ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19 


સામનો, પણ શાંતિથી !

પ્રશ્નકર્તા : ચોરી ન કરવી, હિંસા ન કરવી એમ આપ કહો છો. તો કોઈ વ્યક્તિ આપણી વસ્તુ ચોરી જાય, એ આપણી સાથે છેતરપિંડી કરે. તો આપણે તેનો સામનો કરવો જોઈએ કે નહીં ?

દાદાશ્રી : સામનો કરવો જ જોઈએ. પણ તે આપણે એવો સામનો કરવો નહીં કે આપણું મન બગડી જાય. ખૂબ ધીમે રહીને આપણે કહીએ કે, 'ભઈ, મેં તમારું શું બગાડ્યું છે તે આ બધું આમ કરો છો ?' અને આપણું સો રૂપિયાનું ચોરી ગયો હોય અને આપણે એની પર ગુસ્સે થઈએ તો આપણે એ સો રૂપિયા માટે આપણું પાંચસો રૂપિયાનું નુકસાન કર્યું. એટલે એવું સો રૂપિયા માટે પાંચસો રૂપિયાનું નુકસાન આપણે ન કરીએ. એટલે શાંતિથી વાત કરવી જોઈએ. ગુસ્સો નહીં કરવો જોઈએ.

હિંસાનો વિરોધ, બચાવે અનુમોદનાથી....

પ્રશ્નકર્તા : માનસિક દુઃખ આપવું, કોઈને છેતરવું, વિશ્વાસઘાત કરવો, ચોરી કરવી વગેરે સૂક્ષ્મ હિંસા ગણાય ?

દાદાશ્રી : એ બધી હિંસા જ છે. સ્થૂળ હિંસા કરતાં આ હિંસા મોટી છે. એનું ફળ બહુ મોટું આવે છે. કોઈને માનસિક દુઃખ આપવું, કોઈને છેતરવું, વિશ્વાસઘાત કરવો, ચોરી કરવી એ બધું રૌદ્રધ્યાનમાં જાય છે ને રૌદ્રધ્યાનનું ફળ નર્કગતિ છે.

પ્રશ્નકર્તા : પરંતુ એ સૂક્ષ્મ હિંસાને જ મહત્વ આપીને મોટી દ્રવ્યહિંસા, મૂંગા પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા, હત્યા અને તેમના શોષણથી કે હિંસાથી મેળવવામાં આવતી સામગ્રીનો વપરાશ કરવો કે તેને પ્રોત્સાહન આપી મોટી હિંસા પ્રત્યે ઉદાસીનતા સેવવામાં આવે તો એ ઉચિત ગણાય ?

દાદાશ્રી : એ ઉચિત ન ગણાય. એનો વિરોધ તો હોવો જ જોઈએ. વિરોધ નથી તો તમે એને અનુમોદના કરો છો, બેમાંથી એક જગ્યાએ છો. જો વિરોધ નહીં હોય તો અનુમોદના કરો છો. એટલે ગમે તે હોય કે જ્ઞાની હોય, પણ એમણે વિરોધ બતાવવાની જરૂર. નહીં તો અનુમોદનામાં પેસી ગયા.

પ્રશ્નકર્તા : હિંસા નીચે આવેલા કોઈ પણ પશુ-પંખી કે ગમે તે હોય, તો તેના ઉદયમાં હિંસા આવેલી હોય, તો તે અટકાવવા આપણે નિમિત્ત બની શકીએ ખરાં ?

દાદાશ્રી : ગમે તેના ઉદયમાં એ આવ્યું હોય અને તમે જો અટકાવવા નિમિત્ત ન થાવ તો તમે હિંસાને અનુમોદના કરો છો. એટલે તમારે અટકાવવા ફરવું. એને ગમે તે ઉદય હોય, પણ તમારે તો અટકાવવા ફરવું જ જોઈએ.

