ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19 


સ્વરૂપજ્ઞાનીને પુણ્ય-પાપ અડે નહીં !

પ્રશ્નકર્તા : જંતુનાશક દવા આપણે બનાવીએ અને પછી એ ખેતરમાં છાંટીએ, એમાં કેટલાંય જીવો મરી જાય છે. તો પછી એમાં પાપ લાગે કે ના લાગે ? પછી એ દવા બનાવવી એ પાપ કહેવાય કે નહીં ?

દાદાશ્રી : હા. કારણ કે એ દવા જીવો મારવાના ઉદ્દેશથી જ બને છે. દવા લાવે છે તે ય જીવો મારવાના ઉદ્દેશથી જ લાવે છે અને દવા નાખે છે તે જીવો મારવાના ઉદ્દેશથી જ નાખે છે. એટલે બધું પાપ જ છે.

પ્રશ્નકર્તા : પણ એમાં હેતુ એવો છે કે પાક વધારે સારા થાય, વધારે પાકે.

દાદાશ્રી : એવું છે, આ પાક શેના આધારે થાય છે, ખેડૂત શેના આધારે ખેડે છે, શેના આધારે વાવે છે, એ બધું શેના આધારે ચાલે છે એ હું જાણું છું. આ બધું નહીં જાણવાથી લોકોના મનમાં એમ થાય છે કે 'આ તો મારા આધારે ચાલતું હતું. આ તો મેં દવા છાંટી તેથી બચ્યું.' હવે આ આધાર આપવો એ જ ભયંકર પાપ છે. અને નિરાધાર થયું કે એ બધું પડી જાય.

પ્રશ્નકર્તા : તો પછી પુરુષાર્થ ક્યાં ગયો ?

દાદાશ્રી : પુરુષાર્થ તો, શું બને છે એને જોવું-જાણવું એ જ પુરુષાર્થ છે, બીજું કંઈ નહીં. બીજું, મનના વિચારો આવે છે એ 'ફાઈલ' છે. એને તો તમારે જોવાના છે. બીજા ડખામાં ઉતરવાનું નહીં.

પ્રશ્નકર્તા : તો પછી આ ખેતી કરવી કે ના કરવી ?

દાદાશ્રી : ખેતીનો વાંધો નહીં.

પ્રશ્નકર્તા : પણ પેલો પાપનો ભાર વધે તેનું શું ?

દાદાશ્રી : એવું છે, આ જ્ઞાન પછી તમને તો પાપ હવે અડે નહીં ને ! તમે 'પોતે' હવે 'ચંદુભાઈ' નથી રહ્યા. તમે 'ચંદુભાઈ' હો ત્યાં સુધી પાપ અડે. 'હું ચંદુભાઈ છું' એવું નક્કી છે તમને ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો પછી પાપ ક્યાંથી અડે ? આ ચાર્જ જ નહીં થાય ને ! જે ખેતી આવી હોય તેટલાનો નિકાલ કરવાનો. એ 'ફાઈલ' છે. આવી પડી તે 'ફાઈલ'નો સમભાવે નિકાલ કરવાનો.

પણ જો મારા કહ્યા પ્રમાણે 'હું શુધ્ધાત્મા છું' ક્યારેય પણ ચૂકે નહીં, તો ગમે એટલી દવા નાખશે તો ય એને અડશે નહીં. કારણ કે 'પોતે' 'શુધ્ધાત્મા' છે. અને દવા નાખનારો કોણ ? 'ચંદુભાઈ' છે. અને તમને જો દયા આવતી હોય તો 'તમે' 'ચંદુભાઈ' થઈ જાવ.

પ્રશ્નકર્તા : એ દવા બનાવવાથી, વેચવાથી, ખરીદવાથી, નાખવાથી એને કર્મનો બંધ લાગે કે નહીં ?

દાદાશ્રી : હા, પણ એ તો દવાઓના કારખાના જેમણે કરેલાં છે એ બધા મને પૂછે કે, 'દાદા, હવે અમારું શું થશે ?' મેં કહ્યું, 'મારા કહ્યા પ્રમાણે રહેશો તો તમને કશું થનાર નથી.'

પ્રશ્નકર્તા : એટલે એનો અર્થ એવો થયો કે શુધ્ધાત્મા ભાવથી હિંસા કરી શકાય ને ?

દાદાશ્રી : હિંસા કરવાની વાત જ નથી. શુધ્ધાત્મા ભાવમાં હિંસા હોય જ નહીં. કરવાનું કશું જ ના હોય ને !

