આપીશ. કળિયુગમાં માણસની શું ભૂલ ના થાય ! કળિયુગ છે અને ભૂલ ના થાય, એવું બને જ નહીં ને ?!

બ્રહ્મચર્યના ઈચ્છાવાનને ઉગારે જ્ઞાન !

તારી ઇચ્છા તૂટી ગઈ છે કે ?

પ્રશ્નકર્તા : હા, દાદા.

દાદાશ્રી : તો હું તારો કચરો કાઢી નાખીશ. જેની ઇચ્છા ના તૂટી હોય, તેનો કચરો શી રીતે કઢાય ?!

પ્રશ્નકર્તા : મરતાં સુધી ઇચ્છા ના જાય તો શું થાય ?

દાદાશ્રી : શેની ઇચ્છા છે ?

પ્રશ્નકર્તા : કોઈ પણ ઇચ્છા હોય.

દાદાશ્રી : બીજી બધી ઇચ્છા થશે તેનો વાંધો નથી, પણ વિષય સંબંધી ના હોવી જોઈએ. એકની જોડે ડાયવોર્સ લઈને બીજી જોડે લગ્ન કરવાની ઇચ્છા હશે તેનો વાંધો નથી, પણ લગ્ન હોવું જોઈએે. એટલે એની બાઉન્ડ્રી હોવી જોઈએ. 'વિધાઉટ એની બાઉન્ડ્રી' એટલે હરૈયા ઢોર કહેવાય. પછી એમાં અને મનુષ્યમાં ફેર નથી.

પ્રશ્નકર્તા : રખાત રાખી હોય તો ?

દાદાશ્રી : રખાત રાખી હોય, પણ તે રજિસ્ટર્ડ હોવું જોઈએ. પછી બીજી ના હોવી જોઈએ.

પ્રશ્નકર્તા : એમાં રજિસ્ટર કરાય નહીં, કરે તો મિલકતમાં ભાગ માંગે, અનેક લફરાં થાય.

દાદાશ્રી : મિલકત તો આપવી પડે, જો આપણને સ્વાદ જોઈતો હોય તો ! પાંસરા રહોને એક અવતાર, આમ શું કરવાને કરો છો ? અનંત અવતાર સુધી આવું ને આવું કર્યું ! એક અવતાર પાંસરા રહોને ! પાંસરું થયા વગર છૂટકો નથી. સાપે ય દરમાં પેસતી વખતે સીધો થાય કે વાંકો ચાલે ?

પ્રશ્નકર્તા : સીધો ચાલે. હવે પરસ્ત્રીમાં જોખમ છે, એ ખોટું છે એવું આજે જ સમજાય છે. અત્યાર સુધી તો આમાં શું ખોટું છે ? એવું જ રહેતું હતું.

દાદાશ્રી : તમને કોઈ અવતારમાં કોઈએ 'આ ખોટું છે' એવો અનુભવ નથી કરાવ્યો, નહીં તો આ ગંદવાડમાં કોણ પડે ? પાછી નર્કની જવાબદારી આવે !

પ્રશ્નકર્તા : અને નર્કમાં જવાનું થાય, એ તો ખરાબ જ ને ?

દાદાશ્રી : આ વાત જ એવી છે, આ હરૈયું કામ છે ને, એ બધું નર્કે જ લઈ જાય.

આપણું આ વિજ્ઞાન મળ્યા પછી હાર્ટિલી પસ્તાવો કરે તો ય બધાં પાપો બળી જાય. બીજા લોકોનાં પણ પાપો બળી જાય, પણ આખું ના બળી જાય. આપણે તો આવું વિજ્ઞાન મળ્યા પછી, એ વિષય ઉપર ખૂબ પસ્તાવો રાખ્યા કરે, તો પછી પાર નીકળી જાય !

આ એકલો જ રોગ એવો છે કે નર્કમાં લઈ જનારો છે અને નર્કમાં ગયો કે પછી ફરી જ્ઞાની પુરુષ ભેગા ના થાય, આ સત્સંગ ભેગો ના થાય ! મોક્ષમાર્ગ હાથમાંથી જતો રહે ! એટલે પરસ્ત્રીગમન, પરસ્ત્રીવિચાર એ નર્કમાં લઈ જનારા છે ! આ ચાદર કાઢી નાખે તો ? કોઈ હાથ ના અડાડે ! એટલે એમાં શું જોવા જેવું છે ? એનો તો વિચાર સરખો ય ના આવવો જોઈએ ! તેથી જ અમે બૂમો પાડીએ છીએ ને ! અત્યારે દહીંવડાં બધું જ ખાવા દઈએ છીએ ને ! પણ મોટામાં મોટું જોખમ આ છે ! નર્કમાં જતાં ય ઠેકાણું નહીં પડે !

સંસારી લોક તો ઠગાઈ ગયેલા, બિચારાને ખબર નથી ! અને અહીં તો આની જો ખબર હોય અને પછી જો કદી માર ખાય તો બહુ ખોટું કહેવાય ને ?!

અત્યાર સુધી રઝળી મર્યા છે, તેનું કારણ જ આ વિષય છે ને ! તે ના હોવું જોઈએ અને હોય તો તેને એકદમ છોડી ના દેવાય, પણ એનાં તો તરત પ્રતિક્રમણ કરવાં પડે. વિષય, તે કંઈ આમ ને આમ છોડ્યું છૂટી જાય એવું છે ? આ તો અનંત અવતારથી વળગેલું છે, તે જલદી છૂટે નહીં ! રાત-દિવસ એક વિષયના જ નિરંતર પ્રતિક્રમણ કર્યા કરવાં પડે, અને તે ય દ્રષ્ટિ બગડ્યા પહેલાં પ્રતિક્રમણ કરી નાખવાં પડે.