જેમ રસ્તામાં કોઈ જતો હોય અને એનાં કર્મના ઉદયે એ અથડાયો ને પગમાં નુકસાન થઈ ગયું, અને તમે ત્યાં રહીને જતા હો, તો તમારે ઉતરી અને આપણા કપડાંથી એનો પાટો બાંધવો. ગાડીમાં લઈને મૂકી આવવું જોઈએ. ભલે એના કર્મના ઉદયથી એને થયું હોય, પણ આપણે ભાવ બતાવવા જોઈએ. નહીં તો તમે એના વિરોધી ભાવથી બંધાઈ જશો ને મુક્ત નહીં થાવ. આ જગત એવું નથી કે મુક્ત કરી શકે.

પ્રશ્નકર્તા : અધ્યાત્મમાં રુચિ ધરાવનાર માટે હિંસા અટકાવવાના પ્રયત્નો કરવા જરૂરી ગણાય ખરું ? જો જરૂરી હોય તો તે અંગે આપ માર્ગદર્શન-ઉપદેશ-સલાહ આપશો ?

દાદાશ્રી : અધ્યાત્મમાં રુચિ ધરાવતા હોય અને હિંસા અટકાવવાના પ્રયત્નો ન કરે એ તો હિંસાની પ્રેરણા કરી કહેવાય. હિંસા અટકાવવાના પ્રયત્નો ન કરે તો હિંસાને અનુમોદના કરી કહેવાય. માટે ગમે તે અધ્યાત્મ હોય, પણ હિંસા અટકાવવાનો પ્રયત્ન તો હોવો જ જોઈએ.

પ્રશ્નકર્તા : આવા સંજોગોમાં મોટી દ્રવ્યહિંસાનું નિવારણ શા માટે નહીં સૂઝતું હોય ?

દાદાશ્રી : એ દ્રવ્યહિંસાના નિવારણની ખાસ જરૂર છે. એના માટે આપણે બીજા પ્રયત્નો કરીએ, સારી રીતે બધા ભેગા થઈ અને મંડળો રચી અને ગવર્નમેન્ટમાં પણ આપણા ચૂંટેલા માણસો મોકલીએ તો ઘણું ફળ મળે. બધાએ ભાવ કરવાની જરૂર છે અને મજબૂત ભાવ કરવાની જરૂર છે, પ્રોત્સાહન આપવાની જરૂર છે.

પ્રશ્નકર્તા : પણ દાદા, છેવટે તો આ બધો હિસાબ જ છે ને ?

દાદાશ્રી : હા, હિસાબ છે. પણ એ હિસાબ કહેવું એ છે તે થઈ ગયા પછી કહેવાય. હિસાબ કહીએ તો બધું બગડી જાય. આપણા ગામમાં બાવાઓ આવ્યા હોય ને છોકરાઓ ઉઠાવી જતા હોય તો પણ આપણે કહીએ છીએને કે પકડો આ લોકોને અને અટકાવી દો ! એટલે જેમ પોતાનાં છોકરાંને કોઈ લઈ જાય, ઉઠાવી જાય તો કેટલું દુઃખ થાય ?! એવી રીતે આ ગાયો-ભેંસો એ બધું કપાય એના માટે મનમાં બહુ જ દુઃખ રહેવું જોઈએ અને એના સામે વિરોધ થવો જોઈએ. નહીં તો એ કામ સફળ જ ના થાય ને ! બેસી રહેવાની જરૂર જ નથી. એ કર્મના ઉદય માનીએ, પણ ભગવાને ય આવું નહોતા માનતા. ભગવાને ય વિરોધ બતાવતા હતા. માટે આપણે વિરોધ બતાવવો જોઈએ, એકતા સર્જવી જોઈએ અને એના સામે પડવું જોઈએ. આમાં તો કંઈ હિંસાના વિરોધી નથી, પણ અહિંસક ભાવ છે એ તો !!

કૃષ્ણનું ગોવર્ધન - ગાયોનું વર્ધન !

