ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18



બ્રહ્મચર્ય (ઉર્તરાધ)

ખંડ : ૨

આત્મ જાગૃતિથી બ્રહ્મચર્યનો માર્ગ !

[૫]

સંસારવૃક્ષનું મૂળ, વિષય !

કૉમનસેન્સથી ટળે અથડામણો !

અનંત અવતારથી પૈણે છે, છતાં સ્ત્રીનો મોહ જાય છે ? દરેક અવતારમાં બચ્ચાં પેદા કર્યાં છતાં બચ્ચાંનો મોહ જાય છે ? અલ્યા, કયા અવતારમાં બચ્ચાં નથી થયાં ?

પ્રશ્નકર્તા : આ અથડામણો-કષાયો થાય છે, એનું મૂળ વિષય જ ને ?

દાદાશ્રી : હા, બધું વિષયને લઈને જ છે. એ વિષયમાં એક્સપર્ટ થઈ ગયેલો હોય. વિષયમાં 'ટેસ્ટફૂલ' થયેલો છે, એટલે મહીં સ્વાર્થ હોય અને સ્વાર્થને લઈને અથડામણ થાય. સ્વાર્થમય પરિણામ હોય ત્યાં કોઈ દહાડો કશું દેખાય નહીં. સ્વાર્થી હંમેશાં આંધળો હોય. સ્વાર્થી, લોભી, લાલચુ બધા આંધળા હોય. આ દુનિયાનો બધો આધાર પાંચ વિષય ઉપર જ છે. જેને વિષય નથી, તેને અથડામણ નથી.

પ્રશ્નકર્તા : પોતાને વિષય નથી, પણ એના લીધે બીજાને અથડામણ ઊભી થઈ શકે ?

દાદાશ્રી : બીજાને શા માટે થાય ? હા, કો'કને થાય તો, તે એની ભૂલ છે. ન્યાયપૂર્વક હોય તેને દુઃખ ના થાય, પણ પછી પોતાની જાતે માનીને દુઃખ વહોરી લે, તેનું શું થાય ? બનતાં સુધી જો તેને વાળી લેતાં આવડે તો સારું કહેવાય.

પ્રશ્નકર્તા : જ્ઞાન જોડે હોય તો તરત 'બ્રેક' મારી શકે ?

દાદાશ્રી : કશું કહેવાય નહીં, ફરી લપસી ય પડે. જ્ઞાનવાળા પણ સ્લિપ થઈ જાય. આ તો કોમનસેન્સવાળો હોય. કોમનસેન્સ એટલે શું કે એવરી વ્હેર એપ્લિકેબલ, એવો કોઈ હોય એ માર્ગ કાઢી આપે. બધાં તાળાં ઉઘાડીને માર્ગ કાઢી આપે. અથડામણમાંથી રસ્તો કાઢે, પણ એ એક્સપર્ટ ના હોય.

પ્રશ્નકર્તા : એને, કોમનસેન્સવાળાને બળતરા હોય ?

દાદાશ્રી : ના, જો બળતરા હોય તો કોમનસેન્સ ઉત્પન્ન થાય જ નહીં. બળતરા વિષયવાળાને હોય. બળતરા છે ત્યાં સુધી વિષય ઊભો રહેલો છે અને વિષય હોય ત્યાં સુધી બળતરા ઊભી રહી છે.

ફેર વિષય-કષાય તણો....

પ્રશ્નકર્તા : વિષય અને કષાય, એ બેમાં મૂળભૂત ફરક શું છે ?

દાદાશ્રી : કષાય એ આવતાં ભવનું કારણ છે અને વિષય એ ગયા ભવનું પરિણામ છે. એટલે આ બેમાં તો બહુ ફેર છે.

પ્રશ્નકર્તા : એ જરા વિગતવાર સમજાવો.

દાદાશ્રી : આ બધા જેટલા વિષયો છે, એ ગયા અવતારના પરિણામ છે. તેથી અમે વઢતાં નથી કે તમને મોક્ષ જોઈતો હોય તો જાવ એકલાં પડી રહો, ઘેરથી હાંક હાંક ના કરીએ ? પણ અમે અમારા જ્ઞાનથી જોયું છે કે વિષય એ ગયા અવતારનું પરિણામ છે. એટલે કહ્યું કે જાવ ઘેર જઈને સૂઈ જાવ, નિરાંતે ફાઈલોનો નિકાલ કરો. અમે આવતાં ભવનું કારણ તોડી નાખીએ અને જે ગયા અવતારનું પરિણામ છે એ અમારાથી છેદાય નહીં, કોઈથી ય છેદાય નહીં, મહાવીર ભગવાનથી ય ના છેદાય. કારણ કે ભગવાનને ય ત્રીસ વર્ષ સુધી સંસારમાં રહેવું પડ્યું હતું ને બેબી થઈ. વિષય અને કષાયનો અર્થ ખરેખર આ થાય, પણ એની લોકોને કશું ખબર જ ના પડે ને ?! એ તો ભગવાન મહાવીર એકલાં જ જાણે કે આનો શું અર્થ થાય.

પ્રશ્નકર્તા : પણ વિષય આવ્યા, તો કષાય ઊભાં થાય ને ?

દાદાશ્રી : ના. બધા વિષય વિષય જ છે, પણ વિષયમાં અજ્ઞાનતા હોય ત્યારે કષાય ઊભાં થાય અને જ્ઞાન હોય તો કષાય ના થાય. કષાય ક્યાંથી જન્મ્યા ? ત્યારે કહે, વિષયમાંથી. એટલે આ બધા કષાય ઊભા થયા છે તે બધા વિષયમાંથી ઊભાં થયેલા છે. પણ આમાં વિષયનો દોષ નથી, અજ્ઞાનતાનો દોષ છે. રૂટ કૉઝ શું છે ? અજ્ઞાનતા. ક્રમિકમાર્ગમાં વિષયો પહેલાં બંધ કરવા પડે, તો જ કષાય બંધ થાય. તેથી તો બધા વિષયોનો ત્યાગ કરી કરીને દાટાં મારી દેવાના ને ! તે ય એવાં પેચવાળા દાટાં કે એની મેળે ખૂલી ના જાય. એવા દાટાં હોય નહીં તો દાટાં લપટાં પડી જાય. ખાવાનું બધું ભેળું કરીને ખાવાનું જેથી જીભનો વિષય ચોંટે નહીં, એમ આંખનો વિષય ચોંટે નહીં, કાનનો વિષય ચોંટે નહીં, નાકનો વિષય ચોંટે નહીં, સ્પર્શનો વિષય ચોંટે નહીં, એવા પેચવાળા દાટાં મારવાના.

દોષ છે અજ્ઞાનતાનો !

પ્રશ્નકર્તા : જે જે વિષય ચોંટતા હોય અને એ વિષયોમાં સાથે જ્ઞાન પણ રહેતું હોય કે આનું પરિણામ આ આવશે, તો એને ના ચોંટે ને ?

દાદાશ્રી : 'પરિણામ આ આવશે' એ નહીં જોવાનું. એ તો બધું ચોંટે જ. વિષયનું આરાધન એટલે જ ચોંટ. અજ્ઞાનતાથી એ ચોંટી પડે. આ અમારું સાયન્સ નવી જ શોધખોળ છે, અજાયબ શોધખોળ છે ! ક્રમિકમાર્ગમાં પાંચે ય ઇન્દ્રિયોને દાટાં મારતાં મારતાં કરોડો અવતાર થાય. અરે, એક જ દાટો મારતાં કરોડો અવતાર થાય ને !

તમે જો સમકિતમાં રહો તો વિષય તમારો નડતો નથી. કારણ કે વિષય એ ગયા ભવનું પરિણામ છે, આ ભવનું નથી એ. સમકિતમાં રહો ને કષાય, એ બે સાથે ના બને. કષાય તો પરભવનું કારણ છે. આવું જો કષાય અને વિષયને જુદું પાડ્યું હોત તો લોકો વિષયથી આટલાં બધા ભડકત નહીં, પણ એ તો કહેશે કે આવું બને જ નહીં ને ! વિષય તો ના હોવો જોઈએ ને ?!

