ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19 


હિંસક પ્રાણીની હિંસામાં હિંસા ?

પ્રશ્નકર્તા : કોઈ પણ પ્રાણીને મારવું તે હિંસા છે. પરંતુ હિંસક પ્રાણી કે જે બીજા પ્રાણી કે મનુષ્યને હિંસા પહોંચાડી શકે અથવા જાનહાનિ કરી શકે, તો તેની હિંસા કરવી કે નહીં ?

દાદાશ્રી : કોઈની હિંસા કરવી નથી એવો ભાવ રાખવો. અને તમે સાપને નહીં મારો તો બીજો કોઈ મારનાર મળી આવશે. એટલે તમારામાં સાપ મારવાની શક્તિ નહીં હોય તો અહીં તો મારનારા બધા બહુ છે, પાર વગરના અને મારનારી અન્ય જાતો પણ બહુ જ છે. માટે તમે તમારી મેળે તમારો સ્વભાવ બગાડશો નહીં. એટલે હિંસા કરવામાં ફાયદો નથી. હિંસા પોતાને જ નુકસાન કરે છે.

જીવો જીવસ્ય જીવનમ્ !

પ્રશ્નકર્તા : માનવી બુધ્ધિજીવી પ્રાણી છે તો એણે પશુહિંસા ન કરવી જોઈએ. પણ એક પ્રાણી બીજા પ્રાણીને ખાય ને જીવી શકતું હોય તો એ માનવી અને પ્રાણી વચ્ચે બુધ્ધિના તફાવતને કારણે આવો ભેદભાવ છે ? પ્રાણી અને પ્રાણી વચ્ચેની હિંસાનું શું ?

દાદાશ્રી : પ્રાણી અને પ્રાણીની વચ્ચેની હિંસામાં યુ આર નોટ રીસ્પોન્સીબલ એટ ઓલ. કારણ કે આ દરિયામાં અંદર કંઈ ખેતરાં હોતાં નથી કે આ કંટ્રોલના અનાજની દુકાનો હોતી નથી. એટલે ત્યાં તો હિંસા ચાલ્યા જ કરે છે. મોઢું પહોળું કરીને મોટાં માછલાં દરેક બેસી રહે છે, તે નાના માછલાં મહીં એનાં પેટમાં જ પેસી જાય છે. છે કશી ભાંજગડ ? પછી મોઢું વાસી દે એટલે બધું ખલાસ ! પણ તમે એને માટે જવાબદાર નથી. એટલે એ તો દુનિયાનો કાયદો જ છે. આપણે ના કહીએ અને પેલા બધાં બકરાને ખાઈ જાય. મોટા જીવ નાના જીવને ખાય, નાનો એથી નાનાને ખાયા કરે, એ નાનો એથી નાનાને ખાયા કરે. એમ કરતાં કરતાં આખું દરિયાનું બધું જગત ચાલી રહ્યું છે. જ્યાં સુધી મનુષ્ય જન્મનો વિવેક ના આવે ત્યાં સુધી બધી છૂટ છે. હવે ત્યાં આગળ કોઈ બચાવવા જતો નથી અને આપણે અહીં આગળ લોકો બચાવવા જાય છે.

સંપૂર્ણ અહિંસકને ન કો' આંચ !

પ્રશ્નકર્તા : પણ આ ગોળીબાર અહિંસક માણસો ઉપર કરે છે.

દાદાશ્રી : અહિંસક માણસો ઉપર ગોળીબાર થાય પણ નહીં. એવો કોઈને કરવો હોય તો ય થાય નહીં. અહિંસક જે છેને, એને એકસો બાજુથી ગોળીઓ લઈને ફરી વળેને, તો ય પેલાને ગોળી અડે નહીં. આ તો હિંસકોને જ ગોળીબાર અડે છે. એનો સ્વભાવ છે, દરેક વસ્તુનો.

અત્યારે એકલી અહિંસા કરવામાં આવે ને તો આ સંસારમાં લૂંટી લે. ઘડીવાર જો છૂટું મૂકવામાં આવેને તો, અહીં બેસવા ય ના દે. કારણ કે એક તો કળિયુગ છે, લોકોનાં મન બગડી ગયેલાં છે. જાતજાતના વ્યસની થઈ ગયાં છે. એટલે શું ના કરે ત્યાં ? એટલે આ ગોળીઓ એક બાજુ હોય તો એક બાજુ અહિંસા રહી શકે, નહીં તો અહિંસા પરાણે પળાવડાવી પડે.

જો કે હવે આ કાળ ફેરવે છે આને ! હવે કાળ ફેરવી રહ્યું છે આ બધું અને બહુ સરસ કાળ જોશો તમે. તમે જાતે ખુદ જોશો બધું.

પ્રશ્નકર્તા : એક સંત અહિંસા પાળતા હતા તો ય એમનું ખૂન કેમ થયું ? કારણ કે હમણાં આપે કહ્યું કે અહિંસા ઉપર ગોળીબાર નથી થતો.

