ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19 


ભાવ સ્વતંત્ર, દ્રવ્ય પરતંત્ર !

પ્રશ્નકર્તા : છતાં આમને ગમે તેમ પણ અહિંસા તો થઈ જ ને !

દાદાશ્રી : ભાવ છે તે સ્વતંત્ર હિંસા છે અને દ્રવ્ય છે તે પરતંત્ર હિંસા છે. એ પોતાના કાબુની નથી. એટલે આ પરતંત્ર અહિંસા પાળે છે. આજ એમનો એ પુરુષાર્થ નથી.

એટલે આ જે અહિંસા છે એ સ્થૂળ જીવો માટેની અહિંસા છે પણ એ ખોટી નથી. જ્યારે ભગવાને શું કહેલું છે કે આ અહિંસા તમે બહાર પાળો, એ સંપૂર્ણ અહિંસા પાળો, સૂક્ષ્મ જીવો કે સ્થૂળ જીવો, બધા માટેની અહિંસા પાળો. પણ તમારા આત્માની ભાવહિંસા ના થાય એ પહેલું જુઓ. આ તો નિરંતર ભાવહિંસા જ થઈ રહી છે. હવે આ ભાવહિંસા લોકો મોઢે બોલે છે ખરાં, પણ એ ભાવહિંસા કોને કહેવાય, એ સમજવું જોઈશે ને ?! મારી પાસે વાતચીત થાય તો હું સમજાવું.

ભાવહિંસાનો બીજાને ફોટો પડે નહીં અને સિનેમાની પેઠે, સિનેમા ચાલે છે ને, તે આપણે જોઈએ છીએ, એવી દેખાય એ બધી દ્રવ્યહિંસા છે. ભાવહિંસામાં આવું સૂક્ષ્મ વર્તે અને દ્રવ્યહિંસા તો દેખાય, પ્રત્યક્ષ, મન-વચન-કાયાથી જે જગતમાં દેખાય છે, એ દ્રવ્યહિંસા છે.

બચો ભાવહિંસાથી પ્રથમ !

એટલે ભગવાને અહિંસા જુદી જાતની કહી કે ફર્સ્ટ અહિંસા કઈ ? આત્મઘાત ના થાય. પહેલું અંદરથી ભાવહિંસા ના થાય એ જોવાનું કહ્યું છે. તેનેે બદલે ક્યાંનું ક્યાંય ચાલી ગયું. આ તો ભાવહિંસા બધી થયા જ કરે છે, નિરંતર ભાવહિંસા થયા કરે છે. એટલે શરૂઆતમાં ભાવહિંસા બંધ કરવાની છે અને દ્રવ્યહિંસા તો કોઈના હાથમાં જ નથી. છતાં એવું બોલાય નહીં. એવું બોલશો તો જોખમ આવશે. બહાર જાહેરમાં બોલાય નહીં. સમજુ માણસને જ કહેવાય. તેથી વીતરાગોએ બધું ય ખુલ્લું ના કર્યું. બાકી દ્રવ્યહિંસા કોઈના હાથમાં જ નથી, કોઈ જીવના તાબામાં છે જ નહીં. પણ જો એવું કહેવામાં આવે ને, તો લોક આવતો ભવ બગાડશે. કારણ કે ભાવ કર્યા વગર રહે નહીં ને ! કે 'આવું હાથમાં છે જ નહીં, હવે તો મારવામાં દોષ જ નહીં ને !' એ ભાવહિંસા જ બંધ કરવાની છે. એટલે વીતરાગો કેટલા ડાહ્યા ! અક્ષરે ય આમાં લખ્યો છે એ ?! જુઓ, આટલું ય લીકેજ થવા દીધું ?! કેવા તીર્થંકરો ડાહ્યા પુરુષ હતા, જ્યાં પગ મૂકે ત્યાં તીર્થ !!