વિષયનો જો દોષ હોત તો તો આ જાનવરો બધાંને કષાય ઊભાં થઈ જાય. એટલે અજ્ઞાનતાનો દોષ છે. આ જાનવરોને કંઈ અજ્ઞાનતા ગઈ નથી. એમને અજ્ઞાનતા છે, પણ એમનાં વિષયો લિમિટેડ છે. એટલે કષાય થાય જ નહીં, કષાય વધે જ નહીં અને આપણા લોકોના કષાય તો અન્લિમિટેડ થાય.

ક્રમિકમાં વિચારે કરીને પ્રગતિ !

પ્રશ્નકર્તા : એકાવતારમાં કર્મો ખપાવી કાઢવાં હોય તો, તે કેવી રીતે ખપે ?

દાદાશ્રી : જ્ઞાની પુરુષ તો બધું ય કરે, અક્રમ વિજ્ઞાની ચાહે સો કરે ! પેલા ક્રમિકના જ્ઞાનીઓ ના ખપાવી શકે. પેલા જ્ઞાનીઓ તો પોતાનું ના ખપાવે અને સામાનું ય ના ખપાવે. પોતાનું તો ફક્ત કેટલું ખપાવે ? કે વિચારે કરીને જેટલાં કર્મો ખપાવી શકાય એટલાં કર્મો ખપાવી દે. કારણ કે એમને વિચાર જ્ઞાનાન્ક્ષેપકવંત હોય છે. એટલે એનાં જેવું લગભગ, આખું નહીં, પણ વિચારધારા નિરંતર ચાલુ જ હોય, પણ તે આત્મા ન હોય. આત્મા તો, વિચારધારાની આગળ નિર્વિચારપદ છે અને નિર્વિચારપદની ય આગળનું સ્ટેશન આત્મા છે. વિચારધારા એ આત્મા ન હોય, પણ 'ક્રમિકમાર્ગ'માં આત્મા પ્રાપ્ત કરવાનું સાધન એટલું જ છે. બીજું કોઈ સાધન નથી.

પ્રશ્નકર્તા : 'કર વિચાર તો પામ' એવું કહે છે ને !

દાદાશ્રી : હા, એટલું જ સાધન છે.

અમે કહીએ કે, 'આ લોકો સંસારમાં સ્ત્રી સાથે રહે છે, છતાં આમને આર્તધ્યાન ને રૌદ્રધ્યાન બંધ થઈ ગયાં છે.' એવી વાત ક્રમિકમાર્ગવાળા શી રીતે 'એક્સેપ્ટ' કરે ?!

પ્રશ્નકર્તા : એ શાથી ?

દાદાશ્રી : એમની જાણકારી એવી થઈ ગયેલી છે કે વિષયમાંથી જ કષાય ઊભાં થાય છે, માટે વિષય બંધ થઈ જવા જોઈએ. એ લોકો તો જુએ કે જો વિષય બંધ થાય છે ? તો વાત એમની સાચી છે અને વિષય બંધ નથી થયા તો 'રહેવા દો, તમારી વાત ગપ્પાં છે' એમ કહેશે.

તમે સંસારમાં રહેતા હો ને તમારાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન બંધ થયાં છે એવું તમે કહો તો એમના મનમાં થાય કે, 'આ બહુ દોઢ ડાહ્યો લાગે છે. આર્તધ્યાન-રૌદ્રધ્યાન બંધ થાય એવું બને જ નહીં ને ! આ તો સમજ્યા વગરની વાત કરે છે.' પણ એ જાણતો ના હોય કે આ કયું વિજ્ઞાન છે ! વર્લ્ડની અજાયબી છે !! અગિયારમું આશ્ચર્ય છે !!! મને ભેગો થયો તેનું કલ્યાણ થઈ જાય, પણ ભેગો થવો જોઈએ.

કઈ અપેક્ષાએ વિષય બંધન-સ્વરૂપ ?

પ્રશ્નકર્તા : કામવાસનાને નોકષાયમાં કેમ મૂક્યું છે ?

દાદાશ્રી : નહીં તો તેને શેમાં મૂકે ત્યારે ? કષાયમાં મૂકે તો તો મૂકનારો માર ખાય, શાસ્ત્ર ખોટું ઠરે. એમાં ક્રોધ-માન-માયા-લોભ નથી, પણ જ્ઞાનીને નથી ને અજ્ઞાનીને છે. માટે એને નોકષાયમાં મૂક્યું. એ કષાય નથી. તું વાંકો છું તો આ વાંકું થશે, તું સીધો થશે તો આ સીધું જ છે.

પ્રશ્નકર્તા : છતાં બ્રહ્મચર્યને મહાવ્રતમાં મૂક્યું છે અને વિષયને નોકષાયમાં મૂક્યા છે, તો આમ કેમ ?

દાદાશ્રી : બ્રહ્મચર્ય તો મહાવ્રતમાં મૂકવું પડે ને વિષયને નોકષાયમાં મૂકવા પડે. કારણ આમાં ક્રોધ-માન-માયા-લોભ નથી. પણ પછી ક્રોધી હોય કે માની હોય, તેને તેવી અસર પામે.

પ્રશ્નકર્તા : પણ કામવાસના એ રાગ તો ખરો ને ?

દાદાશ્રી : હા, પણ એને જ્ઞાનીની સ્થિતિમાં ચારિત્રમોહ કહેવાય. અને સંસારના લોકો માટે તો બધો રાગ જ છે ને ! એટલે ભગવાને ગણવાનું કેવું કહ્યું છે ? સંસારી માટે આમ ગણી શકાય અને જ્ઞાની માટે આમ ગણી શકાય.

પ્રશ્નકર્તા : તો એને એમ કહેવાનું કે આ કષાયમાં નથી ?

દાદાશ્રી : નો કષાય એટલે નહીં જેવા કષાય, નહીંવત્. કારણ કે એને એમાં પરાણે પડવું પડે છે. જેમ ગાડીમાંથી પડી જાય, એવી રીતે કરવું પડે છે. ગાડીમાંથી જાણી-જોઈને કોઈ પડતું હશે ? ભય છે ને એને, પણ નો કષાય કહ્યું. કારણ કે ભય લાગે ને શરીર ધ્રૂજી જાય. પણ એ સંગીચેતનાનો ભય છે, આત્માનો ભય નથી. એવું વિષય એ સંગીચેતનાનું છે. જ્ઞાનીઓને માટે એ બધું જુદી જાતનું છે, એ નિર્જરાનું કારણ છે. અજ્ઞાનીને વિષય બંધનું કારણ છે અને જ્ઞાનીને વિષય નિર્જરાનું કારણ થાય છે. માટે એને નો કષાયમાં ગણવું પડશે.

પ્રશ્નકર્તા : આ વાત તો જ્ઞાની માટે જ ને ? જ્ઞાની સિવાય બીજા બધા માટે નહીંને ?

દાદાશ્રી : જ્ઞાની કોણ ? જેને આ જ્ઞાન પ્રાપ્ત થયું છે એ પણ જ્ઞાની કહેવાય અને એ સિવાય તો બીજાને નો કષાય જેવું હોતું જ નથી. એમને તો પચ્ચીસે ય પ્રકારના કષાય છે, ત્યાં તો આખી દુકાન જ મોટી ને ! આ જ્ઞાન પછી તમને તો ક્રોધ-માન-માયા-લોભ નથી એમ કહેવું હોય તો કહી શકાય.

વિષયને કહ્યો, નો કષાય !

ખરી રીતે જોવા જાય તો મનુષ્યને વિષયની જરૂર જ નથી. જે બધા લોકો કહે છે, તે તો અજ્ઞાનીની અપેક્ષાએ છે. બાકી જ્ઞાન અપેક્ષાએ મનુષ્યને વિષયની જરૂર છે જ નહીં. અને અજ્ઞાન અપેક્ષાએ વિષય સિવાય ચાલે એવું નથી. પણ એ પદ્ધતિસર એને ગોઠવતાં ના આવડે તો ત્યાં સુધી બધું કાચું પડી જાય. જ્ઞાનીને તો ચારિત્ર મોહનીય એવી હોય તેથી, નહીં તો જ્ઞાનીને વિષય જોઈએ જ એવું નથી. નવ પ્રકારના નો કષાય કહેલાં છે એટલે નહીં જેવા. અને બીજા સોળ કષાય, એ તો બહુ 'સ્ટ્રોંગ' કહેવાય.