અણહક્કના વિષયથી સ્ત્રીપણું ના છૂટે !

પ્રશ્નકર્તા : વચમાં જે પેલી વાત થયેલી. પુરુષે ઉત્તેજન આપ્યું છે, કપટ કરવા માટે, તો એમાં પુરુષ મુખ્ય કારણરૂપ છે. અમારો જે જીવનવ્યવહાર અને એમનું જે કપટ, એમની જે ગાંઠ, એમાં જો હું કંઈ જવાબદાર હોઉં તો એ માટે વિધિ કરી આપજો કે હું એમને છોડી શકું.

દાદાશ્રી : હા, વિધિ કરી આપીશું. એમને કપટ વધ્યું, તે એને માટે આપણે પુરુષો રિસ્પોન્સિબલ છીએ. એ ઘણાં પુરુષોને આ જવાબદારીનું ભાન બહુ ઓછું હોય છે. એ જો બધી રીતે મારી આજ્ઞા પાળતો હોય તો પણ સ્ત્રીને ભોગવવા માટે પુરુષ સ્ત્રીને શું સમજાવે ? સ્ત્રીને કહેશે કે હવે આમાં કશો વાંધો નથી. એટલે સ્ત્રી બિચારી ભૂલ-થાપ ખઈ જાય. એને દવા ના પીવી હોય.... અને ના જ પીવાની હોય. છતાં પ્રકૃતિ પીવાવાળી ખરી ને ! પ્રકૃતિ તે ઘડીએ ખુશ થઈ જાય. પણ એ ઉત્તેજન કોણે આપ્યું ? તો આપણે એનાં જવાબદાર. જેમ અજ્ઞાની માણસ હોય ને તે સીધો રહેતો ના હોય કોઈની જોડે. કોઈ સ્ત્રીઓ હોંશિયાર થયેલી હોય બિચારી. એને પેલો માણસ શું કહે ? તું તો બહુ જ અક્કલવાળી છું. ખૂબ એનાં વખાણ કરે ને. એટલે એની ઈચ્છા ના હોય તો ય એ પુરુષ જોઈન્ટ થઈ જાય. હવે માણસો સ્ત્રીને પોતાનું ગમતું છે તે બોલે, તો એ સ્ત્રી એને વશ થઈ જાય. પોતાને ગમતું કોઈ પુરુષ બોલે, બધી બાબતમાં કહે ને, 'કરેક્ટ, બહુ સારું.' અને એનો ધણી જરા વાંકો હોય અને બીજો પુરુષ છે તો પછી આવું મીઠું બોલે, તો અવળું થાય ખરું ?

પ્રશ્નકર્તા : થાય, દાદા.

દાદાશ્રી : આ બધી સ્ત્રીઓ એના લીધે જ સ્લિપ થયેલી. કોઈ મીઠું લગાડે કે ત્યાં થઈ જાય. આ બહુ ઝીણી વાત છે. સમજાય એવું નથી.

પ્રશ્નકર્તા : સમજાય, દાદા.

દાદાશ્રી : હવે પુરુષ તો પેલું સ્વાર્થ કાઢવા માટે કરે છે અને પેલીને રોગ પેસી જાય, કાયમનો. અને પુરુષ તો સ્વાર્થી નીકળે, એટલે ચાલ્યું. એ તાંબાનો લોટો નીકળ્યો આ. ધોઈ નાખ્યો એટલે સાફ પણ પેલીને ચઢ્યો કાટ. એનો કપટનો સ્વભાવ બંધાઈ જાય. એને ઈન્ટરેસ્ટ આવે એટલે પછી સ્ત્રીનો સ્વભાવ બંધાઈ જાય.

તમને બીજો એક દાખલો આપું. આપણે ઘેર છોકરા હોય, તે અવળું કરે ત્યારે વઢીએ, મારીએ. એ રિસાઈને જતો રહેતો હોય. એવું પાંચ-સાત-દસ વખત ઘડાયું હોય, તો થોડું કંટાળે તો ખરો ને ?

પ્રશ્નકર્તા : હા, કંટાળે.

દાદાશ્રી : મા-બાપને કામ લેતાં ના આવડે એટલે. આજના બધા છોકરા પાસે મા-બાપને કામ લેતાં ય નથી આવડતું. એ છોકરો કંટાળી જાય ને ! હવે પડોશી શું કહે ? એ ય બાબા, આય બા. તે આવે. અલ્યા, લાવો મહીંથી જરા, પેલો નાસ્તો લાવો. એટલે પછી ભઈને પછી જે કહે એ કરી આપે કે નહીં એને ?

પ્રશ્નકર્તા : કરી આપે અને મા-બાપો માટે ઘૃણા ઉત્પન્ન થઈ જાય.

દાદાશ્રી : અને આનાં ઉપર ?

પ્રશ્નકર્તા : એના માટે પ્રેમ ઉત્પન્ન થાય. એ કહે એ બધું કરવા તૈયાર થાય.