છતાં દ્રવ્યહિંસા બંધ કરે તો જ ભાવહિંસા સચવાય એવું છે પાછું. તો પણ ભાવહિંસાની મુખ્ય કિંમત છે. એટલે જીવોની 'હિંસા-ના હિંસા'માં ભગવાને પડવાનું નથી કહ્યું આવું. ભગવાન કહે છે, તું ભાવહિંસા ના કરીશ. પછી તું અહિંસક ઠરીશ. આટલો શબ્દ ભગવાને કહ્યો છે.

આમ થાય ભાવ અહિંસા !

એટલે મોટામાં મોટી હિંસા ભગવાને કઈ કહી ? કે 'આ માણસે કોઈ જીવને મારી નાખ્યા, તેને અમે હિંસા નથી કહેતા. પણ આ માણસે જીવને મારવાનો ભાવ કર્યો, માટે એને અમે હિંસા કહીએ છીએ.' બોલો, હવે લોકો શું સમજે ? કે 'આણે જીવને મારી નાખ્યા, માટે આને જ પકડો.' ત્યારે કોઈ કહેશે, 'આણે જીવને માર્યા તો નથી ને ?' માર્યા ના હોય તેનો ય વાંધો નથી. પણ ભાવ કર્યો ને એણે, કે જીવ મારવા જોઈએ. માટે એ જ ગુનેગાર છે. અને જીવને તો 'વ્યવસ્થિત' મારે છે. પેલો તો ખાલી અહંકાર કરે છે કે 'મેં માર્યું.' અને આ ભાવ કરે છે એ તો જાતે મારે છે.

તમે કહો કે જીવોને બચાવવા જેવા છે. પછી બચે કે ના બચે, તેના જોખમદાર તમે નહીં. તમે કહો કે, આ જીવોને બચાવવા જેવા છે, તમારે એટલું જ કરવાનું. પછી હિંસા થઈ ગઈ, તેના જોખમદાર તમે નહીં ! હિંસા થઈ એનો પસ્તાવો, એનું પ્રતિક્રમણ કરવાનું એટલે જોખમદારી બધી તૂટી ગઈ.

હવે આવી બધી ઝીણી વાતો શી રીતે મનુષ્યોને સમજાય ? એનું ગજું શું ? દર્શન ક્યાંથી એટલું બધું લાવે ? આ મારી વાતો બધી ત્યાં એ લઈ જાય તો ઊંધું બાફે પછી. પબ્લિકમાં આવું અમે ના કહીએ. પબ્લિકમાં કહેવાય નહીં ને ! તમને સમજાય છે ?

ભાવઅહિંસા એટલે મારે કોઈ પણ જીવને મારવો છે એવો ભાવ કયારેય પણ ના થવો જોઈએ ને કોઈ પણ જીવને મારે દુઃખ દેવું છે એવો ભાવ ઉત્પન્ન ના થવો જોઈએ. મન-વચન-કાયાથી કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો એવી ભાવના જ ખાલી કરવાની છે, ક્રિયા નહીં. ભાવના જ કરવાની છે. ક્રિયામાં તો તું શી રીતે બચાવવાનો ? નર્યા શ્વાસોશ્વાસે લાખો જીવ મરી જાય છે અને અહીં જીવોનાં ઝોલાં અથડાય છે, તે અથડામણથી જ મરી જાય છે. કારણ કે આપણે તો એમને માટે મોટા પથરા જેવા દેખાઈએ. એને એમ કે આ પથરો અથડાયો.

મોટામાં મોટી આત્મહિંસા કષાય !

જ્યાં ક્રોધ-માન-માયા-લોભ છે એ આત્મહિંસા છે અને પેલી જીવડાંની હિંસા છે. ભાવહિંસાનો અર્થ શો ? તારી જાતની જે હિંસા થાય છે, આ ક્રોધ-માન-માયા-લોભ એ તારી જાતને બંધન કરાવડાવે છે, તે જાતની દયા ખા. પહેલી પોતાની ભાવઅહિંસા અને પછી બીજાની ભાવઅહિંસા કહી છે.