પ્રશ્નકર્તા : તો પછી આચારસંહિતાની દ્રષ્ટિએ દોષ ના કહેવાય ?

દાદાશ્રી : આચારસંહિતાની દ્રષ્ટિએ દોષ ના કહેવાય. આચાર- સંહિતા ક્યારે હોય ? કે તમે ચંદુભાઈ છો ત્યાં સુધી આચારસંહિતા. તો એ દ્રષ્ટિએ દોષ જ કહેવાય. પણ આ 'જ્ઞાન' પછી હવે તમે તો ચંદુભાઈ નથી, શુધ્ધાત્મા થઈ ગયા અને તે તમને નિરંતર ખ્યાલમાં રહે છે. 'હું શુધ્ધાત્મા છું' એવો નિરંતર આપણને ખ્યાલ રહેવો એ શુક્લધ્યાન છે. 'હું ચંદુભાઈ છું' એ અહંકારી ધ્યાન છે.

આપણા મહાત્માઓ આટલાં છે, પણ કોઈએ દુરુપયોગ કર્યો નથી. આમ મને પૂછે ખરાં, અને પાછાં કહે છે કે, 'અમે ધંધો બંધ કરી દઈએ ?' મેં કહ્યું, 'ના. ધંધો બંધ થાય તો બંધ થવા દેજો ને બંધ ન થાય તો ચાલવા દેજો.'

હિંસક વેપાર !

પ્રશ્નકર્તા : આ જે ધંધો પહેલાં કરતા'તા, જંતુનાશક દવાઓનો ધંધો, તે વખતે એમને વાત નહોતી બેસતી મગજમાં કે આ કર્મના હિસાબે જે ધંધો આવ્યો છે એમાં શું વાંધો છે ? કોઈને માંસ વેચવાનું હોય તો એમાં એનો શું વાંક ? એના તો કર્મના હિસાબમાં જે હતું એ જ આવ્યું ને ?

દાદાશ્રી : એવું છે ને, પછી અંદર શંકા ના પડી હોય તો ચાલ્યા કરત. પણ આ શંકા પડી, એ એમની પુણ્યૈને લઈને. જબરજસ્ત પુણ્યૈ કહેવાય. નહીં તો આ જડતા આવત. ત્યાં કંઈ જીવો મર્યા તે ઘટ્યા નહીં, તમારા જ જીવો મહીં મરી જાય ને જડતાં આવે. જાગૃતિ બંધ થઈ જાય, ડલ થઈ જાય.

પ્રશ્નકર્તા : હજુએ જૂના મિત્રો મને મળે છે બધા, તો બધાને એમ કહું છું કે એમાંથી નીકળી જાવ અને એમને પચાસ દાખલાઓ બતાવ્યા કે જો આટલો ઊંચે ચઢેલો નીચે પડી ગયો. પણ પછી બધાને નહીં બેસતું હોય મગજમાં ! પછી ઠોકર ખાઈને બધા જ પાછા નીકળી ગયા.

દાદાશ્રી : એટલે કેટલું પાપ હોય, ત્યારે હિંસાવાળો ધંધો હાથમાં આવે. એવું છે ને, આ હિંસક ધંધામાંથી છૂટી જાય તો ઉત્તમ કહેવાય. બીજા ઘણા ધંધાઓ હોય છે. હવે એક માણસ મને કહે છે, મારા બધા ધંધા કરતાં આ કરિયાણાનો ધંધો બહુ નફાવાળો છે. મેં એમને સમજણ પાડી કે જીવડાં પડે છે ત્યારે શું કરો છો જુવારમાં ને બાજરીમાં બધામાં ? ત્યારે કહે એ તો અમે શું કરીએ ? અમે ચાળી નાખીએ. બધું યે કરીએ. એની પાછળ માવજત કરીએ. પણ એ રહી જાય તેને અમે શું કરીએ ? મેં કહ્યું, 'રહી જાય તેનો અમને વાંધો નથી, પણ એ જીવડાંના પૈસા તમે લો છો ? તોલમાં ? હા, ભલે, બે તોલા ! નર્યું આ તે કંઈ લાઈફ છે ? એ જીવનો તોલ થાય એકાદ તોલો ! એ તોલના પૈસા લીધા.

ઉત્તમ ધંધો, ઝવેરીનો !

