ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19 


મોટામાં મોટી હિંસા, કષાયમાં !

આ તો બધું ઊંધું જ બાફી નાખ્યું. એક બાજુ આવું કરે અને એક બાજુ જો કષાય કરે છે ! એટલે ત્રણ રૂપિયા નફો કરે છે ને કરોડ રૂપિયા ખોટ ખાય છે !! હવે આને વેપારી કેમ કહેવાય ? ને આ તો જુઓ, આમ ઠેઠ સુધી ઝાલી બેઠાં છે અને આમ પાર વગરની હિંસા કરે છે. મોટામાં મોટી હિંસા હોય આ જગતમાં, તો કષાયની (એટલે ક્રોધ-માન-માયા-લોભની) ! કોઈ કહેશે કે ભઈ, આ જીવ મારે છે અને આ કષાય કરે છે, તે કોને વધારે પાપ લાગે ? તો કષાય એટલા બધા કિંમતી છે કે જીવ મારે તેનાં કરતાં કષાયમાં વધારે પાપ છે.

વાતને સમજો...

એ બધી વાત ભગવાને કહી છે ને, એ તમને સમજવા માટે કહ્યું છે. આગ્રહો પકડવાના નથી. તમે જેટલું બને એટલું કરજો. ભગવાને એમ નથી કહ્યું કે શક્તિ બહાર કરજો.

જ્ઞાનીઓ પૂંછડું પકડાવે એવા નથી હોતા. આ બીજાં તો પૂંછડાં પકડાવે. જ્ઞાનીઓ તો શું કહેતા હતા કે લાભાલાભનો વેપાર જુઓ ! શરીરને ડુંગળીથી પચ્ચીસ ટકા ફાયદો થયો અને પાંચ ટકા ડુંગળીને લઈને નુકસાન થયું, એટલે મારે ઘેર વીસ રહ્યા. એવી રીતે કરતા હતા. જ્યારે આ લોકોએ લાભાલાભનો વેપાર ઉડાડી દીધો છે અને મારી-ઝુડીને 'ડુંગળી બંધ કરને, બટાકા બંધ કરને' કહેશે. અલ્યા, શા માટે ? બટાકા જોડે તમારે વેર છે ? કે તમારે ડુંગળી જોડે વેર છે ? અને પેલાને તો જે છોડ્યું હોય ને, તે જ યાદ આવ્યા કરે. ભગવાનની પેઠ એ જ યાદ આવ્યા કરે !

'અમે' પણ નિયમો પાળેલા !

જો કે હું તો જૈન નહોતો. હું જૈનેતર હતો. તો ય મારે આ જ્ઞાન થતાં પહેલાં કાયમ કંદમૂળ ત્યાગ હતો, કાયમ ચોવિયાર હતા, કાયમ ગરમ પાણી (ઊકાળીને) પીતો હતો. બહારગામ જઉં કે ગમે ત્યાં જઉં તો યે ઉકાળેલું પાણી ! અમે ને અમારા ભાગીદાર બન્નેવ ઉકાળેલાં પાણીની શીશીઓ જોડે રાખતા. એટલે અમે તો ભગવાનના નિયમમાં રહેતા હતા.

હવે કોઈને આ નિયમો કડક પડતા હોય તો કંઈ એવું નથી કે તમારે બધા પાળવા જ જોઈએ. હું તમને એમ ના કહું કે તમે આમ જ કરો. તમારાથી થાય તો કરજો. આ સારી વસ્તુ છે, હિતકારી છે. ભગવાને તો હિતકારી જાણી કહી છે, એને પકડી રાખવા માટે નથી કહ્યું. એના આગ્રહી થઈ જવા માટે નથી કહ્યું.