દાદાશ્રી : એવી રીતે સ્ત્રીને પોતાના ધણીથી ઘૃણા ઉત્પન્ન થાય એટલે પછી. કારણ કે એને વિષય ગમે છે અને પેલો પુરુષ છે તે સારું બોલવા માંડ્યો. એટલે એ રૂપાળો દેખાતો જાય. એને એન્કરેજ કરે. એનું કામ કાઢી લેવા માટે એન્કરેજ કરે આને અને એ જાણે કે ઓહોહો.... મારે અક્કલ નથી, છતાં આટલી બધી અક્કલ થઈ ગઈ આ, એમ કહે છે. એટલે લપટાયા કરે. કોઈને સમજાય એવી વાત છે આ ?

પ્રશ્નકર્તા : સમજાય છે.

સતી થયે, મોક્ષ પાકો !

દાદાશ્રી : ગમે તેવું બને, ધણી ના હોય, ધણી જતો રહેલો હોય, તો ય પણ બીજા પાસે જાય નહીં. એ જો ગમે તેવો હોય, ખુદ ભગવાન પુરુષ થઈને આવ્યો હોય, પણ ના. 'મને મારો ધણી છે, ધણીવાળી છું.' એ સતી કહેવાય. અત્યારે સતીપણું કહેવાય, એવું છે આ લોકોનું ? કાયમ નથી એવું, નહીં ? જમાનો જુદી જાતનો છે ને ! સત્યુગમાં એવો ટાઈમ કો'ક ફેરો આવે છે, સતીઓને માટે જ. તેથી સતીઓનું નામ લે છેને આપણાં લોક !!

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એ સતી થવાની ઈચ્છાથી. એનું નામ લીધું હોય તો કો'ક દહાડો સતી થાય અને વિષય તો બંગડીઓના ભાવથી વેચાય છે. એવું તમે જાણો ? એ સમજ્યા નહીં મારું કહેવાનું ?

પ્રશ્નકર્તા : હા, બંગડીઓના ભાવથી વેચાય છે.

દાદાશ્રી : કયા બજારમાં ? કોલેજોમાં ! કયા ભાવથી વેચાય છે ? સોનાના ભાવે બંગડીઓ વેચાય. પેલી હીરાના ભાવે બંગડીઓ વેચાય ! બધે એવો મળી આવે નહીં. બધે એવું નથી. કેટલીક તો સોનું આપે તો ય ના લે. ગમે તેવું આપો તો ય ના લે ! પણ બીજી તો વેચાય ખરી, આજની સ્ત્રીઓ. સોનાના ભાવે ના હોય તો બીજાના ભાવે પણ વેચાય !

અને માંસાહાર ક્યારેય ના કરતો હોય. પણ બે-ત્રણ દહાડાનો ભૂખ્યો હોય, તો મરી જવા તૈયાર થાય કે માંસાહાર કરે ? માંસાહાર કરે જ નહીં, ગમે તેવું થાય, અને બોલે ય ખરો, મરી જઈશ પણ કરું નહીં, કોઈ દહાડો ના કરું. ભૂખે મરી જવાય તો ભલે. પણ એને બે-ત્રણ દહાડા થાય ને ભૂખમાં મરી જવાય એવું લાગે તો ? કોઈ દેખાડે તો ?

પ્રશ્નકર્તા : તો કરી નાખે કદાચ, જીવવા માટે.

દાદાશ્રી : કરી જ નાખે. અને ત્યાં ના કરે, એ સતી કહેવાય. મોઢે બોલે તો એવું જ હોય એને, મરી જવાય તો ય ના કરું.

એટલે આ વિષયને લઈને સ્ત્રી થયો છે. ફક્ત એકલાં જ વિષયથી જ અને પુરુષે ભોગવી લેવા માટે એને એન્કરેજ કરી અને બિચારીને બગાડી. બરકત ના હોય તો ય એનામાં બરકત હોયને એવું મનમાં માની લે. ત્યારે કહેશે, શાથી માની લીધું ? શી રીતે માને ? પુરુષોએ કહે કહે કર્યું જ. એટલે એ જાણે કે આ કહે છે, 'એમાં ખોટું શું છે ?' એનાં મેળે માની લીધેલું ના હોય. તમે કહ્યું હોય, 'તું બહુ સરસ છે. તારા જેવી તો સ્ત્રી હોતી જ નથી.' એને કહીએ કે 'તું રૂપાળી છું.' તો એ રૂપાળી માની લે. આ પુરુષોએ સ્ત્રીઓને સ્ત્રી તરીકે રાખી. અને સ્ત્રી મનમાં જાણે કે હું પુરુષોને બનાવું છું. મૂર્ખ બનાવું છું. આમ કરીને પુરુષો ભોગવીને છૂટા થઈ જાય છે. એની જોડે ભોગવી લે, જાણે કે આ રસ્તે ભટકવું હોય.... બહુ સમજાતું નહીં ને ?! થોડું થોડું ?

પ્રશ્નકર્તા : સમજાય છે, કમ્પ્લીટ. પહેલાં પુરુષોનો કંઈ વાંક નથી એવી રીતે સત્સંગો ચાલતા હતા. પણ આજે વાત નીકળી ત્યારે લાગ્યું કે પુરુષ પણ આ રીતે જવાબદાર બહુ મોટો બની જાય છે.

દાદાશ્રી : પુરુષ જ જવાબદાર છે. સ્ત્રીને સ્ત્રી તરીકે રાખવામાં પુરુષ જ જવાબદાર છે.

પ્રશ્નકર્તા : હા. એટલે એવું નથી કે સ્ત્રી જે છે એ લાંબા જન્મ સુધી સ્ત્રીના અવતારમાં રહેશે એવું નક્કી નથી. પણ એ લોકોને ખબર પડતી નથી એટલે એનો ઉપાય થતો નથી.

