ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19 


અહિંસા

પ્રયાણ, 'અહિંસા પરમોધર્મ' પ્રતિ !

પ્રશ્નકર્તા : 'અહિંસાના માર્ગે ધાર્મિક, આધ્યાત્મિક ઉન્નતિ' એ વિષય પર સમજૂતી આપશો.

દાદાશ્રી : અહિંસા એ જ ધર્મ છે અને અહિંસા એ જ અધ્યાત્મની ઉન્નતિ છે. પણ અહિંસા એટલે મન-વચન-કાયાથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય એ જાણપણામાં રહેવું જોઈએ, શ્રધ્ધાપણામાં રહેવું જોઈએ, તો એ બની શકે.

પ્રશ્નકર્તા : 'અહિંસા પરમોધર્મ' એ મંત્ર જીવનમાં કેવી રીતે કામ લાગે ?

દાદાશ્રી : એ તો સવારના પહોરમાં બહાર નીકળતી વખતે 'મન-વચન-કાયાથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો' એવી પાંચ વખત ભાવના કરી અને પછી નીકળવું. પછી કોઈને દુઃખ થઈ ગયું હોય, તે નોંધમાં રાખીને એનો પશ્ચાત્તાપ કરવો.

પ્રશ્નકર્તા : કોઈને પણ દુઃખ ના આપવું એવું જીવન આ કાળમાં કેવી રીતે જીવાય ?

દાદાશ્રી : એવો તમારે ભાવ જ રાખવાનો છે અને એવું સાચવવું. ના સચવાય તેનો પશ્ચાત્તાપ કરવો.

પ્રશ્નકર્તા : આપણી આજુબાજુ સંકળાયેલા જીવોમાંથી કોઈ જીવને દુઃખ ના થાય એવું જીવન શક્ય છે ખરું ? આપણી આજુબાજુમાં દરેક જીવને દરેક સંજોગમાં સંતોષ આપી શકાય ?

દાદાશ્રી : જેને એવું આપવાની ઈચ્છા છે તે બધું કરી શકે છે. એક અવતારમાં સિધ્ધ નહીં થાય તો બે-ત્રણ અવતારમાં ય સિધ્ધ થશે જ ! તમારો ધ્યેય નક્કી હોવો જોઈએ, લક્ષ જ હોવું જોઈએ, તો સિધ્ધ થયા વગર રહેતું જ નથી.

ટળે હિંસા, અહિંસાથી...

પ્રશ્નકર્તા : હિંસા અટકાવવા શું કરવું ?

દાદાશ્રી : નિરંતર અહિંસકભાવ ઉત્પન્ન કરવા જોઈએ. મને લોકો કહે છે કે, 'હિંસા અને અહિંસા ક્યાં સુધી પાળવી ?' મેં કહ્યું, હિંસા અને અહિંસાનો ભેદ મહાવીર ભગવાન પાડીને જ ગયા છે. એ જાણતા હતા કે પાછળ દુષમકાળ આવવાનો છે. ભગવાન કંઈ નહોતા જાણતા કે હિંસા કોને કહેવી ને હિંસા કોને ના કહેવી ? ભગવાન મહાવીર શું કહે છે કે હિંસાની સામે અહિંસા રાખો. સામો માણસ હિંસાનું હથિયાર વાપરે તો આપણે અહિંસાનું હથિયાર વાપરો, તો સુખ આવશે. નહીં તો હિંસાથી હિંસા કોઈ દહાડો બંધ થવાની નથી. અહિંસાથી હિંસા બંધ થશે.

સમજ, અહિંસા તણી !

પ્રશ્નકર્તા : લોકો હિંસા તરફ ખૂબ જાય છે, તો અહિંસા તરફ વાળવા શું કરવું ?

દાદાશ્રી : આપણે એમને સમજ પાડવી જોઈએ. સમજ પાડીએ તો અહિંસા તરફ વળે કે 'ભઈ, આમાં, આ જીવમાત્રમાં ભગવાન રહેલા છે. તે તમે જીવોને મારશો તો એને બહુ દુઃખ થશે, તેનો તમને દોષ બેસશે અને તેથી તમને આવરણ આવશે અને ભયંકર અધોગતિમાં જવું પડશે.' આવું સમજણ પાડીએ તો રાગે પડે. જીવહિંસાથી તો બુધ્ધિ પણ બગડી જાય. એવું કોઈને સમજણ પાડો છો ?