અમારે જ્ઞાની પુરુષને તો ત્યાગાત્યાગ ના હોય. પણ આ કેટલાંય લોકો એટલા બધા દુઃખી થાય છે કે, 'તમે ચોવિયાર ના કરો ?! અમને બહુ દુઃખ થાય છે.' મેં કહ્યું, 'ચોવિયાર કરીશું.' શું કરું ત્યારે ?! એ તો જ્ઞાની થયા પછી તો ત્યાગાત્યાગ સંભવે નહીં. પછી લોકોને સમજણ પડે એવું ગોઠવે. બાકી, અમને કોઈ ચીજની ખપ જ નહીં ને ! અમે તો, હિંસાના સાગરમાં ભગવાને અમને અહિંસક કહ્યા છે. બાકી, અમે તો પહેલેથી કાયમ ચોવિયાર કરતા હતા. હવે તો અમારે આ સત્સંગ ગોઠવ્યો હોય ને, એટલે કોઈ દિવસ ચોવિયાર હોય અને બે-ચાર દિવસ અમારે ચોવિયાર ના ય થાય. પણ અમારો હેતુ ચોવિયારનો ! એ મુખ્ય વસ્તુ છે.

ઉકાળેલું પાણી; પીવામાં !

પ્રશ્નકર્તા : આ પાણીને ઉકાળીને પીવાનું કહે છે, એ શાથી ?

દાદાશ્રી : એ શું કહેવા માગે છે ? પાણીના એક ટીપામાં અનંત જીવો છે. એટલે પાણીને ખૂબ ઉકાળો એટલે એ જીવો મરી જાય. અને પછી એ પાણી પીવો તો તમને શરીર સારું રહેશે ને તો આત્મધ્યાન રહેશે. ત્યારે તેનું આ લોકો ઊંધું સમજી બેઠા છે.

ભગવાને તો શરીર સારું રહેવા માટે બધા પ્રયોગ બતાવ્યા છે. એટલે ઊલટું પાણી ઉકાળીને પીવાનું કહે છે. પાણી ના ઉકાળીએ, તેને જીવહિંસા પાળી કહેવાય. પોતાનું શરીર ભલે બગડે પણ આપણે પાણી ઉકાળવું નથી. તેને બદલે આ તો ભગવાન પાણી ઉકાળીને પીવાનું કહે છે, તો તમારું શરીર સારું રહે. અને આઠ કલાક પછી ફરી પાછું મહીં જીવ પડી જશે, માટે ફરી એ ના પીશો. પાછું બીજું ઉકાળીને એ પીજો, એમ કહે છે.

એટલે આ પાણી ગરમ કરવાનું તે હિંસા માટે નથી કહ્યું, એ શારીરિક તંદુરસ્તી માટે કહ્યું છે. પાણી ગરમ કરવાથી એ જળકાય જીવો ખલાસ થઈ જાય છે. પણ એના પાપને માટે નથી કહ્યું. તમારાં શરીરને બહુ સારું રહે, પેટમાં જીવાત ઊભી ના થાય અને જ્ઞાનને આવરણ ના કરે એટલા માટે કહ્યું છે. એ પાણી ગરમ કરે એટલે મોટાં જંતુ હોય, તે બધા ય મરી જાય.

પ્રશ્નકર્તા : તો એ હિંસા થઈને ?

દાદાશ્રી : એ હિંસાનો વાંધો નથી. કારણ કે શરીર તંદુરસ્ત હોય તો તમે ધર્મ કરી શકો. અને આમ તો બધી હિંસા જ છે, આ જગતની અંદર નરી હિંસા જ છે. હિંસા બહાર એક અક્ષરે ય નથી. ખાવ છો, પીવો છો, એ બધાં જીવડાં જ છે.

હવે ભગવાને તો એકેન્દ્રિય જીવને માટે આવી ભાંજગડ કહી જ નથી. આ તો બધું ઊંધું બાફી નાખ્યું છે. એકેન્દ્રિય જીવને માટે એવું કહ્યું હોય ને, તો 'ટાઢું પાણી જ પીજો, નહીં તો પાણી ઉકાળવાથી બધા જીવો મરી જાય' એવું કહેત. પાણી ગરમ કરવામાં કેટલા જીવ માર્યા ?