દાદાશ્રી : ઉપાય થાય તો સ્ત્રી, પુરુષ જ છે. એ ગાંઠને જાણતા જ નથી બિચારા. અને ત્યાં આગળ ઈન્ટરેસ્ટ આવે છે. ત્યાં મજા આવે છે એટલે પડી રહે છે અને કોઈ રસ્તો આવું જાણે નહીં, એટલે દેખાડે નહીં. એ ફક્ત સતી સ્ત્રીઓ એકલી જાણે, સતીઓને એનાં ધણી, એ એક ધણી સિવાય બીજા કોઈનો વિચાર જ ના કરે અને એ ક્યારેય પણ નહીં, એનો ધણી તરત ઓફ થઈ જાય, જતો રહે તો ય નહીં. એ જ ધણીને ધણી જાણે. હવે એ સ્ત્રીઓનું બધું કપટ ઓગળી જાય. કોનું કપટ ઓગળી જાય ?

પ્રશ્નકર્તા : સતી સ્ત્રીઓનું.

દાદાશ્રી : જે સ્ત્રી બિલકુલ સતી તરીકે કામ કરે છે, એનાં બધા રોગ મટી જાય.

પ્રશ્નકર્તા : અત્યારે અમે તમારા જ્ઞાનથી અને અમારા દોષો આપને બતાવીને, અમારાથી પણ સતી થવાય ને ?

દાદાશ્રી : સતી તો પહેલેથી થયા ના હોય અને બગડી ગયા પછી એ પણ સતી થવાય. જ્યારથી નિશ્ચય કર્યો ત્યારથી સતી થઈ શકે.

પ્રશ્નકર્તા : અને જેમ એ સતીપણું સાચવીએ તેમ તેમ કપટ ઓગળતું જશે ?

દાદાશ્રી : સતીપણું તો કર્યું એટલે કપટ તો જવા જ માંડે એની મેળે જ. તમારે કશું કહેવું ના પડે. તો પેલી મૂળ સતી એ જન્મથી સતી હોય એટલે એને કશું પહેલાંનો ડાઘ હોય નહીં. અને તમારે પહેલાંનાં ડાઘ રહી જાય અને ફરી પાછાં પુરુષ થાવ. સતીપણાથી બધું ખલાસ થઈ જાય. જેટલી સતીઓ થયેલી, એનું બધું ખલાસ થઈ જાય અને એ મોક્ષે જાય. સમજાય છે થોડું ? મોક્ષે જતાં સતી થવું પડશે. હા, જેટલી સતીઓ થઈ એ મોક્ષે ગઈ, નહીં તો પુરુષ થવું પડે.

સર્વકાળે શંકા જોખમી જ !

આ છોડીઓ બહાર જતી હોય, ભણવા જતી હોય તો ય આમ શંકા. 'વાઈફ' ઉપરે ય શંકા. એવો બધો દગો ! ઘરમાં ય દગો જ છે ને, અત્યારે ! આ કળિયુગમાં પોતાના ઘરમાં જ દગો હોય. કળિયુગ એટલે દગાનો કાળ. કપટ ને દગો, કપટ ને દગો, કપટ ને દગો ! એમાં શું સુખને માટે કરે છે ? તે ય ભાન વગર બેભાનપણે ! બુદ્ધિશાળી માણસને દગો ને કપટ ના હોય. નિર્મળ બુદ્ધિવાળાને ત્યાં કપટ ને દગો ના હોય. આ તો 'ફૂલિશ' માણસને ત્યાં અત્યારે દગો ને કપટ હોય. કળિયુગ એટલે 'ફૂલિશ' જ ભેગાં થયાં છે ને !

પ્રશ્નકર્તા : પણ આ જે દગો ને કપટ થાય, એમાં પણ રાગ અને દ્વેષ કામ કરે ને ?

દાદાશ્રી : એ રાગ-દ્વેષ હોય તો જ આ બધું કામ થાય ને ! નહીં તો રાગ-દ્વેષ નથી, તેને તો કશું છે જ નહીં ને ! રાગ-દ્વેષ ના હોય તો જે કરે, એ કપટ કરે તો વાંધો નથી ને સારું કરે તો ય વાંધો નથી. કારણ કે એ ધૂળમાં રમે છે ખરો, પણ તેલ ચોપડેલું નથી અને પેલો તેલ ચોપડીને ધૂળમાં રમે છે.

પ્રશ્નકર્તા : પણ આ દગો ને કપટ કરવામાં બુદ્ધિનો ફાળો ખરો ને ?

દાદાશ્રી : ના, સારી બુદ્ધિ, એ કપટ ને દગો કાઢી નાખે. બુદ્ધિ 'સેફસાઈડ' નાખે. એક તો શંકા મારી નાખે, પછી આ કપટ ને દગો તો હોય જ અને પાછાં પોતાના સુખમાં જ દરેક રાચતાં હોય.

પ્રશ્નકર્તા : પણ પોતાના સુખમાં રહેવા માટે બુદ્ધિના ઉપયોગથી દગો ને કપટ રમી શકે ને ?