કૃષ્ણ ભગવાનના કાળમાં હિંસા બહુ વધી ગઈ હતી. તે કૃષ્ણ ભગવાને પછી શું કર્યું ? ગોવર્ધન પર્વત ઝાલ્યો, એક આંગળીથી. હવે ગોવર્ધન પર્વત આંગળી પર ઝાલ્યો, એ શબ્દ સ્થૂળમાં રહ્યો. પણ લોક એની સૂક્ષ્મ ભાષા સમજ્યા નહીં. ગોવર્ધન એટલે ગાયોનું વર્ધન કેમ થાય એવું બધું ઠેર ઠેર પ્રયોજન કર્યું અને ગોરક્ષાનું પ્રયોજન કર્યું. વર્ધનનું અને રક્ષાનું બન્ને પ્રયોજન કર્યું. કારણ કે હિન્દુસ્તાનના લોકોનું મુખ્ય જીવન જ આની પર છે. એટલે બહુ જ હિંસા વધી જાયને ત્યારે બીજું બધું છોડી દઈને પહેલું આ સાચવો. અને જે હિંસક જાનવરો છે ને, એને માટે તો આપણે કશું કરવાની જરૂર નથી. એ જાનવરો પોતે જ હિંસક છે. એને માટે તમારે કશું કરવાની જરૂર નથી. તે એને કોઈ મારતા ય નથી ને એ ખવાય પણ નહીં ને ! આ બિલાડાને કોણ ખાય ? કૂતરાને કોણ ખઈ જાય ? કોઈ ના ખાય ને કોઈથી ખવાય પણ નહીં. એટલે આ એકલું જ, ગોવર્ધન અને ગોરક્ષા, બે વસ્તુ જ પહેલી પકડવા જેવી છે.

ગોવર્ધનના બહુ ઉપાય કરવા જોઈએ. કૃષ્ણ ભગવાને એક આંંગળી ઉપર ગોવર્ધન કર્યુંને, તે બહુ ઊંચી વસ્તુ કરી હતી ! એમણે ઠેર ઠેર બધી ગોવર્ધનની સ્થાપના કરી હતી અને ગોશાળાઓ ચલાવી દીધી. હજારો ગાયોનું પોષણ થાય એવું કર્યું. ગોવર્ધન અને ગોરક્ષા, આ બે મૂકી દીધું. રક્ષા કરી તેથી અટક્યું. અને પછી ઠેર ઠેર દૂધ-ઘી બધી ય ચીજ મળ્યા કરે ને ! એટલે ગાયો બચાવવા કરતાં ગાયોની વસ્તી કેમ કરીને વધે એ બહુ કરવાની જરૂર છે.

ગાયો રાખવાથી આટલા ફાયદા છે, ગાયોના દૂધમાં આટલા ફાયદા છે, ગાયોના ઘીમાં આટલા ફાયદા છે, એ બધું ઓપન કરવામાં આવે અને ફરજિયાત તો નહીં પણ મરજિયાતમાં લોકોને પોતે સમજાવી અને દરેક ગામોમાં ગાયોનો રિવાજ કરવામાં આવે તો ગાયો બધી બહુ વધી જાય. પહેલા બધે ગોશાળા રાખતા હતા, તે હજાર-હજાર ગાયો રાખતા હતા. એટલે ગાયો વધારવાની જરૂર છે. આ તો ગાયો વધતી નથી અને એક બાજુ આ ચાલ્યા કરે છે. પણ આ તો ના કહેવાય નહીં કોઈને ય આપણે ! ના કહીએ તો ગુનો કહેવાય. અને કોઈ ઓછું ખોટું કરે છે ? બચાવે છે ને !!

પ્રશ્નકર્તા : અમે ગાયો છોડાવતા નથી, પણ આવતી અટકાવીએ છીએ.

દાદાશ્રી : હા, આવતી અટકાવો. એના મૂળ માલિકને સમજાવો કે આવી રીતે ના કરશો. અત્યારે તો ગોવર્ધન અને ગોરક્ષા, પહેલા આ બે કાયદા પકડો. બીજાં બધા સેકન્ડરી ! આ કમ્પ્લિટ થઈ જાય, પછી બીજા.

એટલે આ ગોવર્ધન અને ગોરક્ષા, આ બે કૃષ્ણ ભગવાને વધારે પકડ્યું હતું. અને ગોવર્ધન કરનારા ગોપ અને ગોપી. ગોપ એટલે ગોપાલન કરનારા !

પ્રશ્નકર્તા : ગોવર્ધન, આ વાત બહુ નવી જ મળી.