પ્રશ્નકર્તા : અનેક.

દાદાશ્રી : એમાં જીવ દેખાતા નથી. પણ એ પાણી છે ને, એ અપકાય જીવ છે. એની કાયા જ પાણી છે, એનું શરીર જ પાણી છે. બોલો હવે, ત્યારે મહીં જીવ ક્યાં બેઠા હશે ? લોકોને એ શી રીતે જડે ? આ તો શરીર દેખાય છે. એ બધાં જીવોનાં શરીર ભેગાં કરીએ તે જ પાણી છે, પાણી રૂપી જેનું શરીર છે એવાં જીવો છે. હવે આનો પાર ક્યાં આવે ?!!

લીલોતરીમાં સમજાયું ઊંઘું...

પ્રશ્નકર્તા : ચોમાસામાં લીલોતરી નહીં ખાવી એમ કહે છે, તે શા માટે ?

દાદાશ્રી : લીલોતરીમાં ય લોકો અવળું સમજ્યા છે. લીલોતરી એટલે એ જીવની હિંસા નથી. લીલોતરી ઉપર સૂક્ષ્મ જીવાત બેસે છે અને એ જીવાત પેટમાં જાય તો રોગ થાય, શરીરને નુકસાન કરે છે, એટલે પછી ધર્મ થાય નહીં. એટલા માટે ભગવાને ના પાડી છે. આપણે શું કહેવા માગીએ છીએ કે આવું ઊંધું શું સમજ્યા ? તે ચોપડવાની હતી તે બધી પી ગયા અને પીવાની કહી હતી, તે ચોપડ્યા કરે છે તેથી મટતું દેખાતું નથી.

'એન્ટીબાયોટિક્સ'થી થતી હિંસા !

પ્રશ્નકર્તા : તાવ આવ્યો, ગુમડું થયું-પાક્યું, પછી આ જંતુઓ મહીં મારી નાખવાની દવા આપે.....

દાદાશ્રી : એવી જંતુની ચિંતા કરવાની નહીં.

પ્રશ્નકર્તા : પેટમાં કૃમિ થયાં હોય ને એને દવા ના આપે તો પેલું છોકરું મરી જાય.

દાદાશ્રી : એને દવા એવી પાવ કે મહીં કૃમિ કશું રહે જ નહીં, એ કરવાનું જ છે.

પ્રશ્નકર્તા : હવે આત્મસાધના માટે શરીરને સારું રાખવાનું. હવે એને સારું રાખતા જો જીવને હાનિ થાય તો એ કરવું કે ના કરવું ?

દાદાશ્રી : એવું છે ને, આત્મસાધના કોનું નામ કહેવાય છે ? કે તમારે શરીર સાચવવું છે, એવાં જો તમે ભાવ કરવા જશો તો સાધના ઓછી થશે. જો પૂરી સાધના કરવી હોય તો શરીરનું તમારે ધ્યાન નહીં રાખવાનું. શરીર તો એનું બધું લઈને આવેલો છે, બધી જ જાતની સાચવણી લઈને આવેલું છે અને તમારે એમાં કશો ડખો કરવાની જરૂર નથી. તમે આત્મસાધનામાં પૂરા પડી જાવ, હંડ્રેડ પરસેન્ટ. ને આ બીજું બધું કમ્પ્લિટ છે. તેથી હું કહું છું ને, કે ભૂતકાળ વહી ગયો, ભવિષ્યકાળ 'વ્યવસ્થિત'ના તાબામાં છે એટલે વર્તમાનમાં વર્તો !