દાદાશ્રી : જ્યાં પોતાની જાતનું સુખ ખોળવું ત્યાં સારી બુદ્ધિ હોય જ નહીં ને ! સારી બુદ્ધિ તો સામુદાયિક સુખ ખોળે કે આખું મારું ઘર સુખી થાય. પણ આ તો છોકરો પોતાનું સુખ ખોળતો હોય, બૈરી પોતાનું સુખ ખોળતી હોય, છોડી પોતાનું સુખ ખોળતી હોય, બાપ પોતાનું સુખ ખોળતો હોય, દરેક પોતપોતાનાં સુખ ખોળે છે. આ તો ઊઘાડું કરે ને, તો ઘરનાં માણસો ભેગાં રહે નહીં. પણ આ તો બધા ય ભેગાં રહે છે ને ખાય છે ને પીવે છે ! ઢાંકેલું તે જ સારું.

બાકી શંકા રાખવા જેવી ચીજ જ નથી, કોઈ પ્રકારે. એ શંકા જ માણસને મારી નાખે. આ બધાં શંકાને લઈને મરી જ રહ્યાં છે ને ! એટલે આ દુનિયામાં મોટામાં મોટું ભૂત હોય તો શંકાનું ભૂત છે. મોટામાં મોટું ભૂત ! જગતમાં કંઈક લોકોને ખઈ ગયેલી, ભરખી ગયેલી ! માટે શંકા ઊભી જ ના થવા દેવી. શંકા જન્મતાં જ મારવી. ગમે તેવી શંકા ઊભી થાય તો જન્મતાં જ એને મારવી, એનો વેલો વધવા ના દેવો. નહીં તો જંપીને નહીં બેસવા દે શંકા, એ કોઈને જંપીને ના બેસવા દે. શંકાએ તો લોકોને મારી નાખેલા. મોટા મોટા રાજાઓને, ચક્રવર્તીઓને પણ શંકાએ મારી નાખેલા.

લોકોએ કહ્યું હોય 'આ નાલાયક માણસ છે.' તો ય આપણે એને લાયક કહેવો. કારણ કે વખતે નાલાયક ના પણ હોય. ને એને નાલાયક કહેશો તો બહુ દોષ બેસશે. સતી હોય ને જો વેશ્યા કહેવાઈ ગઈ તો ભયંકર ગુનો, તેનું કેટલાંય અવતાર સુધી ભોગવ્યા કરવું પડશે. માટે કોઈના ય ચારિત્ર-સંબંધમાં બોલશો નહીં. કારણ કે એ ખોટું નીકળે તો ? લોકના કહેવાથી આપણે ય કહેવા લાગીએ તો એમાં આપણી શી કિંમત રહી ? અમે તો એવું કોઈ દહાડો ય કોઈનું ય બોલીએ નહીં, ને કોઈને ય બોલ્યો નથી. હું તો હાથ જ ના ઘાલું ને ! એ જવાબદારી કોણ લે ? કોઈનાં ચારિત્ર્ય-સંબંધી શંકા ના કરાય. બહુ મોટું જોખમ છે. શંકા તો અમે ક્યારેય લાવીએ નહીં. જોખમ આપણે શું કરવા લઈએ ?

અંધારામાં, આંખો ક્યાં સુધી તાણવી ?!

પ્રશ્નકર્તા : પણ શંકાથી જોવાની મનની ગ્રંથિ પડી ગઈ હોય તો ત્યાં કયું 'એડજસ્ટમેન્ટ' લેવું ?

દાદાશ્રી : આ તમને દેખાય છે કે આનું ચારિત્ર ખરાબ છે, તે શું તેવું પૂર્વે નહોતું ? આ તો ઓચિંતું કંઈ ઉત્પન્ન થઈ ગયેલું છે ? એટલે સમજી લેવા જેવું છે આ જગત, કે આ તો આમ જ હોય. આ કાળમાં ચારિત્ર્યસંબંધી કોઈને જોવું જ નહીં. આ કાળમાં તો બધે એવું જ હોય. ઉઘાડું ના હોય, પણ મન તો બગડે જ. એમાં સ્ત્રીચારિત્ર્ય તો નર્યું કપટ અને મોહનું જ સંગ્રહસ્થાન, તેથી તો સ્ત્રીનો અવતાર આવે. આમાં સહુથી સારામાં સારું એ કે જે વિષયથી છૂટ્યા હોય.

પ્રશ્નકર્તા : આ ચારિત્ર્યમાં તો આમ જ હોય એ જાણીએ. છતાં ય મન શંકા દેખાડે ત્યારે તન્મયાકાર થઈ જવાય. ત્યાં ક્યું 'એડજસ્ટમેન્ટ' લેવું ?

દાદાશ્રી : આત્મા થયા પછી બીજામાં પડવું જ નહીં. આ બધું 'ફોરેન ડીપાર્ટમેન્ટ'નું છે. આપણે 'હોમ'માં રહેવું. આત્મામાં રહોને ! આવું 'જ્ઞાન' ફરી ફરી મળે એવું નથી, માટે કામ કાઢી લો. એક જણને એની 'વાઈફ' પર શંકા આવ્યા કરે. તેને મેં કહ્યું કે શંકા શેને લીધે થાય છે ? તેં જોયું, તેને લીધે શંકા થાય છે ? શું નહોતું જોયું ત્યારે નહોતું બનતું આવું ? આપણાં લોક તો પકડાય, તેને ચોર કહે. પણ પકડાયો નથી, તે બધા મહીંથી ચોર જ છે. પણ આ તો પકડાયો, તેને ચોર કહે છે. અલ્યા, એને શું કરવા ચોર કહે છે ? એ તો સુંવાળો હતો. ઓછી ચોરી કરી છે તેથી પકડાયો. વધારે ચોરી કરનારાં પકડાતાં હશે ?