દાદાશ્રી : હા, વાતો છે જ બધી. પણ જો એનું વિવરણ થાય તો કામનું. બાકી તો વાતો બધી હોય છે જ ને સાચી જ હોય છે. પણ આ લોકો પછી એને સ્થૂળમાં લઈ ગયા. કહેશે, 'ગોવર્ધન પર્વત ઊંચક્યો.' એટલે પેલા ફોરેનના સાયન્ટિસ્ટો કહેશે, 'ગાંડી છે આ વાત, પર્વત ઊંચકાતો હશે કોઈથી ?!' ઊંચકે તો હિમાલય કેમ ના ઊંચક્યો ?! અને પછી તીર વાગવાથી કેમ મરી ગયા ?! પણ એવું ના હોય.

ગોવર્ધન એમણે બહુ સુંદર રીતે કરેલું. કારણ કે તે વખતમાં હિંસા બહુ વધી ગયેલી, જબરજસ્ત હિંસા વધી ગયેલી. કારણ કે મુસ્લિમો એકલા હિંસા કરે છે એવું નથી. હિંદુઓમાં અમુક ઉપરની ક્વૉલિટી જ હિંસા નથી કરતી, બીજી બહુ બધી પ્રજા હિંસા કરનારી છે.

હિંસક ભાવ તો ના જ હોવો જોઈએ ને ?! માણસને અહિંસક ભાવ તો હોવો જ જોઈએ ને ! અહિંસા માટે જીવન ખર્ચી નાખવું, એનું નામ અહિંસક ભાવ કહેવાય.

શું પૂજાના પુષ્પમાં પાપ ?

પ્રશ્નકર્તા : મંદિરમાં પૂજા કરવામાં ફૂલ ચઢાવવામાં પાપ છે કે નહીં ?

દાદાશ્રી : મંદિરમાં ભગવાનની પૂજા કરવામાં ફૂલ ચઢાવવામાં આવે છે એ બીજી દ્રષ્ટિથી જોવાનું છે. ફૂલ તોડવા એ ગુનો છે. ફૂલ વેચાતા લેવા એ પણ ગુનો છે. પણ બીજી દ્રષ્ટિથી જોતાં એમાં લાભ છે. કઈ દ્રષ્ટિ એ હું તમને સમજાવું.

આજે કેટલાંક લોકો માને છે કે ફૂલમાં મહાદોષ છે અને કેટલાંક લોકો ફૂલને ભગવાન ઉપર ચઢાવે છે. હવે એમાં ખરી હકીકત શું છે ? આ વીતરાગોનો માર્ગ જે છે તે લાભાલાભનો માર્ગ છે. બે ફૂલ ગુલાબનાં તોડી લાવ્યો, તે એણે હિંસા તો કરી. એની જગ્યા પરથી તોડ્યું એટલે હિંસા તો થઈ જ છે. અને એ ફૂલ પોતાને માટે વાપરતો નથી. પણ એ ફૂલ ભગવાન ઉપર ચઢાવ્યા અગર જ્ઞાની પુરુષ ઉપર ચઢાવ્યા, એ દ્રવ્યપૂજા થઈ કહેવાય. હવે આ હિંસા કર્યા બદલ ફાઈવ પરસેન્ટનો દંડ કરો અને ભગવાન ઉપર ફૂલ ચઢાવ્યા તો ફોર્ટી પરસેન્ટ પ્રોફિટ આપો અગર તો જ્ઞાની પુરુષ ઉપર ફૂલ ચઢાવ્યાં તો થર્ટી પરસેન્ટનો પ્રોફિટ આપો. તો પણ પચ્ચીસ ટકા બચ્યાને એટલે લાભાલાભના વેપાર માટે બધું છે આ જગત. લાભાલાભનો વેપાર કરવો જોઈએ. અને જો લાભ ઓછો થતો હોય ને અલાભ થતો હોય તો એ બંધ કરી દો. પણ આ તો અલાભ કરતાં લાભ વધારે થાય છે. પણ તું ફૂલ ચઢાવીશ નહીં, તો તારો વેપાર બંધ થઈ ગયો.

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19