આ નાની જીવાતોને મારવી એ દ્રવ્યહિંસા કહેવાય અને કોઈને માનસિક દુઃખ આપવું, કોઈના પર ક્રોધ કરવો, ગુસ્સે થવું, એ બધું હિંસકભાવ કહેવાય, ભાવહિંસા કહેવાય. લોક ગમે એટલી અહિંસા પાળે, પણ અહિંસા કંઈ એવી સહેલી નથી કે જલદી પળાય. અને ખરી દરઅસલ હિંસા જ આ ક્રોધ-માન-માયા-લોભ છે. આ તો જીવડા માર્યા, પાડા માર્યા, ભેંસો મારી, એ તો જાણે કે દ્રવ્યહિંસા છે. એ તો કુદરતના લખેલા પ્રમાણે જ ચાલ્યા કરે છે. આમાં કોઈનું ચાલે એવું નથી.

એટલે ભગવાને તો શું કહ્યું હતું કે પહેલું, પોતાના કષાય ન થાય એવું કરજે. કારણ કે આ કષાય એ મોટામાં મોટી હિંસા છે. એ આત્મહિંસા કહેવાય છે, ભાવહિંસા કહેવાય છે. દ્રવ્યહિંસા થઈ જાય તો ભલે થાય, પણ ભાવહિંસા ના થવા દઈશ. તો આ લોકો દ્રવ્યહિંસા અટકાવે છે પણ ભાવહિંસા ચાલુ રહે છે.

માટે કોઈએ નક્કી કર્યું હોય કે 'મારે નથી જ મારવા', તો એને ભાગે કોઈ મરવા નહીં આવે. હવે આમ પાછું એણે સ્થૂળહિંસા બંધ કરી કે આપણે કોઈ જીવને મારવો નહીં. પણ બુધ્ધિથી મારવા એવું નક્કી કર્યું હોય તો તો પાછું એનું બજાર ખુલ્લું હોય. તે ત્યાં આવીને 'ફુદાં' અથડાયા કરે અને એ ય હિંસા જ છે ને !

માટે કોઈ જીવને ત્રાસ ના થાય, કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય, કોઈ જીવની સહેજ પણ હિંસા થાય, એ ન હોવું જોઈએ. અને કોઈ મનુષ્યને માટે એક સહેજ પણ ખરાબ અભિપ્રાય ના હોવો જોઈએ. દુશ્મનને માટે ય અભિપ્રાય બદલાયો તો એ મોટામાં મોટી હિંસા છે. એક બકરુ મારો તેના કરતાં આ મોટી હિંસા છે. ઘરનાં માણસ જોડે ચિઢાવું, એ બકરુ મારો તેના કરતાં આ વધારે હિંસા છે. કારણ કે ચિઢાવું એ આત્મઘાત છે. ને બકરાનું મરવું એ જુદી વસ્તુ છે.

અને માણસોની નિંદા કરવીને એ ય માર્યા બરોબર છે. માટે નિંદામાં તો પડવું જ નહીં. બિલકુલે ય માણસની નિંદા કોઈ દા'ડો કરવી નહીં. એ હિંસા જ છે.

પછી જ્યાં પક્ષપાત છે ત્યાં હિંસા છે. પક્ષપાત એટલે કે અમે જુદા ને તમે જુદા, ત્યાં હિંસા છે. આમ અહિંસાનો બિલ્લો ધરાવે છે કે અમે અહિંસક પ્રજા છીએ. અમે અહિંસામાં જ માનવાવાળા છીએ. પણ ભઈ, આ પહેલી હિંસા તે પક્ષપાત. જો આટલો શબ્દ સમજે તો ય બહુ થઈ ગયું. એટલે વીતરાગોની વાત સમજવાની જરૂર છે.

નિજનું ભાવમરણ ક્ષણે ક્ષણે !