દાદાશ્રી : અહિંસક કોને કહેવાય ? કે કોઈના કશામાં હાથ ઘાલે નહીં, એનું નામ અહિંસક. એકને કહેશે કે આમને વધારે આપો. કારણ કે નઠારા છે. ભલે નઠારા હોય, તો ય એમને વધારે આપો. એટલે આ બાજુના પક્ષવાળાને ખોટું લાગે. એટલે આમને રીસ ચઢે. તે હિંસા કહેવાય. એમાં પડાય જ નહીં. આ ન્યાય જ ના કરાય. અહિંસક જે છે તે ન્યાય જ ના કરે. ન્યાય કરે છે ત્યાં હિંસા છે.

બાકી, એ તો જો તમે સંપૂર્ણ અહિંસા પાળો તો તમારી ઉપર કોઈ ગોળી છોડી શકે એમ નથી. હવે સંપૂર્ણ અહિંસા એટલે શું ? પક્ષપાતી એક શબ્દ મોઢે બોલાય પણ નહીં અને બોલો તો અમુક જ શબ્દ બોલાય. બીજા શબ્દ ના બોલાય. કોઈ બે પાર્ટીના વચ્ચે પડાય નહીં. બે પાર્ટી વચ્ચે પડે તો એકની હિંસા થાય થોડી ઘણી !

જીવોની બલિ !

પ્રશ્નકર્તા : કેટલાંક મંદિરમાં જીવોની બલિ અપાય છે, એ પાપ છે કે પુણ્ય છે ?

દાદાશ્રી : એ બલિ ચઢાવનારને આપણે પૂછીએ કે તું શું માને છે આમાં ? ત્યારે એ કહે છે, હું પુણ્ય કરું છું. બકરાને પૂછીએ કે તું શું માને છે ? ત્યારે એ કહે છે, આ ખૂની માણસ છે. એ દેવને પૂછીએ તો એ કહે છે, 'એ ધરે તો અમારે ના કહેવાય નહીં. હું તો કશું લેતો નથી. આ લોકો પગે અડાડીને લઈ જાય છે.' એટલે પાપ-પુણ્યની વાત તો જવા દો. બાકી, આ જે કંઈ કરો છો એ બધી પોતાની જોખમદારી છે. માટે સમજીને કરજો. પછી ગમે તે ચઢાવો, કોણ ના પાડે છે તમને ? પણ ચઢાવતી વખતે ખ્યાલ રાખજો કે હૉલ એન્ડ સૉલ રીસ્પોન્સિબિલિટી આપણી જ છે, બીજાં કોઈની નથી.

અહિંસા અનુમોદાય, ભાવના-પ્રાર્થનાથી !

હવે આ અબોલ પ્રાણીઓની હિંસા ના કરવી જોઈએ, ગૌહત્યા ન કરવી જોઈએ, એવી ભાવના આપણે કેળવવી અને આપણા અભિપ્રાય બીજાને સમજાવવા. જેટલું આપણાથી બને એટલું કરવું. એના માટે કંઈ બીજા જોડે લઢી મરવાની જરૂર નથી. કોઈ કહે કે, 'અમારા ધર્મમાં કહ્યું છે કે અમારે માંસાહાર કરવો.' આપણા ધર્મે ના પાડી હોય તેથી કરીને ઝઘડો કરવાની જરૂર નથી. આપણે ભાવના કેળવીને તૈયાર રાખવી એટલે જે ભાવનામાં હશે તે સંસ્કૃતિ ચાલશે.

અને વિશ્વ સમષ્ટિનું કલ્યાણ કરવાની ભાવના એ તો તમને આખો દહાડો રાત-દહાડો રહે છે ને ?! હા, તો એ પ્રમાણે રહેવું જોઈએ.

પ્રશ્નકર્તા : એ બાબતમાં આપણે પ્રાર્થના તો કરી શકીએ ને ?

દાદાશ્રી : હા, હા, પ્રાર્થના કરવાની, એવી ભાવના કરવાની, એની અનુમોદના કરવાની. કો'ક માણસ જો ના સમજતો હોય તો આપણે એને સમજાવવો. બાકી આ હિંસા તો આજથી નથી, એ તો પહેલેથી ચાલુ જ છે. આ જગત એક રંગનું નથી.