પ્રશ્નકર્તા : હાસ્યને ય નો કષાય કહ્યું છે, હાસ્ય તો આવે, પણ જ્યારે ત્યારે છેલ્લે એને કાઢી નાખવું પડશે ને ?

દાદાશ્રી : કોઈને ય કાઢવાનું નથી. એની મેળે નિર્જરા થઈ જવાની. 'આ' જ્ઞાન મળ્યા પછી હવે તમે કર્તા નથી, એટલે કાઢવાનું રહ્યું નહીં ને ? કર્તા હોય તો કાઢવાનું હોય. આપણે અહીં તો એની મેળે નિર્જરા થયા જ કરે. હાસ્ય, વિષય બધું નિર્જરા થયા કરે અને વખતે ચારિત્ર મોહનીય થોડી રહી હશે, એ એક અવતારમાં ખાલી થઈ જવાની.

વિષયનો દુરુપયોગ ના કરે એથી શાસ્ત્રકારોએ કહ્યું છે કે જે વિષય અજ્ઞાનીને બંધનું કારણ છે, તે જ વિષય જ્ઞાનીને નિર્જરાનું કારણ છે. પણ જો એનો અવળો અર્થ ના કરે તો ! પછી એમ જાણે કે 'હેંડો, આ તો આપણને સિક્કો મારી દીધો. માટે હવે આમાં વાંધો નથી.' એવું ના ચાલે. આનો દુરુપયોગ ના કરાય. એથી આ વાતને ખુલ્લી ના કરાય ને ? આવું ખુલ્લું ના કરવું જોઈએ છતાં ય પણ વાત નીકળી, તે ખુલ્લું થઈ જાય છે ને ?

જે શરીરથી ઝમે છે ને, એ બધું નોકષાય છે. શરીરથી ઝમે છે, મનથી ઝમે છે, વાણીથી ઝમે છે, એ ત્રણે ય ભાગ ખરી રીતે તો નોકષાય જ છે. અને આ શરીર તો આખું નોકષાય જ છે, નોકર્મ જ કહેવાય એને !

મોટો દોષ, વિષય કરતાં કષાયનો !

પ્રશ્નકર્તા : વિષયદોષ જ મોટો દોષ ગણવો ખરો કે નહીં ?

દાદાશ્રી : તમે અત્યારે 'ચંદુલાલ' હો તો દોષ ગણવો જોઈએ. અને 'શુદ્ધાત્મા' હો તો ગણશો નહીં. એ ક્યાં બેસી રહીએ પાછાં એની પાસે ! આપણે તો આપણું કામ કરીએ કે પાછું દોષ સીવ સીવ કરીએ ? દોષિત દોષ કર્યા કરશે અને તમે તમારું કામ કર્યા કરો. જેમ ખાનારો ખાય અને દોષિત દોષ કર્યા કરે.

પ્રશ્નકર્તા : પણ 'ચંદુલાલ'ને કયા દોષ મોટાં છે, એ સમજવું તો રહ્યું ને ?

દાદાશ્રી : હા. 'ચંદુલાલ'ને સમજવું પડશે, એ 'ચંદુલાલ'ને કહેવું કે, 'સમજો, આમ નહીં ચાલે. હા, નહીં તો દાદાને કહી દઈશ.' એવું કહેવું.

પ્રશ્નકર્તા : અને એ ખરું કે નહીં કે મોટા દોષ વિષયના હોય છે, કષાય કરતાં પણ ?

દાદાશ્રી : ના, દોષ વિષયના હોય, પણ વિષય એવી વસ્તુ છે ને, કે વિષય એ ઈફેક્ટિવ છે, કષાય એ કૉઝીઝ છે. એટલે ઇફેક્ટ એ તો એની બધી ઇફેક્ટ આપીને જતો રહેશે. આ જેટલાં વિષય છે ને, એ માત્ર ઇફેક્ટિવ છે અને કષાય કૉઝ છે. એટલે કષાય જ દુઃખદાયી છે અને કષાયથી જ સંસાર ઊભો રહ્યો છે. પણ એ સમજવાની જરૂર છે કે એ કેવી રીતે ઇફેક્ટિવ છે. એટલે એનું બહુ મહત્ત્વ ના રાખવું. એ ચંદુભાઈને કહીએ, 'આમ ન થાય તો સારું !' એવું કહેવું એક દહાડે, બે-ત્રણ દહાડે, તે અમથું કહેવું જ, જરા ખાલી, ફ્રેન્ડલી ટોનમાં !

પ્રશ્નકર્તા : વધારે કહેવાની જરૂર જ ન પડે ?

દાદાશ્રી : વગર કામના બિચારાં આપણી જોડે રહે, પાડોશમાં. હવે ના એનો કોઈ આધાર રહ્યો. આધાર હતો, તે એ ય નિરાધાર થઈ ગયો, નોધારો થઈ ગયો. એટલે કોઈ ફેરો કંટાળી ગયા હોય અને ડીપ્રેશ થઈ જાય તો, આપણે અરીસા સામું લઈ જઈને ખભો થાબડવો ને કહેવું કે 'અમે છીએ તારી જોડે, ગભરાઈશ નહીં, બા.' પછી કહેવું પણ ફ્રેન્ડલી ટોનમાં કહેવું કે, 'આમ શા હારું ? હવે શાના હારું ? શો ફાયદો છે ? ને દાદા જાણે તો સારું દેખાય ?' એવું કહેવું.

પ્રશ્નકર્તા : પણ એ એવી ગાંઠો જલદી જતી ન હોય તો કોઈ દી કાંઈ ન કરવું પડે ?

દાદાશ્રી : એની ભાંજગડમાં પડશો નહીં, રાગ-દ્વેષ ના થાય એ જોજો, બસ. અને વિષય એટલે શું ? થાળી એ પણ વિષય. જમણ આવ્યું, એ વિષય નહીં ? હવે એ જમણ મૂક્યું અને આપણે આ ગઈકાલે આખો દહાડો ઉપવાસ કર્યો હતો, ને અત્યારે ભૂખ્યા હોય, તે અગિયાર વાગે જમવાનું મૂક્યું અને સરસ કેરી ને બધું ય હોય અને તરત થાળી લઈ લે. હવે જમ્યા ય નહીં ને ત્યાર પહેલાં તો થાળી ઉઠાવી લે, તો તે ઘડીએ મહીં પરિણામ ના બદલાય. ત્યારે જાણવું કે, આનો વાંધો નથી. અને વિષયનો એટલો બધો વાંધો છે ને કે વિષયનું યાચકપણું ના થવું જોઈએ. લાચારી કે યાચકપણું ના હોવું જોઈએ. તમે શુદ્ધાત્મા થયા હવે ! યાચકપણું એ શબ્દ સમજાય એવો છે ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : 'આ તમને બાઉન્ડ્રી બતાવું છું.' કોઈ પણ વસ્તુનું યાચકપણું એટલે શું કે જલેબી નહીં મળે તો, જલેબી લાવોને ! થોડીક 'જલેબી લાવો' કરે ! મેલને મૂઆ, અનંત અવતાર જલેબીઓ ખાધી તો ય હજુ યાચકપણું રાખો છો ? જેની લાલસા હોય ને તેનું યાચકપણું થાય માણસને ! એ યાચકપણું નહીં હોવું જોઈએ. બીજું બધું ખા-પી બધું કરજો. પણ તે યાચકપણું નહીં. યાચકપણું એ લાચારી છે એક જાતની !

વિષય એ છે ઈફેક્ટ !

પ્રશ્નકર્તા : એ વધારે સમજાવો કે આ બધા વિષય એ ઈફેક્ટ છે.

દાદાશ્રી : વિષય એ ઈફેક્ટ જ છે. કાયમને માટે એ ઈફેક્ટ જ છે. પણ કૉઝીઝ જ્યાં સુધી સમજાયા નથી ત્યાં સુધી વિષય પણ કૉઝીઝ સ્વરૂપે છે. એવું છે ને, આ વાત ખુલ્લી બહાર ના કહેવાય કે વિષય એ કૉઝીઝ નથી, ઈફેક્ટ જ છે એકલી. જે કૉઝીઝને કૉઝીઝ જાણે છે, તેને વિષય ઈફેક્ટ છે.