પ્રશ્નકર્તા : પણ પકડાય ત્યારે ચોર કહેવાય ને ?

દાદાશ્રી : ના. ઓછી ચોરીઓ કરે, તે પકડાય. અને પકડાય એટલે લોક, એને ચોર કહે. અલ્યા, ચોર તો આ નથી પકડાતા, તે છે. પણ જગત તો આવું જ છે.

એટલે એ ભાઈ મારું વિજ્ઞાન આખું સમજી ગયો. પછી એ મને કહે છે કે, 'મારી વાઈફ ઉપર હવે બીજા કોઈનો હાથ ફરે, તો ય હું ભડકું નહીં.' હા, આવું જોઈએ. મોક્ષે જવું હોય તો આમ છે. નહીં તો લઢવાડ કર્યા કરો તમારી મેળે. તમારી 'વાઈફ' કે તમારી સ્ત્રી, આ દુષમકાળમાં તમારી થાય નહીં અને એવી ખોટી આશા રાખવી ય ફોગટ છે. આ દુષમકાળ છે, એટલે આ દુષમકાળમાં તો જેટલાં દહાડા આપણને રોટલા ખવડાવે છે એટલા દહાડા આપણી અને નહીં તો બીજાને ખવડાવે તો એની.

એટલે બધા 'મહાત્મા'ઓને કહી દીધેલું કે શંકા ના રાખશો. નહીં તો ય મારું કહેવાનું, કે જોયું ના હોય ત્યાં સુધી તેને સત્ય માનો છો જ શા માટે, આ કળિયુગમાં ? આ છે જ પોલમ્પોલ ! જે મેં જોયું છે, તેનું તમને વર્ણન કરું તો બધાં માણસ જીવતાં જ ના રહે, તો હવે એવાં કાળમાં એકલા પડી રહેવું મસ્તીમાં અને આવું 'જ્ઞાન' જોડે હોય, એનાં જેવું તો એકુંય નહીં.

માટે કામ કાઢી લેવા જેવું છે અત્યારે. તેથી અમે કહીએ છીએ ને, કે કામ કાઢી લો, કામ કાઢી લો ! એ કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે આવું કોઈ કાળે આવતું નથી અને આવ્યું છે, તો માથું મેલીને કામ કાઢી લો !!

એટલે તમને સમજાયું ને ? કે ના જોયું તો કશું થાત નહીં. આ તો દેખ્યાનું ઝેર છે !

પ્રશ્નકર્તા : હા, દેખાયું એટલે જ એવું થાય છે.

દાદાશ્રી : આ બધું જગત અંધારામાં પોલમ્પોલ જ ચાલી રહ્યું છે. અમને આ બધું 'જ્ઞાન'માં દેખાયું. અને તમને જોવામાં ના આવ્યું એટલે તમે જુઓ અને ભડકો ! અલ્યા, ભડકો છો શું ? બધું આમાં આ તો આમ જ ચાલી રહ્યું છે, પણ તમને દેખાતું નથી. આમાં ભડકવા જેવું છે જ શું ? તમે આત્મા છો, તો ભડકવા જેવું ક્યાં રહ્યું ? આ તો બધું જે 'ચાર્જ' થઈ ગયેલું, તેનું જ 'ડિસ્ચાર્જ' છે ! જગત ચોખ્ખું 'ડિસ્ચાર્જ'મય છે. 'ડિસ્ચાર્જ'ની બહાર આ જગત નથી. એટલે અમે કહીએ છીએ ને, 'ડિસ્ચાર્જ'મય છે એટલે કોઈ ગુનેગાર નથી.

પ્રશ્નકર્તા : એટલે એમાં ય કર્મનો સિદ્ધાંત કામ કરે ને ?

દાદાશ્રી : હા. કર્મનો સિદ્ધાંત જ કામ કરી રહ્યો છે, બીજું કશું નહીં. માણસનો દોષ નથી, આ કર્મ જ ભમાવે છે બિચારાંને. પણ એમાં શંકા રાખે ને, તો પેલો મરી જાય વગર કામનો.

મોક્ષે જનારાઓને !

દેહાધ્યાસ છૂટે તો જાણવું કે મોક્ષે જવાની તૈયારી થઈ. દેહાધ્યાસ એટલે દેહમાં આત્મબુદ્ધિ ! એ બધું દેહાધ્યાસ કહેવાય. કોઈ ગાળ ભાંડે, મારે, આપણી 'વાઈફ'ને આપણી રૂબરૂ ઉઠાવી જાય તો ય મહીં રાગ-દ્વેષ ના થાય તો જાણવું કે વીતરાગનો માર્ગ પકડાયો છે ! લોક તો પછી પોતાની નબળાઈને લઈને ઉઠાવી જવા દે છે ને ! પેલો જબરો હોય તો 'વાઈફ'ને ઉઠાવી જવા દે છે ને ?!

એટલે આ કશું પોતાનું છે જ નહીં. આ બધું જ પારકું છે. માટે વ્યવહારમાં રહેવું હોય તો વ્યવહારમાં મજબૂત થા ને મોક્ષે જવું હોય તો મોક્ષને લાયક થા ! જ્યાં આ દેહ પણ પોતાનો નથી, ત્યાં સ્ત્રી પોતાની શી રીતે થાય ? છોડી પોતાની શી રીતે થાય ? એટલે તમારે તો બધી જાતનું વિચારી નાખવું જોઈએ, કે સ્ત્રી ઉઠાવી જાય તો શું કરવું ?!