પ્રશ્નકર્તા : પણ અહિંસા પ્રત્યેની આપણી ચૂસ્ત પાળવાની લાગણી હોય, પરંતુ અમુક વ્યક્તિ તેમાં બિલકુલ ના માનતી હોય તો શું કરવું ?

દાદાશ્રી : આપણી ચૂસ્તપણે અહિંસા પાળવાની લાગણી હોય તો આપણે અહિંસા પાળવી. છતાં અમુક વ્યક્તિ ના માનતી હોય તો એને ધીમે રહીને સમજાવવી. એ ય ધીમે ધીમે સમજણ કરાવીએ, તેથી એ માનતી થાય. આપણો પ્રયત્ન હશે તો એક દહાડો થશે.

પ્રશ્નકર્તા : હિંસા અટકાવવાના પ્રયત્નોમાં નિમિત્ત બનવા આપે અગાઉ સમજ આપી. જે અહિંસાના આચારને ન માનતા હોય તો તેમને પ્રેમપૂર્વક સમજાવીને વાત કરવી. પણ પ્રેમપૂર્વક સમજાવવા છતાં ન માને તો શું કરવું ? હિંસા ચાલવા દેવી કે શક્તિ દ્વારા અટકાવવાનો પ્રયત્ન કરવો યોગ્ય ગણાય ?

દાદાશ્રી : આપણે ભગવાનની ભક્તિ એવી રીતે કરવી, જે ભગવાનને તમે માનતા હોય તેની, કે 'હે ભગવાન, દરેકને હિંસા રહિત બનાવો.' એવી તમે ભાવના કરજો.

માકણ, એક સમસ્યા (?)

પ્રશ્નકર્તા : ઘરમાં માકણ બહુ વધી ગયા હોય તો શું કરવું ?

દાદાશ્રી : એક ફેરો મારે ઘેર પણ માકણ વધી ગયા હતા ને ! બહુ વર્ષોની વાત છે. તે બધાં અહીં ગળા પર કરડે ને, ત્યારે હું અહીં પગ પર મૂકતો હતો. અહીં ગળા પરનું એકલું સહન થતું નહોતું, એટલે અહીં ગળા પર કરડે તો પગ પાસે મૂકતો હતો. કારણ કે આપણી હોટલમાં આવ્યો અને કોઈ ભૂખ્યો જાય, એ નકામું કહેવાય ને ?! એ આપણે ત્યાં જમીને જાય તો સારું ને ! પણ તમને એટલી બધી શક્તિ નહીં આવે. એટલા માટે તમને એમ નથી કહેતો. તમારે તો માકણ પકડી અને બહાર નાખી આવવું. એટલે તમને મનમાં સંતોષ થાય કે આ માકણ બહાર ગયો.

હવે નિયમ એવો છે કે તમે લાખ માકણ બહાર નાખી આવો ને, પણ આજે રાત્રે સાત કૈડવાના હોય તો સાત કૈડ્યા વગર રહેવાના નથી. તમે મારી નાખશો તો યે સાત કૈડશે, ઘરની બહાર નાખી આવશો તો યે સાત કૈડશે, દૂર નાખી આવશો તો યે સાત કૈડશે ને કશું નહીં કરો તો યે સાત કૈડશે.

એ માકણ શું કહે છે ? 'જો તું ખાનદાન હોઉં તો અમને અમારો ખોરાક લેવા દે ને ખાનદાન ના હોઉં તો અમે એમ ને એમ જમી જઈશું, પણ તમે ઊંઘી જશો ત્યારે. માટે તું પહેલેથી ખાનદાની રાખ ને !' એટલે હું ખાનદાન બની ગયેલો. આખા શરીરે કૈડતા હોય ને, તો કૈડવા દઉં. માકણ મારા હાથમાં પકડાઈ હઉ જાય. પણ તેને અહીં પગ ઉપર પાછો મૂકી દઉં. નહીં તો ય પછી ઊંઘમાં તો આખુંયે જમી જાય છેને ! અને તે માકણ જોડે લઈ જવાનું બીજું વાસણ નથી લાવ્યો. એનાં પોતા પૂરતું ખાઈને પછી ઘેર જતો રહે છે અને પાછું એવું યે નથી કે નિરાંતે દસ-પંદર દહાડાનું ભેગું જમી લે ! માટે એને ભૂખ્યા કેમ કઢાય ?! હેય ! કેટલાં જમીને જાય, નિરાંતે ! તે રાતે આપણને આનંદ થાય કે આટલા બધા જમીને ગયા, બે માણસને જમાડવાની શક્તિ નથી ને આ તો આટલા બધાને જમાડ્યા !!