પ્રશ્નકર્તા : દાદા, તમારી પાસે 'જ્ઞાન' મળ્યા પછી અમારે એ સમજમાં રાખવું પડશે ?

દાદાશ્રી : હા, રાખવાનું કે આ ઈફેક્ટ જ છે.

પ્રશ્નકર્તા : આવાં બધા ફોડ પડે એટલાં માટે અહીંયા બેસીએ અને વાત પૂછીએ.

દાદાશ્રી : એટલાં સારું અહીં બેસીને ફોડ પાડીને જોઈ જાવ. બધી વાત, એવું કહીએ ને ! કોઈ કાનમાં અત્તરનાં બે પૂમડાં ઘાલીને આવ્યો. મને લોક કહેશે, 'જુઓ, આ મોજ-શોખ કેટલાં કરે છે ?? હું કહું કે, 'ભઈ, કરવા દેને, એ કઈ મોક્ષે જતાં આંતરતા નથી. એનું પૂમડું કાઢી લે અને જો એને દ્વેષ થાય તો એ દ્વેષ મોક્ષે જતાં આંતરે છે.'

છે કુદરતી, પણ લિમિટમાં ઘટે !

પ્રશ્નકર્તા : આ વિષય એ તો કુદરતી અવસ્થા છે ને !

દાદાશ્રી : પણ તેમાં આપણે એવું કરી શકીએ કે કુદરતી અવસ્થામાં ય પણ એની એક લિમિટ હોય છે કોઈ જાતની ! એટલે આપણે જો ધારીએ, એટલો પુરુષાર્થ માંડીએ. આત્મા એ પુરુષ થયો ને પુરુષાર્થ માંડે તો ફેરવી શકે આમ, એ ઉકેલ લાવી શકે ! જમવા બેઠા એટલે ખા ખા કરવું એવું કંઈ છે ?

પ્રશ્નકર્તા : ના, જરા ય નહીં.

દાદાશ્રી : આપણે જોડે રહીએ, પણ આપણે કહેવું કે, 'ચંદુભાઈ શું શું લેશો ?' ત્યારે કહે, 'શાક, રોટલી ને આટલો ભાત !' ત્યારે આપણે કહીએ, 'ના. આજ આ ત્રણ લો ને ! આજ દાદાની પાસે સાંભળવા જવાનું છે ને ?' એમ કરી અટાવી-પટાવીને કામ લઈ લેવું. તે પાછાં એવું લેશે, એમને એવું કંઈ નથી ! આમને તો કહેનાર જોઈએ. સલાહ આપનાર જોઈએ. અને આપણને વાંધો ય શો છે ? કંઈ ખોટ જવાની છે ! કયે દહાડે ખાધું નહીં હોય ? આવ્યા ત્યારથી ખા ખા જ કરીએ છીએ ને !! ને કંઈ બીજું નવું માંડ્યું છે આ ?!

હવેથી ચેતો....

પ્રશ્નકર્તા : અબ્રહ્મચર્યનો માલ પૂર્વેનો ભરી લાવેલો છે ને ? તો પછી આ જન્મમાં શું કરે એ ?

દાદાશ્રી : એણે આ જન્મમાં ફરી નવેસરથી ને સમજવું જોઈએ કે આ બ્રહ્મચર્યનો માલ પૂર્વે ભર્યો નથી, હવે નવેસરથી આ ભરવો જોઈએ. પાછલું શું ગલન થઈ રહ્યું છે, તે ફરી ઊભું ના થવું જોઈએ.

જ્ઞાન મળ્યા પછી આ બધી વ્યવહારિક ચિંતા કર્યા કરતાં મૂળ સ્વભાવનું ભાન રાખવું. વ્યવહારની ભાંજગડ જ ક્યાં કરવાં જઈએ ?

પ્રશ્નકર્તા : સ્વભાવનું ભાન રાખવું એટલે ?

દાદાશ્રી : 'હું શુદ્ધાત્મા છું' અને આ પાંચ વાક્યોમાં ધ્યાન રાખવું. અને પેલું બધું વ્યવહારની ખોટ આવશે, જે થવાનું હશે તે થશે, એનો જે દંડ હશે, તે જોઈ લઈશું, દંડ ભરી દઈશું. એની ચિંતામાં પડે તો આ મૂળ વસ્તુ રહી જાય. જેને ના મળ્યું હોય, તેને ચિંતાઓ બધી કરવાની હોય. પાંચ આજ્ઞામાં રહ્યા એટલે બધું આવી.

રુરુરુરુરુ

[૬]

આત્મા અકર્તા-અભોક્તા !

વિજ્ઞાન દ્રષ્ટિએ વિષયનો ભોક્તા કોણ ?

ખાવ-પીઓ, વિષય ભોગવો પણ બધું પ્રમાણ હોવું જોઈએ. નોર્માલિટીથી બધામાં રહો ને ? વિષયો ભોગવવાની ભગવાને ના નથી પાડી. વિષયની જોડે ભગવાનને ઝઘડો નહોતો. ભગવાન પણ ત્રીસ વર્ષ સુધી ઘેર રહેલા. એટલે વિષયનો જ જો ઝઘડો હોય તો તો પહેલેથી છોડી કેમ ના દીધો ? એવું નથી. વિષયને અને આત્માને લાગતું-વળગતું નથી. આત્મા કોઈ દહાડો ય વિષયી થયો નથી અને જો વિષયી થયો હોત તો એનું રૂપાંતર જુદી જ જાતનું થઈ ગયું હોત ! એનાં ગુણધર્મ જ બદલાઈ ગયા હોત ! એ તો પરમાત્મા ને પરમાત્મા જ રહ્યો છે ! આટલી બધી યોનિમાં ગયો, છતાં પોતાનું પરમાત્મપદ છોડ્યું નથી એ ય અજાયબી છે ને ! પોતાના ગુણધર્મ બદલ્યા નથી, આત્મા અને અનાત્મા કમ્પાઉન્ડ સ્વરૂપે થયું નથી. આત્મા-અનાત્મા, તે બન્ને તેલ અને પાણીની જેમ મિક્ષ્ચર સ્વરૂપે છે. જ્ઞાની પુરુષ એનો એવો રસ્તો કરી આપે કે તેલ તેલ નીકળી જાય અને પાણી પાણી જુદું નીકળી જાય. કારણ કે જ્ઞાનીઓ આત્માને ઓળખે છે માટે કરી શકે. આ તેલ-પાણીમાં તો બે જ વસ્તુઓ છે. જ્યારે આમાં તો આત્મા ને બીજી પાંચ વસ્તુઓ છે.

'આત્માનું ક્રિયાવાદપણું અજ્ઞાનતાને લઈને છે.' ત્યારે લોકો કહે છે કે આત્માએ આ કર્યું, આત્માએ તે કર્યું. પણ આત્મા અત્યંત સૂક્ષ્મતમ વસ્તુ છે. વિષયો એકદમ સ્થૂળ છે. આંખે દેખાય એવાં વિષયો છે, સ્પર્શથી અનુભવમાં આવે એવાં વિષયો છે. હવે વિષયો એ એકદમ સ્થૂળ છે. નાના છોકરા ય સમજી જાય કે આ વિષયમાં મને આનંદ આવ્યો. તે અલ્યા, સ્થૂળને ને સૂક્ષ્મતમને મેળ શી રીતે પડે ? એ બેને કોઈ દહાડો ય મેળ પડે જ નહીં અને મેળ પડ્યો જ નથી. વિષયનો સ્વભાવ જુદો, આત્માનો સ્વભાવ જુદો. આત્માએ પાંચ ઇન્દ્રિયોના વિષયો કશું કોઈ દહાડો ય ભોગવ્યા જ નથી. ત્યારે લોકો કહે છે કે મારા આત્માએ વિષય ભોગવ્યો !!! અલ્યા, આત્મા તે ભોગવતો હશે ?! તેથી કૃષ્ણ ભગવાને કહ્યું કે, 'વિષયો વિષયોમાં વર્તે છે' એમ કહ્યું તો ય લોકોને સમજણ પડી નહીં. અને આ તો કહે છે, 'હું જ ભોગવું છું.' નહીં તો લોક તો કહેશે કે 'વિષયો વિષયમાં વર્તે છે, આત્મા તો સૂક્ષ્મ છે.' માટે ભોગવો એવો તેનો ય દુરુપયોગ કરી નાખે. આ શબ્દનો દુરુપયોગ કરે તો તો મારી જ નાખે એટલે આ લોકોએ વાડો કરેલી કે કોઈ દુરુપયોગ ના કરે.