છતાં અમે શું કહીએ છીએ કે જે દેહે જ્ઞાની પુરુષને ઓળખ્યા, એને મિત્ર સમાન માનજો. આ દવાઓ હિંસક હોય તો તે ય પણ કરજો ને, પણ શરીરને સાચવજો. કારણ કે લાભાલાભનો વેપાર છે આ. આ શરીર જો બે વર્ષ ટક્યું વધારે, તો આ દેહે જ્ઞાની પુરુષને ઓળખ્યા છે, તો બે વર્ષમાં કંઈનું કંઈ કામ કાઢી નાખશે અને એક બાજુ હિંસા બાબતમાં ખોટ જશે, તો એનાં કરતાં આ વીસ ગણી કમાણી છે. તો વીસમાંથી ઓગણીસ તો આપણે ઘેર રહ્યા. એટલે લાભાલાભનો વેપાર છે.

બાકી નર્યા જીવડાં જ છે. આ જગત નર્યું જીવડાં જ છે. આ શ્વાસમાં કેટલાંય જીવો મરી જાય છે, તો આપણે શું કરવું ? શ્વાસ લીધા વગર બેસી રહેવું ? બેસી રહેતા હોત તો સારું, એમનો ઉકેલ (!) આવી જાત. વગર કામનું ગાંડપણ કર્યું છે આ તો.

હવે એ બધું આનો કંઈ પાર જ નથી આવે એવો. એટલે જે કંઈ કરતાં હોય ને, તે કરતા રહેવું. આમા કંઈ ચૂંથાચૂંથ કરવા જેવું છે નહીં. ફક્ત જે જીવો આપણાથી ત્રાસ પામે છે એ જીવોનું બને ત્યાં સુધી નામ ના દેશો.

આહાર, ડેવલપમેન્ટના આધારે !

ફોરેનવાળા શું કહે છે ? 'ભગવાને આ દુનિયા બનાવી એટલે આ મનુષ્યોને બનાવ્યા. અને બીજું બધું આ બકરા-માછલા અમારા ખાવા માટે ભગવાને બનાવ્યા.' અરે, તમારા ખાવા માટે બનાવ્યા ત્યારે આ બિલાડા-કૂતરા-વાઘને કેમ નથી ખાતા ! ખાવા માટે બનાવ્યું હોય તો બધું સરખું બનાવ્યું હોય ને ? ભગવાન આવું કરે નહીં. ભગવાને બનાવ્યું હોય તો બધું તમારે માટે ખાવાલાયક ચીજો જ બનાવે. પણ આ તો જોડે જોડે અફીણે ય બનાવે છે કે નથી બનાવતા ? અને કૂચ હઉ હોય છે ને ? એને ય બનાવે છે ને ? જો ભગવાન બનાવતા હોય તો બધું શું કરવા બનાવે ? કૂચ ને એ બધાની શી જરૂર ? મનુષ્યનાં સુખને માટેની જ બધી ચીજ બનાવે નિરાંતે ! એટલે અવળું જ્ઞાન જાણી બેઠા છે કે આ ભગવાને બનાવ્યું. અને એ ફોરેનવાળા તો હજુ પુનર્જન્મ સમજતા નથી. એટલે મનમાં એમ થાય છે કે આ બધું આપણા ખાવા માટે જ છે. હવે પુનર્જન્મને સમજે તો તો મનમાં વિચાર આવે કે આપણો અવતાર થાય ત્યારે શું થાય ? પણ એમને એ વિચાર આવે નહીં.

આપણા હિન્દુસ્તાનના લોકોને વિચાર આવ્યો, ત્યારે આ બ્રાહ્મણો કહે છે, અમારાથી માંસાહાર ના અડાય. વૈશ્ય કહે છે કે, અમારાથી માસાંહાર ના અડાય. ક્ષુદ્રો કહે છે, અડાય. પણ એ લોકો તો મરેલું જાનવર હોય તેને ય ખાય. અને આ ક્ષત્રિયો છે તેય માંસાહાર ખાય.

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19