જે બનવાનું છે તેમાં ફેરફાર થાય એવું નથી, એવું 'વ્યવસ્થિત' છે. માટે ભડકશો નહીં. એટલે એમ કહ્યું છે કે 'વ્યવસ્થિત' છે ! ના જોવામાં આવે ત્યારે કહેશે, 'મારી વહુ' અને જોયું એટલે ફફડાટ ! અલ્યા, પહેલેથી હતું જ આવું. આમાં નવું ખોળશો જ નહીં.

પ્રશ્નકર્તા : પણ 'દાદા'એ બહુ ઢીલું મૂકી દીધું.

દાદાશ્રી : મારું કહેવાનું કે દુષમકાળમાં આપણે ખોટી આશા રાખીએ, એનો અર્થ જ નથી ને ! અને આ સરકારે પણ 'ડાયવોર્સ'નો કાયદો કાઢી આપ્યો. સરકાર પહેલેથી જાણે કે આવું થવાનું છે. માટે કાયદો પહેલો નીકળે. એટલે હંમેશાં દવાનો છોડવો પહેલો પાકે, ત્યાર પછી રોગ ઉત્પન્ન થાય. એવી રીતે આ કાયદો પહેલો નીકળે, ત્યાર પછી અહીં લોકોના એવાં બનાવ બને !

ચારિત્ર્ય સંબંધી 'સેફસાઈડ' !

માટે જેને બૈરીના ચારિત્ર્ય સંબંધી શાંતિ જોઈતી હોય, તો તેણે રંગે એકદમ કાળી છૂંદણાવાળી બૈરી લાવવી કે જેથી જેનું કોઈ ઘરાક જ ના થાય, કોઈ એને સંઘરે જ નહીં. અને એ જ એમ કહે કે, 'મને કોઈ સંઘરનારા નથી. આ એક ધણી મળ્યા એ જ સંઘરે છે.' એટલે એ તમને 'સિન્સીયર' રહે, બહુ 'સિન્સીયર' રહે. બાકી, રૂપાળી હોય તેને તો લોક ભોગવે જ. રૂપાળી હોય એટલે લોકોની દ્રષ્ટિ બગડવાની જ ! કોઈ રૂપાળી વહુ લાવે તો અમને એ જ વિચાર આવે કે આની શી દશા થશે ! કાળી છૂંદણાવાળી હોય તો જ 'સેફસાઈડ' રહે.

વહુ બહુ રૂપાળી હોય ત્યારે પેલો ભગવાન ભૂલે ને ?! અને ધણી બહુ રૂપાળો હોય તો એ બઈ યે ભગવાન ભૂલે ! માટે રીતસર બધું સારું. આપણા ઘૈડિયા તો એવું કહેતા કે 'ખેતર રાખવું ચોપાટ અને બૈરું રાખવું કોબાડ.' આવું શાના માટે કહેતાં કે જો વહુ બહુ રૂપાળી હશે તો કો'ક નજર બગાડશે. એનાં કરતાં આ વહુ જરા કદરૂપી સારી, જેથી કોઈ નજર બગાડે નહીં ને ! આ ઘૈડિયાઓ બીજી રીતે કહેતા હતા, એ ધર્મની રીતે નહોતા કહેતા. હું ધર્મની રીતે કહેવા માગું છું. વહુ કદરૂપી હોય તો આપણને કોઈ ભો જ નહીં ને ! ઘેરથી બહાર નીકળ્યા તો ય કોઈ નજર બગાડે જ નહીં ને ! આપણા ઘૈડિયાં તો બહુ પાકા હતાં. પણ હું જે કહેવા માગું છું, તે એવું નથી. એ જુદું છે. એ કદરૂપી હોય ને, તે આપણા મનને બહુ હેરાન ના કરે, ભૂત થઈને વળગે નહીં.

કેવી દગાખોરી આ !!

આ લોક તો કેવાં છે ? કે જ્યાં 'હોટલ' દેખે, ત્યાં 'જમે.' માટે શંકા રાખવા જેવું જગત નથી. શંકા જ દુઃખદાયી છે. હવે જ્યાં હોટલ દેખે ત્યાં જમે, એમાં પુરુષે ય એવું કરે છે ને સ્ત્રી પણ એવું કરે છે. પાછું સામે પુરુષને એવું નથી કે મારી સ્ત્રી શું કરતી હશે ? એ તો એમ જ જાણે કે મારી સ્ત્રી તો સારી છે. પણ એની સ્ત્રી તો એને પાઠો ભણાવતી હોય ! પુરુષો પણ સ્ત્રીને પાઠ ભણાવે અને સ્ત્રીઓ પણ પુરુષોને પાઠો ભણાવે !! તો પણ સ્ત્રીઓ જીતે છે. કેમ કે આ પુરુષોને કપટ નહીં ને ! તેથી પુરુષો સ્ત્રીઓથી છેતરાઈ જાય !!

એટલે જ્યાં સુધી 'સિન્સીયારિટી-મોરાલિટી' છે, ત્યાં સુધી સંસાર ભોગવવા જેવો હતો. અત્યારે તો ભયંકર દગાખોરી છે. આ દરેકને એની 'વાઈફ'ની વાત કહી દઉં, તો કોઈ પોતાની 'વાઈફ' પાસે જાય નહીં. હું બધાનું જાણું, પણ કશું ય કહું-કરું નહીં. જો કે પુરુષે ય દગાખોરીમાં કંઈ ઓછો નથી. પણ સ્ત્રી તો નર્યું કપટનું જ કારખાનું ! કપટનું સંગ્રહસ્થાન, બીજે ક્યાંય ના હોય, એક સ્ત્રીમાં જ હોય.