આત્માએ કોઈ દહાડો વિષય ભોગવ્યો જ નથી. મને લોકો કહે છે કે, 'આવું કહીને તમે આખું શાસ્ત્ર ઉડાડો છો ?' ત્યારે મેં કહ્યું, 'ના, શાસ્ત્ર નથી ઉડાડતો.' તમે જે કહો છો કે મેં વિષય ભોગવ્યો, એ તમારી રોંગ બીલિફ છે, એ રોંગ બીલિફ જ તમને હેરાન કરે છે. બાકી આત્માએ વિષય કોઈ દહાડો ય ભોગવ્યો નથી. પણ તમને જે 'મેં વિષય ભોગવ્યો' એ મહીં ખટકે છે, એ દુઃખ કાઢી નાખવા માટે જ્ઞાની પુરુષ તમારી રોંગ બિલિફ ફ્રેકચર કરી આપે છે. બીજું કશું છે નહીં.

પ્રશ્નકર્તા : 'મેં ભોગવ્યું' એ પણ ઇગોઈઝમ છે ને ?

દાદાશ્રી : હા, ખાલી ઇગોઈઝમ છે. 'મેં આમ કર્યું ને મેં નથી કર્યું' એ બધો ઇગોઈઝમ છે.

પ્રશ્નકર્તા : હવે આ વાત દુરુપયોગ થઈ જાય ને ? જાણે લાઈસન્સ મળી ગયું એમ દુરુપયોગ કરી નાખે.

દાદાશ્રી : એવું છે ને, આ વાત તો કેવી છે ? સોનાની કટાર હોય છે ને, તે કેવી રીતે વાપરવી એનો એક નિયમ જ હોય છે. હવે એનો કોઈ દુરુપયોગ કરે ને પેટમાં મારે તો તેને આપણે કેમ કરીને ના કહેવાય ? કારણ જે સવળું કામ કરે, તે અવળું ય કામ કરે. પણ હું તો સાયન્સ કહું છું, જે વિજ્ઞાન છે તે કહું છું કે આત્માએ ક્યારે ય પણ વિષય ભોગવ્યો નથી. ખાલી ઇગોઈઝમ જ છે કે 'મેં આ કર્યું.' એ કર્તાભાવ હું છોડાવી દઉં છું કે ભઈ, તું કર્તા નથી. આ તો 'વ્યવસ્થિત' કર્તા છે. હું તમને સમજાય એવી રીતે સમજ બેસાડું છું અને એક્ઝેક્ટ 'વ્યવસ્થિત' જ કર્તા છે. ખરેખર 'વ્યવસ્થિત' જ ક્રિયા કરે છે. આ તો તમે આરોપણ કર્યું છે કે મેં કર્યું અને તે ઇગોઈઝમ તરીકે તમને ફળ મળે છે.

પ્રશ્નકર્તા : આરોપણ કરે એટલે જ આવરણ આવે છે ને ? આરોપણનો ભાવ એ જ આવરણ ?

દાદાશ્રી : બીજું કયું આવરણ ? એ જ આવરણ અને એ જ આવતા ભવનું બીજ ! જો આરોપણ નથી, તો આવતા ભવનું બીજ જ નથી, તો તમે મુક્ત જ છો. મુક્તપણાની વ્યાખ્યા સમજવી પડે. તમે મુક્ત જ છો, અત્યારે ય તમે મુક્ત છો. પણ 'એણે' જે બીલિફમાં માનેલું છે કે 'હું બંધાયેલો છું' એટલે બંધનપણું લાગે છે. એ બંધનવાળી બીલિફ ફ્રેકચર થઈ જાય ને 'મુક્ત કેવી રીતે છું' એ ભાન થઈ જાય, તો તમે મુક્ત જ છો !

એટલે આ પહેલી વખત અમે પુસ્તકમાં લખ્યું છે કે વિષયો વિષ નથી. પણ વિષયોમાં નીડરતા એ વિષ છે. નીડરતા એટલે શું કે કેટલાંક માણસો કહે કે, 'દાદાએ મને જ્ઞાન આપ્યું છે, તો હવે મને કોઈ વિષય નડે નહીં. મારે તો ભોગવવાનો વાંધો જ નહીં ને ?' તો ખલાસ થઈ ગયો. માટે વાતને સમજો.

આટલાં બધા અવતાર થયા, પણ એકંુય વિષય આત્માએ ભોગવ્યો જ નથી, એણે વિષય ભોગવ્યો હોત તો અત્યાર સુધી એ ક્યારનો ય કંટાળી જાત. એને તો તમે જ્યારે જુઓ ત્યારે નવરો ને નવરો જ દેખાય. ભોગવ્યું હોય તેને ભાંજગડ છે ને ? અને આ ગંદવાડામાં એ હાથ ઘાલે જ નહીં ને ? આત્માને કશું અડે જ નહીં, એટલે એને નિર્લેપ કહ્યો.

'જ્ઞાની પુરુષે' આત્મા જોયો હોય, અનુભવ્યો હોય, એટલે એ 'જ્ઞાની પુરુષ' પછી જ્યાંથી વાણી બોલે, તે ચોખ્ખું જ હોય બધું !

આત્માને જાણવા માટે આ બધું છે ને ! આત્મા જાણી લીધો એટલે આપણું કામ પૂરું થઈ ગયું. એટલે જ્યારે ત્યારે તો આત્મા જાણ્યા વગર છૂટકો જ નથી. ત્યારે લોક કહે છે, 'અમે આજે છીએ તો ભોગવી લઈએ.' અરે, પણ તું કશું ભોગવતો જ નથી. તું ઊંધું માની બેઠો છું, કે આ મેં ભોગવ્યું. તું અહંકાર જ કરે છે. પેલાં 'મેં આ નથી ભોગવ્યું' એવો અહંકાર કરે છે. ખાલી અહંકાર જ કરે છે, બીજું કશું કરતો નથી. કારણ કે આત્મા સૂક્ષ્માતિસૂક્ષ્મ છે એટલે સૂક્ષ્મતમ કહે તો ચાલી શકે અને આ વિષયો સૂક્ષ્મતર છે, સૂક્ષ્મ છે, સ્થૂળ છે. એ બેનો મેળ શી રીતે પડી શકે ? એટલે એવું કશું આત્માએ ભોગવ્યું જ નથી. આ વિષય તો બહુ ઊંડા ઊતરોને, તો તે સૂક્ષ્મ હોય, પછી સૂક્ષ્મતર થાય. સૂક્ષ્મતર બધા અનંગ હોય.

પ્રશ્નકર્તા : આ સાંધા સુધીના તો બધા જોઈ લીધા.

દાદાશ્રી : એ તો બધા સ્થૂળ કહેવાય.

પ્રશ્નકર્તા : તો સૂક્ષ્મતર તમે કોને કહો છો ?

દાદાશ્રી : એ તો જાત જાતના અનંગ વિષયો હોય છે. સ્થૂળ વિષયો તો આમ પ્રત્યક્ષ દેખાય. સૂક્ષ્મનું વેદન થાય અને સૂક્ષ્મતરમાં એ બધું અંદર અનંગ ભાવો થવાનાં. પણ તે આત્માને અડી શકે એમ નથી. પછી તમે આમ માથાકૂટ કરો કે ગમે તે કરો. મેં જે આત્મા આપ્યો છે, એને વિષય અડી શકે એમ નથી. પણ તમારી જાગૃતિ નહીં હોવાથી તમને આ બંધન મૂકીએ છીએ. તમે સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ રાખી શકો એમ છો નહીં અને પાંચ આજ્ઞામાં તમે સંપૂર્ણ રહી શકો એમ છો નહીં. માટે તમને આ બંધન મૂકવાં પડે છે, ચેતવવા પડે છે. નહીં તો ચેતવવા ના પડે, એક અક્ષરે ય કહેવો ના પડે. આ વિજ્ઞાન તો બહુ જુદી જાતનું છે.