હવે મોટા સંત તુલસીદાસ હતાને, તે એમણે કબીરસાહેબની ખ્યાતિ બહુ સાંભળી. મહાન સંત તરીકે ખ્યાતિ ફેલાયેલી એટલે તુલસીદાસે નક્કી કર્યું કે આપણે એમનાં દર્શન કરવાં જવું. એટલે તુલસીદાસ પછી ત્યાંથી દિલ્હી આયા. પછી ત્યાં આગળ કો'કને પૂછયું કે ભઈ, કબીરસાહેબનું ઘર ક્યાં આગળ છે ? ત્યારે કહે, કબીરસાહેબ તો પેલા (વણકર) છે તેની વાત કરો છો ? ત્યારે કહે 'હા.' ત્યારે કહે, 'એ તોે પેણે ઝૂંપડી બાંધેલી છે, ત્યાંથી કસાઈવાડમાં રહીને જાવ.' એટલે તુલસીદાસ બ્રાહ્મણ, ચોખ્ખા માણસ, તે કસાઈવાડમાં પેઠા. આ બાજુ બાંધેલું હોય બકરુ, આ બાજુ મરઘુ બાંધેલુ હોય. તે મુશ્કેલીમાં મૂકાઈ ગયા. તે આ બાજુ આમ જુવે ને પછી આમ થૂંકે. એમ કરતાં કરતાં ત્યાં ગયા. તો મુશ્કેલી ના પડે ! આ તુલસીદાસ પ્રેક્ટીસમાં નહીં લાવેલાં કારણ કે હંમેશાં દરેક વસ્તુ પ્રેક્ટીસમાં લાવવી જોઈએ. તે આ ફસામણ થઈ, તે પછી તુલસીદાસ તો ત્યાં જઈને ઘેર બેઠાં. ત્યારે કહે છે કે કબીરસાહેબ તો અંદર રસોડામાં ગયા છે. એક-બે ભક્તો બેઠાં હશે તે એમણે કહ્યું, કે બેસો સાહેબ. તે બેસાડ્યા ચાર પાઈ ઉપર. પછી કબીર સાહેબ આવ્યા. કહે છે આપણે સત્સંગ કરીએ છીએ. પણ પહેલું પેલું મનમાં હતું, તે તુલસીદાસ બોલી ગયા કે, તમે આવડા મોટા સં

ત, આખા હિન્દુસ્તાનમાં તમારી ખ્યાતિ અને અહીં ખાટકીવાડમાં ક્યાં રહો છો ? એટલે આ તો હાજરજવાબી, એમને દોહો બનાવવો ના પડે. એ બોલે એ જ દોહો. એ બોલી ઉઠ્યા, 'કબીર કા ઘર બાજાર મેં, ગલકટીયો કે પાસ.' ગલકટીયો એટલે ગળાં કાપનારો કસાઈની નજીકમાં અમારું ઘર છે. પછી કહે છે, 'કરેગા સો પાવેગાં, તું કયું હોવે ઉદાસ?' આ જે કરશે, તે એનું ફળ ભોગવશે. તું શું કરવા ઉદાસ થાય છે તે ?! એટલે તુલસીદાસ સમજી ગયાં કે મારી બધી ભક્તિની ધૂળ કાઢી નાખી, આબરૂ લઈ નાખી.

એવી આબરૂ ના જાય એવું રહેવું જોઈએ. આપણે ભાવના સારી રાખવી. આ કાળથી નહીં, અનાદિકાળથી આવું ને આવું ચાલ્યું જ આવે છે. રામચંદ્રજીનાં નોકર હઉ માંસાહાર કરતા'તા. કારણ કે ક્ષત્રિયો માંસાહાર વગર રહેતાં હશે કે ?

આપણે ભાવના સારી રાખવી. આ હુલ્લડમાં પડવું નહીં, આ ટોળામાં. કારણ કે એ લોકો અણસમજણથી ઝઘડા ઊભાં કરે છે. એથી કશું વળતું નથી અને નુકસાન થાય છે. એનો અર્થ શું છે ?! એ ક્યારે ? કે ભઈ, આપણો જ રાજા હોય ત્યારે આણ ફેલાવે કે 'ભઈ, એય તમારે અમુક દિવસે નહીં કરવું.' અત્યારે આપણાં હાથમાં સત્તા નહીં અને એવું ડહાપણ કરવાનું કોણે કહ્યું છે ? તમે તમારું કામ કરો ને ! ભગવાનને ઘેર કોઈ મરતું જ નથી. તમે તમારું કામ કરી લો અને અનુમોદના રાખો. કોઈ ખરાબ ભાવ નહીં રાખવાનો.

મોટામાં મોટો અહિંસક કોણ ?

પણ આ જીવો બચાવવા કરતા એક જ વસ્તુ રાખવાની કે કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો. તે મનથી પણ દુઃખ ન હો, વાણીથી પણ દુઃખ ના હો અને વર્તનથી પણ દુઃખ ના હો ! બસ, એના જેવો મોટો અહિંસક કોઈ છે નહીં. આવો ભાવ હોય, આટલી જાગૃતિ હોવા છતાં દેહથી જે જીવડાં વટાઈ ગયાં એ 'વ્યવસ્થિત !' અને નવી બચાવવાની વાતો કોઈની કરવી નહીં.

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19