આ સંડાસ હોય છે, તેમાં સહુ કોઈ લોકો જાય ને ? કે એક જ માણસ જાય ?

પ્રશ્નકર્તા : બધાં જ જાય.

દાદાશ્રી : તો બધાં જેમાં જાય, એ સંડાસ કહેવાય છે. એટલે જ્યાં આગળ બહુ લોક જાય ને, એનું નામ સંડાસ ! જ્યાં સુધી એક પત્નીવ્રત અને એક પતિવ્રત હોય, ત્યાં સુધી એ ઊંચામાં ઊંચી વસ્તુ કહેવાય. ત્યાં સુધી ચારિત્ર્ય કહેવાય, નહીં તો પછી સંડાસ કહેવાય. તમારે ત્યાં સંડાસમાં કેટલાં માણસ જતાં હશે ?

પ્રશ્નકર્તા : ઘરનાં બધાં જ જાય.

દાદાશ્રી : એક જ જણ ના જાય ને ? એટલે પછી બે જાય કે બધાં જ જાય, પણ એ સંડાસ કહેવાય.

આ તો હોટલ આવી ત્યાં જમે. અરે, ખાય-પીવે હઉં ! માટે શંકા કાઢી નાખજો. શંકાથી તો હાથમાં આવેલો મોક્ષ પણ જતો રહે. એટલે આપણે એમ જ સમજી લેવાનું કે એને હું પૈણેલો છું અને એ મારી ભાડૂતી છે ! બસ, આટલું મનમાં સમજી રાખવાનું. પછી તો બીજાં ગમે તેની જોડે ફરતી હોય તો ય આપણે શંકા ના કરવી. આપણે કામ સાથે કામ છે ને ? આપણને સંડાસની જરૂર હોય તો સંડાસ જઈ આવવું ! ગયા વગર ચાલે નહીં, એનું નામ સંડાસ. તેથી તો જ્ઞાનીઓ ચોખ્ખું કહે છે ને, કે સંસાર એ દગો છે.

પ્રશ્નકર્તા : દગો નથી લાગતો, એ શા કારણે ?

દાદાશ્રી : મોહને લઈને ! અને કોઈ કહેનાર પણ મળ્યો નથી ને ! પણ લાલ વાવટો ધરે તો ગાડી ઊભી રહે, નહીં તો ગાડી જઈને નીચે પડે.

શંકાની પરાકાષ્ઠાએ સમાધાન !

એટલે શંકાથી જ જગત ઊભું રહ્યું છે. જે ઝાડને સૂકવવાનું છે. તેને જ શંકા કરીને પાણી છાંટે છે, ને તેનાથી વધારે ઊભું થાય છે. એટલે કોઈ જાતની શંકા કરવા જેવું આ જગત નથી.

હવે તમને બીજી કોઈ સંસારની શંકા પડે છે ? તમારી 'વાઈફ' બીજા કોઈની જોડે બાંકડે બેઠી હોય અને તે છેટેથી તમને જોવામાં આવે, તો તમને શું થાય ?

પ્રશ્નકર્તા : હવે કશું ના થાય. થોડી આમ 'ઇફેક્ટ' થાય, પછી કશું ના થાય. પછી તો 'વ્યવસ્થિત' છે અને એ ઋણાનુબંધ છે, એમ ખ્યાલ આવી જાય.

દાદાશ્રી : કેવા પાકાં છે ! ગુણાકાર કેટલો બધો છે ! અને શંકા તો ના થાય ને ?

પ્રશ્નકર્તા : ના થાય.

દાદાશ્રી : અને આ લોક તો 'વાઈફ' સહેજ મોડી આવે તો ય શંકા કર્યા કરે. શંકા કરવા જેવી નથી. ઋણાનુબંધની બહાર કશું જ થવાનું નથી. એ ઘેર આવે એટલે એને સમજ પાડવી, પણ શંકા કરવી નહીં. શંકા તો ઊલટું પાણી વધારે છાંટે. હા, ચેતવવું ખરું. પણ શંકા કશી રાખવી નહીં. શંકા રાખનાર મોક્ષ ખોઈ બેસે છે.

એટલે આપણે જો છૂટવું હોય, મોક્ષે જવું હોય તો આપણે શંકા કરવી નહીં. કોઈ બીજો માણસ તમારી 'વાઈફ'ના ગળે હાથ નાખીને ફરતો હોય ને એ તમારા જોવામાં આવ્યું, તો શું આપણે ઝેર ખાવું !

પ્રશ્નકર્તા : ના, એવું શું કરવા કરું !

દાદાશ્રી : તો પછી શું કરવું ?

પ્રશ્નકર્તા : થોડું નાટક કરવું પડે, પછી સમજાવવું. પછી તો જે કરે તે 'વ્યવસ્થિત'.

દાદાશ્રી : હા, બરોબર છે. તમારી 'વાઈફ' ઉપરને, ઘરમાં કોઈની ઉપરે ય તમને શંકા હવે બિલકુલ થાય નહીં ને ?! કારણ કે આ બધી 'ફાઈલો' છે. એમાં શંકા કરવા જેવું શું છે ? જે હિસાબ હશે, જે ઋણાનુબંધ હશે, એ પ્રમાણે ફાઈલો ભટકશે અને આપણે તો મોક્ષે જવું છે !!

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18