'સૂક્ષ્મતમ', 'સ્થૂળ'ને ભોગવી શકે ?

કેટલાંક મનમાં એમ ગૂંચાય કે મેં આટલાં બધા વિષયો ભોગવ્યા છે, મારું શું થશે ? ત્યારે એ આ મનમાંથી કાઢી નાખે એટલાં માટે મારે બોલવું પડે છે કે વિષયો આત્માને અડતા જ નથી. બેઉ બાજુનું બોલવું પડે ને ? બાકી અમે વિષય સંબંધી વાત જ કોઈને ના કરીએ, એક અક્ષરે ય ના કહીએ.

આ હવા છે તે ગમે એવી સૂક્ષ્મ છે, તો ય એને અસર થઈ જાય. અત્યારે અહીં સળગાવ્યું હોય તો ઉપર હવા ગરમ થઈ જાય અને આત્મા બધેથી, અગ્નિમાંથી નીકળે, પાણીમાંથી નીકળે તો ય કોઈ જગ્યાએ, એને કશું અડે નહીં. કારણ કે સૂક્ષ્મતમ છે. અરે, આત્મા આ દીવાલની ય આરપાર નીકળી જાય ! આત્મા વિષયો ભોગવતો જ નથી, એ ભોગવી શકે એમ છે જ નહીં. એ એટલો બધો સૂક્ષ્મતમ ભાવમાં છે કે બીજી વસ્તુને ભોગવી શકે જ નહીં. વિષયથી તો આત્મા બહુ વેગળો છે. આ વિષયોમાં આત્મા પોતે છે જ નહીં. આત્મા તો ખાલી જાણ્યા જ કરે છે. ફક્ત જાણ્યા જ કરે છે કે આનો સ્વાદ આવો છે ને આનો સ્વાદ આવો છે. એ ભોગવતો જ નથી. આ તો અહંકાર કહે છે કે 'મેં વિષય ભોગવ્યો' અને ખરેખર તે અહંકારે ય નથી ભોગવતો. અહંકારે ય સૂક્ષ્મ છે અને આ વિષયો સ્થૂળ છે, તો પછી કોણ ભોગવે છે ? 'વિષયો વિષયોને જ ભોગવે છે' અને અહંકાર એમાંથી રોફ મારે છે કે 'મેં ભોગવ્યો'.

પ્રશ્નકર્તા : એટલે અહંકારે ય ભોગવતો નથી એમ ?

દાદાશ્રી : અહંકાર ભોગવતો હોત તો તો એ ધરાઈ ગયો હોત, પણ આ ભોગવતો નથી, તેનું તો આ દુઃખ છે.

પ્રશ્નકર્તા : આ તો નવી જ વાત કાઢી !

દાદાશ્રી : નવું નહીં, આ 'એક્ઝેક્ટ' એમ જ છે. જો ભોગવતો હોત તો તો અહંકાર ધરાઈ જાત, પણ આ તો ભૂખ્યો ને ભૂખ્યો જ રહે છે. એનું નામ જ શું ? અહમ્-કાર. કો'કે કર્યું ને 'મેં કર્યું' એમ પોતે કહે છે, એનું નામ અહંકાર. 'દુઃખે ય મેં ભોગવ્યું' એવું અહંકાર કહે. અલ્યા, દુઃખે ય ઇન્દ્રિયો ભોગવે છે, તું ક્યાં ભોગવે છે ? અહંકારે ય સૂક્ષ્મ છે. અહંકાર કંઈ જેવી તેવી વસ્તુ નથી. જો કે સ્થૂળ અહંકાર તો શરીરમાં છે જ, પણ પોતે મૂળ સ્વરૂપે સૂક્ષ્મ છે અને સૂક્ષ્મમાંથી સ્થૂળ થાય છે અને એ સ્થૂળ, 'પેલા' ભોગવવામાં તૈયાર થાય છે. સ્થૂળ જોડે તૈયાર થાય છે, પણ મૂળ સ્વભાવ સૂક્ષ્મ છે અને એટલે પોતે સ્થૂળને ભોગવી જ ના શકે. આત્મા તો આમાં ખાલી જાણે, એટલું જ છે. આ તો 'આત્મા વિષય ભોગવે છે' એવી ભૂલ પેઠી. ભૂલ પેઠી છે તે કરોડો અવતારની ભૂલ ભાંગતી જ નથી ! એ ય અજાયબી જ છે ને !!

જુઓને, વગર કામનો માર ખાય છે ને ? ભોગવે છે કોણ ? એ તમે ખોળી કાઢ્યો ને ! કોણ ભોગવી જાય છે ? એ અહંકાર ભોગવે છે. રોજ ભોગવતો હોય ને એક દહાડો ના ભોગવે ને, તો ય કહે, 'મેં ભોગવ્યું છે.' તો એને એવી તૃપ્તિ વળે ને ? એટલે ના ભોગવ્યું હોય તો ય બોલે 'મેં ભોગવ્યું' તો એને તૃપ્તિ વળે. કારણ કે અહંકાર જ કર્યા કરે છે, બીજું કશું કરતો નથી. હવે જોડે જોડે એ પોતે ય પાછો કહે છે કે 'મેં ભોગવ્યું' એમ આરોપણ કરે છે. એટલે ફરી પાછું નવી ઉપાધિ થાય છે, છતાં એ માને છે કે 'મેં ભોગવ્યું.' તેથી એને સંતોષ પણ થાય છે. કારણ કે એની ઇચ્છા હતી ને ! બાકી એ પોતે ભોગવતો જ નથી.

આત્મા તો શુદ્ધ જ છે અને વિષયો વિષયોમાં વર્તે છે. આ તો વગર કામનો 'ઇગોઈઝમ' કરે છે. હવે 'ઇગોઈઝમ' જાય નહીં ત્યાં સુધી ઇગોઈઝમ કર્યા વગર રહે નહીં ને ! 'ઇગોઈઝમ' ક્યારે જાય ? એનો આધાર જાય ત્યારે. એનો શો આધાર છે ? અજ્ઞાન ! અજ્ઞાન ક્યારે જાય ? ત્યારે કહે, 'જ્ઞાની હોય ત્યાં !!!'

જ્ઞાનીના શબ્દો સોનાની કટાર !!!

આ તો 'બીલિફ' જ 'રોંગ' હતી. બાકી આત્મા રાગી ય ન હતો ને દ્વેષી ય ન હતો. રાગ-દ્વેષ આત્મામાં છે જ નહીં. આત્મામાં એ ગુણ જ નથી. આ બધા આરોપિત ભાવો છે. આરોપિત ભાવો કેવા છે ? વ્યવહારના છે. એટલે તમારી 'બીલિફ' એકલી જ રોંગ છે કે આ મને રાગ થાય છે, ને મને દ્વેષ થાય છે. એ 'રોંગ બીલિફ' ઉખાડી આપે, તે 'જ્ઞાની'. એ 'બીલિફ' ઉખડે એવી નથી. તમારી એ 'રોંગ બીલિફ' અમે ઉખાડી આપી છે.

પ્રશ્નકર્તા : એ જરા વિસ્તારથી સમજાવોને કે 'બીલિફ રોંગ' છે અને 'જ્ઞાની પુરુષ' બીલિફને ઉખાડી દે છે.