માકણમારા, તમે માકણ મેકર છો ?!

પ્રશ્નકર્તા : પણ ઘરમાં માકણ-મચ્છર-વાંદા હેરાન કરે તો આપણે પગલાં લેવાં જોઈએ ?

દાદાશ્રી : માકણ-મચ્છર-વાંદાઓ ન થાય તે માટે આપણે પોતું ને એ બધું કરવું જોઈએ, ચોખ્ખું રાખવું જોઈએ. વાંદાઓ જે થયા હોય, તેને પકડીને આપણે બહાર કોઈ જગ્યાએ, બહુ છેટે, ગામની બહાર છેટે જઈને નાખી આવવા જોઈએ. પણ એમને મારવા તો ના જ જોઈએ.

બહુ મોટો કલેક્ટર જેવો એક માણસ હતો. એને ઘેર મને એણે બોલાવેલો. મને કહે છે, 'માકણ તો મારી નાખવા જ જોઈએ.' મેં કહ્યું, 'ક્યાં લખ્યું છે એવું ?' ત્યારે એ કહે છે, 'પણ એ તો આપણને કરડે છે ને આપણું લોહી ચૂસી જાય છે.' મેં કહ્યું કે, ''તમને મારવાનો અધિકાર કેટલો છે એ તમને કાયદેસર રીતે સમજાવું. પછી મારો કે ના મારો, તેમાં હું તમને કશું નથી કહેતો. આ જગતમાં કોઈ પણ માણસ એક માકણ પોતે બનાવી આપે તો પછી મારજો. જે તમે 'ક્રિયેટ' કરી શકો છો, તેનો તમે નાશ કરી શકો છો. તમે 'ક્રિયેટ' નથી કરતા, એનો નાશ તમે કરી ના શકો.''

એટલે જે જીવ તમે બનાવી શકો છો, તેને મારવાનો અધિકાર છે. તમે જો બનાવી ના શકતા હોય, જો તમે 'ક્રિયેટ' ના કરી શકતા હો તો મારવાનો તમને અધિકાર નથી. આ ખુરશી તમે બનાવો તે ખુરશી ભાંગી શકો છો, કપરકાબી બનાવો તો ભાંગી શકો છો પણ જે બનાવી શકાય નહીં, તે મારવાનો તમને અધિકાર નથી.

પ્રશ્નકર્તા : તો એ કરડવા શું કરવા આવે છે ?

દાદાશ્રી : હિસાબ છે તમારો તેથી આવે છે અને આ દેહ કંઈ તમારો નથી, તમારી માલિકીનો નથી. આ બધો માલ તમે ચોરી લાવ્યા છો, ત્યારે એમાંથી પેલા માકણ તમારી પાસેથી ચોરીને લઈ જાય છે. એ બધા હિસાબ ચૂકતે થાય છે. માટે હવે મારશો-કરશો નહીં.

ભગવાનની વાડીને ન લૂંટાય !

એવું છે, અહીં બગીચો હોય અને બગીચાની બહાર વાડો હોય. અને વાડાની બહાર ગલકાં-દૂધી એ બધું લટકતું હોય, એના મૂળ માલિકના સ્પેસની બહાર લટકતું હોય તો ય પણ લોક શું કહે છે ? 'હેય, આ તો પેલા સલિયાની વાડી છે, ના તોડીશ. નહીં તો મિયાંભાઈ મારી મારીને તેલ કાઢી નાખશે.' અને કોઈ આપણા લોકોનું હોય તો લોક તોડી જાય. કારણ કે એ જાણે કે આ વાડી તો અહિંસક ભાવવાળાની છે. એ તો જવા દે. લેટ ગો કરે. અને સલિયો તો સારી પેઠ માર આપે. એટલે સલિયાની વાડી પરથી એક ગલકું કે દૂધી લેવાતું નથી, તો આ ભગવાનની વાડી પરનો માકણ શું કરવા મારો છો ? ભગવાનની વાડી તમે લૂંટો છો ?!!! આપને સમજમાં આવ્યું ? એટલે એક પણ જીવને ના મરાય.

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19