એટલે પુણ્યશાળીને ક્યો ધંધો મળી આવે ? જેમાં ઓછામાં ઓછી હિંસા હોય એ ધંધો પુણ્યશાળીને મળી આવે. હવે એવો ધંધો ક્યો ? હીરા-માણેકનો, કે જેમાં કશું ભેળસેળ નહીં. પણ એમાં ય જો કે અત્યારે ચોરીઓ જ થઈ ગઈ છે. પણ જેને ભેળસેળ વગર કરવો હોય તો કરી શકે. એમાં જીવડાં મરે નહીં, કશી ઉપાધિ નહીં. અને પછી બીજે નંબરે સોના-ચાંદીનો. અને સૌથી વધારેમાં વધારે હિંસાનો ધંધો ક્યો ? આ કસાઈનો. પછી આ કુંભારનો. પેલા નિભાડા સળગાવે છે ને ! એટલે બધી હિંસા જ છે.

પ્રશ્નકર્તા : ગમે તે હિંસાનું ફળ તો ખરું જ ને ? હિંસાનું ફળ તો ભોગવવાનું જ ને ? કે પછી ભાવહિંસા હોય કે દ્રવ્યહિંસા હોય ?

દાદાશ્રી : તે લોકો ભોગવે જ છે ને ! આખો દહાડો તરફડાટ, તરફડાટ......

જેટલા હિંસક ધંધાવાળા છે ને, એ ધંધાવાળા સુખી ના દેખાય. એમનાં મોઢાં પર તેજ ન આવે કોઈ દહાડો ય. જમીનમાલિક હળ ના ફેરવતો હોય, તેને બહુ અડે નહીં. ખેડનારને અડે, એટલે એ સુખી ના હોય. પહેલેથી નિયમ છે આ બધો. એટલે ધીઝ ઈઝ બટ નેચરલ. આ ધંધા મળવા ને એ બધું નેચરલ છે. જો તમે બંધ કરી દો ને, તો ય એ બંધ થાય એવું નથી. કારણ કે એમાં કશું ચાલે એવું નથી. નહીં તો આ બધા ય લોકોને મનમાં વિચાર આવે કે 'છોકરો સૈન્યમાં જાય ને એ મરી જાય તો મારી છોકરી રાંડે.' તો તો આપણા દેશમાં એવો માલ પાકે જ નહીં. પણ ના, એ માલ દરેક દેશમાં હોય જ. કુદરતી નિયમ એવો જ છે. એટલે આ બધું કુદરત જ પકવે છે. આમાં કંઈ નવું હોતું નથી. કુદરતનો આની પાછળ હાથ છે. એટલે બહુ એ રાખવાનું નહીં.

સંઘરો એ ય હિંસા !

પ્રશ્નકર્તા : વેપારી નફાખોરી કરે, કોઈ ઉદ્યોગપતિ કે વેપારી મહેનતના પ્રમાણમાં ઓછું વળતર આપે અથવા કોઈ મહેનત વગરની કમાણી થાય, તો એ હિંસાખોરી કહેવાય ?

દાદાશ્રી : એ બધી હિંસાખોરી જ છે.

પ્રશ્નકર્તા : હવે એ ફોગટની કમાણી કરી ને ધર્મકાર્યમાં નાણાં વાપરે, તો તે કઈ જાતની હિંસા કહેવાય ?

દાદાશ્રી : જેટલું ધર્મકાર્યમાં વાપર્યું, જેટલું ત્યાગ કરી ગયો, એટલો ઓછો દોષ બેઠો. જેટલું કમાયો હતો, લાખ રૂપિયા કમાયો હતો, હવે એ એંસી હજારનું દવાખાનું બંધાવ્યું તો એટલા રૂપિયાની એને જવાબદારી ના રહી. વીસ હજારની જ જવાબદારી રહી. એટલે સારું છે, ખોટું નથી.

પ્રશ્નકર્તા : લોકો લક્ષ્મીને સંઘરી રાખે છે તે હિંસા કહેવાય કે નહીં ?

દાદાશ્રી : હિંસા જ કહેવાય. સંઘરવું એ હિંસા છે. બીજા લોકોને કામ લાગે નહીં ને !

પ્રશ્નકર્તા : લક્ઝુરીયસ લાઈફ જીવવા માટે સંહાર કરીને વધારે લક્ષ્મી પ્રાપ્ત કરીએ તો એ શું કહેવાય ?

દાદાશ્રી : એ ગુનો જ કહેવાય ને ! જેટલો ગુનો હોય એટલો આપણને દંડ પડે. જેટલા ઓછા પરિગ્રહથી જીવાય એ ઉત્તમ જીવન છે.

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19