દાદાશ્રી : અમે શું કહીએ છીએ કે આત્મા અગુરુ-લઘુ સ્વભાવનો છે અને રાગ-દ્વેષ ગુરુ-લઘુ સ્વભાવના છે. માટે એ બન્નેને સાઢું ય ન હતું ને સહિયારું ય ન હતું. આ તો આરોપિત ભાવ છે કે આત્માને રાગ થાય છે ને દ્વેષ થાય છે, એ વ્યવહારના ભાવો છે. લોકો એમ કહે છે કે મને આમની જોડે રાગ છે. હવે ખરેખર તમારે પૌદ્ગલિક આકર્ષણ હોય ! કારણ કે તમને મેં જ્ઞાન આપ્યું એટલે તમારે આત્મા છૂટો થઈ ગયો છે, ત્યારે હવે શું રહ્યું ? પૌદ્ગલિક આકર્ષણ રહ્યું. પુદ્ગલમાં આકર્ષણ નામનો ગુણ છે અને વિકર્ષણ નામનો ગુણ છે. હવે આપણા લોક એ આકર્ષણને રાગ કહે છે ને વિકર્ષણને દ્વેષ કહે છે. આપણો પગ ગંદવાડામાં પડે ને ચીઢ ચઢે, તેથી કંઈ એને જ્ઞાન જતું રહ્યું નથી ! જ્ઞાનીને ય વખતે મોઢા ઉપર અસર દેખાય તેથી કરીને કંઈ જ્ઞાન જતું રહ્યું નથી. જ્ઞાન, જ્ઞાન જ છે. ફક્ત આ પુદ્ગલનો વિકર્ષણ નામનો ગુણ છે. તેથી ચીઢ ચઢી, તે મોઢા પર અસર થઈ !

નથી લેવાદેવા આત્માને એમાં !

પ્રશ્નકર્તા : આત્માને સ્પર્શે નહીં એ ? પુદ્ગલ પૂરતું જ રહે, એ ?

દાદાશ્રી : આત્માને કશી લેવા દેવા જ નથી. જે આત્મા આપીએ છીએ તે નિર્લેપ ને અસંગ જ આપીએ છીએ. કોઈ કહે કે સ્ત્રીઓ સાથે શી રીતે આત્મા અસંગ રહી શકે ? ત્યારે અમે કહીએ છીએ કે આત્મા સૂક્ષ્મ છે બિલકુલ ! અને આ વિષયો જે છે તે સ્થૂળ સ્વભાવના છે ! બન્નેને કોઈ દહાડો ય મેળ પડ્યો જ નથી. આ વાત જ્ઞાની પુરુષ જાણે અને તીર્થંકરો પણ જાણે. પણ તીર્થંકરો એનો ફોડ પાડે નહીં. કારણ કે તીર્થંકરો જો ફોડ પાડે તો લોક એનો દુરુપયોગ કરે. તીર્થંકરો ફોડ ના પાડે. અમે ફોડ પાડીએ, એ પણ ગુપ્ત રીતે, આટલા અમુક જ માણસો માટે, નહીં તો પછી એનો દુરુપયોગ ચાલે કે આત્મા તો સૂક્ષ્મ સ્વભાવનો છે ને વિષયને અને આત્માને કશું લેવાદેવા જ નથી, માટે હવે તો કશો વાંધો નથી. ને વાંધો નથી કહ્યું એટલે ભૂત પેઠું !

કર્મોના દબાણથી આ ક્રિયા થયા કરે છે. તેમાં આ સ્થૂળ ક્રિયા છે, તમે સૂક્ષ્મ છો. પણ આ જ્ઞાન તમારા મનમાં રહે કે આત્માને તો કશું અડતું જ નથી, માટે વાંધો નથી. તો એ ઊંધું કરી નાખે. એટલે અમે આવું બહાર જ ના પાડીએ કે આત્મા સૂક્ષ્મ-સ્વભાવી છે. અમે તો એમ કહીએ કે વિષયોથી ડરો. વિષયો એ વિષ નથી પણ વિષયમાં નીડરતા એ વિષ છે. નીડરતા એટલે શું કે મને કંઈ વાંધો નથી હવે. પણ સંપૂર્ણ જ્ઞાની થયા પછી અને સંપૂર્ણ અનુભવજ્ઞાન થાય ત્યાર પછી જ આત્માને કશું અડતું નથી, એવું કહી શકે. આ બીજું બધું તો અમે તમને ફોડ પાડવા સમજણ પાડીએ.

ચેતજો, ન થાય ક્યાંય દુરુપયોગ !

પ્રશ્નકર્તા : નીડરતા આવે એટલે પછી સ્વચ્છંદીપણું આવી જાય ને ?

દાદાશ્રી : સ્વચ્છંદીપણું આવે તે ઘડીએ જ માર ખવડાવી દે. એટલાં માટે અમે આ બહાર ના પાડીએ. નહીં તો આ જવાનિયા છોકરાઓમાં ઊંધું થઈ જાય. આ તો તમારા જેવા કિનારે આવેલા હોય તેમને આ વાત કરીએ. જવાનિયા તો પાછું કંઈક ઊંધું બાફે ! પણ તેઓ જો 'યથાર્થ જ્ઞાન' સમજે અને એ જ્ઞાનમાં એ રહેતો હોય તો કશું અડે એવું નથી, પણ એ જ્ઞાન એટલું બધું રહે નહીં ને ? માણસનું એવું ગજું નહીં ને ? અનુભવ થયા સિવાય કામ નહીં. જ્યાં સુધી અનુભવ ના થાય ત્યાં સુધી આજ્ઞામાં રહેજો.

આ તો કોઈને મનમાં એમ શંકા પડતી હોય કે, 'સંસારમાં રહીએ છીએ ને વિષયો તો છે, તો કેમનું છે આ.' તો અમે, તમને શંકા ના રહે એટલાં માટે વાત કરીએ. નહીં તો આપણા લોકો તો દુરુપયોગ કરે. આજના લોકોને તો આ ગમતું જ હોય એટલે દુરુપયોગ કરી નાખે. કારણ કે વિપરીત બુદ્ધિ મહીં તૈયાર જ હોય. છતાં આ જ્ઞાન આપ્યું છે, એ ઓર જ જાતનું વિજ્ઞાન છે ! બધી રીતે એ રક્ષણ કરે એવું છે, પણ જો એ જાણી-જોઈને બગડવા ધારે તો બગડી જાય, બધું ખલાસ કરી નાખે ! એટલે અમે કહ્યું છે કે આ અમારી આજ્ઞામાં રહો, અમે તમને એટલે બધે ઊંચે તેડી ગયા છીએ કે અહીંથી ઉપરથી જો તમે ગબડ્યા તો પછી હાડકું ય જડે એવું નથી. માટે સીધા ચાલજો ને સહેજ પણ સ્વચ્છંદ કરશો નહીં. સ્વચ્છંદ તો આમાં ચાલશે જ નહીં !

'મને દાદાનું જ્ઞાન મળ્યું છે, મને કંઈ નડનાર નથી.' એ તો ભયંકર રોગ કહેવાય. તો તો આ વિષ સમાન થઈ પડશે. બાકી વિષયો એ વિષ નથી, વિષયોમાં નીડરતા એ વિષ છે. આ જ્ઞાન દુરુપયોગ કરવા જેવું નથી !

પ્રશ્નકર્તા : આમાં એક વસ્તુ તો સીધી છે કે આપે તો કહ્યું કે ભગવાનને તો આ સાચું છે ને આ ખોટું છે એ હોતું જ નથી. એટલે શું સારું, શું ખોટું એ પ્રશ્ન જ પછી ઊભો થતો નથી, એ પ્રશ્ન તો ગૌણ થઈ જાય છે ને ?

દાદાશ્રી : ના, પણ એ ભગવાનની દ્રષ્ટિમાં છે અને આપણે ભગવાન થયા નથી ત્યાં સુધી આપણે ગુનેગાર છીએ ! માટે ખોટું થયું તો ખેદ થવો જોઈએ ! આ હું જે બોલું છું એ શબ્દો દુરુપયોગ કરવા માટે નથી બોલતો. તમને બોધરેશન ના રહે એટલા માટે બોલું છું. કોઈના મનમાં એમ ના થાય કે મને કર્મ બંધાતું હશે. એટલા માટે છૂટથી બોલું છું. નહીં તો ચાળી-ચાળીને ના બોલું કે 'ભઈ, કર્મ તો બંધાશે, જો કદી તમે આ કરો છો તો.' પણ હું તમને નિર્ભય બનાવી દઉં છું, નિર્ભય નથી બનાવતો ?

વિષયમાં કપટ એ ય વિષ !