આખા જગતનાં લોકોને રૌદ્રધ્યાન ને આર્તધ્યાન તો એની મેળે થયા જ કરે. એના માટે કશું કરવાનું જ નહીં. એટલે આ જગતમાં મોટામાં મોટી હિંસા કઈ ? આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ! કારણ કે એ આત્મહિંસા કહેવાય છે. પેલી જીવડાંની હિંસા એ પુદ્ગલહિંસા કહેવાય છે ને આ આત્મહિંસા કહેવાય છે. તો કઈ હિંસા સારી ?

પ્રશ્નકર્તા : હિંસા તો એકેય સારી નહીં. પણ આત્મહિંસા એ મોટી કહેવાય.

દાદાશ્રી : તે આ લોક બધા પુદ્ગલહિંસા તો બહુ પાળે છે. પણ આત્મહિંસા તો થયા જ કરે છે. આત્મહિંસાને શાસ્ત્રકારોએ ભાવહિંસા લખી છે. હવે ભાવહિંસા આ જ્ઞાન પછી તમને બંધ થાય છે. તો અંદર કેવી શાંતિ રહે છે ને !

પ્રશ્નકર્તા : કૃપાળુદેવે આ ભાવહિંસાને ભાવમરણ કીધું છે ને ? કૃપાળુદેવનું વાક્ય છે ને, 'ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહ્યો.' એમાં સમય સમયનું ભાવમરણ હોય ?

દાદાશ્રી : હા, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણ એટલે શું કહેવા માગે છે ? જો કે ક્ષણે ક્ષણે ભાવમરણ નથી થતું, સમયે સમયે ભયંકર ભાવમરણ થાય છે. પણ આ તો જાડું લખેલું છે. બાકી સમયે સમયે ભાવમરણ જ થઈ રહ્યું છે. ભાવમરણ એટલે શું ? કે 'હું ચંદુલાલ છું' એ જ ભાવમરણ છે. જે અવસ્થા ઉત્પન્ન થઈ, તે અવસ્થા 'મને' થઈ એમ માનવું એટલે ભાવમરણ થયું. આ બધા લોકોની રમણતા ભાવમરણમાં છે કે 'આ સામાયિક મેં કર્યું, આ મેં કર્યું.'

પ્રશ્નકર્તા : તો પછી ભાવ સજીવન કેવી રીતના થઈ શકે ?

દાદાશ્રી : એવું ભાવ સજીવન નથી. ભાવનું મરણ થઈ ગયું. ભાવમરણ એને નિંદ્રા કહેવાય. ભાવનિદ્રા અને ભાવમરણ એ બે એક જ છે. આ 'અક્રમ વિજ્ઞાન'માં ભાવ વસ્તુ જ નથી રાખતા એટલે પછી ભાવમરણ હોતું નથી અને ક્રમિકમાં તો ક્ષણે ક્ષણે ભાવમરણમાં જ બધાં હોય. કૃપાળુદેવ તો જ્ઞાની પુરુષને, એટલે એમને એકલાને જ સમજાય. એમને એમ લાગે કે, 'આ તો ભાવમરણ થયું. આ ભાવમરણ થયું.' એટલે પોતે નિરંતર ચેતતા રહેતા હોય. બીજા લોકો તો ભાવમરણમાં જ ચાલ્યા કરે છે.

ભાવમરણનો અર્થ શો ? કે સ્વભાવનું મરણ થયું અને વિભાવનો જન્મ થયો. અવસ્થામાં 'હું' એ વિભાવનો જન્મ થયો અને 'આપણે' અવસ્થાને જોઈએ એટલે સ્વભાવનો જન્મ થયો.

એટલે આ પુદ્ગલહિંસા હશેને, તો એનો કંઈક ઉકેલ આવશે. પણ આત્મહિંસાવાળાનો ઉકેલ નહીં આવે. આવું ઝીણવટથી લોક સમજણ નથી પાડતા ને ! તે જાડુ કાંતી આપે !

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19