પ્રશ્નકર્તા : એ તો એકદમ નિર્ભય બનાવી જ દો છો, બધા નિર્ભય થઈ જાય છે પછી એનો દુરુપયોગ થઈ જાય છે. એની તો વાત છે ને ? મુખ્ય મુદ્દો ત્યાં જ છે.

દાદાશ્રી : એવું છે ને, હું શું કહું છું ? એક આ વિષયમાં જ બધા જાગૃત રહેજો. પોતાની સ્ત્રી અગર તો પોતાનો પુરુષ, એ એકલાં જ વિષયની તમને છૂટ આપી છે. એટલી મેં છૂટ આપી છે. પણ બીજી જો કોઈ હોય તો અમને કહી, અમારી પાસે મંજૂરી લેવી અને અમે તને મંજૂરી આપીશું પણ ખરાં, માટે વાંધો ના રાખશો. પણ એને ચેતવીશું કે આવી રીતે આ રસ્તે ચાલવાનું છે. મંજૂરી ના આપીએ તો ચાલે જ નહીં ને ! પણ ફક્ત પોતાની એક 'સ્ત્રી-પુરુષ'નું હોય, તો અમારી મંજૂરી લેવાની જરૂર નથી !

આપણા 'જ્ઞાન'થી બે-ચાર અવતારમાં વહેલો મોડો પણ મોક્ષે જાય, પંદર અવતાર સુધીમાં ય મોક્ષે જાય. તેનો વાંધો નથી. પણ આમાંથી જે લટકે તે તો એંસી હજાર વર્ષ સુધી લટકે અને તો ય ઠેકાણું ના પડે ! એંસી હજાર વર્ષ સુધી બહુ બળતરાવાળો કાળ આવવાનો છે. એટલે આમાંથી લટકે નહીં એવું આપણે જોવાનું.

પ્રશ્નકર્તા : દાદા, શેમાંથી લટકે નહીં ? આમાંથી એટલે શેમાંથી ?

દાદાશ્રી : આ 'જ્ઞાન'માંથી. આ 'જ્ઞાન' લીધા પછી જાણી જોઈને ઊંધું કરે ત્યાર પછી શું થાય ?

પ્રશ્નકર્તા : 'જ્ઞાન' લીધા પછી માણસ ઊંધું કરે ખરો ?

દાદાશ્રી : હા, કરી શકે ને ! તમારા ઘર આગળ ઝાડવાં રોપ્યાં હોય, બગીચો જાતે તમે બનાવ્યો હોય, અને તમારે ખોદી નાખવો હોય તો કોઈ ના કહે ?

પ્રશ્નકર્તા : પણ દાદા, જ્ઞાન લીધા પછી એને એવું કરવાનો વિચાર આવે ?

દાદાશ્રી : કો'ક કો'ક હોય એવા, બધા ના હોય. તેને આપણે ચેતવીએ તો એ કંઈક પાછો ફરે ! આ બેફામ પડવા જેવી ચીજ ન હોય ! આ બેફામ તો મારી નાખે !!

તેથી અમે કહીએને કે વિષયો એ વિષ નથી, વિષયોમાં નીડરતા એ વિષ છે. વિષયમાં કપટ કરવું, બીજું બધું કરવું એ બધું વિષ કહેવાય. એ જ મારી નાખે અને એવું થતું હોય તો નર્યો ખેદ, ખેદ ને ખેદ હોવો જોઈએ. નિરંતર ખેદ વગર ગમે નહીં, તો જાણવું કે આ રોગ જતો રહેશે. નહીં તો ઉખાડી નાખવાની સત્તા તો પોતાની ખરીને ? બિલકુલ સત્તા વગરનો થાય છે એવું બનતું નથી. સત્તા તો ઠેઠ 'કેવળજ્ઞાન' થતાં સુધી એને સત્તા રહે છે. પછી ઊંધું કરવાની કે સીધું કરવાની, પણ સત્તા તો રહે છે !!!

જ્ઞાની પુરુષ મળ્યે, જો કદી ભૂલ ના ભાંગી તો....

જે વાસ્તવિકવાળું જગત લોકોના લક્ષમાં જ નથી આવ્યું, કોઈ કાળે લક્ષમાં જ નથી આવ્યું. જ્યારે એવાં જ્ઞાનીઓ થઈ ગયા ત્યારે લક્ષમાં આવેલું. પણ તે જ્ઞાનીઓના લક્ષમાં આવેલું. જ્ઞાનીઓએ જે બધા લોકોને કહ્યું, તે લોકોના લક્ષમાં નથી આવ્યું. અમુક માણસો મોક્ષે ગયા તે જ્ઞાનીની કૃપાથી મોક્ષે ગયા, પણ વાત સમજાઈ નથી. આ કુદરતનો ગહન કોયડો છે, તે આમાંથી કોઈ છૂટેલું નહીં. જે છૂટ્યા તે કહેવા રહેલા નહીં. હું એકલો છૂટ્યા પછી કહેવા રહ્યો. નાપાસ થયો ત્યારે હું કહેવા રહ્યો. માટે સંભાળીને કામ કાઢી લો. અમે તો તમારું કામ કઢાવવા માટે બેઠા છીએ.

આ જ્ઞાન જ તમને એવું આપ્યું છે કે કશાની જરૂર જ ના પડે. દાદા જોડે બેસીને દાદા જેવા ના થવાય તો તે આપણો જ દોષ છે ને ? આ જ્ઞાન તો ક્રિયાકારી છે. નિરંતર અંદર કામ કર્યા કરે છે. તમારે અંદર કંઈ કરવું પડે છે કે ?

પ્રશ્નકર્તા : એની મેળે થયા કરે છે.

દાદાશ્રી : હવે આવું ક્રિયાકારી જ્ઞાન થયા પછી, જો મોક્ષ ના થાય તો આપણી જ ભૂલ છે ને ? મોક્ષ તો અહીં જ થઈ ગયેલો હોવો જોઈએ. મોક્ષ કંઈ લેવા જવાનો નથી. મોક્ષ એટલે આપણો મુક્તભાવ. આ બધું હોવા છતાં પણ આપણે મુક્ત અને આ બધું ના હોવાપણું ક્યારેય બનવાનું નથી, માટે પહેલેથી ચેતી જાઓ. આ બધાની હાજરીમાં જ મુક્ત થવું પડશે. બંધન હોય તો જ મુક્તભાવ અનુભવી શકોને ? બંધન ના હોય તો જ મુક્તભાવને શી રીતે અનુભવી શકો ? મુક્તભાવ કોણે અનુભવવાનો છે ? જે બંધનમાં આવેલો છે, તેણે અનુભવવાનો છે.

અહીં તમને આંખે પાટા બાંધી થાંભલા જોડે દોરડેથી જબરજસ્ત બાંધ્યા હોય, પછી છાતી આગળના દોરડાનો એક આંટો હું બ્લેડ મૂકીને કાપી નાખું, તો તમને મહીં ખબર પડે ખરી ? તમને અહીં આગળથી એ દોરડું છૂટ્યું એ પોતાને અનુભવ થાય. એક વખત એ સમજી ગયો કે હું મુક્ત થયો એટલે કામ થઈ ગયું.

એવું, માણસને મુક્તપણાનું ભાન થવું જોઈએ. એ મોક્ષભાવ કહેવાય. મને નિરંતર મુક્તપણાનું ભાન રહે છે, 'એની વ્હેર', 'એની ટાઈમ'. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ કોઈ મને પ્રતિબંધ કરે નહીં. વસ્તુ પ્રતિબંધ કરનારી નથી. આ તો પાડાને વાંકે પખાલીને ડામ દે દે કર્યા કરે છે.

પ્રશ્નકર્તા : તો પછી પ્રતિબંધ કોણ કરે છે ?

દાદાશ્રી : સ્વરૂપનું અજ્ઞાન પ્રતિબંધ કરનારું છે. હું એ જ કહેવા માગું છું કે તમે આ વિકારોમાં નિર્વિકાર રહી શકો છો. આ વિકાર, એ વિકાર નથી. આ તો દ્રષ્ટિફેર છે. આ પ્રતિબદ્ધ કરનારી વસ્તુ જ નથી. તમારી દ્રષ્ટિ વાંકી છે, તો જ પ્રતિબદ્ધ કરે છે.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18